Search This Blog

29/03/2015

ઍનકાઉન્ટર : 29-03-2015

* તમારા હાથે ફિલ્મ ઍક્ટ્રેસ હેલનજીને 'લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ' આપવાનો હોય તો કેવી લાગણી અનુભવો?
- બસ... હવે એમના ચરણસ્પર્શ કરવા દે તો ધન્ય.
(દિલીપ પટેલ, મુંબઈ)

* 'એન્કાઉન્ટર'માં જવાબો કોઈ બીજું લખી આપે છે, એ વાત સાચી?
- થૅન્ક ગૉડ, તમે મારા લગ્નમાં નહોતા આવ્યા!
(પરમેશ ભાણાભગવાનવાળા, સુરત)

* તમને કોઈ એક ગાલ પર તમાચો મારે તો ગાંધીજીના સિધ્ધાંત મુજબ બીજો ગાલ ધરો ખરા ?
- મારી બાજુમાં કોણ ઊભું છે, એના પરથી નિર્ણય લેવાય.
(દિનેશ બાંભણીયા, નાનાવાડા-કોડિનાર)

* હાસ્યલેખો કોની પ્રેરણાથી લખો છો?
- મને મળતા ચૅક ઉપર સહિ કરનારની.
(ચંદ્રકાંત બગરીયા, પૂણે-મહારાષ્ટ્ર)

* લખવા માટે લગ્ન અને બેસણાં ઉપરાંત તમારો કોઈ બીજો ફૅવરિટ સબ્જેક્ટ ખરો?
- છુટાછેડા અને બેસણાં વચ્ચે ખાસ કોઈ ફરક ન હોવાથી એ બાકી રહી ગયો છે.
(બ્રિજેશ ગાંગાણી, સુરત)

* અત્યારે આપણી ધરતીનો ધબકાર કોણ છે?
- સફાઈ કામદાર.
(વિનોદ જેપાલ, અમદાવાદ)

* શિયાળાની સવારની ઠંડીને 'ગુલાબી' ઠંડી કહેવાય, તો ઉનાળાની બપોરને...?
- બુધવાર સિવાયની બધી બપોરો કાળઝાળ...!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* તમે કહ્યું હતું, બાબા રામદેવ સિવાય કોઈ સંત દેશભક્તિની વાત કરતો નથી, પણ આ બાબા કરોડોની કરચોરી કરી લે છે, એનું શું?
- બાબા રામદેવ દેશભક્તિની વાત કરે છે, એવું મેં કીધું'તું... એ સંત છે એવું નહિ! બાય ધ વે, મારા માટે દેશભક્તિની વાતો કોઈ સંત કરતા હોય કે ખિસ્સાકાતરૂ... બન્ને પ્રણામ યોગ્ય છે.
(વિજયાનંદ પટેલ, આણંદ)

* વાહનો ડાબી બાજુ જ ચલાવવાનું કારણ શું?
- તમારા રાવળાપુરામાં કાં તો રસ્તો નથી ને કાં વાહનો નથી!
(જીજ્ઞોશ ઓડ, રાવળાપુરા-આણંદ)

* તમારે મંગળના ગ્રહ પર જવાનું થાય તો સાથે તમારા પત્ની આવે કે ડિમ્પલ કાપડીયા?
- વાઈફ એકલીને મંગળ પર મોકલી દેવી કિફાયત પડે!
(પિનલ પાઠક, વડોદરા)

* સવાલ પૂછનારનું તો નામ અને શહેર જ છપાય છે, પણ તમે ઍડ્રેસ આખું માંગો છો.
- એ તો એવું કોઈ કામ પડે તો જન્માક્ષરે ય માંગવા પડે!
(પ્રણવ પાઠક, વડોદરા)

* નેતાઓ વગર દેશ ચાલે કે નહિ?
- ન જ ચાલે, એવા નેતાઓ વગર જે દેશને જગતનો નેતા બનાવી શકે.
(કલ્પેશ કરંજીયા, બામણાશા-ઘેડ, કેશોદ)

* અમેરિકાએ ઓસામા બિન લાદનને એના ઘેર જઈને પતાવી દીધો, એવું મોદીજી કરી ન શકે?
- કરી શકે, પણ મરેલા એકના એક માણસને બીજી વાર મારવા શું કામ જવું પડે?
(નિખિલ રાજ્યગુરૂ, ભાવનગર)

* ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને ઓબામાને બોલાવાયા... તમારો વારો ક્યારે?
- જોઈએ હવે ઓબામાએ સમજવાનું છે, મને ક્યારે બોલાવે છે!
(નીરવ નાયક, નવસારી)

* મેં એક ઍક્શન-નૉવેલ લખી છે. એ પબ્લિશ ક્યાં કરવી?
- જોઈ જુઓ... દાઉદ-બાઉદનું કોક પ્રેસ ચાલતું હોય તો!
(ડૉ. મૌલિક પટેલ, વડોદરા)

* ઈ-મેઈલને બદલે 'વૉટ્સ-એપ' પર સવાલો પૂછાવવાનું ક્યારે શરૂ કરશો?
- બસ... થોડાક વર્ષોમાં જ...
(ઉર્વશી ભાવેશ પટેલ, વડોદરા)

* મારે કાંઈક મોટું કરવું છે... કોઈ ઉપાય?
- ભગવાં વસ્ત્રો અને માથે જટા ધારણ કરીને અગમનિગમના માર્ગે હાલી નીકળો.
(પાર્થ શાહ, અમદાવાદ)

* શાહરૂખ અને સલમાન વિશે શું કહો છો?
- બસ... બન્ને થોડી મેહનત કરશે તો અક્ષય કુમાર અને રણબીર કપૂરના ઊંચા લૅવલ સુધી પહોંચી શકશે.
(આફ્રિદી બનવા, માંગરોળ)

* સવાલ સાથે મંગાવેલા અમારા મોબાઈલ નંબર અને સરનામાનું પછી તમે શું કરો છો?
- વઘાર.
(ટ્વિન્કલ દરજી, કમાણા-વિસનગર)

* આજકાલ ધાંધલ અને ધમાલ શું કરે છે?
- એ બન્નેએ પણ સરકારી-ક્વૉટા મુજબની ધમાલ-મસ્તી કરી લીધી છે.
(મનોજ પંચાલ, મુંબઈ)

* તમને જીન મળી જાય તો શું માંગો?
- મારા છોકરાઓ મને જીન માની બેઠા છે.
(ધર્મેશ પ્રજાપતિ, નડિયાદ)

* ઊંટ અને જીરાફની લંબાઈમાં કેટલો ફરક?
- બે ઈંચનો.
(મહેન્દ્ર પ્રવિણ વડેરા, મુંબઈ)

* મને હમણાંથી, હું મહાન વ્યક્તિ હોઉં, એવું લાગે રાખે છે, શું કરવું?
- મને, હું સ્ટુપિડ હોઉં, એવું લાગે છે... બોલો, હું શું કરૂં?
(વીરેન્દ્ર જાની, જામનગર)

* તમને સવાલ પૂછવા હવે અમારે ગુજરાતી ટાઈપિંગ શીખવાનું?
- યૂ મીન... તમને ઇંગ્લિશ આવડે છે...! મારા કરતાં તો ઘણા આગળ છો...
(અમિતા ભાવેન પટેલ, અમદાવાદ)

* મારે છૂટાછેડા લેવા છે. કોઈ આદર્શ રસ્તો બતાવશો?
- પહેલાં લગ્ન તો કરો...
(રાજુ રાદડીયા, સુરત)

* તમારી જીવવાની ઈચ્છા ક્યાં સુધી?
- બસ... મરૂ ત્યાં સુધી.
(ચિરાગ ભોઈ, લાલપુરા-ઉમરેઠ)

* તમે ગઝલ લખવાનું ક્યારે શરૂ કરશો?
- સમજ પડવા માંડે ત્યારથી.
(શ્વેતા જોષી, વડોદરા)

25/03/2015

તમને સ્ત્રીઓ સાથે શૅઇક-હૅન્ડ કરતા આવડે?

'અશોક... તું પુરૂષ તો છે ને...?' છાતીની આરપાર નીકળી જાય એવો સવાલ મને એક અભિનેત્રીએ હાથ મિલાવતા પૂછ્યો.

એ અભિનેત્રીએ એના ઘેર મને કૉફી પીવા બોલાવ્યો હતો. હું મારી પત્ની સાથે એના ઘેર ગયો. ખુશ થઇને આવકારવા મારી સાથે 'શૅક-હૅન્ડ' કરવા એણે હાથ લંબાવ્યો. જવાબમાં મેં જે રીતે હાથ મિલાવ્યો, એ જોઇને ઉપરનો સવાલ એણે મને પૂછ્યો.

આપણે ગુજરાતી પુરૂષોનું કેવું છે કે, પરસ્ત્રીઓ સાથે હાથ મિલાવવામાં સાવ નહિ જેવો હાથ મિલાવી ચાર આંગળા તો માંડ અડાડીએ... સાથે વાઇફ ન હોય ત્યારે! આ એક મર્યાદા પણ છે. સ્ત્રીને એવું ન લાગવું જોઇએ કે આપણો હાથ આસક્તિનો છે, માટે બની શકે ત્યાં સુધી એક સજ્જનની છાપ પાડવા કોશિષ કરીએ છીએ. ભરચક લિફ્ટ જેવું કે, બાજુમાં કોઇ સ્ત્રી ઊભી હોય તો પુરૂષ બરફમાં કડક કડક થીજી ગયો હોય એવો સંકોચાઇને ઊભો રહી જાય છે, જેથી પેલી ઉપર છાપ ખરાબ ન પડે. પુરૂષો આવું શૅક-હૅન્ડમાં ય કરતા હોય છે. સ્ત્રી સામે ચાલીને હાથ મિલાવતી હોય તો ય આપણે ચાર આંગળાનો નાનકડો અમથો સ્પર્શ જ કરીએ.

''અરે, સુંદર સ્ત્રી તારી સાથે આટલો વૉર્મ હાથ મિલાવી રહી છે ને તું શેનો તાજા જન્મેલા બાળક જેવો કોમળ હાથ મિલાવે છે..? હાથ મિલાવ તો પૂરજોશ મિલાવ.... મને ય લાગવું જોઇએ કે કોક મર્દ સાથે શૅક-હૅન્ડ કર્યા છે...!'' અભિનેત્રીએ વહાલથી મને આલિંગન (hug) કરતા કહ્યું.

એ શૅક-હૅન્ડ કે એ આલિંગનમાં ખુદ મારી પત્નીને પણ કાંઇ વાંધાજનક ન લાગ્યું કારણ કે, વાંધાજનક કશું હતું નહિ. મને આ આખી થીયરી (પ્રૅક્ટિકલ સાથે) ગળે ઉતરી ગઇ, કે સ્ત્રી હોય તેથી શું થઇ ગયું? આપણો ભાવ ચોખ્ખો હોય તો વહાલથી ભેટવામાં શું વાંધો છે?

ફ્રૅન્કલી કહું, તો મને 'નમસ્તે' કે ભારતીય પરંપરા મુજબ હાથ જોડીને કોઇને મળવાનું બહુ ચાંપલાશભર્યું લાગે છે. એ આપણને મળવા આવ્યો છે કે મૅરેજ કરવા, એનો અંદાજ ન આવે. મારા જામનગરની ભાષામાં કહું તો આવા વિવેકમાં 'વાયડાઇ' લાગે છે. કોઇને મળો અને મળવાનો આનંદ થતો હોય તો સીધેસીધા હાથ મિલાવો, પણ એ મિલાવવામાં ઔપચારિકતા (ફૉર્માલિટી)ની મિલાવટ હોય છે, એટલે સરવાળે ખબર નથી પડતી કે, આપણે કે એણે હાથ શું કામ મિલાવ્યા? એમાં ય 'નમસ્તે' જેવો દંભ બીજો કોઇ નથી લાગતો. મને તો એ થોડું સ્ત્રૈણ્ય પણ લાગે છે. પાછું 'નમસ્તે' કરી લીધા પછી લેવા-દેવા વગરનું સ્માઇલ આપવાનું હોય છે. એકલું નમસ્તે કરો, એમાં તો પેલો આપણી પાસેથી બાકીના પૈસા પાછા લેવા આવ્યો હોય એવું લાગે! કારણ વગરનો વિવેક અને વિવેક વગરનું કારણ અપમાનથી ઓછા નથી. તમને અનુભવ હશે તો, દોસ્તો સાથે ડ્રિન્ક્સ લેવા બેઠા હો, એમાં એક એવો નીકળે, જેને ડ્રિન્ક્સની ઑફર કરીએ એટલે અચાનક એનામાં સંસ્કાર પ્રગટવા માંડે. દાંત દેખાય નહિ એવા ફિક્કા સ્માઇલ સાથે - આપણે તો સાલા ગુંડા-મવાલીઓ હોઇએ ને પોતે બહુ સંસ્કારી હોય એવા વિનમ્રભાવે ઈન્કાર કરશે, ''નહિ નહિ... આપ પીઓ... હું તો જન્મથી જ આ દ્રવ્યથી દૂર રહ્યો છું... મને આવા શાહી શોખો પોસાતા નથી.'' કેમ જાણે આપણે તો વસીયતનામું લખ્યા પછી પીવા બેઠા હોઇએ...

એ વખતે એના હાવભાવ જુઓ તો એમ થાય કે, આ માણસ ફક્ત દારૂ જ નહિ, પત્તા, સ્ત્રીઓ સટ્ટો કે આખા જીવનકાળ દરમ્યાન કોઇની સાથે નાની ઝગડી ય નહિ કરી હોય. આપણે એને માટે આવું શુધ્ધ-શુધ્ધ વિચારતા હોઇએ ને સામે એનું ઝીણકું-ઝીણકું હસવાનું એવા ભાવનું હોય કે, આપણને માં-બાપોએ તો કેવા ખરાબ સંસ્કારો આપ્યા હશે, એવું એ સાબિત કરવા માંગતો હશે.

તારી ભલી થાય ચમના... ગુજરાતમાં સુશિક્ષિત અને સાધનસંપન્ન પરિવારોમાં હવે તો એવું ઘર ભાગ્યે જ મળે છે, જેના ઘરમાં ડ્રિન્ક્સ ન લેવાતું હોય. (ચલો હું દસ-વીસ ટકા ઓછા કરી આપું છું કે, વીસેક ટકા ઘરો એવા હશે જ્યાં મહિને-દહાડે ડ્રિન્ક્સ નહિ લેવાતું હોય કે ઘરનું કોઇ 'પીતું' ન હોય!)

કદી ય નહિ પીનારાઓ એવું માનતા હોય છે કે, જે લોકો પીએ છે, એ બધા પીધા પછી હિંદી ફિલ્મોના ગુંડાઓની જેમ લવારી, બદતમીઝી કે મારામારીઓ કરતા હશે, એમની જીભો થોથવાતી હશે કે ભીંત સાથે ભટકાતા હશે અને એવા લોકોનો વિશ્વાસ ન થાય. દારૂ પીવો કોઇ કાળે ય ગર્વ લેવાની ઘટના તો નથી જ, પણ સમજ્યા-સાણ્યા વગર પીનારાઓને લોકો બદનામ કરે. એ એમની બેવકૂફી છે. જગતભરના અનેક મહાપુરૂષો ડ્રિન્ક્સ લે છે કે લેતા હતા. હું જો મહાન બનવાનો હોઇશ, તો હું ય લઇશ.... પણ જો આ બુધ્ધિ વગરનું કામ હોય તો અડધું જગત બેવકૂફ સાબિત થાય.

વાસ્તવમાં ગુજરાતીઓ પાક્કા બિઝનૅસમૅનો છે. કેટલું પીવું, બીજાને કેટલું અને ''શું કામ'' પીવડાવવું, એની એમને બીજા કરતા વધારે ખબર છે. દારૂ સમજો ને... ઑલમોસ્ટ ઘરઘરમાં પીવાય છે, છતાં આજ સુધી હિંદી ફિલ્મોમાં બતાવે છે, એવા કેટલા દારૂડીયાઓને તમે જોયા? રમી, બ્રિજ કે તીનપત્તી જેવા માઇલ્ડ શોખથી સ્ટેટસ-સિમ્બૉલ સાથે ગુજરાતીઓ પીવે છે.

બસ, એ જ ઢબથી ગુજરાતી છોકરીઓ પુરૂષો સાથે પ્રેમથી હાથ મિલાવે છે, એમાં ક્યાંય સ્પર્શ કે દ્રષ્ટિ ખરાબ હોતી નથી. પણ છોકરીને શું ખબર પડવાની હતી, એ ઈરાદાથી કોઇ પુરૂષ એ શૅક-હૅન્ડનો ગલત મતલબ કાઢવા જાય તો આ જ ગુજ્જુ છોકરીઓ થપ્પડ મારી દેતા ય અચકાય એવી નથી, પીંછા ફેલાવીને કળા કરતો મોર આગળથી જ સારો લાગે... પાછળથી નાગો લાગે! ગરીબ ભિખારણ કે સુંદર શાકવાળી પણ પોતાની સામે નજર બગાડીને બેઠેલા પુરૂષને કાચી સેકન્ડમાં માપી લે છે. ત્યાં ભણેલો અને સુંદર સ્ત્રીઓ કોઇ પુરૂષ સાથે ખેલદિલીથી હાથ મિલાવે ને પેલાની નજર લપસે તો અંજામ પેલાએ બહુ શરમજનક ભોગવવો પડે છે.

એ વાત પાછી જુદી છે કે, આપણે લોકો મળીએ છીએ, એમાં વ્યક્ત કેટલા થઇએ છીએ? સામે વાળી વ્યક્તિને મળતી વખતે હૃદયમાં ગરમાવો ને ઊમળકો કેટલો આવે છે, એ વાતે સાલા આપણે ય જબરદસ્ત બનાવટ કરતા હોઇએ છીએ. કોઇ ઉમળકો નહિ, દરેકની સાથે એક જ શરૂઆત, ''કેમ દેખાતા નથી?'' અને છુટા પડતી વખતે, ''બસ ત્યારે... મળીએ છીએ.. ક્યારેક ઘેર આવો.'' બીજા લોકો તો જાવા દિયો, ખુદ આપણામાં ય આ, ''ઘરે આવો''વાળી વાતમાં કોઇ ગરમાવો કે સચ્ચાઇ હોતી નથી. થોડા બદમાશ થઇ ગયા છીએ આપણે ય...! કોઇના ઘેર જવાનો કે કોઇને આપણે ત્યા બોલાવવાનો ભાવ રહ્યો નથી, તો પછી જેટલી ક્ષણો માટે રસ્તા ઉપર કે શૉપિંગ-મૉલમાં મળો, ત્યારે પૂરજોશ તો મળો-હૃદયપૂર્વક! છુટા પડયા પછી તમે પેલાને કે પેલીને યાદ રહી જવા જોઇએ કે, ''કમાલનો મસ્ત માણસ છે આ!'' અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા, મૌસમ બીતા જાય.... હોઓઓઓ'. એક વાર મળી લીધા પછી જીંદગીભર તમે એને યાદ ન આવો, તો ખામી તમારી છે.

અને આ કામ 'શૅક-હૅન્ડ' કે આલિંગન કરી આપે છે. કસીને હાથ મિલાવવાથી બન્ને શરીરો વચ્ચે કંઇક તો આપ-લે થાય છે... કદાચ એ લાગણી કહેવાતી હોય, સ્ફૂર્તિ હોઇ શકે... એક નવા સંબંધની શરૂઆત હોઇ શકે, અંત કદી નહિ. ઈન ફૅક્ટ, લોકો હાથ મિલાવવાનું નહિ, એકબીજાને ચાહવાનું ભૂલી ગયા છે. મારા ફાધરના હું ચરણસ્પર્શ કરતો ને એ મારા ખભે કેવળ હાથ મૂકે, એમાં તો જાણે એમનું સમગ્ર અસ્તિત્વ મારામાં સમાઇ જવાનો એહસાસ થતો. કહે છે કે, સમગ્ર જીવનમાં સ્ત્રી માતા બને અને પોતાના બાળકના માથે હાથ ફેરવે, એનાથી વધુ સારો સ્પર્શ એ પત્ની બનીને એના પતિને ય કરી શકતી નથી. તો બીજી બાજુ, બસની ભીડમાં કોઇ લફંગો કોઇ યુવતીની કોણી અડાડતો રહે, એનાથી વધુ ગંદો સ્પર્શ એ લફંગો ય બીજે ક્યાંય કરી શકતો નથી.

મેં ભાગ્યે જ આલિંગનો કર્યા છે. કરવા નહોતા એવું નહિ... ઈન્ડિયામાં કોઇ કરતું નથી માટે. આલિંગન કોઇ સ્ત્રી સાથે જ નહિ, આપણે ત્યાં પુરૂષો પણ પુરૂષો સાથે કરતા નથી. ફિલ્મનગરીમાં એ દસ્તુર હજી ચાલ્યો આવ્યો છે. યસ. ગુજરાતીઓને એકબીજાને ભેટતા જોવા હોય તો અડધી રાત્રે ઈન્ટરનૅશનલ ઍરપૉર્ટ જઇ આવો... સાચી લાગણીના એ આલિંગનો હોય છે... છુટા પાડતા પહેલા બન્ને એકબીજાને એવું કશું આપતા જાય છે કે, પેલો બે મહિને પાછો આવે તો ય એનું આપણને ભેટવું યાદ રહી જાય છે.

(આ લેખ વાંચીને ઉમળકો બહુ ઉપડયો હોય તો, સહુએ લાઇનમાં આવવું, આમાં વન-બાય-વન જ આવવું પડે. એક સામટા બધાએ મને ભેટી પડવું નહિ. સૂચના પૂરી.)

સિક્સર
જગતમાં આપણે એકલા જ સ્ટુપિડ નથી... બીજે બધે તો આપણા ય.... પડયા હોય છે, એ જોઇને ધોધમાર હસવું હોય, 'યૂ ટયુબ' પર The Great Fails જોવાનું શરૂ કરી દો.

22/03/2015

'ઍનકાઉન્ટર' : 22-03-2015

* અત્યારના ગાયકોમાં રફી, મૂકેશ કે કિશોર જેવો પ્રભાવ કેમ નથી?
હા, આજકાલ મારૂં ગળું ય ક્યાં ચાલે છે?
(કેતન ઠોસાણી, સાવરકુંડલા)

* તમે ય શું પંડિત થઇને આવી મશ્કરી કરો છો? કહો, આપણા બન્નેમાંથી બુધ્ધિશાળી કોણ?
જવાબ આપીશ તો આખું ગોંડલ મને માફ નહિ કરે!
(નિકુંજ અંતાલા, ગોંડલ)

* મોદી અને ઓબામા વચ્ચે શું તફાવત?
ઓબામાના ગંજીફરાકના કોઇ દસ રૂપિયા ય ના આલે!
(શ્રુતિ અલ્પેશ ગજ્જર, નડિયાદ)

* પેટને 'પાપી પેટ' કેમ કહેવામાં આવે છે?
ઘણી વાર સાફ નથી આવતું, માટે.
(રજનીકાંત ત્રિવેદી, ભાવનગર)

* સરકાર ગૌહત્યા રોકવા કાયદો ક્યારે બનાવશે?
હજી તો 'દૂધ-પીતી' સરકાર છે.
(જીજ્ઞોશ કાકડીયા, મુંબઈ)

* અમારે ભાવનગરમાં 'અશોક દવે માર્ગ' છે... તમારે ત્યાં છે?
ત્યાંથી અહીં સુધી એટલો લાંબો તો ન થાય ને!
(રૂપેશ વાજા, ભાવનગર)

* તમને ખબર પડે કે, કાલે દુનિયા નાશ પામવાની છે, તો તમે શું કરો?
તો એની ચિંતા કાલથી શરૂ કરૂં. આજે મસ્તીથી જીવું.
(અર્પિત કે. શાહ, વડોદરા)

* તમે અમેરિકા ગયા, ત્યારે ઓબામાને મળ્યા હતા?
ના. નહાવા બેઠા હતા. મિશેલી સાથે તો કેટલું બેસે?
(ઈશા મીયાણી, અમરેલી)

* આજકાલ હવે તો બધા 'ફૅસબૂક' અને 'વૉટ્સઍપ' પર ચોંટેલા રહે છે?
શરમથી બધાના માથાં ઝૂકી ગયા છે.
(રશ્મિકા જાદવ, વડોદરા)

* 'ઍનકાઉન્ટર'ની સાઇઝ વધતી-ઘટતી કેમ હોય છે?
એ મારી બુધ્ધિનો આંક બતાવે છે.
(જીનેશ મેહતા, જામનગર)

* બધા સવાલોમાંથી તમને ગમતો સવાલ ત્રાંસો છાપો તો?
એના કરતા આખું છાપું તમે આડા ઊભા રહીને વાંચો તો?
(કાલીદાસ ઠાકર, અમદાવાદ)

* દીકરી તુલસીનો ક્યારો તો દીકરો શું?
શેરડીનો સાંઠો
(ધવલ/અભય વેકરીયા, શાપર-વિસાવદર)

* શું મોદીજી ભારતને મહાસત્તા બનાવી શકશે?
હમણાં એવી કોઇ વાત-બાત થઇ નથી...!
(કૌશલ પટેલ, મેહસાણા)

* 'ઍનકાઉન્ટર'માં સવાલ પૂછવા તમે સરનામું ફરજીયાત માંગો છો, પણ ઘરે તો આવતા નથી!
હું કોઇને બીવડાવી નાંખવા માંગતો નથી.
(તીર્થ પટેલ, આણંદ)

* આજકાલ ધર્મગુરૂઓ અબજોપતિ થઇ ગયા છે... શું કારણ?
હું ય કોઇ ધર્મમાં ઝંપલાવવાનું વિચારૂં છું.
(રાહુલ સોલંકી, અમદાવાદ)

* 'બૉસ ઇઝ ઑલવૅયઝ રાઇટ'. તમે સહમત છો?
યસ બૉસ.
(જયેશ અંતાણી, ભાવનગર)

* 'ઍનકાઉન્ટર'માં ગૅરન્ટીથી જવાબ મેળવવાનો કોઇ ઉપાય?
સવાલ પૂછવો.
(સોહેલ વોહોરા, અલારસા-બોરસદ)

* આપણી સરકાર 'વિકાસ' શબ્દનું રજીસ્ટ્રેશન કરાવશે?
જાગો ગ્રાહક, જાગો.
(સતીશ આચાર્ય, અમદાવાદ)

* જો શ્રી. નરેન્દ્ર મોદી તમને મળવા આવે તો શું ગિફટ આપો?
હું બ્રાહ્મણ છું. ગિફ્ટ લેવા ટેવાયેલો છું.
(ડૉ. આકાશ ગેડીયા, ખંભાળીયા)

* મારે ૧૦ લેંઘા સિવડાવવા છે. સિવી આપશો?
એ બધું, તમે મારી દાઢી બનાવી આપો પછી ખબર પડે!
(હિમ્મતલાલ કાછીયા પટેલ, અમદાવાદ)

* ચા-દૂધ ગરમ થાય તો ઊભરાય, પણ પાણી કેમ ઊભરાતુ નથી?
કોકનો એવો સ્વભાવ...
(રૉયલ રાઠોડ, વડોદરા)

* કૅટરિના કૈફ રાજકારણમાં આવે તો?
હા... પાર્લામેન્ટ આમે ય ક્યાં ચાલે છે!
(સફવાન પટેલ, ટંકારી બંદર-જંબુસર)

* મારે તમારા જેવા હાસ્ય લેખક બનવું છે. શું કરવું?
લહેર.
(રોહિત પ્રજાપતિ, સાંથલ-મેહસાણા)

* મારે કૉલેજમાં કોઇ ગર્લફ્રેન્ડ પટાવવી છે. કોઇ સલાહ?
આપણું નામ દેજો ને...!
(મિતુલ ઘેડીયા, અમદાવાદ)

* મારી પત્ની સામે કોઇ જો જો કરતું હોય તો શું કરવું?
ખુશ થાઓ. 'બહારોં કો ભી નાઝ જીસ ફૂલ પર થા, વો હી ફૂલ હમને ચૂના ગુલસિતાં સે...'
(મિહિર સુગામી, અમદાવાદ)

* કોઇ સુંદર સ્ત્રીને મળતી વખતે તમને કયા વિચારો આવે?
એ જ કે, એ કેવળ સુંદર જ નથી, બુધ્ધિમાન પણ છે... એનામાં પણ સુંદરતાની પરખ છે!
(દિવ્યા જો. પરીખ, મુંબઇ)

* તમને બીજું કોઇ હસાવે છે ખરૂં?
કૅટ્સકિલ-ન્યૂયૉર્કના ડૉ. અશ્વિન હી. પટેલે લખ્યું હતું, ''કૂતરાં પણ ના ખાય એવી મીઠાઇના આઠસો રૂપિયા...? વ્યાજબી કરો, પાંચ કીલો લેવી છે.''
(ચેતના શાહ, અમદાવાદ)

20/03/2015

'આરામ'('૫૧)

- ડી.ડી. કશ્યપ એ સમયના ફાલતુ કોટિના દિગ્દર્શક કહેવાતા, જેમણે આ ફિલ્મ 'આરામ' બનાવી હતી. દેવ આનંદની કદાચ આ પહેલી અને ચોક્કસપણે છેલ્લી ફિલ્મ હશે, જેમાં એણે એકેય ગીત ગાયું નથી. ફિલ્મમાં ગૅસ્ટ તરીકે આવેલા તલત મેહમુદે એક ગીત 'શુક્રિયા અય પ્યાર તેરા શુક્રિયા..' ગાયું છે, જેમાં તલતે ઉચ્ચાર 'શુક્રિયા' ને બદલે 'શુકરીયા' કર્યો છે. પ્રેમનાથ જેવા ભેંસાએ પણ ગીત ગાયું છે...

ફિલ્મ : 'આરામ'('૫૧)

નિર્માતા-નિર્દેશક : ડી.ડી.કશ્યપ
સંગીતકાર : અનિલ બિશ્વાસ
ગીતકારો : રાજીન્દર કિશન/પ્રેમ ધવન
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સ
થીયેટર : લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, મધુબાલા, પ્રેમનાથ, તલત મેહમુદ, દુર્ગા ખોટે, હીરાલાલ, રામ અવતાર, મનમોહન કૃષ્ણ, તિવારી, બૅબી તબસ્સુમ, લીલા મિશ્રા અને લિયોનોર મારીયા.
ગીતો
૧. અય જાને જીગર, દિલ મેં સમાને આજા ઉજડી હુઇ.... મૂકેશ
૨. બાલમવા નાદાન, બલમા જા જા જા.... લતા મંગેશકર
૩. શુક્રિયા અય પ્યાર તેરા, શુક્રિયા શુક્રિયા.... તલત મેહમૂદ
૪. મન મેં કિસી કી પ્રિત બસા કે..... લતા મંગેશકર
૫. રૂઠા હુઆ હૈ ચંદા, રૂઠી હુઇ હૈ ચાંદની.... લતા મંગેશકર
૬. મિલ મિલ કે બિછડ ગયે નૈન, ગયા સુખ ચૈન... લતા મંગેશકર
૭. યે ઝીંદગી હૈ યો-યો, ઝીંદગી હૈ યો-યો.... મનમોહન કૃષ્ણ
૮. બિગડ બિગડ બની હૈ....ઉજડી રે મેરે પ્યાર કી.... લતા મંગેશકર
(ગીત નં.૨ અને ૫ પ્રેમ ધવનના, બાકી બધા રાજીન્દર કિશનના)

ખુદ આપણે ય હેરાન રહી જઇએ કે કોઇ પુરુષ આટલો હૅન્ડસ મને કોઇ સ્ત્રી આટલી હદે સુંદર હોઇ શકે ? અને એ હેરાની કાચી સેકન્ડમાં દૂર થઇ જાય, જ્યાં ફિલ્મ 'આરામ' શરૂ થવાની જ સેકન્ડે દેવ આનંદ અને મધુબાલા એક સાથે દેખાય ! ભ'ઇ, હિંદી ફિલ્મોમાં તમને રાજ-નરગીસ, દિલીપ-મધુ કે દેવ-સુરૈયા ભલે પોતપોતાના લક્ષણો મુજબ વત્તા-ઓછા ગમતા હોય, પણ દેખાવની સુંદરતામાં દેવ આનંદ-મધુબાલાની જોડી...ઇન્ડિયામાં તો નહિ, પણ હૉલીવુડમાં બહુ બહુ તો 'ધી રોમન હૉલી ડે'વાળા ગ્રેગરી પૅક અને ઑડ્રી હૅપબર્ન જ પહોંચી શકે ! દેવ આનંદને એ જમાના મુજબના પાર્ટી શુટ (શાર્ક-સ્કીનનું સફેદ બ્લૅઝર, બો-ટાઇ અને નીચે કાળું પેન્ટ) પહેરેલો જુઓ અને મધુબાલા માટે કપડાંની તો કોઇ ચોક્કસ જોડી જગતભરનો કોઇ દરજી બનાવી જ શક્યો નથી, જે એને સૂટ થતી ન હોય ! દેવ આનંદ-મીના કુમારીની ફિલ્મ 'તમાશા'ને બાદ કરતા વ્યવહારિક રીતે આ આજની ફિલ્મ 'આરામ'ને જ ભારતની પહેલી મલ્ટિ-સ્ટાર ફિલ્મ કહેવાય, કારણ કે એ જમાનામાં ય હીરોગીરી કરતા પ્રેમનાથ અને તલત મેહમુદ પણ અહી ઉપસ્થિત... અને દેખાવમાં તો એ બન્ને પણ ભલે રાજ-દિલીપ-દેવ જેવા નહિ, તો ય બીજા પ્રદીપ-વિશ્વજીત- ભારત ભૂષણ કે શેખરો જેવા લાગે. એ વાત જુદી છે કે, પેલી ત્રિપુટી સામે એક્ટિંગમાં આ બધાનો ભેગો ધબડકો ! એકે ય માં ભલીવાર ન મળે !

ડી.ડી. કશ્યપ એ સમયના ફાલતુ કોટિના દિગ્દર્શક કહેવાતા, જેમણે આ ફિલ્મ 'આરામ' બનાવી હતી. દેવ આનંદની કદાચ આ પહેલી અને ચોક્કસપણે છેલ્લી ફિલ્મ હશે, જેમાં એણે એકેય ગીત ગાયું નથી. ફિલ્મમાં ગૅસ્ટ તરીકે આવેલા તલત મેહમુદે એક ગીત 'શુક્રિયા અય પ્યાર તેરા શુક્રિયા..' ગાયું છે, જેમાં તલતે ઉચ્ચાર 'શુક્રિયા' ને બદલે 'શુકરીયા' કર્યો છે. પ્રેમનાથ જેવા ભેંસાએ પણ ગીત ગાયું છે... એ તો જાણે ઠીક છે, પણ બારેમાસ રોતડા મનમોહનકૃષ્ણે પણ અહી કૉમેડી ગીત ગાયું છે... તારી ભલી થાય ચમના... તું પરદા ઉપર કેવળ ઊભો રહે, એ પણ કૉમેડી જ છે... તારે ગીત ગાવાની જરૂર જ નથી. બાકી બધા લતાના અવાજમાં મીઠડા ગીતો મધુબાલાએ ગાયા છે. એક ગીત કોઇ નાચનારીએ ગાયું છે.

કોઇ ફિલ્મને કેટલી હદે અત્યંત કંટાળાજનક બનાવી શકાય, એના માટે એ જમાનામાં રીતસરના ક્લાસીસ ચાલતા હોવા જોઇએ, નહિ તો ડી.ડી.કશ્યપ-સૉરી, કશ્યપે એવી તે વળી કઇ સારી ફિલ્મો પહેલા કે પછી ય બનાવી છે, તે એના બચાવમાં એક લાઇને ય લખી શકાય. ફિલ્મ તમારે અમારા જેવી મજબૂરીને કારણે આખી જોવી પડે, એ અલગ વાત છે, બાકી જરા ય અતિશયોક્તિ વગર કહું છું કે, આટલી સારી સ્ટારકાસ્ટ અને સંગીત હોવા છતાં કોઇ માની ન શકે, એવી ઢંગધડા વિનાની આ ફિલ્મ બની છે. આપણને આઘાત લાગે કે, ફિલ્મ સાઇન કરતા પહેલા દેવ આનંદ જેવા કલાકારો ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચતા નહિ હોય ? એક સાદો દાખલો આપું. ફિલ્મમાં વિલન હીરાલાલ મધુબાલાનું અપહરણ કરી જાય છે. એને દિલોજાનથી ચાહતા (હીરાલાલને નહિ... મધુબાલાને, સ્ટુપિડ !) બન્ને હીરાઓ દેવ આનંદ કે પ્રેમનાથ તમારી સમજ મુજબ, નોર્મલી શું કરે ? યા તો ભગાડી જતા હીરાલાલની જીપની પાછળ ઘસડાઇને એનો પીછો કરે, પુલિસ-ફરિયાદ નોંધાવે અથવા ભલે ઘેર બેઠા બેઠા પેલીને છોડાવવાનો કોઇ પ્લાન તો બનાવે કે નહિ ?

નો બૅબી નો. આ બન્ને હીરાઓ તો રોજનું રાબેતા મુજબનું કામ કરે રાખે છે, નથી પુલિસ ફરિયાદ નોંધાવતા, નથી જાત તપાસમાં નીકળતા... કંટાળીને વિલન હીરાલાલ મધુબાલાને પાછી મુકવા આવે છે, બોલો !

આવું કોઈ ફિલ્મમાં જોયું છે ? બહેનો, મધુડીને બદલે તમારા જેવી કોક હોત તો આ બન્ને લલ્લુઓ પાસે વાયસ આવવાને બદલે હીરાલાલ પાસે રોકાઈ ન જાત ?

દેવ આનંદ-મધુબાલા તો જોવા ગમે છે, પણ પ્રેમનાથ દિલીપકુમારવાળી ફિલ્મ 'આન' માં જે હૅન્ડસમ અને ચાર્મિંગ લાગતો હતો, એના કરતા આ ફિલ્મમાં તો વિલન હીરાલાલ વધુ દેખાવડો લાગે છે ! પ્રેમનાથનો તો ચહેરો ય વિકૃત અને કદરૂપો લાગે છે. આ હીરાલાલનો યુવાન દીકરો ઇન્દર મલ્હોત્રા વિમાન અકસ્માતમાં માર્યો ગયો હતો. હીરાલાલ બહુ અન્ડરરૅટેડ વિલન હતો. ફિલ્મના અન્ય કલાકારોમાં ય કાંઇ પડવા જેવું નથી. દુર્ગાબાઇ ખોટેને રોલ મહત્વનો મળ્યો છે, પણ વાર્તામાં કોઇ શહૂર હોય તો એ ખીલી ઊઠે ને ? દેવ આનંદ-સુરૈયા અને મનમોહનકૃષ્ણ હોટલ પૅરિસમાં જાય છે, ત્યાં જે છોકરી મૅક્સિકન ડાન્સ કરે છે, તે મૅક્સિકોની જ લિયોનોર મારીયા છે. ફિલ્મ 'તીસરી મંઝિલ'માં શમ્મી કપૂર રેલ્વેના ડબ્બામાં આશા પારેખને ચીઢવવા જે જાડીયાને હસાવી હસાવીને લોટપોટ કરી નાંખે છે તે રામ અવતાર અહીં જાડીયો નહિ, પણ પ્રમાણસર શરીરમાં જોવા મળે છે... જો કે, તેથી તેની બુદ્ધિના આંકમાં ફેરફાર તો અહીં ય પડતો નથી. દેવની દાદી લીલા મિશ્રા છે, જે 'શોલે'માં હેમા માલિનીની 'સગી મૌસી' બને છે. રામાયણ તિવારીને એકસ્ટ્રા જેવો ફાલતુ રોલ મળ્યો છે. એવું વેદાંતોમાં કદાચ કીધું છે કે, મનમોહન કૃષ્ણ અને પ્રેમનાથની આંખો ઉપરની જથ્થાબંધ રાક્ષસી ભ્રમરો ભેગી કરીને કલકત્તાનો હાવરા-બ્રીજ બનાવાયો હતો... ને તો ય એ બન્નેની ભ્રમરો પાસે દુબાઇની અલ બુર્જ હોટેલ બનાવવા જેટલો માલ પડયો રહ્યો હતો. એ બન્નેની લઠ્ઠાબેન્ડ ભ્રમરો જોઇજોઇને આંચકા આપણે ખાવાના કે, આ લોકો બાલ-દાઢીની જેમ ભ્રમરો ટ્રીમ કેમ નહિ કરાવતા હોય ?

પણ પૂરી ફિલ્મનું લાર્જેસ્ટ આશ્વાસન છે અનિલ બિશ્વાસનું કર્ણપ્રિય સંગીત. મૂકેશને ભલે એક જ ગીત મળ્યું, પણ ઍઝ યુઝવલ... મૂકેશને મોટા ભાગની ફિલ્મોમાં ગીત એક જ મળે, પણ પૂરી ફિલ્મનું સર્વોત્તમ ગીત એનું જ સાબિત થાય. 'અય જાને જીગર, દિલ મેં સમાને આ જા...' ગીતમાં અનિલ દા નો પિયાનો સાંભળવા જેવો છે.

એ વર્ષ જ ફિલ્મરસીયાઓ માટે કેવું મનમોહક હશે કે, આખા વર્ષમાં એક પછી એક અનેક મોટી અને ખૂબસુરત ફિલ્મો શહેરના હરએક થીયેટરોમાં પબ્લિક ભેગું કરી આપતી હતી અને પૈસા બધાના વસૂલ ! ૧૯૫૧નું વર્ષ હતું એ અને જોઇ જુઓ એમાં કેવી કેવી ફિલ્મો આવી હતી ? એક તો સંગીત સમ્રાટ મદન મોહનની સૌથી પહેલી ફિલ્મ 'આંખે' હજી આગલા વર્ષે જ રીલિઝ થઇ ગયા પછી લતા મંગેશકરે મદન મોહનના સંગીતમાં ગાવાની માત્ર હા જ ન પાડી, સામે ચાલીને ખુશી પણ બતાવી ને સામે મદને વળતર પણ કેવું મીઠું મધુરું આપ્યું ? 'સાંવરી સૂરત મન ભાઇ રે પિયા તોરી', 'પ્રિતમ મેરી દુનિયા મેં, દો દિન તો રહે હોતે', 'આંખો આંખો મેં ઉનસે પ્યાર હો ગયા' અને તલત મેહમુદનું 'જીસે દિલ મેં બસાના ચાહા થા...' (આ ફિલ્મમાં નૂતનની સામે જોઇને 'તુઝે ક્યાં સુનાઉ મૈં દિલરૂબા...'વાળો શેખર હીરો અને પી.એલ.સંતોષીને સરેરાહ નવડાવી-ધોવડાવીને પાયમાલ કરી નાંખનાર વેશ્યાના તબક્કા સુધી પહોંચી ગયેલી હીરોઇન રેહાના હતી.) એ પછી આપણા રાજ સાહેબનું ઑલટાઇમ ગ્રેટ 'આવારા' અને 'અભિ તો મૈં જવાન હૂં' વાળું અશોક કુમારના ડબલ રોલવાળું 'અફસાના', માસ્ટર ભગવાનદાદા સી.રામચંદ્રના ચરણસ્પર્ષી સંગીતવાળી અણમોલ ફિલ્મ 'અલબેલા', 'સંગીતકારો જુદા જુદા હોવા છતાં બન્ને ફિલ્મોના એકેએક ગીતો લતા મંગેશકરના, એવી કિશોર શાહૂની ફિલ્મ 'કાલી ઘટા' (ઉનકે સિતમને લૂટ લિયા' 'હમ સે ન પૂછો કોઇ પ્યાર ક્યા હૈ', 'ઇલ્લે બેલી આરે ઇલ્લે બેલી-શંકર-જયકિશન) અને ચિતલકર દાદાની ફિલ્મ 'ખઝાના' (અય ચાંદ પ્યાર તેરા, મુઝ સે યે કહે રહા હૈ.... દવે સાહેબ પાગલની કક્ષાએ આ ગીત ઉપર ફિદા છે... એમાં ય તદ્દન ખરજમાં જઇને લતા માઇ. '...તુમ બેવફા ન હોના...' અને એ પછી તરત વાગતો વૉયલિનનો પીસ...' જાઓ, કોઇ લખાવી દો, આપણા તરફથી અન્નાને એક સાથે પચાસ-પચાસ આલિંગનો અને લતા માઇને પાંચ પાંચ હજાર સાષ્ટાંગ પ્રણામો) નૌશાદે પહેલી વાર વિદેશી નૉટેશન્સ લીધા તે ફિલ્મ 'જાદુ', શ્યામસુંદરનું તદ્દન અનોખી બ્રાન્ડના સંગીતવાળું 'ઢોલક' (મૌસમ આયા હૈ રંગીન, બજી હૈ કહી સુરિલી બિન'), દિલીપ કુમાર-મધુબાલા અને દાદા અનિલ બિશ્વાસનું ''સીને મેં સુલગતે હૈ અરમાં, આંખો મેં ઉદાસી છાયી હૈ'' અને લતા માઇનું 'બેઇમાન તોરે નૈનવા, નીંદિયા ન આયે'વાળુ 'તરાના', દેવ આનંદ- ગીતા બાલીનું 'બાઝી' ઉપરાંત રોશનનું 'હમલોગ' સજ્જાદમીયાનું બહુ ઓછાઓએ સાંભળ્યું હોય છતાં જેમણે સાંભળ્યું છે એ સહુએ આ એક ગીત ઉપર પણ લતા મંગેશકરનું ઘરમંદિર પોતાના મકાનમાં બનાવવાની ભક્તિ બતાવી છે. તે સુધીર ફડકેના સંગીતવાળું ફિલ્મ 'માલતી-માલવ'નું, 'બાંધ પ્રિતી ફૂલડોર, મન લેકે ચિતચોર, દૂર જાના ના...' ઉપરાંત બર્મન દાદા તો બસ, આંખ મીંચીને આખી લાઇફના સર્વોત્તમ સંગીતવાળું ૧૯૫૧નું આ વર્ષ બનાવી દીધું એક પછી એક હિટ ફિલ્મોથી...'સજા, બુઝદિલ, શહેનશાહ, એક નજર (લતા-રફીનું 'મુઝે પ્રિત નગરીયા જાના હૈ...' પછી 'નૌજવાન' જૈમાં 'ઠંડી હવાયે લહેરાકે આયે' 'બુઝદિલ' (લતાનું 'રોતે રોતે ગૂઝર ગઇ રાત રે'જે આશ્ચર્ય થાય કે, શૈલેન્દ્રની સાથે ભાગીદારીમાં કૈફી આઝમીએ પણ લખ્યું હતું.) અને 'ઝનઝનઝનઝન પાયલ બાજે, કૈસે આઉં પ્રિત મિલન કો..') .... આ આખું વર્ષ કેવું સંગીતમઢ્યું...! આ બતાવે છે કે, મારા જન્મના એક વર્ષ પહેલાથી જ સંગીતમાં ચમત્કારો થવા માંડયા હતા.)

જાણકારો તો કહે છે કે હિંદી ફિલ્મોમાં ઓરિજીનલ બે જ સંગીતકારો થઇ ગયા, અનિલ બિશ્વાસ અને સી.રામચંદ્ર. એ લોકો સાચા હશે, પણ વાસ્તવિક્તામાં એ બન્નેની સફળતાનો રેશિયો અથવા સ્ટ્રાઇક-રેટ પ્રશ્નાર્થો ઊભા કરે છે. અનિલ દા ની રચનાઓ ગુનગુનાવવા માટે ઘણી કઠિન હતી, એટલે રચના ઉત્તમ હોવા છતાં આમ પ્રજા સુધી કદી પહોંચી નહિ. ચિતલકર રામચંદ્ર મહારાષ્ટ્રના લોકસંગીત (ભાવગીતો અને લાવણી બ્રાન્ડની રિધમ) માંથી બહાર ન આવ્યા અને પુરૂષ ગાયકો ધ્યાનમાં જ ન લીધા-એકલી લતા મંગેશકરના બલબુતા ઉપર ગઢ બનાવ્યો. એકવાર લતા ગઇ, એમાં ગઢના કાંગરા છુટા પડી ગયા.

ફિલ્મની વાર્તા મુજબ, દેવ આનંદ અત્યંત ગરીબ ચિત્રકાર છે. મધરાતે વરસાદમાં પલળતી મધુબાલાને ઘેર લઈ આવી પ્રેમમાં ય પાડી બતાવે છે. મનમોહન કૃષ્ણ દેવનો કૉમેડી દોસ્ત છે. મધુનો પરિચય કરોડપતિ દુર્ગા ખોટે સાથે થાય છે, એમાં દુર્ગાનો પુત્ર પ્રેમનાથ પણ મધુના પ્રેમમાં પડી જાય છે.

વિલન હીરાલાલ તો પહેલેથી પ્રેમમાં પડેલો હોય છે. પણ મધુ પોતાને નહિ, દેવને ચાહતી હોવાથી પ્રેમ બલિદાન આપે છે, પણ હીરાલાલે અપકૃત કરેલી મધુને છોડાવવા બેમાંથી કોઈ જતું નથી. આ બાજાુ હીરાલાલના આધાર-કાર્ડમાં મધુનું નામ ન હોવાથી, મતદાન વખતે લોચા પડશે, એમ માનીને હીરાલાલ મધુને પાછી મૂકી જાય છે. અને એના ગયા પછી પ્રેમનાથ નામનો કાળીનાગ ફરી પાછો ઊભો ન થાય માટે જતાં જતાં એને ગોળી મારતો જાય છે.... (બોલો, આમાં અસલી 'હીરો' કોણ થયો ?) બસ. ફિલ્મ પૂરી.

ફિલ્મ 'આરામ' ન જ જોવી... દેવ આનંદ અને મધુબાલા ખૂબ ગમતા હોય તો તો ફિલ્મના બે રિલ્સ પણ ન જોવા.

18/03/2015

તમને ચાલુ ગાડીએ કપડાં બદલતા ફાવે?

''અસોક, તમે કપડાં નો બઈદલા? આવા વેશે પાર્ટીયુંમાં જાવાતું હશે?''

ઘેરથી ગાડી સ્ટાર્ટ કરી, એ સાથે જ વાઈફે યાદ કરાવ્યું. એની વાત સાચી હતી. મારા કપડાં લઘરવઘર હતા. (તે આમેય હું બારેમાસ કાંઈ રાજા-મહારાજાના લિબાસમાં નથી ફરતો! ફરું તો રાજા-મહારાજા જેવો લાગતો નથી!) હું એકદમ ગભરાયો. પણ પહેલેથી જીદ પાડી છે ને કે, ટાઈમસર પહોંચવામાં હું એક મિનિટ જ નહિ, ૩૦-સેકન્ડ પણ મોડો કે વહેલો ન પહોચું. ધરતી ઉપર પણ એક મિનિટે ય બગાડયા વિના સીધો ૨૯મી ફેબુ્રઆરી, ૧૯૫૨-ના રોજ ઍક્ઝેક્ટ ટાઈમસર આવી ગયો હતો. ટાઈમ એટલે ટાઈમ!

અહીં પાર્ટીમાં પહોંચવાનો ટાઈમ રાત્રે ૯ નો હતો ને અમે ઘેરથી નીકળ્યા સાડા આઠે. નારણપુરાથી પાલડીનું ડિસ્ટન્સ, વચ્ચે જામનારો ટ્રાફિક, ટાઈમ સાચવવાની જીદ અને સાથે બેઠેલી વાઈફ...! કયો ડ્રાયવર સમયસર પહોંચી શકે?

''હવે ઘેર પાછા જવાનો ટાઈમ નથી. હું ઘરમાં પાછો નહિ જઉં. ચાલશે આ કપડાં, યાર...! ચલ, ગાડી સ્ટાર્ટ કરૂં છું.''

''અરે પણ આમ તે કાંઈ હાલતું હશે? તમે આંઈ બેશી રિયો... હું તમારા કબાટમાંથી શર્ટ-પેન્ટ લિ આવું છું.'' એના જવા-આવવાની છ-સાત મિનિટ તો બગડે જ, પણ આ બાજુ જે પહેર્યા હતા, એ કપડે પાર્ટી તો ઠીક, મ્યુનિ.નું બિલ ભરવા ય ન જવાય. કહે છે કે, હવે તો મ્યુનિ. ઓફિસોમાં ય સ્ટાફ આપણા કરતાં સારા કપડાં પહેરવા લાગ્યો છે... અને આપણા ઉતારવા પણ લાગ્યો છે. ચોખ્ખું કહું તો અમારી પાસે એટલો સમય ન હતો કે, એ કપડાં લઈને આવે એટલે ગાડીની બહાર ઊભા ઊભા બદલી લઉં. સોસાયટીવાળા જુએ તો વાતો કેવી કરે? (...ભલે આપણી ડીમાન્ડ વધે!) કપડાં બદલવા માટે ટુવાલ લાવવાનું એ ભૂલી નહોતી, એ સારું થયું. વગર ટુવાલે તો કેબરે-ડાન્સરો ય કપડાં બદલતી નથી... આ તો એક વાત થાય છે!

''તમે આઘા રિયો... આની કોર આવતા રિયો... ગાડી હું ચલાવીશ... ગાડી હલાવતા હલાવતા તમને કપડાં બદલતા નઈ ફાવે, અસોક...'' એની વાતે ય સાચી હતી કે, બેઠા પછી મને ગાડીનું ગીયર બદલતા ય બહુ ફાવતું નથી. ગટરમાં પડી ગયેલી તપેલી સાણસી લઈને વાંકા વળવા જતા અનેકવાર મારાથી સાણસીઓ ગટરમાં પડી ગઈ છે. ત્યાં અહીં તો આખું પેન્ટ બદલવાનું હતું... ''બહુત નાઈન્સાફી હોગી...!''

''એક કામ કર... ગાડી તું ચલાય.... ગાડી બંધ ન કરતી... સ્પીડમાં રાખજે. સ્ટીરયરિંગ હાથમાં રાખજે. હું ડ્રાયવર-સીટ પર આવી જઉં છું.'' એમ કહીને હું નીચે ઉતર્યો.

મારા મગજ સુધી પૂરતા જથ્થામાં લોહી પહોંચતું નથી, એ તો એ વર્ષોથી જાણે છે. પ્રવાહ ઓછો અને ધીમો છે. પરિણામે, મને આજથી ૨૦-૨૫ હજાર વર્ષો પૂર્વે શું બન્યું હતું, તે બધું પરફૅક્ટ યાદ હોય, પણ સવારે બ્રેકફાસ્ટમાં સલાડની સાથે ખાખરા ખાધા હતા કે નહિ, છ-નંબરવાળા શ્વેતાબેન મારી સામે હસ્યાં'તા કે નહિ, એ બધું યાદ ન હોય. સાંજ સુધીમાં તો ભૂલી ગયો હોઉં, એટલે લિફ્ટ પાસે શ્વેતાબેનને બદલે માધવીબેનને સ્માઈલ આપી દઉં. આપણા મનમાં 'સારી' અને 'વધુ સારી' વચ્ચે કોઈ ભેદભાવ નહિ. પણ બીજે દિવસે એ બન્નેય ભૂલી જઉં, એમાં બારે માસ આખા ફ્લેટની સ્ત્રીઓ આપણે જ્યારે નીકળતા હોઈએ, ત્યારે સ્માઈલો આપતી રહે. મનુષ્યે સદા ય હસતા રહેવું જોઈએ. સુઉં કિયો છો?

આવી ભૂલ અને ઉતાવળમાં હું બાજુવાળાએ પાર્ક કરેલી ગાડીમાં બેસી ગયો. દરવાજો ખુલ્લો હતો તે મહીં ગોઠવાઈ ગયો. આમ પાછું, સૉસાયટીમાં (દિવસના ભાગમાં) આપણું માન સારું, એટલે સામેવાળા મેહતાની વાઇફ તૈયાર થઈને બેઠી હતી ને મેં ગાડી સ્ટાર્ટ કરતા કહ્યું, ''એટલી વારમાં તું ય સાડી બદલાવી આવી??? જે હતી એ શું ખોટી હતી, ડાર્લિંગ?'' મારે તો કાચની આરપાર રોડ ઉપરના દ્રષ્યો જોતાં જોતાં જ સવાલો પૂછવા પડે?

એનો ગોરધન હું નહતો એની એને ખબર, પણ મને નહોતી... મોટા અંબાજીના સમ, બસ...! મેહતી ગભરાઈ ગઈ હોય કે એને મઝા પડી ગઈ હોય... કાંઈ બોલી શકી નહિ. પણ તો ય, થોડી કંપન સાથેના અવાજમાં એ બોલી, ''અશોકભાઈ, તમારી કોઈ-''

''આ તારો અવાજ અચાનક મિથુન ચક્રવર્તી જેવો ક્યાંથી થઈ ગયો? ...અને હું તારો ભાઈ ક્યારથી થઈ ગયો?'' હું સમજ્યો, એ મારી વાઈફ છે... હૈયે હોય એ બધું હોઠે આવે. પણ જોતા જ ચમક્યો. ''ઓહ... આઈ મીન... તમે...? આ ગાડીમાં ક્યાંથી આવી ગયા? (પછી કોઈ સાંભળે નહિ એમ વાંકા વળીને ધીમે સાદે પૂછ્યું, ''મેહતા સાહેબ મુંબઈ ગયા છે?'')

''ભઈ, જયજીનેદ્ર... તમારી ગાડી તો પેલી છે ને તમે ભૂલમાં અહીં આવી ગયા...'' ખૂબ હસી પડીને કહેતી મહેતીને હાથમાં આવેલા સુખની કદર નહોતી.

ઓ...થથથ...તતતતતત... મેં અચાનક બ્રેક મારી. પાછળ 'હોં' લગાડીને બે વાર 'સૉરી' બોલ્યો. ગાડી ઊભી રાખી ને મેહતીને ઉતારી. એણે પણ 'હોં' લગાડીને મને બે વાર 'થૅન્ક યૂ' કીધું. ગાડી હજી કમ્પાઉન્ડમાં જ હતી ને પાછળથી હસતી હસતી વાઈફ આવતી હતી. બન્ને જણીઓ ખૂબ હસી.

''અસોક... મને તો એવા દાંત આવે કે, ઉતાવળુંમાં તમે મેહતાભાઆ'યની ગાડીમાં ગરી ગીયા...''

''હા, પણ ભવિષ્યમાં તારે ધ્યાન રાખવાનું... ઉતાવળ કે નો ઉતાવળ... તારે ભૂલથી બીજા કોઈની ગાડીમાં ગરી નહિ જવાનું.''

યોગના માર્ગે હાલી નીકળેલો યોગી વનઉપવનમાં પોતાના વસ્ત્રો, આભુષણો કે ઈવન ટૂથપૅસ્ટો ય બાજુની ઝાડીઓમાં નાંખતો જાય, એવી સરખામણી મારી સાથે ન કરવી. કપડાં મારા હતા ને હું બારીની બહાર નહોતો ફેંકતો. ફાધર અને મારો દીકરો ત્રણે આ જોડી વર્ષોથી ધોઈધોઈને વાપરીએ છીએ. એમ કાંઈ કપડાં ફેંકી દેવાય છે?

મોડું ખૂબ થઈ ગયું હતું ને કોઈપણ હિસાબે ૯-ના ટકોરે પહોંચવાની આપણી જીદ હતી. કેટલું ટેન્શન થાય માણસને? શર્ટ તો પછી પહેરાશે, એટલે એને પાછલી સીટ પર નાંખી દીધું, પણ ખોળામાં ટુવાલ પાથરીને પહેરેલું પેન્ટ હજી બદલવાનું બાકી હતું. ઘરમાં સોફા ઉપર બેસીને પૅન્ટો બદલવામાં બહુ હુસિયારી મારવાની હોતી નથી, ચાલુ ગાડીએ કોઈ ખિસ્સાનો રૂમાલ પણ બદલી આપે, એમાં ખરી કમાલ છે. વાઇફ સ્કૂલમાં હતી, ત્યારે ઘોડેસવારીનો ભારે શોખ, એટલે અત્યારે એ કાર પણ ઘોડાની માફક ચલાવતી હતી. આમાં માણસો પાટલૂન કઈ રીતે બદલે? પેન્ટની એક બાંય (સ્લીવ) એક પગમાં નાંખવા માટે પેન્ટનો છેડો શોધવો જરૂરી હોય છે, જે મળતો નહતો. બન્ને હાથે પેન્ટની કમર પકડી રાખવી પડે ને પછી આસ્તે રહીને એક બાંયમાં પગ નાંખવાનો હોય, પણ અમે તો ગામડાગામના ટ્રેક્ટર ઉપર બેસીને સવારી કરતા હોઈએ, એવા આંચકા સાથે એ ગાડી ચલાવતી હતી. આમ બધી રીતે એ પતિના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી ઔરત છે, પણ સદરહૂ સંજોગોમાં તો એક આદર્શ પતિથી એવું પણ સજૅસ્ટ ન કરાય ને કે, મારા બદલે તું પેન્ટ પહેરી લે... આ તો એક વાત થાય છે. સ્વીકારું છું કે, મારું ધ્યાન પેન્ટ પહેરવા કરતાં બે બાબતો ઉપર વધારે હતું, એક, ટાઈમસર પહોંચવું ને બીજું, ખોળામાંથી ટુવાલ સરકી જવો ન જોઈએ.

સાત મિનિટ બાકી હતી ત્યારે એક બાંય પહેરાઈ ને મને મારી આવડત ઉપર ફખ્ર થયો. એ વાત જુદી છે કે, ખોટા પગમાં ખોટી બાંય પહેરાઈ ગઈ હતી. પાછી કાઢી. છ મિનિટમાં મારે આખું અભિયાન પુરું કરવાનું હતું. પત્ની કહે, ''અસોક, દશ મિનિટ મોડા પહોંચસું, તો સુઉં વાન્ધો આવવાનો છે? નકામી હડીઓ સુઉં કાઢો છો?''

ખરો પડકાર પહેલી બાંય પહેરાઈ ગયા પછીનો હતો. બીજો પગ નાંખવો કઈ રીતે?... અને એ ય ઠેકડા મારતી ગાડીમાં? ટ્રાફિક-સિગ્નલ પર ગાડી ઊભી તો રાખવી પડે. આજુબાજુની ગાડીવાળો કોઈ મને જુએ નહિ, એ બીક લાગી. પણ મને સીટમાં આમ અડધો વાંકો વળી ગયેલો જોઈને કાચ ખખડાવતી ભિખારણ હસવા માંડી, એમાં બીજી ગાડીઓવાળાનું પણ ધ્યાન-સૉરી, ધ્યાનો ગયા. મને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થયું, પણ આજકાલની ગાડીઓના તળીયા બહુ મજબુત આવતા હોય છે... એમાં ધરતી ય કાંઈ કરી ન શકે.

પૅન્ટ પહેરાઈ ગયા પછી શર્ટના બટનો બંધ કરતી વખતે એક્ઝેક્ટ ૯ વાગ્યા હતા ને અમારા યજમાન (હૉસ્ટ્સ) એમના દરવાજે સામા મળ્યા.

''અરે દાદુ... અહીં? ક્યાંથી આજે અહીં પગલાં પાડયા...? ગઈ કાલે પાર્ટીમાં તમારી બહુ રાહો જોઈ! ...ક્યાંક તમે આજનું સમજીને તો --- ઉફ, અને આ શર્ટ ઊંધું કેમ પહેર્યું છે?''

સિક્સર

સિવિલ હૉસ્પિટલમાં નર્સો સ્વાઇન-ફ્લૂનો માસ્ક પહેરીને ફોટા પડાવતી હતી. ફોટોગ્રાફરે કીધું, ''સ્માઈલ પ્લીઝ!''

15/03/2015

ઍનકાઉન્ટર : 15-03-2015

* ધર્મને નામે આટલી માથાફોડ થાય છે, તો પછી ધર્મ ઉપર વિશ્વાસ કેટલો રાખવો?
- પરમેશ્વરને ભક્ત સુરદાસ કે બાઇ મીરાં જેટલું માનતા, એટલું જ હું માનું છું, પણ દેશની સરહદો ઉપર આપણા જવાનો મરાય છે, એટલે મિનિમમ બે વર્ષ માટે, મારા માટે કોઇ ભગવાન-બગવાન નથી... માત્ર ભારત માતા મારા ભગવાન છે.
(જીજ્ઞા મશરૂ, વિજાપડી, જી. અમરેલી)

* રસ્તા ઉપર રૅડ લાઇટ જોઇને લોકો ઊભા રહી જાય છે, પણ ઈશ્વરની રૅડ લાઇટનો કેમ કોઇને ડર લાગતો નથી?
- આજકાલ તો ઇશ્વરે ય રેડ લાઇટમાં ઘુસે છે, ત્યારે માંડ આપણા કામો થાય છે.
(રિયાઝ ઘાંચી, રાધનપુર)

* તમારા માટે અમદાવાદ અને અમેરિકા વચ્ચે શું ફરક છે?
- થૂંકવાનો! અમદાવાદમાં ગમે ત્યાં થૂંકાય છે...
(યશોધન દવે, મોરબી)

* 'આઇ લવ યૂ' કરતાં ય વધુ પ્રેમાળ શબ્દો છે, 'પેમૅન્ટ લઇ જાઓ'.... સુઉં કિયો છો?
- બસ.... તો પછી ક્યારે લેવા આવું?
(અનિરૂધ્ધસિંહ રહેવર, રણાસણ-તલોદ)

* રોજ રાત્રે સુતી વખતે લોકો છત સામે કેમ તાકી રહેતા હોય છે?
- ગરોળી તો નહી આવે ને?
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* 'અબ કી બાર એ.ડી. (અશોક દવે) સરકાર...' રાઇટ?
- મને તો દેશ ચલાવતાં આવડશે, પણ મોદીને 'ઍનકાઉન્ટર' કરતાં નહિ ફાવે.
(જગદિશ જાની, કોવાયા-રાજુલા)

* ભરઉનાળામાં વરસાદ પડે તો શું સમજવું?
- એ વખતે ગરમ ધાબળો પહેરીને ઘરની બહાર નીકળવું, એટલે શિયાળામાં ગરમ પહેરવું ન પડે.
(ચૈતાલી વત્સલ શાહ, અમદાવાદ)

* 'અશોક દવે કા સીધા ચશ્મા' ક્યારે શરૂ કરો છો?
- બેતાલા આવે પછી.
(શરદ મેહતા, વડોદરા)

* પૂજ્ય મોરારી બાપુ માટે એક શબ્દ કહો.
- એક શબ્દમાં સમાઇ જાય એવું વિરાટ વ્યક્તિત્વ.
(ડી.વી. પરમાર, સંખેડા)

* ભારત વિકસિત દેશ ક્યારે બનશે?
- જ્યારે ધર્મને નામે નહિ, રાષ્ટ્રને નામે દેશ ચાલશે.
(અઝીમ સુરાણી, આણંદ)

* 'ઍનકાઉન્ટર' કૉલમ શરૂ કરવાનો હેતુ શું છે?
- પ્રજા સવાલો ઊભા કરવાને બદલે જવાબો આપે.
(સુનિલ ચૌહાણ, સુરપુરા-બેચરાજી)

* સરકારોને ટૅક્સની આવક તો સહુ નાગરિકો દ્વારા થાય છે, પણ વાપરવાનો અધિકાર ફક્ત નેતાઓ અને સરકારી અમલદારોને જ...?
- હવે... એક એટલું કામ એ લોકો કરે છે, એ ય તમારે બંધ કરાવવું છે?
(મહેન્દ્ર પંચાલ, વડોદરા)

* શું હવે બધા બ્રાહ્મણોએ ભેગા થવાની જરૂરત નથી લાગતી?
- બ્રાહ્મણોની ૮૪- જાત છે. પૂછી જુઓ, એમાંથી સૌથી ઊંચો કોણ? જવાબ ૮૪-નો એક જ આવશે, ''અમે''.
(ગોપાલ કે. ભટ્ટ, વડોદરા)

* મુહમ્મદ રફી સાહેબ માટે 'ભારત રત્ન' તો ઠીક, 'દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ' ક્યારે?
- જે લોકો ઍવોર્ડ આપવા બેઠા છે, એમને 'મુહમ્મદ રફી' અને 'મુહમ્મદ અલી' વચ્ચેનો ફરક ખબર પડશે ત્યારે.
(બિમલ જાની, વડોદરા)

* શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનની કૉપી કરી કરીને આગળ આવ્યો છે...!
- સારૂં થયું, તમે ઘણાનો ભ્રમ ભાંગ્યો.... કેટલાક તો એવું સમજતા હતા, કે શાહરૂખ ગુજરાતી 'સુપરસ્ટાર' વિક્રમ ઠાકોરની કોપી કરે છે.
(પૃથ્વીરાજ કોરડીયા, અમદાવાદ)

* શહેનશાહ અકબરના દરબારમાં બિરબલની જગ્યાએ તમે હોત તો?
- તો પછી બિરબલે ય મારૂં શું તોડી લેવાનો હતો?
(દિવ્યેશ વાંઝા, નડિયાદ)

* તમને અમેરિકા અને ઈન્ડિયાના ભોજન વચ્ચે શું ફરક લાગ્યો?
- બસ. ત્યાં હાથ ધોઇને જમવા બેસવાનું હોય છે.
(મહાવીર રામાનુજ, જોરાવરનગર)

* રાહુલ ગાંધીને ગુજરાત 'ટૉફી મૉડેલ' લાગે છે... સુઉં કિયો છો?
- બાળકોને ટૉફી બહુ ભાવે.
(હર્ષવદન પુરોહિત, જૂનાગઢ)

* સ્ત્રીઓનું આખરી હથિયાર આંસુ (રડવાનું) હોય છે, તો પુરૂષોનું છેલ્લું હથિયાર કયું?
- શરણે જવાનું.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* કૂતરાની પૂંછડી વાંકી, તો નેતાની?
- શું કામ પણ કૂતરાઓનું અપમાન કરો છો?
(ધવલ સોની, ગોધરા)

* ક્રિકેટ કે હૉકીમાં બહેનો માટે ટીમો જુદી હોય છે, પણ ચૅસમાં ય એવું?
- ચૅસમાં એ લોકો સ્પૉર્ટ્સ-શૂઝ પહેરીને રમવા આવતી હોવાથી જુદી ટીમો બનાવવી પડી છે.
(મોક્ષાકર બ્રહ્મચારી, વડોદરા)

* 'કૉમેડી નાઇટ્સ વિથ અશોક દવે' ક્યારે શરૂ કરવાના છો?
- ઘરમાં રોજ રાત્રે ચાલે છે.
(જીગર પટેલ, મેહસાણા)

* લોકોને તમારા જવાબો વાંચવામાં રસ છે કે, પોતાનું નામ છપાવવામાં?
- ફ્રૅન્કલી કહું...? નામ છપાયેલું જોવાનો ચહડકો તો મને આજે ય છે.
(જનક શિયાણી, પોરબંદર)

* શૅર બજારમાં કેમ પડતા નથી?
- વાગે એટલે.
(શફીન રૂપાણી, સાંગલી-મહારાષ્ટ્ર)

* સત્ય અને હાસ્ય સાથે ન રહી શકે. તમે હાસ્ય માટે સત્યને છોડી શકો કે એથી ઊલટું?
- હાસ્યથી મોટું કોઇ સત્ય નથી. વિશ્વાસ ન આવતો હોય તો કોકની સામે હસી જુઓ.
(અનિલ ગઢવી, લખપત-કચ્છ)

* મોબાઈલ પર સ્ક્રીન-ગાર્ડ લગાવવાનું કોઇ ભૂલતું નથી, પણ બાઈક ઉપર હૅલમૅટ કેમ ભૂલી જવાય છે?
- હજી હૅલમૅટ મોંઢા પાસે રાખીને વાત કરી શકાય, એવી હૅલમૅટ નીકળી નથી.
(દીપક સોલંકી, નિકોલ)

* હવે 'રાજા હરિશ્ચંદ્ર' ઉપર ફિલ્મ બને તો ચાલે કે નહિ?
- તારામતીનો રોલ સની લિયોની કરવાની હોય તો ચાલે !
(ભાવિક રાઠોડ, પાલડી-વિસનગર)

* 'માવઠું' એટલે શું?
- રસ્તે જતો હો ને સામેથી પરણેલી પ્રેમિકા આવતી હોય, એને 'માવઠું' કહેવાય!
(બી.એસ.શાહ, અમદાવાદ)

13/03/2015

'સિલસિલા'('૮૧)

સિલસિલા : 'નીલા આસમાન સો ગયા...'ની ધૂન શમ્મી કપૂરે બનાવી હતી
ફિલ્મ : 'સિલસિલા'('૮૧)
નિર્માતા : યશ ચોપરા
સંગીત : શિવ-હરિ
ગીતકારો : લિસ્ટ મુજબ
રનિંગ : ૧૮ રીલ્સ : ૧૮૩ મિનિટ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, રેખા, જયા ભાદુરી, શશી કપૂર, સંજીવ કુમાર, સુધા ચોપરા, દેવેન વર્મા, કુલભૂષણ ખરબંદા, સુષ્મા શેઠ, જગદિશ રાજ, વિકાસ આનંદ, રણવીર રાજ, શર્મિલા રૉયચૌધરી


ગીતો
૧. સરકે સરકે સરકે ચુનરીયા, લાજ ભરી અંખીયો સે....લતા મંગેશકર
૨. પહેલી પહેલી બાર દેખા, લડકી હૈ યા શોલા... લતા-કિશોર
૩. નીલા આસમાન સો ગયા, નીલા આસમાન....અમિતાભ બચ્ચન
૪. નીલા આસમાન સો ગયા, નીલા આસમાન .... લતા મંગેશકર
૫. દેખા એક ખ્વા બતો યે સિલસિલે હુએ, દૂર તક.... લતા-મંગેશકર
૬. મૈં ઔર મેરી તન્હાઇ...યે કહાં આ ગયે હમ...અમિતાભ-લતા
૭. રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે....અમિતાભ બચ્ચન
૮. જો તુમ તોડો પિયા, મૈ નાંહી તોડું રે, તોસો પ્રિત....લતા મંગેશકર

- અમિતાભ-રેખા વચ્ચે પ્રેમ કેટલો નિકટનો છે, એ આપણને બતાવવા બન્ને વચ્ચે ગીતો ઉપર ગીતો શેના માટે મૂકાયા છે ? એક ગીતમાં ય સાબિત કરી શકો કે, બન્ને વચ્ચે પ્રેમ છે. એના માટે ૮-૧૦ ગીતો ઘુસાડી મારવાના ન હોય ને ! મને કહો,

એ બન્ને યુરોપના નૅધરલેન્ડસના કૂકેનહૉફ ગાર્ડનમાં જાજમોની જેમ પથરાયેલા ટુલિપના ફૂલો વચ્ચે 
એ બન્નેની રંગરેલીયા જોવાનું આપણે શું કામ ?

લગ્ન પછી બહારના સંબંધો લોકમાનસમાં ચર્ચા કરતા ય ઘૃણામાં વધારે રહ્યા છે. કારણ કોઇ બી હો, સમાજ એને પસંદ નથી કરતો અને સમાજ બેવકૂફ કે વાંધાવચકાવાળો નથી હોતો. સદીઓના અનુભવે આવા સંબંધોના પરિણામો જોઇ લીધા પછી સમાજની આંખ લાલઘુમ થઈ છે. '૮૦ના દશકમાં અમિતાભ બચ્ચનનો સિક્કો પડતો હતો, છતાં ય પ્રેક્ષકોએ ફિલ્મ જ નહિ, અંગત જીવનમાં પણ રેખા સાથેના સંબંધોને થોડી બી માન્યતા ન આપી અને બધો ગુસ્સો ટિકીટબારી ઉપર ઉતાર્યો. ફિલ્મ ફૅઇલ ગઇ. યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાએ આ નિષ્ફળતાનું કારણ આપતા બહુ સરસ વાત કીધી, 'ખુદ ફિલ્મના દિગ્દર્શક (એનો પતિ યશ ચોપરા)એ આવા સંબંધોનો બચાવ કરતી ફિલ્મ ઉતારી, એમાં ફિલમ માર ખાઇ ગઇ. ફિલ્મમાં તો યશે અમિતાભના જયાભાદુરી સાથેના લગ્ન પછી રેખા સાથેના લગ્નેતર સંબંધો બાંધ્યા હતા અને પોતાના સગા ભાઇ (શશી કપૂર)ની પ્રસુતા પ્રેમિકા (જયા ભાદુરી)ની લાજ બચાવવા ન છુટકે જયા સાથે લગ્ન કરે છે. એટલે, ફિલ્મમાં તો અમિતાભને બચાવવા યશ ચોપરા સ્કીમ ઉપાડી લાવ્યા કે, ભ'ઇ...આવું હતું એટલે રેખા-અમિતાભ બન્નેને લગ્નેતર સંબંધો બાંધવા પડયા. પણ અંગત જીવનમાં બચ્ચનને અગાઉથી રેખા સાથે સંબંધો તો જાવા દિયો, ઓળખાણે ય નહોતી, છતાં જયાની છેતરપિંડી કરીને રેખા સાથે 'લફરૂ' કર્યું.... પ્રેક્ષકો ક્યાંથી માફ કરે ?

હું અંગત રીતે, આવા લગ્નેતર સંબંધોનો વિરોધ કોઇ સામાજીક જવાબદારીથી નહિ, પણ જાણકારીથી કરૂં છું. કારણ કે, બન્ને અથવા બેમાંથી એકે ય પક્ષ આવા લફરાં માટે જસ્ટિફાય થતો હોય, તો પણ મારી માન્યતા આવા સંબંધોને એટલા માટે નહિ કે એનું કોઇ પરિણામ સુખદ તો હોઇ જ શકતું નથી... ઓહ, કોઇ પરિણામ જ હોતું નથી. જે અંજામ આવે છે, તે બર્બાદીઓથી ભરચક હોય, પછી ભલે એક જ નહિ, બન્ને પાત્રોને મજબૂરીથી લગ્ન બહારના પ્રેમમાં પડવું પડયું હોય ! હીરોલોગ આવા સંબંધમાં ફિલ્મમાં સમાજ સામે લડી લેવાની જે હિમ્મત બતાવે છે તે વાસ્તવમાં સ્વીકારાતી નથી કારણ કે, કાયદો ખૌફનાક પરિણામો બતાવી દે છે. સમાજના લોકો ભલે ગમે તેટલા ઍડવાન્સ્ડ હોય, આવા પ્રેમીઓને ઑફિશિયલી પોતાના ઘરે બોલાવતા નથી, અર્થાત કોઇ સ્વીકૃતી મળતી નથી.

પતિ નપુંસક હોય, દારૂડીયો હોય, પૈસેટકે પાયમાલ હોય અથવા પત્નીને મારઝૂડ કરતો હોય, અથવા પત્ની નાલાયાક હોય, બીજા અનેક સાથે ફરતી હોય, સૅક્સમાં શૂન્ય હોય કે એવા પચાસ કારણોસર એનો પતિ અન્ય કોઇ સ્ત્રી સાથે પ્રેમસંબંધ બાંધી લે, તો ભલે આવા પ્રેમીઓને લફરાબાંજ, ચરીત્રહિન કે નાલાયક હું ભલે ન કહું, પણ બેવકૂફી બેશક કહું, કારણ કે પાત્રો બધી રીતે જસ્ટિફાઇડ હોય, છતાં આવા સંબંધનું આખરી પરિણામ શું ? મારામારી,કૉર્ટ-કચેરી, બદનામી કે પછી એ બન્નેના શક્તિશાળી પરિવારો જોરુલમથી એ લોકોને દૂર રાખે... બન્ને લગ્ન તો કરી શકવાના નથી. કાયદો મારી નંખાવે. તદઉપરાંત, 'સિલસિલા'માં રેખા-બચ્ચન વચ્ચે પ્રેમ કે ત્યાગ હોવાનું કારણ બતાવ્યું છે,તે નકરી છેતરપિંડી છે. આવા સંબંધોમાં પ્રેમ ક્યાંથી આવ્યો ? નકરૂં સેક્સ અને સેક્સની લાલસા જ ભરપૂર હોય છે...બૌધ્ધિક ધોરણે ભલે બન્ને એકબીજાની દોસ્ત પણ હોવાના દાવા કરે કે, એમનો પ્રેમ શુદ્ધ હોવાની વાતો કરે... સરવાળે લાલચ તો સેક્સની જ હોય... ભલે એમાં ય કાંઇ ખોટું ન હોય કે સેક્સનો વાંધો શું છે, એવા વાહિયાત સવાલો હોય...છેલ્લો સરવાળો પોલીસ સ્ટેશને આવીને ઊભો રહે છે કે જાહેર રસ્તા ઉપર મારામારી થાય, ત્યારે પહેલો જવાબ ફરી પાછો રિપિટ થાય કે, ''આટલા જોખમો ઉઠાવીને લગ્નેતર સંબંધો બાંધ્યા... પણ અંતે તો પોલીસ-સ્ટેશન જ ને ?''

'સિલસિલા'માં યશ ચોપરા જેવા પ્રણામયોગ્ય દિગ્દર્શકે બચ્ચનની દોસ્તી મજબૂત કરવા અથવા ફિલ્મના બહાને બન્નેને હજારો વખત પ્રાયવસી આપવા માટે આવી વાહિયાત ફિલ્મ ઉતારી. તમારે તો 'સિલસિલા' જોયે ૩૦-૩૨ વર્ષ થઇ ગયા હશે. એટલે પૂરૂં યાદ પણ નહિ રહ્યું હોય, એટલે યાદ કરાવી દઉં કે, યશ જેવો કાબિલ દિગ્દર્શક હોવા છતાં ફિલ્મની વાર્તા ફિલ્મ શરૂ થવાના સવા કલાક પછી તો શરૂ થાય છે. સો-કૉલ્ડ મેહમાન કલાકાર શશી કપૂરને ફૂટેજ આપવા, અર્થ વગરના કૉમિક દ્રષ્યો, લેવા-દેવા વગરના ગીતો અને મોટું ખૂન્નસ તો ત્યારે ચઢે કે, અમિતાભ-રેખા વચ્ચે પ્રેમ કેટલો નિકટનો છે, એ આપણને બતાવવા બન્ને વચ્ચે ગીતો ઉપર ગીતો શેના માટે મૂકાયા છે ? એક ગીતમાં ય સાબિત કરી શકો કે, બન્ને વચ્ચે પ્રેમ છે. એના માટે ૮-૧૦ ગીતો ઘુસાડી મારવાના ન હોય ને ! મને કહો, એ બન્ને યુરોપના નૅધરલેન્ડસના કૂકેનહૉફ ગાર્ડનમાં જાજમોની જેમ પથરાયેલા ટુલિપના ફૂલો વચ્ચે એ બન્નેની રંગરેલીયા જોવાનું આપણે શું કામ ?

યસ. દિગ્દર્શકના યશ ચોપરા લેવલના ય કેટલાક ડાયમન્ડસ છે, જેમ કે પોલીસ અધિકારી કુલભૂષણ ખરબંદાને હાથે આ બન્ને પ્રેમીઓ ઝડપાય છે, એ પહેલાની બન્નેની મનોદશા કેવી હોય, હાવભાવ કેવો હોય, 'હવે બધાને ખબર પડી જશે'વાળી ભીતી કેવી ખૌફનાક હોય, તે ચિત્રણ યશ ચોપરાએ આબેહૂબ કર્યું છે. જયા ભાદુરી પાસે અણમોલ અભિનય કરાવ્યો છે. તો રેખા પણ બે ઇંચ કમ નથી. બચ્ચનથી વધુ સારો 'ઍક્ટર' તો પૂરા ભારતમાં હજી સુધી થયો નથી, એટલે એ બાબતે તો કાંઇ કહેવાનું હોય નહિ. વળી તંગ પરિસ્થિતિઓમાં પાત્રો કેવું વર્તન કરે, એ ચરીત્રચિત્રણ ઘણા પરફૅક્શનથી યશે કર્યું છે. ફિલ્મમાં જ્યાં જ્યાં વાર્તા દેખાય છે, ત્યાં અનુભવાય પણ છે... ફિલ્મના સૅન્ટ્રલ-આઇડિયા સાથે તમે સહમત હો કે ન હો, એ અહી પ્રસ્તુત નથી. એક ફિલ્મ તરીકે ૭૦-ટકા ઘાણ તો કાચો અથવા વધુ પડતો તળેલો ઉતર્યો છે, પણ જ્યાં ઘટનાઓ બને છે, ત્યાં પરિસ્થિતિ અનુસાર યશ ચોપરાએ સમૃદ્ધ કામ કર્યું છે. આવા પ્રેમીઓ એક તો માંડ ગુપચુપ મળતા હોય ને મળે તે પહેલા બન્નેના અંગત દોસ્ત કબાબમાં હડ્ડી બનીને ઊભા રહે, દેવેન વર્મા દોસ્ત ભલે રહ્યો, પણ રેખા-બચ્ચનને સાથે જોઇ ગયા પછી બચ્ચનનું જીવવું હરામ કરી દે છે કે પછી પોતાના બચાવ અમિતાભ જયા ભાદુરી પાસે કરવા બેસે છે, એ વખતનો એનો કે જયાનો અભિનય કોઇ આસમાની બુલંદીઓને સ્પર્ષી શકે, એવો ઉત્કૃષ્ઠ થયો છે.

પણ ફિલ્મનો અંત કેવો બેહૂદો અને હાસ્યાસ્પદ આપ્યો છે. જસ્ટ બીકૉઝ, રેખાના પતિ સંજીવ કુમારને વિમાની-અકસ્માત થાય છે અને બચન બચાવી લે છે અને ભારોભાર પસ્તાવો કરતો બચ્ચન જયા પાસે પાછો શેને માટે આવે છે ? રેખાનું વર્ઝન શું સમજવાનું ? બેશક, યશ ચોપરાએ ખૂબ સફળતાપૂર્વક એક અત્યંત ફાલતું ફિલ્મ ઉતારી છે.

જયા ભાદુરી આજે તો એક તુંડમીજાજી સ્ત્રી તરીકે ટીવી-કૅમેરાઓની સામે છાપ ઊભી કરી ચૂકી છે. કોઇ ઍવોર્ડ-સમારંભમાં બહુ અણગમો ઊભો કરાવે, એવી ઢબે તાળીઓ પાડે છે...(કંઇ નવું કરવું...! જેથી સેલિબ્રિટી હોવાનો ફાયદો એ મળે કે, ભવિષ્યમાં બીજાઓ ય એવી તાળીઓ પાડવા જાય તો પ્રથમ યશ એમને મળે.)

પણ પૂનાની ફિલ્મ્સ ઍન્ડ ટૅલીવિઝન ઇન્સ્ટિટયૂટમાં ગોલ્ડ-મૅડલ જીતીને અનિલ ધવન અને શત્રુધ્ન સિન્હા સાથે ઍક્ટિંગ પાસ કરીને આવી ત્યારે તો એ નિહાયત બેનમૂન અભિનેત્રી હતી. આપણે સહુ કન્વિન્સ થઇ ગયા હતા કે, અગાઉના જમાનાની હીરોઇનોએ કેવળ ઍક્ટિંગ કરી છે, જ્યારે જયાએ સહેજ પણ ઍક્ટિંગ કરી ન હોય ને વાસ્તવિક એ રોલ જીવી હોય, એવું પ્રેક્ષકાને ફીલ કરાવ્યું. અમિતાભની અત્યંત ફાલતું ફિલ્મ 'શહેનશાહ'ની વાર્તા જયા ભાદુરીએ લખી હતી... જોયું ને, બહેનની પહોંચ ક્યાં સુધીની છે !) એના કરતા ઊલટા અને સારા ચમત્કાર મુજબ, 'સિલસિલા'માં બચ્ચને ખુદ ગાયેલું (જે પછી હઠ કરીને લતા મંગેશકરે ય પોતાના માટે સોલો ગાયું.) તે 'નીલા આસમાન, સો ગયા...'ની ધૂન શમ્મી કપૂરે આમ-અચાનક જ બનાવી દીધી હતી, જ્યારે એ અમસ્તો જ બચ્ચનને મળવા ફિલ્મ ઝંજીર'ના સેટ ઉપર ગયો. બચ્ચનને ધૂન ગમી ગઇ અને એણે ખુદ શિવ-હરિને એ સંભળાવી.

એક જમાનો હતો, જ્યારે લતા મંગેશકરે ઉઘાડેછોગ, પોતાને અમિતાભ બચ્ચન ખાસ કોઇ ઊંચા ગજાનો ઍક્ટર નહોતો લાગ્યો, એવું ઇન્ટરવ્યૂમાં કહી દીધેલું. પણ જેમ જેમ બચ્ચનની ઊંચાઇઓ આસમાનને આંબતી ગઇ, એમ લતાએ પણ હોડીના સઢ ફેરવી દીધા. આશ્ચર્ય અને આઘાત બન્ને લાગે કે, આ ફિલ્મનું મશહૂર ગીત, ''મૈં ઓર મેરી તન્હાઇ, અક્સર યે બાતે કરતે હૈ...'' યે કહા આ ગયે હમ, તેરે સાથ સાથ ચલતે...' યુગલ-ગીત હોવા છતાં લતા અને બચ્ચને જુદા જુદા રૅકૉર્ડિંગ કરાવ્યા હતા. એ વખતે લતા બચ્ચનને સહેજ પણ માન નહોતી આપતી.

ફિલ્મનું સંગીત પણ એને બનાવનારા મહાન શાસ્ત્રીય સંગીતકારો સંતુર વાદક પંડિત શિવકુમાર શર્મા અને બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસીયાના સ્થાનને વધુ ઉજળું બનાવે એવું હરગીઝ નહોતું, સિવાય કે, લતા મંગેશકરના પગ ધોઇને પીવાનું મન થાય, એ મીરાંબાઇનું આ બન્ને સંગીતકારોએ બનાવેલું, 'જો તુમ તોડો પિયા, મૈં નાહિ તોડું રે...'બહુ ઓછાને ખબર હશે, પણ આ કોલમમાં આપણે લખી ગયા છીએ કે, 'પંચમ' એટલે કે, રાહુલદેવ બર્મનના ખાસ દોસ્ત હોવાને નાતે શિવકુમાર શર્માએ, 'પિયા તોસે નૈના લાગે રે...'ગીતમાં તબલાંપં. શિવકુમાર જાતે વગાડયા છે- પોતે તો સંતુરવાદક હોવા છતાં ! જ્યારે શિવ-હરિના હરિપ્રસાદ થોડા જ વર્ષો પહેલા દેશભરના અખબારોમાં સનસનાટી મચાવી દીધી હતી, એવું કહીને કે, સ્ત્રીઓનો સંગ એમની કમજોરી છે. આ બન્ને દોસ્તોએ સિલસિલા ઉપરાંત, ફાસલે, વિજય, ચાંદની, લમ્હે, પરંપરા, સાહિબાન અને ડરમાં સંગીત આપ્યું હતું. નવાઇ નહિ, પણ આઘાત લાગે કે, આટલી ફિલ્મોમાંથી આજ સુધી યાદ રહી જાય, એવું એકે ય ફિલ્મનું સંગીત કેમ નહિ ?

આ એક જ ફિલ્મ એવી હતી કે શશી કપૂર અમિતાભનો મોટો ભાઇ બને છે. બાકીની બધી ફિલ્મોમાં અમિતાભ મોટો ભાઇ છે. મૂળ આ ફિલ્મમાં યશ ચોપરાએ અમિતાભની સાથે પદ્મિની કોલ્હાપુરે અને પરવિન બાબીને અનુક્રમે રેખા અને જયા રોલ માટે પસંદ કર્યા હતા, પણ અમિતાભે આગ્રહ કરીને આ બન્ને રોલ રેખા-જયાને અપાવ્યા હતા. ફિલ્મના ગીતકારોમાં અમિતાભના પિતા કવિવર શ્રી. હરિવંશરાય બચ્ચને 'રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે..' લખ્યું હતું. જાવેદ અખ્તર ઉપરાંત રાજીન્દર કિશન, નિદા ફાઝલી અને હસન કમાલના નામો પણ છે.

હિંદી ફિલ્મોની એક ખાસીયત છે. એનો હીરો ઍરફૉર્સમાં પાયલટ હોય, એટલે એ મરવાનો જ થયો હોય. બસ, દુશ્મનો સાથે લડતા લડતા એ શહીદ થઇ જાય. પણ ઍરફોર્સના કોઇ પાયલટને લાંબા લાંબા વાળ રાખવાની દુનિયાના કોઇ દેશમાં છુટ ન મળે, સિવાય હિંદી ફિલ્મના પાયલટ-હીરોને. એવી જ રીતે, આખી ફિલ્મમાં બચ્ચન ક્યો નોકરી-ધંધો કરે છે ને આખો દહાડો શું કરે છે, એ વાર્તામાં લેવાયું જ નથી. એને લેખક બતાવાયો છે, પણ ભારતના ક્યા લેખક પાસે આજની કિંમતમાં મિનિમમ રૂ.૨૦-૨૫ કરોડનો બંગલો હશે? (ઍટ લીસ્ટ, મારી પાસે તો નથી જ.) ફિલ્મમાં હ્યૂમરને નામે યશ ચોપરાએ અત્યંત બિભત્સ જોક કામે લગાવી દીધી છે. બચ્ચન અને શશી એક જ બાથરૂમમાં નહાતા હોય છે, ત્યારે શશીના હાથમાંથી સરકી ગયેલો સાબુ ઉપાડવા શશી અમિતાભને કહે છે...ને બચ્ચન કટાક્ષ સમજી જઇને એ સાબુ ઉઠાવવાની ના પાડે છે. આવી બિભત્સ જોક શું કામ મૂકવી પડે ? જયા અને અમિતાભ એકબીજાને ભેટીને ડાન્સ કરતા હોય છે. એમાં બન્નેની હાઇટ અંગે ઠીક-ચાલી જાય એવી જૉક બચ્ચને કરી છે કે, 'ઓહ...મૈ તો ફર્સ્ટ-ફ્લોર પે ડાન્સ કર રહા હૂં... આપ ક્યા ગ્રાઉન્ડ ફલોર પે હૈ ?'

11/03/2015

લોખંડનું કબાટ

આપણે રેગ્યુલર નહાઈ-ધોઈએ કે નહિ, એ જુદી વાત છે, પણ ઘર તો બારેમાસ સ્વચ્છ રાખવું જોઈએ, એવું ઘઈઢીયાઓ કહી ગયા છે. પણ રોજ નહાવા જવાય છે, રોજ રોજ ઘરો સાફ થતા નથી. કચરા-પોતાં તો થતા હોય, પણ ઘરનો ખૂણે-ખૂણો, કબાટો અને માળીયા તો છ મહિને એકાદવાર સાફ થાય.

''અસોક... કેટલાં વર્શું થઈ ગીયા, આપણે ઘર સાફ કઈરૂં નથ્થી. આ સની-રવિની રજાયુંમાં હાલો... બધું શાફ કરી નાખીએ.'' સવારના બ્રેકફાસ્ટ વખતે વાઈફે કીધું.

''થોડી રાહ જો જરા... આજકાલ આપણા નારણપુરામાં ઘરફોડચોરો વિના મૂલ્યે આખેઆખું ઘર સાફ કરી આપે છે. આપણો ય નંબર આવશે. આપણે મેહનત કરવાની જરૂર નથી.'' મને આવડે એવો જવાબ આપ્યો.
''ખોટા ઢીંગા મારો મા, ને! આમ જરા ઘરમાં ચક્કર મારી આવો... જુઓ તો ખરા, ઘર કેવું ફૂવડ જેવું થઈ ગયું છે, તી! આખા ઘરમાં ધૂળું જ ધૂળું ને માટીયુંના તો ઢગલે ઢગલા થઈ ગીયા છે.''

એની વાત તો સાચી હતી, પણ એની વાત માનવામાં ઘરના માલસામાનની ખસડાખસડીમાં હું વાંકો વળી જઉં, એ મને ગમે નહિ. મારું મન પોલાદી છે, પણ તન તાંબાનું છે. આવા કામોમાં વેડફી ન નંખાય... બા ખીજાય! 'ઍનકાઉન્ટર' નામની રવિવારની મારી કૉલમમાં ઘણા પૂછે છે, ''તમારા સફળ લગ્નજીવનનું રહસ્ય શું?'' ત્યારે હું કહું છું, ''પત્ની જે કાંઈ કામ સોંપે, તેની કદી ના પાડવાની નહિ... અને એ કામ કદી કરવાનું ય નહિ! જે કામ સોંપ્યું હોય તેમાં ભરચક બફાટ કરીને લાવવાનો, એટલે ખીજાશે કે, ''તમને તો છોકરાઓ નવડાવતા ય આવડતા નથી... ખબરદાર, આજ પછી કોઈ 'દિ છોકરાઓને નવડાવવા ગીયા છો તો!'' એણે સોંપેલું કામ ઊંધું વાળીને આવો, એટલે બીજા દિવસથી તમે રાજ્જા બેટા...! કાયમ માટેની નિરાંત.

ગુજરાતી વાઈફો ૫૦-ઉપરની થાય, એટલે એના પગે વા શરૂ થયો હોય, અડધો રૂમ ભરાય, એટલો તો એક એક ઢગરો પાછળ લઈને ફરતી હોય... ને એવા તો બે! હવે એ ચાલતી ન હોય, ખસતી હોય. 'ઍનિમલ પ્લૅનેટ' પર ક્યારેક દરિયા કિનારે જતું પૅન્ગ્વિન પક્ષી જોયું હોય, તો બરાબર એની ચાલે ગુજરાતી વાઈફો ઠૂમ્મક-ઠૂમ્મક ચાલતી હોય છે... ફરક કેવળ સ્પીડનો! હવે દરેક સંસ્કારી ઘરોમાં બબ્બે કમોડની સાઈઝવાળા ટૉઈલેટ હોય છે. વાઇફ રાત્રે પથારીમાં પડખું ફરે, ત્યારે કાઠિયાવાડનું કોક નાનકડું આખું ગામ ખાલી થતું હોય એવું એના ગોરધનને લાગે. ૩૧-ડીસેમ્બરે એની સાથે હિમ્મતવાળા હસબન્ડોઝ ડાન્સ-ફ્લોર પર નથી જતા... બૉલ-ડાન્સ કરતા પાણીની ટાંકી ખસેડતો હોય, એટલી શક્તિ વપરાઈ જાય. જે લોખંડનું કબાટ ખસેડવા માટે રૂ. ૨૫૦/- રોજના આઠ મજૂરોને ચૂકવવા પડે, એ કબાટને વાઇફે બસ, એક જ વખત સાઈડમાંથી અથડાવાનું હોય... કબાટને તમે ઈચ્છિત જગ્યામાં મોકલી શકો.

પણ જહે નસીબ...! મકાન સાફ કરવાનું આવે ત્યારે એ સોફામાંથી ઊભી પણ ન થાય. એને એ જ દહાડે કંઈકને કંઈક થઈ ગયું હોય. કમર અથવા/ઉપરાંત ઢીંચણમાં દુઃખાવો, સવારના ચક્કરો આવવા, પ્રેશર વધી ગયું હોય, એ જ દિવસે કાનમાં સણકા ઉપડયા હોય ને છતાં બોલતી જાય, ''મને કાચી કેરીયું ખાવાના બવ મન થાય છે... કિયાંકથી લાવી દેસો?''

તારી ભલી થાય ચમની... આ આખું પેકેજ તું મકાન સાફ કરવાના દિવસે જ ખોલે છે? એને અચાનક આપણામાં (એટલે કે, મજબુર ગોરધનોમાં) મહાબલી હનુમાનજીના દર્શન થવા માંડે છે. આપણે ભરપુર શક્તિમાન છીએ ને આવા કબાટો ખસેડવા તો આપણા માટે ડાબા હાથનું કામ છે (હું ડાબોડી છું), એવી માન્યતા એના મનમાં ફિટ થઈ જાય છે. એની વાતમાં અંશતઃ સત્ય છે. સાચ્ચે જ આવા કબાટો હું જીવના જોખમે પણ ખસેડી શકું એમ છું... બસ, એને બન્ને હાથમાં ઉપાડી શકતો નથી. અનુભવીઓને ખબર હશે કે, વાઈફોને ઉપાડવી હોય તો એના બન્ને પગની આજુબાજુ આપણા હાથની ગરગડી બનાવીને વીંટળાઈ દેવાની, પછી ઢીંચણ (આપણા... એના નહિ!) નીચા વાળીને 'જો ર લગા કે હૈસા...' બોલીને જમીનથી અધ્ધર કરવાની હોય. પણ આવું બધું વાર્તાઓમાં અથવા તો લગ્ન પછીના એક-બે મહિના ચાલે, વ્યવહારમાં નહિ. આટલા સૂક્ષ્મ ગાળામાં એનો ઘેરાવો આપણા હાથમાં ન આવે. બહુ બહુ તો હોળીના પવિત્ર દિવસે પ્રગટાવેલી હોળીની ગોળગોળ પ્રદક્ષિણા કરીએ છીએ, એવા એક-બે નાના ચક્કરો વાઈફની ગોળ ગોળ મરાય. ગોરધનો માટે આ જ પધ્ધતિ બૉલ-ડાન્સ વખતે ય કામમાં આવે છે. આજે પણ ભરબજારમાં તમે હસબન્ડ ટુંકો ને વાઈફ લાંબી જુઓ છો, તે એમના લગ્ન વખતે આટલું લાંબુ-ટુંકુ ન હોય... નક્કી એનો ગોરધન એને બે હાથે ઊંચી કરવા ગયો હોય ને જમીનમાં સવા ફૂટ નીચે ઉતરી ગયો હશે, માટે વાઈફ લમ્બુ અને હસબન્ડ ઠિંગુ લાગે... (ઠિંગુ ગોરધનોએ પંખો ચાલુ કરવો!)

મારી જ વાઈફનો હું ગોરધન હોવા છતાં બુધ્ધિશાળી ખરો. ('યે પૉઈન્ટ નૉટ કિયા જાય, મી લોર્ડ! ...એક પરણેલો માણસ બુધ્ધિની વાત કરે છે..!' : મી લૉર્ડને સૂચના પૂરી) ભગવાન-પ્લસ સસુરજીની દયાથી મારા સસુરજીએ બીજા બે પુત્રો અને બીજી ત્રણ દીકરીઓ, પ્લસ એ બધાને ભાગે પડતો આવેલો સ્ટાફ, એટલે સમજો ને, કોઈ ૨૫-૩૦નું ફૅમિલી થયું. એ જમાનામાં તો તમે જાણો છો કે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નહતો. મેં વાઈફને સૂચન કર્યું, ''આપણે તારા ભાઈઓ અને એમના છોકરાઓને એકાદ કલાક હૅલ્પ કરવા બોલાવીએ તો...? તારા ફાધરને મૂકી આવવાના હતા, ત્યારે યાદ છે, હું મદદમાં આવ્યો હતો? સફેદ કપડાં પહેરીને સ્માશાને ગયો હતો...? એ લોકો આપણને ક્લબમાં ડિનર માટે લઇ જાય છે, તો આજ સુધી મે કોઇ ’દિ ના પાડી છે? ... માણસ માણસના કામમાં નહિ આવે તો બીજા કોના કામમાં આવશે...? કબાટ ખસેડવા એ લોકોને બોલાવીએ... આ તો એક વાત થાય છે...!’’

સિક્સર
ફિલ્મ 'બેબી'ની માફક એક અદ્ભુત ફિલ્મ 'બદલાપુર' તમારે જોવી જ જોઈએ, એનું એક કારણ આપો.''
નહિ અપાય...! જોવી જ પડે, એના ૧૦૦-કારણો છે... નહિ જોવા માટેનું એક જ, ''તમારી ટિકીટ કાઢનારો કોઈ મળી ન રહે!''

08/03/2015

'ઍનકાઉન્ટર' : 08-03-2015

* કવિ-લેખકો ખભે બગલથેલો ને ઝભ્ભો-લેંઘો જ કેમ પહેરતા હોય છે?
આ કમાણીમાં એટલું જ પોસાય એવું હોય છે.
(કંદર્પ દેવાશ્રયી, દુબાઈ-મિડલ ઈસ્ટ)

* ફિલ્મો કે ટીવી-સીરિયલોમાં આવતા ગોર મહારાજો પ્રસંગને અનુરૃપ શ્લોકો બોલતા નથી. એમને એટલું ય જ્ઞાન નહિ હોય?
આ તમે ધ્યાન દોર્યું એટલે હવે મને યાદ આવ્યું કે, ૩૬-વર્ષ પહેલાં મારા લગ્નનો ગોર મહારાજે ય આવો જ ગરબડીયો હતો... એમાં અમે બન્ને ભરાઈ ગયા! ...કોઈ પંખો ચાલુ કરો.
(જગદિશ જે. ભટ્ટ, ભાવનગર)

* તમને ગમતીલું પોસ્ટકાર્ડ તો તમે છાતીએ વળગાડી શકતા... ઈ-મેઈલમાં ગમતા સવાલનું શું?
શોધું છું કોઈ છપ્પનની છાતીવાળો!
(ડૉ. જ્યોતિ હાથી, રાજકોટ)

* આદર જ્ઞાનનો થાય કે વિજ્ઞાનનો?
જેમાં સમજ પડતી હોય એનો!
(ભરત કલ્યાણવન ગોસાંઈ, મુંબઈ)

* મેં તમારા બ્લૉગ પર તમારો ઈન્ટરવ્યૂ જોયો... લાગ્યું કે, તમને સમજવા અઘરા છે!
આ બાબતે મારા ગુરૃજી શ્રી.રાહુલ ગાંધી છે.
(મિલન સોનગ્રા, ઉપલેટા)

* તમારા મતે 'આપ'નું ફૂલ ફોર્મ શું હોવું જોઈએ?
'અભિમાન આડંબરમાં પડયા' ...ભાજપ-કોંગ્રેસ.
(મુર્તુઝા ત્રિવેદી, લીમડી)

* તાર તો બંધ થઈ ગયા... હવે પોસ્ટ કાર્ડ્સ પણ બંધ કરાવશો?
સૌથી વધુ ખુશ ટપાલીઓ છે.
(હેમીન એમ. શાહ, અમદાવાદ)

* તમારાં પત્ની તમને કયા નામે બોલાવે છે?
મારાથી બોલાય એવું નથી. અમારા ઘરઘાટીનું નામે ય 'અશોક' જ છે.
(મનિષ દુધાત, રાજકોટ)

* સાંભળ્યું છે, તમે હમણાં તમારી કાર વેચવા કાઢી છે..?
વેચવી તો છે, પણ કોઈ લેતું નથી... બધા એક જ હઠ પકડે છે, ''કાર સાથે ફેમિલી ના લઈએ!''
(ઉમેશ નાવડીયા, જલિલા-રાણપુર)

* તમારા દરેક જવાબમાં ફૂલ હ્યુમર હોય છે... કોઈ રહસ્ય?
રાજકારણના સમાચારો નહિ વાંચવાના ને..!
(રોહિત ભણસાલી, જામનગર)

* જ્યોતિષી કહે છે, 'તારા લવ મેરેજ થશે.' પણ મારે કોઈ ગર્લફ્રેન્ડ જ નથી, તો શું કરવું?
પૂરી ફી આપીને જ્યોતિષીની ગર્લ-ફ્રેન્ડ માંગી લેવી.
(કૃણાલ ટેલર, સુરત)

* કહેવાય છે કે, સગાઈથી લગ્ન સુધીનો સમય આદર્શ હોય છે. તમારો અનુભવ શું કહે છે?
મારો કે ગામ આખાનો અનુભવ તમને કોઈ કામમાં નહિ આવે... તમારે તો 'પેલી' શું કહે છે, એનો જ ખ્યાલ રાખવાનો!
(જયદિપ લિંબડ, આદિપુર-કચ્છ)

* દુલ્હન માટે ૧૬-શણગાર હોય છે તો દુલ્હા માટે...?
દુલ્હનવાળો શણગાર દુલ્હાને ના કરાય... બા ખીજાય!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* નેતાઓ સફેદ કપડા જ કેમ પહેરે છે?
કંઈક પહેરે છે. એટલું પૂરતું નથી?
(હેતુ ટેલર, હિમ્મતનગર)

* આજ-કાલના નવાં ગીતો ઉપર 'દેખત સૂરત, આવત લાજ' કૉલમ ચલાવશો?
''સુનત ગીત, આવત લાજ...!''
(પ્રકૃતિ વિજય સુથાર, કાલોલ)

* 'અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી?' ...અર્થાત્?
અર્થાત્, ૧૯૭૬-માં આ નામની મારી કૉલમ 'ગુજરાત સમાચાર'ના 'શ્રી'માં ચાલતી હતી.
(નિહાર કક્કડ, રાજકોટ)

* વાઈફનો મોબાઈલ નંબર સૅવ કરવા નામ અને રિંગટોન શું રાખવા?
મારાવાળીએ તો એના મોબાઈલમાં મારું નામ 'હિટલર' રાખ્યું છે... તમે પણ સત્યપ્રિય હો તો વાઈફના નામને બદલે 'સતી સીતા' રાખો... રિંગ ટોન ''કાલી ઘોડી દ્વાર ખડી...''!
(નવિન મોકરીયા, રાજકોટ)

* તમે બ્રાહ્મણ ને કૉલમનું નામ 'ઍનકાઉન્ટર'! જરા ઑડ નથી લાગતું?
આમાં કોઈ ગાળ વપરાય એમ નહોતી!
(અભિષેક જે. ઓઝા, ભાવનગર)

* લગ્ન કરવાની યોગ્ય ઉંમર કઈ?
મને ૬૩ થયા.
(અજયસિંહ ઝાલા, ખેરવા-વાંકાનેર)

* ડૉક્ટરના ધંધામાં કેવું છે?
એવું એ તો!
(વિશાલ બરવાળીયા, ભાવનગર)

* શું તમને કદી કૂતરું કરડયું છે?
ના. કૂતરાઓનો ટેસ્ટ તો બહુ ઊંચો હોય છે.
(મૃત્યુંજયસિંહ, દાંતા)

* ઈ.સ. ૨૦૦૨ પછી ગુજરાત ક્યારનું આગળ નીકળી ગયું છે, એ વાત ડોબાઓને ક્યારે સમજાશે?
એક બાજુ તમે એમને ડોબા ય કહો છો ને 'સમજવાની' વાતે ય કરો છો..!
(નેહલ નાયક, નવસારી)

* મોદી જેવી 'લહેર' તમારી ખરી?
તે મોદી વળી કોની લહેરથી જીત્યા...? ..આ તો એક વાત થાય છે!
(રાજેશ રાજ્યગુરૃ, ભાવનગર)

* તમામ જવાબો હ્યૂમરમાં આપો છો... કદી કોઈનો કડવો અનુભવ થયો છે?
સવાલ પૂછનારનું નામ, સરનામું અને મોબાઈલ નંબર પૂછવાનું કારણ આ જ! અમદાવાદના એક ડૉક્ટર પોસ્ટકાર્ડ લખીને બે વખત ફરી ગયા કે, 'મેં આવો સવાલ પૂછ્યો જ નથી.' એમના બૉર્ડરૃમમાં બધાને એમના પોસ્ટકાર્ડ્સની ફોટો-કૉપીઓ મોકલાવી, ત્યારે ભ'ઈ સીધા થયા.
(પ્રતિક દોશી, જામનગર)

* 'ઍનકાઉન્ટર'માં પૂછવા માટે સવાલ ગુજરાતીમાં કેવી રીતે લખવો?
તમે બ્રેઈલ લિપિમાં ય પૂછી શકો છો.
(દીપક એસ. કાલે, અમદાવાદ)

* સ્ટેજ પર તમને સાંભળ્યા પછી એમ થયું કે, લેખક કરતા તમે વક્તા વધુ સારા છો, પણ વાંચીએ ત્યારે એમ થાય કે, લેખક જ બરોબર છો... તમે સહમત છો?
મને સર્વોત્તમ શ્રોતા તરીકેનુ પહેલું ઈનામ પણ મળ્યું છે... કોઈના ચાલુ પ્રવચને આઠ વખત ઝબકીને જાગી જવા બદલ!
(ગાર્ગી મનસ્વી પંડયા, અમદાવાદ)

04/03/2015

મહાકવિ રબ્બરસિંઘનું 'શોલે'

આદ્યકવિ-મહાકવિ ડાકુ રબ્બરસિંઘને ડાકૂઓનું એક કવિ-સંમેલન યોજવાનો સોટો ચઢ્યો હતો. દેશમાં આતંકવાદ વધ્યા પછી દેસી ડાકુઓનો કોઇ ભાવ પૂછતું નહોતું અને સાચું પૂછો તો ડાકુગીરીમાં કોઇ કમાણી ય રહી નહોતી. જમાનો એવો નફ્ફટ આવ્યો હતો કે, ૫૦-લાખ કમાવવા માટે કોઇની વાઇફને આ લોકો ઉઠાવી લાવ્યા હોય, તો વાઇફો પર્મેનૅન્ટ ધોરણે આવા હૅન્ડસમ અને સશક્ત ડાકુઓ સાથે રહી જવાની તૈયારી બતાવતી, જ્યારે એના હસબન્ડોઝ પેલીને પાછી નહિ મૂકી જવાના એક કરોડ આપવા તૈયાર હતા...ને મૂકી આવ્યા પછી કોઇ રૂપીયો ય આલતું નહોતું. ડાકુઓ પણ માની ગયા કે, આ જમાનામાં ભરોસો કોઇની ઉપર મૂકાય એવો નથી. આ તો કોઇ નિવૃત્ત કવિએ કહ્યું કે, આજકાલ કમાણી તો કવિ-શાયર બનવામાં વધારે છે...લોકો ભયના માર્યા ય ટિકીટ ખર્ચીને કવિ-સંમેલનો અને મુશાયરા જોવા આવે છે.

રબ્બરસિંઘ હથેળીમાં તમાકુની માફક ગઝલ મસળી શકતો, એ જ તાકાત ઉપર કાલીયા અને સામ્ભા જેવા તેના કવિ-ચમચાઓ રબ્બરસિંઘને ડાકુ સાહિત્ય પરિષદનો પ્રમુખ બનાવવા માંગતા હતા. ડાકૂમાંથી કવિ બન્યા, એટલે યુનિફૉર્મ પણ બદલવો પડે...ના બદલ્યો. ફેરફાર ફક્ત એટલો કે, ખભે બે જોટાળી બંદૂકને બદલે બગલથેલો આવી ગયો. બન્નેના ઉપયોગમાં કોઇ ફરક નહોતો. દારૂગોળો બન્નેમાં સરખો ભરાય. એ વાત ચલાવી લેવાની હતી કે, સાહિત્યના ભાવકો બંદૂક કરતા કવિઓના બગલથેલાથી વધુ ડરતા. વળી અનાદિકાળથી ગુજરાતી કવિઓ દાઢી રાખ્યા વિના સર્જરી (સૉરી, સ્પૅલિંગ મિસ્ટૅક...સર્જરી નહિ, 'સર્જન' વાંચવું - સમજણ પૂરી) સર્જન કરી શકતા નથી. સલૂન ખોલીને દાઢીઓ બનાવવા કરતા જાતે રાખવી સસ્તી પડે, માટે રબ્બરસિંઘના કવિઓએ પણ દાઢી રાખી હતી. કહે છે કે, સદરહૂ ડાકુ કવિઓ હરામગઢ અને તેની આજુબાજુના ગામોમાં જઇને પોતાની રચનાઓ ગામલોકોને સંભળાવી કાળો કૅર વર્તાવતા. કહે છે કે, સ્વાઈન-ફલૂનો દેશભરમાં ઝપાટો બોલવા છતાં, આ ડાકુ-કવિઓ મુશાયરાઓમાં મોંઢે માસ્ક પહેરીને પણ કવિતાઓ વાંચતા. પણ એવું રક્ષણ શ્રોતાઓને મળતું ન હોવાથી, અનેક ભાવકો કાળધર્મ પામ્યા....સ્વાઇન-ફલૂ કરતા આ લોકોની ગઝલ-શાયરીઓથી વધારે લોકો મર્યા હતા. હરામગઢમાં ગાયનૅક કે ઑર્થોપૅડિક ડૉક્ટરો કરતા ઈઍનટી (કાન, કાન અને ગળાના) ડૉક્ટરો વધુ કમાતા. અમુક નાનકડા ગામો ઉપર તો આ લોકો આખેઆખી ગઝલોને બદલે નાનકડા હાઇકૂઓ અને લઘુકાવ્યો ઝીંકતા, જેના પ્રચંડ વિસ્ફોટોને કારણે ત્રાસેલા હરામગઢવાસીઓએ છટે હુએ બદમાશ શાયરો જય અને ચીરૂની હૅલ્પલાઇન જોડી હતી.

જય અને ચીરૂ પોતે પણ કવિઓ હતા અને દુનિયાભરની કવિતા-ગઝલો ચોરી કરીને પોતાને નામે ઠઠાડવા બદલ એમને ઠાકૂર સાહેબની જૅલમાં પૂરી દેવામાં આવ્યા હતા. મૂળ ઠાકૂર સાહેબ બન્ને હાથ વગરના ઠાકૂર હતા, પણ કવિ બન્યા પછી એમના કાને ય જતા રહ્યા હતા, એમાં એમને પ્રચંડ ફાયદો એ થતો કે, મુશાયરાઓમાં એમની નજમો-ગઝલો હરકોઇએ સાંભળવી પડે, પણ એમને કોઇની રચના સાંભળવી પડતી નહિ. તેઓ જય અને ચીરૂને જાણતા હતા, એટલે રબ્બરસિંઘની કવિતાઓના ત્રાસથી હરામગઢવાસીઓને બચાવવા આ બન્ને જ કામમાં આવી શકે એમ હતા. અગાઉ પણ પોતાના હરિફ શાયરોની રચનાઓને ખતમ કરવા ઠાકૂર સાહેબે જય-ચીરૂની મદદ લીધી હતી, જેમણે અનેક શાયરોની ગઝલોને બેરહેમીથી ચાલુ ટ્રેને બહાર ફેકી દીધી હતી. કેટલાક વિવેચકોએ એવું સૂચન કર્યું હતું કે, કવિની રચનાઓને બદલે કવિઓને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેવા જોઇએ, તો જ ડાકુ-સાહિત્યનું સાચું મૂલ્યાંકન થશે. પણ રબ્બરસિંઘ મૂળ ડાકુ હતો, મૂળ કવિ નહોતો, એટલે જીવદયામાં માનતો હોવાથી ક્રૂર પગલાં ન લેતો.

જય-ચીરૂને પોતાના ફલૅટમાં બોલાવીને ઠાકૂર સાહેબે ગલતી કરી હતી કે, એમની કવિતા-ગઝલો જે ડ્રૉઅરમાં રાખતા, તે જય-ચીરૂ જોઇ ગયા હતા અને એ બન્નેની દાનત બગડી પણ હતી.

ઠાકૂરસાહેબે રબ્બરસિંઘની કવિતાઓને જીવતી પકડવા આ બન્ને કવિ-ગઠીયાઓને રાખ્યા હતા, તે જાણ્યા પછી રબ્બરે પોતાના ત્રણ વિશ્વાસુ સાથીઓને જય-ચીરૂને ગામની લાયબ્રેરીમાં જ ખતમ કરવા મોકલ્યા હતા, પણ પેલા બન્નેએ સામો વાર કરીને રબ્બરના સાથીઓના ગજવામાં પોતાની કવિતાઓ પરાણે ભરી લીધી હતી ને એ લોકો વીલે મોંઢે રબ્બર પાસે પાછા આવ્યા હતા.

''કિતને આદમી થે ?''

''દો...સરકાર.''

''વો દો, ઔર તુમ તીન ! ફિર ભી વાપર આ ગયે !! ક્યા સમઝકર આયે થે કિ રબ્બર બહુત ખસ્સુ મુશાયરાના છેલ્લા કવિની જેમ ધૂંધવાયેલા રબ્બરે પેલા ત્રણને જીવતા ઠાર મારવાનું નક્કી કર્યું. પહેલા ડાકુ-કવિના કાનમાં રબ્બરે પોતાનું એક જૂનું હાઇકુ સંભળાવ્યું. કાંઇ ન થયું. ''બચ ગયા, સાલા...''. બીજાના કાનમાં રબ્બરે પોતે રચેલા કોઇ ભજનની એક પંક્તિ સંભળાવી.

પેલાને કાંઇ ન થયું. ''યે ભી બચ ગયા...'' ત્રીજા કવિ રંગે ભીનેવાન હતો. ઍ ગભરાયેલો હતો કારણ કે એ જાણતો હતો કે, રબ્બરના બગલથેલામાં હવે એક જ જીવલેણ ગઝલ પડી છે ને પોતાની ઉપર જ ઠોકાશે. એને ગભરાયેલો જોઇને મુસ્કુરાતા ચેહરે રબ્બરે પૂછ્યું, ''તેરા ક્યા હોગા કાલીયા...?''

''સરદાર...મૈંને આપ કી કવિતાએં સુની હૈ, તમારા કાવ્યસંગ્રહો છપાવવા પ્રકાશકોને ઊલ્લુ બનાવ્યા છે, મુશાયરાઓ ગોઠવી આપ્યા છે...ને ખૂબ ગાળો ખાધી છે....!''

''અબ...ગઝલ ખા !'' એમ કરીને રબ્બરસિંઘે એના કાનમાં ય ગઝલનો એક ટુકડો તરતો મૂક્યો ને તો ય એને કાંઇ ન થયું ને બચી ગયો.

* * *

નાના મોટા પહાડો, ખડકો અને ઝાડોની ઉપર એક એક ડાકુ કવિ પોતપોતાના દારૂગોળા સાથે (એટલે કે, કવિતા, ગઝલ, નજમ, હાઇકુ, શેર-ઓ-શાયરી, મુક્તકો અને માં-બેનની ગાળો ભરેલા બગલથેલા સાથે) પોતાનો વારો આવે, એની રાહ જોઇને બેઠો હતો. પણ ડાકુ-કવિ સંમેલનના પ્રમુખશ્રી રબ્બરસિંઘજી કોઇનો વારો જ આવવા દેતા નહોતા. પરાણે દાદ આપવામાં કેટલાક ડાકુમિત્રો ગીન્નાતા હતા, તો કેટલાકે રબ્બરજીને દાદ ન દીધી, એની સજારૂપે રબ્બરસિંઘે એમને ચાલુ સંમેલને છૂટ્ટી ગઝલો ફેંકીને ઠાર માર્યા હતા. આ બાજુ, રબ્બરસિંઘ જામ્યો હતો. એને મઝા આવતી હતી... ''...અને હવે સુજ્ઞા ડાકુમિત્રો સમક્ષ મારી આખરી ગઝલ રજુ કરૂં છું,'' પણ આવી ધમકી તો એણે પહેલી ગઝલ વખતે ય આપી હતી અને અત્યારે પિચ્ચોતેરમી ગઝલ શરૂ જ થઇ હતી., ત્યાં પહાડની ટોચ ઉપરથી મોટર-બાઇક કૂદાવીને જય અને ચીરૂ સંમેલનમાં ઘુસી આવ્યા ને કાચી સેકન્ડમાં એક એક ડાકુ-કવિના મોંઢા ઉપર છુટ્ટી કવિતાઓ ફેંકવા માંડી. નાસભાગ થવા માંડી. એક હાઈકુ તો ઝાડ પાછળ સંતાઇ ગયેલા રબ્બરસિંઘના કાન પાસેથી નીકળી ગયું ને એ બચી ગયો. ડાકુઓએ સામા ગોળીબાર એટલે કે ગઝલબારો કર્યા, એમાં ચીરૂ ઠાકૂરસા'બ પાસેથી કવ્વાલીઓનો મોટો સ્ટૉક લેવા મારતે ઘોડે (એટલે કે, મારતી બાઇકે) પાછો હરામગઢ આવી ગયો ને આ બાજુ જય રબ્બરસિંઘના હાથમાં ઝડપાઇ ગયો. બે ખડકોની વચ્ચે એને બાંવડેથી બાંદી દેવાયો હતો. મહિલા ડાકુકવયિત્રી સંઘની પ્રમુખ 'ફસન્તી' સાથે જયને ગયા સપ્ટૅમ્બરથી લફરૂં ચાલતું હતું, એટલે રબ્બરે એને પણ ઉઠાવી મંગાવી હતી. બન્ને હાથે બંધાયેલા તરફડીયા મારતા જયની સામે જ રબ્બરસિંઘે ફસન્તીને ડાન્સ કરતા કરતા કવિતા-પઠન કરવાની લુખ્ખી આલી. ફસન્તી માટે અલગ માઇક મંગાવવામાં આવ્યું. ચિત્તા-દીપડાની માફક તરફડતા જયે ત્રાડ નાંખીને ફસન્તીને કહ્યું, ''ફસન્તી...ઇન કૂત્તોં કે સામને તુમ્હારી નઇ રચનાએં મત સુનાના....!'' પણ ફસન્તી દેખાતી હતી, એટલી ડૉબી નહોતી...કવયિત્રી હતી. જાહેરમાં આ બાજુ ઠાકૂર સાહેબ અને આ બાજુ રબ્બરસિંઘને કારણે પોતાની રચનાઓ પેશ-એ-ખિદમત કરવાનો એનો વારો જ નહોતો આવતો. ફસન્તી ડાકુ-સાહિત્ય પરિષદમાં ચાલતા રાજકારણથી નાવાકેફ નહોતી. એણે પલભર રાહ જોયા વિના 'બીડી જલઇ લે...' નામનું લઘુકાવ્ય ડાન્સ સાથે રજુ કર્યું. રબ્બર તો ખુશ પણ ડાકુઓએ પણ તાળીઓથી વધાવી લીધું. કારણ કે, રબ્બરસિંઘની ઉપસ્થિતિમાં કોઇ ડાકુ બીડી પી શકતો નહતો ને આણે છુટ આલી.

અચાનક ફરી એક વાર સમારંભમાં સોપો પડી ગયો. ખુદ ઠાકૂર સા'બ દારૂગોળો ભરેલા થેલાઓ સાથે મારતે 'ઍક્ટીવા' ઉપર આવી પહોંચ્યા હતા. એમણે જોરથી ચીસ પાડી, ''ર...બ્બઅઅ....મૈં તુમ્હેં જીંદા નહિ છોડુંગા.'' જવાબમાં રવિવારનું 'ઍનકાઉન્ટર' વાંચી વાંચીને રીઢા થઇ ગયેલા રબ્બરે કટાક્ષમાં હસતા કીધું, ''તુ ક્યા મારેગા ઠાકૂર મુઝે...? તેરી તો છપ્પન ગઝલ ફાડ કે ફેંક ચૂકા હૂં...''

''રબ્બ...ર, અપની મૌત સે ડર...! તુઝે મારને કે લિયે તો મેરા યે લૅપટૉપ હી કાફી હૈ....'' એમ કરીને ઠાકૂર સા'બે લૅપટૉપ ચાલુ કરીને રબ્બરસિંઘને બાળકવિ રાહુલજી ગાંધીજીના બે-ચાર ચૂંટણીકાવ્યો સંભળાવ્યા...ને આ બાજુ મોંઢામાં ફીણ સાથે રબ્બરસિંઘ ઢળી પડે છે.

સિક્સર

આ આખા શરીરે હાડકાં કેવી રીતે ભાંગ્યા ?
સ્વિમિંગ પૂલમાં ડાઇવ મારી...
પાણી આટલું બધું વાગે...?
પાણી નહોતું....!