Search This Blog

29/11/2015

ઍનકાઉન્ટર : 29-11-2015

* આ દિવાળીએ ચાયનીઝ ફટાકડા કરતા આપણા લોકલ વેપારીઓએ ગ્રાહકોને બહુ લૂંટયા, એવું તમને નથી લાગતું ?
-'જબ દેશ મેં થી દિવાલી, વો ખેલ રહે થે હોલી, 
જબ હમ બૈઠે થે ઘરોં મેં, વો ઝેલ રહે થે ગોલી...' 
સરહદો ઉપર ચીન-પાકિસ્તાન સામે જીવતા બૉમ્બ ઝીલીને આપણી રક્ષા કરતા સૈનિકોને મરતા જોઇને લાગે છે કે, ચીન-પાકિસ્તાન જેટલા જ આપણા વેપારીઓ વધુ ખતરનાક દુશ્મનો છે. કોનાથી વધારે બચવાનું છે ?
(શિવાની એફ. દવે, અમદાવાદ)

* તમારી પાસે ભગવાનના ઘરનો લૅન્ડ-લાઇન નંબર છે ?
-આવું કાંઈ હોય તો ફોન મને લગાવવો.
(રાકેશ રાઠોડ, માળીયા-હાટીના)

* તમને નથી લાગતું, દેશ ધર્મ કરતા વધારે ગૌણ થઈ ગયો છે, એ તમારી હૈયાવરાળ સદંતર ખોટી છે ? સાચો ધર્મિષ્ઠ કદી દેશને ગૌણ ન ગણે.
- માત્ર એક નામ મોકલાવો-એવા સાધુસંતનું, જેના વ્યાખ્યાનોમાં એક વાર પણ દેશભક્તિનો જીક્ર થતો હોય !
(ગીરિશ એન. પટેલ, સુરત)

* સ્ત્રીઓ સ્ત્રી હોવાનો વધુ પડતો ફાયદો ઉઠાવે છે, એવું તમને નથી લાગતું ?
-જે પુરૂષ સ્ત્રી જેવો હોય, એની સામે આવા ફાયદાઓ ઉઠે એ તો !
(આશિષ પાનસેરીયા, નેસડી-સાવરકુંડલા)

* ધો. ૧૨નું રીઝલ્ટ દર વર્ષે ડાઉન કેમ થતું જાય છે ?
-કોક કહેતું'તું કે, હવે પૅપરો તપાસાઇને માકર્સ મૂકાય છે.
(યોગેશ ચીકાણી, નેકનામ-ટંકારા)

* ભ્રષ્ટાચાર, પ્રદુષણ અને અંધશ્રધ્ધા વિનાનું ભારત ક્યારે બનશે ?
-ભારતમાં ભ્રષ્ટાચાર અને પ્રદુષણ છે, એ તમારી અંધશ્રધ્ધા છે.
(કલ્પિત પટેલ, કરજણ)

* 'ઑનલાઇન' શૉપિંગ વિશે તમે સુઉં કિયો છો ?
-એક દોસ્તને માં-બાપનો સૅટ ખરીદવો છે. કોક ધ્યાનમાં હોય તો કહેજો.
(રવિ પટેલ, અમદાવાદ)

* શું માણસ પોતે જ એક શક્તિ છે ?
-તમને કોક બાવો ભટકઇ ગયો લાગે છે ! ઘરમાં પાણી ભરેલું એક પીપડું ખસેડી જુઓ, એટલે બધી ખબર !
(અજય શીંગાડીયા, રાજકોટ)

* 'હું ખાતો નથી અને ખાવા દેતો નથી.' તો પછી લોકો ખાશે શું ?
-આવું તેઓશ્રીએ પોતાના માટે કહ્યું હશે.... પોતાના પક્ષ માટે નહિ !
(જુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* સરકાર ખેડુતો વિશે ક્યારે વિચારશે ?
-યૂ મીન... સરકાર વિચારી પણ શકે છે ? હાઉ નાઇસ...!
(બી.જે. મોરી, વિંઝુવાડા)

* કોઈ ચાહક તમારો ઓટોગ્રાફ માંગવા આવે છે ત્યારે કેવી લાગણી અનુભવો છો ?
-'થૅન્ક ગૉડ.... એણે ફોટોગ્રાફ નથી માંગ્યો !'
(પ્રતિષ્ઠા એલ. પરીખ, સુરત)

* તમારી દ્રષ્ટિએ તમારાથી વધુ સારો હાસ્યકાર કોણ ?
-આ સ્થાન કોઈ એકને કાયમી આપી શકાય એવું નથી. ઑફિસ કે ઘરમાં કોઇએ સિક્સર મારી હોય ને તમને ઝાલી રાખી ન શકાય એટલું બધું હસવું આવતું હોય, તો એ ક્ષણે તમારા માટેનો સર્વોત્તમ હાસ્યકાર એ બની જવાનો છે.
(પૂર્વી ચીનાવાલા, સુરત)

* શું, હવે આ ઉંમરે પણ દિલીપ કુમાર અને વૈજયંતિમાલા વચ્ચે અબોલા ચાલુ છે ?
-સાયરાબાનુએ કામચલાઉ સમાધાન બંને વચ્ચે કરાવી દીધું હતું... પણ મન, મોતી અને વૈજયંતિ.. એક વાર તૂટયા પછી સંધાય નહિ !

* તમને કેવા લોકોથી સખ્ત નફરત છે ?
-મારી નફરત બહુ મૂલ્યવાન ચીજ છે. જેને તેને માટે વાપરી નંખાય નહિ. એનું સ્ટાન્ડર્ડ કેટલું ઊંચુ જતું રહે કે, 'હું' એને નફરત કરૂં છું, હજી સુધી તો કોઈ ભાગ્યશાળી નીકળ્યો (કે નીકળી) નથી.
(ચેતન સી. કાયસ્થ, વડોદરા)

તમારી સમજ મુજબ, આખા વિશ્વની સર્વશ્રેષ્ઠ જગ્યા કઈ ?
-કમોડ.
(પ્રેમાંગ સી. પુરોહિત, વાપી)

* ટીવીને આપવામાં આવેલી 'ઇડિયટ-બૉક્સ'ની ઉપમા તમને સાચી લાગે છે ?
-ના. મને ટીવી જોવું ગમે છે... ખાસ કરીને કપિલ શર્મા, તારક મેહતાકા ઊલટા ચશ્મા અને સૌથી વધુ... ઍનિમલ પ્લૅનૅટ.... જેમાં જાણે આપણા ઘરનું જ બધું બતાડતા હોય એવું લાગે !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* તમે દેશભક્તિ માટે લખો છો, એ માટે ગૌરવ છે, પણ સફળ કેટલા થયા ?
-ચલો, તમારાથી શરૂઆત તો થઈ !
(વિપિન શાહ, મઢી-બારડોલી)

* તમને ક્યારેક ધાર્યું કરવા ન મળે, ત્યારે શું કરો છો ?
-ત્યારે હું યાદ કરી લઉં છું કે, હું પરણેલો પુરૂષ છું, એટલે ઠંડો પડી જઉં છું.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* મહાદવેના ગળામાં નાગ જ કેમ ?
-મફલર આપણા ગળામાં સારૂં લાગે ને નાગ એમના ગળામાં. આમાં અદલાબદલી આપણને પોસાય એવી નથી.
(વિવેક રબારા, અમદાવાદ)

* 'સરકાર સાથે સહકાર, તે જ અધિકારીગણનો વિકાસ'... તો પ્રજાનું શું ?
-આખા ગાંધીનગરમાં પ્રજા માટે કંઇક વિચારનારા તમે એકલા નીકળ્યા !
(ચિત્તરંજન બારિસ્તા, ગાંધીનગર)

* શિષ્ટાચાર અને સદાચાર વચ્ચે શું ફરક ?
-બંને ગવર્નમેન્ટ ઑફિસોમાં હોવાની શકયતા નથી.
(ચિરાગ કટારિયા, મોરબી)

* ૨-૩ મહિના પહેલા અમદાવાદમાં તમને એક પુસ્તકના વિમોચનમાં સાંભળ્યા પછી એવું લાગ્યું કે, ઑડિયન્સ તમને સાંભળવા વધુ આવે છે !
-હા. એક વખત 'મૌન' વિષય ઉપરની ચર્ચામાં હું ૪૦-મિનિટ સ્ટેજ પર મૌન બેઠો રહ્યો હતો... પછી તો કાર્યક્રમ પૂરો થઈ ગયો, ત્યારે છૂટેલા શ્રોતાઓએ મને ખૂબ અભિનંદનો આપ્યા હતા.
(નરગીસ અબ્દુલ્લા, મુંબઈ)

* ફુરસતનો સમય કઈ રીતે વિતાવો છો ?
-મારા વિશે વિચારવાનું બંધ કરી દઉં છું.
(જયેશ અંતાણી, ભાવનગર)

* દીકરા કે દીકરીના નામ પાછળ પપ્પાનું જ નામ કેમ લખાય છે, મમ્મીનું કેમ નહિ ?
-ઉલ્લાસભાઈ તમારી મમ્મી છે ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જુનાગઢ)

* વ્યાપમ કૌભાંડના દોષીઓ એક પછી એક મરી રહ્યા છે...
-પૉસિબલ છે, ઇન્ડિયન પીનલ કોડ બદલાયો હોય !
(સાધના નાણાવટી, જામનગર)

27/11/2015

'આધી રાત કે બાદ' ('૬૫)

અશોક કુમાર વન મેન શો

ફિલ્મ : 'આધી રાત કે બાદ' ('૬૫)
નિર્માતા : રાજન હકસર
દિગ્દર્શક : નાનાભાઈ ભટ્ટ
સંગીત : ચિત્રગુપ્ત
ગીતકારો : પ્રેમ ધવન-આનંદ બક્ષી
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ
થીયેટર : (અમદાવાદ) ખબર નથી.
કલાકારો : અશોકકુમાર, રાગિણી, શૈલેષકુમાર, આગા, ઉલ્હાસ, મુરાદ, રાજન હકસર, પદ્મા ચવ્હાણ, રણધીર, જાનકી દાસ, સજ્જન, મજનુ, કુંદન, બાલમ અને નયના.

ગીતો
૧.બડી રંગીન હૈ રંગૂન કી યે શામ લતા મંગેશકર
૨.મુખડે પે તેરે બીજલી કી ચમક... ચલ થમ કે જરા મુહમ્મદ રફી
૩.ઓ ગોરી તોરી બાંકી, બાંકી ચિતવન સે ઉલઝ કે જીયા મન્ના ડે
૪.બહોત હંસિ હૈ, તુમ્હારી આંખે, કહો તો મૈં સુમન કલ્યાણપુર-રફી
૫.કાફિર નઝર ટકરાઈ, દિલ કી હુઈ રૂસવાઈ આશા ભોંસલે-રફી
૬.મેરા દિલ બહારોં કા વો ફૂલ હૈ, જીસે ગુલસિતાં સુમન કલ્યાણપુર 
છેલ્લા બે ગીતો આનંદ બક્ષીના... બાકીના પ્રેમ ધવનના છે.

'અશોક કુમાર... સિર્ફ નામ હી કાફી હૈ...' અહીં હું મારી વાત નથી કરતો, પૂજનીય દાદામોની અશોક કુમારની વાત કરું છું. તમે જરા જુઓ તો ખરા કે, '૫૦ થી '૭૦ના દાયકાઓમાં એમણે એવી એવી ઘટીયા ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં પ્રેક્ષકોને દાદામોની તો પૂરા સદભાવથી ગમ્યા અને યાદ રહી ગયા હોય. 'મિસ્ટર એક્સ' અને 'આધી રાત કે બાદ' જેવી ફિલ્મો વિશે તમારો અભિપ્રાય ગમે તે હોય,

અશોક કુમાર માટે કોઈ ફરિયાદ ન હોય. એ બિમલ રૉયની ફિલ્મમાં કામ કરતા હોય કે છેલ્લા પાટલાના આપણા ગુજરાતી દિગ્દર્શક નાનાભાઈ ભટ્ટની ફિલ્મમાં કામ કરતા હોય.. કામ બિમલ રૉયની ફિલ્મો જેવું જ આપવાનું... ને માટે એ હિંદી ફિલ્મોના આજ સુધીના સર્વોત્તમ એકટર કહેવાયા ! હીરો તમને કોઈ પણ ગમતો હોય, પણ એક એક્ટર તરીકે એમના મૂલ્યાંકનમાં વાળસરીખી ય ભૂલ કાઢી ન શકો.

'આધી રાત કે બાદ' બનાવી તો હતી, પેલા લાંબા, ગોરા અને ટાલીયા ખલનાયક રાજન હકસરે, પણ દિગ્દર્શન સોંપ્યું નાનાભાઈ ભટ્ટને ! આ નાનાભાઈ (સાચું નામ યશવંત ભટ્ટ : જન્મ તા. ૧૨ જૂન, ૧૯૧૫ - પોરબંદર : મૃત્યુ ૨૪ એપ્રિલ, ૧૯૯૯-મુંબઈ) પણ એક કમાલની ચીજ હતા. (આજના વિવાદાસ્પદ માણસ અને દિગ્દર્શક મહેશ ભટ્ટના એ પિતા થાય !) આવી 'સી' કે 'ઝેડ' ગ્રેડની ફિલ્મો બનાવવામાં એમનું નામ મોટું હતું. મુંબઈના એક સાથે ૩-૪ સ્ટુડિયોમાં એમની જુદી જુદી ફિલ્મોના શૂટિંગ્સ ચાલતા હોય.

દરેક સ્ટુડીયોમાં પોતાની ફિલ્મના સેટ પર અડધો કલાક માંડ બેસીને પોતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને બાકીનું શૂટિંગ પૂરું કરવા સમજાવતા જાય. ક્યારેક તો ભૂલી ય જતા કે, આજે કયા સ્ટુડિયોમાં કઈ ફિલ્મનું શૂટિંગ છે ! એક વાતની ક્રેડિટ એમને ચોક્કસ મળે કે, ૧૯૪૨-માં પોતાની પહેલી ફિલ્મ 'મુકાબલા' (જેમાં કોમેડિયન આગા હતો. એક વાત સાહજીકતાથી સાંભળી લઈને હા-એ-હા કર્યા પછી ''હેં'' કરીને તરત ચોંકવાની હોલીવુડના બોબ હોપની મેનરિઝમ આગાએ અપનાવી હતી.) પછી હિન્દી ફિલ્મોમાં 'ડબલ રોલ' શરૂ કરાવનાર નાનાભાઈ હતા.

અશોક કુમારની જ 'મિસ્ટર એક્સ'માં (ભલે હોલીવુડમાંથી ચોરેલી) દવા પી ને અદ્રશ્ય થઈ જવાની ફેન્ટસી વાર્તાઓ ઉપરથી આ ફિલ્મ 'આધી રાત કે બાદ' એમણે બનાવી હતી. એ જમાના અને એમણે ઉતારેલી ફિલ્મોના સ્ટાન્ડર્ડ પ્રમાણે એક ફિલ્મ સારી બનાવી હતી. અશોક કુમાર-નિરૂપા રૉયની ફિલ્મ 'કંગન' (જેમાં લતાનું ગીત, 'મુસ્કુરાઓ કે જી નહિ લગતા...') એમ તો, 'ન કિસી કી આંખોં કા નૂર હૂં' અને 'લગતા નહિ હૈ દિલ મેરા...' એ રફીની બંને રચનાઓવાળી ફિલ્મ 'લાલ કિલ્લા' પણ એમણે દિગ્દર્શિત કરી હતી.

મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને રોબિન ભટ્ટના પિતા નાનાભાઈ હતા, પણ માતા શીરીન મુહમ્મદઅલી (દાઉદી વોહરા) હતી. શીરિન એક જમાનામાં 'બમ્બઈ કી સેઠાની', 'ખ્વાબ કી દુનિયા', 'સ્ટેટ એક્સપ્રેસ' અને 'પાસિંગ શો' જેવી ફાલતુ ફિલ્મોમાં ચમકી હતી. શીરિન અને પૂર્ણિમા સગી બહેનો. બંને મુસ્લિમ હતી. શીરિનના ત્રણ દીકરા મહેશ, મૂકેશ અને રોબિન. બહેનો ય ખરી. પૂર્ણિમા (મેહર બાનુ) એ તો અંદાજીત ૭૦-૮૦ ફિલ્મોમાં કામ કર્યું હતું.

એના પિતા રામ શેશાદ્રી આયંગર બ્રાહ્મણ હતા અને મનમોહન દેસાઈના પિતા કીકુભાઈ દેસાઈનું એકાઉન્ટ્સ સંભાળતા હતા. એની પહેલી ફિલ્મ ગુજરાતી ફિલ્મ 'રાધેશ્યામ' હતી અને હિંદી ફિલ્મમાં એ ભારત ભૂષણ અને શશીકલાની ફિલ્મ 'ઠેસ'માં સેકન્ડ હિરોઈન હતી. (આ ફિલ્મમાં તદ્દન 'રેર' કહી શકાય એવું મારું માનિતું ગીત, 'બાત તો કુછ ભી નહિ, દિલ હૈ કે ભર આયા હૈ' રહી-મૂકેશે ગાયું હતું.) અલબત્ત, 'ઠેસ' પહેલા ય એણે બે હિન્દી ફિલ્મો અને એક ગુજરાતી ફિલ્મ 'સાવકી મા'માં કામ કર્યું હતું.

ભારત ભૂષણ સાથે ફિલ્મ 'પૂજા' (રફીનું 'ચલ ચલ રે મુસાફિર ચલ, તુ ઈસ દુનિયા સે ચલ' અને 'હોલી આઈ પ્યારી પ્યારી ભર પિચકારી, રંગ દે ચૂનરીયા હમાર') ઉપરથી આશા પારેખ અને રાજેશ ખન્નાની ફિલ્મ 'કટી પતંગ' બની હતી. પૂર્ણિમાનો પુત્ર અનવર હાશમી મીના કુમારી - ધર્મેન્દ્રની ફિલ્મ 'બહારોં કી મંઝિલ'માં ફરિદા જલાલના પ્રેમીનો રોલ કરે છે. આ અનવરનો પુત્ર એટલે આજનો હીરો ઈમરાન હાશમી.

થોડી ઘણી ફિલ્મોમાં એ હીરોઈન બની, પછી ઉંમર દેખાવા માંડતા એ હીરોલોગની માં ના રોલમાં આવવા માંડી. અન્ડરવર્લ્ડ પર ઉતારેલી ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' અને બીજી ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' બનાવનાર નિર્માતા મિલન લૂથરીયા આ શીરિનની બીજી બહેનનો પુત્ર થાય. રાહુલ ગાંધી કે આલીયા ભટ્ટ વિશે તમે ગમે તેટલી ઉદારતા રાખો... એ બંને ક્યાંક તો લોચો મારવાના જ, જેમ કે ઈમરાન હાશમી આટલો નજીકનો સગો થતો હોવા છતાં આલિયાને એ ખબર નહતી કે ઈમરાન હાશમી એનો સગો છે. મહેશ ભટ્ટની બીજી પત્ની અને આલિયાની 'મોમ' સોની રાઝદાન અડધી જર્મન છે. એની માં ગર્ટૂડ હોલ્ઝર જર્મનીની અને પિતા એન. રાઝદાન કાશ્મિરી પંડિત હતા.

નામ પ્રમાણે મહેશની પહેલી પત્ની ય ગુજરાતી હશે એવું માની લેવાની જરૂર નથી. લોરેન બ્રાઈટ પરણીને કિરણ ભટ્ટ બની હતી. ૧૯૭૦માં મહેશ ભટ્ટ પરવિન બાબીના પ્રેમમાં પડયો ત્યારે કિરણ છૂટી થઈ ગઈ. પૂજા ભટ્ટ અને બોડી બિલ્ડર રાહુલ એના સંતાનો હતા. 'કબ્ઝા' અને 'સડક' ફિલ્મો બનાવનાર મુકેશ ભટ્ટ ફિલ્મોમાં આવ્યો ત્યારે સ્મિતા પાટિલ અને વિનોદ ખન્નાનો સેક્રેટરી હતો.

ત્રીજા નંબરના ભાઈ રોબિન ભટ્ટ એક માત્ર ભટ્ટ છે જે કોઈ વિવાદોમાં ફસાયા નથી. એમણે અનેક ફિલ્મોની સ્ક્રીપ્ટ લખવા ઉપરાંત નાનકડા રોલ પણ કર્યા છે. તેઓ અમદાવાદ અનેક વખત આવે, ત્યારે મારે મળવાનું થયું છે.
--------
'૬૦ના દાયકાની ફિલ્મોમાં પરદેશ એટલે રંગૂન (બર્માની રાજધાની અને આજનું મ્યાનમાર... ત્યાંનો ઉચ્ચાર 'મ્યાંમા' છે. 'ર' સાયલન્ટ...) બહુ મોટું નામ કહેવાતું. ફિલ્મોમાં હીરો-હીરોઈનો અવારનવાર રંગૂન જવાની વાતો કરતા હોય ને જાય પણ ખરા. પણ કેમેરા અને કલાકારોને ત્યાં લઈ જઈને શૂટિંગ કરાવવું મોઘું પડતું, એટલે મુંબઈના સ્ટુડિયોમાં જ રંગૂનના સેટ્સ ઊભા કરી પ્રેક્ષકોને ઉલ્લુ બનાવાતા. અત્યારે હાસ્યાસ્પદ લાગે,પણ એ જમાનાના હીરો બ્લેક શૂટની નીચે વ્હાઈટ શૂઝ પહેરતા.

શૈલેષ કુમાર હેન્ડસમ હીરો હતો. પણ મીના કુમારી - રાજ કુમારવાળી ફિલ્મ 'કાજલ' પછી ક્યાં ખોવાઈ ગયો, તે આજ સુધી કોઈ જાણતું નથી. પ્રારંભમાં અશોક કુમારની પ્રેમિકા બનતી સાઈડ હિરોઈન નવોદિત નયના છે. એ પછી કોઈ ફિલ્મમાં દેખાઈ હોવાનું જાણમાં નથી. ફિલ્મની હિરોઈન સ્વ. રાગિણી છે. જે 'જીસ દેશ મેં...' વાળી પદ્મિનીની બહેન થાય. ત્રીજી બહેન લલિતાને ગણીને સાઉથમાં આ ત્રણે બહેનો 'ત્રાવણકોર-સિસ્ટર્સ' તરીકે ઓળખાતી. શાસ્ત્રીય નૃત્યોમાં એમનો કોઈ સાની નહતો. રણધીર દારૂડિયા અને શૈલેષ કુમારનો દોસ્ત બનતો ઈન્ડિયાનો પોલીસ ઈન્સ્પેક્ટર બાલમ છે.

કુંદન એ જમાનાનો સાઈડી એક્ટર હતો. આ ફિલ્મમાં તે શૈલેષ કુમારનો રંગૂનસ્થિત પોલીસ ઈન્સ્પેક્ટર દોસ્ત બને છે. આગાની પ્રેમિકા બનતી છોકરી પદ્મા ચવ્હાણ છે, જેને તમે કમલ હાસનની ફિલ્મ 'સદમા'માં વેશ્યાના રોલમાં જોઈ છે. ઋષિકેશ મુકર્જીની ફિલ્મ 'નરમ ગરમ' અને ગુલઝારની 'અંગૂર'માં ય આ મરાઠી અભિનેત્રી હતી.

તમને જૂની યાદોમાં લઇ જવા એ પણ જણાવી દઉં કે, આ વર્ષે અમદાવાદના કયા થીયેટરમાં કઇ ફિલ્મ ચાલતી હતી. કૃષ્ણમાં રાજેન્દ્ર-વૈજુનું 'ઝીંદગી', મોડેલમાં જોય મુકર્જી-આશા પારેખનું 'ઝીદ્દી', પ્રકાશમાં અશોક કુમાર, નંદા, ધર્મેન્દ્ર અને નિમ્મીનું 'આકાશદીપ', રીલિફમાં દેવ આનંદ-વહિદાનું 'ગાઈડ', લાઈટ હાઉસમાં મેહમુદ-તનુજાનું 'ભૂત બંગલા', એલ.એન.માં અશોક કુમાર, ધર્મેન્દ્ર, તનુજાનું 'ચાંદ ઔર સૂરજ', અલંકારમાં નંદા-મનોજનું 'ગુમનામ', (એના પછી શમ્મી કપૂર-રાજશ્રીનું 'જાનવર' આવ્યું હતું.),

રીગલમાં આઈ.એસ. જોહર-મેહમુદનું 'જોહર-મેહમુદ ઈન ગોવા', રૂપમમાં રાજ કુમાર, મીના કુમારી, ધર્મેન્દ્રનું 'કાજલ', નોવેલ્ટીમાં નૂતન-સુનિલ દત્તનું 'ખાનદાન', અશોકમાં પૃથ્વીરાજ કપૂર, દારાસિંઘ-નિશીનું 'લૂટેરા', કલ્પનામાં (જૂની સિનેમા 'ડી ફ્રાન્સ)માં મેહમુદ-અમિતાનું 'નમસ્તેજી', આમ તો એડવાન્સમાં માત્ર ઈંગ્લિશ ફિલ્મો આવતી, પણ ફોર એ ચેઈન્જ... આ વખતે કિશોર કુમાર-કુમકુમનું 'શ્રીમાન ફન્ટુશ' મુકાયું હતું અને લક્ષ્મીમાં સુનિલ દત્તનું કદાચ વર્લ્ડ રેકોર્ડ કરનારી ફિલ્મ 'યાદેં' હતી. આખી ફિલ્મમાં એ પોતે એક જ પાત્ર છે. બીજી કોઈ વ્યક્તિ નહિ. પણ સરવાળો કરવા બેસીએ ત્યારે ખબર પડે કે '૬૦ના દશકની ફિલ્મોનો અસલી સુપરસ્ટાર દારાસિંઘ હતો.

દર ફિલ્મે ચોથી ફિલ્મ એની જ હોય. આ જ વર્ષે આવેલી લતાના બે મધુર ગીતો અને વસંત દેસાઈના સંગીતમાં એક ફિલ્મ 'અમર જ્યોતિ' ક્યારે આવી ને જતી રહી, તે અમદાવાદમાં કોઈને ખબર પણ ન પડી. ''કલ્પના કે ઘન બરસતે, ગીત ગીલે હો રહે, ભાવ રિમઝીમ કર રહે હૈં, સ્વર રસીલે હો ગયે'' (મહેન્દ્ર કપૂર સાથે) અને બીજું લતા અને કોરસનું ખૂબ મસ્તીથી છેડાયેલું, 'ઝનઝનઝન ઝન ઝન ઝન બાજે પાયલિયા, કૈસે આઉં છલીયા' હું સદીઓથી શોધું છું ને મળતું નથી.

ફિલ્મ 'આધી રાત કે બાદ'માં કોમેડિયન આગા (આગાજાન બેગ) પર ફિલ્માયેલું મન્ના ડે નું 'ઓ ગોરી તોરી બાંકી બાંકી ચિતવન સે ઉલઝ કર...' ચિત્રગુપ્તની બેમિસાલ કમાલ છે. આગાની દીકરી શાહિ મેહમુદના સગા ભાઈ શૌકતને પરણી હતી. જોકે, અગાઉ તો શૌકત સાથે મેહમુદની અમેરિકન પત્ની ટ્રેસીની બહેન સાથે નક્કી કરવાનું હતું. એ પછી હીરો ફિરોઝ ખાનની બહેન સાથે શૌકતનું સમજો ને... ઓલમોસ્ટ નક્કી થઇ ગયું હતું.

ફિરોઝને પણ શૌકત ગમતો હતો, પણ ફિરોઝ ખાન શિયા મુસ્લિમ અને મેહમુદનો પરિવાર સુન્નિમાં આવતો હોવાથી વાત પડી ભાંગી. એટલે આગાની છોકરી સાથે મેહમુદના ભાઈના લગ્ન થયા. શમ્મી કપૂરને પહેલી ફિલ્મ આપનાર અને ફિલ્મ 'અભિમાન' ઉતારનાર દિગ્દર્શક મહેશ કૌલનો જ્યોતિ સ્વરૂપ ભત્રીજો હતો. (જ્યોતિ ફિલ્મ 'પડોસન', 'છોટે નવાબ' અને વિશ્વજીતવાળી ફિલ્મ 'બિન બાદલ બરસાત' કે નવિન નિશ્ચલ હીરો અને અમિતાભ જેમાં વિલન હતો તે ફિલ્મ 'પરવાના' જેવી બીજી થોડી ફિલ્મોનો દિગ્દર્શક હતો.) મેહમુદની સગી બહેન ખૈરૂન્નિસા (ઉર્ફે શાનો) ફિલ્મ 'દો રોટી'ના દિગ્દર્શક ઈસ્માઈલ મેમણના પ્રેમમાં હતી, જે ઘરમાં કોઈને ગમતું નહોતું.

(આ એ જ શાનો હતી, જેની સગાઈ હસરત જયપુરી સાથે થઈ હતી અને છાપા-મેગેઝીનોના હસરત વિશેના ગપગોળાને કારણે એ સગાઈ તૂટી ગઈ) એક જમાનામાં આ મેમણ મેહબૂબખાનનો આસિસ્ટન્ટ હતો. આ જ્યોતિ સ્વરૂપ મેહમૂદની બહેન શાનોને પરણ્યો. જ્યોતિ સ્વરૂપે ઈસ્લામ અંગીકાર કર્યા પછી ! એ બંનેના દીકરા સાથે ગુરૂદત્ત-ગીતાદત્તની દીકરીએ પણ ઈસ્લામ સ્વીકારીને શાનોના દીકરા નૌશાદ સાથે નિકાહ પઢ્યા હતા.) લગ્નના કોઈ બે-ચાર વર્ષમાં જ જ્યોતિ સ્વરૂપ ગૂજરી ગયો.

ફિલ્મની વાર્તાનો અંશ લખવો ય માફ નહિ થાય એવું મારું કરતૂત કહેવાશે. બિલકુલ બકવાસ ફિલ્મ હતી આ : અશોક કુમાર પાસે અદ્રશ્ય થઈ જવાની દવા છે. એ નયનાને પ્રેમ કરે છે ને ભાવિ સસુર (મુરાદ)ને મળવા જાય છે. ત્યાં સસુરજીનું કોઈએ ખૂન કરી લીધું હોય છે. ઈલ્ઝામ પોતાના ઉપર ન આવે, માટે એ ભાગી જાય છે. નયનાની બહેન રાગિણી શૈલેષ કુમારના પ્રેમમાં છે.

અશોક કુમારનો ધનવાન દોસ્ત (આગા) મુરલી 'અસલી ખૂની કા પતા' બતાવવામાં મદદ કરે છે... ને એ જ જમાનાની ફિલ્મોમાં વિલનો માટે ખાસ બનેલી ફોર્મ્યુલા મુજબ, વર્ષો પહેલા ખૂન થઈ ચૂકેલા સજ્જનનું મોહરું પહેરીને વકીલ જાનકીદાસ રાગિણી-સિસ્ટર્સની મિલકત હડપ કરવા માંગે છે, પણ અશોક કુમાર ત્રણ કલાકે આપણને છોડાવે છે.

25/11/2015

નજર ચોખ્ખી રાખો...

ગોટીને જ્યારે આઘા ખસવાનો ય ટાઈમ બગાડવો પોસાય એમ ન હોય, એવી સુંદરતા જોતી વખતે એની સ્ટાઈલ આપણા જેવા પકડી પાડે. ઊભા રહેવાનું તો ઘટનાસ્થળ પર જ. ત્યાં ને ત્યાં આજુબાજુ ગોળગોળ ફરે રાખવાનું અને બન્ને હાથ ખિસ્સામાં (શર્ટના નહિ, પાટલૂનના... અને એ ય પોતાના પાટલૂનના) અને લક્ષ્ય ઉપર એકધારી નજર ચોંટાડી રાખવાની.

શૉપિંગ-મોલ આવા પ્રોજેક્ટો માટે આદર્શ સ્થળ ગણાય છે... કોઈને ખાસ ડાઉટે ય ન પડે અને દ્રષ્યો સેંકડોની સંખ્યામાં જોવા મળે. પાછું મુલાકાત એવા શૉપિંગ-મોલોની લેવાની, જ્યાં વાઈફ ફરકે નહિ. આ જ કારણે ગોટી દેરાસર કદી જતો નહિ.

એને જીન્સ અને પર્પલ ટી-શર્ટવાળી ગમી ગઈ હતી. ટી-શર્ટ મોટે ભાગે 'કલર-માઈનસ'નું અને જીન્સ પોતાનું હશે. એ વાત જુદી છે કે, ગોટી એટલો બધો અક્કલમઠો નહતો કે, આવે વખતે ઍનાલિસીસ પેલીના કપડાનું કરે ! આવે વખતે ક્યાં, કેટલું અને શું જોવાનું હોય, એની એને બધી ખબર. સ્ત્રીઓના કપડાં એ લોકોને પહેરવા માટે બનાવાયા હોય છે, આપણે જોવા માટે નહિ! (માર્ગદર્શન પૂરું)

ગૌતમનું એ લોકોએ 'ગોટી' કરી નાંખ્યું હતું અને આમે ય, એ સાબુની ગોટી જેવો હતો. જ્યાં ને ત્યાં લપસી પડતો. લપસવાનું ફક્ત બાથરૂમ-ફાથરૂમમાં જ નહિ, ઘરની બહાર નીકળ્યા પછી, જ્યાં આંખ ઠરે ત્યાં ગોટી ભીનો સાબુ ફર્શ પર સરકી જાય એમ લક્ષ્યાંકની નજીક સરકી જતો... અફ કૉર્સ, વાઇફ સાથે હોય ત્યારે સરકવા કે લપસવાની પધ્ધતિમાં થોડા ફેરફારો થતા,

જેથી વાઈફને ખબર ન પડે કે, ગોટીયાએ દૂરબીન ક્યાં સૅટ કર્યું છે! મોટા ફંક્શનોમાં ગોટી ટુમી (ગોટીની વાઇફ)ને કોઈ કામે વળગાડી દે, ''જરા જો ને?'' રૂપાંગભ'ઈ ક્યાંય દેખાય છે?'' પેલી જૉબ પર લાગી જાય, એટલે આને નિરાંત! ગોટીયાને બધી ખબર હોય કે, આ રીસેપ્શનમાં રૂપાંગભ'ઈ ક્યાંથી આવે? પણ એ દરમ્યાનમાં ગોટી એમને જ શોધવાને બહાને આઘો સરકી જાય. કહે છે કે, માછલી, સાબુની ગોટી અને આપણો ગોટી સંસારની આડ પેદાશો છે, જે કોઈના હાથમાં રહે જ નહિ... સરકી જાય!

આમાં તો પાછો ગોટી એવું માનતો કે, લગ્નના ૪-૫ વર્ષ પછી પુરૂષ માણસ ઘરની બહાર પણ બે-ચાર અરજીઓ મૂડીરોકાણની કરે તો એમાં ખોટું શું? એકની એક તો સની લિયોની ય ૨૪-કલાક ટીવી પર દેખાડે રાખો, તો ય બીજા દહાડાથી સાલી 'બહેન' લાગવા માંડે. કંટાળી જાય કે નહિ માણસ? ઘરમાં પડી હોય એટલે શું આખો જન્મારો વાઈફની સામે જોઈજોઈને કાઢવાનો? અને બહાર દ્રષ્ટિ ચોખ્ખી કરવામાં, આપણે ક્યાં કોઈની સાથે પરણવા જવું છે કે કોઈને ઘરમાં લાવવી છે?

આમાં તો અરજી ન સ્વીકારાય તો રીફન્ડ મળે. ગોટી ધાર્મિકપણે માનતો કે, સ્ત્રીઓ ફૂલફટાક થઈને ઘરની બહાર નીકળે છે, એ શું એના ગોરધનોને સારું લગાડવા....? માય ફૂટ..! માત્ર ગોરધન પાસે જ બ્યૂટીક્વીન દેખાવાનું હોય તો રીસેપ્શનમાં જવાનું હોય એવી તૈયારી રાત્રે બેડરૂમમાં જતી વખતે કેમ થતી નથી? ત્યાં તો મોંઢા ઉપર ભાખરીનો લોટ ચોંટયો હોય ને ભૂલમાં નહાવા માટે વૉશિંગ-મશિનમાં જતી રહી હોય, એવી કરચલીઓવાળા ભીના કપડે આવતી હોય છે.

એ તો લગ્નના પહેલા બે દહાડા... આઈ મીન, પહેલી બે-ચાર રાતોએ જ એ બ્રશ કરીને સુતી હોય... પછી આખી જીંદગી આપણે (ઘરની બહાર નીકળતી વખતે) બ્રશો કરવા પડે! ટૂથપેસ્ટ, બ્રશ અને ઊલીયું ગાડીમાં જ રાખવાના. (ચીવટપૂર્વક આ ત્રણે સાધનો સાથે રાખ્યા પછી, પાણીની બૉટલ નહિ ભૂલવાની...) બહાર આપણાં મોંઢાની છાપ ખરાબ ન પડવી જોઈએ.

રોમાન્સ ગોરધનને ચઢ્યો હોય તો ય ખીજકણી મોંઢા બગાડશે, ''આઘા જાવ... સારા નથી લાગતા... મને બધ્ધી ખબર છે, બાજુવાળી સોનકી તમને હવે વાઇફ લાગવા માંડી છે. મારી પાસે તો તો ફરકવું જ નહિ... જાઓ તમારી સોનકી પાસે... ત્યાં તો રાક્ષસ જેવા એના વરથી તમારી ફાટે છે!''

ઓ બેન... તું આવું કરે પછી તારો ગોરધન તારી પાસે તો ન જ ફરકે ને?

ઘરની બહાર સ્વરૂપવાન થઈને નીકળતી આપણી વાઈફોને બીજા ગોટીયાઓ ય જોતા જ હોય ને? એ બધા કાંઈ, 'વાઈફ આપણી છે', માટે એને માં-બેનની દ્રષ્ટિથી ન જુએ! એ લોકો ય આપણી વાઇફને એ જ રીતે જોતા હોય, જે રીતે આપણે બીજાઓનીને જોઈએ છીએ... (મારી વાત ખોટી હોય તો મને ટોકવો : ભલે મોટા ભાગની મારી વાતો 'ટોકવા' જેવી નહિ, 'ઠોકવા' જેવી હોય છે... સૂચના સમાપ્ત) હવે તો રીસેપ્શનોની મૌસમ શરૂ થઈ. જરા ધ્યાનથી જોજો.

સાલા આપણા જ દોસ્તો આપણી જ પાસે આવીને આપણી જ વાઇફોને ''ઓહ... કેમ છો ભાભી..? આટલા મોડા...?? આ નાલાયકે જ મોડું કરાવ્યું હશે! હું તો -- આઈ મીન, હું ને મીના તો રાહ જોતા હતા કે ક્યારે ટુમીભાભી આવે...! ક્યાં રોકાઈ ગયા'તા..?'' (કરેક્શન : વાઇફ 'આપણી' નહિ, આપણા ભાગે પડતી આવેલી એક... અને 'વાઈફો'વાળું બહુવચન સુધારીને વાંચવું : બીજી સૂચના સમાપ્ત)

તારી ભલી થાય ચમના... આટલા લાંબા ડાયલૉગમાં મારીસામે તો તેં એકે ય વાર જોયું નથી (જો કે, એના માટે જુદું 'થૅન્ક યૂ' પછી કહીશ...હું તારાવાળી સામે જોતો'તો !). આવા બૉડીએ ય હું તને મારી વાઇફનો 'બાઉન્સર' લાગું છું ?

આવી બનતી રોજની ઘટનાઓમાં હવે એક સજ્જન વાચક તરીકે તમે વાંક કોનો કાઢશો ? પોતાની સગ્ગી વાઇફ ગમ્મે તેટલી ગમતી હોય તો પણ, રીસેપ્શનોમાં બધાના દેખતા તો એની સામે ટગરટગર ન જોવાય ને ? જે કામ ઘરમાં ય ન કરતા હોઇએ, એ બહાર શું કામ કરવું ? બા કેવા ખીજાય ? વળી ફિક્સ ડીપોઝીટોને દર અઠવાડીયે બૅન્કમાં જઈજઇને ચૅક ન કરવાની હોય...કરન્ટ ઍકાઉન્ટ્સમાં ધ્યાન રાખવું પડે. સુઉં કિયો છો ?

પાછું, આમાં એવું ય નથી હોતું કે, બધાની બધી વાઇફો જોવી ગમતી હોય. અમુકડીના તો વગર હસે દાંત એવા બહાર દેખાતા હોય કે ઝાડના થડને બચકું ભરી લે. તો ય લોહીઓ આપણને નીકળે. મેં તો એવી હજારો-લાખો જોઇ છે, જેની ગરદન ખભાની વચ્ચે ઊંડી ઉતરી ગઇ હોય ને માટલાં ઉપર સ્ટીલનું ફક્ત બુઝારૂં બહાર દેખાતું હોય, એવી એની સોપારી જેટલી અંબોડી ઊગેલી દેખાતી હોય. કેટલીક તો સાલી આપણી સામે ટગરટગર જોયે રાખતી હોય, એમાં ય ડરવું પડે કે, આવી આ આપણને કોઈ 'મહિલા' તો સમજી બેઠી નથી ને ? આ તો એક વાત થાય છે.

મારી પવિત્ર દ્રષ્ટિએ હું સમાજને સંદેશો આપવા માંગુ છું કે, એક વખત બગીચામાં ઘુસ્યા પછી મનોહર-મનોહર ફૂલો જ જોવાના હોય...બાજુના તગારામાં પડેલો ખાતરનો ઢગલો જોવાનો ન હોય... (મારી વાતને કોઇ ટેકો આપો. મારી વાત ઢીલી પડી રહી છે !)

પણ મંદિરમાં અન્નકૂટ જોયા પછી મોંઢામાં પાણી તો આવે ને...ભલે અન્નકૂટ હાથમાં ન આવે ! સુઉં કિયો છો. તમે બધા ?

બીજી બાજુ, ટુમી રોજ દેરાસર જનારી, કાંદા-લસણ તો સપનામાં ય આવ્યા હોય તો સવારે આઠ વખત બ્રશ કરીને મોંઢુ સાફ કરી નાંખે. (એને માટે ગોરધન અને કાંદા-લસણ વચ્ચે કોઈ ફરક નથી.) ગોટી અને ટુમી વચ્ચે પ્રેમ અપરંપાર અને ગોટી બહાર જેટલું જ ધ્યાન ઘરમાં ય રાખે કે, બહાર નીકળ્યા પછી જે કામ હું કરૂં છું, એવો પ્રોજેક્ટ ઘરમાં આવીને બીજો કોઇ મોરલો કળા કરી ન જાય ! ઈન્ડિયાના પુરૂષોની આ ટીપિકલ મૅન્ટલિટી છે, 'તારૂં મારૂં સહિયારૂં ને તારૂં મારા બાપનું'.... અને આવા રંગીન મામલે તો બાપ બી વચમાં ન આવવો જોઇએ.... આમાં તો તારૂં એ એકલું મારૂં જ હોવું જોઈએ. આમ એની વાઈફને ગણતો ય ન હોય, પણ કોક બીજો ગણવા માંગતો હોય તો સીધો દાઉદને ફોન કરે... દાઉદ આની વાઇફને ફોન કરે માટે નહિ... પેલાને સીધો કરવા માટે !

આ સોશિયલ સમસ્યાનો ઉકેલ લાવવા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને પેલી બાજુ ઠેઠ અરૂણાચલના વૈજ્ઞાાનિકો-એમની વાઇફો ઘરમાં ન હોય ત્યારે અન્યની વાઇફોનો સહકાર મેળવી વિરાટ સંશોધનો કરી રહ્યા છે. (આવા સંશોધનોમાં માઇક્રોસ્કૉપની નહિ, બાયનોક્યૂલરોની જરૂર પડે ! હું વિજ્ઞાન ભણ્યો છું ને ધો. ૧૧માં મારે ૪૬-માર્કસ આવ્યા હતા.) આજે ગુજરાતના કેટકેટલા ઘરોમાં પતિ-પત્ની વચ્ચે આ મુદ્દે ઝગડા થતા હશે, કેટલા ઘરો સળગતા હશે, કેટલી વાઇફો વાઘણ જેવી લાગતી હશે ? કેટલા ગોરધનો સસલાંની માફક ફફડતાં હશે ? સાલું, ખરેખર બહાર એવું કાંઈ હોય તો ફફડવાનું વ્યાજબી ભાવે પોસાય પણ ખરૂં, પણ કેટલાક માસુમોને ઘરની બહાર તો શું, ઘરની નીચે કે મકાનની ટૅરેસ ઉપરે ય કોઇ લફરાં ચાલતા ન હોય, તો ય રાબેતા મુજબ ઘરે ટીચાવાનું તો ખરૂં જ !

''મને બધ્ધી ખબર છે, તમારી નદર કોની ઉપર ટાચક -ટાચક થાય છે.''!

શું, આખેઆખા ઘરો હલાવી દેતી આ સમસ્યાનો કોઈ સફળ કે નિષ્ફળ ગોરધન પાસે કોઈ ઈલાજ નથી ? છે... મારી વાઈફે આખા વિશ્વને કામમાં આવે એવો ઉપાય, અમે પરણ્યા એ જ દિવસથી શોધી કાઢ્યો હતો કે, વર ઘરની બહાર નીકળે પછી એની ચિંતા જ નહિ કરવાની. આપણો રૂપીયો ખોટો છે ને ગગડતો-ગગડતો ઘરે પાછો જ આવવાનો છે.

બહાર કોઈ એને સંઘરવાનું નથી. બીજી વાર પૈણવા-બૈણવા જાય તો કાયદો એને સીધો અંદર કરી દે એવો છે. તમારી રોજની માથાકૂટથી પેલો બહાર આંખો ઠારવાનું બંધ કરવાનો નથી... ઑન ધ કૉન્ટ્રારી, માથાકૂટથી બચવા એ વધારે બહાર જતો થઈ જશે.

અથવા તો, છેલ્લો નાલાયક ઉપાય... !

જે રીતે એ તમારા લોહીઓ બાળી રહ્યો છે, એમ તમે એનું બાળો ને !

સિક્સર

ભાજપ અને કૉંગ્રેસ બંને ગુજરાતની આગામી ચૂંટણીઓમાં બરોબરના ફસાવાના છે. અનામતને મુદ્દે પટેલોને સાચવવા જશે, તો વૈષ્ણવો, લોહાણાઓ, બ્રહ્મક્ષત્રીયો, સિંધીઓ, પારસીઓ કે બ્રાહ્મણોમાંથી તો એક પણ વૉટ નહિ મળે....આ બધા શું ઝૂમરીતલૈયાથી આવ્યા છે ?

22/11/2015

ઍનકાઉન્ટર : 22-11-2015

* મહિલા કોલેજના પ્રોફેસરને રોજ રાત્રે શેના સપનાં આવતા હશે ?
- બસ. રોજ એક વિદ્યાર્થિની રાખડી બાંધવા આવતી હોય !
(મધુકર માંકડ, જામનગર)

* તમારા લખાણો પરથી તો તમે 'મળવા જેવા માણસ' લાગો છો !
- તમે 'મળવા'ના 'ળ'ને બદલે 'ર' લખ્યો છે.
(સુરેશ આર. દરજી, વડોદરા)

* સ્કૂલમાં એડમિશનથી માંડીને નોકરી-બધે અનામતવાળા ખાટી જાય છે. ભવિષ્યમાં કન્યાની પસંદગીમાં ય આ ધોરણ ચાલુ રહેશે ?
- મને ફફડાટ ઢોર-જનાવરો ય અનામત માંગે એનો છે... એવું થાય, એ આપણા દેશમાં અશક્ય નથી... તો પછી તમારા સવાલનું શું થાય ?
(સમિર શાહ, મુંબઈ)

* નેટ પર તમારો ફોટો જોયો. પોસ્ટકાર્ડ્સથી ઘેરાયેલા પોસ્ટમાસ્ટર જેવું લાગે છે...
- ઓહ નો... પોસ્ટવાળા આટલા ફાલતુ દેખાય છે ?
(ડૉ. વિનોદ ભાવસાર, વલસાડ)

* સભાઓમાં ઈંગ્લિશમાં 'લેડીઝ એન્ડ જેન્ટલમેન' બોલાય છે ને ગુજરાતીમાં, 'ભાઈઓ અને બહેનો'. આવું કેમ ?
- એકલું 'લેડીઝ એન્ડ લેડીઝ' અને એકલું, 'બહેનો અને બહેનો' તો ના બોલાય ને ?
(જુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* અમીરો દાન ફક્ત મંદિર-દેરાસરોમાં કરે છે... ગરીબોને કેમ નહિ ?
- ગરીબોના ખુલ્લા બરડા અને છાતીઓ ઉપર આરસની તખ્તીઓ જડાવો... એમને ય દાન મળશે !
(પ્રકાશ એસ. પુરોહિત, સુરત)

* ગુજરાતના આજ સુધીના સર્વોત્તમ હાસ્યલેખક કોણ...? ... તમે ?
- સ્વ. બકુલ ત્રિપાઠી કેવળ ગુજરાતના નહિ, સમગ્ર ભારતના આજ સુધીના સર્વોત્તમ હાસ્યલેખક છે... તમે મારૂં ય પૂછ્યું છે ને મારો જવાબ ગણત્રીમાં લેવાનો હોય તો હું હાસ્યલેખક કરતા 'માણસ' તરીકે વધુ સારો છું.
(દીપ્તિ સુબાહુ મેહતા, વડોદરા)

* હમણાં એક સરકારી મકાન ઉપર વાંચ્યું, 'પોલીસ સંસ્કાર કેન્દ્ર'... શું સમજવું ?
- પોલીસો, નોર્મલી જે ભાષામાં વાત કરતા હોય છે, એને એ લોકો 'સંસ્કાર' કહે છે.
(કિશોર દવે, ભાવનગર)

* આજકાલ દરેક માણસ ટેન્શનમાં કેમ રહે છે ?
- ક્યારે ય ગાયને રોડ ઉપર ટેન્શનમાં બેઠેલી જોઇ ?
(શશીકાંત દેસાલે, સુરત)

* ભારતીય ટીમમાંથી ધોનીને નિવૃત્તિ લેવાની જરૂર નથી લાગતી ?
- કાલ ઉઠીને તમે તો મારા માટે ય આવું પૂછશો !
(હાર્દિક સર્વપદડીયા, સાવરકુંડલા)

* માણસે કેટલું બોલવું જોઈએ ?
- માણસ સિવાય બીજા કોને તમે બોલતા કે બોલતી જોયા ?
(ચાંદની સરડવા, મોરબી)

* એવા કોઈ સવાલ ખરા, જે વાંચીને એ પૂછનારને મળવાનું તમને મન થાય ?
- મળવાનું મન જવાબ આપનાર સાથે થાય... સવાલ પૂછનાર સાથે નહિ.
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* શું 'મેગી' દેશ માટે હાનિકારક હતી ?
- દારૂ હાનિકારક છે ... તો ય બેફામ વેચાય છે ને ?
(રાહુલ પ્રજાપતિ, સુરત)

* પશ્ચિમનું અનુકરણ બધે થઈ રહ્યું છે. ભારતમાં સ્પેન જેવી બુલફાઈટ કેમ નથી થતી?
- આ હિસાબે ટીવી પર તમે પાર્લામેન્ટનું લાઈવ-ટેલીકાસ્ટ જોતા લાગતા નથી !
(ધિમંત ભાવસાર, બડોલી-ઈડર)

* લેખક બનવાનું તમારું કારણ શું ?
- સીધેસીધું જુઠું બોલતા પકડાઈ જવાતું હતું.
(જીજ્ઞા ગેવરીયા, મુંબઈ)

* 'કૌન બનેગા કરોડપતિ' ડિમ્પલ કાપડીયા હોસ્ટ કરે તો તમે સામે બેસો ?
- સાથે બેસું.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* ચીનની અવળચંડાઈ દિવસે દિવસે વધતી જાય છે, છતાં મોદી સાહેબ હંમેશની જેમ ખામોશ કેમ છે ?
- અવળચંડાઈઓ એમના પક્ષવાળા ય બહુ કરે છે... બેફામ નિવેદનો આપીને ! એમ કાંઈ બધાને ધોઈ નંખાય છે ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* મોદીની પર્સનાલિટી તમારા જેવી ડાયનેમિક છે... કે તમારી મોદી જેવી ?
- કોક કહેતુ'તું કે, અમારા બંનેના ડાબા કાનની બૂટ એકદમ સરખી લાગે છે... બીજું કાંઈ મળતું આવતું નથી.
(મુકેશ ભટ્ટ, અમદાવાદ)

* નામ સરનામું અને મોબાઈલ નંબર ન લખ્યો હોય, એવા સવાલોના જવાબો તમે આપો છો ખરા ?
- ક્યારેક...! પણ એમાં સવાલ પૂછનારનું નામ-સરનામું બદલાઈ જાય,તો આપણો વાંક નહિ કાઢવાનો !
(સોહિણી વાનખેડે, વડોદરા)

* ૫૦-વર્ષે પણ તમે યુવાન દેખાઓ છો, એનું રહસ્ય ?
- તમારો સવાલ ૧૩-વર્ષે મળ્યો.
(વૈભવ અંધારીયા, ભાવનગર)

* તમારા લેખો વાંચીને તમે સંપૂર્ણ હાસ્યલેખક છો, એવું ફલિત થાય છે પણ વચમાં વચમાં વાર્તાસ્વરૂપે કરૂણા લાવીને રડાવી પણ શકો છો...!
- મારા ઘણા હાસ્યલેખો વાંચીને મને રડવું આવતું, એમાંથી કદાચ આવું બની ગયું હશે!
(અરવિંદ જે. સોલંકી, હજીરા)

* તમારો હોદ્દો શું છે ?
- ઘરમાં નોકર, બહાર લેખક !
(પ્રશાંત પારેઘી, ગાંધીધામ-કચ્છ)

* પ્રેમ કરવો પડે કે, એ તો થઈ જાય ?
- એનો આધાર સામેવાળી કેટલી કરમફૂટલી છે, એની ઉપર છે.
(શૈલેષ લશ્કરી, તરસમીયા)

* છોકરો અને છોકરી પસંદ કરતા પહેલાં શું જોવું જોઈએ ?
- આમ તો બધું બરાબર છે ને ? બેમાંથી કોઈ એકને પસંદ કરવાનું પૂછો તો કાંઈ ખબર પડે !
(ચિરાગ પટેલ, અમદાવાદ)

* શું જીવનમાં એક કરતા વધુ સ્ત્રીઓને પ્રેમ થઈ શકે ?
- એ તો તમને કેવી કેવી ડોબીઓ મળે છે, એના ઉપર આધાર છે.
(ચિરાગ ઘાટલીયા, જામનગર)

* સંગીતને મેહસૂસ કરનાર ડાન્સ વધુ સારો કરી શકે ?
- તમારો મતલબ... થાંભલે ચઢીને લાઉડસ્પીકર ગોઠવનારાઓ સારો ડાન્સ કરી શકે!
(ભૌમિક પંચાલ, આણંદ)

* હું મધ્ય પ્રદેશમાં રહું છું. અહીં સામાન્ય નાગરિકોની સામાન્ય ફરિયાદોનો પણ તાત્કાલિક નિકાલ થઈ જાય છે. આવું ગુજરાતમાં કેમ ન થઈ શકે ?
- ખરા છો તમે તો..! અહીં અમને ગરીબ પટેલોના જાનમાલની ચિંતા થાય છે ને તમને ફરિયાદોની પડી છે ?
(યોગેસ થાનકી, રતલામ - મ.પ્ર.)

20/11/2015

'લડકા-લડકી' ('૬૬)

ફિલ્મ : 'લડકા-લડકી' ('૬૬)
નિર્માતા : બ્રાઇટ ફિલ્મ્સ-મુંબઈ
દિગ્દર્શક : સોમ હકસર
સંગીત : મદન મોહન
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : મૉડૅલ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો : કિશોર કુમાર, મુમતાઝ, આઇ.એસ. જોહર, લક્ષ્મી છાયા, સુજીત કુમાર, રાજ મેહરા, માસ્ટર ભગવાન, જ્હૉની વ્હિસ્કી, ટુનટુન, રણધીર, લીલા મીશ્રા, રવિકાંત, કેસરી, ગુલશન બાવરા, શ્યામલાલ, કૃષ્ણ દુગ્ગલ, જગદિશ ભલ્લા, નઝીર કાશ્મિરી, અબુ બકર, દીન દયાલ.
૧. સુણિયે સુણિયે, આજે કલ કી લડકીયોં કા પ્રોગ્રામ કિશોર કુમાર
૨. વો આ રહે હૈં સામને સે ચંદ નૌજવાં...કમલ હો યા.... ઉષા ખન્ના
૩ સીખ લો, સીખ લો, ગમ કે મારોં મુસ્કુરાના ઉષા મંગેશકર-કિશોર
૪ આંખોં કો મેરી તુમ અપને ખ્વાબોં કી..... .આશા ભોંસલે- મહેન્દ્ર કપૂર
૫ કિસ્મત જો પિલાયે હમકો વો ઝહેર તો પીના હી... આશા ભોંસલે
૬ અય વાદી-એ-કશ્મિર, અય વાદી-એ-કશ્મિર.... મુહમ્મદ રફી

આઇ.એસ. જોહર ફાલતુ ફિલ્મો બનાવતો એ તો ઠીક, પણ એ ધૂમધામ કબૂલ કરતો કે,હું ફાલતુ ફિલ્મો જ બનાવું છું. બસ, પ્રેક્ષકોને ગમે તેમ.... હસવું આવવું જોઈએ. એ હૉલીવૂડના કૉમેડિયન બૉબ હૉપના પગલે ચાલ્યો અને A road to Bali ના નક્શે કદમ પર પોતાની સાથે ગમે તે એક કૉમેડિયન સાથી લઇને ફિલ્મો ઉપર ફિલ્મો બનાવી. શરૂઆતમાં એની સાથે સામાન્ય કૉમેડિયન મજનૂ (મૂળ ક્રિશ્ચિયન), પછી ગોપ, પછી મેહમુદ, પછી રાજેન્દ્રનાથ.... એમ કૉમેડીનો કારવાં ચાલતો રહ્યો, પણ કિશોર કુમાર સાથે એ ભાગ્યે જ દેખાણો. આજની આ ફિલ્મ 'લડકા લડકી' જોહર કે કિશોર કોઇની નથી. બે ય સાથે બહુ જુજ આવ્યા છે.

આમ તો, આવી 'કહેવાતી' કૉમેડી ફિલ્મ બનાવનારાઓ ય જાણતા હતા કે, આ કોઇ પચ્ચી વીક સુધી ચાલવાની નથી, પણ ભારતના પ્રેક્ષકો '૩૦, '૪૦, '૫૦ કે '૬૦ના દાયકાઓમાં ભંગાર તો ભંગાર, હસવું આવે છે ને... જોઇ નાંખો-ના ધોરણે, ઍટ લીસ્ટ નિર્માતાનું ખિસ્સું ભરાય એટલા સપ્તાહ તો ફિલ્મ ચલાવી આપતા. કૉમિક ફિલ્મ બનાવવી કોઇ ઐરાગૈરા નથ્થુખૈરાનું કામ નથી... ભલે જોનારાઓનું કામ હોય !

ફિલ્મની વાર્તા કહેવાનો કોઇ મજો પડે એવો નથી, છતાં ય જમાદારની જેમ, અમારે ય ડયૂટી ઈઝ ડયૂટી...ભલે પછી 'ઇઝ'નો 'ઝ' 'ઝભલા'નો બોલતા હોઇએઃ

ગીરીધારીલાલ પટવારીલાલ (રાજ મેહરા-'જીસ દેશ મેં ગંગા...નો' પોલીસ સુપ્રિન્ટૅન્ડૅન્ટ સા'બ) આશા (મુમતાઝ) અને કિશોર (કિશોર કુમાર)ની ટૅલેન્ટ પારખીને બન્નેને સંગીતની એક ફ્રી ક્લબ શરૂ કરવા રાજી કરે છે, જેમાં શ્રોતાઓને વિના મૂલ્યે શો બતાવવાના...(ફર્માઈશ ક્લબ, ગ્રામોફોન ક્લબ, સ્ટાર્ઝ ક્લબ, સુરાંગન ક્લબ કે સુરાવલિ ક્લબોવાળા.... કંઇક સમજો આમાંથી !) બન્ને સહમત થાય છે ને શો કરે છે. દરમ્યાનમાં, કિશોરને ખબર પડે છે કે, એ કોઇ રાજા-મહારાજાનો એકલૌતો વારસદાર છે. કિશોર પોતાના દોસ્ત જગમોહન (આઇ.એસ.જોહર)ને પોતાના બદલે અગાઉથી ત્યાં મોકલે છે, જેથી કિશોરના જતા પહેલા બધો ઇન્તેજામ થઇ જાય ને આ બાજુ કિશોર પોતાની માં અને બાળવિધવા બહેન લક્ષ્મી (લક્ષ્મી છાયા)ને મળી અવાય. કિશોર ઇચ્છે છે કે, જગમોહન લક્ષ્મી સાથે લગ્ન કરે. કમનસીબે, પ્રજા જગમોહનને જ સાચો રાજા સમજી બેસે છે અને રાજકુમારી નિર્મલાદેવી (ટુનટુન) સાથે પરાણે પરણાવી દે છે. કિશોરને આ વાતની ખબર પડે છે, એમાં એ ભાંગી પડે છે કે, હવે એની બાળવિધવા બહેન સાથે કોણ પરણશે ? આ બાજુ એની માં (લીલા મીશ્રા) પણ ગૂજરી જાય છે, એના આઘાતમાં કિશોર ગાંડો થઇ જાય છે.

છેલ્લે તો વાર્તાનો અંત સુખદ લાવવાનો હોય... લવાય છે !

આપણી ગુજરાતી નાગર છોકરી સ્વ.લક્ષ્મી છાયા ખાસ તો 'મેરા ગાંવ, મેરા દેશ' ફિલ્મના 'માર દિયા જાય, કે છોડ દિયા જાય...' ગીતથી વધુ ફૅમસ થઇ. એ કાયમ માટે સાઇડી જ રહી. હીરોઇન ક્યારેય ન બની શકી. છેલ્લે છેલ્લે તો એ મુંબઇમાં ડાન્સિંગ-સ્કૂલ ચલાવતી હતી.

સુજીત કુમાર બનારસ-યુ.પી.નો હતો. મૂળ નામ શમશેર સિંઘ. કોઇકે વળી ચણાના ઝાડ ઉપર ચઢાવી દીધો કે તું તો ભોજપુરી ફિલ્મોનો દિલીપ કુમાર છે ! એટલે ઉપડયા ફાલતુ તો ફાલતુ ફિલ્મો કરવા. સત્ય ઝડ્પથી સમજાઇ ગયું ને મુંબઈની ફિલ્મોમાં દિલીપ કુમાર નહિ, વાસ્તવમાં રાજેશ ખન્નાના કાયમી ચમચા તરીકે 'ગૌરવ' મેળવ્યું. 'આરાધના'માં ખન્નાની સાથે જીપમાં બેસી માઉથ ઑર્ગન વગાડે છે એ સુજીત યાદ તો હશે ! આમ તો પોતાને કારણે નહિ, પણ સ્વ. મૂકેશના ઉષા ખન્નાએ ફિલ્મ 'લાલ બંગલા'માં, 'ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર...' ગીતથી વધુ જાણિતો બન્યો. એ એની પહેલી ફિલ્મ હતી-હીરો તરીકે. જૂની ઘણી બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોમાં એ ફાલતુ પોલીસ ઇન્સ્પૅક્ટરના રોલમાં એકે ય ડાયલૉગ બોલ્યા વિનાના રોલ કરી ચૂક્યો છે.

માસ્ટર ભગવાન 'માસ્ટર' તરીકે ઓળખાવાના ત્રણ કારણો. એક તો '૩૦ અને '૪૦ના દશકની ફિલ્મોમાં મોટા ભાગના કલાકારો પોતાના નામની આગળ 'મા.' એટલે કે, 'માસ્ટર' લગાવતા. બીજું, એ ફિલ્મોમાં એ સ્ટન્ટ (મારધાડ)નો માસ્ટર કહેવાયો. ત્રીજું, એના ડાન્સની તદ્દન સિમ્પલ સ્ટાઇલ એટલી હદે ઇવન આજ સુધી ચાલી કે, અમિતાભ બચ્ચને ખુલ્લે આમ મા. ભગવાનના સ્ટૅપ્સની નકલ કરે છે. - જાણે સાયકલની ટયુબમાં હવા ભરતો હોય. રવિકાંતને તમે દેવ આનંદની ફિલ્મોમાં બહુ જોયો હશે. બહુ કાળો અને ટાલીયો (જ્વૅલ થીફ). આ ઉપરાંત, ફિલ્મ 'આનંદ'માં 'જીંદગી ઔર મૌત તો ઉપરવાલે કે હાથ મેં હૈં, જહાંપનાહ...' એ વિશ્વપ્રસિધ્ધ ડાયલૉગમાં ખભેથી વળી ગયેલો જાડા કાચના ચશ્માવાળો બુઢ્ઢો હાથમાં ફૂલ લઇને 'જહાંપનાહ' બને છે, તે નઝીર કાશ્મિરી એના બૅઝ-વૉઇસ જેવા મધુર અવાજને કારણે તમે એને અનેક ફિલ્મોમાં જોયો હશે. કેસરી નામનો બટકો કૉમેડિયન દારાસિંઘવાળી ફિલ્મોમાં બહુ આવતો. જેવો સ્ત્રૈણ્ય અવાજ અને એવું જ સ્ત્રૈણ્ય શરીરવાળો કેસરી એની આ બન્ને ખૂબીઓને કારણે જ કૉમેડિયન તરીકે ચાલ્યો. ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મુમતાઝનો બાપ બનતો કલાકાર શ્યામલાલ છે, જે અહીં આઇ.એસ. જોહરનો રાજ્યાભિષેક કરાવનાર મંત્રીના રોલમાં છે.

આપણે અનેક વખત લખી ચૂક્યા છીએ કે, હિંદી ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ ૧૯૬૬-માં પરવાર્યો હતો. એકાદ છુટક-બુટક સારૂં ગીત કોઇ સંગીતકાર પાસેથી વળી નીકળી આવતું, લેકીન અબ ઉસ મેં વો વાલી બાત નહિ રહી થી ! બધા સંગીતકારો પાસે સામટો સ્ટૉક ખલાસ થઇ ગયો હતો. બધા એકસરખી વેઠ ઉતારવા માંડયા હતા, પછી એ નૌશાદ હોય, શંકર-જયકિશન હોય કે મદન મોહન. મદન મોહન માટે તો દુઃખ થાય કે એનો જમાનો પૂરબહાર ચાલતો ત્યારે પણ ચોક્કસ ફિલ્મો પૂરતું જ સારૂં સંગીત આપતો અને એ ય ખાસ તો ગીત લતા મંગેશકરના ગળે મફલર બંધાય એવું હોય તો ! રડયાખડયા મુહમ્મદ રફી પૂરતા ક્યારેક વળી જલસા કરાવી દેતો, પણ બાકી તો શરૂઆતથી જ, મદન મોહનની સફળ કરતા તદ્દન બકવાસ ગીતોવાળી ફિલ્મોની સંખ્યા ઘણી વિરાટ છે. એ જમાનામાં ભાગ્યે જ હાથમાં આવતો તમને કિશોર કુમાર જેવો સિધ્ધહસ્ત ગાયક મળે છે, એને તો નિચોવી લેવાનો હોય, એને બદલે મદન મોહને ફાલતુ ગીતો ગવડાવ્યા. તમને હવે યાદ આવશે કે, સ્વ.મદન મોહને ૧૯૫૦ પછીની ફિલ્મો માટે બનાવેલી અને વધેલી (જેનો ઉપયોગ કોઇ ફિલ્મના ગીતો બનાવવામાં ન થયો, તે ધૂનોને ફિલ્મ 'વીર-ઝારા'માં મદનપુત્ર સંજીવ કોહલીએ વાપરી. તદ્દન ફાલતુ ગીતો બન્યા. સમજવાનું એટલું જ હતું કે, એ ધૂનો સારી હોત, તો મદને વાપરી ન હોત ? આ ફિલ્મ 'લડકા લડકી'માં તો એણે આપણને ખૂન્નસ ચઢે, એટલી વાહિયાત કક્ષાનું સંગીત આપ્યું છે, જાણે કે એ મદન મોહન જ નહિ !

ગીતકાર રાજીન્દર કિશને સારા કરતા વાહિયાત ગીતો વધુ લખ્યા...આ જ ફિલ્મનું કિશોરનું, 'સુણિયે સુણિયે, આજકલ કી લડકીયોં કા પ્રોગ્રામ....' આ કોઇ શબ્દો છે ? એની સામે સાહિર લુધિયાનવીએ એ જ કિશોર માટે તોફાની તો તોફાની, કેવા અજાયબ ગીતો લખ્યા હતા, 'ચાહે કોઈ ખુશ હો ચાહે ગાલીયાં હઝાર દે, મસ્તરામ બન કે જીંદગી કે દિન ગૂઝાર લે...' (આ ફિલ્મમાં એક નાનકડા રોલમાં એનો નાનો ભાઈ કૃષ્ણ દુગ્ગલ પણ છે.) માસ્ટર ભગવાનદાસે પૈસો તો ખૂબ બનાવ્યો, પણ ગીતા બાલી પાછળ ગાંડા થવામાં શરાબની એવી લતે ચઢી ગયો કે, એના મૃત્યુ પહેલાના છેલ્લા ઇન્ટરવ્યુ વખતે જાણવા મળ્યું કે, આખરી દિવસો એણે બેશુમાર ગરીબીમાં ધારાવી જેવી ઝૂંપડપટ્ટીમાં બહુ હડધૂતીમાં ગાળ્યા હતા.

વર્ષ '૬૬ની સાલનું હતું ને મુમતાઝ હજી 'સી' ગ્રેડની દારાસિંઘ-બ્રાન્ડની હીરોઇન હતી. પણ રોજ એક છોકરી સાથે સુવાના શોખિન મેહમુદ (આ વાત એણે પોતે બિન્ધાસ્ત આત્મકથારૂપે કીધી છે... ''છોકરીઓ મારી નબળાઇ છે.'') એ પહેલી વાર અરૂણા ઇરાનીને એની સાથેની પહેલી ફિલ્મના સેટ પર મળ્યો, ત્યારે હાથ પકડીને સીધું જ પૂછી લીધું હતું કે, ''ચલ અંદર...'' અરૂણાએ નારાજગી સાથે કહી પણ દીધું કે, 'હું એ ટાઇપની છોકરી નથી.' તો મેહમુદે કોઇ બળપ્રયોગ પણ ન કર્યો. પણ મેહમુદની સાથે ફિલ્મોના ડાન્સમાં આગળ-પાછળ નાચતી એકસ્ટ્રા છોકરીઓમાંથી મેહમુદે કોઇને બાકી રાખી નહોતી. આ બધું જાણવા છતાં અરૂણા ઇરાની થોડી ધીરજ ધરીને મેહમુદ પાછળ પાગલ થઇ ગઇ, તે એટલે સુધી કે, રીતસર એની પત્ની બનવાના સપના સાથે મેહમુદના ઘેર ગઇ, જ્યાં એની અમેરિકન પત્ની ટ્રેસી બન્નેને જોઇને હેબતાઇ ગઇ. મેહમુદના ઘરવાળાઓએ અરૂણાને ધક્કા મારીને કાઢી મુકી...

અરૂણા ઇરાની દારૂ પીવાના ભરચક રવાડે ચડી ગઇ હોવાથી મેહમુદે ચેતવણી આપી હતી, છતાં એક દિવસ ઘરે પાછો આવ્યો ત્યારે અરૂણા ચિક્કાર પીને બેઠી હતી. બસ, એ જ વખતે મેહમુદે એને કાયમ માટે કાઢી મુકી. બીજી એક અફવા એવું પણ કહે છે કે, દારૂને કારણે નહિ, મેહમુદ ઘેર આવ્યો ત્યારે અરૂણા બીજા કોઇ પુરુષ સાથે ઝડપાઇ હતી, માટે ખેલ ખતમ થઇ ગયો.

....ને આ બધું ય જાણવા છતાં મુમતાઝ (હા, જી. રાજેશ ખન્નાવાળી મુમતાઝ) મેહમુદ સાથે કોઇપણ ભોગે પરણવા માંગતી હતી. કિશોર-શશી કપૂરની ફિલ્મ 'પ્યાર કિયે જા'ના શૂટિંગ દરમ્યાન મેહમુદને પણ મુમતાઝ જલસાની ચીજ દેખાવા માંડી હતી ને મુમતાઝને કોઇ વાંધો જ નહોતો. (આજે મુમતાઝ ફિરોઝ ખાનની વેવાણ છે, એ તો તમે જાણતા હશો !) મુમતાઝ મેહમુદને સાચો પ્રેમ કરતી હતી, પણ મેહમુદ માટે એ એક લફરાંથી વિશેષ કાંઇ નહોતી, એવું મેહમુદની સગી બહેન અભિનેત્રી મીનુ મુમતાઝે કહ્યું છે.

મેહમુદે ખાસ ઇન્વર્ટેડ કોમા (અવતરણ ચિહ્ન)માં કહ્યું છે કે, 'પૂરી ફિલ્મઇન્ડસ્ટ્રીમાં કિશોર કુમાર જેવો જેન્ટલમેન બીજો કોઇ નથી, (કિશોરના ત્રીજા લગ્ન યોગીતા બાલી સાથે થયા ત્યારે કન્યાદાન મેહમુદે કર્યું હતું.) અલબત્ત, છોકરીઓ મામલે કિશોર પણ સંજીવ કુમારની જેમ દૂધે ધોયેલો નહતો. સંજીવ કુમારે જેટલી હીરોઇનો સાથે કામ કર્યું. એ બધીના પ્રેમમાં પડી જતો. દરેકને લાલ સાડી આપી કહેતો, ''મારી માં મારા લગ્ન થાય ત્યારે વહુને આપવા માટે ખાસ આ સાડી રાખી મૂકી હતી. એ સાડી આજે તને આપું છું.'' આવી અનેક સાડીઓનો ખજાનો સંજીવ પાસે હતો. ફિલ્મ આનંદ'માં બાબુ મોશાયનો રોલ ઋષિકેષ મુકર્જીએ સંજીવ કુમારને આપ્યો હતો, પણ ફિલ્મ 'આપ કી કસમ'માં સંજીવ મેદાન મારી ગયો હોવાથી લઘુતાગ્રંથિ ઉપરાંત દાદાગીરી સાથે રાજેશ ખન્નાએ સંજીવ માટે ના પાડી દીધી, પછી અમિતાભના નામનું સૂચન મેહમુદે કર્યું હતું. એ પહેલા આ કોલમના વાચકો જાણે છે તેમ ફિલ્મ 'આનંદ'ના બન્ને રોલ કિશોર કુમાર અને મેહમુદને સોંપાયા હતા, પણ અજાણતામાં કિશોરના વૉચમેને ઋષિ દાને કોઇ બીજા બંગાળી બાબુ સમજીને અપમાનિત કરીને કાઢી મુક્યા, એમાં કિશોર સાથે જીંદગીભર કામ નહિ કરવાનું દાદાએ નક્કી કરી લીધું. એક બંગાળી નિર્માતા કિશોરને પૈસા આપતો નહતો ને કિશોરે એના વૉચમેનને સૂચના આપી દીધી હતી કે, આ બંગાળી આવે તો ઝાંપેથી જ કાઢી મૂકવાનો ! વૉચમેન બન્ને બંગાળીઓનો ભેદ ક્યાંથી પારખી શકે ?

મેહમુદને એક જ સ્ત્રી માથાની મળી હતી, જેણે બહુ ધિક્કારપૂર્વક મેહમુદને પાછો કાઢ્યો હતો, એ તનૂજાની પાછળ પાગલ હતો. મેહમુદે તનૂજાને લલચાવવા ખાસ ફિલ્મ બનાવી. પણ તનૂજાનો ભભૂકતો ગુસ્સો જોઇને 'ભૂત બંગલા' મેહમુદને પૂરી ફિલ્મ તનૂજાને બહેન માનીને પૂરી કરવી પડી. એવો જ બીજો ધક્કો હીરોઇન શકીલાએ પણ માર્યો હતો. રાજ કપૂર સાથેની ફિલ્મ 'શ્રીમાન સત્યવાદી' દરમ્યાન. કોઇ શરમ વિના તે ઉઘાડેછોગ શકીલાની પાછળ એવો પડયો કે, ગુસ્સે થઇને રાજ કપૂરે કહેવું પડયું કે, 'કમ-સે-કમ એક છોકરી સાથે તો બહેન જેવું વર્તન કર...' બસ, એ પછી મેહમુદ શકીલા પાસે ફરક્યો નથી. શકીલા જ્હોની વોકરની સગીસાળી થતી હોવાને નાતે, બે આંખની શરમ રાખતી, પણ મેહમુદ હદ વટાવવા માંડયો, એટલે શકીલાએ રાજ કપૂરને ફરિયાદ કરી હતી.

ટૂંકમાં, તમને ફક્ત ધિક્કાર જ નહિ, સારા ઘરના માણસ હો છતાં કિશોર કુમાર માટે ગંદી ગાળો બોલવાનું ઝનૂન ઉપડે, એટલા બાળકવેડાં અને મૂર્ખામીભરી કૉમેડી કરી છે. એ તમને ત્રાસ લાગે. કોઇની ઉપર નઠારૂં વેર વાળવું હોય, તો ફિલ્મ 'લડકા લડકી'ની એક ડીવીડી ખરીદીને, ફિલ્મના ખૂબ વખાણો કરીને તમારા દુશ્મનને ગિફ્ટમાં આપો. એ અધમૂવો થઇને છત તરફ જોઇને ''પાણી...પાણી...''ના ચિત્કારો કરશે. કિશોર કરતા ય તમને વધારે ગાળો બોલશે... તમારા વેરની વસૂલાત બસ કોઇ, ૪૦-૫૦ રૂપિયાની સીડીના ખર્ચામાં પતી જશે. જય અંબે...

18/11/2015

તેરી તલાશ મેં...

દિવાળીના દિવસોમાં કામવાળો દેશમાં જતો રહે, એ સારા ખાનદાનની નિશાની નથી. (એના નહિ, આપણા ખાનદાનની વાત ચાલે છે !) સંસ્કારી ઘરોમાં તો-એક તબક્કે આપણે ઘર છોડીને જતા રહીએ, તો પણ કામવાળો કદી ન જાય. મને મારી વાઈફે સારા સંસ્કારો નહિ આલ્યા હોય, એટલે દર દિવાળીએ અમારો ધૂળજી કામ છોડીને જતો રહે છે ને મહિના સુધી પાછો આવતો નથી, એમાં સમાજમાં મારું ખરાબ દેખાય છે. વાતો કરનારા તો કરે જ ને કે, હું ધૂળજીને થોડી બી હેલ્પ કરાવતો નહિ હોઉં, માંગે એટલા પૈસા આપતો નહિ હોઉં અને ખાસ તો કોક વાર એના દેખતા મારી વાઈફ મને ખખડાવતી હોય, એ જોઈને કયો કામવાળો ટકવાનો છે ? આ તો એક વાત થાય છે.

કહે છે કે, બધું આ જન્મમાં જ ભોગવવાનું છે. ગયા જન્મમાં સારા કામો કર્યા હશે, તો આ જન્મમાં સારો કામવાળો મળી જશે, એવા આધ્યાત્મિક ખ્યાલોમાં ખોવાવાની જરૂર નથી. વાઈફ તો કોક સારા જ્યોતિષીને ય બતાવી આવી હતી કે, 'અમને કયા ગ્રહો નડે છે કે, કોઈ કામવાળો ટકતો જ નથી ?' એણે તો એ પછી સાત સાકરીયા સોમવારો ય કરેલા, પણ સત્તરમે સોમવારે ય કોઈ કામવાળો ન આવ્યો, એટલે એને જ્યોતિષી કરતા કામવાળાઓ ઉપર શ્રદ્ધા વધી ગઈ. કમ સે કમ, કામવાળા ખોટું તો ઓછું બોલે !

દરેક પરિવારની જેમ મારા ઘરમાં ય જે તબક્કાઓમાં કામવાળો હાજર ન હોય, ત્યારે વાઈફ મારી સામે સૂચક દ્રષ્ટિથી જુએ છે... કચરા-પોતાં કરાવવા નહિ, કામવાળો શોધી લાવવા !

આ કાંઈ મજા પડે એવું કામ નથી તે મારી ગાડી ચલાવતા, 'પુકારતા ચલા હૂં મૈં, ગલી ગલી બહાર કી' ગાતો ગાતો ધૂળજી શોધવા નીકળી પડું. આમાં તો જીગર પોલાદનું, છાતી છત્રીસની અને ગાડીમાં પેટ્રોલ ભરેલું હોવું જોઈએ. ઘણા ધૂળજીઓ તો આપણી પર્સનાલિટીઓ જોઈને જ આપણે ત્યાં કામ કરવા આવવાની ના પાડી દેતા હોય છે. ''આવાઓને ત્યાં વાસણ માંજવા કોણ જાય...?'' કામવાળો શોધવા ગાડી લઈને જ જવું જોઈએ.

હું નીકળી પડયો, જાનિબે મંઝિલ ! ('જાનિબ' એટલે 'તરફ'... એટલે કે, ધૂળજી શોધી લાવવાની મંઝિલ તરફ !) પણ આમાં એવું થયું કે, 'મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, લોગ આતે રહે, કારવાં બઢતા ગયા...!' અર્થાત્, કામવાળો શોધવા મારી જેમ બીજા સેંકડો લોકો મારા કાફલામાં જોડાતા ગયા. અફ કોર્સ, પોતપોતાનો ધૂળજી શોધવા... મારી સહાયમાં નહિ !

આમ પાછો હું બહુ રોમેન્ટિક નહિ, પણ આમ ખરો. એટલે સોસાયટી-સોસાયટીએ ફરીને કોઈ નવો કામવાળો શોધવાનો હતો, એટલે કપડાં-બપડાં સારા પહેર્યા હોય તો એના ઉપર આપણી છાપ સારી પડે. પરફ્યુમનો તો હું પહેલેથી શોખિન. ગુજરાતભરના ધૂળજીઓ વાપરે છે,

એવા મોંઘા પરફ્યૂમો તો આપણને પોષાય પણ નહિ ! ઈંગ્લિશ બહુ નહિ, પણ કામ પૂરતું બોલતા તો મને આવડે ! વખત છે ને, આપણા કરતા થોડું વધારે ઈંગ્લિશ જાણતો કોઈ ધૂળજી મળી ગયો તો આપણે તો સમાજમાં રહેવાનું છે, મોંઢું બતાડવાનું છે... એના સમાજમાં નહિ, આપણા સમાજમાં ! સુઉં કિયો છો ?

મારા જ લાડકા નારણપુરાના રોડ ઉપર આવેલી એક સોસાયટીના પહેલા બંગલામાં ઢીંચણ સુધીનો ચડ્ડો અને સફેદ સદરો પહેરેલા કોઈ કામવાળાને મેં બંગલાના કમ્પાઉન્ડમાં ઊભેલો જોયો. એના કરતા હું વધારે રૂપાળો લાગતો હતો. પછી તો આપણે કાંઈ છોડીએ ? (જવાબ : ના છોડીએ, જવાબ પૂરો) મેં મોંઢા પાસે મુઠ્ઠી રાખીને ઈંગ્લિશમાં ઉધરસ ખાતા પૂછ્યું, ''ભ'ઈ, મારે ત્યાં કામ કરવા આવવું છે ? બે ટાઈમ જમવાનું ને બે હજાર પગાર !''

આપણને શી ખબર કે એ ધૂળજી-ફૂળજી કોઈ નહતો. બંગલાનો માલિક ખુદ હતો. મારા ગાલેથી શરૂ કરીને આખા શરીરે પોતાના દાંત વડે બચકાં ભરવાનો હોય, એવી ધૃણાથી એણે મારી સામે જોયું. કદાચ એ કોઈ ગાળ બોલવા માંગતો હતો, પણ મારી સામાન્ય પર્સનાલિટી જોઈને ગાળને બદલે એણે આંખો કાઢવાનો માર્ગ લીધો. મારા વ્યક્તિત્વની આ પહેલેથી ખૂબી છે.

કોઈ મારી સાથે લડવા-ઝગડવા આવે તો બીજી મિનિટે એ મારી માફી માંગીને જતો રહે... હું તો કાંઈ બોલ્યો ય ન હોઉં...! સદરા-ચડ્ડાવાળો લોખંડના ઝાંપાનો એક ખૂણો પકડીને તેમ જ બીજો હાથ પોતાની કમર ઉપર મૂકીને મારી સામે જોતો હતો. મને આ એના સંસ્કાર ન લાગ્યા. રામાઓ થઈને ઝાંપો પકડીને કોઈની સામે ઊભા રહેવું, એ સજ્જનના લક્ષણ નથી. સુઉં કિયો છો...? (કાંઈ ન કહેતા... તમે ક્યાં રામા છો !) એનું લાલચી મોઢું જોઈને મેં ઓફર વધારી.

''સવા બે હજાર... બસ ?'' હું આટલું જ બોલી શક્યો, ત્યાં પાછળથી એની વાઈફ આવી, ''આઈ ગયો પસ્તીવાળો... ઓહ, આ તો કોઈ ધોબી-બોબી લાગે છે... કહું છું, તમે અંદર આવતા રહો...'' મને આશ્ચર્ય થયું કે, કેવું સંસ્કારી ઘર છે, જ્યાં ઘરના ધૂળજીને ય ''કહું છું, સાંભળો છો...''થી બોલાવાય છે ! ''કેમ અલ્યા, હમણાંથી કપડાંમાં કરચલીઓ વધારે પડે છે...?''

મારા શરીરના કયા અંગને જોઈને સ્ત્રી મને ધોબી સમજી બેઠી, એ ન સમજાણું, એટલે મેં સદરાવાળાને પૂછ્યું, ''અલ્યા, તારી શેઠાણીને કહે, હું કોઈ ધોબી-બોબી નથી... નિવૃત્ત પત્રકાર છું.''

''તો હું ય કોઈ રામો-બામો નથી... આ ઘરનો માલિક છું.'' પેલાએ કડકાઈ વધારતા કહ્યું.

''---તો પછી ઝાંપો પકડીને...?''

'તેરે દર પે આયા હૂં, કુછ કર કે જાઉંગા...' વાળું ઝનૂન મારામાં નહોતું, એટલે વધુ કાંઈ બોલ્યા વગર હું આગળ નીકળી ગયો. એક્ચ્યૂઅલી, આમાં મારો બહુ વાંકે ય નથી. આજકાલ શેઠ અને રામા વચ્ચે શારીરિક ફેરફારો તમે નોંધી ન શકો. બધા સરખા લાગતા હોય છે. ઉપરવાળા બનાવથી ઊલટી ઘટના પણ હું બનાવી ચૂક્યો છું મતલબ, એક ધૂળજીને કોઈ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ સમજીને સી.જી. રોડ પરની એક મોટી રેસ્ટરાંમાં જમવાય લઈ ગયો. બિલ ચૂકવવાનું મારે આવ્યું ત્યારે ખબર પડી કે, ભલે દેખાવમાં એ મારા કરતા વધુ ઊજળો અને સારો લાગે, પણ છે સાલો ધૂળજી ! ખોટ્ટા પૈસા પડી ગયા.

ભારે યાતનાઓ, રઝળપાટ અને ખર્ચાખર્ચી પછી હું એ નતીજા ઉપર પહોંચ્યો છું કે, આપણી સ્ત્રીઓ જ ધૂળજીઓને માથે ચઢાઈ મારે છે. સાલી કમરેથી વાંકી વળતી નથી ને એક નાનકડું વધારાનું કામ કરાવવા ધૂળજીને બસ્સો રૂપિયા વધારાના આપી દે છે... ક્યાં એના બાપાનો માલ છે ?... (અહીં ધૂળજીના બાપાનો માલ સમજવો...!) અમેરિકા-ઈંગ્લેન્ડમાં ભલભલા કરોડપતિઓના ઘરે પણ સ્ત્રીઓ જાતે બધા કામો કરતી હોય છે - રાધર, કરવા પડે છે. ગોરધનો તો અમેરિકાના હોય કે અમરેલીના, ઘરના કચરા-પોતા તો કરે, એમાં શું નવાઈ, પણ આપણી મોટા ભાગની સ્ત્રીઓ હરામ હાડકાંની થઈ ગઈ છે.

શાકભાજી લેવા ય રામાને (અથવા આપણે ફ્રી પડયા હોઈએ તો આપણને) સાથે લઈ જાય... વળતી વખતે શાકના થેલા ઉંચકવા... વધારાના રૂ. ૨૫૦/- આપીને ! દુનિયાભરના... સોરી, ભારતભરના રામાઓને ખબર પડી ગઈ છે કે, કોઈ પણ કામની સીધી ના જ પાડી દેવાની, એમાં સેઠાણી પગાર ઉપરાંત ભથ્થાં દર વખતે વધારી આપવાની છે. મને પલંગ સિવાય બીજે ક્યાંય ચઢતા આવડતું નથી, એટલે માળીયે ચઢવા વાઈફે ધૂળજીને 'રીક્વેસ્ટ' કરી. પેલાએ એટલા કામના રૂ. ૧૦૦/- માંગ્યા અને બહેનજીએ આપ્યા ય ખરા !

દિવાળીને ગયેય વરસ થવા આવ્યું... હજી પેલો આવ્યો નથી. જરાક અમથો દરવાજો ખખડે છે ને પેલી ગાવા માંડે છે, ''તેરી રાહોં મેં ખડે હૈ દિલ થામ કે, હાય હમ હૈ દીવાને તેરે નામ કે, હોઓઓઓ...''

સિક્સર

- શું, આ દિવાળીમાં ક્યાં જઈ આયા...?
- ઓહ... આ વખતે તો ફાધર-મધરને મળી આવ્યા. ઘરડાંના ઘરમાં આ વખતે 'મા-બાપને ભૂલશો નહિ'નો કાર્યક્રમ રાખ્યો'તો...!

15/11/2015

ઍનકાઉન્ટર : 15-11-2015

* દેશ હોય કે વિદેશ, આપણા વડાપ્રધાન ધાર્મિક પરંપરાઓને અનુસરે છે. તમે શું માનો છો ?
- એટલું સારૂં છે, કે ધર્મ કરતા દેશને પહેલું મહત્વ આપે છે.
(મયૂર વાળંદ, ભૂજ-કચ્છ)

* શું ચોર સાચો સમાજસેવક છે ?
- ટી.વી. ન્યૂસ જોયે રાખો તો જવાબ 'હા'માં આવે.
(ગણેશ ઠાકોર, આણવદ)

* સામેના ફ્લેટવાળીનું 'સ્માઈલ' તો તમને સારું લાગ્યું, પણ સિગ્નલ પર ઊભેલી ભિખારણનું સ્માઈલ કેવું લાગ્યું ?
- ભ'ઈ... એ તો જેવી જેની ચોઈસ ! મને ફ્લેટવાળીનું ગમે છે... તમે ભિખારણનું ગમાડો.
(રામ ઓડેદરા, પોરબંદર)

* નાના ફોલ્ટ થતા મારૂતિએ ગાડીનું મોડલ પાછું ખેંચી લીધું... આવી વ્યવસ્થા લગ્નજીવનમાં કેમ નહિ ?
- ... શકોરામાં થાય ! ગાડી બગડે તો મિકેનિક પાસે મોકલાય. વાઈફને ના મોકલાય.
(ધિમંત ભાવસાર, બડોલી-ઈડર)

* તમે જીવનમાં કેટલી ભૂલો કરી છે ?
- આ અત્યારે કરી એ જ... બસ !
(દિનેશ પટેલ, વલસાડ)

* આપ કોઈની નનામી ઉપાડીને જતા હો ને ખિસ્સામાં મોબાઈલની રિંગ વાગે તો ઉપાડો ?
- ઉપર જેને સુવડાવ્યો છે, એના માટે ફોન હોય તો ના ઉપાડું... પાછો ઘેર મૂકવા જવું પડે!
(સાગર પટેલ, વીરમગામ)

* તમારૂં મનપસંદ સ્થળ કયું ?
- એકલા સુવાનું હોય તો પલંગ... બાકી ગમે ત્યાં ચાલે !
(સાહિલ જાદવ, અમદાવાદ)

* તમે જવાબો આપવા માટે કયો સમય પસંદ કરો છો ?
- બેમાંથી એક જ... દિવસ અથવા રાત.
(રહેમાન બોગલ, ગોધરા)

* હું જીંદગીથી કંટાળી ગયો છું. શું કરૂં ?
- રસ્તા ઉપર પોલીસના દેખતા કોક અજાણ્યાને ખેંચીને એકાદી થપ્પડ મારી આવો.
(પ્રીતેશ એચ. શાહ, નડિયાદ)

* સ્કૂલની પરીક્ષાઓમાં ય તમે આવી જ રીતે જવાબો આપતા હતા ?
- ના. ત્યારે તો મગજ દોડાવવું પડતું હતું.
(મનિષ થડોદા, જામનગર)

* મુહબ્બત દિલથી કરવા છતાં મળતી કેમ નથી ?
- તે બીજા બધા દિલથી નહિ તો શું ખભાથી મુહબ્બતો કરતા હશે ?
(સંજય દાફડા, નાજાપુર-અમરેલી)

* મારી બહેનનો પતિ એને ખૂબ હેરાન કરે છે. તો શું કરવું ?
- તમે (તમારા બહેન) સાચા હો, તો પોલીસ ફરિયાદ કરો.
(અશ્વિન વાઘેલા, સુરત)

* ટીવી પર બધી ફિલ્મો આવતી હોવા છતાં લોકો મલ્ટિ-પ્લેક્સમાં જોવા કેમ જાય છે?
- થીયેટરોમાં દર બે મિનિટે, ''એ... તમે નાહી લીધું ?'' સાંભળવું નથી પડતું માટે..
(સુરાલી અમીપરા પિપરીયા, જામનગર)

* અમારી આવનારી લગ્નતિથિએ મારી વાઈફે મને કોઈ 'પરફેક્ટ' ગિફ્ટ જ આપવાની ચેતવણી આપી દીધી છે. શું કરવું ? (એ 'ગુજરાત સમાચાર'વાંચતી નથી.)
- એ 'ગુજરાત સમાચાર' વાંચતા નથી, પછી પરફેક્શન સાથે શું લેવા-દેવા ?
(જુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* મોદી સાહેબે 'યોગ દિવસ' ઉજવ્યો. હવે ફોલો-અપનું શું ?
- 'યોગ'નો ઊંધો શબ્દ શું થાય ?
(રાજન ઓઝા, રાજકોટ)

* પરીક્ષામાં વધારે માર્ક્સ મેળવવા શું કરવું ?
- પોતે માંડ પાસ થતો હોય, એવાને આવો સવાલ ન પૂછવો.
(કુશ પટેલ, ઊંઝા)

* મારે તમને કોઈ સવાલ જ ન પૂછવો હોય તો ?
- વહેલા પરણી નાંખો.
(કેતન શિવપ્રસાદ રેખ, સુરત)

* બ્રાહ્મણોની 'સેન્સ ઓફ હ્યુમર' આટલી સારી કેમ ?
- અમે અનામત ક્વૉટામાં આવતા નથી, એટલે !
(વિરલ ગાંધી, મીરા રોડ - મહારાષ્ટ્ર)

* તમને નથી લાગતું કે, તમારો પનો ટૂંકો પડે છે ?
- રોજના કેટલા લેંઘા સિવો છો ?
(હનિફ છાયા,પોરબંદર)

* જાપાનીઓએ રોબોના લગ્ન કરાવ્યા... હવે ?
- બસ... આવતા ઓગસ્ટ સુધી રાહ જોવાની.
(વિરાજ બી. વ્યાસ, વડોદરા)

* તમારો હોદ્દો શું છે ?
- હું એક હસબન્ડ છું.
(પ્રશાંત પારેઘી, ગાંધીધામ)

* સિક્યોરિટી ગાર્ડ્સ આપણે વાહન પાર્ક કરી લઈએ, પછી જ પ્રગટ કેમ થાય છે ?
- પાપી 'પાર્ક'ને ખાતર !
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* આજકાલની છોકરીઓ, 'બધું અહીંનું અહીં જ ભોગવવાનું છે,' એમ કેમ સમજતી નથી ?
- પહેલા મમ્મીને પૂછી જુઓ... એમની કે તમારી મમ્મીને !
(રિન્કલ વી. સોની, ભરૂચ)

* ભગવાન માણસને બનાવીને ક્યાં ગૂમ થઈ ગયા ?
- સુરેન્દ્રનગરમાં.
(પુલિન શાહ, સુરેન્દ્રનગર)

* તમારી દ્રષ્ટિએ 'સેન્સિબલ' સવાલ કોને કહેવાય ?
- જેનો જવાબ સ્ટુપિડ અપાયો હોય !
(શ્રેયા ગી. શાહ, મુંબઈ)

* આપણા દેશમાં રાહુલ ગાંધીનું પ્રદાન શું ?
- એ સોનિયાજીનું પ્રદાન છે. એમના પ્રદાનને હજી વાર છે.
(શ્રીદેવી મયપ્પન, વડોદરા)

* માણસને વિચાર કરવા માટે ય શબ્દોનું ભાષાજ્ઞાાન જરૂરી છે, તો જન્મથી જ મૂકબધિર લોકો કઈ ભાષામાં વિચારો કરતા હશે ? એમણે તો કોઈ ભાષા સાંભળી જ હોતી નથી!
- આંખો અને સ્પર્શની કોઈ અલગ ભાષા હોવી જોઈએ.
(આત્મજા દવે, વિરાર-મુંબઈ)

11/11/2015

બેસણામાં ફોટાની બબાલ

આખું ઘર ટૅન્શનમાં હતું. આવતી કાલે કાકાનું બેસણું ને છાપામાં આપવાનો એકે ય ફોટો ન મળે. ઍક્ચ્યુઅલી ગુજરી ગયા છે કાકા, એટલે એમનો ફોટો ન મળે, એટલે ગમે તેનો ફોટો તો આપી ન દેવાય ને ? આમાં તો કાકાનો જ જોઇએ. પદુ આખું ઘર ફેંદી વળ્યો. લેવા-દેવા વગરનો વાઈફ ઉપર ગરમ થયો કે, 'આખેઆખા કાકા જતા રહે છે ને તમને એક ફોટો મળતો નથી ?' વીરા એની વાઈફ... આમ પાછી પ્રેક્ટિકલ એટલે ગોરધનનું ટૅન્શન ઓછું કરવા એક ફોટો ગમે ત્યાંથી શોધી ય લાવી, એમાં પેલો વધારે બગડયો.

'ડોબી... કાકા છ વરસના હતા ત્યારનો ફોટો બેસણામાં ના ચાલે... મોરૂકાકા ૮૭ની ઉંમરે ગયા છે... છ વરસના હતા ત્યારે નહિ ! ગયા વરસનો ફોટો હજી ય ચાલે... આવો ચડ્ડી પહેરેલો ના ચાલે.'

પદુ આમ પાછો જાણકાર, છતાં ય મર્યા પછી ડૅડ-બૉડીનો ફોટો બેસણાંની જા.ખ.માં ન અપાય, એની એને ખબર. એમાં તો અધખૂલી આંખો અને ખુલ્લા દાંત જ દેખાય. કાકા સ્માઇલ આપતા આપતા ગયા છે કે મોઢું ખુલ્લું રહી જવાને કારણે ઊપડયા છે, એ ફોટો જોઇને ખબર ન પડે. આમાં તો જીવતા હોય ત્યારનો ફોટો જ ચાલે. એ જમાનામાં તો કોણ વળી ફોટા પડાવતું હતું !

પદુની દીકરી લલી માળીએ ચઢી હતી. એણે ધૂળો ખંખેરીને જુના ફોટાની ફાઈલો કાઢી. પદુ હોશમાં આવ્યો કે, 'હાઆ... શ, આમાંથી તો કાકાનો એકાદો ફોટો નીકળશે જ !' મેહનત એળે તો ન ગઇ, પણ ત્રણમાંથી એકે ય ફોટો લેવાય એવો નહતો. પદીયો પોતે નાનો હતો, ત્યારે ફોટામાં કાકાની બન્ને આંખોમાં બૉલ પૅનના ઘાટ્ટા ટપકાં કર્યા હતા, એટલે એ તો ન અપાય ! બ્લ્યુ મૂછો તો જુદી. ડાઘા દૂર કરવા પદીયાની વાઈફે ભીનું પોતું લઇને બન્ને આંખો ઉપર ઘસ્યું - પોતાની આંખો ઉપર નહિ... કાકાના ફોટાની બૉલ પૅનવાળી આંખો ઉપર ! એમાં મોટો લિસોટો કાનની ય પેલે પાર ફોટાની બહાર ગયો ને મૂળ ડાઘા તો એના એ જ રહ્યા. પદુ ખીજાણો, 'કોણે તને ડાયલી થાવાનું કીધું'તું...? માંડ એક ફોટો મળ્યો એ ય -'

'ખોટી રાયડું (બૂમો) પાડો મા... ! તી આમે ય, આખોંમાં બે ભૂરાં ટપકાંવારો ફોટો છાપામાં થોડો દેવાનો હતો ?'

લલી પાસે કાકાનો બીજો ફોટો ય હતો. પણ એ જમાનાના સ્ટુડિયોવાળાની ગમે તે ભૂલ થઇ હશે કે, ફોટામાં કાકાનું કપાળ આખું ગાયબ હતું - માત્ર આંખો ઉપરની ભ્રમરો દેખાતી હતી. નાક પછીના ભાગ ઉપર સ્વર્ગસ્થ કાકીનો ઓઢેલો સાડલો આવી જતો હતો, એટલે આવો ફોટો દેવાનો કોઈ અર્થ નહતો. આવો ફોટો બેસણાંની જા.ખ.માં આપીએ, તો કાકા આખેઆખા નહિ, તબક્કાવાર હપ્તે હપ્તે મર્યા હશે, એવું કોકને લાગે. પહેલા કપાળ ઊડયું હશે, પછી દાઢું ગયું હોય, એ ક્રમમાં !

ત્રીજો ફોટો હતો તો કાકાનો જ અને એમાં કોઈ ખરાબી નહોતી. પ્રિન્ટ પણ સરસ સચવાયેલી હતી. કાકાનો એ જ સફેદ સદરો ને એ જ ગાંધીબાપુ જેવા મોટા કાન... પણ પ્રોબ્લેમ એ હતો કે, કાકાનો પાછળથી પડેલો એ ફોટો હતો... આઈ મીન, કાકાની બોચી અને ઝીણકા સફેદ વાળનો ફોટો પાછળથી-એટલે કે, કોક લગ્નપ્રસંગે કાકા ભીંત સામે જોઇને ઊભા હશે, ત્યારે આગળ બન્ને ઢીંચણો ઉપર પહોળા આંગળા રાખીને બેઠેલા પદુનો કોકે ફોટો પાડેલો હતો, એમાં કાકા ઊભેલા દેખાય છે. પદુ તો પરફૅક્ટ ઓળખાતો હતો, પણ એમ કાંઈ કાકા ઓળખાય, એટલે પદીયાનો ફોટો બેસણાંની જા.ખ.માં ઓછો દઇ દેવાય છે ?

પદુ ટૅન્શનમાં આવી ગયો. કાકાનો માંડ એક ફોટો મળ્યો, એ ય ભીંતમાં જોતાં મોઢું પેલી બાજુ !

આમ કાકાને ટેવો ખરી કે, ઘરની બાલ્કનીમાં બેઠા બેઠા સામેવાળા મધુબેન કપડાં સુકવતા હોય ત્યારે આવી રીતે બોચી આપણી તરફ રાખીને ત્યાં જુએ રાખે. એ વખતે લટકતી માળા ફરતી થંભી ગઈ હોય, એટલે આપણને ખ્યાલ તો આવે કે, માળા અડધી પતી છે, પણ કાકા પૂરા પહોંચી ગયા છે. પણ એ પછી તો મધુબેનના નામની આગળે ય 'સ્વ'. લગાવવાનું ચાલુ થયું, એટલે કાકાએ બાલ્કની બદલી હતી. સાલો, અત્યારે તો એવો ફોટો ય પાડયો હોત તો કામમાં આવત. મોબાઈલમાં સેલ્ફા-ફેલ્ફા પાડે રાખીએ છીએ, એના કરતા ડોહાનો આવો તો આવો... સાઇડમાંથી એક ફોટો પાડી લીધો હોત તો આ હાલત ન ઊભી થાત કે, ફોટામાં કાકાનું મોઢું પેલી બાજુ ને બોચી આપણી બાજુ !

'કઉં છું... કોક સ્ટુડિયોવારો ઓરખિતો હોય તો બોલાવી જુઓ ને... એ -' વીરાને એમ કે, આપણે કાંઈ કામમાં આઈએ.

'સુઉં કામ છે સ્ટુડિયોવાળાનું ?' મૃતદેહનો મૅઇક-અપ કરાવીને ફોટો પાડવાનો છે ? પદીયો બગડયો.

'તે હું એમ કે'તી'તી કે... આ તો અમથી વાત કરૂં છું, રાયડું નો પાડતા પાછા... કઉં છું, કોક ફોટાવારો ઓરખીતો હોય તો ઘેરે બોલાવીને પૂછી જુઓ કે, ફોટામાં કાકાનું મોઢું ભીત કોર (બાજુ) છે, તી આમની કોર નો થાય ? કાકાનું મોઢું આપણી તરફ ફેરવી નો દેવાય ??? આપણે જી કાંઈ ચાર્જ થાતો હશે, ઇ દઇ દેશું !'

પદુને પહેલાં તો ગુસ્સો ચઢ્યો, પણ પછી એને યાદ આવ્યું ય ખરૂં કે, સાયન્સ તો બહુ આગળ વધી ગયું છે. મોબાઈલ ફોનોમાં ય કૅમેરા અવળો રાખીને 'સેલ્ફી' પાડી શકાય છે, તો આ કેમ ન થાય ?

સ્ટુડિયોવાળો તો ખૂબ હસ્યો, પદુએ દરખાસ્ત મૂકી ત્યારે. આણે જીદ કરી તો હસતા હસતા ગુસ્સે ય થયો, પણ એના ગુસ્સામાં હસવાનું વધારે હતું. 'એમ કાંઈ ફોટા સીધા થતા હશે ?... કાલ ઉઠીને તમે તો એમે ય કહેશો કે, કૅમેરાની કરામતથી ૯૦ વર્ષના કાકાની ઉંમર ૧૫-વર્ષની કરી આપો ને...? હહહાહાહા...'

પદુ વીલે મોંઢે પાછો આવ્યો. લલીએ પાછું એક સૂચન કર્યું કે, આપણી સોસાયટીની સામે એક ફોટોગ્રાફર રહે છે. ખાસ બેસણાંના ફોટા પાડવા ઉપર એનો હાથ સારો બેસી ગયો છે. તમે કિયો, ઇ સ્ટાઇલથી ફોટાં પાડી દિયે... જીગુ કે'તી'તી કે, બેસણાંના ફોટા પડાવવા એને તીયાં તો અગાઉથી બૂકિંગું થાઈ છે, બોલો ! આજે ઑર્ડર નોંધાવો તો તઇણ મહિને નંબર આવે... છાપાઓમાં બેસણાંના ૭૦ ટકા ફોટા એણે પાડેલા હોય છે.'

'હા, પણ બેટા... એ તો માણસ જીવતું હોય ને, ત્યારે ફોટા પડાવી લેવાય...આપણને થોડી ખબર હતી કે, કાકા આટલા જલ્દી નીકળવાના છે...?'

'તી હું કઉં છું કે...' પદુ-પત્ની વીરાએ સૂચન કર્યું, '... ભેરાભેરો તમે ય એકાદો ફોટો પડાવી તો રાખો ! આ જોયું ને, અટાણે બાપુજીનો ફોટો મલતો નથી, તે કેટલી હડીયાપાટું થાય છે ?... અને મોઢું જરા હસતું રાખજો પાછા... છાપામાં તો તમે જોવો જ છો ને, બેસણાંવના ફોટામાં કોઈના મોઢાં ઉપર સ્માઇલું હોઇ છે ? કેમ જાણે બેસણા હાટું જ સ્પેશિયલ ફોટા પડાઇવા હોય !'

'એ ડોબી... અત્યારથી મારે ફોટો પડાવી રાખવાનો ન હોય. તારા બાપે તો મર્યા પછી ય નહોતો પડાવ્યો ને હું અત્યારથી પડાવું ? બોલવામાં કાંઈ શરમ-બરમ રાખ જરી !''

દોડાદોડી તો બહુ થઇ ગઈ, કાકાનો ફોટો ગોતવામાં આ બાજુ છાપાવાળાઓએ કહી દીધેલું કે, સાંજના ૭ પછી જાહેર ખબર નહિ લેવાય. લેવી હોય તો ફોટો અને મેટર વહેલું મોકલો. પદીયો ટૅન્શનમાં એટલો તો ઉશ્કેરાયેલો હતો કે, એક તબક્કે બેસણાંનું લખાણ નહિ હોય તો ખાલી ફોટો છાપીશું... લોકો સમજી જશે કે, કાકા ગયા, પણ ત્યાં જ સારા સમાચાર આવ્યા.

ગયા સપ્ટેમ્બરમાં કાકા પડી ગયા, ત્યારે માથામાં બહુ વાગ્યું હતું અને આખુંમકાન ધોળવાનું હોય એમ આખા મોંઢા ઉપર પાટાપિંડી આવ્યા હતા. કાકાની ફક્ત બે આંખો જ ખુલી દેખાતી હતી અને મહીંથી એમના ઉંહકારાના અને કણસવાના અવાજો આવતા હતા, ત્યારે કોકે 'સ્માઇલ પ્લીઝ' કહેતો ફોટો પાડયો હતો, એ મળ્યો, અલબત્ત, ફોટામાં ખબર પડતી નહોતી કે, કાકાએ સ્માઇલ આપ્યું હતું કે નહિ, કારણ કે ઍક્સિડૅન્ટમાં એમના બન્ને હોઠ પણ ફાટી ગયેલા.

'પણ એ હસ્યા'તા કે નહિ, એની આપણે શું લેવા દેવા ? ફોટો મળી ગયો, એ જ મોટી વાત છે.' પદુ ઠંડો તો પડયો.

કાકાનો પૂરી પાટાપિંડી સાથેનો ફોટો બેસણામાં છપાયો. જલદી ખબર પડતી નહોતી કે કોણ મર્યું છે, એને કારણે હજી જે મર્યા નહોતા, એવા ૩-૪ ડોહાઓને ઘેરે ય લોકો ધોળા કપડાં પહેરીને ધક્કો ખાઈ આવ્યા. કહે છે કે, ઘરમાં ઘરડું હોય ને વરસે-બે વરસે એમનું જવાનું નક્કી ન હોય તો બે-ચાર સારા ફોટા પડાવી રાખવા સારા... ઘરમાં કોક ઘરડું ગૂજરી જાય છે, ત્યારે બેસણાં માટે ફોટો શોધી કાઢવા દરેક ઘરમાં દોડાદોડી થાય છે.... ઘરમાં મોબાઇલ બધાની પાસે હોય છે.... ડોહા-ડોહીના ફોટા પાડવામાં કોને રસ હોય ? આ તો એક વાત થાય છે !

સિક્સર
જગતની સૌથી ટુંકી વાર્તા :
અમદાવાદના ટ્રાફિક જામમાં એ બન્નેની ગાડીઓ બાજુબાજુમાં ઊભી. પ્રેમ થઇ ગયો. નસીબદાર બે રીતે કે આ બાજુની ગાડીમાં કોક ગોરમહારાજ બેઠા હતા, એટલે લગ્ન ત્યાં જ થઇ ગયા... ને આ બાજુની ગાડીમાં ગાયનેક (ડોક્ટર) બેઠા હતા. બાબો આવ્યો.
ટ્રાફિક છુટો થયો અને ઘેર પહોંચ્યા, ત્યારે બન્ને દાદા-દાદી બની ગયા હતા.