Search This Blog

29/12/2013

ઍનકાઉન્ટર : 29-12-2013

* જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો ગુજરાતની ગાદી છોડવી પડે. એ સંજોગોમાં ગુજરાત માટે 'ગઢ આલા, પણ સિંહ ગેલા' જેવું નહિ થાય?
- હા, પણ ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો જોયા પછી કોંગ્રેસ માટે તો ગઢે ય ગયા... અને સિંહ પણ ! ખૈર... સિંહો તો એમની પાસે હતા ય ક્યાં? એક નાનું અમથું આમ આદમું મારી ગયું...!!
(વલ્લભ પારેખ)

* આજના મા-બાપ સંતાનોને હાસ્યલેખક બનાવવા કરતા ડૉકટર, વકીલ કે એન્જિનિયર બનાવવાની ઇચ્છા જ કેમ રાખે છે?
- હાસ્યલેખક બનવું એક કોઇ 'કાચાપોચા'નું કામ નથી.
(ભારતી કાચા, મોરબી)

* લગ્ન પછી ગોરધનો સાવ લઘરવઘર કેમ દેખાવા માંડે છે?
- ઘરમાં તો અમે બધા એવા જ રહેવાના... હઓ! પણ બહાર નીકળ્યા પછી જોઇ લો, ભાયડાના ભડાકા, હઓ હઓ..!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* અશોકભાઇ, તમે કોઇ સ્ત્રીને પ્રેમ કર્યો છે ખરો?
- સાલો આવો મસ્ત સવાલ કોઇ સ્ત્રીએ પૂછ્યો હોત તો ભવિષ્યની કોઇ આશા ય બંધાઇ હોત..!
(પુનિત ડી. ઠક્કર, ભુજ-કચ્છ)

* હવે તો સંસદમાં ગુન્હેગારો ય વટથી બેસી શકશે... આપનો અભિપ્રાય?
- ... નગર શેઠનો વંડો, જે આવે એ મંડો...!'
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* શું સ્મશાન ગામની વચ્ચે હોવું જોઇએ, જેથી ત્યાંથી પસાર થનારને ય મૌતનો મલાજો રહે?
- જંગલ સિવાયનું સઘળું ગામની વચ્ચે હોય છે... કોના કેટલા મલાજા રખાયા?
(રમેશ સુતરીયા 'ટ્રોવા' મુંબઇ)

* કોઇને ઉતારી પાડવા લોકો 'ગધેડા' સાથે કેમ સરખાવે છે.
- શરીરની શક્તિ 'હોર્સ પાવર'થી માપી શકાય... મગજની શક્તિ માટે 'ડોન્કી પાવર' ચાલી જાય!
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* જાન વિદાય વેળાએ કન્યાના કાનમાં એની માતા શું કહે છે?
- પેલાની ચોયણીનું નાડું બહાર લટકે છે, એ સીધું કરાય..!'
(દુષ્યંત કારીયા, મોરબી)

* આપણા દેશમાં પત્ની એના પતિનું નામ કેમ બોલતી નથી?
- હા, પણ બીજીના પતિનું નામ બોલે, એ સારૂં તો ન જ કહેવાય ને!
(અસલમ ગામેતી, વંથલી-જુનાગઢ)

* ભૂલથી કોઇ પાગલને 'ડાહ્યો' કહેવાઇ જાય તો?
- ડાહ્યો માણસ તો આવી ભૂલ કરે જ નહિ ને?
(ચાર્મી જાગાણી, જૂનાગઢ)

* તમે 'બા ખીજાય... બા ખીજાય.. લખો છો, પણ વાસ્તવમાં તો બધા બાને જ ખીજાતા હોય છે'....!
- જે ઘરોમાં બા ખીજાઇ શકતા હોય, એ ઘરો સુખ, શાંતિ, અને સમૃદ્ધિથી ભરચક હોય!
(શોભા ટી. પટેલ)

* રાહુલ ગાંધીની વડાપ્રધાન બનવાની ક્ષમતા કેટલી ગણાય?
- કમસે કમ મનમોહન કરતા તો એ સારા વડાપ્રધાન બની શકશે.
(પંકજ દફતરી, રાજકોટ)

* મારે ધો. ૧૦માં સમગ્ર ગુજરાતમાં 'ટોપ ટેન'માં આવવું છે. શું કરવું?
- પરીક્ષા આપવી.
(આરતી એમ.ઠાકોર, સુરત)

* કોઇ વ્યક્તિ તમારી દોસ્ત છે કે દુશ્મન, તેનો અંદાજ કેવી રીતે મેળવો છો?
- દોસ્તોના અંદાજ મેળવવાના ન હોય, પણ એક તાજા અનુભવ મુજબ, દુશ્મનને આદર આપવાની મેં ભૂલ કરી, એ હવે નહિ કરૂ. દુશ્મન કાયમ દુશ્મન જ રહે છે.
(મોના ગજાનન મેહતા, વડોદરા)

* તમે ગુજરાતના મુખ્યમંત્રી બનો તો પહેલું કામ કયું કરો?
- ટીવી ન્યુસ- કેમેરાઓ સામે હસીને હાથ હલાવવાનું.
(ભૂમિકા આર. લાડ, વલસાડ)

* આપણા દેશમાં 'રાધે-ક્રિષ્ણા... રાધે ક્રિષ્ણા..' બોલાય છે.. 'રૂક્ષ્મણી-ક્રિષ્ણા' કેમ નહિ?
- સ્પેલિંગ લખવામાં છોડીયા ફાટી જાય, ભ'ઇ!
(સુમિત પટેલ, ગોઝારીયા-મહેસાણા)

* જેસલ- તોરલની કથામાં જેસલ 'જવ ભાર' ખસે છે ને તોરલ 'તલ ભાર' ખસે છે અર્થાત્ ?
- ખસવાનું વજનના માપથી ન હોય..... અંતરના માપથી હોય! મને એટલી તો ખબર છે કે મારા ઘરની તોરલ મને ધારે ત્યાં ખસેડી મૂકે છે... ને મારાથી ભારે-વજનદાર ચીજો ખસતી નથી.
(મનિષા ઘેડીયા, જૂનાગઢ)

* કસોટી કાયમ સત્યવાદીઓની જ કેમ થાય છે?
- એવું નથી.. મારી ય થાય છે!
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* અનીતિનું ખાનારાઓનો વર્તમાન સુખમય હોઇ શકે છે, પણ શું ભવિષ્ય સુખમય હોય ખરૂં?
- અનીતિનું ન જ ખાતો હોય, એવો તો દેશનો કોઇ નાગરિક નથી! ઇવન, આપણે લગ્નના રીસેપ્શનમાં રૂ. ૧૦૦/-નો ચાંદલો કરીને રૂ.૫૦૦/-નું ઠોકી આવીએ છીએ, એ ય અનીતિ જ છે ને?
(રાજેશ કે. ખાંદલા, સરધાર- રાજકોટ)

* મન ધોધમાર વરસતા વરસાદમાં પતંગ ચગાવવાનું મન થાય છે... શું કરૂં?
- તમે પંખાને બદલે ફ્રીજ ચાલુ કરો ને મહીં અગરબતી કરી લો.
(ડો. અમિતા ચૌધરી, ભાવનગર)

* દરેક સંતાનને મા-બાપ આશીર્વાદ આપે જ, છતાં સંતાનો દુઃખી કેમ થતા હોય છે?
- એમના પોતાના સંતાનોને કારણે... મોટા ભાગના કેસોમાં!
(હિતેશ અડવાળીયા, સુરેન્દ્રનગર)

* ગાંધીનગરમાં જ રેલવે કેમ નહિ?
- અમદાવાદમાં દરીયો નંખાવીએ, ત્યારે ત્યાં રેલવેનું ગોઠવીશું.
(શશીકાંત મશરૂ, જામનગર)

* કોઇ સુંદર સ્ત્રી સાવ ફાલતુ પુરુષના પ્રેમમાં પડે, તો તમને કયો વિચાર આવે?
- પ્રણવ પંડયાનો શે'અર છેઃ
'તમારા હાથમાં અત્તરની શીશી ભાળીને,
થયા હતાશ બધા આસપાસના ફૂલો.'
(વૈભવી દવે, અમદાવાદ)

* 'હલકુ લોહી હવાલદાર'નું... આ કયા ડોકટરનું સંશોધન છે?
- આવા સંશોધનો ડોકટરો ન કરે... ઉપરી પોલીસ અધિકારીઓ કરે!
(અરવિંદ આર. પટેલ, જામનગર)

* તમારૂં જેમ ડિમ્પલ સાથે ડીંડવાણું છે, એમ તમારા પુત્રનું ખરૂં?
- એ નોર્મલ છે.
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર)

* ... 'નમે તે ગમે'.. તમારે કેમનું?
- હું પરણેલો છું.
(કિશોર વ્યાસ, ઘોઘા)

27/12/2013

'ધરતી કહે પુકાર કે' ('૬૯)

ફિલ્મ : 'ધરતી કહે પુકાર કે' ('૬૯)
નિર્માતા : વૈશાલી ફિલ્મ્સ (મુંબઈ)
દિગ્દર્શક : દુલાલ ગુહા
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ
થીયેટર : મૉડેલ (અમદાવાદ)
કલાકારો : નંદા, જીતેન્દ્ર, સંજીવ કુમાર, કન્હૈયાલાલ, નિવેદિતા, દુર્ગા ખોટે, તિવારી, તરૂણ બૉઝ, અસિત સેન, જગદેવ, લીલા મિશ્રા, એ. કે. હંગલ, મનમોહન, મધુમાલિની, વાજીદખાન, મામાજી, અભિ ભટ્ટાચાર્ય.


ગીતો :
૧. જા રે કારે બદરા, બલમ કે પાસ, વો હૈ ઐસે બુદ્ધુ - લતા મંગેશકર
૨. જે હમ તુમ ચોરી સે, બંધે એક ડોરી સે, જઈયો કહાં- લતા - મુકેશ
૩. ખુશી કી વો રાત આ ગઈ, કોઈ ગીત જગને દો, ગાઓ રે - મુકેશ
૪. દિયે જલાયેં પ્યાર કે, ચલો ઈસી ખુશી મેં, બરસ બિતા કે - લતા મંગેશકર
૫. ધરતી કહે પુકાર કે, મુઝે ચાહનેવાલે, કિસ લિયે બૈઠા - મુહમ્મદ રફી

વાંક એનો પોતાનો હશે એટલે ફિલ્મનગરીમાંથી ક્રૂર ઢબે ફેંકાઈ ગયો, એનાથી ય વધુ ક્રૂર ઢબ એના સ્વભાવને કારણે આવી, નહિ તો કન્હૈયાલાલ જેવા સમર્થ ચરીત્ર અભિનેતાનો અન્ય કોઈ સાની નહતો. નાના પળશીકર એક જ બીજો અભિનેતા, જે કન્હૈયાલાલની બરોબરી કરી શકે, સ્વાભાવિક અભિનયમાં. બન્ને જાયન્ટ્સ દારૂની પ્યાલીમાં ડૂબી ગયા. નહિ તો મેહબૂબખાને ઠેઠ ૧૯૪૦માં જે ફિલ્મ 'ઔરત' બનાવી, એમાંથી બે જ કેરેક્ટરો એ જ ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં રીપિટ થયા તેમાંનો એક આ કન્હૈયાલાલ અને બીજી જીલ્લોબાઈ. (જે 'મુઘલ-એ-આઝમ'માં મધુબાલાની અને 'મધર ઈન્ડિયા'માં રાજકુમારની માં બને છે.) આ મહાન એક્ટરને તમે જે તે ફિલ્મોના હીરો કે અન્ય કલાકારો કરતા ય બે વ્હેંત ઊંચી અક્ટિંગ કરતા ફિલ્મ ગંગા જમુના, ગોપી, ઉપકાર, અપના દેશ, આજની ફિલ્મ 'ધરતી કહે પુકાર કે', છેલ્લે છેલ્લે 'હમ પાંચ'માં જોયો છે. રાજ કપૂરની ફિલ્મ 'સત્યમ્ શિવમ્ સુંદરમ્'માં નાનકડી દીકરી સાથે 'યશોમતિ મૈયા સે બોલે નંદલાલા' ગાય છે. મૂળ નામ કન્હૈયાલાલ ચતુર્વેદી બનારસનો સ્ટેજ આર્ટિસ્ટ અને પોતે નાટકો લખીને ભજવતો પણ ખરો. સ્વભાવ અને પ્રકૃતિ ખૂબ નડયા. હીરોઈનો એનાથી કદી ખુશ નહોતી. ૨૪ કલાક પાનના ડૂચા મ્હોંમાં હોય અને વ્હિમ્ઝીકલ પણ ખરો કે, આટલી પ્રસિદ્ધિ છતાં મુંબઈમાં એ છેલ્લે સુધી લોકલ બસોમાં મુસાફરી કરતો. લોકો જોઈને ઓળખી જાય, એ એને બહુ ગમતું.

પણ આજની આ ફિલ્મ 'ધરતી કહે પુકાર કે' પૂરેપૂરી કન્હૈયાલાલને કુરબાન છે. 'મધર ઈન્ડિયા'ના સુખીલાલા જેવો જ બીજો તગડો રોલ એને આ ફિલ્મમાં મળ્યો છે. બંગાળી દિગ્દર્શક દુલાલ ગુહાએ એને લાઈફ-ટાઈમનો રોલ આપ્યો છે. નાના અને સાવકા બન્ને ભાઈઓ-સંજીવ કુમાર અને જીતેન્દ્રને મોટા કરવામાં એ પોતાની જીંદગી ન્યોછાવર કરી દે છે. ફિલ્મનું એક દ્રષ્ય તો બહુ ભાવનાત્મક બન્યું છે. રોજની જેમ ચિક્કાર તાડી પીને આખલો બનેલો કન્હૈયાલાલ જીતેન્દ્રને ખૂબ બેરહેમીથી પિટે છે ને એને રોકતી પત્ની દુર્ગા ખોટેને છાતી કૂટતો કહે છે, 'પરબતીયા... મૈંને ઉસકો બહોત મારા... બહોત મારા... સૌતેલા થા, ના? ઈસ લિયે મારા.' દર્શકોની આંખોમાં આ દ્રષ્ય પાણી લાવી મૂકે છે કારણ કે સહુ જાણે છે કે, એ સાવકો ભાઈ હોવા છતાં સગા પિતાથી ય વધુ વાત્સલ્ય બન્ને ભાઈઓને બતાવ્યું છે, પણ જે જમીનદાર (તિવારી)એ એનું ઘર બર્બાદ કરી નાંખ્યું, એની જ દીકરી (નંદા) સાથે જીતેન્દ્ર પ્રેમો કરે છે, એ છોડાવવા કન્હૈયાલાલ જીતેન્દ્રને પિટે છે.

જમાનો તો પૂરજોશ જીતેન્દ્રનો એકલાનો ચાલતો હતો. આજુબાજુ કોઈ હરિફ નહિ. ધર્મેન્દ્ર કે શશી કપૂર પણ નહિ. રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચન હજી આવું આવું કરતા હતા. સંજયખાનથી માંડીને રાજેન્દ્ર કુમારના વળતા પાણી હતા. જીતેન્દ્ર આ ૧૦-૧૨ વર્ષોમાં જેટલું કમાયો હશે, એટલું આગળ-પાછળની એની જીંદગીમાં નથી કમાયો. મુમતાઝ સાથે એની જોડી શાશ્વત હતી. હેમા માલિની સાથે તો રીતસરનો લગ્ન કરવાનો હતો. એ તો હેમાનો બીજો પ્રેમી ધર્મેન્દ્ર સમજો ને, ઓલમોસ્ટ લગ્નના માંડવે જ હેમાની માતા મીસિસ ચક્રવર્તીને લઈ આવ્યો, એમાં જીતુભ'ઈ એક પત્ની હોવા છતાં બીજી ફિટ કરાવવાની કારીગરીમાં સહેજમાં રહી ગયા. હેમા માલિનીને તો જાણે સમજ્યા કે, પરણવું તો પરણેલા સાથે જ, એવો કોઇ નીમ-બીમ લીધો હશે, એટલે ધરમાને પોતાની સાથેના લગ્નની કૂપન આપી દીધી. જીતેન્દ્રની વાઇફ શોભા સિપ્પીએ ધમપછાડા તો બહુ કર્યા. એનો સગો ભાઈ ફિલ્મ 'શોલે'નો નિર્માતા નિર્દેશક રમેશ સિપ્પી. છતાં એ ખેલ ચાલતો રહ્યો. પછી બન્ને છુટા પડી ગયા. એકબીજા સાથે ફિલ્મો કરવાની બંધ કરી દીધી ને તો ય બી. આર. ચોપરાની ફિલ્મ 'ધ બર્નિંગ ટ્રેન'માં ધરમ, જીતુ અને હેમા ત્રણેય સાથે હતા.

ફિલ્મનગરીમાં તો આ બધાની કોઈ નવાઈ જ નહિ.

નંદાના ય આમ જુઓ તો વળતા પાણી શરૂ થઈ ગયેલા. સૌમ્ય અભિનય અને સુંદરતા બરકરાર હતી. બંગાળી દિગ્દર્શક દુલાલ ગુહાએ પંજાબી હીરો જીતેન્દ્ર, ગુજરાતી સાઈડ હીરો સંજીવ કુમાર, નંદા મરાઠી અને ફિલ્મમાં બાકીના તો ભરાય એટલા બંગાળીઓ લઈને ફિલ્મ 'ધરતી કહે પુકાર કે' ઉતારી. ફિલ્મ અમદાવાદની માડેલ ટોકીઝમાં આવી હતી અને આવ્યા પછીના ૬-૭ વીક્સ તો ટિકીટ નહોતી મળતી, એટલું તો અમે મોડેલની આસપાસ રહીએ એટલી ખબર.

જીતેન્દ્ર આટલા પૈસા કમાયો હોય તો એને એ લાયક છે. મહેનત એક બાજુ, પણ ધંધાદારી બુદ્ધિમાં પંજાબી હોવા છતાં રાજસ્થાનીના કોન્ટ્રાક્ટો રદ કરાવે, એવો ખેલંદો, પૈસેટકે પહેલેથી જ સુખી માં-બાપનો એ દીકરો હતો. નામ તો રવિ કપૂર હતું, પણ થઈ ગયો જીતેન્દ્ર. શરૂઆત વ્હી. શાંતારામ સાથે કરી હોવા છતાં ભ'ઈ પત્તું ઉચકાયું નહિ. પણ નિર્માતા દેવી શર્માની એક ફિલ્મ બની રહી હતી, રાજશ્રી સાથેની 'ગુન્હાઓં કા દેવતા'. એ જો હિટ જાય તો માર્કેટ ઉચકાય એમ હતું, પણ આ ફિલ્મમાં શંકર-જયકિશને સંગીત આપવાની ના પાડી હતી. એમની ફી નિર્માતાને પોસાય એવી નહોતી. જીતુનું કિનારે આવેલું વહાણ ડૂબતું હતું. એ પહોંચી ગયો આ સંગીતકારો પાસે. આ ફિલ્મમાં કામ કરવા માટે જીતેન્દ્રને જે રકમ મળવાની હતી, તે બધી એણે શંકર-જયકિશનને આપી દીધી. 'હવે પાડો, ના'. પેલા બન્નેએ ના ન પાડી અને જીતુની ગણત્રી પરફેક્ટ સાચી પડી. આ ફિલ્મમાં શંકર-જયકિશને ખાસ કાંઈ ઉકાળ્યું નહોતું, છતાં નામ જોરદાર હતું અને સીધો ફાયદો જીતુને થયો. એક અક્ટર તરીકે જીતેન્દ્ર માટે સન્માનીય વાત કોઈ નહિ કરી શકે. ઈવન ધર્મેન્દ્ર, મનોજ, પ્રદીપ કુમાર, ભારત ભૂષણ, જોય મુકર્જી કે મોટા ભાગે તો શશી કપૂરે ય નહિ, પણ જામનગરના લગભગ ૮૦ પ્લસની ઉંમરે પહોંચેલા વડિલ શ્રી અશ્વિનભાઈ ઝાલા માટે જીતેન્દ્ર આજે ય ઘણો લાડકો છે. (આ માટે અભિનંદન અશ્વિનભાઈને નહિ... જીતેન્દ્રને આપવા પડે!)

સંજીવ કુમાર કેટલો સાહજીક અક્ટર હતો, એની પ્રતિતી એ '૬૦ના દાયકાની એની પહેલી ફિલ્મથી જ કરાવતો રહ્યો છે. આ ફિલ્મમાં એ નિવેદિતાનો પતિ બને છે. વાસ્તવમાં પણ નિવેદિતાનો પતિ બનવાના ઘણા વલખા એણે મારેલા. કામેડી એ વાતની થઈ કે, એક બાજુ જોય મુકર્જી નિવેદિતાની પાછળ, એની પાછળ એનો ભાઈ દેબુ મુકર્જી અને આ બન્નેની સામે સંજીવ. પણ ત્રણે એવું માને કે નિવેદિતા મને નહિ. પેલાને પ્રેમ (અથવા પ્રેમો) કરે છે. સરવાળે જાય તો પરણેલો હતો અને સંજીવને માટે નિવેદિતા 'એક બીજી છોકરી'થી વિશેષ કાંઈ નહોતી. એ બીજે પરણી ગઈ.

આ ફિલ્મ એકદમ અદ્ભૂત તો નહિ, પણ કન્હૈયાલાલના અભિનય ઉપરાંત લક્ષ્મીકાંત-પ્યારેલાલના કર્ણપ્રિય સંગીતને કારણે પણ ખૂબ ચાલી હતી. શંકર-જયકિશનના નકશે કદમ પર ચાલીને ખાસ કરીને આરકેસ્ટ્રેશનમાં આ જોડીએ જીવનભર અદ્ભૂત સંગીત આપ્યું છે. એમના જેટલા અને જેવા ઠેકા તો કદાચ કોઈ સંગીતકારોએ આટલી માત્રામાં નથી આપ્યા. એક 'સરગમ ઠેકો' તો એમના નામે આજના સંગીતકારો પણ વગાડે છે. યાદ કરો, 'પથ્થર કે સનમ'માં લતા મંગેશકરના 'કોઈ નહિ હૈ, ફિર ભી હૈ મુઝકો...' ગીતમાં ઢોલક-તબલાનો ઠેકો. એ પછી બહુ પ્રસિદ્ધ નહિ થયેલું ફિલ્મ 'અભિનેત્રી'નું લતાનું જ, 'ખીંચે હમ સે સાંવરે ઈતને ક્યું હો...' ગીતનો ઠેકો યાદ કરો. રિધમ સેક્શન ઉપરાંત ધૂનોમાં ય આ બંનેની કાબેલિયત ઝળહળતી હતી. તમામ જોડી સંગીતકારોમાં કેવળ લક્ષ્મી-પ્યારેની એક જ જોડી એવી હતી, જે કદી ઝગડી નથી. આજે પ્યારેલાલ હયાત છે અને કેટલા આદરથી લક્ષ્મીકાંત કુડાલકરને યાદ કરે છે!

'ધરતી કહે પુકાર કે'ની વાર્તામાં દમ તો હતો. ગામડા ગામમાં ખેતી કરીને ગુજારો કરતા ખેડૂત ગંગારામ (કન્હૈયાલાલ) તેની પત્ની પરબતી અને અભણ દીકરા શિવા (જીતેન્દ્ર) સાથે રહે છે. બીજો દીકરો મોતી (સંજીવકુમાર) ભણવા અને કમાવા શહેરમાં જુદો રહે છે, જ્યાં એ નિવેદિતાના પ્રેમમાં છે. નિવેદિતા મશહૂર એડવોકેટ તરૂણ બૉઝની દીકરી છે. આ બાજુ રાધા (નંદા) વ્યાજખાઉ જમીનદાર હરિબાબુ (તિવારી)ની દીકરી શિવાના પ્રેમમાં છે ને હરિબાબુ એવા ભ્રમમાં કે, રાધા મોતીને પ્રેમ કરે છે. મોતી ઈન ફેક્ટ નિવેદિતાને પરણી ચૂક્યો હોય છે, પણ માં-બાપને જાણ થવા દેતો નથી કે, કદાચ શહેરની છોકરીને એ લોકો પસંદ નહિ કરે. પરિણામે, હરિબાબુ તરફથી રાધાને મોતી સાથે પરણાવવાનું માંગુ ગંગારામ સ્વીકારી લે છે અને મોતીના લગ્ન રાધા સાથે ગોઠવી દે છે. આ બાજુ રાધા અને શિવાનો પ્રેમ કડડભૂસ થઈ જાય, એ પહેલા નાટયાત્મક વળાંકો વચ્ચે સ્ટોરી તરડાતી-મરડાતી રહે છે. '૫૦ અને '૬૦ના દાયકાની મોટા ભાગની ફિલ્મોમાં દરેક વાર્તાલેખકની પિન આ રીતે ચોંટી જતી હતી કે, વાર્તાનો અંત સીધી રીતે નહિ લાવવાનો. વચમાં વિલનો રોડાં નાંખે, સંજોગો બદલાયા કરે કે ઘરમાં બબાલો ઊભી થાય, એવું બધું આવે રાખે, નહિ તો ત્રણ કલાકની ફિલ્મ પૂરી ક્યાંથી થાય. અડધી વાર્તા તો ફિલ્મ શરૂ થતા જ સમજાઈ જતી હોય કે, નંદા વ્યાજખાઉ તિવારીની દીકરી ગરીબ કિસાન જીતેન્દ્રના પ્રેમમાં છે, જેની તમામ જમીન તિવારીએ પચાવી પાડી છે, એ બધી ફિલ્મ પૂરી થતા સુધીમાં તો પાછી આપી જ દેવાનો છે.

કરોડપતિ સસુર તરૂણ બોઝ આખી ફિલ્મમાં આડો ફાટે રાખે કે એની ગુમાની દીકરી ગામડીયા જીતેન્દ્રના અપમાનો કરતી રહે, પણ મહાત્મા ગાંધીના અવતારસમા જીતુભ'ઈ એમાંનું કશું મન પર લેવાના નથી ને છેલ્લે તો આવી વહુને એનો આવો બાપ સજ્જનો થઈ જવાના છે.

અર્થાત્, કેવળ પ્રેમલા-પ્રેમલીના વિષય ઉપર જ બનતી એ ફિલ્મોમાં વાર્તાની દ્રષ્ટિએ નવું કાંઈ નહોતું આવતું. ઋષિકેશ મુકર્જીએ સરસ વાત કરી હતી કે, જગતભરમાં મક્સિમમ ૨૬ પ્રકારે જ વાર્તા લખી શકાય છે. ૨૭મો પ્રકાર બન્યો જ નથી. એ વપરાઈ ગયા પછી નવી વાર્તા લખવા માટે ૨૬ વાર્તાના ટુકડાઓ ઈધર કા ઉધર કરીને નવી વાર્તા બનાવી દેવાય છે.

એ જોતા આજે જે ફિલ્મો બને છે, એમાંની ભલે ૯૦ ટકા કચરો હોય છે, પણ બાકીની સર્વાંગ સુંદર હોય છે.

25/12/2013

ફિલ્મી માતાઓ

દૂરદર્શન પર પ્રસ્તુત થયેલ ફિલ્મી માતાઓ વિષે કાર્યક્રમ


23/12/2013

ઍનકાઉન્ટર : 22-12-2013

* આપણા ડૉ. મૌનસિંઘ હાથ હલાવ્યા વગર કેમ ચાલે છે ?
- એમનું ચાલે તો એ પગ પણ હલાવ્યા વગર ચાલે !
(મયૂરી કિશોર પટેલ, રાજકોટ)

* તમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવે તો પહેલું કામ કયું કરો ?
- મારૂં લક્ષ્ય બાકીની જીંદગીમાં વધુ સારા માણસ બનવાનું છે... જય હો !
(સલીમ દીવાન, ખેરાલુ)

* 'ઍનકાઉન્ટર'માં જવાબ મેળવવા માટે કયા ધોરણો અપનાવાય છે ?
- એ જ કે, તમે આ જવાબ આપનાર કરતા વધુ સ્માર્ટ હોવા જોઈએ !
(માયા સી. વાળા, ભાવનગર)

* વૃધ્ધોના પહેરવેશમાંથી ધોતી, લાકડી અને ટોપી કેમ ગૂમ થઇ ગયા ?
- એનું સ્થાન પાઘડી, બંડીના બે ખિસ્સા અને કોલસાએ લીધું છે.
(પુલીસ સી. શાહ, સુરેન્દ્રનગર)

* અખબારો અલગ 'આસારામ પૂર્તિ' કેમ બહાર પાડતા નથી ?
- એને બદલે આ 'અસોકરામ પૂર્તિ' વધારે ઉપડે છે.
(સંજય બી. શેઠ, મોડાસા)

* રાત્રે દોડતી ગાડીની પાછળ કૂતરાઓના દોડવા પાછળ શું લૉજીક હશે ?
- ...અને એ પાછું તમે મને પૂછી રહ્યા છો..!
(તેજસ કે. પ્રજાપતિ, મહેસાણા)

* આપણા દેશની લોકશાહીમાં હવે ન્યાયતંત્રમાં પણ રાજકારણ કેમ આવી ગયું છે ?
- જસ્ટિસ ગાંગુલી પણ આવી ગયા છે.
(દુષ્યંત કારીયા, મોરબી)

* શ્રેષ્ઠ સવાલને ઇનામ આપવાનું કેમ શરૂ કરતા નથી ?
- નામ સાથે સવાલ છપાય, એ જ મોટું ઈનામ છે. ૭૫-લાખ વાચકો તમારૂં નામ વાંચવાના છે.
(શ્રીમતી ઇંદુ ચંદારાણા, વડોદરા)

* રક્તદાન કૅમ્પમાં કદી કોઇ રાજકારણીને જોયો નથી....શું કારણ હશે ?
- આ બતાવે છે કે, આપણી પ્રજા હજી આભડછેટમાં માને છે.
(કનુ એચ. ભાવસાર, વડનગર)

* અશોકજી, આપની મનપસંદ હીરોઇનની તો સહુને ખબર છે, પણ મનપસંદ હીરો કોણ ?
- અમિતાભ બચ્ચન.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* સ્મશાનયાત્રામાં 'રામ બોલો ભ'ઇ રામ' બોલાય છે....બીજા ભગવાનનું કેમ કદી નહિ ?
- મહાત્મા ગાંધી છેલ્લા શ્વાસે 'હે રામ' બોલ્યા હતા. આપણા ભારતવાસીઓ માટે ગાંધીજી શ્રીરામથી સહેજ પણ ઉતરતા નથી.
(તસ્નીમ હકીમુદ્દીન વ્હોરા, ઉમરેઠ)

* શું સફળ દાંપત્યજીવન 'આવતી કાલ' જેવું છે ?
- મને ય એની ગઇ કાલે જ ખબર પડી.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* આપણા ગુજરાતના પ્રધાનો કપડાં કેમ લઘરવઘર પહેરે છે ?
- યસ. એક માત્ર પ્રદીપસિંહજી જાડેજા અપટુડેટ રહે છે.
(કિશોરી ચી. પટેલ, ગાંધીનગર)

*...અને ૨૦૧૪ની ચૂંટણીઓ પછી ડૉ. મનમોહનસિંહ ફરી વડાપ્રધાન થઇ ગયા તો...?
- લોકો પોતાના ગયા પછી કોક સારૂં કામ કરતા જાય... મનુભ'ઇએ જતા પહેલા કર્યું છે કે, (ઈન કૅસ) કોંગ્રેસ સત્તા ઉપર આવે, તો એ વડાપ્રધાન નહિ બને ! બોલ શ્રી અંબે માત કીઇઇઇઇ...?
(ધૂ્રવ રવિન્દ્રભાઈ પંડયા, પ્રાંતિજ)

* ઍમ્બ્યૂલન્સમાં સુંદર નર્સને જોઇને દર્દીના સગાને શું વિચાર આવતો હશે ?
- વિચારનો અમલ.
(મધુકર પી. માંકડ, જામનગર)

* 'નવરા નખ્ખોદ વાળે' તો બીઝી....?
- તમે સવાલ પૂછ્યો છે ને હું જવાબ આપવામાં બીઝી છું.
(તૌસિફ બી. ગોગદા, રાજુલા)

* બે સ્ત્રીઓ ભેગી થઇને વાતો શું કરતી હશે ?
- ....કે, 'આપણે શું વાતો કરતા'તા....?'
(કરણ જોબનપુત્રા, જૂનાગઢ)

* વિરોધીઓ નરેન્દ્ર મોદીને 'મિસ્ટર ફેંકુ' કહે છે...આપની કૉમેન્ટ ?
- વિરોધીઓ સાચા છે. મોદી કોંગ્રેસને ફેંકી તો દેશે જ !
(કુત્બુદ્દીન ગુલામઅલીવાલા, દાહોદ)

* બધા કૌભાંડીઓને સમય જતા 'ક્લીન ચીટ' કેમ મળી જાય છે ?
- ક્લીન ચીટો બહુ સસ્તામાં પડે છે.
(જયેશ કે. સંપટ, મુંબઇ)

* દવે, તમે 'વેદ' ભણ્યા છો કે પછી રામ રામ ?
- હે ય.. રામ રામ... રામ રામ !
(વૈશાલી ભટ્ટ, રાજકોટ)

* આપણને ડૉલર એક રૂપિયામાં ક્યારે મળતો થશે ?
- આપણાં ભાજપ-કોંગ્રેસમૅનોને અમેરિકાની પાર્લામૅન્ટમાં જોડાવા દો !
(અનિલ સી. પારેખ, બિલીમોરા)

* તમે રહો છો, એ ફ્લૅટના પાડોશીઓ તમને હાસ્યલેખક તરીકે ઓળખે છે ખરા ?
- સાચ્ચે જ... ''એકે ય નહિ ! એ લોકોનું વાંચન તો બહુ ઊંચુ છે”.
(જયેશ અંતાણી, ભાવનગર)

* તમને પોરબંદરનું ચોમાસું ગાળવું ગમે છે....પણ આ શિયાળામાં વરસાદ ક્યાંથી લાવવો ?
- ન લાવતા, પણ દરિયા કિનારે સરસ મઝાનો ગરમાગરમ કાવો તો મળે છે ને ?
(ડૉ. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

* 'બુધવારની બપોરે'ની 'સિક્સર' ક્યારેક બહુ ઊંચી જાય છે....થોડીક નીચી લગાવતા હો તો ?
- મને મારી સિક્સર સમજાય તો ઊંચી કે નીચી કરૂં ને, ભ'ઇ....ચલો પંખો ચાલુ કરો !
(હસમુખ રાજાણી, રાજકોટ)

* દુનિયા બનાવી લીધા પછી ઇશ્વરે સ્ત્રીને બનાવી....પછી હાથ ધોઇ નાંખ્યા, સુંઉ કિયો છો ?
- અફ કૉર્સ, કોઇ સારૂં કામ કર્યા પછી ય હાથ તો ધોવા જ જોઇએ.
(વિનુ આર. ભટ્ટ, બાબરા-અમરેલી)

* 'ઇશ્વરને ગમ્યું તે ખરૂં', એવું આપણે ત્યાં બોલાય છે....આમાં ઈશ્વર વચ્ચે ક્યાં આવ્યો ?
- ઓકે...ઈન ધેટ કૅસ... ''અશોકને ગમ્યું તે ખરૂં !''
(અખિલ બી. મેહતા, અમદાવાદ)

20/12/2013

'અનુરાધા' ('૬૦)

ફિલ્મ - 'અનુરાધા' ('૬૦)
નિર્માતા - એલ. બી. લછમન
દિગ્દર્શક - ઋષિકેશ મુકર્જી
સંગીત - પંડિત રવિશંકર
ગીતો - શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ - ૧૪૧ મિનીટ્સ-૧૪ રીલ્સ
કલાકારો - બલરાજ સાહની, લીલા નાયડૂ, અભિ ભટ્ટાચાર્ય, બેબી રાનુ, નઝીર હુસેન, હરિ શિવદાસાણી, મુકરી, રાશિદ ખાન, અસિત સેન, અશિમ કુમાર, માધવ ચીટણીસ, ભૂડો અડવાણી.ગીતો
૧. જાને કૈસે સપનોં મેં સો ગઈ અખીયાં, મૈં તો હું જાગુ - લતા મંગેશકર
૨. સાંવરે સાંવરે, કાહે મોસે કરો જોરાજોરી, બૈંયા ના - લતા મંગેશકર
૩. હાય રે વો દિન ક્યું ના આયે રે, જા જા કે રિતુ - લતા મંગેશકર
૪. કૈસે દિન બીતે, કૈસે બીતિ રતીયાં, પિયા જાને ના - લતા મંગેશકર
૫. બહુત દિન હુએ તારોં કે દેશ મેં, ચંદા કી નગરીયા મેં - મન્ના ડે-મહેન્દ્ર કપૂર
૬. સુન મેરે લાલ, યું ના હો બેહાલ, યું ના હો બેહાલ - મન્ના ડે
૭. બહુત દિન હુએ તારોં કે દેશ મેં, ચંદા કી નગરીયા મેં - લતા-મન્ના ડે

ફિલ્મ ઋષિકેશ મુકર્જીની હોય એટલે આપણે ત્યાં એક વર્ગ છે, જે શિક્ષિત, સંસ્કારી, ડીસન્ટ અને કેવળ ઉત્તમ ચીજો જ પસંદ કરનારો છે. આ વર્ગ ઘેર બેઠો સ્વામી વિવેકાનંદ અને શેક્સપિયરે ય વાંચતો હોય, આધ્યાત્મિક-પ્રવચનોમાં નિયમિત જતો હોય, સંગીતમાં ચોક્કસ કક્ષાનો રસ ધરાવતો હોય ને કોઈ પણ વિષયનું છીછરાપણું એમનાથી કોસો દૂર હોય.

આવા વર્ગ માટે ઋષિ દા ફિલ્મો બનાવતા અને એમાંની એક એટલે આ, 'અનુરાધા'. ઋષિ દા એ બનાવેલી ફિલ્મોનું લિસ્ટ આપું છું, એ વાંચીને તમને કઈ કઈ ફિલ્મો કેટલી ગમી હતી, તે નક્કી કરી લો, એટલે તમારો ક્લાસે ય નક્કી થાય, તમારી પોતાની નોંધપોથી પૂરતો, એમની આ ફિલ્મો હતીઃ

મુસાફિર, અનાડી, અનુરાધા, અસલી-નકલી, આશિક, સાંઝ ઔર સવેરા, અનુપમા, આશિક, ગબન, આશિર્વાદ, સત્યકામ, પ્યાર કા સપના, આનંદ, ગુડ્ડી, બાવર્ચી, અભિમાન, ચૈતાલી, અર્જુન પંડિત, આલાપ, મિલી, કોતવાલ સા'બ, નૌકરી, ગોલમાલ, જુર્માના, નરમ ગરમ, નમક હરામ, ચુપકે ચુપકે, મિલી, ગોલમાલ, ખૂબસુરત, નરમ ગરમ, બુઢ્ઢા મિલ ગયા, કિસી સે ના કહેના, જુઠી, લાઠી, નામુમકીન, સબ સે બડા સુખ, અભિમાન, નમક હરામ, ફિર કબ મિલોગી, જુઠ બોલે કૌવા કાટે અને આપણા બધાનું ઓલ ટાઈમ ફેવરિટ... રંગબિરંગી.

એક જમાનામાં નિર્માતા તરીકે એલ. બી. લછમન અને દિગ્દર્શક તરીકે ઋષિકેશની જોડી પર્મેનેન્ટ હતી. 'અનુરાધા', 'અનુપમા', 'અનાડી', 'આનંદ'... લછમનની ફિલ્મોમાં પહેલા બે અક્ષરો 'અન...' આવે જ. પણ યાદી તો જોઈ ને? કેવી હેતુલક્ષી ફિલ્મો હતી!

ઋષિ દા મૂળ તો ચેલા ય બિમલ રોય જેવી હસ્તિના ને! ક્યાંય કશું દસ ગ્રામ ઓછું તો હોય પણ નહિ! આ બધી ફિલ્મોનું પોત જોશો તો એક વાત કોમન નીકળશે કે, ઋષિ દાની મોટા ભાગની ફિલ્મો તદ્ન હળવી હતી, ભાર વગરની. મોટા મોટા ઉપદેશો નહિ કે સમાજને રાતોરાત સુધારી નાંખવાની કોઈ ફોર્મ્યુલા નહિ... ઓન ધ કોન્ટ્રારી, હળવાશના માધ્યમથી આપણી ફેમિલી-લાઈફમાં શાંતિ અને સુખ લાવવા મેક્સિમમ શું શું કરી શકાય તેમ છે, એના હળવા ઈશારા એમની ફિલ્મોમાં થયા હોય. અમથી ય, એમની ફિલ્મો કાંઈ રજત-જયંતિઓ નહોતી કરતી અને એ વાત એ પોતે અને એમની ફિલ્મોના નિર્માતા-ડિસ્ટ્રીબ્યુટરો અને પ્રેક્ષકો ય જાણતા હતા. પણ આ કોલમ વાંચનારો વાચક જે ક્લાસમાંથી આવે છે, એ લેવલની ફિલ્મો દાદા બનાવતા.

'અનુરાધા' એવી જ એક હેતુલક્ષી ફિલ્મ હતી. હેતુલક્ષી એટલા માટે કે, એકબીજાને ખૂબ પ્રેમ કરતા પતિ-પત્નીના જીવનમાં કોઈ દેખિતા કારણ અને કોઈના ય વાંક વગર પ્રોબ્લેમ મોટો થાય ત્યારે રસ્તો ક્યો શોધવો શાંતિનો, એની ઉપર આખી વાર્તા લખાઈ છે. ગામડા ગામમાં સાયકલ પર ફરીને ઝૂંપડે-ઝૂંપડે દર્દીઓની સેવા કરવાનો ભેખધારી બલરાજ સાહની કામ તો ઉત્તમ કરે છે, પણ ઘેર આખો દિવસ રાહ જોઈને બેઠેલી પત્નીને પણ પતિ પાસેથી કશું અપેક્ષિત હોય... બીજું કાંઈ નહિ તો છેવટે પતિ-પત્ની નિરાંતે ઘેર બેસી શકે કે ક્યારેક બહાર ફરવા નીકળી શકે...! સમાજસેવાને કારણે બલરાજ એ કરી શકતો નથી, ત્યારે પત્નીની શું હાલત થાય ને તનાવ કેવો ઊભો થાય ને એવો તનાવ થયા પછી એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ખરો, એ જોવા અને સમજવાની બહુ સુંદર ફિલ્મ આ 'અનુરાધા' હતી.

ટાઈમનું કાંઈ નક્કી ન હોય, એવા આપણે ત્યાં ડોક્ટરો કે બિઝનેસમેનોના અંગત જીવનમાં આજે ય આવું બનતું હોય છે. ફરક નવા જમાના પ્રમાણે પડી જાય છે કે, આજની વાઈફો પતિથી કાયમની આવી દૂરી બર્દાશ્ત કરી શકતી નથી. કાં તો કાયમી ઝગડા ટાળવા ઘર છોડીને જતી રહે છે. અથવા રોજેરોજ એકના એક ઝગડા ચાલુ રાખે છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે, આખો દિવસ ધંધામાં કે કલબોમાં રચ્યાપચ્યા રહેતા પતિદેવો સામે કોઈ ફરિયાદ કર્યા વગર હવેની વાઈફો બોલ્યા-ચાલ્યા વગર કોઈ બીજા પુરુષના પ્રેમમાં પડી જાય છે. એમના વરોને આની ખબર પડતી નથી ને પડે છે તો કશું કરી શકતા નથી અથવા તો મૂંગે મોંઢે બધું ચલાવે રાખે છે. વ્યસ્ત પતિ ગમે તેટલું કમાતો હોય, ઘર એની પ્રાયોરિટી ન હોય તો છોકરાઓ ય બીજા પુરુષને 'અન્કલ-અન્કલ' કહેવા માંડીને પિતા કરતા અન્કલનું વધારે થઈ જાય છે. સ્માર્ટ બિઝનેસમેનનું સૌથી પહેલા સ્માર્ટ પતિ હોવું વધારે જરૂરી છે કે જે પત્નીને પણ રાજી રાખે, એનું પૂરતું ધ્યાન રાખે, એના મોજશોખની પણ પરવાહ કરે અને ધંધા માટે ચોક્કસ સમય જ ફાળવે.

ખેર... ફિલ્મ તો સ્વચ્છ હતી. એટલે એવું કશું બનતું નથી.

બલરાજ સાહનીને આ ફિલ્મમાં જુઓ, એટલે પહેલો વિચાર એ આવે કે, આવા સોબર રોલમાં બલરાજ સિવાય એકે ય એક્ટર ન જામે. બલરાજની પર્સનાલિટી પવિત્ર હતી. અવાજ મીઠડો હતો એટલે તો લંડનના બીબીસી રેડિયો પર એ એનાઉન્સર હતો. આમ તો એની મોટા ભાગની ફિલ્મોના રોલ એક ઢાંચાના હતા કારણ કે, 'અમર, અકબર, એન્થની'ના એન્થનીભાઈના રોલમાં ન ચાલે. 'શોલે'ના ગબ્બરસિંઘમાં એ બહુ માઈલ્ડ પડે કે કિશોર કુમારનો તો એકે ય રોલ ફિટ ન થાય... એ ચાલે, નંદાના ભાઈ તરીકે 'છોટી બહેન'માં, અનાથાશ્રમના પ્રેમાળ સંચાલક તરીકે 'સીમા'માં કે 'દો બીઘા જમીન'ના રીક્ષાવાળા તરીકે ચાલે.

લીલા નાયડૂની ફિલ્મી શરૂઆત તો ઈંગ્લિશ ફિલ્મથી થઈ હતી, The Girl Who Wanted To Equal The God. એ પછી તો એણે શશી કપૂર સાથે The House Holder અને બીજી એક ફિલ્મ The Guru પણ કરી. એ સમયના કે આજના ફિલ્મો કલાકારો ઈંગ્લિશ બોલવામાં પરફેક્ટ હતા. મુંબઈ અને ગુજરાત વચ્ચે આટલો ફરક તો આજ સુધી ચાલ્યો આવે છે. આપણે ધોરણ આઠથી (મગન માધ્યમ) ઈંગ્લિશની A, B, C, D શીખ્યા, જ્યારે મુંબઈ-દિલ્હીવાળાઓ યા તો પાંચમાં ધોરણથી ઈંગ્લિશ શીખ્યા ને યા પહેલેથી જ ઈંગ્લિશ મીડીયમમાં ઉછરેલા હતા, એટલે કૉલેજ પણ માંડ પહોંચેલા એ જમાનાના રાજ કપૂર, દિલીપ કુમાર કે દેવ આનંદો કડકડાટ ઈગ્લિશ બોલી શકતા. આપણા ગુજરાતમાં તો જે લોકો પાસેથી સ્પોકન ઈંગ્લિશ કડકડાટ બોલાવાની અપેક્ષા હોય, એ ખુદ ડોક્ટરો ય પોતાના વ્યવસાયની ટર્મિનોલોજીને બાદ કરતા ફ્લ્યુએન્ટ ઈંગ્લિશ બોલી શકતા નથી. યસ, આવા ડોક્ટરો માંડ ૩૦ ટકા હશે, પણ બાકીના સુંદર ઈંગ્લિશ બોલે છે.

લીલા નાયડૂને શોધી કાઢી ઋષિકેશ મુકર્જીએ અને આ ફિલ્મ 'અનુરાધા'ની હારોહાર દેવ આનંદ સાથે ફિલ્મ 'જીના ઈસી કા નામ હૈ' પણ બનાવવા માંડી. કમનસીબે, વાંધો ક્યાંક પડયો ને દેવ આનંદવાળી ફિલ્મ અભેરાઈ પર ચઢાવી દેવાઈ. લીલા નાયડૂના ચેહરા ઉપર ભારત ઉપરાંત કોઈ અન્ય રંગ જણાતો હોય તો તમારું નિરીક્ષણ સાચું છે. લીલાના ફાધર ઈન્ડિયન અને મધર ફ્રેન્ચ હતા. નૂતન અને તનૂજાની જેમ લીલા નાયડૂએ પણ સ્કૂલ સ્વિત્ઝરલેન્ડમાં કરી હતી.

લીલાનો પહેલો પતિ તિલકરાજ (ટીક્કી) ઓબેરોય હતો, જે દેશની ફાઈવ સ્ટાર હોટેલો 'ઓબેરોય'નો માલિક હતો. એની સાથે છુટાછેડા લીધા પછી લીલા નાયડૂ પત્રકાર ડોમ મોરાયસને પરણી. એમાં ય છુટા છેડા થયા. કહે છે કે, ડોમ મોરાયસ લીલાને ખુલ્લેઆમ ખૂબ મારઝૂડ કરતો...!

લીલા નાયડૂનું જન્મ વર્ષ ૧૯૪૦ હતી અને અવસાન થયું તા. ૨૮ જુલાઈ, ૨૦૦૯ના રોજ. એના પિતા ડો. પટ્ટીપતિ રામૈયા નાયડૂ બહુ એટલે બહુ મોટા સાયન્ટીસ્ટ હતા. દેશનું ય બહુમાન એ વાતમાં છે કે, આ ડો. નાયડૂ જગપ્રસિદ્ધ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક મેડમ મેરી ક્યુરીના હાથ નીચે કામ કરતા હતા.

કેન્સરમાં જે રેડિયેશન થેરાપી અપાય છે, તેના શોધક એ હતા. કમનસીબે, રેડિયેશનના કિરણો વચ્ચે જ કામ કરવાનું હોવાથી ખુદ એમને કેન્સર થઈ ગયું અને અવસાન પામ્યા.

લીલાએ ભારતનું નામ રોશન કર્યું હતું. વિશ્વવિખ્યાત ફેશન મેગેઝિન 'ધ વૉગ' દ્વારા થયેલા સર્વે મુજબ, વિશ્વની પ્રથમ ૧૦ સુંદર સ્ત્રીઓમાં એ સ્થાન પામી હતી. હજી વધારે અભિમાન એ વાતે લેવાય એવું છે કે, આ દસમાંથી બીજી ઈન્ડિયન સ્ત્રી જયપુરના સ્વ. મહારાણી ગાયત્રીદેવી પણ હતા. મુંબઈના વર્ષો સુધી દેશભરમાં ગાજતા રહેલા 'નાણાવટી ખૂન કેસ' પરથી અભિનેત્રી સાધનાના પતિ આર. કે. નૈયરે બનાવેલી ફિલ્મ 'યે રાસ્તે હૈ પ્યાર કે'માં લીલાએ આવો વિવાદાસ્પદ અને નારી જાતિને કલંકિત કરતો રોલ પણ હિમ્મત ભેર સ્વીકાર્યો હતો. પ્રદીપ કુમાર સાથે એની એક કોસ્ચ્યુમ ફિલ્મ 'બાગી' પણ આવી હતી, જે એ જમાનામાં રંગીન હતી અને અમદાવાદની અશોક ટોકીઝમાં આવી હતી. મુહમ્મદ રફીના બે શાનદાર ગીતો ચિત્રગુપ્તે બનાવ્યા હતા. યાદ છે, 'બહાર નઝર કરું, અપના પ્યાર નઝર કરું, જો તુમ કહો તો નઝર કા ખુમાર નઝર કરું' અને બીજું, 'આપ મૌજુદ યહાં, ફિર હમેં હોશ કહાં, હર અદા તૌબા શિકન...'

આપણા ફલેમબોયન્ટ હીરો શશી કપૂર સાથે લીલાની ઈંગ્લિશ ફિલ્મ 'ધી હાઉસ હોલ્ડર' પણ આવી હતી. '૬૨ની સાલમાં એવી જ ઈંગ્લિશ ફિલ્મ ધી ગુરુમાં ય એ ખરી. પેલા મામા-ભાણેજ અશોક કુમાર અને જોય મુકર્જી સાથે લીલાએ 'ઉમ્મીદ' ફિલ્મ કરી હતી, જેનું કોઈને નામે ય યાદ નથી. છેલ્લે એ શ્યામ બેનેગલની બેનેગલની ફિલ્મ 'ત્રિકાલ'માં નસીરૂદ્દીન શાહ સાથે ચમકી હતી.

કારણ તો કોઈને ખબર નથી પણ લીલા નાયડૂએ રાજ કપૂરને સતત ચાર ફિલ્મોની હીરોઈન બનવા માટે ધરાર ના પાડી દીધી હતી. એમ તો દેવ આનંદની ફિલ્મ 'ગાઈડ'ની હીરોઈન હોત આ લીલા નાયડૂ, પણ ફિલ્મમાં હીરોઈન કાબિલ ડાન્સર હોવી જરૂરી હોવાથી એ રોલ વહિદા રહેમાનને મળ્યો.

રાષ્ટ્રપતિનો સ્વર્ણપદક જીતનારી આ ફિલ્મની સામાજિક વાર્તા આકર્ષક હતી, સેન્સિબલ હતી. ફિલ્મી લેખક તરીકે તમે ઘણી ફિલ્મોમાં જેનું નામ સાંભળ્યું હશે, તે બંગાળી સચિન ભૌમિકે કોલકાતા 'દેશ મેગેઝિનમાં અનુરાધા'ને ટૂંકી વાર્તા તરીકે લખી હતી. પણ મૂળ તો એ વિશ્વવિખ્યાત નવલકથાકાર ગુસ્તાફ ફ્લ્યૂબર્ટની જાણીતી નોવેલ 'મેડમ બોવેરી' પર આધારિત હતી.

આ ફિલ્મમાં સંગીત આપવા માટે ઋષિ દા પંડિત રવિશંકરને મનાવી શક્યા, નહિ તો પંડિતજીએ '૪૬માં બે ફિલ્મો 'ધરતી કે લાલ' અને ચેતન આનંદની ફિલ્મ 'નીચા નગર'માં સંગીત આપ્યું, પણ કાંઈ કશું જામ્યું નહિ, એટલે પંડિતજી સમજીને જ આ ફીલ્ડમાંથી ખસી ગયા ને તો ય રાજ કુમારની ફિલ્મ 'ગોદાન'માં આહલાદક સંગીત આપ્યું. (મુકેશનું 'હિયા જરત રહેત દિન રૈન...') આ ચાર ઉપરાંત છેલ્લે છેલ્લે બે જ ફિલ્મોમાં રવિશંકરે સંગીત આપ્યું, ગુલઝારની 'મીરાં' અને સર રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી'.

પંડિત રવિશંકર તો પરમ આદરણીય સંગીતજ્ઞા હતા. આ ફિલ્મમાં તો એમણે પોતે એક નવો રાગ શોધ્યો હતો, 'રાગ : જનસંમોહિની'. 'હાય રે વો દિન ક્યુ ના આયે રે... જા જા કે રિતુ, લૌટ આયે'. અને બીજું, 'કૈસે દિન બીતે, કૈસે બીતિ રતીયાં' રાગ તિલક શ્યામ, પણ સ્થાયી પછી અંતરામાં રાગ ઝીંઝોટીની અસર આવે છે, 'નેહા લગા કે મૈં પછતાઈ...' યાદ હોય તો એમાં લય પણ બદલાઈ જાય છે. રવિશંકરજીએ આ રાગ 'તિલક શ્યામ' રાગ તિલક કામોદ અને શ્યામ કલ્યાણનું મીશ્રણ કરીને બનાવ્યો હતો. આપણી ગુજરાતી ગાયિકા પ્રીતિ સાગરનું દેશભરમાં પ્રસિદ્ધ થયેલું 'તુમ્હારે બિન જી ન લાગે ઘર મેં...' તેમ જ, હમણાંની ફિલ્મ 'જબ વી મેટ...'નું 'આઓગે જબ તુમ સાજના... બરસેગા સાવન...' બાકીના બે ગીતો 'જાને કૈસે સપનોં મેં સો ગઈ અંખીયાં...' પણ રાગ તિલક શ્યામ પર આધારિત. આ રાગ પણ પંડીતજીએ પોતે શોધ્યો હતો. અન્ય ગીત, 'સાંવરે, સાંવરે, કાહે મોસે કરો જોરાજોરી...' રાગ ભૈરવી.

લતા મંગેશકર અને પંડિત રવિશંકરની જોડીએ 'અનુરાધા'માં સર્વાંગ સુંદર ગીતો આપ્યા અને લતા માટે તો કોને ખેંચાણ ન હોય? પંડિતજીએ પણ વર્ષો પછી ગુલઝારની ફિલ્મ 'મીરાં'માં લતાને ગાવાનું આમંત્રણ આપ્યું, ત્યારે પોતે સગા ભાઈ હૃદયનાથ મંગેશકરે બનાવેલા મીરાંના નોન ફિલ્મી ભજનો ગાઈ ચૂકી છે, માટે બીજી વાર એવો ન્યાય નહિ આપી શકે, એ દલિલ આગળ ધરીને ના પાડી દીધી.

બાકી તો આ લેખના પહેલા પેરેગ્રાફમાં વર્ણવ્યો છે, એવા સમાજના ઊંચા ક્લાસ માટેની જ આ ફિલ્મ છે... ભૂલાઈ ગઈ હોય તો બજારમાં ડીવીડી મળે છે.

18/12/2013

મૉર્નિંગ વૉક

વહેલી સવારે રોડ ઉપર ચાલવા જનારાના ધાડા ઉતરી આવે છે. એ લોકો ક્યાં જતા હોય છે, એનું કારણ શોધવું મુશ્કેલ છે. પણ બનતા સુધી ક્યાંક જતા હોય છે ખરા. આ લોકો વિશ્વપ્રવાસીઓ નથી, એરિયા પ્રવાસીઓ છે. ત્યાંને ત્યાં એટલામાં ચકરભમ- ચકરભમ બે ચાર ચકરડાં મારીને પાછા આવતા રહે છે. ટીવી પર 'એનિમલ પ્લેનેટ' જેવી ચેનલો ઉપર હજારોની સંખ્યામાં પશુ-પક્ષીઓ સ્થળાંતર કરતા દર્શાવાય છે, એવું આ સ્થળાંતર નથી, આ તો 'સ્થળ' વગરનું અંતર' કાપનારાઓ છે

આ લોકો કોઇને નુકસાન કરતા નથી, નિર્દોષ છે. દિશા ભૂલેલા માસુમો છે. ગર્વ નથી, છતાં ટટ્ટાર- ટટ્ટાર ચાલે જાય છે. વચમાં તમે બોલાવો તો બોલતા નથી. એક પણ અપવાદ વગર, આ બધા 'ચાલુ માણસો' મોંઢું ગંભીર રાખીને ચાલે છે. ચેહરા ઉપર કોઇ પ્રસન્નતા નહિ. કૂતરા ય એમને ઓળખી ગયા હોય છે, એટલે એમની પાછળ પડતા નથી. વળતા સૌજન્ય સ્વરૂપે, આ લોકો ય સજ્જનો છે અને કૂતરાની પાછળ પડતા નથી. શરીરની ચરબી ઉતારવા તેઓ મજૂરી કરે છે ને આગળ જઇને ગરમાગરમ ફાફડા-જલેબી આરોગે છે ને એ ચરબી ઉતારવા ત્યાં ને ત્યાં ગાજરનો ગરમાગરમ સૂપ પીવા માંડે છે. જ્યાં અટકે ત્યાં વહેલી સવારના તડકામાં થોડીઘણી વાતો કરવાનો શિરસ્તો છે. વર્ષોથી ચાલવાના ફાયદાઓ ઉપર મેથી મારી મારીને આ લોકો એવા કંટાળ્યા હોય છે કે, યોગ-ફોગને બદલે આ લોકો સીધા આસારામ અને તરૂણ તેજપાલની વાતો ઉપર ચઢી જાય છે, એમાં જ્ઞાન સાથે એટલી ગમ્મત મળે છે કે, સમય ક્યાં પસાર થઇ જાય છે, એનું ભાન રહેતું નથી. અફ કોર્સ, ઘેર પાછા ફરતી વખતે એમનો એ દબદબો અને ચેહરા પરનું ગુમાન રહેતું નથી. આવતા-જતાની બંને ચાલ વચ્ચે ફરક હોય છે. ઘેર પાછા જતી વખતે, ''સાલું.. પાછા ઘેર જવાનું આવ્યું...!'' એવો અફસોસ ચેહરા ઉપર ઉઘાડો અને ચાલમાં, 'તૂટી ગયાનો' ભાવ દેખાય છે.

નથી સમજાતી એક જ વાત કે, આ લોકોની સ્વતંત્ર વિચારસરણી કે સ્વતંત્ર ''ચાલસરણી'' કેમ નથી હોતી? ચાલ પણ પોતાની સર્જનાત્મક નહિ? ઘેટાંની માફક એમની આગળ ચાલનારાઓની પાછળ - પાછળ ચાલે જવાનું! મિથ્યાભિમાન નહિ એટલે, આગળવાળાના નકશ-એ-કદમ પર ચાલવાને બદલે, પોતાની કોઇ નવી રાહ કંડારીને નયા રાસ્તાનો સમાજને સંદેશ આપવો, એવું અભિમાન નહિ. આટલું ચાલવું ન પડે, માટે શોર્ટ-કર્ટસ શોધીને વચમાં કોક પતલી ગલીમાંથી નીકળી જવું કે આગળવાળાથી આગળ નીકળી જઇને, ''લે... ડિક્કો ડમ્મ...'' જેવી ઇર્ષા આ લોકોમાં ન હોય.

આ ચાલુઓ જમીન પર નીચું જોઇને ચાલતા હોય એમાં લાગે એવું કે, ગઇ કાલે રાતનું એમનુ કાંઇ પડી ગયું હશે, તે સવાર શોધવા નીકળ્યા છે. (કેટલાક જાતકો માટે, આગળના વાક્યમાં 'એમનું કાંઇ' છેકી નાંખીને 'કોઇનું કાંઇ' સુધારીને વાંચવું!) બેઝિકલી, આ લોકા મંઝિલ વિનાના માણસો છે. એમને ક્યાં જવું નથી. બાવાઓ ય એમની જેમ આડેધડ ચાલતા રહે છે, પણ બાવાઓની તો કોઇ મંજિલ હોય છે. એ ક્યાંક તો પહોંચે છે... છેવટે આપણા ઘરના દરવાજે! જ્યારે આ ચાલુ માણસો નથી કોઇના ઘેર જતા, નથી પર્વતોની ટોચ પર જતા કે નથી દૂઉઉઉ... ર... કોઇ અગમનિગમના પ્રવાસે નીકળી જતા. આ લોકો તો રોજ સીધા ઘેર પાછા આવે છે... અને એ ય પોતાના જ ઘેર, બોલો! રોજેરોજ આટલા લાંબા થઇ થઇને ઘેર જ પાછા આવવાનું હોય તો, કમાયા શું? અરે, સંબંધો સારા રાખ્યા હોય તો કોકના ઘેર જઇને બેસીએ. કહે છે કે કાંકરીયા તળાવ પર વર્ષોથી પતી ગયેલા પતિઓ વાઇફો સાથે અચૂક આવે છે. કાંકરિયાના ગોળગોળ ચક્કરો મારે રાખે. આજે નહિ તો કાલે, વાઇફને કદી સર્જનાત્મક વિચાર આવે તો કાંકરીયું નજીક તો પડે, એવા પવિત્ર ભાવોથી લોકો વાઇફોને ઢસડતા આવે છે. પણ બંનેને ચાલતા જુઓ તો હસવું આવી જાય. સાયકલની પાછળ કોક કપડું લટકતું લટકતું ઘસડાતુ જાય, એમ આની વાઇફ બિચારી બે ડગલાં પાછળ પાછળ ખેંચાતી આવે.

સ્ત્રીઓમાં હવે સ્પોર્ટ્સ- શૂઝ પહેરીને ચાલવામાં જરીક બદલાવ આવ્યો છે. સાડી નીચે ય સ્પોર્ટસ- શૂઝ તો પહેરાય... હઓ! પણ પહેલાં બીજીઓએ કેવા શૂઝ પહેર્યા છે, એના ઉપર ધ્યાન વધારે રહેતું... હવે પોતે કેવા મોંઘા અને ઇમ્પોર્ટેડ શૂઝ પહેર્યા છે, એ બતાવવા અત્યંત જરૂરી હોવાથી ઘણીઓ તો સાડી ય થોડી ઊચી પહેરીને હાલી નીકળે છે. તારી ભલી થાય ચમની... જે કાંઇ ઇમ્પોર્ટેડ હોય તે બધું આ પદ્ધતિથી ન બતાવાય! તારી તો બા ય ખીજાતી નથી...? કે પછી.. એ ય આમ જ ઘરમાં સ્પોર્ટસ શૂઝ પહેરીને ફરે છે?

* * *

''અસોક... આજે તમને એક શરશ મજાની વાત કે'વાની છે...''

''કોણ મરી ગયું?''

''સૂઉં આવી ભૂન્ડાબોલી વાતું કરો છો? કોક મરી જાય, ઇ શરશ મજાની વાતું હોય? મારા ભાઆ'યે લનડનથી મારા હાટું શ્પોર્ટસ- સૂઝ મોઇકલાં છે... ! તે મેં કુ... આપણે બે હાલવા નીકળીએ!''

''ડાર્લિંગ... લંડન સુધી ચાલવાનું મને નહિ ફાવે... કહેતી હોય તો, આપણા કિચનમાં બે આંટા મારી આવું!''

''કોક'દિ તો બુધ્ધિવારી વાતું કરો, અસોક! કિચનમાં જૂતાં પે'રીને હાલવા જવાતું હઇશે? કિયે છે કે, વે'લી શવારે હાલવા જાવાથી તબિયતું બવ હારી રિયે છે...! આવતી કાલે આપણે હાલવા જાશું...?''

''તું એકલી જજે.. તારા ભાઇએ ચાલવાના જૂતાં ફક્ત તારા માટે મોકલ્યા છે... મારા માટે તો મોજાં ય નથી મોકલ્યા?''

''અસોક.. સુઉં આવા ગાન્ડા કાઢો છો, તી? આપણે બંને કાંય જુદાં છીએ? કોક 'દિ મારા તમે પે'રજો ને?''

''એક બુટ તું પહેરે ને બીજું હું પહેરું..... એમ કાંઇ વહેલી સવારે ચાલવા ન જવાય! બા ખીજાય!''

કહે છે કે, વહેલી સવારે ચાલવા નીકળવું હોય તો ઘડીયાળનું એલાર્મ સવારે આઠ વાગ્યાનું ન મૂકાય.! મેં મૂક્યું હતું, જેથી ઉઠવું ન પડે અને આપણી નિષ્ઠા માટે એને કોઇ સવાલ ન થાય. ''ભૂલમાં સવાર ૪ને બદલે ૮નું એલાર્મ મૂકાઇ ગયું હતું ડાર્લિંગ!''

પહેલે જ દિવસે એ ચાલવા નીકળી અને ત્રીજી જ મિનિટે પાછી આવી ગઇ... કૂતરાઓએ દોડાવી દોડાવીને એની પિદૂડી કાઢી નાંખી. સોસાયટીના જ કોક જાણિતા કૂતરાની પૂંછડી ઉપર એનો પગ પડી ગયો, પછી કાંઇ બધા કૂતરાં અશોક દવે જેવા સહનશીલ થોડા હોય? પૂંછડી પર નેહરૂ બ્રીજનો પિલર પડયો હોય, એટલું વજન સહન ન થવાની કૂતરાએ ઊંચું જોયું. ઘુરકીયું કર્યું. અને પિલરના માપનું ભસીને આની પાછળ દોડયું. ખૂબ ગભરાઇને ''હું નો'તી.. હું નો'તી...''ની કારમી ચીસો પાડતી વાઇફ ઘર તરફ દોડી... ને સહેજ માટે સાલા કૂતરાનું માપ ખોટું પડયું... નહિ તો એ લોકોના બચકાં તો કેવા પરફેક્ટ હોય... ! સીધા ૧૪ ઇન્જેકશન..!

કૂતરું ય આખરે માણસ છે... આઇ મીન, કૂતરું ય આખરે કૂતરું છે. અંધારામાં વહેલી પરોઢે એ ય ડરી જાય, એવો માનવ-આકાર જોવા મળે ને એમાં ય પૂંછડા ઉપર મકાનના બીમ જેવો પગ પડે, પછી એ કાંઇ છોડે? બીજા દિવસે પરોઢિયે તો એ આપણા આવવાની રાહ જોઇને બેઠું હોય...! વાઇફે સામેથી ના પાડી દીધી. ''અસોક, આમાં કેવું હોય કે, બા'ર જાવાની જરૂરતું જ નો હોય.. ઘરમાં ને ઘરમાં હાલે રાખો, તો ય ફાઇદો એટલો જ થાય. મારા હાટું ઓલુ. ટ્રેડમિલ-ટેસ્ટ જેવું વોકર લિ આવી દિયો... હું ઘરમાં ને ઘરમાં હાલે રાખીશ.. ને ટ્રેડ મિલ પર હાલવાથી મોટો ફાયદો ઇ કે, વાંહે કૂતરાંવ તો નો દોડે... ! સેકન્ડ- હેન્ડુમાં ૧૫-૨૦ હજારનું તો આસાનીથી મળી જાશે!

આના કરતાં ચાલવા બહાર જવાનું સસ્તું પડત...!

સિક્સર 
હાસ્યલેખક અને ડૅા. અશ્વિન હી. પટેલની ચબરખી...
'અરવિંદ કેજરીવાલની' 'આમ' આદમી પાર્ટી.
આસારામ-નારાયણની 'કામ' આદમી પાર્ટી.

15/12/2013

ઍનકાઉન્ટર : 15-12-2013

* અલાઉદ્દીનની વાર્તામાં જીનની ચોટલી આટલી લાંબી કેમ છે?
- તરૂણ તેજપાલને પૂછો.
(કાશ્મિરા દાતણીયા, અમદાવાદ)

* ડિમ્પલ કાપડીયાના મીણબત્તી બિઝનેસને પ્રમોટ કરવા તમે કાંઈ નહિ કરો?
- મીણબત્તીઓ પોતે દાઝે છે ને અડવા જઈએ તો બીજાને ય દઝાડે છે... ડિમ્પુનું રોકાણ મીણબત્તીમાં ને આપણું ડિમ્પલમાં...! ધેટ્સ ઓલ!
(પી.સી. શાહ - સુડા સુરત)

* ભારતને બારે માસ સતાવતો પ્રશ્ન... મોંઘવારીનો..! એને નાથવાનો કોઈ રામબાણ ઈલાજ ખરો?
- ચોરી કરવી જ પડે એમ હોય... તો ઍન્જોય કરો!
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઈ)

* હું મારા ગોરધનને 'પંખો બંધ કરો... બંધ કરો' કીધે રાખું છું ને તોય નથી કરતા. તો શું કરવું?
- ચલો, પૂરા ગુજરાતમાં એક તો નીડર ગોરધન નીકળ્યો!
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* ફિલ્મ 'બૉબી'માં રિશી કપૂરને બદલે તમે હોત તો?
- તો એ કૉમેડી ફિલ્મ ગણાઈ હોત!
(દેવેન્દ્ર શાહ, વડોદરા)

* મેં આવતો જન્મ મધ્ય પ્રદેશના સરકારી કારકૂનનો માંગ્યો છે... તમે?
- તમારા આસિસ્ટન્ટનો!
(જી.એન. પરીખ, વડોદરા)

* 'નિર્મલ બાબા'ની જેમ તમે 'અશોક બાબા' બની જાઓ તો?
- પછી હું નિર્મલ ન રહું.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* કહે છે કે, મેનકા ગાંધીના ઘરે ૨૯-કૂતરાઓ છે. તો એમના દરવાજે કયું બોર્ડ હોવું જોઈએ?
- ''શેઠાણીથી ચેતો''.
(મધુકર પી. માંકડ, જામનગર)

* તમારા પત્ની માથામાં તેલ નાંખે તો એમને તમે કાઢી મૂકો ખરા?
- મેં તો એવી પડોસણોને ય કાઢી મૂકી છે.
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી)

* આ જગતમાં જીવવું કેવી રીતે?
- મર્યા વગર.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* 'બુધવારની બપોરે' આપની કૉલમનું નામ છે, એમાં સવારે કે સાંજે કેમ નહિ?
- સવાર-સાંજ તો મારે બુધ્ધિવાળા કામો કરવાના હોય કે નહિ?
(અખિલ બી. મહેતા, અમદાવાદ)

* તમે 'વાયા વિરમગામ'વાળાને પહેલા જવાબો આપો છો... એવો નિયમ ખરો?
- તમારૂં વડોદરૂં વાયા વિરમગામ થઈને આવે?
(જતિન ઉ. કવિ, વડોદરા)

* લેખકો પોતાની આત્મકથામાં અસલી વાતો છૂપાવે છે... શું કારણ?
- આત્મકથા આત્મરતિની કક્ષાએ પહોંચતી હોવાથી આવું બને છે.
(અનિલ એચ. રાઠોડ, નવસારી)

* બળાત્કારીઓને ફાંસીની સજા આપવામાં સરકાર ખચકાય છે કેમ?
- દિલ્હીમાં એક કૉન્ટેક્ટ કાફી છે!
(મનિષા ખીલોશીયા, પોરબંદર)

* ઉછીના લઈ જનારની યાદશક્તિ કેમ જતી રહે છે?
- આ હિસાબે મારા તો લાખ રૂપિયા ગયા જ ને? ...કે તમને યાદ છે??
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* આપણી શાસન પ્રણાલિમાં રાષ્ટ્રપતિના હોદ્દાનું શું મહત્ત્વ છે?
- એ એકલા રાષ્ટ્રપતિ જ જાણે છે!
(જેરામ ટી. વાલાણી, અમદાવાદ)

* તમારું પુસ્તક 'બ્લૅક લૅબલ' વાંચ્યું.... પણ 'રેડ ર્લબલ'ના નશા વિશે સુઉં કિયો છો?
- 'બ્લૅક ર્લબલ'ને ગુજરાતમાં વાંચી શકાય...!
(મયંક સુથાર, મોટી ચીચણો-મોડાસા)

* આપ રહેતા ત્યારે 'અખબારનગર' 'પસ્તીનગર' તરીકે ઓળખાતું... હવે મોટા ભાગના પત્રકારો તો ત્યાંથી ખાલી કરી ગયા છે... હવે એને શું નામ આપવું?
- થૅન્ક ગૉડ... હવે ત્યાં કેવળ વાચકો બચ્યા છે!
(સુબોધ વ્યાસ, અમદાવાદ)

* સ્ત્રીઓનો સૌથી મોટો અવગુણ ઈર્ષા, તો પુરૂષોનો?
- પ્રત્યેક નૉર્મલ પુરૂષ બીજી સુંદર સ્ત્રીના ગોરધનની ઈર્ષા કરે છે.
(દિનેશ જોષી, દહીંસર)

* આપને ઈશ્વરે દિમાગ તો સારું આપ્યું છે... 'ઍનકાઉન્ટર'માં આપનો ફોટો પણ છપાય તો ખબર પડે, દેખાવમાં કેમનું છે?
- મારા તો દિમાગના ફોટા ય સારા નથી આવતા!
(કુ.પી.ડી. કોટક, રાજકોટ)

* અંગ્રેજો સામે ઉપવાસ કરનાર ગાંધીબાપુનું વજન ઘટી જતું હતું, જ્યારે આજના ઉપવાસી નેતાઓ ઉપવાસ પછી તગડા કેમ દેખાય છે...?
- કોઈનો એવો સ્વભાવ...!
(એન.યુ. વહોરા-માસ્તર, જરોદ-વડોદરા)

* વિદ્યા બાલન... 'ડર્ટી પિક્ચર'.. 'કહાની'... હવે અમારો પુત્ર પણ કહે છે, ''મમ્મી, આ ફિલ્મમાં તો વિદ્યા બાલન છે... જોવા ન જતા...!''
- સાઉથમાં હીરોઇનોના રીતસરના મંદિરો હોય છે... હું ચિંતામાં છું કે, આપણા વાળા સની લિયોનનું મંદિર બાંધશે, એમાં મૂર્તિ કેવી મૂકશે?
(શશીકાંત ઝીંઝુવાડીયા, અમરેલી)

* આપ એક સેલિબ્રિટી છો, તેથી સૂચન છે કે, કોઈ સ્ત્રી-ચાહકના પ્રેમમાં પડી જઈ તમારા પત્નીને અન્યાય તો નહિ કરો ને?
- હું કોઈને અન્યાય નહિ થવા દઉં.
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* 'જે સારા હોય છે, તેની દશા સારી હોતી નથી!' સહમત છો?
- હા... હમણાં હમણાંથી ચક્કર બહુ આવે છે!
(પ્રવિણ કક્કડ, રાજકોટ)

* દેવ આનંદ, સલમાન ખાન અને અશોક દવે... આ ત્રણેમાં વધુ હૅન્ડસમ કોણ?
- અફ કોર્સ, અશોક દવે જ! તમારે શું કામ મારી સાથે સંબંધો ખરાબ કરવા?
(સુમન વડુકૂળ, રાજકોટ)

* હેમા માલિની, જયા બચ્ચન ને રેખા... તો પછી ડિમ્પલને રાજ્યસભામાં સ્થાન કેમ નહિ?
- પેલી ત્રણે તો મૂઇ નવરીઓ છે...!
(આકાશ એસ. પંડયા, અમરેલી)