Search This Blog

30/06/2017

ચાંદ પર ડાઘ ચલેગા, શર્ટ પર નહિ !

મને જેમણે પર્સનલી જોયો છે, એ બધાને ખબર છે, મારૂં કોઇ શર્ટ ડાઘ વિનાનું ન હોય. ચા, દાળ–શાક સ્યાહિ કે કાંઇ નહિ તો છેવટે છીંકના છાંટા ય ઊડે ખરા, જેને ગુજરાતીમાં કહે છે ને કે, ‘ઊડીને આંખે વળગે’ એવા. પણ મારી આંખે નહિ, મને જોનારાની આંખે ! ઝાડના થડ પર મંકોડા ચઢ્યા હોય, એવું શર્ટ એ છીંટાને કારણે લાગે. પી શકાય એવા કોઇ પણ પ્રવાહીનો શર્ટ ઉપર એકાદો ડાઘ તો હોય જ. (ચરીત્રનો ડાઘ હજી સુધી તો સ્ત્રીઓની કૃપાથી પડ્યો નથી ! જય અંબે)

એવું નથી કે, બજારમાં આવા ડાઘવાળા શર્ટો ય મળે છે ને હું ચાઈજોઈને એવા શર્ટો લઇ આવતો હોઉં. કૃષ્ણ વૃંદાવનમાં હોય તો ગોકુળથી પણ ગોપીઓને એ દેખાય, એમ મારા કોઇ પણ શર્ટ–ઝભ્ભા ઉપર દૂરથી દેખાય એવો એકાદો ડાઘ તો હોય જ. આપણે જેને બતાવવા ન માંગતા હોઇએ, એ બધીઓની પહેલી નજર એના ઉપર પડે. ઘણી મિલ્કતો પોતાની હોવા છતાં માલિક કરતાં બીજાની આંખે ઝાઝી વસી જતી હોય છે, એમ મારા ડાઘ ઉપર મારા કરતાં બીજાઓનું ધ્યાન વધારે જાય છે. અર્થાત્, ડાઘ વાઇફ જેવા હોય છે... આપણા કરતાં બીજાઓ બહુ જો જો કરતા હોય ! (કેટલાક વાઇફો ડાઘ જેવી હોય છે... એને ય બીજાઓ બહુ જો જો કરતા હોય ! આ તો એક વાત થાય છે.)

આપણે તો મારા શર્ટના ડાઘની વાત કરતા હતા. આવા શર્ટો પહેરીને સમાજને હું કોઇ નવી ફેશન આપવા માંગતો નથી. પણ ગમે તેટલું સાચવું, ખાસ કરીને નવા શર્ટ ઉપર મારાથી ડાઘો પડી જ જાય છે. આજકાલ તો નવું શર્ટ રૂ. ૨–૩ હજારમાં આવે છે અને ડાઘવાળા શર્ટ બજારમાં મળતા નથી કે, એમાં ડાઘની સાઇઝ પ્રમાણે આપણને એટલું ડિસકાઉન્ટ કાપી આપે. શર્ટ નવું હોય કે જૂનું, ડાઘ હંમેશા નવાનક્કોર હોવાનો. ડાઘ ૫૦–ઉપર પહોંચેલા પરિણિત માણસ જેવો હોય. એને પોતાના આકાર, રંગ કે સાઇઝ પર કાબુ હોતો નથી. એ તો અમીબાથી માંડીને મૅક્સિમમ એક લિસોટા જેટલો હોય. ફરક એટલો કે, ડાઘવાળું શર્ટ કાઢીને ફેંકી દેવાય છે... ભારતીય સંવિધાન મુજબ, પરિણિત પુરૂષને આવી જાહોજલાલી હોતી નથી.

એવું નથી કે, હું સાચવતો નથી. ચા કરતાં મારૂં ધ્યાન હવે પછી પડનારા ડાઘ ઉપર વધુ હોય છે. મોટાઓ કહી ગયા છે કે, બહુ સાચવવા જવામાં જ શર્ટ કે જીવન ઉપર ડાઘ પડી જતા હોય છે. આપણા કરતાં બેફિકરાઓ સારા અને આજ કારણે દારૂને જગતનું સર્વોત્તમ પીણું કહેવામાં આવે છે. બીજા કોઇ પણ પીણાંનો શર્ટ પર ડાઘ પડી શકે, દારૂનો ડાઘ પડતો ક્યાંય જોયો ? (સૂંઘ્યો હોય તો ખબર નથી !) દારૂનો ડાઘ બહુ બહુ તો જીંદગી ઉપર પડે અને એવા ડાઘને તો ભગવાને ય ધોઇ શકતા નથી. હું આ કારણે આગ્રહ કરતો હોઉં છું કે, હોટલમાં જઇને સમ્ભાર પીવા કરતાં ઘેર બેસીને દારૂ પીવો સારો... શર્ટ તો ન બગડે ! સામ્ભારનો ડાઘ પડે, શરાબનો નહિ. સુઉં કિયો છો ? રોજ રાત્રે ‘પૅગ’ મારનારાઓના કપડાં જોઇ લેજો. એક પણ ડાઘો ન મળે. અને ઘરમાં હોય એટલા ફૅમિલી મૅમ્બરોને લઇને હોટલમાં જમવા ઊપડેલાઓને જોજો. શર્ટ તો જાવા દિયો, એના કૉલર ઉપર દાલ મખની કે પાલક–પનીરનો લીલો ડાઘો પડ્યો હોય. ઘડીભર આપણે હેબતાઇ જઇએ કે મોંઢાને બદલે આવડો આ ગળેથી ખાતો હશે ? આ જ કારણે દારૂનો ડાઘ ન પડે, કારણ કે, પાલક–પનીર કરતાં દારૂ મોંઘો છે. કોઇ એવો બગાડ ન થવા દે. શરાબને રકાબીમાં કઢીને કે ચાની માફક ફૂંકી ફૂંકીને ન પીવાય. ચાર–પાંચ પૅગ ચઢાવેલાને ‘ચઢ્યા’ પછી આખો રૂમ હાલી જાય, એવો એ ઘુમ્મર–ઘુમ્મર થાતો હોય પણ ગ્લાસમાંથી એક ટીપું ય હેઠું પડવા નહિ દે. એક ટીપું વેડફાય, એ ય ૨૫–૫૦નું પડે. કોઇ પંખો ચાલુ કરો. દારૂનો ડાઘ શર્ટ ઉપર ભલે ન પડે, પણ જીંદગી ઉપર મોટો પડે છે, એવી સૌરાષ્ટ્રના ડાયરાના મારા લાડકા ગાયક–કલાકારશ્રી માયાભાઈ આહિરે એમની આહિર–કમ્યૂનિટી માટે અદ્ભૂત વાત કરી. ‘ગરવી રે ગુજરાતમાં આહિર વટ છે તમારો...’ અને આ વટ એટલા માટે છે કે, માયાભાઈએ એમની પૂરી કૉમને આહવાહન આપ્યું છે કે, દુનિયાભરનો એક પણ આહિર વ્યસની ન હોવો જોઇએ... દારૂ તો બહુ દૂરની વાત છે.

રોજ મને ચા આપતા પહેલાં મારી પત્ની અને વહુ એક રકાબી ચાલે એટલું ટુંકુ ભાષણ નિયમિત આપે છે, ‘‘જો જો, હાચવજો... શર્ટ પર ચા ઢોળાય નંઇ... અટાણે પે’લી વાર જ પેર્યું છે !’’ કેમ જાણે ચા માટે ખાસ હું શરીર પર ટુવાલ વીંટીને બેસું, તો વાંધો નહિ. એ લોકોને તો ટુવાલ પરના ડાઘા ય ન ગમે. જો કે, આમાં ગમવાની વાત ક્યાં આવી, પણ એ બન્નેની એ ફરિયાદ પણ છે કે, હું તો ટુવાલ ઉપર ડાઘા પાડીને નહાઈને બહાર નીકળું છું... કેમ જાણે ચાનો કપ હું બાથરૂમમાં લઇ જઇને પીતો હોઉં !

હું સહમત થાઉં છું કે, ગમે તેવી કાળજી રાખું, મારાથી ડાઘ રોકી શકાતા નથી. એ પડે જ ! મને કોઇ માનસિક અસ્થિરતા હશે, એવી શંકાથી મારા સસુરજી મને કાયમ શીખવાડતા, ‘‘જો બેટા, ચાયું પીતા વખતે નજરૂં દિવાલની કોર નંઇ રાખવાની. પીતા પીતા છત પર તો કોઇ’દિ નંઈ જોવાનું. હલહલ નંઇ કરવાનું. મૂછો ઊંચી લેવાની અને ધિયાન ફક્ત અડાળી (રકાબી)માં જ રાખવાનું. એમ ચાયું શેની ઢોળાય...?’’ એમની સલાહ પૂરી થાય, એ પહેલા જ મને છીંક આવી ને મોંમાંથી ચાનો ફૂવારો એમના શર્ટ ઉપર છૂટ્યો...!

કહે છે કે, વિજ્ઞાને આટલી તરક્કી કરી, પણ હજી સુધી શર્ટ પરના ડાઘા દૂર કરી શકે, એવું કોઇ દ્રાવણ શોધાયું નથી. સાબુથી માંડીને જાતજાતના નૂસખાઓની જાહેરાતો ટીવી કે છાપામાં આવે ખે, પણ ખિસ્સામાં ભરાવેલી બૉલપૅનનો આ મોટો વાદળી ડાઘો કાઢી બતાવો, લિયો હાલો ! ૧૬–વર્ષની સુંદર છોકરીના ચહેરા ઉપર કાળો તલ હોય, એ આમ તો ડાઘ જ કહેવાય ને ? કવિઓ તો એમાં ય ખુશ, ભલે ને પેલી કાળી ધબ્બ હોય ! આ તમારા કાળા રંગમાં તમારો ય વાંક નથી... ઈશ્વર તલ બનાવવા ગયો ને સ્યાહિ ઢોળાઇ ગઇ ! આવું આવું લખે એટલે પેલી તલ કઢાવવા માંગતી હોય તો ય ન કઢાવે ને બીજા બે ચોંટાડતી આવે ! તારી ભલી થાય ચમના, તલ પણ ડાઘનું કાયમી સ્વરૂપ છે. એ હવે ન નીકળે.

હું કોઇ પાર્ટી કે રીસૅપ્શનોમાં જઉં છું, ત્યાં જમવાનું પહેલા પતાવી લઉં છું. જે કામ માટે આવ્યા હોઇએ, ઐ પહેલું પતાવી લેવું, એ મારો સિદ્ધાંત કારણ... જમતી વખતે ડાઘ તો પડવાનો છે, એટલે પાર્ટી–શાર્ટી શરૂ થાય ને કોઇ જુએ એના કરતાં જતા રહેવું વધુ ફિફાયત પડે. તો ય, જો કે નાનપણમાં મા–બાપે શીખવ્યું હતું કે, આપણા ગુણો સમાજને બતાવવા, આપણી બેવકૂફો નહિ ! એટલે, જમતી વખતે પડેલા ડાઘને કોઇ જુએ નહિ, એ માટે મારા હાથ ઢાંકીને છુપાવું છું. કાળું ધન અને કાળો ડાઘ છુપાવવાની ચીજો છે. એ વાત જુદી છે કે, કાળા ધનને પકડવા સરકાર પોલિસ મોકલે છે....

ને એમાં ય, જેની પાસે સૌથી વધુ બ્લૅક–મની પકડાય, એમાં સમાજ અને સરકારમાં એની ઇજ્જત અને ડીમાન્ડ વધે છે. જેના ઝભ્ભા ઉપર સૌથી વધારે ડાઘા હોય એનો તો દરજીઓ ય ભાવ પૂછતા નથી ને ડાઘ કાઢીને રફૂ કરી આપવાની ના પાડે છે. ઢીંચણથી ફાટેલાં જીન્સ પાટલૂનો પહેરવાની ફેશન શરૂ થઇ છે એટલે મને આશા બંધાણી છે કે, કોક ’દિ સોનાનો સૂરજ ઊગશે અને મારા દેશના જુવાનીયાઓ ઢીંચણથી શરૂ કરીને થાપા ઉપર – બધે ડાઘાડૂઘીવાળા પૅન્ટ પહેરવાના શરૂ કરશે.

ડાઘની એક જ સિદ્ધિ છે કે... એ હોય આપણો, પણ આપણે જોવો પડતો નથી, ને બીજાઓને જોયા વિના રહેવાતું નથી.

સિક્સર
પારંપરિક રદ્દીફ–કાફિયાને સી.ઍલ. પર ઉતારી દઇને એકદમ યુવા ગઝલકાર તેજસ દવેએ અમદાવાદી ખાડીયાની બોલ ચાલ – પરંપરાના ફ્રૅશ રદ્દીફ–કાફિયા કેવા મિલાવ્યા છે.... વાઉં !
ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા સમજી લેજે,
છીદ્ર પડેલી હોડી તરતી એ... આ મૂકી, તારાથી જે થાય એ કરી લે,

ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશે’ પણ જંગલ રચવા–
એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય એ કરી લે.

25/06/2017

ઍનકાઉન્ટર : 25-06-2017

 * કહેવત છે કે, 'મોરના ઈંડા ચીતરવા ન પડે', પણ મોર તો ઈંડા મૂક્તો જ નથી, તો કહેવત કેવી રીતે પડી ?
- આ કોઇ ભૂખે મરતા પૅઇન્ટરે બનાવેલી કહેવત છે.
(
સ્વિટી ચંદારાણા, વડોદરા)

*
તમારો એક જવાબ ખૂબ ગમતો હતો. કોકનો સવાલ હતો કે, 'તમે ઊંટ પર બેઠા હો ને કૂતરૂં કરડી જાય તો ?' તમે જવાબ આપેલો, 'કૂતરાનો ટેસ્ટ આટલો ઊંચો હોય, એ જાણીને આનંદ થયો.' પણ તમે કોઇ જવાબી કાર્યવાહી કરો કે નહિ ?'
-
મારાથી એટલું નીચું ન જવાય.
(
સ્વપ્નેશ મોદી, વ્યારા)

*
આપણા જાસુસો પાકિસ્તાન કેમ નથી મોકલતા ? (પોસ્ટકાર્ડમાં સવાલ પૂછવાનું ફરી શરૂ કર્યું તેનો આભાર)
-
આપણે સામી છાતીએ લડનારા ભારતીયો છીએ... મોંઢે નકાબ પહેરીને પથ્થરો મારનારા કાયરો નથી.
(
પરેશ અંતાણી, રાજકોટ)

* કહે છે કે ભૂતને પિપળો મળી રહે છે, તમારો કોઈ ફૅવરિટ પિપળો ખરો ?
- બસ. અરીસો જોઇ લો.
(
શાંતિલાલ ચંદારાણા, વડોદરા)

* તમને 'સેલ્ફી' લેવાની ઇચ્છા થાય તો કોની સાથે લો ?
- સિંહ તો એકલો બેઠો હોય, એ જ ફોટા સારા આવે !
(
રસીલા દિલીપ શાહ, અમદાવાદ)

* વડાપ્રધાનપદ કાંટાળો તાજ છે. મોદી સાહેબના ત્રણ વર્ષના વહિવટ પછી આપનું શું
મંતવ્ય છે ?
- હજી સુધી તો એમના લમણાંમાં ક્યાંય લોહીની ખરૌચ દેખાઇ નથી.
(
મૂકેશ ડી. પ્રજાપતિ, વાંકાનેર)

* દેશમાં ભ્રષ્ટાચાર અનીતિ વધતા જાય છે. તમે શું કરો છો ?
બસ. લહેર કરીએ છીએ.
(
સુરેશ આચાર્ય, અમદાવાદ)

* અગમ બુદ્ધિ વાણીયો ને પચ્છમ બુદ્ધિ બ્રહ્મ. આ હકીકત છે કે અમારો ભ્રમ ?
- આવું પૂછીને બીજી જ્ઞાતિઓને તમે બુદ્ધિની લઠ્ઠ કીધી... આ હકીકત છે કે મારો ભ્રમ?
(
કિરીટ શાહ, રાણાવાવ)

* વાજપેયીજી, મોદીજી અને યોગીજીમાં કઈ સમાનતા છે ?
- જી.
(
દિલીપ આર. વોરા, અમદાવાદ)

* ભારતના કથાકારો રાષ્ટ્રગીત ગવડાવે, એ સમજી શકાય, પણ દેશના રાષ્ટ્રપતિને રાષ્ટ્રભાષા ન આવડે, એ દુ:ખની વાત નથી ?
- એમના જોધપુરી શૂટ સુંદર
હોય છે.
(
વિશનજી નરભેરામ ઠક્કર, મુંબઈ)

* ડૉક્ટરોના અક્ષરો ખરાબ કેમ હોય છે ?
- ઈન્કમટૅક્સ એમને ય ભરવો પડતો હોય છે.
(
સુરેખા વોરા, અમદાવાદ)

* માંડવીના દરિયાકાંઠે ઘોડાવાળાએ મને પૂછ્યું, 'ઘોડા ઉપર બેસવું છે ?' મેં ના પાડી. ૪૦-વર્ષ પહેલા સાસરાના ગામમાં ઘોડે બેઠો હતો, એની કળ હજી વળી નથી. આપનો અભિપ્રાય ?
- અભિપ્રાય ઘોડાનો લેવો જોઈએ.
(
મણીલાલ ડી. રૂઘાણી, રાણાવાવ)

* વાચકોએ પૂછેલા સવાલોના જવાબ આપવાને બદલે તમે સામો સવાલ કેમ પૂછો છો?
- ક્યારે પૂછ્યો ?
(
ભરત અંજારીયા, રાજકોટ)

* દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે દૂર થશે ?
- કલાકેક રાહ જુઓ.
(
આર. એન. કાનાબાર, માણાવદર)

* છાપામાં અવસાન પામેલી વ્યક્તિના બેસણાંની જાહેરાતો આવે છે, તો જન્મેલા બાળકની જાહેરાતો કેમ નહિ ?
- અરે આવું કોણે કીધું તમને ? તમે ઇચ્છો ત્યારે જાહેર ખબર આપી શકો છો.
(
ટી. એસ. પરમાર, આણંદ)

* ભણતરનો ભાર ક્યારે ઓછો થશે ?
- બસ. ડીગ્રી મળી જાય એટલે તરત !
(
મહિમા રાવલ, સુરત)

* મોટા ભાગના હાસ્યકારો બ્રાહ્મણ છે, એનું કારણ શું ?
- કારણ કે, મોટા ભાગના બ્રાહ્મણો હાસ્યકારો છે.
(
પ્રતાપભાઈ બી. ઠાકોર, માતર-ખેડા)

* પ્રશ્નકર્તાઓને કોઇ સલાહ ?
- એક સપ્તાહમાં એક જ સવાલ લેવાય. વીસ-પચ્ચીસ સવાલો પૂછો, તો બાકીના રદબાતલ થાય !
(
મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* મારી બીજી પત્ની રિસાઇ ગઇ છે. મનાવવાનો કોઇ રસ્તો બતાવશો ?
- ત્રીજી લાવવાની ધમકી આપો.
(
ઉત્તમભાઈ એચ. પટેલ, લાજપોર-સચિન)

* રાહુલજીના લગ્ન કરાવવાનું સોનિયાજીને કેમ સૂઝતું નથી ?
- આજકાલ રાહુલજી ગીતા-ઉપનિષદ વાંચી રહ્યા છે. એનું ઈટાલિયનમાં ભાષાંતર કરી લે, પછી મૉમ રસ્તો બતાવે ને !
(
રઝાહુસેન બચુભાઈ, મહુવા)

* પોસ્ટકાર્ડ પર સવાલ પૂછવાનું ફરી શરૂ કરાવ્યું, એ બતાવે છે કે, તમારૂં મગજ હજી કામ કરે છે.
- મેં તો કેવળ તમારા સાયકિઆટ્રિસ્ટની ભલામણ માનીને તમારો સવાલ લીધો છે.
(
ગૌરી વી. કાચા, અમદાવાદ)

23/06/2017

'દીવાર' ('૭૫)

ફિલ્મ : 'દીવાર' ('૫) 
નિર્માતા  :  ગુલશન રાય
દિગ્દર્શકયશ ચોપરા
સંગીત : રાહુલદેવ બર્મન
કથા :  સલિમ-જાવેદ
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ : ૧૭૬-મિનિટ્સ
થીયેટર : અલંકાર (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, શશી કપૂર, પરવિન બાબી, નિતુ સિંઘ, નિરૂપા રૉય, સત્યેન કપ્પુ, મનમોહન કૃષ્ણ, મદન પુરી, જગદિશ રાજ, ઈફ્તેખાર, સુધીર, રાજ કિશોર, મોહન શેરી, અલંકાર જોશી, યુનુસ પરવેઝ, રાજુ શ્રેષ્ઠા, રજન વર્મા, એ.કે. હંગલ, દુલારી, ડી.કે. સપ્રૂ, કમલ કપૂર, કુલજીત સિંઘ, મૂલચંદ, વિકાસ આનંદ, રવિકાંત, પરદેસી.

ગીતો
૧. દીવારોં કા જંગલ જીસકા આઝાદી હૈ નામ... મન્ના ડે, સાથી
૨. મૈંને તુઝે માંગા તુઝે પાયા હૈ... તુને મુઝે...   આશા-કિશોર
૩. ઈધર કા માલ ઉધર જાતા હૈ... હમ સબ જાનેં... ભૂપિન્દર સિંઘ
૪. કોઈ મર જાયે કિસપે યે કહાં દેખા હૈ... આશા ભોંસલે, સાથી
૫.કહે દૂં તુમ્હેં, ક્યા ચૂપ રહું, દિલ મેં મેરે આજ ક્યા... આશા-કિશોર
અમિતાભ બચ્ચનથી વિરાટ હજી સુધી હિંદી ફિલ્મોમાં બીજો એક પણ એક્ટર આવ્યો હોય તો
, એ તમારો પર્સનલ મત છે. મને કોઈ પૂછતું ત્યારે હું બેધડક કહેતો અને આજે ય કહું છું કે, સર્વોત્તમ એક્ટર તો દાદામોની-અશોક કુમાર જ! આટલી બે લાઈનોમાં જ ઘણા વાચકો ગુસ્સે થઈ જશે કે, ''તો શું દિલીપ કુમારને બાલાસિનોર મોકલી દેવાનો છે? સૌથી મોટો એક્ટર તો દિલીપ કુમાર જ છે.''

ઓહ... આ વિવાદ તો કેટલા વર્ષો સુધી ચાલે એવો છે! જેવી જેની પસંદ, એ છટકબારી ઉપર વાત પૂરી કરવી નથી, હસી પડવું છે. અશોક કુમારને પણ બચ્ચનની સરખામણીમાં એક-બે કારણે દસમાંથી દસ માર્કસ ન આપી શકાય. એક તો, બચ્ચન જેટલી કિરદારોની વેરાયટી દિલીપની જેમ અશોકને પણ નથી મળી. દિલીપ વધારે કમનસીબ કે, પ્રારંભની ફિલ્મોમાં એને રોતડાં અને ભગ્ન હૃદયના પ્રેમીના એકના એક જ રોલ કરવા મળ્યા.

'
આન', 'આઝાદ', 'કોહીનૂર' અને 'ગંગા જમના'થી એના અભિનયમાં (પ્રેક્ષકોને ગમે એવો) વળાંક આવ્યો, પણ ભ'ઈ વર્ષે-બે વર્ષ એક ફિલ્મ માંડ કરતા હોવાથી રોલ તો એને એના એ જ પ્રેમીના મળ્યા. દિલીપની સેકન્ડ ઈનિંગ્સમાં પણ એને જેટલી ફિલ્મો મળી, એમાં એના અભિયનમાં તો કોઈ ભૂલ કે સૂચન કરી શકાય એવું નહોતું. એ બેસ્ટ જ હતો, પણ કિરદારોની વેરાયટી એને એટલી ન મળી, જેટલી અમિતાભ બચ્ચનને આજ સુધી મળી રહી છે.

એમાં મોટો ફાયદો એને હાઈટનો મળ્યો. ઈન્ડિયનોએ, ઈવન આજ સુધી આટલા લાંબા, પર્સનાલિટીવાળા હેન્ડસમ માણસો ફિલ્મોની બહાર પણ જવલ્લે જ જોયા છે. બેઝ-વૉઈસ હોવાથી, અજાણતામાં આપણાથી ય ભૂલમાં એનો નંબર લાગી ગયો હોય તો, ''ઓ યાર... આ તો કોઈ મોટા માણસને લાગી ગયો...'' એવી લઘુતાગ્રંથિમાં આવી જવાય.

લાંબા પગને કારણે એ સોફા ઉપર બેઠો હોય તો, બે ઘડી એની સામે જોયે રાખવાનું મન થાય... અને આપણે એવું બેસવા જઈએ તો બાબાને પ્રાથમિક શાળામાં ભણવા બેસાડયો હોય, એવું લાગે! (ન લાગતું હોય તો ના પાડવી... કદાચ તમે એવા લાગતા પણ હો... (બાબા જેવા નહિ, બચ્ચન જેવા!)

કહેવાનો નાનકડો મતલબ એટલો જ છે કે, ફિલ્મે ફિલ્મે અમિતાભે જે રોલમાં વેરાયટી આપી છે, તે બીજા 'એક પણ' અભિનેતાએ નથી આપી. (અહીં તમને મારી સાથે અસહમત થવાની છુટ તો પૂરી છે, પણ દાખલા આટલા બધા આપવા પડશે, જેટલું નોખાપણું બચ્ચનબાબુ લઈ આવ્યા છે!) ફિલ્મ તો ફિલ્મ, એનું 'કૌન બનેગા કરોડપતિ'માં કેવું સામર્થ્ય બતાવ્યું છે! એ જ સીટ ઉપર ટ્રાયલ પૂરતો શાહરૂખ ખાનને પણ બેસાડવામાં આવ્યો હતો, પણ શાહરૂખના ગરમ લ્હાય જેવા ચાહકોએ પણ આ બાબતે મૌન રાખ્યું હતું.

ઑલમોસ્ટ દરેક ફિલ્મ એકબીજાથી તદ્દન અલગ રોલ કરવામાં અમિતાભનો હજી સુધી કોઈ સાની થયો નથી. 'શોલે', 'દીવાર' કે 'ડૉન' તો સમજ્યા, પણ બીજા કોઈને શોભે નહિ એવી પડકારરૂપ ફિલ્મોની ફેહરિસ્ત તો જુઓ! 'ચીની કમ', 'શરાબી', 'અગ્નિપથ', 'જંઝીર', 'આનંદ', 'શક્તિ', 'સિલસીલા', 'ખાખી', 'બ્લેક', 'સરકાર', 'પા', 'આંખે', 'જુર્માના' ઉપરાંત તમને અત્યારે યાદ આવી ગઈ ને હું ગોથાં ખાધે રાખું છું, એવી થોડી ફિલ્મો જેમાં અભિનયની ખૂબીઓ કેવળ અમિતાભ બચ્ચને બતાવી છે.

એની આ આજની ફિલ્મ 'દીવાર' જોઈને સૌથી વધુ ખુશ સ્મગલર હાજી મસ્તાન થઈ ગયો હતો. આ ફિલ્મ 'દીવાર' મસ્તાનના સ્મગલિંગ દિવસોના પ્રારંભ ઉપર બનેલી ફિલ્મ છે.

'
દીવાર'માં બીજો હીરો શશી કપૂર છે. 'મેરે પાસ માં હૈ' જેવો હવે વિશ્વપ્રસિધ્ધ થઈ ચૂકેલો સંવાદ શશી બાબાના ફાળે આવ્યો હતો, પણ બસ, એટલું જ! પછી કાંઈ નહિ! શશીની ફિઝિકલ પર્સનાલિટી પાસે તો સ્વયં અમિતાભ ઝાંખો પડે... પડે ને? અને એવા તો બહુ બધા શશીઓ છે, છતાં '૬૯-માં આવ્યો ત્યારથી અમિતાભ આજ સુધીનો સુપરસ્ટાર છે. વચ્ચે ખન્નું (રાજેશ ખન્ના) અને શત્રુઘ્ને બહુ ફૂંફાડા માર્યા... બેમાંથી એકે ય નું કાંઈ ઉપજ્યું? નહિ તો શશી કપૂર મારો સૌથી વધુ રૉમેન્ટિક અને ડેશિંગ-પર્સનાલિટીવાળો હીરો છે.

આ કદાચ ઑવરસ્ટેટમેન્ટ થઈ જશે, પણ શશી બાબાની સુંદરતા તો એના બે લેજેન્ડરી ભાઈઓ પાસે ય નહોતી. રાજ અને શમ્મી દેખાવડા તો ખૂબ હતા, પણ કપડાં શશીને વધારે શોભતા હતા. એણે પહેર્યા છે પણ અનોખા અને અલગ-અલગ, ચાહે જર્સી હો, સ્વેટર હો, શૂટ કે એનો મનપસંદ સફેદ ડ્રેસ, જે પોતાની કોઈપણ ફિલ્મમાં તો એ એક વાર પહેરે જ!

આ ફિલ્મમાં બન્નેના રોલ પ્રેક્ષકોને ગમે એવા છે. હિંદી સિનેમાની મેન્ટલિટી પ્રમાણે ફિલ્મમાં હીરો હોય તો હીરોઇન આપવી જ પડે. બે હીરો હોય તો બે હીરોઇનો! ('સત્તે પે સત્તા'માં સાત હીરોઇનો હતી.)

ફિલ્મની વાર્તાના અંશો પ્રગટ કરીએ :
નાનકડા બચ્ચન-શશીના પિતા સત્યેન કપ્પૂ એક મિલમાં યુનિયન લીડર છે. એની પત્ની નિરૂપા રૉય ડઘાઈ જાય છે કે, એક ભ્રષ્ટ ઉદ્યોગપતિ સત્યેનને ધમકી આપે છે કે, આ યુનિયન-પ્રવૃત્તિઓ બંધ નહિ કરે, તો એના પરિવારને બહુ સહન કરવું પડશે.

બાકીના કામદારોને ખબર પડતી નથી કે, સત્યેનને જબરદસ્તી 'ફોડી' નંખાયો છે અને એ બધા એની ઉપર હૂમલો કરી એમના હાથમાં આવી ગયેલા નાના બચ્ચનના હાથ ઉપર છૂંદડું (આજની ભાષામાં 'ટેટુ') છુંદાવે છે કે, 'મેરા બાપ ચોર હૈ'. દુનિયાથી ડરીને સત્યેન તો ઘર છોડીને નિરૂપા રૉયને સહારે બન્ને છોકરાઓને મુકતો જાય છે. બચ્ચન પેટીયું રળવા માટે બૂટ-પૉલિશ કરે છે, જ્યાં એક દિવસ દાણચોર ઈફ્તેખાર જૂતાંની પોલિશ કરાવવા આવે છે અને પૈસા બચ્ચન પાસે ફેંકે છે.

સ્વભાવથી એન્ગ્રી બચ્ચન કહે છે, 'સેઠજી, મૈં ફેંકે હુએ પૈસે નહિ લેતા...' એ પછી મુંબઈના ડૉકયાર્ડમાં છૂટક મજૂરીનું કામ કરતા બચ્ચનને ગુંડાઓના બૉસ સાથે જામી પડે છે. એ બધાને ફટકારતો જોઈને બીજી મોટી ગેન્ગવાળા બચ્ચનને પોતાની ગેન્ગમાં શામેલ કરે છે.

આ બાજુ રવિ એટલે કે, શશી કપૂરને નિતુ સિંઘ સાથે પ્રેમો કરવાનું છુટક કામ દિગ્દર્શકે સોંપ્યું છે, જેમાંથી નવરાશ મળે ત્યારે એ પોલીસ ખાતાની નોકરીનો દહાડો ભરી આવે છે. નિતુ પાછી પોલિસ ઉચ્ચ અધિકારીની દીકરી છે. એક સામાન્ય સબ-ઈન્સપેક્ટર હોવા છતાં શશીને સ્મગલરોને પકડવાનું કામ સોંપાયું છે, જેમાં પોતાના ભાઈ સહિત અન્ય ભાઈલોગને પકડે છે.

મૂંઝવણ એ થાય છે કે, ભાઈને બચાવવો કે નોકરી ચાલુ રાખવી! ઓકે. ભાઈઓ આ દેશમાં જોઈએ એટલા મળી રહેશે, નોકરી નહિ મળે, એટલે નોકરી પસંદ કરીને મા સાથે અબજોપતિ બની ચૂકેલા બચ્ચનથી જુદો રહેવા જાય છે.

જુદા થયા પછી એકાદી પ્રેમિકા તો જોઈએ, એટલે બાર-ક્લબમાં ડાન્સ કરતી પરવીન બાબી સાથે માત્ર પ્રેમ નહિ, શરીર-સંબંધ પણ થાય છે, એટલે એ ગૂન્હાઈત જીંદગી છોડવાનો મનસૂબો કરે છે. પણ મદન પૂરી પરવિનની ઘાતકી હત્યા કરે છે, એનો બદલો લેવા એ મદનને મારી નાંખે છે. એનો પીછો કરતા બાહોશ પોલીસ સબઈન્સ્પેક્ટર શશી કપૂરની ગોળીથી અમિતાભ ઘવાઈને જીવનમાં પહેલી વાર મંદિર જાય છે, જ્યાં એની મા ના ખોળામાં પોતાનો દેહ છોડે છે.

'
ફિલ્મફેર' એવોર્ડ ફંક્શનમાં આ ફિલ્મે છાકો પાડી દીધો. શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક યશ ચોપરા, શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટર શશી કપૂર, શ્રેષ્ઠ વાર્તા સલિમ-જાવેદ, શ્રેષ્ઠ પટકથા સલિમ-જાવેદ અને શ્રેષ્ઠ સાઉન્ડ એમ.એ. શેખને એવોર્ડ્સ મળ્યા હતા.

જોવાની ખૂબી એ છે કે, શ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ અમિતાભને નહોતો મળ્યો, નિરૂપા રૉયને પણ નહિ.

જાણવાની ગમ્મત પડે એવી વાત એ છે કે, ફિલ્મમાં બચ્ચન ડેનિમ બ્લ્યૂ શર્ટ અને ખાખી પેન્ટ ઉપરાંત ગળામાં દોરડું રાખીને ફરે છે. બચ્ચનની જ કબુલાત મુજબ, દરજીની ભૂલને કારણે શર્ટ વિચિત્ર સિવાઈ ગયું હતું અને બેકાર સિવાઈ ગયેલી બાંયોને ઢાંકવા પૂરતું જ એને દોરડું રાખવું પડે છે. મૂળ તો બચ્ચન-શશીના રોલ માટે રાજેશ ખન્ના અને નવિન નિશ્ચલની પસંદગી થઈ હતી, પણ સલિમ-જાવેદના માનવા પ્રમાણે કેવળ અમિતાભ બચ્ચન જ આ રોલને ન્યાય આપી શકશે, માટે એ લેવાયો હતો.

ભારે કરૂણા ઉપજે રાહુલદેવ બર્મન જેવા દિગ્ગજ સંગીતકાર માટે! એણે બધું મળીને ૨૯૬-ફિલ્મોમાં સંગીત આપ્યું. ૧૯૬૧-માં એણે પહેલી ફિલ્મ 'છોટે નવાબ'માં સંગીત આપ્યું. એ પછી ૭-૮ વર્ષો સુધી થોડું ઘણું બરોબર ચાલ્યું - ખાસ કરીને ફિલ્મ 'તીસરી મંઝિલ'ના મ્યુઝિકમાં એણે હિંદી ફિલ્મ સંગીતનો પૂરો ટ્રેન્ડ બદલી નાંખ્યો. પણ '૭૦-પછી રીતસરનો ધબડકો થવા માંડયો. ભ'ઈ પૈસાની લાલચે, હાથમાં આવે એ બધી ફિલ્મો સ્વીકારવા લાગ્યા.

આ તો આંકડા બોલે છે માટે અહીં લખી શકાય કે, '૭૫ પછી તો એવો તબક્કો આવ્યો કે, બર્મન એક વર્ષમાં સરેરાશ ૨૦-૨૦ ફિલ્મોમાં સંગીત આપવા માંડયા.

આ તો હું નામ પૂરતો સંગીત સાથે સંકળાયેલો છું, માટે કહી શકું કે, એક ફિલ્મના સરેરાશ ૫-ગીતો ગણીએ તો ૨૦-ફિલ્મોના એક વર્ષમાં ૧૦૦-ગીતો થયા અર્થાત્, ૩૬૫-દિવસમાં દર બે દિવસે એને એક નવું ગીત બનાવવાનું આવે. એની ધૂનો સૂઝવી, વાદકોને રીહર્સલો કરાવવા, રેકોર્ડિંગમાં કેટલો સમય જાય, એ તો જાણકારો જાણે છે.

મતલબ, એ જમવા ભેગો ક્યારે થતો હશે (એમાં ય 'પીવાની' ટેવ તો જુદી!), ધૂનો ક્યારે બનાવતો હશે... આમાં ક્વૉલિટી ક્યાંથી આવે? આર.ડી.ના ડાયહાર્ડ ફેન્સને પૂછી જોજો કે એની ૨૯૬-ફિલ્મોમાંથી 'ગમવાની તો બહુ દૂરની વાત છે... સાંભળ્યા છે કેટલા?' વેઠ ઉતરવા માંડી એટલે એને નિયમિત કામ આપનારા પ્રોડયુસરોએ એને પડતો મૂકીને બીજા સંગીતકારોને લેવા માંડયા.

એમાં તો આર.ડી.ને હાર્ટ-એટેક આવ્યો અને ગૂજરી ગયો. એના વફાદાર પ્રોડયુસર સુભાષ ઘાઈએ કંટાળીને આર.ડી.ને બદલે ફિલ્મ 'રામલખન'માં લક્ષ્મીકાંત-પ્યારેલાલને લીધા, એ સહન ન થયું ને એટેક આવી ગયો.

(
વધુ આવતા અંકે)