Search This Blog

30/03/2012

આવારા (’૫૧)

ફિલ્મ : આવારા (૫૧)
બૅનર  :  આર. કે. ફિલ્મ્સ
નિર્માતા - દિગ્દર્શક  :  રાજ કપૂર
સંગીત  :  શંકર જયકિશન
ગીતકારો  :  શૈલેન્દ્ર - હસરત
રનિંગ ટાઇમ  :  ૧૮૩ મિનિટ- ૧૯ રીલ્સ
કલાકારો  :  પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, નરગીસ, દીવાન બશેશરનાથ, શશીરાજ (શશી કપૂર), લીલા ચીટણીસ, કે. એન. સિંઘ, વિશ્વા મેહરા, કક્કુ, બી. એમ. વ્યાસ, બેબી ઝુબેદા, લીલા મિશ્રા, હની ઓબ્રાયન, ખાસ ભૂમિકા  :  પ્રેમનાથ.

ગીતો
૧. નૈયા તેરી મઝધાર, હોંશિયાર હોંશિયાર, સુઝે આર ન પાર.... મુહમ્મદ રફી
૨. પતિવ્રતા સીતામાઇ કો તુને દિયા બનવાસ.... મુહમ્મદ રફી
૩. આવારા હૂં, યા ગર્દિશ મેં હું આસમાન કા તારા હું.... મુકેશ
૪. એક, દો, તીન, આજા મૌસમ હૈ રંગીન.... શમશાદ બેગમ
૫. દમભર જો ઉધર મૂંહ ફેરે, ઓ ચંદા મૈ ઉન સે પ્યાર કર લુંગી.... લતા- મુકેશ
૬. એક બેવફા સે પ્યાર કિયા, ઉસે નઝર કો ચાર કિયા.... લતા મંગેશકર
૭. હમ તુઝસે મુહબ્બત કર કે સનમ, રોતે ભી રે હંસતે ભી રહે.... મુકેશ
૮. આ જાઓ તડપતે હૈ અરમાં, અબ રાત ગુઝરને વાલી હૈ.... લતા મંગેશકર
૯. જબ સે બલમ ઘર આયે, જીયરા મચલ મચલ જાયે.... લતા મંગેશકર
૧૦. તેરે બીના આગ યે ચાંદની, તુ આજા, તુ આજા... લતા મન્ના ડે
૧૧. ઘર આયા મેરા પરદેસી, પ્યાસ બુઝી મોરે અખીયન કી.... લતા મંગેશકર

આ તો આજની જનરેશનને તમે કહી શકો માટે કહી શકાય કે, રાજકપુરે ઠેઠ ૧૯૫૧માં બનાવેલી ફિલ્મ આવારાહજી આજે ય કેમ આટલી હદે પ્રસ્તુત લાગે છે ? એ માણસમાં કંઈક તો એવું હશે ને કે આવારાજેવી કોઈ એકાદી નહિ, એણે બનાવેલી બરસાત’, ‘આહ’, ‘આગ’, ‘શ્રી ૪૨૦’, ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘બુટપોલિશ’, ‘અબ દિલ્હી દૂર નહિ’, ‘જાગતે રહો’, ‘જાગતે રહો’, ‘સંગમકે છેલ્લે છેલ્લે બોબીપણ ક્લાસિકમાં ગણાઈને આજ પર્યંત ભુલાઈ નથી. આ માણસે ઉંચો ટેસ્ટ ધરાવતા ફિલ્મી પંડિતોથી માંડીને થિયેટરની બહાર સાયકલ પાર્ક કરીને ચાર કલાક લાઇનમાં ઉભા રહેતા સામાન્ય ફિલ્મી દર્શકોને પણ એક સરખા ખુશ કર્યા. મૂકેશે આ ફિલ્મમાં ગાયેલા ટાઇટલ સોન્ગ આવારા હૂં, યા ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હુંગીત દરમ્યાન રાજ કપૂર મુંબઈની ઝુંપડપટ્ટીમાં રમતા નાગા, કાળા અને ગરીબ બાળકને તેડી લે છે, એ દ્રષ્યની આખા વિશ્વે નોંધ લેવી પડી હતી. ફિલ્મના લેખક ખ્વાજા એહમદ અબ્બાસ કે ખુદ રાજ કપૂર સામ્યવાદી વિચારસરણી પર ઝૂકેલા હતા, એ બધી વાતો બકવાસ છે. આપણે ત્યાં સાહિત્ય કે ફિલ્મોમાં જ્યાં કંઇક ગરીબ તવંગરની વાત આવે કે, એના વિશે લખનારા કોઈક બહુ મોટું સંશોધન કરી લાવ્યા હોય એમ લખશે, ‘રાજ કપૂરની ફિલ્મોમાં સામ્યવાદની છાંટ હતી...!તારી ભલી થાય ચમના... અલ્યા, ત્રીજા વિશ્વના કોઈ પણ દેશમાં ગરીબ- તવંગરની વાત તો લગ્નવિધિના શ્વ્લોકો સિવાય બધામાં આવવાની... તું હેઠો બેસ, ભાઈ !

આવારાએવી જ ફિલ્મ હતી. ન ગમી હોય એવું કહેનારા તો હજી મળ્યા નથી, પણ કેમ ગમી ?’ એનો જવાબ શોધવા જવું પડે, એવી સત્યજીત રે- બ્રાન્ડની ફિલ્મો એ નહોતો બનાવતો. હકીકત કંઈક એવું કહે છ કે પિટ-ક્લાસના પ્રેક્ષકોને વધારે ગમે ને બોક્સ ઓફિસો છલકાવી દે, એવી મનમોહન દેસાઈ બ્રાન્ડની ફિલ્મો બનાવવી સહેલી છે... થિયેટરમાં માંડ છ- સાત પ્રેક્ષકો બેઠા હોય એવી સત્યજીત રે-બ્રાન્ડની ફિલ્મો બનાવવી તો એથી ય વધારે સહેલી છે. પોતાને કોઈ સમજણ નથી પડી એવું કબૂલ કરનારો વર્ગ આપણા દેશમાં આજથી ૨૦ હજાર વર્ષો પહેલા રહેતો હતો. હવે એવો શુદ્ધ ફાલ તો ક્યાં ઉતરે છે ? જે ફિલ્મ જોઈને કશી ગતાગમ ન પડે એને નેશનલ એવોર્ડ આપી દેવાની પ્રથા આપણા દેશમાં બહુ વખણાઈ છે. રાજ કપૂર બનાવતો એવી ફિલ્મો બનાવવી બહુ અઘરી છે, જે બન્ને વર્ગના પ્રેક્ષકોને એક સરખી ગમે... આવારાભારતમાં રજૂ થઈ, એની લંબાઈ ૧૯૩ મિનિટોની હતી. ઇંગ્લેન્ડમાં ૧૬૮ મિનિટો માટે બતાવાઈ અને અમેરિકામાં તો ગીતો બીતો કાઢી નાખવા પડે, એટલે ત્યાં આખી ફિલ્મ ૮૨ મિનિટમાં પૂરી થઈ ગઈ. પૃથ્વીરાજ કપૂરનો આખો પરિવાર ભગવાન શંકરનો પરમ ભક્ત હોવાથી રાજની ફિલ્મોમાં મહાદેવજીના પૂરા આશીર્વાદ હોય. આર. કે. જ નહિ શશી કપૂરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મોના લોગો જેવા પ્રથમ દ્રષ્યમાં પણ પાપાજીએક વૃક્ષ નીચે મહાદેવજીની આરાધના કરતા દેખાય છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજની બોલબાલા છે. વિલન હોવા છતાં પ્રેક્ષકોને એ ગમ્યા છે. એમના ય ફાધર દીવાન બશેશરનાથ (મૂળ શબ્દ વિશ્વેશ્વર’- વિશ્વના ઇશ્વરનો પંજાબી અપભ્રંશ બશેશર’) પણ ફિલ્મના પ્રારંભે અદાલતના ન્યાયમૂર્તિ તરીક દેખાય છે. રાજ કપૂરના બાળપણના કિરદારમાં શશીરાજ એટલે કે આપણો શશી કપૂર ઇવન નાનપણમાં ય કેવો રૂપકડો લાગતો હતો એ આવારાથી ખબર પડી કે, એ સહેજ પણ આવારા લાગતો નહોતો. આમ જોવા જઈએ તો ભારતના પ્રેક્ષકોએ કોઈ એક ખાનદાનની સળંગ પાંચ પેઢી ફિલ્મી પરદા પર જોઈ હોય તો એ કેવળ કપૂર-ખાનદાન છે. મામાજીતરીકે ઓળખાતા રાજકપૂરના સગા મામા વિશ્વા મેહરા એમની દરેક ફિલ્મોમાં પ્રોડક્શન ઇન્ચાર્જ ઉપરાંત બબ્બે- ત્રણ ત્રણ મિનિટની ભૂમિકામાં હોય. સગા સાળા પ્રેમનાથને પણ નૈયા તેરી મઝધાર, હોંશિયારગીતમાં માછીમાર તરીકે બતાવાયો છે. એ વાત જુદી છે કે, માછીમાર લાગવા માટે પ્રેમનાથને કોઈ નવો મેકઅપ નહી કરવો પડ્યો હોય ! કે. એન. સિંઘ પણ પૃથ્વીરાજની સાથે ૧૯૩૧માં ટૉકી ફિલ્મોની શરુઆતથી દોસ્તો હતા અને બન્ને કિંગસર્કલમાં બાજુ બાજુમાં રહેતા. બહુ ઓછી જાણીતી થયેલી એ એક જમાનાની ચરિત્ર અભિનેત્રી પરવિણ પોલ સાથે સિંઘ સાહેબ પરણ્યા હતા તો ૫૦ના દાયકામાં ઓલમોસ્ટ તમામ ફિલ્મોમાં એકાદ ડાન્સ માટે અચૂક દેખાતી ડાન્સર કુક્કુએ આ ફિલ્મમાં એક દો તીન આજા મૌસમ હૈ રંગીનનો ડાન્સ કર્યો છે. કક્કુની જાહોજલાલી એટલી હતી કે એના બંગલાની દિવાલને ગોળ ફરતે પોતાના જૂતા- ચપ્પલના એણે રૅક બનાવ્યા હતા. આટલા બધા પગરખાનો આંકડો હજારની ઉપર તો ગયો હશે ને ? પણ કમાયેલા પૈસા ઉડાડી મારવામાં કક્કુ આખરે ખાલી અને ખલાસ એવી થઈ ગઈ કે, રીતસર ભીખારણ બનીને એ મૃત્યુ પામી, નહિ તો હેલન તો પછી આવી... જમાનો આખો કક્કુને નામે લખાઈને આવ્યો હતો. એના જેવી કમ્મો, શીલા વાઝ કે ફિલ્મ નવરંગમાં આ દિલ સે દિલ મિલા લે...ગાતી તવાયફનો રોલ કરનાર વંદના’ (સાચું નામ આશા નાડકર્ણી) પછી ક્યાં ખોવાઈ ગયા તેની કોઈને ખબર પણ નથી. ગીતકાર ભરત વ્યાસના સગા ભાઈ બી. એમ. વ્યાસ એક જમાનામાં ચિત્રા- આઝાદવાળી ટારઝન- ઝીમ્બો બ્રાન્ડની ફિલ્મોમાં ખૌફનાક જાદુગર, રાક્ષસ કે ખુંખાર ખલનાયક તરીકે આવતા, આવારામાં પૃથ્વીરાજના જજ દોસ્ત તરીકે છે. (વ્યાસએટલે ગુજરાતી નહિ. આ લોકો રાજસ્થાની બ્રાહ્મણો હતા.) આમ તો, વધારામાં લીલાબાઈ ચીટણીસને બાદ કરતા આ ફિલ્મમાં મહત્ત્વના બીજા કોઈ પાત્રો નથી, છતાં નરગીસના પાત્રને રાજ કપૂરે ફક્ત શો-પીસ હીરોઇન રાખવાને બદલે ફિલ્મની વાર્તાને જરૂરી રોલ પણ આપ્યો છે. બહુ ઓછાને ખબર હશે કે નરગીસ રાજની ફક્ત પ્રેમિકા નહોતી... આર. કે. સ્ટુડિયોની નહિ પણ આર. કે. ફિલ્મ્સની બરોબરની ભાગીદાર પણ હતી. બન્ને વચ્ચે પ્રેમસંબંધના કારણે નરગીસે બીજા કોઈ હીરો સાથે કામ કરવાનું બંધ કરી દીઘું હતું. એ બંનેની સળંગ કોઈ ૧૩- ૧૪ ફિલ્મો આવી હતી, પણ રાજ કપૂરે પોતાના માટે બહાર કામ કરવાની છૂટ રાખી હતી.

એક દ્રષ્યમાં રાજ કપૂર નરગીસને સટસટસટ ૩- ૪ તમાચા મારી દે છે. ઘણાને આ દ્રષ્ય અસ્વીકાર્ય લાગ્યું હતું. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એક પુરુષ તરીકે રાજ કપૂર પૂરેપૂરો male chauvinist હતો (વપરાઉ ઉચ્ચાર શૉવિનિસ્ટથાય છે. ઓક્સફોર્ડ ડિક્શનૅરી મુજબ ચાઉવિનાઇસ્ટછે, જેનો અર્થ થાય છે, પોતાને બીજાથી સુપિરીયર ને બીજાને ઉતરતા માનતા સ્ત્રી કે પુરુષ.) લતા મંગેશકરનું આખું ખાનદાન આવું શૉવિનિસ્ટ છે, જે ગર્વથી માને છે કે, એમના સિવાય બીજા કોઈને ગાતા જ આવડતું નથી. કોઇ મંગેશકરે બીજી ગાયિકાના વખાણ કરેલા સાંભળ્યા હોય તો અચકાઈ- અચકાઈને માનજો ખરા કે, ગરબડ તમારી સમજમાં છે ! જો કે, રાજ કપૂર માટે સ્વ. દેવયાની ચૌબલ જેવી ફાયરબ્રાન્ડ પત્રકાર પણ ખોટો શબ્દ વાપરી બેઠી હતી. ક્યાંક એણે રાજનો ઉલ્લેખ મેસોચિસ્ટ’ (masochist) તરીકે કર્યો હતો. એ જે કહેવા માંગતી હશે, તેનો અર્થ સેક્સ દરમ્યાન સામેના પાત્રને શારીરિક ફટકારીને પીડા આપવી એવો થાય. રાજની ફિલ્મોમાં થોડા ઘણા એવા દ્રષ્ટાંતો છે, જેમાં એ હીરોઇનને તમાચા- બમાચા મારતો હોય જે માનસિક પીડા આપતો હોય પણ મેસોચિસ્ટના શબ્દાર્થ મુજબ આવી વ્યક્તિઓ પોતે માર ખાઈને સેક્સનો આનંદ લેનારી હોય છે, જે સામેની વ્યક્તિને ફટકારીને નહિ ! અહીં આવારામાં પણ નરગીસ એને મજાકમાં જંગલીકહે છે, એથી ધાગધાગા થઈને રાજ નરગિસને ૪- ૫ તમાચા ઠોકી દે છે. બહુ બહુ તો રાજને પરપીડક કહી શકાય... મેસોચિસ્ટ નહિ !

ચાર્લી ચેપ્લિનની દસ- બાર ફિલ્મો જોઈ ચૂકેલાઓ સમજ્યા- જાણ્યા વગર બાફી મારે છે કે રાજ કપૂર એની નકલ કરતો હતો. ચેપ્લિનનું તકીયાકલામ પાત્ર એક ટ્રેમ્પ (રખડુ)નું હતું, જે કોઈ પણ દેશના સામાન્ય માણસનું પ્રતીક હતું. રાજ કપૂરે ચેપ્લિનનો ગેટ-અપ બેશક લીધો હતો, પાત્રની જેમ આ પાત્રની રાજે પ્રેરણા ચોક્કસ લીધી કહેવાય પણ એને નકલ ન કહેવાય. મેં ખુદ ચાર્લીની ઇવન ૧૯૧૮ના ગાળામાં બનેલી શોર્ટ ફિલ્મોથી માંડીને બધી ફિલ્મો જોઈ છે. કોઈ માઇલ્ડ અપવાદને બાદ કરતાં એકેયમાં રાજે ચાર્લીની ક્યાંય નકલ કરી હોય, એવું જણાયું નથી. આ જ ફિલ્મની વાત કરીએ તો, સજ્જન પરિવારમાં સુશીલ અને ખરાબ પરિવારમાં ખરાબ બાળકો જ જન્મે છે, એવું નિશ્ચિતપણે માનતા જજ રઘુનાથ શંકાના આધારે ગર્ભવતી પત્નીને તરછોડી મૂકે છે, જેને ઝુંપડપટ્ટીમાં પોતાના બાળકોનો ઉછેર કરવો પડે છે. ગરીબીને કારણે એ બાળક આવારા બને છે ને ખૂનના આરોપ હેઠળ જેલમાં જાય છે. હજી એ જ જીદ્દી ખયાલાતના કૈદી એવા ન્યાયમૂર્તિ રધુનાથને છેલ્લે ખબર પડે છે કે એ આવારા અને ખૂની એમણે જ ત્યજી દીધેલી પત્નીનું સંતાન છે, ત્યારે પસ્તાવો પૂરો કરી લીધા પછી પુત્રને સ્વીકારે છે.

શંકર- જયકિશનનું સંગીત સર્વોત્તમ હોય, એમાં નવાઈ શેની ? ને એમાં ય પાછી આ તો રાજ કપૂરની ફિલ્મ. ઘૂનો તો આર. કે. ફિલ્મના નેરેટીવ મુજબ રાજ કપુરીયન જ બને. રાજે બનાવેલી એની ફિલ્મોની તમામ ઘૂનોમાં રાજની એક ચોક્કસ પેટર્ન દેખાય. શંકર- જયકિશન બીજા બધાની ફિલ્મોમાં મનફાવે તેટલા પૈસા માંગતા અને મળતા. અહીં આર. કે. સ્ટુડિયોમાં તો બન્ને પગારદાર નોકરો હતા. વર્ષે ફિલ્મ બને કે ન બને. એમને દર મહિને પગાર મળી જાય. કમાલની વાત એ છે કે, આ બન્ને સંગીતકારોએ તેમની કોઈ પણ ફિલ્મમાં શમશાદ બેગમનો કંઠ કદી લીધો નથી, એક માત્ર આ ફિલ્મમાં અપવાદ છે, ‘એક દો તીન આજા મૌસમ હૈ રંગીન...તો ય ક્યાંય કશી ગરબડ તો હશે , કારણ કે શમશાદને કામ આપ્યા પછી ચાલુ ગીતે પાર્ટીના મહેમાનોના અવાજો અને હાહાહીહી ઉમેરીને ગીત જાણી જોઈને ડીસ્ટર્બ કર્યું હોય એવું લાગે. એ વાત જુદી છે કે, પાછળથી કરાવેલા નવા રેકોર્ડિંગમાં એ હાહાહીહી કાઢી નંખાયેલા છે. આવો જ કિસ્સો ગીતાદત્તનો છે, જેને નૌશાદે કદી ચાન્સ ન આપ્યો, સિવાય એક માત્રગીત પૂરતો, ફિલ્મ સન ઓફ ઇન્ડિયામાં. ‘‘મુઝે હુઝુર તુમ સે પ્યારા હૈ. ’’ રાજકારણ કોણ રમી ગયું, એ તો રમનારા જાણે પણ આ ગીત રેડિયો પર ન વાગે કે એની રેકોર્ડસ ન વેચાય, એની તમામ તરકીબો સફળ થઈ. નૌશાદે તો કિશોરકુમાર પાસે પણ એક જ ગીત છેલ્લે છેલ્લે ગવડાવ્યું, રાજેન્દ્ર કુમાર- હેમા માલિનીની ફિલ્મ સુનહરા સંસારમાં.. રામ જાણે ઇવન કિશોરના ય કેટલા ચાહકોએ એ સાંભળ્યું હશે.

રાજ સ્ટાઇલ મુજબ, એની ફિલ્મોમાં વાગતા બ્રેકગાઉન્ડ મ્યુઝિકનો એ આવનારી કોઈ ફિલ્મમાં ઘૂન તરીકે ઉપયોગ કરી લે છે, એમ અહીં આવારામાં ઓ બસંતી પવન પાગલ, ના જા રે ના જા, રોકો કોઈ..ની ઘૂન વાગતી રહે છે. પછી એ ઘૂન કઈ ફિલ્મમાં વપરાઈ, તેની તમને ખબર છે.

ફિલ્મની વાર્તાના બે મોરલ છે એક તો જરૂરી નથી કે ઉચ્ચ પરિવારના સંતાનો ઉચ્ચ વિચારોના જ બને કે તેથી ઉલટું ! અને બીજું, દેશમાં ગુન્હાખોરી ગરીબી અને શિક્ષણના અભાવને કારણે પેદા થતી રહે છે.

યસ, એક માઠા સમાચાર ખાસ કરીને અમદાવાદના ફિલ્મચાહકોને એ આપવાના કે, યાદ હોય તો શહેરના પાનના ગલ્લે ફિલ્મી હીરો-હીરોઇનના સુંદર અને પરફેક્ટ સ્કેચ બનાવનાર બહુ મોટા કલાકાર સ્વ. પૃથ્વીનું અવસાન થયું છે જૂનાથી માંડીને આજના હીરો- હીરોઇનના એમણે બનાવેલ સ્કેચ એક મિસાલ છે. હિંદી ફિલ્મ સંગીતકારોના મારા પુસ્તક ફિલ્મ સંગીતના એ મઘુરા વર્ષોના ટાઇટલ પૅઇજ ઉપરાંત પુસ્તકમાં પણ ઘણા સ્કૅચ સ્વ. પૃથ્વીએ એક પણ પૈસો લીધા વિના બનાવી આપ્યા હતા. પૃથ્વીરાજ કપૂરનો એમણે બનાવેલો સ્કૅચ જોઈ રાજ કપૂર આભા બની ગયા હતા ને પૃથ્વીને શાબાશી સાથે કહ્યું હતું કે, કોઈ ચિત્રકાર આટલું પરફેક્શન લાવી શકે, તે માની શકતો નથી. 

આવા મહાન કલાકાર માટે આપણા સહુની શ્રદ્ધાંજલિ કે પરમેશ્વર એમના આત્માને શાંતિ આપે... એ તો આપશે જ, કારણ કે ઉપર ગયા પછી સ્વ. પૃથ્વી તમામ દેવી- દેવતાઓના પણ એવા જ આબેહૂબ સ્કૅચ બનાવશે.

28/03/2012

જમતા પણ આવડવું જોઇએ

બૂફેકેટલી હદે ચીપ થઇ ગયુ છે કે, આપણું ચાલે તો હવે જમવા સિવાયની ક્રિયાઓ પણ બૂફે સ્ટાઇલમાં એટલે કે ઊભા ઊભા કરી નાંખીએ! ઘસઘસાટ ઊંઘવાનું ઊભા ઊભા, ગાડી ઊભા ઊભા ચલાવવાની, સોફા-બોફા કાઢી નાંખીને મેહમાનો આવે, એ બધા બૂફે-પદ્ધતિથી ઊભા ઊભા વાતો કરે. એસ.ટી.ની ભરચક બસોમાં મુસાફરો એકલા શું કામ ઊભા રહે.. ડ્રાઇવર ઊભો થઇને બસ ચલાવે. બાબા રામદેવને કહેવડાવી દેવાનું કે, સુઇને કે ઊંધા પડીને કરવાના તમામ યોગાસનો ઊભા કરી નાંખો... ઇવન શવાસન પણ!

જગતમાં બૂફેની પહેલી શરૂઆત આપણા પાણી- પુરીવાળા ભાઇઓએ કરી હતી, તેની કોઇએ નોંધ લીધી નથી. પાણી પુરી એ જગતનું સર્વપ્રથમ બુફે છે. જેમ આઇસ્ક્રીમ એવી ચીજ છે, જે ચમચી કે સ્ટિક વગર ખાઇ શકાતો નથી. એને ખાવા માટે ચમચી જોઇએ. નહિ તો છોકરૂં દૂદુપીતું હોય, એમ પી જવો પડે. પાણી-પુરી એવી છે, જે કદાપિ સુતા સુતા કે બેઠા બેઠા ખાઇ શકાતી નથી. ચમચીમાં મૂકીને તો હજી સુધી કોઇએ ખાધી નથી. પુરી-પકોડીનો બીજો એક વર્લ્ડ રેકર્ડ છે.. પુરાણ કાળમાં રાજા દુષ્યંતે શકુંતલાને તરછોડી દીધી હતી ને ૫૦-ના કાળમાં ફિલ્મ આવારામાં પૃથ્વીરાજ કપૂરે લીલા ચીટણીસને તરછોડી દીધી હતી, એમ પકોડીને છોડી કે છાંડી શકાતી નથી. એક મોંઢામાં હોય ત્યાં સુધી ભૈયો બીજી આપતો નથી. એટલે છંડાવાનો કોઇ ચાન્સ જ રહેતો નથી. વિશ્વાસ ન આવતો હોય તો શહેરકા ચપ્પા ચપ્પા છાન મારો... સૉરી, પકોડી કા ખૂમચા- ખૂમચા છાન મારો.... એકેય ભૈયાને ત્યાં છાંડેલી પકોડીઓ તમે પકડી નહિ શકો.

હવે આ ફકરાથી હું પૂરી ધાર્મિકતાપૂર્વક કહું છું કે મંદિરોના પ્રસાદમાં મેવા- મિષ્ટાનને બદલે પ્રભુને પકોડીઓ ધરાવવાનું રાખો. બગાડ ન થાય એટલે શરત પણ રાખવાની કે, જેટલી પકોડીઓ પ્રભુને ધરાવો, એટલી બધી મંદિરમાં મહીં ને મહીં જ ખાઇ જવાની અથવા અન્ય ભક્તોને ખવડાવી મારવાની. કેવા મનોહર દ્રષ્યો મંદિરના પરિસરમાં સર્જાય? ઓહો... ઓહો.. ઓઓઓઓહો...! ભલેને કોઇ અબજોપતિ હોય, એ ય ખભે લાલ ઘમચો લટકાવીને ગ્રાહકોને - સોરી ભક્તોને માટલામાં બોળી બોળીને પ્રસાદની માફક પાણી પૂરીઓ ખવડાવતો હોય. હવે દ્રષ્યો ધારી જુઓ. આ બાજુ મૂકેશ અંબાણી મોટા ટોપલા લઇને ભક્તોને પ્રસાદ એટલે કે પાણી પુરી ખવડાવતા હોય, બીજી બાજુ ગૌતમ અદાણીને કોઇ ભક્તાણી રીકવેસ્ટ કરતા હોય, ‘‘ભૈયાજી, જરા બડી બડી પકોડી આલો ના... તુમ બોત છોટી દેતે હો...’’ તો ત્રીજા ખૂમચે લાચાર થઇને નિરમાવાળા કરસનભાઇ ઘરાક વગરના ઊભા હોય. એમની પાસે તો દૂધની સફેદી જેવી ધોળી અને સબ કી પસંદ રંગીન પકોડીઓ પણ લારીમાં પડી હોય અને આવતા-જતા ભક્તોને રીકવેસ્ટો કરી કરીને થાકી ગયા હોય, ‘‘પકોડી પાવડર નિરમા...? જયા, રેખા, હેમા ઔર સુષ્મા...’’ મંદિરોની સુખડી કે પકોડી બંનેમાં આ બબાલ તો રહેવાની કે, આવતા-જતા ભક્તોને આજીજીઓ કરી કરીને બોલાવો તો ય કોઇ ના આવે... એમને ય પોતાની પકોડીઓ બીજાને પધરાવવાની હોય ને? ભક્તો કરસનભાઇના ખૂમચે પકોડી ખાવાને બદલે સીધા પેલી જયા, રેખા, હેમા ઔર સુષ્મા પાસે પ્રસાદ લેવા ન જાય? કોઇ પંખો ચાલુ કરો...!

પ્રસાદમાં પકોડી રાખવાથી દેશને મોટો ફાયદો અનાજનો બગાડ રોકવાનો છે. અત્યારે તો વધેલી સુખડી સાંજ પડે ગામના કૂતરાંને ખવડાવી દેવી પડે છે... હું નથી માનતો કે, પ્રસાદમાં પકોડી આવી ગયા પછી એકેય શેઠીઓ કૂતરાને પકોડી ખવડાવવા ઊભો રહે... ‘‘લે છુછુછુ.. ખા, પકોડી ખા..’’

કબુલ કરી દેવાય એવુ છે કે, હજી હોટલમાં જમવા ગયા હોઇએ, ત્યાં ઓર્ડર આપતા બધાને આવડતું નથી. સ્ટાર્ટરમાં શું મંગાવાય, ડિનર સાથે સોફ્‌ટ ડ્રિન્ક કયું જોઇએ, કઇ સબ્જી કોની સાથે જાય, કઇ સબ્જી ગળપણવાળી છે ને ડેઝર્ટમાં શું મંગાવાય ને છેલ્લે વેઇટરને ટીપ કેટલી અપાય, નૂડલ્સ, પાસ્તા કે મેક્રોની વચ્ચે શું ફરક હોય એની બધાને સમજણ પડે છે, એવું નથી. હજી આજની તારીખે હોટેલોમાં ડીનર પત્યા પછી, હાથ ધોવા માટે મૂકવામાં આવતું લિંબુ અને ગરમ પાણીવાળું ફિંગર-બાઉલ ઘણા મીઠું ભભરાવીને પી જાય છે.

... અને સાચૂ પૂછો તો એમાં કાંઇ શરમાવા જેવું ય નથી. આવું ૫-કોર્સ કે ૭ -કોર્સના લંચ-ડિનરો જમવાની પઘ્ધતિ આપણી નથી.... આપણે તો ધોળિયાઓની નકલ માત્ર કરી છે. બઘું આવડે, એ જરૂરી નથી. એ લોકોને ચારે આંગળીએ દાળ-ભાત ખાતા આવડે? અમારા કાઠિયાવાડનું ઢીંચણીયું એ લોકોએ જોયું હોય? એ લોકો ૪૦-જણા ડીનર લેવા બેઠા હોય, પણ ખૂણામાં એક ચમચી ખસવાનો અવાજે ય સંભળાય, એટલી શાંતિથી જમવાનું, તો બીજી બાજુ આવી જાઓ બાદશાહો અમારા અમદાવાદમાં રવિવારે બુમાબુમ ને મોટે મોટેથી વાતો સાથે ભલભલા ડાયનિંગ-હૉલની મેથી મારતા અમારા અમદાવાદીઓને જુઓ જમતા ને થઇ જાઓ ભાયયા! હાહાહિહિહૂહૂ કરતા જમવાનું ને અમારૂં ચાલે તો ટેબલ ઉપર ચઢીને કબડ્ડી કબડ્ડી પણ રમી નાંખીએ.. હઓ! આજુબાજુમાં બેઠેલા બીજા ફેમિલીઓ તો કેમ જાણે હોટલનું રાતનું વધેલું - ઘટેલું ખાવા આવ્યા હોય, એવી લાચારીથી સહન બધા કરે જાય, બોલે કોઇ નહિ. આમાંને આમાં તો સૈફ અલી ખાનનું લબોચું પેલાએ ભાંગી નાંખ્યું હતું!

ઓર્ડર આપતા ભાગ્યે જ કોઇને ફાવતો હોય છે. આવ્યા હોય ટોટલ આઠ જણા જમવા, એમાં તો આખી ન્યાત જમાડવાની હોય, એટલો વિરાટ ઓર્ડર સ્ટ્યુઅર્ડને લખાવવા બેસશે. અહીં કોઇ ઝૂકીને, હાથમાં નોટ-પેન લઇને એનું માને છે, એટલે આવડો આ વધારે તાનમાં આવી જાય. એમાં ય સ્ટ્યુઅર્ડ એને ‘‘યસ સર...’’ કહી દે, પછી તો એવો ઉપડે કે, આખું સુરત શહેર દાનમાં આવી દેવાનું હોય, એમ એક હાથ ખુરશીની પાછળ, ઢીંચણ ઉપર બીજો ઢીંચણ ચઢાવેલો, મોઢુ ઊંચુ, ઓર્ડરની આઇટમો પહેલી બે આંગળીઓ હલાવીને લખાવવાની અને બોલવાનું ઇંગ્લિશમાં.. સિવાય કે પેલો સામો જવાબ ઇંગ્લિશમાં આપે તો, પ્રાથમિક શાળાનો માસ્તર ઇન્ટરવ્યુ પત્યા પહેલા રાજીનામુ આપીને આવતો રહે, એમ આ ‘‘ઓકે...યસ યસ.. લે..આઓ.. જરા જલ્દી લાના, હોં.’’ આ પાછળવાળું ‘‘હોં’’ એના સ્વ.પિતા વસિયતનામામાં લખાવતા ગયેલા કે, ‘‘બેટા સોરી બોલે કે થેન્ક યૂ બોલે... છેલ્લે હોંઆવવું જોઇએ.’’ ઇંગ્લિશ ભાષા હજી એટલી સમૃદ્ધ થઇ નથી કે, ‘હોંનું ઇંગ્લિશ થાય!

જમતી વખતે કે જમી લીધા પછી આમ તો બીજાની થાળીમાં જોવું, ઇન્ડીસન્સી કહેવાય, છતાં જોવાઇ જાય તો જો જો કે, એ લોકો જમીને ઊભા થાય, ત્યારે મોટા ભાગની ડિશો છાંડેલી હશે. બાપ ગામનું કરી કરીને કમાઇને બેઠો હોય એટલે એના બાપની દિવાળી ય ન કહેવાય.

હવે તો રૂ. ૩૦૦/૪૦૦ની એક સબ્જી આવે છે. સેન્ડવિચ પણ કોઇ ૧૫૦/૨૦૦થી ઓછી નહિ. બિલ વાંચીને અને આપીને આપણને ઘટનાસ્થળે જ ચાર ખાટા ખચરકા આવી જાય. હવે ફૂલફટાક યુવાનીમાં આવી ગયેલા આપણા સંતાનો એકદમ બિન્દાસ્ત કહી દે, ‘‘ઓહ, કમ ઓન ડેડ.. આટલું બિલ તો થાય જ ને?’’ તારી ભલી થાય ચમના... તારો બાપ સાયકલ પર બેસીને રેલવે સ્ટેશન પર ૬૦ પૈસાનો ઢોંસો ખાવા જતોતો ત્યારે ય આવું નહોતો બોલતો કે, ‘‘આટલું બિલ તો થાય જ ને?’’

પાંચ જણાના જમવાનું બિલ ૫૦- હજારનું થાય તો જીવ ન બળે, પણ ૫૦ ગ્રામ ગોટામાં ય એક ગોટું છાંડો, તો જે કમાઇને લાવ્યું હોય, એનો જીવ લાખ રૂપિયાનો બળે! સાચું પૂછો તો થાળીમાં કાંઇ પણ છાંડવાનો આપણને કોઇ હક્ક નથી. ગરીબો-બરીબોની વાત જવા દો, આવું છાંડેલું તો એમના પેટમાં ય જતું નથી. ગટરમાં જાય છે. કેટલાક લોકો જમ્યા પછી થાળીમાં પાણી નાંખીને ગોળ ગોળ હલાવીને પી જાય છે, એ બીજાને ચીતરી ચઢે એવી વાત છે, છતાં એમની ભાવનાની કદર છે. કમ-સે-કમ એ લોકો કંઇ એઠું તો મૂકતા નથી. ફિલ્મ ગાઇડમાં દેવઆનંદ સ્વામી બની ગયા પછી એક સરસ વાત કરે છે. ૪૦ કરોડ કી બસ્તી યદિ એક દિન કા ઉપવાસ કરે, તો ૪૦ - કરોડ ભૂખે પેટોં કો એક દિન કે લિયે અનાજ મિલ જાય...

મેરેજ-સિઝનમાં હવે ચડસ ઉપડે છે. પેલાએ ડિનરમાં પર-પ્લેટ રૂ. ૨,૦૦૦/-ની ડિશ રાખી હતી, એટલે આપણે ત્રણ હજારવાળી રાખવી પડે! ઘણાંને હજી માનવામાં નહિ આવે કે, ગયા નવેમ્બર ડિસેમ્બરની લગ્નસરામાં તમે જ્યાં જ્યાં જમી આવ્યા, એમાં છોકરી કે છોકરાના બાપે તમારા એકના જમવાના ઓછામાં ઓછા રૂ. હજાર ચૂકવ્યા હશે... જમવામાં હજાર રૂપિયા જેવો એવો તે શું દમ હતો ને તમે કેટલું જમ્યા, એ તો પછીની વાત છે. સ્પેનિશ, ચાયનીઝ, મેક્સિકન, થાઇ, ઇટાલિયન કે કોન્ટ્રાક્ટ લેનાર મહારાજને ત્યાં ગઇ કાલનું વધેલું બધેબઘું ફુડ તમે ગળચી આવ્યા છો. દીકરીના બાપનો ઇરાદો તમને આવું બઘું જમવાનું મળે, એટલો હોત તો લોકો પેટ ભરીને જમી શકે, એ માટે જમવામાં નોર્મલી વપરાતું ફુડ જમાડી શકે.

કોમિક અહીં શરૂ થાય છે, વાંચતી વખતે આજુબાજુમાં કોઇ ઊભું ન હોય તો હિંમત રાખીને કબૂલ કરી જ નાંખો કે, ડીનર વખતે શું શું લેવું ને કયું હાળુ રહી ગયું, એની તમને કેટલી સમજ પડતી હતી? અને પડે તો ય, જમ્યા કેટલું? વહેલી પરોઢે ચાલવા નીકળ્યા હો ત્યારે કોરા ધાકોડ રસ્તા ઉપર નાનાનાના કાગળીયા હવાના ઝોંકે ઝોંકે આમથી તેમ અફળાયા રાખે, એમ તમે હાથમાં એંઠી થાળી લઇને કેવા બુધીયાની જેમ ધૂમે રાખતા હતા? જમવાનું બદલે કોઇ એક્ઝિબિશન જોવા નીકળ્યા હો એમ, પાછું કુતુહલ કરવાનું, ‘‘એ પેલા ટેબલ પર શું છે?’’ ખબર પડે કે, ત્યાં તો ‘‘જૈન’’ છે, એટલે ‘‘જૈન’’ લઇ લીધા પછી ચાયનીઝના સ્ટોલ પર ફંટાવાનું. અમારી બાજુ હાથમાં થાળી લઇને દર દરની ઠોકરો ખાતા તો ફક્ત ભિખારીઓ ભટકતા હોય..! પંખો ચાલુ કરૂં...?

એ તો જે લગ્ન લઇને બેઠું હોય, એને ખબર પડે કે, લગ્નપ્રસંગે સૌથી મોટો ખર્ચ જમવાનો હોય છે. આપણે તો જાણે રસોઇવાળા મહારાજો માટે કમાઇ કમાઇને ભેગુ કર્યું હોય, એવા હડબોટીયાં ખાઇએ છીએ. હિસાબ હવે તમારી સમજમાં ય આવશે કે, આવી ત્રણ-ચાર હજારની થાળીવાળા ડીનરમાં ફેંકી દેવાનું કેટલું નીકળે? ખઇ ખઇને તમે કેટલું ખાવાના? કોમર્સનું ભણ્યા હો તો ખ્યાલ હશે કે, જેટલો પૈસો વધેલા એંઠવાડ પર ચૂકવ્યો છે, એટલામાં તો દીકરીને એકાદ કાર ગિફ્‌ટ આપી શક્યા હોત..! દેશની કમનસીબી જ એ છે કે, દીકરીને કોઇ લાખ- બે લાખવાળી નહિ, ૧૫-૨૦ લાખવાળી ગાડી ગીફ્‌ટમાં આપ્યા પછી એંઠવાડનો આટલો ખર્ચો તો હસી નાંખવાનો હોય ! 

કોઇ કહી ગયું છે ને કે, મફતમાં મળેલી આઝાદીની કિંમત નથી .

સિક્સર
- ગુજરાત વિધાનસભામાં બે ધારાસભ્યો અશ્વ્લિલ વિડીયો જોતા ઝડપાયા...!
-
ચલો.. આખી વિધાનસભામાં બે જણા તો નોર્મલછે!

25/03/2012

ઍનકાઉન્ટર : 25-03-2012

* ભારત-પાકિસ્તાનના સંબંધો ક્યારે સુધરશે?
-
દુશ્મનો સાથે સંબંધો સુધારવાના ન હોય... એમને સીધા કરવાના હોય! ...એમાં ય હવે દેશમાં રાજ મુલાયમસિંઘોનું આવી રહ્યું છે, એટલે સીધા આપણે થઇ જતા શીખવાનું છે!
(
સુધીર ભટ્ટ, ભાવનગર) 

*
હમ સે દોસ્તી કરોગે?
-
તમારો ટેસ્ટ ઊંચો લઇ જાઓ!
(
સુમન એમ. ચૌહાણ, રાજકોટ) 

*
તમારા સાળાએ તમને ભેટ આપેલી સાડા પાંચ લાખની ઘડીયાળ...!
-
આજકાલ હું નવો સાળો શોધી રહ્યો છું.
(
ડૉ. પ્રવીણગીરી ગોસ્વામી, પોરબંદર) 

*
ડિમ્પલની મુલાકાત 'કાકા' સાથે થઇ, તે પહેલા તમારી સાથે થઇ હોત તો?
-
તો એ તમારી 'કાકી' કહેવાતી હોત!
(
જાગૃતિ પી. ગોસ્વામી, પોરબંદર) 

*
જેના પિતૃઓ નારાજ હોય, એમને ત્યાં શ્રાધ્ધમાં કાગડા ય ફરકતા નથી. સાચું?
-
હું તો જો કે બધે ફરકી આવું છું... હઓ!
(
રણધીર કે. દેસાઈ, સુરત) 

*
હિંદુઓમાં વર્ણવ્યવસ્થા ક્યારે દૂર થશે?
-
જ્યારે દેશપ્રેમ જાગૃત થશે.
(
ભરત વાણીયા, ભચાઉ-કચ્છ) 

*
નવી વહુના કંકુ પગલાં એટલે શું?
-
જે પાડે છે, એને એનો અર્થ ખબર હોય તો ઘર સુખી થાય.
(
વિવેક માધાણી, રાજકોટ) 

*
ધર્મને નામે દેશને ભડકાવતા રાજકારણીને સીધા કરવાનો કોઇ ઉપાય? 
-
દેશને છોડીને આપણે સહુ પણ પોતપોતાના ધર્મને જ સર્વોત્તમ માનીએ છીએ ને? ધર્મ કરતા દેશ વહાલો હોય, એવા પાંચ ભારતીયો તો શોધો!
(
વૃંદાવન ર. દાવડા, જામનગર) 
 
* ભારતીય સંસ્કૃતિમાં માતાની પ્રશંસામાં ક્યાંક પિતાને અન્યાય થતો હોય, એવું નથી લાગતું?
-
જે માતાને જુઠ્ઠું બોલવાની આદત હોય, એના બાળકો કદી પિતાના થઇ શકે નહિ!
(
જનક રાવલ, રાંધેજા) 

*
મારા મિત્રનું લગ્ન છે. એને આશ્વાસન આપવા જવું છે.
-
તમારામાં એ આવ્યો હોય તો વ્યવહારમાં જવું પડે!
(
ડૉ. દીપક સી. ભટ્ટ, બોડેલી) 

*
ઈશ્વરે સ્ત્રીનું સર્જન કર્યા પછી 'હાથ ધોઇ નાંખ્યા' એટલે શું?
-
એણે ય 'નાહી નાંખ્યું' હતું...!
(
લલિત ઓઝા, જૂનાગઢ) 

*
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હીરોને તમારે ઍવૉર્ડ આપવાનો હોય તો શું આપો?
-
એમની ફિલ્મની ટીકીટ.
(
નિરાલી પટેલ, સુરત) 

*
સ્કૂલના છોકરા-છોકરીઓ રોમાન્સના રવાડે ચઢી ગયા છે. એ બન્નેમાંથી જવાબદાર કોણ?
-
સ્કૂલો.
(
મૌલેશ વાય. અમીન, મુંબઇ) 

*
તમે હંમેશા તમારી જ પીપૂડી કેમ વગાડો છો?
-
કારણ કે, હું એ એક જ વાજીંત્ર વગાડતા શીખ્યો છું.
(
ગૌતમ જે. પરીખ, અમદાવાદ) 

*
આપણા દેશમાં જ આટલી બધી સ્ટોરીઓ છે, છતાં ફિલ્મવાળા હૉલીવૂડમાંથી ઊઠાંતરી કેમ કરે છે?
-
ત્યાંથી હીરોઇનો ઉઠાવી લવાય એવું નથી.
(
સલોની વિપુલ મેહતા, મુંબઇ) 

* '
ઍનકાઉન્ટર'ના મજાકીયા જવાબો તમે આપો છે કે બીજું કોઇ?
-
મજાકીયા તો તમે કહો છો... ઘણા તો રડી પડે છે!
(
સંજીવ ડી. દેસાઇ, મુંબઇ) 

*
લગ્ન નિમિત્તે વર-કન્યાને બદલે સાસુના જન્માક્ષર જોવડાવવા જોઇએ... સાચું?
- '
ડોહો આની પાસે ટકી કેવી રીતે ગયો?' એ મર્દાનગી તપાસવા ભાવિ સસરાના જન્માક્ષર જોવડાવવા બેહતર.
(
મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર) 

*
ફૂલદાનીમાં ફૂલ જ હોય ને સાબુદાનીમાં સાબુ, તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ પૂરાયેલો હોય છે?
-
કોયલ-લોકોમાં કેવું હોય કે, નર કોયલ જ ગાઈ શકે છે, માદા કોયલ નહિ, એમ મચ્છર-લોકોમાં મચ્છરી જ કરડતી હોય છે... પુરૃષને તો મચ્છરદાનીની અંદર શું ને બહાર શું...! જય કન્હૈયાલાલ કી...!
(
અફરોઝબેન મીરાણી, મહુવા) 

*
ખર્ચાળ પત્ની સામે ટકી રહેવાનો કોઇ ઉપાય?
-
અમે તો જાણે બહુ બધા ટકી ગયા હોઇશું તે... વાત કરે છે!
(
નયન ભટ્ટ, મુંબઇ) 

*
રાજેશ ખન્ના કહે છે, 'સુંદરતા જોનારની આંખોમાં હોય છે.'
-
સો ઉંદરડીઓ મારીને ડોહા અંબાજી ગયા છે.
(
આર્યન સી. કાપડીયા, વડોદરા) 

*
મફતની સરકારી ગાડીઓમાં ફરતા ધારાસભ્યો માટે એસ.ટી. બસમાં રીઝર્વ્ડ સીટો રાખવી પ્રજાની મશ્કરી...?
-
આવી એક એસ.ટી. બસમાં ધારાસભ્યની સીટ પર એક અલખ નિરંજન બાવો બેઠો હતો. મેં પૂછ્યું, ''આપ પહેલા ધારાસભ્ય હતા?'' એણે જવાબ આપ્યો, ''હવે થવું છે.''
(
પ્રદીપ પંડયા, હિંમતનગર) 

*
તમે આટલા સ્માર્ટ લેખક કોને કારણે છો?
-
ફક્ત બેવકૂફ વાચકો જ મને ચલાવી લેતા નથી.
(
ધ્રુવ  પંચાસરા, વિરમગામ) 

* '
કાલા પાની'ની સજા ફરી ચાલુ કરવાનો સમય આવી ગયો હોય એવું તમને ય લાગે છે?
-
આ સવાલ તમે કોને ધ્યાનમાં રાખીને પૂછ્યો છે, એ સમજી લઉં પછી જવાબ આપું.
(
રજનીકાંત જી. ભૂડીયા, દ્વારકા) 

*
સરકારી અધિકારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તો ગૂન્હાખોરી અટકે કે નહિ?
-
એમાંના મોટા ભાગના ગૂન્હાખોરીની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.
(
જગજીવન સોની, કોડાય-કચ્છ) 

*
તમારી પાસે સાસુએ કરડે એવો કૂતરો છે? હું ખરીદવા તૈયાર છું.
-
મારી સાસુને મને કપાળમાં વહાલનું ચુંબન કર્યું હતું, એમાં મારે પેટમાં ૧૪ ઈન્જેકશનો લેવા પડયા હતા. કહો તો મારી સાસુને મોકલાવી આપું- વિના મૂલ્યે!
(
તુષાર નાણાવટી, રાજકોટ) 

* '
ઍનકાઉન્ટર'માં આપે, 'એક પણ સંત એમના અનુયાયીઓમાં દેશદાઝ ફેલાવતા નથી,' એવો જવાબ આપ્યો હતો. પરંતુ પન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબે કારગીલ યુધ્ધ વખતે જૈનોની ખાસ સભા બોલાવીને સૈનિકોના પરિવારો માટે મોટું ફંડ એકઠું કરેલું. એમના ૩૦૦માંથી ૧૫-૨૦ પુસ્તકો દેશપ્રેમને ઉજાગર કરનારા છે...
-
આવા પૂજ્ય સંતશ્રીને 'ઍનકાઉન્ટર'ના ૭૫ લાખ વાચકો તરફથી સાષ્ટાંગ પ્રણામ કરૃં છું.
(
એસ. શાહ, નવસારી)