Search This Blog

31/01/2016

ઍનકાઉન્ટર : 31-01-2016

* શું તમારે શ્રી. નરેન્દ્ર મોદી સાથે ફોન-સંપર્ક થાય છે ?
- હું અમેરિકા જઉં, ત્યારે ત્યાં થાય છે.
(પ્રશાંત જે. દવે, જામનગર)

* હવે તો બુઢ્ઢાઓ ય જર્સી પહેરવા માંડયા છે ને કાંઈ... !
- બુઢ્ઢાઓમાંથી બહાર આવીને, તમારા માપસરનીઓ શું પહેરે છે, તે તપાસ કરો, તો કાંઈ વળે !
(કૃતાર્થ આઈ. વૈષ્ણવ, રાજકોટ)

* છુટાછેડા માટેના આવશ્યક પરિબળો... ?
- મારા પ્રિય યુવા કવિ ભાવેશ ભટ્ટનો શૅ'ર છે :
'ના ભલમનસાઈ કામ આવી, ના ચાલાકી,
સમાધાનનો કોઈ રસ્તો રહ્યો ન બાકી.
છુટાછેડા તો હું હમણાં આપી દઉં પણ,
તારી યાદો માંગે છે ખાધાખોરાકી !'

* લોકો બીજાઓને તકલીફ પડે, એમ ગાડી પાર્ક કરે છે. કોઈ ઉપાય ?
- ડ્રાયવર-સાઇડની વિન્ડો ઉપર એક કાર્ડ લખી ભરાવી દો, 'પથ્થર મફતમાં મળે છે ને તમારી ગાડીનો કાચ પાંચ હજારમાં ! જોઈએ, નૅક્સ્ટ ટાઇમ કોણ જીતે છે !'
(હર્ષદ પટેલ, અમદાવાદ)

* ગાંધીજીની સમાધિનું નામ 'રાજઘાટ' છે, તો ડૉ. અબ્દુલ કલામની સમાધિનું નામ શું હોઈ શકે ?
- 'મિસાઇલ-ઘાટ.'
(નીલ ઓડેદરા, પોરબંદર)

* મારે તમને મળવું છે...
- 'મળ્યા પછી શું કરવું છે ?'
(ચેતન ત્રિવેદી, અમદાવાદ) અને (આબિદ જુઝારા, ગોધરા)

* મંદિરમાં ડ્રેસ-કૉડના તમે કેટલા હિમાયતી ?
- હા. કંઈક તો પહેરીને જ જવું જોઈએ.
(જયેશ અંતાણી, ભાવનગર)

* બૉસ, સંગીતનો શોખ ખરો ?
- યસ, હું કૉલબેલ બહુ મસ્ત વગાડું છું.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* દુનિયામાં અશોક દવે એક જ 'ઍનકાઉન્ટર-સ્પેશિયાલિસ્ટ' છે, જે પિસ્તોલને બદલે પૅન, પત્ની અને પંખો વાપરે છે...સુઉં કિયો છો ?
- આમાંથી ફક્ત પત્ની જ પોતાની... બાકી બધું પારકાનું !
(દીપક એસ. માછી, વડોદરા)

* કોઇની આખરી ઘડીઓ ગણાતી '૧૦૮' ઍમ્બ્યુલન્સને માર્ગ કરી આપવાને બદલે, લોકો પોતાની રીતે જ ગાડી ચલાવે જાય છે... કોઈ ઉપાય ?
- ભારતમાં સૌથી પવિત્ર કોઈ કામ થતું હોય, તો તે '૧૦૮'વાળા કરી રહ્યા છે. ઈશ્વર કરે, કોઇને કદી એની જરૂર ન પડે.
(દીપક પટેલ, અમદાવાદ)

* ટ્રાફિક-સિગ્નલ પર રૅડ-લાઇટ હોવા છતાં લોકો હૉર્ન કેમ વગાડે છે ?
- એ તો આગળની કારમાં 'જોવા જેવું' કોઈ બેઠું હોય તો !
(દીપક સોલંકી, નિકોલ)

* જન્માષ્ટમીને દિવસે જુગાર રમવો, ક્યા શાસ્ત્રમાં લખ્યું છે ?
- '૫૨-પાનાંની ગીતા' નામના શાસ્ત્રમાં.
(ધીમંત ભાવસાર, બડોલી-ઈડર)

* ગર્લ-ફ્રૅન્ડને મનાવવાનો કોઈ સીધો ઉપાય ખરો ?
- આવું પાછું તમે એક નિર્દોષ પરિણિતને પૂછો છો... જેણે લાઇફમાં કદી પરિણિત ગર્લ-ફ્રૅન્ડ રાખી નથી.
(મિહિર ગજેરા, સુરત)

* પૅટ્રોલનો ભાવવધારો હવે ક્યારે આવશે ?
- એનો આધાર તમારે પેટ્રોલ શું બાળવા જોઇએ છે, એના ઉપર છે... લોહી બાળવા કે ગાડી બાળવા ?
(કોમલઅલી કાનાણી, ભાવનગર)

* કોંગ્રેસ હજી સુધરી નહિ... કેમ ?
- જોકર ન હોય, એવું કમ-સે-કમ એક પાત્ર તો આખા પક્ષમાં હોવું જોઇએ ને ?
(પાર્થ દેલવાડીયા, સુરત)

* લોકમેળામાં ચાલતી રાઇડ્સ વિશે શું માનો છો ?
- નોકરી તો ત્યાં ય નથી મળતી.
(મહાવીરસિંહ ઝાલા, રાજકોટ)

* હાલમાં બહુ ચર્ચિત 'રાધે માં'ને મળવા તમે જશો ખરા ?
- હું ઘેર રોજ બસ્સો-બસ્સોવાર ઘઉંની ગુણી ઉંચકીને ઘરમાં ફરવાની પ્રૅક્ટીસ કરૂં છું.
(નિખિલ રાજ્યગુરૂ, ભાવનગર)

* તમારા મતે કરકસર એટલે શું ?
- 'કરકસર'માં કેટલા બધા કાના-માત્રની બચત થઇ છે !
(ભરત ગાંભવા, ચંડીસર-બીકે)

* નિરર્થક માંગણીઓને બદલે આતંકવાદીઓ સામે લડવા દેશના લોકો એક કેમ થતા નથી ?
- પોતપોતાના ધર્મો માટે બધા એક થાય છે જ...'જ્ઞાતિ-એકતા ઝીંદાબાદ.'
(દીપ્તી ચેતન દવે, અમદાવાદ)

* હું કવિ બનવા માંગું છું.
- મને તમારા ગામ ચાવંડની પ્રજા ઉપર વિશ્વાસ છે. એ ગમે તેવો જૂલમ સહન કરી લેશે.
(ચિરાગ ભટ્ટ, ચાવંડ-લાઠી)

* તમને બબિતાજી ગમે ?
- જેઠાલાલ સાથે મારા અંગત સંબંધો બહુ સારા છે.
(અભિ ભીમાણી, વાપી)

* અશોક દવેની પસંદ આમાંથી કઇ ? અમિતાભ, રફી, મોદી કે શંકર-જયકિશન ?
- 'અશોક દવે' પછી આ બધા નામો આવે.
(તાહેરઅલી માંડવીવાલા, સુરત)

* અભિષેક બચ્ચન, સૈફઅલી ખાન અને તુષાર કપૂરના ત્રાસમાંથી ક્યારે છુટાશે ?
- અભિ અને સૈફ સારા ઍક્ટરો છે... સારો રોલ મળે એટલે પુરવાર થશે... બાકી તુષાર કપૂર....? કૂવામાં હોત તો હવાડામાં આવત ને ?

29/01/2016

'ચોર બાઝાર'

ફિલ્મ : 'ચોર બાઝાર'
નિર્માતા : ઓલ ઈન્ડિયા પિક્ચર્સ
દિગ્દર્શક : પ્રેમનારાયણ અરોરા
સંગીત : સરદાર મલિક
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ :૧૪-રીલ્સ
કલાકારો : શમ્મી કપૂર, સુમિત્રાદેવી, ચિત્રા, ઓમપ્રકાશ, રામ અવતાર, જગદિશ કંવલ, શશીકલા, અમર, કક્કુ.

ગીતો
૧, ચલતા રહે યે કારવાં, ઉમ્રે રવાં કા કારવાં...  લતા મંગેશકર
૨, યે દુનિયા કે મેલે, મગર હમ અકેલે...  શમશાદ બેગમ
૩, તારોં કી પાલકી મેં આઈ જવાની...  શમશાદ-કોરસ
૪, તેરે દર પે આયા હૂં ફરિયાદ લેકર...      તલત મેહમૂદ
૫, હુઈ યે હમ સે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે...     લતા મંગેશકર
૬, દર દર કી ઠોકરેં હૈં, કોઈ નહિ સહારા...  લતા મંગેશકર
ગીત નં. ૪ '૫૩માં બનેલી ફિલ્મ 'લયલા-મજનૂ'માં પણ હતું.

આ પહેલો પેરેગ્રાફ તો લતા મંગેશકરના ફૂલ-ટાઈમ ચાહકોએ જ વાંચવા જેવો છે. બાકીના બધા બીજા ફકરાથી શરૂ કરે, તો એમને કાંઈ ગૂમાવવાનું નથી. હું આજ સુધી ગૂમાવતો રહ્યો હતો, સરદાર મલિકના સ્વરાંકનમાં શકીલ બદાયૂનીએ લખેલા, 'હુઈ યે હમ સે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે!' એ લતાના ગીતને બસ, એકલા આ જ ગીત માટે મને ખબર હતી કે, બાકીની ફિલ્મમાં શમ્મી કપૂર સિવાય કાંઈ કમાવાનું નથી, તો ય મેં આ ફિલ્મ એટલા આ ગીત માટે જોઈ. ઘરમાં ઓડિયો ઉપર તો વર્ષોથી પડી હતી, પણ ફિલ્મમાં આ ગીત કેવું ઉતર્યું હશે, એની ઉત્કંઠા પરીકથાની રાજકુમારીની જેમ વધે જતી હતી. એમ તો તલત મેહમુદનું 'તેરે દર પે આયા હૂં ફરિયાદ લેકર...' ગમતું તો હતું, પણ લતાના આ ગીતની સામે તો લતાના જ બીજા દસેક ગીત માંડ ઊભા રહી શકે...! (લતાના દરેક ગીત માટે હું આમ જ કહેતો હોઉં છું...આ તો એક વાત થાય છે. આજના સંગીતકાર અનુ મલિકના પિતા સરદાર મલિક એ દિવસે શું ખાઈને... સોરી, શું 'પીને' બેઠા હશે કે, આવી મધુર તરજ એમના દિમાગમાંથી નીકળી ! શકીલભાઈ પણ વાચકો જાણે છે તેમ સાહિર પછીના મારા માટે શ્રેષ્ઠ ગીતકાર હતા. એમણે શબ્દો લખ્યા છે, એ તો સહેજ જુઓ, ''ખબર ક્યા થી ગુલિસ્તાને મુહબ્બત મેં ભી ખતરે હૈં, જહાં ગીરતી હૈ બીજલી હમ ઉસી ડાલી પે જા બૈઠે...'' વાચકોને મારૂં આટલું વાંચીને થોડો મધુરો સળવળાટ થયો હોય તો ઓડિયો કે વિડીયો પર તાબડતોબ આ ગીત સાંભળો... સળવળાટ ઘણો વધી જશે. આમાં તમારા પોતાના ગુલિસ્તાનમાં ખતરો-બતરો હોય તો ય ધીરજ ધરીને આ ગીત સાંભળો... નૌશાદઅલીના શબ્દોમાં કહીએ તો, લોકો એમને એમ લતાને માં સરસ્વતિ નથી કહેતા !

દયા આવી જાય આવા નમૂનેદાર ગીતના સર્જક સંગીતકાર સરદાર મલિક જેવા દિગ્ગજ સંગીતકારો ઉપર કે, દિગ્ગજ ખરા, પણ મોટા નહિ ! પણ તો ફિલ્મોમાં બેનમૂન સંગીત આપવા છતાં ચાલ્યા કેમ નહિ ? ઈકબાલ કુરેશી, ખય્યામ, સુધીર ફડકે, શ્રીનાથ ત્રિપાઠી, એસ. મોહિંદર, સ્નેહલ ભાટકર, વસંત દેસાઈ, સજ્જાદ હુસેન (તો સમજ્યા કે, એનો તોછડો સ્વભાવ એને નડયો), રામ ગાંગુલી, એન. દત્તા, જમાલ સેન, બુલો સી. રાની, હંસરાજ બેહલ, શ્યામ સુંદર (એનું ય સજ્જાદ જેવું હતું... માં-બેનની ગાળો ઈવન લતા મંગેશકરને ય દઈ દેતો એમાં છેવટે પત્તું કપાઈ ગયું.) અને આમ જોવા જઈએ તો બદનસીબીની આ વાત ઠેઠ રોશન સુધી પહોંચે છે.

સરદાર મુહમ્મદ મલિક મૂળ તો ફિલ્મોમાં ડાન્સર તરીકે આવ્યા હતા. ભરત નાટયમ, મણિપુરી અને કથ્થકના નિપુણ નૃત્યકાર, જેમણે રેખા-નવિન નિશ્ચલની 'સાવન ભાદો' જેવી અનેક ફિલ્મો બનાવી હતી, તે નિર્માતા-દિગ્દર્શક મોહન સેહગલ સાથે ફિલ્મ '૪૦-કરોડ'માં એમણે ડાન્સ પણ કર્યો હતો.

યસ, ભારતપ્રેમીઓને ગમી જાય એવી વાત એ પણ છે કે, ધી ગ્રેટ શાયર ફૈઝ એહમદ 'ફૈઝ'ના આ ચેલા સરદાર મલિક પણ ગુરૂની માફક ખુલ્લેઆમ કહેતા કે, હું દરેક ધર્મોને સરખા ગણું છું. કારણ કે, જેને મળો, એ પોતાના ધર્મને જ સર્વોત્તમ કહેવાનો છે. એમાં ને એમાં લાખો હિંદુ-મુસલમાનો માર્યા ગયા. સરદાર મલિકે તો ઉઘાડેછોગ એમ પણ કબુલ્યું છે કે, એ કદી નમાઝ પઢતા નથી. 'મારા માટે માણસ માણસને ચાહે, પછી પોતાના માં-બાપને, પછી પોતાના દેશને અને 'જરૂર પડે તો' પોતાની ન્યાત-જાતને પ્રેમ કરવો જોઈએ.'

ફિલ્મ 'સારંગા'ના આ સંગીતકારે માંડ ૨૯-૩૦ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ચોંકાવનારો એક જવાબ તો એમણે પણ આપ્યો હતો કે, તમારા ગયા પછી લોકો તમને કઈ દ્રષ્ટિએ યાદ કરે, એવું ઈચ્છો છો ? તો મોટા ભાગના પોતાના સર્જનો કે સિદ્ધિઓ માટે જવાબ આપે, ત્યારે સરદાર મલિકે કીધું હતું, ''ફક્ત માનવતાવાદી તરીકે... જેને માટે સહુ એક સમાન છે.''

સરદાર મલિકની એક ફિલ્મના ગીતો વધુ જામ્યા, 'સારંગા'ના. પણ રફી-સુમનનું, 'તેરે હમ ઓ સનન, તુ કહાં મૈં કહાં...'ફિલ્મ બચપન, 'ચંદા કે દેસ મેં રહેતી એક રાની' અને 'બહારોં સે પૂછો, મેરે પ્યાર કો તુમ' (સુમન-મૂકેશ) (મૂકેશ-ફિલ્મ 'મેરા ઘર મેરે બચ્ચે'), 'મુઝે તુમસે મુહબ્બત હૈ, મગર મૈં કહે નહિ સકતા..., ફિલ્મ 'બચપન' આ ગીત સલમાન ખાનના પિતા અને સલિમ-જાવેદવાળા સલિમ-જે આ ફિલ્મનો હીરો હતા, એમની ઉપર ફિલ્માયું હતું. આ ફિલ્મના સંગીતકાર સરદાર મલિક હસરત જયપુરીના બનેવી હતા.

ફિલ્માંકન બાબતે સાવ નવોસવો હોવા છતાં શમ્મી કપૂર નસીબદાર નીકળ્યો. એની જ ફિલ્મ 'લયલા-મજનૂ'માં સરદાર મલિકની સાથે ગુલામ મુહમ્મદ-બન્નેનું સહિયારું સંગીત હતું. કમનસીબે એમાંથી તલતે ગાયેલું અને સરદારે બનાવેલું 'તેરે દર પે આયા હૂં, ફરિયાદ લેકર...' ફિલ્મમાંથી કાઢી નાંખવામાં આવ્યું અને એ જ શમ્મી, એ જ સરદાર અને એ જ તલતનો મેળ બેસી જતો હોવાથી એ પછી તરત આવેલી આપણી આજની ફિલ્મ 'ચોર બાઝાર'માં એ મૂકવામાં આવ્યું.

ઓહ, શમ્મી કપૂર...! જેણે 'જંગલી'વાળો શમ્મી જોયો હશે, એના માનવામાં નહિ આવે કે, 'ચોરબાઝાર'નો શમ્મી સુદ્રઢ અને V આકારનું સ્નાયુબદ્ધ શરીર ધરાવતો હતો. શરૂશરૂમાં તો એ નિર્માતાઓની હઠને કારણે મૂછો ય રાખતો, જેથી પ્રેક્ષકોને એમાં રાજ કપૂરની છાંટ દેખાય. આમાં તો રાજ ઉપરાંત ઠેકઠેકાણે શશી કપૂરનો ય અણસાર આપે છે, પણ ત્રણે ભાઈઓની ખૂબી એ કે, ત્રણેએ કદી કોઈની તો જાવા દિયો... એકબીજાની નકલે ય નથી કરી. જેવા હતા, ઓરિજીનલ હતા. આ ફિલ્મ '૫૪માં ઉતરી હતી. અર્થાત્ શમ્મી માંડ ૨૩-વર્ષનો હતો. હજી એકાદ વર્ષ પહેલા તો એ ફિલ્મોમાં આવ્યો હતો. એ વખતે હિંદી ફિલ્મોના વિખ્યાત કલાકારો, દિલીપકુમાર, રાજ કપૂર, નરગીસ, પ્રાણ અને બેગમ પારા જેવા કલાકારો સિલોન (આજનું શ્રીલંકા) સામે ફિલ્મ કલાકારોની ક્રિકેટ મેચ રમવા ગયા, જેમાં સૌથી નાનો શમ્મી પણ હતો. ક્રિકેટ તો બાજુએ રહ્યું, શમ્મી ત્યાંની કોઈ ક્લબમાં કેબરે-ડાન્સ જોવા ગયો અને એક ઈજિપ્શિયન ડાન્સરના પાગલ પ્રેમમાં પડી ગયો. બાકીની ટીમ તો ઈન્ડિયા પાછી આવી ગઈ, પણ ભાઈ રોકાઈ ગયા. પેલી સાથે દોસ્તી થઈ ને શમ્મીએ સીધું પ્રપોઝ કરી દીધું, ''મારે તારી સાથે લગ્ન કરવા છે.'' પેલી ચોંકી. હજી તો એ ય ૧૭ વર્ષની જ હતી, છતાં ય પૂરી મેચ્યોરિટીથી કીધું, ''જોઈશું.''

શમ્મી ઈન્ડિયા પાછો આવ્યો ને થોડા દિવસમાં પોતાના દેશ ઈજિપ્ત (કેરો) જતા એ અને એની માં મુંબઈ ઉતર્યા. શમ્મીને જાણ કરી હતી, એટલે શમ્મીએ માં-દીકરીને મુંબઈની તાજ મહલ હોટલમાં ઉતાર્યા. એટલું જ નહિ, રાજ કપૂરની ફિલ્મનો પ્રીમિયર શો જોવા એ બન્નેને પોતાના ફેમિલી (જેમાં શમ્મીના ય દાદા, લાલા બસેશરનાથ પણ હતા)ને લઈ ગયો ને ત્યાં જ એલાન કરી દીધું કે, ''આ કપૂર ખાનદાનની 'બહુ' બનવાની છે.'' પણ પેલીએ શમ્મીને ખૂણામાં બોલાવીને કહ્યું, ''શામી, હજી આપણે બન્ને ઉંમરમાં બહુ નાના છીએ.'' ઉતાવળ શું કામ ? એક કામ કરીએ. પાંચ વર્ષનો સમય લઈએ, ત્યાં સુધી તું મને ચાહતો હોઈશ અને હું પણ તને ચાહતી હોઈશ, તો લગ્ન કરીશું.'' શમ્મી સહમત થયો. શમ્મીના જ શબ્દોમાં કહીએ તો પેલીની વાત સાચી પડી. પાંચ વર્ષમાં તો મેં અહીં (ગીતા બાલી સાથે) અને એણે ત્યાં લગ્ન કરી લીધા. પછી જીવનના અંત સુધી શમ્મીને એની ભાળ મળી નહિ કે મેળવી પણ નહિ.

ભાળ મેળવવાનું કામ શમ્મીને આ ફિલ્મ 'ચોર બાઝાર'માં સોંપવામાં આવ્યું હતું, ફિલ્મની હીરોઈન સુમિત્રાદેવીના ચોરાયેલા અતિ કિમતી મોતી શોધી લાવવાનું ! કારણ કે, ફિલ્મમાં એ પોતે ચોર અને સુમિત્રા મહારાણી છે. ૧૯૨૩-માં જન્મેલી આ બેંગોલી ટાયગ્રેસ સુંદર વાઘણને પણ શરમાવે એવી સુંદર હતી. મૂળ નામ નીલિમા ચેટર્જી, પણ ન્યુ થીયેટર્સમાં અરજી કરીને સામે ચાલીને હીરોઈન બનવા ગઈ, ત્યાં દેવકી બોઝે એનું નવું નામ સુમિત્રાદેવી પાડયું. તમે એને રાજ કપૂરની ફિલ્મ 'જાગતે રહો'માં જોઈ છે. ફિલ્મના ટાઈટલમાં પહેલું અને મોટું નામ સુમિત્રાદેવીનું મૂકવામાં આવ્યું છે, પણ હીરોઈન ચિત્રાને બનાવવામાં આવી છે. એક સમયે મુંબઈના લેમિંગ્ટન રોડ ઉપર રહેતી (આઈ મીન, રોડ ઉપરના કોઈ મકાનમાં) ચિત્રા પૈસાપાત્ર મુસલમાન પરિવારની હતી અને સાચું નામ 'અફસર બાનુ' હતું. ચિત્રાનું નામ આપણે લોકો સ્કૂલમાં હતા ત્યારે ('૬૦-ના દાયકામાં) 'ઝીમ્બો' અને 'ટારઝન' જેવી ફિલ્મોમાં બહુ સાંભળેલું. ચિત્રા- આઝાદની જોડી મશહુર હતી. બિમલ રોયની 'દો બીઘા જમીન'માં ય એ હતી. એની સૌથી પહેલી ફિલ્મ 'માન' હતી (જોકે, એ પહેલા ફિલ્મ 'દાના પાની'માં ય એ આવી ગઈ હતી.) આ 'માન' (હીરો અજીત) માટે ફરી એક વાર લતા મંગેશકરના મારા જેવા પ્રેમીઓને આ લેખના પહેલા પેરેગ્રાફમાંથી પાછા અહીં ખેંચી લાવવા પડશે. અનિલ બિશ્વાસ એટ હિઝ બેસ્ટ-ના ધોરણે, લતાના 'ગૂઝરા હુઆ ઉલ્ફત કા ઝમાના, યાદ કર કે રોયેંગે,' 'મેરે પ્યાર મેં તુઝે ક્યા મિલા, મેરે દેવતા મુઝે ભૂલ જા' અને મૂકેશના 'રેર' 'દમભર કા થા દૌર ખુશી કા, જિસકો મુકદ્દર લૂટ ગયા' ઉપરાંત એક વિચિત્ર વાત, લતાના 'અલ્લાહ ભી હૈ મલ્લાહ ભી હૈ, કશ્તિ હૈ કે ડૂબી જાતી હૈ.'

આ ગીતની ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી એવી છે કે, ફિલ્મ 'અનારકલી' નામની બે ફિલ્મો બની રહી હતી. એકના સંગીતકાર અનિલ બિશ્વાસ હતા અને બીજાના સી. રામચંદ્ર. અનિલ દા ના કમનસીબે, એમનાવાળી 'અનારકલી' પૂરી જ ન થઈ ને બીજી બાજુ પેલી હિટ ગઈ - ખાસ તો સંગીત અને લતા મંગેશકરના 'યે ઝીંદગી ઉસી કી હૈ...'ને કારણે. આ તો ફિલ્મની વાર્તા જેવું થયું કે, રાજઘરાણામાં જન્મેલી બે રાજકુંવરીઓમાંથી એક મહેલમાં ઉછરે ને બીજી ભિખારણને ઘેર. અહીં એવું જ થયું. જે ગીત ભીંતમાં જીવતી ચણાવવાની શેહજાદી અનારકલી માટે બન્યું હતું, એ અનિલ દાએ એ પછીની પોતાની ફિલ્મ 'માન'માં વાપરવું પડયું અને તે પણ શેહજાદીના કંઠે નહિ, ભિખારણના કંઠે... 'તકદીર કહાં લે જાયેગી માલૂમ નહિ...' એ શંકર-જયકિશનના ગીતના શબ્દો જ યાદ કરવાના !

પણ આ ફિલ્મ 'ચોર બાઝાર'માં યાદ કરવા કે યાદ રાખવા જેવું કાંઈ બન્યું જ નહિ. આમ વિલનને ''બે વાર ઉઠ...ઉઠ...'' કહીને લલકારતો શમ્મી કપૂર અહીં લેવા-દેવા વગરની તલવારબાજી કરવા મંડી પડયો છે, એમાં ફાઈટ-ડાયરેક્ટરમાં ઠેકાણાં નહિ, એટલે શમ્મી ચૂનાનો કૂચડો મારી દિવાલ ધોળે છે કે તલવાર-તલવાર રમે છે, તે સમજવું કઠિન છે. ઓમપ્રકાશ કેમ આટલું બધું સફળતાપૂર્વક આટલા વર્ષો ચાલ્યો, એનું રહસ્ય જોવું હોય તો આહીં કચરાછાપ ફિલ્મમાં ય એનો અભિનય નોંધમાં લેવો પડે એવો છે. શમ્મીની તો હજી શરૂઆત હતી, એટલે આપણા જેવાને ય ખબર પડે કે, 'ભ'ઈને એક્ટિંગ-બેક્ટિંગ આવડતી નથી.'

વાર્તામાં કાંઈ ભલીવાર ન હોય ત્યારે એના અંશો લખવામાં ય મને આખા શરીરે વલૂર ઉપડે છે. અરેબિયન નાઈટ્સ જેવી શાહજાદા-શેહજાદીની પ્રેમકથા જેવી આ ફિલ્મમાં એ જ કાવાદાવા ગાદીના વારસના, એ જ રાજકુમાર ગરીબ ચોરના ઘેર ઉછરે ને એ જ શેહજાદી પાછી એના પ્રેમમાં પડે. સિપાહીઓ સાથે થોડીઘણી તલવારબાજી, દરમ્યાનમાં બીજી એક ચોટ્ટી (ચિત્રા)ના કયા વાંકે આ ફિલ્મમાં એને રોલ આપવામાં આવ્યો છે, તે રામ જાણે. યસ. કારણ મળ્યું, છેલ્લે છેલ્લે ફિલ્મના હીરો સાથે પૈણાવવા માટે !

ફિલ્મના ફાલતુ દિગ્દર્શક પ્રેમનારાયણ અરોરા વાસ્તવિક જીવનમાં ય ફાલતુ માણસ હતો. આપણે અગાઉ લખી ચૂક્યા છીએ તેમ, આપણી લાડકી ડાન્સર હેલનનો આ બુઢ્ઢો રીયલ-લાઈફ પ્રેમી હતો અને હેલને કમાયેલા બધા પૈસા ચાંઉ તો કરી ગયો, પણ હેલને એક સમયના ઉન્માદમાં લખેલા ૪૦૦-પ્રેમપત્રો વડે આ પી.એન. અરોરા હેલનને બ્લેક-મેઈલ કરે રાખતો હતો.

ફિલ્મના ટાઈટલ્સમાં શશીકલાનું નામ આવે છે, પણ આખી ફિલ્મમાં એ શોધી જડતી નથી. ફિલ્મ 'તીસરી મંઝિલ'ની ટ્રેન-સીક્વન્સીમાં શમ્મી કપૂર જે જાડીયાને હસાવી હસાવીને લોટપોટ કરી નાંખે છે, એ રામઅવતારને ઠીક ઠીક કહી શકાય એવો રોલ મળ્યો છે. કક્કુ ઓળખાય પણ નહિ, એટલી ક્ષણો માટે આવે છે. અમર અનેક ફિલ્મોમાં વિલન હતો. જગદિશ કંવલ નાનકડા રોલમાં છે, એ ડાયરેક્ટરની મોટી મેહરબાની.

26/01/2016

ઍનકાઉન્ટર : 24-01-2016

* દેશની સરહદો પર જે થઈ રહ્યું છે, તે એમની અવળચંડાઇ છે કે આપણી ભલમનસાઇ ?
– નપુંસકાઇ.
(નયન બ્રહ્મભટ્ટ, વડોદરા)

* આપણે અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદ થયા, પણ નહેરૂ પરિવારની ગુલામીમાંથી ક્યારે આઝાદ થશું?
– હાલ પૂરતાં તો એ લોકો આઝાદ થઇ ગયા છે.
(સંદીપ એચ. પટ્ટણી, રાજકોટ)

* શ્રેષ્ડ સવાલ પૂછનારને ઇનામ કેમ નહિ?
– ‘ગુજરાત સમાચાર’માં નામ છપાય, એ માટે મોટા ચમરબંધીઓ વલખાં મારતા હોય. તમને તો એમનાથી ય મોટું ઇનામ મળ્યું છે.
(ધ્વનિલ શાહ, રાજકોટ)

* વાઇફને ખુશ રાખવા શું કરવું જોઇએ?
– રોજ જાતે નહાવું જોઇએ.
(જે જે ભોલા, મોરડીયા – ગીર સોમનાથ)

* ઝેરની ‘એક્સપાયરી ડૅટ’ જતી રહ્યા પછી એ અસર કરે ખરૂં ? ?
– એ જોવા માટે ચા–દૂધમાં નાંખીને ન પીવાય. .
(અશરફ ગોધરાવાલા, ઇખર)

* તમારા મતે ભારતની સૌથી સારી અને ખરાબ ઘટના કઇ ?
– ઘણા લોકો એના જવાબમાં મારો જન્મ ગણાવે છે.
(કોશાલ છાપીયા, જામનગર)

* ‘સ્માર્ટ સિટી’ એટલે શું ?
– જ્યાંના લોકો ડફોળ ના હોય એ !
(હાર્દિક ભટ્ટ, દાહોદ)

* કાયમ મીસ કોલ કરનારા લોકોને તમારી શું સલાહ છે ?
– સલાહ એમને ન અપાય, તમને અપાય. સામા તમે ય મીસ કોલ ઠોકો .
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* તમારા હિસાબે ભવિષ્યમાં ભારતની વસ્તી કેટલી હશે?
– હિસાબ રાખનારાઓ વસ્તી ન વધારી શકે.
(કિશન મોરણીયા, દહીસર)

* જે ઝનૂનથી લોકો ન્યાતજાત માટે નીકળી પડે છે, એ ઝનૂનથી દેશ માટે ક્યારે નીકળશે?
– લોકો તો ટ્રાફિક–જામમાં ય ઝનૂનો વાપરી કાઢતાં હોય છે.
(દિલીપ રૂગવાણી, ધોળા જંક્શન)

* મારે સુરતનો ‘ડોન’ બનવું છે... શું કરવું ?
– એમ પૂછીને થવાય નહિ ‘ડોન’ .
(સાગર ગોસ્વામી, સુરત)

* તમે મુખ્યમંત્રી હોત તો ?
– અત્યારે હું નથી, ત્યારે આવું પૂછો છો ને ?.
(હરપાલસિંહ વાલા, કોડિનાર)

* પ્રાઇમ મિનિસ્ટર મોદી માટે તમારો અભિપ્રાય ?
– બસ. પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઇએ, એટલું બસ... એમને યાદ આવે !
(હર્ષ શાહ, ખંભાત)

* શુક્રવારની સાંજ, શનિવારની સુપ્રભાત કે રવિવારની રાત નામ રાખો તો પંખો ચાલુ રાખવો નહિ પડે. બુધવારની બપોરે અમેરિકામાં મંગળવારની રાત હોય છે.
– હું ઓબુ (ઓબામા સાથે) વાત કરી જોઇશ.
(જ્યોતિ બી. દેસાઇ, ટેક્સાસ, અમેરિકા)

* કવિઓ અને શાયરો પોતાના અસલી નામ બદલી કેમ નાંખે છે ?
– એમને પોતાના નામનો મોહ હોતો નથી. ઉપનામનો હોય છે.
(અફરોઝ મીરાણી, મહુવા)

* તમે ગયા જન્મમાં બિરબલ તો નહોતા ને ?
– થોડું થોડું યાદ આવે છે. હું શહેનશાહ અક્બર હતો.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)

* ડૉ. મનમોહનસિંઘે આટલા કોઠાકબાડા કર્યા છતાં એમને કેમ ઉઘાડા પાડવાની કાર્યવાહી કેમ થતી નથી ?
– રાજકારણમાં એવા વેરઝેર ન હોય...!.હું તારૂં સાચવી લઉં છું... વખત આવે તું મારૂં સાચવી લેજે .
(અજીત દોશી, હિમ્મતનગર)

* તમારા મતે તમે જોયેલી આજ સુધીની સર્વોત્તમ ફિલ્મ કઇ ?
– ‘મુગલ–એ–આઝમ’
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* તમારી રેન્જ મધુબાલાથી મુમતાઝ સુધીની છે. સુંઉં કિયો છો ?
– બસ... છેલ્લા નામમાં લોચા માર્યો !
(બી. એસ. વૈદ્ય, વડોદરા)

* લગ્ન પછી ઘણી સ્ત્રીઓ પોતાના નામની સાથે બબ્બે અટકો કેમ રાખતી હોય છે ?
– ... તો ય ભૂલી જાય છે કે, આમાંથી ફાધરવાળી કઇ ને ગોરધનવાળી કઇ ?.
(મધુકર માંકડ, જામનગર)

* તમારા પત્ની તમને ‘અશોક’ ને બદલે ‘અસોક’ નામે બોલાવે છે, છતાં ચલાવી કેમ લો છો ?
– લગ્ન પછી બધુ ‘ચલાવી લેવાનું’ આખું પેકેજ ચલાવી લેવું પડતું હોય છે !... કોઇ પંખો ચાલુ કરો.
(મહેન્દ્ર પરીખ, દહીસર)

* આપણે જીવવા માટે કામ કરીએ છીએ કે કામ કરવા માટે જીવીએ છીએ ?
– ગયા મહિનાનો પગાર થયો નથી લાગતો !
(વાહિદ સૈયદ, ધંધુકા)

* અમારા સંસદ સભ્ય પરેશ રાવળનું સરનામું મુંબઇથી અમદાવાદ – પૂર્વમાં ફેરવવા શું કરવું જોઇએ ?
– કોઇ સારૂં મકાન જોઇને એક વખત ‘બાનું’ આપી આવો... પછી આગળ વધીએ .
(મુકેશ પડસાળા, અમદાવાદ)

* આજકાલ પરવિણ ચડ્ડી ક્યાં છે ?
– ચડ્ડીમાં .
(પ્રશાંત એમ. મહેતા, સિહોર)

* આજે તો હીરોલોગ જ કોમેડી કરવા લાગ્યા છે, એમાં કોમેડિયનોનું અસ્તિત્વ જ મટી ગયું ને ?
– ઓહ... તો તમે મને હીરો માનો છો.
(મિલન પરમાર, ગાંધીનગર)

22/01/2016

'ચાર દિવારી' ('૬૧)

ફિલ્મ : 'ચાર દિવારી' ('૬૧)
નિર્માતા-દિગ્દર્શક : કૃષ્ણ ચોપરા
સંગીત : સલિલ ચૌધરી
ગીતકાર : શૈલેન્દ્ર
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સઃ ૧૩૬ મિનિટ્સ
થીયેટર : ખબર નથી.
કલાકારો : શશી કપૂર, નંદા, મનમોહન કૃષ્ણ, લીલા ચીટણીસ, સતીશ વ્યાસ, પરવિન પૌલ, બી.બી.ભલ્લા, હની ઇરાની, બ્રહ્મ ભારદ્વાજ, લક્ષ્મી.
ગીતો
૧. ગોરી બાબુલ કા ઘરવા, અબ હૈ બિદેસવા... લતા મંગેશકર
૨. કૈસે મનાઉં પિયવા, ગુન મેરે એકહૂં નાંહી... મૂકેશ
૩. ઝૂક ઝૂક ઝૂક ઝૂમ ઘટા આઇ રે, મન મોરા... લતા મંગેશકર
૪. અકેલા તુઝે જાને ના દૂંગી, બન કે છૈયા મૈં સંગ... લતા મંગેશકર
૫. નીંદ પરી લોરી ગાયે, માં ઝૂલાયે પાલના.... લતા મંગેશકર
૬. હમકો સમઝ બૈઠી હૈ દુનિયા દીવાના, પર મૈં... મૂકેશ

શશી કપૂર ખૂબ ગમતો હોવાને નાતે વર્ષોથી એમ થયે રાખે કે, હીરો તરીકે એની પહેલી ફિલ્મ કેવી હશે ? નામ તો સાંભળ્યું હતું, 'ચાર દિવારી' નામ ગમ્યું પણ હતું કે, સુંદર ભાવનાત્મક કથાવાળી ફિલ્મ હશે. મારી મેમરી દગો કરી શકે એમ છે, છતાં થોડું થોડું યાદ આવે છે કે, બનતા સુધી આ ફિલ્મ અમદાવાદના રીગલ સિનેમામાં જોઇ હતી.

વાર્તા આવી હતી :
સુનિલ (શશી કપૂર) તદ્દન મામૂલી ઘરમાં વિધવા માં (લીલા ચીટણીસ) એક દીકરી લક્ષ્મી અને બીજો ટેણીયો હની ઇરાની. શશીના લગ્ન બીજા ગામની સુશીલ છોકરી નંદા સાથે થાય છે. બન્ને વચ્ચે ખૂબ પ્રેમ હોવાનું બીજું ય એક કારણ છે, ચાર પુત્રો અને બે પુત્રીના માં-બાપ બનવાનું સપનું ! પણ સ્કૂલ પાસ કરેલી બહેન લક્ષ્મીને કોલેજમાં ભણવા જવું છે, પણ કોલેજની ફી રૂ. ૨૦/- ભરવી પોસાય એમ ન હોવાથી પરિવારના સભ્યો એક પછી એક પોતાના ખર્ચા ઓછા કે બંધ કરવાનો નિર્ણય કરે છે. શશી સિગારેટ છોડે છે. નંદા કામવાળીની છુટ્ટી કરી દઇને બધું કામ જાતે કરવાનું નક્કી કરે છે. કમનસીબે, દિવાળીના ફટાકડાથી ગભરાઇ જઇને નંદા દાદર ઉપરથી ગબડી પડે છે, એમાં એને કસુવાવડ તો થાય છે, પણ ભવિષ્યમાં એ કદી માં નહિ બની શકે, એ પણ શશીને જાણવા મળે છે. નંદા અત્યંત ભલી પત્ની બનીને શશીને બીજા લગ્ન કરી લેવાની વિનંતિ કરે છે.. (સાલું... આજકાલ ક્યાં પડયો છે, પત્નીઓનો આવો સ્ટોક ?) શશી ગુસ્સે થઇને ના પાડે છે. આ બાજુ લક્ષ્મી કોલેજમાં સતીશ વ્યાસના પ્રેમમાં પડીને ઘેરથી મુંબઇ જવાનો પ્લાન બનાવે છે, તો બીજી બાજુ, નાના ટેણીયાના મનમાં ઠસી ગયું હોય છે કે, સાવકી માં ત્રાસ આપનારી હોય છે.... (આપણે તો, સાવકી વાઇફ માટે ય આવું અશુભ-અશુભ ન વિચારીએ... સુઉં કિયો છો ?) ફિલ્મ પૂરી થતા સુધીમાં ઘણી નાટકીય ઘટનાઓને અંતે 'ધી એન્ડ' સુખદ આવે છે.

શશી કપૂરે આ ફિલ્મની ૧૯૬૧માં પ્રવેશ કર્યો પણ... જહે નસીબ... એ પછી '૭૩'-'૭૪' સુધી એની ૩૦-ફિલ્મો આવી જેમાં, (એ દિવસ સુધી કોઇને ન મળ્યું હોય એવું ગૌરવ- હોલીવુડની ૭-૮ ફિલ્મોમાં હીરો બનવાનું) હસિના માન જાયેગીથી માંડીને શર્મિલી કે પ્યાર કા મૌસમ જેવી હિટ ફિલ્મો ય હતી, છતાં એ બધી હિટ ફિલ્મો શશીબાબાને કારણે નહિ, અન્ય કારણોથી હિટ થઇ હતી, એવો પ્રચાર ગણો તો પ્રચાર અને ભ'ઇનું બેડ-લક ગણો તો બેડ-લક. કમનસીબી જુઓ કે, એનો પ્રારંભ જ આવી રોતડી અને કંગાળ ઢબે બનાવાયેલી ફિલ્મ 'ચાર દિવારી'થી થયો. એમાં ય, અફ કોર્સ, ફિલ્મની વાર્તા તો નંદાની આસપાસ ઘૂમતી હતી.. શશીનું વાર્તા પૂરતું મહત્વ કોઇ નહોતું. એ જ વર્ષમાં એની બીજી ફિલ્મ 'ધર્મપુત્ર' પણ આવી. યશ ચોપરાની હોવા છતાં તદ્દન ફ્લોપ અને બોરિંગ. કરૂણા તો એ વાતની હતી કે, ભાઇ ઉપર ફ્લોપ હીરોનું લેબલ લાગી ગયું હતું એટલે, કુમકુમ, સઇદા ખાન કે જબિન જલિલ જેવી સી-ગ્રેડની હીરોઇનો ય એની સાથે કામ કરવા તૈયાર નહોતી. સાધનાએ ફિલ્મ 'પ્રેમપત્ર' સ્વીકારી તો ખરી, પણ બેનનું મોઢું જરી ચઢી ગયું હતું કે, હીરો કોક સારો લાવો ને ! ઠીક છે, બિમલ રોયની એ ફિલ્મ હોવાને કારણે સાધનાએ હા તો પાડી પણ ટિકીટ બારી ઉપર અંજામ એનો એ જ કરૂણ. એક માત્ર નંદા જીવી ત્યાં સુધી શશી કપૂરની નિકટતમ દોસ્ત રહી અને ફિલ્મ ભલે ફ્લોપ જાય, એણે શશી સાથેની કોઇ ફિલ્મ ઠૂકરાવી નહિ... જાણતી હોવા છતાં કે, માર્કેટ એનું પોતાનું બગાડી રહી છે. નંદાએ શશી સાથે આ પહેલી ફિલ્મ પછી, મેંહદી લગી મેરે હાથ, મુહબ્બત ઇસ કો કહેતે હૈ, જબ જબ ફૂલ ખીલે, નીંદ હમારી, ખ્વાબ તુમ્હારે અને રાજા સા'બ જેવી ફ્લોપ ફિલ્મો હિમ્મતથી કરી. જબ જબ ફૂલ ખીલે સુપરહિટ હતી, પણ એ તો ફિલ્મના ગીતો અને નંદાને કારણે હિટ પુરવાર થઇ. શશીની એક ખાસીયત એની આ પહેલી ફિલ્મથી અંત તક ચાલી. આખી ફિલ્મમાં એક વાર સફેદ કપડા પહેરવાની. મને તો એની ચાલ પણ ગમતી.. ખાસ તો, ફિલ્મ 'વક્ત'માં એ પીળું સ્વેટર અને સફેદ પેન્ટ પહેરીને જતો હોય છે ને પાછળથી શર્મીલા ટાગોર ગાડી લઇને આવે છે અને બીજું, ''ઠહેરીયે હોશ મેં આલૂં, તો ચલે જાઇયેગા... ''માં કાળી જર્સીમાં ઘણો સોહામણો લાગે છે.

છેવટે મનમોહન દેસાઇએ શશીને ફિલ્મ 'આ ગલે લગ જા' (શર્મીલા ટાગોર) અને એન.એન.સિપ્પીએ ફિલ્મ 'ચોર મચાયે શોર' આપી. આ બન્ને સુપરહિટ ફિલ્મોએ શશીનું તકદીર રાતોરાત બદલી નાંખ્યું અને પછી તો હિંદી ફિલ્મનગરીના રાબેતા મુજબના નિયમ મુજબ, શશીના દરવાજે નિર્માતાઓની રીતસર લાઇનો લાગવા માંડી. રોજની ૩-૩ ફિલ્મોના એ શૂટિંગ કરવામાં એ એટલો વ્યસ્ત બની ગયો કે એ દિવસોમાં કડકા ચાલતા ભત્રીજા રણધીર કપૂરને સ્ટુડિયો પર લિંબુપાનીની બોટલ લઇને જવું પડતું. હ્યુમરમાં તો કપૂરોને કાંઇ કહેવું પડે એમ નથી. રણધીરે કહ્યું, ''આટલી બધી દોડધામ ફક્ત લિંબુપાની માટે કરવાની હોય તો તમારા દરવાજે લિંબુના શરબતવાળાની લારીઓ ઊભી કરી દઉં.''

નંદાનું નામ તમે અશોક દવે પાસે લો, એટલે એમનું માથું પ્રણામથી ઝૂકી જવાનું. ઓઢેલા માથા ઉપર આ મોટો ચાંદલો નંદાને કેટલો શોભતો હતો ? યાદ છે ને, 'અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ... !' પ્રણામયોગ્ય તો નૂતને ય એટલી જ હતી, પણ સરખામણી નંદા સાથે કરવાની આવે તો નંદા કેવળ ખૂબસૂરત નહોતી, ઠાંસીઠાંસીને ગ્લેમર ભર્યું હોવા છતાં, એને જોઇને કોઇના મનમાં કદી વિકાર ન આવે ! સુઉં કિયો છો ? અંગત જીવનમાં ય એ પવિત્રતાની મૂર્તિ હતી. સ્વ.મનમોહન દેસાઇ સાથે તો સગાઇ પણ થઇ ચૂકી હતી, પણ દેસાઇએ કોઇ અજ્ઞાાત કારણોસર આપઘાત કર્યો.

શશી અને નંદા વચ્ચે પ્રેમસંબંધ કે ભાઇ-બહેનવાળો રિશ્તો નહોતો, પણ દોસ્તીની અખૂટ સંપત્તિ ધરાવતો સંબંધ હતો. રાજ-નરગીસ, દેવ-સુરૈયા કે દિલીપ-વહીદા જેવી આ બન્નેની જોડી ક્યારેય વખણાઇ નહોતી, છતાં 'જબ જબ ફૂલ ખીલે' વાત આખી ફેરવી નાંખી. પ્રેક્ષકોને આ બન્ને સાથે જોવા ગમવા માંડયા. એ જમાનામાં હીરોઇનો આંખોમાં બહુબહુ તો કાજલ લગાવતી કે આઇ-લાઇનર વાપરતી.. નંદાએ આંખોના છેવાડે ખૂણીયા શરૂ કર્યા અને 'સાધના-કટ' જેવો ટ્રેન્ડ બની ગયો. 'ચાર દિવારી'માં એ ગરીબ ઘરની વહુ બને છે, છતાં ય સૌમ્ય સુંદરતા અને વહાલો લાગે એવા અભિનયને કારણે ફિલ્મ છેક સુધી જોવી ગમે. ફિલ્મ 'ચાર દિવારી'ની વાર્તા વિકસાવાઇ હોત તો સારી બની શકે એમ હતું, પણ ચેહરા ઉપર એક મિનિટમાં ૨૪ હજાર હાવભાવો બદલી શકતો બારમાસી રોતડો મનમોહન કૃષ્ણ-એમાં ય પાછો અહી પાગલ બતાવાયો છે.. આખી સ્ટીલની ચમચી મુઠ્ઠીમાં વાળી દેવાનો ગુસ્સો આવે કે નહિ ? કંઇ બાકી રહી જતું હતું તે, આરબ શેખોના વિરાટ તેલ ભંડારમાં ભરો તો ય નાના પડે, એટલા આંસુઓ છલકાવી ચૂકેલી બારમાસી રોતડી લીલાબાઇ ચીટણીસને ય તઇણ કલાક સુધી જોવાની. ઇન્શ્યોરન્સ- એજન્ટ બનતો બી.બી.ભલ્લા શશી કપૂરનો બચપણનો ચમચો. એની લગભગ બધી ફિલ્મોમાં એ હોય જ. શશીના બીજા દોસ્ત પ્રયાગ્રાજને તમે જોયો ન હોય, પણ એનો અવાજ હજારો વખત સાંભળ્યો છે. શમ્મી કપૂરની ફિલ્મ 'જંગલી'માં 'યાહૂ' ની બૂમ પ્રયાગે પાડી છે... મુહમ્મદ રફીએ નહિ. પોતાની ફિલ્મ 'ઉત્સવ'માં વાસ્તવિકતા લાવવા શશીએ વજન ધરખમ વધાર્યું, એ એને લાઇફ- ટાઇમ નડી ગયું. આજે એ મૃત્યુની રાહ જોતો પથારીવશ છે. અફસોસ સલિલ ચૌધરીના અત્યંત નબળા સંગીતનો થાય. એક મૂકેશના 'કૈસે મનાઉ પિયવા'ને બાદ કરતા એકે ય ગીતમાં દાદાએ મેહનત કરી હોય, એવું લાગતું નથી, એમની ખાસ લતા મંગેશકરના ચાર-ચાર ગીતો હોવા છતાં ! નહિ તો મારા પ્રિય સંગીતકારોમાં સલિલ દા નો નંબર બે થી પાંચમા આવ.. પહેલો કોનો છે, એ તો શંકર-જયકિશને ય જાણે છે ! કોઇકે મને હમણાં જ પૂછ્યું, ''સલિલ દા ના સંગીત પાછળ આટલી ઘેલછા કેમ ?'' મેં કીધું ત્રણ કારણથી. એક તો એમના સંગીતનું અસ્પષ્ટપણું (ઉીૈગિહીજજ). સ્થાયી કેવી રીતે શરૂ થઇ ગયું. ઇન્ટરલ્યૂડમાં આ વાજીંત્ર અને ધૂનનો આ પટ્ટો કેમ વાગ્યો અને બીજા અંતરામાં ક્યાં ફેરફારો હશે, એ હું તો શું લતા કે આશા ય સમજી શકતા નહોતા, એટલે જ બન્ને બહેનોના માનિતા-સંગીતકાર રહ્યા હતા. મૂકેશના 'કૈસે મનાઉં પિયવા' સીધું જ શરૂ થઇ જાય છે, કોઇ સૂર આપ્યા વગર !

બીજું, choir ઉપર એમનો કાબુ. (ઓક્સફર્ડ ડીક્શનેરીમાં ઉચ્ચાર 'ક્વેર' થાય છે, બાકી મેકમિલન, અમેરિકન હેરિટેજ કે કોલિન્સમાં ઉચ્ચાર 'ક્વાયર આપ્યો છે.) 'ક્વાયર' અને 'કોરસ' જુદા. કોરસ એટલે સમૂહ ગીત. 'દુઃખભરે દિન બીતે રે ભૈયા..' કે 'મતવાલા જીયા ડોલે પિયા...'માં લતા-રફી-શમશાદ સિવાય પાછળ સમૂહ ગાયકો ગાય છે, એને કોરસ કહે છે, પણ ક્વાયરમાં એટલા ઓછા ગાયકોથી ન ચાલે. બહુધા ૨૦-૨૦ની ત્રણ ટુકડીઓ સંગીતકારે આપેલા સૂર મુજબ, સરગમ (સારેગમપધનિસા)ના આપેલા સૂરથી શરૂઆત કરે છે, પણ ૨૦ની એક ટુકડીએ ખરજનો 'ધ' લીધો, તો બાકીની બન્નેએ મધ્યમ અને તીવ્રતનો 'ધ' લેવો પડે. ક્વાયરમાં ગીતના શબ્દોને સ્થાન નથી. દ્વિજેન મુકર્જીના ફિલ્મ 'માયા'માં કે 'પૂનમ કી રાત'માં અદ્ભૂત ક્વાયર રફીના 'દિલ તડપે તડપાયે...'માં સાંભળવા મળશે. ક્વાયર- ગુ્રપને કન્ડક્ટ કરવું અઘરૂં છે. ૬૦ કે ૭૨ના ગ્રુપમાંથી એક પણ ગાયક ખોટું ગાતો હોય તો ધ્યાન આપવું જ પડે.

અહી તો સંગીત જ ક્યાં, પૂરી ફિલ્મ ઉપર દિગ્દર્શકે ધ્યાન આપ્યું નથી. યાદ અપાવવા જેવો છોકરો તો ખરો, પણ આપણી ગુજરાતી ફિલ્મ 'મેંહદી રંગ લાગ્યો'માં પાંદડું લીલું ને રંગ ગાતો.' કલાકાર સતીશ વ્યાસ અહી શશીની બહેન લક્ષ્મીના દગાબાજ પ્રેમમાં છે. ફિલ્મ 'તૂફાન ઔર દીયા'માં એ નંદાની સાથે હતો. શશી કપૂર અને નંદા માટેનું માન સલામત રાખીને નિવેદન કરી શકાય એમ છે કે, ડીવીડી મંગાવીને આ ફિલ્મ જોશો, તો બહુ પસ્તાશો.

20/01/2016

મોરબી હવે રાજકોટને ય હંફાવશે !

મહાન માણસોની એમના જન્મથી જ પસંદગી ઊંચી હોય છે. જન્મવા માટે મેં વિશ્વના સર્વોત્તમ નગર 'જામનગર'ને પસંદ કર્યું. એક જમાનામાં 'સૌરાષ્ટ્રનું પેરિસ' કહેવાતા આ નગરને કારણે... હાલમાં હળવદ, પડધરી કે કૂકરવાડા બાજુના મહાન નગર-વૈજ્ઞાનિકો 'પેરિસ'ને ફ્રાન્સના 'જામનગર' તરીકે ઓળખવા માંડયા છે. પેરિસ અને જામનગરના કેટલાક સૌજન્યશીલ લોકો આનો પૂરો યશ મારા જન્મને આપવા માંગે છે, પણ મને કોઈ સામેથી માન આપે એ ન ગમે... હું ય ગુજરાતી સાહિત્યકારો વચ્ચે ઉછર્યો છું, એટલે જોઇતું હોય ત્યાં માનપાન સામેથી 'પડાવી લેવામાં' મને આનંદ આવે છે.

પણ વતન મારૂં મોરબી. વતનથી મોટો પ્રદેશ તો કોઈ હોતો નથી. ને તો ય કમનસીબે, મારે મોરબી જવાનું માંડ એકાદ-બે વાર થયું છે. ૧૯૫૮-માં કાચી ઉંમરે જોયેલા મોરબીનો ગ્રીન ચોક અને જ્યાં મારૂં થોડું ઘણું વેકેશનીયું બાળપણ ગયું છે, તે 'બક્ષી શેરી' સિવાય કાંઈ યાદ આવતું નહોતું. એકલે હાથે અને એકલે પગે પહેલી વાર બે પૈડાંની સાયકલ ચલાવતા મોરબીમાં શીખ્યો હતો. અફ કોર્સ, ઉપયોગ બન્ને હાથો અને પગોનો કર્યો હતો, પરંતુ મને સાયકલ શીખવાડનાર 'ભાઈજી' (મોટા કાકા) એ કહેવાનું ભૂલી ગયા હતા કે, સાયકલની બ્રેક ક્યાં હોય છે. પરિણામે, ગ્રીન ચોકને અડીને આવતા ઢાળવાળા રસ્તે હું જે ઊપડયો, એ ઊપડયો... સાયકલ રોકવાની આવી ત્યારે કેમ જાણે હું સાયકલ નહિ, દેશ ચલાવવાનો હોય, એવો ગભરાઈ ગયો... કહે છે કે, જે વડિલના બે પગોની વચ્ચે મેં પૂરજોશ સાયકલ ભરાવી દીધી, એ પૂરા ૭૨-કલાક જીવિત રહ્યા હતા.

એ પછી કોઈ એક સંસ્થાએ પ્રવચન આપવા મને મોરબી બોલાવ્યો હતો, ત્યાંના 'કહેવાતા' ટાઉન હોલમાં. જ્યાં મારે સ્ટેજ ઉપરથી નહિ, નીચેથી બોલવાનું હતું. એ લોકોએ પહેલેથી મને કીધું નહોતું કે, મોરબી લેક્ચર દેવા આવો છો, તો અમદાવાદથી ઓડિયન્સ પણ સાથે લેતા આવજો. પરિણામે, મને બોલાવનાર બે (બનતા સુધી ત્રણ) આયોજકો પૈકી મને સાંભળવા બેસનાર આખા હોલમાં એક જ હતા. બાકીના બન્ને વ્યવસ્થામાં રોકાયા હતા. ઓડિયન્સ આવ્યું જ નહોતું, પછી કઈ વ્યવસ્થામાં એ બીઝી હતા, એ તો પછીથી ખબર પડી કે, આમંત્રિત વક્તાને પાછા મોકલવા માટે ટેક્સી મળતી નહોતી, એટલે એ લોકો એસ.ટી.બસ ડેપોમાં ઓળખાણો લગાવવામાં બીઝી હતા. જે ત્રીજા અને આખરી આયોજક મને સાંભળવા આખા હોલમાં એક માત્ર શ્રોતાના રોલમાં બેઠા હતા, એ પ્રોગ્રામની વ્યવસ્થા છેલ્લા બબ્બે મહિનાથી સખત દોડધામ કરતા હોવાને કારણે થાકી ગયા હતા અને બાકીની ઊંઘ ત્યાં જ પૂરી કરી.

પણ ગ્રાહકનો સંતોષ, એ જ મારો મુદ્રાલેખ હોવાથી, મને યાદ છે, મેં પૂરા બે કલાક લેક્ચર આપ્યું હતું. હું બોલતો હોઉં ત્યારે વચમાં કોઈ ઊભું થાય કે બોલે, તે સહેજ પણ પસંદ ન હોવાથી, લાઇફ-ટાઇમનો આ એક માત્ર મોકો મને મોરબીએ આપ્યો હોવાથી, આ વખતે તો હું ઝાલ્યો રહું એમ નહોતો. બોલતો ગયો રે... ! પણ હમણાં દસેક દિવસ પહેલા મોરબી જવાનું થયું, તો હેરત પામી ગયો કે, 'આ તો એક-બે વર્ષમાં રાજકોટને ય પાછળ રાખી દે, એમાંનો આકાર લઈ રહ્યું છે. આજે તો માની ન શકાય એટલી ખૂબસુરત શકલ મોરબીની બદલાઈ ગઈ છે. એક જમાનામાં, નળીયા, ઘડીયા(ળ) અને તળીયા (ટાઇલ્સ)ને કારણે દેશભરમાં મશહૂર થયેલું મોરબી આજે તળીયાના સામ્રાજ્યમાં આખા ભારતમાં નંબર-વનને સ્થાને છે. (આખા વિશ્વમાં ત્રીજું) અહીં જેવો સીરેમિક-ઉદ્યોગ અન્ય ક્યાંય વિકસ્યો નથી. (સીરેમિક એટલે ઘરમાં વપરાતા ટાઇલ્સ કે વોશ-બેસિન જેવા સાધનો બનાવતો ઉદ્યોગ)'

યસ. વોલ-ક્લોક્સ એટલે કે ભીંતની ઘડિયાળોનો ય એક જમાનો હતો મોરબીનો, જે કાળક્રમે ધસ્ત થતો જાય છે. કારણ કદાચ એ હોય કે, આજકાલ ઘડિયાળ બધાની પાસે છે... સમય કોઈની પાસે નથી !

પણ મોરબીને રાજકોટની લગોલગ મૂકવાનું એક મોટું કારણ અહીંના ધાંયધાંય જુવાની ધરાવતા યુવાનો છે. દોઢ કરોડની કારમાં ફરતો યુવાન ૧૦૦૦-કરોડની સીરેમિક ઈન્ડસ્ટ્રીનો માલિક હોય તો પણ, ફેક્ટરીમાં બાર-બાર કલાક કામ કરે, એ તો ઠીક... ફેક્ટરીમાં ફ્યૂઝ ઊડી ગયો હોય કે કોઈ પણ નાની મોટી મશિનરી બગડી ગઈ હોય, ત્યારે એને રીપેર કરવા જાપાન કે કોરિયાથી એન્જીનીયર આવે ત્યાં સુધી રાહ જોવી ન પડે... એ પોતે કારિગરો કરતા ય વધુ જાણકાર હોય... આમે ય, હિંદુ પરંપરામાં કીધેલું છે કે, શિષ્યને કદાપિ ગુરૂ કરતા વધુ બળવાન બનવા ન દેવાય.

એમ તો, મોરબી માટે કટાક્ષમાં કહેવાય છે, કે અહીંની પ્રજાને ધંધા અને પૈસા કમાવવા સિવાય બીજો કોઈ રસ નથી, એટલે મોરબીનો ધાર્યો વિકાસ થઈ રહ્યો નથી. બરોબર રાજકોટ જેવું... કે, અબજોપતિઓની સંખ્યા અને શક્તિને ધોરણે ગણવા જઈએ, તો રાજકોટ અમદાવાદ કરતાં ય ઘણું આગળ નીકળી જાય એમ છે, પણ સૃષ્ટિના અંત સુધી એ અમદાવાદની બરોબરી નહિ કરી શકે.

કારણ સીધું છે. આખું રાજકોટ બપોરે ૧૨ થી ૪ બંધ એટલે બંધ જ. બધા બજારો કે ધંધાઓ આ ટાઇમે બંધ જ. સાંભળ્યું છે કે, રાજકોટમાં જન્મેલું એકે ય બાળક બપોરે ૧૨ થી ૪માં જન્મ્યું નથી. પતિ-પત્ની વચ્ચે બપોરે ૧૨ થી ૪ સુધીનો પ્રેમ આખા વિશ્વમાં બીજે ક્યાંય નથી. ધંધો ગીયો એની... !

પણ એ જ મોરબીમાં યુવાનોનો જે નવો ફાલ ઉતર્યો છે, તે પ્રણામયોગ્ય છે. માત્ર પુસ્તકો ખરીદવાના શોખિન (ખરીદીને પાછો વાંચવાનો ય શોખ ખરો, બોલો !) એક યુવા ઉદ્યોગપતિએ પોતાના ૪-હજાર પુસ્તકો મોરબીની પ્રજા માટે તદ્દન વિના મૂલ્યે મૂકી દીધા. તો એમના અન્ય સાથીઓએ ગાંઠના પૈસા ખર્ચીને મોરબીમાં સાહિત્ય, સંગીત, નાટક કે ફિલ્મી ગીતોના (આપણે ત્યાં રોજ બબ્બે ચચ્ચાર હોય છે, જે મોરબીમાં આખા વર્ષમાં ય નહિ !)નો ય ઉદભવ થાય, એ માટે દર વર્ષે 'મોરબી યુવા જ્ઞાનોત્સવ' લખલૂટ પૈસા ખર્ચીને ગોઠવે છે. એમાં ગુજરાતના પ્રસિદ્ધ વક્તાઓને બોલાવીને મોરબીને સાહિત્યસમૃદ્ધ કરે છે... (એમ તો કોક વાર એ લોકો ય ગોથું ખાઈ જાય, એ તો... મને ય બોલાવ્યો'તો!) અને આ બધાની પાછળ ધ્યેય પણ કેવો પવિત્ર કે, આખા મોરબીમાં એક નાનકડો ય બગીચો નથી, જ્યાં બાળકો રમી શકે કે પરિવારો સાંજ વિતાવી શકે. આ યુવાનોએ હવે મોરબીની શોભા વધારે એવો બગીચો બનાવવાની ઠાની છે અને બનાવીને રહેશે.

શોભા વધારવાની વાત હોય તો મોરબીના રાજમાતા વિજય કૂંવર બા લખલૂટ ખર્ચે ત્યાંનો વિશ્વપ્રસિદ્ધ વાઘમંદિર (ત્યાંની પ્રજા એને 'મણિમંદિર પેલેસ' તરીકે ય ઓળખે છે.) રેનોવેટ કરાવી રહ્યા છે. (અમે રાજામહારાજાઓ એકબીજાને ખાસ ન ઓળખીએ... આ તો એક વાત થાય છે !) મોરબીના મહારાજા સાહેબે એ જમાનામાં ૧૦૦ કી.મી.ની રેલ્વે લાઈન અને પાકા રસ્તાઓ બનાવ્યા હતા... વિકાસની વાતો કર્યા વગર ! પ્રવાસનો શોખ ન પણ હોય, તો એક વખત બે અદ્ભુત સ્થાપત્યો જોવા દરેક વાચકે એક વખત મારૂં મોરબી જોવું જોઈએ... એક તો આ મણિમંદિર પેલેસ અને બીજો, આ રાજઘરાણાનો જ વિશ્વવિખ્યાત 'ઝૂલતો પૂલ.' ભારતમાં બીજો એક માત્ર ઝૂલતો પૂલ ઋષિકેશમાં છે, પણ એના ઝૂલવાનો ખાસ કોઈ અનુભવ થતો નથી, જ્યારે મોરબીના ઝૂલતા પૂલ ઉપર ચાર માણસો જતા હોય, તો ય ઝૂલે છે... અમદાવાદ જેવા શહેરોમાં ચાર માણસો લઈ જતા હોય, તો ઉપર ઠાઠડીમાં બંધાયેલો ય ધ્રૂજતો હોય... કોઈ પંખો ચાલુ કરો !

યસ. આખા ગુજરાતમાં ક્યાંય 'નાટય-મ્યુઝીયમ' નથી, જે અહીં છે. સર લખધીરસિંહજી ઠાકોરના જમાનામાં થતા દેશી નાટકો કે ભવાઈ-રામલીલામાં વપરાતી ચીજવસ્તુઓનું અહીં મ્યુઝીયમ છે. (મારા જામનગરમાં, મરવાનું મન થાય એવું વિશ્વપ્રસિદ્ધ સ્મશાન છે... લો બોલો. આ કાઠીયાવાડીઓને ક્યાંય પહોંચાય ? તારી ભલી થાય ચમના... સ્મશાનને ય શણગાર ?)

મોરબી ત્રણ વખત સ્મશાનભેગું થતું બચીને જાતમેહનતથી (એટલે, સરકારોની મદદ વિના) ફરી પાછું ફીનિક્સ પંખીની માફક બેઠું થયું છે. નહિ તો વિધ્વંસક પૂર હોનારત, '૯૮નું વિરાટ વાવાઝોડું અને ઇ.સ. ૨૦૦૧-નો ભૂકંપ તો મોરબીને ખતમ કરવાની હઠ લઈને જ આવ્યો હતો.

આવું મોરબી મારૂં વતન છે અને જન્મસ્થળ જામનગર છે, એનાથી મોટું ગૌરવ ક્યું હોઈ શકે ? હું ફૂલ-ટાઈમ અસહિષ્ણુ હોઉં, તો ય નહિ !

સિક્સર
- મોરબીના બહુ ફાંકા મારો છો... ત્યાં આજ સુધી એકે ય લેખક પેદા થયો ?
- સોરી, ફાલતુ લેખક જામનગરમાં પેદા થયો છે... અહીં તો વતન માટે અભિમાન લેતો લેખક બેશક પેદા થયો છે.

17/01/2016

ઍનકાઉન્ટર : 17-01-2016

* આજનો યુવાવર્ગ ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીનું મહત્વ કેમ ભૂલતો જાય છે ?
- પહેલા એ બન્ને વચ્ચેનો ભેદ પૂછી જુઓ.

* પત્ની અડધી રાત્રે ઉઠાડીને પૂછે, 'સવારે જમવાનું શું બનાવવું છે ?' તો શું કરવું ?
- તમારૂં ઘરમાં ઉપજતું બહુ લાગે છે ! અમારી તો પડોસણો મને આવું પૂછી જાય છે, બોલો !
(બ્રિજેશ એસ. પારેખ, મુંબઈ)

* સફાઈ-અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પરિણામ તો શૂન્ય આવ્યું !
- સમજવામાં તમારી કોક ભૂલ થતી લાગે છે. આ સફાઈ-અભિયાન ભાજપમાંથી કચરો સાફ કરવા માટેનું હતું.
(ધવલ સોની, ગોધરા)

* તમે કદી કરી ન શક્યા હો, એવું કોઈ કામ ખરૂં ?
- લાઇફમાં એક વખત ઘરના માળીયા પરથી ભૂસકો મારવો છે, પણ હિમ્મત નથી ચાલતી.
(અજય ધામેલિયા, શામપરા)

* સાધુ મહારાજોના આટઆટલા કરતૂતો બહાર પડવા છતાં, ભક્તોનો અહોભાવ કેમ ઘટતો નથી ?
- ભક્તોને ય થોડું-ઘણું વધેલું-ઘટેલું મળે છે !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* પાટીદારોના અનામત-આંદોલન વિશે તમે શું માનો છો ?
- મળવી જ જોઈએ ! પછી રહ્યા તો બ્રાહ્મણો અને વૈષ્ણવો જ ને ?
(મિલન પિપળીઆ, સુરત)

* હોલ તોતિંગ 'મેગા-સિટી'માં હોય, છતાં કહેવાય 'ટાઉન' હોલ ?
- રજવાડાં તો રહ્યા નહિ... તો હવે કાંઈ જામનગર બદલીને 'અશોકનગર' કરી શકાય છે ?
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* સાઉથ ઈન્ડિયન ફિલ્મો અને ગુજરાતી ફિલ્મો વચ્ચે તમારી દ્રષ્ટિએ શું ફરક હોય છે?
- ગુજરાતી ફિલ્મો સાઉથ ઈન્ડિયન ભાષામાં બનાવી શકાતી નથી.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* નિર્મલ બાબા, આસારામ બાપુ, રાધે માં... આ બધાના ભક્તો વિશે બે શબ્દો કહેશો?
- મેરા ભારત મહાન.
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

* મોદીજીના અખાતી દેશોના પ્રવાસ વિશે કાંઈ કહેશો ?
- મને લઈ કેમ ના ગયા ?
(વીરેન્દ્ર જાની, જામનગર)

* મોદીને વડાપ્રધાનને બદલે વિદેશ પ્રધાન બનાવવાની જરૂરત હતી કે નહિ ?
- દેશ આખાને બનાવવાને બદલે એ વડાપ્રધાન બની રહે, એ વધુ ઈચ્છનીય છે.
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* આજના સંદર્ભમાં પ્રેમ એટલે શું ?
- ખર્ચો.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* આદ્યશક્તિ માં અંબા પાસે, વિદ્યા સરસ્વતીજી પાસે, પૈસા લક્ષ્મીજી પાસે, તો પુરૂષો પાસે શું ?
- આ બધું વાપરવાનું.
(વસંતિકા પરીખ, વડોદરા)

* ૬૦-વર્ષની શાંતિ પછી એક વર્ષનો હિસાબ લેવાની ઉતાવળ કેમ ?
- એમને હિસાબ આપવાની ચિંતા નથી, માટે !
(સિદ્ધાર્થ છાયા, અમદાવાદ)

* લિવ-ઈન રીલેશનશીપ અને લગ્ન વચ્ચે શું ફર્ક ?
- કામ પતે ઘર ભેગું થઈ જવાય... લગ્નમાં ન થવાય... બા ખીજાય !
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* હવે તો એવું લાગે છે, કે સરકારી નોકરી એક સપનું બની જશે... !
- સપના જુઓ તો કોઈ ઊંચા કલાસના જુઓ...
(જયદીપ ડી. વાલા, અમરેલી)

* મુંબઈમાં 'બુધવારની બપોરે' ગુરૂવારે આવે છે, પણ 'એનકાઉન્ટર' રવિવારે જ આવે છે, એવું કેમ ?
- પૂર્વમાં સૂરજ વહેલો ઊગે.
(અંકુર મિસ્ત્રી, અજરાઈ-નવસારી)

* અનામત રદ થાય, એવી રાજકારણીઓ પાસેથી આશા રાખી શકાય ?
- એમની પાસેથી જે કાંઈ રાખવું હોય, તે પહેલા આશા, ભાવના અને કૃપાના ઘરવાળાઓને પૂછવું પડે.
(મધુકર મહેતા, વિસનગર) અને (કુમકુમ ઠાકર, ગોધરા)

* ગુજરાતમાં સંખ્યા પોલીસોની વધારે કે ગુન્હેગારોની ?
- એ બધા ય ને ટપી જાય, એટલી સંખ્યા દરેક ધર્મના હરિભક્તોની છે... જે પણ દેશને કોઈ કામમાં આવવાના નથી.
(મહિપાલસિંહ જાડેજા, ગાંધીનગર)

* તમે રાજકારણમાં કેમ ટ્રાય નથી કરતા ?
- હું પોતાની બુદ્ધિથી ચાલી શકું એમ છું.
(હિતેશ પ્રજાપતિ, નિકોલ)

* અનામતને નામે ઓપન-કેટેગરીના તેજસ્વી વિદ્યાર્થીઓને થતો અન્યાય ક્યારે બંધ થશે ?
- અનામત વગર રહી ગયેલા તમામ લોકો એક થશે ત્યારે.
(ઈશાન આર. શેઠ, સુરત)

* મારે નરસિંહ મહેતા બનવું છે... શું કરવું ?
- છાપામાં ટચુકડી જા.ખ. ઉપરાંત સરકારી ગેઝેટમાં નામ-અટક બદલાવવા પડે.
(ચેતન ત્રિવેદી, અમદાવાદ)

* મને પણ તમારી જેમ ફની જવાબો આપતા આવડે છે, પણ તમારા જેવું ફેમસ થતા નથી આવડતું...
- બસ, એનું કોઈ ફની કારણ લખી મોકલો.
(દર્શક આર. પટેલ, આણંદ)

* તમને નથી લાગતું, દેશમાંથી જાતિવાદ નાબૂદ કરવો જોઈએ ?
- હા, પણ એ નાબૂદ કરીને દેશમાં 'અશોકવાદ' કેવી રીતે લાવીશું ?
(પૃથ્વીરાજ કોરડિયા, અમદાવાદ)

* ભારતમાં રહેવા છતાં લોકો વિદેશી ચીજોની તારિફ કરે છે, ભારતની કેમ નહિ ?
- સારી વસ્તુની તારિફ કરવામાં શરમ શેની ?
(સલમાન દહી, ગોધરા)

* તમે 'બુધવારની બપોરે'માં લખેલી 'સોલ્ટી'ની સ્ટોરી તમારી જ હોય, એવું લાગે છે... !
- એમ તો, સોલ્ટી ય આપણી જ !
(અનિરૂદ્ધ ચાવડા, વઢવાણ)

13/01/2016

વો કૌન થા...?


'આ જે તમારે બચવાનું છે', બસ એટલું લખેલી ચિઠ્ઠી અમદાવાદના એરપોર્ટ પર કોક છોકરો મને આપી ગયો, એ પછી હું મુંબઈ એરપોર્ટ ઉતર્યો, ત્યાં સુધી હું કેટલો ફફડતો રહ્યો હોઈશ, એનો અંદાજ એ વાતથી આવી જશે કે, વિમાનની નીચેની સીટમાંથી ય કોક ગોળી છોડીને મને મારી નાંખશે અથવા તો મુંબઈ એરપોર્ટની બહાર નીકળતા જ કોક ટેક્સીવાળો મારી ઉપર ગાડી ચલાવી દેશે, એવા ભયથી હું ગળામાં થૂંક પણ ઉતારી નહતો શકતો. ટેક્સી કરતા ય ફાટતી હતી કે, ખુદ ડ્રાયવર જ કાતિલ નીકળ્યો તો ? 'અશોક દવેનો આવો અંજામ...?' ને એમાં ય, એરપોર્ટ પર મને લેવા તો કોઈ ન આવ્યું પણ મારા નામ સાથેના પ્લે-કાર્ડવાળા માણસે મને બોલાવીને કાનમાં કહ્યું, ''આજે તમારે બચવાનું છે.'' આટલું બોલીને કાચી સેકન્ડમાં તો એ ઊડન-છુ થઈ ગયો.

હવે અમદાવાદ ઘેર ફોન કરવામાં વાંધો નહતો. કર્યો, એમાં તો વાઈફે ખૂબ ફફડતા અવાજે કહ્યું, ''અસોક... અસોક, તમે કિયાં છો, ભ'ઈ સા'બ... કોક નખ્ખોદીયાએ મને ફોન કરીને કહ્યું, ''શાહેબને કહેજો મુંબઈમાં શંભાળીને રિયે... આજનો દિ એમને માટે શારો નથી. કોણ છે ઈ પીટિયો ?''

''જો વાઈફ, સાંભળ... તું ગભરાતી નહિ. હું અહીં ગભરાઈ લઉં છું. મને ય આવી ધમકીઓ મળી છે. એ ફોનવાળો બીજું શું કહેતો હતો ?''

''મારા રોયાએ હબડીક કરતો ફોન કાપી નાંયખો... પાછો લેન્ડલાઈન પર કઈરો'તો.....!''

''ઓકે. સાંજની ફ્લાઈટમાં હું પાછો આવું છું, તું બહું ચિંતા ન કરતી...હું...''
''આવામાં ચિંતાયું બવ ને થોડી-થોડી નો હોય, અસોક... ચિંતાયું તો બવ જ થાય. આંઈ તો કાળજાં ચીરાઈ ગીયા છે... અસોક, તમને મરવાની ભલે ચિંતાયું નો થાય, પણ આંઈ બેઠા અમને તો તમારા મરવાની ચિંતાયું તો થાય કે નંઈ ?'' જૂના જમાનાના પ્રાયમસના પમ્પ મારતી વખતે જેવા અવાજો નીકળતા, એવા અવાજો વાઈફના ડૂસકામાંથી સંભળાતા હતા.

એરપોર્ટથી સીપી ટેન્ક સુધી ટેક્સીની સફરમાં હું બબ્બે ઘડીએ સામેથી કે પાછળથી આવતા વાહનો જ નહિ, ડ્રાયવરને ય જોઈ લેતો હતો કે એ તો બેઠો છે કે ચાલુ ગાડીએ મને મૂકીને ઠેકી પડયો છે ! એ વખતે કોઈ વાંક-ગૂનાહ વગર હું મારી જાતને 'ભાઈલોગ કા આદમી' સમજી બેઠો હતો અને આવતી-જતી કોઈ પણ ગાડી અચાનક ઊભી રહી જઈને મારા ઉપર ફાયરિંગ કરશે, એવી બીક પેસી ગઈ હતી. આવા વખતે લાઈફમાં પહેલી વાર મને મન થયું કે, આ લેખકીયો બનીને મેં શું કાંદા કાઢ્યા... (ક્ષમા, જૈન વાચકોએ 'કાંદા'ને બદલે 'ટીંડોળા' વાંચવું : ક્ષમા યાચના પૂરી !) એક ફાલતુ લેખકને બદલે આજે હું મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી કે ભારતનો છેવટે વડાપ્રધાને ય થયો હોત તો, સાન્તાક્રૂઝ એરપોર્ટથી સીપી ટેન્ક સુધીનો ટ્રાફિક 'દવે સાહેબ' માટે બંધ કરી દેવાયો હોત, મારી આગળ-પાછળ સીક્યોરિટી કારોનો કાફલો હોત અને એ મેઈન રોડની ગલીઓમાં ટ્રાફિક-જામ સાથે ઊભેલા વાહનોવાળા મને આવડી ને આવડી માઁ-બેનની ચોપડાવતા હોત, તો ય મને એ મંજૂર હોય... આ તો એક વાત થાય છે. અહીં તો ટ્રાફિક-જામવાળા રોડ ઉપર મારી આગળ બૃહદ મુંબઈ નગરપાલિકાની કચરો-એંઠવાડ લઈ જતી સખ્ત ગંધ મારતી ટ્રક હતી... એટલી મારી સીક્યોરિટી !

ધેટ્સ ઓકે... સીપી ટેન્ક પહોંચતા સુધીમાં તો મારે 'બચવા જેવો' કોઈ પણ બનાવ બન્યો નહિ. નાહી-ધોઈને હું બહાર નીકળ્યો, ને અચાનક જોયું તો સામેની ફૂટપાથ ઉપર કાળા ગોગલ્સ પહેરેલી કોઈ યુવતી એક્ઝેક્ટ મને જોતી ઊભી હતી. આમ તો, કોઈ યુવતી મને જોતી ઊભી રહી ગઈ હોય, એવું હજી સુધી તો લાઈફમાં બન્યું નથી. એટલે એ મહિલાની બુદ્ધિ-ફુદ્ધિથી માંડીને ટેસ્ટ માટે ય મનમાં સવાલ ઊભો થયો, પણ તો ય સંતોષ તો થયો કે દેખાવમાં સુંદર છે અને જુએ છે મારી સામે ને સામે જ... એક વિનય-વિવેકભર્યા પુરુષ તરીકે મારી ય ફરજ હતી કે, મારે પણ એની સામે જોયે રાખવું જોઈએ. હું રાહુલજીની માફક, 'સ્ત્રીસશક્તિકરણ'નો ઘણો હિમાયતી છું.

પણ એને એમ સતત જોવામાં એ ખબર પણ પડી કે, એ પોતાની હાથમાં રાખેલી ગરમ શોલ પાછળ કંઈક છુપાવી રહી છે... બસ, અહીં આપણી ફાટી... એ રીવોલ્વર જ હોઈ શકે ને, કારણ કે મારા ભાગ્યવિધાતાએ મને અમદાવાદ એરપોર્ટ પર જ સૂચના આપી દીધી હતી કે, 'મારે આજે બચવાનું છે.'

હું સિક્કાનગર તરફ જરા સ્પીડથી ચાલવા માંડયો. હું બાંડો લાગુ તો ભલે લાગુ, એ પરવાહ કર્યા વિના ત્રાંસી આંખે સામેની ફૂટપાથ પર જોઈ લીધું તો મારાથી સમાંતર અંતર રાખીને પેલી ય મને જોતી જોતી ચાલતી હતી. હવે હું ફૂલટાઈમ ગભરાયો. શોલવાળો એનો હાથ એમ ને એમ જ હતો, અર્થાત્, હું એની શૂટિંગ રેન્જમાં તો હતો જ. રોજ ખીજાતી મારી બા મને અત્યારે બહુ માયામમતાથી યાદ આવવા માંડી.

કબાટમાંથી કડક-કડક આર કરેલો સફેદ સાડલો કાઢતી મારી વાઈફ યાદ આવવા માંડી. વહુને તો સફેદ સાડલા કરતા સફેદ પંજાબી વધુ ગમે છે, એટલે એ, એ પહેરીને બેસશે. ખુરશી ઉપર ફુલ અને અગરબત્તી ચઢાવેલા મારા સ્માઈલવાળા ફોટા નીચે સફેદ લેંઘો-ઝભ્ભો પહેરીને, બેસણામાં આવનાર હરએક ડાઘુ સામે હાથ જોડીને મનમાં 'જે શી ક્રસ્ણ' બોલતો મારો પુત્ર દેખાવા માંડયો. એકાદો ડાઘુ એમ બોલતો પણ સંભળાયો કે, ''પપ્પા તો ગયા... બહુ ખોટું થયું... ઈશ્વરને ગમ્યું તે ખરું... ઠીક છે, મારે એમની પાસેથી રૂ. ૮૦૦/- લેવાના બાકી હતા... તેનો મને થોડો ય રંજ નથી... પણ આવો માણસ હવે બીજો નહિ મળે !''.. (મળતો હોય તો ય, આ ઉંમરે મારો છોકરો થોડો બાપ બદલાવી લાવવાનો હતો ?)

તારી ભલી થાય ચમના... તને તો હું અમદાવાદ પાછો આવીને સીધો કરું છું, પણ એમાં ય ફફડાટ થયો કે, એ તો હું હેમખેમ અમદાવાદ પાછો પહોંચી શકીશ ''તો'' સાલાને સીધો કરીશ ને ? મારે તો આજે બચવાનું છે ને પેલી હજી પ્રાર્થના-સમાજ સુધી મારી સામે ને સામે જ હતી. એના ઘરમાં કોઈ ભાઈ કે બાપ નહિ હોય ? આજકાલ તો રસ્તા ઉપર એકલા પુરુષને નીકળવું ય કેટલું જોખમી બની ગયું છે.

અચાનક મારી બરોબર બાજુમાં એક ધડાકો થયો. મારાથી માત્ર ચાર જ ફૂટ દૂર ફૂલ-સ્પીડે આવતી એક ગાડી થાંભલા સાથે ટકરાઈ. હું ગભરાઈ એટલો ગયો કે હું બચી ગયો છું ને મને કશું થયું નથી, એનો ય ઈલ્મ રહ્યો નહિ. આવું કંઈ થાય તો મુંબઈમાં બે માણસે ય ઊભું ન રહે, જાણે કે કાંઈ બન્યું જ નથી. મને ખબર પડી કે, હું સલામત છું, એટલે ઊંડો શ્વાસ લઈને સામેની ફૂટપાથ પર જોયું તો પેલી ગાયબ હતી.

વધુ ટેન્શન ન થાય, એટલે તાબડતોબ ટેક્સી પકડીને હું ચર્ની રોડ સ્ટેશને પહોંચી ગયો. ટિકીટ-બિકીટ લઈને લોકલ પકડીને ભીડમાં ઘૂસી ગયો. શ્વાસ ન લેવાય એટલી ભીડમાં મારે દરવાજા પાસે અડધા બહાર લટકતા લટકતા કાંદીવલી જવાનું હતું. ત્યાં અચાનક બીજી એક ઘટના બની ગઈ. મારા જ ડબ્બામાંથી બહાર લટકતો એક માણસ ચાલુ ટ્રેને ફેંકાઈ ગયો. મને આમ તો ખબર ન પડત, પણ ડબ્બામાં કોઈ બે-ચાર જણા બોલ્યા, ''અરે, વો આદમી ગીર ગયા...''. સાંભળ્યું બધાએ પણ મુંબઈગરાઓ પાસે માણસની કિંમત કેટલી છે, એ તાત્કાલિક સમજાઈ ગયું. જાણે કશું કાંઈ બન્યું જ નથી, એમ બધા ઉપરનું હેન્ડલ પકડીને સ્વસ્થ ઊભા હતા. ભયનો માર્યો હું ઘડીભર તો એવું સમજી બેઠો કે, ચાલુ ટ્રેને ફેંકાઈ ગયેલો એ માણસ સ્વયં હું જ છું, અને ભલે એ હું નહતો, છતાં (પેલી ધમકી અને આ બનાવોના) ગભરામણમાં એક તબક્કે બોલવામાં નહિ, વિચારવામાં ય હું તોતડાવા માંડયો હતો. પેલા માણસની ધમકી સાચી તો નહિ પડે ને ? મારા ગયા પછી મારા ફેમિલીનું કોણ ?

ભગવાન શિવની કૃપાથી હું એ જ સાંજની ફ્લાઈટ પકડીને (ફ્લાઈટની ટિકીટના પૈસા ભગવાન શિવે નહિ, મેં ખર્ચ્યા હતા... આ તો એક વાત થાય છે !) હું હેમખેમ અમદાવાદ પાછો આવી ગયો. મને લેવા આવેલી વાઈફને બધાની વચ્ચે હું ભેટી પડયો. મારી આંખોમાં પાણી ભરાઈ ગયા હતા. એની આંખોમાં ય હતા કે, 'ચલો, સફેદ સાડલો કાઢવાનો તો ગયો !'

બીજે દિવસે વહેલી સવારે છ વાગે મારા ઘરનો કોલબેલ વાગ્યો. મારો તો આખી રાત જાગ્યા પછી છેલ્લા વીસ વર્ષથી સુવા જવાનો ટાઈમ જ સવારે છ-સાત વાગ્યાનો છે ને બપોરે ત્રણેક વાગે ઉઠું. એટલે, ફિલ્મોના હીરોલોગ આવા તબક્કે મોંઢા પહોળા કરીને ત્યાં ચપટી વગાડતા બગાસાં ખાતા દરવાજો ખોલવા આવતા હોય છે, એવું આપણા ક્રમમાં નહિ, એટલે મેં સ્વસ્થતાપૂર્વક દરવાજો ખોલ્યો. છ ફૂટ ને બે ઈંચ ઊંચો એક યુવાન પરફેક્ટ ડ્રેસિંગમાં વગર સ્માઈલે કે વગર 'સોરી' કીધે મારી સામે ઊભો હતો. એના મસલ્સ એવા સજ્જડ હતા કે, શેઈક-હેન્ડ કર્યા પછી મને અંદાજ આવ્યો કે, પહેલા આ કોઈ હીરોઈનના બાઉન્સર તરીકે કામ કરતો હશે.

''તમે અશોક દવે છો... અને...'' હું અશોક દવે છું કે નહિ, અથવા એનું આ ટાઈમે મારે ત્યાં આવવું મને ગમ્યું છે કે નહિ, એ બધાની ફિકર વગર એણે વાત ચાલુ રાખી, ''કાલે તમને અમદાવાદના એરપોર્ટ પર એક છોકરો કોઈ ચિઠ્ઠી આપી ગયો હતો, જેમાં લખ્યું...''

''ઓઓઓ... ઓ ભ'ઈ, તમે કોકોકો... કોણ છો ? અને આ બધું....'' ત્યાં સુધીમાં વાઈફ પણ બગાસાં ખાતી ખાતી આવી ગઈ હતી. વાઈફ લોકોમાં સવારે બગાસાં ખાવાનું બહું હોય !

''સોરી સર... મને ગઈ કાલનો તમારો આખો ઘટનાક્રમ ખબર છે. તમને ચિઠ્ઠી મોકલનાર હું જ હતો. એરપોર્ટ પર તમને મળેલો ડ્રાયવર મારો માણસ હતો અને પેલી યુવતી પણ મેં જ મોકલેલી હતી... એ-''

''હા, તો પછી ચાલુ ટ્રેનમાંથી ફેંકાઈ ગયેલો માણસ અને કારનો એક્સિડેન્ટ...''

''એ બધાની મને ખબર નથી. મુંબઈ માટે એ રોજનું છે, પણ...''

''ઓહ માય ગોડ... તો તમે છો કોણ ? કરવા શું માંગો છો ? મારી પાછળ કેમ પડી...?''

''સર, ક્ષમા કરજો, જીંદગી કેટલી કિંમતી છે અને આપણે એને કેટલી લાઈટલી લઈએ છીએ, પરિવારની ચિંતા કર્યા વગર... એનું તમને જ્ઞાન અપાવવા જ આ ખેલ ખેલ્યો હતો... યાદ કરો, સર-જી તમે કેવા ગભરાઈ ગયા હતા... અને-''

''માય ફૂટ... આમાં તો ભલભલો ગભરાઈ જાય... પણ તમે છો કોણ ?''

''સર-જી, હું લાઈફ ઈન્શ્યોરન્સનું કામ કરું છું અને આપનો વીમો ઉતરાવવા અને ખાસ તો તમને સમજાવવા કે, જીવન કેટલું કિંમતી...''

હું ગાળ તો બહારે ય નથી બોલતો, એવી ઘરમાં બોલ્યો, મોટી ત્રાડ સાથે...

પણ એની પાસે મેં મારો રૂ. ૭૦ લાખનો વીમો ઉતરાવી લીધો.

સિક્સર
- નિર્ભયા બળાત્કાર કેસમાં અસલી ગુન્હેગાર કેવળ ૧૮ વર્ષની નાની ઉંમરનો હતો. (નાબાલિગ - જુવેનાઈલ), માટે છોડી મૂકાયો...
- સાઉદી અરેબિયા કે અખાતી દેશોમાં આવું કાંઈ બન્યું હોત, તો પેલા હલકટને અદાલત સુધી ય ત્યાંની પ્રજા પહોંચવા ન દેત... ત્યાં જ એ રહેંસાઈ ગયો હોત... ! Justice delayed is justice denied !

10/01/2016

ઍનકાઉન્ટર : 10-01-2016


* પાકિસ્તાન ઘેર આવીને આપણા જવાનોને મારી જાય છે ને સામે આપણે કાંઈ કરી શકતા નથી ?

- આપણા જવાનોય એ લોકોને વધુ ફૂંકી મારે છે... પણ આપણને કશું કહી બતાવવાની ટેવ નહિ ને !
(રાહુલ દવે, રાજકોટ)

* 'એનકાઉન્ટર', 'ફિલ્મ ઈન્ડિયા' અને 'બુધવારની બપોરે' - એ તમારી ત્રણે કોલમોમાંથી તમારી લાડકી કઈ ?
- પોતાની હોય એટલે લાડકી તો બધી હોય, પણ આ ત્રણેમાં 'બુધવારની બપોરે' મારા માટે અઘરી અને સર્વોત્તમ છે.
(વૈશાલી મધુકર શાહ, સુરત)

* મારી ભાવિ પત્ની કરતા મારી સાસુની મને બહુ ચિંતા થાય છે... કારણ કે, ઘરમાં એ ટકતા જ નથી. આખો દિવસ ગામમાં ફર્યા જ કરે છે...
- આમાં તો જે કાંઈ ગૂમાવવાનું છે, એ બાલાસિનોરે ગૂમાવવાનું છે... વળી પત્ની તમે 'ભાવિ' જણાવી છે, પણ સાસુ હાલવાળી છે કે, એ ય 'ભાવિ' છે, તે લખ્યું ન હોવાથી આખું ગામ મૂંઝાયું છે.
(મુદસ્સિર ખાન, બાલાસિનોર)

* જે કૌમો અનામતમાં શામેલ છે, એ લોકો અમને 'અનામત-પ્રથા'માંથી બહાર કરો, એવું પ્રતિ આંદોલન કેમ કરતા નથી ?
- હવે તો ઢોર-જનાવરો ય અનામત માંગે તો મને આશ્ચર્ય નહિ થાય !
(ફાલ્ગુન વૈદ્ય, ઈલિનોય, અમેરિકા)

* સૌથી લાંબો સમય પ્રાઈમ મિનિસ્ટર બની રહેવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદી તોડી શકશે?
- કેમ નહિ ? બસ, ચૂંટણીઓ પહેલા એ જે કાંઈ બોલતા હતા, એમાંનું દસ ટકા ય કરી બતાવે, પછી જુઓ ભાયડાના ભડાકા... !
(મયૂર વાળંદ, માધાપર-કચ્છ)

* શું દાઉદ ઈબ્રાહિમ ભારતને ક્યારે ય મળી શકશે ખરો ?
-એમ કહો ને, તમારે પ્રધાનો અને પોલીસોના ખિસ્સા ભરચક કરાવવા છે !
(રાજેન્દ્ર પટેલ, ગઢા-ઈડર)

* તમને નથી લાગતું સ્ત્રીઓને બદલે પુરૂષોએ સાસરે રહેવાનું ચાલુ કરવું જોઈએ ?
- મેં તમારૂં કાંઈ બગાડયું છે ? મારાથી સાસરે જવાય એવું નથી. સાસુ-સસરાનો આખો સેટ 'ઉપર' છે.
(ભરત રાવલીયા, બાંટવા)

* એક જ વર્ષમાં મોદીજી 'અચ્છે દિન' વ્યાપમ કે ૨૫ હજાર ખેડૂતોના ઈચ્છામૃત્યુની અરજીઓ દ્વારા લાવી શક્યા. હવેના ચાર વર્ષમાં શું લાવશે ?
- નવા સપનાં
(રાકેશ ગભવાળા, બાકરોલ)

* હું તમારો ખાસ શિષ્ય બનવા માંગુ છું... આજ્ઞા કરશો ?
- હાલમાં (સોરી, પહેલેથી જ) શિષ્યપ્રથા બંધ છે... કેવળ શિષ્યાઓ માટે જૂજ સીટો બાકી છે.
(સંજય પટેલ, અમદાવાદ)

* લગ્ન અને લિવ-ઈન-રીલેશનશીપ વચ્ચે શું તફાવત છે ?
- મારાથી બીજી સીસ્ટમના પ્રેક્ટિકલ્સ થઈ શક્યા નથી, એટલે જવાબ માટે આ બન્નેના અનુભવીઓનો સંપર્ક સાધવો અને મને જણાવવો.
(દીપક પંડયા, બિલિમોરા)

* જીવિત માં-બાપને હડધૂત કરે અને સ્વર્ગસ્થ પાછળ લૌકિક ક્રિયાઓ કરાવે, એવા સંતાનોને શું કહેશો ?
- તમારી ભાવના સમજી શકું છું પણ જીવિત માં-બાપોની તો લૌકિક ક્રિયાઓ ન કરાવાય ને ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* પતિ-પત્નીઓના જોક્સ આવે છે, એવું વાસ્તવમાં બનતું હશે ખરૂં ?
- મારી પાસે આ ક્ષેત્રનો બહોળો અનુભવ ન હોવાથી હું જવાબ આપી નહિ શકું. એક અનુભવમાં તો માનવી કેટલું પહોંચી શકે ?
(દીપ દુધાશીયા, ભાવનગર)

* ભગવાનને મુઝે દુનિયા મેં ભેજા, માલુમ નહિ ક્યું ભેજા, ઠીક હૈ ભેજા તો ભેજા, લેકીન અશોક દવે જૈસા ભેજા દેકર ક્યું નહિ ભેજા ?
- હશે હવે... ભૂલ ભગવાનની ય થઈ જાય એ તો !
(રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)

* શિશુપાલના ૯૯-ગૂનાહ માફ કરી શકનાર ભગવાન રીઢા રાજકારણીઓના હજારો ગૂનાહો કેમ માફ કરી રહ્યો છે ?
- શિશુપાલનો કેસ લોકપાલમાં શામેલ નહતો માટે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* સવાલ પૂછનાર તમને ઉતારી પાડવા કોક બહુ ડાહ્યું થતું હોય તો કેવો પ્રતિભાવ આપો છો ?
- આમ તો હજી સુધી એકે ય બનાવ એવો નથી બન્યો, પણ કોક એવું સ્માર્ટ થવા જતું હોય, તો એવી સ્માર્ટનેસ બતાવવાનો એને ય હક્ક છે ને ?
(પાલખી અગ્નિહોત્રી, વડોદરા)

* આપણી સંસદ પ્રણાલિ... પોતાના પક્ષવાળો ગમે તે ભ્રષ્ટાચાર કરે, એને બચાવવાનો જ ?
- ત્યાં જેટલી જેટલા બધા નસીબદારો હોય છે.
(મધુકર મેહતા, વિસનગર)

* તમે પણ 'રાધે માં'ના ભક્ત છો ?
- હું કેવળ માં અંબાજીનો ભક્ત છું.
(દિશા શાહ, મુંબઈ)

* અનામતનું ભૂત ક્યાં સુધી ધૂણશે ?
- ભૂતો ય અનામત માંગે ત્યાં સુધી.
(રિન્કલ વાસુદેવ સોની, ભરૂચ)

* તમારે જવાબોને બદલે સાચું એનકાઉન્ટર કરવાનું આવે તો કોનું કરો ?
- દેશના તમામ ધર્મોનું... ! બે વર્ષ માટે તમામ ધર્મો ઉપર સખ્ત પ્રતિબંધ... ફક્ત દેશ માટે ભક્તિ કરે, એ પણ ઈશ્વર ભક્તિ જ છે ને ? અનાજપાણી આપણા ધર્મોનો નથી આપતા, દેશ આપે છે.
(નીરજ કણજરીયા, બોટાદ)

* આજકાલ બા કેમ ખીજાતા નથી ?
- આજકાલ એ કામ વાઈફ સંભાળે છે.
(ડાહ્યાભાઈ પરમાર, મુંબઈ)

* તમારી દ્રષ્ટિએ સાંસદોને કેટલો પગાર મળવો જોઈએ ?
- રૂપિયો ય નહિ ! ચૂંટણી વખતે તો બોલતા હોય છે ને કે, 'અમારે તો સેવા કરવી છે.' સેવાનો કોઈ ચાર્જ હોય ?
(અનુપ ખોડિયાર, ઉકાઈ ડેમ)

* કોંગ્રેસ સરકારે આટલા વર્ષ શું કર્યું ?
- માં-દીકરાની અણમોલ ભેટ આપી.
(શૈલ પટેલ, નવસારી)

* તમે આટલા બધા લોકપ્રિય છો... અભિમાન નથી આવી જતું ?
- લોકપ્રિય તો તમે કહો છો... મારા તો ઘરમાં ય કોઈ મારા લેખો વાંચતું નથી.
(ચૌલા જે. પરીખ, વડોદરા)

08/01/2016

'સબ સે બડા રૂપૈયા' ('૭૬)

દરિયા કિનારે એક બંગલો ગો પોરી જઇ જો જઈ... ધ હોલ થિંગ ઈઝ ધેટ... મેહમુદ

ફિલ્મ  :  'સબ સે બડા રૂપૈયા' ('૭૬)
નિર્માતા : બાલાજી કલામંદિર (મેહમુદ)
દિગ્દર્શક : એસ. રામાનાથન
સંગીતકાર : બાસુ-મનોહારી
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ : ૧૪૩-મિનિટ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)ગીતો
૧.વાદા કરો જાનમ, ન છોડેંગે યે દામન, જમાના ચાહે... લતા-કિશોર
૨.બહી જઈયો ના રાની, રાજા કી તલૈયા મેં... લતા-ઉષા મંગેશકર
૩.ધ હોલ થિંગ ઈઝ ધેટ કે, ભૈયા સબ સે બડા રૂપૈયા... મેહમુદ
૪.દરિયા કિનારે એક બંગલો ગો પોરી જઈ જો જઈ... લતા-કિશોર

કલાકારો :મેહમુદ, વિનોદ મહેરા, મૌસમી ચેટર્જી, જીવન, ફરિદા જલાલ, સુલોચના, રચના, નિવેદિતા, મધુ, ચંદ્રશેખર, આગા, મુકરી, સુંદર, રણધીર, શેખ, અસિત સેન, કેષ્ટો મુકર્જી, અનવર અલી, ભૂષણ તિવારી, બબ્બનલાલ યાદવ, પોલસન, નૌશિર ખટાઉ, જાનકી દાસ, મૂલચંદ, નર્મદા શંકર.

ભારતમાં ૧૯૩૧-માં બોલપટ એટલે કે બોલતી ફિલ્મો (ટોકી) શરૂ થઈ ત્યારથી આશ્ચર્યજનક રીતે દરેક વર્ષે એવરેજ ૧૦૦-હિંદી ફિલ્મો ઉતરતી રહી છે. એવરેજનો આ આંકડો ઈવન આજ સુધી જળવાયો છે. આઘાતની વાત એ છે કે, આજની આપણી ફિલ્મ 'સબ સે બડા રૂપૈયા' ૧૯૭૬-માં આવી, તે વર્ષે આટલા વર્ષોની સૌથી વધુ ફિલ્મો ઉતરી હતી, છતાં એક 'કભી કભી'ને બાદ કરતાં એકે ય હિટ તો જાવા દીયો... ચાલી ય નહિ. એકે ય ના સંગીતમાં ઠેકાણા નહિ. '૭૬-ની આ સાલમાં સૌથી વધુ ચાલ્યો હતો, શશી કપૂર. એમ કહેવાય છે કે, ફિલ્મો ચલાવવા માટે ફિલ્મ રીલિઝ થાય એ પહેલા ધાંય ધાંય પબ્લિસિટી આપવી પડે છે... લાખોના ખર્ચે. આજે પણ કપિલના કોમેડી શો કે તારક મહેતા કા ઊલટા ચશ્મા જેવી સીરિયલોમાં બધા હીરો-હીરોઈનો એક એક વાર આવી જાય છે, એમની ફિલ્મોના નિર્માતાઓએ આ ટીવી-સીરિયલોવાળાને ખાસ્સી મોટી રકમ ચૂકવવી પડે છે. ફાયદો બન્નેને કે, 'કૌન બનેગા કરોડપતિ'માં રણબીર કપૂર અને કેટરિના કૈફ આવ્યા હતા અને આ બાજુ,એ બન્નેની ફિલ્મની વાતો અમિતાભ દ્વારા દર્શકો સુધી પહોંચાડી શકાય ! પણ પોતાની આવી રહેલી ફિલ્મને ધૂમધામ પબ્લિસિટી અપાવવા ફિલ્મસ્ટારો કેટલા નીચલા સ્તરે ઉતરી જાય છે, એનો દાખલો રાજેશ ખન્નાનો વાંચવા જેવો છે.

ચીપ કરતા ય જેને બિભત્સ પબ્લિસિટી-સ્ટન્ટ વર્ષો પહેલા રાજેશ ખન્નાએ કર્યો હતો ને એની અપેક્ષા મુજબ આપણા બેવકૂફ મીડિયાએ ધાંયધાંય પબ્લિસિટી પણ આપી દીધી હતી. 'તુમ સા નહિ દેખા'ની હીરોઈન અમિતા-જેણે છેલ્લે મુસ્લિમ અભિનેતા કામરાનની સાથે પરણીને ઈસ્લામ અંગીકાર કર્યો હતો, તે અમિતાની દીકરી સાબિહા સાથે હીરો રાજેશ ખન્નાએ બનતા સુધી ઊટી બાજુના આઉટડોર શૂટિંગમાં સાબિહા જોઈ શકે, એ રીતે પેન્ટની ઝીપર ખોલીને એના દેખતા પેશાબ કર્યો હતો. આમાં અમિતાનો ય પૂરો સાથ હતો અને બન્નેની મેળપાપડીથી પોલીસ-સ્ટેશનમાં ખન્ના સામે અમિતાએ ફરિયાદ નોંધાવી. એટલે દેશભરના છાપા આ ન્યુસ પર તૂટી પડયા. એ વખતે તો નહતો, છતાં અર્ણવ ગોસ્વામી જેવા પત્રકારોએ ટીવી પર જાણીતી હસ્તિઓને બોલાવી 'આવા' સબ્જેક્ટ પર ચર્ચાઓ ગોઠવી... ખન્નાની ચાલ બે-ચાર દિવસ માટે સફળ થઈ. આવા ખન્નાઓ અને આવી સાબિહાઓને જોવા સિનેમાઓ ઉપર બે-ચાર દહાડા પૂરતો ધસારો થયો, પણ પોલ ખુલ્લી પડી જતા પ્રેક્ષકોએ જ ફિલ્મને લાત મારી મારીને કાઢી મૂકી. રાજેશ ખન્ના બધાની નજરમાંથી ઉતરી ગયો. એ વધારાનું ! આ અમિતાની વાત કરી તે ૧૯૫૨-માં આવેલી 'અણમોલ સહારા'થી શરૂ કરીને સીધી બી-ગ્રેડની ફિલ્મોમાં ફેંકાવા માંડી. એ તો એના પ્રેમી અને ફિલ્મિસ્તાન સ્ટુડીયોના માલિક તોલારામ જાલને ખાસ અમિતાને પ્રમોટ કરવા માટે ફિલ્મ 'તુમ સા નહિ દેખા' બનાવીને દેશભરના પોસ્ટરો અને મોટા હોર્ડિંગ્સમાં અમિતાના જાયગેન્ટિક સાઈઝના ફોટા નીચે શમ્મી કપૂરનો બબૂકડો ફોટો મૂકાવીને ફિલ્મ રીલિઝ થાય એની રાહ જોવા માંડયો. પરિણામ એ આવ્યું કે, 'તુમ સા નહિ દેખા'માં બે જ જણા ચાલ્યા... શમ્મી કપૂર અને ઓપી નૈયર. અમિતાનો કોઈએ ભાવ પણ ન પૂછ્યો. મૂળ જયજયવંતી નામ ધરાવતી આ હિંદુ છોકરી કામરાન સાથે પરણીને (!) મુસલમાન બનીને પાછી હિંદુ બનીને જાલન સાથે પરણી કે નહિ કે પછી શું થયું તેની માહિતી નથી.

મેહબૂબ ખાને પણ અમિતા ઉપર ઝોલ નાંખી જોઈ હતી અને ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં રાજેન્દ્ર કુમારની પ્રેમિકાનો રોલ માલા સિન્હા અને અમિતાને ઓફર કરવામાં આવ્યો હતો, પણ નરગીસ આ ફિલ્મમાં છવાઈ જવાની હતી, એ ચોક્કસ ધારણાએ આ બન્નેએ 'મધર ઈન્ડિયા' પાછી કાઢી. આ રોલ પછી તો મેહબૂબ ખાનની અસલી પ્રેમિકા કુમકુમને અપાયો હતો. પછી તો, જે સ્ત્રી નજરે ચઢી, એ એની પ્રેમિકા બનાવી શકતો કોમેડિયન મેહમુદે પણ અમિતાને વર્ષો સુધી ખુશ રાખી.

તોલારામ જાલન ખૂબ કાળો, મોટી ફાંદવાળો, તોછડી ભાષા અને ગાળો બોલે રાખતો ફિલ્મ પ્રોડયુસર હતો. મેહમુદ સાથે કોઈ વાતે ઠહેરી ગઈ હશે, એમાં ખાસ એને માટે મેહમુદે ઉપર લખ્યો છે, એવો જ ગેટ-અપ અને ભાષા વાપરીને પોતાની ફિલ્મ 'સબ સે બડા રૂપૈયા'માં પૂરો બદલો લઈ લીધો... તોલારામની તોછડાઈને અનેક નમૂના સાથે જેમ કે, મેહમુદ એક પાત્રને બેસવાને બદલે, ''ચલો સીટ ગંદી કરો'' કહે છે. ફિલ્મના સંવાદોનું સુપરવિઝન બબ્બનલાલ યાદવે કર્યું છે. આ બબ્બનલાલને તમે વિલનના કોમેડિયન ચમચા તરીકે બે-ચાર નહિ, અનેક ફિલ્મમાં જોયો છે. મોટા ભાગે એણે ઐયાશીમાં સોફા ઉપર લાંબા થઈને પડેલા વિલનના પગ દબાવવાના દ્રશ્યો ઘણી ફિલ્મોમાં રીપિટ કર્યા હતા. આ ફિલ્મમાં એ ભૂષણ તિવારી સાથે સફરજનના બગીચામાં એનો ચમચો બનીને ફરે છે.

ફિલ્મ 'સબ સે બડા રૂપૈયા' મેહમુદની પોતાની ફિલ્મ હતી. સ્વ. વિનોદ મેહરા અને મૌશુમી ચેટર્જીને લીડમાં રાખીને ફિલ્મ બનાવાઈ હતી. આર.ડી. બર્મનના આસિસ્ટન્ટ્સ બાસુ-મનોહારીએ આ ફિલ્મના સંગીતમાં, લતા-કિશોરનું 'દરિયા કિનારે એક બંગલો ગો પોરી જઈ જો જઈ' ગાયું હતું. એ લોકપ્રિય ઘણું થયું હતું. યાદ હોય તો આ ગીતમાં લતા બહુ તોફાની અંદાજમાં વચ્ચે વચ્ચે 'હોટ્ટ...' બોલીને ગીતને નવું જ તોફાન આપે છે. બધા ગીતોમાં એમના બોસની ધૂનોની છાંટ વર્તાય છે. બાસુ-મનોહારીના મનોહારી મૂળ તો અનેક સંગીતકારોના સેક્સોફોન પ્લેયર. ('કાશ્મિર કી કલી'ના રફીના 'હૈ દુનિયા ઉસી કી, જમાના ઉસી કા...'માં સેક્સોફોન મનોહારી દાદાએ વગાડયું છે.

મેહમુદે એના ગુરૂ કોમેડીયન યાકુબ પાસેથી જ કોમેડીયન-વિલન પણ હોય, એવી ફિલ્મોની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં એ જેટલું હસાવે છે, એટલો જ પ્રેક્ષકોને ગુસ્સો પણ કરાવે છે. પોતાની આ ફિલ્મમાં પણ એણે આ રીતનો ડબલ રોલ નિભાવ્યો છે.

એ તો બધાને ખબર છે કે, મેહમુદ મીના કુમારીની સગી બહેન મધુરીને પરણ્યો હતો. પ્રોબ્લેમ એક નહિ, બે હતા. એક તો વિદ્વાન, પૈસાપાત્ર અને મોટી શોહરત ધરાવતા કમાલ અમરોહી મીના કુમારીનો પતિ થાય અને બીજી બાજુ કંગાળ અને મલાડના ઝૂંપડપટ્ટી જેવા મકાનમાં રહેવા ઉપરાંત છડેચોક મવાલીગીરી કરતા મહેમૂદને મીના કુમારી પોતાનો બનેવી નહિ બનવા દે એ ધ્રાસ્કો અને બીજી બાજુ, મીનાના પિતા અલી બક્ષ મેહમુદને રસ્તા પરનો લોફર જ માનતા હતા. એમાં મધુની સાવકી માં ફિરદૌસ જોડાઈ. ૨૫ ઓગસ્ટ, ૧૯૫૩ના રોજ ફિરદૌસ અને મધુ વચ્ચે મેહમુદ સાથે લગ્નના મામલે મારામારી સુધીનો ઝગડો થઈ ગયો અને એ જ ઘડીએ મધુ ઘર છોડીને મલાડ ચાલી ગઈ, મેહમુદના ઘેર. મધુ ક્લેપ્ટોમેનિયાક (કોઈ કારણ કે પૈસાની લાલચ-બાલચ વગર ગમે ત્યાંથી ચોરી કરી લેનારને 'ક્લેપ્ટોમેનિયાક' કહે છે.) હતી, છતાં મેહમુદની તમામ પત્નીઓમાં મધુ-મેહમુદનું લગ્નજીવન વધુ સફળ અને પ્રેમપૂર્વકનું હતું.

બીજી બાજુ કમાલ-મીનાનું લગ્નજીવને ય જોઈ લેવા જેવું છે. પતિ ઉપર અનહદ વિશ્વાસ મૂકનારી મીનાને એ ય ખબર નહોતી કે, પોતે આટલી બધી ફિલ્મોમાં કામ કર્યું છે, એમાં એક એક ફિલ્મના એને પૈસા કેટલા મળતા હતા. આવો બધો એસ.એ. બાકર હિસાબ કિતાબ રાખે, પણ મીનાને કાંઈ પણ કહેવાની છૂટ નહિ.

એમાં એક અજબ કિસ્સો બની ગયો. મીનાની ભત્રીજી તસ્નિમે કહ્યા મુજબ, મીના કુમારી અને અશોક કુમારે દિલ્હીમાં ભારતીય જવાનો માટે એક શો કર્યો. ટોકનરૂપે, જવાનોએ આ બન્નેને રૂ. અઢી સો - અઢી સો આપ્યા. અત્યારે આપણને નવાઈ લાગે, પણ એ જોઈને મીનાએ માઈક પર જવાનોને કીધું કે, ''મારી જીંદગીમાં રૂ. ૧૦૦/-ની નોટ હું પહેલી વાર જોઈ રહી છું.''

ફિલ્મની વાર્તા થ્રિલર જેવી છે, પણ મેહમુદની દરેક ફિલ્મની જેમ એમાં કોઈ સારો મેસેજ તો એની પોતાની રીતે સરસ અપાયો હોય. એના જીગરી અને કરોડપતિ ભોળા દોસ્ત વિનોદ મેહરા પાસેથી દયાને નામે અનેક લોકો લાખો રૂપિયા એને ઉલ્લુ બનાવીને લઈ જાય છે. મેહમુદ એને સમજાવતો રહે છે કે, લોકો તને ઉલ્લુ બનાવે છે. પણ ભ'ઈ માનતા નથી. છેવટે મેહમુદ પોતે જ વિનોદને ખાંગો કરીને ફૂટપાથ પર લાવી દે છે અને ત્યારે વિનોદને રૂપિયાનું મૂલ્ય સમજાય છે.

ફિલ્મના હીરો સ્વ. વિનોદ મહેરા (જન્મ : ૧૩ ફેબ્રુઆરી, ૧૯૪૫ : મૃત્યુ તા. ૩૦ ઓક્ટોબર, ૧૯૯૦)ની આખી ફિલ્મોગ્રાફી વાંચવા જાઓ, તો આશ્ચર્ય નહિ, આઘાતો લાગશે. કયા મેળનો એણે ૪૦ ટકા ફિલ્મોમાં પોલીસ ઈન્સ્પેક્ટરના રોલ કર્યા છે, એ કોઈ નથી જાણતું. પહેલા તો પોલીસખાતામાં આવા હીરોકટ લાંબા ઝફરીયા રાખવાની છૂટ ન હોય. બીજું, વિનોદ દરેક ફિલ્મમાં પૂરી છાતી અને ઘેટાના કાળા ઊન જેવા વાળ બતાવવા શર્ટના સમજો ને... આપ્યા હોય એ બધા બટનો ખુલ્લા રાખતો. એણે ચાર તો લગ્નો કર્યા હતા... આઈ મીન... એક પછી એક ! પહેલી હતી મીના બ્રોકા, બીજી બિંદીયા ગોસ્વામી (જે પછી છૂટી થઈને ફિલ્મ 'બોર્ડર' અને 'રેફ્યુજી' બનાવનાર નિર્માતા-દિગ્દર્શક જે.પી. દત્તાની છેલ્લા ૩૦ વર્ષોથી પત્ની બનીને બે દીકરીઓ નિધિ અને સિદ્ધિને સંભાળે છે.) ત્રીજી આપણા ગુજરાતી નાગરની છોકરી નીતા મેહતા અને વિનોદના ચોથા લગ્ન કિરણ સાથે, જે વિનોદના મૃત્યુપર્યંત ટકી રહ્યા. અલબત્તા, આવું તો કોણ કબૂલે પણ, આખી ફિલ્મનગરી જાણીતી હતી કે, વિનોદના લગ્ન અમિતાભવાળી રેખા સાથે પણ થઈ ચૂક્યા હતા, પણ સીમિ ગ્રેવાલના પ્રસિદ્ધ ટીવી શો ્રી ઇીહગીડર્પેજ ઉચ્ચાર (રોન્દેવુ)માં રેખાએ સીમિની સાથે સાથે ગામને ય મામુ બનાવીને એવું કહ્યું હતું કે, મારા વિનોદ સાથે લગ્ન નહોતા થયા... એ બસ, મારો હિતેચ્છુ હતો. એ વાત જુદી છે કે, રેખાના અબજોપતિ મારવાડી ઓફિશિયલ હસબન્ડ મૂકેશ અગ્રવાલે રેખાને પરણવાના થોડા જ દિવસોમાં આપઘાત કર્યો, એના ય થોડા દિવસ પછી આઘાતમાં વિનોદ ગુજરી ગયો. યસ. દેવ આનંદના ડાય-હાર્ડ ચાહકોને ય એક વાતની હજી ખબર નહિ હોય કે, એની એક ફિલ્મ 'એક કે બાદ એક' ('૬૦)ની હીરોઈન શારદા આ વિનોદ મેહરાની સગી બહેન થાય. એક તબક્કે પોતાની સૌથી વધુ પ્રિય અને આ ફિલ્મની હીરોઈન મૌશુમી ચેટર્જી (આપણે ઉચ્ચાર 'મૌસમી' કરીએ છીએ) સાથે ય નેતા સંબંધો રાખડી બંધાવવા કરતા ઘણા આગળ નીકળી ગયા હતા. સંગીતકાર-ગાયક હેમંત કુમારની આ પુત્રવધુ એક્ટિંગમાં નબળી પડી. એટલે કદી બીજા નંબરની ય હીરોઈન બની ન શકી.

મેહમુદ પોતે ભગવાન શંકર અને અંબાજીમાં અખૂટ શ્રદ્ધા રાખતો, એના બે પુરાવા-એક તો પોતાની નિર્માણ સંસ્થાનું નામ એણે, 'બાલાજી કલામંદિર' રાખ્યું હતું અને બીજું, મોટા ભાગની ફિલ્મોમાં એ પોતાનું નામ 'મહેશ' રાખતો - આ ફિલ્મમાં એની દરેક ફિલ્મોની જેમ અનેક કોમેડિયનો ભેગા કર્યા છે. જાનકીદાસ અને પોલસન ઉપરાંત એનો કાયમી મુકરી પણ ખરો. લતા-ઉષાના યુગલ ગીત 'બહી જઈયો ના...'માં મૌસમી સાથેગીત ગાતી છોકરી રચના છે. મૌસમીની સખીના કપડા બદલતો ફોટો પાડી લેનાર અનવર અલી (બોમ્બે ટુ ગોવાનો બસ-ડ્રાયવર) મેહમુદનો સગો ભાઈ છે. વર્ષોથી આજે એ લકવાની અસરમાં બુરી જીંદગી બશર કરી રહ્યો છે. મેહમુદની સેક્સી સેક્રેટરી બનતી અભિનેત્રી નિવેદિતાને તમે ફિલ્મ 'તૂ હી મેરી જીંદગી' અને 'ધરતી કહે પુકાર કે'માં સંજીવ કુમારની પત્ની તરીકે જોઈ છે. એક જ સમયે આ નિવેદિતાને પોતાની બનાવી લેવા માટે જોય મુકર્જી, તેનો ભાઈ દેબુ મુકર્જી અને સંજીવ કુમાર પૂરા ફોર્સથી પાછળ પડયા હતા. જોયના સાન્તા ક્રુઝમાં હસનાબાદ લેનના બંગલાથી ૨૦૦-ડગલા આગળ જ નિવેદિતાનો બંગલો જોયના સૌથી નાના ભાઈ શુબિરે મને બતાવ્યો હતો. લાલ જર્સીમાં પોતાના બંગલાના પગથીયા ઉતરીને આવતો કલાકાર નૌશિર ખટાઉ છે, જે મુંબઈની નાટય અભિનેત્રી સરિતા ખટાઉ (મુળ ભોંસલે)નો પહેલો પતિ પતો, પણ નાટયકાર સ્વ. પ્રવિણ જોશીની એ સત્તાવાર પત્ની છે.

એકલા ગુણ અને શુદ્ધ ચરીત્રથી દુનિયામાં જીવાતું નથી... ખિસ્સામાં પૈસા ય જંગી જોઈએ નહિ તો દુનિયા તમને ફાડી ખાય છે, એવો સુંદર મેસેજ આપતી મેહમુદની આ એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે.