Search This Blog

29/06/2011

કાળું વાદળું બ્લૅક-મૅઈલ થયું...!

ફિલ્મી ગીતોમાં આડેધડ લેવાદેવા વગર વપરાતા શબ્દો-નદી, પર્વત, ઝરણા, આસમાન કે હવા-થી ખીજાઇને એ લોકોએ જ વિરોધ કર્યો કે, આપણો મીસયૂઝ થઇ રહ્યો છે અને એનો વિરોધ નોંધાવવો જોઈએ. જરા અમથી હીરોઇન નવરી પડી નથી કે, ‘અય ચાંદ છૂપ ના જાના’ કે ‘ચંદા રે મોરી પતીયાં લે જા, સાજન કો પહોંચા દેના...!’ કેમ કંઇ, અમે તારા બાપાના નોકર છીએ, તે તારા રમેશને સંદેશો આલવા અમે જઇએ ?’

આ લોકોનો ગુસ્સો વ્યાજબી હતો કે, અડધી રાતે મકાનના ધાબે ચઢેલી હીરોઇન ઠીક છે, એના ગોરધનને પાછો બોલાવવા કે મૅસેજ મોકલવા ચંદ્ર કે તારાઓને છુટક મજૂરી સોંપે... ને જીવદયા ખાતર પેલા લોકો કામ કરે બી ખરા, પણ આવી કોઇ એક ચંપા ના હોય... ભારતભરની સેંકડો હીરોઇનો રાત્રે રસોઇ-પાણી પતાઇને પહોંચે મકાનને ધાબે, અંધારી રાત્રે જંગલમાં, નદીયા કિનારે કે કોઇ ઊંચા પહાડની ટોચ પર... ને ત્યાં ઊભી ઊભી વાદળ, ચંદ્ર, સૂરજ કે હવાને આવા હૉમવર્કો સોંપે. ઓ બેન, આટલો સંદેશો આલવા તું ઠેઠ પહાડ સુધી લાંબી થઇ, એના કરતા અમદાવાદ-વિજાપુરની બસમાં બેસી જઈને જાતે બાલમને મળી આઇ હોત તો સસ્તું પડત...! વિધવાઓને તો અમથું ય બસમાં કન્સેશન મળે છે. સુરજ તો બહુ બગડ્યો’તો કે, આ મીનાકુમારીઓ કે વૈજ્યંતિઓનું ચાલે તો અમને ગૅસનો બાટલો નોંધાવવા ય મોકલે...! ઘેર ખીજાઇ શકે એવી અમારી બાઓય છે...!

ભારે ગુસ્સામાં એક ઇમર્જન્સી-મીટિંગ બોલાવાઇ. નદીએ લોન લઇને હમણાં જ બનાવેલા કિનારાના વાસ્તુપૂજન નિમિત્તે ડિનર સાથે આ લોકોની તાકીદની મીટિંગ રાખી હતી. રિવરફ્રન્ટને કારણે કિનારાઓના ‘પર-સ્ક્વૅર-ફીટ’ ભાવો આસમાને ચઢ્‌યા હોવાથી નદીએ કિનારા ઉપર રેતીની ઢગલી કરીને ફ્‌લૅટ બનાવી દીધો હતો, પણ ઘરમાં આ બધી બબાલો ના જોઇએ એટલે મીટિંગ ખુલ્લા કિનારા ઉપર રાખવામાં આવી હતી. સ્કૂલેથી સીઘ્ધી છૂટીને આવેલી કોમલ કલીઓ, ફૂલો અને મીટિંગમાં સલામતિ જળવાય તે હેતુથી કાંટાઓને કો-ઑપ્ટ કરવામાં આવ્યા હતા. મીટિંગ ક્યારની શરૂ થઉ-થઉ કરતી’તી, પણ કારોબારીની પ્રમુખશ્રી હવા હજી આવી નહોતી. પવન સાથે હવાના લફરાઓએ કે’દૂની માઝા મૂકી હતી. મનમાં બધા બઘું સમજતા’તા, પણ એક તો ઉનાળો ને શહેર અમદાવાદ એટલે જ્યાં સુધી હવા ન આવે ત્યાં સુધી આ લોકો પરસેવે રેબઝેબ થતા તૌબા પોકારી ગયા હતા. વરસાદને અમદાવાદ સાથે બારમો ચંદ્ર હોવાથી ચંદ્ર ફક્ત એકલો જ આવ્યો હતો, વરસાદ નહિ.

આમ તો એકે ય ફિલ્મી ગીતમાં બપોરનો ઉલ્લેખ થતો નથી, એટલે બપોરને કોઇ આમંત્રણ નહોતું, પણ આજે બુધવાર હતો એટલે ‘ખાસ આમંત્રિત’ તરીકે એ પણ આવી હતી. અન્ય રોકાણો હોવાથી, સાંજ પહેલા હું નીકળી જઇશ, એવી લુખ્ખી બપોરે પહેલેથી આલી દીધી હતી. ખુદ સાંજ પણ રાત સુધી જ રોકાઇ શકે એમ હતી. નહિ તો ઘેર ગયા પછી ઘૂળજીનું મોંઢું જોવા મળતું નથી.

અચાનક ઉપપ્રમુખશ્રી વાતાવરણમાં પલટો આવ્યો. વાતાવરણજીને ખાસ માઉન્ટ આબુથી બોલાવવામાં આવ્યા હતા. હવા હાંફતી હાંફતી આવી પહોંચી. બધાની નજર અને બધાના મૌન સવાલોનું લક્ષ્ય એ જ, ‘‘કેમ આટલું મોડું....?’’

‘‘આ તમારી સાયરાબાનુને લીધે મોડું થયું...’’ હવાએ મોંઢા ઉપરનો ભેજ લૂછતા કહ્યું.

‘‘...સાયરા બાનુ ? કોણ, દિલીપકુમારવાળી ?’’

‘‘હા, એ જ. હું તો મારમમાર આવતી’તી, ત્યાં સાયરાનો ક્યાંકથી અવાજ સંભળાયો,’.... રૂક જા અય હવા, થમ જા અય બહાર...!’ સાલું, પબ્લિક-ડીમાન્ડ હોય પછી ના થોડી પડાય છે ? મારે રોકાઇ જવું પડ્યું. પંચવટીના ટ્રાફિક-સિગ્નલ પર ૪૦-મિનિટ હું ઊભી રહી ગઈ. પૂછો આ બહારને...! હમ જૈસોં કી તો કોઇ ઝીંદગી હૈં ?’’

મોડો પડેલો ચંદ્ર તો ગુસ્સામાં ગાળો બોલવા ઉપર ચઢી ગયો’તો. ‘‘હું દાઢી કરતો’તો ને રાજ-નરગીસનો SMS આયો,

‘‘દમભર જો ઉધર મૂંહ ફેરે, ઓ ચંદા...આઆઆઆ, 
મૈં ઉનસે પ્યાર કર લૂંગા, બાતેં હઝાર કર લૂંગા...હોઓઓઓ’’

મારે સાલી અડધી છોલેલી દાઢીએ આડું જોઇ જવું પડ્યું... સહેજ આડું જોયું એમાં ધરતી પર અંધારૂં ઘોર... નીચે બુમાબુમ, ‘‘ચંદ્રગ્રહણ...?’’ આજે ક્યાંથી ?’ રામ જાણે એ બન્ને શું કરતા’તા...!’

અંધારૂં પોતે (રેશમી ઝૂલ્ફોંવાળું નહિ, અસલી અંધારૂં !) ઉનાળો હોવાથી મીટિંગમાં જરી મોડું પડ્યું હતું. નદી સ્વભાવની તોફાની અને ગુસ્સાવાળી. અમદાવાદમાં જો કે એનું બહુ ઉપજતું નથી. કારોબારીની મીટિંગ એના ઘેર હોવા છતાં એ મોડી આવી ને એનું કારણ પૂછ્‌યું તો નદી ગરમ થઇ ગઈ. ‘‘હું તો અલ્લડ થઈને ખળખળખળખળ વહેતી ફાધર (પર્વત)ના ઘેરથી નીકળી’તી રસ્તામાં ઝરણું મળ્યું એની સાથે બે મિનિટ ‘કેમ છો ? કેમ નહિ ?’ કર્યા પછી હજી તો માંડ મેં સ્પીડ પકડી, ત્યાં જ કોક નિમ્મી-બિમ્મીએ બૂમો પાડી કે, ‘હો મોરે સૈંયાજી ઉતરેંગે પાર હો, નદીયા ધીરે બહો...ધીરે બહો ધીરે બહો, ધીરે બહો નદીયા...હોઓઓઓ.’ હું તો કોઇની કામવાળી છું, તે મને નિમ્મુડી આવું કહી જાય ? તારો સૈંયો એસ.ટી.ની બસમાંથી ઉતરે કે પાણીની ટાંકી ઉપરથી....મારે કેટલા ટકા ?’’

સાગર ઉર્ફે દરિયો એના કિનારાથી ત્રાસેલો હતો. સદીઓથી ટ્રાય મારવા છતાં આજ સુધી દરિયાના હાથમાં કિનારો આવ્યો નથી. કહે છે કે, કિનારો સાગરની નાજાયઝ ઔલાદ છે. એ ભાગતો ફરે છે. લગભગ ૧૪-દેશોના ખાબોચીયાઓ કિનારાને ઢુંઢતા હતા લેકીન, ઉસે પકડના મુશ્કિલ હી નહિ... નામુમકીન ભી હૈં ! વર્ષો પહેલા ફિલ્મ ‘સાગર’માં ડિમ્પલ કાપડીયાએ આ કિનારા ઉપર પગલાં પાડ્યા હતા, ત્યારથી એની દાનત બગડી હતી. કોકે કહ્યું, ‘‘ડિમ્પલ સાગરમાં બહુ સુંદર લાગે છે, નહિ ?’’ ત્યારે એવા જ કોઇક કોકે જવાબ આપ્યો હતો, ‘‘ડિમ્પલ સાગરમાં જ નહિ, ખાબોચીયામાં ય સુંદર લાગે એવી છે !’’ બસ. ત્યારથી દુનિયાભરના ખાબોચીયાઓ ડિમ્પુની પાછળ પડી ગયા. આ તમારો ખન્નો ને આ તમારો સનીડો....(ત્રીજું નામ દેવાય એવું નથી...મારી બા ખીજાય...!)

જમાનો મીટિંગમાં આયો’તો તો ટાઇમસર, પણ એને હખ નહોતું વળતું. એ કોઇને મોંઢું બતાવી શકતો નહતો. બહુ હીરો-હીરોઇનોએ એને બદનામ કર્યો હતો. ‘જાલીમ’ તો કેમ જાણે એની અટક હોય, એમ એના પરિચયમાં વપરાતું હતું. દેવ આનંદ અને નૂતન અમથા ય ક્યાંક ફરવા નીકળ્યા હોય, અડપલાં દેવલો કરતો હોય, નૂતનને એનો વાંધો ન હોય છતાં ચાંપલી આને બદનામ કેવો કરે, ‘‘છોડ દો આંચલ, જમાના ક્યા કહેગા ?’’ આમાં જમાનો બીજું તો શું કહે કે, ‘‘બેન...હું તો કાંઇ નહિ કહું, પણ આ તું ગયા મંગળવારનો તારો આંચલ ધોયા વિનાનો પહેરી લાઇ છે, તો કમસેકમ ‘જડભરત વૉશિંગ પાવડર’માં ધોઇને તો પહેરવો’તો...?’

આ જ મુદ્દે, મીટિંગ ઍટૅન્ડ કરવા જાપાન, શાંગહાઇ, હવાઇ ટાપુ, થાઇલૅન્ડના ફૂકેટ તેમ જ જર્મનીના સભ્યો પણ આવ્યા હતા. એ લોકોની ફરિયાદ એ હતી કે, આ તમારી હિંદી ફિલ્મોમાં દર બીજા ગીતે આખી દુનિયા કે આખા જમાનાને ઇન્વૉલ્વ કરવામાં આવે છે, એમાં અમે હલવઇ જઇએ છીએ. ‘ઇસ જમાનેને, ઇક મુહબ્બત કે, કિતને દિલ તોડે, કિતને ઘર ફૂંકે.. જાને ક્યું લોગ મુહબ્બત કિયા કરતે હૈં, હોઓઓઓ...’ જાનાપીઝે પ્રમુખશ્રીની મંજૂરીથી એમ કહ્યું કે, ‘‘આ તમારી હીરોઇનનું દિલ કે ઘર કોઇ લુખ્ખાએ તોડ્યું હશે, દ’ઇ જાણે...પણ ઇન્ક્વાયરીઓ સીધી અમારા ઘેર આવે છે કે, તમે જાપાનમાં પડ્યા પડ્યા હખણા કેમ રહેતા નથી, તે ઠેઠ ઇન્ડિયાથી ફરિયાદો આવે છે...?’ વિદેશી-પ્રતિનિધિમંડળના તમામ સભ્યોએ લાલ ઝંડા ઊંચા કરી કરીને, ‘હીરોઇનો કી તાનાશાહી નહિ ચલેગી, નહિ ચલેગી’ની બૂમો પાડી. અમે ભલે વિદેશ રહેતા હોઇએ, પણ દુનિયા કે જમાનામાં તો અમે બધા આવી ગયા, એ આક્ષેપ સ્વીકારીને પ્રમુખશ્રીએ થતું હશે તો કંઇક ઘટતું કરી આપવાની બાંહેધરી આપી.

મીટિંગનો અંત નબળો રહ્યો. એક ડીમાન્ડ એવી હતી કે, તમામ ફિલ્મી ગીતકારોને નોટિસ મોકલી દેવી કે, અમારો આવો ઉપયોગ કરવાનું બંધ કરો. જમીન જરા ઇર્ષાળુ ખરી. એણે આક્ષેપ મૂક્યો કે, આકાશ ફિલ્મી ગીતકારોને પૈસા આપીને પોતાના ઉપર ગીતો લખાવે છે, એમાં વાત બગડી. ગીતો તો રસ્તાઓ ઉપરે ય બને છે, એ રસ્તાઓ આડા ફંટાયા. ઝીલ (સરોવર) એ મુદ્દે બગડી કે, ઉનાળામાં અમે ધરતુડી પોતાનામાં સમાવી લે છે, એટલે પ્રેમીઓ તો ઠીક, ગીતકારો ય અમારી નોંધ લેતા નથી. બહુ પૉલિટિક્સ ચાલી રહ્યું છે, ભ’ઈ શા’બ...!

પોતે પ્રકૃતિનો અભિન્ન હિસ્સો હોવા છતાં, જેના ઉપર નામનું ય કોઇ ગીત લખાતું નથી, તે બફારાએ કાચી સેંકંડમાં બધાને બોચીઓ લૂછતા લૂછતા ઉઠાડીને ઘરભેગા કરી દીધા. વાર્તા પતી ગઈ.

સિક્સર
- આગામી ફિલ્મ ‘જીંદગી’માં ૠત્વિક રોશન અને કેટરીના કૈફ વચ્ચેનું ચુંબન સ્ક્રીન પર ત્રણ મિનિટ ચાલશે.
- મતલ.... ફિલ્મ ૩-મિનિટ જ જોવા જેવી છે !

27/06/2011

ઍનકાઉન્ટર - 27/06/11

* હેમા માલિનીના ઘરમાં દીપડો ધુસી ગયેલો... પછી શું થયું ?
- દીપડો ધરમ જેટલો બેવકૂફ નહોતો... આમાં હવે કાંઈ મળે એવું નથી, એવી અક્કલ હતી એનામાં, એટલે દીપડો બહાર નીકળી ગયો.. ધરમો હજી અંદર છે...!
(જનક રાવલ, રાંધેજા)

* અનેક પ્રયત્નો છતાં નિષ્ફળતા જ મળતી હોય તો સફળ થવાનો કોઈ ઉપાય ખરો ?
- આમરણાંત ઉપવાસ પર ઉતરી જવું... અને બે-ચાર દિવસમાં તમને કોઈ પારણાં કરાવી લે, એવી ગોઠવણી કરી લેવી.
(હિતેશ એસ. દેસાઈ, તલીયારા- નવસારી)

* ભ્રષ્ટાચાર રોકવાનો આપનો અંગત અભિપ્રાય શું છે ?
-ભ્રષ્ટાચારની વ્યાખ્યા ઊલટાવી દેવી.
(યોગેશ કૃ. દલાલ, સુરત)

* ‘ઍન્કાઉન્ટર’ હાંસિયામાં કેમ આવી ગયું ?
- સાવ નીચેનું પતન યથાવત રાખીને ઊન્નતિ થઈ છે... 
ધીરજ ધરો મારા વીર... ફરીથી પતનમાં પાછા ફરવા માટે હું સમર્થ છું.
(પ્રશાંતવદન એમ. વોરા, ભાવનગર)

* પશુઓની જેમ માણસ પોતાના કાન કેમ હલાવી શકતો નથી ?
- એને જીભ હલાવવાની ફાવટ છે...!
(વિરલ જાની/યાના ચૌહાણ, આલીદર : કોડિનાર)

* સાસુ કાયમી ધોરણે ઘેર રહેવા આવી જાય તો શું કરવું ?
- મેં પૂછતા હું, જો સાલી આધી ઘરવાલી થતી હોય તો સાસુ આધી મા ક્યું નહિ ?
(દિલીપ જે. ધંઘુકીયા, અમદાવાદ)

* પ્રેમ લગ્ન કરવા માટે શું કરવું જોઈએ ?
- એ બેમાંથી એક.
(ધર્મેશ વેકરીયા, વિસાવદર)

* ફેશનને નામે ક્યાં સુધી હિંદુ દેવી-દેવતાઓના અપમાનો થતા રહેશે ? વિહિપ, RSS કે બજરંગદળવાળા ક્યાં ગયા ?
- એ લોકો ઍક્ટિવ હોત તો દિવસો આજે આ જોવા પડ્યા હોત ?
(હરેશ એસ. શાહ, ઉમરેઠ)

* લોકો મહેનત કરતા નસીબમાં કેમ વધારે માને છે ?
- બાપ બનવા માટે એકલું નસીબ ના ચાલે..!
(બી. આર. શેખ, ખંભાત)

* હવે ફક્ત બે સંતાનોથી જ સંતોષ.... મતલબ, સમય જતા રક્ષાબંધન જેવા તહેવારો નામશેષ થઈ જશે ?
- હિંદુઓ સમૃદ્ધ થતા જાય છે, એમાં આ સંતોષનો ફાળો મોટો છે.
(ઉષા જગદિશ સોતા, મુંબઈ)

* આજકાલ બોલબાલા સ્વામીજીઓ અને ગુંડાઓની છે... સુઉં કિયો છો ?
- ગુંડાઓથી આપણે છેતરાતા નથી. એ મહાનુભાવો કમસેકમ પ્રગટ તો છે કે, દેશને કોઈ કામમાં આવવાના નથી...!
(જગજીવન સોની, ઉલ્હાસનગર)

* અશોકજી, અમારા સવાલો કરતા તમારા જવાબો મજાના હોય છે...
- એવું નથી. કૂવામાં હોય છે, એટલે હવાડામાં આવે છે.
(શલુ/ગુની, અમદાવાદ)

* સાચો જવાબ આપજો... ખરેખર ‘ભારત રત્ન’ કોણ કહેવાય... સચિન તેંડુલકર કે અન્ના હજારે ?
- એક લાખ વાર સચિન તેન્ડુલકર જ !
(સતિષ વકીલ, નડીયાદ)

* દેશને ક્રિકેટનો વળગાડ ક્યારે દૂર થશે ?
- શુક્ર કરો ક્રિકેટનો કે, એને લીધે દુનિયા આખીને આપણી સામે સર ઝુકાવીને વાત કરવી પડે છે.. છે... બાકીનું ક્યું ફિલ્ડ એવું છે ?
(કાન્તિલાલ દીપચંદ શાહ, માહેજ)

* પનિહારીની એ મદમસ્ત ચાલ અને રૅમ્પ-વૉક પર મૉડેલ્સની ચાલ વચ્ચે શો ફેર ?
- પનિહારીની ચોળીનો છેડો કદી ય સરકરી જતો નથી... ત્યાં તો છેડા જ નહિ, નાડાં ય છૂટી જાય છે.
(રૂદ્રેશ અઘ્વર્યું, અમદાવાદ)

* પ્રેમ કરતા યુગલોને પોલીસ બળજબરીપૂર્વક છુટાં શા માટે પાડે છે ?
- એ ઊભા થાય તો બીજાનો નંબર લાગે !
(ડૉ. સુનિલ શાહ, રાજકોટ)

24/06/2011

‘જાનવર’ (’૬૫)

ફિલ્મ : ‘જાનવર’ (’૬૫)
નિર્માતા-દિગ્દર્શક : ભપ્પી સોની
સંગીત : શંકર-જયકિશન
ગીતો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ
કલાકારો : પૃથ્વીરાજ કપૂર, શમ્મી કપૂર, રાજશ્રી, રાજેન્દ્રનાથ, રહેમાન, શ્યામા, માધવી, કૃષ્ણ ધવન, મનોરમા, અચલા સચદેવ, શિવરાજ, બ્રહ્મ ભારદ્વાજ, રવિકાંત, રાની, મઘુમતિ


ગીતો
૧. લાલછડી મેદાન ખડી, ક્યા ખૂબ લડી મુહમ્મદ રફી , શૈલેન્દ્ર
૨. તુમસે અચ્છા કૌન હૈ, દિલો જીગર લો જાન લો મુહમ્મદ રફી, હસરત
૩. મેરે સંગ ગા ગૂનગુના, કોઈ ગીત સુહાના સુમન કલ્યાણપુર, હસરત
૪. મેરી મુહબ્બત જવાં રહેગી, સદા રહી હૈ મુહમ્મદ રફી, હસરત
૫. રાત યૂં દિલ મેં તેરી ખોઈ હુઈ યાદ આઈ રફી-લત , ફૈઝ અહેમદ ‘ફૈઝ’
૬. દેખો અબ તો કીસકો નહિ હૈ ખબર આશા, રફી, બલબીર શૈલેન્દ્ર
૭. આંખો આંખો મેં કીસિ સે બાત હુઈ લતા, આશા, મન્ના ડે શૈલેન્દ્ર

’૬૦ના દાયકામાં શમ્મી કપૂરને એક ઍક્ટર તરીકે અમારા સિવાય કોઈ સીરિયસલી લેતું નહોતું. ‘અમારા સિવાય’માં તમે એ જમાનામાં શમ્મીના અમારા જેવા ડાય-હાર્ડ ફૅન હો, તો અમારામાં તમે ય આવી ગયા. શમ્મીને ઉછળકૂદના હીરો તરીકે વગોવવામાં એ વખતના ફિલ્મી પત્રકારો કે રાત્રે ૧૨-થી સવારે ૬-સિવાયના આખા દિવસમાં ગંભીર મોંઢા લઈને ફરતા સારા ઘરના કેટલાક લોકો ય બાકાત નહોતા. યાદ હોય તો ૠષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આનંદ’ના એક દ્રશ્યમાં ઘોડાગાડીની સવારી દરમિયાન, રાજેશ ખન્ના અમિતાભ બચ્ચનને આ ફિલ્મ ‘જાનવર’ના હોર્ડિંગમાં ખાસ શમ્મી કપૂરને બતાવીને કહે છે, ‘‘... વો જાનવર કી તરહા...’’ આમાં ચોખ્ખો ઇશારો શમ્મી કપૂરની ઇમેજને કટ-ટુ-સાઈઝ વેતરી નાંખવાનો હતો.

એ તો એકવાર શમ્મી કપૂરનો જમાનો પૂરો થયો અને પછી આજ સુધી જે કચરાપટ્ટી હીરો આવવા માંડ્યા, તેમને જોઈ લીધા પછી લોકોમાં અક્કલ આવી કે, આ સાલા બધા બનાવટી લાગે છે.. ઓરિજીનલ શમ્મી હતો. એ માત્ર હેન્ડસમ નહોતો. પિતા પૃથ્વીરાજ અને ભાઈઓ રાજ અને શશીની જેમ આખો સ્ક્રીન ભરી દઈને આખા ઑડિયન્સ પર છવાઈ જવાવાળો પ્રભાવશાળી ઍક્ટર હતો. યસ. એક ઍક્ટર તરીકે પણ એનું મૂલ્યાંકન They too ranમાં હરગીઝ ન આવે. શમ્મીને વગોવવાના ૠષિકેશ મુખર્જી જેવા ધીર ગંભીર માણસોને બે મોકા વઘુ મળે, એવી એની અંગત પર્સનાલિટીને પછાડતા નામો પણ એની ફિલ્મોના હતા, જંગલી, જાનવર, બદતમીઝ, બ્લફ માસ્ટર, લાટ સાહબ, પ્રીતમ, બ્રહ્મચારી... ! આમ તો પ્રિન્સ, રાજકુમાર કે પ્રોફેસર સારા નામો કહેવાય, સાવ જાનવર જેવા નહિ પણ આવા સારા ટાઈટલ્સ ધરાવતી ફિલ્મમાં... ફૉર એ ચૅઈન્જ, જાનવર શમ્મી કપૂર નથી... શમ્મીનો ય બાપ જાનવર છે. આઈ મીન, પાપા પૃથ્વીરાજ કપૂરને સ્વભાવના જાનવર બનાવાયા છે, જે પોતાના બન્ને વહાલસોયા દીકરાઓ શમ્મી અને રહેમાનને તેમની ગરીબ પ્રેમિકાઓ અનુક્રમે રાજશ્રી અને શ્યામા સાથે પરણવા દેતા નથી ને વચમાં હળીઓ કરે રાખે છે. એ તો ફિલ્મના અંતે રાઝ ખૂલે છે કે, આજે કરોડપતિ ખુદ પાપાજીને બચપણમાં અનાથાશ્રમમાંથી લાવવામાં આવ્યા હતા, ત્યારે કાકાની આંખો ખુલે છે ને બન્ને ભાઈઓને પરણવાની છૂટ આપે છે.

વાર્તા-ફાર્તા તો સમજ્યા કે, આવી તોફાની ફિલ્મોમાં આપણને ય એનું ખાસ કાંઈ મહત્વ ન હોય, પણ ફિલ્મ શમ્મીની હોય એટલે એ જમાનામાં મુહમ્મદ રફી, શંકર-જયકિશન અને શમ્મીની ત્રિપુટીવાળી કોઈપણ ફિલ્મ આવે - ‘જંગલી’, ‘જાનવર’, ‘ઍન ઇવનિંગ ઈન પૅરિસ’, ‘સચ્ચાઈ’, ‘બદતમીઝ’, ‘બૉય ફ્રેન્ડ’, ‘રાજકુમાર’, ‘દિલ તેરા દીવાના’, ‘પ્રોફેસર’, ‘બ્રહ્મચારી’, ‘પગલા કહીં કા’, ‘પ્રિતમ’, ‘જાને અનજાને’, ‘તુમ સે અચ્છા કૌન હૈ’કે ‘લાટ સાહબ’... એ જમાનામાં ખાસ આ ત્રણેની ત્રિપુટી પાછળ દીવાનો અમારા જેવો ખાસ ક્લાસ હતો. આજે ય ઘણાને યાદ છે કે, દિવાળીના દિવસોમાં થિયેટર ભલે ખટારાછાપ રહ્યું. પણ અમદાવાદના ગાંધી રોડના ફુવારા પાસેની પ્રતાપ ટૉકીઝમાં દર વર્ષે ‘ઍન ઇવનિંગ ઈન પૅરિસ’ આવે, આવે અને આવે જ... જે અમારે જોવાનું, જોવાનું અને જોવાનું જ ...! એ તો હવે ગામનો રણછોડીયો ય જાણે છે કે, રફી, શમ્મી અને જયકિશનની ત્રિપુટી દર રવિવારે મુંબઈના ચર્ચગૅટ પરની ‘ગૅલોર્ડ’ રેસ્ટોરાંમાં ચોક્કસ બેઠા હોય જ. રફી સાહેબે ઉઘાડેછોગ કબુલ્યું છે કે, આજ સુધીની તમામ હિંદી ફિલ્મોનો એમનો સૌથી પ્રિય હીરો શમ્મી કપૂર છે... પછી બીજા અને ત્રીજા નંબરે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર આવે... પણ એ પછી કોઈ નહિ.

જો કે, બહુ ઓછાને ખબર હશે કે, શમ્મીનો પર્મેનન્ટ બારમાસી ફ્રેન્ડ પોપટલાલ ઉર્ફે રાજેન્દ્રનાથ હતો અને તે ય આજકાલનો નહિ, બન્ને ફિલ્મોમાં આવ્યા તે પહેલાંનો. શમ્મીની મોટા ભાગની ફિલ્મોમાં પોપટલાલ હોય જ, એમ આ ‘જાનવર’માં સાચું પૂછો તો હસાવી હસાવીને પિદૂડી કાઢી નાંખે છે. આ પોપટીયો એની આખી બૉડી-લૅંગ્વેજ અને એક્ટિંગમાં સીધી છાંટ સ્ટૅન્લી લૉરેલ (લૉરેલ-હાર્ડી)ની હતી. આ ફિલ્મમાં પોપટલાલની પ્રેમિકા બનતી માધવી વાસ્તવમાં દિગ્દર્શક ભપ્પી સોનીની પત્ની છે. બારમાસી રોતો ચહેરો શિવરાજ રાજશ્રીનો પિતા બને છે, પણ ઘણી અસરકારક વૅમ્પના નાનાનાના રોલ કરતી મનોરમા (જાડી) એના જેવા જ સ્મૉલ-ટાઈમ વિલન રાજન હકસરની પત્ની થાય. માનવું જરા અઘરું પડે, પણ એક જમાનામાં આ મનોરમા ય હીરોઈન હતી હીરોઈન, બોલો !

રાજેન્દ્રનાથ આ ફિલ્મનો ઇન્ટેગ્રલ પાર્ટ છે. પોપટની કોમેડી ફક્ત ‘બફૂનરી’ ઉપર આધારિત હતી. આ શબ્દનો થોડો સહેલો અર્થ થાય, ‘વિદૂષકવેડાં’, જે એને સાઘ્ય હતા. ઓકે. હવે ચર્ચાની ગમ્મત પડે એવી વાત એ છે કે, ચાર્લી ચૅપ્લિન બ્રાન્ડની સૂક્ષ્મ (Subtle) કૉમેડી એટલે બહુ ઊંચી અને આ બફૂનરી એટલે ફાલતૂ, એવા કોઈ ભ્રમમાં રહેવા જેવું નથી. તમને વલ્ગરવેડાં કર્યા વગર નિર્દોષભાવે ખડખડાટ હસાવી પાડે, એવી કોઈ પણ બ્રાન્ડની કૉમેડી ફાલતુ હોઈ જ કેવી રીતે શકે ? બેશક, રાજેન્દ્રનાથ એના ક્ષેત્રના સર્વોત્તમ કૉમેડીયનો પૈકીનો એક હતો. અહીં શમ્મી કપૂરની ડાયરી પડી જાય છે, તે શમ્મી ઉઠાવે તે પહેલા જ કૉલેજની છોકરીઓ જાતે ઉપાડીને શમ્મીને ડાયરી પાછી આપવા પડાપડી કર છે. ખીજાયેલો પોપટ પોતાની ડાયરી જાતે જમીન પર ફેંકીને રાહ જૂએ છે કે, છોકરીઓ પડાપડી કરશે. બધીઓ મોંઢું મચકોડીને જતી રહે છે.

હજી આપણામાંથી કોઈનેય સરખી જુવાની ફૂટી ય નહોતી ને રાહ-બાહ જોયા વિના સીધી કોઈ ધોળીયાને પરણી જનાર આ ફિલ્મની હીરોઈન રાજશ્રી રંગે શ્યામ હોવા છતાં (અથવા એટલે જ) ભારે ખૂબસૂરત લાગતી હતી, એની સાબિતી ‘જાનવર’ જોયા પછી મળે છે કે, આપણે એની સાથે પરણ્યા હોત તો કેવા લાગત !... આ તો એક વાત થાય છે. ફિલ્મ નગરીના મોટા જાયન્ટ સર્જક વ્હી. શાંતારામની દીકરી હોવાને કારણે નૃત્યમાં તો એ નિપુણ હોય જ, પણ ઍક્ટ્રેસ તરીકે ય બહુ સારી. હજી તો ચમનમાં ફૂલ ઊગુંઊગું થાય ત્યાં જ, મુંબઈની ‘સન એન્ડ સૅન્ડ’ હોટેલના સ્વિમિંગ પૂલમાં એ રોજની જેમ સવારે નહાવા જતી (જોયું... ? ઘેર નહાવાની તંગી એકલા આપણા અમદાવાદ-રાજકોટમાં જ નથી...!), ત્યાં એ જ હૉજમાં નહાતો અમેરિકામાં ભણતો જર્મન ધોળીયો તરતા-તરતા એને અથડાયો, એમાં શરમાઈને રાજશ્રીથી જીભડો બહાર નીકળી ગયો. (આ કોઈ મજાક નથી. વાસ્તવિક બનેલી હકીકત છે.) તે એમાં પોતાના દેશના રિવાજ મુજબ, એ ગ્રેગરી ચૅપમેન એવું સમજ્યો કે, આ મને ચુંબન કરવાનું આમંત્રણ આપી રહી છે. તરત કરી લીઘું એમાં બન્ને પ્રેમમાં પડી ગયા ને લગ્ન કરી લીધા. (સાલા રિવાજો આવા હોય... ? ફટ્ટ રે ભૂંડા...!) કહે છે કે, આ ઘટના પછી મુંબઈની વાઈફો એમના ગોરધનોને કમ-સે-કમ ઘેર નવડાવતી થઈ ગઈ’તી...!)

આપણા તો હજી ય જીવો બળે રાખે કે, રાજશ્રી ત્સુનામી વાવાઝોડાં જેવી નીકળી... એક વાર ગઈ, તે પછી કદી પાછી જ ન આવી. આજે એ કેવી લાગતી હશે, એનો ફોટો ય જોવા મળતો નથી. એટલી ખબર છે કે, હાલમાં છેલ્લા ૩૦-વર્ષોથી અમેરિકામાં કપડાંનો બિઝનેસ કરતી રાજશ્રીએ ત્રણ ઇંગ્લિશ ફિલ્મો Hack-O-Lantern, Tainted Love અને Monsoonમાં એ આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી. રાજકપૂરની સાથે ફિલ્મ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’, શશીકપૂર સાથે અડધેથી પડતી મૂકેલી ફિલ્મ ‘નૈના’ અને સાથમાં સંજયખાન સાથેની ‘દિલને પુકારા’, જીતુભ’ઈ સાથે ‘સુહાગરાત’ (ફિલ્મની વાત થાય છે...!), ‘ગીત ગાયા પથ્થરોં ને ’, ‘ગુનાહોં કા દેવતા’, વિશ્વજીત સાથે ‘શેહનાઈ’, ‘દો દિલ, ‘સગાઈ’, મનોજકુમાર સાથે ‘ઘર બસાકે દેખો’ (શબ્દાર્થમાં એ શક્ય નથી !), ધરમ પાજી સાથે ‘મુહબ્બત જીંદગી હૈ’, જાૅય મુખર્જી સાથે ‘જી ચાહતા હૈ’ અને શમ્મીની સાથે ‘બ્રહ્મચારી’ અને આ ‘જાનવર’.

શમ્મી સાથે રાજશ્રીની જોડી ‘બ્રહ્મચારી’ સુધી લંબાઈ હતી. એ વાત જુદી છે કે, રાક્ષસ જેવા શરીરની સાઈઝનો શમ્મી કપૂર અને આ બટકી રાજશ્રી એકબીજાને ભેટતા હોય ત્યારે કોઈ મોટા ગેરેજની બહાર નાનું ‘ઍક્ટિવા’ પાર્ક કર્યું હોય એવું લાગે.

શમ્મીની ધાંયધાય સફળતામાં એની ફિલ્મોના સંગીતકારો અને રફી સાહેબનો મોટો ફાળો ખુદ એ પણ સ્વીકારે છે. રફીના ચાહકોને તો જલસા પડી જાય એવું ય કામ અહીં થયું છે. રાજશ્રી સાથે શિકારામાં મશહૂર શાયર ફૈઝ એહમદ ‘ફૈઝ’ની રચનાઓ મુહમ્મદ રફી અને લતા મંગેશકરના કંઠે મીટરલૅસ (એટલે કે, વચમાં કોઈ સંગીત-બંગીત વગર) ગવાઈ છે. અનેક ફિલ્મોમાં રફીએ આવી, ‘અજીબ રંગ મેં અબ કે બહાર ગૂઝરી હૈ...’ જેવી મીટરલૅસ રચનાઓ ગાઈ છે, જેની રૅકર્ડસ ન મળે, પણ ફિલ્મમાં સાંભળો એ નશો અલગ હોય. શંકર-જયકિશન બાકાયદા સર્વોત્તમ સંગીતકારો હતા... Not just the best, but best ever ! આ મારો અંગત મત હોઈ શકે, પણ હું જાણું છું, આ મામલે મને સપોર્ટ કરનારા હજારો નહિ, લાખો છે.

પણ, આશા-રફી પાસે ગવડાવેલું ‘દેખો અબ તો કીસકો નહિ હૈ ખબર...’ શંકર-જયકિશને બિટલ્સનું આખેઆખું ગીત I want to hold your hand ઉઠાવી લીઘું છે. YouTubeમાં આ ગીત આસાનીથી જોવા/સાંભળવા મળશે. ખાત્રી કરો, કૉપી કેટલી હદે થઈ છે ! ખબર નહિ, એ જમાનામાં હવા એવી ચાલતી હશે કે, ‘બીટલ્સ’ જેવી હૅર-સ્ટાઈલ રાખવાથી બીટલ્સ જેવા દેખાતું હશે. સાચું પૂછો તો આ ગીતમાં ભાગ લેનારા તમામ વાંદરા લાગે છે, શમ્મી કપૂર અને રાજશ્રી પણ. આપણી તૈયારી તો ત્યાં સુધી કહેવાની કે, ઇન્ડિયન છે તો શું થયું, આપણો શમ્મી કોઈપણ બીટલ્સ કરતા વઘુ દેખાવડો લાગે છે. એને આવા વાઘા પહેરવાની ક્યાં જરૂર હતી ?

ફિલ્મ ’૬૦ના દશકની છે, એટલે આપણે સ્કૂલ-કૉલેજમાં હતા, એ જમાનો. આવી ફિલ્મો જોવાનો મજો જ એ પડે કે, એ જમાનાની ફૅશનો અત્યારે નજર સામે જોવા મળે. હીરોઈન રાજશ્રી કપાળની વચ્ચેથી બે ભાગ કરીને બન્ને લમણાં તરફ ઢળતી બે પટ્ટીઓ કાન ઉપરથી પાછળ લઈ જાય, પણ પછી ઊભા અને સીધા ઓળેલા માથામાં હૅર-સ્ટાઈલ ‘પફ’ની. માથા ઉપર આવો ટેકરો ઊગેલો જોઈને અત્યારે હસવું આવે. ક્યારેક બૅક-કૉમ્બિંગ પણ થતું. હીરો કે હીરોઈનોન બહારના દ્રષ્યોમાં માથે હૅર-સ્પ્રે લગાવવું પડતું, જેથી મહાબળેશ્વરના ટૅબલ-માઉન્ટેન્સના શૂટિંગમાં પણ વાળ ન ઊડે. હીરોઈનો આંખોના ખૂણીયા તો હજી હમણાં સુધીની ફિલ્મોમાં કાઢતી.

આ જૂની ફિલ્મોના અંત લગભગ એકસરખા હોય. આઈ મીન, અનેક વાર્તામાં અંતો આવા જ રીપિટ થયે રાખે. હીરો કે હીરોઈન એકબીજાથી રિસાઈને ગુજરાત મૅલ કે સિંગાપુર ઍરલાઈન્સની ફલાઈટ પકડીને કાયમ માટે પરદેશ જતા રહેતા હોય, એ વખતે હીરો ગાડી, મોટર-બાઈક, સાઈકલ કે વીજળીના થાંભલા કૂદતો કૂદતો ઍરપોર્ટ કે સ્ટેશને પહોંચે. લેવા-દેવા વગરના જીવો આપણા અઘ્ધર થઈ જાય, કારણ કે કટોકટીની ઘડીઓ, હૉરર પેદા કરે એવું ફાસ્ટ બૅક-ગ્રાઉન્ડ મ્યુઝિક અને છેક છેલ્લી ઘડીએ હીરોને ટ્રાફિક સિગ્નલ નડે. કાન્તાલક્ષ્મી પણ વિમાનના પગથીયા સુધી પહોંચી ગઈ હોય ને ટેન્શન આપણું વધી જાય. આખરે હીરો સહેજ મોડો પડે છે. એના પહોંચવાની ઘડીએ જ મુવાઓ પ્લેન ઉપાડી મૂકે છે ને હીરો નિરાશ થઈને ઉડતા પ્લેનને જોયે રાખે છે... ‘‘તુમ ચલી ગઈ...? ઇતના ભી નહિ સોચા કિ, મેરા ક્યા હોગા ? આખિર નીકલી ના તુમ ભી ઔરોં કી તરહા બેવફા... ?’’

ત્યાં જ પાછળથી એના ખભે એક ખાલી હાથ મૂકાયેલો દેખાય. પેલો પાછળ જુએ ને ચમકે. ‘‘આ તો કાન્તાલક્ષ્મી... આહ, ઓહ, ઊહ, ઇહ... આ તો ગઈ નથી... યા અલ્લાહ... આખિર તૂને મેરી લાજ બચા લી...!’’

અહીં ઍરપોર્ટ પર ગમે તેવો તડકો, ગરમી અને બફારો હોય, કપડાં પરસેવે રેબઝેબ થઈ ગયા હોય, પણ બન્નેએ એકબીજો ભેટવું તો પડે જ. બન્ને ખૂબ ભેટે છે, ખૂબ ભેટે છે, ખૂબ ભેટે છે કારણ કે અહીં ફિલ્મનો ‘ધી ઍન્ડ’ લાવવાનો હોય છે. આપણે ય થીયેટરમાં ઊભા થતા થતા, પાટલૂન ખંખેરીને રૂમાલ, છત્રી કે સગી વાઈફને ભૂલીને ‘ચલો.. અંતે સહુ સારું થયું’ એક ખુશીયાં મનાવતા પાર્કિંગ -પ્લોટમાં પહોંચી જઈએ છીએ.

22/06/2011

કાગડો દહીંથરૂં લઇ ગયો

હકી સાથેના ૩૫ વર્ષના લગ્નજીવન પછી મેં ઇશ્વરને પ્રાર્થના કરી છે કે, આવનારા સાતેય ભવમાં તું મને આ જ પત્ની આપજે... અને એ પૉસિબલ ન હોય તો આ જ ભવમાં એના જેવી સાત પત્નીઓ આપજે.

મૂળથી હું સંતોષી. વધારાની આપણને કોઇ લાલચ નહિ. ઘણા લાલચુડાઓના તો સાતમાં ય પેટ ન ભરાય. મેં જ વિશ્વના પુરૂષોને એક મહાન સંદેશ આપ્યો છે કે, ન ગમતી તમામ સ્ત્રીઓને માતા ગણવી જોઇએ. મારૂં તો નિશ્ચિતપણે માનવું છે કે, હર એક ગોરધને (ઘેર આવ્યા પછી) તેની પત્નીને પ્રેમ કરવો જોઇએ, પરંતુ એટલા સ્વાર્થી ય ન થઇએ કે, મારી પત્ની સિવાય બીજી બધી માં-બહેનો છે. શું બહારની એ અબળાઓનો તમારા પ્રેમ ઉપર કોઇ હક્ક નહિ? તમે જ એમને નીગ્લૅક્ટ કરશો તો પછી એમનું કોણ?.. ને ઘણીવાર સુંદર સ્ત્રીઓ સામે આપણે નથી જોતાં, તો ય એમનાં મોઢાં ચડી જાય છે. ભ’ઇ, લોકલાજ ખાતરે ય એમને જોઇ લેવી સારી!.. આ તો એક વાત થાય છે. દોસ્તો, પ્રેમ શાશ્વત છે, સર્વવ્યાપી છે, મંદિરના પવિત્ર પ્રસાદ જેવો છે. સહુને ખવડાવવો જોઇએ. પ્રેમમાં કદી ‘આ મારો ને આ તારો’ એવી સંકુચિત ભાવના ન રખાય. એ તો વાપરો એટલો વધે. પણ આ બધી સમજણો મને લાગુ પડતી નહોતી. હકી સાથે મારા લગ્ન થયા, ત્યારે સમાજમાં કોઇ એવો ઉહાપોહ નહતો થયો કે, ‘‘અરે રે... એક આશાસ્પદ યુવાન આપણે ગૂમાવી દીધો ને હકી લઇ ગઇ...!’’ એક્ચ્યૂઅલી, મને પરણતો જોઇને ઓળખીતાઓએ તો એવો નિઃસાસો નાંખ્યો હતો કે, ‘‘ઓહો.. આના જેવા ય પરણી જાય છે..??? મારા પરણ્યા પછી અડઘું ખાડીયા ખુશ થયું હતું કે, એક ચિંતા ઓછી થઇ!

લગ્ન વખતે અમે ખાડીયાની ખત્રીપોળમાં રહેતા અને બીજું મકાન મોટા સુથારવાડામાં ભાડે રાખ્યું હતું. દિવસમાં ૪-૫ વખત બંને ઘરોના આંટાફેરા થાય. દેખાવમાં હકી મારા કરતા તો ઘણી સારી. અમને બંનેને સાથે જતા જોઇને, અમારી ખત્રી પોળ, વચમાં આવતી જેઠાભાઇની પોળ કે મોટા સુથારવાડાના ઘણા રહીશોના જીવો બળી જતા ને કોક પાછળથી બોલતું ય ખરૂં, ‘‘હાળો કાગડો દહીંથરૂં લઇ ગયો...!’’

આ બાજુ મને પાછું કાગડો ગણાવાનું કોઇ અભિમાન નહિ. દુનિયાના મોંઢે થોડી કાંઇ સૅલો-ટૅપો મરાય છે? આ તો એક વાત થાય છે. આમ તો હું ય પાછો સાવ કાંઇ નાંખી દેવા જેવો કૅસ નહતો. દૂરથી મને સાઇડમાંથી જુઓ તો હું ય જુવાન જવાહરલાલ નેહરૂ જેવો લાગતો હતો.. કલર- સ્કીમમાં કોઇ ૧૯-૨૦નો ફેર પડે! એ જમાનો જ એવો હતો કે, અમે બે બહાર નીકળીએ એટલે વટેમાર્ગુઓમાં જીવદયા ફૂટી નીકળતી. (સૉરી.. ફાટી નીકળતી!) પુરૂષો તો સમજ્યા, સ્ત્રીઓ ય હકીને જોઇને જીવો બાળે કે. ‘‘બિચારી ભરાઇ ગઇ લાગે છે!’’ ‘‘પાછું, મારી સામે બધા ‘ફટ્‌ટ રે ભૂંડા...’ના અંદાજથી જોતા. એક બળવાન પુરૂષના પગે વળગીને એક સૌંદર્યવાન અબળા જમીન પર ઘસડાતી હોય, એવા પ્રસંગો જૂનાં ઐતિહાસિક તૈલચિત્રોમાં જોવા મળતા. અહીં તો કેમ જાણે મઘુબાલાને મેહમુદ પૈણીને લઇ જતો હોય, એવી દયામણી દ્રષ્ટિઓ અમારી ઉપર ફેંકવામાં આવતી. હું બની શકે એટલી સહાય એ વટેમાર્ગુઓને કરવા તત્પર હતો, એટલે રોજેરોજ બને એટલો વધારે હેન્ડસમ બનવાના ટ્રાયો મારતો, જેથી જનતાનું દુઃખ (પ્રમાણમાં) હળવું થાય અને સમાજને એક નવો ચેહરો મળે.

અલબત્ત, એ સમયના ગુજરાતી સમાજમાં માહિતી માંગવાની કોઇ આવડત નહિ. કોક લગ્નપ્રસંગે અમે ઊભા હોઇએ, ત્યાં હકીને કોક પૂછે, ‘‘આ તમારા સસરા છે...?’’ જો કે, મોટા ભાગનાઓ વાતચીત કરવા માટે મને તો સીધો માફ જ કરી દે... હું ઊભો હોઉં તો ય મને કષ્ટ આપવાને બદલે હકી સાથે જ ‘‘કેમ છો? કેમ નહિ,...!’’થી શરૂઆત થાય. મળવા મને આવે, પણ વાતો હકી સાથે કરે. હું તો બાજુમાં ઊભેલા અંગરક્ષક જેવો લાગતો. પણ જો આને મારો ભવ્ય ત્યાગ કહેવાય, તો ભૂંડાઓ વળતું સૌજન્ય બતાવતા નહોતા... એમની વાઇફો સાથે આપણને વાતો કરવા ન મોકલે.

‘‘અસોક.. ઓલા ભા’ય મારી હામું ટગરટગર જુવે છે..’’ મેં કીઘું, ‘‘તું આની કોર હાઇલી આવ... એ મને જોશે પછી એની બા સામે ય જોતો બંધ થઇ જશે!’’ આપણને એમ કે, એને હકીમાં નહિ તો મારામાં એની મમ્મીના દર્શન થાય.

આ બાજુ જે કાંઇ ગુમાવવાનું હતું, એ તો હકીએ હતું. મને હરહંમેશ હું સ્વયં શ્રીકૃષ્ણ હોવાનું ફીલ કરતો હતો. ‘રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા... હોઓઓઓ?’’ પણ જગતમાં જેનું કોઇ નથી, એના ભગવાન છે. ધીમે ધીમે મારા અર્થઘટનો અને નિરીક્ષણો બદલાયા. મારા નોંધવામાં એ આવ્યું કે, સંસારમાં મારા જેવા કાગડાઓ (અને કાગડીઓ) તો બહુ પડયા છે. બેમાંથી એકમાં મ્હોં-માથાનો કોઇ મેળ જ ન હોય. અનેક અપ્રતીમ સુંદર વાઇફોના ગોરધનો જુઓ... મીઠાઇના શો- કેસમાં જુતું મૂક્યું હોય એવા લાગે. છાતી ઉપર ગરમ દાળ રેડી હોય, એવો ઝટકો ઘણા હેન્ડસમ યુવાનની માયાવતીને જોઇને લાગે. પેલો આનામાં કઇ કમાણી ઉપર ભરાયો હશે, તેની ખબર ન પડે. ઘણા કેસોમાં આનાથી ઊલટું ય હોય... મારા જેવું! પણ સમસ્યામાં ઊંડા ઉતરતા એ તારણ નીકળ્યું કે, પતિ-પત્ની બંને સરખા સુંદર હોય, એવું જવલ્લે બને છે, પણ એક સરખા ‘કાલી ટોપી લાલ રૂમાલ’ જેવા દેખાતા હોય, એવું તો લગભગ ઘેરઘેર છે. બન્નેમાં ઠેકાણા ન મળે! સુંદર પત્ની હોવાનો મોટો ફાયદો એ છે કે, રસ્તા ઉપર ગાડીમાં પંકચર પડયું હોય, તો હોંશે હોંશે ટાયર બદલી આપવા માટે તાબડતોબ ઘટનાસ્થળ પર જ ‘રેડી-ટુ-યૂઝ સાળાઓ’ મળી રહે છે. (મારી ગાડીને હજી સુધી મારે હાથ લગાડવો પડયો નથી. એ લોકો જ ગાડી ધોઇ-બોઇ જાય... એ જુદી વાત છે કે, હકી લંડન ગઇ હોય, તેના છ મહિના મારી ગાડી તો ઠીક મારું પેટ બગડ્યું હોય તો ય કોઇ આવતું નથી... આ તો એક વાત થાય છે..!)

મારી બીજી શોધ પણ સમાજોપયોગી છે.

.. પતિ પત્ની બેમાંથી એક તાકો નુકસાની હોય, તો.. ફિકર નૉટ! ચેહરો તમારા હાથની વાત નથી. એ તો ઉપરથી જેવો તમે લઇને આવ્યા હો, એ જ વાપરવો પડે. જે આપ્યો છે, તેને વધારે ખરાબ લાગવા ન દેવો, એ ચોક્કસ આપણા હાથની વાત છે. ઇશ્વર અને સાયન્સ- બંનેમાં ગમે તેટલું માનતા હો, ફાલતું ચેહરાને સુંદર બનાવી આપવાની તાકાત તો એ બંને પાસે ય નથી. વાઇફ અતિસુંદર હોય તો દેખાવમાં એની બરોબરીમાં ટકી રહેવાના પ્રયત્નો વ્યર્થ છે. ઓછા ખરાબ દેખાવાનું બેશક તમારા હાથમાં છે. પણ સંસ્થાના ઘ્યાનમાં આવ્યું છે કે, નુકસાની તાકો પોતાની જાતે જ વધારે કદરૂપા દેખાવાના પ્રયત્નો કરતો હોય છે. રહે પણ લઘરા જેવા. કાળા ડામર જેવા હોય, એ કપડાં પણ કાળા ભમ્મર પહેરે. ફિલ્મોમાં હીરો-હીરોઇનોને કાળા કપડાં પહેરેલાં જોયા હોય, એની અસર આ લોકો ઉપર બહુ બૂરી પડે છે કે, એ લોકો સારા લાગે છે, એમ આપણે પણ સારા લાગીશું. તારી ભલી થાય ચમના.. વાંદરાના હાથમાં ‘ફેર એન્ડ લવલી’નું ડબલું આઇ જાય એવો ઉપડ નહિ.. ડબલું કાળું થઇ જશે...!

કુદરતનો ખૌફ ભલે હોય કે, ચહેરે મહોરે કદરૂપા લોકો રહે છે પણ એવી રીતે કે, એ વધારે કદરૂપા લાગે. મૂળ કારણ, દેખાવના નામનું એમણે મનથી નહાઇ નાંખ્યું હોય છે. પણ બધાનું એવું નથી હોતું. એક તો ઇશ્વરે ચહેરો સરખો ન આપ્યો ને એમાં આ લોકો ઇશ્વરને વધારે સાચો ઠેરવવામાં માથામાં અડધી ડાઇ કરીને ફરે છે.

હેર-ડાઇ ચોપડવામાં આપણી પ્રજા આરંભે શૂરી છે. પછી પાપીનું પોત ધીમે ધીમે પ્રકાશે, ને કાળા સોફા ઉપર સફેદ ડાઘા પડયા હોય, એમ એમના કાળા માથામાં સફેદ ડચૂરો બાઝવા માંડે. નીચે મદારી આવ્યો હોય ને આજુબાજુના ફ્‌લેટોમાંથી જુદા જુદા બાળકો ‘અમે રહી ગયા’ની લાલચે નીચે આવવા માંડે, એમ સફેદ ઝૂમખાની સંગસંગ બ્રાઉન, ભૂખરો, કેસરીયો, તપખીરીયો અને કાળીયો તો ખરો જ. એક સાથે ૫-૭ કલર એમના ભોડામાં દેખાય. પણ એની એને ફીકર ન હોય. ડાઇ કરાવતી વખતે જ દીકરી પૈણાવવા જેવી હોંશ. સાલું, કિચનના ભરાઇ ગયેલા સિન્ક જેવું એનું આવું માથું આપણે જોવું પડે, ને પછી બાલ્કનીમાં ઊભો ઊભો ફરિયાદ કરે કે, બધા મારી વાઇફની સામે બહુ જો જો કરે છે. આવાઓની તો બાઓ ય આવી ડાઇઓ ચોપડીને બેઠી હોય, એટલે એ ય શેની ખીજાય..?

.. ડાઇ બાકી રહી ન જાય એ જોવા માથામાં કચકચાવીને તેલો રેડયા હોય, એ ય આપણે જોવાના ને સાલી બહુ નજીક આવી ગઇ હોય તો સુંઘવાના ય આપણે.

ભારત સિવાય દુનિયાભરના એકે ય દેશમાં કોઇ તેલ નાંખતું નથી, પણ રામ જાણે કોણે ભરાવી દીઘું છે કે, માથે તેલ નાંખવાથી વાળ ઉતરે નહિ કે ધોળા ન થાય. આવી સ્ત્રીઓનું ચાલે તો રોજ સવારે સાબુ કે શેમ્પૂને બદલે શરીર પર તેલો ચોપડી- ચોપડીને નહાય..‘‘પાની મેં જલે મેરા ગોરા બદન પાની મેં.. હોઓઓઓ!’’

સાયન્સ પણ સાબિત કરી ચૂકયું છે કે, તેલને વાળ ઉતરવા/ચઢવા સાથે કોઇ સંબંધ નથી. એ લોકો પોતે કેટલા નસીબદાર હોય છે કે, એમનું તેલ નિતરતું ચીકણું માથું એમને પોતાને જોવું નથી પડતું.. આપણે જોવું પડે છે.. ફ્રેન્કલી કહું તો, રૂપિયા- બૂપિયા લેવાના ન હોય તો માથે તેલ નાખેલી કોઇપણ વ્યક્તિ સામે હું ઊભો પણ રહેતો નથી. (મને ઝાટકો લાગે કે, આવી સ્ત્રીઓના ગોરધનોને ય ગંધ નહિ મારતી હોય..? ઉપવાસો ચાલતા હોય તો અલગ વાત છે!) તમે અમારી ડિમ્પલ કાપડીયાને માથે કદી તેલ નાંખેલી જોઇ..? અમારામાં એવું હોય જ નહિ...! (કેવું ના હોય...???  જવાબ :  એવું ના હોય. જવાબ પૂરો)

પણ કજોડાઓ વિશેની મારી આખરી શોધ સાલી ખડખડાટ હસાવી દે. એવી તોફાની તબિયતની છે. જેની વાઇફ આવી, ‘‘છૂટ્ટા નથી, આગળ જાઓ, બેન ‘‘બ્રાન્ડની હોય એનો ગોરધન સાલો એની ઉપર બહુ વહેમાતો હોય, બોલો! એની ઉપર વહેમાય એ માફ, પણ સાલો આપણી ઉપરે ય વહેમાય. કેમ જાણે આપણે રીક્ષા બહાર ઊભી રાખીને આયા હોઇએ ને એની આવી-‘તોડી નાંખ તબલા ને ફોડી નાંખ પેટી-’ છાપની વાઇફને ભગાડી જવાના હોઇએ, એવી વહેમાતો હોય, ડોબો. તો બીજી બાજુ, જેના ગોરધનને છુટક ભાવે વેચવા કાઢો તો કોઇ ચણા ય ના આલે, એવી વાઇફો પતિને ખૂબ પ્રેમ કરતી હોય છે... કાંઇ સમજ્યા...?

સિક્સર
- કહે છે કે, બાબા રામદેવ હવે નવો યોગ શીખવાડવાના છે...’ ઉપવાસ-તોડુ યોગ’. રોજ બેસવાનો ને રોજ તોડવાનો.

20/06/2011

ઍનકાઉન્ટર : 20-06-2011

* દેશ અધોગતિના રસ્તે છે, છતાં મનમોહનસિંઘ કે સોનિયાનું પૂંછડું કેમ છોડતા નથી ?
- When rape is inevitable, enjoy it.
(એચ. બી. શર્મા, કાલોલ- પંચમહાલ)

* મની-પાવર અને મસલ્સ પાવરમાં જોર કોનું વધારે હોય ?
- ક્યાં વાપરવું છે, એની ઉપર આધાર છે.
(કમલા એસ. ચૌહાણ, રાજકોટ)

* મને નાકમાંથી બોલવાની આદત છે. મારે શું કરવું જોઈએ ?
- ડૉ. હિમેશ રેશમીયાને બતાવી જુઓ.
(ભાવિન કે. ગલચર, સુરત)

* ‘કૌન બનેગા કરોપડપતિ’માં અમિતાભને બદલે તમને બેસાડવામાં આવે તો ?
- આઈડીયા બુરા નહિ હૈં... પણ વડોદરામાં કોઈ તમને જીવતા નહિ
છોડે...!
(હરવિંદરસિંઘ સી. શીખ, વડોદરા)

* રશિયન કહેવત છે, ‘જેની માં સ્વૅટર ગૂંથે છે,એ દીકરાને શરદી થતી નથી.’
- ઈન્ડિયામાં બાબલા માટે ખાદીના ઝભ્ભા-લેંઘા ગૂંથાય છે ને શરદી આખા દેશને થાય છે.
(ભરત ડી. સાંખલા, વડોદરા)

* હજી આપણે ત્યાં કસાબ-અફઝલ ગુરૂ નિભાવ-ટૅક્સ કેમ નથી આવ્યો ?
- આવે તો ય આપણે શું તોડીને ભડાકા કરી લેવાના છીએ ? ઈશ્વરને પ્રાર્થના કરો કે, નૅકસ્ટ ટાઈમ કસાબ કે અફઝલને બદલે કોઈ ગણપત કે મોહન પકડાય.
(ડૉ. રજનિ ગેરીયા, ધોરાજી)

* પ્રેમ તૂટે તેનો આઘાત છોકરા કરતાં છોકરીને કેમ વધારે લાગે છે ?
- હવે બીજો બોકડો ક્યારે મળશે, એની ચિંતા.
(કિશોર બાબરીયા, પાલિતાણા)

* મારા પત્ની બીમાર પડે ત્યારે, તેના મૃત્યુ બાદ મને તરત બીજા લગ્ન કરી લેવાનું કહે છે.
- આમાં ટાઈમો ના વેડફાય... લગ્નનું તાબડતોબ પતાવી જ દો. સૌ સારા વાનાં થશે એ તો !
(મઘુકર પી. માંકડ, જામનગર)

* પોતે ભૂખ્યા રહીને બીજાને ખાવા દેવાથી શું ફાયદો ?
- અજાણતામાં તમે ડૉ. મનમોહનસિંઘજીના વખાણ કરી રહ્યા છો. તમારા બા ય ખીજાતા નથી ?
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

* ઘેર બિન બુલાયે મેહમાન આવી જાય તો શું કરવું ?
- ઘરમાં માજી, જૂનું આલ્બમ, કૂતરો કે બાળક... જે કાંઈ પડ્યું હોય એ એમને વળગાડી દો.
(કૌમિલ શાહ, જામજોધપુર)

* ‘મુન્ની બદનામ હુઈ’ અને ‘શીલા કી જવાની’ જેવા ગીતો સાંભળીને આપનો શો અભિપ્રાય છે ?
- બન્ને કાવ્યોને તેમની સર્જન-પ્રક્રિયાના સંશોધન-નિબંધાર્થે સાહિત્ય પરિષદમાં મોકલી આપો.
(પિનાકીન ઠાકોર, અમદાવાદ)

* ફિલ્મ ‘અવતાર’ કે ‘પા’... તમને ક્યો રોલ કરવો ગમે ?
- તો ‘ઍનકાઉન્ટર’માં વળી ક્યો રોલ ભજવી રહ્યો છું ?
(ઝરણા/ગજેન્દ્ર/શ્રીનંદ/દિવ્યા, અમદાવાદ)

* ‘જ્યાં સ્ત્રીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે.’ આમાં દેવોનો હેતુ શું હશે ?
- એ લોકોનું આપણા જેવું જ હોય.... ઘરમાં બૉર થતા હોય, એટલે બે ઘડી બહાર આંટો મારી આવે !
(ચિત્તરંજન વ. વરિયા, સુરેન્દ્રનગર)

* લોકો એમના ભૂતકાળની ગરીબી ભૂલી જઈને વર્તમાનની તવંગરીમાં છકી કેમ જાય છે ?
- ગરીબીમાં છકાવા જેવું શું શકોરૂં હોય ?
(શાહ ગોવિંદલાલ બલદેવદાસ, પૂર્ણે-મહારાષ્ટ્ર)

* ‘પ્રેમ’ તો હૃદયનો પોકાર છે, છતાં લોકો એનો ગલત મતલબ કેમ કાઢે છે ?
- પ્રેમવાળાઓને તો આ રોજનું થયું.. લોકોને બીજા કોઈ કામધંધા હોય કે નહિ ?
(શમિમ ઉસ્માની, મુંબઈ)

* તમારા સફળ લગ્નજીવનમાં મોટો ફાળો તમારો કે પત્નીનો ?
- ઘણી બધી પત્નીઓનો.
(જયેશ અંતાણી, ભાવનગર)

* ભરવાડ બનીને ઊભા ઊભા જોયે રાખતા વડાપ્રધાન, અબજો રૂપિયા ચાઉં કરી જનારા ઘેટાઓને છુટથી કેમ ચરવા દે છે ?
- ભરવાડ કોકનો નોકરિયાત છે..!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ઘડીયાળ અને સ્ત્રી વચ્ચે શો ફરક ?
- ઘડીયાળ આપણને બંધાયેલી છે..
(શૈલેષ બી. ડાભી, મોટી મુંડેલ-કઠલાલ)

* આજની હીરોઈનો ટૂંકા વસ્ત્રો પહેરીને પીઠ બતાવતી પાછળ જોતી હોય, એવો પૉઝ કેમ આપે છે ?
- એવું કાંઈ નહિ. તમે ઈચ્છો તો તમે ય એવો પૉઝ આપી શકો છો.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* એક જમાનાના સંતો ભગવાનની જેમ પૂજાતા... આજે કોઈ એવા સંતો છે, જેમને વંદન કરવાનું મન થાય ?
- તમે મારી નમ્રતાની બહુ મોટી પરીક્ષા કરી રહ્યા છો..!
(દર્શના કમલેશ કારીયા, મુંબઈ)

* મહાન દાર્શનિક જે. કૃષ્ણમૂર્તિ કહે છે, ‘‘વિશ્વ ક્રૂર, હિંસક અને નિર્દય છે.’’ સાચું ?
- થોડા ઓછા મહાન દોઢ દાર્શનિક ડી. અશોકમૂર્તિજી કહે છે, ‘‘...એમાં આપણા ફાધરનું શું જાય છે ?’’
(ડી. ડી. અણજારા, અકવાડા, ભાવનગર)

* પહેલાના જમાનામાં ફોન પર અમે ફક્ત રૂા. ૧/-માં ૪-૫ કલાક વાતો કરી શકતા... આજે તો એક મિનિટનો એક રૂપિયો....?
- મને તો જેની સાથે તમે ૪-૫ કલાક વાતો કરી શકતા હતા, એનું શું થયું હશે, એની ચિંતા થાય છે...!
(કવિતા કપિલ સોતા, મુંબઈ)

* હેત, પ્રિત અને પ્રેમ... આ ત્રણેમાંથી મારે કોની પસંદગી કરવી જોઈએ ?
- એ ત્રણેમાંથી લાખોની પસંદ કાચબા છાપ બ્લૅડથી દાઢી કરતો હોય એની.
(પૂજા રણા, જંબુસર)

* ‘ઍનકાઉન્ટર’ની સાઈઝ વધારી કેમ ન શકાય ?
- બીજા બધા લેખકોની બાઓ ખીજાય.
(મીરા ઉપાઘ્યાય, માલણકા- ભાવનગર)

* તમને સૌથી કંટાળાજનક લાગતું કામ કયું ?
- સાહિત્યિક ભાષણો સાંભળવાનું.
(ચંદ્રકાન્ત જાની, જામનગર)

* લગ્નવિધિમાં વરને એકની સાથે બીજી એક કન્યા ફ્રી આપવામાં આવે તો ?
- હાલમાં દુનિયાભરના ગોરમહારાજો કન્યાને એકની સામે બીજો એક વર ફ્રી આપવાનું વિચારી રહ્યા છે.
(દિલીપ ધંઘૂકીયા, અમદાવાદ)

17/06/2011

‘અનારકલી’ (’૫૩)

ફિલ્મ ‘અનારકલી’ (’૫૩)
નિર્માતા : ફિલ્મીસ્તાન સ્ટુડીયોઝ
દિગ્દર્શક : નંદલાલ જસવંતલાલ
સંગીત : સી. રામચંદ્ર
ગીતો : રાજેન્દ્રકૃષ્ણ
રનિંગ ટાઈમ : ૧૭૫-મિનીટ્‌સ
કલાકારો : બીના રૉય, પ્રદીપકુમાર, કુલદીપ કૌર, મુબારક, નૂરજહાં, એસ.એલ.પુરી, મનમોહનકૃષ્ણ, રૂબી માયર્સ (સુલોચના)
ગીતો
૧. યે ઝીંદગી ઉસી કી હૈ, જો કીસી કા હો ગયા લતા મંગેશકર (રાજેન્દ્રકૃષ્ણ)
૨. આજા અબ તો આજા, મેરી કિસ્મત કે ખરીદાર લતા મંગેશકર (શૈલેન્દ્ર)
૩. મુઝસે મત પૂછ મેરે ઇશ્ક મેં ક્યા રખ્ખા હૈ લતા મંગેશકર (રાજેન્દ્રકૃષ્ણ)
૪. દુઆ કર ગમે દિલ, ખુદા સે દુઆ કર લતા મંગેશકર (શૈલેન્દ્ર)
૫. જાગ દર્દે ઇશ્ક જાગ, દિલ કો બેકરાર કર હેમંતકુમાર (રાજેન્દ્રકૃષ્ણ)
૬. મુહબ્બત ઐસી ધડકન હૈ, જો સમજાઈ લતા મંગેશકર (હસરત જયપુરી)
૭. જીંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ હેમંતકુમાર (રાજેન્દ્રકૃષ્ણ)
૮. ઓ આસમાનવાલે શિકવા હૈ જીંદગી કા લતા મંગેશકર (હસરત જયપુરી)
૯. આ જાને વફા, આ જાને વફા ગીતાદત્ત (જાં નિસાર અખ્તર)
૧૦. અય બાદેસબા આહિસ્તા ચલ, યહાં સોઈ હુઈ હૈ અનારકલી (હેમંતકુમાર)
૧૧. જમાના યે સમજા કે હમ પી કે આયે લતા મંગેશકર
(આખી ફિલ્મમાંથી ફક્ત ગીત નં. ૯ સંગીતકાર બસંત પ્રકાશે બનાવ્યું હતું. ફિલ્મના ટાઈટલ્સમાં બીજા એક ગીતકાર તરીકે અલી સરદાર જાફરીનું નામ છે, પણ એમનું ગીત કયું, તેની માહિતી મળી નથી.)

ફિલ્મ ‘અનારકલી’ ફિલ્મીસ્તાન સ્ટુડિયોઝમાં બનેલી ફિલ્મ. એ જમાનામાં ‘ફિલ્મીસ્તાન’ વર્ષની બે-ત્રણ ફિલ્મો બનાવતું હતું, તેના માલિક શશધર મુખર્જી જૉય મુખર્જીના ફાધર થાય. આ સંદર્ભથી વાતની શરૂઆત કરવાનું કારણ એટલું જ કે, ’૫૩ની સાલમાં બનેલી આ ફિલ્મના હજી સાતેક વર્ષ પહેલા જ મૂળ ડેન્ટિસ્ટ (ડૉક્ટર) સંગીતકાર ગુલામ હૈદર લતા મંગેશકરનું મૅટલ પારખનાર પ્રથમ સંગીતકાર હતા. ભાગલા પછી એ તો પાકિસ્તાન જતા રહેવાના હતા, પણ જતા પહેલા એ નાનકડી લતાને શશધર મુખર્જી પાસે લઈ ગયા કે, આ નવી ગાયિકાને અજમાવવા જેવી છે. સાંભળ્યા પછી બાબુ મોશાય ખુશ થવાને બદલે નારાજ થઈ ગયા ને, ડૉક્ટરને ચોખ્ખું કહી દીઘું, ‘‘આ છોકરી નહિ ચાલે... અવાજ બહુ પતલો છે.’’ મુખર્જીના દાંત પાડવાના હોત તો આસાન હોત, પણ અહીં તો મામલો જુદો હતો. માસ્ટર ગુલામ હૈદરે કહી દીઘું, ‘‘આજે જેને તમે પાછી કાઢો છો, એ છોકરીના દરવાજે આજ પછી સંગીતકારોની લાઈન લાગશે.’’ આજ સુધી ફિલ્મી-પત્રકારો શશધર મુખર્જી ઉપર હસી પડે છે કે, કેવો નિર્માતા કહેવાય ? લતાના કંઠને ઓળખી ના શક્યો ? પણ એ વખતના સંદર્ભમાં એ બિલકુલ સાચા હતા. એ વખતની ફિલ્મોમાં જોહરાજાન અંબાલેવાલી, શમશાદ બેગમ, નૂરજહાં, અમીરબાઈ કર્ણાટકી અને આજુબાજુની એવી તમામ ગાયિકાઓના અવાજમાં તવાયફી-ટચ, પંજાબી છાંટ અને અવાજમાં તપાવેલું તાંબાપણું હોવું અનિવાર્ય હતું. મુખર્જી સાચા હોવાની બીજી એક સાબિતી એ કે, લતાની જ કૅડરમાં આવતી અનિલ બિશ્વાસની બહેન અને ગાયિકા પારૂલ ઘોષ (બાંસુરીવાદક પન્નાલાલ ઘોષની પત્ની) લતા જેવી જ મીઠડી હતી... તવાયફીપણું એના કંઠમાં ય નહોતું, તો ન જ ચાલી. (મારું ઑલટાઈમ ફૅવરિટ ગીત આ ગાયિકાને નામ છે, ‘ગુનગુન ગુનગુન બોલે ભંવરવા...’)

હવે, ફિલ્મીસ્તાને ‘અનારકલી’ શરૂ કરી, ત્યારે એના સંગીતકાર ખેમચંદ પ્રકાશના નાના ભાઈ બસંત પ્રકાશ હતા. (જેમના સંગીતમાં આશા ભોંસલે-મહેન્દ્ર કપૂરનું અફલાતુન યુગલ ગીત ‘રફતા રફતા વો મેરી તસ્કીં કા સામાં, હો ગયે, પહેલે દિલ, ફિર દિલરૂબા, ફિર દિલ કે મેહમાં હો ગયે’ - ફિલ્મ ‘હમ કહાં જા રહે હૈ’) ગીતાદત્તના અવાજમાં આ ફિલ્મનું પહેલું ગીત ‘આ જાને વફા’ એમણે રૅકોર્ડ પણ કરી લીઘું હતું, પણ કોક વિવાદને કારણે મુખર્જીએ આ સંગીતકારની હકાલપટ્ટી કરી ને સંગીત સી.રામચંદ્રને સોંપવામાં આવ્યું, તો એમણે પહેલી શરત એ કરી કે, ‘અનારકલી’ના તમામ ગીતો લતા મંગેશકર જ ગાશે. (યસ. લતા સાથે એ વખતે રવિવારની રજા પણ પાડ્યા વગર કાકાને ઘર-ધર રમવાના સંબંધો હતા...!) અને બીજી શરત, ગીતાદત્તનું ગીત કાઢી નાંખવાનું. કોક કારણોસર ગીતાનું ગીત તો ન કઢાયું, પણ સાર એટલો કે, જે લતાને ફિલ્મીસ્તાનના સર્વેસર્વાએ રીજેક્ટ કરી હતી, એ જ લતાના તમામ ગીતોને કારણે ફિલ્મ ‘અનારકલી’ એની રજુઆતના આજે ૫૮-વર્ષો પછી પણ ઝગમગે છે. અકબર-સલીમ અને અનારકલીની થીમ પર પાંચ-છ વર્ષ પછી કે. આસિફે ફિલ્મ ‘મુગલે આઝમ’ બનાવી,પણ એક ત્રીજી ફિલ્મ પણ આ વાર્તા ઉપર બનતા બનતા સહેજમાં રહી ગઈ, જેના સંગીતકાર અનિલ બિશ્વાસ હતા. ફિલ્મને અંતે અનારકલીને દિવાલમાં જીવતી ચણી દેવાનો ક્રૂર નિર્ણય જિલ્લે-ઇલાહી લે છે, ત્યારે ચણાતા-ચણાતા લતાના કંઠે ગીત ગવાય છે, એ જ અર્થઘટનનું ગીત અનિલ બિશ્વાસની ‘અનારકલી’ માટે પણ તૈયાર થઈને પડ્યું હતુ, ‘અલ્લાહ ભી હૈ, મલ્લાહ ભી હૈ, કશ્તિ હૈ કિ ડૂબી જાતી હૈ’.

એ અનારકલી તો ન બની, એટલે અનિલ દાએ એ જ ગીત એમની બીજી ફિલ્મ ‘માન’માં ગોઠવી દીઘું... પણ ગીતના જન્માક્ષર જુઓ. આ ગીત જન્મ્યું હતું, રાજરાણીસમી સુંદરી અનારકલી માટે, પણ ફિલ્મ ‘માન’માં એ એક ભિખારણના કંઠમાં રજુ થયું.

ફિલ્મની વાર્તા એટલે ‘મુગલે આઝમ’ જ, એટલે અહીં રીપિટ કરવાની જરૂર નથી લાગતી, પણ બે-ચાર વાતો તમને વાંચવાની અને મને લખવાની મઝા પડે એવી છે, જેમ કે મઘુબાલાની સરખામણીમાં તો ચૌદે બ્રહ્માંડોમાંથી મારી-તમારી વાઈફ સિવાય બીજી કોઈ સુંદરી ન આવી શકે, પણ બીના રૉયને તમે સરખી રીતે જોઈ હોય તો કબુલ કરશો કે, અનારકલી કે કોઈ બી કલી માટે સુંદરતાની દુનિયામાં એ મઘુબાલા કે કોઈ બી બાલાથી એક ડિજીટ પણ કમ નહોતી. આમ અત્યારે સાલું લાગી આવે કે, આવી સ્ત્રીઓત્તમ સ્ત્રી કોઈ નહિ ને પેલા ગેન્ડા પ્રેમનાથને શું જોઈને પરણી હશે ? પણ હકીકત એ છે કે, તમને દેવ આનંદવાળી ‘જ્હૉની મેરા નામ’ છાપનો પ્રેમનાથ યાદ રહી ગયો છે એટલે ગેંડો યાદ આવે, પણ ફિલ્મ ‘આન’,‘બરસાત’, ‘આગ’ કે ‘બાદલ’ જેવી ફિલ્મોના પ્રેમનાથને યાદ કરો તો માચોમૅન લાગતો આ હૅન્ડસમ એ વખતે તો બાય ગૉડ... રાજ કપુરો અને દિલીપકુમારોને ય દેખાવમાં બાજુ પર રાખી દઈ શકે, એવો સમર્થ હતો. એ તો હવે બહુ જાણીતી વાત છે કે, પ્રેમનાથ અને દિલીપકુમાર બન્ને એકબીજાના અંતરંગ મિત્રો અને બન્ને એક સાથે મઘુબાલાના ફિફટી-ફિફટી પ્રેમમાં હતા. મઘુબાલાને પોતાનું માર્કેટ સાચવવાનું હોવાથી ઇશ્કે-મિજાજીમાં એ, સેવાદળના આ બન્ને કાર્યકરોને રાજી રાખતી. કહે છે કે, મઘુબાલા બહુ દયાળુ હતી. આંગણે આવેલા કોઈને ના પાડી નહોતી શકતી, એટલે ભારત ભૂષણ અને પ્રદીપકુમારો પણ રથજાત્રાનો પ્રસાદ લઈ આવતા... કિશોર તો રથ ખેંચવા જવામાં કારણ વગરનો ખેંચાઈ ગયેલો...!

પહેલા એક વાતે આ લેખક અને બધા વાચકો એક વાતે સહમત થઈ જઈએ કે, કે. આસિફવાળી હોય કે ફિલ્મીસ્તાનવાળી હોય, મુગલીયા-સલ્તનતમાં ‘અનારકલી’ નામની કોઈ સ્ત્રી હતી-બતી નહિ. ઇતિહાસનું કોઈ સમર્થન એને મળતું નથી. શેહજાદો સલીમ ચોક્કસ હતો, જેને આપણે બાદશાહ જહાંગીરના નામથી ઓળખીએ છીએ. બાકી અનારકલી કેવળ કોઈ લેખકના ભેજાંની નિપજ છે, કલ્પના છે, એક લૅજન્ડ (દંતકથા) છે, એથી વિશેષ કાંઈ નહિ.

જેને પરદા પર જોયા પછી હજી માનવામાં આવતું નથી કે, ખરેખર આટલી સુંદર કોઈ સ્ત્રી હોઈ શકે ખરી ? એ મઘુબાલા તો દેશમાં જન્મેલી અને મૃત્યુ પામેલી વાસ્તવિક સ્ત્રી હતી, લૅજન્ડ નહિ. અનારકલી કોઈ હતી જ નહિ, પણ મઘુબાલા તો હતી. (રામ કરે, સો-બસો વર્ષોપછી ફરી એકવાર આવું પૂછાતું થાય કે, અશોક દવે નામના લેખક ખરેખર જન્મ્યા હતા કે ફક્ત દંતકથા હતા...? કોઈને આ નિવેદન સામે વાંધો હોય તો ૧૦૦-૨૦૦ને બદલે ૨૦૦-૩૦૦ વર્ષોનો ગાળો સમજવો. આટલી વાત માટે આપણા સંબંધો બગડવા ન જોઈએ.)

ફિલ્મીસ્તાનની ‘અનારકલી’ની વાત કરતી વખતે કે. આસિફના ‘મુગલે આઝમ’ સાથે સરખામણી ન જ કરવી, એવી હઠ લઈને બેઠો છું... કે ગુલાબની સરખામણી બહુ બહુ તો રજનીગંધા કે તુલિપના ફૂલો સાથે થાય.... જેન્તીના દાળવડાં સાથે ના થાય. આપણે સંયમ રાખીને બેઠા હોઈએ કે, ‘મુગલે આઝમ’ કે કોઈ બી આઝમ સાથે સરખામણી નથી જ કરવી, છતાં બન્ને ફિલ્મો એક જ વિષયવસ્તુ પરથી બની હોવાથી અનાયાસ પણ વો ગલતી હમ સે હો હી જાયેગી !

ત્રણ મોટા કારણોસર આ ફિલ્મની વાતો કરવાનું ગમે. સૌથી પહેલું તો, સી. રામચંદ્રનું મસ્તમધુરું સંગીત, બીજું રાજેન્દ્રકૃષ્ણના અસરદાર ગીતો અને ત્રીજું, બહુ ચાલી નહિ એટલે બહુ લોકોને ખબર ન પડી કે, આ ફિલ્મની હીરોઈન બીના રૉય વાસ્તવમાં અનારકલીના પાત્રને મૂર્તિમંત કરે, એવી બાય ગૉડ બ્યુટીફૂલ હતી.

કે. આસિફ જેવો પ્રભાવ આખી ફિલ્મના એક દ્રશ્યમાં તમે જોઈ ન શકો. અહીં તો, અનારકલી કેવી ડોબી હશે કે, સલીમ વેશપલટો કરીને (એટલે નાક નીચેના મોંઢા ઉપર માથે પહેરેલા સાફાનો ટુકડો ઢાંકી દે, એમાં બેન અનુ ઓળખી જ ન શકે ?... અવાજ પણ નહિ ? આંખ-નાક પણ નહિ ? સાલી શહેનશાહે એને ભીંતમાં ચણી દીધી ન હોત તો આપણે કડીયા-સુથારો મોકલ્યા હોત ! સુઉં કિયો છો ?

એમ તો... ‘મુગલે આઝમ’માં, ભલે દેખાવ તવાયફનો છતાં ગ્લૅમર ધગધગતી નિગાર સુલતાનાનું. રૂપમાં મઘુબાલા સાથે બરોબરીમાં ઊભી રહી શકે, એવી નિગાર જોઈને આપણને ય લાગે કે, સાહેબજાદો સલીમ આની લપેટમાં આયો નથી, એ જ નવાઈ ...! જ્યારે આ ફિલ્મમાં એ જ રોલ કુલદીપ કૌર કરે છે. ન કોઈ દેખાવમાં ઠેકાણાં, ન કોઈ સ્ક્રીન પર એના આવવાનો પ્રભાવ. આ કુલદીપ એ જમાનાની વૅમ્પ કહેવાતી. હથેળીમાં લાકડાની ફાંસ વાગી જતા ધનૂર થઈ જવાને કારણએ આ સરદારની ગૂજરી ગઈ હતી.

રાજ કપૂરની ‘બરસાત’ હોય કે વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’ હોય, એ જમાનાની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં એક દ્રશ્ય ભૂલ્યા વિના લેવું પડતું (જેને ફોટોગ્રાફીની પાછી મહાન ટૅકનિક કહેવાય....!) કે, સાઈડ-ફૅસમાં હીરો-હીરોઈન બન્ને આકાશ તરફ દ્રષ્ટિ કરતા જોયે રાખે... પ્રેક્ષકો બિચારા ખુશ થતા કે, ‘વાહ... શું ફોટોગ્રાફી છે ...? વાહ..’

મઘુબાલા યાદ હોય તો સલીમને સાહેબે આલમ કહીને બોલાવતી, જ્યારે અહીં બીના રૉય પેલાને ‘સિપહીયા’ કહીને બોલાવે છે, એ સમજી શકાય કે, પ્રદીપકુમાર બક્કલ નં. ૩૨૮ જમાદાર જવાનસંગ જેવો દેખાય છે... શાહજાદા જેવો નહિ. ‘મુગલે આઝમ’ કરતા ‘અનારકલી’ ૪-૫ વર્ષ સીનિયર કહેવાય અને કે. આસિફ કે મહેબૂબ જેવા ફિલ્મ-સર્જકો તો એમની પહેલા કે પછી પણ થયા નહિ, એટલે ભલે ગુજરાતી હોવાના ગર્વો અમદાવાદમાં બેઠા બેઠા લીધે રાખીએ કે, ‘અનારકલી’ના દિગ્દર્શક આપણા ગુજરાતી નંદલાલ જસવંતલાલ હતા, પણ એટલા ગૌરવ પૂરતું ઓકે, બાકી એમણે ‘અનારકલી’ને શક્ય એટલી ફાલતુ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી.

15/06/2011

ધોળો હાડલો


‘‘અસોક... કવ છું... તમારા ચીચી કાકાની તબિયતું હવે કેમની રિયે છે ?’’

‘‘કેમ ? તને એની તબિયતની શું કામ ચિંતા થાય ?’’

‘‘કાંઈ નંઈ... પણ ભાઈએ લંડનથી કે’દુનો આ અવરગંડીનો ધોળો હાડલો મોકલાઈવો છે... કેટલો મોંધો છે, ખબર છે ?... જે ’દિ નો આઈવો છે, તે ’દિ નો પે’રાતો જ નથી...!’’

‘‘આ લે લ્લે... ! એમાં તારે ચીચીકાકાને શું કામ ઉડાડવા છે... ? એવું હોય તો ઘરમાં પહેરી નાંખ...’’

‘‘હાચું કંવ...? ઇ વિચાર તો મને ય આઈવો’તો, ખોટું નંઈ બોલું ?... પણ તમે હજી હાજા-હમા છો, તીયાં...!’’

આ મામલે હકી મહાભારતના અર્જુન જેવી છે. અર્જુનનું લક્ષ્ય એક માત્ર માછલી કાણી કરવા પૂરતું હતું. છાપામાં હકીનું લક્ષ્ય અર્થાત્‌ મનભાવન પાનું છેલ્લું... પછીના કોઈ પાનામાં એને રસ નહિ. (‘બુધવારની બપોરે’માં તો લગીરે નહિ ! એ તો ઘણીવાર કહી દે છે, ‘‘બુ.બ. પણ બેસણા જેવી જ આવે છે... બે ય સુંઉ કામ વાંચવી ?) ઇશ્વર જો કે, સહુનું સાંભળે છે, એમ આનું ય સાંભળ્યું. અમારી બહુ નજીકના કાલી આન્ટી આ મનખો દેહ છોડીને અલખની યાત્રાએ નીકળી પડ્યા. ઉપર જવાના રસ્તે વચમાં અમારું ઘરે ય આવતું હશે, તે હકીને એક ટહેલ નાંખતા ગયા.

‘‘અસોક... આપણા કાલી આન્ટી ગીયા... આખુડા ગીયા !’’ (અમારા સૌરાષ્ટ્રની લિંગો મુજબ, ‘‘આખુડા’’ એટલે પૂરેપૂરા !) બેશણું આપણને માફક આવે એવું શવારે ૮ થી ૧૦ નું જ રાયખું છે... સંભુને કઈ દીઘું છે કે, ગાડી શાફ કરીને રાખે.... ! કાલી આન્ટી બચારા બવ શારા માણસ હતા, હોં ?... સંભુડો મારૂં તો કોઈ ’દિ માનતો નથી, પણ તમે જરા કઈ દેજો કે, મારો હાડલો આર કરીને ઘૂએ... ! ના’તનું બેસણું છે... આમ હાવ કાંઈ લઘરાં જેવા જાંઈ ઈ હારૂં નો લાગે !’’

માથે મેંહદી-બેંહદી તો રાત્રે જ થઈ ગઈ. બેસણામાં અફ કૉર્સ મૅઈક-અપ કરીને ન જવાય, પણ સાવ રૉલાં જેવા ય ન જવાય, એની એને ખબર.

‘‘અસોક... ગાડી ઠેઠ કાલી આન્ટીના ઘર પાસે ઊભી રાખજો... લીલા ફોઈના બેશણામાં એમની દીકરી પૂછતી’તી, ‘... તમને તો ઘેરેથી ૯.૪૦ વાળી બસ શીધી મલી ગઈ હશે, કાં... ?’ મને તે ’દિ બવ લાગી આઈવું હતું... મારો અસોક કાંય એ.એમ.ટી.એસ.નો ડ્રાઈવર છે, તી અમે બસુંમાં આવીંઈ... ? ભલે એવા લાગતા હોય તો ય આવું તો નો બોલવું જોંય ને ...!’

કૃષ્ણ અને રાધા વૃંદાવન ગાર્ડનમાં ઘાસના લપસણા ઢાળો પરથી હડબોટીયા ખાવા જાતા હોય, એવો માહૌલ વહેલી પરોઢથી અમારા ઘરનો હતો. બેસણામાં જવાનો ઉમંગ તો મારો ય મ્હાતો નહોતો. અઢી વરસથી સુનિયા પાસેથી ૩૩-હજાર લેવાના બાકી છે... એ મોંઢાં સંતાડતો ફરે છે. સુનિયો કાલી આન્ટીનો સગો ભાણો થાય, એટલે એનો તો આવ્યા વગર છુટકો નહિ ? આ મોકો છે, એની પાસે ઉઘરાણી કરવાનો. બેસણાં કાંઈ રોજરોજ નથી આવતા, તે મેં ’કૂ... સુનિયાની બાજુમાં જ જઈને બેસી જવાનું. પ્રસંગનો મલાજો રાખીને ભલે બોલાય કાંઈ નહિ, પણ બાજુમાં બેઠા હોય તો ઢીંચણથી ઢીંચણ અથડાવીને બેસણાનો એનો ઉમળકો ય ઉડાડી દેવાય, કે નહિ ?... સુઉં કિયો છો ?

કાલી આન્ટીના બેસણામાં જવાનો બીજો ય એક લૂત્ફ હતો. એક જમાનામાં એની દીકરી નલ્લીને હું બહુ હૅન્ડસમ લાગતો હતો... આપણી ય થોડી ઘણી ઇચ્છા ખરી... આ તો શું કે, હકી મારા લેખો વાંચતી નથી, એટલે તમારી સાથે દિલ ખોલીને બઘું બાફી મરાય ...! નલ્લી ય ત્યાં હશે. કહે છે કે, હવે તો સાઈડના એના બે દાંત નીકળી ગયા છે ને આ બાજુનો એક. નહિ તો મને યાદ છે, એ જ દાંત વડે ચોમાસામાં જાંબુનું બચકું ભરીને ખાવાની નલ્લીની સ્ટાઈલ ઉપર અડઘું રાયપુર ફિદા હતું. એ નલ્લુ પણ બેસણામાં બેઠી હશે. ભાવુક થઈને હકી કાલી આન્ટીના ફોટા સામે જોતી હશે, એ જ સેકંડ પકડી લઈને હું આપણી નલ્લી સામે જોઈ લઈશ. પરમેશ્વરને પ્રાર્થના, નલુડીનો ગોરધન પણ એ જ ક્ષણે કાલી આન્ટીના ફોટા સામે જોતો હોય ! એ તો ઇશ્વર સહુ સારાવાનાં કરશે. કોક ’દિ નલ્લી ય સફેદ સાડલામાં નહિ બેસે ?

ભગવાનનું નામ લઈને અમે બેસણે જવા નીકળ્યા. હકી ગાડીમાં બેઠી હોય એટલે સીડી પર એનું ફૅવરિટ ‘કજરા રે, કજરા રે તેરે પ્યારે પ્યારે નૈના... હોઓઓઓ’ મૂકે જ. ચપટી વડે તાલ આપવામાં એની માસ્ટરી... !

‘અસોક... તીયાં બેઠા પછી હબ્બ કરતા ઊભા નો થઈ જાતા... હખે બેશજો... ! ઉતાવળું કરીને હાઈલાં નો અવાય... બીજી વાર કોઈ બોલાવે નંઈ... !’’ તો ય મેં કહી દીઘું. ‘‘આપણે કાલી આન્ટીની બર્થ-ડે પાર્ટીમાં નથી જતા... આખે આખા ઉકલી ગયા છે.... બેસણું પૂરું થઈ ગયા પછી તો ઊભા થઈ જ જવું જોઈએ...’’

અમે ટાઈમસર નહિ, ટાઈમથી વહેલા પહોંચ્યા. ઘણી વાર મોડા પડીએ તો એ લોકો સાદડી લઈ લેતા હોય છે, અર્થાત્‌ બેસણું પૂરું. મોડા પડનારને કોઈ લાભ નહિ. એ લોકોને એવું ય ન થાય કે, આ લોકો આટલે દૂરથી આયા છે, તો બે ઘડી બેસણું લંબાવો. ક્યાં ડોસી વારંવાર મરવાની છે ? સૌજન્ય ખાતર બેસણાંમાં કોઈ ‘વન્સ-મૉર... વન્સ-મૉર’ની ફર્માઈશો કરી શકતું નથી. એ લોકોએ જાતે જ સમજીને પબ્લિક-ડીમાન્ડ પૂરી કરવી જોઈએ.

અમે વહેલા પહોંચ્યા પણ હાઉસ હજી અંદર લેવાયું નહોતું. અમે સોસાયટીમાં બહાર ખુલ્લામાં અદબ વાળીને ઊભા હતા. પવન બહુ વાતો હતો, એમાં વાળ ઊડી જાય, એ હકીને ન ગમે. એની વાત તો સાચી જ છે ને, કે સાડલો આટલો મોંઘો અવરગંડીનો ને હૅર-સ્ટાઈલ ‘શોલે’નાં સંજીવકુમાર જેવી સ્ત્રીઓને કાંઈ સારી લાગે ? આ તો એક વાત છે. આ લોકોએ બંગલાની બહાર મહેમાનો માટે ચા-પાણી કે ઠંડાની ય કોઈ સગવડ રાખી નહોતી. આપણે કામધંધા છોડીને અહીં સુધી લાંબા થયા હોઈએ... ! આવાઓને ત્યાં બીજી વાર જવાય જ નહિ !

‘‘શું દાદુ.. બેસણામાં આયા છોઓઓઓ... ?’’ પાછળથી ખભા ઉપર હાથ મૂકીને અમારો દિલીપ બોલ્યો. મને એ ન ગમ્યું. સાલું... ધોળા કપડાં પહેરીને આપણે કાંઈ તીન-પત્તી રમવા તો ના આયા હોઈએ ને ?

‘‘ઓહ દિલપા... તું ? તું અહીં ક્યાંથી ?’’ સવાલ મારો ય ખોટો હતો. મારે સમજવું જોઈએ કે, ભરબેસણે કોઈ મળે, એને આવું ન પૂછાય. બેસણામાં કોઈ હાથમાં ગિફટ લઈને કે ગીટાર વગાડતું-વગાડતું ન આવે. હા. ટાઈમો પાસ કરવા ઘણીવાર જવાતું હોય છે. ઘણાને તો એક જ દિવસે એક સાથે બબ્બે-ચચ્ચાર બેસણાં પતાવવાના હોય છે. આજે ટાઈમની કિંમત છે, નહિ તો ગમે તેટલું ભવ્ય બેસણું રાખો ને તમે... આવવા કોઈ નવરૂં હોતું નથી.

પણ દિલપાએ સાચેસાચું કહી દીઘું. ‘‘ભ’ઈ, આમ તો આ કાલુડી અમારા સગામાં થાય... અમારા બા’ફોઈ ગુજરી ગયા, ત્યારે આ કાલુડીને તઈણ હજારનો દોરો આલ્યો’તો... તે આ સુધાકર ડોહાને યાદ આવે ને પાછો આલે તો ઠીક છે.. નહિ તો આપણે ક્યાં મરેલી કાલુડીને પોલીસ-સ્ટેશને લઈ જવાના હતા...?’’

આઠને ટકોરે પ્રેક્ષકોને અંદર લેવાયા, એટલે અમે અંદર ગયા. અમને તો બેસવાની ટૉપ જગ્યા મળી ગઈ. બરોબર સુઘુકાકાની સામે જ. ભ’ઈ, બેસણાનું કેવું છે કે, ફોટા નીચે બેઠેલો આપણને જોઈ લે, એટલે હાજરી પૂરાઈ જાય. એની નજરમાં એકવાર આવી જવું સારૂં. નહિ તો આપણે આયા હોઈએ તો ય ખોટા લગાડે કે, આયા નહિ. હકીને આમ તો બેસવાની હરખી જગ્યા નહોતી મળી. પણ આવા પ્રસંગોમાં એને પગનો દુઃખાવો બહુ કામમાં આવે છે. કહી દે કે, નીચે બેસતા નહિ ફાવે, એટલે પહેલેથી ખુરશીમાં બેઠેલી કાલી આન્ટીની સગી બહેનને ઉઠાડીને પોતે સૅટ થઈ ગઈ. પલાંઠા વાળીને બેઠા હોઈએ તો હાડલાની ઇસ્ત્રી બગડે એ તો ગોયરૂં, પણ કોઈની નજરે ના પડે ને ?

સ્વ. કાલી આન્ટીના હસમુખા ફોટાની બાજુમાં એમના હસબંડ સુઘુકાકા કેમ જાણે કોઈ મરી ગયું હોય એવા ગમગીન ચહેરે બેઠા હતા. કહે છે, ચહેરો જ તમારા આત્માનું પ્રતિબિંબ છે. એ જેવો રાખશો, એવો પ્રતિભાવ સમાજ તમને સામો આપશે. જો કે, સુઘુકાકાના જડબામાં તમાકુ ભરી હતી, એટલે આપણને એવું લાગે... બાકી એમના મનમાં એવું કાંઈ નહિ !

હકીને એનો ખોરાક મળી ગયો. શિલ્પા ય અવરગંડી પહેરીને આઈ’તી, પણ હકીની અવરગંડી તો લંડનની હતી. બન્ને નીચું જોઈને શોકમગ્ન ચહેરે એકબીજાના ધોળા હાડલા પર હાથની ચપટી ફેરવીને એકબીજાને કાંઈ પૂછતા હતા. મેં દૂરથી હકીના સૌમ્ય ચહેરા ઉપર વિજયની રેખા જોઈ. (પેલા વિજય અને રેખા જુદા !) કેમ જાણે એ કહેતી ન હોય, ‘‘ભલા, તુમ્હારી સાડી સે મેરી સાડી ઇતની સફેદ ક્યું ?’’ ને જવાબમાં શિલ્પા કહે, ‘‘યે તો ચીન પાવડર કા કમાલ હૈ’’.

હકીનું કામ તો પતી ગયું. પણ સુનિયો હજી દેખાતો નહોતો. એ આવે નહિ, ત્યાં સુધી બેસણું છોડાય નહિ. મારી તો પનોતિ બેઠી હતી. એક તો નલ્લી ઠેઠ બેસણું પતવાના ટાઈમે આઈ ને બીજું એની આંખે કુંડાળાવાળા ચશ્મા આઈ ગયા’તા, એટલે અઢી ફૂટથી આગળનું એ કાંઈ જોઈ શકતી નહોતી. કોઈની સામે સ્માઈલો આલીને પણ યુવા-જગત ઉપર એ કાંઈ પ્રભાવ પાડી શકતી નહોતી. એણે મારી તરફ જોઈને સ્માઈલ આપ્યું, તો મારી બન્ને બાજુ બેઠેલાએ રીસ્પોન્સ આપવાને બદલે મને કહે, ‘‘અંકલ.. આન્ટી તમને બોલાવતા લાગે છે...!’’ નલ્લીના મોઢામાંથી ચોથો દાંતે ય ગાયબ જોયા પછી, મેં જ મનોમન ઘટનાસ્થળે રાજીનામું આપી દીઘું. નલ્લીના રૂદીયાને બદલે હવે તો એના મોઢાંની બખોલમાં ય આપણું સ્થાન ન રહ્યું... ગપોલીમાંથી હેઠા પડી જઈએ !

બેસણું પત્યા પછી અમે ઘેર આવ્યા. શીતલે સરસ મજાના રસ-પુરી બનાવ્યા હતા. શું મજા આવી છે... શું મજા આવી છે... ! જલસો પડી ગયો !

સિક્સર
- રણબીર કપૂર કોક જા.ખ.માં મિમિક્રી કરે છે... એમાં એ એટલો સફળ થયો છે કે, હવે એની પાસે ફિલ્મોને બદલે મિમિક્રીના શો વધારે આવે છે !

13/06/2011

ઍનકાઉન્ટર

* કલાકાર અને કારીગરનું ઍનકાઉન્ટર થાય તો સ્વર્ગ કોને મળે અને નર્ક કોને મળે ?

- એ બન્નેને એમના કરેલા કામની ન્યાયી મજૂરી મળે તો ય બહુ છે...!
(રમેશ ચાંપાનેરી, વલસાડ)

* ભારતના અમુક સ્થાનો ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં છે, એવું ગાઈ-બજાવીને કહેવાય છે, પણ અમુક ત્રાસવાદીઓ અમારા હિટલિસ્ટમાં છે, એવું ભારત સરકાર કેમ કદી કહેતી નથી ?
- કોંગ્રેસના ભાવિ સંસદ સભ્યોને એમ કાંઈ ત્રાસવાદી થોડા ગણાય છે ?
(વિજય વિકાસ, બોઇસર)

* ‘ઍનકાઉન્ટર’ આટલું અસરકારક બનવાનું કારણ એક જ છે, તમારા જવાબો સાવ ટૂંકા હોય છે....
- એમ ?
(વિદિશા જી. પટેલ, નડીયાદ)

* જ્યોતિષીઓ ત્રણ કલાકમાં ઘેર બેઠા ઉકેલ લાવી આપે છે, છતાં તમે ૩૦-વર્ષથી કેમ ખેંચે રાખ્યું છે ?
- અમારે તો પાછી હકી ય ખુદ જ્યોતિષી છે ને....?
(દિનકર ભટ્‌ટ, ગાંધીનગર)

* વૅકેશન માણવાનો સર્વોત્તમ રસ્તો કયો ?
- ઘરથી ઍરપૉર્ટ સુધીનો.
(કિંજલ જયસુખ ધામી, ડોંબિવલી)

* પહેલાના જમાનામાં રૂપિયો ગાડાંના પૈડાં જેવડો દેખાતો...આજે ?
- રૂપિયાની સાઈઝ બાબતે મૂકેશ અંબાણીના વિચારો મારી સાથે ઘણા મળતા આવે છે...એ માણસ બહુ આગળ આવશે.
(શા. ગોવિંદલાલ બલદેવદાસ, પૂના)


* આટલા પ્રોબ્લેમો છતાં હજી શ્રીકૃષ્ણ અવતાર કેમ લેતા નથી ?

- ગીતામાં એ ‘ઑફ લેવાનું’ બોલ્યા’તા....આપણે ‘અવતાર લેવાનું’ સમજ્યા’તા....!
(જયેશ અંતાણી, ભાવનગર)

* સહુ કહે છે, ‘‘જેટલું હસીએ, એટલું રડવું પડે છે,’’ એ વાત સાચી ?
- રડવાના વિચારો કરનારાઓને રડવું આવે છે.
(આમીર બંગલાવાલા, અમદાવાદ)

* મલ્લિકા શેરાવત તમને લગ્નની ઑફર કરે, તો શું કહો ?
- ‘માજી થાઓ ત્યારે આવજો, બેન.’
(રૂપેશ લાલજીભાઈ પરમાર, મોરબી)

* સફળ હોવું અને સારા હોવા વચ્ચે શો તફાવત ?
- મારે હજી એ બન્ને બનવાનું બાકી છે.
(પલક મહેશભાઈ નાણાવટી, રાજકોટ)

* ઓછું ભણેલાઓ રાજકારણમાં કેમ સચવાઈ જાય છે ?
- એમને સાચવનારા ઓછું ભણેલા નથી હોતા.
(અફરોઝબેન આર. મીરાણી, મહુવા)

* તમારા જીવનનો યાદગાર પ્રસંગ કયો ?
- મારો રૂપિયાનો ખોવાયેલો સિક્કો પાછો મળી ગયેલો એ.
(નિરવ બી. ગેડિયા, સાવર-કુંડલા)

* તમને તનથી સુંદર લોકો ગમે કે મનથી સુંદર હોય એવા ?
- ગમાડવા પૂરતું જ પતાવવાનું હોય તો મનના સુંદરોને શું ધોઇ પીવાના છે ?
(ફખરી એન. બારીયાવાલા, ગોધરા)

* મૌન કયારે લાભદાયી અને ક્યારે નહિ ?
- ભીડમાં કોઈને ટપલી મારી દીધા પછી એ પૂછે, ‘‘કોણે ટપલી મારી ?’’ ત્યારે મૌન લાભદાયી....!
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ.)

* ‘વાંચે ગુજરાત’ પછી ‘ગાશે ગુજરાત’ ક્યારે આવશે ?
- પેલા લોકો ‘નહાશે ગુજરાત’નું અભિયાન ન ચલાવે ત્યારે.
(નિકિતા પુરોહિત, રાજકોટ)

* મંદિરમાં દર્શન કરતી વખતે ય ભક્તોનું ઘ્યાન એમના જૂતાંમાં કેમ હોય છે ?
- આજ સુધીના એકે ય ભગવાનોએ કોઇના જૂતાં સાચવ્યા નથી.
(ઓમકાર કે. જોષી, ગોધરા)

* એક ઘરમાં ત્રણ પેઢીનો પરિવાર રહેતો હોય, એવા દિવસો શું ગયા ?....
- રાહુલબાબા પરણે પછી ખબર પડે.
(જગદિશ બી. સોતા, મુંબઇ)

* એક માણસે કમાવા માટે બબ્બે-ત્રણ ત્રણ કામો કરવા પડે છે. શું મોંઘવારી વધી છે કે લાલચ ?
- લાલચ અમીરોનો શોખ છે.
(મોના જે. સોતા, મુંબઈ)

* મારી પત્ની સાથે મને બનતું નથી. શું એને ઘરમાંથી કાઢી મૂકું કે છૂટાછેડા લઉં ?
- મને એ સમજાતું નથી, જેને એકવાર ચાહી છે, એને ધિક્કારી કેવી રીતે શકો ?
(એસ.કે.પી. નડીયાદ)

* ઉધાર અને લોન વચ્ચે શું ફરક ?
- લોન પાછી ન ચૂકવો તૉ બૅન્કો કાંઇ તોડીને ભડાકા કરી લેતી નથી....!
(મહેન્દ્ર એચ. ટોડાઈ, મુંબઈ)

* દહેજથી ન ધરાતા સાસરીયાને સંતુષ્ઠ કરવાનો કોઇ ઉપાય ખરો ?
- બહુ ખુમારી સાથે દીકરીને પાછી લઇ આવવાની.
(હિતેશ એસ. દેસાઈ, તલીયારા-નવસારી)

* આરોપીની સાથે પોલીસ પણ ફોટા કેમ પડાવે છે ?
- એ બેમાંથી પોલીસ કોણ છે, એની ખબર પડે માટે.
(વિમલ એલ. સવજીયાણી, જામજોધપુર)

* તમને કેવા માણસો સૌથી વઘુ ગમે ?
- ડૂંગળી ખાઈને નજીકમાં ન ઊભા રહે એવા.
(ટીના એ. સોલંકી, ગોંડલ)

* ભગવાન હૃદયમાં હોવા છતાં ભક્તો જ્યાં ત્યાં કેમ ભટકે છે ?
- હૃદયરોગવાળાઓને એવું ભટકવું પડે, ભ’ઈ !
(કપિલ જે. સોતા, મુંબઈ)

* યુવાનોની રહેણીકરણીમાં ખૂબ દેખિતો ફેર આવી ગયો છે, તેનું શું કરવું ?
- આમ....એવી કોઈ....ચિંતા કરવી પડે એવા ફેરફારો મને તો નથી દેખાતા...બધાને મૂછો ઊગે જ છે !
(નયના શૈલેશ માણેક, મુંબઈ)

* મોબાઈલ ફોનનો સર્વોત્તમ ઉપયોગ કયો ?
- બંધ રાખો એ.
(નીતિન સોમૈયા, મુંબઈ)

* દેશને તદ્દન નિરૂપયોગી ક્રિકેટરો અમનચમન કરે છે, જ્યારે આતંકવાદીઓ સામે જાન આપી દેનાર સૈનિકોની વિધવાઓની અવગણના થાય છે...બેવકૂફી કે બદનસીબી ?
-પૂરી દુનિયામાં ભારતનો ડંકો વગાડનાર ક્રિકેટરો અમનચમન કરતા હોય, એ એમનો હક્ક છે...થૅન્ક ગૉડ, એ લોકોને વિધવાઓની માફક સરકારની મેહરબાની પર જીવવાનું નથી હોતું.
(દેવાંગી પરીખ, વડોદરા)

08/06/2011

પાર્કિંગ બાર્કિંગ –બુધવારની બપોરે

૧..... પાર્કિંગ ગુરૂજી, શું આપ ગાડીના પાર્કિંગ માં પડતી મુશ્કેલીઓ અંગે અને માર્ગદર્શન આપી શકશો ?
- ગાડી ક્યાં છે ?

૨... સર... અત્યારે કોઈ ગાડી પાર્ક કરવાની નથી. આ તો આખા ગુજરાત-મુંબઈમાં ગાડી પાર્ક કરવામાં રોજ પડતી મુશ્કેલીઓ અંગે આપશ્રીનું માર્ગદર્શન જોઈએ છે.
- ક્યાંય પણ પાર્ક કરવા માટે તમારી પાસે ગાડી હોવી જરૂરી છે. વગર ગાડીએ તમે કશું પાર્ક કરી શકતા નથી.

૩... વાઉ... કેટલું મહાન સંશોધન ? પણ કૃપા કરીને એ જણાવશો કે, એક સ્વસ્થ માનવીમાં એની ગાડી પાર્ક કરવા માટે કયા કયા ગુણો હોવા આવશ્યક છે ?
- ગાડી પાર્ક કરવા માટે મનુષ્ય પાસે અખૂટ ધીરજ, મક્કમ મનોબળ, ભૂમિતીનું પર્યાપ્ત જ્ઞાન, ગાડીમાં પત્નીની ગેરહાજરી, ગુસ્સા પર કાબુ છતાં, હ્રસ્વ-દીર્ઘની ભૂલો વિનાની નઠારી ગાળો બોલતા આવડવી જોઈએ.

૪.... ગાડી પાર્ક કરવા માટે નડતા પરિબળો કયા કયા છે ?
- પત્ની જો તમારી સગી હોય તો.. આઈ મીન, તમારી સગી પત્નીને આ મુકાબલાનું મુખ્ય નડતું પરિબળ કહી શકાય, જેને સાઈકલ ચલાવતા ય આવડતી નથી, છતાં મહીં બેઠી બેઠી તમને ગાડી કેવી રીતે ને ક્યાં પાર્ક કરવી, તે અંગેની ૩૨૭-હળીઓ કરે છે, જેમાંથી એક તો ઘેર પાછા જવાની હોય છે, એ પરિબળ સામે ટક્કર લેતા લેતા ગાડી પાર્ક કરવી કઠિન છે. જો તમે હિંદુ હો, તો ઇવન કેલેન્ડરમાં ય એક ફોટો એવો બતાવો કે, આપણા ભગવાન આકાશમાં સાત ઘોડાવાળો રથ લઈને નીકળ્યા હોય અને બાજુમાં એમની વાઈફ બેઠી હોય. એટલી અક્કલ તો ભગવાનોમાં ય હતી કે વાહન અને વાઈફને કદી સાથે ન રખાય. ગાડી-શાસ્ત્રોમાં કહ્યું છે કે, બાજુમાં વાઈફ ન બેઠી હોય તો માણસ તાડના ઝાડ ઉપરે ય ગાડી પાર્ક કરી શકે.

૫.... બાજુમાં વાઈફ બેઠી ન હોય, એવી ગાડીને કરવાનું શું ગુરૂજી.. ? વાઈફ તો ગાડીની શોભા છે, ગુરૂજી...
- તારી ભલી થાય ચમના... મંગળફેરા વાઈફને ગાડીમાં બેહાડીને ફર્યો’તો... ? બાજુમાં બેઠેલી દુનિયાભરની વાઈફો એમ જ સમજે છે, ‘મારા ગોરધનને ગાડી ચલાવતા આવડતું નથી એટલે, ‘‘આમથી લઈ લો... અહીં ચઢાવી દો... જરી રીવર્સમાં તો લો... ! અરે ક્યારના શું કરો છો... ગાડી પાર્ક કરો છો કે ડામરનું રોલર ચલાવો છો ? ઉફ... આમની ગાડીમાં હું ક્યાં બેઠી... ?’’ આવી એની ટકટકો ચાલુ ને ચાલી જ હોય છે.

૬... તો શું... જ્યાં સુધી રસ્તાઓ ઉપર ગાડીઓ રહેશે, ત્યાં સુધી પાર્કિંગ ના પ્રોબ્લેમો પણ રહેશે ?
- માર્કેટમાં હવે જે નવી ગાડીઓ આવી રહી છે, તેમાં પાર્કિંગ ની સગવડ પણ મૂકવામાં આવે, એવી માંગણી જોર પકડી રહી છે, તે જોતાં જ્યાં ગાડી લઈને જાઓ, ત્યાં તમારી ગાડી જરૂર પડે તો બીજાની ઑલરેડી પાર્ક થયેલી ગાડીને હડસેલો મારીને પણ તમારા માટે જગ્યા કરી આપશે. હવેની ગાડી બિલ્ડ-ઇન પાર્કિંગ સાથે જ આવશે... તમે રતન પોળમાં ય પાર્ક કરી શકશો.

૭... ઓકે. અન્ય પરિબળો ?
- વૉચમેન નામનું એક તત્ત્વ તમારી ઘૂળ કાઢી નાંખવા માટે મશહૂર છે. કોઈપણ ગાડીના માલિકે તમે મહીં બેઠા હો, ત્યાં સધી જ હો છો. ઉતર્યા પછી એનો માલિક કમ્પાઉન્ડનો વૉચમેન બની જાય છે. પાર્કિંગ શોધવા કમ્પાઉન્ડના આઠ-દસ ચક્કરો મારી લીધા પછી, માંડ કોક ખૂણે તમે ગાડી પાર્ક કરી લો ને ‘હાઆઆ.. શ’ બોલીને નીચે ઉતરો, ત્યારે ‘શા’બ.. ગાડી જરા પીછે લે લો... યહાં નહિ સા’બ... ગાડી બહાર પાર્ક કરો.’’ કહેતો કહેતો વોચમેન થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થાય, એમ કોક કોક ગાડી પાછળથી પ્રગટ થશે. યાદ રાખો. સવા દોઢ કરોડના લક્ઝુરિયસ ફલેટોના માલિકો કોઈ બી હોય, કમ્પાઉન્ડના માલિકો વૉચમેન હોય છે. દૂરથી આપણી ગાડી આવતી જોતા જ એ હથેળીમાં તમાકુ-ચૂનો મસળતો-મસળતો, કોઈ ગૂન્હેગાર અદાલતમાં દાખલ થતો હોય એવી નજરે જોતો પોતાના સ્ટૂલ પરથી ઊભો થશે. એ કાંઈ બોલશે નહિ. તમે હાઈકોર્ટના કોઈ જજ હો, શહેરના પ્રતિષ્ઠિત ડૉક્ટર હો કે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હો... બ’ઈની ઝાલર...! એને કાંઈ લેવા-દેવા નહિ.

૮.... તો શું, જેનો એને પગાર મળે છે, એ એની ડ્યૂટી પણ ન બજાવે ?
- પરસેવે રેબઝેબ થતાં ચાવી લઈને તમને ગાડીની બહાર નીકળો. ત્યાં જ કપૂરથલાના મહારાજા લખનૌના નવાબને મળવા આવ્યા હોય, એમ ગુમાનસિંઘ વૉચમેન તમારી સામે આવીને ઊભો રહેશે, ‘‘શા’બજી... ગાડી બહાર પાર્ક કરો... અંદર પાર્ક કરના મના હૈ...’’. એણે ધાર્યુ હોત તો તમે ગૅટમાં દાખલ થયા ત્યારે રોકી શક્યો હોત... નો ! એ તમને અંદર જવા દેશે. પાર્કિંગ માટે તમને હઈડ-હઈડ થતા જોવાનો એને ય મજો પડે છે. ડ્યૂટી તો... હમણાં કહું એ... ! ‘સાહેબ-લોકોને પણ મારી પાસે કેવા સીધા ચાલવું પડે છે ?’ એવો એક વિકૃત ઇગો એમનો સંતોષાતો હોય છે.

૯... શું ગાડીના પાર્કિંગ સાથે જનાવરોને કોઈ ઊભો કે આડો સંબંધ હોય છે ખરો ?
- અવશ્ય હોય છે, વત્સ. શહેરના કૂતરાઓ હવે લકઝૂરિયસ લાઈફો જીવવા માંગે છે, એટલે તેઓશ્રીઓ આરામ ફરમાવવા માટે આપણી ગાડીના રૂફનો ઉપયોગ કરે છે અને સુંદર મઝાનો ગોળાદાર ગોબો પાડી આપે છે. જીવદયાપ્રેમીઓ તો ત્યાં સુધી માને છે કે, ગાડી જો બીજાની હોય તો ગાડીના દરવાજા ખુલ્લા રાખીને કૂતરાં-મિત્રોને મહીં સીટ પર સૂવાની સગવડો ય કરી આપવી જોઈએ.

૧૦... શું અન્ય જીવોને પણ આપણી ગાડીમાં રસ પડે છે ખરો ?
- ગાડીમાં નહિ, ગાડીની ઉપર રસ ઢોળતા કબૂતરો આપણને શીખવે છે કે, રોજ ગાડી ઘુઓ અને રોજ એમણે ધોળેલા રસ સાફ કરો. ચોખ્ખાઈના પાઠો એ લોકો શીખવે છે. એ લોકો શાંતિના નહિ, હરડેના પ્રતિકો છે.

૧૧... અમદાવાદમાં તો સી.જી. જેવા રોડ પર ટ્રાફિક-પોલીસો બહુ હેરાન કરે છે. ગાડી પાર્ક ક્યાં કરવી ?
- ગૂડ ક્વૅશ્ચ્યન. શૉપિંગ-સેન્ટરોવાળાને તો ચિંતા નહિ કે, એમના ગ્રાહકો ગાડી પાર્ક કર્યા પછી ક્યાં ક્યાંથી ચાલીને આવશે ! કોક પોલીસ-ખાસાંનો કે મ્યુનિસિપાલિટીનો ય જવાબ માંગનારો જોઈએ કે, શૉપિંગ-સેન્ટરવાળા પાર્કિંગ આપી શકતા નથી તો જગ્યા તમે બતાવો. હવેની તો ગાડી ય મિનિમમ ૫-૭ લાખની આવવા માંડી છે. એક કરોડની મર્સીડીસ પણ લઈને નીકળ્યા પછી એને ય પાર્ક તો રામભરોસે જ કરવાની ને ?

૧૨... તો સરજી, હવે એ પણ કહી દો કે, આપણે ત્યાં મૅરેજના પાર્ટી-પ્લોટોમાં પણ પાર્કિંગ ની સગવડ નથી હોતી.
- પાર્કિંગ વગર જ લગન કરવાના હોય તો આવા પ્લોટોને બદલે રેલવેના પ્લેટફોર્મ પર રિસેપ્શન ગોઠવવાની હું ભલામણ કરું છું. જે ઇશ્વરે ચવાણું આપ્યું છે, તે ચાવવા માટે દાંત પણ આપશે, એ ધોરણ પાર્ટી-પ્લોટોવાળાઓને લાગૂ પડતું નથી. કાલ ઉઠીને તમે તો પ્લોટવાળા પાસે પ્લોટના ભાડામાં કન્યાદાન કરાવવાની માંગણીઓ ય કરો. કોઈ એ ન ભૂલે કે, પાર્ટીપ્લોટવાળાને એમની એક ગાડી પાર્ક કરવાની હોય છે, એ થઈ ગઈ એટલે બધાનું પાર્કિંગ આઈ ગયું, મારા ભ’ઈ !

૧૩.... ગુરૂજી, આજે આપે પાર્કિંગ વિશેની અમારી ઘણી ગેરસમજો દૂર કરી (અને ઘણી ઊભી કરી) તે બદલ આભારી છું.
- ઇટ્‌સ ઓકે.

સિક્સર
પોતે કાંઈ ઉકાળી નહિ શકતા ભાજપ પાસે અત્યારે મોંઘવારી સામેના આંદોલનમાં કંઈક કરી બતાવીને હીરો બની જવાની ને છવાઈ જવાની તક છે... નહિ બતાવે... ! કયા મોંઢે એ ય કાંઈ બોલી શકે એમ છે ?
હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈં, અંજામે-ગુલિસ્તાં ક્યા હોગા .... ?

06/06/2011

ઍનકાઉન્ટર : 06-06-2011

* કહેવત છે, ‘સૂતેલા સિંહ ને ન જગાડાય’. તમારે કેમનું છે ?
- એ તો જે સિંહ હોય, એને ખબર પડે.
(માધવી કે. પટેલ, વડોદરા)

* અશોક જાડેજા, એ.રાજા, અભય ગાંધી... મેષ રાશિનું શું થવા બેઠું છે ?
- મેં એવો બધો કારભાર અમિતાભને સોંપ્યો છે.
(અકબરઅલી સૈયદ, ઇલોલ)

* ભારતના વડાપ્રધાન જેવા વડાપ્રધાન બીજા ક્યા દેશમાં છે ?
- ‘આદેશમાં’ છે.
(કાનજી એસ. ભદરૂ, ગોલગામ-બનાસકાંઠા)

* લગ્ન અને લોન વચ્ચે શું તફાવત છે ?
- હપ્તા ભરાઈ ગયા પછી લોનમાંથી છુટકારો મળે છે...
(જય સોની, આકરૂંદ- સાબરકાંઠા)

* આપ સુઉં કિયો છો-ના જવાબમાં સુઉં પૂછો છો ?
- કાંય નંઈ... બા ખીજાય !
(દિનેશગીરી ગોસ્વામી, પોરબંદર)

* નેહરૂ ગાંધી ટોપી પહેરતા, તો એને ‘નેહરૂ ટોપી’ કેમ ન કહેવાઈ?
- એ પછી તો નેહરૂજીના પૂરા વંશવેલાએ આખા દેશની પ્રજા પાસે ટોપી જેટલું કપડું ય રહેવા ન દીઘું... !
(ધીમંત ભાવસાર, બડોલી)

* દાઢીધારી મૌલવીઓ અને ભગવાધારી સાઘુ મહારાજો વચ્ચે શું સામ્ય છે ?
- બન્ને દેશ કરતા ધર્મ વઘુ વહાલો છે... અને એટલે એ ટકી ગયા છે.
(ઝુબૈદા યુ. પૂનાવાલા, કડી)

* આપણા આટલા સુંદર રાષ્ટ્રને બચાવવા હરએક ભારતીયે ભગવાન પરશુરામની જેમ ફરસી લઈ ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ નામનું શસ્ત્ર ઉગામવાની જરૂર નથી લાગતી ?
- પહેલો સવાલ એ ઉઠશે, ‘‘આ પરશુરામ જૈન હતા, વૈષ્ણવ હતા કે બ્રાહ્મણ હતા... ?’’
(ભાર્ગવી એ. પંડ્યા, રાજકોટ)

* તમે ભારતના વડાપ્રધાન થાઓ તો ભ્રષ્ટાચારનો નાશ કરવા શું કરો ?
- ટુંકમાં, તમને એટલી ખબર તો છે જ કે, વડાપ્રધાન મર્દ હોવો જોઈએ... !
(ક્રિસ્ટલ પી. જયસ્વાલ, પાટડી-સુરેન્દ્રનગર)

* ભય જોતા જ કૂતરાં દૂમ દબાવીને ભાગી કેમ જાય છે ?
- એકવાર તમે અમારા નારણપુરા ચાર રસ્તે આવો... કૂતરાંને જોતા આજુબાજુની ૨૦૦- સોસાયટીઓ વાળા પોતાના ઘરમાં ય દૂમ દબાવીને ભાગે છે... !
(દિક્ષિત પંડ્યા, કપડવંજ)

* ‘એનકાઉન્ટર’ના રીજેક્ટેડ પોસ્ટ-કાડર્સ હું લેવા તૈયાર છું. આપશો ?
- હવે તો ‘એનકાઉન્ટર’ના રીજેક્ટેડ લેખક પણ તૈયાર છે... બોલો, મારે કેટલા ચૂકવવાના છે ?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* મુંબઈમાં તમારી ‘બુધવારની બપોરે’ ગુરૂવારે કેમ આવે છે?
- ૫૫૦ કી.મી.
(સ્વનિક મોદી, મુંબઈ)

* અફઝલ કે કસાબને ફાંસી દેતા કોંગ્રેસને કોણ રોકે છે ?
- એ બન્નેને લટકાવવા હોય તો એમને હિંદુ બનાવવા પડે.
(તખુભા સોઢા, મુંદરા-કચ્છ)

* કહે છે કે, હાસ્યલેખકોના હૃદય ઉપર બહુ ઘા હોય છે... આપને કેમનું છે ?
- આપણે લીલાલહેર... હઓ !
(ડૉ. સાબિર વરતેજી, ભાવનગર)

* જ્યોતિષ મુજબ, આપની નિવૃત્તિ પછી આપની હાસ્યની કોલમો મને મળે એમ છે. રાહ જોઉં ?
- હોમિયોપેથી મુજબ, કોઈ સારી કોલમો લેશો તો પેટ સાફ આવશે.
(નટવર ઠક્કર, વારાહી-પાટણ)

* મૃત્યુની અંતિમ ઘડીએ માણસને જીવનની કિંમત સમજાતી હશે ખરી?
- મેં એ ઘડી જોઈ નથી.
(ઝુલ્ફિકાર એ. રામપુરવાલા, મુંબ્રા)

* ભ્રષ્ટાચાર જેવી સડેલી સિસ્ટમને અન્ના હજારે દૂર કરી શકશે ?
- અફ કોર્સ... અન્ના પોતે દૂર થઈ ગયા છે !
(સેજલ રમેશભાઈ ગાંધી, સુરેન્દ્રનગર)

* વરરાજા લગ્નમાં લાલ બૂટ પહેરે છે, કાળા કેમ નહિ?
- કાળા તો પછી ઘેર બેઠા ખાવાના જ છે ને ?
(ચતુર પોસ્ટમેન, અંકલેશ્વર)

* બીજાઓને વાઢી નાંખો છો, નરેન્દ્ર મોદી માટે કેમ ક્યારે પણ ખરાબ લખતા નથી ?
- ગુજરાતમાં સિંહોના શિકાર ઉપર પ્રતિબંધ છે.
(યશસ્વિની અમીન, વડોદરા)

* મઘુબાલા, હેમા માલિની અને માઘુરી દીક્ષિત પછી કોણ ?
- બેન કાંતાલક્ષ્મી.
(કે.એ. ભાવસાર, દમણ)

* લગ્ન માટે મળ્યા ત્યારે તમે અને હકીભાભીએ એકબીજા પાસે શેની અપેક્ષા રાખી હતી ?
- બે બાળકોની.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* તમારો તકીયા કલામ, ‘તારી ભલી થાય ચમના’ વાંચવાની મઝા આવે છે... ભલે બા ખીજાય !
- ‘બહોત શુક્રીયા, બડી મેહરબાની... હોઓઓઓ’
(શશિકાંત મશરૂ, જામનગર)

* તમારો ગુસ્સો સાતમા આસમાને ક્યારે પહોંચે છે ?
- છઠ્ઠા પછી.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* કાનૂનના હાથ લાંબા હોય તો ગૂન્હેગારના શું પગ લાંબા હશે ?
- કાનૂનવાળી કહેવત ભારતમાં લાગુ પડતી નથી.
(લિયાકતહૂસેન મલેક, મહેમદાવાદ)

* કન્યાદાન શ્રેષ્ઠદાન હોવા છતાં, જેમને બધી દીકરીઓ જ હોય, એમને લોકો અભાગી કેમ કહે છે ?
- માળા મોતીની હોય, હીરાની નહિ... એની એમને ખબર ન હોય, એટલે.
(સૌ. સુધા બી.ગોલે, વડોદરા)

* ચેતતો નર સદા ય સુખી, તો નારીનું શું ?
- નારીની બબાલ ન હોય તો નરે ચેતવાની જરૂર જ ક્યાં છે ?
(પ્રબોધ જાની, વસઈ-ડાભલા)

* ઢોંગી બિનસાંપ્રદાયિકોની ટોળી ગુજરાત સિવાય બીજે ક્યાં જોવા મળે છે ?
- ‘બિનસાંપ્રદાયિક’ લખો પછી ઢોંગી લખાવાની ક્યાં જરૂર છે ?
(બી.કે. મહેતા, રાજકોટ)

* ઓહ માય ગોડ... હું મોડી પડી. તમે સુરેન્દ્રનગર આવીને જતા રહ્યાં. મારે તમને જોવા હતા... !
- આમાં તો આપણે બે ય બચી ગયા !
(રૂપાંદે અશ્વિનરાય મેહતા, સુરેન્દ્રનગર)