Search This Blog

31/03/2013

ઍનકાઉન્ટર 31-03-2013

* સિંહ શિકાર નહિ કરતા... સિંહણ કરતી હૈ... તો પછી 'ઍનકાઉન્ટર' સિંહ કરે છે કે તમારી સિંહણ?
- બહારના કામો એ પતાવે છે ને ઘરના હું.
(અમિત કમલ ત્રિવેદી, અમદાવાદ)

* પાકિસ્તાની આતંકવાદીઓએ આપણા જવાનોને શ્રીનગરમાં વીંધી નાંખ્યા ને તો ય આપણે ચૂપ...?
- પાકિસ્તાની આતંકવાદીઓએ અમેરિકાને (અને આખા જગતને) એક ચસચસતી થપ્પડ મારતા કહ્યું હતું, 'અમારે ત્યાં મૂલ્કને ખાતર 'કન્ફર્મ્ડ' મૌત વહોરી લેનારા એક-બે નહિ, લાખો લોકો છે... તમારા આખા અમેરિકામાંથી ફક્ત એક તો બતાવો...!' વાત પણ સાચી છે ને? આપણા દેશમાંથી ય એવો એક નીકળે એવો છે કે, જે લાહોરમાં જઈને બોમ્બ ફોડી આવે...?
(શુભાંગિની રાવલ, વડોદરા)

* ૨૨- દેશોની પોતાના ફેમિલી સાથે ફક્ત યાત્રાઓ કરી જનાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે દેશના પાંચ કામો ય કર્યા છે ખરા?
- એમણે રાષ્ટ્રપતિની 'પ્રતિભા' સાવ છેલ્લી 'પાટલી'એ બેસાડવાનું મહાન કામ કર્યું જ છે.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* તમારી જિંદગી ઉપર કોઈ ફિલ્મ બનાવી શકાય, એવું તમને લાગે છે ખરું?
- ફિલ્મ ઉતારી શકાય.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* લગ્ન એક કરાર છે, તો સગાઈ શું?
- લગ્ન છેકછાકવાળો કરાર છે અને સગાઈ મોટા ભાગે ખોટી વિગતો ભરેલું અરજીપત્રક છે.
(કાનજી ભદરૂ, ગોલગામ)

* જીતેલાને હાર કેમ પહેરાવાય છે?
- હારેલાઓ હાર સ્વીકારતા નથી માટે.
(મોના રમજાનભાઈ મીરાણી, મહુવા)

* કહેવાય છે કે, હસતો માણસ ભીતરથી રડતો હોય છે... સાચું?
- હસતા માણસની દાઢ દુઃખતી હોય તો સાચું.
(રૅનિસ રમજાનભાઈ મીરાણી, મહુવા)

* 'બુધવારની બપોરે' વાંચ્યા પછી અમારું માથું દુઃખે છે...!
- માથામાં મગજ હોય, એમને માટે આ કોલમ છે... તમારે ક્યાં ચિંતા કરવાની છે?
(રજનીકાંત દવે, વાસદ-આણંદ)

* તમારા અમોલ પુસ્તક 'ઓળખ-પરેડ'માં વિભિન્ન જ્ઞાતિઓ વિશે લખ્યું હતું. એ બધામાંથી તમારી લાડકી જ્ઞાતિ કઈ લાગી?
- એકે ય નહિ. એમાંના એકેએ ભારતીય હોવાનું ગર્વ બતાવ્યું નથી. મને હું બ્રાહ્મણ હોઉં કે હરિજન, એમાં કોઈ રસ નથી... ભારતીય હોવાની દેશદાઝ મારામાં બેશક હોવી જોઈએ અને છે. મેં મારા બન્ને સંતાનોને ફાવે ત્યાં પરણવાની છુટ આપી હતી... કોઈ જ્ઞાતિબાધ નહિ, પણ આવનારી વહુ કે જમાઈ ભારત માટે દેશદાઝ રાખનારા છે કે નહિ, તે જોજો અને કૃપા ભારતમાતાની કે, અમને વહુ અને જમાઈ બન્ને સખ્ત દેશદાઝ રાખનારા મળ્યા છે.
(પ્રણાલિ મેહતા, મુંબઈ)

* ફૅમિલી સાથે બેસીને જોઈ શકાય, એવી કેટલી હીરોઈનો છે?
- આઈ ડોન્ટ થિન્ક... એક ય હીરોઈન એમ તમારા ઘરે આવે!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* હેડકી આવે એટલે કોક સંભારતું હોય, એ વાત કેટલી સાચી?
- કહે છે કે, સૌથી વધારે હેડકીઓ જેલના કેદીઓ ખાય છે...!
(સુમન વડુકૂળ, રાજકોટ)

* શું અક્ષર સારા હોવા જરૂરી છે?
- અક્ષર બહુ સારા હોય તો બહુ નબળા હાસ્યલેખક બની શકાય છે, એટલી મને ખબર છે!
(ધ્રુવ પંચાસરા, વિરમગામ)

* પૂજ્ય સ્વામી અશોકાનંદજી, હવે દેશભક્તિનું જૂનુન ચઢાવવા તમે ઝૂકાવો તો...?
- કમનસીબી એ જ છે ને કે, દેશના જેટલા 'પૂજ્ય', 'સ્વામી' કે નંદજીઓ દેશભક્તિને બદલે ધર્મભક્તિના ઝનૂનો ચઢાવીને દેશને ખોખરો કરી રહ્યા છે.
(ડૉ. પ્રવિણગિરી ગોસ્વામી, પોરબંદર)

* આજ સુધી તમે કોઈને 'ટોપી પહેરાવી' છે?
- દર રવિવારે આશરે ૨૫ જણને ટોપીઓ પહેરાવું છું.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* તોરણે ઊભેલા વરરાજાને ફક્ત સાસુ જ પોંખે છે, સસરા કેમ નહિ?
- સસુરજીને ખબર છે કે, એક વાર પોંખાવામાં હું આખેઆખો ભરાઈ ગયો છું.
(ગાંગજી ચાંચીયા, અમદાવાદ)

* ઘેર આવેલા ગોરધનને પાણીનો ગ્લાસ ધરતી વખતે ગોરધન 'હુ, પીને આયો છું' કહે તો?
- બોચીથી ઝાલીને એવા ગોરધનને હેઠા પછાડીએ નહિ કે, 'એકલો-એકલો શેનો પીને આયો છું...? હું મરી ગઈ'તી...?' એવી ચોપડાઈ દેવાય... હઓ!
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

* સાસુ-વહુ વચ્ચે સંપ હોઈ શકે ખરો?
- જે વહુ પોતાની સાસુને સગી માંના સ્થાને જુએ, એ ઘરમાં કદી પ્રોબ્લેમ ન હોય!
(દિલીપ જે ધંધુકીયા, અમદાવાદ)

* કેન્દ્રીય મંત્રી જયસ્વાલે, પત્ની જૂની થાય પછી મજા નથી આવતી, એવું ક્યા સંદર્ભમાં કીધું હશે?
- એ એમની આત્મકથાનો ભાગ હતો.
(સુધીરસિંહ રાજપુત, જમડા-બનાસકાંઠા)

* લગ્ન પછી શાંતિ ન હોવા છતાં લોકો લગ્ન શું કામ કરે છે?
- જખ મારવા.
(ડૉ. સુનિલ શાહ, રાજકોટ)

* દસ રૂપીયાના વેફરના પેકેટમાં પાંચ રૂપીયાની હવા ભરી હોય છે...
- આમ કહીને જાડી સ્ત્રીઓનું તમે અપમાન ન કરો.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ડીસેમ્બરમાં પૃથ્વીનો પ્રલય અટકી કેમ ગયો?
- આપણા બન્નેના પૂણ્યો કામમાં આવી ગયા...!
(નિરંજન વૈષ્ણવ, જૂનાગઢ)

* આપને એક દિવસ માટે વડાપ્રધાન બનાવવામાં આવે તો શું કરો?
- બીજે દિવસે ઉતરી જઉં.
(અનિલ દેસાઈ, નિયોલ-સુરત)
* પત્નીને કન્ટ્રોલમાં રાખવાનું રીમોટ-કન્ટ્રોલ મળી જાય તો?
- એને પૂછી પૂછીને વાપરવું.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* તમને પ્રેમ કરનારી સ્ત્રી બીજાને પ્રેમ કરવા માંડે તો શું કરો?
- ... પછી તો, એ બીજા પુરુષ સાથે જે કરતી હોય, એ તો મારાથી ન કરાય ને?
(વંદના ઝવેરી, મુંબઈ)

***
સવાલોનું સરનામું
'એનકાઉન્ટર'માં સવાલ
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા.
સરનામું : 'એનકાઉન્ટર',
ગુજરાત સમાચાર, ખાનપુર,
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

29/03/2013

'હલચલ' ('૭૧)

ફિલ્મ : 'હલચલ' ('૭૧)

નિર્માતા-દિગ્દર્શક : ઓપી રલ્હન
સંગીત : રાહુલદેવ બર્મન
ગીતો : ગીતો વગરની ફિલ્મ હતી.
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ
થીયેટર : રૂપમ (અમદાવાદ) 
કલાકારો : ઓપી રલ્હન, કબીર બેદી, ઝીનત અમાન, સોનિયા સાહની, પ્રેમ ચોપરા, અંજલિ કદમ, મદનપુરી, સરદાર અખ્તર, હૅલન, ટુનટુન, રમેશદેવ, રામમોહન, જગદિશરાજ, ગજાનન જાગીરદાર, ચાંદ ઉસ્માની, ચંદ્રશેખર, ચંદ્રિમા ભાદુરી, સપ્રૂ, અમરીશ પુરી, મૂલચંદ, તબસ્સુમ અને મનિષા.


બહુ નસીબદાર હો તો આવી આઉટરાઈટ કૉમેડી ફિલ્મ જોવા મળે... અને તે પણ સૅન્સિબલ કૉમેડી. હમણાંની કમ-સે-કમ બે ફિલ્મો જોઈને તો બાળકની જેમ ખડખડાટ અને ધૂમધામ હસ્યો છું - પૂરી ફિલ્મમાં. એ બન્ને વિનય પાઠકની ફિલ્મો છે, 'ભેજા ફ્રાય' (પહેલો જ પાર્ટ, બીજો બંડલ હતો!) અને બીજી મીસ વર્લ્ડ બની ચૂકેલી લારા દત્તા સાથેની 'ચલો દિલ્હી'. એવી જ ધૂંઆધાર કૉમેડી ફિલ્મો હતી, 'ફસ ગયે ઓબામા' અને 'તેરે બિન લાદેન'. મારા ઉપર જરીકે વિશ્વાસ હોય ને હસતા હવે ફાવી ગયું હોય તો આ ફિલ્મોની ડીવીડીઓ મંગાવીને જોઈ જ લેજો.

આજની ફિલ્મ ઓપી રલ્હનની 'હલચલ' એવી જ નમૂનેદાર કૉમેડી હતી. એનો નિર્માતા, દિગ્દર્શક અને આ ફિલ્મનો હીરો ઓપી રલ્હન બહુ ઊંચા ગજાંનો કૉમેડિયન હતો. રામ જાણે કેમ એણે પોતાની ફિલ્મો સિવાય ભાગ્યે જ ઍક્ટિંગ કરી છે. રાજેન્દ્રકુમારનો એ સગો સાળો થાય, માટે તો રલ્હન પ્રોડક્શન્સની ફિલ્મો 'ગહેરા દાગ' અને 'તલાશ'માં એને હીરો બનાવ્યો. એણે છેલ્લે છેલ્લે તો અમિતાભ બચ્ચનને લઈને 'બંધે હાથ' નામની ફ્લૉપ છતાં ખૂબ સરસ થ્રિલર પણ બનાવ્યું. મીના કુમારી અને ધર્મેન્દ્રવાળી સુપરહિટ ફિલ્મ 'ફૂલ ઔર પથ્થર' (જેના શૂટિંગ દરમ્યાન મીના-ધરમ પ્રેમમાં પડયા.) અને શર્મીલા-રાજેન્દ્રવાળી 'તલાશ' હિટ ફિલ્મો હતી.

'હલચલ' ઝીનત અમાન અને કબીર બેદીની પણ પહેલી ફિલ્મ હતી. ઝીનત સુપરસ્ટાર હીરોઈન બની ગઈ ને કબીર બેદી ઈન્ડિયાની ફિલ્મો પૂરતો ફ્લૉપ, પણ ઇટાલીમાં આજે ય એ સુપરસ્ટાર ગણાય છે. ત્યાં વર્ષો પહેલાં 'સૅન્ડોકન' નામની મીની-ટીવી સીરિયલ આવતી હતી, એનો એ હીરો. 'જૅમ્સ બૉન્ડ' (રૉજર મૂર)ની ફિલ્મ 'ઑક્ટોપુસી'માં ય કબીરે વિલનના બૉડી ગાર્ડ 'ગોવિંદા'નો અત્યંત ફાલતુ રોલ કર્યો હતો... જસ્ટ બીકૉઝ, જૅમ્સ બૉન્ડની ફિલ્મમાં કામ કરવા મળે, એમાં આખા વિશ્વમાં તમારું નામ થઈ જાય.

કબીરની લાઈફ સ્ટાઈલ જ ઈન્ડિયાને પોસાય એવી નહોતી. એ ચાર વાર પરણ્યો હતો. એની પહેલી પત્ની 'પ્રોતિમા બેદી' અત્યંત કાળી છતાં અત્યંત સૅક્સી ઓડિસી-ડાન્સર હતી. સૅક્સની બાબતે આ પતિ-પત્નીના વિચારો તોડફોડ કરાવી નાંખે એવા હતા. યાદ હોય તો જસ્ટ ફન ખાતર... પ્રોતિમા જુહુ બીચ પર સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં દોડી હતી... પ્રેસ ફોટોગ્રાફરોને સામેથી બોલાવી રાખીને! એના ઘેર પોસ્ટમેન આવ્યો, ત્યારે પણ એ સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં હતી, છતાં એ જ સ્થિતિમાં એ દરવાજો ખોલવા ગઈ, એ જોઈને પોસ્ટમૅન ભડકીને ભાગ્યો, પણ પ્રેસને આ વાત એણે ખુદ કરી હતી. એના પૂર્ણ વિકસિત સ્તનો લગભગ અડધા દેખાય, એવા બ્લાઉઝ પહેરીને તે પાર્ટીઓમાં કબીરની સાથે જતી અને પુરૂષો ગુટર ગુટર જોયે રાખતા, એ જોઈને કબીર સિવાય બધા તંગ અને દંગ થઈ જતા. એ વખતના મૅગેઝીન 'સ્ટારડસ્ટ'માં એક કૉલમ આવતી, 'કૉર્ટ માર્શલ', જેમાં કબીરને આ જ સવાલ પૂછાયો કે, 'પાર્ટીઓમાં તમારી પત્નીના છાતીના ભાગને લોકો એકીટસે જોયે રાખે છે, એથી તમે ખીજાતા નથી? તો કબીરે જવાબ આપ્યો હતો, ''એમાં ખીજાવાની વાત જ ક્યાં છે? 'બહારોં કો ભી નાઝ જીસ ફૂલ પર થા, વો હી ફૂલ હમને ચૂના ગુલસિતાં સે...' કહીને ખુશ થયો હતો કે, ''ભ'ઈ... જે સ્ત્રીને લોકો લાલચુભરી નજરે જુએ છે, એ મારી પત્ની છે... મારે તો રાજી થવું જોઈએ!''

આ કબીર-પ્રોતિમાએ ડિવૉર્સ લીધા એ પહેલાં, પૂજા બેદી અને સિધ્ધાર્થ નામના બે સંતાનો થયા. એ પછી પરવિન બાબી સાથે એ વગર લગ્ને વર્ષો સુધી રહ્યો. આ સિધ્ધાર્થ યુવાનીમાં જ Schizophrenia (ઉચ્ચાર 'સ્કિત્ઝોફ્રેનિયા')ના રોગનો શિકાર બનીને આપઘાત કરીને ૨૬-વર્ષની ઉંમરે ગૂજરી ગયો. સાદી ભાષામાં કહીએ તો એ ગાંડો થઈ ગયો હતો. એ પછી કબીર બ્રિટીશ મોડેલ સુઝાન હમ્ફ્રીઝ સાથે પરણ્યો, જેનાથી આદમ બેદી નામનો પુત્ર થયો. આદમ ઈન્ટરનેશનલ મૉડેલ છે અને હિંદી ફિલ્મ 'હૅલ્લો, કૌન હૈ?'માં એ ચમક્યો છે. એ પછી કબીર ટીવી અને રેડિયો જૉકી નિક્કી બેદીને પરણ્યો. સંતાન-ફંતાન ન થયું ને એમાંથી ય રસકસ ઊડી જતા એને ય ડાયવૉર્સ પધરાવી દઈને હાલમાં તે બ્રિટનમાં જન્મેલી પરવિન દુસાન્જ નામની સ્ત્રી સાથે ફરી એક વાર લિવ-ઈન રીલેશનશીપથી રહે છે...

(આ આખી વાત વાંચીને આપણામાંથી સહુએ સંયમ રાખવાનો છે. કબીર બેદીના જીવનમાંથી પ્રેરણા લઈને કોઈ તોફાન કરવાની કે રૅકોર્ડ-બૅકોર્ડ તોડવાની જરૂર નથી... કહેતા હો તો પંખો હું ચાલુ કરું...!)

સ્ટોરી કાંઈ ઝીનત અમાનની ય ખુશ થવા જેવી નથી. દેવ આનંદ પોતાની આત્મકથા Romancing with life માં ઉઘાડેછોગ કબુલી ચૂક્યો છે કે, હું ઝીનતના પાગલ પ્રેમમાં હતો. તાજ ઑબેરોયની ટેરેસ રેસ્ટરામાં હજી એ 'આઈ લવ યૂ' પ્રપોઝ જ કરવા જતો હતો, ને સામેથી આવતા રાજ કપૂરે તેને બોલાવી લીધી અને એજ ઘડીએ ઝીનતે કોઈ ડીસન્સી-બીસન્સી રાખ્યા વગર દેવ આનંદને છોડી દીધો ને 'સત્યમ, શિવમ, સુંદરમ' મેળવી લીધું. સત્ય જરા ય સુંદર નથી હોતું, એની રાજ કપૂર કરતા વધારે ખબર દેવ આનંદને પડી હશે!

સોનિયા સાહની કોમેડિયન આઈ.એસ. જોહરની કાયદેસરની પત્ની હતી (કયા નંબરની તે યાદ નથી!) ને એણે ય જોહર સાથે છુટાછેડા લઈને ગુજરાતના જ કોઈ મહારાજા સાથે પરણી છે.

'હલચલ'માં મદન પુરીની પત્ની બનતી અભિનેત્રી સરદાર અખ્તર છે, જેણે ૧૯૪૦-માં મેહબૂબખાને બનાવેલી ફિલ્મ 'ઔરત'માં એ રાધાનો રોલ કર્યો હતો, જે રાધા ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં નરગીસ બની હતી. સરદાર અખ્તર મેહબૂબખાનને પરણી અને ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં નાના સુનિલ દત્ત (બિરજૂ)નો રોલ કરનાર સાજીદખાનની સાવકી માં બની. સાજીદને મેહબૂબ ખાન કોક ઝૂંપડપટ્ટીમાંથી લઈ આવ્યા હતા. પણ ખુશી ખુશીથી મોટો કરીને અમેરિકા ભણવા ય સરદાર અખ્તરે મોકલ્યો.
'હલચલ'માં નોકરાણી બનતી મનિષાની આ પહેલી ફિલ્મ હતી. મનિષાને તમે રાજેશ ખન્નાની ફિલ્મ 'બાવર્ચી'માં જોઈ છે, જે જયા ભાદુરી સાથે નૃત્યમાં હરિફાઈ કરે છે, મનિષાનો નૃત્યગુરૂ પૅન્ટલ બને છે.

'હલચલ'ની તો વાર્તા જ કમ્માલની છે. ઓપી રલ્હન રેલ્વેના બ્રીજ નીચે કામ કરતો ફિટર છે. મોડી રાત્રે ત્યાં કામ કરતા, બ્રીજ પર બેઠેલા એક કપલની વાત એનાથી સંભળાઈ જાય છે કે, એ મહેશ જેટલી નામનો માણસ એની પત્નીનું ખૂન કરીને આ પ્રેમિકા સાથે પરણી જવા માંગે છે. નીચે બેઠેલો રલ્હન આ સાંભળી જાય છે ને ઉપર જઈને પીછો કરવા જતા પહેલાં પેલું કપલ નીકળી ચૂક્યું હોય છે. પોલીસને ખબર આપે તો પોલીસના લફરામાં ફસાવું પડે, એટલા માટે એને વિચાર એવો આવે છે કે, હું જ આ મહેશ જેટલીની વાઈફને ફોન કરીને જણાવી દઉં કે, તારો ગોરધન તારું ખૂન કરવા માંગે છે. ટેલિફોન-ડિરેક્ટરીમાં ત્રણ મહેશ જેટલીઓ નીકળવાથી રલ્હન મૂંઝાય છે, એટલે એ ત્રણ મહેશ જેટલીઓના ઘેર ફોન કરીને ત્રણેની વાઈફના ઘરમાં હલચલ મચાવી દે છે. એમાંનો પહેલો મહેશ જેટલી મદનપુરી એની આસિસ્ટન્ટ લૅડી ડૉક્ટર સાથે વધારે રહે છે, એમાં રલ્હનનો ફોન આવવાથી એની પત્ની સરદાર અખ્તરના મનમાં ઠસી જાય છે કે, મને લંગડીને સાજી કરવાના બહાને મારો વર મને ઝેરનું ઈન્જૅક્શન આપીને મારી નાંખશે. બીજો મહેશ જેટલી પ્રેમ ચોપરા છે. પ્રેમ ચોપરા ફેશન મૉડેલનો સ્ટુડિયો ચલાવે છે ને ઝીનત અમાનને મોડલ બનાવવા માંગે છે. જેની સુંદર અને સુશીલ પત્ની (અંજલી કદમ)ને પણ શંકા છે કે, ઝીનતના પ્રેમને ખાતર આ મને મારી નાંખશે. જ્યારે ત્રીજો મહેશ જેટલી કબીર બેદી છે, એ ફિલ્મ ઍક્ટ્રેસ સોનિયા સાહનીને પરણ્યો છે અને શંકા છે કે, સોનિયા એની ફિલ્મના ડાયરેક્ટર રમેશ દેવ સાથે સંબંધમાં છે. સોનિયાના મનમાં રલ્હને ઠસાવેલું છે જ કે, કબીર તારૂં ખૂન કરવાનો છે, એટલે એના ઘરમાં ય હલચલ મચી છે... પણ બીજાનું ભલું કરવા જતા ખુદ રલ્હનના પોતાના ઘરમાં મોટી હલચલ મચી છે. એને નાનપણથી ક્રિશ્ચિયન ટુનટુને ઉછેર્યો છે અને પોતાની દીકરી હેલન સાથે એના લગ્ન નક્કી થયા છે. ટુનટુન માનતી નથી, એટલે રલ્હનને ભૂત-ફૂત વળગ્યું છે, એમ માનીને ભૂવાઓને બોલાવે છે. છેવટે હૅલન અને રલ્હન ભેગા મળીને આ ત્રણમાંથી પત્નીનું ખૂન કરવા માંગતો મહેશ જેટલી કોણ છે, એ શોધી કાઢવાના પ્લૉટ ઘડે છે, જે મુજબ એ ત્રણેની જાસુસી કરીને, પોતાની પત્નીને સાચો પ્રેમ કોણ કરે છે, એ શોધી કાઢવા ત્રણે સાચો પ્રેમ કરનારા સાબિત થાય છે, પણ કબીર બેદીને શંકા જતા, એ રૂ. પાંચ હજારમાં સોનિયાનું ખૂન કરવા કામચલાઉ ગુંડા બનેલા રલ્હનને કામ સોંપે છે...
બસ. આગળની વાર્તા સ્પૉઈલરમાં આવતી હોવાથી, ફિલ્મ તમે જોવાના હો તો રસભંગ ન થાય, માટે અહીં અટકીએ.

યસ. આ ફિલ્મમાં મદન પુરી પણ છે. ખૂબ સારો ઍક્ટર. બહુ વર્ષો પહેલાં મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયાથી મોટરબોટમાં અમે ઍલિફન્ટા ગૂફાઓ જોવા જતા હતા, ત્યારે બૉટમાં અમારી સાથે મદન પુરી અને અનિલ ધવનની પત્ની રશ્મિ પણ હતી. એ લોકો 'એક નારી, દો રૂપ'નું શૂટિંગ કરવા જતા હતા. રશ્મિ આપણી ગુજરાતી વૅમ્પ બિંદુની બહેન થાય. મદન પુરી સાથે ઘણી વાતો કરવાનો મોકો પણ મળ્યો. આ ફિલ્મમાં એના નાના ભાઈ (ત્રીજો ભાઈ ચમનપુરી) અમરીશ પુરીને પણ કરિયરની શરૂઆત છતાં ઘણો મોટો રોલ મળ્યો છે, સરકારી વકીલનો. સહુને ખબર છે કે, અમરીશ પુરીને પહેલો ચાન્સ દેવ આનંદે એની ફિલ્મ 'પ્રેમ પુજારી'માં આપ્યો હતો.

ફિલ્મમાં ગીત-બીત કાંઈ નથી, પણ રાહુલદેવ બર્મનની કમાલો એક ડાન્સમાં જોવા મળે છે. માત્ર ભારતના તમામ રાજ્યો નહિ, વિશ્વના તમામ દેશોના ડાન્સીઝની ઝલક આપતા એક ડાન્સમાં બર્મન પૂરજોશથી ઝળક્યા છે. આર.ડી.એ. ફિલ્મનું ફક્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ આપ્યું છે, પણ મારી જેમ દેવ આનંદની ફિલ્મ 'જ્વૅલ થીફ' ૧૫-૨૦ વખત જોઈ નાંખનારાઓને તરત ખ્યાલ આવી જશે કે, એના ટાઈટલ મ્યુઝિકના ઘણા ટુકડા આખી ફિલ્મ 'હલચલ'માં એણે રીપિટ કર્યા છે. (આખી ફિલ્મમાં ગીત નથી, પણ આર.ડી. પોતે અને આશા ભોંસલે ફિલ્મના ટાઈટલ્સ અને વચ્ચે વચ્ચે માત્ર ''હલ... ચલ'' ગાયે રાખે છે. આ સિવાય કોઈ શબ્દ નથી, એટલે સવાલ થાય છ કે, આટલું ''હલ...ચલ'' લખનારના ગીતકાર કોણ હશે...? તમને ખબર પડે તો જણાવશો.)

ફિલ્મમાં bloopers તો ઘણી નીકળે એમ છે. bloopers એટલે ભૂલો. વિશ્વભરના ઈંગ્લિશ ફિલ્મોના શોખિનો ફિલ્મ રીલિઝ થાય પછી નૅટ ઉપર આવી bloopers લખી મોકલે કે, શૉન કૉનેરી ટેબલ પર બેઠો છે, ત્યારે વ્હિસ્કીનો ગ્લાસ ફૂલ ભરેલો છે ને બીજી જ પળે ફરીથી શૉનને બતાવાય છે, ત્યારે ગ્લાસ અડધો ખાલી થઈ ગયો છે... બ્રુસ વિલિસ ગાડીમાંથી ઉતરે છે, ત્યારે સામેની ફૂટપાથ ઉપર બીજી એક કાર ઊભી હોય છે એ જ ક્ષણે એ કારનો દરવાજો બંધ કરીને બહાર ઉતરતો બતાવાય છે, ત્યારે પેલી ગાડી ગૂમ થઈ જાય છે.

એમ આ ફિલ્મ 'હલચલ'માં મદન પુરીથી ડરીને એની પત્ની બંગલાની બત્તીઓ બુઝાવી દે છે, જેને શોધવા મદન ટૉર્ચ કાઢે છે, તો સ્વિચ કેમ ચાલુ કરતો નથી? ફ્યૂઝ થોડો ઊડી ગયો છે?

ગળી કલરનું રલ્હનને ઓબ્સેશન હોવું જોઈએ. દરેક પાત્ર પાસે એક એક વખત તો ગળી કલરના કપડાં પહેરાવ્યા છે. જરા હસી પડો કે, તદ્દન ગળી કલરના પાટલૂનમાં રમેશ દેવ કેવો લાગતો હશે?

બસ. ત્રણ કલાક ખડખડાટ હસવું હોય તો આ સિચ્યૂએશન કૉમેડી જોવાનું ચૂકતા નહિ.

('ગૂંજ ઉઠી શેહનાઈ' અમદાવાદની નૉવેલ્ટી સિનેમામાં નહિ, કૃષ્ણમાં આવ્યું હતું, એ તરફ અનેક વાચકોએ ધ્યાન દોર્યું છે. આટલી ઝીણવટથી આ કૉલમ વાંચનારાઓનો આભારી છું.) 

27/03/2013

સોળ વર્ષે સૅક્સ ???....કૅન્સલ...કૅન્સલ !

રાત્રે ઘનઘોર ૧૧ વાગ્યા છે. ફલૅટના ટૅરેસ પર નાનકડો લેલુ હાથમાં ગુલાબના ફૂલ સાથે મીન્ટીની રાહ જોઈ રહ્યો છે. બાજુના બ્લૉકની પાળી કૂદીને મીન્ટી આવી. થોડા હતાશ થયેલા લેલુએ ગુલાબનું ફૂલ મીન્ટીના હાથમાં થમાવતા કહ્યું, ''સૉરી જાને જાં... આજે કાંઈ થઈ નહિ શકે... હું આવતી કાલે વહેલી સવારે સોળ વર્ષનો થઈશ... કાયદો આજે આપણને રોકે છે... આજે મારાથી કાંઈ થઈ નહિ શકે... હો સકે તો મુઝે ભૂલ જાના... કલ તક !''

એક જ રાતમાં બન્નેના સપના ચોળાઈ ગયા. કલતલ/બલતક વાળી વાત તો દૂર રહી... હવે આ બન્ને ભૂલકાંઓને સરકારી ધારાધોરણો મુજબ બીજા બે વર્ષ રાહ જોવી પડશે. સૅક્સની ઉંમર ૧૬-ની થવાની હતી, તેને બદલે પાછી હતી એની એ-૧૮ ની કરી નાંખવામાં આવી...! બાપાનું રાજ ચાલે છે...!!

રાષ્ટ્રીય કક્ષાએ સવાલ એ ઊભો થાય છે કે, બે-ચાર દિવસ તો બે-ચાર દિવસ, ઉંમર ૧૬-ની તો થઈ ગઈ હતી, એમાં એ વખતે માંડ ૧૬-ની ઉંમરે પહોંચેલા નિર્દોષ ભૂલકાંઓ ૧૮-ના થવાની રાહ જોઈને બેઠા હોય ને વચ્ચેના આ બે દિવસમાં એ લોકોએ તાતાથૈયા કરી લીધા હોય તો એ ગૂન્હો ગણાશે કે નહિ ? અથવા, જે થઈ ગયું છે, એ કાંઈ ભૂસાવાનું છે ? કાયદાની આવી અદલબદલથી નાના ભૂલકાંઓ ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે...? આ તો એક વાત થાય છે...!

કહે છે કે, ૧૬ અને ૧૮ની આ અદલાબદલીના પ્રત્યાઘાતો નાના ભૂલકાં કરતા એમના ફાધર-મધરો ઉપર બહુ બુરા પડયા છે. ૧૮-પછી ગમ્મે તે કરી આવે... હૂં કૅર્સ...? પણ ૧૬-થી ૧૮-ની વચ્ચે દીકરી કાંઈ ગરબડ કરી આવી, તો મોટી થઈને એને પરણશે કોણ ? ૧૮ પછીનું તો બધા સમજતા હોય કે, છોકરાઓ અત્યારે નહિ શીખે, તો પછી ક્યારે શીખશે ? આ એના ડોહા પંચાવનના થયા તો ય ''પેલી'' સ્માર્ટનૅસ સહેજ બી નહિ. માં-બાપો ય છોકરાંવને કાંઈ શીખવાડી-બીખવાડીને નહિ મોકલતા હોય ? અમે તો લગ્ન કર્યા છે કે તાલીમશાળા ખોલી છે ? કોઈ પંખો ચાલુ કરો.

સરકારમાં ય બુધ્ધિના લઠ્ઠા ભેગા થયા છે ને ? અત્યાર સુધી ઘર તો બહુ દૂરની વાત છે, ક્યાંય કોઈ સારા ઘરના માણસો 'સૅક્સ' શબ્દ પણ બોલી શકતા નહોતા. સ્પૅલિંગ તો આવડતો હોય, પણ આવડતું હોય એ બધું કાંઈ જાહેરમાં થોડું કરી બતાવાય છે ?

મને યાદ છે, '૬૯ની સાલમાં મારી સગાઈ થઈ, ત્યારે મારી ફિયૉન્સેને અમદાવાદના એસ.ટી. બસ સ્ટેશને મૂકવા મારા ફાધર-મધર સાથે હતા. એ બસમાં બેઠી ને બસ ઉપડવાની થઈ, ત્યારે આંખમાં બસના ટાયર જેવડા આંસુઓ સાથે એણે બસની બારીમાંથી હાથ બહાર કાઢી મારી સાથે હાથ મિલાવ્યો. ભ', જમાનો એવો હતો એટલે બસ ઉપડી ગયા પછી ફાધર-મધરે મારો સખ્ત ઉધડો લીધો, ''કાંઈ લાજશરમ જેવું બચ્યું છે કે નહિ ? બધાના દેખતા તેં એનો હાથ પકડયો ? હજી તમારા લગ્ન નથી થઈ ગયા, સમજ્યા...?''

મારી ઉંમર એ વખતે ગણીને પૂરી સત્તર વર્ષની એટલે ઈવન, આજના કાયદા પ્રમાણે પણ ફાધર-મધરની વાત સાચી હતી. અલબત્ત, સરકારી ધોરણો મુજબનું એ કાંઈ સૅક્સ નહોતું. અમે તો કેવળ હાથ મિલાવ્યા હતા. આજે તો યુવાન બાળકોની હાલત કફોડી એ થઈ ગઈ છે કે, ઉંમર ૧૮-ની થઈ ગઈ, એટલે ગમે ત્યાંથી શોધીને સૅક્સ તો માણવું પડે. નહિ તો એવા કોરાધાકોડ છોકરાને આ જમાનામાં કોઈ કન્યા ય ન આપે. યાદ હોય તો લગ્નવિષયક દરેક ટચુકડી જા.ખ.માં એક લાઈન ભૂલ્યા વગર લખી હોય છે, ''અનુભવીને પ્રથમ પસંદગી''.

અમારો તો એ લાજશરમનો જમાનો હતો, એટલે મારા લગ્નની મધુરજની વખતે ય, પહેલું ચુંબન મોકૂફ રાખ્યું હતું. સાપુતારાના એ હનીમૂન વખતે, બીક એ હતી કે, 'આ બહેન ઉપર મારા કૅરેક્ટર વિશે કેવી છાપ પડશે ?' મને યાદ છે, 'નટરાજ' ટૉકીઝમાં અમે બન્ને ફિલ્મ 'નયા જમાના' જોવા ગયા ત્યારે ઈચ્છાઓ તો લોખંડના લાલઘુમ થઈ ગયેલા સળીયા જેવી લાલચોળ હતી, કે ભૂલ ભૂલમાં એના હાથને અડાઈ જવાયું છે, એવું નાટક કરીને, એના હાથ ઉપર મારો હાથ મૂકી દઉં. પેલી બાજુ ધર્મેન્દ્ર બેફામ અને નફ્ફટ બનીને બહેન હેમા માલિનીને ગમે ત્યાંથી પકડતો હતો. પણ આપણાથી કાંઈ ફિલ્મસ્ટારો જેવા છાકટા થવાય છે...? સાહેબ, ના અડયો તે ના જ અડયો ! આખરે સંસ્કાર નામની બી કોઈ ચીજ છે...! અને એ સંસ્કારને કારણે જ અમારે પહેલું સંતાન ત્રણ વર્ષ મોડું આવ્યું. કહેવાનું તાત્પર્ય એ કે, સરકાર ભલે સૅક્સની ઉંમર પાછી ૧૮-ની કરે... અમારા જેવાને તો આજે ૬૨-ની ઉંમરે પણ સરકારના આદેશોને માન આપતા હત્તર વખત વિચાર કરવો પડે છે... કોઈ પંખો ચાલુ કરો હવે !

મને ખબર બધી પડે છે કે, તમે લોકો બોલો નહિ, પણ મારી એ ઉંમરમાંથી તમે લોકો ય પસાર થઈ ચૂક્યા છો અને તમે પણ મારા જેટલા જ સરકારી આદેશોનું પાલન કરનારા હોનહાર નાગરિકો હતા... હવે પંખો બંધ કરો ! ભલેને હિસ્ટરી એ વખતની હતી પણ ઘરના છોકરાઓને રાત્રે ડિનર પછી બધું માંડીને કાંઈ કહેવા બેસાય છે કે, ''અમારા જમાનામાં તો હનીમૂનની પહેલી રાત્રે નવવધુ ઠેઠ હવાર સુધી ઘુંઘટે ય ઊંચો ન કરવા દે. કારણ એટલું કે, હૉટેલમાં વ્યવસ્થા બધી કરી હોય... ફક્ત ઑડોમોસ ક્રીમ લાવવાનું ભૂલી ગયા હોઈએ... પણ...? એ જમાનો તો કાંઈ ઓર જ હતો. મને ખબર છે, પહેલી વખત એનો ઘુંઘટ ખોલ્યો, ત્યારે... હાળી કાંદા-લસણ ખઈને બેઠી હતી...!''

આજે હાલત ઊલટી છે. આજે તો હનીમૂનમાં તાલીમ અને પ્રૅક્ટિસ વગર આવેલી કન્યા 'દેસી' ગણાય છે. એ તો સરકાર ઠોકાઠોક કરે કે, સૅક્સની ઉંમર ૧૮-વર્ષની હોવી જોઈએ...! ઊ...ફ્ફો... અમને તો તમે બે દહાડા માટે સૅક્સની ઉંમર ૧૬-ની કરી નાખી, એમાંય હસવું આવતું હતું કે, સરકાર ત્રણ-ચાર વર્ષ મોડી પડી ! છોકરા-છોકરીઓ તો ૧૨-૧૩ની ઉંમરે પુખ્ત થઈ જાય છે.

આપણી કોંગ્રેસ સરકારમાં બે કરતા વધારે ગાંડા છે. એવો તો કયો ચાંદ મળી જવાનો હતો કે, આવો બફાટ કરવો પડયો ? આ તૂત ઊભું કરવાની ય ક્યાં જરૂર હતી ? દેશના બાળકો વાવટા લઈને પાર્લામૅન્ટ ગયા'તા કે, અમને ૧૬-મે વર્ષે જીવન શરૂ કરવા દો... નહિ તો અમે ૧૮-ના થઈશું જ નહિ ! ૧૬-વર્ષની ઉંમરે લગ્ન ન કરાય પણ સૅક્સનો વાંધો નહિ ? તારી ભલી થાય ચમના... આ વિષયની ચર્ચાને રાષ્ટ્રવ્યાપી બનાવાય જ નહિ !

ઈટ્સ ઓકે કે, એમને ૧૬-વર્ષનો વિચાર આવ્યો, તો એની પાછળ કોઈ કારણ હશે, પણ તો પછી બે જ દિવસ વિચાર ફેરવી કેમ તોળ્યો ? સમજદારી એમાં હતી કે, બાળક જન્મે ત્યારથી સૅક્સની છુટ આપવા જેવી હતી, કારણ કે દુનિયાભરનું બાળક જન્મતી વખતે કોરૂંધાકોડ હોય છે. શક્ય છે, બાજુના ખાટલા પર જન્મેલી બાળકીનું ધ્યાન ખેંચાય, તો ૧૬-વર્ષવાળી મર્યાદા ય ન નડે ! તમારી સરકાર દુનિયાભરમાં ઝંડો ફરકાવીને વટ મારી શકે કે, અમારા દેશમાં તો બાળકને જન્મતાની સાથે સૅક્સની છુટ આપવામાં આવે છે... હઓ !

યસ. અભિયાન ૧૬-વર્ષની ઉંમરે સૅક્સની જાણકારીનું ફરજીયાત શિક્ષણ ચલાવ્યું હોત તો વાત વ્યાજબી સાબિત થાત. ૧૬ કે ૧૮ તો જાવા દિયો... ૨૫-ની આસપાસ પરણનારાઓને વૈજ્ઞાનિક સૅક્સનું નૉલેજ કેટલું હોય છે ? કેટલા શૈક્ષણિક સમજ આપતા પુસ્તકો વાંચી લીધા પછી હનીમૂન પર જાય છે ? નથી વાંચતા, એમાંના અડધા ત્યાં ગયા પછી ભોંઠા પડે છે. લૅજીટિમૅટ-સૅક્સ એટલે કે મર્યાદાઓનો ભંગ ન કરે તેવા સૅક્સને પણ આપણા સાહિત્યકારો, શિક્ષકો કે સાધુ-સંતોએ આભડછેટવાળું બનાવી દીધું છે કે, એની કોઈ ચર્ચા જ ન થાય... ભલે લગ્ન પહેલા એ જાણવું નિહાયત જરૂરી હોય ! 

સિક્સર
''મને ડાબી બાજુ નાકાવાળો કપ નહિ ફાવે...'' એટલું સાંભળીને ટૅન્શનમાં આવી ગયેલા બહેનજી કિચનમાં એવો કપ લેવા ગયા...!

24/03/2013

એનકાઉન્ટર - 24-03-2013

૧. લગ્ન વખતે વરને 'રાજા' ગણવામાં આવે છે, પણ બાકીની જીંદગીનું શું ?
- બાકીની જીંદગીમાં પણ એ રાજા જ છે, એવું સાબિત કરવાની મર્દાનગી એનામાં હોવી જોઈએ.
(અર્જુન ઉપાધ્યાય, અમદાવાદ)

૨. સારા માણસની કદર થતી નથી, તો શું સારા માણસ બનીને જીવવામાં નુકસાન છે ?
- નુકસાન થાય એટલે માણસ સારો ગણાય ખરો ? રહી વાત કદરની ? તો એમાં તો ખૂબ મોટી જરૂરત પડે ત્યારે સારો એકે ય માણસ મદદમાં આવતો નથી. ખરાબ માણસ ક્યારેક તો મોટી મદદમાં આવી જાય.
(પ્રદીપ રૂપારેલ, વડોદરા)

૩. તમારી કૉલમોના વાચકો માટે શું અભિપ્રાય છે ?
- ૪૦- વર્ષથી દર બુધવારે (અને હવે શુક્ર અને રવિવારે પણ) તમારા બધાની પાસે સાબિત થતા રહેવું પડે છે કે, મારા લેખો વાંચતા રહેવાનો તમારો નિર્ણય સાચો છે. વાચકોને ૩૦- લેખો ખૂબ ગમ્યા હોય ને વચમાં એકાદો ન ગમે તો સહન નથી કરતા.
(પૂર્વી ડી. શાહ, સુરત)

૪. ગાંધીજીએ કહ્યું હતું કે, કોઈ તમારા એક ગાલ પર લાફો મારે, તો બીજો ગાલ ધરી દેજો.. પણ એ બીજા ગાલે ય મારે તો ?
- અશોકજી એમ કહે છે કે, પરમેશ્વરે એને પણ બે ગાલ આપ્યા છે...!
(ઈસ્માઈલ કાચવાલા, વિરાર)

૫. ચોરલોકો ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં છે... જાયે તો જાયે કહાં...?
- આપણી પ્રજાએ ઓછા નાલાયકને હંમેશા પસંદ કરવો પડયો છે.
(ડૉ. અબ્દુલગની મેહસાણીયા, સુરત)

૬. આવતી ચૂંટણી પછી ડૉ. મનમોહનસિંઘ ફરીથી વડાપ્રધાન બને તો દેશની પ્રજાને શું કહેવું ?
- આપણા રાષ્ટ્રીય-ભાણાભ'ઈને તમારે અંબાજી-બેચરાજી મોકલવા છે ?
(ભરત આર. મેહતા, રાજકોટ)

૭. બમ્પ અને બ્રેક વચ્ચે શું તફાવત ?
- એક મ્યુનિ.અધિકારીઓના ખિસ્સા ભરી આપે છે અને બીજો ડોક્ટરોના !
(સલમાબાનુ મણિયાર, વિરમગામ)

૮. તમારો ફોટો છાપામાં જોયો. હજી આ ઉંમરે પણ તમે સરસ દેખાવ છો, એમાં કમાલ તમારા ચેહરાની છે કે ફોટોગ્રાફરની ?
- 'હમ જાનતે હૈં તસ્વીર-એ-હકીકત લેકીન, દિલ કો બેહલાને કે લિયે 'અશોક', યે ખયાલ અચ્છા હૈ...'
(અઝીઝ એચ. ટાંક, જૂનાગઢ)

૯. રોજ બે-ચાર કૌભાંડ, રોજ ગૅન્ગરૅપ ને રોજ આત્મહત્યા, છતાં 'મેરા ભારત મહાન ?'
- ભારત આજે પણ મારા-તમારા જેવા દેશભક્તોથી મહાન જ છે... નાલાયકોને હીરો જેવું ફૂટેજ ટીવી-મીડિયાવાળા આપીને હીરો બનાવે છે.
(યુનુસ ટી. મર્ચન્ટ, મુંબઈ)

૧૦. શું નરેન્દ્ર મોદી દેશનું ભલું કરી શકે, એટલા સમર્થ છે ખરા ?
- એમને બાજુ પર મૂકો અને હવે કહો... એમના પછી બીજો, ચોથો કે ચાલીસમો કોઈ લાયક માણસ લાગે છે ખરો ?
(રંજન પરમાર, વિડજ-કડી)

૧૧. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસની મોડેલ તુલિકા પટેલે 'દિશા અને દશા, બદલાવવાની ડીંગો મારી હતી, તેનું શું થયું ?'
- નહિ. એમનું સ્લોગન સ્માર્ટ અને સાહિત્યિક હતું. એ સંભવ છે કે, મનથી તેઓ રાજકારણી ન હોય !
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

૧૨. 'ઍનકાઉન્ટર'ના જવાબો વાચકના જીવનમાં કેવો ભાગ ભજવતા હશે ?
- મને બીજી તો ખબર નથી, પણ વાચકો લખે છે કે, એક વાર એમનું નામ 'ગુજરાત સમાચાર'માં છપાય, એટલે સગાવહાલા ને યારદોસ્તોમાં તોતિંગ પબ્લિસિટી મળે છે. યસ. તમારૂ નામ ૭૫- લાખ વાચકો સુધી જાય છે.
(જયેશ કે. સંપટ, મુંબઈ)

૧૩. હંમેશા છોકરો જ છોકરી જોવા એના ઘરે કેમ જાય છે ?
- છોકરો 'છોકરો' છે કે નહિ, એની છોકરીને ઝટ ખબર પડતી નથી.
(અંજના બી. મોદી, અમદાવાદ)

૧૪. જમીનની અછતને કારણે કહે છે કે હવે તરતી કબરો તૈયાર થશે... સુઉં કિયો છો ?
- મેં તો જો કે મરવાનું જ માંડી વાળ્યું છે, એટલે મને લાગુ પડતું નથી.
(રમેશ સુતરિયા 'ટ્રોવા', મુંબઈ)

૧૫. વેદો-પુરાણોમાં અનેક વિદ્વાન બ્રાહ્મણોનો ઉલ્લેખ થયો છે. આપના મતે આજ સુધીનો સર્વોચ્ચ વિદ્વાન બ્રાહ્મણ કોણ ?
- દોસ્ત નીલુ... દોસ્તીમાં મારા માટે આટલો બધો પ્રેમ ઉભરાવી ન નંખાય... બા ખીજાય !
(નીલકંઠ વજીફદાર, વલસાડ)

૧૬. સોનું મોટા આંકડા પાર કરી જાય, એનું કાંઈ નહિ... ને બસ્સો-ત્રણ સો ઘટે, એટલે 'ગાબડું' કેમ કહે છે ?
- જેના ઘરમાં બસ્સો ગ્રામ પિત્તળે ય નથી, એને તમે આ સવાલ પૂછી રહ્યા છો...!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૧૭. છાપાઓમાં મૃત્યુનોંધ મૂકાય છે... જન્મનોંધ કેમ નહિ ?
- બન્ને નકામા છે... આવી નોંધો નથી મૃત્યુ પામનાર વાંચી શકતો, નથી જન્મ લેનારો...!... અને જે વાંચે છે, એને બેમાંથી એકે ય માં રસ નથી.
(હિતેશ દેસાઈ, તલીયારા-અમલસાડ)

૧૮. સચિનની નિવૃત્તિ પછી ટીમ ઈન્ડિયાનું શું થશે ?
- એમ પૂછો કે, વર્લ્ડ ક્રિકેટનું શું થશે ?
(જગદિશ ગુંદીગરા, ભાવનગર)

૧૯. તમને ટીવી સીરિયલમાં ચાન્સ મળે તો રોલ કરો ?
- યૂ મીન... સીરિયલો હવે એટલી બધી ખરાબ આવવા માંડી છે ?
(નિતાંશ શાહ, મુંબઈ) અને (પ્રફૂલ બી. કોઠારી, જૂનાગઢ)

૨૦. ચૂંટણી હારેલાં નેતાઓ આજકાલ શું કરે છે ?
- બીજીવાર હારવાની તૈયારીઓ !
(દેવાંગ કબુતરવાળા, સુરત)

૨૧. સારા કામમાં સો વિઘ્નો આવે. અમારો વિચાર સો વિઘ્નો પૂરા થાય પછી સારૂ કામ કરવાનો છે. પણ આ સો વિઘ્નો ગણવા કઈ રીતે ?
- ૧, ૨, ૩, ૪... એમ ગણતા ગણતા ૧૦૦-એ પહોંચાય.
(જયંતિ છીછીયા, રાજકોટ)

૨૨. હાસ્યલેખકોને કઈ નિશાનીથી ઓળખી શકાય ?
- અમે બધા દેખાવમાં હાસ્યાસ્પદ લાગીએ છીએ.
( ડી.કે. માંડવીયા, પોરબંદર)

૨૩. 'બૉબી'માં સાથે કામ કર્યા પછી આજે ઋષિ કપૂર બહુ જાડો થઈ ગયો છે, પણ ડિમ્પલ કાપડીયાએ હજી સુધી જાળવી રાખ્યું છે... અભિનંદન.
- બન્ને પોતપોતાને ઘરે જમે છે, એટલે 'યે તો હોના હી થા...!'
(સુધીર ભટ્ટ, ભાવનગર)

૨૪. સોક્રેટીસના જીવનમાંથી શીખવા જેવું શું મળે ?
- એ જ કે, ન હોય ત્યાંથી વાઈફ કકળાટીયણ ઉપાડી લાવવી...!
(પિયુષ પી. પટેલ, કલોલ)

22/03/2013

'ઝીદ્દી' ('૪૮)

ફિલ્મ : 'ઝીદ્દી' ('૪૮)
નિર્માતા : બૉમ્બે ટૉકીઝ
દિગ્દર્શક : શાહિદ લતીફ
સંગીતકાર : ખેમચંદ પ્રકાશ
ગીતકારો : પ્રેમ ધવન, નખ્શબ, રાજા મેંહદી, પ્રો. જઝબી
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ
કલાકારો : દેવ આનંદ, કામિની કૌશલ, પ્રાણ, પ્રતિમાદેવી, નવાબ, વીરા, કુલદીપ કૌર, શિવરાજ અને પરવિણ પોલ.

ગીતો :

૧. એક બાત કહું તુમ સે, બુરા તો ન માનોગે – ગાયિકાનું નામ મળેલ નથી.
૨. જાદુ કર ગયે કિસી કે નૈના કિ મન મોરે બસ મેં નહિ – લતા મંગેશકર
૩. યે કૌન આયા યે કર કે યે સોલહ સિંગાર – કિશોર-લતા
૪. રૂઠ ગયે મોસે શ્યામ સખી રી, ચૈન મૈં કૈસે પાઉં – લતા-બીજી ગાયિકા
૫. ચંદા રે જા રે જા રે, પિયા સે સંદેસા મોરા કહીયો જાય – લતા મંગેશકર
૬. તુઝે ઓ બેવફા હમ જીંદગી કા આસરા સમઝે – લતા મંગેશકર 
૭. ચલી પિ કો મિલન, બન ઠન કે દુલ્હન – શમશાદ બેગમ 
૮. અબ કૌન સહારા હૈ, જબ તેરા સહારા છુટ ગયા – લતા મંગેશકર 
૯. મરને કી દુઆએં ક્યું માંગુ, જીને કી હસરત કૌન કરે – કિશોરકુમારકોઈ માની શકે? છોકરું ય જાણે છે કે, કિશોરકુમાર પાસે એની કેરિયરનું સર્વપ્રથમ ગીત ગવડાવનાર સંગીતકાર હતા ખેમચંદ પ્રકાશ અને ફિલ્મ હતી દેવ આનંદ, કામિની કૌશલ અને પ્રાણની 'ઝીદ્દી' અને છતાંય ફિલ્મના પૂરા ટાઈટલ્સમાં સંગીતકાર તરીકે ખેમચંદ પ્રકાશનું નહિ. અનિલ બિશ્વાસનું! આવી ભૂલ આપણી કોલમમાં કે બીજા કોઈ માન્ય મેગેઝિનમાં છપાઈ હોત, તો ચલો માફ કરી દઈએ, પણ આ તો ફિલ્મના ટાઈટલ્સમાં?

તો પછી કોઈ રમત રમાઈ હોવી જોઈએ. નામ ખેમચંદને ઉડાડયા... ચલો માફ, પણ કોઈ લેવાદેવા વગરના અનિલ બિશ્વાસનું નામ આવે જ કેવી રીતે?

ખેમચંદ પ્રકાશ માટે અન્યાયો સહન કરવાની રસમ પડી ગઈ હતી. સાયગલ સાહેબ પાસે કેવા ઉચ્ચ કોટિના ગીતો ગવડાવ્યા છે? લતાનું 'આયેગા, આયેગા, આયેગા' અને 'મુશ્કિલ હૈ બહોત મુશ્કિલ, ચાહત કા ભૂલા દેના' જેવા મધુરા ગીતો ફિલ્મ 'મહલ'માં આ બાપુએ બનાવ્યા હતા. આજ સુધી ચાલે એવા રસમધુર ગીતો આખી ફિલ્મના બનાવ્યા એમાં સંગીતની સાથે ફિલ્મ પણ સુપરહિટ થઈ. આટલા વર્ષોની મેહનત પછી પહેલીવાર આવી તોતિંગ સફળતા મળી, ત્યારે ખેમચંદ પ્રકાશ મુંબઈની કોઈ સામાન્ય હોસ્પિટલમાં સમજો ને, ઓલમોસ્ટ ભિખારીની અવસ્થામાં છેલ્લા શ્વાસો લઈ રહ્યા હતા. 'આશા' નામની કોઈ નર્સે એ મર્યા (૧૦ ઓગસ્ટ, ૧૯૫૦) ત્યાં સુધી દીકરી જેવી સેવા કરી ન હોત તો આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો કોઈ ખબર પૂછવા ય આવનારું નહોતું. આપણા જેવા '૫૦ની પહેલાના ય સંગીત શોખિનોને ખેમચંદના એ અમર ગીતો યાદ હોય જ ને? સાયગલ સાહેબની ફિલ્મ 'તાનસેન'નું 'દિયા જલાઓ, જગમગ જગમગ...', 'રિમઝીમ રિમઝીમ ચાલ તિહારી...', 'સપ્ત સુરન તીન ગ્રામ ગાઓ સબ ગુણીજન...', 'મોરે બાલાપન કે સાથી...' તદ્ઉપરાંત, ખુદ જી. એમ. દુરાનીની દીકરીએ આ કોલમના લખનારને કહ્યું હતું કે, 'પાપાએ ગાયેલા સર્વોત્તમ ગીતોમાં નૂરજહાં સાથેનું 'હાથ સીને પે જો રખ દો, તો કરાર આ જાયે...'

અરે, એ બધું બાદ કરી દો ને એટલું જ યાદ કરો કે, હિંદી ફિલ્મોના અલભ્ય ગાયક કિશોરકુમાર પાસે પહેલું ગીત 'મરને કી દુઆએં ક્યું માંગુ...' તેમ જ લતા-કિશોરનું સૌથી પહેલું ડયુએટ 'યે કૌન આયા યે કર કે યે સોલહ સિંગાર કર કે...' અને લતા મંગેશકરના પગ ધોઈને પીવા જોઈએ, એવું બેમિસાલ ગીત, 'ચંદા રે, જા રે જા રે, પિયા સે સંદેશા મોરા કહીયો જાય...' પણ આપણને ભેટ આપનારા ખેમચંદ પ્રકાશ હતા.

...ને આવી લૅન્ડમાર્ક ફિલ્મમાં પણ સંગીતકાર તરીકે એમનું નામ ઉડાડીને અનિલ બિશ્વાસનું ચોંટાડી દેવું, એ ક્યાંનો ન્યાય છે?

યસ. ફિલ્મની વાર્તા ઈસ્મત ચુગતાઈ જેવી સાહિત્યિક લેખિકાએ લખી અને દિગ્દર્શિત કરી એમના પતિ શાહિદ લતિફે, એટલે ફિલ્મ તો સારી જ બની છે. ઇસ્મત ચુગતાઈ એ જમાનાની (૧૯૩૦-'૪૦) મુસ્લિમ ક્રાંતિકારી સ્ત્રી હતી, જેમને મુસ્લિમ સ્ત્રીઓના સ્વમાન માટે ઘણા મોટા બંડ પોકારવાની જુર્રત કરી હતી. ઇસ્મત ભારત પાકિસ્તાનની પ્રથમ મુસલમાન સ્ત્રી હતી, જેણે બીએ અને બી.એડ્ની ડિગ્રીઓ લીધી હતી. એ વાત જુદી છે કે, સીડી મંગાવીને એ જોવાની હું સલાહ નહિ આપું, પણ મારી સલાહો મારા ઘરમાં ય કોઈ માનતું નથી, એટલે આ બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મની પ્રિન્ટ બહુ ઉતરતી કક્ષાની છે. કાયદેસરના હક્કો ખરીદીને પણ વિડીયો સીડી બનાવનારી કંપનીઓ લુચ્ચાઈ ત્યાં કરે છે કે, આપણે સીડી ખરીદી લીધા પછી શરૂઆતમાં જ લખી દે છે કે, ફિલ્મ જૂની હોવાથી ક્વોલિટી ક્ષમ્ય ગણશો. તારી ભલી થાય ચમના... થોડી ઘણી ઑનેસ્ટી બચી હોય તો સીડીના ક્વર પર લખ ને?

અલબત્ત, આ સીડી મારે ખરીદવી પડી નથી, પણ ૭૮ rpm રૅકૉડર્સના સૌથી મોટા સંગ્રાહક હોવાને નાતે મુંબઈના આખા ભારતમાં મશહુર કચ્છીમાડુ નારણભાઈ મૂલાણીએ મને આવી અપ્રાપ્ય અનેક ફિલ્મોની સીડીઓ મોકલાવી. બહુ ઓછાને ખબર હશે કે ૭૮ rpm રૅકૉડર્સ જેવી ગીતની ગુણવત્તા સંગીતના કોઈ ફોર્મમાં ન આવે. ઈવન. રેકોર્ડ ઉપર પિન ઘસાવાનો ખરરરર... અવાજ પણ મીઠો લાગે. હવે તો બહુ ઓછા પાસે આવી રેકોડર્સ સંગ્રહાયેલી હશે અને મૂલાણી સાહેબે આવા સંગ્રાહકોનું એક એસોસિએશન ઊભું કર્યુ છે. વિના મૂલ્યે વ્યવહારો થતા હોવાથી, તમારી પાસે આવી રેકોડર્સ હોય ને સભ્ય થવું હોય તો મારો સંપર્ક કરી શકાય...!

યસ. દેવ આનંદની આ પહેલી ફિલ્મ તો નહોતી, પણ એની આ પહેલી ફિલ્મ હતી જેને કારણે ફિલ્મોમાં લોકો એને ઓળખવા માંડયા. કિશોર કુમારને ગાયક તરીકે તો પહેલો ચાન્સ આ ફિલ્મથી મળ્યો જ, પણ એક્ટર તરીકે પણ એ અહીં ઝળક્યો છે. ફિલ્મ જોતી વખતે ખબર તો નહિ પડે કે, 'ઓહ... આ કિશોર કુમાર છે?' રોલ પણ ન કહેવાય એટલી ઓછી મિનીટો માટે કિશોર અલપઝલપ સ્ક્રીન પર આવતો રહે છે.

બોમ્બે ટોકિઝની આ ફિલ્મ 'ઝીદ્દી'ની વાર્તા કે તેનો ટુંકસાર લખી શકાય, એટલી સારી ઓડિયો ક્વોલિટી 'ફ્રેન્ડ્ઝ' કંપનીની આ સીડીની નથી. ટુકડે-ટુકડે એટલું સમજાય છે કે, ધનવાન બાપનો યુવાન બેટો દેવ આનંદ ઘરની નોકરાણી કામિની કૌશલના પ્રેમમાં છે, જેને એના પિતા (નવાબ) માતા પ્રતિમા દેવી કે ઘરની ભાભી પરવિણ પૌલ (વાસ્તવિક જીવનમાં કે. એન. સિંઘની પત્ની) કે ઠેઠ '૪૦ની સાલથી બદમાશ વિલન પ્રાણને પસંદ નથી. આ બધા ભેગા થઈને એવા હાંધા-હલાડા કરે છે કે કામિની નદીમાં આપઘાત કરે છે ને હીરોઈનને વહેલી કે મોડી મરાય નહિ. એટલે એકાદ રીલ પછી એ જીવતી થાય છે. પણ પોતાના ઘેર જવાને બદલે એ ઘરમાં આશરો લે છે કે, જેની દીકરી કુલદીપ કૌરનુ દેવ આનંદ સાથે લગ્નનું નક્કી થાય છે. દેવને કહેવામાં આવ્યું હતું કે, કામિની મરી ગઈ છે ને કામિનીએ પોતે હજી જીવતી છે, એ દેવને કહેતો પત્ર લખ્યો પણ કુલદીપની ભાભી એ પત્ર પોસ્ટ કરવાનું ભૂલી ગઈ. આ બાજુ દેવના લગ્ન થઈ જાય છે કુલુ સાથે, પણ દેવ એને દેવી તરીકે સ્વીકારતો નથી, એટલે એ ય વળી દેવના ઓલરેડી પરણેલા મોટા ભાઈ પ્રાણ સાથે ભાગી જાય છે પણ પ્રાણની નિયત ખરાબ જણાતા પ્રતિકાર કરે છે ને ઝપાઝપીમાં બન્ને નદીમાં પડીને અરિહંત શરણ થઈ જાય છે, એટલે દેવ-કામિનીનો રસ્તો ખુલ્લો થઈ જાય છે.

ઈન ફૅક્ટ, વાર્તા અતિ સુંદર કે અતિ કચરો લખાઈ હોય, ફિલ્મના પરદે વાર્તા કહેતા દિગ્દર્શકને આવડવું જોઈએ. શાહિદ લતીફને નથી આવડી. ગીતોના ટેકિંગમાં પણ એ જમાનાની મોટા ભાગની ફિલ્મોની જેમ, ગાતો હીરો કે ગાતી હીરોઈનની સામે કેમેરા સ્ટેડી જ હોય. આખો અંતરો પૂરો ન થાય ત્યાં સુધી મજાલ છે કેમેરાની કે થોડો ય હાલી શકે...?

એ સમયે, દિલીપકુમારની જાહેર પ્રમિકા કામિની કૌશલ ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૭ના રોજ પાકિસ્તાનના લાહૌરમાં સુખી કુટુંબમાં જન્મી હતી. નામ તો એનું ઉમા હતું, પણ દેવ આનંદના મોટા ભાઈ ચેતન આનંદની ફિલ્મ 'નીચા નગર'માં કામ કરતી વખતે ચેતને આ નામ બદલાવી નાંખ્યુ, કારણ કે એની પોતાની પત્નીનું નામ પણ 'ઉમા' હતું. કામિની મોટી બહેને છેલ્લો શ્વાસ લેતા પહેલા એને પોતાના પતિ સાથે પરણી જવાનું વચન માંગી લીધું ને આણે આલી ય દીધું. નામ બ્રહ્મસ્વરૂપ સુદ. ૮-૧૦ વર્ષો પહેલા હું કામિનીની કૌશલના ઘેર ગયો ત્યારે બારણું ખોલવા મિ. સુદ આવ્યા હતા. એ '૫૮ની સાલમાં પંડિત જવાહરલાલ નેહરૂના કાફલા સાથે ચીન ગઈ, ત્યારે 'ફિલ્મફેર'માં છપાયેલા એના રંગીન ફોટો ચારે ય અંકોના લેખ સાથે મેં મોકલાવ્યા, ત્યારે ખૂબ સૌજન્યપૂર્વક એમણે મારો આભાર માન્યો હતો ને ખૂબ વાતો કરી હતી.

પ્રેમના આલમમાં દિલીપકુમાર એને કામિનીને બદલે 'ફૂલવા' કહીને બોલાવતો, પણ લગ્ન પછી ય આ સંબંધ ચાલુ રહેતા મિ. સુદે ગુંડાઓ મોકલીને ખંડાલા ઘાટ પાસે દિલીપ કુમારની રીતસરની ધોલાઈ કરી હતી. 'ફૂલવા' નામ અને યાદો દિલીપના મનમાં એટલી ઘર કરી ગઈ કે, લગ્ન પછી એ વાઈફ સાયરાબાનુને પણ 'ફૂલવા' કહીને જ બોલાવતો. કામિની 'ફૂલવા'ની... સોરી કૌશલની અનેક ફિલ્મો તમે જોઈ છે : દિલીપ કુમાર સાથે, શહીદ, શબનમ, નદીયા કે પાર, આરઝૂ, દેવ આનંદની સાથે ઝીદ્દી, નમૂના, શાયર, સનમ, રાજકપુર સાથે આગ અને પછી પઘડી, પારસ, એણે પોતે નિર્માણ કરેલી ચાલીસ બાબા એક ચોર, બાગી, ઝાંઝર, આંસુ, શહેનશાહ, બિરાજબહુ, આસ, રાધાકૃષ્ણ, બડા ભાઈ, બડે સરકાર, દો ભાઈ, જેલ યાત્રા અને છેલ્લે છેલ્લે 'જાની' રાજકુમાર સાથે ગોદાન. પછી તો મનોજકુમારને કોઈ સારી માં નહોતી મળતી, એટલે એની મોટા ભાગની ફિલ્મોમાં કામિનીને એણે માં બનાવી દીધી.

એ જમાનામાં ખૂબ મશહૂર થયેલી ખલનાયિકા કુલદીપ કૌર આ ફિલ્મમાં છે. આ સીખ્ખ અભિનેત્રી હતી તો ખૂબસુરત પણ, એની હથેળીમાં કાંટો વાગ્યો, એ પાક્યો, દવા-બવા ખોટી થઈ ને કુલદીપ ગૂજરી ગઈ.

દેવ આનંદ, દિલીપ કુમાર અને રાજ કપૂરને એકબીજાથી કેટલું બધું સાચવવાનું આવતું હશે? રાજને કામિની કૌશલ કે સુરૈયા સાથે રોમેન્ટિક દ્રષ્યો ભજવવાના હોય, દિલીપને નરગીસ કે સુર... (સોરી, સુરૈયાએ તો દિલીપ સાથે કામ કરવાની ઘસીને ના પાડી દીધી હતી!) કે દેવ આનંદને દિલીપની પ્રેમિકા કામિની કૌશલ અને રાજની પ્રેમિકા નરગીસ સાથે કામ કરવાનું આવે, ત્યારે ઈગ્લિશમાં પેલો ક્યો સરસ શબ્દ છે... યસ, 'ઍમ્બેરેસિંગ' લાગતું હશે? આમ તો છોકરીઓના મામલે ત્રણે એકબીજા ટોટલ નંબરો તોડે એ માંઈલા જ હતા.

યસ. દેવ આનંદ આ ફિલ્મમાં ૨૩-૨૪ વર્ષની ઉંમરનો છે. રૂપ તો પ્રભુએ ઠાંસી ઠાંસીને એટલી ઉંમરે પણ આપ્યું હતું. પણ એક્ટિંગમાં ય એ જમાનામાં ખૂબ સારો હતો. તમને નવાઈ લાગતી હોય તો લાગવા દેજો. નદીના પૂર અને તાજી ઊભી થયેલી નવાઈઓને કદી રોકવી નહીં.  દેવને યુવાનીમાં પૂરેપૂરા વાંકડીયા વાળ હતા. પ્રારંભની એની તમામ ફિલ્મોમાં જથ્થાદાર કર્લી હેર જ દેખાય છે. એ જમાનામાં તો વાળને સીધા કરી આપે એવા સ્ટ્રેઇટનરો પણ નહોતા, તો સાવ સીધા થાય કેવી રીતે? વાઈફ કલ્પના કાર્તિકે ખેંચી ખેંચીને સીધા કર્યા હશે? અમારા પણ એણે જ કર્યા હતા... (એણે જ એટલે કલ્પના કાર્તિકે નહિ... અમારા ઘેરથી!) એક સવાલ તો હજી રહે છે કે, ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ ૨૨ એપ્રિલ ૧૯૪૬ના રોજ મળી ગયું હતું ને ફિલ્મ થીયેટરોમાં બે વર્ષ પછી આવી...! ફિલ્મને બે વરસ સુધી રોકવા માટે કોણ જીદ્દી બન્યું હતું?

20/03/2013

શર્ટ પર ડાઘ (૨)

મને ટોકનારાઓનો વાંક નથી. ગમે તેટલું ધ્યાન રાખું. કાંઇ પણ ખાતા-પીતા શર્ટ ઉપર ડાઘો પાડી બેસું છું. અસલના ઝનૂની રાજા-મહારાજાઓને ય મારા જેવું થતું. ગુસ્સામાં હોય ને હાથમાં ઝાલેલી તલવાર કમર પર બાંધેલી મ્યાનમાં પાછી ખોસવા જાય, એમાં તલવારની અણી મ્યાનના કાણાંને બદલે બાજુમાંથી સરકી જાય ને જાંઘ ઉપર તલવારનો સીધો લિસોટો ફૂટી નીકળે....લોહીની મસ્ત ધારવાળો...ને એમાં તો શું ય જાણે થઇ ગયું એમ, 'વોય માડી રે...' ની ચીસાચીસ કરતો રાજો જમીનથી છત સુધી ઉલળતો રહે... આમ પાછા કહેવાય પ્રતાપી મહારાજા ! મારે આટલા વર્ષોથી શર્ટ પર ડાઘા પાડવા ઉપર હાથ બેસી ગયો છે, પણ આજ સુધી મેં કદી આવી 'વોય માડી રે...'ની ચીસાચીસ નથી પાડી....ભ'ઇ, એ તો મરદે-મરદે ફેર હોય...સુઉં કિયો છો ?


બ્રિટીશરોએ ટેબલ-ડીસન્સી શોધી. ખૂબ મોંઘા ભાવના શૂટ-શર્ટ ઉપર જમતા જમતા ડાઘો પડી ન જાય એ માટે એ લોકો શર્ટના ઉપલા બટનની પાછળ નેપકીન જેવું કપડું ખોસે છે, જેથી અજાણતામાં ય સુપ કે ગ્રેવીનો ડાઘ પડે તો એ નેપકીન ઉપર પડે, શર્ટ ઉપર નહિ ! અલબત્ત, આપણા દેસીઓને એ નેપકીન વડે, 'ભૂ્રઉઉઉ..મ્મ'કરતું નાક લૂછતાં ય જોયા છે. ગધેડાએ હાથ ધોવા માટે જમી લીધા પછી ગરમ પાણી-લિંબુવાળું 'ફિન્ગર-બાઉલ'આવે, એ ય શરબત સમજીને પી જતા તો તમે આજે ય ઘણાને જોઇ શકો છો.

મારાથી તો પર્મેનેન્ટ લાળીયું ય બંધાય એમ નહોતું. ફક્ત જમતી વખતે નહિ, બહાર આમ ક્યાંક નીકળ્યા હોઇએ ને ચા-પાણી પીએ, એમાં ય ચાનું ટપકું પાડી બેસું છું. ચાના ડાઘ તો કેવા નફ્ફટ હોય છે કે, ધોયા પછી ય જાય નહિ. મતલબ કે, મહિના પહેલા પડેલો ડાઘે ય પોકારી પોકારીને દર્શકોનું ધ્યાન દોરે...! એ વાત જુદી છે કે, મહિના પછી એ શર્ટ પહેરવા કાઢ્યું હોય, ત્યારે નવો ડાઘ તૈયાર હોય ! ફિલ્મ 'આનંદ'માં અમિતાભ, ગરીબના ઘેર જન્મેલા બાળકને જોઇને કહે છે ને, ''એક મરા નહિ, દૂસરા મરને કે લિયે પૈદા હો ગયા!''

પણ શર્ટ ઉપરના રોજ એક ડાઘો પડવો, એ મારી કોઇ સિદ્ધિ નથી. એકાદ વખત આવું થાય તો સમજાય કે, ભૂલ થઇ જાય, ભ'ઇ...માણસ છું...(આમાં ઝાઝી શંકા ન કરવી!) પણ એકે ય અપવાદ વગર ડાઘો પાડી નાંખું, એમાં સાલી કોઇ 'અશોકાઇ'ખરી...? ('અશોકાઇ'એટલે 'માણસાઇ'!) ડાઘો પાડી દીધા પછી એને સંતાડવાની જવાબદારી મારી જ બની જાય છે. આપણા જીવનમાં પડેલા ડાઘ જોનારાઓ માટે 'બુરી નજરવાલે તેરા મુંહ કાલા...'ની પદ્ધતિથી સંતાડવા પડે છે. વર્ષો પહેલા છોકરીની છેડતી કરતા પકડાયેલો યુવાન પોતાનો ડાઘ બતાવતો ફરતો નથી. કોઇ ઉભેલી સ્ત્રીની કમર ઉપર ગલીપચી કરીને સામે ચાલીને પોતાની જૂની અસલિયત બતાવતો નથી, એમ રોજ પડતો ડાઘ હું જાલીમ જમાનાને બતાવતો ફરી ન શકું. ગમે તેમ તો ય એ મારી બેવકૂફી, ભૂલ, અણઘડપણું કે બેશરમી છે. મારો ડાઘ છુપાવવા નોર્મલી હું હાથ આડો રાખી દઉં અથવા તો દ્રષ્ટા કે આર્ષદ્રષ્ટાની નજર ન પડે એ માટે વાત કરતી વખતે એનું મસ્તક ગર્વથી ઊંચું ને ઉંચું રખાવું છું.એને આજુબાજુના ઊંચા બિલ્ડિંગો ઉપર બેઠેલી સમડી બતાવું. તમારા ગળાનો હૈડીયો બહાર બહુ દેખાય છે, એમ કરીને એનું ભોડું ઊંચુ રખાવું ને છતાં ય ન માને તો, અજાણતામાં મારા હાથની રકાબીવાળી ચા એના શર્ટ ઉપર ઢોળી દઉં છું. એમાં ને એમાં એ લપટાયેલો રહે. આપણે બે-ચાર વાર 'સોરી...સોરી, હો'બોલીને છટકી જવાનું. ઇગ્લિંશમાં સુંદર કહેવત છે, If I can not convince you, I will confuse you. અર્થાત જો મારી વાત તમને ગળે ઉતારી નહિ શકું. તો તમને ઉલ્લુ તો બનાવી જ દઇશ.

આમાં જાય તો આબરૂ એની જાય ને ઉપરથી પસ્તાવો એને થાય કે, મારા લીધે અશોકભાઇનું શર્ટે ય બગડયું. ચા કદી હું કપમાં પીતો નથી, રકાબીમાં પીઉ છું. એક જમાનામાં 'પીતો', ત્યારે વ્હિસ્કી ય રકાબીમાં પીતો. એ જોઇને ઉર્દુના તોફાની શાયર નિદા ફાઝલી હસી પડયા ને શોભિતને કહે, 'શાયર તો બહોત દેખેં...લેકીન દવે સા'બ જૈસા શરાબી કહી નહિ દેખા...!'(એ તો એ દિવસે મારી આબરૂ વધારે બચી ગઇ કે, જમાનાને ઉલ્લુ બનાવવા હું તો ઘણીવાર વ્હિસ્કી, કોકા કોલાની બોટલમાં 'સ્ટ્રો'નાંખીને ચૂસતો...!) બેલેન્સ જીવનમાં નથી રાખ્યું, તો ચા-કોફી તો બહુ દૂરની વાત છે.

શર્ટ લિનનનું અને સાડા ચાર હજારની કિંમતનું હતું...ને પાછું વ્હાઇટ. મારી તો આટલા મોંઘા કપડાં પહેરવાની હિંમત ન ચાલે, પણ ભેટમાં આવેલું શર્ટ, ''અરે ના ના... હોય કાંઇ...!''એવા વિનયથી પાછું આપી દેવાની ય હિંમત ન ચાલે.ભ'ઇ, આજે સાડા ચાર હજારવાળું સ્વીકારી લઇએ, તો કાલે પેલાને દસ હજારવાળું ગિફ્ટ આપવાનું મન થાય. એમ કાંઇ કોઇના હૈયા તોડી નંખાતા હશે ? ના લઇએ તો બીજી વાર ખાદીનું બાંડીયું ય ના આલે ! ટેન્શન કોઇને ગિફ્ટ આપતા થાય... લેવામાં ના થાય....બા ખીજાય !

ગાડી હું જાતે ચલાવું છું. ગાડીમાંથી ઉતરતા જ ખભે કોઇ સળવળાટ થયો. ઝાડ ઉપર બેઠેલું કોઇ બેશરમ કબુતરૂં ચરક્યું હતું. સાલાએ બેલેન્સ ન જાળવ્યું. છ-સાડા છ ઇંચ ખસીને ચરક્યું હોત તો ભલે માથા ઉપર ચરકે. ધોઇ નંખાય. આ ચરકવાની દુનિયા એવી છે કે, ઘટનાસ્થળે જ એને સાફ ન કરાય. લાંબો ડાઘો પાડે. એ તો પછી સુકાય ને ધોયા પછી નીકળી જાય. મને આવું બધુ નોલેજ બહુ !

આજે નવું શર્ટ છે. માટે ચા-કોફી કે....કાંઇ પણ પીવું નથી, એ મનસુબા સાથે પોસ્ટ ઓફિસમાં દાખલ થયો. ત્યાં જવાબદાર તો ખાસ કોઇ હાજર નહોતું. પણ એક સ્ટાફવાળો ટપાલો ઉપર ધમ્મ ધમ્મ સિક્કા મારતો હતો. પેડ ઉપર સ્યાહિ તાજી ભરી હશે ને પહેલો ઘા એણે પેડ પર માર્યો, એના કાળા રંગના સુંદર છાંટા મારા શર્ટ ઉપર પડયા.

કહે છે કે, ગમે તેવા ધાબાં કાઢી શકે, એવા સ્પિરિટો બજારમાં મળે છે. એટલે ચિંતા ન થઇ કે, આ શર્ટ તો હવે ગયું...! ખૂફીયા મહલ જેવી લાગતી એ ખૌફનાક પોસ્ટ ઓફિસની સામે, 'બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નીકલે...'કહેતો હું ગાડીમાં બેસી ગયો.

મને રોડ ઉપર ઊભા ઊભા પાણી-પુરી ખાવી ખૂબ ગમે છે, પણ આજે એ લાલચે ય રોકી. પણ ચીઝ સેન્ડવીચમાં ચીઝનો ડાઘો પડે તો ય ધોળો પડે, એટલે એ ખાવામાં વાંધો નહિ. એક યુવાન કપલ એકબીજા સાથે તોફાનમસ્તી કરતું સેન્ડવિચ ખાતું હતું... એમાં બન્નેએ હસતા હસતા એકબીજા ઉપર સેન્ડવિચ ફેંકી.....

આપ તો જાણો જ છો કે, શર્ટ ઉપર લીલી ચટણીનો ડાઘ તો શુકનિયાળ કહેવાય...! કોઇ પંખો ચાલુ કરો. 


સિક્સર


રૂ. ૨૫૦/- હોટેલવાળાએ રાખ્યા, રૂ. ૩૦/- પેલી સ્ત્રીને પાછા આપ્યા અને રૂ.૨૦ રૂમબોય લઇ ગયો, એટલે રૂ. ૩૦૦/- નો હિસાબ પૂરો, એવો જવાબ સહુ આપે છે. અહી રૂ. ૩૦૦/-નો હિસાબ નથી કરવાનો. દરેક સ્ત્રીને રૂ.૧૦૦/- તો આપ્યા છે અને ત્રણેયને રૂ. દસ દસ પાછા મળ્યા છે જ એટલે એમને તો રૂ. ૨૭૦/-માં પડયો, રૂ.૨૦/- રૂમ બોયની તો દસની નોટ ક્યાં ગઇ ? એ કોયડો છે. રૂ.૩૦૦/- નો હિસાબ પૂરો કરવાનો નથી...!

(નવા વાચકોની જાણ સારૃઃ મૂળ કોયડો આ હતો. ત્રણ સ્ત્રીઓ હોટેલમાં એક દિવસ રહેવા ગઇ. મેનેજરે રૂ.૩૦૦/- ભાડું કહ્યું. ત્રણેએ સોલ્જરી કરીને રૂ.સો-સો આપી દીધા ને રૂમમાં જતી રહી. એ પછી મેનેજરે રૂમ બોયને બોલાવીને કહ્યું, 'લે આ રૂ.૫૦/- ને પાછા આપી આવ.' રૂમ બોયે રૂ.૨૦/- ખિસ્સામાં નાંખીને પેલી ત્રણેને રૂ.૩૦/- પાછા આપ્યા, જે એ ત્રણેએ રૂ.દસ-દસના હિસાબે વહેંચી લીધા. મતલબ રૂમ પર હેડ રૂ. ૯૦/-માં એટલે કે, રૂ.૨૭૦/-માં પડયો. રૂ.૨૦/- પેલાએ કાઢી લીધા તો સરવાળો રૂ.૨૯૦/- નો થયો....તો રૂ.૧૦/- ની નોટ ક્યાં ગઇ ?) 

17/03/2013

ઍનકાઉન્ટર 17-03-2013

૧ ભારતનો ભવ્ય ઈતિહાસ વાંચ્યા પછી દેશની અત્યારની હાલત જોઈને દુઃખ થાય છે.
- અત્યારે આપણે દેશનો ઈતિહાસ નહિ, ભૂગોળ બચાવવાની છે.
(જીનેશ મેહતા, જામનગર) 

૨ મંદિરમાં જતા ભક્તો બારણે હાથ અડાડી નમન શેને માટે કરે છે?
- બીજી વાર બારણે માથું ભટકાય નહિ માટે.
(બાલુભાઈ સંપટ, જામનગર) 

૩ કૂંવારી છોકરી માતા બની જાય તો સંતાનને મંદિરના દ્વારે મૂકી આવે છે, એના કરતા નિઃસંતાન સ્ત્રીને આપી આવતી હોય તો?
- ગૌરવપૂર્વક એ સંતાનને એની માતાએ જ ઊછેરવું જોઈએ. ભલે જમાનો તાના મારે. પોતાના ઘેર પરમેશ્વર પધાર્યા હોય, એને કોઈ મંદિરે મૂકી આવે?
(વંદિત નાણાવટી, રાજકોટ) 

૪ દરેક ફિલ્મમાં નોકરનું નામ રામુચાચા જ કેમ હોય છે?
- 'અશોક ચાચા' ફિટ ન બેસે માટે !
(ધીમંત ભાવસાર, બડોલી-ઈડર) 

૫ બહુ પૈસાવાળા બહુ કંજૂસ હોવાનું કારણ શું ?
- એ એમના પૈસાદાર હોવાનું કારણ છે.
(કિરણ ભાવસાર, દમણ) 

૬ હૉરર ફિલ્મમાં સ્ત્રી જ હૉરરનું પાત્ર કેમ ભજવે છે ?
- જુદો મૅક-અપ કરવો ન પડે માટે!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ) 

૭ કસાબ-અફઝલની પાછળ આટલો જંગી ખર્ચો કરીને સરકારે સિધ્ધ શું કર્યું ?
- 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ... હોઓઓઓ...'
(હેમંત સરખેદી, ભાવનગર) 

૮ પાકિસ્તાન માટે જાન લગાવી દેનારા ભૂટ્ટો પરિવારને વીણી વીણીને કે ફૂંકી માર્યા હશે ?
- એનો ગીન ગીન કે... ચૂન ચૂન કે બદલો આસિફ જરદારી લઈ રહ્યો છે... અબજો રૂપિયાના ગોટાળા કરીને! જરા નજર દોડાવો... પાકિસ્તાનના પડોસી દેશમાં આ જ હાલત છે ને?
(પલક નાણાવટી, ઓખા) 

૯ માંડ આંખ મીચાણી હોય એવી ખરી બપોરે જ વાસણવાળી શું કામ ચીલ્લાતી હશે?
- ઘેર જઈને એ નિરાંતે આંખ મીંચી શકે માટે.
(મીરા કે. સોઢા, સુરેન્દ્રનગર) 

૧૦ તમારી કારકિર્દીનો સર્વ પ્રથમ લેખ, 'એક પત્ર, યાહ્યાખાનને' વાંચવા મળી શકે!
- અમદાવાદ કૉમર્સ કૉલેજ (ઘીકાંટા)ની ૧૯૬૯-ની કચરા ટોપલીમાં એ પડયો હશે. એ વખતે તો ક્યાં કાંઈ ઝૅરોક્સ જેવું હતું ?
(ડી.સી. પ્રજાપતિ, ભૂતીયા-ઈડર) 

૧૧ મોદી વડાપ્રધાન બને તો ગુજરાતના મુખ્ય પ્રધાન કોણ બનશે ?
- તો ગુજરાતને પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળે ખરા... !
(તુષાર સુખડીયા, હિંમતનગર) 

૧૨ કૂંવારો અને વિધૂર પરણવા માટે દોડધામ કરે છે ને પરણેલા મરવા માટે... ! સાચું શું ?
- આ ત્રણેમાં નસીબનો બળીયો એક માત્ર વિધૂર કહેવાય કારણ કે, એ પેલા બન્નેની હાલતમાંથી ગૂજરી ચૂક્યો છે. કૂંવારો કદી વિધૂર થઈ ન શકે અને પરણેલાને ''બીજી વખત'' મરવાની જરૂર નથી.
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા) 

૧૩ ઘેર મારા સગાં આવે છે, ત્યારે પત્ની અને કામવાળી બન્ને પોતપોતાના ઘેર જતા રહે છે. કોઈ ઉપાય ?
- ધીમે બોલો જરા... ! તમારા આવા સગાઓના તો માર્કેટમાં બ્લૅક બોલાશે બ્લૅક!
(પરેશ નાણાવટી, રાજકોટ) 

૧૪ શ્રી હનુમાનજીની કોઈ પણ ફિલ્મ કે ટીવી-સીરિયલમાં વાનરો બતાવે, એમને પૂંછડી હોય છે, પણ એકે ય વાંદરીને પૂંછડી કેમ હોતી નથી ?
- એ સ્ત્રી જાતિની જ વાંદરી છે, એવું તમે કેમ માની લીધું ? એમાંની એકે ય ને લવારો, કકળાટ કે લોહી પી જતી બતાવાઈ ?
(પ્રતિક રમેશ મોદી, અમદાવાદ) 

૧૫ પતિ તો પતી ગયો, તો પત્ની ?
- નથી પતતી તે પત્ની.
(હેમાંગ પી. ત્રિવેદી, પેટલાદ) 

૧૬ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતા હોય તો હૃદયરોગના ચાન્સ વધી જાય એ વાત સાચી ?
- હાર્ટ-ઍટેકથી મરતી વાઈફો વિશે મેં બહુ સાંભળ્યું નથી.
(ભરત ડી. સાંખલા, ડીસા) 

૧૭ ટેસ્ટ ક્રિકેટમાં લાલ દડો ને વન-ડેમાં સફેદ દડો કેમ?
- પાકિસ્તાને લીલા દડાની કોઈ માંગણી કરી'તી ખરી... !
(બદ્રિક રાવલ, અમદાવાદ) 

૧૮ 'નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ...' મગર કોની સાથે મિલાવવી, એની સમજ પડતી નથી... !
- તો પછી તમે તો સાવ રહેવા જ દો... આમાં તો જેને સમજ પડતી હોય, એ ય બધા ભરાઈ જાય છે.
(મોહન બદીયાણી, જામનગર) 

૧૯ આપ અવારનવાર વાચકોને 'પંખો ચાલુ કરવાની' સૂચનાઓ આપો છો, પણ અહીં પશ્ચિમ ગુજરાતની વીજ કંપનીઓના કાન કેમ આમળતા નથી... છાશવારે વીજળી જતી રહે છે... !
- એ લોકોને પંખો ચાલુ કરવાનું કહું છું... !
(શશીકાંત મશરૂ, જામનગર) 

૨૦ હવે તો અણસમજુ લોકો ય 'ઍનકાઉન્ટર' વાંચવા મંડયા છે... શું કરવું ?
- કોઈ તમારૂં નામ લે તો લાવો એને મારી પાસે ! ગભરાઈ નહિ જવાનું...!
(સુબોધ નાણાવટી, રાજકોટ) 

૨૧ સંસારચક્ર મુજબ, કલીયુગની પૂર્ણાહૂતિ થઈને સતયુગ પાછો ક્યારે આવશે ?
- કલીયુગમાં મને તો ભ'ઈ... ફાવી ગયું છે! ન જાણે સતયુગમાં ઘણી બધી સગવડો પાછી ખેંચાઈ જાય... !
(અરવિંદ આર. પટેલ, જામનગર) 

૨૨ ઉપર તો ખાલી હાથે જ જવાનું છે, તો ભ્રષ્ટાચારીઓ બિલ ગૅટ્સની માફક ભારતના ઉદ્ધાર માટે તગડી સખાવતો કેમ નથી કરતા ?
- તેઓશ્રીઓ હજી ધન સુધી પહોંચ્યા છે... ધર્મ સુધી નહિ !
(ડૉ. રતિલાલ પટેલ, વડોદરા) 

૨૩ ધ્વજા મંદિરો ઉપર ફરકે છે, ઘરો ઉપર કેમ નહિ ? શું ઘરમાં ઈશ્વર નથી હોતો ?
- મંદિરો ઉપર કદી ધોતીયા-લેંઘા સૂકાતા જોયા... ? નથી જોયા ને ? તો ઘરો ઉપરે ય ધજાઓ ના ફરકતી હોય !
(પ્રવીણ એમ. પટેલ, ગડત-નવસારી) 

૨૪ આપના મતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા રોકી શકેએવું મોટું પરિબળ ક્યું?
- નસીબ.
(જીતેન્દ્ર જી. કેલ્લા, મોરબી) 

૨૫ તમે કોઈ સ્ત્રીને સખ્ત નફરત કરો છો ખરા ?
- અહીં સાલો પ્રેમ કરવાનો ય ચાન્સ મળ્યો નથી, ત્યાં નફરત તો બહુ દૂરની વાત છે... ! કોઈને પણ એક વખત દિલોજાનથી પ્રેમ કર્યો હોય, પછી નફરત આવે જ કેમ ? જૂની પ્રેમિકા/ પ્રેમીને નફરત લૂઝ કૅરેક્ટરના લોકો કરતા હોય છે !
(સ્મિતા નિખિલ કાકડે, મુંબઈ)

**** 

સવાલોનું સરનામું:
'એનકાઉન્ટર'માં સવાલ સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા.
સરનામું : 'એનકાઉન્ટર',
ગુજરાત સમાચાર, ખાનપુર,
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

15/03/2013

'શ્રીમાન સત્યવાદી' ('૬૦)

ફિલ્મ : 'શ્રીમાન સત્યવાદી' ('૬૦)
નિર્માતા : મહિપતરાય શાહ
દિગ્દર્શક : એસ.એમ. અબ્બાસ
સંગીત : દત્તારામ
ગીતકારો : હસરત, ગુલશન બાવરા, ગુલઝાર દીનવી
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ - ૧૪૭ મિનીટ
થીયેટર : રૂપમ (અમદાવાદ)
કલાકારો : રાજ કપૂર, શકીલા, મેહમુદ, રાધાકિશન, નઝીર હુસેન, બ્રહ્મ ભારદ્વાજ, રાજા નેને, મોની ચૅટર્જી, ઇંદિરા બંસલ, સુશીલ કુમાર (ફિલ્મ 'દોસ્તી'નો અપંગ હીરો)
***

ગીતો
૧. ઋત અલબેલી મસ્ત સમા, સાથ હંસિ ઔર રાત જવાં.... મૂકેશ
૨. એક બાત કહું વલ્લાહ, યે હુસ્ન સુભાન અલ્લાહ... મહેન્દ્ર-સુમન-મૂકેશ
૩. અય દિલ દેખે હૈં હમને બડે બડે સંગદિલ... મૂકેશ
૪. ભીગી હવાઓં મેં તેરી અદાઓં મેં, કૈસી બહાર હૈ... સુમન-મન્ના ડે
૫. રંગ રંગીલી બૉતલ કા દેખ લો જાદુ.... મુહમ્મદ રફી
૬. ક્યું ઉડા જાતા હૈ આંચલ, ક્યું નઝર શરમા રહી હૈ.... સુમન કલ્યાણપુર
૭. હાલ-એ-દિલ હમારા, જાને ના બેવફા, યે જમાના જમાના.... મૂકેશ
(ગુલઝાર દીનવી : ગીત નં. ૧,૨,૪ અને ૬ : હસરત જયપુરી ૩ અને
૭ ગુલશન બાવરા ગીત-૫) 

***

આજની ફિલ્મ 'શ્રીમાન સત્યવાદી' સારી હતી કે ફાલતુ, એ આ લેખ લખનારે કે વાંચનારે જોવાનો વિષય નથી. એમાં રાજ કપુર હતો ને...? એટલું મારા જેવા અનેક રાજ કપૂરના પાગલ ચાહકો માટે કાફી છે.

સહેજ પણ ટમી વગરનો પતલો પતલો રાજ જોવો, એ ઝાડી પાછળથી હમણાં જ નાહીને આવેલા મોરલા જેવો સોહામણો લાગે. ઈમ્પ્રેસ થઈ જવાનં એકલું એની ભૂરી આંખો કે ગોરી ચામડીમાં નથી, સાલો સાદગીમાં ય શહેનશાહ લાગતો હતો. એના કપડાં એટલે કોણી સુધી બાંયો ચઢાવેલું સાદું શર્ટ અને ખુલ્લું પાટલૂન. 'સંગમ' પહેલા તો એવી ભાગ્યે જ કોઈ ફિલ્મ આવી છે જેમાં એને વધુ હૅન્ડસમ દેખાવાનો શૂટ-બૂટવાળો સામાન વાપરવા મળ્યો હોય. અલબત્ત, આ ફિલ્મમાં એને 'પ્રિન્સ ચાર્મિંગ' જેવા શૂટ-બૂટ પહેરવા મળ્યા છે. મને તો ઘણી વાર એવું લાગ્યું છે કે, રાજ કપૂર પંજાબી નહિ, સિંધી હશે. એ સીંધી જેવો વધારે લાગે છે. સિંધીઓ પણ આવા જ ગોરા ચીટ્ટા હોય છે. અસર ચાર્લી ચૅપલિનની હતી એટલે ભારતના સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરતા હોય, એવા રોલ એણે પસંદ કર્યા હતા. અર્થાત્, મિડલ-ક્લાસ માણસના રોલમાં છટાદાર લાગતો, એમાં ઈમ્પ્રેસ થઈ જવું પડે... ન થવાતું હોય તો બેહતર છે ભદ્રકાળીના મંદિરે જઈ, દસ રૂપિયાવાળું નારીયેળ વધેરી આવવું, પણ ખોટો જીવ ન બાળવો કે આપણે સાલા દસ-દસ હજારના કૂરતા-ચૂડીદાર પહેરીએ છીએ તો ય રાજ કપૂર જેવા કેમ નથી શોભતા...? બસ, રાજને ગમાડવા માટે આ કારણ પર્યાપ્ત છે. રાજ એ રાજ છે... હતો નહિ, હજી છે જ!

'શ્રીમાન સત્યવાદી' જોવા-ગમવાનું બીજું કારણ એનું સંગીત હતું. મૂકેશના કંઠને નાના બાળકની જેમ નવરાડી-ધોવરાવીને કેવો ખુશ્બુદાર બનાવીને સંગીતકાર દત્તારામ વાડકરે રજુ કર્યો છે! રાજ પર મૂકેશનો કંઠ પરફૅક્ટ જતો હતો ને એમાં ફિલ્મના પહેલા જ સોલો ગીત, 'રૂત અલબેલી મસ્ત સમા, સાથ હંસિ ઔર રાત જવાં...'ના એક અંતરામાં 'તોબા' શબ્દ આવે છે. અહીં મૂકેશ 'તૌબા'ને બદલે 'તોબા' ગાય છે, એનું કારણ ગમે તે હોય, આપણને વધારે મીઠડું લાગે છે, જેમ ફિલ્મ 'ગંગા જમુના'ના 'નૈન લડ જઈ હૈ...' ગીતમાં રફી '...પ્યાર કી મીઠી ગજલ'માં 'ઝ'ને બદલે 'જ' ગાય છે, એમાં મૂળ શબ્દ જ 'ગજલ' હશે, એવું આપણને મનાવી દેવાની મીઠાશ લાગે છે. યસ. સદીઓ સુધી ચાલતું રહે-વાગતું રહે ને ગમતું રહે એવું મૂકેશનું ગીત, 'હાલ-એ-દિલ હમારા, જાને ના, બેવફા યે જમાના જમાના' મૂકેશના સર્વોત્તમ ગીતોના તમારા લિસ્ટમાં હજી સુધી ન આવ્યું હોય તો તાબડતોબ આ ગીત 'યૂ ટયુબ' પર જોઇ-સાંભળી લેજો. એમાં જે ઠૂમકો મારીને મૂકેશ 'ભૈયા...' ગાય છે, એ કાનને નહિ, ઈવન કોણીને ય મીઠડું લાગે છે... કોકને આપણે કોણી મારીને વગર બોલે કંઇક બતાવતા હોઈએ, એ અંદાઝનું 'ભૈયા...' મૂકેશ ગાય છે. દત્તુ વાડકર. મૂળ ગોવાના આ સંગીતકાર સદૈવ શંકર-જયકિશનના આસિસ્ટન્ટ તરીકે જીંદગી ખર્ચી નાંખી ને વચમા વચમાં પોતાને કોઈ સ્વતંત્ર ફિલ્મો મળે તો એમાં ય જાન રેડી દેવાનો. એવી તો બસ, ૧૨-જ ફિલ્મોમાં દત્તારામે સંગીત આપ્યું. અબ દિલ્લી દૂર નહિ (છુન છુન કરતી આઇ ચીડિયા) પરવરીશ (આંસુ ભરી હૈ યે જીવન કી રાહેં), કૈદી નં. ૯૧૧ (મીઠી મીઠી બાતોં સે બચના જરા), શ્રીમાન સત્યવાદી, જીંદગી ઔર ખ્વાબ (મૂકેશનું બેનમૂન સોલો, 'કભી કિસી કી ખુશીયાં કોઈ લૂટેના, બનતે બનતે મહલ કિસી કા તૂટેના...), ડાર્ક સ્ટ્રીટ (ઈતને બડે જહાં મેં, અપના ભી કોઇ હોતા), નીલી આંખે, 'અય મેરે જાનેવફા, મૈંને દેખા હૈં યે ક્યા....' (મુકેશ) જબ સે તુમ્હેં દેખા હૈ (કવ્વાલી - 'તુમ્હેં હુસ્ન દે કે ખુદાને સિતમગર બનાયા બનાયા') રાકા, (કવ્વાલી : રફી-આશાની, 'તેરી મેહરબાની હોગી, બડી મેહરબાની...) ફરિશ્તા, બાલક (સુન લે બાપૂ યે પૈગામ, મેરી ચિઠ્ઠી તેરે નામ) અને છેલ્લી '૭૧માં આવેલી ફિલ્મ 'એક દિન આધી રાત'.

આમ તો હવે એ વાત છુપી રહી નથી કે, શંકર-જયકિશનના આસિસ્ટન્ટ્સ તરીકે દત્તારામ-સૅબેસ્ટીયન બન્ને પાછા અંગત રીતે અનુક્રમે જયકિશન અને શંકર સાથે જોડાયેલા. એ જ રીતે, ગીતકાર શેલેન્દ્ર કેવળ શંકરને ગીતો લખી આપે અને હસરત જયપુરી ફક્ત જયકિશનને. થોડા ઘણા અપવાદો છે પણ ખરા, પણ એ અપવાદ સ્વરૂપે જ. તો નવાઈ લાગે કે, પોતાના સંગીતની આ ફિલ્મમાં દત્તારામે શૈલેન્દ્રનો છેદ કેમ ઊડાડી દીધો અને હસરત સાથે બીજા બે ગીતકારોમાં ગુલશન બાવરા અને ગુલઝાર દીનવીને લીધા? હશે કોઇ પ્રોબ્લેમ, પણ અમુક પ્રોબ્લેમો આપણે ન જાણીએ, એ જ બેહતર છે. જેમ કે, જે ઠેકાને કારણે દત્તારામ આજ તક મશહૂર છે, એ દત્તુઠેકા ઉપર કેમ એક પણ ગીત નહિ? (ઠેકો એટલે રિધમની એક પૅટર્ન. ગીતમાં તબલા-ઢોલકની જે થાપ પડતી રહે, એને ઠેકો કહેવાય... દત્તારામના પોતાના ગીતોમાં, 'મીઠી મીઠી બાતોં સે બચના જરા...' 'બોલે યે દિલ કા ઇશારા, આંખોંને મિલકે પુકારા', 'પ્યાર ભરી યે ઘટાયેં, રાગ મિલન કે સુનાયે...' 'મસ્તીભરા હૈ સમા, હમતુમ હૈ દોનોં યહાં...' તો અન્ય સંગીતકારોએ આ ઠેકો અપનાવી દત્તારામને શ્રધ્ધાંજલિ આપી છે. પંચમ એટલે કે રાહુલદેવ બર્મને ફિલ્મ 'પતિ-પત્ની'માં લતાના ગીત, 'કજરે બદરવા રે, મરજી તેરી હૈ ક્યા જાલમા...' કલ્યાણજી-આણંદજીએ 'બેદર્દ જમાના ક્યા જાને'માં લતા-રફીના, ''મૈં યહાં તુ કહાં, મેરા દિલ જીસે પુકારે...' ગીતમાં દત્તુ ઠેકો લીધો છે. આજે પણ કોઈ ગીતના રીહર્સલ પહેલા સંગીતકાર એના પર્કશન્સ વાદકોને કહી દે છે, 'આ ગીતમાં દત્તુ ઠેકો વગાડવાનો છે. (હવે તમે થોડું મગજ કસો કે, ઉપર કીધાં, એવા દત્તુ ઠેકાના તમે કેટલા ગીતો શોધી શકો છો?)

પછી તો ફિલ્મ ગમવાના ત્રીજા કારણમાં હીરોઈન શકીલા હતી ને શકુ નસીબદાર પણ કેવી કે દિલીપ કુમારને બાદ કરતા તત્સમયના મોટા ભાગના સફળ હીરો સાથે કામ કરી ચૂકી છે. વચમાં, આ કૉલમમાં વાંચીને મુંબઈના એક ગુજરાતી વણિક બહેને મને ફોન કર્યો હતો. નામ વિસ્મૃતિમાં ગયું છે, પણ તેઓ દિલીપકુમારના પત્ની સાયરા બાનુના વર્ષોથી સેક્રેટરી છે. એમણે ફોન કરીને મારું ધ્યાન દોર્યું કે, શકીલા હવે પહેલાના મકાનમાં નથી રહેતી, પણ શકીલા વ્યક્તિ તરીકે બહુ ઉમદા છે, એવું એ બહેને કીધું હતું. અલબત્ત, ગુજરાતના એક સન્માન્નીય લેખક-પત્રકારે એમની કૉલમમાં નોંધ્યું હતુ કે, શકીલા ગુજરાતના એક રેલ્વે સ્ટેશને ગાડી ઊભી રહી ત્યારે ચા-નાસ્તાવાળા ફેરીયા સાથે ઘણું ઝગડતી જોવા મળી હતી.

શકીલાની એક સિધ્ધિ સ્વીકારવી પડે. એ જમાનાની એક પણ હીરોઈન શકીલા જેવી ગ્લૅમરસ નહોતી. નૂતન, મીનાકુમારી, નરગીસ, વહિદા, માલા સિન્હા કે બીજી કોઇપણ... સુંદર બેશક હતી, પણ ગ્લૅમરસ - એટલે સાદી ભાષામાં કહીએ તો મારકણું રૂપ અને પાનના ગલ્લાની ભાષામાં કહીએ તો 'સૅક્સી' લાગતી નહોતી, જે શકીલા લાગતી. શશીકલા બેશક વધુ ગ્લૅમરસ દેખાતી. અહીં 'શ્રીમાન સત્યવાદી'માં પણ તે મારકણી જ દેખાય છે. એ વાત જુદી છે કે, ઍક્ટિંગ-ફૅક્ટિંગ એનો સબ્જૅક્ટ નહોતો. મેહમુદ માટે એમ કહેવાતું કે, દરેક દ્રષ્યને એ ખાઈ જતો, એમાં ભલભલા હીરો સાથે કામ કરતા બંધ થઈ ગયા. એક તબક્કો એવો આવ્યો કે, મોટા ભાગના હીરો કરતા એનો ભાવ વધુ હતો, પણ અહીં રાજ કપૂર સામે તો સીન ખાઈ જવાનો કે રાજ કરતાં ય વધારે પૈસા મેળવવાનો તો કોઈ સવાલ જ ન આવે, પણ બેશક અભિનયની સરખામણીમાં એ રાજ-દેવ કે દિલીપ કરતા એક ઈંચ પણ ઉતરતો નહોતો. કમનસીબે, આપણા દેશમાં કૉમેડીયનોને ઍક્ટર નથી માનવામાં આવતા, કૉમેડિયન જ માનવામાં આવે છે. મેહમુદને કૅમેરામાં પોતે કેવો દેખાય છે, એની ફિકર નહોતી. બસ. પ્રેક્ષકોને હસવું આવવું જોઈએ ને એમાં તો આજ સુધી મેહમુદનો કોઈ સાની થયો નથી. અલબત્ત, ફૉર ઍ ચેઈન્જ... આ ફિલ્મમાં એ વિલન બન્યો છે. બાકી હિંદી ફિલ્મોએ આજ સુધી રાધાકિશન સરીખો એક પણ વિલન-કૉમેડીયન જોયો નથી. એ ગળાની કઈ સાઇડમાંથી આવો અવાજ કાઢતો હતો કે, રામભરોસે હિંદુ હોટલને ગલ્લે બેઠેલો મેનેજર એક ટીપિકલ ઘૃણાસ્પદ અવાજમાં વેઇટરોને સૂચના આપતો રહે, એવો અવાજ દરેક ફિલ્મમાં કાઢતો. તમને પરદા ઉપર જઈને સાલાને થપ્પડ મારી આવવાનું ઝનૂન ઉપડે, એવો સફળ વિલન. કમનસીબે, રાધાકિશન વિશે કોઈ માહિતી મળતી નથી. એટલું તો મને નાનપણમાં જાણવા મળ્યું હતું કે, રાધાકિશને મુંબઈમાં પોતાના બિલ્ડિંગના કોઈ ૮મા ૧૦મા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો-કેમ કર્યો હતો, એ આજ સુધી રહસ્ય છે. આ ફિલ્મમાં કોઈ રહસ્ય નથી. અત્યંત ફાલતુ વાર્તાવાળી ફિલ્મ હોવા છતાં રાજ કપૂર અને મેહમુદને કારણે કંટાળો આવે એવી નથી બની. રાજ કપૂરને સત્યવાદી બતાવી ફિલ્મ 'અનાડી' સુપરહિટ ગઈ, એટલે એનું આખું કેરેક્ટર ચોરી લઈને આ ફિલ્મમાં ઘુસાડી દેવાયું, પણ ત્યાં તો ઋષિકેશ મુકર્જી હતા... જેમની બરોબરીનો દિગ્દર્શક તો હજી ય નથી આવ્યો, ત્યાં આ ફિલ્મના દિગ્દર્શક એસ.એમ. અબ્બાસનો ક્યાં ગજ વાગે?

એક નાના શહેરમાં મોહનલાલ (રાજા નેને) દવાની દુકાન ઈમાનદારીથી ચલાવતો હોય છે, જે ગુણો એના સુપુત્ર વિજય (રાજ કપૂર)માં ઉતર્યા છે, પણ સામેની દુકાન ચલાવતા લાલચંદ (રાધાકિશન) અને તેનો કુપુત્ર કિશોર (મેહમુદ) બેઈમાનીનો ધંધો કરે છે. લાલચંદ કાવતરું કરીને મોહનલાલને પોલીસમાં ફસાવી દે છે, એના આઘાતમાં એ ગૂજરી જાય છે. એમના મિત્ર ડૉક્ટર (બી.એન. મધુર) વિજયને પોતાને ત્યાં રાખી ગ્રેજ્યુએટ બનાવે છે ને મુંબઈ કરોડપતિ દોસ્ત ચમ્પાલાલને ઘેર નોકરી માટે મોકલે છે, જ્યાં એમની દીકરી ગીતા (શકીલા) સાથે વિજયને પ્રેમ થઈ જાય છે, જે કિશોરને નથી ગમતું. કિશોરના નાલાયક ફાધર લાલચંદ કિશોરને ગીતા સાથે પરણાવી લાખો-કરોડોની દૌલત હડપવા માંગે છે. કિશોર ફિલ્મના અંત સુધી ગીતા-વિજયના પ્રેમમાં રોડાં નાંખતો રહે છે ને છેલ્લે સહુ સારાવાનાં થાય છે.

નવાઈ એ વાતની લાગે કે, ફિલ્મમાં એક છાપાના તંત્રી બનતા મોની ચેટર્જીએ ગુરૂદેવ રવિંદ્રનાથ ટાગોર જેવી બાલ-દાઢી રાખી છે, એમાં એક જ દ્રષ્યમાં એક વખત માથાના વાળ વાંકડીયા છે ને કાચી સેકંડમાં બીજા દ્રષ્યમાં એ વાળ સીધાસપાટ કેવી રીતે થઈ જાય? આજની છોકરીઓ વાંકડીયા (કર્લી) વાળ સીધા કરાવવાના દસ-દસ હજાર રૂપિયા આપે છે... આ ફિલ્મ જોઈ લે તો સીધો દસ હજારનો ફાયદો કે નહિ?

'શ્રીમાન સત્યવાદી'માં આ ફિલ્મ આપણા ગુજરાતી નિર્માતા શ્રી.મહિપતરાય શાહે બનાવી હતી (ફિલ્મ 'રોજા' પણ એમની જ!) આ ફિલ્મના બે વર્ષ પહેલા જ રાજ કપૂરે એમની ફિલ્મ 'પરવરીશ'માં પૈસા કમાવી આપ્યા હતા, એટલે એ ફિલ્મના રાજ કપૂર, મેહમુદ અને સંગીતકાર દત્તારામને જ સાથે રાખીને 'શ્રીમાન સત્યવાદી' પણ બનાવી. આમાં અનિલ કુંબલે જેવું થયું.

અનિલે પાકિસ્તાન સામેની દિલ્હી ટેસ્ટમાં એક દાવની ૧૦-વિકેટો લઈ લીધી (મેચની ૧૪-વિકેટો) ને એ પછી તરતની જ ટેસ્ટમાં પાકિસ્તાન સામે બહુ પિટાઈ ગયો. એટલે જ સની ગાવસકર જેવા દિગ્ગજો સરસ શબ્દો વાપરે છે કે, ભિૈબંીા ૈજ ચ યિીચા યચસી ર્ક નીપીનનીિ. અર્થાત્, એક મેચમાં તમે સુપર હીરો હો ને બીજીમાં ઝીરો. અહીં પણ 'પરવરીશ' સુપરહિટ સાબિત થયેલી ને આ 'શ્રીમાન સત્યવાદી' તદ્દન ફ્લૉપ. પછી તો માર ખાધેલા મહિપતરાય ધાર્મિક ફિલ્મો બનાવવા ઉપર ચઢી ગયા. (મુંબઈના કોઈ કૉમેડી નાટકનું આવું નામ કેવું શોભે, ''માર ખાધેલા મહિપતરાય'...!!!)

ફિલ્મ 'કણ કણ મેં ભગવાન' (જેમાં સુમન કલ્યાણપુરનું મધરૂં ગીત હતું, 'અપને પિયા કી મૈં તો બની રે જોગનીયા'). એમાં ય શકરવાર વળ્યો નહિ ને છેલ્લે છેલ્લે તો પહેલા કરતા ય વધુ ફ્લૉપ અને ફાલતુ ફિલ્મો 'ધર્મેન્દ્ર-મીના કુમારીનું 'પૂર્ણિમા' અને દેવ આનંદ-આશા પારેખનું 'મહલ' બનાવીને કંપની બંધ કરી દીધી.

અલબત્ત, કંપની રૂપકલા પિક્ચર્સ બંધ થઈ હતી, નિર્માતા મહિપતરાય શાહ સક્રીય રહ્યા હતા.