Search This Blog

22/02/2017

'આઈ લવ યૂ'

'આઈ લવ યૂ' તો આપણા જમાનાથી કહેવાનું શરૂ થયું. એ પહેલા ક્યાં કોઈ કહેતું'તું ? પપ્પા-મમ્મીના જમાનામાં આવું નહોતું. મૂળ તો એવું અશુભ-અશુભ કોઈ બોલતું ય નહિ. પ્રેમોમાં જ નહોતું પડાતું. જ્ઞાતિના રિવાજ પ્રમાણે શુકલજી ગોતી લાવ્યા હોય, એ કન્યા સાથે પરણી જવાનું અને પરણી લીધા પછી 'આઈ લવ યૂ' કહેવાની જરૂરત તો ક્યાં કોઈને પડે ?

આપણા વખતથી સીસ્ટમ બદલાઈ. જરાક ડાઉટ જાય કે પેલી ખેંચાઈ રહી છે, એટલે સ્માઇલો શરૂ કરી દેવાના. એ પાછા આવે, તો જરા આગળ વધવાનું. આગળ એટલે જ્યાં ઊભા હોઈએ ત્યાંથી નહિ, પ્રેમમાં આગળ વધવાનું. પછી તો ગુજરાતી કાવ્યો કે ફિલ્મી ગીતોના જે ટુકડા બંધ બેસતા આવે, એ પેલી સમજે એ રીતે, મોટે મોટેથી ગાવાના અથવા ભૂલમાં એને અપાઈ ગયેલી આપણી એક્સરસાઇઝ-નોટબૂકના છેલ્લા પાને લખવાના. એમાં મારાથી તો છેલ્લા પાને બીજગણીતનો દાખલો લખાઈ ગયો હતો... પેલી આજ સુધી સોલ્વ કરી શકી નથી.

પહેલી વખત એને શું કહેવું, એ મૂંઝવણ હતી. એ વખતે પગનો અંગૂઠો બહુ કામમાં આવતો, નીચે જોઈને જમીન ખોતરવામાં. જરીક હિમ્મત એકઠી થઈ હોય તો આપણા જમણા હાથની પહેલી આંગળી એની દાઢી નીચે અડાડી દાઢી સહેજ અમથી ઊંચી કરતા હળવેથી બોલવાનું, ''એ ય... સામે નહિ જુએ... ? હું છું હું. મૂકેશ ચંદુલાલ શાહ. ભૂલી ગઈ, બસમાં લાલ દરવાજા સુધીની ટિકીટ મેં લીધી'તી... ? વીજળી ઘરના બસ સ્ટેન્ડેથી તારા ફૂઆ બસમાં ચઢ્યા, એમાં યાદ છે... હું ઉતરી ગયેલો... ?''

આવા બધા કેટલાય નાટકો પછી સાહસ ઊભું થાય ત્યારે એકરારની ધન્ય ઘડી આવે. એન્ડ માઈન્ડ યૂ... એ વખતે, 'હું તને પ્રેમ કરૂં છું, મંદુ...' એવું નહોતું કહેવાતું. નવા નવા 'આઈ લવ યૂઓ' શોધાઈ ચૂક્યા હતા, એમાંથી એકાદું ઉઠાવીને ફરીથી પેલી આંગળી-પ્લસ-દાઢીનો ઉપયોગ કરીને, તોતડાતી જીભે કહેતા, 'આઈ લવ યૂ.' વાંદરી સામું 'આઈ લવ યૂ' ચોપડાઈને આપણા પવિત્ર પ્રેમનો સ્વીકાર ન કરે, પણ ઊંચા કરેલા ઢીંચણ ઉપરથી દાઢી ઉતારીને નીચે જોતી સ્માઈલો આપે. આ ત્રણ શબ્દો કમાલના હતા. ગુજરાતીમાં કહેવા કરતા ઈંગ્લિશમાં કહેવામાં સરળ પડે. આપણે ઈંગ્લિશમાં બોલી શકીએ છીએ એવી છાપ પડે અને ખાસ તો, બધા એ જ બોલતા'તા, એટલે આપણે ય બોલી નાંખ્યું. (બધા 'એને' ન બોલતા હોય કાંઈ... !)

હવે તો એ વાતને વર્ષો વીતી ગયા. કાળક્રમે આપણે ય સુધર્યા અને 'આઈ લવ યૂ' કહેવાની ટેવો છુટી ગઈ. ઈવન, મને ય યાદ નથી, મેં છેલ્લું 'આઈ લવ યૂ' કોને, ક્યારે અને શા માટે કીધું હતું. પણ પહેલી વારમાં જ કીધેલું 'આઈ લવ યૂ' તરત પાછું આવી ગયું, એમાં બીજી કે બારમી વખત કોઈને કહેવાના ચાન્સો ન મળ્યા. 'આઈ લવ યૂ'નો આ જ ભૂંડો પ્રોબ્લેમ છે. તરત સ્વીકારાઈ જાય તો ય આપણું ભવિષ્ય ધૂંધળું. બીજી કોઈને કહેવાનો લાઇફ-ટાઇમમાં અવસર ન મળે.

અફ કોર્સ, આમાં પ્રેક્ટીસ પાડવી નિહાયત જરૂરી છે. નિયમિત મહાવરો રાખવાથી જીભ સેટ થઈ જાય છે. જો કે, ''પચાસના છુટા છે ?'' એટલી આસાનીથી કોઈને 'આઈ લવ યૂ' કહી શકાતું નથી અને કહી દો તો એમ કોઈ છુટા આપતું ય નથી. ઘણા તો 'જય જીનેન્દ્ર' કે 'જે શી ક્રસ્ણ' કહેતા હોય, એટલી આસાનીથી કહી દે છે. ન ગમે તો ગુજરાતી સ્ત્રીઓ નઠારી ગાળો બોલતી નથી, એવું સહેજે ન માનશો. ખોટી જગ્યાએ આવું કહેવાઈ ગયું તો એ લોકો મા-બેનની સંભળાવી દે છે. ગાળ બોલી જવાથી થપ્પડ-પ્રવૃતિમાં એમને પડવું પડતું નથી. કોઈ રોમિયોને ચપ્પલ નહિ મારવા પાછળ બહેનની તૂટેલી/સાંધેલી ચપ્પલ પણ જવાબદાર હોય છે. પ્રેમ હંમેશા પ્રેમથી જ વધે, એ બધી વાત સાચી પણ એ વાત સુંદર સ્ત્રીઓએ સમજવી જોઈએ. જો કે, ન સમજે એ ય સારૂં છે. એ લોકો ગામ આખાના પ્રેમો વધારવા જાય તો મારા-તમારા જેવાને ભગવા પહેરીને ગીરનારની તળેટીમાં બેસવું પડે.

કેટલાક અનુભવીઓને ભારે ફાવટ આવી ગઈ હોય છે 'આઈ લવ યૂઓ' કહેવાની. એ લોકો જેને ને તેને, જ્યાં મળે ત્યાં કહી શકે છે. મંદિરની બહાર ઊભેલો વાણીયો ગરીબોને છુટા હાથે દાનદક્ષિણા આપતો હોય, એમ કેટલાક દાનવીરો ધારે એને 'આઈ લવ યૂ' આપી દે છે અને મારે ય નથી ખાતા. આપણા બધાની વાત જુદી છે કે, હવે તો ઈવન ઘરમાં ય પેલીને 'આઈ લવ યૂ' કહેતા નથી અને કહીએ તો પેલી માનતી ય નથી. કાં તો એ હસવામાં કાઢી નાંખે અને કાં તો ટોણો મારે, ''કેમ આજે કંઈ ભૂલી ગયા લાગો છો... ! હું તમારી વાઈફ છું... મને 'આઈ લવ યૂ' શેનું કીધું ?''

આમાં પ્રામાણિક જવાબ આપવાની જરૂર નથી, પણ તમે જુઠ્ઠો તો જુઠ્ઠો જવાબ આપો કે, છેલ્લે તમે 'તમારી' વાઇફને આવું 'આઇ લવ યુૂ'ક્યારે કીધું હતું ? કીધું હશે, પણ એ તો તમે ડ્રિન્કસ લેવા બેઠા હો અને શહેનશાહી પાઠમાં પૂરા આવી ગયા હોય ત્યારે ! એમને એમ તે કોઈ ગાંડુ થઈ ગયું હોય કે, આવું મોંઘામાઈલું 'આઈ લવ યૂ' ઘરમાં વેડફી નાંખે ? આ તો એક વાત થાય છે.

'
આઈ લવ યૂ' એ કોઈ ભારતીય સંસ્કૃતિ નથી. બધો પરદેશથી આવેલો માલ છે. પણ આ વિષય ઉપર પુન:વિચારણા કરવા જેવી છે. લગ્નના ભલે ગમે એટલા વર્ષ થયા, ભલે વાઈફ કે ગોરધન પહેલા જેવા ગમતા ન હોય, પણ આ ત્રણ શબ્દો કહેતા રહેવાથી બન્ને વચ્ચે પ્રેમ તો વધે છે. ઈંગ્લિશ ફિલ્મો જોનારાઓને ખ્યાલ હશે કે, એ લોકો તો લગ્ન પછી ય પ્રેક્ટિસ ચાલુ રાખે છે.

વાત વાતમાં અને ઘણીવાર તો લેવાદેવા વગરના 'આઈ લવ યૂઓ' કહેતા હોય છે. આપણને ધ્રાસકા પડે કે, આમાં આટલા વરસી જવા જેવું શું હતું ? આ તો એક વાત થાય છે, પણ લગ્નના આટઆટલા વર્ષો છતાં તમે એકબીજાની 'કેર' કરો છો, ચાહો છો અને ખાસ તો વ્યક્ત થાઓ છો, એ બધી સિધ્ધિઓ અજાણતામાં ય બન્ને પક્ષે નોંધાતી હોય છે. અને પ્રેમ વધે છે.

પ્રેમ વધવાનો મોટો ફાયદો એ થાય છે કે, કોઈ બીજો કે બીજી 'આઈ લવ યૂ' કહી જાય, એના કરતા આપણે પ્રેક્ટિસ ચાલુ રાખવી સારી.

અને છતાં ય, એ કહેવાનું મન થતું ન હોય તો યાદ કરો, પહેલી વખતે આ જ શબ્દો એને કહેતા કેવો રોમાંચ, ખૌફ, પ્રેમ, સેક્સ, જ્યોતિષ અને એના ફાધર યાદ આવતા હતા... ?

સિક્સર
આશ્રમ રોડ પર યૂ-ટર્ન લેવા માંગતા 'આઉડી'વાળાએ ટ્રાફિક-જામમાં ફસાયેલા બાજુના 'એક્ટિવા'વાળાને પૂછ્યું,
-
સર-જી, મારે ઈન્કટેક્સ જવું છે... કોઈ શોર્ટ-કટ... ?
-
ગાડી વેચીને રીક્ષા કરી લો. અત્યારે વેચશો તો પૈસા સારા આવશે. હું ય આગળના ચાર રસ્તે મારી બીએમડબલ્યુ વેચીને આયો છું.

21/02/2017

ઑનેસ્ટી....માય ફૂટ !

એક જમાનામાં હું ઑનેસ્ટ હતો, એટલે ઉચ્ચારમાં ‘‘હૉનેસ્ટ’’ બોલતો. મારી હૉનેસ્ટી શીશામાં ધૂસી ગયેલા સિક્કા જેવી હતી. મારા બ્લડમાં હશે, પણ બહાર નહોતી આવતી. તમારા બધાની જેમ મને ય કોઇ ઓનેસ્ટ ગણતું નહોતું, એમ લૂચ્ચો ય ગણતું નહોતું.

 બદમાશ ગણાવવાના હાથમાં આવેલા અનેક ચાન્સો મેં ગૂમાવી દીધેલા અને સજ્જન ગણાવવાના એવા ચાન્સ મળતા નહોતા. શોખ બહુ કે, લોકો મને પ્રામાણિક ગણે, પણ એવું ગણાવવાની તક મળવી જોઈએ ને ? મને યાદ છે, રસ્તે પડેલું કોકનું પાકીટ મળી જાય તો, આપણો ખર્ચો બાદ કરીને, જો કાંઇ વધતું હોય તો એને પાછું આપીને ઓનેસ્ટ ગણાઇ જઊં, એ માટે હું હંમેશા રસ્તામાં નીચું જોઇને ચાલતો. લોકો જુદો અર્થ કાઢતા કે, કેવા નીચું જોઇને ચાલવાના દહાડા આયા છે....?

છાપાઓમાં છેલ્લા પાને મેં કદી મારો ફોટો જોવાની એષણા રાખી નથી. એમાં બહુ કરૂણ ફોટા આવે છે. 

અલબત્ત, એક પોલીસ-અધિકારી દોસ્તે કીઘું કે, નસીબ ઝળહળતું હોય તો ખિસ્સું કાપતા પકડાયા પછીનો ફોટો પણ છાપામાં છપાઇ શકે. આમાં તો જાહેરપ્રજાનો પણ સહકાર મળી રહે છે. 

કહે છે કે, ઓળખાણ હોય તો પોલીસ-લૉકઅપમાં બેઠેલો ફોટો ય પડાવી શકાય. એમાં જો કે, સ્માઇલો નહિ આલવાના. મોંઢાં સૂઝી ગયા હોય, એક આંખ ફૂલી ગઇ હોય, શર્ટો અડધા ફાટી ગયા હોય, એમાં હસી પડો તો ફોટા સારા ન આવે.

મારે એવા ફોટા નહોતા પડાવવા. મારે તો કોઇ સારૂં કામ કરી બતાવવું હતું. પાંચ-પચ્ચી હજાર ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કરી દેતા રીક્ષા-ડ્રાયવરો કે ઝાડુવાળાઓના ફોટા જોઇને મને ઇર્ષા થતી કે, એક નિષ્ફળ હાસ્યલેખકને બદલે જો હું સફળ રીક્ષા કે ઝાડુવાળો થયો હોત, તો મારા ય ફોટા છાપામાં છપાત ! (સાઇડમાંથી મારા ફોટા સારા આવે છે !) 

મને એવા પાકીટો ન મળતા એટલે પ્લાન-ટુ મુજબ, જરી આકરો નિર્ણય લીધો કે, પહેલા કોકનું ખિસ્સું કાતરવું અને પછી એને પાછું આપવા જવું. (મૅનેજમેન્ટની ભાષામાં આને ‘‘પ્રોઍક્ટિવ’’ કહેવાય.) કમનસીબે, અમારા વખતની સ્કૂલોમાં ખિસ્સું કાતરતા શીખવવામાં નહોતું આવતું. માસ્તરો પોતે જ પૈસેટકે લુખ્ખા હોય ત્યાં અન્યને શું શિક્ષણ આપી શકે ? મને યાદ છે, વિજ્ઞાનના ટીચર રીસેસમાં એમની બીડી લેવા પાનને ગલ્લે મને મોકલતા અને પૈસા આપવાનું ભૂલી જતા. હું એમને બીડી આપવાનું ભૂલી જવા માંડ્યો, એમાં મને પીતા આવડી ગઇ. કહે છે કે, લલિતકલાઓ આમ જ શીખાય..

જો કે, ખિસ્સું કાતરતા એમ ન આવડે. એમાં તો ઘણા વર્ષોની સાધના, હિંમત, સ્પીડ, ટાઇમિંગ, લગન અને નજરની સામે હાલતા-ચાલતા જતા સેંકડો ખિસ્સાં જોઇએ. તાલીમાર્થીઓને શહેરના મુખ્ય રસ્તાઓ કરતા પતલી-પતલી ગલીઓની ખબર હોવી જોઇએ. નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાનએ કહેવત ખિસ્સું કાતરવાના સંદર્ભમાં પડી હતી. એવી જ યાદ હોય તો, બીજી કહેવત, ‘ચૅરિટી બીગિન્સ ઍટ હૉમપડી હતી. ઘરમાં જ શીખવાની શરૂઆત કરો તો બહાર સારો હાથ બેસે. કહે છે ને કે, મન હોય તો માળવે જવાય. પોતાનું ખિસ્સું કતરાવાનો પહેલો ચાન્સ મેં મારા સસુરજીને આપ્યો, પણ એ તો મારા ય બાપ હતા. 

એમના ખિસ્સામાં બહુ બહુ તો ચબુતરે નાંખવાના દાણા હોય ને એમાંથી અડધા તો એ ફાકી ગયા હોય. એટલે એમના ખિસ્સામાં હાથ મારવાનો કોઇ અર્થ નહોતો. એકવાર હાથ મારવા ગયો, એમાં લાઇફટાઇમ કૂટાઈ ગયો.

વાચકો યાદ રાખે કે, જીવનમાં મારૂં સપનું કદી કોઇનું ખિસ્સું કાપવાનું નહોતું.... કાપેલું ખિસ્સું પાછું આપી આવવાનું હતું. અફ કૉર્સ, એ પાછો હું જાણું ખરો કે, હસાવવાના લેખો લખીલખીને આખા વર્ષમાં જે કમાઊં છું, એટલી ફાલતુ રકમ તો એકાદું ખિસ્સું કાપવામાં મળી જાય. આખરે મારા પણ કોઇ સપના છે, મારા પણ અરમાનો છે, મારા પણ.... આઇ મીન, ઘણું બઘું મારે કરવાનું બાકી છે, સમાજ સપૉર્ટ આપે તો.

પ્રથમ તબક્કાની તાલીમરૂપે, કાતર લઇને ઘરના જૂનાં શર્ટ અને પાટલૂનો ફાડવા માંડ્યો. ચારે બાજુથી મચી પડવાનું એટલે, આખા શર્ટ કે પૅન્ટમાંથી ચીંદડીઓ ઉડતી દેખાય. એનો ઉપરનો કે નીચેનો ભાગ ક્યો, તે તમે નક્કી કરી ન શકો. (હકી આવા કપડાં પણ પ્યાલા-બરણીવાળીને આપીને સ્ટીલનો વાડકો લઇ આવે છે, બોલો !) અલબત્ત, નક્કી તો એ ય નહોતું થઇ શકતું કે, આમાં ખિસ્સાનો ભાગ ક્યો ? કાલ ઉઠીને કાતર લઇને માર્કેટમાં નીકળી પડું ને ખિસ્સાને બદલે ઢીંચણવાળા ભાગ પર કાતર ફેરવી દઊં, તો હાથમાં શું આવે ? આ તો એક વાત થાય છે. એકવાર સીધો હાથ કોઇના ખિસ્સા ઉપર મારવાનો ટ્રાય કરી જોયો, પણ લોકો સીધા ને સખણા ઊભા નથી રહેતા.... હલહલ બહુ કરે, એમાં આપણું ઘ્યાન ક્યાંથી રહે ? ક્યાંક ખોટી જગ્યાએ કાતર વાગી જાય તો...? કેવી કમાલ કરતા હશે અનુભવી ખિસ્સાકાતરૂઓ....?

એવામાં ચમત્કાર થયો. એક પાકીટ રસ્તેથી મળ્યું. ભરેલું લાગતું હતું અને ભરેલું હતું પણ ખરૂં. નીતિશાસ્ત્ર એવું કહે છે, કોઇની કોઈ ચીજ મળી હોય તો એમાં શું છે, તે આપણાથી જોવાય-બોવાય નહિ. જુઓ તો પાછું આલી દેવાનું મન થાય ને ? પણ આપણે એવા નહિં. ખોલીને જોયું તો રોકડી નોટો અને બધો માલસામાન જોઇને અંદાજ આવી ગયો કે, મિનિમમ ૧૦-૧૫ લાખનું રિસ્ક મારા હાથમાં આવી ગયું છે. નામ-સરનામું હતું નહિ, પણ એક મોબાઇલ નંબર લખેલો હતો. ફોન કર્યો તો સામેથી કોઇએ ઘેરા અવાજમાં જવાબ આવ્યો, ‘‘બોલ....’’

‘‘
સર જી.... આપનું પાકીટ મારા હાથમાં આવી ગયું છે...આપ કહો ત્યાં પાછું આપી જઊં...!’’

‘‘
ઠીક હૈ... લેકીન અગર પુલીસ-બુલીસ કો બતાયા, તો તેરી બીવી કો ઉઠા લે જાઊંગા....!’’

હાવ ડોબો કહેવાય....! આવામાં તો કોઇ પાકીટ પાછું આલતું હોય, એ ય ના આલે. એક તો ૧૦-૧૫ લાખ ઘરમાં આવે અને વાઇફને ઉપાડતો જાય.... છ કલાકમાં ત્રાસી-કંટાળીને પાછો મૂકવા આજીજીપૂર્વકનો ફોન કરે, ત્યારે એને પાછી મૂકી જવાના બીજા પચ્ચી લાખ ના માંગી લઇએ....? (જવાબ : અમે બધા તો પચ્ચી હજારમાં ય માની જઇએ: જવાબ પૂરો) આપણી એવી કોઇ ખોરી દાનત નહિ, પણ આત્મકથા લખતી વખતે પચ્ચી-લાખનો એક ચાન્સ ગૂમાવ્યો, એવું લખાશે.

ખ્યાલ તો આવી ગયો કે, પાકીટ કોઇ ‘‘ભાઇનું છે ને હું મરવાનો થયો છું.

એક આલિશાન હોટલના ગેટ પર મને લેવા જનમથી જ બદમાશ લાગે એવો એક માણસ આવ્યો. મોંઢું મને મળતું આવતું હતું. ‘‘...ચલો’’ હું એનો નોકર હોઊં, એવા કરડાકીભર્યા અવાજે એણે મને હૂકમ કર્યો. લિફટમાં ઉપરના માળે એક સ્વીટમાં મને લઈ જવામાં આવ્યો. ‘‘....અંદર આ જાઓ !’’

સફેદ શૂટ, સફેદ શૂઝ, કાંડે સોનાની ચૅઇન અને ઘડીયાળ, રૅબેનના ગૉગલ્સ અને હાથમાં પીળા રંગના કોઇ દ્રાવણવાળા ગ્લાસ સાથે સોફામાં બેઠેલા ૪૫-૫૦ના એ માણસે મને બેસવાનો આદેશ આપ્યો. મેં ડરતા ડરતા ખૌફથી એનું પાકીટ આપતા કહ્યું, ‘‘સાબજી...યે આપ કા હૈ...મુઝે રસ્તે મેં મીલા થા....

સફેદ બૂટ થોડું હસ્યો. એક ધૂંટ મારીને મને કહે, ‘‘યે મેરા તો હૈ, લેકીન અબ આપ કા હૈ... આપ ઇસે રખ લો....’’

મારી જગ્યાએ તમે હો તો તમે ય ફફડી ના જાઓ.. ? ઘ્રૂજતા હાથે મેં પૂછ્યું, ‘‘સાબજી... યે તો આપ કા હૈ... મૈં ઇસે કૈસે રખ સકતા હૂં...?’

જવાબ એણે ના આપ્યો. એનો પેલો બદમાશ જેવો લાગતો કાળો જાંબુ મારો ખભો થાબડતા બોલ્યો, ‘‘યે જો આપ ઍનકાઉન્ટરકરતે હો, ના....? વો બંદ કરને કી કિમત હૈ, ક્યા....?... વર્ના અંજામ જાનતે હો....!’’

સાલું.... મારી એક કૉલમ બંધ કરવાનો આટલો તોતિંગ ચાર્જ....? ૧૦-૧૫ લાખ રૂપિયા....???  ‘‘સાબજી.... ઐસે તો બુધવાર ઔર શુક્રવાર કો મેરી દો કૉલમેં ઓર ભી આ રહી હૈ.....!

ભાઈ કાર્પેટ ઉપર ચત્તાપાટ પડ્યા હતા....!

સિક્સર

હલકી વૃત્તિના પુરૂષો ય ન બોલી શકે, એવી ગંદી ગાળો આખી ફિલ્મમાં નિરંતર બોલે રખાય, એવી એક ફિલ્મ આવી છે.
આવી ફિલ્મને નૅગેટીવ પબ્લિસિટી પણ ન મળે, એ માટે ફિલ્મનું નામ લખ્યું નથી.
સૅન્સર બૉર્ડની ચૅર પર્સન શર્મીલા ટાગોર છે... એ લોકો ય ઘરમાં આવી ગાળો બોલતા હશે ને....?