Search This Blog

31/08/2016

ઇશ્વર કરે એ ખરું... !

'ઍનકાઉન્ટર'માં એકનો એક સવાલ અનેક લોકો પૂછે છે મને, 'આવતા જન્મે શું બનવા માંગો છો ?'

જન્મે બ્રાહ્મણ છું, એટલે માંગવાની કૅપેસિટી કેટલી હોય ? હું કહી દઉં, 'બસ. ગાંધીનગરમાં સારી નોકરી મળી જાય, એટલે પત્યું. આમાં સારી નોકરી એટલે ઘણા મુખ્યમંત્રીશ્રીની નોકરી સમજે છે, પણ જન્મે હું જૈન નથી, એટલે એવું બધું આપણને માંગતા ના ફાવે ! પટેલ હોત, તો અનામતેય માંગી શકત, પણ બા'મણભ'ઇની તો માંગવાની પહોંચેય કેટલી ?'

પણ બ્રાહ્મણ હોવાને કારણે હું બુધ્ધિશાળી તો ઘણો, એટલે આવતા જન્મે વડાપ્રધાન કે 'અશોક દવાણી' જેવા વિરાટ ઉદ્યોગપતિ બનવાને બદલે મેં સીધું ઈશ્વર બનવાનું માંગી લીધું છે... સાલો કોઈ વિરોધપક્ષ તો નહિ ! ભગવાન બનીએ, એટલે ભક્તો સિવાય બીજા કોઈની પાસે કાંઈ માંગવાનું નહિ ! બધું વગર માંગે દોડતું આવે ! 

ક્યાંક સુંદર વાક્ય વાંચ્યું હતું, 'મંદિરમાં ઇશ્વરને એક ફૂલ ચઢાવીને માણસ આખો બગીચો માંગી લે છે.

આટલું વાંચ્યા પછી હું થોડો નહિ, પણ ઘણો સળવળ્યો કે, એક ફૂલ ચઢાવનાર આટલું માંગતો હોય તો ભારતભરના મંદિરોમાં અબજો રૂપિયા ચઢાવનારા ભગવાન પાસે કેટલું માંગી લેતા હશે ? અને ભગવાન આપતો ય કેટલું હશે ? માણસ ભગવાનના ગજાની બહાર નીકળી જાય, પછી ટૅન્શનમાં ભગવાન આવી જાય કે, 'આને હવે શું આપવું ? બધું તો છે એની પાસે !'

એમાં ય, રોજ ટીવી જોતા હોઈએ એટલે ખબર પડે કે, સલમાન ખાનની  ૧૦૦ કરોડ જેવી ક્લબો તો મારો શામળીયો રોજ ચલાવે છે. ભારતના મંદિરોની રોજની આવક આવા સો-કરોડ થી તો કંઇય કેટલી ઊંચી છે ! કૅશથી માંડીને સોનું, ચાંદી અને ઝવેરાત તો કેળાની લૂમોની માફક ભક્તો મંદિરોમાં ચઢાવે છે. ગણિત ફાવતું હોય તો ત્રિરાશી મૂકો. એક ભક્ત એક મંદિરમાં સવા કરોડ ચઢાવે છે, તો બદલામાં એની પ્રભુ પાસે ડીમાન્ડ કેટલી હશે ? પાછું, એવું ય નથી કે, ભક્ત માંગે એ બધું પ્રભુ આપે જ ! એવું ય નથી કે, ભક્તો કેવળ પૈસા જ માંગે છે. પોતાના દીકરા-દીકરીનું સારે ઠેકાણે ગોઠવી આપવાથી માંડીને જૂનો ડાયાબીટીસ મટાડી આપવાની ડીમાન્ડ પણ હોય. ભગવાનને જેટલી રકમ ચઢાવે, એનાથી ચાર ગણી તો ડૉક્ટરો ઠોકી ગયા હોય છે, એટલે ડોક્ટરો કરતા પ્રભુ પ્રમાણમાં સસ્તા ય પડે. તેમ છતાં ય, આટઆટલા ચઢાવા પછી ઈશ્વર, ભક્તે માંગેલું આપશે જ એની કોઈ ગૅરન્ટી નહિ. ભગવાન બનવાની લહેર એટલી કે, ભક્તોને આપણે આશીર્વાદ સિવાય કાંઈ આપવાનું નહિ... એ લોકો દોથાં ભરીભરીને આપે... માટે આવતા જન્મે હવે હું ઇશ્વર-અવતાર લેવા માંગુ છું... મને મારે આંગણેથી કોઈ ખાલી હાથ પાછું જાય, એ ન ગમે !

આપણા ભગવાનો ડોક્ટરો જેવા છે. દર્દી સાજો થઇ જાય તો 'ડોક્ટરે બહુ કમાલ કરી'! અને દર્દી ટપકી જાય તો, ''ઇ ડોક્ટરે તો બધું કર્યું... પણ આખરે તો ઇશ્વરની મરજી ! એમ પરમેશ્વર આપણી ભક્તિના બદલામાં કાંઇ ન આપે, તો, ''મારો શામળીયો કરે એ ખરૂ'' ! ડોક્ટર અને ઇશ્વર કાયમ નિર્દોષ છુટી જાય છે. 

વળી, ભારતમાં ભગવાન બનવાનો જલસો છે. કોઈ મંદિર-દેરાસર ઉપર ઈન્કમટૅક્સનો દરોડો પડયો, એવું સાંભળ્યું ? ભગવાન તો જાવા દિયો, એમના ઍજન્ટો એટલે કે, દેશભરના સ્વામી, ગુરૂ, મહારાજ સાહેબો કે એકે ય 'પૂજ્ય'ને ત્યાં સરકારે કોઈ અડપલું કર્યું ?

કરોડ રૂપિયાનો તો મેવા-મિષ્ટાનનો અન્નકૂટ ધરાવ્યો હોય, એનો અર્થ શું સમજવો ? કે ભગવાનને ડાયાબીટીસ તો હોય નહિ ! કોઈ મંદિરમાં પાણી-પુરી, ચોળાફળી કે ઈટાલીયન સૂપ ધરાવતું નથી. પ્રભુને તો મેવા-મીષ્ટાનો જ જોઈએ. એ તો જાણે કે સમજ્યા કે, ભગવાન થયા પછી ૧૨૦ના માવા-મસાલા ન ખવાય એ સોમરસ તો કેવળ ભગવાન શંકર પૂરતો રીઝર્વ્ડ હતો અને બીજા પરમેશ્વરોને તો લીવર ના બગડે માટે ડૉક્ટરોએ સોમરસ નહિ લેવાની સલાહ આપી હોય ! પણ એમ તો અન્નકૂટમાં કોઈ ભાખરી-શાકો ય ધરાવતું નથી... અથાણાંનું તો જાણે સમજ્યા કે, મોંઘા પડે ! તમારા સહુના ભાવિ ભગવાન તરીકે હું તમને સલાહ - સૉરી, આશીર્વાદ આપવા માગું છું કે, મારા મંદિરીયે કરોડ બે કરોડનું દાન કર્યા પછી, એ પૈસાનું મેં શું કર્યું, એ કદી પૂછવું નહિ. વૉટબૅન્કને હિસાબે, ભારતના એકે ય ધર્મવાળાઓને સરકાર છંછેડતી નથી.

મોદી વિદેશોમાંથી કાળું ધન પાછું લાવીને મારા-તમારા દરેક ભારતીયના બૅન્ક-ઍકાઉન્ટમાં  પાંચ-પાંચ લાખ જમા કરાવવાની મજાક કરતા હતા, પણ દેશભરના મંદિરોની આવક દેશની પ્રજા માટે વપરાય તો પાંચ લાખ તો શું ચીજ છે, દરેક નાગરિકના ખાતે ૫૦ લાખ જમા થઇ શકે. એકેય નાગરિકને રોકડા પાંચ કે પચ્ચીસ લાખ આપવાની ક્યાં જરૂર છે ? એને બદલે, નાગરીકદીઠ એટલી રકમ મંદિરોના જમા થયેલા અબજો રૂપિયામાંથી દેશના વિકાસ માટે ખર્ચાય (જેમાં આપણા સન્માનીય નેતાઓનું વહિવટીતંત્ર ન હોય !) તો જલસે-જલસા જ છે, પ્રભો ! 

આ લેખના વાચકની કે લખનાર અશોક દવેની કોઈ કૅપેસિટી નથી કે રાષ્ટ્રવ્યાપી અપીલ કરે કે, દેશ એના ચારે ય સીમાડાઓથી બેશુમાર ખતરામાં છે, ત્યારે બે-ત્રણ વર્ષ સુધી ધર્મ-ભક્તિ કરતા દેશભક્તિને વધુ મહત્ત્વ આપો. પણ સચિન તેન્ડુલકર, અમિતાભ બચ્ચન, સલમાન ખાન કે કથાકારો, મહારાજો, બાપુઓ, એમના ભક્તોને બે વર્ષ સુધી ફક્ત દેશભક્ત બની બતાવવાની અપીલ કરે તો મારા-તમારા કરતા આ લોકોનું ફૅન-ફોલોઇંગ (ચાહકો) અનેકગણું છે. લોકો એમનું માનશે અને બદલામાં આવી અપીલ કરવામાં આ મહાનુભાવોનું કાંઈ જવાનું નથી. 

એમનો તો એક ભક્ત કે ચાહકે ય ઓછો થવાનો નથી. ઉપરથી, આજ સુધી તો સહુ આ લોકોને ચાહતા જ હતા... હવે ગર્વ પણ લેશે. 

યસ. આ અપીલમાં બે વર્ષ માટે લોકોને ઇશ્વરભક્તિ કે ધર્મથી અળગા રહેવાનું કહેવું નિહાયત જરૂરી છે. આ ધર્મો ભારતીયોને દેશ માટે માન-સન્માન આપતા રોકે છે. કહેતા શરમ આવે છે કે, આપણા અનેક ધર્મોમાં એના ગુરૂઓ કે મહારાજ સાહેબો ઉઘાડેછોગ શીખવાડે છે કે, આપણા પોતાના ધર્મ સિવાય બીજાનું તો નામ પણ નહિ લેવાનું. 

માટે આવું છીછરાપણું દૂર કરવા પેલા જે ૭-૮ નામો લખ્યા, તે બધા 'ધી ગ્રેટ' માણસોને આવી રીકવૅસ્ટ કરવી પડી છે કે, આતંકવાદીઓ (ભણેલા-ગણેલા ૭૫ ટકા ગુજરાતીઓ 'આ-તંક' બોલવાને બદલે 'આં-તક' બોલે છે... આપણા દેશને તો ઇશ્વર બન્યા પછી હું ય નહિ બચાવી શકું.) હવે તો સીધા આપણી સોસાયટીઓમાં ત્રાટકશે ત્યારે એવું નહિ પૂછે કે, 'આપ સબ મેં સે જો જૈન ઔર બ્રાહ્મિન હૈ... વો સબ બાજુ પર હટ જાયેં... વો અલ્લાહ કી ઈબાદત કરતે હૈ... બહોત પાકીઝા લોગ હૈ... ઈન્હેં હમ નહિ મારેંગે...' એમ કહીને બાકીના ભારતીયો ઉપર ધડધડધડ ગોળીઓ વરસાવશે, એવું તો નથી. એ લોકો આપણને બધાને એક સાથે મારશે. વૈષ્ણવો મરતા હશે, ત્યારે બ્રાહ્મણો સાંત્વના લેશે કે, 'આપણે શું ?' ને જૈનો ઉપર મશિનગનો ચાલતી હશે ત્યારે કોઈ લોહાણો 'જય જલાબાપા'ના પ્રચંડ નારા સાથે કૂદી નહિ પડે કે, 'મારા જૈનભાઈને મારનારો તું કોણ ?' 

સિવાય કે, બ્રાહ્મણ, દલિત, પારસી, જૈન, ક્રિશ્ચિયન, વૈષ્ણવ, લોહાણા કે સિંધી એક સાથે ભેગા મળીને આતંકવાદીઓનો સામનો કરશે તો એ લોકો ભાગશે તો ખરા જ, પણ આપણો દેશ પણ બચી જશે. 

હું ભગવાન બનું, એમાં દેશના નેતાઓને સૌથી મોટો ફાયદો. આપણે ત્યાં બધું ભગવાન ભરોસે જ ચાલે છે. એ વાત જુદી છે કે, હાલમાં મારા ભરોસે તો મારૂં ઘરે ય ચાલતું નથી, પણ ઘર અને દેશમાં ફરક છે. ઘર રામ ભરોસે ચલાવી શકાતું નથી. 

મોદી સાહેબ, ગૌરક્ષકોને તો ઝાડી નાંખ્યા.... ગૌહત્યારાઓ માટે તો કંઇક બોલો ! 

સિક્સર
કેટલા બધા લોકોને રોજના વપરાશનો ઈંગ્લિશ શબ્દ 'મૅમેન્ટો' બોલતા નથી આવડતો... એ લોકો 'મૉમેન્ટો' બોલે છે. સાચો શબ્દ 'મૅમેન્ટો' (memento) છે, જે કોઇને ગિફ્ટ આપતી વખતે બોલાય છે, 'સ્મૃતિચિહ્ન'.

28/08/2016

ઍનકાઉન્ટર : 28-08-2016

* ભારતના બહાદુર રોજ ૫-૭ જવાનોને કાશ્મિરમાં આતંકવાદીઓ ફૂંકી મારે છે, ત્યારે નરેન્દ્ર મોદી એક શબ્દ પણ પાકિસ્તાન વિરુધ્ધ બોલી રહ્યા નથી !
- યસ. ખૂબ ઝડપથી મોદી એ અભૂતપૂર્વ લોકપ્રિયતા ગૂમાવી રહ્યા છે. કેમ જાણે 'નોબેલ પારિતોષિક' મેળવવાની લ્હાયમાં એ શાંતિદૂત બનવા માંગે છે.
(વિરલ ગી. મેહતા, અમદાવાદ)

* પાકિસ્તાન સામે યુધ્ધ પાકિસ્તાનને પોસાય એમ છે ?
-પાકિસ્તાન આમે ય અર્થતંત્રથી પૂરો ખલાસ થઇ ચૂકેલો દેશ છે. એક યુધ્ધ એને ભીખ માંગતું કરી શકે તેમ છે.
(સહદેવ પારેખ, જામનગર)

* શું રાહુલ ગાંધી જ્યાં સુધી રાજકારણમાં છે, ત્યાં સુધી નરેન્દ્ર મોદી સલામત છે ?
- કેટલેક અંશે એવું કહી શકાય ખરૂં ! જ્યાં સુધી દુશ્મન તદ્દન નબળો હોય ત્યાં સિપાહીને બારે કોઠે દિવા હોય છે. આખા કોંગ્રેસ પક્ષમાં નરેન્દ્ર મોદી તો શું, રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલની બરોબરીએ ઊભો રહી શકે એવો ય એક નેતા નથી.
(સુમિત્રા પરીખ, વડોદરા)

* રૉબર્ટ વાડ્રા સામે મોદી સરકાર પાછળ પડી ગઇ હોય એવું નથી લાગતું ?
- એ તો કેસનો નિકાલ આવે, ત્યાં સુધી કહી શકાય નહિ, પણ એટલું ખરૂં કે, રૉબર્ટનું નામ ભાજપ વારંવાર ઉછાળે છે, તો કાંઇ ઠોસ હાથમાં ન હોય ત્યાં સુધી શું કામ થૂંકેલું ચાટો છો ?
(ગીરિશ પટેલ, સુરત)

* હમણાં તમને દૂરદર્શન પર જોયા-સાંભળ્યા... શું કામ લોકોને મૂર્ખ બનાવો છો કે, તમે દેખાવમાં સામાન્ય છો ? વાસ્તવમાં તમે સરસ લાગો છો.
- મને એટલી ખબર છે, હું લેખક છું, ફિલ્મસ્ટાર નથી.
(કેલી સી. પરીખ, અમદાવાદ)

* કેજરીવાલ માટે મોદી કેમ કંઇ રીએક્ટ કરતા નથી ?
- બહારથી નરમ અને મહીં તગતગતા લોઢા જેવા સખ્ત કવિ અનિલ ચાવડાનો શે'ર મોદીના મોંઢામાં મૂકવો જોઇએ :
'જેને માટે મેં મારૂં આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે,
હાહાકાર મચી જાશે જો હું એકે અક્ષર બોલીશ તો, મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે.'
(પરિંદા કે. શાહ, રાજકોટ)

* વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય પ્રધાન થયા. હવે ગુજરાતનું ભાવિ શું ?
- 'રૂ' અને 'પાણી' ભેગા થાય એવો લોચો ન થાય, એને બદલે વિજય થાય, એવું કરી બતાવવું પડશે.
(ગૌતમ વાય. દવે)

* 'બેન' 'ટૉલટૅક્સ' તો કઢાવતા ગયા... પણ વર્ષોથી લેવાદેવા વગરનો ટૉલટૅક્સ ભરે જતા હતા, એ વધારાનો ટૉલટૅક્સ પાછો અપાવવાની કોઇ યોજના ખરી કે નહિ ?
- વર્ષોથી પસાર થયેલા વાહનો રીવર્સમાં લઇ આવો, તો કદાચ પાછો મળે ય ખરો !

* તમારી ત્રણે ય કૉલમોમાં તમારી સૌથી વધુ ફૅવરિટ કઇ ?
- અફ કૉર્સ, 'બુધવારની બપોરે'.
(શિલ્પા પી. ઠક્કર, ભૂજ-કચ્છ)

* સંસદના ચાલુ સત્રે ઊંઘી જતા રાહુલ ગાંધીને એ ય ખબર નહિ હોય કે, સંસદનું લાઇવ-ટૅલીકાસ્ટ થઇ રહ્યું છે ?
- એકલો માણસ ઘેર ઊંઘે કે બગીચામાં... લૂંટાવાનું શું છે ?
(જનક શાહ, અમદાવાદ)

* તમે કવિ-લેખકોના સારા કપડાં પહેરે, એ વિશે લેખ લખ્યો... પણ હજી કોઇ સુધર્યું હોય એવું લાગતું તો નથી !!
- એ લોકો કુંભમેળાવાળા કપડાં(!) પહેરે તો ય એમની રચનાઓ કે કપડાંમાં ફેર પડવાનો નથી.
(મોહસિન ફઝલ દેરીવાલા, સુરત)

* તમને 'સૅલ્ફી' લેવાનો શોખ ખરો ?
- બીજાને લઇ આપું છું.
(મધુરી કે. ઓઝા, અમદાવાદ)

* તમે 'ફૅસબુક' પર કેમ નથી ?
- આ તમે અભિનંદન આપી રહ્યા છો કે પૂછપરછ કરી રહ્યા છો ?
(શ્રીધર કપાસી, નડિયાદ)

* મોદી સાહેબ બલૂચિસ્તાન માટે હળીઓ કરે રાખે છે, એના કરતા કાશ્મિરના આતંકવાદીઓને સંભાળવાનું કહો ને...!
- પાકિસ્તાન કાશ્મિર અને 'પીઓકે'માં દોઢડાહ્યું થાય છે, એનો મોદી જવાબ આપી રહ્યા છે.
(પરેશ જી. રાવલ, નડિયાદ)

* તમે નવરાશના સમયે કેવી ફિલ્મો જુઓ છો ?
- જૅરી લૂઇસ, આલ્ફ્રેડ હિચકોક અને ઋષિકેશ મુકર્જીની.
(કથા યુ. મહેતા, અમદાવાદ)

* આપણી ટ્રાફિક-વ્યવસ્થા આટલી નબળી કેમ ? બધા રોડ ફૂટપાથ પાસે સ્કૂટરોથી પાર્ક કરેલા હોય છે.
- હજી પૂરતી સંખ્યામાં રોડ-રોલરો મળતા નથી, ત્યાં સુધી સ્કૂટરોથી ચલાવી લો.
(સંજય કે. વ્યાસ, વડોદરા)

* સ્ત્રીને આકર્ષવાનો સરળ રસ્તો કયો ?
- એની પાસે બીજી સ્ત્રીની સુંદરતાના વખાણ કરો.
(એમ.જે. પતરાવાલા, સુરત)

* તમારી દ્રષ્ટિએ ફિલ્મ 'રૂસ્તમ' જોવાય ખરૂં ?
- અમદાવાદી યુવાનોમાં નવી ફૅશન નીકળી છે, ''એક વાર જોવાય..''! કેમ જાણે બીજી બધી ફિલ્મો ૨૦-૨૫ વખત જોવાની હોય !
(કેતકી ઉચ્છંગરાય ઓઝા, અમદાવાદ)

* હવે ગુજરાતમાં વિજય રૂપાણીને પહેલા જૈન મુખ્યમંત્રી તરીકે પોસ્ટરો-હૉર્ડિંગ્સોમાં ચમકાવાયા છે !
- તે એમાં ખોટું શું છે ? દલિત મુખ્યમંત્રી, બ્રાહ્મણ, પટેલ, મુસ્લિમ કે લોહાણા મુખ્યમંત્રી ય હોય તો એક દિવસ તો ભારતીય મુખ્યમંત્રી પણ આવશે ને ?
(નિલેશ કે. કોઠારી, મોરબી)

* તમારી જન્માષ્ટમી કેવી ગઇ ?
- બસ. બાવન પાનાની ગીતાના પઠનો કર્યા પછી, પોલીસે પકડયા નથી, એટલે 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'.
(શ્યામલ વી. શાહ, સુરત)

* ઓલિમ્પિકમાં ભારતના દેખાવ અંગે શું કહેવું છે ?
- મને નામની ય ફરિયાદ નથી. પોતપોતાના ફૅડરેશનોની 'માવજત' છતાં એ લોકોએ જે કાંઇ કર્યું... સર આંખો પર !
(રૂમા વાય. શાહ, વડોદરા)

24/08/2016

એક ખુલ્લો પત્ર, મોદી સાહેબને

૨૦ ઑગસ્ટ, ૨૦૧૬

આદરણીય મોદી સાહેબ,

દેશની પ્રજાએ તમને ખોબા નહિ, ખોળા ભરીભરીને વોટ આપ્યા છે અને પરદેશમાં વસતા ભારતીયોએ આજ સુધી અમિતાભ બચ્ચન કે સચિન તેન્ડુલકરને ન આપ્યો હોય, એટલો અને આવકાર આપ્યો છે. હું તિરંગાનું પૂર્ણ સન્માન કરનારો ભારતીય હોવાના નાતે આપને થોડી વાતો કહેવા માંગુ છું.

સર, ટી.વી. પર જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે, રોજના સરેરાશ પાંચ ભારતીય લશ્કરના સૈનિકોને આતંકવાદીઓ ખતમ કરીને આરામથી જતા રહે છે. સામે એમનું નસીબ હોય તો વળી એકાદો ઝડપાય. આ ક્યાં સુધી ચાલે રાખવાનું ? આપણે સામે એમના પચાસ સૈનિકોને કેમ મારી શકતા નથી ? ભારતીય લશ્કરમાં મરવા માટે જ જોડાવાનું હોય છે ? સરહદ પર કે હવે તો શ્રીનગરમાં મરતો એક એક સૈનિક મને/ તમને આતંકવાદીની ગોળી ન વાગે, એ માટે ઊભો છે. એને પર્સનલી, પાકિસ્તાની સૈનિકો માટે કોઈ દુશ્મનાવટ નથી,પણ એ હરામજાદાઓએ છોડેલી ગોળી મારી કે તમારી છાતીમાં ન વાગે, એટલે એ પોતે ઝીલવા ઊભો છે. આપણે તો એને શહીદ કહી દીધો, એટલે આજની ડયુટી પૂરી, પણ જેનો દીકરો, પતિ કે નાના બાળકનો યુવાન બાપ મરે છે, એને માટે તમે તો શું, આખા દેશની પ્રજા ય હવે તો આંસુ સારતી નથી. એ શહીદના પરિવારને કેટલા લાખ નુકસાનીના વળતર પેટે મળ્યા, એ તો કૉમેડીનો વિષય છે.

તો દવે સાહેબ, તમે શું ઇચ્છો છો, હું પોતે હાથમાં રાયફલ પકડીને લડવા જઉં ?

સર્ટેઇન્લી નૉટ સર ! કમસે કમ, અમારી દેશદાઝ ટકી રહે અને 'અમે ભારતીય છીએ', એવું કહેતા 'ડરીએ નહિ', એવી મર્દાનગીભરી બે વાતો તો કરો ! દેશ માટે ફના થઈ જવા કયો ઇન્ડિયન તૈયાર નથી. બધા દેશ માટે મરી ફીટવા તૈયાર બેઠા છે. એમની કમનસીબી એટલી છે કે, કોઈ એમને પાનો ચઢાવનાર નથી. અમદાવાદમાં પાકિસ્તાનનો ઝંડો ફરકશે તો એ ઝૂંટવી લેનારની રક્ષા કરનાર કોઈ નથી. એ તો મરવાનો જ થયો છે, ત્યારે તમારી પાસેથી એટલી અપેક્ષા રાખી શકાય કે, દેશ માટે અમે મરી પડીએ, એવું જોમ, ઝનૂન અને તાકત તમે અપાવો.

તમે તો સ્વચ્છતા અને શૌચ માટે ય આશા અમારી પાસે રાખો છો. જ્યારથી આપશ્રીએ સ્વચ્છતાનું અભિયાન હાથમાં લીધું છે, ત્યારથી આજ સુધી અમારા એકે ય શહેરમાં કચરાપેટીનું એક ડબલું ય જોયું નથી, નવી મૂતરડીઓ જોઈ નથી ને જે છે, ત્યાં ગયા પછી એકી બંધ થઈ જાય એટલી ગંદી બૂ મારતી હોય છે ને તમે 'જહાં શૌચ, વહાં શૌચાલય'ની વાતો કરો છો. હજી એકવાર સ્વચ્છતા અભિયાનનું બ્યુગલ તમે વગાડી દો,કે તરત જ તમારા બધા મંત્રીઓ સ્વચ્છ, સફેદ કપડા પહેરીને હાથમાં ઝાડૂ સાથે ટી.વી.- ન્યૂસકેમેરાવાળાના આવવાની રાહ જોતા ઊભા રહી જશે. સ્વચ્છતા તો છાપા - ટી.વી.માં ચમકવાનું એક સાધન થઈ ગયું છે.

કહે છે કે, અમેરિકા- ઇંગ્લૅન્ડ જેવી અદ્ભુત ટ્રાફિક વ્યવસ્થા મોટા ભાગના દેશોમાં છે... ને આપણે ત્યાં ? આ સવાલ વાંચતા વાંચતા જ કેટલાક વાચકો આવડી મોટી 'હંભળાવશે'. નવા નિયમો ક્યાં કરવાના છે ? જે છે, એનો અમલ કરાવો, એમાં ક્યાં ગાદી જતી રહેવાની છે ? રસ્તા ઉપર થૂંકનાર કે પિચકારી મારનારને સ્થળ ઉપર હજાર રૂપિયાનો દંડ કરાવો ને પકડાયેલાઓના નામો છાપા- ટી.વી. ઉપર પ્રસિદ્ધ કરાવો... મહિનામાં અડધો દેશ ચોખ્ખો થઈ જશે. કાયદા તો ઘણાં છે ને લાગતા- વળગતાને તો આમાંથી ય પૈસા મળી જશે, પણ એ બહાને ટ્રાફિક વ્યવસ્થા જેવું કંઈક તો દેખાશે !

એક તો આપણા શહેરોનું ટાઉન-પ્લાનિંગ પહેલેથી જ નબળું ને એમાં ય ગીચ રસ્તાઓની વચ્ચોવચ ફ્રી-પાર્કિંગની સગવડ તો કેવળ આપણા દેશમાં જ મળે, એનો આનંદ છે. અમે તો છાપા રોજ વાંચીએ છીએ ને એટલે ખબર પડે છે કે, અમારા શહેરોમાં રોડ-એક્સિડેન્ટથી સરેરાશરોજના એકાદ-બે તો મરે જ છે, ચૅઇન સ્નેચિંગ થાય છે, ચાર રસ્તાઓ ઉપર શોભાના ગાંઠીયા જેવા લટકાઈ રાખેલા સીસીટીવી કેમેરાઓ ટ્રાફિકના કામમાં આવે એમ ન હોય તો લગ્નપ્રસંગોએ ભાડે આપવાનું રાખો, પણ એનો કોઈ ઉપયોગ તો કરાવો.

ભારત દેશની સુપ્રીમ કૉર્ટના વડા ન્યાયમૂર્તિને આખો દેશ જોતો હોય ત્યારે ટી.વી. સામે હિબકાં ભરીભરીને રડવું પડે, ને એ ખોટું બોલતા હોય તો એમને સજા કરો ને ? છાતી ફાટી જાય એવી એક વાત એ કહેતા ગયા છે કે, અંગ્રેજોના જમાનામાં ય એક કૅસ મેક્સિમમ ૧૦ વર્ષ ચાલતો ને આજે... ?

આ લખાય છે ત્યાં સુધી, ઑલિમ્પિકમાં સાક્ષી કે પુરસલા સિંધૂ સિવાય કોઈ મેડલ મેળવી ન શક્યું, એમાં ભલે શોભા ડેને અમે ઝાટકી નાંખી હોય પણ એની વેદના ય વિચારવા જેવી તો છે ને ? કે સવા કરોડની વસ્તીમાં દેશને ૨૦- ૨૫ મેડલો અપાવી ન શકે, એમાં શું એકલા રમતવીરોનો વાંક છે ? તદ્દન નાનકડા ટાન્ઝાનિયા જેવા દેશને પણ મેડલો મળતા હોય ત્યાં આપણે એક-બે મેડલોથી ખુશમખુશ રહેવાનું ? એક રાજ્યના તો કોઈ ૮- ૯ સરકારી સાહેબો રિયો-ડી-જાનેરો કરોડો રૂપિયાનો દેશને ખર્ચો કરાવીને પહોંચી ગયા. તો કાન તમારે આમળવો ન જોઈએ, જે તે રમતના સરકારી ખેરખાંઓનો ?

મોદી સાહેબ, હજી આગામી ચૂંટણીઓ બે-ત્રણ વર્ષમાં આવવાની છે. કૉંગ્રેસ સરકાર કોઈ કામ નહોતી કરતી, 'માટે' ગઈ. આપણે આંકડાઓના તો મહારાજા છીએ, પણ પ્રજાને દેખાય એવું ય કંઈક કરવું તો પડશે ને ? અત્યાર સુધીની 'સિદ્ધિઓ'થી તમે કન્વિન્સ હો કે, પ્રજા ખુશ છે, તો મારે કાંઈ કહેવું નથી. ફરીથી લોકસભાની ચૂંટણીમાં તમને આવી વિરાટ જીત મળશે, એવી ગણત્રીઓ શરુ થઈ ગઈ હોય, તો ય મારે કાંઈ કહેવું નથી. આ તો હજી ચેતી જવા જેવું છે કે, તમારી કટ્ટર દુશ્મન કૉંગ્રેસમાં તો પહેલા ય પાણી નહોતું ને અત્યારે છે, એ ય આ મા-બેટાની ભાગીદારીમાં નીચોવાઈ ગયું છે, પણ દરેક વખતે આટલા નમાલા દુશ્મનો નહિ મળે. અને એ તો દેશનું ય કમનસીબ છે કે, સારી લોકશાહીમાં વિરોધ પક્ષ સૉલ્લિડ હોવો જોઈએ, એનેબદલે કૉંગ્રેસ પાસે ભાજપને કે તમને ગાળો દેવા સવાય બીજો નાનકડો ય કોઈ પ્રોગ્રામ નથી કે, 'ચલો, મોદી કે ભાજપને વોટ નહિ આપીએ... પણ તમને શું કામ આપીએ, એનું એક નાનકડું કારણ તો બતાવો. તદ્દન મફતમાં કૉંગ્રેસને આટલું બધું ટી.વી.- કવરેજ મળે છે, છતાં ભાજપને ભાંડવા સિવાય એક નાનકડી દેશની વાત જ નહિ ? પાકિસ્તાન કે આતંકવાદ સામે કૉંગ્રેસે કંઇ નહિ બોલવાનું ? તમે સત્તા ઉપર આવો તો શું કરી શકો એમ છો - ભાજપને ભાંડવા સિવાય, એવી સલાહ આપનાર તમારી પાસે ય કોઈ નેતા નથી ?'

મોદી સાહેબ, ગુજરાતમાં કે પાર્લામેન્ટમાં, દેશની પ્રજાએ તમને બહુ આશાઓ સાથે લેન્ડ-સ્લાઇડ વિક્ટરીઓ આપી છે. હું તો ઇચ્છું કે, આપ અમર રહો અને જીવો ત્યાં સુધી દેશ પર કેવળ તમારું જ રાજ રહે, પણ રોજના પાંચ સૈનિકો મરતા રહે અને તમે એક શબ્દ ય બોલી ન શકો, તો પ્રજા ય તમારી તાકાતને હવે સમજે છે. આપણે શાંતિદૂત છીએ, એ બધી વાતો સર આંખો પર, ને ભલે પાકિસ્તાનનો કોઈ સૈનિક ન મારો.. કમસે કમ આપણો તો મરવા ન દો.

જે વાત અંગ્રેજોના સંદર્ભમાં કહેવાતી હતી કે, 'મફતમાં મળેલી આઝાદીની કોઈ કિંમત નથી,' એવી વાત તમારા પક્ષની સત્તાને માટે ય કહેવાતી ન થાય, એનું ધ્યાન રાખવા બીજો તો કોઈ મોદી આવવાનો નથી... આપે જ બધું કરવાનું છે અને આખો દેશ જાણે છે કે, દેશમાં અત્યારે કોઈ ચમત્કાર લાવી શકે તો એક માત્ર નરેન્દ્ર મોદી જ છે !

અમારી એ અપેક્ષાને તૂટવા ન દો.

આપનો
અશોક દવે

સિક્સર
- સલમાન ખાને ઑલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ટીમના દરેક ખેલાડીને એક- એક લાખ રૂપિયા આપ્યા !
- બજરંગી ભાઈજાન, નામનો જ સુલતાન નથી !