Search This Blog

31/08/2014

ઍનકાઉન્ટર : 31-08-2014

* તમે તો ગાતા હો, 'બોલ મેરી તકદીર મેં ક્યા હૈ, મેરે હમસફર અબ તો બતા...'ને જવાબમાં તમારા જ્યોતિષી પત્ની કહે, 'હવે પનોતિ જ પનોતિ છે...' તો શું કરો ?
- એ જ કે, પત્નીનું ફિલ્મો કરતા જ્યોતિષનું જ્ઞાન વધુ ફાલતુ છે.
(સુનિલ અંજારીયા, અમદાવાદ)

* સર, કોઇ પરિણિતા સાથે મન લાગી જાય તો શું કરવું ?
- બા ખીજાતા ના હોય તો ડૂબી મરવું.
(વિશાલ પ્રજાપતિ, મેહસાણા)

* બે વેદ જાણનારાઓ દ્વિવેદી, ત્રણ જાણનારા ત્રિવેદી ને ચાર જાણનારા ચતુર્વેદી, પણ એકે ય વેદ ન જાણનારા 'દવે' કહેવાયા...સુઉં કિયો છો ?
- કોક 'જોશી'ને બતાવવું પડશે. આ તો તમારી જાણકારી પૂરતું... 'દવે' શબ્દ 'દ્વિવેદી'નો અપભ્રંશ છે. (જાણકારી પૂરી)
(ઊર્મી જોશી, વિથોન-નખત્રાણા)

* તમે ૧૯૬૮-માં અમદાવાદની સાધના હાઇસ્કૂલમાં એસ.એસ.સી. પાસ કરી, એ હિસાબે તમે ૧૯૫૨-ના મૉડેલ છો... હું પણ !
- હા, પણ તમે તો ત્યાં સુધી ભણ્યા હશો ને ?
(ચંદ્રકાંત બગડીયા, પૂણેં-મહારાષ્ટ્ર)

* ૨૯ ફેબ્રુઆરીને હિસાબે શું તમારા પત્ની ચાર વર્ષે શુભેચ્છા આપે છે ?
- આટલી નાની અમથી વાતમાં ચાર પત્નીઓ ન રાખવાની હોય !
(મનિષ રામાવત, મીઠાપુર)

* વરસાદ નહતો પડતો... હવે અનરાધાર વરસે છે. શું કરવું ?
- કોકની છત્રી માંગી લેવી.
(જ્યોતિ શૈલેષ દુધવાલા, સુરત)

* હવે પોસ્ટ ઑફિસનું આયુષ્ય કેટલું ?
- પોસ્ટ કાર્ડ લખીને પૂછાવી જુઓ.
(અનંત વ્યાસ, ગોપાલપુરી)

* શું પૈસા વગર કોઇ કામ શક્ય જ નથી ?
- પહેલા તમારા બાકી મોકલાવી દો, પછી સવાલ પૂછો.
(જીશાન વહોરા, ઠાસરા)

* મૅરેજ કરવા માટેની સૌથી સારી ઉંમર કઇ કહેવાય ?
- મૅક્સિમમ કોઇ ડોસી પણ તૈયાર થતી હોય એ.
(કિશન એમ. પટેલ, આણંદ)

* મારી ફિયાન્સી અત્યારથી કચકચ કરે છે. લગ્ન પછી શું થશે ?
- પછી તમે બચી જશો... એ બીજા સાથે કચકચ કરશે !
(ચિંતક ઘેડીયા, નવી મુંબઈ)

* તમે સવાલ સાથે ઍડ્રેસ કેમ માંગો છો ?
- માણસ જેટલું આપી શકતો હોય, એટલું જ મંગાય !
(કોમલ પી. આહિર, મુંબઈ)

* છોકરી પસંદ કરતા પહેલા શું તપાસી લેવું જોઇએ ?
- એ જ કે, એ છોકરી અને આપણે છોકરા છીએ કે નહિ !
(ભાવિન બારડ, ધમેલ-અમરેલી)

* આજકાલ લોકો ખોટું કેમ બોલે છે ?
- લોકોની વાત જાવા દિયો ને... આપણું કેમનું લાગે છે ?
(અનંત ત્રિવેદી, ગોરડકા-બોટાદ)

* કપિલ શર્મા અને તમારી વચ્ચે શું તફાવત ?
- એ જોવા દે, તો ખબર પડે !
(આશિષ સાવલીયા, સુરત)

* મારે 'ગીનેસ બૂક ઑફ રૅકૉર્ડ્સ'માં નામ નોંધાવવું છે, તો શું કરવું ?
- પુસ્તકમેળામાંથી આ બૂક ખરીદી લાવી, વચ્ચેના કોઇ પાને બૉલપૅનથી તમારૂં નામ લખી નાંખો.
(અકીમ કાશમાની, જામનગર)

* માણસે પોતાની લાયકાત સાબિત કરવા શું કરવું ?
- બસ. માણસ બનવાનું છોડી દો.
(પ્રિયાંક એચ. પોપટ, વેરાવળ)

* ઇલેકશનના રીઝલ્ટ્સ પછી 'પોગો' ચૅનલનું આવી બન્યું છે. સુઉં કિયો છો ?
- ના. રાહુલ બાબા હજી એ જુએ છે.
(અશ્વિન કિયાડા, રાજકોટ)

* શૂન્યથી ૯-સુધીની શોધ કોણે કરી છે ?
- આમાં ય તમને મારી ઉપર ડાઉટ છે ?
(દિવ્યા જોશી, વિથોન-કચ્છ)

* અમેરિકાથી લાવ્યા હો, એ પીણાંમાં સાંજે કંપની જોઇતી હોય તો કહેવડાવજો....!
- હા, પણ હિંગાષ્ટકની ફાકી તમને દૂધ સાથે કે પાણી સાથે ફાવશે ?
(મૂકેશ નાયક, નવસારી)

* ભાગી જવાના કૅસમાં છોકરો છોકરીને ભગાડી જતો હોય છે છતાં, નામ કેવળ છોકરીનું જ કેમ બોલાય છે ?
- કરૅક્ટ. પેલો એકલો એકલો ભાગતો હોય તો એના એકલાનું નામ બોલાય.... વળી ક્યાં સુધી સ્ત્રીઓને એમના કામની ક્રેડિટ નહિ આપીએ ?
(ડૉ. મીનાક્ષી નાણાવટી, જૂનાગઢ)

* આપની દ્રષ્ટિએ ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ પુસ્તક ક્યું ?
- મહાત્મા ગાંધીનું, 'મારા સત્યના પ્રયોગો.'
(મિત એમ. બારોટ, બિલીમોરા)

* મારો ગોરધન બીજા પાસે મારી રસોઇના વખાણ કરે છે, પણ હું પૂછું છું તો સરખો જવાબ નથી આપતો. ઉપાય ?
- નસીબદાર છો. એ તમારી પાસે જૂઠ્ઠું નથી બોલતો.
(શ્રીમતી ઇશ્વરી માંકડ, જામનગર)

* કપિલ કે અનુપમ ખેરની જેમ તમારે પણ ટીવી શો શરૂ કરવો જોઇએ કે નહિ ?
- સચિન તેંડુલકર દાળવડાં વેચતો હોય, એ સારૂં લાગે ?
(નીરજ પુરોહિત, ગીરસોમનાથ)

* તમે ભારત છોડીને અમેરિકા ભાગી કેમ ગયા હતા ?
- જમવું તો સોનાની થાળીમાં, રમવું તો લૉર્ડ્સના મેદાન પર ને ભાગવું તો અમેરિકામાં.... કેટલાક લોકોના ટેસ્ટ જન્મથી જ ઊંચા હોય છે, યૂ નો !
(અફરોઝબને મીરાણી, મહુવા)

* મને તો આલીયા ભટ્ટ સૅઇમ-ટુ-સૅઇમ ડિમ્પલ જેવી જ લાગે છે...તમને ?
- લયલા કો કૈસ કી નઝર સે દેખો... કાદર ખાન કી નઝર સે નહિ !
(શ્વેતા જોશી, અમદાવાદ)

29/08/2014

'ઈમ્તેહાન' ('૭૪)

ફિલ્મ : 'ઈમ્તેહાન' ('૭૪)
નિર્માતા : બી.આર. ચાંદવાણી
દિગ્દર્શક અને કેમેરામેન : મદન સિન્હા
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ : ૧૪૬ મિનિટ્સ
થીયેટર : નટરાજ (અમદાવાદ)
કલાકારો : વિનોદ ખન્ના, તનૂજા, બિંદુ, અભિ ભટ્ટાચાર્ય, અસિત સેન, સી.એસ. દૂબે, અમૃત પટેલ, સપ્રૂ, રણજીત, મુરાદ, શાસ્ત્રી, અભિજીત સેન.


ગીત
૧. રૂક જાના નહિ, તૂ કહીં હાર કે, કાંટો પે... - કિશોર કુમાર
૨. રોજ શામ આતી થી, મગર ઐસી ન થી... - લતા મંગેશકર
૩. દેખો ઈધર ભી, જાને તમન્ના... - આશા ભોંસલે-ઉષા મંગેશકર
૪. બુઝા દે, અરે મૈં જલ ગઇ મૈં જલ ગઇ... - આશા ભોંસલે

વિનોદ ખન્નાની કદાચ આ પહેલી ફિલ્મ આ શ્રેણીમાં આવી છે. કારણ ચોખ્ખું છે. શક્ય હોય ત્યાં સુધી આ શ્રેણીની ફિલ્મોને ૧૯૩૧ થી ૧૯૭૦ સુધી મર્યાદિત રાખી છે. અપવાદો હોઇ શકે. હૉલીવૂડની ફિલ્મોનો બ્લૅક હીરો 'સીડની પોઇટીયા'ની) સ્પૅલિંગ મુજબ તો POITIER છે, પણ અમેરિકન ઉચ્ચાર ''પોઇટીયા'' થાય છે. આપણે વર્ષો સુધી જૅમ્સ બૉન્ડવાળા શૉન કૉનેરીનો ઉચ્ચાર 'સીન કૉનેરી' કરતા રહ્યા. સાચો ઉચ્ચાર ''શૉન'' છે, ''સીન'' નહિ.) ફિલ્મ 'ટૂ સર વિથ લવ'ની આજની ફિલ્મ 'ઈમ્તિહાન' સીધી ઉઠાંતરી છે. પણ એ તો કઇ ફિલ્મ ઉઠાંતરી નથી હોતી, એ બહાના હેઠળ ભલે માફ ન કરીએ પણ કેટલીક ફિલ્મોમાં નકલમાં અક્કલ બખૂબી વાપરવામાં આવી છે, એટલે ચલાવી લો, ગૂરૂ! કબુલ કે, વિનોદ ખન્ના કોઇ ગ્રેટ ઍકટર તો નહતો જ, પણ એની શારીરિક પર્સનાલિટી આકર્ષક અને આંખને જોવો ગમે એવો તો હતો જ. આ બધા જીતેન્દ્રો, ધર્મેન્દ્રો કે ઈવન શશી કપૂરોની લાઇનમાં આવતા એ બધા ઍકટરો ઍકટર કરતા હીરો વધુ હતા. ભારતીય પ્રેક્ષકોને એ વર્ષોમાં કે આજે, ફિલ્મનો હીરો કે હીરોઇન એટલે ગમે છે કે, ફિલ્મમાં એમનો રોલ એમને ગમે એવો હોય. પણ ઍકટર અને હીરો વચ્ચેનો ભેદ બહુ ઓછા જાણે અને એવી બધી બબાલોમાં પડવાનું એમને ગમતું ય નથી, માટે અશોક કુમાર, અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, સંજીવ કુમાર, બલરાજ સાહની કે નસરૂદ્દીન શાહ ઍક્ટિંગમાં નાના ગામની કેવી મોટી હસ્તિઓ છે, એની ઝાઝી ખબર ન હોય.

...ને તો ય, વિનોદ ખન્ના પેલી કૅટેગરીના તમામ હીરોલોગ કરતા ઍકટર વધુ સારો.... સરખામણીમા.

વિનોદના ચેહરા કે શરીરની એ ખૂબી હતી કે, એ 'ભાઇ'ના રોલમાં કે પ્રોફેસરના રોલમાં ય જસ્ટિફાઇડ લાગે, જેમ કે આજની ફિલ્મ 'ઈમ્તિહાન'માં પ્રોફેસર તરીકે લાગ્યો છે. ક્રેડિટ અફ કૉર્સ, ફિલ્મના દિગ્દર્શક (જેમણે કેમેરા પણ સંભાળ્યો છે.) મદન સિન્હાને ય ઈક્વલ આપવી પડે કે, ફિલ્મને ક્યાંય લપસવા નથી દીધી. એક તો ફિલ્મની વાર્તામાં કૉલેજના તોફાની છોકરાઓ ને એમાંય ધાંયધાંય જોબનીયું ધરાવતી વૅમ્પ બિંદુ ફિલ્મ પણ કેવળ સૅક્સ પ્રોજેક્ટ કરવા જ ઉતારી હોય, જેટલા કપડાં ઉતારાય એટલા ઉતારીને.... છતાં ફિલ્મ પરિવારના સભ્યો સાથે બેસીને જોઇ શકાય, એવી સ્વચ્છ બનાવી છે. ફિલ્મ મૅસેજ પણ આપે છે ને એક સારી ફિલ્મ જોવાનો સંતોષ પણ આપે છે.

મૂળ કરોડપતિ બાપ (મુરાદ)નો પુત્ર સંપત્તિ સામે આદર્શોને વહાલા કરીને, વિનોદ ખન્ના એક નાનકડા ગામની કૉલેજમાં નવાસવા પ્રોફેસર તરીકે નોકરીએ રહે છે. કૉલેજના વિદ્યાર્થીઓ કદી ન સુધરે એવા જ નહિ, એમાંના કેટલાક તો એમના કહેવાતા લીડર અભિજીત સેન (જે વાસ્તવમાં કૉમેડીયન આસિત સેનનો પુત્ર પણ છે.)ના પાલતુ મવાલીઓ પણ છે. વિનોદને આવતાની સાથે કાઢી મૂકવા એ છોકરાઓ પૂરી કોશિષ કરે છે, વિનોદને કનડવાની. પણ આદર્શોની સાથે સાથે યુવાનીના પાઠ પણ પૂરી તરહથી ભણી ચૂકેલો વિનોદ વાત્સલ્યથી વિદ્યાર્થીઓને સુધારવાની કોશિષ કરે છે ને સફળ થાય છે- પેલા અભિજીતની ટોળકીને બાદ કરતા.

બીજી તરફ, એ જ કૉલેજના પ્રિન્સિપાલ અભિ ભટ્ટાચાર્ય વિનોદનો આદર કરે છે ને વળતા હૂમલા તરીકે, એક પગે ખોડવાળી એમની દીકરી તનૂજા વિનોદનો આદર કરે છે. 'બાય વન ગૅટ વન ફ્રી'ના માર્કેટિંગ મુજબ, તનૂ વિનુને આદરની સાથે સ્થાનિક કરવેરા કાપી લઇને પ્રેમ પણ આપે છે. આ સ્થાનિક કરવેરા એટલે શરૂઆતની આનાકાની ને પોતાની ફિલ્મી મજબુરીઓ વગેરે વગેરે...! પણ, 'ડૉન્ટ બાય ઍન્ડ ગૅટ ઍવરીથિંગ ફ્રી'નો ખૂમચો લઇને કૉલેજની જ સ્ટુડન્ટ બિંદુ વિનોદ ઉપર મોહિત થઇ જાય છે અને કોઇપણ ભોગે વિનોદને પોતાનો બનાવવાના મોહમાં, વિનોદ ઉપર બળાત્કારનો આક્ષેપ મૂકીને પોતાની હવસ એ રીતે પૂરી કરવા માંગે છે. અહીં બહેન તનૂના કહેવાથી, તનૂ અને વિનુ બન્ને જાસૂસ થઇ જાય છે. વિનોદ તો વકીલ પણ થઇ બતાવે છે, જેથી બિંદુમાંથી છૂટકારો અને તનૂજા સાથે હસ્તમેળાપ ગોઠવી શકાય. અહીંથી ને ત્યાંથી પુરાવાઓ એકઠા કરીને વિનોદ નિર્દોષ પુરવાર થાય છે ને તનૂને લઇને કૉલેજ અને ગામ છોડીને ઘરભેગો થઇ જાય છે. જીંદગીના ઈમ્તિહાન (પરીક્ષા)માં વિનોદ પાસ થઇ જાય છે, પણ એ ભૂલી ન જાય એટલે આપણો કિશોર કુમાર અદ્રશ્ય રહીને વચ્ચે વચ્ચે, ફાવે એટલી વાર ગાયે રાખે છે, 'રૂક જાના નહિ, તૂ કહીં હાર કે, કાંટો પે ચલકે મિલેંગે સાયે બહાર કે... હોઓઓઓ!'

ફિલ્મ બેશક સુંદર બનાવી છે. એના સર્જક મદન સિન્હાનું પહેલા કે પછી કોઇ નામ-બામ સાંભળ્યું નથી, છતાં માણસ કસબી છે. માત્ર ડાયરેકશન જ નહિ, ફિલ્મનો કૅમેરા ય આવડતથી વાપર્યો છે, જેથી પહાડ ઉપર આવેલ દેવલાલીના બાહરી દ્રશ્યો હૂન્નરથી ઉતાર્યા છે.

દરેક દિગ્દર્શકને લોચા મારવાનો ફિલ્મસિધ્ધ હક્ક છે, એ મુજબ મદને પણ પૂરતું ધ્યાન નથી રાખ્યું. તનૂજાને એક પગે ખોડ હોવાની સહાનુભૂતિ ઊભી થાય છે, પણ ફિલ્મ આગળ વધતી જાય છે, એમ મદન અને તનૂજા બન્ને ભૂલી ગયા છે કે, પૂરી ફિલ્મમાં તનૂને લંગડા ચાલવાનું હોય, એ જ રીતે '૭૦ના દાયકામાં ફાઇટ-માસ્ટર શૅટ્ટીની જેમ રવિ ખન્નાનું નામે ય મોટું હતું. વિનોદ ખન્ના સોમ દત્તની સાથે ફિલ્મ 'મન કા મિત'માં પહેલી વાર વિલન તરીકે આવ્યો, ત્યારે એ ફિલ્મની ફાઇટિંગ જોવા માટે અમદાવાદની કૃષ્ણ ટૉકીઝની બહાર લાઇનો લાગતી. આ ફિલ્મ સુનિલ દત્તે પોતાના ભાઇ સોમ દત્તને પ્રમોટ કરવા બનાવી હતી, ચાર નવા કલાકારોને લઇને... સોમ દત્ત, લીના ચંદાવરકર, સંધ્યા રાની અને વિનોદ ખન્ના, પણ સરવાળે એમાંથી બે જ ચાલ્યા ને બાકીના બન્નેનો તો આજ સુધી પત્તો નથી. ઈવન, નરગીસ ગૂજરી ગઇ કે સુનિલપુત્ર સંજય દત્ત જરા નવરો પડે એટલે હવાફેર માટે મુંબઇની જૅલમાં જતો-આવતો રહે છે, એના ટીવી-સમાચારોમાં ય સોમ સદત્તને જોયો? કોઇ લોચો પડી ગયો હશે.

અનિલ ધવન-રેહાના સુલતાનવાળા દિગ્દર્શક બી.આર. ઈશારાએ આ ફિલમના ડાયલૉગ્સ લખ્યા હોવાથી બીજા કરતા કંઇક વધારે દમ તો છે એના સંવાદોમાં. મારી લખેલી એક ટીવી સીરિયલ 'ખુશમીજાજ'માં કામ કરી ગયેલા મુંબઇના નાટયજગતના અમૃત પટેલને આ ફિલ્મમાં નાનકડો રોલ આપવામાં આવ્યો છે. કમનસીબી જુઓ, 'ખુશમીજાજ'ના ત્રણ હીરો હતા, અમૃત પટેલ, જતીન કાણકીયા અને રાજેશ (રઘુવીર) મેહતા. મારી સીરિયલ પત્યા પછી એ ત્રણે યના નામની આગળ 'સ્વર્ગસ્થ' લખવાના દહાડા આવ્યા. અસિત સૅન ઘણો સામાન્ય કૉમેડિયન હતો, પણ પર્સનલ લાઇફમાં ય એ કેટલો સામાન્ય બાપ હશે, એનો ચીતાર આ ફિલ્મમાં મુખ્ય વિલન બનતા અભિજીત સેનને જોઇને આવે છે. અભિ ભટ્ટાચાર્ય બહુ જુનો બૉર, પણ આ ફિલ્મમાં એ બહુ નડતો નથી. સી.એસ. દૂબે બહુ નાલાયક વિલન લાગે, ખાસ કરીને ચમચાગીરીના કે ભડવાના રોલમાં. કોઇ એકાદી ફિલ્મમાં શુધ્ધ હિંદી બોલવામાં ચાલી ગયો, એટલે મોટા ભાગની ફિલ્મોમાં એને એવું કામ મળવા લાગ્યું.

યોગાનુયોગ એવો થયો કે મૂળ પાકિસ્તાનના પેશાવરમાં ૬ ઑકટોબર, ૧૯૪૬ના રોજ જન્મેલા વિનોદનો પરિવાર ટૅક્સટાઇલ ઉદ્યોગમાં મોટું નામ ગણાતો. હરીફરીને એ લોકો દિલ્હી આવ્યા ને ત્યાં જ ડીપીએસમાં ભણીને વિનોદ નાસિક પાસેના દેવલાલીની બૉર્ડિંગ સ્કૂલ બાર્ન્સ હાઇસ્કૂલમાં ભણ્યો ને આખી ફિલ્મ 'ઈમ્તિહાન'નું શૂટિંગ દેવલાલીની આ જ સ્કૂલમાં થયું છે. શત્રુઘ્ન સિન્હાને થોડો ય સફળ ન કહેવાય કે, વિલનમાંથી હીરો બનેલાઓમાં કેવળ વિનોદ ખન્ના જ ફૂલ્લી પાસ થયો. 'મન કા મિત' ઉપરાંત, મસ્તાના, સચ્ચા જૂઠા, પૂરબ ઔર પશ્ચિમ, આન મિલો સજના જેવી ફિલ્મોમાં વિલન કે સાઈડી રોલ કર્યા પછી વિનોદ 'હમ, તુમ ઔર વો'નો હીરો બન્યો કે તરત જ ગુલઝારની બે ફિલ્મો 'મેરે અપને' અને 'અચાનક'માં એની લાઇફ બની જાય એવા બે રોલ કર્યા. 'અચાનક' સાચી ઘટના ઉપરથી બનેલી ફિલ્મ હતી. કાવસ નાણાવટી વર્સીસ સ્ટેટ ઉપર આધારિત આ ફિલ્મમાં વિનોદ કાવસનો રોલ કરે છે.

વિનોદ ખન્નાએ પાકિસ્તાની ફિલ્મ 'ગૉડ ફાધર'માં લીડ રોલ કર્યો હતો. વાંક કોનો એ જોવાનું કામ આપણું નથી, પણ વિનોદ ભાગ્યે જ સોલો હીરો તરીકે ચાલ્યો, પણ જોડીમાં વધુ જામ્યો, એમાં રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન કે શત્રુઘ્ન સિન્હા સાથે ઘણી ફિલ્મોમાં એ પૅરેલલ હીરો તરીકે આવ્યો પણ એ તમામ હીરો સાથે વિનોદને ઝગડા થયા અને કાયમ માટે અબોલા રહ્યા. હાલમાં તો એ મોદી સરકારમાં એક સામાન્ય સંસદ સભ્ય તરીકે છે, નહિ તો અગાઉની ભાજપ-સરકારમાં એ ઍક્સ્ટર્નલ અફૅયર્સ મિનિસ્ટર તરીકે કામ કરી ચૂક્યો છે.

ગીતા બાલી પછી ભારતીય ફિલ્મોમાં જો કોઇ સ્વાભાવિક અભિનેત્રી આવી, તો એ એક માત્ર તનૂજા. એની દીકરી કાજોલ પણ ગીતાબાલી અને તનૂજાની બિલકુલ બરોબરીએ રહી શકે, એવી સમર્થ અભિનેત્રી છે.

આજની ફિલ્મોમાં એક ઍક્ટ્રેસ તરીકે પરફેક્ટ છોકરી અનુષ્કા શર્મા છે. તનૂજા નૂતનની બહેન થાય, પણ બન્ને બહેનોને એકબીજા સાથે કદી બન્યું નથી. કૌટુંબિક મિલ્કતના ઝગડામાં નૂતન એકલી પડી ગઇ અને એની માં શોભના સમર્થ અને તનૂજા સામે પક્ષે રહ્યા. નહિ તો નૂતન અને તનૂજા બન્ને સ્વિત્ઝરલેન્ડમાં ભણીને મોટી થઇ છે. આમ જુઓ તો, શોભના, નૂતન, તનૂજા કે ઈવન કાજોલ... પેલું ઈંગ્લિશમાં કહે છે તેમ, ''કન્વૅન્શનલી બ્યૂટીફૂલ'' નથી. પણ હેમા માલિની કે મુમતાઝ જેવું મૅઇક-અપ મેનોએ ઊભું કરી આપેલું રૂપ પણ નથી. હેમા કે મુમતાઝને માથેથી વિગ કાઢી લો, પછી જુઓ ભાયડાના ભડાકા...! મુમતાઝ અફ કૉર્સ અભિનેત્રી એટલે કે ઍક્ટ્રેસ તરીકે તો ઘણી ઊંચી કલાકાર અને ખૂબ સંઘર્ષ કરીને આગળ આવી છે, જ્યારે હેમા માલિનીને ઈવન કૅન્ટ પ્યૂરીફાયરના નાનકડા-બબૂકડા રોલમાં ય બે વાક્ય બોલતા આવડતું નથી. નસીબના જોરે બહેન નામ, દામ અને ધરમ કમાઇ ગયા. જ્યારે તનૂજા, અમદાવાદીઓ એકના એક શબ્દો વાપરે રાખે છે, એ ''નૅચરલ-ઍક્ટિંગ, હોં'' મુજબ સાચે જ સ્વાભાવિક અભિનેત્રી છે.

તનૂજાનો એક મજેદાર કિસ્સો મને જૉય મુકર્જીના ભાઇ શુબિર મુકર્જીએ એના ઘેર કીધો હતો : તનૂનો જમાઇ અજય દેવગન આજની તારીખે ય અઢળક સિગારેટો પીએ છે, જેને 'ઈનકૉરિજીબલ સ્મોકર' (સુધરે નહિ એવો ફુંકણીયો) કહે છે. દીકરી કાજોલની હઠ સાંભળીને તનૂજાએ જમાઇરાજાને સિગારેટ બંધ કરવા વિનંતીથી માંડીને ધમકી-ફમકી ય આપી. જવાબમાં પેલો એટલું જ બોલ્યો, ''પહેલે આપ બંદકર કે દિખાઇયે...'' યસ. મૉમ શોભના સમર્થની માફક દીકરી તનૂજા ય ચૅઇન-સ્મૉકર છે, પણ વિદ્વાન પણ એટલી જ. શૂટિંગમાં થોડો સમય પણ બ્રેક પડે, એટલે એ કોઇ ક્લાસિક નૉવેલ લઇને વાંચવા બેસી જાય છે. એ વાત જુદી છે કે, પોતાને બીજાઓથી પર સમજનાર આ ફિલ્મસ્ટારો નૈતિકતાથી જોજનો દૂર છે. થોડા સમય પહેલા, મુંબઇની એક ગર્લ્સ-સ્કૂલના પ્રોગ્રામમાં રાજેશ ખન્નાવાળી અંજુ મહેન્દ્રુ અને તનૂજા મુખ્ય મેહમાનો તરીકે ગઇ હતી. ત્યાં બન્ને ઑડિયન્સમાં બેઠી બેઠી ખુલ્લેઆમ સિગારેટ પીતી કૅમેરામાં ઝડપાઇ ગઇ હતી, પણ એ વાતનો બેમાંથી એકે યને અફસોસ નહતો.

યસ. આ દેવલાલી તો નાસિક પાસે આવ્યું, પણ આજ સુધી ઘણા બધા એસમજતા રહ્યા કે, 'ઈમ્તિહાન'નું શૂટિંગ આપણા માઉન્ટ આબુમાં થયું છે. નખી લૅઇકની આજુબાજુના મકાનો અને આ ફિલ્મના લોકેશન્સ ઉપરથી આપણે જોયેલા માઉન્ટ આબુનો જ ખ્યાલ આવે. આવા ભ્રમમાં રહેનારાઓમાં એક નામ મિસ્ટર અશોક દવેનું ય હતું. '

૭૪ની સાલમાં આ ફિલ્મ આવી ત્યારે સિનેમામાં મોડા ના પહોંચ્યા હોત તો આજ સુધી માઉન્ટ આબુવાળી આવી ધૂપ્પલ ન ચાલી હોત.

ફિલ્મના ટાઇટલ્સમાં જ આભાર માની દેવાયો છે, દેવલાલીની 'બાર્ને' સ્કૂલ, મુંબઇની સોફીયા કૉલેજ અને ખાર-મુંબઇની જ બીપીએમ હાઇસ્કૂલનો, ફિલ્મનું શૂટિંગ કરવા દેવા બદલ.

27/08/2014

આજે સ્વ. મૂકેશની પુણ્યતિથિ સ્વ. મૂકેશ વહેલા ગૂજરી કેમ ગયા ?

મહાન ગાયક મૂકેશ મરવાની નહિ, જીવવાની ઉંમરે સ્વર્ગસ્થ થઈ ગયા. એમના મૃત્યુનું મેડિકલ કારણ તો જે કાંઈ હશે એ, પણ તેઓ પોતાની પાછળ હજારો મૂકેશો છોડી ગયા છે, જેઓ 'શ્રદ્ધાંજલિ'ના નામે ઉપર બેઠા બેઠા ય સ્વર્ગસ્થને હેડકીઓ ખવડાવીને રિબાવી રહ્યા છે. એ હિસાબે 'મૂકેશજી' આટલી નાની ઉંમરે કેમ જતા રહ્યા, તેનું આપણને વધારાનું એક કારણ મળે છે. આજના મોટા ભાગના 'મૂકેશીયાઓ'ને જો સ્વ. મૂકેશને સાંભળવા પડત, તો સ્વર્ગમાંથી બારોબાર મંગળના ગ્રહ ઉપર જતા રહે, પણ પૃથ્વી ઉપર પાછા ન આવે. અહીં તો જરાક અમથો ખોંખારો ખાતા આવડી શું ગયો અનેક 'મૂકેશો' પોતાને 'મૂકેશ' માનવા લાગ્યા છે. એવા એક મૂકેશમાં અમે કેવા ભરાઈ ગયા, એની દર્દભરી આ છે દાસ્તાન !

ગીતો એમને ગાવા હતા અને એ ય સ્વ. મૂકેશના, એટલે અમારા સર્કલમાં બધા પાસેથી સદગતના આત્માને શાંતિ આપવા 'શ્રદ્ધાંજલિ કાર્યક્રમ'ને નામે રૂ. ૫૦૦- ૫૦૦ ઉઘરાવ્યા. એમને મૂકેશ બહુ વહાલો. ચાહીએ તો અમે પણ મૂકેશને, એટલે એમના મધુરાં ગીતો સાંભળવા મળશે, એ ધોરણે સહુએ ઉદાર હાથે ફાળો આપ્યો. એક તો આમ એમને મૂકેશના ગીતો ગાવા કોઈ બોલાવે નહિ ને બોલાવે તો ય, ''જાઓ બાબા... આગે જાઓ'' કહેવાને બદલે હાથમાં સો રૂપિયા પકડાવી દે. અહીં તો અમારા પાંચ વચ્ચે રૂ. ૨૫૦૦/- મળતા હતા, પછી એમ કાંઈ અમને જીવતા છોડે ?

અમને ભય હતો કે, હૉલમાં સાવ પાછળની રૉમાં તો નંબર નહિ આવે ને ? જો કે સંગીતના પ્રોગ્રામોમાં તો સાંભળવાનું હોય, જોવાનું શું હોય ? રૂ. ૫૦૦/- આપનાર અમે ટોટલ દાતાઓ પાંચ હતા. ઉપસ્થિત શ્રોતાગણમાં ખુદ એમના પરિવારજનો પણ નહિ. અને હૉલ- બૉલ કુછ નહિ... એમના ઘેર આ 'શ્રદ્ધાંજલિ કાર્યક્રમ' યોજાયો હતો. હવે ડાઉટ પડવા માંડયો કે, કાર્યક્રમ આટલો નાનો છે તો ઉપરથી સ્વયં મૂકેશજી તો ગાવા નહિ આવે ને ?

ખૂણામાં કોઈ કૂતરું પડયું હોય એમ રૂમની વચ્ચોવચ્ચ એક હાર્મોનિયમ પડયું હતું. ભીંતો ઉપર મુકેશના ફોટા ચોંટાડયા હતા. કાકડીની સુગંધનું કોઈ પરફ્યુમ રામ જાણે ક્યાંથી ઉપાડી લાવ્યા હશે તે એ આખા રૂમમાં છાંટેલું હતું. અમારામાંથી કોક બોલ્યું, ''મૂકેશજી કાકડી ખઈને ગીતો ગાતા'તા... ?''

આવા પવિત્ર કાર્યક્રમમાં અમારા સિવાય સાતમું કોઈ આવ્યું નહિ, એટલે ફફડાટ થવા માંડયો કે, શ્રદ્ધાંજલિ તેઓશ્રી પોતે તો નહિ આપવાના હોય ને... ગાઈને ? સ્વ. મૂકેશજીના અવાસનના શોકને કારણે તેમણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા, પણ સંગીતનો નિયમ છે કે, ગાવા બેસો ત્યારે ખભા ઉપર ગરમ શૉલ હોવી જોઈએ. આવી ગરમીમાં તેમણે શૉલ ઓઢી હતી. બીજી બે બાજુમાં પડી હતી. જાણકારોએ આપેલી માહિતી મુજબ, તેઓ મૂકેશજીના ગીતોના રંગ પ્રમાણે શૉલનો રંગ બદલશે. બહુ કરૂણ ગીત હોય તો તેઓ કાળી શૉલ ધારણ કરશે. રૉમેન્ટિક ગીત હોય તો ગ્રીન કલરની ને કોઈ ફિલ્મમાં મૂકેશે ઘરડા ભિખારી માટે ગાયું હોય તો તેઓશ્રી ફાટેલી કાણાવાળી ચાદર... આઇ મીન શૉલ ધારણ કરશે. મેં ખાનગીમાં મારી બાજુમાં બેઠેલા ડાઘુભાઈને પૂછી જોયું, ''વરસાદનું ગીત આવશે તો ?''

અમે તો સંગીતને બદલે ઉઠમણાં- બેસણાંના પ્રોગ્રામમાં આવ્યા હોઈએ એમ તેમણે શોકાતુર નજરે અમને નમસ્કાર કર્યા. મૂકેશજી હમણાં અડધો કલાક પહેલાં જ ગૂજરી ગયા હોય, એમ અમારા હાથમાં એક એક ફૂલ પકડાવવામાં આવ્યું. કહેવામાં આવ્યું કે, શ્રદ્ધાંજલિનું પહેલું ગીત શરુ થાય ત્યારે સહુએ આ ફોટા ઉપર પુષ્પ અર્પણ કરવું. બીજા હાથમાં એક ઢેખાળો આપ્યો હોત તો, એક એક ઢેખાળો તેઓશ્રીના કપાળ ઉપર અર્પણ કરત.

એસ.ટી. બસ સ્ટેશને કોઈ વૃદ્ધ નીચે ઊંઘતુ બાળક સુવડાવીને બેઠા હોય, એમ તેઓ હાર્મોનિયમ પાસે બેઠા. અમારા ૫૦૦ તો ગયા હતા, હવે પાથરણા ઉપર પણ રૂપિયો- બે રૂપિયાના સિક્કા નાખવા પડશે, એવી ભીતિ લાગી.

''સજ્જનો અને સન્નારીઓ... આજે ---'' તેમણે આંખો દબાવેલી રાખીને મહુરત કર્યું, એમાં ધ્યાન ગયું નહિ હોય કે, આખા કાર્યક્રમમાં સન્નારી તો કોઈ હતી જ નહિ ને સવાલ જ્યાં સજ્જનનો આવતો હતો, ત્યાં અમારા પાંચમાં સજ્જન તો હું એકલો જ હતો. મારા સિવાય બાકીના ચારને સજ્જન કહેવાય એમ નહોતું. અમારામાંનો એક અનેકવાર છોકરીઓ સાથે કે છોકરીઓ વગર શહેરભરની હૉટલોમાંથી પકડાયો હતો. બીજાને માણેક ચોકની શાકવાળીએ ઝાલ્યો હતો. ત્રીજો ઇન્કમટેક્સમાં નોકરો કરતો હતો અને ચોથો રાજકારણનો નેતો હતો... અને આમ જુઓ તો... આમ હું સજ્જન ખરો, પણ ગામમાં વાતો બહુ થતી હોય છે...!

કરૂણ કાર્યક્રમ શરૂ થયો. એમણે માપોમાપ સરખે ભાગે બન્ને પલાંઠા વાળ્યા હતા. ગૂમડા ઉપર લેપ લગાવતા હોય એમ હાર્મોનિયમ ઉપર એમણે આંગળીઓ ચોપડી. સુર જેવું કાંઈ નીકળ્યું ખરૂં, પણ એ આ ગીત માટે હતું કે આના પછીના માટે, એની બાતમી અમને નહોતી. તબલાંની સંગત કરનારો હવે આવ્યો એને ય ઝાઝો અનુભવ તો નહિ હોય કારણ કે, ગોળના રવા પકડયા હોય, એમ એ તબલા પકડીને આવ્યો હતો.

સ્વ. મૂકેશજીને શોકાંજલિ સ્વરૂપે એમણે પ્રથમ ગીત શરૂ કર્યું, ''બોલ રાધા બોલ સંગમ હોગા કે નહિ ?''

ગીતમાં કૃષ્ણપ્યારી રાધાનું નામ આવતું હોવાથી તેઓશ્રી એવું સમજેલા કે, આ કોઈ પ્રાર્થનાગીત છે. મારી બાજુવાળા અભાગિયાથી નો રહેવાણું એટલે એમણે ધ્યાન દોર્યું કે, મૂકેશજી માટે આવું પ્રાર્થના ગીત ન ચાલે, 'સૂર કી ગતિ મૈં ક્યા જાનું...' કે 'જીનકે હૃદય શ્રી રામ બસે, ઉન ઓર કો નામ લિયો ન લિયો...' જોઈએ.

પ્રારંભમાં જ શ્રોતાગણમાંથી પથ્થરબાજી થાય, એ એમને ન ગમ્યું, છતાં ય રાધાને રદબાતલ કરીને નવેસરથી હાર્મોનિયમ ઉપર આંગળીઓ ચાંપી. વિશ્વપ્રસિદ્ધ ગાયકો ગાયન શરૂ કરતા પહેલાં તબલાંવાળાને મૌનમાં જે ઇશારો કરે છે, એ ઇશારો આમને યાદ રહી ગયો હતો. તે એ ય કર્યો.

એ પ્રાર્થના ગાય છે કે, ભદ્રના કિલ્લે ઊભા ઊભા ભીખ માંગે છે, એ એમના હાવભાવ પરથી પકડાતું નહોતું. શરૂ કર્યું, ''દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મનમેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ... હોઓઓઓ''

આ તબક્કે ઉપરવાળાને અમે ય આ જ પૂછતા હતા.

પછી તો મદારી સુંડલામાંથી જુદા જુદા સાપ કાઢે, એમ એમણે મૂકેશના ગીતો કાઢવા માંડયા. મૂળ ગીતો આમનાથી ફફડતા હોવા જોઈએ. કારણ કે, ગીતે હજી એમના ગળામાંથી જરાક અમથું ડોકિયું કર્યું હોય, ત્યાં જ શાળાના બાળકો હેડમાસ્તર આવતા જ આમથી તેમ ભાગવા માંડે, એમ આ શબ્દો ઉલટસુલટ થવા માંડતા. 'સારંગા'ને એટલું ભાન ન રહ્યું હોય કે, 'મારે 'તેરી યાદ મેં' પહેલા આવવાનું છે કે પછી... બીકનો માર્યો 'સારંગો' ત્રીજા કે ચોથા શબ્દ પછી આવ્યો. 'યાદ મેં ' કે 'નૈન હુએ બેચૈન...'' જેવા ક્લાસના હોંશિયાર શબ્દો પણ બહુ ડરી ગયેલા, એટલે ગભરાહટમાં એમના ગીતનું મુખડું આમ શરૂ થયું, ''યાદ મેં સારંગે તેરી, જાગ જાગ કે હમ રાતભર કરવટે બદલતે હૈ...'' રામ જાણે એમણે બીજા કોઈ ગીતને શું કામ ભેગું કરી નાંખ્યું !

''દાદુ, હવે મૂકેશજીનું આ ગીત સાંભળો...''

''તો સાલો અત્યાર સુધી શું નીતિન મૂકેશના ગીતો 'હંભળાવતો'તો ?'''

''યે મેરા દીવાનાપન હૈ...'' એમના ગાતાની સાથે અમે ચારેએ સટ્ટાક કરતી હા જ પાડી દીધી કે, ''હા, આ તારૂં દીવાનાપન જ છે, કે તું થોડો ય ઝાલ્યો રહેતો નથી ને મુઠ્ઠી વાળીને ઉપડયો છે... પણ અમને ગણકાર્યા વિના એમણે ચાલુ રાખ્યું, 'યા મુહબ્બત કા સુરૂર... તુ ન પહેચાને તો હૈ યે તેરી નઝરો કા કુસુર...''

વાંક અમારી નજરોનો નીકળે તો અમે ચારે ય શ્રોતાઓ આંખોમાં પિપડાં ભરી ભરીને 'જીવદયા નેત્રપ્રભા' રેડવા તૈયાર હતા. આખરે અમે ય માણસો છીએ. (એટલીસ્ટ, એ ઘડી સુધી અમે એવું માનતા હતા.) અમારી કોઈ મર્યાદા હોય. રાત્રે બંધ દુકાનના ઓટલા પર ચાર જુગારીઓ જુગાર રમતા હોય ને પોલીસની સાયરન સંભાળાય, એ સાથે જ કૂદકા મારીને ભાગે એમ ચોથા ગીતનું તેઓશ્રીએ એનાઉન્સમેન્ટ કરતા જ અમે, 'મૂકેશજી અમર રહો...'ના શંખનાદ સાથે ઊભા થઈ ગયા. તેઓ ડઘાઈ તો ગયા, પણ અમે ટાઇમસર ઉભા ના થયા હોત તો, બાકીની જિંદગીમાં ઓરિજીનલ મૂકેશના ય ગીતો સાંભળવાના બંધ કરી દીધા હોત...!

અમને એમ હતું કે, ભલે ગાયું એમણે પણ પ્રોગ્રામ શ્રદ્ધાંજલિનો છે એટલે જે કાંઈ આવક થઈ, એ તો મૂકેશજીની યાદમાં કોઈ સારા કામ માટે વપરાશે. હકીકતમાં તેઓશ્રી પણ ભારતના 'શ્રદ્ધાંજલિ નિષ્ણાત ગાયકો' જેવા નીકળ્યા. કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો હોય તો ભાવકો પાસેથી પૈસા કેમ લઈ શકાય ? અને પ્રોગ્રામમાંથી થતી આવક સ્વ. મૂકેશજીના ઘેર મોકલવાની હોય કે કોઈ સારા ઉદ્દેશ્ય માટે વાપરવાની હોય તો પ્રણામ. મંજૂર કે, તમેય અન્ય પ્રોગ્રામ કરતા આમાં વધારે ખર્ચ્યા છે, એ તમારે દાન થોડા કરી દેવાના હોય, પણ પ્રોગ્રામનું નામ 'શ્રદ્ધાંજલિ કાર્યક્રમ' રાખો, એ તો સદ્ગત ગાયકનું ય અપમાન છે.

સ્વ. મૂકેશજીના અવસાન પછી એમના અતિપ્રિય રાજ કપૂર કે લતા મંગેશકરે કોઈ 'શ્રદ્ધાંજલિ કાર્યક્રમ' રાખ્યો હતો ?

સિક્સર

- સ્વ. રાજીવ ગાંધીની શોકસભામાં ડૉ. મનમોહનસિંઘ પડી ગયા...
- ફરી એક વાર... ?

24/08/2014

ઍનકાઉન્ટર : 24-08-2014

* તમે અમેરિકાથી ખુશ છો કે ઇન્ડિયાથી?
- બાપ આખિર બાપ હોતા હૈ... ઇન્ડિયા બધા દેશોનો બાપ છે.
(સુખદેવસિંહ જાડેજા, જસદણ-રાજકોટ)

* જલ્દી પૈસાદાર બનવું હોય તો શું કરવું?
- કોઈ સારા ડૉક્ટરને બતાવી જોવું.
(કરણ પી. નાયક, અમદાવાદ)

* વાઈફ અને ગર્લફ્રેન્ડ વચ્ચે શું તફાવત?
- ગર્લફ્રેન્ડને વાઇફ બનવાનો ચાન્સ છે... વાઈફને ગર્લફ્રેન્ડ બનવાનો કોઈ ચાન્સ નહિ... એટ લીસ્ટ, એના ગોરધનની ગર્લફ્રેન્ડ બનવાનો તો નહિ જ!
(પંકજ જાસુદ, સુરત)

* ઈન્ડિયાને ક્રિકેટમાં રસ છે, ફૂટબોલમાં કેમ નહિ?
- કોઈ પણ કામ લાતો મારી મારીને પતાવવું, એમાં આપણી શોભા છે ?
(અજય રાવલ, ભચાઉ-કચ્છ)

* આ પ્રકારની કોલમમાં તમારે સવાલ પૂછવો હોય તો ક્યો પૂછો ?
- શું કહ્યું?
(હરેશ પંડયા, જૂનાગઢ)

* 'અચ્છે દિન કબ આયેંગે?'
- મારી વાઈફને તો બબ્બે વખત 'અચ્છે દિન' આઈ ગયા છે.
(રૂત્વા રાજ્યગુરૂ, ભાવનગર)

* પહેલા 'એનકાઉન્ટર' માણવાની ચાવી ને પછી પોસ્ટકાર્ડ બંધ કરાવ્યા... હવે?
- હવે બંધ કશું કરવું નથી. મારો સવાલ પૂછનારને રૃા. એક લાખનું ઈનામ આપવાનો વિચાર કરી રહ્યો છું.
(શ્વેતા પ્રજાપતિ, સિદ્ધપુર)

* વરસાદના આ માહૌલમાં તમને ડિમ્પલ સાથે પલળવાનો ચાન્સ મળે તો?
- તો તમને એક ઝાપટું ભેટ!
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* 'બધીએ મજાઓ રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે...' તમારો અનુભવ શું કહે છે?
- અમારામાં તો મજાઓ ય સવારે સવારે હોય... ! ઇસબગુલ લઈ લેવાનું ને?
(ડૉ. વૈભવ રાવલ, થરાદ)

* 'મેરે શેરોં સે ન કર મેરી સોચ કા ફૈસલા, તેરા જહેન થક જાયેગા, મેરી શનાખ્ત કરતે કરતે.' અશોક સર, તમે આ શેરનો શું મતલબ કાઢો છો?
- 'મેરે મતલબ નીકાલને પે ન જા અય સાકી, તેરા દમ નીકલ જાયેગા સમઝતે સમઝતે.'
(આમીર ગોડિલ, સુરત)

* પુરૂષને 'પદ્મશ્રી' તો સ્ત્રીઓને 'પદ્મશ્રીમતી' કેમ નહિ?
- જે છે એ બરોબર છે. 'પદ્મભૂષણ'નું 'પદ્મભૂષણી' ના થાય!
(રજનીકાંત ઘુંટલા, મુંબઈ)

* ગુજરાતમાં સવારે ફાફડા-જલેબી ખવાય છે... અમેરિકામાં?
- ત્યાંય ફાફડા-જલેબી ખાવા જ પડે... પીવાય નહિ !
(અચલ એસ. મહેતા, જૂનાગઢ)

* અમેરિકાથી પાછા આવવાનો વિસા કેવી રીતે મળ્યો?
- મેં એમને મારો એક લેખ વંચાવ્યો... મને તરત પાછો મોકલી દીધો!
(વિક્રમ જી. પંચોલી, રાજકોટ)

* વર્ષો સુધી નેસ વાડીયા સાથે ગુલછર્રા ઉડાવ્યા પછી પ્રીતિ ઝીન્ટાએ એની સામે છેડતીની ફરિયાદ કરી છે. સુઉં કિયો છો?
- રસ્તો ક્લિયર છે. હવે પ્રીતિ સાથે ગુલછર્રા તમે ઊડાડી આવો. મને ખોટું નહિ લાગે!
(પ્રમોદ સિંઘલ, આબુ રોડ-રાજસ્થાન)

* રવિવારે 'એનકાઉન્ટર', બુધવારે 'બુધવારની બપોરે' ને શુક્રવારે 'ફિલ્મ ઈન્ડિયા...' તો બાકીના દિવસોમાં શું?
- વચ્ચેના એ ગેપ વાચકોને લખેલું સમજવા માટે આપવા પડે. હજી ઘણા વાચકો પૂછે છે, ''આટલું બધું લખો છો... હવે કંઈક હસવાનું લખો ને!''
(રૂચિ ભદે, મેરીએટા-જ્યોર્જીયા-અમેરિકા)

* સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ક્યાં સુધી?
- કહે છે કે, હવેના બાળકો કાનમાં મોબાઈલ સાથે જન્મવાના છે.
(જયદીપ ગોંડલીયા, અમદાવાદ)

* ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે?
- ત્રીજાની તો ખબર નથી, પણ ચોથું તો ત્રીજા પછી જ શરૂ થશે.
(ગણેશ મારૂ, ધારી-અમરેલી)

* દેશમાં આઝાદીની ફિલ્મો આવતી કેમ બંધ થઈ ગઈ?
- આઝાદીની ફિલમ તો ઉતારવાની હોય, બનાવવાની ન હોય!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* તમને એક દિવસ માટે પાકિસ્તાનના વડાપ્રધાન બનાવવામાં આવે તો શું કરો?
-હિના રબ્બાની સાથે ડિનર.
(નીરવ રામી, અમદાવાદ)

* પહેલાની સ્ત્રીઓને ૫-૭ ડિલિવરીઓ થતી... આજે એકમાં ય સીઝેરિયન?
- ડૉક્ટરોને કમાવાનું સીઝેરિયનમાં હોય છે. એકાદ-બે વર્ષમાં તો ગાયનેકનું ભણતા ડૉક્ટરોના કોર્સમાંથી ય નોર્મલ ડીલિવરી નીકળી જશે.
(મધુકર માંકડ, જામનગર)

* અમેરિકાના રસ્તાઓ ઉપર સ્પીડ-બ્રેકર્સ કેટલા હોય છે?
- દરીયામાં હોય... રસ્તા ઉપર નહિ!
(શશીકાંત મશરૂ, જામનગર)

* પ્રમાણમાં ઓછી ખરાબ ફિલ્મોમાં કામ કરનાર જીતેન્દ્રના સંતાનો બિભત્સ ફિલ્મો બનાવે છે ને કામ કરે છે. જીતેન્દ્ર કશું કહેતા નહિ હોય?
- કૂવામાં હોય તો હવાડામાં આવે.
(ડૉ. રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા)

* આ સવાલો ગુજરાતીમાં કેમ પૂછાય, તેની સમજ પડતી નથી.
- બ્રેઈલ લિપીમાં પૂછો.
(જયમીન પારેખ, આણંદ)

* મેં સાંભળ્યું છે કે, સુંદર દેખાતી હરએક ચીજ બેવફા હોય છે...
- સાંભળવાનું બંધ કરીને, હવે જોવાનું ચાલુ કરો.
(ધર્મેશ વિશનાણી, ખંભાત)

* મૂર્ખાના ગામ ન હોય, એવું કહેવાય છે પણ મેં તો એવા અનેક ગામો જોયા છે...
- બહેન, તમારાથી વડોદરાને આમ બદનામ ન કરાય... બા ખીજાય!
(ઋતુ કિરીટ પંડયા, વડોદરા)

22/08/2014

'અનહોની'('૫૨)

- હિંદી ફિલ્મોનો પહેલો ડબલ રોલ... મૈં દિલ હૂં એક અરમાન ભરા, તુ આ કે ઇસે પહેચાન જરા... રાજ- નરગીસનું

ફિલ્મ : 'અનહોની'('૫૨)
નિર્માતા- દિગ્દર્શક : ખ્વાજા એહમદ અબ્બાસ
સંગીત : રોશન
ગીતકારો : કોષ્ટક મુજબ
રનિંગ ટાઇમ : ૧૫- રીલ્સ : ૧૫૫ મિનિટ્સ
થીયેટર : (અમદાવાદ) ખબર નથી.
કલાકારો : રાજ કપૂર, નરગીસ (ડબલ રોલમાં), ઓમપ્રકાશ, ડૅવિડ અબ્રાહમ, અચલા સચદેવ, આગા, બદ્રીપ્રસાદ, જાનકી દાસ, સલમા, શૌકત હાશમી અને વનલતા.ગીત

૧. મૈં દિલ હૂં એક અરમાન ભરા, તુ આ કે મુઝે પેહચાન જરા ...તલત મેહમુદ
૨. સમા કે દિલ મેં હમારે જરા ખયાલ રહે .... લતા- તલત
૩. કહા હૈ ઉન્હોને યે રાઝે મુહબ્બત .... લતા મંગેશકર
૪. મેરે દિલ કી ધડકન ક્યા બોલ, ક્યાં બોલે, મૈં જાનું ....... લતા-તલત
૫. શરીફોં કી મેહફીલ મેં દિલ ગયા ચોરી ....... રાજ કુમારી
૬. જીંદગી બદલી મુહબ્બત કા મઝા આને લગા .... લતા- રાજ કુમારી
૭. ઇસ દિલ કી હાલત ક્યા કહીએ જો શાદ ભી હૈ, નાશાદ ભી હૈ..... લતા મંગેશકર

ગીત નં.૧ : સત્યેન્દ્ર અત્થૈયા, ૨, ૩ અને ૫ પી.એલ.સંતોષી, ૪ શૈલેન્દ્ર, ૬ નખ્શબ જારચવી અને ૭ અલી સરદાર જાફરી.

'નામ બડે ઔર દર્શન છોટે'ની કહેવત આ ફિલ્મ જોઇને પડી હતી. રાજ-નરગીસની ફિલ્મ એ બન્નેના ફેમિલી- ફ્રૅન્ડ બની ગયેલા લેખક, દિગ્દર્શક, નિર્માતા ખ્વાજા એહમદ અબ્બાસનું બૅક ગ્રાઉન્ડ પૂરેપુરૂં સામ્યવાદી હતું ને ઇન્ડિયન પીપલ્સ થીયૅટર (ઇપ્ટા)માં એમના જોડીદારો અલી સરદાર જાફરી હોવા છતાં...

.... અને ખાસ તો, નરગીસે રીક્વેસ્ટ કરી કરીને પોતાને માટે કોઇ દમદાર રોલ લખવાની ખ્વાજાને ફરજ પાડી હતી, તો ય અથવા તો એટલે જ આ ફિલ્મ બકવાસ બની. અબ્બાસનું નામ મોટું હતું, એ જ આપણો ગુન્હો. રાજ કપૂરની આવારા, શ્રી ૪૨૦, જાગતે રહો, મેરા નામ જોકર, બૉબી અને હિના ફિલ્મો અબ્બાસે લખી હતી એટલે નામ તો મોટું થયું કહેવાય. ચેતન આનંદની ફિલ્મ 'નીચા નગર' અને અમિતાભ બચ્ચનની સૌથી પહેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' પણ એમનું જ સર્જન. નરગીસને લઇને રશિયાના અડધા ભાગમાં બનેલી ફિલ્મ 'પરદેસી' અને 'શહેર ઔર સપના' માટે એમને નેશનલ એવોર્ડ્સ મળ્યા હતા. ૧૯૩૫થી ૧૯૮૭ સુધી (એમનો સ્વર્ગવાસ) મુંબઇના 'બોમ્બે ક્રોનિકલ'માં સૌથી લાંબા સમય સુધી કોલમ ચલાવવાનો એમનો રેકોર્ડ હતો. મતલબ, ૫૨ વર્ષ એમની કોલમ ચાલી. (આ લખનારની કોલમ 'બુધવારની બપોરે'ને તો હજી ૩૭- વર્ષ જ થયા છે.)

પણ નરગીસને ખુશ કરવા માટે બનેલી આ ફિલ્મ નકરો બકવાસ હતી. જુઓ, આવી કોઇ સ્ટોરી હતી. રૂપ અને મોહિની સગી બહેનો (નરગીસ) છે. રૂપ એક કરોડપતિ બાપ (બદ્રી પ્રસાદ)ની શિક્ષિત દીકરી અને બીજી કોઠાની તવાયફ મોહિની. શહેર લખનૌનો એક સામાન્ય વકીલ રાજકુમાર સક્સેના (રાજ કપૂર) રૂપના પ્રેમમાં પડે છે. રાઝ તો તરત ખુલી જાય છે કે મોહિની અને રૂપ બન્ને બહેનો છે ને મોહિનીને કોઇ અન્યાય ન થાય તે માટે રૂપ પિતાના અવસાન પછી તરત પોતાની બધી મિલ્કત મોહિનીને નામે કરી, એને પોતાના ઘેર બોલાવે છે, પણ મોહિની તો રાજને પ્રેમ કરી બેસે છે. ગમે તે ભોગે રાજને પામવા એ બદમાશીઓ કરતી રહે છે ને પોતાની બહેન છે ને... એમ જાણીને રૂપ પોતાના પ્રેમનું બલિદાન આપીને મોહિનીને રાજ સાથે પરણાવી દે છે. રાજને સુહાગ રાતે જ ખબર પડી જાય છે કે, બન્ને બહેનોએ ભેગા મળીને એને મામો બનાવ્યો છે એટલે એ ઓફિશિયલ વિરોધ નોંધાવવા રૂપના ઘેર આવે છે, જેની પાછળ મોહિની પણ આવીને પોતાની જાતનું બલિદાન આપી દે છે. સ્ટારકાસ્ટમાં રાજ-નરગીસ ન હોત તો ૧૫ રીલ્સની આ ફિલ્મ પ્રેક્ષકો પહેલા રીલથી જ કંટાળીને ઘરભેગા થઇ ગયા હોત.

યસ. હિંદી ફિલ્મોમાં પહેલી વાર ડબલ રોલ આવ્યો હતો, એ જોઇને કેમેરામેન રામચંદ્રને અભિનંદન આપવા પડે કે, એ પછી આવેલ ડબલ રોલવાળી બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મોમાં કેમેરાને નામે અણઆવડત જ છતી થઇ હતી, એનો મોટો દાખલો દેવ આનંદની ફિલ્મ 'હમ દોનો.' કશું આવડયું નહોતું એટલે બન્ને દેવ આનંદોને અંધારામાં સામસામે ઊભા રાખી કહેવાતો ડબલ રોલ બતાવ્યો હતો.

પણ ખૂબી રાજ કપૂર અને નરગીસની કે ફાલતુ ફિલ્મ હોવા છતાં અભિનયમાં બન્નેએ કોઇ કસર બાકી રાખી નથી. આ એવી સાલ હતી જ્યારે એ બન્ને એકબીજાના કેવળ પતિ-પત્ની થવાના જ બાકી હતા. પણ રાજ પરિણિત હોવાથી કાયદો મંજૂરી આપતો નહતો. નરગીસ તો એની ક્રિશ્ચિયન સખીને લઇને ડરતા ડરતા મુંબઇના તત્કાલિન મુખ્યમંત્રી સ્વ.મોરારજી દેસાઇને રીક્વેસ્ટ કરવા પણ ગઇ હતી કે, એને રાજ કપૂરની સાથે પરણવા માટે કાયદેસરની છુટ અપાવે. કાકા બહુ બગડયા ને એટલા બગડયા કે, મોટું ઇન્સલ્ટ કરીને બન્નેને ઓફિસની બહાર કાઢી મૂક્યા.

ફિલ્મ 'બોબી'માં ડિમ્પલ કાપડીયાને મળવા રિશી કપૂર પહેલી વાર જાય છે, ત્યારે રસોઇ કરતા કરતા ઊભી થઇને દરવાજો ખોલવા આવેલી ડિમ્પલ અજાણતામાં લોટનો લુવાવાળો હાથ કપાળે અડાડી દે છે, એ દ્રષ્ય વાસ્તવમાં રાજ નરગીસને મળવા પહેલી વાર ગયો ત્યારે બન્યો હતો ને પૃથ્વીરાજ કપૂરના દીકરા તરીકે નરગીસની મમ્મી જદ્દન બાઇએ સારો આવકાર પણ આપ્યો હતો.

સારો આવકાર આપવામાં જદ્દનબાઇનો ય જવાબ નહતો. ઘર આખું નરગીસને 'બેબી' કહેતું. નરગીસને જોઇને ગાંડા બની ગયેલા એક્ટર સુરેશ (ફિલ્મ 'દુલારી'નો હીરો, જેની ઉપર મુહમ્મદ રફીનું 'સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે...' ફિલ્માયું હતું.) જદ્દનબાઇ પાસે બેબીનો હાથ માંગવા ગયેલો. એક તો, સુરેશની છાપ હોમો સેક્સુઅલ (ગે) હોવાની ને આમે ય ભ'ઇમાં બીજો કોઇ ભલીવાર નહતો, છતાં એની ઓફર સાંભળીને જદ્દનબાઇએ અત્યંત ઉમળકા સાથે સુરેશને બેસાડીને કહ્યું, ''અરે, બેબીનું એવું નસીબ ક્યાં કે, તારા જેવો સુંદર અને સારા ફેમિલીનો છોકરો મળે. હું કાલે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા માથાઓ સરદાર ચંદુલાલ શાહ અને મેહબૂબખાન જેવા મેહમાનોને બોલાવીને ભવ્ય પાર્ટી આપીશ ને એમાં તમારા બન્નેની સગાઇનું એલાન કરીશ. તારા દોસ્તોને ય લેતો આવજે.''

મૂળ તો લખનૌની તવાયફ પણ પરફેક્ટ ઇંગ્લિશ બોલતી જદ્દનબાઇ ડૉ.મોહનલાલને પરણી હતી. બહુ સ્માર્ટ બાઇ હતી, એની ખબર બીજી સાંજે પડી. પાર્ટી એણે ખરેખર આપી હતી ને મેહમાનો ય આવી ગયા. પહેલા જ બોલે સિક્સર મારવા મળી હોય, એમ સુરેશ આખી રાત સુતો ય નહિ હોય ને પોતાના દોસ્તોને લઇને મુસ્કુરાતો પાર્ટીમાં આવી પહોચ્યો. જદ્દને પ્રેમથી આવકારીને બધાની વચ્ચે ફિલ્મી ઢબે એનાઉન્સમેન્ટ કર્યું.

અને સુરેશે કોઇ પુરૂષ પાસેથી નહિ સાંભળી હોય, એવી હલકી બાજારૂ ભાષામાં જદ્દનબાઇએ બધાની વચ્ચે ચીસો પાડી પાડીને સુરેશને ભરચક ગાળો આપી. કેવી હાલતમાં સુરેશે ઘટનાસ્થળે છોડવું પડયું હશે ?

રાજ કપૂરને આવો અનુભવ નહતો થયો, એ જાણવા છતાં કે એ પરણેલો છે ને પોતાની કાચી કુંવારી દીકરીને રમાડે છે. જદ્દનબાઇ જાણતા હતા કે, રાજ મોટો સ્ટાર છે અને જે કોઇ મોટું હોય તે દીકરી માટે જદ્દનબાઇને મનમાં વસી જતું. અર્થાત્, રાજ કપૂરની લાઇફમાં નરગીસ અફ કોર્સ પહેલી સ્ત્રી હતી, પણ નરગીસ માટે રાજ પહેલો પ્રેમી નહતો. સૌથી પહેલો લશ્કરનો આર્મી ઓફિસર કેપ્ટન અન્સારી હતો. જદ્દન અને નરગીસને ટ્રેનના કૂપેમાં એ મળી ગયો ત્યારથી નરગીસ એની ઉપર ઓળઘોળ થઇ ગઇ. સવા છ ફૂટની હાઇટ અને ખૂબસૂરત ચેહરાવાળો આ કેપ્ટન 'બેબી' સાથે પરણે એ માટે નરગીસ જ નહિ, જદ્દનબાઇના પૂરા પ્રયાસો હતા. એ દરમ્યાનમાં આપણા સૌરાષ્ટ્રના રાજવી ઘરાણાનો રૂડી નરગીસની આંખોમાં વસી ગયો કારણ કે, કેપ્ટન અન્સારી કોઇ કારણ- બારણ આપ્યા વિના નરગીસને છોડીને પાકિસ્તાન જતો રહ્યો હતો. રૂડી ભારતના વિખ્યાત પોલો ખેલાડી મહારાજા પૃથ્વીસિંઘનો રાજકુંવર હતો. રૂડી ખૂબ હેન્ડસમ અને બ્રિટીશ ઇંગ્લિશ બોલતો પ્રિન્સ હતો. નરગીસ અને રૂડી વચ્ચેનો પ્રેમ બેતહાશા ફુલ ફોર્મમાં ચાલતો હતો. જદ્દનબાઇને કોઇ વાંધો નહતો... પેલો ગમે તેમ તો ય પ્રિન્સ હતો. ને 'બેબી' પાછળ પૈસા વેડફે, એ હરકોઇ યુવાન માટે એમને એતરાઝ નહતો, માટે જ, રૂડીના ગયા પછી એક રાધેશ્યામ નામનો ફૂટડો યુવાન નરગીસના જીવનમાં આવ્યો. એ જમાનામાં એ સો-સો રૂપિયાની તો હરકોઇ મુલાઝીમને ટીપ આપી દેતો. પણ નરગીસને એમાં રસ ન પડયો, એટલે એક રેસકોર્સની મેચમાં નરગીસે બધાની વચ્ચે એને રાખડી બાંધીને ભાઇ બનાવી દીધો. કહે છે કે, પેલી સો ચૂહે મારકે... વાળી કહેવત આ દિવસથી પડી. રાજની એન્ટ્રી તો રૂડી સાથે નરગીસનું લફરૂં ચાલતું હતું, ત્યારે થઇ. મેહબૂબખાનની ફિલ્મ 'અંદાઝ'ના શૂટિંગ વખતે જ રાજને 'બેબી' ગમી ગઇ અને ફિલ્મ 'આગ' ઓફર કરી. ફિર ક્યા...? વાતવાતમાં ખૂબ હસાવતા રાજની ભૂરી આંખો નરગીસને ગમી ગઇ, તે એટલે સુધી કે, મુંબઇના ફિલ્મી પ્રેસવાળાઓને નરગીસે કહી દીધું, ''રાજ મારો પ્રથમ પ્રેમી છે. બીજા કોઇને પરણવા કરતા હું રાજની રખાત બનવું વધારે પસંદ કરૂં.''

ઓકે. આ દરમ્યાનમાં 'મુગલે આઝમ'ના સર્જક કે.આસીફે ઉઘાડેછોગ નરગીસને પ્રેમની ઓફર કરી હતી ને નરગીસે પણ ઉઘાડેછોગ બધાની વચ્ચે આસીફને થપ્પડ મારી દીધી હતી. દિલીપ કુમારે પણ અરજી કરી જોઇ હતી, પણ પોતાના ભેળાભેળી દિલીપ કુમાર વતી અરજી આપવા ગયેલા આસીફને નરગીસે અક્ષરસઃ આ શબ્દોમાં કહી દીધું હતું, ''હું એ વાંદરા જેવું મોઢુ ધરાવતા માણસ સાથે કેવી રીતે લગ્ન કરી શકું ?''... અને ખાસ તો, એને પૂછજો કે, કામિની (કૌશલ) માટે તારૂં ગાંડપણ પૂરૂં થઇ ગયું...?'' પ્રેમની દુનિયામાં દિલીપ કુમારનો મંત્ર હતો, ''જો ચીઝ મેરી હૈ, ઉસે કોઇ ઓર ન દેખે, મૈં ભી મુહબ્બત મેં બચ્ચો કી તરહ સોચતા હું...''

આ સઘળી વાતો ઇ.સ.૧૯૫૬ના જૂન મહિનામાં બહાર પડેલી ડી.પી. બેરી નામના મશહૂર પત્રકારની કિતાબ Loves of Film Stars માં લખેલી છે. (સૌજન્ય : શ્રી ચંદુભાઇ બારદાનવાલા- જામનગર)

ફિલ્મ 'અનહોની'માં આશ્ચયજનક રીતે સંગીતકાર એક અને ગીતકારો પાંચ હતા. શૈલેન્દ્ર, અલી સરદાર જાફરી, જે.નખ્શબ, સત્યેન્દ્ર અત્થૈયા અને પી.એલ.સંતોષી (જેમની રેહાનાવાળી વાત આ કોલમમાં અગાઉ કરી ચૂક્યા છીએ. નખ્શબની વાત...ફિર કભી.)

પણ રોશનલાલ નાગરથે ફિલ્મના ત્રણ ગીતો જોરદાર મશહૂર કરી બતાવ્યા. 'સમા કે દિલ મેં હમારે...', 'મેરે દિલ કી ધડકન ક્યા બોલે...' અને આપણા બધાનું ફેવરિટ તલત મેહમુદનું, ''મેં દિલ હૂં એક અરમાન ભરા...'' જેમાં આજ સુધીના તમામ હિંદી ગીતો કરતા વધુ મીઠડો પિયાનો વાગ્યો છે. રાજ કપૂરને મૂકેશને બદલે તલત મેહમુદ પ્લેબેક આપે, એને ચોક્કસ સમાચાર કહેવાય. આ ગીત વગાડતી વખતે પિયાનો ઉપર રાજની આંગળીઓ સૂર પ્રમાણે કેવી પરફેક્ટ ફરી છે, એ મને પિયાનો વગાડતા એક જાણકારે કહ્યું. ફિલ્મના એક દ્રષ્યમાં રોશને હજી આગલા વર્ષે જ આવેલી પોતાની ફિલ્મ 'મલ્હાર'ના મશહૂર ગીત 'બડે અરમાનો સે રખ્ખા હૈ બલમ તેરી કસમ...'ની ધૂન વાંસળી ઉપર વગાડી દીધી છે. પણ સમજ એક વાતની ન પડે કે, હિંદી ફિલ્મોમાં હીરો કે હીરોઇન ગુસ્સામાં કોઇપણ ચીજનો ઘા કરે, એ હમેશા દરવાજે ઊભેલા કોઇ અજાણ્યા પગ પાસે જ કેમ પડે ? પછી કેમેરા ઊંચો થાય ને આપણને (અને એ ફેંકનારને) ખબર પડે કે, એ કોણ હતું ! નરગીસને આ ફિલ્મમાં રોલ પ્રમાણે સિગારેટો પીવાની આવે છે, પણ બેનને સિગારેટ પકડતા નથી આવડી, એ પાછું પકડાઇ જાય છે. નવાઇ એ લાગે કે, દર મહિને બાર રૂપિયાનું ઘરભાડું ચૂકવી નહિ શકતા ગરીબ વકીલ રાજ કપૂર દરેક દ્રષ્યમાં મોંઘા શૂટ ક્યાંથી પહેરે છે ? તમે કહેશો કે એ તો વકીલ છે, એટલે પહેરી શકે ને ? પણ ના ભ'ઇ... એવું નથી... ! આ ફિલ્મમાં તો રાજ પ્રામાણિક વકીલ છે, બોલો!

(સીડી સૌજન્ય : હરેશ જોશી, વડોદરા)

20/08/2014

દૂધની કોથળી

કિચનમાં કાતર લઇને ઊભો છું. મારે ત્યાં કોઇનું ખિસ્સું કાપવું નથી, દૂધની કોથળી કાપવી છે. મારામાં એક ગુણ સારો છે કે, મને જેટલી કલાઓ આવડે છે, એના કરતા નથી આવડતી એની સંખ્યા મોટી છે. મને બાણાવળી વીર અર્જુન ગમે ખરો, પણ મારામાં એવો ઇગો નથી, કે મને એની માફક તીરકામઠાં ચલાવતા આવડવા જોઇએ. હું સારામાં સારી કવિતાઓ લખી શકું છુ પણ એ તો મારા સિવાય કોઇ વાંચે તો ખબર પડે. લોકોને સ્વિમિંગ પૂલમાં તરવાનું શીખતા જેટલો સમય લાગે, એનાથી થોડો વધુ સમય મને બાથરૂમમાં નહાવાનું શીખતા થયો હતો. આજે ય, નહાવા/ નવડાવવાની કલામાં હું પારંગત થઇ ગયો છું, એવું કહી શકું નહિ. મોટી મુશ્કેલી ભીના શરીર ઉપર સાબુની ગોટી ઘસવાની છે. જરા અમથી ગોટી છાતી ઉપર ફેરવવા જઉં, ત્યારે દમયંતિના હાથમાંથી માછલી છટકે, એમ પટ્ટ કરતી ગોટી છટકી જાય છે. આવું અનેકવાર થાય, પછી મારૂં નહાવાનું પૂરૂં થાય છે. હું જાણું છુ કે, આ સ્માર્ટ માણસોના લક્ષણો નથી ને મારી બા તો અનેક વખત સલાહ આપી ચૂક્યા છે કે, તું નહાવાના સાબુને બદલે કપડાં ધોવાનો લાંબો લાટો પકડીને નહા.

એ જ લાઇન પર... મને દૂધની કોથળી કાપતા નથી આવડતું, એ સ્વીકારૂં છું.

એમાં કાંઇ કરવાનું હોતું નથી, એવું મને વર્ષોના અનુભવી કોથળી- ફાડુઓએ સમજાવ્યું. એક હાથમાં કોથળી પકડી રાખીને બીજા હાથમાં કાતર રાખવાની. એક છેડો ઊંચો કરીને ખૂણામાં કાપો મૂકી દેવાનો. ઇટ્સ સો સિમ્પલ... યૂ નો !

ડોબાઓ મારી મૂંઝવણ સમજી શક્યા નહોતા. મારો પ્રોબ્લેમ કોથળી કાપવાનો નહતો. કોથળી તમે ગમે એટલી કાપો, પણ આવી કાપાકાપી વખતે દૂધનું એક ટીપું ય ઢોળાવવું ન જોઇએ, એ પૂર્વશરત. આજે મારે સાતમો મહિનો બેઠો છે, કોથળી કાપવાનું શીખતા. પણ હજી સરખો હાથ બેઠો નથી. મેં દૂધવિજ્ઞાાનના કેટલાક વૈજ્ઞાાનિક રબારી- ભરવાડ મિત્રોની સલાહ લીધી કે, દૂધની કોથળી કેમ કાપવી, એનું રહસ્ય મને સમજાવો, ગુરૂદેવ. તો જવાબ મળ્યો, ''અમને આવડતું હોત, તો હજી ગાય- ભેંસના આંચળો ખેંચી ખેંચીને દૂધો કાઢતા હોત ? અમને ગાયો દોહતા આવડે.. કોથળીઓ દોહતા નહિ !''

કહે છે કે, હવે એમને ય ડાઉટ પડવા માંડયો છે કે, ગાયના પેટમાંથી સીધું કોથળી સાથેનું દૂધ તો નહિ નીકળે ને ?

છેવટે એકલવ્યની જેમ ગુરુદેવ રબારી- ભરવાડોની મૂર્તિઓ નજર સમક્ષ રાખીને મેં કોથળી કાપવાની સ્વતાલીમ લેવાનો પ્રારંભ કર્યો.

આમાં શીખવા માટેની કોથળીઓ અલગ મળતી નથી કે, શીખતા શીખતા ફાટી જાય તો દૂધ કિચનના ફર્શ પર ઢોળાઇ જાય. એના માટે તો અસલ દૂધવાળી કોથળી જ લેવી પડે. પણ મને વીર અર્જુન યાદ આવ્યો. યાદ આવ્યોનો મતલબ એ નહિ કે, ધનુષ-બાણ લઇને દૂધ ભરેલી કોથળી વીંધી નાંખીશ, પણ એનામાંથી શીખવા જેવું એ હતું કે, જે કાંઇ વીંધવાનું હોય, એના ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરો. બીજું બધું ભૂલી જાઓ. યુવાન હો તો મનગમતી છોકરી અને પતવા આવ્યા હો, તો ઘરના કામ ઉપર લક્ષ્ય આપો. લક્ષ્ય વિના સિધ્ધિ નથી.

રોજ સવારે દૂધ પીવાથી વિચારો સારા આવે છે, એવું એક વિચારકે મને કહ્યું હતું. મારા ઘરમાં બકરી નથી, એટલે ગાંધીચીંધ્યા માર્ગે દૂધ પી શકું એમ નથી, પણ દૂધ તો દૂધ છે, ભલે એ બાટલીનું હોય. કહે છે કે, અસલના વીર યોધ્ધાઓ દૂધ પીને રણભૂમિએ જતા. હું ગરીબ બ્રાહ્મણ, એટલે યુદ્ધનું મેદાન મને ન શોભે... આઇ મીન, એવા મેદાનમાં હું ન શોભું. પણ પેલા વિચારકના વિચારો મને ગમી ગયા હતા કે, દૂધ પીવાથી બુધ્ધિ વધે છે. એ વિચારકને આ દુનિયા ''પંડિત અશોકજી દવેજી'' ના શુભ નામે ઓળખે છે.

પણ દૂધ પહેલાની જેમ ભૈયાઓ કે ભરવાડો નથી લાવતા, 'ડેરી' વાળા લાવે છે અને તે પણ પ્લાસ્ટીકની કોથળીમાં. બધું બરોબર છે, પણ દૂધ કાઢવા માટે કોથળીને ફાડવી સરળ નથી. એક નાની અમથી ભૂલ અને અડધું દૂધ બહાર. પેલા વિચારકશ્રીએ સહન કરી શકતા નથી કે, કોથળી ફાડતી વખતે એક ટીપું ય બહાર ઢોળાય. મોંઘા ભાવના દૂધનું એક ટીપું બગડે, એ તો ખોટું જ છે, પણ આમાં તો મારા ઇગોનો ય સવાલ આવે છે કે, આટલી નાનીઅમથી વાત શીખી કેમ ન શકાય ? મને તો કોઇનું ખિસ્સું કાપવા કરતા ય કોથળી કાપવી વધુ જટિલ લાગે છે. મને યાદ છે, એ એક ગોઝારો ગુરૂવાર હતો. વહેલી પરોઢે હું ટાંપીને દુધવાળાની રાહ જોઇને બેઠો હતો. કોઇ લેવાદેવા વગરની ય મારે રોજ બે કોથળી તો ગટગટાવી જવા જોઇએ જ. ગટગટાવતી વખતે ગળામાંથી ગુટુરગુટુર જેવા અફલાતુન અવાજો આવે છે. એ સાંભળવાની આપણી હૉબી. કહે છે કે, કોથળી કાપવા માટે કાતરનો ઉપયોગ કરવો જોઇએ. કાપતા પહેલા કોથળીને કઇ બાજુથી પકડવી, એ મુદ્દે જાણીતા કોથળી- કાપુઓમાં મતભેદો રહ્યા છે. એક કોર્નર પકડીને કોથળી લટકતી રાખ્યા પછી, બીજા હાથે કાતર વડે ખૂણો કાપવાનો હોય છે, પણ મેં જે ખૂણો પકડયો હતો, એ કાપી નાંખ્યો. આ બનાવ બહુ સારો બન્યો ન કહેવાય.

પછી તો યાદ પણ આવ્યું કે, કોથળી કાપવા જેવી તદ્દન સામાન્ય આવડતો મને ફળી નથી. લાઇફમાં મારે હજી ઘણું શીખવાનું છે. અજીતસિંહના શબ્દોમાં, મને હજી એક હાથે ગાડી ચલાવતા નથી આવડતું. ગમે તેટલો પ્રયત્ન કરૂં, છતાં સ્ટીયરિંગ ઉપર બન્ને હાથ આવી જાય છે. અનેક વખત મારા માથાના વાળ જાતે કાપવાના વલખાં માર્યા છે. એમાં અનુભવીઓ કહે છે, સ્વપ્રયત્ને વાળ કાપતી વખતે એક આગળ અને એક પાછળ અરીસો હોવો જોઇએ ૫ણ જોવાનું બેમાંથી કયા અરીસામાં એના સંકેત મળતા નથી. પણ આ આપણો રોજનો ધંધો ન હોવાથી એક વાર કાનની બૂટ ઉપર ચીરો મૂકી દીધો હતો. આપણું કામ આપણે જાતે જ કરવું જોઇએ. એવી મહાત્મા ગાંધીની સલાહ માનીને રાત્રે સુતી વખતે મારી પથારી જાતે કરવાના પ્રયોગો કરી ચૂક્યો છું. મને એ પ્રોબ્લેમ બહુ નડે કે, પથારીના ચાર ખૂણામાંથી એક સાથે મૅક્સિમમ આપણે બે જ ખૂણા ખેંચી શકીએ, તો સામેના ખૂણા વગર બોલાવે આપણી તરફ ખેંચાઇ આવે છે. કરચલીઓવાળી પથારીમાં સુવું મને નથી ફાવતું, પણ મારા સુવાની સાથે જ આખી પથારી તહસનહસ થઇ જાય છે અને આજની ખાસ કબુલાત એ છે કે, મને મોબાઇલમાં ફોન કરવા સિવાય બીજું એકે ય કામ આવડતું નથી. વોટ્સએપ, ફેસ-બુક, ટ્વિટર કે બ્લોગ- ફોગ મારી આવડતના વિષયો નથી.

ત્યારે વાઇફે કહ્યું, ''અસોક, તમને મોબાઇલું વાપરતા નથ્થી આવડતું, એટલે જ સુખી છો. જેને આવડે છે, એ બધાને કાને ગૂમડાં થઇ જાવાના છે. તમારા જેટલી શાંતિ બીજા કોઇને ના મલે...!''

સિક્સર

જ્યારે તમે સુખી હો છો, ત્યારે તમને સંગીત આનંદ આપે છે, પણ જ્યારે દુઃખી હો છો ત્યારે ગીતના શબ્દો સમજાવા માંડે છે. : નીતા જયનેન જહાએ કીધેલી વાત.

17/08/2014

ઍનકાઉન્ટર : 17-08-2014

* આજકાલની ગૃહિણીઓને રસોઈ બનાવવી ગમતી નથી. તમારે કેમનું છે?
- એવું કંઈ નથી. ઘણીવાર એ મને રસોઈમાં મદદ કરવા આવી જાય છે.
(નિરવ મીન, રાજકોટ)

* મોટા ભાગના વૃધ્ધો ચીડીયા સ્વભાવના કેમ થઈ જાય છે?
- નિવૃત્ત પોલીસ-અધિકારીઓનું ય એવું હોય... એક વખત હાથમાંથી સત્તા ગઈ, એટલે ખબર પડે કે, લોકો સલામ વર્દીને કરતા'તા...!
(રાજ પટેલ, ખણસોલ-આણંદ)

* સવાલો હવે 'વૉટ્સએપ'માં પૂછાય, એવું કરી આપો ને?
- નહાવા-ધોવાનું ય 'વૉટ્સએપ'માં રાખો ને!
(સ્મિત સવજીયાણી, જામજોધપુર)

* પહેલો પ્રેમ ભૂલવાનો સહેલો રસ્તો કયો?
- એની પાસે રાખડી બંધાવી આવો.
(આકાશ ચૌહાણ, પલીયડ)

* અમેરિકામાં પંખાને બદલે શું ચાલુ કરાવતા હતા?
- ગીઝર.
(વિપુલ ચુડાસમા, ભાવનગર)

* અમેરિકામાં મેરીલિન મનરોને કેવી રીતે યાદ કરી?
- ડેમી મૉર સાથે ડિનર હોય, પછી બીજીને યાદ કરીને ડિનર નહિ બગાડવાનું!
(શશીકાંત મશરૂ, જામનગર)

* લગ્ન વખતે ચોરીના ચાર ફેરા ફરતી વખતે તમને શું વિચારો આવતા હતા?
- 'યે મેરા દીવાનાપન હૈ...'
(ડી.વી. પરમાર, સંખેડા)

* પત્ની નોકરી કરતી સારી કે ઘરકામ કરતી?
- તૈયાર પત્નીમાં તો ઘરની આજુબાજુમાં તપાસ કરવી સારી.
(વિક્રમ પટેલ, ઈડર)

* 'ઍનકાઉન્ટર'ના જવાબો આપતી વખતે કઈ રેફરન્સ બૂકનો ઉપયોગ કરો છો?
- ભગવદ ગીતા.
(મિલન સોનગ્રા, ઉપલેટા)

* ફૂટબોલની આટલી ફાસ્ટ મેચો જોયા પછી ક્રિકેટ તો આળસુઓની રમત લાગે ને?
- તીનપત્તીની વાત કરો ને...!
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* પરણેલી સ્ત્રી ચાંદલાથી ઓળખાય, પણ પરણેલો પુરૂષ કેવી રીતે ઓળખવો?
- તમે સ્ત્રીઓમાં ઈન્ટરેસ્ટ રાખો ને, ભ'ઈ!
(આનંદ રાવળ, ગીલોસણ-મેહસાણા)

* મોદી ઢોકળા ખાવા રસોઈયાને સાથે લઈ ગયા. તમે અમેરિકામાં કોને લઈ ગયા હતા?
- મોદીને... મારા રસોઈયાનું નામ મહેશ મોદી છે.
(સુભાષ રાજગોર, ભીવન્ડી-મહારાષ્ટ્ર)

* હિંદી આપણી રાષ્ટ્રભાષા છે, તો અમલીકરણ માટે આટલો બધો વિલંબ શાને?
- ''તુમ આગે જા કે ડાબી બાજુ વળ જાના...''
(ચિંતન વ્યાસ, ધોરાજી-ધરની)

* અશ્લિલ ફિલ્મોને રોકનાર કેમ કોઈ નથી?
- ભારતની સંસ્કૃતિ બગાડવાનું ઈરાદાપૂર્વક આયોજન થઈ રહ્યું છે. કોઈ એક મરદ પાકે પછી વાત!
(શ્વેતા જોશી, વડોદરા)

* મેં લેપટૉપ લીધું પણ ચલાવતા નથી આવડતું. શું કરવું?
- ફ્રીજનો કોઈ ખૂણો નાનો થઈ ગયો હોય તો ટેકો મૂકવા માટે વાપરી શકાય. હૉપ કે, તમને ફ્રીજ વાપરતા આવડતું હશે!
(રામ એચ. જોગી, જેતપુર)

* તમને તેલનો કૂવો મળી જાય તો?
- એની જ રાહ જોઉં છું. પછી માથામાં તેલ નાંખેલી જે કોઈ સ્ત્રી મારી સામે આવશે, એ બધીઓને ઝબોળી દઉં.
(હેતુ ટેલર, હિંમતનગર)

* મારે તમને જોવા છે. પ્લીઝ, તમારો ફોટો આ કૉલમમાં મૂકોને. હું તમારી ગ્રેટ ફેન છું.
- પછી ફૅન નહિ રહો.
(કોમલ ભટ્ટ, ધનાપ-ગાંધીનગર)

* 'અશોક દવે ફૅન ક્લબ'ને તમારો સંદેશો શું હોઈ શકે?
- મારું જીવન મારો સંદેશ નથી.
(ડૉ. મનિષ વી. પંડયા, અમદાવાદ)

* તમારો દોસ્ત 'પરવીણ ચડ્ડી' આજકાલ ક્યાં છે?
- એ સવાલ એની વાઈફ મને પૂછે છે.
(ચિત્તરંજન એચ. ત્રિવેદી, અમદાવાદ)

* મારે પણ સ્વિસબેન્કમાં ખાતું ખોલવું છે. શું કરવું?
- ફૉર્મ સિવાય બધું ભરો.
(જેવીન હિંગરાજીયા, સણોસરા, જૂનાગઢ)

* તમારા મતે હીરો અને સુપર હીરો વચ્ચે શું ફરક?
- સુપરનો.
(નીલય પટેલ, નડિયાદ)

* ડિમ્પલના નામે બધા તમારી પાસે સળી કરી જાય છે, એ કેમ ચલાવી લો છો? બા ખીજાતા નથી?
- શું 'ગંગા સ્વરૂપ' મહિલાને બીજું જીવન માણવાનો કોઈ હક્ક નહિ? એ મુદ્દે બા ચોક્કસ ખીજાય છે.
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* રાજ કપૂરજી ફરી ક્યારે જનમ લેશે?
- એમની બાને ખબર.
(શૈલેષ પટેલ, અમદાવાદ)

* સર, આપ અમેરિકા ફરી ક્યારે આવો છો?
- મારા એક માણસને અમેરિકન સરકાર વિઝા આપે પછી.
(પંક્તિ કોન્ટ્રાક્ટર, ઓહાયો-યુએસએ)

* દરેક પુરૂષને ત્રણ પત્ની હોવી જોઈએ. ધર્મપત્ની, કર્મપત્ની અને ચર્મપત્ની. આપનો શું અભિપ્રાય છે?
- અમારા બધા કરતાં તમે બહુ હિંમતવાળા પતિ છો.
(ડૉ. કે.કે. દેસાઈ, સુરત)

* લોકો પૂછ્યા વગર 'ડીઆરએસ' વિશે ઘણા મંતવ્યો આપતા હોય છે. તમે શું માનો છો?
- આ સાલો ત્રીજો 'ઍસ' ક્યાંથી ફૂટી નીકળ્યો? ડીઆર એટલે ડિમ્પલ-રાજેશ સુધી બધું બરોબર હતું. જરૂર અમારો સુમનીયો હશે!
(ડૉ. ભૂમિ પ્રજાપતિ, ગાંધીનગર)

15/08/2014

ફિલ્મ : 'અંગૂર' ('૮૨)

ફિલ્મ : 'અંગૂર' ('૮૨)
નિર્માતા : જયસિંઘ

દિગ્દર્શક : ગુલઝાર
સંગીત : આર.ડી. બર્મન
ગીતો : ગુલઝાર
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ
થીયેટર : શિવ સિનેમા (અમદાવાદ)


કલાકારો : સંજીવ કુમાર, દેવેન વર્મા, મૌસમી ચેટર્જી, દીપ્તિ નવલ, અરૂણા ઈરાની, ઉત્પલ દત્ત, યુનુસ પરવેઝ, કર્નલ કપૂર, સી.એસ. દૂબે, ટી.પી. જૈન, શમ્મી, પદ્મા ચવાણ, રામમોહન.

ગીત
૧. હોઠોં પે બીતી બાત.... - આશા ભોંસલે
૨. રોજ રોજ દલી દલી.... - આશા ભોંસલે
૩. પ્રીતમ આન મિલો.... - સપન ચક્રવર્તી

શૅક્સપીયરે લખેલ મશહૂર નાટક, 'ધી કૉમેડી ઑફ એરર્સ' પરથી સ્વ. બિમલ રૉયે બહુ નિર્દોષ અને મનોરંજક ફિલ્મ બનાવી, 'દો દૂની ચાર'. એ જ બિમલ દા ના ચેલા ગુલઝાર બાકી રહી જતા હતા, તે એ જ 'દો દૂની ચાર'ની ફ્રેમ-ટુ-ફ્રેમ કૉપી કરીને ફિલ્મ 'અંગૂર' બનાવી. તમે 'દો દૂની ચાર' ન જોઈ હોય ને ફક્ત 'અંગૂર' જુઓ, તો કોઈ નુકસાન નથી. 'અંગૂર' કોઈ સામાન્ય ફિલ્મ પણ નથી પરંતુ 'દો દૂની ચાર' જોયા પછી ગુલઝાર જેવા કહેવાતા સર્જક ઉપર નારાજગી થાય કે, કમ-સે-કમ કંઈક તો જુદું આપવું હતું! તમે તો સાહિત્યકાર છો. છેવટે આખી ફિલ્મના સંવાદમાં તો ચમત્કૃતિ બતાવી શક્યા હોત! ફિલ્મની વારતા, પટકથા, ગીતો અને સંવાદ પણ ગુલુભાઈએ લખ્યા છે. ફિલ્મનું આખું જૉનર કૉમેડીનું છે, તો આખી ફિલ્મમાં એકાદ વખત તો અમને હસાવવા હતા! જે કાંઈ એકાદ વખત મ્હોં મલકાય છે, તે સંજીવ કુમાર અને દેવેન વર્માની અભિનયક્ષમતાને કારણે!

કંઈ બાકી રહી જતું હોય, તેમ એ '૮૦-ના દાયકામાં ગુલઝાર અને રાહુલદેવ બર્મન બન્ને બેવકૂફીઓ ઉપર ઊતરી આવ્યા હતા. પેલો 'ધી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ના ફ્રન્ટ પૅજના ટાઈટલ જેવા શબ્દોવાળું ગીત લખે કે, 'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ...' ને આર.ડી. એના ઉપરથી ઉતરેલા માલ જેવું ગીતે ય બનાવે.

આર.ડી.એ સંયમ રાખ્યો હોત, તો '૬૯-પછી એના જેવો બીજો કોઈ સંગીતકાર ન મળત. બેશક, હિંદી ફિલ્મસંગીતમાં એ ટ્રેન્ડ-સટર કહેવાય છે, જેણે ફિલ્મ 'તીસરી મંઝિલ' પછી ફિલ્મ સંગીતનો આખો ઢાંચો બદલી નાંખ્યો. પ્રારંભના એ ગીતો ઉપરાંત આર.ડી.નું લેવલ 'અમર પ્રેમ' કક્ષાના ગીતોનું હતું.

પણ પિતાએ જે ભૂલ કદી ન કરી-આડે હાથે જે ફિલ્મો મળે, એ બધામાં સંગીત આપવાની... એ આ પંચમે કરી. આર.ડી.ના ડાયહાર્ડ ફૅન હશે, એ પણ કહી નહિ શકે, કે આર.ડી.એ કેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે અને એમાંના કેટલા ગીતો કોઈને યાદ રહ્યા છે? છેલ્લા વર્ષોમાં હાલત એ હતી કે, આર.ડી.એ દર વર્ષે સરેરાશ વીસેક ફિલ્મો લીધી હતી. એક ફિલ્મમાં સરેરાશ પાંચ ગીતો લઈએ, તો એક વર્ષમાં ૧૦૦-જેટલા નવા ગીતો કમ્પૉઝ કરવાના આવે. મતલબ, દર ત્રીજે દિવસે એક ગીત બનાવવું જ પડે. એના રીહર્સલો અને રેકોર્ડિંગનો સમય ગણીએ તો, આ માણસ પાસે સર્જકતાનો સમય ક્યાં રહ્યો? અને પુરવાર પણ કરી આપ્યું કે, છેલ્લે છેલ્લે 'લવ સ્ટૉરી' અને 'માસુમ' જેવી ગણીગાંઠી ફિલ્મોને બાદ કરતા એકેય ફિલ્મના ગીતો આર.ડી. શ્રોતાઓ સુધી મનગમતા કરી શક્યા નહિ. એના પિતા સચિનદેવ બર્મન પાસે પોતાની ફિલ્મમાં સંગીત અપાવવું હોય, તો નિર્માતાએ કલકત્તા જઈને મોહન બગાનની ફૂટબૉલ મેચમાં દાદાને શોધી કાઢવા પડે. મધઈ પાનની જોડી લઈ જવી પડે. વાર્તા સંભળાવવી પડે ને કાકાને ઠીક લાગે તો જ હા પાડે. એક દેવ આનંદને બાદ કરતા તમામ નિર્માતાઓએ દાદા બર્મનને સંગીત આપવા માટે રીતસરની કાકલૂદી કરવી પડતી. આર.ડી.ના વળતા પાણી થયા ને 'રામલખન' જેવી ફિલ્મ હાથમાંથી ગઈ અને ખાસ તો પોતાને વફાદાર તમામ નિર્માતાઓ લક્ષ્મી-પ્યારે કે ઈવન બપ્પી લાહિરી તરફ વળ્યા, એમાં આર.ડી.ને હૃદયરોગનો સીવિયર ઍટેક આવ્યો અને નાની ઉંમરે વિદાય લીધી.

આપણી આ લેખમાળામાં અગાઉ 'દો દુની ચાર' વિશે લખાઈ ચૂક્યું છે, એટલે ફિલ્મની વાર્તાનું પુનરાવર્તન જરૂરી નથી. છતાં ય, પ્લોટ શેક્સપિયર જેવા વિશ્વપ્રસિધ્ધ સાહિત્યકારનો હતો, એણે દુનિયાભરના હાસ્યલેખકોને શીખવ્યું કે, કૉમેડીમાં અતિશયોક્તિ તો જોઈએ જ. નહિ તો, આ ફિલ્મની વાર્તા પ્રમાણે એક જ પ્રકારના કપડાં પહેરતા, એક જ નામ ધરાવતા બે શેઠ ને બે નોકર હોય, એ પૉસિબલ નથી. વળી, આપણા સમાજમાં જોડીયા (ટ્વિન્સ) તો અનેક જોઈએ છીએ. ઘડીભર ભૂલ થઈ જાય એમને ઓળખવામાં, પણ બે-ચાર વખત મળ્યા પછી, ખુદ પત્ની પણ ઓળખી ન શકે, એટલા સમાન ચેહરા હોતા નથી. સંજીવ કુમાર અને દેવેન વર્મા બન્ને અનુક્રમે શેઠ અને નોકર અને બન્નેના નામો પણ એમના જેવા બીજા જોડીયા સંજીવ અને દેવેનના હોય.

પણ અતિશયોક્તિ વગર જવલ્લે જ કૉમેડી ઊભી થઈ શકે, એ દ્રષ્ટિએ શૅક્સપિયરે સાહિત્યિક જ નહિ, મનોરંજક કામ પણ કર્યું હતું.

યસ. સંજીવ ગમે તેટલો મહાન ઍક્ટર હતો, પણ કમ-સે-કમ આ બન્ને ફિલ્મોની સરખામણીમાં કિશોર તો જોજનો આગળ નીકળી ગયો છે, ક્યાંય ઑવરએક્ટિંગ નહિ કરીને. પેલામાં તો આજીવન બોર્ન ઍક્ટ્રેસ તનુજા હતી, તેની સરખામણીમાં દીપ્તિ નવલ અફ કૉર્સ ઝાંખી પડે. મૌસમી ચેટર્જીને ગુલઝાર સારી અભિનેત્રી નહિ માનતા હોય, એટલે આઠ-દસ સંવાદોને બાદ કરતા બહેનને કાંઈ કરવાનું જ આવ્યું નથી.

સંજીવ તો આપણા ગુજરાતના સુરતનો મૂળ હરિભાઈ જરીવાલા હતો. ૧૯૩૩-માં જન્મેલા સંજીવને નાનપણમાં રસોડામાં ભોંય પર સુઈ જવાની આદત એના મૃત્યુની કારણ બની. પાછલા વર્ષોમાં ગૅસ્ટ્રોનોમિકલ તકલીફને કારણે એનું શરીર બહુ ફૂલી ગયું અને એ જ એના મૃત્યુનું કારણ બન્યું. હિંદી ફિલ્મોના 'ગૉડફાધર' તરીકે ઓળખાતા સંજીવે જૉય મુકર્જી અને સાયરાબાનુવાળી ફિલ્મ 'આઓ પ્યાર કરે'માં જૉયના ત્રણ પૈકીના એક દોસ્તનો નાનો રોલ કર્યો હતો. એ વખતે એ પોતાનું નામ સંજીવ નહિ, 'સંજય' લખાવતો. બીજો દોસ્ત મેકમોહન બને છે અને એણે પોતાનું નામ બ્રિજમોહન રાખ્યું હતું. શોલે, ત્રિશુલ મૌસમ, પરિચય, આંધી અને શતરંજ કે ખિલાડી જેવી મહત્ત્વની ફિલ્મોમાં એ ચમક્યો હતો. મીના કુમારી-અશોક કુમાર-પ્રદીપ કુમારવાળી ફિલ્મ 'આરતી'માં પ્રદીપને બદલે હીરો સંજીવ હતો, પણ સ્ક્રીન-ટેસ્ટમાં પાસ ન થયો. 'નયા દિન, નઇ રાત' ફિલ્મમાં એક સાથે એણે ૯-રોલ કર્યા હતા, પણ ફિલ્મ 'સંઘર્ષ'માં દિલીપ કુમાર અને બલરાજ સાહની જેવા દિગ્ગજો સાથે પણ એ બરોબરનો ટકી ગયો હતો.

દેવેન વર્મા ગુજરાતી છે, પણ એમાં આપણે ખુશ થવા જેવું કાંઈ નથી. એણે કદી ગુજરાતી હોવાનું ગૌરવ તો જાવા દિયો... ગુજરાતી તરીકે પોતાનો ઉલ્લેખ પણ કદી કર્યો નથી. લગભગ '૬૬ની આસપાસની કોઈ સાલ હશે, જ્યારે અમદાવાદના શાહીબાગ ખાતેના પોલીસ સ્ટેડિયમમાં 'શંકર-જયકિશન નાઈટ' યોજાયેલી, ત્યારે અમારી ઉંમર ૧૩-૧૪ વર્ષની. મારી માતાને નાની બચતમાં બહુ મોટું કામ કરવા બદલ ઍવોર્ડ મળવાનો હોવાથી અમારે પણ 'પાસ' આવ્યા હોવાથી હું એ જોઈ શક્યો હતો. રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર, મુહમ્મદ રફી, વિમી અને દેવેન વર્મા ઉપસ્થિત હતા, જેમાં દેવેને 'મધુ માલતી મસાલે મેં' નામની ખૂબ હસાવતી સ્કીટ રજુ કરી હતી. મુહમ્મદ રફીના ગીત 'બહારોં ફૂલ બરસાઓ, મેરા મેહબૂબ આયા હૈ' પર રાજેન્દ્ર કુમાર સ્ટેજ પર વિમીને બન્ને હાથમાં ઉચકીને ફર્યો હતો, એ તો યાદ હોય જ ને? ઘેર જઈને આ જ કામ અમે કરી શકીએ, એટલા શક્તિશાળી નથી.

પણ દેવેન વર્મા અન્ય કૉમેડીયનો કરતા જૂદી ભાતવાળો બેશક હતો. ક્યાંક ક્યાંક બફૂનરી કરવી પડી હશે, બાકી એની ફિલ્મોના રોલ થોડા સૅન્સિબલ હતા - ખાસ કરીને ઋષિકેશ મુકર્જીની ફિલ્મોમાં. અશોક કુમારની દીકરી રૂપા ગાંગુલી સાથે દેવેનના લગ્ન થયા છે. આજે ૭૬-વર્ષની ઉંમરે ફિલ્મો-બિલ્મો છોડીને પૂનામાં રહેતા દેવેન વર્માએ ૧૪૯-ફિલ્મોમાં કામ કર્યું છે. બીજા ફિલ્મસ્ટાર્સના અવાજની મિમિક્રી કરતા જ્હૉની લીવર જેવા કોમેડીયનો તો પછી આવ્યા. સ્ટેજ પર ફિલ્મ કલાકારોના અવાજની નકલની શરૂઆત દેવેને કરી હતી. દેવેન વર્માની પહેલી ફિલ્મ શશી કપૂરની 'ધર્મપુત્ર' હતી, જે સાવ ફ્લૉપ ગઈ. દેવેન એ વખતે સ્ટેજ શૉ માટે મોરેશિયસ ગયો હતો, ત્યાં શશી કપૂરનો ટેલીગ્રામ આવ્યો કે, 'ધર્મપુત્ર' ફૅઈલ ગઈ છે ને કારણ કોઈને ખબર નથી.'

ફિલ્મ 'અંગૂર'માં ડબલ રોલ કરતો દેવેન બન્ને પાત્રોમાં 'સા' અક્ષરનો ઉચ્ચાર જુદો જુદો કરે છે. છેક ફિલ્મ રીલિઝ થયા પછી ગુલઝારનું ધ્યાન પડયું, એટલે એ વખતે અમેરિકા ગયેલા દેવેનને તાબડતોબ મુંબઈ બોલાવવામાં આવ્યો અને એનું પુરૂં ડબિંગ ફરીથી કરવામાં આવ્યું.

સાજીદખાને બનાવેલી ફિલ્મ 'હમશકલ્સ'નો ઉલ્લેખ કરવાથી ય પાપ લાગે એમ છે, પણ આ જ ફિલ્મ 'દો દૂની ચાર' પરથી શાહરૂખ ખાન અને વિવેક ઓબેરોયને લઈને ફરીથી રીમેક બનાવાઈ રહી છે.

ફિલ્મ 'અંગૂર'માં આ બન્ને (એટલે કે ચારે ય) પાત્રો એટલા મજબુત હતા કે, અન્ય કોઈ કલાકાર માટે ઍક્ટિંગ તો ઠીક, હાજરી પૂરાવવા પૂરતી ય જગ્યા નહોતી. જ્યાં બન્ને હીરોઇનો જ શૉ-પીસ તરીકે ઊભી રહી ગઈ હોય, ત્યાં બીજાનો ચાન્સ પણ ક્યાં લાગે?

મૌસમી ચૅટર્જી સંગીતકાર હેમંત કુમારની પુત્રવધૂ થાય, એટલે કે હેમંતપુત્ર રિતેશની પત્ની. ઍક્ટિંગ કરતા આડાઅવળા દાંતને કારણે વધારે યાદ રહી ગયેલી મૌસમીની પહેલી હિંદી ફિલ્મ તો શક્તિ સામંતની 'અનુરાગ' હતી, પણ પછી એ પછીની શશી કપૂર સાથેની ફિલ્મ 'નૈના' અજાયબ સંજોગોમાં મળી. ફિલ્મની હીરોઇન રાજશ્રી પ્રોડયુસરને લટકતા રાખીને પરણીને અમેરિકા જતી રહી. ફિલ્મના દિગ્દર્શકે તર્ક કાઢ્યો અને વાર્તામાં ઊલટસૂલટ કરીને અડધી ફિલ્મમાં રાજશ્રીવાળો રોલ મૌસમીને પહેરાવી દીધો.

મહેશ્વરી મારવાડી પરિવારમાં ૩ ફેબુ્રઆરી, ૧૯૫૭-ના રોજ જન્મેલી દીપ્તિ નવલ 'ચશ્મ-એ-બદ્દૂર', 'લીલા', 'મીર્ચ મસાલા', 'એક બાર ફિર', 'કથા', 'સાથસાથ' અને 'રંગબિરંગી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઍક્ટિંગમાં એનો ઝુકાવ પૅરેલલ સિનેમા એટલે કે આર્ટ ફિલ્મો તરફનો જ રહ્યો. દીપ્તિના લગ્ન દિગ્દર્શક પ્રકાશ ઝા સાથે થયા હતા. એનાથી 'દિશા' નામની એક દત્તક દીકરી છે, પણ બન્નેેએ વર્ષોથી છુટાછેડા લીધા છે. દીપ્તિનું નામ ફારૂક શેખ સાથે ય વગોવાયું હતું. એ પછી નાના પાટેકર સાથે બન્નેનો પ્રેમસંબંધ જગજાહેર હતો અને છેવટે વિનોદ પંડિતને પરણી, એ પછી વિનોદ ગૂજરી ગયો. દીપ્તિ હાલમાં એક ફિલ્મનું દિગ્દર્શન કરી રહી છે, મૂળભૂત રીતે એ પૅન્ટર અને કવયિત્રી છે.

સવાલ એ થાય કે, બિમલ રોય જેવા સિધ્ધહસ્ત સર્જકે 'દો દૂની ચાર' જેવી ક્લાસિક બનાવી, એ પછી એ જ ફિલ્મની રીમૅઇક બનાવવાના શેના ધખારા ગુલઝારને ઉપડયા હશે? મૂળ કૃતિથી વધુ સારી રચના આપવાના હો તો ઠીક છે. આ ભ'ઈ એ તો મૂળ ફિલ્મની બેઠી કૉપી જ કરી છે. આમે ય, હિંદી ફિલ્મોમાં રીમૅઇક ભાગ્યે જ સફળ થઈ છે. હું તમારા અઢી કલાક બચાવી શકું એમ છું.

(સીડી સૌજન્ય : ભરત દવે - સુરત)

13/08/2014

સવા લાખનું પર્સ

અમેરિકાથી વાઇફ માટે શું લઇ જવું, એ મૂંઝવણ બહારથી અમેરિકા આવેલા ગુજરાતીઓને ચોક્કસ થાય છે. કેટલાક ભયના માર્યા વાઇફ માટે ગિફ્ટ લઇ જાય છે, તો કેટલાક એક જ ગિફ્ટ બબ્બે- ત્રણત્રણની જોડીમાં લઇ જાય છે. (ઘેર એમાંની એક જ દેખાડવાની હોય !) હું એક હોનહાર અને આદર્શ પતિ છું. પશ્ચિમ ભારતમાં હવે આવા સારા પતિઓ નથી થતા, એની તો તમને ય ખબર છે. મારી વાઇફને હું અમેરિકા જઇને પણ ભૂલ્યો નહતો. જે જે ધોયળીઓ સારી લાગે, તે બધીઓને મેં વાઇફસ્વરૂપે જોઇ છે. મારામાં કાળા-ગોરાનો ભેદભાવ નથી. એ વાત જુદી છે કે, અહી આવી ગયા પછી વાઇફમાં મેં એ બધીઓના સ્વરૂપો જોવાનું ટાળ્યું હતું. હું નહોતો ઇચ્છતો કે, મારે કારણે ભારત-અમેરિકાના સંબંધો બગડે.

''અસોક...ઠેઠ અમેરિકા જાવ છો, તો મારા હાટું સુંઉ લાવસો ?''હું તો ઓફિસે જતો હોઉ, ત્યારે ય એ મને આવા ટેન્શનો આપે છે, ત્યાં આ તો અમેરિકા જતો હતો, તો છોકરૂં કંઇક અપેક્ષા તો રાખે ને ?

એ જ સંદર્ભમાં મેં હળવા કંઠે અમેરિકામાં ગાયું હતું, ''વો હમ સે કહેંગે શરમા કે, પરદેસ ગયે થે ક્યાં લાયે, હમ ઉનસે કહેંગે જાને જહાં, દિલ અપના બચાકર લે આયે...હોઓઓઓ.'' આ અઘરૂં છે. આટલે દૂર ગયા પછી પત્ની માટે ભલે કશું ન લાવીએ, પણ દેશમાં પાછા આવીને આપણી જ વાઇફે કોક ધોયળીને ભાભી કહેવું પડે, એવું કાંઇ લેતા જવું શરમજનક છે. માટે હું પણ મારૂં હૈયું બચાવીને લાવ્યો હતો. મેં અનેક ભારતીયો જોયા છે જે, પોતાની પત્ની માટે જ નહિ... કોઇની બી પત્ની માટે અમેરિકાથી સો ગ્રામ ગાજરે ય લઇ આવતા નથી. કેવું શરમજનક ?

છતાં ય પત્ની છે ને ? કંઇક લઇ જવું સારૂં. આપણે બીજી વાર જવાનું થાય તો એને આશા ન બંધાય અને સાથે આવવાની બબાલ ન કરે...કે, ઘેર બેઠા ય એ લાખ-સવા લાખનું કાંઇ લાવવાનો જ છે ને ? હું ન્યુજર્સીના 'મૅસી'' સ્ટોરમાં ગયો, ત્યાં 'વર્સાચી' અને 'ગુચ્ચી' જેવા બ્રાન્ડ- નૅઇમ્સવાળી કમર તોડી નાંખે એવા ભાવવાળી આઇટમો મળતી હતી. (આ બન્ને નામો કોઇ મહિલાઓના નથી...બ્રાન્ડના છે.) ચાલતી વખતે વાઇફના બન્ને ખભા સમાંતર રહે, માટે એ ઉપાડી શકે, એટલા વજનનો માલ જ લઇ જવાય. મારો વિચાર તો, ત્યાં જો મળતો હોય તો એને માટે ખાદીનો એક બગલથેલો લેવાનો હતો. બગલથેલામાં એ અલીયાબાડાની સેવાભાવી ગ્રામસેવિકા જેવી મનોહર- મનોહર લાગે છે. (ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોમાં બગલથેલા વિનાની લેખિકા મળવી મુશ્કેલ છે. એમનું સઘળું સાહિત્ય બગલેથેલામાં લટકતું જોવા મળે છે. કહે છે કે, બગલથેલા વગર કોઇ લેખિકા ગણતું નથી.)

'વર્સાચી'ના એ સ્ટોરમાં અનેક પર્સ હતા. મેં એક ખરીદ્યુ. કિંમત ૨,૨૦૦ અમેરિકન ડોલર્સ એટલે આશરે રૃા.૧ લાખ ૩૪ હજાર.

આમાં હું થોડો ગણત્રીબાજ ખરો કે, આમે ય, એ સાથે આવી હોત તો આટલા તો ફ્લાઇટોની ટિકીટોમાં જતા રહેત. એના કરતા લાખ-સવા લાખમાં પતતું હોય તો ખોટું નહિ. બિલ ચૂકવતી વખતે શરીરમાં એક લખલખું આવી ગયું હતું, કારણ કે, ઇન્ડિયા જઇને સવા લાખના પર્સમાં એ રૂપિયા કેટલા મૂકીને ફરશે. એ ધારણાએ ધૂ્રજી ગયો હતો. નોર્મલી, એના પર્સમાં બસો- ત્રણસો તો હોય છે જ. (હું સાથે હોઉં ને... એટલે એને ઝાઝા રાખવાની જરૂર ન પડે. મારા વોલેટમાં ત્રણસો ચાર સો હોય!) વધારે રાખીએ તો કોક માટે કાઢવા પડે ને ?) પણ હવે સવા લાખના પર્સમાં નૈતિક રીતે પણ એણે મિનિમમ ૪૦-૫૦ હજાર તો મૂકવા પડે કે નહિ ? એ ય કમાવવાના તો મારે ? હવે એ હક્કથી ૧૦-૨૦ હજાર માંગશે કે, ''અસોક... સવા લાખના પર્સુમાં બશો-તઇણશો હારા નો લાગે ! કાંઇક વધારે દિયો.'' મને ભય પેસી ગયો કે, આ પર્સ મને બીજા ૪-૫ લાખમાં પડવાનું છે. કેમ કોઇ બોલતું નથી ? મને આટલું લખતા વાઇ કે ફિટ આવી જાય એમ છે.

''હા.... અસોક આવી ગીયા હોં, રીટા. ના રે ના... ખાસ તો મારા હાટું કાંય નથ્થી લાઇવા... બસ એક અમથું એક લાખ ચોત્રીશ હજારનું પર્શ લાઇવા છે. મેં કીધું, સુઉં કામ પણ આવા ખોટા ખર્ચા કયરા ? પણ ઇ માને તો ને ?''

''એક લાખ ચોત્રીશ હજારનું પર્સ....? તુ પાગલ તો થઇ ગઇ નથી ને ? તારો વર આટલી રમકમમાં તો પંદર વાર અમેરિકા જઇ આવે એવો કંજૂસ છે...!''

''ના હો, આ શ્રાવણ મહિનામાં મારાથી ખોટું નંઇ બોલાય. અલી, 'વર્સાચી'નું છે, પછી એટલા તો હોય જ ને ?''
''એક લાખ ચોત્રીશ હજાર...?? તુ ફરી તપાસ કરજે, નહિ તો...''

''જો શાંભળ રીટા... આમ તો આ વાત ગામમાં કોઇને નો કે'વાય, પણ તું ખાસ ઓલી અમુડીને કે'જે જ... ઇનાથી શહન નંઇ થાય. લાશ્ટ ટાઇમ, ઇ ન્યુઝીલેન્ડ ગઇ'તી, તો મારા જીવો બળાવવા મને કિયે, ''હું તીયાંથી પિચ્ચોતેર હજારના કાનના બુટીયા લાઇવી...!'' રીયલી, મેં તો પૂછી જ લીધુ, ''પિચ્ચોત્તેર હજાર તો બન્ને કાન શાથેનો ભાવ હશે... ખાલી બુટીયાના આટલા નો હોય... એમાં ઇ બઇગડી'તી. હવે તુ એને ખાસ કે'જે કે, મારો વર મારા હાટું એક લાખ ને ચોત્રીશ હજારનું પર્સ લાઇવો છે....! આપણે નથ્થી બોલતા તીયાં શુધી જ, હોં...!

ઇન્ડિયા પહોચ્યા પછી પહેલું અને છેલ્લું ટેન્શન આટલા મોંઘા પર્સની સમાજને જાણ કરવાનું હતું. હાથમાં લઇ લઇને ફરીએ... ઓકે, લોકો જુએ પણ ખરા... ઓકે, પણ બધાને એ તો ખબર ન હોય ને કે, પર્સ આટલું મોંઘું છે ? આમ બહારથી પચ્ચી રૂપીયાનું છે કે સવા લાખનું, એ કાંઇ ખબર ન પડે. સમાજને માહિતગાર કરવાની જવાબદારી આપણી છે. સુઉં કિયો છો ?

સામે ચાલીને બહુ મોંઘા ખર્ચાવાળી કિટ્ટી પાર્ટી દેવામાં આવી. (પાર્ટીને અંતે ખર્ચાનો સરવાળો રૂ. ૩૨,૦૦૦) વાઇફે સંયમ રાખ્યો કે, આપણે સામે ચાલીને કોઇને જાણ નથી કરવી. જોઇએ તો ખરા, લોકો શું કહે છે ? એણે પર્સ કાર્ડસ્-ટેબલ પર રાખ્યું, જેથી સહુની નજર પડે. વાઇફની જન્મથી ખાસીયત છે. વીણી વીણીને એક એક સખીઓ એવી રાખી છે, જેની ઉપર આપણી તો ઠીક, એમના વરોની ય નજર ન બગડે. એ બધામાં રૂપાળી ગણો તો ય અમારી રાધા ને જોવી ગમે તો ય અમારી રાધા ! હવે તમે કલ્પના કરી શકો કે, બાકીનીઓ કેવી હશે ? પણ બાકીની એકે ય સખીને સખી કહેવામાં ગૌરવ ન થાય... 'સખો' કહીએ તો વાતમાં વજન પડે ! કોઇના બે દાંત આગળ હોય, કોઇ કાળું ગુલાબ હોય, કોઇ એટલી હદે બટકી હોય કે, ટીવી પર અમિતાભને જોવો હોય તો એકની ઉપર એક, એવા ત્રણ ટીવી મૂકો તો ઉપરવાળામાં બચ્ચનનું માથું ને નીચેવાળામાં પગ દેખાય. એકનો તો વાતવાતમાં ખભાનો ઝટકો આપણી તરફ આવે... ખભાથી હેડકી ખાતી હોય એવું લાગે ! બીજી એકનું નામ 'પુષ્પી' છે. પુષ્પ એટલે ફૂલ. પણ દુનિયાભરના 'બોટની'ના એકે ય પાઠયપુસ્તકમાં આ 'જંગલી ફૂલ'નો ઉલ્લેખ નથી. સીધુ આપણા ઘેર આવીને જ ખીલ્યું. પણ આ બધીઓથી પત્ની ખુશ કે, મારો અસોક તો આઘો રિયે છે !

''હાય હાય... આ ઓશિકાનું લેધર-કવર ક્યાંથી લીધું ? છે સારૂં, હો !'' કાળા ગુલાબે સવા લાખના પર્સને હાથમાં પકડીને વાઇફને પૂછ્યું. ઊંધી કરેલી કાચની રકાબી ઉપર કોઇએ લોખંડની હથોડી પછાડી હોય, એવો ઝટકો વાઇફને લાગ્યો.

''સુઉં રક્ષાડી....તને ઇ ઓસિકાનું કવર લાગે છે ? અરે, આ તો પર્સ છે ને મારો વર...''

''મારી રૂપાળી રાધા... આને તુ પર્સ કહે છે ?'' બટકી બોલી, ''અરે ઢાલગરવાડમાં આવા ચીંથરાઓ પચ્ચી પચ્ચી રૂપિયામાં જોઇએ એટલા મળે છે.... કોક તને છેતરી ગયું. બેન !''

દેખાવમાં જાવેદ મીયાંદાદ જેવી લાગતી બેન પૂનમે વધુ આઘાત આપ્યો, ''બકા, ધોયા પછી આ ચઢી જવાનું... આને ધોઇશ જ નહિ !'' સાલા પર્સો ક્યે દહાડે લોન્ડ્રીમાં ધોવા નાંખીએ છીએ, પણ ગામના મોંઢે તાળાં મરાય છે ?

ભારે નિરાશાઓ સાથે એ પાર્ટી પતી ગઇ. કોઇએ પૂછ્યું તો ઠીક... એ પર્સને હાથમાં લઇને જોયું પણ નહિ, એનાથી નિરાશ મારી પત્ની ફિલ્મ 'સુજાતા'ની નૂતન જેવી દેખાતી હતી.

''અસોક, આપણા 'મનપસંદવાળા'શ્મિતાબેન કે'તા'તા કે, આવી મૂલ્યવાન ચીજુંને પરખનારો તો ક્લાશ જ નોખો હોય. ક્લબું કે મોટી હોટલુંમાં જ આની કદર કરનારા મલી રિયે. ઇ લોકો આવું વાપરતા હોય, એટલે એમને ખબર હોય. આપણે ક્લબમાં મેમ્બર થઇ જાંઇ...?'

કોના બાપની દિવાળી ? અમે શહેરની એક ક્લબમાં પાંચ લાખ આપીને મૅમ્બર થયા. રવિવારે ભીડ હોય એટલે ગયા. ઓળખીતાઓ ય મળ્યા. પારૂલ-દિપક સામેથી જ આવતા હતા. પત્નીએ કોણી ઉપર પર્સ લટકાવીને ભારે ઉમળકા સાથે ''ઓ હાય... તમે આઇયાં...?'' સુઉં વાત કરો છો ?'' કહ્યું. પર્સ પકડેલી કોણી ઊંચી કરવા વાઇફે હાથ ગળાની પાછળ અડકાડયો.

''ઓહ ભાભી... આ તમારી કોણી ઉપર કાળું કાળું ડામર જેવું શું ચોંટયુ છે ? જુઓ જુઓ જરા .... ડ્રેસને અડે નહિ !''

તારી ભલી થાય ચમની... તને આ જાંબલી-જાંબલી પર્સ ન દેખાણું ને કાળું કાળું ડામરીયું જ દેખાણું ? ને છતાં ય, શરમ તોડીને વાઇફે કહેવું પડયું, ''ઓહ પારૂલભાભી... આ જરા પર્સ પકડો ને... હું ઇ ડાઘો લૂછી નાંખુ...!''

બેન પારૂલે પર્સ હાથમાં લેતા જ પૂછ્યું, ''અરે વાહ... આટલું સુંદર પર્સ...? 'વર્સાચી'નું ?'' વાઇફના ચેહરા ઉપર નૂર આવ્યું. એ સ્માઇલ આપવા જતી જ હતી, ત્યાં પારૂલ બોલી, ''દીપક... જોયું ? સાલા ચાઇનાવાળા અહીં ય પહોચી ગયા છે.. 'વર્સાચી'નું ય ડૂપ્લિકેટ...! ઓરિજીનલ 'વર્સાચી'નું લાખ- સવા લાખમાં મળે ને આ...? બસ્સો બસ્સો રૂપિયામાં....!''

સિક્સર 
- રાત્રે બબ્બે વાગે કાન નહિ, બધું ફાડી નાંખે એવા લાઉડ- સ્પીકરો સાથે ધાર્મિક સરઘસો બૂમરાણ કરતા નીકળે, વૃધ્ધ અને બિમાર લોકો તરફડે, છતાં પોલીસ આવા ઘોંઘાટની પરવાનગી પણ આપે, એ તો કેવળ ભારતમાં જ બને !
- ના સર-જી, તમે સમજ્યા નહિ ! આવા સરઘસો પોલીસ અધિકારીઓ રહે છે, ત્યાંથી ક્યાં નીકળવાના છે ?

- નગરશેઠનો વંડો, જે આવે એ મંડો !!!