Search This Blog

30/10/2015

'સાધુ ઔર શયતાન' ('૬૮)

મેહમુદે મધુબાલાને સાચેસાચ ઝૂડી કેમ નાંખી હતી ?
મહાત્મા ગાંધીએ મેહમુદને ગુજરાતીમાં શું કહ્યું ?

ફિલ્મ : 'સાધુ ઔર શયતાન' ('૬૮)
નિર્માતા : મેહમુદ-એ.ભીમસિંઘ
દિગ્દર્શક : એ.ભીમસિંઘ
સંગીતકાર : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીત-સંવાદ : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૭-રીલ્સ: ૧૫૫-મિનિટ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો :મેહમુદ, ભારતી (સાઉથ), કિશોર કુમાર, પ્રાણ, ઓમપ્રકાશ, દુલારી, નઝીર, હુસેન, અનવર હુસેન, મુકરી, અનવર અલી, રણધીર, સુંદર, રામ અવતાર, મજનૂ, કેષ્ટો મુકર્જી, રાજકિશોર, જાનકી દાસ, બબન લાલ, ટુનટુન, માસ્ટર શાહિદ, બૅબી ફૌજીયા, (ક્લબ ડાન્સમાં વિજયા અને લલિતા) ઉપરાંત, મહિપાલ, જીવન, ત્રિલોક કપૂર, નિરૂપા રૉય, લલિતા પવાર અને (મેહમાન કલાકારો : અશોક કુમાર, દિલીપકુમાર, મુમતાઝ, સુનિલ દત્ત, શુભા ખોટેની સાથે મેહમુદનો ભાઈ અનવર અલી.)


ગીતો
૧.નંદલાલ ગોપાલ દયા કર કે, રખ ચાકર....આશા ભોંસલે-ઉષા મંગેશકર
૨.કભી આગે કભી પીછે, કભી ઉપર કભી....મુહમ્મદ રફી
૩.'એ' ફોર ઍપલ, 'બી' ફોર બૅબી...આશા ભોંસલે-મન્ના ડે
૪.મેહબૂબા મેહબૂબા, બના લ્યો મીઝે દુલ્હા....મેહમુદ-મુહમ્મદ રફી

સલમાન ખાન તો હમણા 'બજરંગી' બન્યો, પણ મેહમુદ તો '૬૮ની સાલમાં પોતે ઉતારેલી ફિલ્મ 'સાધુ ઔર શયતાન'માં 'બજરંગ'નો કિરદાર નિભાવે છે. ફિલ્મ ઘણી સામાન્ય અને વાર્તા પૂરી અવાસ્તવિક લાગે છે. રાજીંદર કિશનના સંવાદોમાં કોઇ એકાદ ચમકારો છે. મેહમુદની વધુ પડતી 'લાઉડ' ઍક્ટિંગને બાદ કરતા ઓમપ્રકાશ અને પ્રાણનો અભિનય અસરકારક છે. મેહમુદે જ બનાવેલી ફિલ્મ 'પડોસન'નો મૂળ વિચાર આ ફિલ્મમાંથી મળ્યો હોવો જોઇએ, કારણ કે, કિશોર કુમારની આખી મંડળી અહીં મૌજૂદ છે. આ એ દિવસો હતા, જ્યારે ઇન્કમટૅક્સ કિશોર કુમારની પાછળ પડી ગયું હતું અને કટોકટીમાં કિશોરે ઇન્દિરા ગાંધીનો જયજયકાર બોલાવવાની ચોખ્ખી ના પાડી દીધી, એમાં એ તબાહોબર્બાદ થવા માંડયો (સૌજન્ય: તત્સમયના માહિતી પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લ...! સમજીને એમના નામની આગળ 'સ્વ' લગાવતો નથી.... 'સ્વર્ગ' પરથી વાચકોનો વિશ્વાસ ઉઠી ન જાય માટે !!! ન્યાય જેવું કંઇક ઉપર હોવું જોઇએ, કે એ શુક્લાને હમણાં કોઇ બે-ચાર વર્ષો પહેલા નક્સલવાદીઓએ ફૂંકી માર્યા હતા.), એટલે ન છૂટકે હીરોને બદલે સાઇડ-હીરોના રોલ પણ સ્વીકારવા માંડયો... બસ, આ ફિલ્મ પછી એણે પોતાની જીદ છોડી અને '૬૯-માં ફિલ્મ 'આરાધના'થી ફિલ્મોમાં ગાયક તરીકે પુન:પ્રવેશ નહિ, પ્લૅબૅક-ગાયક તરીકે પહેલી વાર પ્રવેશ કરીને પૂરા ભારતમાં છવાઇ ગયો. મઝહબના નામ પર રફી-કિશોર માટે ઝગડતા રહેતા સંગીતના ચાહકોને એ પણ ખબર નથી કે, આ બન્ને મહાન કલાકારોને એકબીજા માટે એક મિનિટ પૂરતાં ય પૂરી જીંદગીમાં વેર કે ઇર્ષા થયા નથી. કિશોરે એના એક કાર્યક્રમના પ્રારંભમાં રફીનું ફિલ્મ 'ચિત્રલેખા'નું 'મન રે, તુ કાહે ન ધિર ધરે...' શ્રદ્ધાંજલિરૂપે ગાયું છે, એની ઑડિયો આજકાલ મોબાઇલોમાં ફરી રહી છે. ફિલ્મની વાર્તા આમ હતી :

એક સાધારણ બૅન્ક-કૅશિયરની નોકરી કરતા ઓમપ્રકાશના બે નાના બાળકોને એનો નાનપણનો બદમાશ દોસ્ત પ્રાણ ઉઠાવી જવાની પેરવીમાં છે. એ બાળકોને ભણાવવા આવતી ટીચર ભારતી સાથે ટૅક્સી-ડ્રાઇવર મેહમુદને ઇશ્ક થઇ જાય છે.

ભારતીનો ભાઈ કિશોર કુમાર મોટો સંગીતજ્ઞા છે. જુદા જુદા વેશ બદલવામાં માહિર પ્રાણ દોસ્તીને દાવે ઓમપ્રકાશના ઘરમાં રહીને કૅશિયર ઓમ પાસેથી તિજોરીની ચાવીની ડૂપ્લિકૅટ બનાવીને બૅન્ક લૂંટે છે, જેનો આરોપ ઓમ પર આવે છે. આ બાજુ બૅન્ક લૂંટીને ભાગવા જતા પ્રાણનું ઓમપ્રકાશને હાથે મેહમુદની ખાલી ઊભેલી ટૅક્સીમાં અજાણતામાં ખૂન થઈ જાય છે. ગભરાહટમાં ઓમ પ્રાણે લૂંટેલી બૅગ લઇને નાસતો ફરતો રહે છે, જેથી બૅન્કના મૅનેજર નઝીર હૂસેનને પ્રાણે ચોરેલો માલ આપી દઇ શકાય. પ્રાણનું શબ મેહમુદની ટૅક્સીમાં પાછલી સીટ નીચે પડેલું હોવાથી મેહમુદને એની ખબર હોતી નથી ને એ વિવિધ પૅસેન્જરોને ટૅક્સીમાં બેસાડે છે, એમના હાલ કેવા થયા હશે, એ કૉમેડી ફિલ્મ જોવાથી જોવા મળે. પણ પૂરી ફિલ્મમાં પ્રાણનો અડધો રોલ એની લાશે કર્યો હોવાથી એમ પણ કહેવાય કે આ ગ્રેટ ઍક્ટર જ નહિ, એની લાશ પણ ઍક્ટિંગ કરી શકતી.

હીરોઇન ભારતી મૂળ તો કન્નડા ફિલ્મોની ઍક્ટ્રેસ અને ત્યાંના સુપરસ્ટાર સ્વ. વિષ્ણુવર્ધનની પત્ની મૂળ તો મરાઠી મૂલગી હતી. ઘરમાં મરાઠી બોલાતું. ફિલ્મોમાં એને પ્રવેશ વ્હી.શાંતારામે ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોં ને'માં અપાવ્યો. હિંદી ફિલ્મો 'સુરજ,' 'ઘર ઘર કી કહાની,' 'દો કલીયાં'. 'મસ્તાના' અને 'પૂરબ ઔર પશ્ચિમ'માં પણ એ હતી.

'સાધુ ઔર શયતાન'ના ટાઇટલ રોલ્સ ઓમપ્રકાશ અને પ્રાણે કર્યા છે. બન્ને ઍક્ટર તરીકે બેશક ગ્રેટ હતા. મેહમુદે આખી ફિલ્મ પોતાની સાથે સાથે આ બન્ને પાસે મજબુતીથી ઉપડાવી છે. પ્રાણ મુંબઇના બાંદરાના યુનિયન પાર્કમાં રહેતો, ત્યાં ઘણા ફિલ્મ કલાકારો રહેતા, પણ ક્રિકેટની જેમ ફિલ્મોમાં પણ શુકન-અપશુકનની સ્ટોરીઓ અધિકારપૂર્વક સાચી મનાય છે, એ મુજબ, આ યુનિયન પાર્ક એ બધા કલાકારોને ખૂબ નડયો. શશીકલા અને તેના પતિ ઓમપ્રકાશ સેહગલ (જે મહાન ગાયક સાયગલના કુટુંબી હતા) મુશ્કેલીમાં આવી ગયા ને શશીકલા સાધ્વી બનવા હિમાલય તરફ ઉપડી ગઇ. ઍક્ટ્રૅસ પૂર્ણિમાનો પતિ અને નિર્માતા ભગવાનદાસ વર્મા અને નાનાભાઈ ભટ્ટ (મહેશ ભટ્ટના પિતા....જેની મુસ્લિમ માં સાથે નાનાભાઈએ અનૌરસ લગ્ન કર્યા હોવાથી મહેશ ભટ્ટ પોતાને 'બાસ્ટર્ડ' કહેવડાવે છે.) દેવાળીયા થઇને મકાન-મિલ્કત વેચતા ગયા. કૉમેડિયન ગોપ અહીં આવ્યા પછી ફિલ્મોમાંથી ફેંકાવા માંડયો. નાદારી નોંધાવવાનો આઘાત જીરવી ન શકતા હાર્ટ-ઍટૅકથી મર્યો. વિલન સજ્જન અને દિગ્દર્શક એમ. સાદિક ગોપની જેમ દેવાળીયા થઇને મર્યા, પણ દુ:ખદ મૌત જૂની ફિલ્મોના હીરો તલવારબાજ રંજનનું થયું, જેણે પોતાના મકાનની બારીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી.

ગીતકાર રાજીન્દર કિશને આ ફિલ્મના ગીત-સંવાદો લખ્યા છે. મેહમુદ માટેની બધી ફિલ્મોમાં એમણે લખેલાં સંવાદો ઘણા હાસ્યરસિક બન્યા છે. અહીં એ કિશોર કુમારને પૂછે છે, ''આપ હમારે શો મેં પધાર કર ઉસકી 'શોભા ખોટે' બઢાયેંગે...?'' લક્ષ્મીકાંત-પ્યારેલાલ આમ તો હજી નવા નવા હતા અને મેહમુદ રાહુલદેવ બર્મનનો જીગરી દોસ્ત. 'છોટે નવાબ'ની માફક આર.ડી.એ. મેહમુદની ફિલ્મ 'ભૂત બંગલા' અને તે પછીની કે 'પડોસન'ની જેમ ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં પંચમને સંગીત સોંપ્યું. પંચમ છેલ્લે છેલ્લે બધે વેઠ ઉતારવા માંડયો, એટલે મેહમુદે રાજેશ રોશનને ફિલ્મ 'કૂંવારા બાપ'થી કામ સોંપ્યું, પણ આમ પોતાની નવી નવી લગભગ બધી ફિલ્મોમાં ઉત્તમ સંગીત આપનાર લક્ષ્મી-પ્યારે અહીં તદ્દન નિષ્ફળ ગયા અને મેહમુદે એમને ફરી યાદ ન કર્યાં.

આમ તો, મુહમ્મદ રફી જ્હૉની વૉકર માટે અને મન્ના ડે મેહમુદ માટે નક્કી જ હોય. પણ અહીં રફીએ ટિપિકલ મેહમુદીયન-લહેજામાં 'મેહબૂબા મેહબૂબા, બના દ્યો મીઝે દુલ્હા....' ગાઇને સાબિત કરી આપ્યું હતું કે, આ મહાન ગાયક હીરોલોગ તો ઠીક, કૉમેડિયનો માટે ય એમને લાયક ગાઇ શકે છે.

આ ફિલ્મમાં મુંબઇની પ્રખ્યાત હાઇસ્કૂલ 'ડૉન બૉસ્કો' બતાવવામાં આવી છે, જેમાં શશી કપૂર જેવા અનેક ફિલ્મ કલાકારો ભણી ચૂક્યા છે.

મેહમુદ મારો કાયમી લાડકો કૉમેડિયન અને ઍક્ટર હતો. ચોક્કસપણે હજી સુધી એના જેવો વિવિધ પ્રતિભાવાળો હિંદી ફિલ્મોમાં બીજો કોઇ કૉમેડિયન મારે જોવાનો બાકી છે. એક સર્જક તરીકે પણ એનું મૂલ્યાંકન ઊંચુ કરવું પડે. એણે પોતે બનાવેલી ફિલ્મોમાં ય ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. અલબત્ત, આ ફિલ્મની જેમ અનેક ફિલ્મોમાં એણે...પેલી પોળોની ભાષામાં ઘણી 'ઓવરઍક્ટિંગ' કરી છે. એની પડતી ખાસ ત્રણ કારણોથી થઇ. એક અચ્છો કૉમેડિયન હોવા છતાં અનેક વાર એ વલ્ગેરિટી ઉપર ઉતરી આવતો. બીજું, '૬૦-ના એના જામેલા દશકમાં એ ફિલ્મના હીરો કરતા ય વધુ વેતન માંગવા માંડયો અને ત્રીજું, પોતાના શાનદાર અભિનયથી એ ફિલ્મના હીરોલોગને ય ઢાંકી દેતો, એટલે રાજેન્દ્ર કે મનોજ જ નહિ, દિલીપકુમારે ય એની સાથે કામ કરવામાં લઘુતાગ્રંથિ અનુભવતા હોવાથી ના પીડા દેતા. (આ ફિલ્મમાં દિલીપ કુમાર મહેમાન કલાકારના રોલમાં મુમતાઝની સાથે આવે છે, જેનું શૂટિંગ દિલીપ કુમારના પાલી હિલ બંગલાની બહાર કર્યું છે. આ બન્ને ગ્રેટ કલાકારો પહેલી અને છેલ્લી વાર એકબીજા સાથે આવ્યા. દિલીપને પણ રાજ કપૂર અને દેવ આનંદની જેમ મેહમુદ પસંદ નહતો.)

મેહમુદ બહુ નાલાયક ગરીબીમાં ઉછર્યો છે. ચર્ચ ગૅટથી મલાડની લૉકલ-ટ્રેનોના ડબ્બે ડબ્બે ફરીને એ ચૉકલૅટ-કાંસકા વેચતો. ગીતકારો ભરત વ્યાસ, રાજા મેહન્દી અલીખાન, જી.એસ. નેપાલી, પી.ઍલ. સંતોષી, ફિલ્મ 'કિસ્મત'ના દિગ્દર્શક જ્ઞાાન મુકર્જી અને બારે માસ રોતડા ચરીત્ર કલાકાર નઝીર હૂસેનના ડ્રાયવર તરીકે મહિને રૂ. ૭૫/-ના પગારની નોકરી કરી ચૂક્યો છે. મીના કુમારી અને એની બહેન મધુરી (મૂળ નામ 'મેહલેકા-'જે મેહમુદની પ્રથમ પત્ની બની)ને ટૅબલ-ટૅનિસ શીખવવા જતો, જેના મીના મહિને રૂ. ૧૦૦/- આપતી. દારૂડીયા બાપ પાસે એની માં ની સાથે રોજ બેશુમાર માર ખાતો મેહમુદ મર્યો ત્યારે અબજોપતિ હતો, છતાં એના ભાઇઓ અને સગી બહેનોએ એની સાથે બહુ મોટા દગાફટકા કર્યા હતા, એવું એ કહેતો.

સંપૂર્ણ ઓફિશિયલ નિવેદન આપીને મેહમુદે ભારતમાં રહેતા, પણ પાકિસ્તાનને વફાદાર રહેતા, જે કોઇ મુસલમાનો હોય, એ બધાને પાકિસ્તાન ભેગા થઇ જવાની ચીમકી આપી છે. એવા લોકોને મેહમુદે ચોખ્ખું કહી દીધું છે કે, આપણે ભારતના સંતાનો છીએ, અને વફાદારી ભારત માટે જ હોવી જોઇએ. મેહમુદની સગી બહેન ઝૂબેદા (જેની સાથે શરૂઆતમાં અમિતાભ બચ્ચનનું સૌથી પહેલું લફરૂં થયું હતું અને બન્ને ખૂબ આગળ વધી ગયા હતા) પાકિસ્તાનમાં રહેતી હોવાથી મેહેમુદ લાઇફમાં એકવાર પણ ત્યાં ગયો નથી. એણે ચોખ્ખું લખ્યું છે કે, 'પાકિસ્તાન સારો દેશ નથી.' ત્યાં ભારતના જ મુસલમાનો જાય, તો એમને સ્વીકારવામાં આવતા નથી.

મધુબાલા, કિશોર કુમાર અને મેહમુદ બાળપણમાં બૉમ્બે ટૉકીઝના સ્ટુડિયોમાં સાચેસાચ 'ઘર-ઘર' રમતા. દાદામોની (અશોક કુમાર) માટે તો આ સ્ટુડિયો ઘર જેવો હતો. મેહમુદના વાલિદ (પિતા) મુમતાઝ અલી બૉમ્બે ટૉકીઝની મોટા ભાગની ફિલ્મોમાં ડાન્સર તરીકે કામ કરે અને જુગારી અતાઉલ્લાહ ખાન પોતાની નાનકડી દીકરી મુમતાઝ (જે પછી મધુબાલા બની) અમિયા ચક્રવર્તીની ફિલ્મ 'બસન્ત'માં કામ કરતી હોવાથી આ ત્રણે ય ના બાળપણ આ સ્ટુડિયોના પ્રાંગણમાં વિત્યા. પણ 'ઘર-ઘર'ની રમતમાં મધુબાલાનો પતિ કોણ બને, એ મામલે મધુએ કિશોરની પત્ની બનવાનું નક્કી કર્યું, એમાં ખીજાયેલા મેહમુદે મધુબાલાને બેરહેમ મારી ફટકારી. ભારે ગુસ્સાવાળા અતાઉલ્લાહે મેહમુદની માં લતિફૂન્નિસાને ફરિયાદ કરી. જવાબ મળ્યો, ''એના વાલિદને આવવા દો. રોજ એને ઝૂડે તો છે જ....આજે વધારાનો !''

બહુ ઓછાને ખબર હશે કે, પ્રસિદ્ધ ગીતકાર હસરત જયપુરીની સગાઇ મેહમુદની સગી બહેન ખૈરૂન્નિસા (શાનો) સાથે થઇ હતી, પણ હસરતના માં-બાપ વિશે અખબારોમાં હોબાળો મચ્યો કે, 'હસરત જયપુરી કોઇ વેશ્યાનો દીકરો છે,' એમાં સગાઇ તોડવી પડી. એ પછી શાનો એક પાકિસ્તાનીને પરણીને ત્યાં જતી રહી. એ શાનોના પુત્ર નૌશાદ સાથે ગુરૂદત્તની પુત્રી નીના પરણી છે. એમ તો, અમિયા ચક્રવર્તીની ફિલ્મ 'જ્વાર ભાટા' દિલીપની સૌથી પહેલી ફિલ્મી હતી ને મુમતાઝ અલી આ ફિલ્મ સાથે જોડાયા હતા. એમને દિલીપ અને દિલીપને એમની દીકરી ગમી ગઇ. મેહમુદની આ બીજી બહેન હૂસેનીની સગાઇ દિલીપકુમાર સાથે થઉ થઉ કરતા રહી ગઇ. યુસુફ ખાન (દિલીપ)ને અનવર ખાન નડયો, જે દિલીપ કરતાં વધારે ધનવાન અને સોહામણો હતો, એમાં હૂસેની અનવરને પરણીને પાકિસ્તાન જતી રહી. અનવર ખાન બૉમ્બે ટૉકીઝમાં કૅન્ટિન ચલાવતો અને ખૂબ કમાયો હતો.

એક જમાનામાં આપણા 'જાની' રાજકુમાર જ્યાં રહેતો, તે કૉમ્પલૅક્સને 'જાનકી કુટિર' કહેવાય છે. (મીના કુમારી પણ અહીં રહેતી.) બરોબર શશી કપૂરના પૃથ્વી થીયેટર્સની બાજુમાં. પણ એ જમાનામાં એને 'ઍન્કર કૅબિન' કહેવાતી ને મહાત્મા ગાંધી ત્યાં ઉતરતા. નાનકડા મેહમુદની સ્કૂલમાંથી જુહુ બીચ પર પિકનિક હતી ને 'બાપૂ'નું ત્યાં પ્રવચન હતું. સ્કૂલના બાળકો કતારમાં ઊભા રહીને એક પછી એક બાપૂને મળતા ગયા. મેહમુદ આમે ય નાનપણથી ભારે તોફાની બાપુને ગમી ગયો એટલે પાસે બોલાવી ને ખોળામાં બેસાડયો. ગુજરાતીમાં પૂછ્યું, ''તારૂં નામ શું છે ?'' જવાબમાં નામ આપવાને બદલે મેહમુદે પોતે મુમતાઝ અલીનો પુત્ર હોવાનું જણાવ્યું. (ફિલ્મ 'કૂંવારા બાપ'ના હિજડા ગીતમાં મેહમુદે પોતાના બાપને પીધેલા ગરીબની અવસ્થામાં મુહમ્મદ રફીના કંઠે પ્લૅબૅક અપાવ્યું હતું.) કારણ કે, એ જમાનામાં મુમતાઝ અલીનું નામ પૂરા ભારતમાં પ્રખ્યાત હતું. બાપૂ પણ નામથી પરિચિત હતા. તેમણે મેહમુદને ગુજરાતીમાં જ અક્ષરસ: આમ કહ્યું, ''તું તારા બાપથી વધારે નામ કરીશ ત્યારે હું જાણી લઇશ કે, તારૂં નામ શું છે !'' એ તો મહાત્મા હતા. એમના આશીર્વાદ કેવા અને કેટલા બધા સાચા પડયા !

મેહમુદની સૌથી પહેલી મોટા ગજાંની ફિલ્મ 'છોટી બહેન'માં સાથે કામ કરતા હીરોઇન નંદા (એ પોતાને 'નંદા' નહિ, 'નંદિની વિનાયક કર્ણાટકી'ના નામથી ઓળખાવવાનું વધુ પસંદ કરતી.) અને મેહમુદ સાચ્ચે જ સગા ભાઇ બહેન જેવા લાઇફ-ટાઇમ બની રહ્યા. મેહમુદ વિશેની બાયોગ્રાફીની પ્રસ્તાવનામાં નંદાએ આ ભાઇ અંગે પોતાનો ઉમળકો લખતા જણાવ્યું હતું કે, 'મેહમુદ પક્કો મુસલમાન હોવા છતાં એ ચુસ્ત શિવભક્ત પણ હતો.' આપણા ગુજરાતના મોટા અંબાજીમાં એને પૂરી શ્રદ્ધા. આશા ભોંસલેની જેમ મેહમુદ પણ અનેક વખત અંબાજીની યાત્રાએ જઇ આવ્યો છે. નંદાએ પોતે એ પણ લખ્યું છે કે, રાજેન્દ્ર કુમાર અને મનોજ કુમારને મેહમુદ સહેજ પણ ગમતો નહિ અને એને ફિલ્મોમાંથી કઢાવવા આ બન્નેએ પૂરા પ્રયત્નો કર્યા હતાં.

બસ. છેલ્લે છેલ્લે એના ચાહકોને અને દેશભક્તોને મેહમુદ નિરાશ કરતો ગયો. ક્રિકેટના સટ્ટામાં એ ડૉન દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ બની ગયો હતો.

28/10/2015

કિશ્તી પાછી મળી...

એ ચુસ્ત હતો. સિગારેટ પણ કાંદા-લસણ વગરની પીતો. આજ સુધી બધે એ 'આઇ લવ યૂ'ને બદલે, કેવળ 'જય માતાજી' બોલતો. શરીરમાં થોડુંઘણું પટેલપણું પ્રવેશ્યું હતું. સાવ બાજુના જ પડોસી ખુ.ચી. દેસાઇને કોરીધાકોડ ચાર દીકરીઓ હતી અને જાણવા છતાં કે, દેસાઇ હવે નવો ક્વૉટા બહાર પાડી શકે એમ નથી છતાં, એ ચારમાંથી એકમાં અનામત માંગવા હક્કથી ટોળું લઇને એ ગયો હતો...ઝંડા ઊંચા કરીને ! પણ પ્રેમ અથવા પ્રેમો કરવામાં એ પાકો બ્રાહ્મણ હતો. ચુંબન-બુંબન બધું પછી આવે... કંઈ પણ કરતા પહેલા ગાયત્રીનો મંત્ર પહેલા બોલી જવાનો. કહે છે કે, એમ કરવાથી ઉચ્ચારની જેમ શ્વાસો પણ શુધ્ધ આવે.

તો એ ધાર્મિક જરા બી નહિ, પણ ટીવી-ન્યૂસમાં જ્યારથી 'રાધે મા'ને જોયા ત્યારથી એમનો ભક્ત બની ગયો. કહે છે કે, ખાસ એમના દર્શનાર્થે જઇને રાધે મા ને બન્ને હાથમાં ઊચકી આવ્યો હતો. એમ કરવાથી એને બહુ પૂણ્ય મળ્યું હતું. એ આમાંની ગમે તે જ્ઞાતિનો હશે, પણ ચરીત્રનો શુધ્ધ માણસ. એક સમયે ફક્ત એક જ પ્રેમિકા...બીજી બધી સાળીઓ બરોબર એટલે કે BKA (એટલે કે, 'ભવિષ્યમાં કામમાં આવશે'- સૂચના પૂરી)

એમ તો પાછી ઘરમાં એક વાઇફ ફિટ કરાવી રાખેલી અને એને રાખતો ય બહુ સારી રીતે. ઘરમાં એનું ચરીત્ર બહુ ઊજળું. ક્યાંય કલંકિત ડાઘ નહિ...બસ...ઘરની બહાર નીકળ્યા પછી કોઇ ગૅરન્ટી નહિ ! વાઇફ બિચારી સમજે કે, 'છોકરૂં છે...ઘડીભર તોફાન કરી લે...પણ સાંજ સુધીમાં કબુતરૂં તો ઘરે પાછું આવવાનું જ છે !' અર્થાત્, એની વાઇફ વધારે સ્માર્ટ છતાં પ્રૅક્ટિકલ બહુ કે, પુરૂષ ઘરની બહાર નીકળે, એટલે એની આંખો ચકળવકળ થવાની જ છે. ફક્ત આટલા કારણે ઘરસંસાર નહિ બગાડવો.

એ ય જાણતી'તી કે, રૂપિયો ખોટો છે...ક્યાંય ચાલવાનો નથી. ઘેર બેઠા આપણે શું કામ જીવો બાળવા ? (એક હોય તો ગુજરાતીમાં ફક્ત 'જીવ બાવળો' શબ્દો લખાય...ઘણીઓ માટે બાળવાના હોય તો, 'જીવો બાળવો' શબ્દપ્રયોગ લખાય... વ્યાકરણ-શિક્ષણ પૂરૂં)

હજી આપણે એનું નામ જાણ્યું નથી. કલબમાં દોસ્તો એને 'ભૂપ્પી' કહેતા. કલબોમાં આજકાલ 'ભૂપેન્દ્ર' કે 'મહેન્દ્ર' જેવા નામો નથી ચાલતા....કલબની બહાર ઊભા રહેતા ચા ની લારીવાળાના આવા નામો હોય છે. ગુજરાતની 'ક્લબોભરના મહેશો હવે 'માહી' નામથી ઓળખાય છે, તે તમારી જાણ સારૂં. એ બાજુમાંથી નીકળ્યો હોય તો ટેબલ પર બેઠેલા બધા દોસ્તો આડું જોઇને બૂમ પાડે, ''અલ્યા મહેશ...બે કૉફી લેતો આય...સુગર જુદી...!'' ત્યારથી આ લોકો ભૂપ્પી અને માહી બની ગયા.

ક્લબ કલ્ચરમાં 'ચોક્સી' અટકવાળાઓ 'સૅક્સી' તરીકે ઓળખાય છે, એમ અજીતસિંહ કહે છે. મહેન્દ્ર ઉર્ફે મહેશ ઉર્ફે માહી માટે યારદોસ્તો ખીજાણા હોય ત્યારે કોઇ વાતમાં, ''અરે એ મહી ગયો...'' બોલી નાંખતા, એ મહેશ કે મહેન્દ્રને....સૉરી, માહીને ગમતું નહિ.'

ભૂપ્પી આજે આંખોમાં જીવદયા નેત્રપ્રભા છાંટવાનું ભૂલી ગયો હતો, એટલે આંખોને ઠંડક આપવા સી.જી. રોડ પરના સમૃધ્ધ શૉપિંગ-મૉલમાં આંટો મારવા ગયો હતો. ત્યાં સારી સારી આઇટમો જોવા મળે. લેવાની ક્યાં હોય, એટલે ખર્ચો ય નહિ...અને નસીબ સારૂં હોય તો, કહે છે કે પંદર દહાડા વાપરીને પાછી આપી આવો...પૂરા પૈસા પાછા...અફ કૉર્સ, સ્ત્રીઓ માટે પુરૂષોને જોવા એ 'વિન્ડો' નહિ પણ 'વિડો (Widow) શૉપિંગ કહેવાય, એટલે ઑબ્વિયસ છે કે, ભૂપ્પીનો ક્યાંય ચાન્સ લાગે નહિ !'

...અને માટે જ, ભૂપ્પી મૉલમાં સ્ત્રીઓના વિભાગમાં બહુ ફરતો. ચાલવાનો એને બહુ શોખ. કહે છે કે, ચાલવાથી સ્વાસ્થ્ય સારૂં થાય છે...ખાસ તો આંખોને ઠંડક મળે છે. (આ 'ચાલવાનું' શૉપિંગ-મૉલ પૂરતું છે...પરોઢીયે છાપાવાળા નીકળી પડે, એમ રોજ ઘેરથી સ્પૉર્ટ્સ-શૂઝ અને ચડ્ડો પહેરીને નીકળી પડતા 'ચાલુઓની' વાત નથી...આવશ્યક સૂચના પૂરી)

પિકાસોના પૅઇન્ટિંગ્સનું ચિત્ર-પ્રદર્શન જોવા નીકળ્યો હોય એમ નહિ, રતન પોળમાં કાપડના તાકા જોવા નીકળ્યો હોય, એમ ભૂપ્પી મૉલમાં ફરતો હતો. કોઇ સારી દેખાઇ પણ જતી, પણ આપણી ઉપર એની નજર પડે, ત્યારે સ્વભાવની કડક લાગતી, એટલે ગાડીના પ્લૅયરમાંથી સીડી બહાર નીકળે, એમ ભૂપ્પી નજર પાછી ખેંચી લેતો....સીડીઓની ક્યાં ખોટ છે...ઢગલે ઢગલા પડયા છે...આ તો એક વાત થાય છે ! સીડી અને સાડી વચ્ચે આટલો ફરક..સીડી જોઇએ એટલી ઢગલે ઢગલા મળે ને સાડી મોટા ઢગલાવાળી ય માંડ મળે ! કોઇ પંખો ચાલુ કરો.

વ્હિલ-પાવર ટાયર-પંચરવાળાને કામમાં આવે છે, પણ 'વિલ-પાવર' શૉપિંગ-મૉલમાં ફરનારાઓને કામમાં આવે છે. અહીં એવું જ થયું. સાવ છોકરી ય ન કહેવાય અને પ્રૌઢા પણ ન કહેવાય, એવી એક બેહદ ખૂબસૂરત સ્ત્રી ઉપર ભૂપ્પીની નજર, કાગળના ઍરોની માફક ઊડતી ઊડતી જઇને ચોંટી ગઇ. માય ગ્ગૉઓઓ...ડ! સાલી માની ન શકાય એટલી સુંદર હતી. હાઈટ અને ફિગર પરફૅક્ટ. જીન્સ તો બસ...વર્લ્ડનું આ છેલ્લું જીન્સ બન્યું હશે...કંપનીવાળાઓ તો ગમે તેટલા મોંઘા અને અદ્ભૂત જીન્સ બનાવે, પણ એને પહેરનારીઓ ય મળવી જોઇએ ને ? આ છેલ્લી મળી હશે. ભૂપ્પીને ખૂબ ગમતી આજકાલની પેલી 'બ્લન્ટ હૅર-સ્ટાઇલ' પેલીએ કરી હતી.

('બ્લન્ટ' એટલે છોકરીએ માથામાં સહેજ સાઈડમાં સેંથી (parting) પાડીને એ સીધા વાળ કાન નીચે ઝૂલતા હોય, પણ સેંથીની બીજી તરફના વાળ, પેલી બાજુ કરતા વધુ લાંબા અને ગળા તરફ વળતા હોય. છોકરીનો ચહેરો ય આસાનીથી દેખાય નહિ. યસ. પાછળ બોચી ઉપર પુરૂષોની જેમ વાળ કાપેલા હોય, લટકતા નહિ!) ભૂપ્પીને આ બ્લન્ટ-હૅરસ્ટાઇલ બહુ ગમવા માંડી હતી. એ પોતાને માટે આવી સ્ટાઇલ કરાવી શકે એમ નહતો ને ઘરમાં વાઇફની હૅરસ્ટાઇલ તેલવાળા માથામાં 'બ્લન્ટ' નહિ, 'ઘંટ' લટકતો હોય એવી લાગતી.

જગતભરના ગોરધનોને, વાઈફ ગમે તેટલી સુંદર હોય....બીજીઓની સરખામણીમાં ક્યારેય ગમી છે...? (તમે તો વાચકો, કાંઇ બોલતા જ નહિ...બહારવાળી તો 'મહાત્મા ગાંધી-કટ'ની હૅરસ્ટાઇલવાળી હોય તોય તમે ઘરવાળી સામે જોવાના નથી....અમે જોઇએ છીએ...???)

અમદાવાદથી રાજકોટ જતા ચોટીલાનો ડુંગર આવે છે...બસ, એવા બે ડુંગરો સાથે સાથે ગોઠવ્યા હોય, એવી કમાલ આ જીન્સના પાટલૂને કરી આપી હતી. ભૂપ્પી હિમ્મત કરીને નજીક પહોંચ્યો. તમારા જોવામાં આવ્યો હોય તો કાગડો હંમેશા આડા પગના બબ્બે ઠેકડા મારીને ઘટનાસ્થળે પહોંચે અને પહોંચીને ડોકી ચારે બાજુ ઘુમાવી જુએ કે, આસપાસમાં પોતાની કાગડી તો ગોઠવાઇ નથી ને ? એ ધોરણે ભૂપ્પી સૅઇફ હતો. બધું સાફસુથરૂં હતું...સ્વચ્છતા અભિયાન, યૂ નો ?

પણ ભૂપ્પી જેવો નજીક પહોંચ્યો અને પેલીએ એની સામે જોયું, તો બન્ને ચોંકી ગયા...પેલીના ગળામાંથી 'ઉઇઇઇ....' અને આનામાંથી, 'માય ગૉડ' નીકળી ગયું.

આ તો કિશ્તી હતી. સ્કૂલમાં ધો.૬-બ માં સાથે હતી એ! દસમા સુધીમાં તો બન્નેને પ્રેમો ય થઇ ગયેલા અને નવરા હોય તો બન્નેએ એકબીજા સાથે બારમા પછી લગ્ન કરવાના વચનો ય આપી દીધા હતા, એ કિશ્તી. બન્નેમાંથી એકે ય ને યાદ નહોતું કે, આપણે પરણી કેમ ન શક્યા ! કિશ્તીના ડૅડે ભૂપ્પીને જોઇને ''આને આપણા ગેરેજમાં રાખી લો !'' ય કીધું નહોતું ને ભૂપ્પીના ફાધર-મધરને ય વાંધો નહતો. દેખાવમાં એમ પાછી કાંઇ નાંખી દેવા જેવી નહોતી, પણ તો ય...જ્ઞાતિના ગોડાઉનમાં વધેલો-ઘટેલો ઘણો માલ પડયો હતો, એટલે કદાચ ભૂપ્પી-લોકો આગળ નહિ વધ્યા હોય.

એ વાતને તો પછી વર્ષો થઇ ગયા. આજે પાંચ-છ વર્ષે કિશ્તીને જોઇ....ઓહ ન્નો, સાલી કેવી ભોદા જેવી હતી ને અત્યારે કેવી સૅક્સી થઈ ગઇ ? ભૂપ્પી એટલી હદે તાનમાં આવી ગયો કે, ગોરમહારાજને બદલે શૉપિંગ-મૉલનો વૉચમૅન ફેરા ફેરવાઇ આપે, તો અત્યારે ને અત્યારે તૈયાર, બૉસ !

કિશ્તીને ય ભૂપ્પી ગમતો તો હતો જ અને અત્યારે ય કોઇ ભાવ નહોતી ખાતી. આટલા વખતે મળ્યા પછી શરમના માર્યા, જે નજર જમીન પર જવી જોઇએ, એ ગઇ. ભૂપ્પી નાકમાંથી બોલતો એટલું જ, બાકી દેખાવમાં કાઢી નાંખવા જેવો આજે ય નહતો. કિશ્તીએ કંઇ પણ પૂછવાને બદલે બસ, કીડી હસે એટલું સ્માઇલ આપીને ભૂપ્પીને સામું સ્માઈલ આપવાનું ઈન્વિટેશન આપ્યું. એની પાસે તો આમે ય વપરાયા વિનાના પડી રહેલા સેંકડો સ્માઇલો પડયા હતા અને જેટલા વપરાયા હતા એમાં, ''યૂ રાસ્કલ....'' જેવી ગાળો ખાવાની આવી હતી.

''કિશ્તી...તું...?'' કેમ જાણે કિશ્તીને બદલે એનો ઍક્સ-રે જોઇ રહ્યો હોય એવા આશ્ચર્યથી ભૂપલો બોલ્યો.

એ તો નસીબ સારૂં અને ઘણું સારૂં કે, બીજી કોઇ વાત થાય એ પહેલા ભૂપ્પીએ પોતાના સૅલફૉનવાળું કાર્ડ કિશ્તીને આપી દીધું, નહિ તો કાચી સેકન્ડમાં કિશ્તીએ ગભરાઇને, ''ચલ, પછી ફોન કરીશ...મારો હસબન્ડ આવી રહ્યો છે,'' કહીને ખસી ગઇ.

(વધુ બકવાસ ભાગ, આવતા અંકે)
(Go to Part II)

સિક્સર
ઉપરનો લેખ જે વાચકને ગમશે, તેને લેખક તરફથી બે દાણા મોંઘીદાટ તુવેરની દાળના આપવામાં આવશે. ઘેર આવીને લઇ જવા. બહુ વધારે પડતો ગમ્યો હશે તો એક દાણો વધુ આપવામાં આવશે. રકઝક કરવી નહિ.

25/10/2015

ઍનકાઉન્ટર : 25-10-2015

* તમારા જવાબો પરથી લાગે છે કે, તમારી જુવાની બહુ રંગીન ગઇ હશે !
- હજી તો ઈન્ટરવલ પડવાને ય વાર છે.
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી)

* બધાને વધારે ખુશ રાખવા મારે શું કરવું જોઇએ ?
- સ્માઇલ.
(ડૉ. અંકિતા એન. દરજી, પાટણ)

* યોગ અને કસરત વચ્ચે શું ફરક છે ?
- કસરત કરીને પહેલવાન થવાય... યોગ કરીને દિલ્હીના રાજકારણ સુધી જવાય.
(સ્મિત પ્રજાપતિ, મેહસાણા)

* રાજયોગ અને હઠયોગ વચ્ચે શું ફરક છે ?
- મોદીનો રાજયોગ ચાલે છે... સોનિયાનો હઠયોગ.
(પ્રતિક ડી. આચાર્ય, બોટાદ)

* બેરોજગારીથી ત્રાસીને એક યુવાને નદીમાં ઝંપલાવ્યું. તમે શું કહો છો ?
- પ્રભુ તેના આત્માને રોજગારી આપે.
(કુશલ એસ. શેઠ, અમદાવાદ)

* ગાંધીજીને ફર્સ્ટ ક્લાસમાંથી ગોરાઓએ ઉઠાડી મૂક્યા, એટલે શું તેઓ થર્ડ ક્લાસમાં બેસતા હતા ?
- એ વધુ મોંઘો પડતો... બાપુ માટે થર્ડ કલાસનો આખો ડબ્બો રીઝર્વ રાખવો પડતો.
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* માનનીય વડાપ્રધાન હાલમાં પાકિસ્તાન સાથે કયા પ્રકારના સંબંધો રાખી રહ્યા છે ?
- એ તો ખબર નથી, પણ વડાપ્રધાન બન્યા પહેલા એટલું જોરશોરથી કહેતા હતા કે 'પાકિસ્તાનને એની ભાષામાં જ જવાબ આપવો જોઇએ'.
(ડૉ. વિક્રમ ખફલીપરા, સુરત)

* જે માંગે એને મળતું નથી. ન માંગે એને મળી જાય છે, એનું શું કારણ ?
- કોઇ બીજી ગોતી લો ને!
(રાજ અંતાલા, નડિયાદ)

* તમે બાઈક લઇને જતા હો ને રસ્તામાં ઍક્સીડૅન્ટ થયેલો માણસ પડયો હોય તો શું કરો ?
- કોઇ પણ લૅવલની ઉતાવળ હોય તો પણ પહેલા ૧૦૮ને બોલાવવી જોઇએ.
(હાર્દિક સુથાર, વડોદરા)

* માણસ આશાવાદી સારો કે નિરાશાવાદી સારો ?
- તમને આવા સવાલના જવાબની આશા હતી ?
(જયેશ ઠક્કર, થાણા-મહારાષ્ટ્ર)

* દિલ્હી મોદી, કેજરીવાલ, નજીબ કે રામભરોસે ?
- બધો આધાર બિહારના પરિણામો ઉપર છે.
(મૂકેશ ડી. ઠક્કર, રાજકોટ)

* 'ઓશો' વિશે એક શબ્દમાં શું કહેશો ?
- ઓશો.
(નરેન્દ્ર નિશાર, મુંબઇ)

* બૉક્સર જો મેવેડરની જેમ તમને રૃા. ૨,૦૦૦ કરોડ મળી જાય તો શું કરો ?
- વાપરૂં.
(કૃષ્ણા પાટીલ, અમદાવાદ)

* તમારા જીવનનો સૌથી કડવો અનુભવ કયો ?
- ચોરી કરવા છતાં બી.કૉમમાં પાસ થઇ ગયો તે.
(મનોજ બી. ભાડજા, મોરબી)

* શું સુરતમાં BRTS નો પ્રયોગ સફળ થશે ?
- કોઇપણ ઍન્ગલથી હું તમને બસ-ડ્રાયવર જેવો લાગું છું ?
(નિકુંજ એમ. ગજેરા, સુરત)

* હું એક છોકરીને પ્રેમ કરૂં છું, પણ કહેવાની હિમ્મત નથી થતી. શું કરવું ?
- હિમ્મત.
(જતન દેસાઇ, રાજકોટ)

* સ્ત્રીઓ વધારે ઉપયોગ શેનો કરે છે ? જીભનો કે મગજનો ?
- મને તો મગજવાળી મળી ગઇ છે, મારે જીભ વાપરવાની આવતી નથી.
(શૈલેષ આર. સોની, જામનગર)

* 'પંખો ચાલુ કરો'. આ શબ્દો તમને ક્યાંથી મળ્યા ?
- સ્વિચમાંથી.
(સંદીપ જી. શિંગડીયા, વાપી)

* દુનિયામાં લડીને રહેવું, રડીને રહેવું કે ડરીને રહેવું ?
- જેનું ભાડું ઓછું આપવાનું હોય ત્યાં.
(દીપક આશરા, ગાંધીનગર)

* સમજ નથી પડતી, શું સવાલ પૂછું ?
- બહુ નાની ઉંમરે મૅરેજ થઇ ગયા લાગે છે !
(જી.સી. મોરથનીયા, કલ્યાણ)

* છેડતી જેવા કૅસોમાં અખબારો 'રોડસાઇડ રોમિયો' જેવો શબ્દપ્રયોગ કરે છે શું આવા ઉદાત્ત પ્રેમીનું આવું અવમૂલ્યન ?
- ક્યારેક પત્રકારોને ય લેખક બનવાના ઉછાળા આવી શકે છે.
(કિશોર દવે, ભાવનગર)

* રાહુલ ગાંધીની સરકાર બને તો સૂટ-બૂટના વેપારીઓનું શું થશે ?
- એ વેપારીઓને સ્ત્રી અવતાર ધારણ કરવો પડે. રાહુલજી સ્ત્રી-સશક્તિકરણમાં માને છે.
(કૌશિક એસ. શાહ, ભાવનગર)

* માનવી મંગળના ગ્રહ સુધી પહોંચી ગયો છે, પણ પડોશીના દિલમાં ક્યારે પહોંચશે ?
- એનો વર બહાર જાય ત્યારે.
(કાર્તિક એ. પુરોહિત, ડભોઇ)

* બાળપણમાં વરસાદમાં તમે કાગળની હોડીઓ તરાવી છે ?
- હા, પણ ઘેલસફ્ફી પલળી જતી'તી....!
(નિકુંજ એમ. ગજેરા, અમરેલી)

* ભારતમાંથી ગરીબી દૂર કરવા શું કરવું જોઇએ ?
- કાં તો ધાર્મિક બનવું જોઇએ ને કાં શેઠ બનવું જોઇએ !
(ધાર્મિક શેઠ, ધ્રાંગધ્રા)

* 'બચ્ચે અબ બડે હો ગયે હૈ', એવું કહેવાય છે. આમાં રાહુલ બાબાનું કોઇ નામ ખરૂં ?
- ના. હજી એ પ્લે-ગ્રુપમાં છે.
(ચિરાગ કટારીયા, ટંકારા-મોરબી)

* આ ૧૦૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ, ૫૦૦ ગ્રામનું સાંભળ્યું છે, પણ આ 'ઇન્સ્ટાગ્રામ' શું છે ?'
- 'ગાંધીગ્રામ'માં તપાસ કરો.
(જીજ્ઞોશ બારોટ, નવસારી)

23/10/2015

'દો આંખે બારહ હાથ' ('૫૭)

વ્હી. શાંતારામે આખલા સાથે સાચે જ લડીને જેમાં આંખો ગુમાવી હતી... અય માલિક તેરે બંદે હમ...

ફિલ્મ : 'દો આંખે બારહ હાથ' ('૫૭)
નિર્માતા-નિર્દેશક : વ્હી. શાંતારામ
સંગીત : વસંત દેસાઈ
ગીતકાર : ભરત વ્યાસ
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ
કલાકારો : વ્હી. શાંતારામ, સંધ્યા, ઉલ્હાસ, કે. દાતે, બી.એમ. વ્યાસ, બાબુરાવ પેંઢારકર, પાલ શર્મા, એસ.કે. સિંહ

ગીતો
૧. અય માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ, નેકી..... કોરસ
૨. અય માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ ..... લતા મંગેશકર
૩. મૈં ગાઉં તૂ ચૂપ હો જા, મેં જાગું રે તુ સો જા..... લતા મંગેશકર
૪. સૈંયા ઝૂઠોં કા બડા સરતાજ નીકલા, મુઝે છોડ ચલા..... લતા મંગેશકર
૫. હો ઉમડઘુમડ કર આઈ રે ઘટા, કારે કારે બાદલો..... લતા-મન્ના ડે
૬ આઓ આઓ હોનહાર... તક તક ધૂમ ધૂમ તક તક ..... લતા-કોરસ

મહાત્મા ગાંધીનો પડછાયો કેટલો લાંબો પડે છે કે, સમય એમના જીવનકાળનો હોય કે આજનો, ગાંધીજી આજે ય પ્રસ્તુત છે. એમની રાહ પર ચાલવું તો હરકોઈ માટે કઠિન નહિ, અસંભવ છે, પણ એમના જીવનકવનનો કોઈ એકાદો હિસ્સો ય વાપરવા કાઢીએ, તો 'રામાયણ' વાંચવા જેવો ફાયદો બેશક થાય. કહે છે ને કે, તમારા પારિવારિક જીવનની કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ રામાયણમાં છે જ, એમ ગાંધીજીના જીવનમાં ય છે.

વ્હી. શાંતારામના કબાટમાં ય ક્યાંક વંચાયેલું રામાયણ પડયું હતું અને વ્યક્તિત્વમાં ક્યાંક બાપુનો હાથ પણ એમના માથે ફર્યો હશે, તો જ આવી સર્વાંગ સુંદર ફિલ્મ બનાવવાનો વિચાર અને હિમ્મત આવે... અને એ ય, ૧૯૫૭ના ગાળામાં, જ્યારે પ્રેમલા-પ્રેમલી સિવાયની કોઈ ફિલ્મ દેખાતી નહોતી. શાંતારામે બાપુના સત્ય અને અહિંસાના બે આદર્શો - આ બન્ને મહાનતમ ગુણોથી બિલકુલ વિપરીત જીંદગી જીવેલા જેલના ખૂની દરિંદાઓમાં ઉતારી બતાવ્યું અને ફિલ્મ બની, 'દો આંખે, બારહ હાથ'.

પોતાની પત્નીના માથામાં તોતિંગ પથ્થર ઝીંકીને હત્યા કરનાર કેદી કે પોતાના જ બાળકોને બેરહેમીથી રહેંસી નાખનાર કેદી જેવાઓને બાપુ પ્રેરિત સત્ય અને અહિંસાના માર્ગે લઈ જવાની કેવળ કલ્પના લાગે, પણ વાસ્તવિકતામા એક જેલર આવો પ્રયોગ સફળતાપૂર્વક કરી ચૂક્યો હતો... ભારતમાં જ ! બસ, એ સત્યઘટનાઓ ઉપર આધારિત એક અસરકારક ફિલ્મ વ્હી. શાંતારામે બનાવી. વ્હી.ની ફિલ્મો બોક્સઓફિસ છલકાવવા નહોતી બનતી, મૂળ તો હિન્દી ફિલ્મોમાં આજ સુધી કોઈએ દર્શાવી ન હોય, એવી કલા પરદા ઉપર એમની હરએક ફિલ્મમાં જોવા મળે... એટલે સુધી કે, એમની તમામ ફિલ્મોના ટાઈટલ્સ પણ કલાત્મક ઢબે તદ્દન અનોખી રીતે પેશ થતા, જેમ કે આ ફિલ્મના શીર્ષકને અનુરૂપ કેદીઓના ખૂનથી લથપથ બાર હાથ દિવાલ પરથી ઉખડતા જાય, એ ધબ્બા ઉપર ફિલ્મના ટાઈટલ્સ આવતા રહે. આપણા ગુજરાતી આર્ટ ડાયરેક્ટર કનુ દેસાઈની કલા તમે 'નવરંગ' અને અન્ય ફિલ્મોમાં જોઈ છે, પણ કમાલ બધી વ્હી.ની. અત્યંત લાંબા ટાઈટલ્સ પણ એમની ફિલ્મોના હોય, 'ઝનક ઝનક પાયલ બાજે' કે 'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી' તો તદ્દન એકાક્ષરી કહી શકાય એવું નામ ફિલ્મ 'સ્ત્રી'નું ય ખરું.

એ બધું તો કલાના નામ પર જાય પણ પૂણેંની પ્રભાત ફિલ્મ્સમાંથી એ છૂટા થઈને મુંબઈમાં રાજકમલ કલામંદિર (સ્ટુડિયો)ની સ્થાપના દરમ્યાન એમની તમામ ફિલ્મોમાં કોઈ ને કોઈ સંદેશ હતો. મારા તો પ્રિય સર્જક હતા, ઠેઠ ફિલ્મ 'દુનિયા ના માને'ના સમયથી, જેમાં ફાયરબ્રાન્ડ હિરોઈન શાંતા આપ્ટેએ હિન્દી ફિલ્મનું પહેલું ઈંગ્લિશ ગીત ગાયું હતું.

આજે શક્ય છે વિષય અપ્રસ્તુત લાગે, પણ તદ્દન કિશોરાવસ્થામાં પહોંચેલી છોકરીને પૈસા ખાતર કોઈ બુઢ્ઢાને પરણાવી દેવાનો કોઈ ઉહાપોહ નહોતો એ જમાનામાં ! હોય એ તો હવે... કહીને સામાન્ય પ્રજા માટે કોઈ 'બ્રેકિંગ-ન્યૂઝ'ની ઘટના નહોતી. એ ફિલ્મમાં વ્હી. એ સ્ત્રીઓની આવી લાચારી સામે ફક્ત અવાજ નહોતો ઉઠાવ્યો. આ ફિલ્મ દ્વારા પદ્ધતિસરની બગાવત કરી બતાવી હતી. શાહુ મોડકવાળી ફિલ્મ 'આદમી'માં વેશ્યાને પણ સમાજમાં માનભેર સ્થાન અપાવી શકાય, એ મુદ્દો ઉઠાવ્યો હતો. એક સર્જક તરીકે રાજ કપૂરના જ જોનરનો એ માણસ. આમ પાછા બંને, કલા કે મેસેજને નામે એમની ફિલ્મોમાં 'સેક્સ'ને વટાવી ખાવાનું ચૂક્યા નહોતા. રાજ કપૂરની ફિલ્મોમાં હિરોઈનના વક્ષસ્થળ અને વ્હી.ની ફિલ્મોમાં લિસ્સા અને લાંબા પગ ટિકિટબારીઓ આસાનીથી છલકાવી શકતા.

પણ આજની ફિલ્મ 'દો આંખે, બારહ હાથ' એવા કોઈ જોનરમાં આવતી નથી, બલ્કે વાસ્તવિકતાના આગ્રહી વ્હી.એ આ જ ફિલ્મના એક દ્રષ્યમાં માતેલા સાંઢ સાથે જીવસટોસટની ઝપાઝપીમાં પોતાની આંખો ગુમાવી હતી. બહુ લાંબા સમય પછી એ આંખોએ રોશની જોઈ. ત્યારે ફિલ્મ 'નવ રંગ'ના પ્રારંભમાં પરદા ઉપર આવીને વ્હી. એ સરસ વાત કરી કે, 'એ અકસ્માતને કારણે મારી આંખના અંધારામાં મેં જીવનના જે નવરંગો જોયા, એનાથી પ્રેરાઈને આ ફિલ્મ ઉતારી છે.'

જેલર તરીકે નોકરી કરતા વ્હી.ને એના ઉપરી જેલ-સુપ્રિન્ટેન્ડેન્ટ (બાબુરાવ પેંઢારકર-જેને તમે ફિલ્મ 'નવરંગ'માં આંખોની ભ્રમરના વળ ચઢાવતા વિલન તરીકે જોયો છે.) તરફથી એ પરવાનગી મળે છે કે, જેલના ખૌફનાક છ કેદીઓને જેલની બહાર મુક્ત હવામાં લઈ જઈ એમને સત્યની રાહ પર લાવવા, બશર્તે જેલર નિષ્ફળ જાય તો નોકરી અને જમીનજાયદાદ જવા ઉપરાંત જેલની સજા પણ ભોગવવી પડે. કોઈ પણ ક્ષણે ભાગી શકે, એવી શક્યતાઓ છતાં જેલર એ બધાને એક વીરાન સ્થળે લઈ જઈ, ત્યાં આબાદી બનાવવા મહેનત મજૂરી કરાવે છે ને સાથે પોતે ય કરે છે. ભાગવાના ખ્યાલો અનેકવાર આવવા છતાં કેદીઓ કોક ને કોક કારણે અથવા તો જેલર પ્રત્યે માયા બંધાઈ હોવાને કારણે ભાગતા નથી. કાંઇ પણ ખોટું કરવા જતા જેલરની ભાવમય આંખો એમને દેખાય અને ખોટું થતું અટકે. માટીના રમકડાં વેચતી એક ગામઠી તેજ મિજાજની યુવતી (સંધ્યા) આ 'પરિવાર'ના પરિચયમાં આવ્યા પછી વ્હી.ના આદર્શોથી પ્રભાવિત થાય છે. ફિલ્મને અંતે અનેક કસોટીઓમાંથી પાર ઉતરેલા જેલરને આખલા સાથેની લડાઈને કારણે જીવ ગુમાવવો પડે છે. પણ તમામ કેદીઓ સુધરી જાય છે.

શાંતારામના દિગ્દર્શનમાં ધ્યાનથી ફિલ્મ જુઓ તો પ્રતિકાત્મક દ્રશ્યો માણવાનો અનોખો ઉમંગ હોય. જેમ કે, બંને ફિલ્મના હીરો-હિરોઈન હોવા છતાં પૂરી ફિલ્મના એક પણ દ્રષ્યમાં બંને વચ્ચે પ્રેમની દ્રષ્ટિ તો જાવા દિયો, એવો કોઈ જ સંદર્ભ પણ આવતો નથી. બંને માંડ એકાદ-બે સંવાદોની આપ-લે કરે છે અને તે પણ અન્ય વિષયો ઉપર.

પરંતુ વ્હી.ની સીમ્બોલિક વાત કહેવાની ખૂબી જુઓ. ફિલ્મના અંતે વ્હી. ગૂજરી જાય છે, એ ક્ષણે જ સંધ્યા દિવાલ પર પોતાના ચૂડલા પછાડીને ભાંગી નાંખે છે. આવા દેવતા પુરુષને એ મનથી વરી ચૂકી હતી અને હવે કૂંવારાપનમાં વિધવા બનવાનું સ્વીકારી લીધું. 

એમની આવી જ ઉમદા ફિલ્મ 'બૂંદ જો, બન ગઈ મોતી' (ફિલ્મનો હીરો જીતેન્દ્ર હોવા છતાં 'ઉમદા' કીધી છે, એથી કોઈએ મારા ઉપર માનભંગનો દાવો ન કરવો !... આ તો એક વાત થાય છે !) માં ગરીબ બાળકોને ભણાવતા આદર્શ શિક્ષક જીતેન્દ્રની ચાલુ ક્લાસે પોલીસ ધરપકડ કરીને લઈ જાય છે, એ વખતે અજાણતામાં ટેબલ પરનો સ્યાહિનો ખડીયો જીતુનો હાથ વાગતા ઢોળાઈ જાય છે ને સ્વચ્છ ટેબલ પર ડાઘ પડે છે. કેવું અનન્ય પ્રતિકાત્મક ! હોનહાર અને પ્રામાણિક શિક્ષકના ચરિત્ર ઉપરે ય ધબ્બો લાગી ગયો.

છ પૈકીનો એક કેદી ઉલ્હાસ વ્હી.ની થોડી ઘણી ફિલ્મોમાં આવ્યો હતો. સવા છ ફૂટ ઊંચા અને મોટા ભાગે બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોમાં રાક્ષસ અથવા માયાવી જાદુગરનો કિરદાર કરનાર અન્ય કેદી પાલ શર્મા છે. બી.એમ. વ્યાસ વિલન તરીકે, ૫૦ અને ૬૦ના દશકની ઓલમોસ્ટ તમામ બી-ગ્રેડની ફિલ્મોમાં હોય જ. હાઈટ-બોડી, પહાડી અવાજ અને તેજદાર આંખોને કારણે વિલનીમાં એ સફળ થયો. આમે ય ગીતકાર ભરત વ્યાસનો એ સગો ભાઈ હતો.

ભરત વ્યાસ.. ઓહ ! સંપૂર્ણ ગીતકાર અને એ ય હિન્દી ગીતકાર. પ્રદીપજીની જેમ હિન્દી ગીતો લખનાર એ એક જ હતા. (બાકીના અને ઈવન આજ સુધી જે કોઈ ગીતો લખાય છે, એ બધા હિન્દીમાં નહિ, 'હિન્દુસ્તાની'માં લખાયા છે, એટલે કે ઉર્દૂ-મીક્ષિત હિન્દી. ભરત વ્યાસનું કેવળ એક જ ગીત મને ને તમને તરવરાટો આપવા કાફી છે, 'હરિ હરિ વસુંધરા પે નીલા નીલા યે ગગન... યે કૌન ચિત્રકાર હૈ ?'

પણ આ ફિલ્મના ગીતો માટે ભરત વ્યાસના વખાણ જ નહિ, વંદન કરવા પડે. આવું ભક્તિ ગીત જો બીજું કોઈ લખાયું હોય, તો 'ઈતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના...' પણ પહેલો નંબર તો બાકાયદા 'અય માલિક તેરે બંદે હમ...'ને આપવો પડે. મમ્મી એના લાડકાને કે.જી.માં પહેલે દિવસે મૂકવા જાય ત્યારે ટીચરજીને રીક્વેસ્ટ કરે ને કે, 'મારો દીકરો થોડો કમજોર છે. એનામાં નબળાઈઓ અનેક છે. પણ તમારા ભરોસે મૂકી જાઉં છું. એટલે મારા જેવી સેંકડો મમ્મીઓને વિશ્વાસ છે કે, તમારી કૃપાથી એ હોંશિયાર અને તેજસ્વી બનશે.' બરોબર એ જ મતલબના શબ્દો ભરત વ્યાસે કેવા હૃદયદ્રાવક લખ્યા છે, ''બડા કમજોર હૈ આદમી, અભી લાખો હૈં ઈસ મેં કમી, પર તૂ જો ખડા, હૈ દયાલુ બડા, તેરી કિરપા સે ધરતી થમી, દિયા તૂને હમેં જબ જનમ, તુ હી ઝેલેગા હમ સબ કે ગમ, નેકી પર ચલે, ઔર બદી સે ટલે, તાકી હંસતે હુએ નીકલે દમ...' કહે છે ને કે, જીવન એવું જીવ્યા હો તો તરફડીયા મારતા મરવાને બદલે મુખ પર મુસ્કાન સાથે આખરી શ્વાસ નીકળે.

આ ઉપરાંત તદ્દન નવા ભાવથી ભરત વ્યાસે લખેલી ગઝલના શબ્દો ય માણવા જેવા છે, ''સૈંયા ઝૂઠોં કા બડા સરતાજ નીકલા...'' આ ગઝલના દરેક અંતરે રદ્દીફ-કાફીયાનો મેળ જુઓ, 'મેરા છૈલા બડા નારાજ નીકલા...' અથવા, 'બડા તીખા વો તીરંદાજ નીકલા...'

સંગીતકાર વસંત દેસાઈ માટે અનેક આશ્ચર્યો નહિ, આઘાતો લાગે, એક સંપૂર્ણ સંગીતકાર હોવા છતાં તેમને કોઈ લેતું કેમ નહોતું ? શાંતારામની ફિલ્મોમાં એ હોય, પણ 'નવરંગ'માં બાદબાકી થઈ ગઈ. લતા મંગેશકરની ઊંઘ હરામ કરી દેનાર પણ વસંત દેસાઈ જ હતા. જ્યારે ફિલ્મ 'ગુડ્ડી'માં એમણે સાઉથ ઈન્ડિયન વાણી જયરામ પાસે 'બોલે રે પપીહરા...' ગવડાવ્યું. લતાને ય પ્રારંભમાં દેસાઈ સાહેબે ઘણું ઉત્તમ કામ આપ્યું હતું. યાદ કરો, ફિલ્મ 'તૂફાન ઔર દિયા'નું, 'પિયા તે કહાં, હાં ગયો, નેહરા લગા કે...' કે 'ગૂંજ ઉઠી શેહનાઈ'ના ગીતો. સંગીતની શક્તિ અન્ય સંગીતકારોથી એક તાર પણ કમ ન હોવા છતાં વસંત દેસાઈની જેમ રોશન, સજ્જાદ હુસેન, ગુલામ મુહમ્મદ, ખય્યામ, લચ્છીરામ, હંસરાજ બહેલ, સરદાર મલિક, એસ. મોહિન્દર, સ્નેહલ ભાટકર, રામલાલ, જયદેવ, ઈકબાલ કુરેશી, દાનસિંહ, સુધીર ફડકે, જી.એસ. કોહલી, સી. અર્જુન, શ્રીનાથ ત્રિપાઠી કે ચિત્રગુપ્ત જેવા સમર્થો ન ચાલ્યા, એ કેવળ નસીબ અને બીજું કારણ લખવું હોય તો લખી લો. 'આ લોકોને પોતાનો માલ વેચતા ન આવડયો.' રેડિયો સીલોન કે વિવિધ ભારતી ઉપર પોતાના ગીતો વગાડાવવા માટે ઘણું ગૂમાવવું ય પડતું. જેને આપણે ધન કહીએ છીએ, એ કાળું કરતા ન આવડયું. અથવા તો ઝૂમરી તલૈયા કે રાજાનંદગાંવ જેવા અનામી શહેરોના સરનામે બનાવટી ચાહકો દ્વારા ફર્માઈશો રેડિયો ઉપર મોકલતા ન આવડી.

વ્હી. શાંતારામને પોતાનો માલ વેચતા બખૂબી આવડતો હતો, ઈવન એમની ફિલ્મોના ગીતોનો માલ પણ ખરો ! બહુ ઓછાને ખબર હશે કે, હિન્દી ફિલ્મોનું સૌથી પહેલું સ્ટીરિયોમાં રેકોર્ડ થયેલું ગીત એમની જ ફિલ્મ 'જલ બિન...'માં મૂકેશે ગાયેલું 'તારોં મેં સજ કે અપને સૂરજ સે...' સ્ટીરિયોએ ચમત્કારો સર્જ્યા હતા. શ્રોતાઓ નવી મ્યુઝિક સિસ્ટમ લઈ આવે ત્યારે માની નહોતા શકતા કે, જમણી અને ડાબી બાજુના સ્પીકરોમાંથી અવાજ જુદો જુદો આવે છે. અમુક વાજીંત્રો આ બાજુ વાગતા સંભળાય તો ગાયકના અવાજની સાથે રિધમ બીજી બાજુના સ્પીકરમાં સંભળાય.

એમની જ ફિલ્મ 'પરછાંઈ'ની જેમ અહીં પણ વ્હી. બડો ખુબસુરત હીરો લાગે છે. સલમાન ખાન કે ઋત્વિક રોશનની જેમ ભલે સિક્સ-પેકનું શરીર નહોતું. છતાં તત્સમયના તમામ હીરોલોગ કરતા વધુ કસાયેલું સ્નાયુબદ્ધ શરીર હતું. ક્યાંક તમને શત્રુઘ્ન સિંહ જેવો ચહેરો લાગે ય ખરો. પણ બાબુજીના અભિનયમાં એવી કોઈ જમાવટ નહિ અને પુરુષો પાસે ય નેણો ઊંચી-નીચી કરાવે, એ ઘણું સ્ત્રૈણ્ય લાગે.

સંવાદો પણ કાવ્યાત્મક શૈલીમાં બોલાય. આમ તો પૂરી ફિલ્મ આઉટડોર લોકેશન્સ પર લીધી છે, પણ લતા-મન્ના ડેના 'હો ઉમડઘુમડ કર આઈ રે ઘટા...' ગીતમાં વરસાદ લાવવો જરૂરી હતો અને કોઈ ફિલ્મમાં એક્ચ્યુઅલ વરસાદમાં શૂટિંગ થઈ ન શકે (એવું એક જ આખું ગીત બન્યું છે, નીતુ સિંઘ-જીતેન્દ્રની ફિલ્મ 'પ્રિયતમા'માં રાજેશ રોશનના સંગીતમાં દિગ્દર્શક બાસુ ચેટર્જીએ પૂરું ગીત મુંબઈના સાચા વરસાદમાં શૂટ કર્યું હતું. બંનેને ચોખ્ખી સૂચના આપી દેવામાં આવી હતી કે, શૂટિંગનું શીડયુલ હોય કે ન હોય, વરસાદ પડે એટલે બાસુ દા કહે ત્યાં બંનેએ પહોંચી જવાનું. આ બાજુ કેમેરા-ટીમ તૈયાર હતી... આશા ભોંસલેએ ગાયેલું એ ગીત હતું, 'પલકોં કો ચૂમ ગઈ પૂરવા હવા, આંખે જો ખુલી તો સબ કુછ થા નયા... આજા રે')

પણ જે રણ જેવા પ્રદેશમાં વ્હી.એ આ ફિલ્મ ઉતારી, તે સ્થળ સુધી ગેલનોના ગેલનો ભરીને બનાવટી વરસાદ માટેના પાણીના ટેન્કરો લઈ જઈ શકાય એમ નહોતા, એટલે પોતાના રાજકમલ સ્ટુડિયોમાં જ વીરાન રણ ખેતરોનો સેટ ઊભો કરીને શૂટિંગ કર્યું હતું.

બાકીની પૂરી ફિલ્મ પ્રારંભના જેલના થોડા દ્રશ્યોને બાદ કરતા) આઉટડોરમાં છે.

ભૂલાઈ ગઈ ન પણ હોય તો ય ફરી વાર જોવા જેવી ફિલ્મ.

22/10/2015

તમને મારામારી કરતા ફાવે ?

મને જાતે મારામારી કરતા આવડતી નથી. દુશ્મન લડવા આવ્યો હોય તો, પહેલા મુક્કો મારવો, એને ગળેથી પકડવો, મા-બહેનની ગાળો બોલવી કે ભાગી જવું, એની પૂરી સમજ ન હોવાથી મોટા ભાગે હું છેલ્લો વિકલ્પ પસંદ કરૂં છું. એમાં અનેક દુશ્મનો મારા હાથનો માર ખાતા બચી ગયા છે. મારી આટલી ઉંમરમાં આજ સુધી મેં એક પણ મારામારી કરી નથી કે નથી કોઈના માથે ઈવન ટપલી મારી. હું તો બહુ સંસ્કારી માણસ છું. હા, ગાળો બોલવી બહુ ગમે છે અને તે પણ મનમાં. બે ઘડી ગમ્મત એ તો !

મારામારી કરવામાં ડર એટલે લાગે કે, એમાં આપણને વાગી જવાનો ભય મોટો રહે છે. વળી, આ કાંઈ આપણો રોજનો ધંધો ન હોવાથી, કોકની સાથે મારામારીની ઘટના શરૂ થવાની હોય, કે નક્કી થઈ જાય કે 'હવે તો યુદ્ધ એ જ કલ્યાણ', ત્યારે હું ભયભીત થઈ જઉં છું. આમ પાછા આપણા હાઇટ-બોડી હીરો જેવા આજે ય ખરા અને કોઈને મારવા લઉં તો એ હોસ્પિટલમાં અને હું પોલીસ સ્ટેશનમાં જ હોઈએ ! આ તો અમસ્તું... મારો ગુસ્સો શાંત રાખવા લખ્યું છે, બાકી હોસ્પિટલમાં હું જ હોઉં. આવું કાંઈ થાય ત્યારે મેક્સિમમ, હું પેલાને ગાળ બોલું... પછીનો ઘટનાક્રમ સાલો એ બધો સંભાળી લે. સીધી મારામારી શરૂ કરી દે. આપણને એમ કે, ફક્ત ગાળાગાળીથી પતતું હોય તો શું કામ ખોટી હાથાપાઈ કરવી ? આ તો એક વાત થાય છે.

પણ બધા મારા જેવા જેન્ટલમેન ન હોય. હું ગાળ બોલું, તો એણે સામી મને ગાળ દેવી જોઈએ. વ્યવહારમાં જેટલું થતું હોય એટલું જ થાય, પણ મારી ગાળ સાંભળીને પાર્ટી ગાળાગાળી કરવાને બદલે, સીધી મારામારી ઉપર ઉતરી આવે. એ શું સંસ્કારી માણસના લક્ષણ છે ? પછી હું મૂંઝાઈ જઉં કે, હવે આપણે શું કરવાનું ? પહેલો ઘા એણે માર્યા પછી મારે ય એને જવાબ આપવો જોઈએ. પણ મારી લિમિટ ગાળો બોલવા સુધીની ! પણ, એના મુક્કાથી મારૂં જડબું અડધો ઈંચ ખસી ગયું હોય તો ખસેલે જડબે ગાળના શુદ્ધ ઉચ્ચારો ય ન આવે, જે એક સાહિત્યકાર માટે શોભનીય ન કહેવાય.

... પછી શું ? બે ચાર બીજી ગાળો અને એના તરફથી (... બે-ચાર નહિ, થોડા વધારે) મુક્કા ! કોઈ મારામારીમાં કદી સત્યનો (એટલે કે મારો) વિજય થતો નથી, એમાં વાઈફ ખીજાય છે. ''તમે ય તી સુઉં રોજ માર ખાઈને હાઇલાં આવો છો ? હામી ફટકારતા નો આવીએ ?''

નૈતિકતાના આધાર ઉપર, વાઇફે એટલું કબૂલ કરવું જોઈએ કે, ''હું અનેકવાર એનો ય માર ખાઈને કોઈ 'દિ ઘરે હાઇલો આવું છું ?... ઘરેથી બા'ર વયો જાઉં છું !'' મારામારી આપણને પહેલેથી જ પસંદ નહિ. (સુઉં કિ... આમાં તમે કાંય નો કે'તા !)

પણ હવે મને સમજાય છે કે, મારામારી ભલે કરીએ નહિ, પણ આવડવી તો જોઈએ જ ! નીચે પાટલૂન પહેરેલું રાખીને ઉઘાડા શરીરે અરીસાની સામે ઊભા રહીને હું અનેકવાર બ્રુસ લીની જેમ હવામાં પંચ મારી ચૂક્યો છું. એક ઢીંચણ ઊંચો કરીને કાલ્પનિક દુશ્મનના પેટમાં લાતો મારી ચૂક્યો છું. વચમાં, આપણે 'હા... હી... હૂ' જેવા પ્રચંડ અવાજો કાઢવાના.

પણ તો ય, એકલવ્ય એકલો એકલો ધનુર્વિદ્યા શીખ્યો હતો, એમ હું એકલો એકલો મારામારી શીખી ન શકું... સામે કોઈ માર ખાનાર જોઈએ ! રેકઝીનની થેલીમાં રેતી ભરીને હાહૂહી કરતા એની ઉપર ફેંટો મારવામાં મારૂં કોઈ કૌશલ્ય ન કહેવાય. મારો નિયમ છે કે, 'કદી નિહથ્થા ઉપર હાથ નહિ ઉપાડવો.' હવે કિયો... સુઉં કિયો છો ?

શાસ્ત્રોમાં કીધું છે કે, ગુરૂ વિના નહિ જ્ઞાન. મને મારી ભૂલ સમજાઈ. કોઈ મને શીખવાડશે નહિ તો આવડશે કેમ ? અમારા ફલેટની નીચે ટાયર-ટયુબવાળો સરદાર ફીલોસિંઘ પંચરની શોપ લઈને બેઠો છે. કહે છે કે, મારામારીમાં સાહેબ... એનો જવાબ નહિ. અનેક મવાલીઓને મારતા મેં એને જોયો છે. પત્યા પછી હાથ ખંખેરતો પાછો પંચર સાંધવા બેસી જાય. બન્ને બાવડાં ઉપર શર્ટની બાંયો એ મસલ્સના ગોટલા સુધી ચઢાવેલી રાખે છે. મારી જાંઘની સાઇઝના એના બાંવડા છે. મને ત્યાં અડવાનું મન બહુ થાય, એવા કસાયેલા મસલ્સ હતા. ફીલોસિંઘ મને ઈમ્પ્રેસ કરવા ઘણી વાર હાથના ગોટલા ફૂલાવીને બતાવે છે. મેં કદી મારી જાંઘના ગોટલા ફુલાવીને એને બતાવ્યા નથી. સાચો દુકાનદાર પેટીનો માલ હંમેશા ગોડાઉનમાં રાખે... ગામ આખાને બતાય બતાય ના કરે !

પણ, ભલે આપણે કરવી ન હોય, પણ કોક 'દિ વળી ફરજીયાત કરવાની આવે, તો એક વાર મારામારી શીખ્યા હોય તો કામમાં આવે, એ ધોરણે એની શોપ પર બેસીને મેં રાબેતા મુજબ, એના ગોટલાના વખાણ કર્યા પછી પૂછ્યું, ''ગુરૂ... મારે મારામારી શીખવી છે. આજ સુધી કરી જ નથી.'' જગતભરમાં કોઈની પાસેથી કામ કઢાવવું હોય તો પહેલું કામ એને 'ગુરૂ' બનાવવાનું કરો... મારા ખાડીયામાં 'ગુરૂ'ને બદલે ટુંકો શબ્દ વપરાય છે, 'દુ' બનાવવાનો !

''અરે, ઈસ મેં ક્યા બડી બાત હૈ ! સીખા દેતે હૈં.'' તુલસીના ભીની માટીના કૂંડામાં કોઈ અંગૂઠો ખોસતું હોય એમ, ગુરૂએ મારા બાવડા ઉપર અંગૂઠો દબાવતા કહ્યું. એણે ક્યા અર્થમાં સ્માઈલ આપ્યું, એની તો ખબર નથી, પણ મેં કહ્યું, ''અસલી હૈ''. એમાં તો એ ખડખડાટ હસ્યો.

''કિસ કો ઠોકના હૈ ?'' જમણા હાથની પહેલી આંગળી વડે એ પોતાની મૂછ નીચે લિસોટો મારતા બોલ્યો.

''અરે ઠોકના-બોકના કિસી કો નહિ હૈ... આ તો... શીખ્યા હોઈએ તો કોકવાર કામમાં આવે.'' મારો જવાબ સાંભળીને, એનો જુસ્સો ઉતરતો હોય એવું લાગ્યું. મને કહે, ''ડરને કા નહિ કિસી સે... એક પંચ વો મારે તો ચાર તુમ મારો...''

''ગુરૂ, મારે ડીટેઈલમાં ટ્રેનિંગ નથી લેવાની. પ્રાથમિક જાણકારી શીખવી છે...''

મારી મર્યાદાઓ માપીને ફીલોસિંઘે પ્રાથમિક જાણકારી આપતા કહ્યું, કે શરૂઆતમાં મારે જાતે મારામારી કરવાને બદલે, રસ્તા ઉપર કે સોસાયટીમાં ક્યાંક મારામારી થતી હોય અને ભીડભાડ જામી હોય, ત્યારે નીચેથી ઘુસીને જેને લોકો મારતા હોય એને બે થપ્પડ મારી આવવાની. કોઈને ખબર ન પડે, એ રીતે ટોળાની બહાર નીકળી જવાનું. બને તો એ પછીના બે દિવસ ઘરની બહાર નહિ નીકળવાનું.

આ છેલ્લી સલાહ મને વધારે ગમી. હું તો ચોથા માળે રહું છું, પણ અમારા નારણપુરા ચાર રસ્તા ઉપર ભીડ જામી હોય ને મારામારી થતી હોય તો હું આખું અઠવાડીયું બહાર નથી નીકળતો. ક્યાંક સાક્ષી-બાક્ષી આપવામાં હલવઈ જઈએ ! આ હમણાં પટેલ-અનામતની રેલી અમારા ઘર નીચેથી નીકળી હતી, ત્યારે બાલ્કનીમાં ઊભા ઊભા મુઠ્ઠી ઉછાળીને હું બે વખત, ''લે કે રહેંગે... લે કે રહેંગે'' બોલ્યો હતો-મનમાં. એક વાર સી.જી. રોડ ઉપર કોઈ ખિસ્સાકાતરૂ પકડાયો અને બધા એને ઝૂડતા હતા, ત્યારે હું પણ છાનોમાનો, નીચો વળીને બે તમાચા ઠોકી આવ્યો હતો, ''સાલા, લોગોં કી જેબ કાટતા હૈ... ?'' એ તો દયામણા મોંઢે પેલાએ પાછળ ફરીને મને કીધું, ''સાહેબ, ખિસ્સું મારૂં કપાયું છે... મેં નથી કાપ્યું. મને શું કામ મારો છો ?'' ત્યારે ખબર પડી કે, આપણો વાર સાવ ખાલી નથી ગયો !

પાછો ગુરૂ પાસે ગયો. ખુશીના સમાચાર આપ્યા કે, આજે તો ઊંધા હાથની બે થપ્પડો કોકને મારીને આવ્યો છું. ત્યારે ખુશ થવાને બદલે એ નારાજ થયા. ''આમ નહિ શીખાય. કોકની સાથે સાચેસાચની ફાઇટિંગ થાય તો જ ખબર પડે કે-''

''ગુરૂ, ખબર કાઢવા તમે આવશો ? મારે હાથોહાથની મારામારી કરવી જ નથી, પણ વખત છે ને, થઈ જાય તો માર ખાઈને પાછા આવવું ન પડે ને ઘેર બા ખીજાય નહિ, એવું કંઈક શીખવાડો!''

''તુમ્હારી સ્પીડ બો'ત કમ હૈ... ઐસે હી ઢીલે રહોગે તો રીવોલ્વર ચલાના કબ સીખોગે ?'' સરદારે આ વખતે પોતાના ઢીંચણ ઉપર ધબ્બો મારતા પૂછ્યું.

આ મને અન્ડરવર્લ્ડમાં મોકલવાનું સમજતો લાગે છે. મને સાયકલ શીખતા આઠ મહિના થયા હતા, ત્યાં રીવોલ્વર તો હું ફોટામાં ય ફોડી શકું એમ નથી. ''પાપે... મુઝે દાઉદભાઈ યા છોટા રાજનભાઈ કે પાસ નહિ જાના હૈ. મને ફક્ત મારૂં રક્ષણ કરતા શીખવાડો... જો કે, એમ કરવામાં, હું સામેવાળાને બે-ચાર વળગાડી દઉં તો મને વાંધો નથી... આ તો શું કે, આપણને એકાદી પડવી ના જોઈએ, એટલે સુધીનું શીખવાડો.''

મારી વાત સાંભળીને ફીલોસિંઘને ટાયર ટયુબને બદલે મારા હોઠનું પંચર કરી નાંખવાનો ગુસ્સો આવ્યો. જો કે, એ પછી ફીલોએ મને ક્યારેય બોલાવ્યો નહિ. આપણને ફાયદો એટલો કે, એ મારે, એના કરતા બોલાવે નહિ ત્યાં સુધી વાંધો નહિ. આમાં શું કે, બીજા બધાને તો હું પહોંચી વળું, પણ ફીલોસિંઘ સાથે જ કાલ ઉઠીને મારામારી કરવાની આવે તો... આ દુનિયામાં પછી એનું કોણ ? આ તો એક વાત થાય છે.

''દાદા... મારી સાથે સાચ્ચુકલી ફાઇટિંગ કરવી છે ? હું તમને તો એક જ મિનિટમાં હરાવી દઉં... !'' એવો પડકાર મારો પૌત્ર રોજ મને ફેંકતો હોય છે ને હું રોજ એની સામે હારી જાઉં છું, ત્યારે આત્મજ્ઞાન થયું કે, જે મઝા હારવામાં છે, તે મારવામાં નથી.

સિક્સર
જ્યાં એ જન્મ્યા અને ઉછર્યા હતા, તે પંજાબના કોટલા સુલતાન ગામે મરહૂમ મુહમ્મદ રફી સાહેબનું પૂતળું મૂકવામાં આવ્યું છે, એમાં રફી સાહેબનું નામ ઝીણા અક્ષરે અને ઉદઘાટન કરનાર સરદાર બિક્રમસિંઘ મજીઠીયા (MLA) અને બીજા ચારના નામો ખૂબ મોટા અક્ષરોએ કોતરાવ્યા છે. કેવા દયાળુ નેતાઓ કહેવાય કે, રફીને બદલે પોતાનું પૂતળું ન મૂકાવ્યું !

18/10/2015

ઍનકાઉન્ટર : 18-10-2015

* ગાંધીજીનું સપનું સાકાર ક્યારે થશે ?
- બસ. થોડા થંભી જાઓ. દેશમાં બધી જ્ઞાતિ-જાતિઓને અનામત મળી જશે. બધા દલિત બની જશે. કોઇ બ્રાહ્મણ કે વૈષ્ણવ કે પટેલ નહિ રહે.
(સૌમ્યા ત્રિવેદી, વડોદરા)

* જો તમે બાદશાહ અકબરના જમાનામાં હોત તો અકબરના દરબારમાં દસમા રત્ન તરીકે હોત?
- એ જમાનામાં રત્નો (ડાયમન્ડ્સ)ના શું ભાવ ચાલે છે, એ જોયા પછી ખબર પડે.
(ઇમરાન શેખ, અંબારડી-અમરેલી)

* છોકરીઓ 'વૉટ્સઍપ'માં Hmmmm... બહુ લખતી હોય છે. શું હશે ?
- એનો અર્થ થાય.... 'Hmmmm...'
(રોનક શાહ, રાંધેજા)

* તમે પોલીસ ખાતામાં હોત તો આવા જ 'ઍનકાઉન્ટરો' કરત ?
- પોલીસખાતામાં હોત, તો 'ઍનકાઉન્ટરો' કરવાનું બીજાને કહેત... હું છાપાઓમાં મારા ફોટા છપાવતો હોત !
(કેતન દનિધારિયા, સુરત)

* 'જીંદગી કે સાથ ભી, ઔર જીંદગી કે બાદ ભી'નો અર્થ શું થાય ?
- કોઇ ઈનસ્યૉરન્સવાળો ભટકાયો લાગે છે.
(દીપક મહેતા, રાજકોટ)

* નકલી ડીગ્રી લઇને આ દેશમાં કાયદા-પ્રધાન બનાય છે. સુઉં કિયો છો ?
- આપણને રસ ખરો...!
(મહેન્દ્ર જે. પરીખ, મંબઇ)

* લોકો બીજાના પૉઝિટીવને બદલે નૅગેટીવ પૉઇન્ટસ જ કેમ જુએ છે !
- ભ'ઇ... બચીને ચાલવું સારૂં !
(ડૉ. અર્જુન આચાર્ય, ચાણસ્મા)

* તમારા પત્ની પિયર હોય ત્યારે ખુશ થાઓ કે દુઃખી ?
- હું તો પડોસીઓની વાઇફો પિયર થાય છે, તો ય દુઃખી થઉં છું... હવે એકલો પડેલો એનો ગોરધન ડેન્જરસ...!
(પરાગ બી. પંડયા, પોરબંદર)

* 'મોસે છલ કિયે જાય' (ફિલ્મ 'ગાઇડ') અને 'નીલગગનકી છાંઓ મેં (આમ્રપાલી)' બન્નેમાંથી નૃત્યની દ્રષ્ટિએ કયું ઉત્તમ કહેવાય ?
- વૈજ્યંતિ જોવાની હોય ત્યારે તમારૂં ધ્યાન નૃત્ય ઉપર જાય છે...? ધિક્કાર છે !
(મહેશ રાવલ, અમદાવાદ)

* બરાક ઓબામાને ઈન્ડિયાના વડાપ્રધાન બનાવવામાં આવે તો ?
- નો ચાન્સ ફૉર હિમ...! એ આપણી અનામતમાં આવતો નથી.
(ધારા જીતલિયા, અમદાવાદ)

* સ્ત્રીઓ હંમેશા એમની ઉંમર છુપાવતી કેમ હશે ?
- આ તબક્કો... જ્યારે એમની પાસે છુપાવવા જેવું કાંઇ રહ્યું ન હોય, ત્યારથી શરૂ થાય છે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* હવે પાકિસ્તાનના ઝંડા કાશ્મિરમાં ફરકવા માંડયા. એક ભારતીય તરીકે મને ગુસ્સો આવે છે, પણ નેતાઓના પેટનું પાણી ય હાલતું કેમ નથી ?
- 'પાણી' હોય તો હાલે ને ?
(મિતલ બારોટ, બિલીમોરા)

* મોદીજી અને નવાઝ શરીફ મળે તો નવાઝને કઇ ફિલ્મ બતાવવી જોઇએ ?
- ભારત સરકારે નૅશનલ ઍવોર્ડ આપેલી કોઇ પણ ફિલ્મ...! આઠમી મિનિટે, ''સર-જી, કશ્મિર પૂરા આપ લે લો... લેકીન ઐસી ફિલ્મેં મુઝે મત દિખાઓ... પાકિસ્તાન મેં રહેતા હૂં, ફિર ભી મેરે પાસ દિમાગ હૈ !''
(હર્ષ કે. શુક્લ, મીઠાપુર)

* તમારા માટે મોબાઇલ મોકાણ કે મદદગાર ?
- એનો આધાર બાજુમાં વાઇફ ઊભી છે કે નહિ, એની ઉપર છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* મારા સવાલના જવાબ માટે કેટલી રવિ-પૂર્તિઓ વાંચવી પડશે ?
- માત્ર 'ગુજરાત સમાચાર'ની.
(જીજ્ઞોશ બારોટ, નવસારી)

* તમે પત્નીની ગેરહાજરીમાં કેવા પ્રોગ્રામો બનાવો છો ?
- એને ખબર ના પડે એવા.
(ઋત્વિક રૂપારેલ, સાવરકુંડલા)

* શું તમારા પત્ની 'ઍનકાઉન્ટર' વાંચે છે ?
- ના. એ તો બુધ્ધિશાળી છે.
(માર્મિક આચાર્ય, મીઠાપુર)

* અનુષ્કા શર્માને 'રાષ્ટ્રભાભી'નું બિરૂદ અપાય, એ વિશે તમારો શું અભિપ્રાય છે ?
- પહેલાં 'રાષ્ટ્રીય વાંઢા'વાળું પતી જવા દો.
(આયુષી રૉય, નિકોલ)

* કળીયુગનું કોઇ તાજું ઉદાહરણ આપશો ?
- અશોક દવેનું 'ઍનકાઉન્ટર'.
(દીપક આશરા, ગાંધીનગર)

* 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન'. ગુજરાતભરમાં હવે તમે એકલા જ હાસ્યલેખક રહ્યા છો...!
- ઇન ફૅક્ટ, નવા હાસ્યલેખકો/લેખિકાઓ ખૂબ સરસ કામ કરી રહ્યા છે.
(પ્રયાગી સી. પટેલ, સુરત)

* હું પણ દુશ્મનો રાખવામાં કાચો છું. શું માનો છો ?
- તમે ક્યાં હાસ્યલેખક છો !
(જીજ્ઞોશ ભાટીયા, મેઘરજ)

* આપણે લોકશાહીને લાયક છીએ ?
- અમે બધા તો છીએ. તમે મેહનત કરો.
(અનંત વ્યાસ, ગાંધીધામ)

* અમુક જવાબો તમે ગંભીર આપો છો... કારણ ?
- હાસ્ય ગંભીર બાબત છે.
(રોહિત દરજી, હિમ્મતનગર)

* તમને આટલા બધા સવાલોના જવાબો આપવાનો સમય ક્યાંથી મળે છે ?
- ૨૪ કલાકમાંથી.

* પરણેલા પુરૂષોને પડોસીની પત્ની જ કેમ સુંદર લાગે છે ?
- સાચી સુંદરતા ક્યાં પડી છે, એનું તેમને ભાન પડે છે, માટે !
(જુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

16/10/2015

ફિલ્મ : 'સગાઈ' ('૫૧)

સગાઇ લતા-સી.રામચંદ્રના ગીતોની પૂરબહાર મૌસમ

ફિલ્મ : 'સગાઈ' ('૫૧)
નિર્માતા-દિગ્દર્શક : એચ.એસ.રવૈલ
સંગીત : સી.રામચંદ્ર
ગીતો : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૪- રીલ્સ
થીયેટર : નોવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : પ્રેમનાથ, રેહાના, ગોપ, યાકુબ, વિજ્યાલક્ષ્મી, હીરાલાલ, પૂર્ણિમા, ઇફ્તેખાર, સુંદર, કક્કુ, મોહના.કોઇ ફિલ્મનો હીરો પ્રેમનાથ પણ હોય, એ દેવ આનંદની 'જ્હોની મેરા નામ' વાળા પ્રેમનાથને જોનારા યુવાન દર્શકોના તો માન્યામાં નહિ આવે. એમાં ય એ લોકોના મોંઢામાંથી આડેધડ કાંઇ બોલાવી નાંખવું હોય તો, મધુબાલા તો પ્રેમનાથના ય પ્રેમમાં હતી, એવું કહું તો મારા ખાડીયાની લિન્ગો મુજબ, ''ફેંકી... હો...ફેંકી...બોસ'' સાંભળવા મળે. ને એમ તો કોઇ માનવા ય તૈયાર નહિ થાય કે પ્રેમનાથ પર્સનાલિટી અને સુંદરતામાં ફિલ્મ 'આન'માં દિલીપ કુમાર અને 'બરસાત'માં રાજ કપૂરથી સહેજે ય ઉતરતો નહોતો. જીવનના છેલ્લા વર્ષોમાં, મમરાના થેલા જેવું પેટ બનાવનાર પ્રેમનાથ મલ્હોત્રા આ ફિલ્મની જેમ જ્યારે હીરો હતો, ત્યારે એનું ફ શેઇપનું બોડી હતું. વર્ષો પછી એના શરીરે ગેંડાસ્વરૂપ ધારણ કર્યું, એ પછી તો એ મારા કરતા ય વધારે ફાલતું લાગતો હતો, એ નિવેદન કેવળ તમારો ગુસ્સો ઉતારવા આપ્યું છે. જય અંબે. મધુબાલાએ પ્રેમમાં દગો કર્યો અને દિલીપ કુમારે પણ પ્રેમુને ઉલ્લુ બનાવ્યો, તેનાથી છંછેડાયેલા પ્રેમનાથ એ વખતે મુંબઇમાંથી બહાર પડતા ઇંગ્લિશ ફિલ્મી સાપ્તાહિક 'સ્ક્રીન'ના વચ્ચેના બે પાનાં ભરીને પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી હતી, જેનું નામ હતું, 'એક થા ગધા, દિલીપ કુમાર.' એ વાત જુદી છે કે, એવી કોઇ ફિલ્મ એણે ઉતારી નહિ. છેવટે એ સૌંદર્યવતી બીના રોયને પરણ્યો, જે પાછલી જીંદગીમાં આના વંચર જેવા સ્વભાવને કારણે માનસિક અસ્થિર થઇ ગઇ હતી.

પણ એની હીરોગીરીવાળી ફિલ્મ 'સગાઇ' એ જમાનાના ધોરણો પ્રમાણે આઉટરાઇટ કૉમેડી ફિલ્મ હતી. એની ના નહિ. એક હાસ્યલેખક હોવાના દાવે, એટલું કહી શકું કે, ભારતમાં ઋષિકેષ મુકર્જી, બાસુ ચેટર્જી કે રાજ કપૂર જેવી કોમેડી ફિલ્મ બનાવવાની સૂઝ તો જાવા દિયો, જાણકારી ય બહુ ઓછાઓમાં હતી. ઇવન, 'ચલતી કા નામ ગાડી' જેવી ૭-૮ ફિલ્મોને બાદ કરતા કિશોર કુમારની ફિલ્મો ય અત્યંત સ્થૂળ પ્રકારની કૉમેડી ફિલ્મો હતી. હાસ્યલેખકો એ જમાનામાં ય નહોતા મળતા ને આજે મળે છે, એ બે-ચાર ફિલ્મોમાં શહૂર બતાવીને હોલવાઇ જાય છે. 'ચલો દિલ્હી''ફસ ગયે ઓબામા', 'ફિલ્મીસ્તાન', 'તેરે બીન લાદેન' અને 'ભેજા ફ્રાય' (પાર્ટ-૧) જુઓ તો હસી હસીને પાગલ થઇ જાઓ કે, આનાથી વધુ બૌધ્ધિક કૉમિક ફિલ્મો બને જ નહિ. પણ પહેલાવાળી સીધી ઉઠાંતરી કરીને જ બનાવાઇ હોવાથી, એ જ ફિલ્મો બનાવનારા પાસે બીજી કૉમેડી ફિલ્મનો માલ જ પડયો નહતો.

...ને તો ય, મેહમુદ પહેલાના સફળ કૉમેડિયનો ગોપ અને યાકુબ- ભલે બફૂનરી કરીને- પણ 'રૂપીયાવાળી'ના પ્રેક્ષકોને ઠીકઠાક હસાવે છે આપણને એક પણ વાર હસવું આવે એવું ક્યાંય નથી. છતાં એ જમાનાના પ્રેક્ષકોના આઇ-ક્યૂ ને સલામ કે, ગોપ- યાકુબની જોડી ખૂબ મશહૂર હતી. ને આવી બકવાસ કોમેડી ય ચલાવી લીધી ! યાકુબખાન મેહબૂબખાન પઠાણને નિર્માતા દિગ્દર્શક મેહબૂખાને ફિલ્મ 'ઔરત'માં રોલ આપ્યો હતો, જે રોલ એ જ ફિલ્મની ખૂબ સફળ રીમૅઇક બનેલી ફિલ્મ 'મધર ઇન્ડિયા'માં સુનિલ દત્તે કર્યો હતો.

કોમેડિયન ગોપ સિંધી હતો અને સંગીતકાર ગાયક રામ કમલાણીનો ભાઇ હતો. એક જમાનામાં ગોપ અને દીક્ષિતની કોમિક જોડી મશહૂર થયેલી. ગોપના ગોળમટોળ શરીરને કારણે એ હાંસિપાત્ર લાગી શકતો, તો પણ એ સમયના વિલન-કમ-કોમેડિયન રાધાકિશનની બરોબરીએ તો યાકુબ પણ પહોંચી ન શકે. જ્હોની કે રાધાકિશન મેહમુદના લેવલે એટલા માટે પહોંચી ન શક્યા કે, ફિલ્મ કે રોલ ગમે તે હોય, આ બન્નેનો અવાજ અને એક્ટિંગ એકના એક રહેતા. મેહમુદ પાસે લિબાસથી માંડીને અવાજના વેરિએશન્સ અઢળક હતા. મેહમુદ જેવો પરફૅક્ટ કોમેડિયન તો ફક્ત હોલીવૂડમાં જ હતો, જેને અમારા સમયના લોકો 'જેરી લુઇસ' કહે છે. અફ કોર્સ, જેરી લુઇસ મેહમુદ કરતા પણ સેંકડો ગણો વધુ સારો કોમેડિયન હતો. એક જમાનામાં નવોસવો મેહમુદ યાકુબની નકલ કરવામાં શરમ અનુભવો નહોતો. એણે પોતે કીધેલી ઘટના મુજબ, બે ચાર ફિલ્મોમાં કામ મળ્યા પછી કોઇકે મેહમુદ પાસે એની લાઇફનો પહેલો ઓટોગ્રાફ માંગ્યો. નામ વાંચ્યા પછી પેલો ચાહક મોંઢુ બગાડીને જતો રહ્યો, ''મેં તો આપકો યાકુબ સા'બ સમઝા થા !''

જે પી.એલ. સંતોષીને રેહાનાએ લાત માર્યા વગર તગેડી મૂક્યો હતો, એના દિવસો ચાલતા હતા, ત્યારે રૂપિયાની નોટો પાવડા ઉલેચી ઉલેચીને કમાયો હતો ત્યારે કોમેડિયન મેહમુદ એનો ડ્રાયવર હતો. એમાંનો એક એક પૈસો ઉલેચી ઉલેચીને રેહાના લઇ ગઇ, એ પછી સંતોષીના ખરાબ દિવસોએ એને કંગાળ બનાવી દીધો. મુંબઇની તારદેવ એરકન્ડિશન્ડ માર્કેટના બસ સ્ટોપ પર સંતોષીને ઊભેલા જોઇને હવે પોતાની મોટી કાર લઇને પસાર થતા મેહમુદે ગાડી ઉભી રખાવીને સંતોષીને ગાડીમાં બેસવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ધારી લો, બેમાંથી આંસુ કોની આંખોમાં વધુ આવ્યા હશે ?

યાકુબ વહેલો ગુજરી ગયો હોવાથી ઇવન આપણા સમયના ચાહકોએ પણ એને બહુ ન જોયો હોય, રાજ કપૂરની ફિલ્મ 'અબ દિલ્લી દૂર નહિ'માં મુહમ્મદ રફીના કંઠે દત્તારામના સંગીતમાં, 'છુન છુન કરતી આઇ ચીડિયા..' આ યાકુબ પર ફિલ્માયું હતું. ગોપને નામે એક યુગલ ગીત આજે પણ સ્ટેજ પર ગવાતું રહ્યું છે, શમશાદ સાથેનું, 'મેરે પિયા ગયે રંગૂન, કિયા હૈ વહાં સે ટેલીફૂન...' ફિલ્મના પરદા ઉપર નિગાર સૂલતાના સાથે ગોપ ઉપર ફિલ્માયું હતું.

અહી હીરોઇન રેહાના ઉપર ગોપ-યાકુબ (એ સમયની ભાષામાં લખીએ તો) ''લાઇન મારતા'' હતા. રેહાના ધનવાન ઇફ્તેખારની પુત્રી હોય છે, જે એની સગાઇ એવા છોકરા સાથે કરી દેવા માંગે છે, જેને રેહાનાએ જોયો નથી, માટે બાપ સામે બંડ પોકાર્યા વગર રેહાના ઘર છોડીને ભાગી જાય છે. (એ જમાનાની લગભગ દર ત્રીજી ફિલ્મે હીરોઇનો ઘર છોડીને ભાગતી...આજની છોકરીઓને જોઇને ઘરવાળાઓ ભાગે છે.) હીરો પ્રેમનાથ નૅવીનો કેપ્ટન હોય છે. (આ બતાવે છે, ઇન્ડિયન નેવી એ જમાનામાં કેવું નબળું હશે ?) ભાગીને રેહાના આ બન્ને ઘનચક્કરો (ફૂમન અને ઢબ્બુ)ના હાથમાં આવે છે. એ જાણવા છતાં કે, બન્ને ચોર છે, રેહાના એમની સાથે ટીમ બનાવીને પોલીસથી માંડીને પબ્લિક- બધાને ચક્કરો ખવડાવતી રહે છે. આ ભાગમભાગીમાં એ ત્રણે એક સ્ટીમર ઉપર જતા રહે છે, જેનો કૅપ્ટન પ્રેમનાથ હોય છે, જે શેહજાદી (પૂર્ણિમા) ને તેના વતન મૂકવા જતો હોય છે. પૂન્નો પ્રેમના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવા માંગે છે. પ્રેમનાથનો ટેસ્ટ જરી ઊંચો હોવાથી એ શેહજાદીને પરણવાની ના પાડી દે છે. સ્ટીમર પર શેહજાદીને લેવા આવેલા શહેનશાહ પ્રેમનાથની ધરપકડ કરાવીને જુલ્મો કરે છે. એ વખતે, ટીવી પર ન્યૂસ-ચૅનલો આવતી ન હોવાથી, ''શું પ્રેમનાથની ધરપકડ વ્યાજબી છે ?'' એવી બૌદ્ધિકોમાં ચર્ચા-વિવાદ થયા નહિ, એટલે આ તોફાની ત્રિપુટી પોતાના જીવને જોખમે પ્રેમનાથને છોડાવે છે. ફિલ્મના અંતે પરણવું રેહાના જોડે પડે છે, એ ફીલ થયા પછી પ્રેમુ પાછો શેહજાદીની જેલમાં કોરડા ખાવા જતો રહે છે કે નહિ એ ફિલ્મમાં બતાવ્યું નથી.

પોતાના ગીતો અને નૃત્યોમાં રેહાના કમરના ઝટકા મારવામાં નિષ્ણાત હતી. એટલે એને હિંદી ફિલ્મોની પહેલી 'ઝટકા-ક્વીન' કહેવાતી જે 'રૂપિયાવાળી'ના પ્રેક્ષકોને ખૂબ ગમતું, પણ બાલ્કનીવાળાઓને એમાં નકરી વલ્ગેરિટી દેખાતી. રેહાનાની શરૂઆત આમ તો અમર ગાયક કે.એલ.સાયગલ અને સુરૈયાની ફિલ્મ 'તદબીર' ('૪૫)થી એક નાનકડા ડાન્સ માટે થઇ હતી, પણ તે પછી એ સીધી જ દેવ આનંદની પહેલી ફિલ્મ 'હમ એક હૈ'ની હીરોઇન બની ગઇ- કમલા કોટનીસની સાથે. આ ફિલ્મમાં પહેલીવાર દિગ્દર્શન કરતા પ્યારેલાલ સંતોષી સાથે રેહાનાને પ્રેમ થઇ ગયો અને '૫૨ સુધી ફિલ્મ 'શિનશિનાકી બૂબલા બૂ' સુધી ચાલ્યો. વચમાં એ બન્નેએ, શેહનાઇ, ખીડકી, છમ છમા છમ અને સરગમ જેવી ફિલ્મો ય કરી. મરિન લાઇન્સ પર ફ્લૅટ ઉપરાંત ફિલ્મમાં પહેરવા ખોટાને બદલે સાચા ઘરેણાની જીદ કરીને ઘરેણા લઇને રેહાના પોતાને ગામ જતી રહી, એ તો ઠીક, પેલા પાસે હવે કશું બાકી રહ્યું નથી, એની ખાત્રી થતાં રેહાનાએ સંતોષીએ જ મરિન લાઇન્સ પર આપેલા ફ્લૅટનું અડધી રાત્રે બારણું ન ખોલ્યું. સંતોષી આખી રાત ફ્લૅટના દરવાજા પાસેના પગથીયા ઉપર રડતો રડતો પડયો રહ્યો, ને જે ગીત સૂઝ્યું, તે 'તુમ ક્યાં જાનો... રાત ગૂઝારી તારે ગીનગીન, ચૈન સે જબ તુમ સોયે...'

રેહાનાનું સાચું નામ તો 'મુશ્તાર જહાન' હતું. એ પોતાને 'સેક્સી' કહેવડાવવામાં ગૌરવ અનુભવતી (એ જમાનામાં આ નાની વાત નહોતી.) આ ફિલ્મ 'સગાઇ' પછી રાહુ એને ય નડી ગયો અને ફિલ્મો મળતી ઓછી થઇ ગઇ ને એ પાકિસ્તાન જતી રહી. ત્યાં થોડી ફિલ્મોમાં કામ કર્યા પછી આજે ય એ હયાત છે.

ફિલ્મના ગીતકાર રાજીન્દર કિશન એના મીક્સ કામો માટે પ્રખ્યાત કે કુખ્યાત છે. 'મરને કિ આરઝૂ મેં, હમ જી રહે હૈ ઐસે, જૈસે કિ લાશ અપની ખુદ હી કોઇ ઉઠાયે...' જેવા પ્યોર સાહિત્યિક ગીતો લખનાર આ જ માણસે 'રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ' જેવા ઘટીયા ગીતો ય લખ્યા છે. નસીબનો ભારે બળીયો નીકળ્યો- કવિ હોવા છતાં... કે '૬૦ના દાયકાના અંતમાં ઘોડાની રૅસના આ શોખિનને એ જમાનામાં ટૅક્સ- ફ્રી રૂ.૪૯ લાખનો જૅકપોટ લાગ્યો હતો..

(ગુજરાતી કવિઓ... કંઇક શીખો આમાંથી ! બીજા ૪૯- જનમો સુધી ગીત- ગઝલો લખતા રહેશો તો ય આટલું નહિ કમાઓ !)

જ્યારે લતા મંગેશકર અને સી.રામંચન્દ્ર વચ્ચે લગીરેક ભાઇ-બેન જેવા સંબંધો નહોતા. અન્નાના સંગીતમાં બીજી કોઇ ગાયિકાનું નામ પણ વિચારી ન શકાય. અન્ના ય છ ફૂટથી વધુ ઊંચો અને કોઇને પણ ગમી જાય એવી પર્સનાલિટી પ્લસ- સંગીતવાળો હતો. લતા સાથેના અન્નાએ બનાવેલા ગીતોની યાદી લતાના ડાય-હાર્ડ શોખિનો સિવાય અન્યને આવડે ય નહિ. લતા-મદન મોહન કે લતા-સી.રામચંદ્ર... બન્ને લેવલના ચાહકોને ભેગા કરીએ તો આવનારા બસ્સો વર્ષો સુધી દલિલો ચાલતી રહે... કેમ જાણે લતા-નૌશાદ કે લતા-શંકર-જયકિશન જેવી ચીજો પેદા જ થઇ નહિ હોય ! લતા હોય કે રફી સાચો અને જાણકાર ચાહક એને કહેવાય જેને, મહેન્દ્ર કપૂરનું 'ચલો એક બાર ફિર સે, અજનબી બન જાયે હમ દોનો...' કે સંગીતકાર ગુલામ મુહમ્મદની ફિલ્મ 'કુંદન'નું 'શિકાયત ક્યા કરૂં દોનો તરફ ગમ કા ફસાના હૈ' પણ એક સરખું જ ગમે.

એ વાત જુદી છે કે, અન્નાએ આ ફિલ્મ 'સગાઇ' ના તમામે તમામ ગીતોને બકવાસ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. લતાનું ય કોઇ ગીત જાણિતું કરી ન શક્યા. તલત મેહમુદ સાથે લતાનું 'મુહબ્બત મેં ઐસે જમાને ભી આયે' ફક્ત જૂનાં ગીતોના જાણકારો પૂરતું ચાલી ગયું, મારા ભ'ઇ !

ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું એચ.એસ.રવૈલે, જેણે સાધના-ગજેન્દ્ર કુમારની 'મેરે મેહબૂબ' પણ બનાવી હતી. એના દીકરા રાહુલ રાવૈલે ધર્મપુત્ર...એટલે કે ધર્મેન્દ્રના પુત્ર સની દેવલને અમૃતા સિંઘની સાથે ફિલ્મ 'બેતાબ'માં પહેલો ચાન્સ આપ્યો હતો. કહે છે કે, સની દેવલના ગળાનું માપ દરજીઓ લઇ શકતા નથી, એટલી તાકાતથી 'કૂત્તેએએએએએએએએ...'નામની બૂમો એણે પાડી છે. એની કોઇ પણ ફિલ્મમાં કૂતરો હોય કે ન હોય, કૂતરાના નામની બૂમ તો હોય જ ! કહે છે કે, બધો માલ કૂવામાંથી આવ્યો હતો!

સંતોષી એક દિગ્દર્શક તરીકે મોટો બકવાસ હતો, એની સાબિતી આ ફિલ્મ 'સગાઇ' જોઇને મળે છે... ને હું જાણું છું, આ કૉલમના વાચકો બકવાસ તો સહેજે ય પસંદ કરતા નથી... સિવાય 'ફિલ્મ ઇન્ડિયા'...!

14/10/2015

તિતિક્ષા સાથે સ્વિમિંગ પૂલમાં....

બ્રાન્ચમાં અમારે યુનિયન-બુનિયન જેવું કાંઇ નહોતું પણ એકબીજાની સાથે દોસ્તી-ફોસ્તી જેવું ચોક્કસ બંધાવવા માંડયું હતું-તિતિક્ષાને કારણે ! જેને બ્રાન્ચ મૅનેજર તિતિક્ષાની કૅબિનમાં આવરો-જાવરો વધુ રહે, એના ભાવ ઊંચા બોલાય. એને ચા-સિગારેટના પૈસા નહિ આપવાના. તિતુ બોપલ પાસે ક્યાંક રહેતી, એટલે એની થોડી ય નજીક રહેનારને ખભે હાથ મૂકીને અમે ચાની કિટલી ઉપર ઊભા રહેતા. આ એનું બહુમાન થયું કહેવાય ! આઠ કલાકની નોકરીમાં જેને એકાદું સ્માઈલ મળ્યું, એ તો ઘેર જઇને છ મહિના સુધી સગ્ગી વાઇફના સ્માઇલોના ઢગલાના જવાબો આલવાનો નથી.

અમારા વિચારો અને યોજનાઓમાં સર્વાનુમત દેખાવા માંડયો. સૂચન વાય.વાય. પટેલનું હતું કે, બ્રાન્ચની એક પિકનિક કરીએ. કોઇ રીસોર્ટમાં જઇને બે દહાડા રહેવાનું. બધો માલ સૉલ્જરીનો. સૉલ્જરીનો તો એટલે સુધી કે, સ્ટાફમાંથી કોઇ એકાદો ય રીસૉર્ટમાં ગયા પછી તિતુ સાથે બૅડમિન્ટન રમતો દેખાયો, તો તરત જ અમારામાંથી બીજા એકને ચાન્સ આપવાનો. એકલા એકલા ભૂખાવડા નહિ થવાનું. એનું નામ સૉલ્જરી. (સામે તિતુ હોય એટલે દરેક વખતે શૉટ એવી રીતે મારવાનો કે, શટલકૉક (ફૂલ) લેવા તિતુને નીચા નમવું જ પડે....! ''નમે તે, સૌને ગમે'' (કહેવત આવા દ્રશ્યોને કારણે પડી હતી) આપણે ભલે રૅફરી હોઇએ, પણ નૅટવાળા થાંભલા પાસે નહિ ઊભા રહેવાનું/ તિતુની સામે જ ઊભા રહીએ તો મંગળાના દર્શન થઇ ય જાય !) મકવાણાને કહી રાખ્યું હતું કે, તારે બધા શૉટ્સ અમે ઊભા હોઈએ ત્યાં મારવાના. તિતુ શટલકૉક લેવા નીચે વળે અને અમે 'મેરે મેહબૂબ'માં સાધનાના પડી ગયેલા પુસ્તકો રાજેન્દ્ર કુમાર વાંકો વળીને આલે છે, એમ અમે તિતુને ફૂલ આપીએ. નજીકથી જોવામાં થોડો ફેર પડે... આ તો એક વાત થાય છે !

પહેલા તો મૅડમે ના પાડી, પણ આ વખતે બે રજા સામટી આવતી હતી ને એના મનમાં સીતાજી વસ્યા હશે (પુરૂષોના મનમાં રામ વસે....ફૉર યૉર નૉલૅજ, લૅડીઝ ઍન્ડ જૅન્ટલમૅન...!) અચાનક પૅટ્રોલની ટાંકી સળગી ઉઠે, એવા જીવો તો બધાના ભડભડ બળ્યા કે, મૅડમે સહુને પોતાના હસબન્ડ કે વાઈફ સાથે જ આવવાની સૂચના આપી હતી. અડધો કચરો તો પિકનિકે જતા પહેલા જ થઇ ગયો...ક્યા કરમકુંડાળામાં મૅરેજો કર્યા હશે કે, સ્ટાફમાં બધાની વાઇફો વહેમીલી જ આવી છે. તિતિક્ષા તો બહુ ઊંચું ટાર્ગેટ કહેવાય, પણ અમારે તો ફલૅટની બારીઓ બંધ કરીને જીવવાનું. વહેમાવા માટે તો વાઇફો બૅન્કની ડોસીઓને ય ન છોડે. સાલો, ભલાઇનો જમાનો જ રહ્યો નથી. આઠ-દસ વર્ષે એક વાર ખુદ એમને જ 'આઇ લવ યૂ-ઓ' કહેવા જઇએ તો ય વહેમાય કે, આજ કોઇ મળી લાગતી નથી ! બધાના ઘરે 'વૉટ્સઍપ'માં તિતુલક્ષી મૅસેજો હોય. ગૅલેરીમાં ફોટા ય એના જ નીકળે. ટૅબલ પર બેઠા બેઠા તક મળે ત્યારે તિતુના ફોટા પાડે રાખવાના... મોબાઇલોનું આ સુખ !

મેં તો બહુ મોટા અરમાનો સાથે રીસોર્ટ એવું ગોતી આપ્યું હતું, જ્યાં સ્વિમિંગ-પૂલ હોય. આ બાજુ તિતુ નહાતી હોય ને ત્રણ ફૂટ દૂર આપણે છબછબીયાં કરતા હોઇએ, ત્યાં વાઇફ ડૂબકી મારીને આપણને નીચેથી પગ ઝાલીને ખૂણામાં ખેંચી જાય. કોઇને દયા ય આવે. અમારા ઉપર કે, એક બાજુ હુસ્ન એટલે કે તિતુ તરતી હોય, ત્યાં કોક સળેકડું કે સૂકું પાંદડું તરતું તરતું આવે, એમ અમે વારાફરતી એની દિશામાં સરકીએ... ત્યાં હબકી જવાય કે, આપણી પાછળ પાછળ વડનું આખું ઝાડે ય તરતું તરતું આવી રહ્યું છે. આ તો સાલી કોઇ ઝીંદગી છે ? (ના. આવી ઝીંદગી તમારા દુશ્મનની ય ન હોય. દુઃખ થયું તમને આવી ઝીંદગી મળવા બદલ - બેસણું પૂરૂ !) ભરૂચો બહુ ઉતાવળો થતો હતો, તિતુને નહાતી જોવા માટે. આ આઇડિયો તો એણે આપ્યો કે, તિતુ સ્વિમિંગ-પૂલમાં પડે, ત્યારે વાઇફોઝની હાઉસી શરૂ કરાવી દેવાની. હાઉસી પાછળ જગતભરની સ્ત્રીઓ રાહુલ હોય છે, એટલે આપણે તિતુ સાથે-ભલે દૂરથી છબછબીયાં તો થાય ? આ તો એક વાત થાય છે. મને ચાવડો કહેવા આવ્યો, સ્વિમિંગ-પૂલમાં તિતુની સાથે નહાવાનો પહેલો હક્ક અમને દલિતોને, પાટીદારોને, જૈનો અને મુસલમાનોને મળવો જોઇએ. રહ્યા અમે બસ કોઇ...૪-૫ જણા. ભરૂચો પારસીમાં આવે, એટલે એને નહાવાની જરૂર નહિ. પારસીઓ અમથા ય ગોરા ને ગુલાબી હોય છે...બાકી તો અમે લોકો ખાબકવાના હતા, એ બધાને લીધે હૉજનું પાણી કાળું થઇ જવાનો ખૌફ હતો.

એ ગૉલ્ડન દિવસ આવી પહોંચ્યો. અમદાવાદથી થોડે દૂર એક રીસૉર્ટમાં જવાનું હતું. તિતુ સિવાય બધા ટાઇમથી એક કલાક પહેલા આવી ગયા હતા. બૅન્ક સ્ટાફની માજીઓ એમના માજાઓ એટલે કે હસબન્ડોઝ સાથે આવી હતી. બિચારાઓ ઉપર દયા આવે કે, અમે બૅન્કમાં ને એ લોકો ઘરમાં કેવું બિહામણું જીવન જીવતા હોઇશું ! ને આ બાજુ તિતુ. બસ, એક વાર નજર પડી જાય પછી આંખોમાં નિર્જીવદયા નેત્રપ્રભા છાંટવાની જરૂર ન પડે.

એક અઠવાડીયામાં તો તિતુએ અમને બધાને અર્જુનો બનાવી દીધા હતા, એટલે લક્ષ્ય એક જ જગ્યા ઉપર હોવાથી - એમાંને એમાં ખ્યાલ પણ ન આવ્યો કે, તિતુ ય પરણેલી હશે. સૌથી છેલ્લે એ પોતાની ગાડીમાં આવી. એના ગોરધનને જોતાં જ પિકનિકમાં આવવા માટેના રાજીનામાં ત્યાં ને ત્યાં પડે, એવા બધાના મોંઢા થઇ ગયા. ફિલ્મોમાં હીરોઇનોના બૉડીનું રક્ષણ કરવા 'બાઉન્સર' હોય છે, એવા આઠેક બાઉન્સરોને એકલો પછાડે એવો તિતિક્ષાબહેનનો ગોરધન હતો. એક તો અમે ફફડી ગયેલા ને એમાં સાલાએ અમારામાંથી કોઇની સામે જોઇને સ્માઈલે ય ન આપ્યું, એટલે બીક વધારે લાગે. હું જરા હિમ્મતવાળો ખરો એટલે નજીક જઇને 'હેલ્લો' કહી હાથ મિલાવ્યો, તો ગરમ તપાવેલી ઇંટ પકડાઇ ગઈ હોય એવો એનો શૅક-હૅન્ડ હતો. બસમાં બેઠા પછી બધાના મોંઢા ઉપરના તેજ ઉતરી ગયેલા. (પહેલા તેજો હતા, એવું માનવું નહિ... આ તો જેટલા હતા, એ ય ઉતરી ગયાની વાત થાય છે - માર્ગદર્શિકા પૂરી)

બસમાં અંતાક્ષરી શરૂ થઇ, એમાં પુરૂષ વિભાગ તરફથી એકોએક કરૂણ ગીતોના કરૂણ મુખડા ગવાયા ને માજીઓ હાળી રાજી થઇ થઇને 'હમ ભી હૈ, તુમ ભી હો, દોનોં હૈ આમને સામને.... હોઓઓઓ' જેવા તોફાની ગીતો અમારી સામે જોઇ જોઇને ગાવા માંડી. એમ તો તિતુ પણ ગાતી, ''જરા સી આહટ હોતી હૈ, તો દિલ સોચતા હૈ, કહીં યે વે તો નહિ... કહીં યે વોઓ... તો નહિ...'' એમાં અમને નવો ફફડાટ થયો કે, સાલીને બબ્બે હસબન્ડો તો નહિ હોય ને ?

રીસૉર્ટ પર પહોંચીને બધાના મોંઢા કાળા પડી ગયેલા. કોઇ કોઇની સાથે વાત ન કરે. જતા વ્હેંત તિતુ અને એનો બાઉન્સર-હસબન્ડ બે એકલાં જ પાણીમાં પડયા. અમે બધા ચડ્ડાં (સ્વિમિંગ કૉસ્ચ્યૂમો) પહેરીને પૂલની પાળી પાસે ઊભા રહ્યા પણ મહીં પડવાની હિમ્મત ન ચાલે. મુંબઇના મરિન લાઇન્સ પરના કાળમીંઢ ખડક જેવું બૉડી ધરાવતા ગોરધનના પેટમાં વાડકો મૂકી શકાય એટલો ખાડો અને બબ્બે ટુવાલો વીંટાળવા પડે, એવી સ્નાયુબદ્ધ છાતી. છાતીઓ તો અમારી પાસે ય હતી પણ ખાડાવાળી છાતીઓ હતી. છસ્સો કી.મી. દૂરથી ય પહેલું નજરે તરી આવે એવું અમારા સહુનું પેટ-સાયકલના કૅરિયર પાછળ મીઠું ભરેલો થેલો લટકતો લટકતો હલતો હોય એવું લાગે. તો ય પી.પી. દોશી અને મકવાણો હળવે રહીને હૉજમાં ઉતર્યા તો ખરા, પણ રાક્ષસની એક નજર ફક્ત પડી, એમાં બન્ને ઉપર આવતા રહ્યા. ચડ્ડાઓ તો અમે ય ભીનાં કરી આવ્યા હતા, પણ સ્વિમિંગ-પૂલમાં નહિ.... શૉવર-બાથમાં ! અદબ વાળીને મૂઢની જેમ ઊભા ઊભા અમારા ચડ્ડાની ધારો ઉપરથી પાણી નહોતું ટપકતું...અમારા અરમાનો ટપકતાં હતા. યસ. અમે બધા સંસ્કારી પૂરા. નહાતા નહાતા તિતુની નજર અમારા ઉપર પડી જાય, ત્યારે આકાશમાં જોઇ લેવાનું, કેમ જાણે આકાશ પગ નીચે આવ્યું હોય!... આ તો એક વાત થાય છે.

અચાનક અમે બધા ભાગ્યા એટલા માટે કે, સ્વિમિંગ-પૂલમાં ખાબકવા માટે વન-પીસો પહેરી પહેરીને સ્ટાફની માજીઓ હોઓઓ... કરતી આવી અને પડી પૂલમાં ! હરદ્વાર ગોસ્વામીના શે'રમાં ફેરફાર કરીને મનમાં બબડવું પડયું,

'હે ઇશ્વર, આના કરતા તો દે મરવાનું,
કોઇ નહિ ને માજીઓ સાથે તરવાનું ?'

(બસ. પછીના ૧૫-દહાડામાં તો તિતુની ય ટ્રાન્સફર થઇ ગઇ. હવે જીવનમાં કે લેખમાં લંબાવવા જેવું શું રહ્યું ? કોઇ મને સપૉર્ટ આપો. હું ઢીલો પડી રહ્યો છું.)

સિક્સર
બીઍમડબલ્યૂનું આખું નામ શું થાય ?

બહેરા, મૂંગા અને વાંદરા.