Search This Blog

31/05/2015

ઍનકાઉન્ટર : 31-05-2015

૧. જેમ્સ બૉન્ડની જેમ તમને, 'લાયસન્સ ટુ કિલ'ની છુટ મળે, તો પહેલા કોને મારો ?
- ભારતનું રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે બેસી રહેનારને.
(પારૂલ સુનિલ ગઢીયા, રાજકોટ)

૨. અમદાવાદમાં રસ્તાઓ ખોદવાનું બંધ ક્યારે થશે ?
- પૂરવાનું ચાલુ થશે ત્યારે.
(નિમિષ પટેલ, અમદાવાદ)

૩. કેજરીવાલનું શું થશે ?
- એ મીડિયાનું બાળક છે...મીડિયા જ એને મારશે.
(સુનિલ દવે, કલોલ : હાર્દિક ભટ્ટી, રાજકોટ)

૪. શું ગયા જન્મમાં તમે બિરબલ હતા ?
- બિરબલે આ જન્મ અશોક દવેનો લીધો છે.
(વર્ષા જે. સુથાર, ભૂજ-કચ્છ)

૫. ભાજપના પ્રમુખ બન્યા પછી અમિત શાહ 'ફૂગ્ગો' બની ગયા છે, એમ નથી લાગતું?
- એ મારે/તમારે નહિ....એમના પત્નીએ જોવાનો વિષય છે.
(મનન પટેલ, આણંદ)

૬. મારે 'ગુજરાત સમાચાર'માં દર સપ્તાહે એક લેખ છપાવવો છે. શું કરવું ?
- જે બધા કરી રહ્યા છે એ....'ગુજરાત સમાચાર' વાંચો.
(કેતન પોલારા, નવસારી)

૭. વડીલો કહેતા કે, બોલતા પહેલા સો વખત વિચારો. તમે લખતા પહેલા કેટલું વિચારો છો ?
- લેખ લખતા પહેલા એકે ય વાર નહિ....ચૅક લખતા પહેલા સો વાર !
(હર્ષદ પ્રજાપતિ, સુરત)

૮. મારે તમારા જીવન પર એક પુસ્તક લખવું છે. આપ મને શું હૅલ્પ કરશો ?
- છપાઇ ગયા પછી વાંચી જોઇશ.
(ઉમેશ નાવડીયા, જલિલા-બોટાદ)

૯. ગુલાબ 'વૅલેન્ટાઈન-દિને' જ કેમ અપાય છે ?
- બસ...વર્ષમાં એક વાર એટલો ખર્ચો કરવો સારો !
(જયેશ ચૌહાણ, હાલોલ)

૧૦. તમે ગલ્ફ દેશોમાં ગયા છો ?
- બધા ગલ્ફ દેશો ઉપરથી ઊડયો છું...નીચે ગયો નથી.
(અનંત વ્યાસ, ગાંધીધામ)

૧૧ તમે સહમત છો કે શાહરૂખ ખાન ઓબામાં કરતા વધુ પોપ્યુલર છે ?
-કોણ શાહરૂખ ખાન....?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

૧૨. પાકિસ્તાનનું હવે તમારે જ કંઇ કરવું પડશે...! મોદી તો ઠરી ગયા...!!
- આપણે 'અચ્છે દિન આને વાલે હૈં...' પાકિસ્તાનમાં અચ્છે દિન ચાલી રહ્યાં છે.
(કિરીટ ગોસાઇ, ખેરવા-મહેસાણા)

૧૩ કેજરીવાલને ફિલ્મ 'નાયક'ના અનિલ કપૂર બતાવતા 'વૉટ્સઍપ' ફરે છે. સુઉં કિયો છો ?
- તમારી ભૂલ થાય છે. જીતેન્દ્રની ફિલ્મ 'નાલાયક' પણ આવી હતી.
(નીરજ પુરોહિત, ઊના-ગીર સોમનાથ)

૧૪ મોટા ભાગના હાસ્યકલાકારો બ્રાહ્મણ જ કેમ હોય છે ?
- મોટા ભાગના વડાપ્રધાનો પણ બ્રાહ્મણો હોય છે.
(અંજના ભગદેવ, વેરાવળ)

૧૫. તમારા જીવન પર ફિલ્મ બનવાની હોય તો ક્યા કલાકારો પસંદ કરો ? ફિલ્મનું નામ શું રાખો ?
- ડિમ્પલ માને પછી કંઇક આગળ વિચારૂં.
(કોશાલ છાપીયા, જામનગર)

૧૬. અશોકજી, તમારૂં પૅટ-નેઇમ શું છે ?
- સંસારનું સર્વશ્રેષ્ઠ નામ મને મળ્યું છે...પૅટ-નૅઇમની કાંઇ જરૂર....?
(વિશાલ કુમાવત, નવસારી)

૧૭. ચમચો વધારે ઉપયોગી ક્યો ? કિચનનો કે કચેરીનો ?
- એ તો ઘર કે ઑફિસમાં જેનું ઉપજતું હોય, એને ખબર !
(રોહિત દરજી, હિમ્મતનગર)

૧૮. તમારા ફોઇ જાણતા હશે કે, તમે હાસ્યલેખક જ બનશો...માટે તમારૂં નામ 'અશોક' રાખ્યું ?
- એ થોડું ઓછું જાણતા હશે...નહિ તો મારૂં નામ 'મૂકેશ, અનિલ કે ગૌતમ' ન રાખ્યું હોત ?
(હનીફ છાયા, પોરબંદર)

૧૯ આખા વિશ્વમાં ભાઈચારો ક્યારે આવશે ?
- આપણા આપણા ઘરોમાં આવે પછી !
(બ્રિજેશ ભદ્રા, જામનગર)

૨૦. ૨૬ જાન્યુઆરીએ અતિથી વિશેષમાં તમને આમંત્રણ કેમ નહિ ?
- બસ...પછી તો એમને સારો માણસ મળી ગયો !
(નિકેતન સુથાર, ગોધરા)

૨૧. કોઇ મહાન વ્યક્તિ બિમાર પડે, એટલે મૃત્યુ પામી હોય, એમ એની જીવન-ઝરમર કેમ પ્રકાશિત થઇ જાય છે ?
- બીજું કાંઇ ખોટું લખી/બોલી શકાય એવું હોતું નથી !
(મધુકર માંકડ, જામનગર)

૨૨ ઍરપૉર્ટ પર કૂલી કેમ હોતા નથી ?
- ના રે ના...બધે હસબન્ડોઝ જ હોય છે !
(સાધના નાણાવટી, જામનગર)

૨૩ હવે તો 'સમ્રાટ અશોક'ની ટીવી-સીરિયલ પણ આવી ગઇ....તમારી ક્યારે ?
- એ ક્યાં કમ છે કે, હું સમ્રાટનો ય બાપ છું !
(સાગર ગૌરાંગી, વસો-નડિયાદ)

૨૪ જૂનાગઢમાં તમારા 'શિલાલેખો' કોઈ વાંચી શકતું નથી. કોઇ ઉપાય ?
- મારા ગયા જન્મનું મને કાંઇ યાદ ન દેવડાવો, ભાઇ !
(સ્મિત આચાર્ય, અમદાવાદ)

૨૫ સ્ત્રીઓ પોતાની હાર ક્યારે સ્વીકારતી થશે ?
- મને 'સ્ત્રીઓ'નો અનુભવ નથી...એકમાં જ હારી ગયો છું.
(દીપક આશરા, ગાંધીનગર)

૨૬ 'ઍનકાઉન્ટર'માં ભાવનગરવાળાઓના જવાબ વધુ આપો છો, એનું કારણ ?
- તમે 'ભરૂચ'નો સ્પૅલિંગ ખોટો લખ્યો છે ....?
(મિત દવે, ભરૂચ)

૨૭ ઍવૉર્ડ ફંકશનોમાં લતા મંગેશકર જેવી લૅજન્ડરી પ્રતિભાની મિમિક્રી કરનારા હાસ્યાસ્પદ લોકો વિશે આપનો શું અભિપ્રાય છે ?
- કોઇને ઉતારી પાડવાના ઇરાદાથી થયેલા વખાણ પણ ન ચાલે. મિમિક્રી પણ શુધ્ધ હેતુથી થતી હોય, તો ખોટું કશું નથી.
(દીપ્તિ કે. રાવલ, આણંદ)

29/05/2015

'રેલ્વે પ્લૅટફૉર્મ' ('૫૫)

ફિલ્મ : 'રેલ્વે પ્લૅટફૉર્મ' ('૫૫)
નિર્માતા-નિર્દેષક : રમેશ સેહગલ
સંગીત : મદન મોહન
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૪ રીલ્સ
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : સુનિલ દત્ત, નલિની જયવંત, શીલા રામાણી, જ્હૉની વૉકર, ટુનટુન, મનમોહનકૃષ્ણ, જગદીપ, લીલા મીશ્રા, રાજ મેહરા, રેણુ માંકડ, નાના પળશીકર અને નિશી.ગીતો
૧. બસ્તી બસ્તી પર્બત પર્બત ગાતા જાયે બન્જારા... મુહમ્મદ રફી
૨. જીયા ખો ગયા, ઓ તેરા હો ગયા....લતા મંગેશકર
૩. અંધેરનગરી ચૌપટ રાજા... આશા-રફી-બાતિશ
૪. સખી રી તેરી ડોલીયા ઉઠાયેંગે કહાર... લતા મંગેશકર
૫. ભજો રામ-૪, મોરી બાંહ પકડ ઓ રામ... આશા ભોંસલે
૬. ચાંદ મધ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ, નીંદ કી ગોદ મેં... લતા મંગેશકર
૭. દેખ તેરે ભગવાન કી હાલત ક્યાં હો ગઇ ઇન્સાન... મુહમ્મદ રફી
(ગીત નં.૬ ફિલ્મની ડીવીડીમાં મળતું નથી.)

સુનિલ દત્તની પહેલી ફિલ્મ, બસ્તી બસ્તી પર્બત પર્બત ગાતા જાયે બન્જારા... ચાંદ મધ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ...

આ કૉલમના વાચકો જાણે છે કે, અંગત રીતે મને, સાહિર લુધિયાનવીથી બેહતર ગીતકાર બીજો કોઇ લાગ્યો જ નથી, તો એ મારો પ્રોબ્લેમ છે. તમને સાહિરને બદલે રણછોડભાઇ મફાભાઇ પટેલ નામના ગીતકાર વધુ ગમતા હોય, તો એ તમારી સિધ્ધિ છે. જેવી વિનય વિવેકના ઊંચા આસમાનની વાત સાહિર જ લખી શકે. આપણી લાઇફની કેટકેટલી ઘટનાઓને અડે, એવી સીધી વાત છે. છોકરો ભણીગણીને અબજોપતિ થયો, એ સહુને દેખાય છે, પણ એને આ સ્તરે પહોંચાડવા માટે એના માં-બાપે ઘેરઘેર જઇને કેવી કાળી મજૂરીઓ કરી હશે, એ કોઇને ક્યાં દેખાય છે?

પણ એ જ સાહિર લુધિયાનવીની આત્મકથા, હમણાં વાંચી, એમાં એ માણસ ઉપરથી ૭૦-ટકા માન ઉતરી ગયું. મુફલિસીમાંથી પૈસો કમાનાર માણસો પૈસો જીરવી શકતા નથી, એનું જીવંત નહિ, મરેલું ઉદાહરણ જોવું હોય તો સાહિર લુધિયાનવી છે. એને ફિલ્મોમાં લાવનાર સચિનદેવ બર્મનથી શરૂ કરીને જયદેવ, રવિ, ચિત્રગુપ્ત, રોશન, મદન મોહન કે ખય્યામ જેવા દિગ્ગજો માટે એણે ઉઘાડેછોગ નફ્ફટાઇ બતાવી છે કે, 'એ બધાનું સંગીત ફક્ત મારા ગીતોને કારણે ઉપડતું હતું.' વાતમાં તો કોઇ દમ નથી, છતાં આ લેખ લખનાર અને વાચનાર એટલા વિનમ્ર તો હોય કે, આપણે કોઇ સિધ્ધિ મેળવી હોય તો, જેમને કારણે સિધ્ધિ મળી, એને કદી ઉતારી પાડતા નથી, ઉપરથી ક્રેડિટ આપીએ છીએ. એક નાનો દાખલો કાફી છે. એણે પોતે જ લખ્યા મુજબ, ફિલ્મ 'કભી કભી'ના બેમિસાલ ગીતો માટે સ્ટેજ પર સંગીતકાર ખય્યામનું ફૂલહારથી સ્વાગત થતું હતું. એ આ ભ'ઇથી ન ખમાયું ને ખય્યામને સંભળાવી દીધું ય ખરૂં કે, ''બહુ ઊંચે ઊડવાની જરૂર નથી.. ગીતો સાહિરે લખ્યાં છે.''

તદઉપરાંત, એના બાપની માફક આ ભ'ઇ પણ છોકરીઓના શોખિન હતા અને કેટકેટલી છોકરીની પાછળ પડયા હતા, તે બધું પ્રામાણિકતાપૂર્વક લખ્યું છે, પણ એ વાતમાં કોઇ પ્રામાણિકતા નહિ કે, એકે ય છોકરીઓને સાહિર પ્રેમ કરતો નહતો... એ બધીઓ એના ઉપર મરતી હતી. ને તો ય, એક ગીતકાર, શાયર કે નઝમનિગાર તરીકે સાહિર મારા માટે આજે પણ સર્વોત્તમ છે. ગઝલો ય એણે લખી છે, પણ એનો મૂળ શોખ નજમો લખવાનો.

અને આ જ ફિલ્મ 'રેલ્વે પ્લેટફોર્મ'ના એક ગીતે તો મારી વર્ષોની ઊંઘ હરામ કરી દીધી હતી. મદન મોહને બનાવેલી અપ્રતિમ ધૂન ઉપર લતા મંગેશકરે ગાયેલા 'ચાંદ મધ્ધમ હૈ, આસમા ચૂપ હૈ, નીંદ કી ગોદ મેં જહાં ચૂપ હૈ...' કૅસેટો શોધાઇ એ પહેલાનો આ ગીત માટે હું મરણીયો થતો હતો કે, આવું સુંદર ગીત કોઇ લખી/ ગાઇ/ બનાવી શકે ? એમાં ય, લતા-મદન મોહનનું મિશ્રણ હોય પછી બરફના એ ગોળામાં શરબત નંખાવવાની જરૂરે ય નહિ ! એક તો 'ફ્રૅન્ડ્ઝ' કંપનીવાળાઓની તદ્દન ફાલતું પ્રીન્ટવાળી આ ફિલ્મ જોવા બેઠો, ત્યારથી પૂરી થઇ ત્યા સુધી રાહ જોતો બેઠો રહ્યો. ડીવીડીમાં આ ગીત લીધું જ નથી. આપણને તો મકાનની ભીંતો ચાવી જવાનો ગુસ્સો આવે ને ? ધૅટ્સ ફાઇન, આમાં ન મળ્યું તો 'યૂ ટયૂબ' પર તો મળશે... મળ્યું, પણ હૃદયરોગનો પહેલો હૂમલો આવવા જેટલો આંચકો...! આ ગીત તો આખું મધુબાલા ઉપર ફિલ્માયું છે !! નહોતી આવતી તોય ૩-૪ હેડકીઓ સામટી ખાઇ લીધી કે, 'રેલ્વે પ્લૅટફોર્મ'માં મધુબાલા ક્યાંથી આવી ? ગીત એ જ છે, મધુ ઉપર પ્લૅબૅક પણ પરફૅક્ટ છે તો આવું બન્યું ક્યાંથી ? વધારે જદ્દોઝહેદ કર્યા પછી ફિલ્મમાં નલિની જયવંતે જ ગાયેલું ગીત 'યૂ ટયુબ' પરથી જ મળી આવ્યું... પણ મધુબાલાવાળો કિસ્સો હજી સુધી ઉકલ્યો નથી !

મદન મોહનનું તો કોણ ફૅન ન હોય ? પણ મારા માટે શંકર-જયકિશન જ બેસ્ટ એટલા માટે કે, એ લોકો જેટલો ઊંચો સ્ટ્રાઇક-રેટ અન્ય એકે ય સંગીતકારનો ઇવન આજ સુધી નહિ ! સ્ટ્રાઇક-રેટ એટલે એક ફિલ્મના ૭-૮ ગીતોમાંથી કેટલા સુપરહિટ થયા ને છેવટે જે તે સંગીતકારની કારકિર્દીની ટોટલ ફિલ્મોમાંથી કેટલીનું સંગીત દેશના ખૂણેખૂણે પહોંચ્યું ! નૌશાદનું નામ લેવું પડે પણ તો ય શંકર-જયકિશનની સરખામણીમાં તો એ ય નહિ. નૌશાદ વર્ષમાં એક જ ફિલ્મ લેતા હતા, એટલે સ્ટ્રાઇક-રેટ ઊંચો રાખવાનું બહુ અઘરૂં ન પડે. આ જ દ્રષ્ટિએ હિંદી ફિલ્મોના સ્ત્રી-પુરૂષ તમામ ગાયકોમાંથી સૌથી ઊંચો સ્ટ્રાઇક-રેટ મૂકેશનો હતો. લતા-રફી કે કિશોર પણ નહિ ! મૂકેશે માંડ કોઇ ૭૦૦ ફિલ્મી ગીતો ગાયા છે, પણ એમાંથી મને ને તમને કેટલા બધા કંઠસ્થ છે ?

કમનસીબે મદનમોહને પ્રારંભની તમામ ફિલ્મોમાં આવું જ કર્યું. સંગીતકાર તરીકે તો પહેલી ફિલ્મ 'આંખે' અને 'અદા'બન્નેના ગીતો આજ સુધી મશહૂર છે, પણ એ પછીની ફિલ્મોમાં બસ... આખી ફિલ્મમાંથી કોઇ એક કે બે સુપ્પર ડૂપ્પર હિટ ગીતો હોય ને બાકી બધામાં વેઠ ઉતારી હોય, એવું આજની ફિલ્મ 'રેલ્વે પ્લૅટફોર્મ'નું ય ખરૂં. મુહમ્મદ રફીનું, 'બસ્તી બસ્તી પર્બત પર્બત ગાતા જાય બન્જારા...' ને બાદ કરતા કેમ એકે ય ગીતમાં ઠેકાણાં નહિ ? આ 'ચાંદ મધ્ધમ હૈ...' તો મારા જેવા લતા પાછળ પાગલ લોકોને આવડે ! યસ. સુનિલ દત્તની આ પહેલી ફિલ્મ હતી અને કેવી કચરાછાપ ફિલ્મ ! ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રમેશ સેહગલે ઉતારેલી બાકીની તો બધી ફિલ્મો ઓકે હતી ને આ જ કેમ ફાલતું ? ફિલ્મ પૂરી કરતા કરતા મારા શરીર કરતા વધુ તાણો મારા ટીવીને આવવા માંડી. સુનિલ દત્તને સીધો રેડિયો સીલૉન પરથી ઉઠાવીને ફિલ્મનો હીરો બનાવી દેવાયો હતો એ ત્યાં ગોપાલ શર્માની ય બહુ પહેલા ઍનાઉન્સર હતો. પણ સોહામણો છતાં કડક ચેહરો, હાઇટ-બૉડી અને મધુરા અવાજને કારણે સુનિલ આ ફિલ્મ પછી ય જીવ્યો ત્યાં સુધી ખૂબ ચાલ્યો. આટલી હીરોઇનો સાથે કામ કરવા છતાં કોઇની સાથે લફરૂં કે દુર્વ્યવહાર નહિ, એવા હીરો આપણી ફિલ્મોમાં બહુ ઓછા છે, તેમાંનો એક સુનિલ દત્ત.

ફિલ્મની હીરોઇન નલિની જયવંત વિશે આ કૉલમમાં એક વખત બહુ સનસનાટીભરી માહિતી આપી હતી, એ જ અહી રીપિટ કરું છું કે, '૫૦ના દાયકાની મધ્યમાં 'ફિલ્મફૅરે' હિંદી ફિલ્મોની એ સમયની સૌથી વધુ સ્વરૂપવાન હીરોઇન માટે વાચકો પાસે મોટા પાયે વૉટિંગ કરાવ્યું હતું ને એમાં મધુબાલા, વહિદા, ગીતા બાલી, વૈજ્યંતિમાલા, નરગીસ કે મીના કુમારીને પાછળ રાખીને આ ઢીચકી નલિની જયવંત પહેલો નંબર ઘણા મોટા માર્જીનથી મેળવી ગઇ હતી. યસ, હાઇટ-બાઇટ કુછ નહિ. સિર્ફ ચેહરા હી કાફી થા ! ને એ જ ચેહરા ઉપર દાદામોની અશોક કુમાર એટલા આફ્રીન હતા કે, બન્ને ઉઘાડેછોગ પ્રેમ કરતા પણ તકદીર જુઓ. નૂતન-તનૂજાની આ સગી માસીએ ૧૯૪૧માં મહેબૂબ ખાનની બહુ ઘૃણાસ્પદ ફિલ્મ 'બહેન'થી શરૂઆત કરી હતી. ધૂ્રણાસ્પદ એટલા માટે કે સગા ભાઇ-બહેન વચ્ચે શરીર-સંબંધ (જેને ઇંગ્લિશમાં Incest કહે છે) ઉપર આધારિત આ ફિલ્મ હતી. આપણા ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઇ સાથે એ બહુ નાની ઉંમરે પરણી. પેલો એને મારઝૂડ બહુ કરતો હતો, એમાં છુટાછેડા લઇને નલિની પ્રભુ દયાલ નામના એક્ટર સાથે પરણી ગઇ. આ પ્રભુને તમે દેવ આનંદની ફિલ્મ 'એક કે બાદ એક'માં જોયો હશે. કિશોર કુમારની એક ફિલ્મમાં એ જબિન જલિલ સાથે સાઇડ-હીરો હોય છે. કમનસીબે, નૂતનની આ માસી ૮૪ વર્ષની ઉંમરે ૨૦ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ ગુજરી ગઇ, ત્યારે ઑલમોસ્ટ ભિખારણની હાલતમાં ગૂજરી. એના મૃતદેહને સ્મશાને લઇ જનાર કોઇ ન હતું.

ફિલ્મની વાર્તામાં શકોરૂં ય નહોતું, છતાં મેં કેટલો ત્રાસ વેઠયો હશે, એ બતાવવા ફિલ્મના અંશો જોઇ લઇએ : કોઇ એક નાનકડા ગામની નજીકના રેલ્વે પ્લૅટફોર્મ પર એક ગાડીને રોકાઇ જવું પડે છે, કારણ કે આગળના કોઇ સ્ટેશને ભયાનક પૂરને કારણે તબાહી મચી ગઇ છે. ટ્રેનના મુસાફરોને ફરજીયાત એ નાના પ્લૅટફૉર્મ પાસેની બંજર જમીન પર આશરો લેવો પડે છે. એમાં ફિલ્મની સેકન્ડ હીરોઇન શીલા રામાણી જે અંધેરનગરી રાજ્યની રાજકૂંવરી છે ને ઘેરથી ભાગીને આ ટ્રેનમાં બેઠી છે. જન્મજાત ગરીબ અને બેકાર સુનિલ દત્ત તેની માતા લીલા મીશ્રા અને બહેન સાથે તેમ જ મારવાડી કંજૂસ જ્હૉની વૉકર તેની દીકરીની ઉંમરની પત્ની સાથે હોય છે. જ્હૉની ગામના એક માત્ર ઝૂંપડામાં બાપ સાથે રહેતી નલિની જયવંત પાસે જઇને એનું આખું મકાન રૂ.૧૪૦/-માં ખરીદી લે છે ને પછી આ રઝળેલા મુસાફરો પાસેથી રોકડી કરવા માંડે છે. નલિની ભૂલમાં કૂવામાં પડી જતા સુનિલ દત્ત તેને બચાવે, એટલે બન્ને વચ્ચે પ્રેમ તો કરાવવો પડે ? (આ બતાવે છે કે, ફિલ્મોમાં મરતી હીરોઇનને બચાવવા ઉપર સુનિલનો હાથ પહેલેથી બેસી ગયો હતો, માટે ફિલ્મ 'મધર ઇન્ડિયા'માં એ નરગીસને આગમાંથી બચાવે છે.) પણ ટ્રેનમાં સાથે મુસાફરી કરતી રાજકુમારી શીલા રામાણીને પણ સુનિલ સાથે પ્રેમ થઇ જાય છે. કારણ કે, બેકાર અને ગરીબ સુનિલ એવું વિચારે છે કે, કરોડપતિ બાપની દીકરી સાથે પરણવાથી પોતે અમીર થઇ જશે. શીલાના પિતા રાજ મેહરા આ ભાઇને સીધો કરે છે, એટલે સુનિલ નલિની પાસે પાછો આવે છે.

અહી લેવા-દેવા વગરના મનમોહનકૃષ્ણને ઘુસાડવામાં આવ્યો છે. એક તો એ કોઇને ગમતો નહતો કારણ કે, ૧૮ સેકન્ડમાં ચેહરા ઉપર એ છત્રીસ હજાર હાવભાવો લાવી શકતો, જેમાંનો ફિલ્મ માટે એકે ય કામનો ન હોય. ફિલ્મ 'શોલે'ના ઠાકૂર સાહેબ સંજીવ કુમારના કપાયેલા બન્ને હાથોને શૉલથી ઢાંકીને ફરવાની પ્રેરણા આ ફિલ્મના મનમોહનકૃષ્ણ પાસેથી મળી હોવી જોઇએ. બહુ જૂની ફિલ્મોના શોખિનોએ એક રેણુ માંકડનું નામ અનેકવાર વાંચ્યું હશે, પણ ઓળખી નહિ શક્યા હો ! તદ્દન સામાન્ય રોલમાં આવતી આ ગુજરાતી નાગરની છોકરી આ ફિલ્મમાં વિમલા (નલિનીની સખી)નો રોલ કરે છે. માંકડ અટક ફિલ્મોવાળાઓને રાસ નહિ આવી હોય, એટલે કાળક્રમે રેણુની અટક એ લોકો ફિલ્મના ટાઇટલ્સમાં 'રેનુ મંકડ' અને છેલ્લે છેલ્લે 'રેનુ મૅકર' લખવા માંડયા. આ ફિલ્મના ટાઇટલ્સમાં પણ 'રેણુ મેકર' લખાયું છે. ફિલ્મના દિગ્દર્શક રમેશ સેહગલ પણ કોઇ સામાન્ય હસ્તિ નહોતા. જે માણસે રશિયન ક્રાંતિકારી લેખક ફ્યોદોર દોસ્તોયેવ્સ્કીની 'ક્રાઇમ ઍન્ડ પનિશમૅન્ટ'ઉપરથી હિંદીમાં રાજ કપૂર પાસે સુંદર ફિલ્મ બનાવી, તે 'ફિર સુબહ હોગી'ના એ દિગ્દર્શક હતા. છેલ્લે છેલ્લે તો સુલક્ષણા પંડિતનું, 'તૂ હી સાગર હૈ તૂ હી કિનારા....' જેવું ગીત પોતાની આખરી ફિલ્મ 'સંકલ્પ'માં ગવડાવનાર સેહગલે પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ 'ઘરની શોભા' ઉપરથી હિંદીમાં બનેલી 'ઘર કી શોભા', દિલીપ કુમાર-કામિની કૌશલને પ્રેમમાં પાડનાર ફિલ્મ 'શહીદ' (વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો...') અશોક કુમાર અને તેમની એ વખતની અંગત પ્રેમિકા નલિની જયવંત તેમ જ ખલનાયક પ્રાણની પ્રેમિકા કુલદીપ કૌર સાથેની ફિલ્મ 'સમાધિ' (ગોરે ગોરે, ઓ બાંકે છોરે, કભી મેરી ગલી આયા કરો..) તલત મેહમુદની પૂરી કારકિર્દીમાં શંકર-જયકિશને પહેલી અને છેલ્લી વાર ગીતની શરૂઆત આલાપથી કરાવી છે તે, 'સપનોં કી સુહાની દુનિયા કો...' ગીતવાળી ફિલ્મ 'શિકસ્ત', લતા મંગેશકરના મધુરા ગીતોવાળી ફિલ્મ 'છબ્બીસ જનવરી', 'જીત હી લેંગે બાઝી હમતુમ..' અને જાને ક્યાં ઢુંઢતી રહેતી હૈ યે આંખે મુઝ મેં..' જેવા ખય્યામ પાસે ગીતો બનાવનારી ફિલ્મ 'શોલા ઔર શબનમ' અને એ જ બેઠ્ઠી વાર્તા ઉપરથી ધરમની સાથે વિશ્વજીત અને સાધનાને લઇને બનાવેલી ફિલ્મ 'ઇશ્ક પર જોર નહિ' જેવી ફિલ્મો આ રમેશ સેહગલે બનાવી હતી.

'ચાંદ મધ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ, નીંદ કી ગોદ મેં જહાં ચૂપ હૈ...'

27/05/2015

હા, હું ગાળો બોલું છું...!

અમદાવાદના ટ્રાફિકમાં વાહન ચલાવવું અને ગાળે ય ન બોલવી, એ બ્લાન્કેટ પહેરીને કૅબરે જોવા જવા જેવી વાત છે. આમ તો, ગાળો ઉપર હજી મારૂં સરખું ગળું બેઠું નથી, પણ જાણકારો કહે છે કે, 'એ તો ધીમે ધીમે આવડી જાય... પ્રૅક્ટીસ કરતા રહેવું પડે.' કહે છે કે, મન હોય તો માળવે જવાય, એ મુજબ મેં ખાડીયાના એક વયોવૃધ્ધ 'ગાળ-નરેશ' ચુનીકાકાનો સંપર્ક કર્યો. ગાળોની દુનિયામાં એમણે બહુ મોટી સિધ્ધિઓ હાંસિલ કરી હતી. દાયકાઓનો અનુભવ. જાણકારો કહે છે, તેઓશ્રી જન્મ્યા ત્યારે રડવામાં ય માં-બેનની કોઈ ગાળ બોલ્યા હતા. એમની શાળાના માસ્તરે એમને અક્ષરજ્ઞાન આપવાનો પ્રયાસ પડતો મૂક્યો હતો. કક્કાવારી પ્રમાણે ક, ખ, ગ... એમ શરૂ થતા મોટા ભાગના મૂળાક્ષરો પરથી કયો શબ્દ અને, તે શીખવાડવામાં માસ્તરને વાંધો ના આવ્યો, પણ કેટલાક મૂળાક્ષરોમાં માસ્તર પોતે ડઘાઈ ગયા. 'ક' કલમનો 'ક' કે 'ખ' તો સમજ્યા, પણ બે-ચાર અક્ષરો ચુનીયો ઘેરથી શીખીને લાવ્યો હતો. ચુનીયાના માં-બાપે ઘેર બેઠા જે બારાખડી શીખવાડી હતી, તે સાંભળીને માસ્તર પોતે માં-બેનની બોલતા થઇ ગયા. એ કયા અક્ષરો હોય એ જાણવાનો સુરત અને ખાડીયા સિવાયના કોઈ જ્ઞાાનીએ પ્રયત્ન પણ ન કરવો ! આમાં તો આવડતી ગાળો ભૂલી જવાય !

નહિ માનો પણ, 'ળ' કે 'ણ'થી શરૂ થતી ગાળોના મૂળ શોધક આ ચુનીકાકો જ. બહેરાં-મૂંગાઓ દઇ શકે અને એ લોકો જ સમજી શકે, એવી ગાળો ચુનીયો પોતાના મોંઢે પટ્ટી બાંધીને પણ શીખવી શક્તો ! હું શિષ્યભાવે એમની પાસે ગયો, તો એક વાતે મને ખુશ કરી દીધો. પોતે હિંચકે ને મને ભોંય પર બેસાડીને કહ્યું, 'જગતમાં ફક્ત ગાળોમાં જ એવા શબ્દો છે, જેમાં હ્રસ્વ-દીર્ઘની માં.... એટલે કે, પૂજ્ય માતૃશ્રીના શુભલગ્ન કરાવી આપવાની જરૂર નથી પડતી. ગ્રામરની ભૂલો ય, હમણાં કહું ત્યાં જાય ! ..... ચુનીકાકાએ પોતાના એક નવલખા સંશોધનની પણ વાત કરી કે, કેવળ ગુજરાતી ગાળો એવી છે, જેમાંની એકે ય બોલતા, મ્હોંમાંથી થૂંક ઊડતું નથી. હું રહ્યો લેખક, એટલે સમજીને જ એમણે કહી દીધું કે, તમે લોકો ગાળો કરતા ય વધારે નઠારૂં લખો છો. અમારી પાસે એવા ય કૅસો આવ્યા છે કે, એસ.જી.હાઈવે પરની એક ક્લબમાં બે મેમ્બરો વચ્ચે ઝગડો થયો, એમાં એકે બીજાને 'જા જા હાળા, બુધવારીયા...' જેવી કાન અને બીજું ઘણું બધું ફાડી નાંખે એવી નઠારી ગાળ દીધી, જેની સામે પેલાએ આને (બહેનો અને માતાઓ ક્ષમા કરે... આ ગાળ ન વાંચવી)' 'ઍન્કાઉન્ટરીયો' કીધો. એમાં બંન્ને હાથોહાથની મારામારી પર આવી ગયા. પોલીસે બન્નેને સમજાવ્યા કે, 'તમે બન્ને સારા ઘરના હોવા છતાં, આવી માં-બેનથી ય નઠારી એકબીજાને ગાળો આપો, એ શું તમને શોભાસ્પદ છે ? તમારા ઘરમાં ભ'ઇ-બાપ નથી ?'

મને કોકે કીધું હતું કે, શાસ્ત્રીય સંગીતમાં પહેલો રાગ ભૂપાલી શીખતા જ દસ વર્ષ નીકળી જાય છે... ભૈરવી સુધી પહોંચતા તો જન્મારો નીકળી જાય.

ચૂનીની એક નાનકડી સલાહમાં તો હું ખુશ થઇ ગયો. એણે મને કીધું, 'જો ફાડયા... સંગીતશાસ્ત્રમાં સર્વપ્રથમ રાગ ભૂપાલી શીખાય, એમ ગાળશાસ્ત્રમાં આંખોને હરી લે અને મનને ભરી લે એવી પ્રથમ ગાળ 'સાલો' છે. એમ 'ક'ને કાંઈ નહિ 'ક'વાળી બબાલોવાળી ગાળો શીખવામાં ટાઈમો બગાડીશ, તો પચ્ચા વરસ સુધી 'સાલો' બોલતા ય નહિ આવડે.'

'પણ ગુરૂજી, મારો પ્રોબ્લેમ ગાળો બોલવાનો નથી... મોંઢે આવેલી ગાળ મહીં ગળામાં પાછી નાંખવાનો છે... !' હવે માસ્તર મૂંઝાયા. 'એ ટોપા, કંઇ હમજાય એવું ફાડ... !' ગાળ ગળામાં પાછી નાંખવાની છે, એટલે ?' મેં તો કેમ જાણે એમના ધંધા ઉપર લાત મારી હોય, એવા ગીન્નાયા.

હવે હું હિંચકા પર ને એમને ભોંય પર બેસાડીને મેં કહ્યું, 'કાકા, હું એક સંસ્કારી ઘરનો માણસ છું... ! આ સાંભળીને ચુનીયો, મેં કોઈ નૉન-વેજ જોક કીધો હોય, એવું હસ્યો. 'ઈન ફેક્ટ, હું ગાળો બોલતો નથી. પણ અમદાવાદ શહેરમાં ગાડી ચલાવતા ભલભલો ગંદી ગાળો બોલતો થઇ જાય, એના ઉપર હું કંટ્રોલ રાખવા માગું છું.''

'એ ટણપા... હરખું હમજાય એવું બોલ. આમાં તારો બાપો કંઇ હમજતો નથી.' (વાચકોને સુચના ઃ પ્રસ્તુત અધ્યાયમાં ચુનીકાકા દ્વારા વપરાયેલા 'ટણપા', 'ફાડયા', 'ટોપા' કે એવા અન્ય શબ્દો વાચકોને ડઘાઈ મારવા કે નાના છોકરાં બીવડાવવા નથી વપરાયા. એ તમામ શબ્દોને બદલે વાચકોએ અગાઉ ક્યાંક સાંભળ્યા હોય, એવા અઘરા-અઘરા શબ્દો મૂકી દેવા, જેથી આપણા સહુનું ગૌરવ જળવાય... જય અંબે !)

અલબત્ત, મેં રજૂ કરેલી મારી વિતકકથા નીચે મુજબ છે :

દુઃખ નં. ૧ : હજી જેનો રજીસ્ટ્રેશન નંબર પણ નથી આવ્યો, તેવી નવી નક્કોર ગાડી ઉપર ભૂલ્યા વગર રોજ કોઈ પાનની પિચકારી મારી જાય તો શું કરવાનું ? ગાડી ધોવડાવવાનો રોજનો ચાર્જ રૂ. ૧૦૦/- છે. માણસ અત્યંત સંસ્કારી હોય તો આવું જોઇને એકાદ વખત શ્રી ગાયત્રીનો કે શ્રી નવકાર મંત્ર બોલે. પણ આવું રોજ થતું હોય તો એ કયો મંત્ર બોલે ? વિકૃત માણસ હાથમાં તો આવવાનો નથી. આવી પણ જાય તો રસ્તા ઉપર મારામારી કરવાની આપણામાં આવડત ન હોય. રોજ આ જોઈને આપણે ગાળ સિવાય બીજું શું બોલીએ ? ગાળ પણ મનમાં બોલવી પડે... નહિ તો કોઈ આપણને મારી જાય ! આપણે ફર્યા ઘણું હોઈએ પણ આપણને શોભે એવી ગાળો કંઇ ના આવડે. સુઉં કિયો છો ? શાસ્ત્રોમાં કહ્યું છે કે, ગાળ બોલવી તો એવી બોલવી કે, પેલાના અત્યાર સુધી ગુજરી ગયેલા દરેક પેઢીના તમામ ડોહા-ડોહીઓ ઉપર બેઠા બેઠા મહિના સુધી ખાટાં ઘચરકાઓ ખાધે રાખે !

દુઃખ નં. ૨ : શિયાળામાં ગુજરાતભરમાં ઇંગ્લેન્ડ-અમેરિકાથી સગાઓનો રાફડો ફાટે છે. એ બધા અહીં આવીને આપણી ટ્રાફિક-વ્યવસ્થા જોઇને પહેલું કામ ઇંગ્લિશમાં ગાળો બોલવાનું કરે છે.વળવા માટે સાઇડ-સિગ્નલ કે હાથ બતાવવાનો રિવાજ તો મારા શહેરના લોકો ઘરમાં ય નથી બતાવતા. હું નવી નવી સાયકલ શીખ્યો, ત્યારે બાથરૂમમાં તો સાયકલ લઇને ન જવાય પણ ચાલતા જવાનું હોવા છતાં, ઘરના બાથરૂમની ગલીમાં વળવા માટે હાથ વડે સાઇડ આપતો. ફાધર ખીજાયેલા, 'સામે દેખાતું નથી, ટૉઈલેટ ઉપર લાલ-બત્તી છે...? લીલી થાય પછી જજે...!'

દુઃખ નં. ૩: પેલા NRIઓ કહે છે, 'ટ્રાફિક જામ કે વગર જામે પણ પાછળથી તમે હૉર્ન મારો, તો આગળવાળો ગાડીમાંથી ઉતરીને તમને મારવા આવે, કાળીયા હોય તો ખાસ !' એમને ખબર નથી, ઇન્ડિયામાં હૉર્ન-ફૉર્ન કોઈ ન સાંભળે... બારીમાંથી બન્ને હાથ બહાર કાઢીને થાળી-વેલણ વગાડો ત્યારે તોપેલો પાછળ જુએ... હટવાની કોઈ ગૅરન્ટી નહિ, ભાઈ ! જીવનના આવા કપરા સમયે હૃદયની પીડા, મગજનો ગુસ્સો અને બીક લાગવાની લાચારી તમારી પાસે (કાચ બંધ કરીને) પેલાની સામે માં-બેનની ગાળો બોલાવડાવે, તો શું તમે કોઈ જધન્ય ગુન્હો કર્યો કહેવાય?

દુઃખ નં.૪ : પહેલા એવું મનાતું કે નઠારી ગાળો ફક્ત સૂરતની સ્ત્રીઓ જ બોલે છે. એવું નથી. અમદાવાદ, રાજકોટ કે વડોદરા જેવા શહેરોમાં ય સારા ઘરની સ્ત્રીઓ હવે છૂટથી ગાળો બોલતી થઇ છે. યસ... જેને 'પેઇજ-થ્રી' કલ્ચરની કેહવાય, એવી સ્ત્રીઓ આ મામલે બિલકુલ સ્વાવલંબન અપનાવી ચૂકી છે. (આ સમગ્ર લેખમાં જે કોઈ ઉલ્લેખો સ્ત્રી-પુરૂષોના થયા છે, તે સમાજના ચોક્કસ ઉપલા વર્ગના શિક્ષિત અને સંસ્કારી ઘરોના છે, મવાલી બ્રાન્ડના નહિ !) ગાળો એકલા પુરૂષો બોલે છે, એવું નથી. કોક ગુજરાતી લેખકે કહ્યું હતું (નામ યાદ નથી આવતું, એમનું કામ યાદ આવે છે !) કે, 'ગાળ એ પુરૂષોનું સ્ભ છે.' (આવો સસ્પૅન્સ રાખીને લખવાનું કારણ એટલું કે, આ વાંચ્યા પછી અનેક લેખક-મિત્રો કહેતા થશે. 'હા...એ અવતરણ મારૂં હતું...!')

ઓકે... લોકો ગાળ શા માટે બોલે છે ? અને બોલે, તો એ ખરાબ ગણવું ? ગાળ બોલાઈ જાય તો કોઈ મોટો ગુન્હો કર્યો હોય, એવું ગીલ્ટી ફીલ કેમ કરવામાં આવે છે ? ગાળ બોલવા માત્રથી એ નક્કી થઇ જાય ખરૂં કે, બોલનારો હલકો છે, સંસ્કારી નથી ? જે કદી ગાળ જ બોલતો/તી ન હોય, એ ચરીત્રનો શુધ્ધ જ હોય અને બોલનારો હલકા ચરીત્રનો હોય, એવી ખાત્રી પાક્કી... ???

હું સમજ્યો છું ત્યાં સુધી, ગાળો વેશ્યાનું કામ કરે છે. વેશ્યા નામ પડતા જ હરકોઈ ભડકે છે, પણ કોઇને એ વિચાર આવે ખરો કે, એમના ધંધાને કારણે વધુ પડતા સ્ત્રી-આસક્તો અન્ય સ્ત્રીઓને છંછેડવા કે વિકૃત બનવાને બદલે વેશ્યાગમન કરી આવે છે, એમાં કેટલી સ્ત્રીઓ બચી જાય છે ? એક વેશ્યા એક બળાત્કાર અટકાવે છે. એવી જ રીતે, એક ગાળ એક મારામારી અટકાવે છે. (ક્યાંક શરૂ ય કરતી હશે !) ધૂમધામ ચઢેલો ગુસ્સો મ્હોંમાંથી નીકળેલી ગાળને કારણે બેશક શમી જાય છે. ગુસ્સો ન પણ શમે, તો બોલી દીધા પછી મન હળવું તો થઇ શકે છે. હું મારા ફ્લૅટ નીચે ઊભો હતો, ત્યાં પાછળથી અચાનક કોઇનો પુરજોશ ધક્કો વાગ્યો. મારાથી બોલી જવાયું, 'સાવ ગધેડો જ છે... !'

જોયું તો સાચેસાચો ગધેડો હતો. લો કલ્લો બાત... એક ગાળમાં કામ પતી ગયું. વાત સીધી છે. ગુસ્સાથી લાલચોળ બનીને હું એના કાનની નીચે એક થપ્પડ મારૂં, એ કાંઈ સારૂં લાગે ? સદરહૂ ગધેડો 'કિસ ખાનદાન સે હૈ, ઉસકે લછ્છન કૈસે હૈં, કિસ ગાંવ કા રહેનેવાલા હૈં, ઉસકી જાતપાત ક્યા હૈ ?' એની તપાસ-બપાસ કર્યા વિના શું હું એને માં-બેનની ગાળ દઇ શકવાનો હતો ? એ ગધેડો છે કે ગધેડી, એ આપણને નક્કી કરતા કેવી રીતે ફાવે ?

આવા દુઃખદ સંજોગોમાં મારી મદદે કોણ આવ્યું ?... ગાળ. અને ગધેડાને ગધેડો કહેવામાં તો મારા ખ્યાલથી ગાળ પણ બની ન કહેવાય ? સૂઉં કિયો છો ?

કાંઈ નહિ... હવે પંખો ચાલુ કરો.

સિક્સર
'વૉટ્સ ઍપ' વાપરનારાઓને 'વૉટ્સ અપ?' નું ગુજરાતી પૂછી જુઓ.

25/05/2015

એનકાઉન્ટર : 24-05-2015

૧.કેજરીવાલથી એક વાર છેતરાઈ ચૂકેલી દિલ્હીની જનતાએ એમને બીજી વાર કેમ તક આપી ?
-એમ કાંઈ એકાદવાર છેતરાઈ જવાથી આપણે હિમ્મત હારી ન જવાય... આપણે ઈન્ડિયન છીએ.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

૨.રાજા-મહારાજાઓ એક કરતા વધુ રાણીઓ રાખતા હતા... સુઉં કિયો છો ?
-હવે એવું કરવા માટે રાજા-મહારાજા બનવાની જરૂર નથી પડતી.
(જગદિશ ભાનુશાળી, અમદાવાદ)


૩.'એનકાઉન્ટર'માં સવાલો મોકલવાની તમામ પૂર્વશરતો માન્ય... પણ મોબાઈલ નં. લખવાની શી જરૂર ?
-તમે તમારો બેન્ક-એકાઉન્ટ નંબર તો આપવાના નથી... !
(પ્રતિક સોની, વલસાડ)


૪.રાહુલ ગાંધીને ટુંકમાં 'રાગા' કહેવાય છે, તો આ નવા રાગને નામ શું આપીશું ?
-સંગીતનું અપમાન ન કરો.
(સિદ્ધાર્થ છાયા, અમદાવાદ)

૫.તમને એક દિવસ માટે ભારતના વડાપ્રધાન બનાવવામાં આવે તો ?
-ક્યાંથી બનાવશો ? હું ઈન્ડિયા પાછો આવું તો ને ?
(પરીક્ષિત ત્રિવેદી, કપડવંજ)

૬.સાલું આ વાંચેલું યાદ કેમ નથી રહેતું ?
-શું યાદ નથી રહેતું ???
(મિનેષ રોહિત, કણભાઈપુરા)

૭.અશોક દવે અને 'અશોક ચક્ર' વચ્ચે શું તફાવત ?
-અશોક દવેઓ બીજા સવા સો કરોડ મળી રહેશે... વિશ્વનું સૌથી તેજસ્વી ચક્ર, 'અશોક ચક્ર' બીજું ક્યાંય નહિ મળે.
(હિરેન સોની, સાઠંબા - અરવલ્લી)

૮.ઘરમાં ઝગડો ન થાય, એ માટે શું કરવું જોઈએ ?
-સહન.
(વિપુલ એમ. ગોલે, વિસનગર)

૯.તમારૂં નામ 'અશોક દવે' કોણે રાખ્યું અને શા માટે ?
-'અશોક' તો મામાએ, પણ 'અશોક દવે' તમે બધાએ... જગતનું એ સર્વશ્રેષ્ઠ નામ છે માટે.
(ફૈઝલખાન નેદરીયા, ગાંધીનગર)

૧૦.નરેન્દ્ર મોદી સાથે બેઠક થાય તો ચર્ચાનો મુદ્દો શું હોય ?
-એક જ ! પાકિસ્તાનને જવાબ ક્યારે અને શું આપો છો ?
(ઋષિલ ડોડીયા, વડોદરા)

૧૧.તમે ભૂતપ્રેતમાં માનો છો ?
-ક્ષમા કરજો. હું બીઝી છું. હાલમાં મારા સ્વર્ગસ્થ સાસુ-સસરા મળવા આવ્યા છે.
(અર્થવ ધીમંત ભાવસાર, બડોલી)

૧૨.તમને ખબર છે ખરી કે, આ જગતનો અંત ક્યારે આવશે ?
-બુદ્ધિમાન લોકો જગતના 'પ્રારંભ'નો વિચાર કરતા હોય છે... અંતનો નહિ !
(હર્ષિલ ઠક્કર, અમદાવાદ)

૧૩.મારી 'સેન્સ' ઓફ હ્યૂમર મારી પત્ની પચાવી શકતી નથી. શું કરવું ?
-બેમાંથી એકને માંડી વાળો... કાં તમારી હ્યુમરને, ને કાં પત્નીને !
(મહેન્દ્ર પરીખ, મુંબઈ)

૧૪.લગ્ન સમયે ગોર મહારાજ 'કન્યા પધરાવો, સાવધાન' કહે છે, 'વર પધરાવો' કેમ નહિ ?
-વરને વધેરવાનો હોય, પધરાવવાનો ના હોય !
(પારૂલ સુનિલ ગઢીયા, રાજકોટ)

૧૫.ધો.૯ને પ્રાથમિક શિક્ષણ વિભાગમાં લઈ જવાનો નિર્ણય બરોબર છે ?
-ધો. ૯ સુધી ભણેલા કોઈને આ સવાલ પૂછો.
(ચેતન શાહ, ઝાનોર-ભરૂચ)

૧૬.સની લિયોની પી.ટી. ટીચર બને તો વિદ્યાર્થીઓ માટે ક્યો યુનિફોર્મ આવે ?
-મને ચિંતા વિદ્યાર્થીઓની નહિ... બાકીના સ્ટાફની થાય છે !
(મધુકર માંકડ, જામનગર)

૧૭.ડિમ્પલ કાપડીયા સાથે કેવી ફિલ્મ કરવાનું પસંદ કરો ?
-ફિલ્મ 'મુગલે-એ-આઝમ'... (મારે સલીમનો રોલ કરવાનો હોય... શહેનશાહ અકબરનો નહિ... અને ડિમ્પલે અનારકલી બનવાનું હોય... એની બા નહિ !)
(કૌશિક એસ. શાહ, ભાવનગર)

૧૮.રવિ પૂર્તિનું છેલ્લું આખું પાનું 'એનકાઉન્ટર'નું કેમ નથી રાખતા ?
-પહેલા તો, રોજે રોજના સોળે સોળ પાનાં 'એનકાઉન્ટર'ના રાખવાનો વિચાર હતો... ! પણ પછી ખબર પડી કે, આખા સપ્તાહમાં સૌથી વધુ બુદ્ધિશાળી વાચકો ૨૫-જ હોય છે, એટલે ફક્ત રવિવારે !
(હાર્દિક ક્યાડા, નિકોલ-અમદાવાદ)

૧૯.જાહેર રસ્તાઓ ઉપર નીકળતા તમામ વરઘોડા કે ધાર્મિક-યાત્રાઓ બંધ કરી ન દેવા જોઈએ ?
-સાલાઓ એક પણ સરઘસ દેશભક્તિ ઉજાગર કરવા માટે કાઢતા નથી... ને પોતાના ધર્મના પ્રચાર માટે સેંકડોની સંખ્યામાં નીકળી પડે છે. હવેના યુદ્ધમાં પાકિસ્તાન આપણને હરાવશે, તો મને નવાઈ નહિ લાગે.
(રોહિત યુ. બૂચ, વડોદરા)

૨૦.લગ્નના ૨૫-વર્ષ પૂરા કરનાર પતિને તમે શૂરવીર કહેશો કે કાયર ?
-'પતિ' કહો, એમાં બધું આવી ગયું.
(જયેશ અંતાણી, ભાવનગર)

૨૧.પુત્રના લક્ષણ પારણે, વહુના લક્ષણ બારણે, તો દોસ્તના લક્ષણ ?
-પહેલા બન્નેમાં ય સમાજ ફેઈલ ગયો છે... 'પારણું'ને 'બારણું'... પ્રાસ બેસાડવા સિવાય કાંઈ લાગુ પડતું નથી.
(રૂપેશ પટેલ, કોલક-વલસાડ)

૨૨.તમારો તકીયા-કલામ, 'તારી ભલી થાય ચમના...'ને કારણે ચમનલાલો શું પ્રતિક્રિયા આપે છે ?
-એ જ કે, આખા ગુજરાતમાંથી મારી ભલી વિચારનારો એક માત્ર અશોક દવે નીકળ્યો.
(ઉમંગ કક્કડ, રાજકોટ)

૨૩.આપનું 'એનકાઉન્ટર' મુંબઈની લોકલ ટ્રેનમાં વાંચી રહ્યો છું. પણ રવિવારે મુંબઈ ખાલી કેમ લાગે છે ?
-પણ તો ય, ટિકીટ લઈને બેસવું સારૂં !
(સનત પટેલ, મુંબઈ)


૨૪.શું ઇન્ડિયાની ક્રિકેટ ટીમ હવે પછીનો વર્લ્ડ-કપ જીતવાની ક્ષમતા ધરાવે છે ?
-અચ્છે દિન ''જાનેવાલે'' હૈં... !
(પરેશ મોદી, સુરત)

૨૫.કોંગ્રેસ ફોર્મ વગરની થઈ ગઈ છે... એમાં એન્ટ્રી લેવાય ?
-તો તો પછી મારે તમારા અને રાહુલબાબામાં કોઈ ફરક જ ન સમજવો ને ?
(જયેશ સુથાર, કણજરી-નડિયાદ)

૨૬.બધા લાભો 'ઓપન'માં આવનારાને કેમ નહિ ?
-ઓહ... અંકલેશ્વરમાં હજી 'ઓપન-બંધ' ચાલે છે ?
(રચના ગાંધી, અંકલેશ્વર)

૨૭.ગત તા. ૩જી મે, ૨૦૧૫ના રોજ 'વર્લ્ડ-લાફટર ડે' હતો, તો ય કોઈ હસાવવા ના આવ્યું... !
-આ જવાબ હું 'વર્લ્ડ-હસબન્ડ ડે'ના રોજ આપી રહ્યો છું !
(ડૉ. અશ્વિન પટેલ, કેટ્સકિલ-ન્યુયોર્ક)

22/05/2015

'શિકસ્ત' ('૫૩)

ફિલ્મ - 'શિકસ્ત' ('૫૩)
નિર્માતા - દિગ્દર્શક - રમેશ સેહગલ
સંગીત - શંકર-જયકિશન
ગીતકારો - શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ - ૧૫-રીલ્સ
થીયેટર - (અમદાવાદ)
કલાકારો - દિલીપ કુમાર, નલિની જયવંત, કે.એન.સિંઘ, ઓમપ્રકાશ, લીલા મીશ્રા, શ્યામલાલ, દુર્ગા ખોટે, હેમાવતી.


ગીતો
૧ જબ જબ ફૂલ ખીલે, તુઝે યાદ કિયા હમનેં..... લતા-તલત
૨ તુફાં મેં ઘિરી હૈ મેરી તકદીર કી રાહેં.... તલત મેહમુદ
૩ કારે બદરા તૂ ન જા, બૈરી બિદેસીયા ન જા. લતા મંગેશકર
૪ ચમકે બિજુરીયા...મન જા રે બલમ પરદેસીયા.. આશા-કોરસ
૫ સપનોં કી સુહાની દુનિયા કો, આંખોં સે બસાના તલત મેહમુદ
૬ હમ કઠપૂતલે હૈં, હમ તો હૈ ખેલ ખિલૌને હેમંત કુમાર
૭ નઇ ઝીંદગી સે પ્યાર કર કે દેખ લતા-રફી
૮ રાત જાગ કે નીકાલું, તેરે ઇન્તેઝાર મેં લતા મંગેશકર
૯ નઇ ઝીંદગી સે પ્યાર કર કે દેખ.... લતા મંગેશકર
૧૦ બુઝ ગયે આશા કે દિયે, બદલે રંગ જહાન કે લતા મંગેશકર
ગીત નં. ૨ અને ૮ હસરત જયપુરીના- બાકી બધા શૈલેન્દ્રના

દિલીપ કુમાર કેવો સોહામણો અને પ્રભાવશાળી ઍક્ટર હતો ! અન્ય કોઇ હીરોની સરખામણીમાં બે વાતે એ નોખો તરી આવતો હતો કે, એક તો, પરદા ઉપર એની હાજરી જ કાફી હતી. એ કાંઇ ન બોલે, તો ય અન્ય પાત્રો ઝાંખા પડી જાય, એવો 'ઑરા' એનો હતો અને બીજું મીઠાશ અને ભાવવાહી અવાજ. એ ગદ્યમાં બોલતો હોય તો ય પદ્ય લાગે... અને 'મદ્ય'માં બોલતો હોય તો હારે હારે આપણે ય પીધો હોય, એવી અસર ઊભી કરી શકતો. આમ તો, 'બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોના જમાનાની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં એણે કરૂણ અને નિષ્ફળ પ્રેમી તરીકેના જ રોલ વધારે કર્યા, એમાં અંગત જીવન પર એવી ખરાબ અસર પડી ગઇ કે, ફિલ્મ બહારની દુનિયામાં એ થનગનાટ અને તોફાની કિસ્મનો માણસ હતો છતાં, ફિલ્મોમાં આવા રોલ કરવાને કારણે એના મન ઉપર પણ દુઃખી અસરો પડવા માંડી અને સાચા અર્થમાં સેકાયટ્રીસ્ટને બતાવવું પડયું, જેમણે સલાહ આપી થોડી ઘણી કૉમેડી ફિલ્મો કરવાની અને એટલે ફિલ્મ 'આઝાદ' અને 'આન' જેવી ફિલ્મો સ્વીકારી.'

એક ઍક્ટર તરીકે આ ફિલ્મ 'શિકસ્ત'માં તેને બહુ ઊંચું માન નહિ આપી શકાય. અફ કૉર્સ, જે રોલ એને સોંપવામાં આવ્યો હતો, એ તો એની પાસેથી રખાયેલી અપેક્ષા મુજબનો સિધ્ધહસ્ત જ હતો, પણ ફિલ્મના પહેલા દ્રષ્યથી એના સ્વભાવ, બોલચાલ, સંવાદ કે અન્ય કોઇ હરકતો કરવાની આવતી નથી. બસ, દરેક દ્રષ્યે ઢીલા પડતા જવાનું છે. એમાં દોષ એની એક્ટિંગનો દાઢી શકાય એમ નથી, એની પસંદગીનો કાઢ શકાય કે, બધી ફિલ્મોમાં આવા મડદાલ રોલ શું કામ સ્વીકાર્યા ? કમ્માલ છે કે, આવી ઍક્ટિંગ એને લગભગ બધી ફિલ્મોમાં કરવાની આવી. પછી, 'કોહિનૂર', 'આન' કે 'ગંગા જમુના'માં એણે પૂરૂં શહૂર બતાવ્યું.

બીજી બાજુ, હીરોઇન નલિની જયવંત માટે લાઇફનો કદાચ સર્વોત્તમ રોલ અહીં હતો...ઍન્ટી-હીરોઇનનો. આમ તો, એના રોલમાં ય વૅરિએશન્સ બે જ છે, રૂઆબદાર જમીનદાર અને ભગ્ન પ્રેમી-વિધવા. આખી ફિલ્મના એકે ય દ્રષ્યમાં કોઇ જરાક અમથું ય હસ્યું નથી, છતાં સુંદર વહે જતી વાર્તાને કારણે ફિલ્મ ક્યાંય બૉરિંગ લાગતી નથી.

બહુ ઓછાને ખબર હશે કે, ૧૮મી ફેબુ્રઆરી, ૧૯૨૬-ના રોજ એક શિક્ષિત મહારાષ્ટ્રીય પરિવારમાં જન્મેલી નલિનીએ ફિલ્મોમાં પ્રવેશ તો '૪૦-ના દાયકામાં કર્યો હતો. નૂતનની માં શોભના સમર્થ અને નલિની સગા કાકા-કાકાની દીકરીઓ થાય, એ ધોરણે નૂતન બાળકી હતી, ત્યારે એની ચોથી બર્થ-ડે પાર્ટીમાં નલિનીને આપણા ગુજરાતી યુવાન દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઇ એની સામે જોતા જ મોહી પડયો. પોતાની બે ફિલ્મો 'રાધિકા' અને 'નિર્દોષ'માં હીરોઇન બનાવી દીધી. 'જહૉની મેરા નામ'માં હેમા માલિનીની માં બનતી 'મૃદુલા' આ ફિલ્મની સેકન્ડ હીરોઇન હતી. (યોગાનુયોગ, આ મૃદુલા દિલીપ કુમારની પણ સૌથી પહેલી ફિલ્મ 'જ્વારાભાટા'ની હીરોઇન હતી.) પણ ખૂબસુરત વાત તો એ છે કે, ગાયક મૂકેશે ફિલ્મી શરૂઆત ગાયક નહિ, હીરો તરીકે આ ફિલ્મ 'નિર્દોષ'થી કરી હતી. અશોક ઘોષના સંગીતમાં મૂકેશે જે બે-ત્રણ ગીતો ગાયા હતા, તેમાંનું 'દિલ હી બુઝા હુઆ તો ફસલ-એ-બહાર ક્યા...' જાણિતું થયું હતું. મુકેશે ગાયેલું આ પહેલું ગીત હતું.

દિલીપ કુમારની સાથે ચરીત્ર અભિનેતા ઓમ પ્રકાશ...જરા નવાઈભર્યું લાગે એમ છે. છેલ્લે બન્ને સાથે ફિલ્મ 'આઝાદ'માં આવ્યા હતા. ઓમને વાંધો એ પડયો કે, દિલીપ કોમવાદી માનસ ધરાવે છે. હિંદુ દેવી-દેવતાઓ સામે એ કદી પ્રણામ કરતો નથી. ઝૂકતો નથી. એણે દિલીપ સાથે કામ કરવાનું બંધ કરી દીધું, પણ દાયકાઓ પછી નિર્માતાઓ મુશિર-રિયાઝની ફિલ્મ 'ગોપી'માં સાયરા-દિલીપની સાથે ઓમનું હોવું નિહાયત જરૂરી હતું. દિલીપ સમાધાન કરવા તૈયાર હતો. શર્ત ઓમે મૂકી કે, ફિલ્મમાં દિલીપ હિંદુ ભગવાનને પ્રણામ કરતો દર્શાવાય, એ જ મારૂં સમાધાન...ને આખરે એમ જ થયું.

આ ફિલ્મમાં ઓમપ્રકાશ એક સામાન્ય વિલન છે. ચૅમ્બુરમાં અશોક કુમારની બરોબર બાજુનો બંગલો, છતાં ય આ બન્ને વડિલો વચ્ચે જીવનભર બોલવાના વ્યવહારો રહ્યા નહોતા. થોડે દૂર આવેલા આર.કે. સ્ટુડિયોના સર્વેસર્વા રાજ કપૂર સાથે પણ અશોક કુમારને દહીંનું મેળવણ માંગવા જેટલા ય સંબંધો નહોતા. ઍક્ટિંગના જોરે દાદામોની ભલભલા હીરોને ખાઇ જાય એમ હતા, એ ધોરણે સ્વાભાવિક છે, મોટા ભાગના હીરો એમનાથી દૂર ભાગે.

એક નહોતી ભાગતી નલિની જયવંત, જેણે તો એક તબક્કે પોતાના 'આધાર-કાર્ડ'માં ય અશોક કુમારનું નામ ઉમેરવાના સપના જોયા હતા. બન્ને ગળાડૂબ પ્રેમમાં હતા. ફિલ્મો જ નહિ, દેશભરમાં કોઇથી આ વાત અજાણી નહોતી.

અલબત્ત, વીરેન્દ્ર દેસાઇ સાથે લગ્ન કરી લીધાના એકાદ વર્ષમાં જ એને ખબર પડી કે, વીરૂ નલુને મારઝૂડ કરવામાં સેહવાગ જેવો હતો. છુટાછેડા લેવાઇ ગયા ને દેવ આનંદ અને ગુજરાતી હીરોઇન તરલા મેહતા (દીના પાઠકની નાની બહેન) સાથે આવેલી ફિલ્મ 'એક કે બાદ એક'માં આ પ્રભુ દયાલ સાઈડમાં હતો. નલુ એની સાથે પરણી ગઇ. એ ય કાંઇ ઝાઝું ન ચાલ્યું. ને છેલ્લે છેલ્લે અમિતાભ બચ્ચનની એક ફિલ્મ 'નાસ્તિક'માં 'માં'નો રોલ કરીને નલિનીએ અલવિદા કરી દીધી. બીજી અનેક હીરોઇનોની જેમ નલિની જયવંત પણ બેહાલી જ નહિ, ભિખારણ જેવી અવસ્થામાં ગૂજરી ગઇ ત્યારે એને સ્મશાને મૂકી આવવા કોઇ નવરૂં નહોતું.

કે.એન. સિંઘ એના જૉનરનો શ્રેષ્ઠ વિલન હતો. એને જોતા વ્હેંત કોઇને વહાલ ઉપજી આવે, એવું તો કદાચ એના જન્મસમયે ય નહિ થયું હોય. સાયગલ અને પૃથ્વીરાજ કપૂરના આ ખાસ દોસ્ત મુંબઇના કિંગ સર્કલ ખાતે પૃથ્વીરાજની બાજુમાં રહેતા. આ ફિલ્મમાં ય એ કાળાકામો જ કરે છે.

ફિલ્મમાં ગરીબ ખેડૂત મંગલૂ, જેની કિશોરી દીકરી નલિનીના ઘેર કામ કરતા ગૂજરી જાય છે, તે ચરીત્ર અભિનેતા શ્યામલાલને તમે શશી કપૂર-કિશોર-મેહમુદની કૉમેડી ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મેહમુદના સસુરજી તરીકે જોયો છે. બહુ ખાસ ચાલ્યો નહિ.

ફિલ્મના સંગીતમાંથી થોડો મૂડ ઉતરી જાય એવું કામ શંકર-જયકિશને કર્યું છે. દોષ ફિલ્મની વાર્તાનો હશે, પણ ફિલ્મના દસે ય ગીતો ઉપડયા નહિ. આ તો મારા જેવા શંકર-જયકિશન પાછળ પાગલ ચાહકોને 'લતા-તલતનું 'જબ જબ ફૂલ ખીલે, તુઝે યાદ કિયા હમનેં..., લતાનું 'કારે બદરા તૂ ન જા...' અને તલતનું 'સપનોં કી સુહાની દુનિયા કો...' આજે ય કંઠસ્થ હોય. બાકીના ગીતો શંકર-જયકિશનના જ ન લાગે, એવા નબળાં નીકળ્યા. તલતના આ 'સપનોં કી સુહાની...'માં એક ખૂબી એ છે કે, તલતની પૂરી કરિયરનું આ એક જ ગીત એવું છે, જેની શરૂઆત એણે આલાપથી કરી છે. એમ તો શોધતા શોધતા આલાપવાળા બીજા-બે-ત્રણ ગીતો મળી આવ્યા, પણ કોઇ જાણિતા ન થયા.

કોઇને નવાઇ લાગી શકે કે, સંગીત-જયકિશનનું હોવા છતાં હસરત જયપુરીના બે જ ગીતો કેમ ? બાકીના બધા શૈલેન્દ્રના ! એક કારણ સાચું પડે એવું એ છે કે, ફિલ્મ 'આવારા' પછી તરત જ શંકર અને જયકિશન વચ્ચે ઝગડા શરૂ થઇ ગયા હતા. બન્ને છુટા પડી જવાના હતા, પણ રાજ કપૂરની દરમ્યાનગીરીથી મામલો થાળે પડયો. હસરતના ગીતોની ધૂન જયકિશન બનાવતો હોવાથી-તેમ જ પ્રભુત્વ શંકરનું વધુ રહેતું હોવાથી જયકિશન અને હસરતના બે જ ગીતો આ ફિલ્મમાં આવ્યા હોઇ શકે.

નવાઇ તો બીજી ય લાગી શકે એમ છે કે, શંકર-જયકિશનની ફિલ્મોમાં હેમંત કુમાર ભાગ્યે જ હોય. 'રૂલા કર ચલ દિયે એક દિન, હંસિ બનકાર જો આયે થે' કે 'આ નીલે ગગન તલે, પ્યાર હમ કરે' જેવા બે-ચાર ગીતો માંડ હશે.

વાર્તા આજે ય નવી લાગે, એવી ભાવવાહી હતી.

ડૉ. રામસિંઘ (દિલીપ કુમાર) સાત વર્ષ પછી પોતાને ગામ જમીન વેચીની પાછા શહેર જવા માટે આવે છે. એને તાત્કાલિક જાણ થાય છે કે, ગામનો જમીનદાર (કે.એન.સિંઘ) અને તેની બહેન સુષ્મા (નલિની જયવંત) ભોળા ગામલોકો ઉપર જુલ્મોસિતમ કરીને પૈસો હડપ કરી જવા માંગે છે.

સુષ્મા એક જમાનામાં તેની પ્રેમિકા હતી, પણ આ સાત વર્ષના ગાળામાં તે બે કામો એક સાથે પતાવે છે-લગ્ન કરવાનું અને વિધવા થવાનું. પહેલા કરતા બીજા કામમાં એનો હાથ વધુ સારો બેસી ન જાય, એ માટે દિલીપ કુમાર પણ એનો પૂર્વ પ્રેમી હોવા છતાં એને પ્રેમના ભાવથી જોતો નથી, પણ મહીં મહીં ઇચ્છા ખરી એ તો! એ સુષ્માની નજીક જવાનું કારણ એ લઇ આવે છે કે, સુષ ગ્રામજનો ઉપર અત્યાચારો કરે છે, એ આનાથી જોવાતું નથી, એટલે એ પોલીસ-સ્ટેશનમાં જવાને બદલે સુષ પાસે જા-જા કરે છે અને આવડી આ, એને આઘો જ રાખે છે. આમ તો ભ'ઇ, ગામ આખામાં બકી ચૂક્યા હતા કે, હું તો મારી જમીન વેચીને પાછો જતો રહીશ, પણ એ પંજાબનો ખેડૂત ન હોવાથી ઝાડ પર લટકીને ભરી સભામાં આત્મહત્યા કરતો નથી. ગામમાં પ્લેગ ફાટી નીકળતા, ડૉક્ટર રામસિંઘ સુષ્માના પુત્રને બચાવે છે, એમાં બન્ને વચ્ચેનો પ્રણય ફરી જાગૃત થાય છે. (ગુજરાતના ડૉક્ટરો....આ વાતમાં તમારી અનુકૂળતા મુજબ રસ લો.) અલબત્ત, ગાંવવાલોં હવનમાં હાડકાં નાંખે છે, એમાં આ બન્નેનો માંડમાંડ શરૂ-શરૂ થતો પ્રેમ 'ડીલીટ' મોડ પર આવી જાય છે. દિલીપને શહેર જતો પાછો રોકવા માટે સુષ ગ્રામ્યજનો ઉપર વધુ અત્યાચાર કરે છે ને પેલાને આ જ જોઇતું હતું. એ રોકાઇ જાય છે. પણ પ્રેમી પંખીડાઓને રોકવા જમીનદાર એ બન્ને વચ્ચેના પ્રેમની આગ ભડકાવીને દિલીપ સામે કૅસ કરે છે. હજી આવી બીજી એકાદ-બે લમણાઝીંક પછી ફિલ્મના અંતે પંખીડાઓ પિંજરામાં સહર્ષ પૂરાઇ જાય છે.

વાર્તા વજાહત મિર્ઝાની હતી. યસ. કંઇક અફ કૉર્સ નવું હતું. નલિની જયવંત પાસે ઘણો બોલ્ડ રોલ કરાવ્યો છે નિર્માતા-દિગ્દર્શક રમેશ સેહગલે. નૉર્મલી, આવો ઍન્ટી-હીરોઇનનો રોલ ભાગ્યે જ અન્ય કોઇ હીરોઇન સ્વીકારે. મિર્ઝાએ ફિલ્મના સંવાદો ભલે સાહિત્યિક નહિ, તો ય ઘણા અસરકારક લખ્યા છે, એકે ય સંવાદ લાંબો કે અર્થ વગરનો નહિ.

દિલીપકુમારના ચાહકો અંજાઇ જાય, એવો બખૂબી બેહતરીન અભિનય જોવા માટે આ ફિલ્મ જોવી.

20/05/2015

મુહમ્મદ રફીને 'ભારતરત્ન'

આમ પત્રકારત્વના નિયમ મુજબ, આ લેખના શીર્ષકમાં 'ભારતરત્ન' લખ્યું છે, એમાં પેલા બે (' ') અવતરણ ચિહ્નો ન લખાય, લેખના મથાળામાં વગર અવતરણે ઉતરવું પડે. પણ એટલું બધું સાચવવા જઇએ તો મુહમ્મદ રફીને 'ભારતરત્ન' શબ્દોય ખોટા પડે એમ છે. આ માણસ ભારત-પાકિસ્તાન જ નહિ, દુનિયાભરની સરહદો પાર કરીને ઠેઠ મારા હૃદય સુધી પહોંચી ગયો છે.

મુહમ્મદ રફી સાહેબને 'ભારતરત્ન' આપવાથી શાન-ઓ-શૌકત ઍવૉર્ડની વધવાની છે.... એમને માટે તો હિંદી-ઉર્દુ સમજનારા દુનિયાભરના સંગીતપ્રેમીઓ વર્ષો પહેલાનો જગતભરનો સર્વોત્તમ ઍવૉર્ડ ''વિશ્વ-નાગરિક''નો આપી દીધો છે. ભારતમાં જ (ભાગલા પહેલાના પાકિસ્તાનમાં) એ જનમ્યા ને આપણે ત્યાં જિંદગી ગૂજારી, એટલે બેમાંથી એકેય દેશવાળા ''રફી અમારા'' એવો દાવો ન કરી શકે... ને એમ જ હોય તો ઠેઠ વેસ્ટ ઈન્ડીઝ ટાપુઓમાં આવેલાં ટચુકડા દેશ સુરિનામમાં તો રફી સા'બે ગાયેલું, 'સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગી..' રાષ્ટ્રગીતની કક્ષાએ ગવાય છે- રોજ! 'સાહેબ' તો જગતભરના રત્ન હતા... 'જગતરત્ન.'

રફીના જ લાડકા નામે ઓળખાતા રફી સાહેબ આજે ''નથી'', એવું નહિ કહેવાય, રફી ''છે'', એવું ઍટ લીસ્ટ હું ને તમે જીવીએ છીએ ત્યાં સુધી તો કહેવું જ પડશે. ભગવાન શ્રીકૃષ્ણની જેમ રફી પણ કોઇના કંઠમાં, કોઇની આંખોમાં, કોઇના લિબાસમાં, કોઇના વિશાળ કપાળમાં, કોઇના આંસુઓમાં, કોઇના પગના થરકાટમાં, કોઇના તાલ આપતા હાથોમાં કે બાળક જેવા કોઇના નિર્દોષ સ્માઇલમાં રફી હરદમ રહેવાના છે. એ દ્રષ્ટિએ મુહમ્મદ રફી ભારતના રાષ્ટ્રગીત જેવા છે, 'જનગણમન અધિનાયક...'

ઈન ફૅક્ટ, હું ને તમે સમજણા થયા, ત્યારથી રફીના ગીતો દોસ્તોની ટોળકીની માફક આપણી સાથે આજ સુધી રહ્યા છે. માણસના સ્વરૂપના તો અનેક દોસ્તો તો પોતાના યા આપણા વાંકે આપણને છોડીને ચાલ્યા ગયા છે, પણ રફીનું જે કોઇ પહેલું ગીત બાળપણમાં સાંભળ્યું હતું, તે આજ સુધી આપણી સાથે હૃદયપૂર્વક કહો કે કંઠપૂર્વક રહ્યું છે. બહુ સારૂં તો એ થયું કે, મને કે તમને જ નહિ, કોઇને મુહમ્મદ રફી સાહેબ જેવું ગાતા આવડયું નહિ, માટે એમના કંઠનું મૂલ્ય સમજીએ છીએ. સાયન્સ આગળ તો બહુ વધ્યું છે. કોઇની કિડની, કોઇની આંખો કે કોઇના વાળ લઇ શકાય છે, અવાજ નહિ... ને? મુહમ્મદ રફી જેવું ગાવા માટે તો ખુદ મુહમ્મદ રફી બનવું પડે... ઉપરવાળોય કંઠની ફોટો-કૉપીઓ કાઢી આપતો નથી.

કોઇ પણ હિંદુ ગાયક કરતા મુહમ્મદ રફીએ ઈશ્વરના ભજનો વધુ મોટી સંખ્યામાં ગાયા છે. ફિલ્મોમાં ગાતા કોઇપણ ગાયક કરતા મુહમ્મદ રફીએ ભારત માટેની દેશભક્તિના ગીતો બહુ મોટી સંખ્યામાં ગાયા છે. ચીન જ નહિ, પાકિસ્તાન સામેના યુધ્ધ વખતે પણ મુહમ્મદ રફી નામના આ ઓલીયાએ ભારતના જવાનોને શૂરાતન ચઢાવે, એવા જલદ દેશભક્તિના ગીતો ગાયા છે. આ જઘન્ય ગૂનાહની સજા રૂપે પાકિસ્તાન સરકારે એમને જીવનભર પાકિસ્તાનમાં આવવા ઉપર પ્રતિબંધ મૂક્યો. 'મન તડપત હરિદર્શન કો આજ...' ભજને છપ્પનની છાતીવાળાઓનેય હર્ષના આંસુ સાથે રોવડાવ્યા છે. રફી જેવા મહામાનવ માટે એક 'ભારતરત્ન' જેવો ઍવૉર્ડ અપાવવા માટે પણ દેશભરના કરોડો ચાહકોએ તા. ૨૩મી મે, ૨૦૧૫ના રોજ નવી દિલ્હીના જંતર મંતર ખાતે સવારે ૧૦ વાગે ભેગા થઇને સરકારે વિનંતી ''કરવી પડે'', એ માન્ય નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આ દિવસે ઘણી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહેવાની છે. આપણા માંગીએ અને એ આપે, એમાં ઈજ્જત રફી સાહેબની વધે છે ને એમની ઘટે છે. સામે ચાલીને સાહેબને 'મરણોત્તર' 'ભારતરત્ન' આપવો જોઇએ. તમે પણ ઈચ્છતા હો કે, મુહમ્મદ રફીને 'ભારતરત્ન' મળવો જોઇએ, તો જાતે પહોંચી જવું જોઇએ, દિલ્હી!

લતા મંગેશકર મારી જ નહિ, મારા જેવા કરોડો લતાપ્રેમીઓની મા સમાન છે. એને 'ભારતરત્ન'થી પણ જો કોઇ ઊંચો ઍવૉર્ડ હોત, તો અપાવો જ જોઇએ, એવું હું માનું છું, પણ મુહમ્મદ રફી પણ ઈક્વલ-એટલા જ હકદાર છે, 'ભારતરત્ન' માટે. સંગીતના જાણકારો એમ કહે છે કે, હિંદી ફિલ્મોમાં પરફેક્ટ પ્લે-બૅક ગાયકો ફક્ત બે જ... એક આશા ભોંસલે અને બીજા મુહમ્મદ રફી. કારણ સીધું છે. અન્ય કોઇ પણ બ્રાન્ડના ગીતો અન્ય જે કોઇ ગાયકે ગાયા હશે, એ જૉનરના તમામ ગીતો આ બન્ને ગાયકોએ ગાયા છે, પણ આ બન્નેએ જે જે કક્ષાના ગીતો ગાયા છે, તે અન્ય કોઇએ નથી ગાયા. દાખલા તરીકે, 'તારીફ કરૂં ક્યા ઉસકી, જીસને તુમ્હે બનાયા...' તમે હેમંત, મૂકેશ કે તલત પાસેથી સાંભળવાનું વિચારી પણ ન શકો. અવાજની અનેક પ્રકારની હરકતો જે આશાએ કરી છે, એવી એક પણ લતા પાસે સાંભળવા ન મળે. આશાએ ગાયેલું, 'આજ કી રાત, કોઇ આને કો હૈ રે બાબા...' લતા ગાય પણ નહિ, પણ લતાએ જે કોઇ જૉનરમાં ગાયું છે, એ બધા જૉનરો આશા માટે કંઠવગા છે. અર્થાત, સ્વયં આશા ભોંસલે પણ 'ભારતરત્ન'માટેની હક્કદાર છે.

એવું તો કોઇ બેવકૂફ જ માને કે, રફી કે લતા બેસ્ટ અને બીજા બધા... ઠીક મારા ભ'ઇ...! ફિલ્મી પ્લેબૅકમાં કિશોર, તલત કે હેમંત... કોઇ પણ મુહમ્મદ રફીથી ઉતરતા નથી, પણ જ્યાં 'ભારતરત્ન'ની વાત આવે છે, ત્યાં 'પ્રદાન' ની દ્રષ્ટિએ મુહમ્મદ રફી આ સમ્માન માટે સૌથી મોખરે છે.
ઇશ્વરે કરે... સૉરી, એકલો ઇશ્વર નહિ, ભારત સરકાર કરે કે, આ વખતે મરહૂમ મુહમ્મદ રફી સાહેબને 'ભારતરત્ન'થી નવાજીને આ મહામૂલા એવૉર્ડનું ગૌરવ વધે.

રફીના જે કોઇ ચાહક છે, એ સહુએ ૨૩ મે ના રોજ દિલ્હીમાં લાખોની સંખ્યામાં એકઠા થઇને આ એવોર્ડ મળે, એ માટેની શાંત રેલીમાં જોડાવું જોઇએ.

17/05/2015

'ઍનકાઉન્ટર' : 17-05-2015


૧.તમારા સૌથી મોટા ચાહક કોણ છે?
-હજી તો નાનો ય કોઈ મળ્યો નથી!
(આશિષ બારલીયા, રાજકોટ)

૨.વારંવાર 'પંખો ચાલુ કરવાનું' કહો છો. એને માટે શું તમે અલગ માણસ રાખ્યો છે?
-આજકાલ માણસો મળે છે ક્યાં? કચરા-પોતાંના અલગ... ફક્ત પાંખો ચાલુ કરવાના' પાંચ હજાર લે છે, બોલો!
(ડૉ. નૃપેશ ગુપ્તા, સુરત)

૩.પ્રેમિકા આપણને છોડીને બીજે જતી રહે તો શું કરવું જોઈએ?
-શ્રી હનુમાનજીના મંદિરમાં પાંચ રૂપિયાનું તેલ ચઢાવવું જોઈએ... એ ય એકલા જ હતા ને? કોઈ શું તોડી ગયું?
(અંકિત આર. વાઘ, સુરત)

૪.જિંદગીનો સાચો આનંદ ક્યાં અને ક્યારે મળે?
-મને તો આવો આનંદ, હું ભાવનગર આવું ત્યારે મળે છે.
(ચાંદની શાહ, 'લાલી' - ભાવનગર)

૫.સર, હું તમારો ગ્રેટ ફેન છું. મારો સવાલ છે, યોગ્યતા પ્રમાણે આ લોકોના આઈ-ક્યૂ મુજબ નામ ગોઠવી આપો. : કપિલ શર્મા, બિરબલ, અશોક દવે અને આઈ.એસ. જોહર
-તમે તો તમારો જવાબ આપી દીધો છે... હવે બીજાઓમાં ક્યાં ટાઈમ બગાડીએ?
(એચ.એમ. મોદી, ગાંધીનગર)

૬.'ઍનકાઉન્ટર' છેલ્લે પાને જ છેલ્લું કેમ આવે છે?
-સર્કસમાં સિંહની એન્ટ્રી સૌથી છેલ્લે થાય છે.
(મનિષ ભરખંડા, સાવરકુંડલા)

૭.તમારી મનપસંદ ફિલ્મ કઈ?
-મારા લગ્નની વિડિયો ફિલ્મ... જોઈને અમે બહુ હસીએ છીએ!
(સુનિલ બારડ, કોડિનાર)

૮.રાષ્ટ્રીય તહેવાર એટલે માત્ર રજા, આવી માનસિકતા કેમ?
-ધર્મો. ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી વચ્ચે શું ફરક, એની ખબર પડે તો આગળ વધાય!
(જયેશ અંતાણી, ભાવનગર)

૯.તમે મારા સવાલનો જવાબ કેમ આપતા નથી?
-કારણ કે, જવાબ સિવાય બીજું કાંઈ આપી શકાય એમ નથી.
(સુધીર ભાયાણી, સુરત)

૧૦.પ્રેમના બદલામાં જાકારો. શું કરવું?
-આપણે ખાતું ખુલ્લું રાખવું.
(હિરેન કછેલા, જેતપુર-રાજકોટ)

૧૧.કોંગ્રેસ તો જ મજબુત બને, જો બે જણાં કોંગ્રેસ છોડે... સોનિયા અને રાહુલ.
-હા, પણ તો પછી કોંગ્રેસમાં રહ્યું ય કોણ?
(મધુકર મેહતા, વિસનગર)

૧૨.તમે ગુજરાતના છો?
-સ્વભાવનો રાજસ્થાની છું, ખર્ચામાં મહારાષ્ટ્રીયન, બૉડીમાં પંજાબી અને અક્કલમાં ગુજરાતી... ધી બેસ્ટ, યુ નો!
(દર્શિલ એમ. શાહ, સુરત)

૧૩.આપણે ખેલકૂદમાં આટલા બધા પાછળ કેમ છીએ?
-શેમાં આગળ છીએ?
(ગૌતમ જોશી, સુરત)૧૪.વરરાજાની જાન આવે ત્યારે ફટાકડા કેમ ફોડવામાં આવે છે?
-માથું તો પછી ફોડવાનું જ છે ને?
(અર્થવ ભાવસાર, બડોલી-ઈડર)૧૫.મારે લગ્ન કરવાં છે, પણ ઘરે કોઈ માનતું નથી. તમે સમજાવો ને!
-એ લોકોને ફરીથી લગ્ન માટે સમજાવવાની તો મારીય હિમ્મત ક્યાંથી ચાલે?
(જતિન સુરેલીયા, રાજકોટ)

૧૬.તમે તમારાથી વધુ મોટો 'બોર' કોને માનો છો?
-નવજોતસિંઘ સિધ્ધુને.
(આજ્ઞા સુ. પટેલ, જામનગર)

૧૭.અન્ના હજારે વિશે શું માનો છો?
-એમાના ઉપર કોઈ ઓપિનિયન આપવો પડે, એટલી પાવરફૂલ શખ્સીયત એ નથી.
(પિયુષ ગજેરા, નાગવદર-ઉપલેટા)

૧૮.હું તમારી શુક્રવારની 'ફિલ્મ ઈન્ડિયા' પ્રારંભથી અને રસથી વાંચું છું. ઈંગ્લિશમાં ફિલ્મસ્ટાર્સની બાયોગ્રાફીઓ હોય કે, ફિલ્મી-મૅગેઝીનોમાં જે તે સ્ટાર્સ પરના લેખો. તમારા સિવાય કોઈ હિંમત કરતું નથી, જ્યાં એ લોકો નબળા પડયા હોય ત્યાં ઉઘાડેછોગ નબળા કહી દેવાની... બધા વખાણો જ કરતા હોય છે!
-તમારું નિરીક્ષણ ગમ્યું. પ્રાણ, દિલીપ કુમાર, લતા મંગેશકર, મધુબાલા કે કિશોર કુમારની બાયોગ્રાફીઓ વાંચી છે, પણ સાચું લખવાની કોઈ હિમ્મત કરતું નથી... સિવાય ફિલ્મ-પત્રકારત્વના પિતામહ, શ્રી રાજુ ભારતન.
(કિશોરી પદલકર, મુંબઈ)

૧૯.પત્ની અને પ્રેમિકા સાથે નીકળ્યાવાળી તમારી સીરિઝમાં મારે પૂછવું છે કે, પ્રેમિકા સાથે નીકળ્યા હોઈએ ને સામે પત્ની આવી જાય તો?
-ભોગ તમારા..!
(સુરેશ પ્રજાપતિ, અમદાવાદ)

૨૦.નરેન્દ્ર મોદી અને ઓબામા વચ્ચે શું તફાવત?
-ઓબામા કાંઈ મોદી જેટલું ઈન્ડિયા આવતા નથી!
(કેયૂર જગાણી, ધોરાજી)

૨૧.તમારામાં અને મારામાં શું ફરક છે?
-સવાલ અને જવાબ જેટલો.
(વિનોદ બારૈયા, અમદાવાદ)

૨૨.અમેરિકાના પ્રેસિડૅન્ટ તમે બનો તો ત્યાં કયા ફેરફારો થાય?
-બસ. આજ સુધી ફક્ત ભારતમાં જ બ્રાહ્મણો વડાપ્રધાન બનતા હતા... હવે ત્યાં ય!
(મૌલિક જોશી, અમદાવાદ)

૨૩.જે છોકરીને પ્રેમ કરતા હોઈએ, એ બીજાના પ્રેમમાં પડયા પછી ય આપણને કહે કે, 'હું તને જ પ્રેમ કરું છું', તો શું સમજવું?
-તમારો સ્ટૉક મજબૂત રાખો.
(ડી.કે. પટરીયા, ભાવનગર)

૨૪.ઓબામાના પત્ની મિશેલ સાડી પહેરે છે તો કેવા લાગે?
-એ ઓબામાએ જોવાનો વિષય છે, મારાથી તો એ તરફ જોવાય પણ નહિ!
(અબ્દુલ હાફીઝ વોરા, આણંદ)

૨૫.ડાયરા જેવા કાર્યક્રમોમાં શ્રોતાઓ ચલણી નોટોનો વરસાદ વરસાવે છે, એમાં લક્ષ્મીનું અપમાન નથી?
-ઓ ભ'ઈ... આવા શ્રોતાઓ કયા ગામમાં મળશે, એ તો જરા કહો. હું મફતમાં કાર્યક્રમ આપીશ.
(ડી. યોગેશ, ગાંધીધામ-કચ્છ)

૨૬.તમને તમારાં પત્ની બીજા લગ્ન કરવાની છૂટ આપે તો શું કરો?
-આમાં તો છૂટ આપવા માટે કોઈની બી પત્ની ચાલે... આપણે મન મોટું રાખવાનું!
(અક્ષિતા કે. પરમાર, અમદાવાદ)

15/05/2015

અછુત કન્યા ('૩૬)

ફિલ્મ : અછુત કન્યા ('૩૬)
નિર્માતા : હિંમાશુ રાય
દિગ્દર્શક : ફ્રાન્ઝ ઓસ્ટીન
સંગીત : સરસ્વતિદેવી
ગીતકાર : જમુના કશ્યપ 'નાતવા'
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : દેવિકા રાણી, અશોક કુમાર, પી.એફ.પીઠાવાલા, કામતાપ્રસાદ, કિશોરીલાલ, કુસુમ કુમારી, મનોરમા, પ્રમીલા, ચંદ્રપ્રભા, સુનિતાદેવી અને મુમતાઝ અલી.
ગીતો
૧. હરિ બસે સકલ સંસારા, જલ થલ મેં... પુરૂષ સ્વર
૨. ધીરે બહો નદીયા, ધીરે બહો... કુસુમકુમારી એન્ડ પાર્ટી
૩. ખેત કી મૂલી, બાગ કો આમ... દેવિકારાણી-અશોકકુમાર
૪. મૈં બન કે ચીડિયા બન કે સંગ સંગ ડોલું રે... દેવિકારાણી-અશોક કુમાર
૫. કિત ગયે હો ખેવનહાર, નૈયા ડૂબતી જાય.. સરસ્વતી દેવી
૬. ઉડી હવા મેં જાતી હૈ, ગાતી ચીડીયા યે રાગ... દેવિકારાણી
૭. કિસે કરતા મુરખ પ્યાર પ્યાર પ્યાર... અશોક કુમાર
૮. પીર પીર ક્યા કરતા રે, તેરી પીર ન જાને કોય... અશોક કુમાર
૯. ચૂડી મૈં લાયા અનમોલ રે, લે લો ચૂડીયાં... મુમતાઝ અલી-સુનિતા દેવી

ઓહ... માની નથી શકાતું કે, આજથી ૭૮ વર્ષ પહેલા બનેલી બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફિલ્મ આટલી સુંદર ને આટલી મનોહર હશે ! ૧૯૩૬ એટલે તો સ્વયં મારા સ્વ. પિતાશ્રી પણ ૧૪ વર્ષની ઉંમરના હતા પણ મારા ૧૪ વર્ષના થયા પછી એમણે કીધેલી બધી વાતો યાદ છે કે, અશોક કુમાર અને દેવિકા રાણીની ફિલ્મ 'અછૂત કન્યા' એમણે કિશોરાવસ્થામાં ય કેટલી બધી વાર જોઈ હશે, તે યાદ નથી. મને નવાઈ ને તમને આંચકો લાગે એવી વાત એ છે કે, આ આપણી 'ફિલ્મ ઇન્ડિયા' કોલમની વર્ષો પહેલા શરૂઆત થઇ ત્યારે જ 'અછૂત કન્યા' વિશે લખ્યું જ હતું, તો પછી એકની એક ફિલ્મ આજે બીજી વાર કેમ ?

'દાદામોની' ઉર્ફે અશોક કુમાર પ્રત્યેના મારા આદરને વ્યક્ત કરવા ઉપરાંત જૂનો લેખ કઢાવીને મેં વાંચ્યો ત્યારે ખબર પડી કે, મૂળ ફિલ્મ વિશે જરૂરી વાતો એમાં સમાવિષ્ટ થઇ નહોતી. (પૂરતી પ્રશંસા પણ નહોતી થઇ !) એટલે આજે બાકી રહી ગયેલું ઘણું બધું પહેલી વાર... !

ધી ગ્રેટ ન્યુ થીયેટર્સ... એન્ડ ધી ગ્રેટ બોમ્બે ટૉકીઝ... ! કેવા પ્રણામયોગ્ય નામો ? ૭૮ વર્ષો પહેલાનો ભારતીય સમાજ જોવા મળે, એ જ મોટી વાત કહેવાય. એ સમયનું સંગીત, ફિલ્મ-વ્યવસ્થા, પ્રજામાનસ અને સંસ્કારો કેવા ઊંચા દરજ્જાના હતા, તે આજે તો કેવળ કહાની બનીને રહી જાય. ફિલ્મના નિર્દેષક ફ્રાન્ઝ ઑસ્ટીન જન્મે ધોળીયો જર્મન હોવા છતાં હિમાંશુ રાય સ્થાપિત બોમ્બે ટૉકીઝનો એ પ્રાણ હતો. પૂરા પ્રમાણભાન સાથે કહી શકું છું કે, એ જમાનાની સામાન્ય ટેકનોલોજી છતાં ઉત્તમ દરજ્જાની ફિલ્મ ઉપરાંત દિગ્દર્શન માટે આજની કોઈ પણ સ્વચ્છ અને સુંદર ફિલ્મ સાથે બેશક સરખામણી કરી શકાય ને છતાં ય ફ્રાન્ઝનો હાથ ઊંચો રહે. પણ આ ફિલ્મના વિષય બાબતે કેટલીક ચર્ચા કરવી છે. છુઆછૂતના એ જમાનામાં આવી ફિલ્મ વિશે વિચારવું ય પાપ ગણાતું, ત્યારે હિમાંશુ રાયે હલચલ મચાવી દીધી હતી, ફિલ્મનો આ વિષય પસંદ કરીને ! બ્રાહ્મણ અને હરિજન, એમ બે વર્ગોમાં વહેંચાયેલા સમાજમાં હરિજનોને અડવું પણ પાપ ગણાતું. માત્ર બ્રાહ્મણો જ નહિ, સમાજના તમામ સવર્ણો એમાં આવી જતા. મહાત્મા ગાંધીએ અસ્પૃષ્યતા દૂર કરવા જાત ઘસી નાંખી. આજે આટલા દસકાઓ પછી એમ કહી શકાય કે, દેશમાં આવી છુઆછૂત નામની રહી ગઈ છે, ને જ્યાં છે, એ વર્ગને માફ કરી શકાય એમ નથી.

હરિજનોના પક્ષે તો આ ફિલ્મે ડરવા જેવું કાંઈ નહોતું, કારણ અસ્પૃષ્યતા અંગે ગાંધી-વિચારોનું જ આ એક પ્રમોશન હતું, પણ હિમાંશુ રાયની હિમ્મત સવર્ણોના ખૌફ સામે હતી. પાડ ઈશ્વરનો કે તત્સમયના હિંદુ સવર્ણો પણ આ ફિલ્મના વિષય સાથે સહમત થયા. આજે પણ અનેક ઑફિસોમાં મહેતા અને મકવાણાને એક થાળીમાં બેસીને જમતા જોયા છે, એનો આનંદ થાય છે. અશોક કુમાર પોતે જ રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારના હતા, તે એટલે સુધી કે છૂઆછુત તો બાજુ પર રહી, ફિલ્મોમાં કામ કરવું પણ પાપ ગણાતું, દેવિકા રાણી ય ઉચ્ચ વર્ગનું ફરજંદ હતા... 'ચૌધરી કી બેટી...' (કવિવર રવિન્દ્રનાથ ટાગોરના પરિવાર સાથે સગપણમાં એમનું સીધું જોડાણ હતું.)

ફિલ્મની વાર્તા સરળતાથી ૧૫ રિલ્સમાં વહે જાય છે. પ્રતાપ (અશોક કુમાર) અને કસ્તૂરી (દેવિકા રાણી) નાનપણથી સાથે ઉછરેલા છે. યુવાનવયે બન્ને પ્રેમમાં પડે છે, પણ પ્રતાપ બ્રાહ્મણ અને કસ્તુરી શુદ્ર હોવાથી બન્નેના માતા-પિતા એ બન્નેના લગ્નો પોતપોતાની જાતમાં કરાવી દે છે. સ્વાભાવિક છે, પહેલો પ્રેમ ભૂલાતો નથી, એમાં બન્નેના સ્પાઉઝ (પતિ અથવા પત્ની)આ સહન કરી શક્તા નથી. છેવટે કસ્તૂરી પ્રાણની આહૂતિ આપીને ફિલ્મનો કરૂણ અંત લાવે છે.

કબુલ કે, પોતાની થોડી ય ઇચ્છા વગર ઍક્સીડૅન્ટલી અને પરાણે ફિલ્મોમાં હીરો બનેલો અશોકકુમાર એક્ટિંગનો 'અ' ય જાણતો નહતો અને પ્રારંભની તો ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં ઘણો નબળો ઍક્ટર પૂરવાર થયો હતો. પતલા અવાજને કારણે ક્યારેક તો સ્ત્રૈણ્ય પણ લાગે. બસ, એ સાચો હીરો બૉમ્બે ટૉકીઝની જ ફિલ્મ 'કિસ્મત' પછી થયો અને એવો થયો કે, આજ દિન સુધી (નૉટ ઇવન મિસ્ટર બચ્ચન... સૉરી) એનાથી બઢીયા એક્ટર કોઈ બીજો થયો નથી.

ફિલ્મ જોતા એ સમયનું ભારત જોવું વહાલું લાગે છે. ગામડાઓમાં જ નહિ, શહેરોમાં ય ગૃહિણીઓ લાકડાનું સાંબેલું, ખાંડણીયું કે અનાજ દળવાની પથ્થરની ઘંટી વાપરતી. અશોક કુમારના લગ્નની જાન નીકળે છે, એ ડોલી કહારો ઉઠાવે છે. પાછળ બળદગાડામાં સાજનમાજન અને કાવડ ઉચકનારાઓ પાસે સિધું-સામાન હોય. બૅન્ડવાજાંવાળાઓ ન કહેવાય. એક પિપુડીવાળો અને બીજો આડેધડ ઠોકમઠોક કરતો ઢોલી હોય. બન્નેના સુર-તાલનો કોઈ મેળ ન હોય. હસવું તો આવશે, પણ મેહમાન ઘેર આવે, તો ગોળનું શરબત 'મોટી વાત' કહેવાતી. અર્થાત્, ગોળનો ગાંગડો પાણી ભરેલા પિત્તળના પ્યાલામાં હલાવીને આપી દેવાનું. પાણીમાં ફક્ત ખાંડ હલાવીને પિરસાયેલું શરબત તો મોંઘુ પડતું અને ફક્ત અમીરોના ઘેર જ મળે. સંગીત પણ કેવું મીઠડું છતાં સરળ ! એ યુગના સંગીતની ખાસ વાત હતી એની સરળતા. કોઈ પણ સંગીતકાર ધૂન એવી જ બનાવે, જે દેશનો આમ આદમી પણ ગાઈ શકે. આ ફિલ્મનું કોઈ પણ ગીત સાંભળો. ('અશોક કુમાર ગાઈ શક્તો હોય, તો આપણે તો સારું ગાઈએ છીએ...!' એવી મજાક કરો, તો ય ખોટા ન પડો !) વાદ્યો દેસી અને ઓછા. તબલાં આજના જેવા નહોતા. કોઈ પૂંઠું વગાડતું હોય એવું લાગે. ગીતનો પ્રારંભ થાય તેની સાથે જ વૉયલિન એ જ રાગ અને ઢાળમાં છેક સુધી વાગતી રહે. ઑબ્લિગેટો નહિ, ગાયકીને જ સંગીત ફૉલો કરતું રહે. મોટા ભાગે તો ઈન્ટરલ્યૂડમાં સ્થાયીની જ ધૂન વાગે.

હજી એ સમયની ફિલ્મોના ટાઈટલ્સમાં ગાયકો કે ગીતકારોના નામ લખવાની શરૂઆત થઇ નહોતી. ફિલ્મની રૅકડર્સ બહાર પડે એમાં ય નહિ. ઈવન '૪૯ની સાલમાં બનેલી અશોક કુમારની પોતાની ફિલ્મ 'મહલ'માં આજ સુધી મશહૂર રહેલા ગીતોમાં લતા મંગેશકર કે રાજકુમારીના નામો ૭૮ િૅસ ની રૅકોર્ડ પર નહોતા લખાતા. ફિલ્મમાં હીરોઈન મધુબાલાનું નામ 'કામિની' હતું, એટલે આ ગીતની ગાયિકા તરીકે લતા મંગેશકર નહિ, 'કામિની' લખાયું. મુકેશના સદાબહાર અને મશહૂર થયેલા સર્વપ્રથમ ગીત, 'દિલ જલતા હૈ તો જલને દે...' (ફિલ્મ 'પહેલી નઝર' ('૪૫)માં ફિલ્મના પરદા ઉપર મુસ્તાક નામના કોઈ કલાકારે ગાયું હોવાથી રેકર્ડ ઉપર ગાયકનું નામ 'મુસ્તાક' છપાયું હતું. હીરોઇન મુનવ્વર સુલતાના માટે આ ગીત ગવાયું હતું. બહુ બધાને નવાઈ લાગશે પણ લતા, આશા, રફી, કિશોર, તલત, મન્ના ડે, હેમંત કે ગીતા રૉય... એ બધા કરતા મુકેશ સીનિયર. આમાંના મોટા ભાગના '૪૫/'૪૬ની સાલ કે તે પછી આવ્યા. એક માત્ર શમશાદ બેગમ એનાથી સીનિયર. માસ્ટર ગુલામ હૈદરે શમશાદ પાસે '૪૧-માં બનેલી ફિલ્મ 'ખજાનચી'માં જ પહેલું ગીત ગવડાવ્યું, 'સાવન કે નઝારે હૈ, આહા હા હાહાહા...' પણ એ પહેલા નામની ક્રેડિટ વગર શમશાદ બે-પાંચ ફિલ્મોમાં ગાઈ ચૂકી હતી. શમશાદ બેગમના પતિ ગણપતલાલ બટ્ટો ૧૯૫૫-માં ગુજરી ગયા ને એમની લાડકી દીકરી 'ઉષા'એ ભારતીય લશ્કરના હિંદુ ઓફિસર મિસ્ટર રાત્રા સાથે લગ્ન કર્યા. ફિલ્મ 'પાકીઝા'માં લતા મંગેશકરે ગાયેલા 'ઇન્હી લોગોં ને લે લીના, દુપટ્ટા મેરા...' શબ્દસઃ અને બેઠું ૧૯૪૧માં રૂપ કે. શોરીની ફિલ્મ 'હિમ્મત'માં પંડિત ગોવિંદ રામના સંગીત નિર્દેશનમાં ગાયું હતું, જે અઝીઝ કાશ્મિરીએ લખ્યું હતું. બે વર્ષ પછી ૧૯૪૩માં આ જ સંગીતકારે આ જ ગીત એ જમાનાના વિલન કોમેડિયન યાકુબ પાસે પરદા ઉપર સૅમી-સ્ત્રીનો વેષ પહેરાવીને ગવડાવ્યું હતું. હીરોઇન સિતારાદેવી હતા ને હીરો યાકુબ. પ્લૅબેક કોનું હતું, એની તો ખબર નથી, પણ 'પાકીઝા'ની બદૌલત, આખરે ફિલ્મના ઓરિજીનલ ગીતકાર તરીકે નામ કમાયા મજરૂહ સુલતાનપુરી, ગાયિકા લતા મંગેશકર અને સંગીતકાર ગુલામ મુહમ્મદ. ઈવન, આજની આપણી ફિલ્મ 'અછૂત કન્યા'ના સંગીતકાર સરસ્વતિદેવીએ અશોક કુમાર પાસે જ ફિલ્મ 'જીવન નૈયા'માં 'કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા...' ગવડાવ્યું હતું, જે કિશોર કુમારે પોતાની ફિલ્મ 'ઝૂમરૂ'માં પોતાના નામે જ કોઈને ય ક્રેડિટ આપ્યા વિના ઠપકાવી દીધું હતું. આ મૂળ પારસી અને ભારતની સર્વપ્રથમ મહિલા સંગીતકારા સરસ્વતિદેવીએ કદી ગણગણાટ પણ કર્યો નથી. આમે ય, પારસીઓ અન્યાય સહેવામાં કે બધું ચલાવી લેવામાં સૌથી મોખરે છે. એકાદ અપવાદ હોય તો ખબર નથી, પણ ભારતનો કોઈ પારસી કોઇની સાથે ઝગડયો હોય એવું સાંભળ્યું તો નથી. જો કે,ખૂર્શિદ મિનોચૅરહોમજી નામની પારસણે ફિલ્મોમાં સંગીત આપવાનું હજી તો નક્કી જ કર્યું હતું, એમાં તો મુંબઇના પારસીઓ ભભૂકી ઉઠયા હતા અને એક તબક્કે તો એનું ઘર જલાવવાની ય ધમકી મળી હતી, એટલે ન છૂટકે ખુર્શિદે પોતાનું ફિલ્મી નામ 'સરસ્વતિદેવી' રાખ્યું.

ફિલ્મ 'અછૂત કન્યા'માં એક ગીત ચૂડીયાં લે લો... માટે પરદા ઉપર મુમતાઝઅલી નૃત્ય કરવા આવે છે. કોમેડીયન મેહમુદના આ પિતા બોમ્બે ટોકીઝની ઑલમોસ્ટ બધી ફિલ્મોના ડાન્સ-ડાયરેકટર હતા. લગભગ '૬૦ના દાયકા સુધીની ફિલ્મોમાં તો મેં પી.એફ. પીઠાવાલાને ય અનેક ફિલ્મોમાં જોયા છે, જે થોડે ઘણે અંશે નર્મદાશંકર જેવા લાગે. (નર્મદાશંકર એટલે ફિલ્મ 'ગાઇડ'માં દેવ આનંદ જે બે હિંદુ પંડિતોની મજાક ઉડાવે છે, તેમાંનો એક - પણ પેલો જાડીયો પંડિત નહિ.)

આટલા વર્ષો પહેલા આટલી સુંદર ફિલ્મ બની હતી, તે બૉમ્બે ટૉકીઝ માટે કોઈ અપવાદ નહતી. એ લોકોની લગભગ બધી ફિલ્મો આવી જ સુંદર હતી.

એ વાત જૂદી છે કે, હિમાંશુ રાયના અવસાન પછી આ સ્ટુડિયોમાંથી છુટા પડીને અશોક કુમાર, એમના બનવી શશધર મુકર્જી, જ્ઞાન મુકર્જી કે સાવક વાચ્છાએ પોતાનો અલગ સ્ટુડિયો ફિલ્મીસ્તાન બનાવ્યો ને ફિલ્મીસ્તાને પણ અઢળક સફળ ફિલ્મો આપી.

13/05/2015

સરપ્રાઇઝ પાર્ટી

સરપ્રાઇઝ પાર્ટીના નામ માત્રથી મારૂં હસવાનું નહિ, ખડખડાટ હસવાનું ચાલુ થઇ જાય છે. આજકાલ બહુ ચાલી છે આ, ''સરપ્રાઇઝ પાર્ટીઓ!'' આખી જીંદગી ડોહા-ડોહીને ઉલ્લુ બનાવ્યા પછી કાંઇ બાકી રહી જતું હોય એમ છોકરા, વહુ, દીકરી અને જમાઇઓ ડોહા-ડોહીના લગ્નની ૨૫ કે ૫૦-મી વર્ષગાંઠે પાર્ટી આપવાનું નક્કી કર્યું હોય અને એ ય ''સરપ્રાઇઝ પાર્ટી!'' લોહીઓ આપણા પીએ કે, 'અન્કલ, પપ્પા-મમ્મીને તો ખબર જ નથી...એ બન્નેને તો રીકુ અને જતિન એવું કહીને લઇ જવાના છે કે, 'બોપલમાં સીતુમાસી પડી ગયા છે ને તમને બહુ યાદ કરે છે, એટલે ત્યાં જઇ આવીએ.'' બસ, અન્કલ, તમે ને આન્ટી ખાસ આવજો. કોઇને કહેતા નહિ...ફક્ત ઘરઘરનાઓને જ કીધું છે. અમે લોકોએ ડૅડી-મમ્મી માટે સરપ્રાઇઝ પાર્ટી ગોઠવી છે.''

તારી ભલી થાય ચમના...સરપ્રાઇઝ પાર્ટી તો ત્યારે આપી કહેવાય, જ્યારે બોપલથી બારોબાર આવીને મમ્મી સીધો અને મધુરો ધડાકો કરે, ''રીકુ...જતુ...પિન્ટુ...જલ્દી આવો...એક ખુશખબર આપું...? 'મૈં માં બનનેવાલી હું...ઔર યે તુમ્હારે પાપા...ફિર સે પાપા બનનેવાલે હૈં...!'' સદરહૂ વિષય અન્વયે સિધ્ધપુર, ટોક્યો, કોંગોના જંગલો તેમ જ જામનગર બાજુ, બહુ મોટી ઉંમરે પિતા બનેલા સાહસિકોનું માનવું છે કે, ડોહા-ડોહી ૫૦-૫૫ની આસપાસના હોય તો વૈજ્ઞાાનિક રીતે ખાસ કોઇ વાંધો આવતો નથી...જે કોઇ વાધો આવવાનો હોય, તે ઘરવાળાઓને આવે છે... સુઇં કિયો છો ? બા ઘેર આવીને છોકરાઓ પાસે ભારે ઉમંગથી આવી મસ્તમનોહર જાહેરાત કરે, 'એને' સરપ્રાઇઝ-પાર્ટી કહેવાય.'

આ તો કેમ જાણે ક્યો મોટો સસ્પૅન્સ રખાવવાનો હોય, એમ આપણને પહેલેથી હોટલના અંધારા રૂમમાં બેસાડી રાખીને 'ભોળા' ડોહા-ડોહી દાખલ થાય, કે તરત જ 'હોઓઓઓ....'ની બૂમો સાથે ફૂગ્ગા ફોડવાના, સિસોટીઓ મારવાની, ભેટાભેટી કરવાની ને લેવા-દેવા વગરનું હસે રાખવાનું. ડોહા-ડોહી પાછો વળતો હૂમલો કરે, ''અમને તો ખબર જ નહિ ! આ રીકુ અને જતુ અમને બોપલ લઇ ગયા...ત્યાં....'' ઓહ માય ગૉડ....આમાં સરપ્રાઇઝ ક્યાં આવ્યું ?

''મોમ-પાપાએ એમના મૅરેજના ૫૦-વર્ષ પૂરા કર્યા એના માનમાં અમે સરપ્રાઇઝ પાર્ટી રાખી છે.'' બૅબી, પહેલા ડોહાને તો પૂછ કે, એને માટે આ સરપ્રાઇઝ છે કે ''શૉક'' છે. એનું મન જાણે છે, એક જમાનામાં કેવી સારી સારી પાર્ટીઓ છોડીને તારી બામાં એ માસુમ ભરાઇ ગયેલો ને કેવા ઝટકે ઝટકે આની સાથે ૫૦-પૂરા કર્યા છે! અરે, એમના લગ્ન વખતે અમે ય હાજર હતા ને બરોબર યાદ છે કે, હસ્તમેળાપ વખતે ચોરીમાં બેસતા જ, ભઠ્ઠીમાં તપેલા ગરમ તાવડા ઉપર બેસી ગયો હોય, એમ તારી 'મૉમ'ને જોઇને ઊભો થઇ ગયો હતો ! હિંદુ રીતરિવાજોમાં વરરાજાને એટલા માટે જ કોટ, સાફો, નવા ડંખે એવા શૂઝ અને હારતોરા પહેરાવી રાખવામાં આવે છે કે, છેલ્લી ઘડીએ એનું છટકે તો દોડીને ભાગી જઇ ન શકે. આમ તો ડોહાને પરણીને તારી બા ય ખાસ કાંઇ કમાઇ નહોતી, છતાં પાપાને ખાનગીમાં ટૅરેસ ઉપર લઇ જઇને પૂછ તો ખરી, એમને માટે આ સરપ્રાઇઝ પાર્ટી છે કે ''શૉકિગ-પાર્ટી ?'' આખું ગામ તારા ડોહાને આજ સુધી 'મર્દ' કહે છે, એ તમને ૪-૫ છોકરાઓને જનમ અપાવ્યો, એ માટે નહિ...આ ડોસી સાથે ૫૦-ખેંચી કેવી રીતે કાઢ્યા, એના આઘાતમાં કહે છે...બઉ ડાયલીની નો થા...!

આમે ય, તમે આજ સુધી જે કોઇ સરપ્રાઇઝ પાર્ટી કે મૅરેજ ઍનિવર્સરીઓમાં ગયા હો, ત્યાં ખ્યાલ તો આવ્યો હશે કે, ૨૫ કે ૫૦-પૂરા કરનારી કાકી છૂટા વાળ, પંજાબી સલવાર-કમીઝ, ફ્રૅન્ચ પરફ્યૂમ, નૅકલૅસ પંપાળવાનો, હાઇહિલ્સ સૅન્ડલ્સ, ચીઝના લોંદા ચોંડયા હોય એટલા જથ્થામાં લગાડેલી લિપસ્ટીક અને આખા નારણપુરાની મહિલાઓને પૂરો પડે, એટલો મૅક-અપ આવડી આ એકલી કરીને આવી છે. એકએક-બબ્બે શબ્દો ઇંગ્લિશમાં તો બોલવાના જ ! 'જે શી ક્રસ્ણ'ને બદલે ''ઓ હાય'' કહીને, જે મળે એને 'હગ' (ઇંગ્લિશ-સ્ટાઇલનું આલિંગન) કરવાનું...તારા ડોહા સિવાય ! એની દસમાંથી આઠ વાતોમાં, ''અમે ફલાઇટમાં યુરોપ ગયા'તા, ત્યાં ઠંડીઓ બહુ પડે !'' અરે ચંપા, તું યુરોપ ફલાઇટમાં ગઇ'તી તે બીજા બધા લૉડિંગ-રીક્ષાની પાછળ લટકી લટકીને જાય છે ? યુરોપમાં ઠંડીઓ બહુ પડે છે તો તારા ધ્રાંગધ્રામાં બીજા માળેથી ઍંઠવાડો પડે છે ? પાર્ટી ચાલુ થઇ નથી ને કાકી ખૂણેખૂણો ફરી વળી નથી ! હજી ડિનર ટૅબલ ઉપર ફૂડ જ મૂકાયું ન હોય ને પૂછવા માંડશે, ''ઍક્યૂજ મી...કંઇ જોઇતું-કરતું હોય તો કહેજો હોં....આ ય તમારૂં ઘર જ છે.'' દિલની ધડકનો આપણી વધી જાય કે, આ લોકોને જમવાનું રોજ આટલું બધું વધતું હશે ?

બીજી બાજુ, જેને માટે આ સરપ્રાઇઝ પાર્ટી છે એ ડોહો કિચનના પ્લૅટફૉર્મ ઉપર તેલ ઢોળાયું હોય, એવો ઢોળાઇને ખૂણાના સોફામાં બેઠો હોય. છોકરાઓએ આવી ગરમીમાં એને બ્રાન્ડેડ બ્લૅઝર (કોટ) સવારનું પહેરાવી રાખ્યું હોય, એમાંથી બહાર કેવી રીતે નીકળવું, એના ફાંફા મારતો દેખાશે. કોટ કાકાનો ન હોય, એના મોટા પેટવાળા છોકરાનો પહેરાવી દીધો હોય એટલે આવા પતલા બૉડીમાં કોટ પહેરેલો નહિ, ઢાંક્યો હોય એવું લાગે. એને કોઇ બોલાવતું ય ન હોય ને ન બોલાવે એમાં જ બધા બચી જતા હોય. જરાક અમથી તક મળે તો કાકો, ''...સન '૪૩-ની વાત છે. ત્યારે હું મુંબઇમાં ફાયરબ્રિગેડમાં કામ કરતો...'' ત્યાંથી શરૂઆત કરે ને '૪૭-માં વાપી આવ્યો, ત્યાં સુધીમાં તો આપણે આવી ત્રણ પાર્ટીઓમાં જઇ આવીએ. ઇ.સ. ૨૦૧૫ની સાલ સુધી કાકો અમદાવાદ પાછો તો હજી ય આવ્યો નથી. વચલા વર્ષોમાં અનેક શહીદ થઇ ગયા.

બુધ્ધિશાળી યુવાન પુરૂષો કદાપિ ડોહાઓ પાસે લાંબુ બેસતા નથી....

આવી સરપ્રાઇઝ પાર્ટીઓમાં પ્રત્યેક ડોહો હેબતાઇ ગયેલો દેખાય છે. આનંદ-ઉલ્લાસ તો માય ફૂટ...સાઉથ આફ્રિકાના જંગલોમાં જંગલી હબસીઓએ ઝાડમાં આને મુશ્કેટાટ બાંધ્યો હોય, નીચે હળગતા બાર્બેક્યૂમાં એને પધરાવવાનો હોય ને હાથ-પગના ઉલાળા મારતા હબસીઓ કિકિયારીઓ કરતા ગીતો ગાતા હોય, એ જોઇને એની જે હાલત થાય, એવી હાલત સરપ્રાઇઝ પાર્ટીમાં ડોહાની થાય છે. કેમ જાણે એ કોઇ મોટી કરામત કરી લાવ્યો હોય એમ બધા મીણબત્તીના ભડકા પાસે ડામરના રંગની કૅક ઉપર ૫૦-નો આંકડો લખાવીને બન્ને હાથે તાળીઓ પાડીને ઇંગ્લિશમાં 'હૅપી મૅરેજ-ઍનિ. ટુ યૂઉઉઉ...' ગાવા માંડે છે, એમાં ડોહાની હેડકીઓ ય ગીતમાં ગણાઇ જાય ! તમે સમજ્યા હો, 'કાકા તાલ આપે છે...!' 

સરપ્રાઇઝ પાર્ટીઓમાં પાછું આપણાથી કાંઇ સરપ્રાઇઝ ન અપાય. એમની સરપ્રાઇઝ પાર્ટીની સામે આપણાથી સરપ્રાઇઝ ગીફટ તરીકે સુંદર મજાના ચળકતા જાંબલી રૅપરવાળા બૉક્સની મહીં જીવતો દેડકો લઇને ના જવાય. બા ખીજાય. સરપ્રાઇઝ આપવા આપણાથી ડોહાએ મોકલેલા છેલ્લા 'વૉટ્સઍપો' પાર્ટીમાં વહેંચી ન દેવાય. સરપ્રાઇઝ આપવા ડોસીના કાનમાં મોટેથી ''કૂકડે કૂક'' ના બોલાય...બીજા કાનમાંથી કૂકડો નહિ, સીધો કાન જ નીચે આવે ! વચમાં આપણો દાંત ભરાઈ ન જાય, એનું ધ્યાન રાખવાનું.

કારણ કાયદેસર છે. આખી જીંદગીમાં ડોહા જે કાંઇ બોલ્યા હોય, એ બધું કાકીએ આમ જ કાનમાંથી બહાર કાઢી નાંખ્યું હોય. આપણે તો રોજ જોતા હોઇએ ને ? બહાર નીકળે ત્યારે સાયકલની પાછળ દોરીથી બાંધેલું કાગળીયું લટકતું લટકતું આવતું હોય, એમ કાકો પાછળ આવતો હોય. એમણે તો ફક્ત બિલ ચૂકવતી વખતે, ''કેટલા ?'' બસ, એટલું જ બોલવાનું. પણ, એ વડિલો બેશક નસીબવાન છે, જેમના પુત્ર-પુત્રી ને દીકરી-જમાઇઓ આવી સરપ્રાઇઝ પાર્ટી રાખીને એ બન્નેને એક દિવસ તો ભરપુર આનંદનો આપે છે. બાકી આ ઉંમરે 'સર' કે 'પ્રાઇઝ'...કાંઇ બચ્યા હોતા નથી, ને ૭૦-ટકા 'સુ'પુત્રો પાસે ઘરમાં બે ઘડી પપ્પા-મમ્મી સાથે વાત કરવાનો ય ટાઇમ કાઢતા નથી, એ રોજની 'શૉકિંગ-પાર્ટી' કરતા વર્ષની આવી એક 'સરપ્રાઇઝ-પાર્ટી' બેશક ઉત્તમ છે.

સિક્સર
નેપાળમાં રાહુલ ગાંધીએ પોતાના મોબાઇલમાં જોઇ જોઇને વિઝિટર્સ-બૂકમાં શ્રધ્ધાંજલિ લખી, એની વિડીયો-ક્લિપ 'વૉટ્સઍપ'માં ઘેરઘેર ફરી રહી છે...

હવે તમારે આલીયા ભટ્ટ અને રાહુલ વચ્ચે કોઇ સગપણ છે કે નહિ, તે ચૅક કરવું પડશે !

08/05/2015

'ઠાકુર જર્નૈલસિંઘ' ('૬૬)

સૈયા સે વાદા થા, નાઝુક ઘડી થી...
હમ તેરે બિન જી ના સકેંગે સનમ...
હેલન હીરોઇન ને દારાસિંઘ હીરો

ફિલ્મ : 'ઠાકુર જર્નૈલસિંઘ' ('૬૬)
નિર્માતા : રતન- મોહન
દિગ્દર્શક : મુહમ્મદ હુસેન
સંગીત : ગણેશ
રનિંગ ટાઇમ : ૧૯- રીલ્સ
થીયેટર : અશોક (અમદાવાદ)
કલાકારો : દારાસિંઘ, હેલન, શેખ મુખ્તાર, ઇંદિરા બિલ્લી, ઇંદિરા બંસલ, જયંત, કમલ મેહરા, મદનપુરી, રત્નમાલા, ટુનટુન, રાની, મધુમતિ, સુંદર, શ્યામ કુમાર, શેખર પુરોહિત અને બેલા બોઝગીતો
૧. સૈંયા સે વાદા થા નાજુક ઘડી થી, બનઠન કે યૂં : લતા મંગેશકર
૨. દિલ મિલા કે મિલો, પાસ આ કે મિલો, મુદ્દતો સેં : આશા ભોંસલે
૩. કાહે છેડે મોહે કાહે છેડે બાલાપન મેં સજના : ઉષા - લતા
૪. આઇ નૈનોં મેં કજરા ડાલ કે, જીસે ડર હો વો રખ્ખે : આશા ભોંસલે
૫. હમ તેરે બિન જી ન સકેંગે સનમ, દિલ કી યે આવાઝ : આશા ભોંસલે
૬. જામ સે પીના બુરા હૈ યે નજર સે માંગો, યે મય ઇશ્ક : લતા મંગેશકર
ગીત નં. ૧, ૩, ૫ અસદ ભોપાલી, ૨. ઇન્દિવર, ૪ અને ૬ ફારૂક કૈસર

દારાસિંઘનો તો આખા દેશના ફિલ્મ રસિયાઓએ આભાર માનવો જોઈએ કે, '૬૦ના દશકમાં એના આવવાથી ફિલ્મોમાં મર્દાનગી દેખાવા માંડી, સ્નાયુબદ્ધ શરીર જોવા મળ્યું, નહિ તો ત્યાં સુધીના દેવ આનંદો કે દિલીપકુમારોની મારામારીના દ્રષ્યો એક મજાકથી વિશેષ કંઈ નહોતા. દારા કુશ્તીનો વર્લ્ડ- ચેમ્પિયન બન્યા પછી હિંદી ફિલ્મોમાં 'કિંગકૌંગ'થી હીરો તરીકે આવ્યો અને દેશના દર્શકોને હાઆઆઆ...શ થઈ કે, પરદા ઉપર જે મારામારીઓ જોવા મળે છે, એ દારા કરે તો બરોબર છે. મને યાદ છે કે, '૬૨ની સાલમાં ફિલ્મ 'કિંગકૌંગ' આવી, ત્યારે અમારા ખાડિયામાંથી વિશ્વ વિજેતા દારાસિંઘ અને અન્ય પહેલવાનોનું 'રીક્ષા'માં સરઘસ નીકળ્યું હતું. એ પછી તો એ મશહૂર થઈ ગયો ને કોક ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે અમદાવાદ આવ્યો હતો, ત્યારે મેં લીધેલા ઇન્ટરવ્યૂ દરમ્યાન દારાસિંઘ સાથે પંજો લડાવતો મારો ફોટો આજે ય મેં સાચવી રાખ્યો છે... (એ પંજા યુદ્ધમાં કોણ જીત્યું હતું, તે સૌજન્ય ખાતર મારાથી કહેવાય એવું નથી...આખિર... દારા કી ભી કોઈ ઇજ્જત હૈ...!)

ફિલ્મોમાં આવ્યો ત્યારે તો એ પંજાબનો અસલી ગામડીયો જ હતો. મસલ્સ ફુલાવવા ઉપરાંત બીજા કામો આવડતા નહોતા, એમાં ડાયલોગ્સ બોલવાનું તો પૉસિબલ જ નહોતું, એટલે આજની ફિલ્મ 'ઠાકુર જર્નૈલસિંઘ'ની જેમ એની શરુઆતની તમામ ફિલ્મોમાં એનો અવાજ 'ડબ' કરવામાં આવતો.

સ્વાભાવિક છે કે, આજની કે દારાસિંઘની હીરો તરીકેની કોઈ પણ ફિલ્મના ઠેકાણા ન હોય. આજે તો આપણી ઉપર હસવું આવે કે, 'આપણને આવી ફિલ્મો ય ગમતી હતી ?' પણ એની ફિલ્મો તો આવે એટલી બધી જોતાં. ઉંમરના પ્રમાણમાં આપણને એ વખતે પ્રેમલા- પ્રેમલીની ફિલ્મો જોઈને વહેલો કંટાળો આવી જતો, ત્યારે દારાસિંઘે આવીને થિયેટરમાં બેઠા બેઠા આપણને સ્ફૂર્તિ આપી. 'ઠાકુર જર્નૈલસિંઘ' આમ તો દારાની અન્ય ફિલ્મો જેવી જ બકવાસ હતી, છતાં પણ આ ફિલ્મના બે ગીતો મૂલ્કમશહૂર થઈ ગયા હતા. એક 'સૈંયા સે વાદા થા નાઝુક ઘડી થી' અને બીજું 'હમ તેરે બિન જી ના સકેંગે સનમ.' સંગીતકાર 'ગણેશ'નું નામ અજાણ્યું લાગશે અને ફિલ્મનું પૂરું સંગીત ય લક્ષ્મીકાંત પ્યારેલાલે બનાવ્યું હોય એવું લાગે તો તમે સાવ ખોટા નથી. આ સંગીતકાર ગણેશ પ્યારેલાલનો નાનો ભાઈ. લક્ષ્મી-પ્યારેની જૂની ફિલ્મોના ટાઇટલ યાદ હોય તો આસિસ્ટન્ટ્સ તરીકે શશીકાંત- ગોરખ નામો વંચાતા, એમાંનો શશી લક્ષ્મીકાંતનો ભાઈ અને ગોરખ પ્યારેલાલનો ભાઈ. આ ગણેશ તે પ્યારેલાલનો બીજો ભાઈ.

અમજદખાનના પિતા જયંત (ઝકરીયા ખાન), ઠાકુર સા'બ (અમર)નો વાઘના પંજામાંથી છોડાવીને જીવ બચાવે છે એનો બદલો અમર જયંતના પુત્રને મારી નાખીને આપે છે. છંછેડાયેલો જયંત અમરના પુત્રનું અપહરણ કરીને એને ડાકુ જર્નૈલસિંઘ બનાવે છે. પોલીસ- સુપ્રિન્ટેન્ડેન્ટ મદન પુરીની છોકરી હેલન સાથે દારાસિંઘને પ્રેમ થઈ જાય છે, પણ અમરનો બીજો પુત્ર શેખ મુખ્તાર પોલીસ ઇન્સ્પેક્ટર દારાસિંઘને પકડવા આમાદા હોય છે. એ પછી ફાલતુ દોડધામો અને બંદૂકબાજી પછી માંડ ફિલ્મનો અંત આવે છે. વચમાં વધારાના વિલન તરીકે શ્યામકુમારને ય સહન કરવાનો. આ શ્યામકુમારને તમે દેવ આનંદ સાથે ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં 'સોના ભી જાયેગા ઔર પૈસા ભી જાયેગા'વાળી ફાઇટમાં જોયો છે. આ એ જ શ્યામકુમાર જેણે સુરૈયા સાથે 'તૂ મેરા ચાંદ મેં તેરી ચાંદની હોઓઓઓ' ગાયું છે. ફિલ્મનો હીરો શ્યામ જુદો. બંને શ્યામો મુસલમાન હતા. આપણો 'જાની' રાજકુમાર ફિલ્મ 'મેરે હુઝુર'માં પૂછે છે, 'લખનૌ મેં ઐસી કોન ફિરદૌસ હૈ, જીસે હમ નહિ જાનતે.' એ ફિરદૌસ એટલે ઇંદિરા બિલ્લી. નશીલી આંખો સાથે એ સાચ્ચે જ ઘણી સેક્સી લાગતી હતી,પણ 'ફિર વો હી દિલ લાયા હૂં'માં રાજેન્દ્રનાથની માં બનતી ઇંદિરા બંસલ જુદી. એ બંને અહીં મા- દીકરીના રોલમાં છે.

હેલન જેવી પરફેક્ટ ડાન્સર તો હિંદી ફિલ્મોમાં બીજી કોઈ આવી નથી. એવું વૈજયંતિમાલાએ કીધું છે, તો સામે છેડે આ સન્માન હેલન વૈજુને આપે છે. હેલન રિચર્ડસન (૨૧ નવેમ્બર, ૧૯૩૮) ઇન્ડિયન નહોતી. બર્મીઝ મા અને ઇંગ્લીશ પિતાનું સંતાન હતી. બહુ ઓછાને ખબર હશે કે, '૫૧-માં બનેલી ફિલ્મ 'શબિસ્તાન' હેલનની પહેલી ફિલ્મ તો હતી જ, પણ રાજ કપુરની ફિલ્મ 'આવારા'ના 'ઘર આયા મેરા પરદેસી...' નૃત્ય ગીતના કોરસમાં પણ એ હતી. આટલી સુંદર હોવા છતાં એ ભાગ્યે જ હીરોઇન બની શકી. જેમાં બની એ બધી આવી દારાસિંઘની ફિલ્મોમાં. હેલને ભાગ્યે જ કોઈ ફિલ્મમાં પોતાના અસલી વાળ બતાવ્યા છે. બાકી તો દરેક દ્રષ્યમાં એ વિદેશી વિગ પહેરેલી જોવા મળી છે. કેબરે ડાન્સ વખતે માથે અને કમરમાં એ રંગબિરંગી પીંછા પહેરતી. હેલને પોતે કીધા મુજબ, એ જ્યારે વિદેશોના પ્રવાસે જતી, ત્યારે બીજું કાંઈ લાવે કે ન લાવે...પીંછા બેશક લાવતી.

હેલનની તોલે આવે એવી બીજી ડાન્સર હતી મધુમતિ, જે પારસી છે. વાત રીપિટ થાય છે, પણ સંદર્ભને હિસાબે યાદ કરાવું છું કે, ફિલ્મ 'ગુમરાહ'માં માલા સિન્હાને એની મરવા પડેલી મોટી બહેને માંગેલા વચન મુજબ, પ્રેમી સુનિલ દત્તને છોડીને મોટી બહેન નિરૂપા રૉયના પતિ અશોક કુમાર સાથે લગ્ન કરવા પડે છે, એ આખી સ્ટોરી વાસ્તવમાં કામિની કૌશલની છે, જેને પણ પ્રેમી દિલીપકુમારને છોડીને સ્વર્ગસ્થ બહેનને આપેલા વચન પ્રમાણે બનેવી સાથે પરણવું પડયું હતું. એવું જ ડાન્સર મધુમતિને થયું હતું. એ એને ડાન્સ શીખવનાર ગુરુ મનોહર દીપક (જે હુઝુરેવાલા, જો ઇજાઝત... ગીતમાં ત્રીજો ડાન્સર હોય છે અને ફિલ્મ 'ફર્ઝ'માં જીતેન્દ્ર એના માથામાં વીજળીનો કરંટ આપે છે, એ મનોહર દીપક સાથે પરણી છે. મનોહરની મરતી પત્નીએ શિષ્યા પાસે વચન માંગી લીધુ કે ગુરુદક્ષિણા તરીકે મારા ગયા પછી તું મારા પતિ સાથે પરણી જજે.)

ફિલ્મની ત્રીજી ડાન્સર બેલા બૉઝનો જન્મ તા. ૧૮ એપ્રિલ, ૧૯૪૧- કોલાકાતામાં થયો હતો. હજી એકે ય ફિલ્મમાં એ આવી નહોતી ને સ્ટુડિયોના ચક્કર લગાવતી, ત્યારે પોતાની ઊંચાઈ (સૉરી, લંબાઈ)ને કારણે જે ડાન્સ- માસ્ટર બદ્રીપ્રસાદે બેલા બોઝને, ''આ તો તાડ જેવી લાંબી છે'' કહીને ગ્રુપ ડાન્સરોમાંથી કાઢી મૂકી હતી, એ જ બદ્રી માસ્ટરે આ ફિલ્મ 'ઠાકુર જર્નૈલસિંઘ'નો સર્વોત્તમ ડાન્સ 'સૈયા સે વાદા થા નાઝુક ઘડી થી, બનઠન કે યૂં, મૈં તો છત પે ખડી થી કે બિછુઆને ડંખ મારા હાયહાયહાય રામ...' બેલા ઉપર ફિલ્માયો હતો. ફિલ્મ મુઘલ-એ-આઝમની ડાન્સ ડાયરેક્ટર કે. આસિફની પત્ની સિતારાદેવીએ 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...' ગીતની, 'કંકરી મોહે મારી, ગગરીયા ફોર ડારી...' વખતે બધી ડાન્સરો નીચે ઝૂકે છે, એમાં ઝૂકવા છતા બેલા લાંબી લાગતી હતી, એ જોઈને સિતારા બહુ ભડકી હતી. જોવાની લઝ્ઝત એ છે કે, રાજ કપૂરની ફિલ્મ 'મૈં નશે મેં હૂં'ના 'મુઝ કો યારો માફ કરના, મૈં નશે મેં હૂં...' ગીત વખતે સ્ટુડિયોમાં બધી એક્સ્ટ્રા ડાન્સરોને બોલાવી રાખી હતી, એ વખતે માત્ર હાઇટને કારણે ફિલ્મના દિગ્દર્શક નરેશ સેહગલે બેલા બોઝને ગૂ્રપમાંથી બહાર બોલાવી લીધી, પણ આ વખતે કાઢી મૂકવા માટે નહિ...

રાજ કપૂર સાથે મેઇન- ડાન્સર તરીકે અને તે પછીનું સોલો ગીત, 'યે ન થી હમારી કિસ્મત કે વિસાલે યાર હોતા' બેલા ઉપર ફિલ્માયું. તમને યાદ હોય તો ફિલ્મ 'શોલે' સાથે ટેકનિકલ સરખામણી કરવા જઈએ તો ધાર્મિક ફિલ્મ 'જય સંતોષી મા'એ 'શોલે' કરતા વધુ કમાણી કરી હતી. એ ફિલ્મના બંગાળી હીરો આશિષકુમારની બેલા જબરદસ્ત ફેન હતી ને આશિષની બધી બંગાળી ફિલ્મો જોતી. એક દિવસ અચાનક જ માલા સિન્હાના ઘરે બેલા બોઝનો ભેટો આશિષ સાથે થઈ ગયો ને એ જ વર્ષે બન્ને પરણી ગયા.

બેલા બોઝને તમે આમાંથી એકાદી ફિલ્મ કે ગીતમાં જોઈ હશે, 'ઓ દિલવાલો સાઝે દિલ પે ઝૂમ લો ગા લો, લલ્લલલ્લા' (ફિલ્મ : લૂટેરા), 'નદી કા કિનારા હો પાની આવારા હો...' (સી.આઇ.ડી.- ૯૦૯), 'રૂઠે સૈયાં હમારે સૈયાં, ક્યું રૂઠે' (ફિલ્મ 'દેવર'), 'હૈ નઝર કા ઇશારા સંભલ જાઈએ' (ફિલ્મ : 'અનીતા') ઉપરાંત એક એક્ટ્રેસ તરીકે ચિત્રલેખા, પ્રોફેસર, ચંદા ઔર બીજલી કે 'જીને કી રાહ'માં એ જીતેન્દ્રની ઓરમાન બહેન બને છે.

જૂના જમાનાની હીરોઇનો શકીલા, ઝેબ રહેમાન, અમિતા અને અઝરા બેલા બોઝની આજે પણ ખાસ દોસ્ત છે અને અવારનવાર મળતા રહે છે.

એક માનવામાં ન આવે એવી વાત છે. બેલા બોઝનો કોલકાતામાં અત્યંત સાધન સંપન્ન પરિવાર હતો, એ જમાનામાં બેન્કો ખાનગી હતી. જે બેન્કે દેવાળુ ફૂંક્યું એમાં બોઝ ફેમિલીની તમામ સંપત્તિ ફૂંકાઈ ગઈ ને આ લોકો સીધા રોડ ઉપર આવી ગયા. એ વખતે બેલા બોઝના પિતા બહાર ચાલવા ગયા ને કોઈ વાહને ટક્કર મારી એમાં સડક ઉપર જ ગુજરી ગયા, ઘરવાળાઓને ભારે શોધખોળ બાદ બે દિવસ પછી હોસ્પિટલમાંથી શબ મળ્યું. ગૂજરી ગયા ત્યારે બેલાના પિતાની ઉંમર ૩૬- વર્ષની હતી. વિધિનો ખેલ જુઓ. બેલા બોઝનો નાનો ભાઈ પણ એ જ રીતે બરોબર ૩૬- વર્ષની ઉંમરે એ જ પ્રકારના રોડ એક્સિડૅન્ટમાં માર્યો ગયો.