Search This Blog

30/11/2014

ઍનકાઉન્ટર : 30-11-2014

* મારે તમારા સ્વિસ ખાતામાં અધધધ રૂપિયા જમા કરાવવા છે. શું કરૂં?
- કાળી લક્ષ્મીને ચાંદલો કરવા મોકલવી હોય તો મહુરત ન જોવાય...! બાય ધ વૅ, સ્વિસ બૅન્કમાં યુરો ડૉલર જમા કરાવવાના હોય... રૂપિયા નહિ!
(હિતેશ ભટ્ટ, ધોરાજ-રાજકોટ)

* એકવાર છુટાછેડા થયા પછી ફરી લગ્ન કરાય ખરા?
- બૉક્સિંગ-રિન્કમાં લોહીલુહાણ જડબાં સાથે ચત્તાપાટ પડયા પછી સ્માઇલ સાથે ફોટો પડાવવા જેવું થયું...!
(નિલેશ વાય. ઠક્કર, સુરત)

* શું ગુજરાતનો વિકાસ વધી રહ્યો છે?
- સરકારી આંકડાના અનુવાદો થતા નથી.
(પરેશ શાહ, સુરત)

* સ્કૂટર પર પત્ની એના પતિના ખભા ઉપર હાથ કેમ રાખે છે?
- કમર ઉપર ગલીપચી થાય.
(પંકજ ચંદરીયા, જામનગર)

* તમે અને કૉમેડી નાઇટવાળો કપિલ શર્મા ભેગા થાઓ, તો લોકો ગાંડા થઇ જાય...!
- દેશમાં આપણે ડાહ્યાઓ પેદા કરવાના છે...
(શિવમ સોની, પૂણેં-મહારાષ્ટ્ર)

* તમે નૅગેટીવ લખો છો. ભારતમાં અનેક સંતો છે, જેઓ દેશ માટે કામ કરે છે...
- એક નામ આપો.
(મધુકર મેહતા, વિસનગર)

* શ્રી. નરેન્દ્ર મોદીના શાસનના ૧૦૦ દિવસ પૂરા થયા, એ વિશે શું માનો છો?
- ૩,૦૦૦ દિવસ પૂરા થાય પછી કહું.
(નૈનેશ મેહતા, નવી મુંબઈ)

* પત્નીની હાજરીમાં પ્રેમિકા મળી જાય તો બચવાનો કોઇ ઉપાય?
- એ વખતે પત્નીને બેન બનાવી દેવી.
(ઉમેશ આર. શાહ, અમદાવાદ)

* વડોદરા વિશે એક લાઇનમાં શું કહેશો?
- ત્યાં કોઇ જમવા બોલાવે એવું નથી.
(નીલ પરીખ, વડોદરા)

* માનવીની જરૂરિયાત કેટલી?
- રોજ સવારે પેટ સાફ આવે, એટલી.
(દુલેશ ડી. દિહોરા, સોસિયા-તળાજા)

* સંસારની મોહમાયાથી બચવા લોકો સાધુ થાય છે, પણ થયા પછી શું થાય છે?
- અનેક નિઃસંતાનોના ઘેર ઘોડીયા બંધાય છે.
(ચિરાગ એન. પટેલ, સપાવડા-ઈડર)

* દાદુ, ભારતભરના નકશા ફેંદી વળ્યો, પણ આ 'તાજેતર' ક્યાં આવ્યું, એ ન મળ્યું.
- બનતા સુધી 'તરબતર'ની બાજુમાં છે.
(ઉમર એ. જીકાણી, જૂનાગઢ)

* કબડ્ડીની મેચ તો પ્રખ્યાત થઇ ગઇ... હવે?
- 'તીનપત્તી'ના ટ્રાય ચાલુ છે.
(અંકુર મિસ્ત્રી, અજરાઇ- ગણદેવી)

* બા કઇ કઇ વાતમાં ખીજાય?
- શિયાળામાં પંખો ચાલુ કરો ત્યારે...
(ભરત ગોસાંઇ, મુંબઈ)

* પથ્થરમાંથી પાણી કાઢી શકાય ખરૂં?
- અમારે તો નળમાંથી ય નથી આવતું.
(પાર્થ દેસાઇ, વેમાર-કરજણ)

* તમારે ડિમ્પલ સાથે ડૅટ હોય ને એ માથામાં તેલ નાંખીને આવી હોય તો શું કરો?
- એ જ વખતે, એને બહેન બનાવી દેવાની !
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* પત્ની રીસાઇને અબોલા લે, એને સજા કહેવાય કે મજા?
- મારાવાળી એક મિનિટ માટે લે, પછી ખબર પડે!
(મૂકેશ ધકાણ, વસઇ-પાલઘર)

* તમે હાસ્યલેખક તો છો, પણ કમાવવા માટે સાઇડમાં બીજું શું કરો છો?
- સાઇડમાંથી લખું છું.
(મૃત્યુંજયસિંહ પઢીયાર, દાંતા)

* ઘણીવાર સવાલો ફાલતુ હોય છે, પણ જવાબો જોરદાર હોય છે... કયું ચૂરણ લો છો?
- પરચૂરણ.
(દેવેન્દ્ર જાની, પેથાપુર- ગાંધીનગર)

* મારે તમારા જેવા હાસ્યલેખક બનવું છે, તો શું કરવું?
- લહેર.
(રોહિત પ્રજાપતિ, સાંથલ- મેહસાણા)

* શું અમેરિકામાં પણ આ જ રીતે ઍનકાઉન્ટર થાય છે?
- ના. ત્યાં તો વગર સવાલ પૂછે જવાબ આપવો પડે છે.
(અજય એલ. આસવાણી, જામનગર)

* કોંગ્રેસવાળા કયા મોંઢે મોદી સરકારના ૧૦૦ દિવસનો હિસાબ માંગતા હશે?
- કોઇ દિવસ કોઇના પડયા ઉપર પાટું ન મારીએ. (અમારા કાઠીયાવાડમાં ચોક્કસ ભાગ ઉપર લાત મારો, એને 'પાટું' કહેવાય છે!)
(ધીરેન મોનાણી, જાંનગર)

* ભારતે મંગળ ઉપર રોકેટ મોકલ્યું. આપણને શું મળવાનું?
- આખું જગત સલામ કરતું....(અને.... ડરતું) થઇ ગયું.
(ઝુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* મૅઇલ, ફીમેઇલ અને ઈમેઇલ.... હવે?
- આવી મુંઝવણ થતી હોય તો વચ્ચેનો વિકલ્પ રાખવો.
(વી.જે. સુથાર, ભૂજ-કચ્છ)

* હું દરેક વાત ડીપલી વિચારૂં છું, તો મારા દોસ્તો મારા ઉપર હસે છે, એનું શું કારણ?
- એમને ખબર પડી ગઇ છે કે, હવે તમે વિચારી શકો છો.
(રાજેન્દ્રસિંહ મહીડા, મોગર-આણંદ)

* ટ્રકવાળા ટ્રકની પાછળ 'જય માતા દી' શું કામ લખાવતા હશે?
- બસ.... હવે તો માતાજી તમને બચાવે.... એવી શુભેચ્છા આપવા.
(નરેન્દ્ર સોની, બોટાદ)

28/11/2014

'અંદાઝ' ('૪૯) Part II

Go to Part 1

(PART 2) 

ફિલ્મ 'અંદાઝ'....૧૪ તારીખના  અંકથી ચાલુ....
રાજ કપૂર અને દિલીપ કુમાર એમના નાનપણથી પાકિસ્તાનના પેશાવર (પઠાણી ઉચ્ચાર, 'પિશાવર')માં સાથે ઉછર્યા-રમ્યા ને આજીવન એક બીજાના દોસ્તો રહ્યા. દિલીપના સાયરા સાથેના લગ્નમાં રાજ દિલીપનો અણવર બન્યો હતો. રાજ પહેલેથી તોફાની, હિમ્મતવાળો અને છોકરીઓનો શોખિન (જે દિલીપ પણ હતો, પણ બધું....શાંતમ, પાપમ...!) દિલીપે તેની આત્મકથા The Substance & the Shadowમાં યુવાનીના તોફાનો વિશે લખ્યું છે તે મુજબ, બન્ને મુંબઈની ખાલસા કૉલેજમાં મળ્યા અને, 'કૉલેજમાં રાજને છોકરીઓ સાથે ઘણી ફાવટ હતી. એનો બોલકો સ્વભાવ અને કુદરતી સુંદરતાને કારણે એ લોકપ્રિય પણ બહુ હતો. મારી ખાસીયત ઈંગ્લિશ અને ઉર્દુ ભાષામાં હતી. હું ખાસ કરીને છોકરીઓના મામલે ઘણો શરમાળ હતો. એક વખત રાજે મને થથરાવી નાંખ્યો. એણે કહ્યું, એના ક્લાસની એક ખૂબસુરત છોકરી મારી (દિલીપ) સાથે ઓળખાણ કરવા માંગે છે. એ દૂર ઊભી હતી. રાજ મારો ખભો પકડી પકડીને એની પાસે જવા જીદ કરવા લાગ્યો. તો ય દિલીપે ના પાડી કે, આટલી બધી પબ્લિકની વચ્ચે હું એની સાથે બોલી નહિ શકું. ''ઓકે. આપણે કૅન્ટીનમાં જઇએ. રાજે પેલીને ઇશારો કર્યો અને એ પણ કૅન્ટીનમાં આવી મારી ટૅબલ પર બેઠી. હું ઘણીવાર સુધી કાંઇ બોલી જ ન શક્યો. છેવટે મને મહાબોરિંગ ધારીને એ જતી રહી.'' એનાથી આગળ દિલીપ લખે છે, ''એક વાર રાજ મારા ઘેર આવ્યો અને મને પકડીને લઇ ગયો કોલાબા, તાજમહલ હોટલની સામે, જ્યાં ફૂટપાથ પર જઇને કહે, ''ચલો બસમાં જઇએ. અમે ગૅટવે ઑફ ઇન્ડિયા ઉતર્યા, તો રાજ કહે, ''આપણે ટાંગો (ઘોડાગાડી) કરી લઇએ. હજી ટાંગો ચાલુ થાય, એ પહેલા જ રાજ કપૂરે ફૂટપાથ પર ઊભેલી બે સુંદર પારસી છોકરીઓને પારસીઓ બોલે છે, એવી ગુજરાતીમાં બૂમ પાડીને હિંમ્મતપૂર્વક કહ્યું, ''ચલો, તુમને ક્યાં ઉટારી ડઉં....?'' રાજની ગુલાબી સ્કીન અને ચોખ્ખી પારસી ભાષાને કારણે એ બન્ને રાજને પારસી સમજી બેઠી. એ બન્નેએ રેડિયો ક્લબ સુધીની લિફ્ટ માંગી. બન્ને ટાંગામાં આવી ગઇ. એક મારી બાજુમાં બેઠી એટલે હું વચ્ચે ઘણી જગ્યા રાખીને શરમાઇને આઘો બેઠો. રાજને એવું કાંઇ નહોતું. એ ઘણો નજીક બેઠો અને થોડીવારમાં તો બન્ને વર્ષો જૂના દોસ્તો હોય, એમ વાતો કરવા માંડયા. દરમ્યાનમાં રાજનો હાથ પેલીના ખભે વીંટળાયેલો હતો અને પેલીને એનો વાંધો પણ નહતો....અફ કૉર્સ, રાજ ઇન્ડીસન્ટ કે માનમર્યાદા વગરનો નહતો. (સંદર્ભ : દિલીપની આત્મકથા પાના નં.૮૫)

આજની ફિલ્મ 'અંદાઝ' બની રહી હતી. ૧૯૪૯-માં મતલબ બન્ને પૂરજોશમાં જવાનીમાં હતા. દિલીપ ૨૭-નો અને રાજ ૨૫-નો. નરગીસ તો ૨૦-ની જ હતી. ગામ આખું જાણે છે કે, એ દિવસોમાં દિલીપકુમાર અને કામિની કૌશલ પૂરબહાર પ્રેમમાં હતા. છતાં નરગીસને રાજ તરફ ભાગતી જોઇને દિલીપનું મન નરગીસમાં ભરાયું હતું. '૫૦-ના દાયકાના હિંદી ફિલ્મોના આદરણીય પત્રકાર શ્રી ડી.પી. બૅરીએ ૧૯૫૬-ના જૂન મહિનામાં એક દિલખોલ પુસ્તક બહાર પાડયું. નૉર્મલી, ફિલ્મી પત્રકારો કોઈ હીરો-હીરોઇન વિશે લખતા હોય, ત્યારે એમાં ચમચાગીરીથી વિશેષ કાંઇ હોતું નથી. તમે એ લોકોની ઉજળી બાજુ લખો, તો નબળાઇઓ પણ લખો, એ મુજબ બૅરીએ લખેલો એક કિસ્સો દિલચસ્પ છે : ફિલ્મ 'અંદાઝ'ના સૅટ પર જ નરગીસે રાજ કપૂરને પહેલી વાર જોયો. એ પછી એણે કોક સહેલીને કીધું હતું, ''રાજને પહેલી વાર મળી ત્યારે, હું કોઇ વીજળીના તારને અડી ગઇ હોઉં, એવું મેહસૂસ કરવા માંડી.'' પહેલી નજરના એ પ્રેમ પછી નરગીસ રાજમાં એટલી હદે સમાઇ ગઇ કે, કોઇક દોસ્તે એનું ધ્યાન રાજના પરિણિત હોવા ઉપર દોર્યું, ત્યારે નરગીસે બિનધાસ્ત કહી દીધું, ''જેને હું ઓળખતી હોઉં, એને પરણવા કરતા રાજની રખાત બનવાનું મને મંજૂર છે.''

બીજી બાજુ, દિલીપ કોઇ હિસાબે નરગીસને મેળવવા માંગતો હતો ને નરગીસ વધુ તો દૂર એટલે ભાગતી હતી કે, એને ચોક્કસ ડાઉટ હતો કે, દિલીપ હિંદુ-મુસલમાનનો કૌમી મુદ્દો ઉઠાવીને રાજને નરગીસથી અલગ કરવા માંગતો હતો. (આ કામ દિલીપે મેહબૂબ અને કે.આસીફ સાથે મળીને દેવ આનંદને પણ સુરૈયાથી અલગ કરવા માંગતો હતો, એવું સુરૈયાએ રેડિયો સીલોનના જાણિતા ઍનાઉન્સર ગોપાલ શર્મા સાથેના ઇન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ કીધું છે.) નરગીસ પણ મુંબઇના મરિન ડ્રાઇવ પર સુરૈયાની બાજુના બિલ્ડિંગમાં રહેતી હતી, જ્યાં દિલીપના આંગડીયા તરીકે કે.આસીફ રોજ ઘેર આવતો ને નરગીસને દિલીપ માટે સમજાવતો. એક વખત નરગીસે આસીફને મોંઢામોંઢ કહી દીધું, “How can I marry that monkey face?..... besides has he called off his grand passion for Kamini?” (આ ઇંગ્લિશ પુસ્તકનું નામ Loves of Filmstars પાના નંબર ૮૪)

એ વાત જુદી છે કે, દિલીપ કુમારે પોતાની ગ્રેસ ગુમાવી નથી. આ જ વાત થોડા જુદા સંદર્ભમાં દિલીપે આત્મકથામાં લખ્યા મુજબ, નરગીસ તેની માતા જદ્દનબાઈ સાથે અનેકવાર અમારા ઘરે આવતી. પણ આગાજી (દિલીપ પોતાના પિતાજી માટે આ ઉદ્બોધન કરતો. આગાજીએ કદી યુસુફ (દિલીપ)ની કોઇ ફિલ્મ જોઇ નહોતી, પણ ફિલ્મ 'મેલા' જોઇને આવ્યા પછી આગાજીએ એમના સગા ભાઈ અને ખાસ દોસ્ત ચાચા ઉંમરને કીધું, ''આ છોકરી તો આપણા ઘરે આવે છે. (ફિલ્મમાં દિલીપ નરગીસને પરણી શકતો નથી.) યુસુફ હા પાડે તો એની માં (જદ્દનબાઈ) સાથે દિલીપનું માગું મોકલીએ....!'' દિલીપને ખબર પડી ત્યારે એ હસી હસીને બેવડ વળી ગયો. પિતાજી તો ફિલ્મની વાર્તાને જ સાચી માની બેઠા હતા. સંગીતકાર નૌશાદ અને ચાચા ઉમર સાથે આગાજી પહેલી વાર કોઇ થીયેટરમાં આ ફિલ્મ જોવા ગયા હતા. દિલીપે આખી આત્મકથામાં નરગીસને પોતાની અંતરંગ દોસ્ત જ ગણાવી છે અને સન્માન આપ્યું છે. દિલીપ કેટલો હૅન્ડસમ અને પર્સનાલિટીમાં કેવો છવાઇ જાય એવો હીરો હતો ! એ ગુજરાતી સહિત કેટલી બધી ભાષાઓ જાણે છે ! ફૂટબૉલ અને બૅડમિન્ટનનો એ માસ્ટર હતો. ફિલ્મ 'અંદાઝ'માં એ નરગીસ અને કક્કુ સાથે બૅડમિન્ટન રમતો બતાવે છે, એમાં દેખાઇ આવે છે કે, એ પૂરો જાણકાર હતો. ફિલ્મ 'પૈગામ'માં એ બાંસુરી વગાડે છે, એ ક્લિપ મેં બાંસુરીના જાણકાર દોસ્તને બતાવી, તો એ ય ચોંકી ગયો કે, વાંસળીના અઘરા સુર એણે પરફૅક્ટ વગાડયા છે. પણ એની પત્ની સાયરા બાનુએ કોઇ જુદી જ સનસનાતી કહી કે, ''તમે સા'બને ફિલ્મ 'કારવાં'નો હેલનનો ડાન્સ ('પિયા તુ અબ તો આજા...) કરતા જુઓ, એમાં પંચમના શ્વાસના ઝટકા સાથે સા'બ પરફૅક્ટ ડાન્સ કરે છે. સા'બ આ ડાન્સ ટુવાલ પહેરીને કરતા હતા, એમાં હેલનની જેમ સૅક્સી પગ બતાવવા ટૂવાલમાંથી એક પગ એવો જ હચમચાવતો કાઢે. તો બીજી બાજુ, વ્હી.શાંતારામજીની ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે'નો ગોપીકૃષ્ણનો કઠિન ડાન્સ પૂરી કલાથી કરી બતાવ્યો, એ તો ઠીક, પણ એ નૃત્યમાં તબલાંના બોલ પણ ગાઇ બતાવ્યા. સ્વયં ગોપીકૃષ્ણ સિતા રાદેવી સાથે અમારા ઘરે આવ્યા ત્યારે, એમની હાજરીમાં દિલીપ સા'બે આ નૃત્ય એટલી તો ખૂબીથી કરી બતાવ્યું કે, (કોઇને એ ફિલ્મ યાદ હોય તો) ઘુમરી ખાતા ખાતા ગોપીકૃષ્ણ પોતાના વાંકડીયા વાળના અનેક ઝટકા મારે છે, એવા વાળના ઝાટકા સા'બે પણ માર્યા, ત્યારે અમે હસી હસીને બેવડ વળી ગયા હતા.''

ફિલ્મ 'અંદાઝ' દિલીપ-નરગીસ અને રાજ કપૂર ઉપરાંત હીરોઇન નિમ્મીને ય ફળી, ભલે એ આ ફિલ્મમાં નહોતી, પણ આ ફિલ્મના સંવાદ અને પટકથા લેખક અલી રઝા સાથે એનું નવું નવું પ્રકરણ શરૂ થયું હતું, એ દરમ્યાન આ ફિલ્મનું શૂટિંગ જોવા એ આવી અને રાજ કપૂરને જોતા વ્હેંત ગમી ગઇ, પ્રેમિકા તરીકે નહિ....એક ઍક્ટ્રેસ તરીકે અને તરત જ એની બની રહેલી ફિલ્મ 'બરસાત'માં એની સાઇડ-હીરોઇન તરીકે લઇ લીધી.

તમારામાંથી મારી ઉંમરનાઓને તો ખબર હશે કે, એ જમાનામાં થીયેટરોમાં રોજના ચાર શો ઉપરાંત મૉર્નિંગ, મૅટિની અને લૅડીઝ-શો પણ થતા અને એની ટિકીટો ઓછી હતી. આવી રીપિટ ફિલ્મો બહુધા ગાંધી રોડ પરના 'સિનેમા' ડી ફ્રાન્સમાં આવતી. જમાનો બ્રિટિશરોનો હજી પૂરો આથમ્યો નહતો, આઝાદી મળી જવા છતાં ય, એટલે વૃદ્ધ અને નિવૃત્ત અમલદારો યાદ હોય તો પેલો ખાખી ટોપો પહેરતા (જેને 'પિથ હૅટ' કહેવાય). વચ્ચે ડાર્ક બ્રાઉન પટ્ટો લાગતો. એ ખાખી ટોપો આ ફિલ્મમાં પહેરાતો જોવા મળે છે. આવા સાહેબો પાછા પોતાને 'સર' કહેવડાવવાનો આગ્રહ રાખતા. આજના ટયુશનીયા માસ્તરોને હજી 'સર' કોને કહેવાય, એની ખબર નથી, એટલે 'પટેલ સર, દવે સર ને જાતજાતના સરો પોતાના વિદ્યાર્થીઓ પાસે કહેવડાવે છે. કમ-સે-કમ એક વખત 'સર' એ હોદ્દો નથી, ઈલ્કાબ છે, એટલી ખબર પડી જાય તો આજથી જ પોતાને 'સર' કહેવડાવવાનું બંધ કરી શકાય.' ફિલ્મ 'અંદાઝ'ના જમાનામાં સ્ત્રીઓની હૅર-સ્ટાઇલ સાચા અર્થમાં આજે ચીતરી ચઢે એવી હતી. વચ્ચેથી પાડેલી પાંથી પાછળ ઠેઠ બોચી સુધી જાય, એના બે ચોટલા વાળીને એના છેડા ય ઉપર મૂળમાં બાંધી દેવાના અને એમાં વેણી કે ફૂલ ભરાવાતા, અથવા લાંબો ચોટલો એક આગળ અને એક પાછળ....એમાં તો, ''બહુ ફેશન મારી...'' એવું કહેવાતું. નવાઇ નહિ, પણ મશ્કરી લાગે કે, એ જમાનાના લોકો કેટલી હદે બ્રિટિશ સામ્રાજ્યથી અંજાયેલા હશે કે, પોતાને શિક્ષિત અથવા 'સા'બલોગ' કહેવડાવવા આપણા દેસીઓ સુતરાઉ શૂટ પહેરીને ફરતા. આ ફિલ્મમાં લેવા દેવા વગરના ''તમામ'' પુરૂષ પાત્રો ફક્ત શૂટ પહેરીને જ ફરે છે. ફિલ્મ 'અંદાઝ' બની છે '૪૯માં અને ભારતના ભાગલા પડયા ૧૯૪૭-માં, છતાં આ ફિલ્મના એક દ્રષ્યમાં એક નકશામાં ભાગલા પહેલાનું ભારત દર્શાવાયું છે...અર્થાત્, પાકિસ્તાનને ભારતનો એક ભાગ બતાવાયો છે. લતાના તો સારા એવા ગીતો છે 'અંદાઝ'માં, પણ 'ડર ના મુહબ્બત કર લે, ડર ના મુહબ્બત કર લે...' ગીતની મઝા એ વાતમાં છે કે, આજે ય મોટા ભાગના લેખકો 'ડરના મુહબ્બત કર લે' લખે છે અને સમજે પણ છે. અહીં 'ડર ના' એટલે 'ડરીશ નહિ'નો ખ્યાલ અભિપ્રેત છે....ને આ લોકો સમજ્યા છે એ જુઓ, ''મુહબ્બત કરતા પહેલા ડરજે.'' પણ લતા અને શમશાદ બેગમને સાથે લાવવામાં નૌશાદ જેવું કામ ભાગ્યે જ અન્ય કોઇ સંગીતકારે કર્યું છે. લતા મંગેશકર ભલે વર્લ્ડ-નંબર વન હોય અને રહેવાની, પણ એક વાત સ્વીકારવી જ પડે કે, જ્યારે એ શમશાદબાઈ સાથે ગાવા ઉતરી છે, ત્યારે કંઠ શમશાદનો જ પ્રભુત્વ ઊભું કરે છે. યાદ કરો, 'બચપન કે દિન ભૂલા ન દેના....,' 'તેરી મેહફીલ મેં કિસ્મત આઝમાકર હમ ભી દેખેંગે...'ને એવા તો તમને યાદ આવે એ બીજા ય ખરા !

ફિલ્મના ટાઇટલ્સમાં આશ્ચર્યજનક રીતે ફિલ્મના કૉમેડીયન વી.એચ. દેસાઈ (વલસાડના ગુજરાતી હતા.) અને ડાન્સર કક્કુનું નામ રાજ-નરગીસની ય પહેલા મૂકાયું છે. વી.એચ.દેસાઈ બૉમ્બે ટૉકીઝની અશોક કુમારવાળી ફિલ્મ 'કિસ્મત'થી ધ્યાનમાં આવ્યો. દેસાઈ મશહૂર વિવાદાસ્પદ પાકિસ્તાની લેખક સઆદત હસન મન્ટો ('ખોલ દે')નો જીગરી દોસ્ત હતો. અશોક કુમાર સાથેની એમની ત્રિપુટી જગમશહૂર હતી. આમ તો એની પહેલી ફિલ્મ '૩૯માં બનેલી હંસા વાડકરની ફિલ્મ 'નવજીવન' હતી, જે શરદબાબુના ઉપન્યાસ ઉપર આધારિત હતી. એવી જ રીતે, 'હિંદી ફિલ્મોમાં કેબરે-ડાન્સીઝ લાવનાર 'રબ્બર-ગર્લ' તરીકે ઓળખાતી ડાન્સર કક્કુએ હિંદી ફિલ્મોમાં હૅલન આપી છે. 'કક્કુ મોરે' એનું અસલી નામ. કક્કુના કહેવાથી જ પ્રાણને દેવ આનંદની ફિલ્મ 'ઝીદ્દી'માં કામ મલ્યું અને એના કહેવાથી જ ૧૩-વર્ષની હેલનને તેની પહેલી ફિલ્મ 'શબિસ્તાન'માં કોરસ ડાન્સરનો રોલ મળ્યો. આપણે તો કોઇએ જોઇ નહોતી, પણ ફિલ્મ 'આવારા'ના કોરસ ડાન્સમાં પણ હૅલન હતી.

'૪૦-થી '૫૦ના દાયકાઓની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં ચમકેલી કક્કુએ ગજબના પૈસા બનાવ્યા. એના વિશાળ બંગલાની ગોળે બાજુ પોતાના સ્ટાયલિશ ચપ્પલોના કબાટો મૂકાવ્યા હતા. ગણવા તો કોઇ ના ગયું હોય પણ કહે છે કે, સમૃદ્ધિમાં કક્કુ પાસે એ જમાનામાં મિનિમમ હજાર જોડી ચપ્પલોની હતી. પણ દિવસો ખલાસ થયા, એમાં છેલ્લી ફિલ્મ સુનિલ દત્તની 'મુઝે જીને દો' કર્યા પછી એ ગુમનામીમાં ધકેલાઇ ગઇ. પીવાની દવા તો જાવા દિયો, પણ પીવાનું પાણી નહિ, એવી દારૂણ ગરીબીમાં કક્કુ મુંબઇની કોઇ ફૂટપાથ પર મરેલી મળી આવી હતી. કક્કુ મુંબઇમાં હાલમાં જે ખાર જીમખાના છે, એની સામે 'કેરાવાલા હાઉસ' નામનું ધનાઢ્ય બિલ્ડિંગ હતું, જેના ટોપ ફલૉર પર પ્રોડયુસર-ડાયરેક્ટર હરબન્સ રહેતો, જેણે ફિલ્મ 'બેતાબ' ('૫૩) અને 'લકીરેં'('૫૪) બનાવી હતી. વચ્ચેના માળે કૉમેડિયન રણધીર રહેતો ને ગ્રાઉન્ડ-ફલૉર પર કૅથલિક ધર્મ પાળતું કક્કુનું ફૅમિલી રહેતું. કક્કુ શ્વાસને બદલે '૫૫૫' નામની સિગારેટ સતત પીધે રાખતી અને એના મોંઢામાંથી કાયમ સિગારેટની તીવ્ર વાસ મારતી. કક્કુનું આખું ફૅમિલી ફક્ત ઇંગ્લિશ બોલતું.

ફિલ્મ : 'અંદાઝ' કોઇ કાળે ય ક્લાસિક ફિલ્મ નહોતી, છતાં ય ત્રણે ગ્રેટ કલાકારોની ઉપસ્થિતિ જ કાફી છે આ ફિલ્મ જોવા માટે..

Go to Part 1

26/11/2014

હું મૉડેલ બન્યો!

આખો રૂમ આખું ફિલ્મ શૂટિંગવાળાઓથી ભરચક છે. મોટી મોટી લાઈટો, મોટો કૅમેરા, જમીન પર સાપોલીયાની માફક ફેલાયેલા લાઈટના દોરડાં, મેઈક-અપવાળો, સાઉન્ડ ટૅકનિશિયનો, હાથમાં સ્ક્રીપ્ટ લઈને ફરતી કોઈ મોડર્ન છોકરી અને એક ડાયરેક્ટર.

(એક સ્પષ્ટતા : હાથમાં ઝાડુ સાથે ફોટા પડાવવા મારે સફાઈ-સપ્તાહમાં ભાગ લેવાનો નહતો...આ તો વાચકોનું મારા ઉપરથી માન ઉતરી ન જાય, માટે સ્પષ્ટતા કરી. વધુ સ્પષ્ટતાઓ માટે અમારા આગામી અંકો જોતા રહો. આપના ફેરીયાને અત્યારથી જ કહી દો. : સ્પષ્ટતા પૂરી.)

આજે તો મને ટીવી-ઍડ માટે મોડેલ બનાવાયો હતો. મારી પાસે ભરચક ડેટ્સ પડી હતી, તે મેં 'કુ કૂ... મૉડેલિંગ કરી નાંખીએ. કહે છે કે, ડાબી બાજુથી મારા ફોટા અને ફિલમ સારી આવે છે. અન્ય મોડેલો જેવા મારા હાઈટ-બૉડી તો છે જ... (ચેહરાની વાત અત્યારે નહિ... મને મજાકમસ્તી પસંદ નથી.) એટલે શૂટિંગ-શર્ટિંગ, દાઢી કરવાની બ્લૅડો, શૂઝ-સ્લિપર, શેવિંગ-ક્રીમ કે હાથ-રૂમાલની ઍડમાં હું જામું એવો છું. પણ અમારા આ ફીલ્ડમાં ઋત્વિક રોશન, શાહરૂખ કે રણવીર કપૂરોની હરિફાઈ બહુ... આપણને આગળ જ ન આવવા દે. નહિ તો મોટર-બાઈકની ઍડ કરવી હોય તો સાંજે ઑફિસ છુટયા પછી આવો... સ્ટૅન્ડ પર ચઢાવેલી બાઈક ઉપર એક પગ ઉપર ચઢાવીને, કાળા ગૉગલ્સમાં સ્માઇલ વગર મેં અનેક ફોટા પડાવ્યા છે. તમે રજનીકાંતને ભૂલી જાઓ, સાહેબ!

પણ પહેલા જ ઘાએ, મારે બાથરૂમમાં ઊભા રહીને મૉડેલિંગ કરવાનું હતું. વાઇફે તો ચિંતા ય વ્યક્ત કરી કે, ''જરા પૂછી લેજો... તમારે પ્લમ્બર-બમ્બરનું મોડેલિંગ તો નથી કરવાનું ને?'' મેં એને શાંત પાડવા કીધું ય ખરૂં કે, ''દર વખતે લોકો મારા દેખાવ ઉપરથી કાંઈ નિર્ણયો ન લે.'' મને કહેવામાં આવ્યું હતું કે, ''નૉર્મલી... શૅમ્પૂ, હેર-ડાઈ કે સાબુની ગોટીઓના મૉડેલિંગમાં અમો લોકો ભરયુવાન અને હૅન્ડસમ ચહેરાઓ લઈએ છીએ. આ વખતની ઍડ એવી છે કે, વર્ષોથી જે ડોહો નહાતો-ધોતો ન હોય, એ જો અમારો સાબુ વાપરે તો રોજ નહાતો ધોતો થઈ જાય. આમાં તમે ફિટ આવતા'તા... તો, વ્હાય નૉટ ટુ ટ્રાય ઈટ આઉટ....???''

તારી ભલી થાય ચમના... હું રોજ નહાઉં છું. પણ રોજ નહિ નહાતો હોઉં, એમ તું માની કેવી રીતે લઈ શકે? આઇ પ્રોટેસ્ટ...!

આવું મેં કીધું નહિ. મૉડેલિંગનો કોન્ટ્રાક્ટ હાથમાંથી જાય. મને મળ્યા/જોયા પછી એ લોકોને મારામાં એવું કંઈક લાગ્યું હશે, કે આ નહાતો-ધોતો લાગતો નથી, માટે મારી પાસે મૉડેલિંગ માટે આવ્યા હશે ને? આપણામાં ટેલેન્ટ તો ખરી!

ઈન્ટરવ્યૂ દરમ્યાન મને પહેલો સવાલ પૂછાયો હતો, ''તમને નહાવાનો અનુભવ ખરો? આઇ મીન... આ પહેલા ક્યારેય નહાયા છો?''

સિલી લાગે એવા સવાલો એને પૂછતા નહોતા આવડયા. એને પૂછવું હતું કે, અગાઉ મેં કોઈ નહાવા બેઠેલા કે ઊભેલા મૉડેલ તરીકે કામ કર્યું છે? બાકી નહાવામાં તો મારો હાથ વર્ષોથી બેઠેલો છે. હું બન્ને હાથે નહાઈ શકું છું. સિટી વગાડતા નહાવામાં આપણો કોઈ સાની નહિ. નહાતા નહાતા મોંઢામાં પાણી ભરીને બાથરૂમની દિવાલ ઉપર પિચકારી મારી શકું છું. એક રૅકોર્ડ તો આપણા નામે છે કે, એક વાર તો ડોલ/બાલદી નહિ, ફક્ત એક ટમ્બ્લર પાણીમાં મેં આખું નહાવાનું પતાવ્યું હતું. છાંટી લેવાનું. બહુ ઓછાને ખબર હશે કે, નહાવું એ કળા છે, આર્ટ છે, પેલું આજકાલ શું ચગ્યું છે...? હા, એક 'યોગા' છે. પાણીની કરકસર છે... ઍન્ડ માઇન્ડ યૂ, સર...! હું ડોલમાંથી ટમ્બ્લર માથા ઉપર ઉલાળીને, શૉવર નીચે, નદીના કિનારે, ફૂવારાઓમાં કે પછી કપડાં પહેરીને પણ નહાયો છું. મને જરા ય અભિમાન નહિ. આપણને નહાવાનો અનુભવ કેટલો, એવું એનાથી પૂછાય કેમ?

આપણને પાછો બહુ અનુભવ નહિ એટલે મેં પૂછી જોયું, ''બાથરૂમમાં નહાવાના દ્રષ્યમાં મારે મૅઇક-અપ શું કામ કરવો પડે?''

''સર... નહાતી વખતે બાથરૂમમાં ઢોળાનાર પાણી કાળા રંગનું ન આવે માટે! ઘણીવાર કૅમેરો ચામડીનો રંગ પણ પકડી લેતો હોય છે.''

ફિલ્મો બહુ જોયેલી એટલે એ લોકોને એવું ન લાગે કે, આ સાવ નવો છે, એટલે મેં પ્રોફેશનલ મૉડેલની માફક પૂછ્યું, ''બાથરૂમમાં દાખલ થતી વખતે મારે પગની લાત મારીને દરવાજો તોડીને નહાવા જવાનું છે કે...?''

એમણે મને શાંતીથી સમજાવ્યો કે, આપણે કૌમી રમખાણોનું શૂટિંગ નથી કરતા... નહાવાનું કરીએ છીએ. તમારે સિસોટી વગાડતા વગાડતા ગળે ટુવાલ ભરાવીને બાથરૂમમાં દાખલ થવાનું છે. એક વાર છત તરફ ઊંચે જોઈને બાથરૂમનો દરવાજો બંધ કરવાનો ને-''

''ઍક્સક્યૂઝ મી... છત પર જોવાનું કારણ શું? ઓકે, ફાઈન... છત પર ગરોળી-બરોળી ચીપકી ન હોય માટે ને?''

''સર-જી, છત તરફ એટલે જોવાનું કે, બાથરૂમમાં દાખલ થયા પછી માણસની પહેલી નજર છત તરફ જ જાય... ત્યાં ઊભા ઊભા કોઈ બાજુવાળીની ખીડકીમાં જોતું ન હોય...!''

''ઓકે ઓકે... ધૅટ્સ ફાઈન... પણ... પણ અહીંથી દરવાજો બંધ કરી દઉં તો તમે લોકો મારું શૂટિંગ કેવી રીતે કરશો?''

મારી મર્યાદા જાળવવા એ લોકો કોઈ મોટેથી તો ન હસ્યું, પણ મને કહે, ''તમે એની ચિંતા ન કરો. આ કોઈ રીયલ બાથરૂમ નથી... સ્ટુડિયોનો સૅટ છે. અહીં તો...'' એમ કહીને ડાયરૅક્ટરે મને બધી ગતિવિધિઓ સમજાવી. હું તો બસ, 'યા-યા' કરતો રહ્યો. આ ધંધામાં ઘણીવાર ઈંગ્લિશ બોલવું પડતું હોય છે. એ લોકોને એવું ન લાગવું જોઈએ કે, આ પહેલી વારનો છે... સુઉં કિયો છો?

ભલે શૂટિંગ હજી શરૂ થયું નહોતું, પણ બે કલાક થઈ જવા છતાં હજી કોઈ મારો ઑટોગ્રાફ લેવા આવ્યું નહોતું. હું તો પૅન પણ ઘરેથી લઈને ગયો હતો. કારણ કે, ચાલુ શૂટિંગે ફૅન્સ-લોકો હેરાન કરે, એ પસંદ નથી. અહીં તો એમાં ય પ્રોબ્લેમ થવાનો હતો કે, મારી સાથે ફોટા પડાવવા માંગતા ચાહકો સાથે મારે નહાવાની ચડ્ડી પહેરીને જ ફોટા પડાવી શકાય એમ હતું... ને એ ય ભીના બદને! જો કે, લુચ્ચા ચાહકોનો કોઈ ભરોસો નહિ... એ લોકો તો એમે ય કહી બેસે કે, ''અમે ય અશોકજીની જેમ ભીના બદને સ્વિમિંગ-કૉસ્ચ્યૂમ પહેરીને એમની સાથે ફોટા પડાવીશું...''

તમારામાંથી કોઈએ શૂટિંગ જોયું હોય તો ખ્યાલ હશે, એમાં સાલી વારો બહુ થાય છે. એક શૉટ લઈ લીધા પછી બીજો આવતા બે કલાકે ય નીકળી જાય. ભૂલ ગમે તેનાથી થાય, આમાં તો રીટૅઇક્સ પણ બહુ લેવા પડે એટલે કે, એક શૉટ ખોટો થયો તો એનો એ જ બીજી પચ્ચી વખતે ય લેવો પડે. આ કોઈ શૂટિંગ-શર્ટિંગનું શુટિંગ હોત તો શૂટો પહેરીને ખૂણામાં બેસી રહેવાય પણ, અહીં તો દ્રષ્ય સાબુની ગોટીનું હતું ને નહાવાનું હતું, એટલે ભીના શરીરે કેવળ ચડ્ડામાં તો માણસ કેટલા કલાક બેસી રહી શકે? પણ મૉડેલિંગમાં હું પૈસા સામે નથી જોતો... કલા સામે જોઉં છું, એટલે ચૂપચાપ બેસી રહ્યો. આજ કાલ સારા મૉડેલો મળે છે ક્યાં? આ તો એક વાત થાય છે!

''તમારે શૉવર નીચે ઊભા રહેવાનું છે. આખું શરીર પાણીથી ભીનું હશે. તમારી આંખમાં ય પાણી ગયું હશે, એટલે સાબુની ગોટી બંધ આંખે શોધવા તમારે હાથ ફેલાવીને ફાંફા મારવાના...'' ડાયરૅક્ટરે મને સૂચના આપી. એ વાત જુદી છે કે, મહીં ગયા પછી સાબુના ગોટા શોધવા બેસું, એના કરતા બહારથી જ સાબુ લઈને જ અંદર કેમ ન જવું? બા તો આવી બાબતોમાં બહુ ચોક્કસ. મને કદી હાથમાં સાબુ આપ્યા વગર જવા જ ન દે... ખીજાય! પણ આપણે બોલીએ તો, કે'છે, 'બોલે છે', એટલે સૂચના પ્રમાણે હું બાથરૂમમાં દાખલ થયો. મને તો ખબર હતી કે, સાબુવાળો ખૂણો ક્યાં છે, પણ ઍક્ટિંગ કોનું નામ? મેં જાણે ગોટી જોઈ જ નથી, એમ ફિલ્મ 'દીદાર'ના દિલીપકુમારની જેમ અંધ બનીને દાખલ થયો.

''સર-જી, આપ ભદ્રકાળીના મંદિરે ઊભેલા ભિક્ષુક નહિ, અબજોપતિ માલેતુજાર છો... જરા વટથી દાખલ થાઓ.''

આમ મારી દલિલ વ્યાજબી હતી કે, માલેતુજારો કાંઈ જાતે નહાતા ન હોય... એમને નવડાવવા તો ધોળી રશિયન, ચાયનીઝ કે જાપનીઝ છોકરીઓ આવતી હોય... આ તો કોઈ લુખ્ખો નહાવા પડયો હોય, એવું લાગે.

ડાયરૅક્ટરે મારાવાળું ટમ્બ્લર પોતાના માથામાં પછાડીને કહ્યું, ''હું ખાલી બાથરૂમે નહાવાના દ્રષ્યો ઝડપીશ પણ આ ભાઈ સાથે તો જીંદગીમાં કામ નહિ કરૂં...!''

આપણે શું? એક સારો મૉડેલ એણે ગુમાવ્યો. આપણી પાસે તો હાથમાં ઝાડુ લઈને રિવરફ્રન્ટ વાળતા મૉડેલનો કૉન્ટ્રાક્ટ છે જ!

સિક્સર

મને ખૂબ હસાવી ગયેલી ખટારા પાછળની શાયરીઓ :
- ''રામયુગ મેં દૂધ મિલા, કૃષ્ણ યુગ મેં ઘી, ઈસ યુગ મેં દારૂ મિલા, ખૂબ દબાકર પી.'' (૨) લટક મત, પટક દૂંગી. (૩) ધીરે ચલેગા તો બારબાર મિલેંગે, તેજ ચલેગા તો હરિદ્વાર મિલેંગે.

23/11/2014

ઍનકાઉન્ટર : 23-11-2014

* ક્રિકેટનો ૨૦૧૫નો વર્લ્ડ કપ જીતવા ઈન્ડિયાએ શું કરવું જોઇએ?
- ક્રિકેટ રમવું જોઇએ.
(દિશાંત દુધાત, તલાલી-અમરેલી)

* તમે બરાક ઓબામાના સ્થાને હો તો કયું કામ પહેલા પુરૂં કરો?
- એક ઈંગ્લિશ હ્યૂમરિસ્ટે સૂચવ્યું હતું એમ.... 'વ્હાઇટ હાઉસ'નું નામ બદલીને 'બ્લૅક હાઉસ' કરી નાંખું.
(રૂષિત પરમાર, રાજકોટ)

* 'મોબાઇલ'ને ગુજરાતીમાં શું કહેવાય?
- મોબાઇલ.
(પ્રશાંત મોકાણી, વડોદરા)

* આજના જમાનાની પત્નીઓને પુરાણા જમાનામાં મોકલવા શું કરવું પડે?
-તો ય, આપણે પગાર તો આજના જમાના જેટલો જ લાવવો પડે!
(આભાર શાહ, વડોદરા)

* ગુજરાતને અમેરિકા ક્યારે બનાવશો?
-ગુજરાત કો ગુજરાત હી રહેને દો, કોઇ નામ ન દો.
(હિમાંશુ શુકલા, અમદાવાદ)

* કાયમ સોગીયા મોંઢા લઇને ફરનારાઓ માટે કોઇ ઉપાય?
- પાછળ ચોક્કસ જગ્યાએ લાત મારીને ભાગી જવાનું.
(ડૉ. બી.પી. પરમાર, રામોલ- પેટલાદ)

* હમણાં હમણાંથી મને ડિમ્પલ રોજ સપનામાં આવે છે... શું કરૂં?
- તમારી એક આદત મને ગમી......કે, પારકી સ્ત્રીઓને તમે હંમેશા માં-બેન જ ગણો છો.
(વીરેન્દ્ર જાની, જામનગર)

* ઍક્ઝામ્સ બાબતે તમારા વિચારો કેવા છે?
- ....તો હું ચોરી કરીને પાસ થયો હતો, એ વાત તમારા સુધી પહોંચી ગઇ..!
(જયમિન ચોકસી, અમદાવાદ)

* દેશ માટે તમે શું કરી શકો એમ છો?
-આ સવાલ આપણા સુપર ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટરો, ધર્મગુરૂઓ કે મંદિરો-દેરાસરોના ટ્રસ્ટીઓને પૂછવો જોઇએ.
(મનિષ કે. ફોફન્ડી, વેરાવલ)

* મારે તમને સવાલો પૂછવા છે, પણ શું પૂછવું, તે સૂઝતું નથી... શું કરવું?
-તમે આવો બીજો પૂછો, ત્યાં સુધીમાં મને જવાબ સૂઝી જશે.
(ખુશ્બુ વડનગરા, વડોદરા)

* પરણવા માટે પુરૂષની શ્રેષ્ઠ ઉંમર કઇ?
-બસ. આવો સવાલ પૂછવા માટે ય ટાઇમ બગાડવો ન પોસાય, એવી કચ્ચીને લાગી હોય ત્યારે...!
(સોહમ ચૌહાણ, જૂનાગઢ)

* 'અશોકના શિલાલેખ'ના સમારકામ માટે તમે ડૉલરમાં ડોનેશન આપવાના છો, એ વાત સાચી?
-શીલાના ફાધર તૈયાર હોય, તો મને વાંધો નથી.
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* અમારા NGO ના ઉદઘાટનમાં તમને બોલાવીએ કે અમિતાભ બચ્ચનને?
-હું અમિતને વાત કરી દઉં છું કે, ''ભ'ઇ, હું નવરો નથી... તું જઇ આય...!''
(વિપુલ શર્મા, દેગામ-ખેડા)

* જો બકા... તકલીફ તો રહેવાની!
-આને માટે હોમિયોપેથીવાળાને બતાડો.
(મંથન પટેલ, અમદાવાદ)

* હવે તો પિતૃ-તર્પણ માટે ય કાગડા શોધ્યા મળે એમ નથી... શું કરવું?
- હું હજી સુધી એ લોકોમાં ઊંડો ઊતર્યો જ નથી, એટલે મને બહુ ખબર નહિ પડે...!
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* બાએ હમણાંથી ખીજાવાનું બંધ કેમ કરી દીધું છે?
- હું હમણાં સીધો ચાલુ છું.
(સ્મિત આચાર્ય, અમદાવાદ)

* હવે ગાંધીનગરમાં રસ્તાઓ ઉપરના બમ્પ તોડવામાં આવી રહ્યાં છે... કારણ?
-પ્રજા સીધી ચાલે તે માટે.
(ગ્રીષ્મા પંડયા, ગાંધીનગર)

* રોડ ઉપર ભાઇઓ મારામારી કરે છે... કદી બહેનોને મારામારી કરતી જોઇ?
- જવાબ આપું તો બધી બહેનો ભેગી થઇને રોડ ઉપર મારી સાથે મારામારી કરે!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* બજારમાં વેચાતી ચાઇનીઝ ચીજવસ્તુઓ ઉપર કિંમત લખી હોતી નથી... સરકાર જોતી નથી?
-સરકારો ય ચાયનીઝ પ્રોડક્ટ જેવી હોય છે.... 'ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!'
(શશીકાંત મશરૂ, જામનગર)

* ચાઇનીઝ પ્રેસિડૅન્ટ તો ઇન્ડિયા આવી ગયા.... તમે ચીન ક્યારે જવાના છો?
-એમ તો, યમરાજા ય રોજ પચ્ચી વાર અમદાવાદ આવે છે, એટલે મારે જવું?
(ભોલાનાથ રિંડાણી, જામનગર)

* સરકારની 'જનધન યોજના'ને કારણે બૅન્કોમાં કામ વધી ગયું છે. શું બૅન્કર હોવું ગૂન્હો છે?
-શરમ નથી આવતી, સરકારમાં છો છતાં કામ કરો છો?
(એજાજ બારેજીયા, રાજકોટ)

* દર સપ્તાહે 'ઍનકાઉન્ટર'માં સવાલો પૂછવાનું સરનામું છપાય છે, એમાં ૩-૪ સવાલોની જગ્યા ઓછી થાય છે... કંઇક ઓછું ના થાય?
-યુ મીન.... લોકો મારા ઘેર આવીને સવાલો પૂછી જાય...?
(ગૌરાંગ પ્ર. જોશીપુરા, વડોદરા)

* 'એનકાઉન્ટર' માટે પોસ્ટકાર્ડો ખરીદી રાખેલા... હવે એના પૈસા કોણ આપશે?
-ડૉકટરને પૈસા કેમ 'બનાવવાનું' શીખવાડવું પડે?
(ડૉ. નૃપેશ ગુપ્તા, સુરત)

* મને ચક્કરની બિમારી છે. ડૉકટર કહે છે, 'અશોક દવે પાસે જાઓ'. મારે શું કરવું?
-એકવાર એ ડૉકટરને મારા હાથમાં આવવા દો....
(રમણલાલ શર્મા, આણંદ)

* હાસ્યલેખનના ફીલ્ડમાં આવવું હોય તો ભાવિ કેવું છે?
-મેદાન સાફ છે... એકલા મને હટાવવાનો રહ્યો!
(નિશિત પટેલ, વડોદરા)

* સીનિયર સિટિઝન બન્યા પછી વાઈફ માં જેવી સંભાળ રાખે છે. તમારે કેમનું છે?
- અત્યારે તમારા વાઈફ ક્યાં મળશે?
(ચંદ્રકાંત બગરીયા, પૂણેં-મહારાષ્ટ્ર)

* મારે ફૅમસ થવું છે. કઇ રીતે થવાય?
- અટક 'ફૅમસ' રાખી દો.
(મિલિંદ પ્રણામી, માલપુર અરવલ્લી)

* લોકો આવું બોલે છે? 'દેવીઓ ઔર સજ્જનો...' દેવી જોડે તો દેવતા આવે કે નહિ?
- દેવીઓ સુધી બરોબર છે.... બાકી 'સજ્જનો' શબ્દ તો એ લોકો મજાકમાં બોલતા હોય!
(હર્ષિલ એમ. ઠક્કર, અમદાવાદ)

22/11/2014

'દાસ્તાન' ('૫૦)

ફિલ્મ : 'દાસ્તાન' ('૫૦)
નિર્માતા-દિગ્દર્શક : અબ્દુલ રશિદ કારદાર
સંગીત : નૌશાદ
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૨૨-મિનિટ્સ-૧૩ રીલ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : રાજ કપૂર, સુરૈયા, વીણા, સુરેશ, અલ નાસિર, એસ.એન. બૅનર્જી, શકીલા, પ્રતિમાદેવી, મુરાદ, લક્ષ્મણ, સુરિન્દર, બૅબી અન્વરી


ગીત
૧. આયા મેરે દિલ મેં તૂ, બનકે દિલ કી આરઝૂ....સુરૈયા-કોરસ
૨. તારા રી આરા રી....યે સાવન રૂત તુમ ઔર હમ....સુરૈયા-રફી
૩. યે મૌસમ યે તન્હાઈ, જરા દમભર કો આ જાઓ....સુરૈયા
૪. અય શમ્મા, તૂ બતા, તેરા પરવાના કૌન હૈ.....સુરૈયા
૫. દિલ કો હાય દિલ કો, તેરી તસ્વીર સે બહેલાયે હુએ....સુરૈયા-રફી
૬. નૈંનોં મેં પ્રિત હૈ, હોઠોં પે ગીત હૈ....સુરૈયા
૭. દિલ ધડક-ધડક, દિલ ફડક-ફડક કડ્કે.....સુરૈયા-રફી
૮. મુહબ્બત બઢાકર જુદા હો ગયે, ન સોચા ન સમઝા....સુરૈયા
૯. નામ તેરા હૈ જબાં પર, યાદ તેરી દિલ મેં હૈં.....સુરૈયા

અમદાવાદ રીલિફ રોડ ઉપર અદ્યતન, ફૂલ્લી, કાર્પેટેડ અને ગુજરાતનું સૌથી પહેલું ઍરકન્ડિશન્ડ થીયેટર બન્યું, તેમાં સૌથી પહેલી ફિલ્મ રાજ કપૂર-સુરૈયાની 'દાસ્તાન' આવી. પબ્લિક પાગલ તો ત્યારે થઇ ગઇ કે, અચાનક એને રીલિફ સિનેમાના ગૅટ પર ફિલ્મના હીરો રાજ કપૂર અને હીરોઇન સુરૈયા જોવા મળી ગયા. એ જમાનામાં હીરોલોગ આજની જેમ ચોપાટી પર પાણીપુરી ખાતા કે રગડા-પૅટીસની લારીના ઉદ્ધાટનમાં આવતા નહોતા. આજે લોકોને તત્સમયના ગ્રેટ ફિલ્મ કલાકારો સાથે જોવા મળી ગયા હતા. પાછો આઘાત સાથે આનંદ એ વાતનો હતો કે, આમ તો સુરૈયા દેવ આનંદની પ્રેમિકા....ને અહીં એ રાજ કપૂરના હાથમાં હાથ પકડીને બધાની સામે ઊભી હતી....!

નવા થીયેટરમાં લોકો માટે વાત નવી હતી કે, મખમલ જેવી જાજમ પર બુટ-ચપ્પલ પહેરીને ચાલવાનું...ને તો ય કોઇ ખીજાય નહિ ને ઉપરથી ઍર-કન્ડિશન્ડ થીયેટર એટલે શું, એની ય ક્યાં કોઇને જાણ હતી ? આ જ રોડ ઉપર થોડે આગળ રીગલ ટૉકીઝમાં પ્રેક્ષકોએ પહેલવહેલી લિફ્ટ જોઇ, ત્યારે માની શકાતું તો નહોતું કે, આખેઆખો રૂમ ઉચકાઇને ઉપર જાય ને પાછો આવે. રીલિફ ટૉકીઝે તો સૌ પ્રથમવાર અસલ કાબુલના પઠાણોની થીયેટરના 'લાલાઓ' તરીકે નિમણૂંકો કરી, એમને જોવા ય લોકોને ગમતા. લાલલાલ બુંદ જેવા ઊંચા અને પડછંદ આ લાલાઓની એ મજાલ હતી કે, થીયેટરો ઉપર બેકાબુ ભીડ સામે એક ઘાંટો પાડે, એમાં ય લોકો બસ્સો ફૂટ આઘા ખસી જતા.

ફિલ્મ તો તમે ધારો છો, એના કરતા તો ઘણી ફાલતુ હતી. આમે ય, ફિલ્મ અબ્દુલ રશિદ કારદારે બનાવી હોય, એટલે એમાં ઢંગધડા તો નવટાંકે ય ન હોય. રાજ કપૂર અને નૌશાદઅલી જેવા મહાન કલાકારો એ જમાનામાં હતા, એટલે આ ફિલ્મ આખી જોવાઇ જાય. મને તો કંઠ સુરૈયાનો ય ગમે, એટલે નવેનવ ગીતો એના હોય, પછી જલસામાં કમી ન હોય. ફિલ્મ 'દાસ્તાન'ની હીરોઇન સુરૈયા છે, પણ સૅન્ટ્રલ-કૅરેક્ટર વીણાનું છે. નાનપણથી કરોડપતિ બાપના ત્રણ સંતાનો પૈકીની આ એક માત્ર મોટી બહેન પૂરા પરિવાર ઉપર લેવા-દેવા વગરની હુકુમત ચલાવે છે, એમાં એના બન્ને નાના ભાઈઓ (રાજ કપૂર અને અલ નાસિર...જે વાસ્તવમાં વીણાનો પતિ હતો.) વીણાના પિતા (મુરાદે) મરતા પહેલા એક અનાથ બાળકી (સુરૈયા)ને પોતાના ઘરમાં આશરો આપે છે, જે વીણાને ગમતું નથી. યુવાન વયની વીણાનો કિરદાર ફિલ્મ 'ચાયના ટાઉન'વાળી શકીલાએ નિભાવ્યો છે. રાજ-સુરૈયા પ્રેમમાં પડી જાય છે, ને આ બાજુ રાજનો મોટો ભાઇ અલ નાસિર પણ સુરૈયાના પ્રેમમાં છે, એ જાણીને સુરૈયા ઉપર કોપાયમાન થયેલી વીણા સુરૈયાને 'માન ન માન, મૈં તેરા મેહમાન'ના ધોરણે સુરેશ (ફિલ્મ 'સટ્ટા બાઝાર'નો હીરો....'તુમ્હેં યાદ હોગા, કભી હમ મીલે થે....') સાથે પરણાવી દેવાના કાવાદાવા કરે છે, એમાં બન્ને ભાઈઓને એકબીજા સાથે લડાવી મારવાનો પેંતરો ફૂટી જતા, ભાઈઓ ઘર છોડીને જતા રહે છે ને વીણા એકલી પોતાના ખાલી મહલમાં પાગલ થઇને દમ તોડે છે.

તમારામાંથી જે ચાહકો એક જમાનામાં રેડિયો સીલોનના કાઇલ હતા, એમને રોજ સવારે આઠ વાગે જે બિન મ્યુઝિક કાર્યક્રમની થીમ રૂપે વાગતું હતું, તે આ ફિલ્મમાંથી લેવાયું છે. નૌશાદભાઈના ગીતો હોય એટલે પાર્ટી થઇ જાય, પણ ફિલ્મમાં દર બબ્બે મિનિટે એક ગીત આવતું જાય, એ તો પછી આપણી ધીરજની કસૌટી કહેવાય ! ફિલ્મ જોતા જોતા આપણે નાના બાળકની જેમ ફફડતા રહીએ કે, ''હમણાં એક ગીત આવશે....હમણાં એક ગીત આવશે...'' એમાં ય, એ જમાનાની ફિલ્મોના નૃત્યગીતોના ડાન્સ-સ્ટૅપ્સ જુઓ તો આજે હસવું આવે. ફિલ્મની મોટી ખૂબી એના અપ્રતિમ સૅટ્સ છે. આર્ટ-ડાયરેક્ટરને આવા ભવ્ય સૅટ્સ બનાવવાની કલ્પના આવે, એ પણ સલામેબલ છે. જેમ ફિલ્મ 'અંદાઝ'ના લેખમાં કહ્યું હતું, તેમ, આ '૪૦-૫૦ના દાયકાની ફિલ્મોમાં પુરૂષો શૂટ પહેરે, એ તો બહુ મોટી વાત કહેવૈ....મારા રોયાઓ ઘરમાં ય ૨૪-કલાક શૂટ પહેરીને ફરે....! ફિલ્મનું લાઇટિંગ એટલી હદે કંટાળાજનક છે કે, અડધી નહિ, પૂરી ફિલ્મ અંધારામાં છે. દિવસનું દ્રષ્ય હોય તો ય ઘરમાં દિગ્દર્શકે લાઇટો એવી રીતે ગોઠવી છે કે, પોણા સ્ક્રીન ઉપર અંધારા જોવાના !'

રાજ કપૂર તો રાજ કપૂર હતો. આ ફિલ્મ વખતે એની ઉંમર ૨૬-૨૭ની માંડ હતી ને કેવો રૂપાળો લાગે છે. એના અભિનય માટે તો પ્રણામ જ કરવા પડે.

સુરૈયા જેટલા પ્રેમીઓ (ચાહકો) એ જમાનાની કોઇ હીરોઇનને મળ્યા નથી, એવું કોઇ પણ જાતના આધાર વગર 'ઑફિશીયલી' કહી શકાય. મુંબઇના મરિન લાઇન્સના દરિયા કિનારાની સામે એના 'કૃષ્ણ મહલ' સામેની ફૂટપાથ ઉપર સુરૈયા ઇચ્છે છે કે ન ઇછે, 'માન ન માન, મૈં તેરા મેહમાન'ના ધોરણે એને જ પરણવાની જીદ લઈને સત્યાગ્રહ(?) પર બેઠેલા ફિલ્મ 'જ્હૉની મેરા નામ'માં દેવ આનંદનો બૉસ બનતો પોલીસ-કમિશનર ઇફ્તેખાર, સુરૈયાએ 'ડિક્કો-ડમ્મ' દેખાડી દેતા કંટાળીને તંબૂ લપેટીને ઘરભેગો થઈ ગયો, પણ આવા કિસ્સા અનેક હતા. ઠેઠ પાકિસ્તાનના લાહૌરથી કોઇપણ જાતના આમંત્રણ કે ઓળખાણ-બોળખાણ વગર ફિરોઝ દીન નામનો ચાહક તો સુરૈયાના બિલ્ડિંગ પર રીતસરનો વરઘોડો અને ૧૦૦૦-ના સાજનમહાજન અને બૅન્ડ્બાજા લઇને આવી ગયો હતો. 'પરણું તો તને જ'ના જાપ સાથે.

સુરૈયાના રૂપમાં કોઇપણ પુરૂષમાં સુતેલો સિંહ જગાડવાની તાકાત હતી. એ 'કૃષ્ણ મહલ'માં રહે પણ મીરાંબાઇ જેવી તૈયાર ન થાય...રૂપાળી રાધા જેવી તૈયાર થઇને રોજ ઘરમાં ય બેસે. એમાં ય કોક મળવા આવ્યું હોય, તો એને ડ્રોઇંગ-રૂમમાં કલાક બેસાડી રાખીને, મૅડમ લથબથ ઘરેણા અને ચુસ્ત મૅઇક-અપ કર્યા પછી જ પાવા તે ગઢથી પ્રગટ થાય.

સુરૈયા દેવ આનંદને તો ચાહતી હતી, પણ એની 'નાની'એ દેવને દૂર કર્યા પછી સુરૈયા માટે પ્રોડયુસર-ડાયરેક્ટર એમ.સાદિકને મુહબ્બત થઇ ગઇ, તે એટલે સુધી કે, પોતાની ફિલ્મોના શૂટિંગ છોડીને એ સુરૈયાનું જે સ્ટુડિયોમાં શૂટિંગ ચાલતું હોય, એના ગૅટની બહાર ગાડી લઇને ઊભો રહેતો, જેથી સુરૂને મરિન-લાઇન્સ મૂકવા જઇ શકાય. સુરૈયાની એક નબળાઈ તો હતી જ. જે કોઇ એને પ્રેમ કરવા માંગતું હોય, એને કદી એણે કાઢી મૂક્યો તો નથી જ, પણ પેલો ય માની જાય ત્યાં સુધી સહકાર આપતી, જેમાં સાદિક તો ખૂબ મોંઘી ભેટો રોજ લઇને આવતો, જે વગર રીસિપ્ટે સ્વાકારાઇ પણ જતી. એક ગિફટ તો એ જમાનામાં ય ખૂબ મોંઘા ગણાતા ૧૬ mm ના મૂવી કૅમેરાની ય હતી. મુહમ્મદ સાદિકે ફિલ્મ 'રતન' ઉપરાંત અનેક ફિલ્મો બનાવી હતી, જેમાં આપણને યાદ રહી જાય એવી ઓપી નૈયરવાળી ફિલ્મો 'મુસાફિરખાના,' 'છુમંતર,' 'માઇ-બાપ' અને 'દુનિયા રંગરંગિલી' ઉપરાંત મીનાકુમારી-પ્રદીપ કુમારવાળી ફિલ્મ 'બહુ બેગમ' અને 'નૂરજહાં' પછી 'તાજ મહલ', 'ચૌદહવીં કા ચાંદ,' અને 'શબાબ' ઉપરાંત પણ બીજી પચ્ચીસેક ફિલ્મો એણે બનાવી હતી.

સુરૈયાનો બીજો પ્રેમી સરદાર રણજીતસિંઘ હતો. લાહોરમાં દલસુખ પંચોલીને આસિસ્ટન્ટ તરીકે બહુ મદદમાં આવ્યો હતો. એણે પોતાની કરિયરની પહેલી અને છેલ્લી ફિલ્મ 'અમર કહાની' પણ ઉતારી હતી.

દરમ્યાનમાં (આપણને) એક ગમ્મત પડે એવી વાત બની ગઇ. સંગીતકાર હુસ્નલાલ (ભગતરામ) પણ સુરૈયાને ઘર કી બહુ બનાવવા આમાદા હતા. ફિલ્મ 'આજકી બાત' અને 'બડી બહેન'માં સુરૂને લાઇફટાઇમના ગ્રેટ ગીતો આપવા બદલ એ થોડી ઝૂકી હતી, પણ દરમ્યાનમાં સુરૈયાને એ.આર. કારદારે એક સાથે ચાર ફિલ્મોનો કૉન્ટ્રૅક્ટ આપ્યો, જેમાં આજની ફિલ્મ 'દાસ્તાન' પણ શામેલ હતી. કારદારની ફિલ્મોમાં તો સંગીતકાર નૌશાદ જ હોય ! એટલે તક મળતા જ સુરૈયાએ હુસ્નલાલને જે શી ક્રસ્ણ કહી દીધું, પણ હુસ્નલાલને એનો વાંધો ન આવ્યો. જો સુરૈયા પોતાના કરતા મોટા સંગીતકાર નૌશાદ પાસે જતી હતી, તો હુસ્નલાલે ય સુરૈયા કરતા પચીસ વ્હેંત ઊંચી ગાયિકા લતા મંગેશકરના પ્રેમમાં પડવાનું નક્કી કર્યું. લતાની પણ 'હા' આવી ગઇ.

અત્યાર સુધીના પ્રેમોમાં એક દેવ આનંદને બાદ કરતા સુરૈયાએ પોતે કોઇ અરજદારમાં મૂડીરોકાણ કર્યું નહોતું. એની પાછળ પ્રેમીઓની કતાર હતી, એ કોઇની નહોતી, પણ ઇશાન ઘોષ (જે આ ફિલ્મનો પણ સાઉન્ડ-રૅકૉર્ડિસ્ટ છે.) એક સ્માર્ટ બંગાલી-બાબુ એની નજરે ચઢી ગયા. કારદાર સ્ટુડિયોમાં સાઉન્ડ રૅકૉર્ડિસ્ટનું કામ કરતો આ યુવાન ચારે બાજુથી સુરૈયાને ગમી જ ગયો.

ઉઘાડેછોગ બન્ને બહાર ફરવા માંડયા, ફિલ્મના મુહુર્તોમાં, હોટલોમાં કે કોઇએ પાર્ટી આપી હોય, તો સુરૈયા સામે ચાલીને ઇશાનનું નામ ઉમેરાવતી ને ત્યાં ય બન્ને એકબીજાને અડીને સાથે બેસતા...જય હો !

પણ સુરૈયાની નાની (મમ્મીની મમ્મી) માટે એ સોનાના ઇંડા આપતી મરઘી હતી. દેવ આનંદને કાઢ્યો, એમ નાનીએ ઇશાનને ય કાઢ્યો. બન્ને છોકરાઓનો મોટો અને બહુ ગંભીર ગૂન્હો એ હતો કે, બન્ને હિંદુ હતા. 'કૃષ્ણ મહલ' સુરૈયાના મામાને નામે હતો, એ ગ્રાઉન્ડ ઉપર સુરૈયા ય નાનીથી દબાયેલી રહેતી.

પરિણિત અને ઘણા બધા બાળકોના પિતા ઇશાનને પાછો મેળવવા સુરૂએ બાજુના જ બિલ્ડિંગમાં રહેતી નરગીસના ભાઇ અખ્તર હુસેનને ફોન કરીને આજીજીઓ કરી, પણ એ ય કાંઇ કરી ન શક્યા. (અખ્તર દેવ આનંદની જ ફિલ્મ 'ગૅમ્બલર'ની હીરોઇન ઝાહિદાના પિતા અને અનવર હુસેનના ભાઇ થાય.) વીણાનું અસલ નામ તો તાજૌર સુલતાના હતું.

ચરીત્ર અભિનેત્રી વીણાને તમે ફિલ્મ 'પાકીઝા'માં મીનાકુમારીની મોટી બહેનના રોલમાં જોઇ છે. એ સુરૈયા સામે સત્યાગ્રહવાળા ઇફ્ત્તેખારની સગી બહેન અને આ જ ફિલ્મમાં સેકન્ડ હીરો અલ નાસિરની વાઇફ થાય. 'દાસ્તાન'માં એને લાઇફ-ટાઇમનો સર્વોત્તમ રોલ મળ્યો છે. ફિલ્મના પ્રારંભમાં જ બુઢ્ઢો રાજ કપૂર, એની આ અંતિમ ઘડીઓ ગણી ચૂકેલી બહેનના જાજરમાન ગુસ્સાને યાદ કરીને વેદનાભર્યો સંવાદ બોલે છે, ''રસ્સી જલ ગઇ...બલ નહિ ગયા !''

હુસ્નલાલને છોડીને આવેલી સુરૈયા અફ કૉર્સ, વડિલસરીખા નૌશાદસાહેબના પ્રેમમાં નહોતી, પણ સુરૈયા ફિલ્મોમાં આવી ત્યારે પહેલું ગીત નૌશાદઅલીએ એની પાસે ગવડાવ્યું હતું અને અહીં પણ એમણે ચમત્કાર કર્યો. ફિલ્મ 'દાસ્તાન'ના તમામ ગીતોમાં એનો કંઠ છે. એ જીવી ત્યાં સુધી નૌશાદસાહેબનો પૂરો આદર કરતી. મને યાદ છે, આપણે સુરૈયાને લૅટર લખવો હોય તો એ ઇંગ્લિશમાં જ અને તે પણ પહેલી એ, બી, સી, ડી.માં જ લખી શકાતો.

નૌશાદનું એક અજીબોગરીબ ફૅક્ટર આ ફિલ્મમાં પણ જોવા મળ્યું. એમની ફિલ્મ 'જાદુ'ની જેમ અહીં પણ એમણે વૅસ્ટર્ન નૉટૅશન્સનો ઉપયોગ કરીને સંગીત આપ્યું. એ પછી છેલ્લે છેલ્લે વૈજ્યંતિ-રાજેન્દ્રની ફિલ્મ 'સાથી'માં પણ વિદેશી વાજીંત્રો વાપરીને સ્વારંકનો પણ એમના જ ઉપયોગમાં લીધા.

ઇશ્વરે મને તો ન બચાવ્યો આવી કન્ડમ ફિલ્મ જોવામાંથી....તમને ય ક્યાંથી બચાવે, એના ઉપર આવો લેખ વાંચવામાંથી !

19/11/2014

અમદાવાદની મૅચ અને છોકરીઓ ટીવી પર...

હવે મન મૂકીને મેચ જોવી હોય તો રૂબરૂ જોવા નહિ જવું.. ટીવી પર જોઈ લેવાની. એ લોકો અમદાવાદની સૌથી સુંદર છોકરીઓ ટીવી પર બતાવતા હતા... સ-ત-ત, એમાંટીવી પર ક્રિકેટ જોવા જ બેઠેલા (એવું તે કોણ સ્ટુપિડ હોય... ? આ તો એક વાત થાય છે....!) શોખિનોનું વળી નસીબ કે, વચ્ચે ટાઇમોઝ મળે તો ક્રિકેટ પણ બતાવતા હતા. ભ'ઇ, એ વાત તો સાચી છે કે, ઇન્ડિયાના અનેક શહેરોમાં ક્રિકેટ રમાય છે, પણ અમદાવાદ જેવી સુંદર સ્ત્રીઓ હજી સુધી તો એકે ય શહેરમાં જોવા મળી નથી. ટીવીના કેમેરામેનો ય ઘરના દુઃખી હોવા જોઈએ કારણ કે, શોધી શોધીને ૫૦ હજાર પ્રેક્ષકોમાંથી સૌથી વધુ સુંદર ચહેરા જ ફોકસ કરતા હતા, પણ બાજુમાં પેલીનો ગોરધન કે બોય-ફ્રેન્ડ બેઠો હોય, એનો તો એક કાન પણ ટીવીમાં ન દેખાઈ જાય, એની ભારે ચીવટ રાખી હતી. કહે છે કે, આવા દ્રષ્યો ઝડપવામાં ચોકસાઈ બહુ રાખવી પડે. માંડ આપણી આંખો સેટ થઈ હોય ને... ભલે કેમેરામેનની ભૂલથી કોઈ દાંત ખોતરતો ડોહો ટીવીમાં બતાવાઈ જાય, તો આપણે તો મહિના સુધી દંતમંજન મોકૂફ રાખવું પડે ને ? કોઈ પંખો ચાલુ કરો.

એક સવાલ થાય કે, જેનો જેનો ફોટો ટીવી પર દેખાય, એ બધી છોકરીઓ પહેલા મૂંગી હોય ને જેવી એને ખબર પડે કે કેમેરા એની સામે છે, એટલે રસ્તા ઉપરથી રૂપિયાની નોટ મળી હોય, એવી ખુશમખુશ થઈને ખભા ઉલાળતી ચીચીયારીઓ પાડવા માંડતી. ક્રિકેટ સાથે એમને લેનાદેની ઘણી હતી. કારણ કે, શ્રીલંકાવાળો બેટ્સમેન ચોગ્ગો મારે કે આપણાવાળો આઉટ થાય તો ય એ ચીસાચીસથી ટીવી ઉપર શોરબકોર મચાવી દેતી હતી. કહે છે કે, ટીવી દ્વારા મેચને બદલે સુંદર છોકરીઓમાં ધ્યાન પરોવવાની શરૂઆત, એક જમાનામાં દુબાઈ- શારજાહની મેચો વખતે ઇંગ્લિશ કમેન્ટેટર હેનરી બ્લોફેલ્ડે કરી હતી. ડોહો છોકરીઓના કાનના બુટિયા બતાવવાના નામે ઉપડયો હતો, કેમ જાણે આપણે લારીઓમાં બુટિયાં જોયા જ ન હોય ! બુટિયું બતાવે એટલે ચેહરો જોવો જ પડે ! આપણે બુટિયા જોવા આટલા મોંઘા ભાવના ટીવી ખરીદ્યા હશે ?

ટીવી પર દેખાવવું મને ય ખૂબ ગમે. એ વાત જુદી છે કે, કોઈ મને ટીવી પર દેખાડતું નથી. નહિ તો, કેમેરા સામે ખડખડાટ મોંઢે હસતા હસતા હાથ હલાવતા મને ફાઇન આવડે છે. મારી બાજુમાં કોક હોવું જોઈએ તો મારો ફોટો સારો આવે છે. એકવાર ટીવી પર આવી જવાનો ફાયદો એ છે કે, હજારો ઓળખીતાઓ આપણને જુએ છે ને પાછા બીજે દહાડે 'વોટ્સઅપ' પણ કરે, 'એ કાલે તમને ટીવી પર જોયા હતા...!' હાઆઆ...શ...! મનને એવી શાંતિ મળે કે, આપણે દેખાઈ ગયા. સપનું પૂરું થયું. આગળનું પછી જોઈશું- વિચારીશું. મને યાદ છે કે ચારરસ્તાની ભીડમાં હું ય ઉભો હતો અને ટીવીવાળા એ ભીડની મૂવી ઉતારતા હતા. ટોળાના જે ભાગ તરફ કેમેરા ફરે, એટલે બધા હસતા હસતા હાથ ઊંચો કરીને હલાવે, એમ આપણે ય હાથ હલાવ્યો. આમ હું ખાસ કાંઈ હસતો નથી, પણ ટીવીમાં હસીએ તો જરા સારું લાગે. 'વોટ્સએપ' તો ફ્રી થાય છે, એટલે નામો શોધી શોધીને મિનિમમ હજારેક જણાને મેસેજ મોકલાવી દીધા કે, 'આવતીકાલના ન્યૂસ જોજો... હું ટીવીમાંં દેખાવાનો છું.''

નિર્દોષભાવે એમાંના ૯૮ ટકા દોસ્તો એવું સમજ્યા કે, 'ખુશ્બુ ગુજરાત કી'માં હવે અમિતાભ બચ્ચનના બદલે મને લેવાયો હશે. આપણી પાસે ય એમ તો હજારો જાતની ખુશ્બુઓ પડી છે, એની બધાને ખબર ! અને આમ પાછું, માહિતી ખાતામાં બે- ચાર જણા આપણને ઓળખે ખરા, એટલે દોસ્તોને ય ખબર કે, આની ઓળખાણો મોટી મોટી છે. એ લોકો ય રાહ જોઈને ટીવી સામે બેઠેલા...

પણ ન્યુસમાં જોયું તો ચાર રસ્તા પરની એ ભીડમાં હું તો ક્યાંય દેખાયો નહતો. આખા સ્ક્રીન પર નાની નાની કીડીઓ ચોંટી હોય, એટલા નાના મોઢા અમારા બધાના દેખાતા હતા. મને ખબર કે હું પાનવાળાના ગલ્લાની નીચે, સાયકલો પડી હતી, એની પાસે કોઈ સો- બસ્સો માણસોની વચ્ચે એક સજ્જન દેખાતા ભાઇની બાજુમાં ઊભો હતો. આપણું ધ્યાન એ ખૂણા ઉપર જ, પણ દોસ્તોને એ ખૂણો થોડો ખબર પડે ?

આવી નિષ્ફળતા પછી તરત જ એ દોસ્તોના ફોનો આવવા માંડે, એ છાતી ચીરીને બરડાની આરપાર નીકળી જનારા હોય, 'દાદુ, તમે તો ક્યાંય દેખાયા જ નહિ ! અમને તો એમ કે, તમે જ મેઇન હશો. ખાદીનો ઝભ્ભો- બભ્બો પહેરીને તમે 'ખુશ્બુ ગુજરાત કી' ફેલાવતા દેખાશો... કટ થઈ ગયું ?'

તારી ભલી થાય ચમના... આવું પૂછે એટલે દ્રષ્ય કટ થઈ નથી જતું... હૈયું કટ થઈ જતું હોય છે ! લોકોનું કેવું છે કે, આપણે દેખાણા હોત તો કોઈ ફોન ન કરત, પણ આવો કચરો થયા પછી દર ત્રીજી સેકન્ડે ફોન આવે, 'દાદુ તમને તો બઉ શોધ્યા... બઉ શોધ્યા... ? ક્યાંય દેખાયા નહિ. સાલુ, આખું ટીવી ઉખાડીને કાચ- બાચ ખોલીને નવેસરથી ફિટ કરી દીધું, પણ તમે ક્યાંય ન દેખાયા....!'

સાલાઓ બળતામાં 'પેપ્સી' ઉમેરે છે ને ? કેમ કે જાણે આપણને ખબર નહિ હોય કે, અમે નહોતા જ દેખાયા. પણ અમારા કાઠિયાવાડની એક જૂની કહેવત. 'હું તો મરૂં પણ તને રાંડ કરૂં' (રાંડ એટલે વિધવા) એટલે આપણા હૈયાને જરી ટાઢક વળે, એ ઇરાદાથી અમદાવાદની મેચ પત્યા પછી, મેં એક દોસ્તને કીધું, 'પરીયા, તારા મિસિસ ટીવી પર મેચમાં દેખાયા હતા.. તને બહુ ગોત્યો... તું જરાક આઘોપાછો થયો'તો... ?? તું નહોતો દેખાતો ? ભાભી ફાઇન લાગતા'તા...!'

ખીજાયો. મને કહે, 'ટીવી જરા પહોળું કરાયું હોત તો હું દેખાત....! સાલા, મારી વાઇફને જ બતાય બતાય કરતા'તા...હાથ તો હું ય હલાવતો'તો, પણ મને એકે ય વાર બતાડયો નહિ...!' (આ દ્રષ્ટિએ, ટીવી કેમેરામેનો કેટલા બુદ્ધિમાન કહેવાય... ? દે તાલ્લી !)

પરીયો હાઇટ બોડીમાં આપણને મારે એવો છે, એટલે હું બોલ્યો નહિ કે, સાલા વગર ટીવીએ પણ જોવા જેવી તો તારી વાઇફ જ છે... તું અડધા ગામને નડી રહ્યો છું...! તારા મેરેજમાં ફોટા હું પાડતો હોત તો રામ કસમ... તારો એકે ય ફોટો આવવા ન દેત...બધા તારી વાઇફના જ પાડત !''

સુનિલ ગાવસકરે એ મેચની કોમેન્ટ્રીમાં ખાસ કીધું હતું કે, 'મેચ અમદાવાદમાં હોય એટલે 'પ્રિડોમિનન્ટલી' (એનો ખાસ શબ્દ) સ્ટેડિયમ ખીચોખીચ જ હોય...!' એની વાત સાચી છે.દેશ આખો પૈસો તો ગુજરાતીઓના કારણે કમાય છે. સાચું પૂછો તો, ગુજરાતીઓ (પુરૂષો પણ) દેખાવમાં આખા ભારતના બધા રાજ્યોના પુરુષોથી ચઢે એવા છે. એક તો પૈસો પુષ્કળ આપ્યો છે ને એમાં ય પોતે કપડાં કૅરી કરી શકે છે, કેવો મેઇક-અપ વધુ સારો લાગશે, એનું પરફેક્ટ નાલેજ છે. દેશમાં નવી ગાડી પહેલી લેનાર ગુજરાતી જ હોય. દુનિયાભરના હિલ-સ્ટેશનો ઉપર એ દેશનો કોઈ માણસ હોય કે ન હોય, ગુજરાતી તો હોય જ ! હું તો ભારત આખું ફર્યો છું પણ બહાર નીકળ્યા પછી દેખાવ કે ડીસન્સીનો મામલો હોય, ગુજરાતીઓને કોઈ બીટ કરી શકે એમ નથી. (બહારના લોકો 'ગુજરાતી'ને બદલે આપણને 'ગુજ્જુ' કહે છે, એનો મને જરા ય વાંધો નથી. રાજસ્થાનીઓને 'રાજુ' કહે, બંગાલીઓને 'બંગુ' કહે કે મરાઠીઓને સાવ ખોટી રીતે 'ઘાટી' કહે, એમાં મારો વિરોધ ખરો.) અમદાવાદની એ મેચ યાદ કરો તો મેચનું વાતાવરણ જલસામાં ફેરવી નાખવાનું કે આખી મેચ સ્ફૂર્તિવાળી બનાવી દેવાનું તો કોઈ ગુજરાતીઓ પાસેથી શીખે. વહેલી સવારના ઘેરથી નીકળ્યા પછી, હઈડ હઈડ થતા મેચ જોવા છ- સાત કલાક બેસી રહેવાનું ને આવી અનર્જી ટકાવી રાખવાની... માય માય, ગુજરાતીઓને જ સિદ્ધહસ્ત છે. અપવાદો તો બધે હોય, પણ જનરલી સ્પીકિંગ... આઇ એમ રાઇટ ! સુઉં કિયો છો?

અમદાવાદની મેચમાં ફખ્રની વાત તો એ હતી કે અમદાવાદીઓ પોતાની દુકાનના પાટીયાં- બાટીયાં લઈ જવાને બદલે ભારતીય તિરંગો લઈને મેચ જોવા ગયા હતા અને ખૂબ હોંશપૂર્વક લહેરાવતા હતા. આપણે સાવ આશા મૂકી દીધી હતી કે, ગુજરાતના યુવાનોમાં દેશદાઝ જેવું કાંઈ છે જ નહિ, એવું નથી. બુદ્ધિમાન અમદાવાદી છોકરાઓ ખૂબ જાણે છે કે, આ મેચ આખી દુનિયામાં લાઇવ ટેલીકાસ્ટ થઈ રહી છે, એ જોતાં ભારતનો ગૌરવવંતો તિરંગો સેંકડોની સંખ્યામાં લહેરાતો દેખાય, એટલે જગતભરમાં આપણા દેશનું ગૌરવ દેખાય. અમદાવાદના એ યુવાનોનો દેશપ્રેમ જોયા પછી ઘેર બેઠા આપણે ખુશ થઈએ કે, હવે ચીનાઓ કે પાકિસ્તાનીઓ આવશે તો એમની પાછળ લાત મારીને ભગાડવામાં આપણી પાસે યુવાનોનો સ્ટોક ઓછો નથી.

મારા ચાલુ જન્મના લખ્ખણો પરથી આવતો જન્મ તો ભગવાન મને માણસ બનાવે એવું લાગતું નથી, પણ એને પ્રાર્થના કે, આવતા જનમમાં મને ભલે કાગડાનો અવતાર આપો, પણ એ કાગડો ગુજરાતી હોવો જોઈએ..! સાલું, ગુજરાતીમાં તો, 'કાકાકાકાકા' ય કોયલ કરતા વધુ મીઠું લાગે !

સિક્સર

- હજી ગઈ કાલ સુધી તો ઓકે હતા... આઇ મીન, સૅન્સિબલ વાતો કરતા હતા... અચાનક અસ્થિર મગજના કેવી રીતે થઈ ગયા ?
- કંઈ નહિ...એ તો ભૂલથી શાહરૂખખાનનું 'હેપી ન્યૂ યર' જોવાઈ ગયું !

16/11/2014

ઍનકાઉન્ટર : 16-11-2014

* પત્ની પહેલા મૃત્યુ પામે તો ચુંદડી ઓઢીને ગઈ કહેવાય... પણ ગોરધન પહેલા જાય તો...?
- જવાબની મને ખબર નથી... પણ તમે ખોટી ઉતાવળ ન કરતા...!
(મધુકર માંકડ, જામનગર)

* શું ભારત માટે 'ઈબોલા' ખતરનાક સાબિત થશે ?
- ભલે દુશ્મનો રહ્યા, પણ આવો ખતરનાક રોગ તો પાકિસ્તાનમાં ય કોઈને ન થાય, એવી ઈશ્વર અને અલ્લાહ બંનેને પ્રાર્થના.
(નિશાંત હરણેશા, રાજકોટ)

* તમે એકના એક સવાલના દર વખતે જુદા જુદા જવાબ કેવી રીતે આપી શકો છો ?
- રોજ ઑફિસેથી ઘેર મોડા પહોંચીને નવી નવી સ્ટોરીઓ નહિ બનાવવાની...?
(એકતા પ્રજાપતિ, અમદાવાદ)

* તમે પ્રાઇમ મિનિસ્ટર મોદી વિશે શું માનો છો ?
- એ જ કે, એ પ્રાઇમ મિનિસ્ટર છે.
(કરણ એમ. રાજગોર, વલસાડ)

* પ્રેમ વિશે તમારૂં શું માનવું છે ?
- સાલો બહુ હરામી હતો.... પ્રેમ પટેલનું નામ ન દેશો.
(રવિ કંટારીયા, જુનાગઢ)

* ગાય આપણી માતા છે, તો કૂતરીને શું કહેવાય ?
- 'આપણી માતા...?' સૉરી, મારી માતા ગાય નથી અને મને તો કૂતરી અને કૂતરા વચ્ચેનો તફાવત ક્યાંથી પકડવો, એની ય ખબર નથી !
(હસમુખ બાદરશાહી, પોરબંદર)

* દેશની માનવશક્તિ ધર્મને નામે વેડફાઇ જતી નથી ? તમારે એક પુસ્તક લખવું જોઈએ.
- ધર્મને નામે પુસ્તક તો જાવા દિયો... હું તો પચ્ચી રૂપીયાનો ચૅક પણ લખું એમ નથી.
(નવિન બી. ગામિત, સુરત)

* આવતી કાલથી તમારા જ તમને ઓળખવાનું બંધ કરી દે તો ?
- એમની બહેનોના લગ્નો કરાવવા જાય !
(રાજેશ શાસ્ત્રી, પેટલાદ)

* આજના યુવક-યુવતીઓ વિશે શું માનો છો ?
- બસ... એ લોકો કાયમ 'આજના' કહેવાય !
(રાકેશ સદરાણી, જુનાગઢ)

* ગુજરાતીમાં સવાલ પૂછવામાં ફૉન્ટસની મુશ્કેલી થાય છે... ગુજલિશમાં પૂછાય ?
- 'ના'ની ઉપર કાનો મારી દો.
(અમુલ શાહ, મુંબઈ)

* 'ડિમ્પલ મને મમ્મીની જેમ રાખે છે', એવું દીપિકા પદુકોણે કીધું. તમે સુઉં કિયો છો?
- ડિમ્પલની ભૂલ કહેવાય. આવી કૂમળી કળી જેવી દીપુને અત્યારથી મમ્મી બનાવી ના દેવાય.... બા ખીજાય !
(સમર્થ શિહોરા, વડોદરા)

* હાસ્ય ઉપર આપની સારી ફાવટ છે. તો ગુજરાતી ફિલ્મોમાં હાથ અજમાવોને !
- હું તો લેંઘાનો એક સામાન્ય કારીગર છું... ચડ્ડા સિવતા મને ન આવડે !
(મીસ વિરલ ચૌહાણ, મુંબઈ)

* શરીર ઉપર ટૅટુ ચિતરાવવા બાબતે કાંઇક કહો.
- લોકો એકનું એક શર્ટ પહેરતા બે મહિનામાં કંટાળી જાય છે... ટૅટુ જીવનભર રહેવાનું છે... બેવકૂફોનું કામ છે.
(ભોલાનાથ રિંડાણી, જામનગર)

* મને જોઈએ એવો ગુસ્સો નથી આવતો. બધી વાતમાં ઠંડો પડું છું. શું કરાય...?
- લગ્ન સિવાય બધું...!
(ધ્રુવ પંચાસરા, વિરમગામ)

* 'Is' એટલે છે', તો What 'વ્હૉટ' એટલે શું ?
- તમારો સવાલ બાળવિભાગમાં મોકલી આપ્યો છે.
(ડૉ. સતીષ દેશપાંડે, નવસારી)

* શ્રાધ્ધમાં કાગડાને વાસ નાંખવાનું કારણ શું ?
- હાથીને લઈને અગાસી ઉપર ન જવાય, માટે !
(અલ્પેશ ત્રિવેદી, અમદાવાદ)

* તમને અમેરિકા ગમ્યું કે ઇન્ડિયા ?
- 'સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા.'
(યતન પટેલ, જસદણ)

* અધિક માસ આવે છે, તો અધિક વાર કેમ નથી આવતો ?
- સોમવાર, મંગળવાર, બુધવાર... એમ 'કોકવાર' તો આવે છે ને ?
(પ્રહલાદ રાવલ, રાજપિપળા)

* ઘોડીયાથી સ્મશાનયાત્રા સુધીની ત્રણ યાત્રાઓમાં સૌથી મહત્વનું કામ કયું ?
- એ તો જે કામાતુર હોય, એને ખબર પડે !
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)

* 'ઓસામા-જી' બોલવાવાળા ક્યાં ગયા ?
- ઓસામા પાસે.....જાય એવી પ્રાર્થના.
(સુરેન્દ્ર ભટ્ટ, ગાંધીનગર)

* પેલા હરામખોર યાસિન મલિકે કાશ્મિરના દર્દનાક પૂર વખતે એક રૂપીયાની ય મદદ કરી ?
- આપણે પાકિસ્તાની નથી. આવી ભાષા ન વપરાય. એનું કામ કાશ્મિરીઓ પાસેથી મદદ લેવાનું છે, આપવાનું નહિ !
(અંકિત ભૂતવાલા, સુરત)

* અમેરિકાથી શું શીખીને આવ્યા ?
... કે બીજી વાર જવું, તો ઘેર કહીને જવું.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* તમારૂં કોઇ પ્રેમપ્રકરણ જાહેર કરી શકાય એવું ખરૂં ?
- બા ખીજાય.
(ચંદ્રકાંત બગરીયા, પૂણે- મહારાષ્ટ્ર)

* હૉસ્પિટલમાં ખબર પૂછવા આવનારાઓ, 'કંઈ કામકાજ હોય તો કહેવડાવજો.' કહે છે. તો શું કહેવું ?
- 'કામકાજમાં તો બસ..... આ હૉસ્પિટલનું બિલ ભરવાનું છે..!' એટલું કહી દેવું.
(રમેશ સુતરીયા - ટ્રોવા, મુંબઈ)

* મારી પ્રેમિકાને સપનાંમાં ય બસ, હું જ દેખાઉં છું. કોઇ ઉપાય ખરો ?
- જવા દો ને...! નકામો આપણા બે વચ્ચે ઝગડો શું કામ કરવો ?
(સંજય દવે, શેઠવડાલા- જામજોધપુર)

* મારી અને તમારી વચ્ચે એક ગજબનું સામ્ય છે. આપણા બંનેનું શિશ કેવળ ભારત દેશ માટે ઝૂકે છે.
- પાકિસ્તાનનું ય ઝૂકશે.
(આત્મજા દવે, વિરાર-મહારાષ્ટ્ર)

* કાશ્મિરી પંડિતોની બેહાલી માટે આપ શું માનો છો ?
- અચ્છે દિન આનેવાલે હૈં.
(ડૉ. શ્વેતલ ડી. ભાવસાર, અમદાવાદ)

* મોબાઇલને ગુજરાતીમાં શું કહેવાય?
- મોબાઇલ
(પ્રશાંત મોકાણી, વડોદરા)

* કાયમ સોગિયા મોંઢા લઈને ફરનારાઓ માટે કોઈ ઉપાય?
- ચોક્કસ જગ્યાએ લાત મારીને ભાગી જવાનું..
(ડૉ.બી.પી.પરમાર,પેટલાદ)

* હમણાં હમણાંથી મને ડિમ્પલ રોજ સપનામાં આવે છે... શું કરું?
- તમારી એક આદત મને ગમી...કે, પારકી સ્ત્રીઓને તમે હંમેશા મા-બેન જ ગણો છો.
(વીરેન્દ્ર જાની, જામનગર)

* મારે ફેમસ થવું છે, કઈ રીતે થવાય?
- અટક ફેમસ રાખી દો.
(મિલિંદ પ્રણામી, માલપુર-અરવલ્લી)

* પરણવા માટે પુરૂષની શ્રેષ્ઠ ઉંમર કઈ?
- બસ. આવો સવાલ પૂછવા માટે ય ટાઇમ બગાડવો ન પોસાય, એવી કચ્ચીને લાગી હોય ત્યારે...!
(સોહમ ચૌહાણ, જૂનાગઢ)

* દેશ માટે તમે શું કરી શકો છો?
- આ સવાલ આપણાં સુપર ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટરો, ધર્મગુરુઓ કે મંદિરોના ટ્રસ્ટીઓને પૂછવો જોઈએ.
(મનિષ કે. ફોફન્ડી, વેરાવળ)

* રોડ ઉપર ભાઈઓ મારામારી કરે છે...કદી બહેનોને મારામારી કરતા જોઈ?
- જવાબ આપું તો બધી બહેનો ભેગી થઈને રોડ ઉપર મારી સાથે મારામારી કરે!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

14/11/2014

'અંદાઝ' ('૪૯)

(PART 1)

ફિલ્મ : 'અંદાઝ' ('૪૯)
નિર્માતા : મેહબૂબ પ્રોડકશન્સ
દિગ્દર્શક : મેહબૂબખાન
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૪૩-મિનિટ્સ (ઍડિટેડ)
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : રાજ કપૂર, નરગીસ, દિલીપ કુમાર, વી.એચ.દેસાઈ, કક્કુ, મુરાદ, અનવરીબાઈ, અમીરબાનો, જમશેદજી, અબ્બાસ અને વાસકર.
ગીત
૧. હમ આજ કહીં દિલ ખો બૈઠે, યું સમઝો કિસી... મૂકેશ
૨. તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છૂટે ના... મૂકેશ
૩. તૂ કહે અગર જીવનભર મૈં ગીત સુનાતા જાઉં... મૂકેશ
૪. ઝૂમઝૂમ કે નાચો આજ, નાચો આજ, ગાઓ... મૂકેશ
૫. સુનાઉં ક્યા મૈં ગમ અપના ઝૂબાં પર લા નહિ સકતા... મૂકેશ
૬. ડર ના મુહબ્બત કર લે, ડર ના મુહબ્બત કર લે... લતા-શમશાદ
૭. ઉઠાએ જા ઉનકે સિતમ, ઔર જીયે જા... લતા મંગેશકર
૮. યૂં તો આપસ મેં બિગડતે હૈં, ખફા હોતે હૈં... લતા-રફી
૯. દા દિર દારા... મેરી લાડલી રી બની હૈ, તારોં કી... લતા મંગેશકર
૧૦. તોડ દિયા દિલ મેરા, તૂને અરે બેવફા... લતા મંગેશકર
૧૧. કોઈ મેરે દિલ મેં ખૂશી બન કે આયા, અંધેરા છાકર... લતા મંગેશકર

ગીત નં. ૫ આ ફિલ્મ માટે રેકોર્ડ થયું હતું. પણ ફિલ્મની લંબાઈ વધી જવાથી એને કાઢી નાંખવું પડયું હતું.

એટ લીસ્ટ, આજની ફિલ્મ 'અંદાઝ'નો આ લેખ તમને મસ્તી કરાવી દેવાનો છે, એની મને ધારણા ૧૦૦ ટકા અને ખાત્રી બે ત્રણ ટકા છે. આપણને વાંચવી ગમે, એ બધી માહિતીઓથી છલકાશે. એક તો ફિલ્મના ત્રણે મુખ્ય કલાકારો રાજ-નરગીસ-દિલીપ આપણા સહુના માનિતા, બીજું, મેહબૂબખાન જેવો મજેલો ડાયરેકટર, ત્રીજું ધી ગ્રેટ નૌશાદ સાહેબનું 'ક્યા બ્બાત હૈ' સંગીત, મૂકેશના અને પાછા લતા મંગેશકરના એવા ગીતો, જે આજે ફિલ્મ રજૂ થવાના ૬૫ વર્ષો પછી ય આપણા સહુના ફેવરિટ છે. આ બધા ફેકટરોની દિલચશ્પ માહિતીઓ અને એમાં ય, હમણાં મેં પૂરી કરેલી મુહમ્મદ યુસુફ સરવરખાન પઠાણ એટલે કે દિલીપ કુમાર (જન્મ તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨)ની આત્મકથા, The substance and the shadow : An autobiography. બધામાં ખૂબ ગેલમાં આવ્યો છું અને એ ગેલગમ્મત તમને કરાવવી છે.

પણ એ પહેલા આ ફિલ્મ 'અંદાઝ'ની વાત :

જસ્ટ થિન્ક ઑફ ઇટ... ફિલ્મ ૧૯૪૯માં બની હતી અને છતાં આજદિન સુધી એની અસરો ફિલ્મનગરી તેમજ રાજ-દિલીપ-નરગીસના ચાહકો સુધી યથાવત રહી છે. ૨૭ વર્ષનો દિલીપકુમાર, ૨૫ વર્ષનો રાજ કપૂર (તા. ૧૪ ડીસેમ્બર ૧૯૨૪) અને બિલકુલ ૨૦ વર્ષની નરગીસ (જન્મ તા. ૧ જૂન ૧૯૨૯)... આઈ મીન, ભરચક જવાનીની ફિલ્મ અને મેહબૂબ ખાતે ભારે હિમ્મતપૂર્વક એ જમાનામાં સહેજે ન ચાલે, એવા સબ્જેક્ટ ઉપર આ ફિલ્મ બનાવી, જેમાં સમજો ને, પહેલીવાર લવ-ટ્રાયન્ગલ (પ્રણય ત્રિકોણ)ની સનસનાટીભરી વાર્તા આવી. આવા ટ્રાયન્ગલની ફિલ્મો અગાઉ પણ આવી હતી, પણ કોઈ ફિલ્મને દર્શકોએ સ્વીકારી નહોતી. વાર્તા આજે તો તદ્દન ચીલાચાલુ લાગે અને એના અંશો વાંચવા ય બોરિંગ લાગે, પણ આજે છ દશક પછી ય ફિલ્મ પ્રસ્તૂત લાગે છે, એમાં સઘળી કમાલ મેહબૂબ ખાનની. ટુંકાણમાં અંશો જોઇ લઇએ.

નીના (નરગીસ) બહુ મોટા બીઝનેસમેનની મોડર્ન ખયાલાતની દીકરી છે. સિમલામાં પોતાના બંગલેથી તોફાની ઘોડા ઉપર સવાર થઇને બહાર નીકળતા જ ઘોડો ભાગે છે. જગતનો નિયમ છે, હીરોઇનના ઘોડા કરતા હીરોવાળો ઘોડો વધુ ફાસ્ટ ભાગતો હોય, એટલે દિલીપ (દિલીપ કુમાર) બીજા ઘોડા ઉપરથી નીનાને બચાવી લે છે.

દિલીપને નીના ગમી જાય છે અને પૈણવાના સપના શરૂ કરે છે. નીના પણ દિલીપને અંતરંગ દોસ્ત બનાવી પેલાને આગળ વધવાની અજાણતામાં તકો આપે છે. એની બા ગુજરી ગઇ હોવાથી એ નથી ખીજાતી, પણ ફાધર (મુરાદ) ખીજાય છે, જેમને આ બન્નેની દોસ્તી પસંદ નથી. 'જમાના ક્યા કહેગા...?' નીનાની સખી શીલા (કક્કુ) દિલીપને પ્રેમ કરવા લાગે છે, પણ એકતરફો. દિલીપે નીનાનો જીવ બચાવ્યો, એમાં ખરી કમાલ તો ઘોડાની હતી, છતાં ફાધરના બેસણાં પછી નીના પોતાની અડધી મિલ્કતનો ભાગીદાર ઘોડાને બદલે દિલીપને બનાવી, તમામ કારોબાર સોંપી દઇ પોતે ચારધામની યાત્રાએ નથી જતી, ઘડીક નવરી પડે એટલે દિલીપને બોલાવી એની પાસે સ્વ. મૂકેશના ચાર ગીતો ગવડાવે છે. ઇન્ટરવલ સુધી આપણએ રાહો જોઇજોઇને અધમૂવા થઇ ગયા હોઈએ, પણ દિલીપ નીનાને કહી શક્તો નથી કે, હું તારા પ્રેમમાં છું. દરમ્યાનમાં નીનાનો ખરો પ્રેમી રાજન (રાજ કપૂર) લંડનથી પાછો આવે છે અને બન્ને ઘર-ઘર રમવા લાગે છે, ત્યારે દિલીપને જાણ થાય છે કે, નીના તો રાજનની છે. રાજન-નીનાના લગ્ન થઇ જાય છે. અહીં દીકરી વળાવવાના કરૂણ ગીતો ગાવાને બદલે દિલીપ ભગ્નહૃદયી પ્રેમીના મરશીયા ગાય છે. 'તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છૂટે ના...' આવી તોડફોડના ગીતો આવા પ્રસંગે ગાવાથી નીનાને બહુ ખોટું લાગે છે, એટલે વળતા હૂમલા તરીકે એ પાછું બીજું એક ગીત બેન લતા મંગેશકરના અવાજમાં ગાય છે.

આ વખતે બાજી ફિટાઉન્સ કરવાનો દિલીપ ટ્રાય કરે છે, પણ એ તો વાર્તા લેખક જ જાણે કે, દિલીપ જતો રહેવા માંગતો હોવા છતાં નીના જવા દેતી નથી, પરિણામે એક દિવસ તો રાજનને ખબર પડે ને ?... પડી ને જોરદાર પડી. એમાં રાજન પત્નીને તરછોડી દે છે, જેથી નીના કોઈ રસ્તો કાઢવાને બદલે લતા મંગેશકરના કંઠમાં બબ્બે-તત્તણ ગીતો ગાઈ નાંખે છે. એક બાજુ, દિલીપ પિયાનો ઉપર બબ્બે દહાડે મંડયો હોય ને નવરી નીના ઘેર બેઠી લતાના ગીતો તાણતી હોય, એમાં રાજીયો બગડે કે નહીં ?

દિલીપ નીનાની 'બેગૂનાહી કા સબૂત' પેશ કરને રાજનના ઘેર આવે છે, જ્યાં રાજને એના માથામાં ટેનીસનું રેકેટ ફટકારે છે. એ મરતો નથી, પણ પોતાને નિર્દોષ સાબિત કરાવી શકાય, એ માટે નીના એને જીવતો રાખવા ડોક્ટરને કાલાવાલા કરે છે. દિલીપ બચી જાય છે એમાં હવે એ રાજનનું ખૂન કરીને નીનાનો પ્રેમ મેળવવા રીવૉલ્વર લઇને નીકળી પડે છે. રાજનને મારતા પહેલા એ નીનાની પાછળ પડીને પરાણે પ્રેમ સ્વીકારવા આજીજીઓ કરે છે. આજીજી હુક્મ બની જાય એ પહેલા નીના એને ઠાર મારીને જેલમાં જાય છે. અદાલતમાં રાજન નીનાની વિરૂધ્ધ જબાની આપે છે. પણ દિલીપે પોતાની નિર્દોષતા પૂરવાર કરવા અગાઉ લખી રાખેલો પત્ર હવે પસ્તાયેલા રાજનના હાથમાં આવતા એ નીનાને મળવા જેલમાં જાય છે, પણ ત્યાં સુધીમાં તો નીનાને કાલાપાનીની સજા થઇ ચૂકી હોય છે.

ફિલ્મ એ જમાનામાં ભલે ચાલી હોય અને ભરચક પ્રચારને આધારે આ ફિલ્મને ભલે કોઈએ 'ક્લાસિક' ગણી હોય, પણ નો...! ફિલ્મ ઘણી નબળી હતી, ખાસ કરીને એની ગળે ન ઉતરે એવી વાર્તા. વિદેશ વસેલા રાજ કપૂરની પ્રેમિકા ગમે તેટલી મોર્ડન જમાનાની હોય, ફાધર ઉપરાંત સમાજના સખ્ત વિરોધ છતાં શું કામ દિલીપને આટલો નજીક આવવા દે કે, પોતાની મિલ્કતનો અડધો ભાગ એને આપી પૂરો કારોબાર ચલાવવા આપે ! અને એ ય, ફિલ્મોની ભાષામાં કહીએ, તો 'દિલીપ કા ન જાત કા પતા થા, ન પાત કા' ! એક બાજુ લેખક પેલીને સતી સાવિત્રી ચીતરે છે તો ભારતની સાવિત્રીઓ આટલી ગીરેલી હોતી નથી કે, દોસ્ત દિલીપથી પોતાના પ્રેમી રાજ કપૂરની આખી વાત જ છૂપાવે. છૂપાવવાનું કોઈ કારણ દિલીપને ભલે ન આપે, પ્રેક્ષકોને કેમ નથી અપાતું ? નરગીસની ખુલ્લમખુલ્લી દોસ્તી જોઇએ દિલીપ તો શું, શહેર કોંગ્રેસ સમિતીનો કાર્યકર પણ માની લે કે, નીનકી આપણા પ્રેમમાં છે. એક વાર ઘોડા ઉપરથી પડતી બચાવવાનો ચાર્જ આટલો મોંઘો અપાતો હોય, તો હિંદુસ્તાનનો બચ્ચેબચ્ચો ઘોડા પાળવા માંડશે.

સખ્ત વિરોધ કરવો પડે એવો મુદ્દો તો એ છે કે, રાજ કપૂર આટલો હસમુખો અને નિખાલસ હોવા છતાં, નરગીસ સાવ આસાનીથી કહી શકી હોત કે, મારી દોસ્તીને દિલીપ લેવાદેવા વગરનો પ્રેમ સમજી બેઠો છે.

વાર્તા ઉપરાંત, મેહબૂબ ખાનની ફિલ્મ આવી તો ન જ હોય, એવા ય કારણો મળી આવે છે. ફિલ્મોમાં દસ ગીતો છે... પચ્ચી પણ હોય, પણ આ મેહબૂબ ખાનની ફિલ્મ છે અને એમની ફિલ્મમાં વાર્તાને આગળ ચલાવવા ગીતો જ હોય, માત્ર સંગીતને પ્રમોટ કરવા ન હોય! અહીં તો, દાવા સાથે ફિલ્મમાં એક પણ ગીત રહેવા ન દો, તો પણ વાર્તા અકબંધ રહે છે. ફિલ્મનું કોઈપણ ગીત જરૂરી નથી. ફિલ્મનું કોઈપણ પુરૂષપાત્ર ઈંગ્લિશ શૂટ-બૂટ સિવાય ઘરમાં ય ફરતું નથી, એ ગળે ન ઉતરે એવી વાત છે. આપણે તો મેહબૂબની 'આન', 'મધર ઈન્ડિયા' કે 'સન ઓફ ઈન્ડિયા' પણ જોઈ છે. એની ફિલ્મોમાં એકેય પાત્ર બિનજરૂરી કે વધારાનું ન હોય. અહીં તો કહેવાતી કોમેડીના નામે સર્કસ કરાવવા આપણા ગુજરાતી કૉમેડીયન વી.એચ. દેસાઈને વેડફી નાંખ્યો છે. ફિલ્મની વાર્તામાં શીલા (કક્કુ)ની કોઈ જરૂરત જ નથી, છતાં વચ્ચે લેવાદેવા વગરની ઘુસાડીને, કોઈ રેફરન્સ વિના દિલીપના એકતરફા પ્રેમમાં પડાવી દીધી છે. ધૅટ્સ ફાઈન, પણ પછી વાર્તામાં જાણે એનું કોઈ મહત્ત્વ જ નહિ, એમ કોઈ સ્પષ્ટતા વગર કક્કુને હાંસીયામાં ધકેલી દીધી છે. નરગીસનું વર્તન જોઈને નાનું છોકરૂં ય કહી શકે, કે એકતરફા પ્રેમ માટે દિલીપનો કોઈ વાંક નથી. પણ પતિને કન્વિન્સ કરવા, ''મૈંને દિલીપ કો મારા હૈ...'' કહેનાર નરગીસ પોતાને નિર્દોષ સાબિત કરવા દિલીપનું ખૂન શું કામ કરે?

તો બીજી બાજુ, આ ફિલ્મની ઉજળી બાજુઓ એટલી બધી છે કે, 'અંદાઝ'ને નીગ્લૅક્ટ પણ કરાય એવી નથી. ખાસ તો, એનું બેનમૂન સંગીત. ધી ગ્રેટ નૌશાદ સાહેબને એક આ જ ફિલ્મ માટે નહિ, એ જમાનાની એમની તમામ ફિલ્મોના મધુર ગીતોના સાતત્ય (Consistency) માટે શત શત પ્રમાણ કરવા પડે! એ વર્ષમાં એક જ ફિલ્મ કરતા હોવાથી રીઝલ્ટ્સ તો જુઓ એમની એકોએક ફિલ્મના સંગીતના! મેહબૂબની તો (ફિલ્મ 'ઔરત' જેવી એકાદીને બાદ કરતા) તમામ ફિલ્મોનું સંગીત નૌશાદઅલીએ આપ્યું છે. પછી તો મુહમ્મદ રફી કાયમ માટે નૌશાદ સાથે પ્રતિબધ્ધ રહ્યા, પણ 'અનોખા પ્યાર', 'મેલા' અને 'અંદાઝ' જેવી નૌશાદીયન ફિલ્મોમાં મૂકેશને લેવાયા પછી ખુદ દિલીપ કુમારે પોતાના પ્લેબૅક માટે મૂકેશની ભલામણો કરી હતી. સહુ જાણે છે કે, મૂકેશ સંગીતની શાસ્ત્રોક્તતાથી કોસો દૂર હતો. તેની લતા-રફી-આશા જેવા ગાયકોને એક-બે વાર રીહર્સલ સમજાવવું પડે, ત્યારે મૂકેશ માટે ૧૦-૧૫ રીહર્સલો તો મિનિમમ થઈ જતા, કોઈ પણ સંગીતકાર માટે.

મૂકેશ વર્લી-'સી ફેસ' પર રહે ને નૌશાદ બાંદરા. 'અંદાઝ'ના ચાર (એક પાંચમું ગીત પણ હતું, જે કાઢી નંખાયું હતું.) ગીતોના એક એક રીહર્સલ માટે મૂકેશ લોકલ ટ્રેન પકડીને રોજ સવારે નૌશાદના ઘેર જતો. એક ગીત માટે એણે સરેરાશ પચ્ચીસ ધક્કા ખાધા છે. એ વાત પણ સાચી હશે કે, નૌશાદને મૂકેશમાં મૂકેશને બદલે કે.એલ. સાયગલ વધુ સંભળાતો હશે, એટલે શરૂઆતમાં આટલા ઓળઘોળ હતા. સહુ જાણે છે કે, સાયગલનો ડીટ્ટો અવાજ લાગતો હોવાને કારણે મૂકેશને ફિલ્મોમાં પ્રવેશ મળ્યો હતો. 'અંદાઝ'માં લતાના ગીતો ય... જસ્ટ આઉટ ઑફ ધ વર્લ્ડ છે, છતાં સદીના અંતે તો ફક્ત મૂકેશના ગીતો જ પ્રજાને યાદ રહી ગયા.

મૂકેશની આ જ તો ખૂબી હતી. ફિલ્મના અન્ય ગાયકો ભલે ને લતા, આશા કે રફી હોય, આખી ફિલ્મમાં મૂકેશનું કેવળ એક જ ગીત હોય તો સૌથી વધુ મશહૂર એ જ થયું હોય. વિશ્વાસ ન આવતો હોય તો જાતે એવી યાદી ચકાસવા માંડો.

નવાઈ નહિ, આઘાતની વાત છે કે, દેવ આનંદની પૂરી ફિલ્મોના સંગીતમાં મેજર શૅર રફીનો છે, છતાં દેવ આનંદે પોતાની આત્મકથા Romancing with Lifeમાં એક જગ્યાએ રફીનો ઉલ્લેખ માત્ર કર્યો નથી. કારણ એ હતું કે, '૬૯ પછી કિશોર કુમારનું વાવાઝોડું આવ્યું, એમાં દેવ આનંદે ઉઘાડેછોગ રફીને જાકારો દઈ દીધો, તો દિલીપ કુમાર અને રફી તો દર રવિવારે બેડમિન્ટન રમવા વર્ષોથી નૌશાદના ઘેર ભેગા થતાં, પણ કોઈ વાતે દિલીપને વાંકું પડયું, એમાં રફીને સીધા કરવા દિલીપે, દુશ્મન કા દુશ્મન અપના દોસ્ત હોતા હૈ, એ કપટ કરીને રફીના મુખ્ય હરિફ કિશોર કુમારને 'સગીના'માં પોતાના પ્લેબેક માટે લેવડાવ્યો. એ તો સહુને ખબર છે કે, દિલીપની પ્રેમિકા મધુબાલા સાથે કિશોર પરણ્યો હતો, એમાં દિલીપ કિશોર ઉપર ખીજાયો પણ હતો. અલ્લાહના નેક બંદા જેવા રફી સાહેબની ગરજ હતી, ત્યાં સુધી સંગીતકારો કે હીરોલોગે લાભ લીધો ને એવા જ કારણોએ ખૂબ વહેલી ઉંમરે હાર્ટ-એટેક આવી ગયો.

'૪૯માં 'અંદાઝ' રીલિઝ થયું, ત્યાં સુધી એ બૉક્સ-ઑફિસ ઉપર સર્વશ્રેષ્ઠ વકરો કરાવતી ફિલ્મ હતી, પણ એ જ વર્ષે રાજ કપૂરનું 'બરસાત' આવ્યું, એમાં 'અંદાઝ'ના બધા રેકોર્ડસ ધોવાઈ ગયા. બદલો મેહબૂબે બરોબરીનો લીધો. '૫૨-માં આવેલી 'આન'માં મેહબૂબે ટિકીટબારી ઉપર એવો સપાટો બોલાવ્યો કે, એ પછી ઘણા વર્ષો સુધી 'આન'ના વિક્રમને કોઈ તોડી શક્યું નહિ ને મેહબૂબની ગણત્રી હોલીવૂડના મશહૂર દિગ્દર્શક સૅસિલ બી ડી'મેલો સાથે થવા લાગી.

(વધુ આવતા અંકે)
Go to Part II

ફલાઈટમાં ગુજરાતીઓ

'૬૦-ના દાયકામાં અમારી ઉંમર ધોધમાર હિંદી ફિલ્મો જોવાની હતી. અમદાવાદની રીલિફ, કૃષ્ણ, રીગલ, મોડેલ, સિનેમા-દ-ફ્રાન્સ, અશોક, રૂપમ, અલંકાર, પ્રતાપ, સેન્ટ્રલ, ઈંગ્લિશ ટોકીઝ અને ઘીકાંટા ઉપર તો નશો જ નશો. નોવેલ્ટી, લક્ષ્મી, એલ.એન., લાઈટ હાઉસ, પ્રકાશ અને છેલ્લે મધુરમ... બસ, પતી ગયું. એ જમાનામાં અમારી પાસે ટોકીઝોનો આટલો જ સ્ટોક પડેલો હતો. બહારના પરાંમાં હોય નાનીમોટી ટોકીઝો, પણ કોઈ જઈએ નહિ. ત્યાંના લોકલીયાઓ જાય! આ તમારી રૂપાલી-બુપાલી કે નટરાજ-બટરાજ તો પછી આવી.

આખા અમદાવાદ શહેરમાં આમે ય, હાર્ડલી કોઈ ૨૦-૨૫ જણા પાસે ગાડીઓ હતી. (આજે એક એક એપાર્ટમેન્ટમાં દસ-દસ કે સો-બસ્સો ગાડીઓ હોય છે.) સ્કૂટર છ-છ વર્ષે નોંધાવો ત્યારે માંડ આવે, એટલે એ ય બહુ ઓછાની પાસે. અમારી પાસે સાયકલ...

પણ સાયકલ પર બેસીને સિનેમા જોવા જવું, એ મુંબઈની તાજમહલ હોટેલમાં સ્વિમિંગ-કોસ્ચ્યૂમ પહેરીને જવા જેટલું શરમજનક લાગતું. વળી, ત્યાં પહોંચ્યા પછી લોઅર-સ્ટોલ્સની (એક રૂપીયાવાળી) ટિકીટની તોફાની લાઈનમાં ઊભા રહેવાનું. માથે અઢી રૂપિયાવાળી ટોપી પહેરી રાખવાની, જેથી ઓળખાઈ ન જવાય અને જાલીમ-જમાનાને એવું ન લાગે કે, 'ચંદુભ'ઈનો છોકરો રૂપીયવાળીમાં ઊભો છે ?' એ તો ઠીક, 'રૂપીયાવાળી'માં બેસી ગયા પછી, હજી સ્લાઈડ-શો કે એડવર્ટાઈઝના રીલ્સ ચાલતા હોય, ત્યાં સુધી થીયેટરમાં ઠીકઠીક અજવાળું હોય. મેઇન પિક્ચર શરૂ થાય પછી અંધારૂં થાય, ત્યારે જ સ્વ. મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્ર દેસાઈની માફક બન્ને જોડેલા હાથ લટકતા રાખીને સિનેમા-પ્રવેશ કરવાનો. એમાં આપણી ફાવટ ખરી. (કહે છે કે, હિતુભાઈ નહાતી વખતે ય હાથ આવા જોડેલા જ રાખતા... !) માથે ટોપી સાથે શર્ટના કોલર ઊંચા કરી અંધારામાં રૂપીયાવાળીમાં ઘુસવાનું એવી રીતે કે અપર-સ્ટોલ્સમાં બેઠેલું કોક ઓળખીતું જોઈ ન જાય. ઈન્ટરવલ પડવાની એકાદ મિનિટ પહેલા ફિલ્મ છોડી દઈને જમ્પ મારતા મારતા ઉપર બાલ્કનીના ગેટ પર પહોંચી જવાનું. જેવા પ્રેક્ષકો એમાંથી બહાર નીકળે, ત્યારે આપણે ય ટોળાની ભેગાભેગા બહાર નીકળવાનું. સમાજ તરત જ નામ બદલી નાંખે, ''ઓહો... અશોકભાઈ બાલ્કનીમાં ફિલ્મો જુએ છે... ! જરૂર કોઈનું કરી નાંખ્યું લાગે છે !'' (બાય ધ વે, એ જમાનામાં બાલ્કનીના રૂ. ૧.૬૦ હતા... એક રૂપીયો ને ૬૦ પૈસા !)

પણ ભાઈ રે ભાઈ... કોક રાત્રે ફાધર-મધર સાથે સિનેમા જોવાનું થાય, તો એ જમાનામાં ય બહુ મોંઘી ગણાતી રીક્ષામાં બેસીને જવાનું. સિનેમાના ઝાંપે ઉતરતી વખતે એવી ભાવના જોરદાર થાય કે, લોકો આપણને રીક્ષામાંથી ઉતરતા જુએ. ''શું વાત છે... ? અસોક રીક્સામાં ફરતો થઈ ગયો ?''

આપણને ગમ્મે તેવી ભાવના થતી હોય, પણ રીક્ષામાંથી ઉતરતી વખતે અમારા જ કલાસની ભાવના ભટ્ટ સાલી બાજુમાં ઊભી હોય, તો બી એનું ધ્યાન ન પડે ! ઝનૂનો તો એવા ચઢે કે, રીક્ષા પાછી લેવડાઈને ફરીથી ભાવની પાસે જ ઊભી રાખું, પણ એમ કરવામાં એનો ફાધર મને રીક્ષાવાળો સમજી બેસે, તો આપણે પરણ્યા પહેલા વિધૂર થવાના દહાડા આવે. (હવે કોઈ પંખો ચાલુ કરો !)

પણ એ વખતની ક્વોલિટી, નિરોઝ, કે કામા જેવી મોટી હોટલોમાં ભલે જઈ ન શકતા, ઊભા રહેવાનું તો એના ગેટ પાસે જ. જોનારને લાગવું જોઈએ કે, 'દવે સાહેબ તો રોજ તમને અહીં જ મળે.'

આપણે ક્ષણભરનો વૈભવ લેવા ગયા હોઈએ અને કોક આપણને જુએ, એવી લાલચ આજે તો શરમજનક લાગે છે કે, આવા દેખાડા કરવાની જરૂર શી હતી ? પણ ગોરધન ગાડી ચલાવતો હોય ને બાજુમાંથી સડસડાટ કોઈ 'આઉડી' કે 'મર્સીડીઝ' નીકળી જાય તો ગોરૂની વાઈફનું ગોરૂ ઉપરથી માન ઉતરી જાય છે. ''આપણે આ ખટારો હવે ક્યારે કાઢશું... ?''

પણ આજે એરપોર્ટ્સ પર કે ફલાઈટોમાં આપણા લોકોને જોઉં છું, તો શરમ દૂર થતી લાગે છે કે, અમે તો ગરીબ હતા ને રાજી થવા આવો દેખાડો કરતા. પણ જેમની પાસે પૈસો છે, એ લોકો તો આજે ય આવા (રૂપીયાવાળીવાળા) કારનામા કરે છે, પણ ઊલટી રીતે. એમની વાતોમાં, ''હજી ગયા મહિને જ હું સિંગાપુરમાં હતો... ત્યાંની ફાઈવ-સ્ટાર હોટલના સ્વીટ્સ (ડબલ રૂમ) સિવાય તો ઓર્ડિનરી રૂમોમાં ઉતરાય જ નહિ... ! મચ્છરો કઇડે.'' એર ઈન્ડિયાના ઈકનોમી કલાસમાં તો જવાય જ નહિ. એરહોસ્ટેસો ધોળીયાઓની સરખામણીમાં આપણને તો ચણા ય ના આલે. હું તો બિઝનેસ-કલાસમાં જ જતો હોઉં છું.''

તારી ભલી થાય ચમના... તારી બા રોજ હેંડતી હેંડતી મંદિરે જાય છે. ત્યાં દાનની રકમ લખાવવામાં ય ભાવતાલ કરે છે ને ડિસકાઉન્ટો માંગે છે... ને તું ક્યાં મેળનો વિમાનોમાં ફરતો થઈ ગયો ?

આવા નમૂનાઓ ફલાઈટમાં છે, એ સિદ્ધિની જાણ હરકોઈને થવી જોઈએ.

જુઓ. કેવી રીતે !

અમદાવાદીઓને રીક્ષા પકડવા અને ફલાઈટ પકડવામાં ખાસ કોઈ ફરક પડતો નથી. પડે તો એટલો પડે કે, એમને રીક્ષામાં બેસતા કોઈ જોઈ ન જાય ને એરપોર્ટ પર કે ફલાઈટમાં જેટલા ઓળખીતા હોય, એ કમ-સે-કમ એમને જુએ, તો પૈસા વસૂલ ! હજી વાર હોય ત્યારે એરપોર્ટના લાઉન્જમાં કોઈ એવી જગ્યાએ બેસવાનું, જ્યાં બહારથી આવતો હરએક મુસાફર એમને જોઈ શકે. અફ કોર્સ, ફલાઈટનો ગુજ્જુ મુસાફર કાંઈ એસ.ટી. બસના મુસાફર જેવો રૉલો ન હોય કે, જે મળ્યું, એ બધું જુએ રાખે. અહીં તો પોતાને ખૂબ બિઝી બતાવવા ખોળામાં લેપટોપ લઈને બેસવાનું. મશગુલ થઈ જવાનું. જોનારને લાગવું જોઈએ, ''ઓહો... પંડયા સાહેબ હવે ફલાઈટોમાં ફરવા માંડયા... ? એ તો કાયમ બિઝી જ હોય !''

લાઉન્જમાં આવી રીતે બેઠા હો ત્યારે ગમ્મે તે ના હોય... છાનુંમાનું એની સામે જોઈ લેવાનું, પણ સામેથી બોલાવવાનો નહિ... આપણે ફલાઇટમાં જવાના છીએ... છપ્પનના ભાવમાં જવાના નથી. જોઈ લીધા પછી પાછા બિઝી થઈ જવાનું ને એક્સપેક્ટ કરવાનું કે, એ આપણને જુએ પણ એ નહિ જુએ... એરપોર્ટ પર સારૂં સારૂં જોવાનું મૂકીને તમારા જેવા બુંદિયાળને શું કામ જુએ ? પણ સમો એવો બાંધવાનો કે, એ આપણને જુએ. એરપોર્ટો ઉપર આમે ય, નાનકડા રૅક ઉપર બિઝનેસ મેગેઝિનો પડયા હોય છે, જે મફતમાં મળે. ફિલ્મો-બિલ્મોનું મેગેઝિન મળે તો ય નહિ લેવાનું... જોનારને લાગવું જોઈએ કે, 'સાહેબ કોઈ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ લાગે છે.'

બસ. મેગેઝિન ઠોકી લાવીને વાંચતા વાંચતા પેલાની પાસેથી પસાર થવાનું અથવા સ્ત્રી હોય તો અથડાવાનું નહિ. પેલાના કમનસીબે, એ તમને મળવા આવે, તો બોલો ફક્ત ઈંગ્લિશમાં. ફાઇવ-સ્ટાર હોટલ કે એરપોર્ટો ઉપર તમારી ચરોતરની કે કાઠીયાવાડી નહિ ચાલે... (સુરતવાળી તો સહેજ બી નહિ ચાલે!!!)

ફલાઈટમાં દાખલ થતી વખતે એરહોસ્ટેસ સાવ લેવા-દેવા વગરના સ્માઇલો બધાને નવરાત્રીના પ્રસાદની જેમ આપતી રહે છે. આપણે એ પ્રસાદ લેવાનો નહિ. ''ઓહો ઓહો... કેમ છો મંગળાબેન... તમે ઈન્ડિયન એરલાઈન્સમાં જોડાયા ને કંઈ... ?'' એવા અહોભાવો ફલાઈટમાં પહેલી વાર બેસનારો આપે.

આમ ઈંગ્લિશ સરખું ન આવડતું હોય તો પણ એકલું, ''એકસક્યુઝ મી'' તો ગોખી જ મારો. તમારી સીટ સુધી જતા જતા પચ્ચા વખત બોલવાનું આવશે.

શરૂઆત એમના ચડ્ડાથી થાય. આપણા ઘાટીઓ પહેરે એવું ઝભલું (એમની લિન્ગોમાં, ''બ્રાન્ડેડ જર્સી''!) અને નીચે ચડ્ડો પહેરીને ફલાઈટમાં આવવાનું. ફલાઈટ ઉપડતા પહેલા બહેરા-મૂંગાની શાળામાંથી સીધી નોકરી અહીં મળી હોય એવી બોબડી એરહોસ્ટેસો સેફટી અંગે ઊભી ઊભી જે કાંઈ સમજાવતી હોય, એ 'જોવાનું જ' નહિ. આવા અલિપ્ત રહેવાથી ''ઓહ શીટ... અમે તો લાખો વાર ફલાઈટમાં બેસી ચૂક્યા છીએ. અમારે તો આ રોજનું થયું'' એવું સાબિત કરી શકાય. અને ખાસ ધ્યાન રાખો. ફલાઇટો પકડયા પછી બાજુવાળા સાથે એક શબ્દ પણ બોલ્યા છો, તો તમારી માં ના સમ છે. ન બોલાય. આ એસ.ટી.ની બસ નથી, તે ખારી સિંગનું પડીકું ખોલીને બાજુવાળાને સ્માઈલો સાથે ધરાય... ! બાજુવાળો ય તમારી સામું નહિ જુએ. એને ઉઠાડવો હોય તો ભરચક ડૂંગળી ચાવીને ફલાઈટ પકડો. કોઈ નામ નહિ લે.

બસ. મુંબઈ એરપોર્ટ પહોંચ્યા પછી (તમને ય ખબર છે કે, તમને લેવા કોઈ ડ્રાયવર આવ્યો નથી, પણ રેલિંગ પકડીને આવા ડ્રાયવરો તમારા નામના પાટીયાં પકડીને ઊભા હોય છે, એ બધાને ધરાઈ ધરાઈને જોવા ઊભા રહી જવાનું. ચેહરા પર ટેન્શનથી અવારનવાર ઘડીયાળ સામે જોવાનું (ડ્રાયવરની નહિ... આપણી ઘડીયાળ... !)ને એક વાર ડ્રાયવરોની સામે જોવાનું. પાછળથી આવતા પેસેન્જરોને લાગવું જોઈએ કે, ''સાહેબને લેવા ડ્રાયવરો આયા લાગે છે... !''

બહુ નહિ ઊભા રહેવાનું... ડ્રાયવરોને એવું લાગવું ન જોઈએ કે, ''આપણાવાળો અંદર કેવી રીતે ઘુસી ગયો ?''

સિક્સર

સ્વચ્છતા અભિયાન... ? શહેરના માર્ગો ઉપર મ્યુનિસિપાલિટીએ એક પણ જગ્યાએ કચરાનું કૂંડું મૂકાવેલું જોયું ?