* હમણાંથી #MeTooનું તૂત ચાલ્યું છે... શું કરવું ?
– પાંચ–સાત વર્ષ
પહેલાંય આપણાથી કોઇ લોચો વાગી ગયો નથી ને... એ તપાસી લેવું.
(ગૌરાંગ પટેલ, સુરત)
* મને ગુસ્સો બહુ
આવે છે, શું કરવું ?
– અરીસામાં જોવું.
(એહજાઝ દીવાન, ભાલેજ)
* પત્ની સાચો પ્રેમ
ક્યારે કરે છે ?
– ખોટો ય ક્યારે કરે
છે, એની જો ખબર પડતી હોય તો આની ખબર પડે.
(મહાસુખ દરજી,
અમદાવાદ)
* ટીવી પરની
પેનલ–ચર્ચાઓમાં એકબીજાને ભાંડવા સિવાય બીજું કાંઇ હોતું જ નથી ?
– એટલા માટે ટીવી
કરતાં છાપાં સારા.
(માધવી આપ્ટે,
વડોદરા)
* મારે બેંકની તગડી
લોન લઇને વિદેશ ભાગી જવું છે. કોઇ ઉપાય ?
– આવું જાહેરમાં તમે
પૂછી બેઠા છો, હવે ગામમાંય તમને કોઇ રૂપિયો નહીં આલે !
(એ. એમ. ચૌહાણ,
ભાવનગર)
* તમને તમારું
એન્કાઉન્ટર થવાની બીક નથી લાગતી ?
– હવે લાગી.
(ગુજરાતી બોય,
દાહોદ)
* આ ટેસ્ટ ક્રિકેટની
મેચો જોવા માંડ પચ્ચા માણસ આવે છે... શું ફાયદો ?
– ટેસ્ટ મેચોમાં મફત
પ્રવેશ અપાવવો જોઇએ. સામાન્ય ક્રિકેટ શોખીનો જોઇ તો શકે.
(પ્રભાકર દેસાઇ,
મુંબઇ)
* તમને
કોંગ્રેસ–પ્રમુખ બનાવવામાં આવે તો ?
– હું તમને પપ્પુ
લાગું છું ?
(હીરેન સોની, સાઠંબા)
* ઇ.સ. 2019ની
ચૂંટણી કોણ જીતશે ?
– મોદી.
(કનૈયાલાલ પટેલ,
કપડવંજ)
* મલ્ટિપ્લેક્સવાળા
પોપ–કોર્ન કે સમોસામાં સોલ્લિડ લૂંટે છે. કોઇ કહેનાર નથી ?
– હવે તો બીજું કોઇ
‘પદ્માવત’ રિલીઝ થાય એની રાહ જોવી પડે.
(શ્રેયા મનન
ત્રિવેદી, અમદાવાદ)
* તમને જગતની
સર્વશ્રેષ્ઠ ચીજ કઇ લાગે છે ?
– ભારતનો
રાષ્ટ્રધ્વજ.
(હિતેશ પરમાર, કાતોલ)
* આજના રાજકારણ વિશે
શું માનો છો ?
– કોઇને ખરીદી ન
શકો, તો એને વેચી નાંખો.
(જીગર પટેલ, જામનગર)
* ચાલુ પરીક્ષાએ
સુપરવાઇઝરો છોકરીઓ પાસે ઊભા જ રહેતા નથી, પણ છોકરાઓની કાપલી પકડે છે.
– ‘તો શું થયું મારી
તરફ જોયું નથી એણે કદી,
એવા ઘણાં છે ગામ,
જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી.’
(ભાવિન ગોપાણી, સૌરભ
મહેતા, નડિયાદ)
* મને આખો દિવસ
મોબાઇલમાં મસ્ત રહેવાની આદત પડી ગઇ છે. શું કરૂં ?
– એમાં જે કાંઇ
ચિંતા કરવાની છે, એ તમારી આજુબાજુવાળાને કરવાની છે... તમે ત્યારે, લગે રહો !
(વિજય દાભી, કાકરખાડ)
* તમારા મતે, ‘અબ કી
બાર, કિસ કી સરકાર ?’
– ભાજપ... પણ, અમારો
મત અમારા ઘરમાંય કોઇ સાંભળતું નથી.
(અભિષેક ભટ્ટ, સુરત)
* શું કોંગ્રેસ
પ્રજાની નજરમાંથી ઊતરી રહી છે ?
– દેશ માટે પોતે શું
કરવા માંગે છે, એ કહેવાને બદલે એનો કોઇ પણ નેતા–પ્રવક્તા કેવળ મોદીને ભાંડે રાખે છે.
માની લો કે, મોદી હારી પણ ગયા, તો કોંગ્રેસને આપણે કંઈ આશા ઉપર વોટ આપવો ?
(ચિતરંજન વ્યાસ,
સુરત)
* તમારું વાંચીને
અહીં રાજસ્થાનમાં અમે સંસ્થાના કોઇ પણ પ્રોગ્રામ પહેલાં રાષ્ટ્રગીત ફરજિયાત
કરાવ્યું છે...
– જે પ્રસંગે મિનિમમ
25 માણસો ભેગા થાય ત્યાં રાષ્ટ્રગીત ગવડાવવું જોઇએ.
(જયરાજસિંહ રાઠૌર,
જયપુર)
* જિંદગી સુંદર
ક્યારે લાગે છે ?
– સોમવારથી શનિવાર
સિવાય.
(વાણી પટેલ, મેહસાણા)
* તમે સોશિયલ
મીડિયાથી આટલા ખફા કેમ છો ?
– એની ઉપર કોઇ સેન્સરશિપ
જ નથી. બીભત્સ સેક્સની ક્લિપો, નઠારી ગાળો અને ગમે તેવી અફવાઓ આ મીડિયામાં ચાલી
જાય છે. અમદાવાદમાં કોઇકે ઉડાડી હતી કે, ‘આવતી કાલે દૂધ નથી મળવાનું’, તો સાંજ
સુધીમાં પૂરા શહેરમાંથી દૂધ ગાયબ ! બધા તૂટી પડ્યા.
(નમણી વિક્રાંત
છાયા, મુંબઇ)
* ભારતનું કયું
રાજ્ય સૌથી વધુ દેશભક્ત છે ?
– મહારાષ્ટ્ર. સુનિલ
ગાવસકરે વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ પહેલાં ભારતનું રાષ્ટ્રગીત ગવડાવવાને બદલે
વગાડ્યું, સુનિલે ખૌફ જતાયો. અન્ય મરાઠી માણસો પણ બીજા કરતાં વધુ દેશપ્રેમી દેખાય
છે. કમનસીબે, ગુજરાતમાં હજી એ જોશોજુનૂન પેદા નથી થયા.
(મોહના જયદેવ પરીખ,
વડોદરા)
* ગુજરાતથી
ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લ્યૂ અને ચિકનગુનિયા થયો ?
– એ ત્રણે ભેગા થઇને
ડોક્ટરોને વળગે, એવો સવાલ ન પૂછો, ભાઇ !
(શાંતિભાઇ પરીખ, કડી)
* એકતા કેવી રીતે
આવે ?
– અમારા ફ્લેટની
લિફ્ટ બંધ થઇ જાય ત્યારે બધા ભેગા થઇ જાય છે.
(નિકુંજ શાહ, સુરત)
* આપણું સફાઇ અભિયાન
અટકી કેમ ગયું ?
– રસ્તા ઉપર પાનની
પિચકારી મારો... કોઇ પકડનાર હોય તો બતાવો.
(ગોવર્ધનદાસ મણી,
દુધાલ)
No comments:
Post a Comment