Search This Blog

29/07/2018

એનકાઉન્ટર : 29-07-2018


* હરએક વ્યક્તિ પૈસાના માપતોલથી કેમ જીવે છે?
-
એને જીવવું હોય છે, માટે.
(
હરિભાઈ બકરાણીયા, અમદાવાદ)

* બ્રહ્માંડની સફરે તમારે મોદીજીની સાથે જવાનું હોય તો?
-
મોદી તો જઈને પાછા ય આવતા હોય છે... મારૂં ય એવું નક્કી થાય તો વાંધો નથી.
(
કાજલ એચ. ત્રિવેદી, રાજકોટ)

* 'ચિત્રલોક'માં સવાલ પૂછવાનું સરનામું શું?
-
ડાબેથી સીધા જઇને થાંભલો આવે ત્યાં વળી જાઓ.
(
મંગલસિંહ દરબાર, વડોદરા)

* સરકારી બંગલો ખાલી કરતા પહેલા અખિલેશ યાદવે મોટી તોડફોડ કરી...
-
એના બાપનું રાજ હતું.
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* 'એનકાઉન્ટર'માં ત્વરિત જવાબ મેળવવા શું કરવું જોઈએ?
-
ત્વરિત રાહ જોવી જોઈએ.
(
ગૌરી વી. કાચા, અમદાવાદ)

* ખાડે ગયેલી 'એર ઈન્ડિયા'ને બચાવવા કોઈ ઉપાય?
-
તમે સવાલ પૂછવાને બદલે બે મોટા નિબંધો લખ્યા છે... પૂરા વંચાઈ જશે, પછી જવાબ આપી શકીશ.
(
અરવિંદ શાહ, અમદાવાદ)

* 'લવ મૅરેજ' કેટલે અંશે સફળ થાય?
-
મેં તો એક જ વાર કર્યા છે, એટલે મને ઝાઝી ખબર ન પડે. કોઈ મોટા અનુભવીને પૂછો.
(
પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* ભણતર અને ઘડતર વચ્ચે શું તફાવત?
-
હજી બીજા ઘણા 'તર' બાકી રહી ગયા. લખો, ચણતર, પડતર, લખતર, માસ્તર... હવે તફાવત સમજાયો?
(
દિલીપ આર. વોરા, અમદાવાદ)

* 'બીટકૉઈન'માં કાંઈ સમજણ પડતી નથી...
-
ધોલેરામાં ઘણા બચી ગયા કહેવાય!
(
રાજેન્દ્રસિંહ વી. ચુડાસમા, ધોલેરા)

* તમે સ્કૂલ-કૉલેજે જતા કે સિનેમા જોયે રાખતા? તમારૂં ફિલ્મોનું જ્ઞાાન જોઈને પૂછ્યું છે.
-
એવું કાંઈ ન હોતું. સિનેમામાંથી ટાઈમ મળે ત્યારે સ્કૂલે ય જતો!
(
કિરીટ જે. શાહ, રાણાવાવ)

* તમને ગોરપદું આવડે છે?
-
બોલો, કોને 'પઈણાવવાના' છે?
(
મણીલાલ રૂઘાણી, રાણાવાવ)

* ન્યાયી શું? લૅડીઝ ફર્સ્ટ કે સૅફ્ટી ફર્સ્ટ?
-
લેડીઝ સાથે હોય પછી 'આપણી' સેફ્ટીની ચિંતા જ નહિ કરવાની!
(
કિશોર રાજપરા, રાણાવાવ)

* ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીમાં કયા પક્ષનું બાળમરણ થશે?
-
જે પક્ષમાં બાળકોનું ચલણ હોય..!
(
ફિઝ્ઝા આરસીવાલા, મુંબઈ)

* આપણી યુવાપેઢી સ્વચ્છતા અને સમયપાલન ક્યારે શીખશે?
-
યૂ મીન... હવે તમે યુવાન નથી?
(
જયેશ અંતાણી, ભાવનગર)

* અરીસાની શોદ કોણે અને ક્યારે કરી?
-
દરિયો કે નદી કામમાં ન આવ્યા... તળાવે અરીસો બતાવ્યો.
(
ડી.જી. વ્યાસ, જૂનાગઢ)

* 'હું ખાતો નથી અને ખાવા દેતો નથી', એવું કહેતા મોદીસાહેબ ખાનારાઓને કહેતા ય નથી... સાચું?
-
આપણા બેમાંથી કોઈને કીધું?
(
પુષ્કર ગઢીયા, જૂનાગઢ)

* સરકારી કર્મચારી લાંચ લીધા વિના કામ કરી આપે, એવા દિવસો ક્યારે આવશે?
-
હું સરકારી કર્મચારી નથી... જે આપવું હોય તે સમજીને આપી દો..!
(
સદરૂદ્દીન ચારણીયા, રાજકોટ)

* નૌટંકી કેજરીવાલને સરહદ પર મોકલી ન અપાય?
-
સરહદ શું કામ ગંદી કરવી છે?
(
મણીબેન પટેલ, ઊંટડી)

* વડાપ્રધાનના નિવાસસ્થાને પંચકર્મ બગીચો બનાવાયો છે... આપના બંગલામાં આવી કોઈ સુવિધા ખરી?
- '
અચ્છે દિન આયેંગે'.
(
લખમણ પંપાણીયા, લોઢવા-ગીર)

* રૂ. ૧૫-લાખનું સપનું...?
-
પગલે! સપને ભી કભી સચ હોતે હૈં ક્યા?
(
મહેશ માંકડ, અમદાવાદ)

* હમણાં ડિમ્પલ કાપડીયાનો જન્મદિન ગયો... કોઈ ઉજવણી કરી હતી કે નહિ?
-
એ જરા મોંઘી પડે... અમારો જન્મદિન ચાર વર્ષે આવે... આપણે વધારાની ત્રણ કરવી પડે!
(
હર્ષ એસ. હાથી, ગોંડલ)

* ભારતમાં દુબાઇ જેવા કડક કાયદાઓ કેમ નથી?
-
દુબાઇવાળા આપણું પૂછે છે, ''દુબાઇમાં ભારત જેવા સીધાસાદા કાયદા કેમ નથી?'
ડૉ. રાજેન્દ્ર કે. હાથી, વડોદરા)

* સાચો ભારતીય કોને કહેવાય?
-
અત્યારે તો આપણા બે ના નામો સંભળાય છે!
(
રસિકલાલ એસ. વ્યાસ, ભાવનગર)

* ફિલ્મસંગીતના કાર્યક્રમોમાં વચ્ચે હવે મિમિક્રી-આર્ટિસ્ટ્સ કેમ નથી આવતા?
-
શ્રોતાઓને હસાવવાનું કામ ઘણી વાર ગાયકોના કંઠ કરી લેતા હોય છે.
(
મીના નાણાવટી, રાજકોટ)

* કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યથી બન્ને પક્ષોને કેટલું નુકસાન કે ફાયદો?
-
પક્ષોને ફાયદો થાય કે ન થાય... એમને થયો છે... ડૂબતી નૈયા કિનારે..!
(
હસમુખરાય રાજાણી, રાજકોટ)

27/07/2018

'શમા પરવાના '('૫૪)


ફિલ્મ : 'શમા પરવાના '('૫૪)
નિર્માતા-દિગ્દર્શક    :    ડી.ડી. કશ્યપ
સંગીતકાર    :    હુસ્નલાલ-ભગતરામ
ગીતકાર    :    મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ    :    ૧૬-રીલ્સ
કલાકારો    :    શમ્મી કપૂર, સુરૈયા, રૂપમાલા, ઉલ્હાસ, મુબારક, સુંદર, બિબ્બી બાઈ, રેણુબાલા, શમીમ ચૌધરી અને બૅબી નાઝ

ગીતો
    ઉલ્ફત કે જામ પિલા દો, મેરે સાકી....    નિર્મલા-સાથી
    સરે મેહફીલ જો જલા પરવાના...    રફી-સુરૈયા
    તૂને મેરા યાર ના મિલાયા, મૈં ક્યા....    મુહમ્મદ રફી
    મૌજ ખામોશ હૈ..જા કે લાગે નૈના...    સુરૈયા-આશા
    બેકરાર હૈ કોઇ અય મેરે દિલદાર આ...    રફી-સુરૈયા
    અલવિદા, ઓ જાને તમન્ના અલવિદા...    સુરૈયા-સાથી
    તૂ હી ભરોસા, તૂ હી સહારા, પરવરદિગારા...    સુરૈયા
    તેરી કુદરત તેરી તબદીર...તૂને મેરા યાર...    સુરૈયા
    શામે બહાર આઇ, કર કે સિંગાર આઇ....    રફી-સુરૈયા
૧૦    વો મરને સે નહિ ડરતે....    મુહમ્મદ રફી
૧૧    ઓ પરવાને શમા કો અપની રૂસ્વા ન કરના...    સુરૈયા

શમ્મી કપૂર રાજ કપૂરનો ભાઇ ઍન્ડ, ધી ગ્રેટ પૃથ્વીરાજ કપૂરનો દીકરો હોવા છતા કપૂર-ખાનદાનના શિરસ્તા મુજબ, બધાએ પોતપોતાનું જાતે ફોડી લેવાનું. ત્રીજો શશી હતો. ત્રણે ભાઇઓએ પૂરી ફિલ્મ કરિયરમાં કોઇની તો ઠીક, એકબીજાની નકલ કરી નથી. શમ્મી તો મહેશ કૌલની ફિલ્મ 'જીવન-જ્યોતિ' ('૫૪)માં પહેલીવાર ફિલ્મોમાં આવ્યો (હીરોઇન હતી, ચાંદ ઉસ્માની) એ પછી સળંગ ૧૮-ફિલ્મો ટિકીટબારીઓ ઉપર પિટાઇ ગઇ...તુંમ સા નહિ દેખા'એ એનું ભાગ્ય, દેખાવ અને સ્ટાઇલો બદલી નાંખી, એ પછી ભારતનો મોસ્ટ વૉન્ટેડ રીબેલ-સ્ટાર બની ગયો. એની નકલો ઉઘાડેછોગ કરનારા હીરો આજે ય પડયા છે, પણ જસ્ટ... દેખાવના સામ્યને કારણે લોકોએ એને ઍલ્વિસ પ્રેસલીની ઇન્ડિયન આવૃત્તિ બનાવી દીધો.

આમ તો, શમ્મીની પહેલી ફિલ્મ 'રેલ કા ડિબ્બા' હતી. વિખ્યાત ડાન્સર-હીરોઇન હૅલન જેના આંધળા પ્રેમમાં હતી ને જેણે હૅલનથી છૂટા પડયા પછી એના ૧૦૦-થી વધુ પ્રેમપત્રો ખિસ્સામાં લઇને ફરતો ને હૅલનને બદનામ કરતો. એ પ્રાણનાથ અરોરા (પી.ઍન.અરોરા)એ શમ્મી કપૂરની પહેલી ફિલ્મ ૧૯૫૩-માં બનાવી હતી, પણ પહેલા રીલિઝ થઈ 'જીવન જ્યોતિ' આ પહેલી ફિલ્મ 'રેલ કા ડિબ્બા'માં મધુબાલા હીરોઇન હતી અને સંગીતકાર ગુલામ મુહમ્મદે કમ્માલ કરાવી હતી શમશાદ બેગમ અને મુહમ્મદ રફી પાસે, 'લા દે મોહે બાલમા આસમાની ચૂડિયાં' ગીતમાં આ બન્ને ગાયકોએ બ્રેથલૅસ ગાયું છે. અલબત્ત, રફી તો શ્વાસ તૂટે છે, પણ શમશાદ સળંગ ગાય છે.

ફિલ્મની વાર્તા મોગલ જમાનાની છે. ગુલ મિર્ઝા (શમ્મી કપૂર) શાયર છે અને અર્કત-ઊલ-દૌલા (ઉલ્હાસ)ના મહેલમાં પોતાની શાયરી-ગઝલો પેશ કરીને એમની પુત્રી સાહેબજાદી આલમનું દિલ જીતી લે છે. ગુલ એકદમ હૅન્ડસમ અને શૂરવીર પણ હતો એટલે લશ્કરમાં નોકરી મળી જાય છે. પણ કહે છે ને કે, રાજા, વાજાં અને વાંદરા... કોઇ ભરોસો નહિ, એમ બાદશાહ અર્કત ગુલ મિર્ઝાને લશ્કરમાં ભરતી કર્યા પછી એની દિલેરી માપવા ૧૦૦૦-સિપાહીઓના લશ્કર સાથે ત્રણ દિવસમાં દૂરના એક પ્રદેશનું અંતર કાપી આપવાનો પડકાર ફેંકે છે, જે એ પૂરૂં તો કરે છે, પણ એમાં એની જીંદગી જોખમમાં આવી જાય છે.

પાછા આવ્યા પછી બાદશાહ એની શેહજાદીનો હાથ ગુલને આપવા સહમત થાય છે. પણ એ કાવતરૂં છે અને ગુલ અને તેની મા નો જીવ જોખમમાં મૂકાય એવું યુદ્ધ એને બાદશાહના સિપાહીઓ સાથે કરવું પડે છે. એનો મતલબ એણે બાદશાહ સામે બંડ પોકાર્યુ કહેવાશે. આ પરિસ્થિતિમાં એને બળવાખોર જાહેર કરી સજા આપવામાં આવે, જેથી ગુલ શેહજાદીને ક્યારેય મળી ન શકે. ક્રૂર બાદશાહ ગૂલ મિર્ઝાને ઉકળતા પાણીમાં જીવતો ભૂંજી નાંખે છે અને શમા-પરવાનાનું મિલન થતું નથી.

તમે ય જોઇ-વાંચી શકો છો કે, વાર્તામાં કોઇ દમ નહતો. ફિલ્મનું નબળું પ્રોડક્શન અને રજુઆત પણ સામાન્ય કક્ષાના હોવાને કારણે એ જમાનામાં ફિલ્મ રીલિઝ થઇ એવી જ પિટાઇ ગઇ. શમ્મી કપૂર માટે એની ફિલ્મોનું પિટાઇ જવું કોઇ નવી વાત નહોતી, પણ સુરૈયા એ સમયની સ્ટાર હતી. સુંદર, શિક્ષિત અને અદ્ભૂત ગાયિકા હોવાને કારણે એ ખૂબ મશહૂર અને લોકલાડિલી હોવા છતાં આ ફિલ્મ પિટાઇ ગઈ.

ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ડી.ડી. કશ્યપ (ધરમદેવ કશ્યપે) છેલ્લી ફિલ્મ નૂતન-ધર્મેન્દ્રની 'દુલ્હન એક રાત કી' બનાવી હતી. એ પહેલાં એનો પ્રિય ઍક્ટર દેવ આનંદ હતો અને ઍક્ટ્રેસ સુરૈયા. દેવની સાથે 'દો સિતારે', 'આરામ' અને 'માયા' બનાવી. સુરૈયા ઘણી ફૅવરિટ એટલે '૪૮-માં મોતીલાલને હીરો ફિલ્મ 'આજ કી રાત' બનાવી. '૪૯માં બનેલી 'બડી બહેન' (ગીતા બાલી પણ હતી)ના ગીતોએ કશ્યપને સંગીતકારો હૂસ્નલાલ-ભગતરામની નજીક લાવી દીધા. 'કમલ કે ફૂલ'માં ખૂબ ગુણી સંગીતકાર શ્યામસુંદરના સંગીતમાં સુરૈયાના ગીતો વખણાયા. પ્રાણને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'હલાકૂ' ય કશ્યપની.

હૂસ્નલાલ-ભગતરામના સુરીલા સંગીતમાં આ ફિલ્મ 'શમા-પરવાના'માં મુહમ્મદ રફી અને સુરૈયાના ગીતો ખૂબ વખણાયા. સમજ એક વાતની ન પડે કે, આ બન્ને ભાઈઓનું સંગીત તો ઉત્કૃષ્ટ કક્ષાનું હતું પણ મુહમ્મદ રફી પાસે ઘણા ગીતોમાં એમણે રડવાના ડૂસકાં શેના માટે કઢાવ્યા હશે, 'ભગત' નહિ પણ 'રામ' જાણે ! યાદ છે ને, 'એક દિલ કે ટુકડે હજાર હુએ કો યહાં ગીરા કોઇ વહાં ગીરા...' અહીં 'શમા-પરવાના'ના ગીતોમાં ય રફીને રડાવ્યા છે, 'તૂને મેરા યાર ના મિલાયા...' (મહાત્મા ગાંધી માટે લખાયેલું સુનો સુનો અય દુનિયાવાલોં બાપુ કી યે અમર કહાની...' આ બન્ને ભાઇઓએ કમ્પૉઝ કર્યું હતું.) ફિલ્મ 'પ્યાર કી જીત' પણ આ લોકોનું. કમનસીબે '૬૦-ના દશકમાં બન્ને ભાઈઓ વચ્ચે બન્યું નહિ અને હૂસ્નલાલ દિલ્હીમાં અને ભગતરામ મુંબઇમાં સૅટ થયા.

ગરીબી તો હતી જ, એટલે છેલ્લે છેલ્લે તો હૂસ્નલાલ લક્ષ્મીકાંત-પ્યારેલાલની ઑરકેસ્ટ્રામાં વૉયલિન-પ્લૅયરોના ટોળામાં બેસીને વગાડતા. સંગીતકાર ખય્યામને મેં અમદાવાદમાં પૂછ્યું હતું કે, 'ભગતરામનું ફૅમિલી નવી દિલ્હીના રેલ્વે સ્ટેશનની સીડી નીચેના ખૂણામાં પડયું રહે છે, ત્યારે એમણે ચોંકીને જવાબ આપ્યો હતો કે, 'અરે હોય...? એ બન્ને તો મારા ગુરૂઓ હતા અને ગુરૂઓને અમે આમ કાંઇ રખડવા દેતા હોઇશું ?' જો કે, ભગતરામનો પુત્ર અશોક શર્મા દિલ્હીમાં વિખ્યાત સિતારવાદક છે. (એ વાતની સમજ ન પડી કે, બન્ને ભાઈઓની અટક તો 'બાતિશ' હતી તો દીકરાની અટક 'શર્મા' કેવી રીતે હોય ? હૂસ્નલાલનો મોટો પુત્ર 'દિનેશ પ્રભાકર' ફિલ્મ્સ ડિવિઝન-મુંબઇનો ભૂતપૂર્વ ડાયરેક્ટર હતો. એ ગાયક-સંગીતકાર પણ છે.'

મૂળ તો કાબિલ સંગીતકાર પંડિત અમરનાથના આ બન્ને નાના ભાઈઓની અટક બાતિશ હતી, એ વાંચીને ગાયક શિવદયાલ બાતિશ યાદ આવે તો તમે ખોટા નથી. શિવદયાલ આ ભાઇઓની નજીકના સગા હતા. ૧૯૪૪-માં એમની પહેલી ફિલ્મ 'ચાંદ'માં મંજૂએ ગાયેલું, 'દો દિલોં કો યે દુનિયા, મિલને હી નહિ દેતી' આમ તો ઉમાદેવી (ટુનટુને) ગાયું હોય એવો ભ્રમ થાય, પણ વૉયલિનના આ માસ્ટર હુસ્નલાલ અને હાર્મોનિયમના ખાં-સાહેબ ભગતરામને બીજા બે-ત્રણ કારણોસર બહુ અદબથી યાદ કરવા પડે.

૧૯૫૩-માં આવેલી ફિલ્મ 'ફર્માઇશ'માં લતા મંગેશકરની બહેન મીના મંગેશકર (ખડીકર...કે ખાડિલકર...!)ને એની કરિયરમાં મુહમ્મદ રફી સાથે બે ગીતો ગવડાવ્યા છે, 'આપને છીન લિયા દિલ ઇસે ક્યા કહેતે હૈં, અજી સાહબ, દિલવાલે ઇસે અદા કહેતે હૈં...' પણ ભાગ્યે કોઇએ સાંભળેલું. આ બન્નેનું 'ખુશિયોં કે જમાને આયે, દિલ પ્યાર કે ગાને ગાયે...' વધુ મીઠડું છે. એમાં મીના મંગેશકરે મુરકીઓ લઇને ઘણું શાસ્ત્રોક્ત ઢબે ગાયું છે. (આ બન્ને ગીતો હીરો ભારત ભૂષણ અને હીરોઇન વિજયાલક્ષ્મી ઉપર ફિલ્માયા છે.)

પણ કિશોર કુમારના ડાય-હાર્ડ ચાહકો પાસે પણ જવલ્લે જ હોય, એવું ફિલ્મ 'કાફિલા' ('૫૨)નું 'વો મેરી તરફ યૂં ચલે આ રહે હૈં...' સંગીતના જાણકારો ય કહેશે કે, કિશોરનું આ ગીત પૂર્ણપણે શાસ્ત્રોક્ત છે અને ગાવામાં ઘણું અઘરું પડે એવું છે. આ જ ફિલ્મનું લતા મંગેશકર સાથેનું 'લહેરોં સે પૂછ લો યા કિનારે સે પૂછ લો' તો હજી ય જાણીતું છે.

આજની ફિલ્મ 'શમા-પરવાના'માં, હવે ખલાસ થવા આવેલા હીરો ગોવિંદાની મમ્મી નિર્મલા અરૂણે પણ ગાયું હતું. 'ઉલ્ફત કે જામ પિલા દો, મેરે સાકી...' ઇવન, આશા ભોંસલે હજી ખાસ જાણિતી નહોતી થઇ. આ ફિલ્મમાં સુરૈયા સાથે એણે 'જા કે લાગે નૈના...' આપણું ધ્યાન ન પડે એવું ગાયું છે. હૂસ્નલાલ-ભગતરામ માટે પણ મુહમ્મદ રફી લાડકા ગાયક હતા. લતા મંગેશકર સાથે એમનું 'સુન મેરે સાજના...' આવતી કાલ સુધી અમરત્વ પામેલું છે.

શમ્મી કપૂર માટે આ ફિલ્મે કોઇ ઉપાડ નહોતો કર્યો. પતલી મૂછો તો એને ફિલ્મની શહેનશાહી વાર્તાને કારણે એ રાખવી પડી હતી, છતાં એક પછી એક નિષ્ફળ જતી ફિલ્મોને કારણે એને બહુ તાના સાંભળવા પડતા કે, રાજ કપૂર સાથે મળતા આવતા ચહેરાનો લાભ લે છે. યસ, શરૂઆતની લગભગ બધી ફિલ્મોમાં એણે મૂછો રાખી હતી, પણ 'તુમ સા નહિ દેખા' પછી કઢાવી, એ કઢાવી અને ભારતનો સર્વોત્તમ રીબેલ-સ્ટાર થઇ ગયો.

સુરૈયાનું નામ આપણે તો ફક્ત દેવ આનંદ સાથે જ સાંભળ્યું છે. વાસ્તવમાં બહેનજીએ પણ મૂડીરોકાણમાં બહુ બાકી રાખ્યું નહોતું. દેવ આનંદ સાથે સંબંધ તૂટયા પછી એ તરત ફિલ્મોમાં સાઉન્ડ-રૅકૉર્ડિસ્ટનું કામ કરતા બંગાળી હૅન્ડસમ યુવાન ઇશાન ઘોષ સાથે ખુલ્લેઆમ ફાઈવ-સ્ટાર હોટેલોની રેસ્ટરાંમાં અવારનવાર જોવા મળતી હતી. ધેટ્સ ફાઈન...ફિલ્મોમાં તો કોણ કોરૂં રહેતું હતું ? પણ એ જમાનાની મોટા ભાગની ફિલ્મી હસ્તિઓની સરખામણીમાં સુરૈયા ઘણી સંસ્કારી અને શિક્ષિત લાગતી હતી. કન્વૅન્ટમાં ભણેલી હોવાને કારણે ઇંગ્લિશ અસ્ખલિત બોલતી. એના જેટલા ઘરેણાં ભાગ્યે જ કોઈ હીરોઇને પહેર્યા હશે.

મુંબઇના મરિન લાઇન્સ પર 'કૃષ્ણ મહલ'ના એના ઘરમાં તમે મળવા જવું હોય ને એ હા પાડે તો કલાક તો એના ડ્રૉઇંગ-રૂમમાં એની રાહ જોતા બેસી રહેવું પડે... કારણ, 'બહેનજી લથબથ ઘરેણાં પહેર્યા વગર ક્યારેય મેહમાનોની સામે ન આવે. એને તમે પત્ર લખો તો ઇંગ્લિશમાં અને તે પણ કૅપિટલ અક્ષરોમાં લખવો પડે. આ બિલ્ડિંગમાં એના ગુજરાતી પડોસીઓને એ પોતાના સગા કરતા ય વધુ પસંદ કરતી.

એ તો કેવળ ગાયિકા જ નહિ, હીરોઇન પણ હતી અને કેવું મધુરૂં આશ્ચર્ય કે, એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો જવા મુંબઇના ટ્રાફિકમાં એને મુશ્કેલી પડતી હોવાથી હીરોઇન તરીકે ફિલ્મો લેવાનું એણે ઑલમોસ્ટ બંધ કર્યું હતું. સ્વાભાવિક છે, મંગેશકર-સિસ્ટર્સ તરફથી એને ભાગ્યે જ કોઇ આવકાર મળ્યો છે, એ જ રીતે, નૂરજાહાં પણ સુરૈયાનું રૂપ અને કંઠ બર્દાશ્ત કરી શકતી નહોતી, એના દાખલાઓ છે.' ફિલ્મ 'શમા પરવાનાન જોવાય તો જીવ બાળવા જેવો નથી.