Search This Blog

29/09/2013

ઍનકાઉન્ટર 29-09-2013

* કવિતાના પ્રેમમાં પડવાથી કવિ બની શકાય?
- એના ફાધરના મસલ્સ જોઇ લેવા પડે!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* ડાર્વિનનો સિધ્ધાંત સાચો હોય તો હાલના વાંદરામાંથી માણસ કેમ નથી બનતો?
- એટલી અક્કલ તો વાંદરામાં ય હોય!
(યશ્વી હેમાંગ માંકડ, જામનગર)

* જન્મદિવસ ઉજવવાને બદલે જીવનનો એક વર્ષ ઓછો ગણતા નિરાશાવાદીઓને શું કહેવું?
- જે સી ક્રસ્ણ.
(કવિતા કપિલ સોતા, મુંબઇ)

* કઇ સ્ત્રી તમારી પ્રેરણામૂર્તિ છે?
- હું કોઇનો પ્રેરણામૂર્તો નથી, ને મારે એવા ઢેખાળા ભેગા ય કરવા નથી!
(ડૉ. રાજુ સાગર, રાજકોટ)

* કારમી મોંઘવારીમાં પતિ ઘર ચલાવવા અસમર્થ હોય તો કોઇ ઉપાય?
- એને દેશ ચલાવવા આપી દો.
(મણીબેન પટેલ, ઊંટડી - વલસાડ)

* કહેવતમાં તો 'નવી ઘોડી નવો દાવ' કીધું છે, પણ નવો દાવ લગાવવા બેસીએ ત્યારે ઘોડી તો હોતી નથી...!
- હવે તમે ઘોડી છોડી દો અને માણસોમાં પધારો.
(મનસુખ સવજીયાણી, રાજકોટ)

* આ લાલકૃષ્ણ અડવાણીનું શું સમજવું?
- મારી મચડીને વડાપ્રધાન બનવાનું ડૉહાનું ડ્રીમ હતું... હવે ભાજપમાં ય કોઇ એમનું ન રહ્યું, ''બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નીકલે...''
(તેજસ હાલાણી, અમદાવાદ)

* હવે કાગડાઓ દેખાતા સાવ બંધ થઇ ગયા છે, તો શ્રાધ્ધમાં કાગવાસ કોને નાંખીશું?
- આપણે મકાનને ધાબે બેસી રહેવાનું... કોક તો નાંખશે!
(ઓમકાર જોશી, ગોધરા)

* કન્યા કેવી પસંદ કરવી? ગૃહસ્થી કે નોકરી કરતી?
- કૂંવારી.
(કરન પી. દવે, રાજકોટ)

* દિગ્વિજયસિંઘ કહે છે, ''અમારે માટે નરેન્દ્ર મોદીની કોઇ હસ્તિ નથી.''
- ગુજરાત કે દિલ્હી... છેલ્લા વર્ષમાં કોંગ્રેસનો એકપણ નેતા મોદી વગરની એક પણ વાત બોલ્યો હોય, એવો એક દાખલો લઇ આવો ને, થઇ જાઓ ભાયડા...!
(શર્મિષ્ઠા વાડકર, વડોદરા)

* 'કૌન બનેગા કરોડપતિ'માં અમિતાભના સ્થાને આપ બેસો ને હોટ સીટ પર હું બેસું તો મને સહેલા સવાલો પૂછશો ને?
- ઓકે. એક ટ્રાયલ લઇ જોઇએ. આજ સુધીની તમામ કેબીસીની હોટ સીટ પર બેઠેલાઓના નામો લઇ આવો.
(હેલી પ્રજાપતિ, મમુઆરા-કચ્છ)

* પ્રેમ આંધળો છે તો પછી બધું જોઇ જોઇને જ કેમ થાય છે?
- એટલો બધો આંધળો નથી.
(શેહજાદ શિકારી, ઇખર-ભરૂચ)

* સફળતાથી જીંદગી જીવવાની કોઇ ચાવી આપની પાસે છે?
- હતી પણ મૂકેશ અંબાણી લઇ ગયા... આજકાલ કોઇનો ભરોસો થાય છે, ભાઇ?
(વિનોદ ભટ્ટ, અમરેલી)

* અશોકજી હવે તમારૂં 'ડિમ્પુ' સાથે કેમનું છે?
- વૉટ ડૂ યૂ મીન ''હવે''? હજી પેલો 'ઢાઇ કીલો કા હાથ' વાળો ડિમ્પુના દરવાજે ઊભો જ છે...!
(નેહા મનિષ, અમદાવાદ)

* આંસુ સિવાય સ્ત્રી પાસે ઘાતક હથિયાર કયું?
- થપ્પડ.
(દર્શિલ એમ. શાહ, સુરત)

* વિશ્વમાં સૌથી વધુ ગીતો રૅકૉર્ડ કરાવવા માટે આશા ભોંસલેનું નામ 'ગીનેસ બૂક ઑફ રૅકૉર્ડ્સ'માં ચમક્યું. લતા મંગેશકર હોત તો આખા દેશનું મીડિયા મોટા કવરેજ આપત. આવું કેમ?
- મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે, એ બન્નેના ગીતો ભેગા કરીને સરવાળો કરો તો આ ધરતી પર આવનારા હજારો વર્ષો સુધી આ વિક્રમ કોઇ તોડી નહિ શકે.
(કનુ બારોટ, અમદાવાદ)

* લગ્નદિવસની ઉજવણી આપ કઇ રીતે કરો છો?
- એ દિવસે અન્ય કોઇ સ્ત્રીની સામે નહિ જોવાનું... ધૅટ્સ ઑલ!
(હિરેન રાજેશ કરેશીયા, બગસરા)

* વિકાસ અને વિનાશ વચ્ચે શું તફાવત છે?
- ભાજપ અને કોંગ્રેસ જેટલો.
(સુખદેવ શિયાણી, રાણાવાવ)

* આપને પણ દગો કરી ગઇ હોય, એવી કોઇ સ્ત્રી આપના જીવનમાં આવી હતી ખરી?
- આવી'તી ને...! મુંબઇની ફ્લાઇટમાં આવી એક મળી ગઇ હતી. મારે હજી બાર રૂપીયા લેવાના બાકી નીકળે છે...!
(જ્યોતિ પ્રધાન મેહતા, સુરત)

* જૂની પ્રેમિકા સામી મળી જાય તો શું કરવું?
- રીક્ષા.
(ચિરાગ પંચાલ, મધવાસ-લુણાવાડા)

* નકલી નોટની મશિનમાં પરખ થાય, પણ લુચ્ચી પત્નીને કઇ રીતે પરખવી?
- જાવા દિયો ને, ભાઆ'...ય! પત્નીને મશિનમાં કાંઇ ભરાવાય છે??
(ચેતન કક્કડ, રાજકોટ)

* ધર્મપત્ની એના પતિ માટે માતૃભાવ ક્યારે પ્રગટ કરે છે?
- ખોટી આશાઓ રાખીને બેઠા છો, ભગત!
(શાંતિલાલ ભગત, અમદાવાદ)

* દિલનું દાન કરનાર દાની કહેવાય કે એની નાદાની કહેવાય?
- હહહા... બરોબરના ભરાઇ પડયા લાગો છો...!
(સુમન વડુકૂળ, રાજકોટ)

* દીકરો દેવનો દીધેલ તો દીકરી?
- દેવની સાથે દેવીએ મળીને દીધેલ...!
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* પ્રજા ભૂખમરો વેઠે છે, ત્યાં છપ્પનભોગ ધરાવવો કેટલો ઉચિત?
- મને ધરાવી દો... વાત અહીં ને અહીં પતી જાય!
(રમેશ 'ટ્રોવા' સુતરીયા, મુંબઇ)

* આસારામના પ્રશ્ને ભાજપ તો ભાજપ, કોંગ્રેસ પણ કેમ ચૂપ છે?
- તમને એ ત્રણે વચ્ચે કોઇ ફરક લાગ્યો?
(નિયોતિ છાયા, વડોદરા)

27/09/2013

અભિમાન

- સજન બિંદીયા લે લેગી, તેરી નીંદીયા...

ગીતો :
૧. નદીયા કિનારે, હેરાયે આયે કંગના, ઐસે ઉલઝ ગયે - લતા મંગેશકર
૨. મિત ના મિલા રે મન કા, કોઈ તો મિલન કા કરો રે - કિશોર કુમાર
૩. અબ તો હૈ તુમ સે હર ખુશી અપની, તુમ સે મિલના ર - લતા મંગેશકર
૪. તેરી બિંદીયા રે, રે આય હાય તેરી બિંદીયા રે, સજન બિંદિયા - લતા-રફી
૫. તેરે મેરે મિલન કી યે રૈના, નયા કોઈ ગુલ ખીલાયેગી - લતા-કિશોર
૬. લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી, કૌન હૈ વો - લતા-મનહર ઉધાસ
૭. પિયા બિના પિયા બિના બંસીયા, બાજે ના બાજે ના, બાજે ના - લતા મંગેશકર

ફિલ્મ : અભિમાન ('૭૩)
નિર્માતા : સુશીલા કામત-પવન જૈન
દિગ્દર્શક : ઋષિકેશ મુકર્જી
સંગીત : સચિનદેવ બર્મન
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૨૨ મિનિટ્સ- ૧૪ રીલ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, બિંદુ, એ. કે. હંગલ, અસરાની, દુર્ગા ખોટે, ડેવિડ અબ્રાહમ ચેઉલકર, રાજુ શ્રેષ્ઠા (બાલ કલાકાર)

 


રાજેશ ખન્નાએ કોઈ નહિ ને અમિતાભ બચ્ચનને હડધૂત નહોતો કરવા જેવો! કબુલ કે, ખન્નો એ વખતે તો અમેરિકાના પ્રેસિડેન્ટને ય હડધૂત કરી શકે, એવી સફળતાના બુલંદ સિતારા પર બેઠો હતો. ભૂલ એની એટલી કે, એ જીવશે ત્યાં સુધી એની શહેનશાહી કાયમ રહેવાની છે, એવું એ માની બેઠો. દેવયાની ચૌબલ નામની 'સ્ટાર એન્ડ સ્ટાઈલ'ની પત્રકાર રાજેશ ખન્નાને પૂરજોશ ઉઘાડેછોગ પ્રેમ કરવા માંડી હતી, પણ ઋષિકેશ મુકર્જીનું 'નમકહરામ' ખન્ના-બચ્ચનને સાથે લઈને રીલિઝ થયું, ત્યારે પોતાની 'ફ્રેન્કલી સ્પીકિંગ' કોલમમાં માત્ર ઈશારો નહિ, ખતરાની તોતિંગ ઘંટડી વગાડી દીધી કે, ટોપ પર જગ્યા બહુ ઓછી છે ને રાજેશ સુધી અમિતાભ પહોંચી ગયો છે. પોસિબલ છે, અમિતાભ ખન્નાનું સામ્રાજ્ય ઝૂંટવી લેશે.

'કાકા' એટલે કે ખન્ના અભિમાનના જથ્થાબંધ સંગ્રહખોર. જે એમને ચાહતા હતા, તે બધા ધ્યાન દોરતા રહ્યા કે, અમિતાભ નામનો સિતારો ફિલ્મનગરી માથેનું આકાશ ચીરતો સીધો ખન્નાની રિયાસત પર અથડાવાનો છે. પણ રૂપેશ કુમાર (મુમતાઝનો કઝિન), સુજિત કુમાર, કાકાનો સેક્રેટરી વી. કે. શર્મા અને ખાસ દોસ્ત ગુરનામ... આ બધાઓએ મોટા ગજાની ચમચાગીરીઓ કરી કરીને કાકાને 'અમિતાભ તો બચ્ચું છે' જેવી બડાશો મારે રાખી. કાકા પાસે પોતાની બુદ્ધિ તો રહી નહોતી. ચમચાઓની ચઢવણીમાં આવી ગયા અને અમિતાભને હડધૂત કરવા માંડયા.

આમે ય, કલ્ચર કલ્ચરનો ફેર તો પડે! ખન્નો હતો તો મોટા ઘરનો બિગડેલ અને દત્તક દીકરો. વિવેક-વિનય તો સ્કૂલમાં એને ભણવામાં ય નહોતા આવતા. તોછડો અને અભિમાની ઘણો.

બીજી બાજુ, સ્વ. વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ખાસ સખી તેજી બચ્ચન અને ગણનાપાત્ર મહાન સાહિત્યકાર હરિવંશરાય બચ્ચનનો દીકરો અમિતાભ આજે પણ એની ડીસન્સીને કારણે મશહૂર છે. કેરેક્ટરનો ય શુદ્ધ માણસ. રેખા સાથેના લફરાંને કમ-સે-કમ હું તો પત્ની જયા ભાદુરી સામે બેવફાઈ નથી ગણતો. 'કૌન બનેગા કરોડપતિ'માં ય આ માણસ સ્ત્રીઓને સાચા અર્થમાં કેવો આદર આપે છે. પરસ્ત્રીને લિપટવાની કે મોકો જોઈને અડી લેવાની લાલચ આ શો કરી ચૂકેલા અગાઉના એક્ટરો કરી ચૂક્યા છે. બચ્ચનનું મૂલ્ય ત્યાં ઊંચું છે.

આટલી પ્રચંડ સફળતા છતાં અભિમાનનો છાંટો ય નહિ, એ જ માણસ પાસે ઋષિકેશ મુકર્જીએ, સંજોગોથી અભિમાની બનેલા પતિનો રોલ કરાવ્યો છે. મીડિયાએ તો આડેધડ જોયા-વિચાર્યા વગર ફિલ્મ 'જંઝીર' (કે 'ઝંજીર'...?)ની દોમદોમ સફળતાને પકડીને રાખીને 'એન્ગ્રી યંગમેન'નું ટાઇટલ બચ્ચનને આપી દીધું. વાસ્તવમાં આ કમાલ વર્ષોથી ઋષિકેશ મુકર્જીએ બચ્ચન પાસે કરાવી છે. એમની ફિલ્મો 'નમકહરામ', 'જુર્માના', 'આનંદ' કે 'અભિમાન'માં જ બચ્ચન સાચો એન્ગ્રી યંગમેન બન્યો હતો.

ફિલ્મ 'અભિમાન'ની વાર્તા ઋષિકેશ મુકર્જીએ આજકાલની નહિ, ઠેઠ '૫૦ના દાયકામાં લખી હતી અને તે પણ કિશોર કુમાર અને તેની પહેલી વાઈફ રૂમા ઘોષના અંગત વ્યાવસાયિક જીવનને લક્ષ્યમાં લઈને! કિશોર તો નવોસવો હતો અને રૂમા બંગાળી ફિલ્મોની રીતસરની ક્વીન હતી. બન્ને પ્રેમમાં પડયા અનેr પરણી ગયા પછી સિતારો કિશોરનો ચમકવા માંડયો, એ જોઈને ઋષિ દા ને આવી અસરકારક વાર્તા લખવાનો વિચાર આવ્યો. એ વખતે તો ફિલ્મ ન બનાવી, પણ ઓલમોસ્ટ સિમિલર ઘટના એ વખતે હજી નવા-સવામાં જ ગણત્રી પામી રહેલા અમિતાભ બચ્ચન અને ઓલરેડી સ્ટાર સ્ટેટસ ભોગવતી જયા ભાદુરી પતિ-પત્ની બન્યા, ત્યારે ઋષિ દા એ આવી અદ્ભૂત ફિલ્મ બનાવી.

 આ માહિતી મુંબઈ કોલ કરીને મેં ભારતના સર્વોત્તમ સ્પોર્ટ્સ અને ફિલ્મ પત્રકાર શ્રી રાજુ ભારતનને પૂછી જોઈ અને એમણે વાતની સચ્ચાઈની મોહર માર્યા પછી આ લખવા બેઠો છું.

આ ઘટસ્ફોટ એટલા માટે કર્યો કે, આ કોલમમાં આવતી અનેક માહિતીઓથી વાચકો ખુશ તો થાય છે, પણ આશ્ચર્યો પણ કરે છે, કે આટલી બધી માહિતી ક્યાંથી લઈ આવતા હશે? સવાલ માહિતીના સ્ત્રોતનો નથી, અધિકૃતતાનો હોય છે. મેળવેલી માહિતીનું ખરાપણું ચકાસવું નિહાયત જરૂરી હોય, એની કાળજી આ કોલમમાં લેવામાં આવે છે.

શ્રી. રાજુ ભારતને જ જણાવ્યું કે, 'અભિમાન'ને બોક્સ ઓફિસ પર સફળ બતાવવામાં આવી છે, એટલી સફળ તો નહોતી જ. ફલોપ પણ નહોતી, પણ પ્રચારમાં દરેક ફિલ્મને સુપરહિટ ગણાવવાની યોજનાઓ આજે પણ તરતી મુકાતી હોય છે, એ દ્રષ્ટિએ 'અભિમાન' બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ નહોતી. અલબત્ત, 'અભિમાને' ભારત કરતા ય શ્રીલંકામાં બહુમાળી સફળતા મેળવી હતી. કોલમ્બોના અમ્પાયર સિનેમામાં 'અભિમાન' સળંગ ૫૯૦ દિવસ ચાલી હતી, જે ત્યાંનો એક રેકોર્ડ છે.

અફ કોર્સ, સુસંસ્કૃત ઘરોના દર્શકો અને વિવેચકોમાં તો 'અભિમાન' આજે પણ વંદનીય ફિલ્મ ગણાય છે. આમે ય, ઋષિકેશ મુકર્જીની કોઈપણ ફિલ્મ હેતુલક્ષી, મનોરંજક અને સ્વચ્છ તો હોય જ. સુબિર (અમિતાભ) નામનો ફિલ્મી ગાયક સફળતાની ચરમસીમાઓ જોઈ ચૂક્યો છે, ત્યાં એક નાનકડા ગામની યુવાન ઉમા (જયા ભાદુરી)ના પ્રથમ સંપર્કમાં એના કંઠ અને રૂપથી પ્રભાવિત થઈને લગ્ન કરે છે. મુંબઈ આવીને ઉમાની ગાયિકા તરીકેની કારકિર્દીને પણ પોતાના પ્રભાવ સાથે સફળ બનાવે છે. કમનસીબે, ફિલ્મી સંગીતકારો કે પ્રોડયુસરોને સુબિર કરતા ઉમાના અવાજમાં વધારે રસ પડવા માંડે છે. એમાં સુબિર નીગ્લેક્ટ થતો જાય છે, જે એના અભિમાનને પોસાતું નથી. તબક્કો એવો આવે છે કે, ઉમાને એક ગીતના સુબિર કરતા ય વધારે પૈસા મળવા માંડે છે, એ ઘા સુબિર માટે કારમો નિવડે છે. પતિ-પત્ની વચ્ચે તનાવ થવા માડે છે. એટલે સુધી કે, પતિના સુખે જ સુખી, આ બધી સફળતાઓ છોડીને, કેવળ સુબિરને ખુશ રાખવા ઉમા ગામડે જતી રહે છે. સાનભાન ગૂમાવી ચૂકેલી ઉમાને કસુવાવડ થતા સુબિરને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત થાય છે ને પતિ-પત્ની ભેગા થાય છે. ઋષિદા હોય કે તેમના ગુરૂદેવ બિમલ રોય હોય, એ લોકોની તમામ ફિલ્મોમાં સંગીત સચિનદેવ બર્મન કે સલિલ ચૌધરીનું જ હોય. 'અનાડી' જેવા શંકર-જયકિશનના અપવાદો હોઈ શકે, પણ શું કમાલનું સંગીત બર્મન દાદાએ આ ફિલ્મ 'અભિમાન'નું આપ્યું છે. એમાં ય દાદાને જે ફિલ્મમાં તબલાં વગાડવાની જાહોજલાલી મળે, ત્યાં એ છવાઈ જતા. 'મેરી સૂરત, તેરી આંખે' કે 'બેનઝીર' જેવી ફિલ્મો ચાલી તો નહિ, પણ બન્ને ફિલ્મોનું રિધમ-સેક્શન ભારે તગડું હતું. સિતાર, સંતુર, બાંસુરી, સારંગી અને વોયલિનનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાકા કરતા. આ એક જ સંગીતકારે એવા હતા જે, એમના ફિલ્મના પ્રત્યેક ગીતમાં ઈન્ટ્રોડક્ટરી અને અંતરાઓ વચ્ચેના ઈન્ટરલ્યૂડ મ્યુઝિકની ધૂનો અલગ અલગ હોય. ઓ પી નૈયરને કોકે પૂછ્યું, કે દાદા બર્મન તો દરેક અંતરે અલગ સંગીત આપે છે, તો નૈયરે બિલકુલ પ્રોફેશનલ જવાબ આપ્યો હતો કે, 'હું સ્ટુપિડ નથી કે, એક ગીતમાં ત્રણ ગીતોની ધૂનો વેડફી નાખું.' અહીં લતા મંગેશકરને દાદાએ પૂરબહારમાં ખીલવી છે. અનુરાધા પૌડવાલને ય પહેલો ચાન્સ દાદા બર્મને અહીં આપ્યો છે, કેવળ એક શ્લોક ગવડાવીને. અનુરાધા તો સુમન ક્લાયણપુર કરતા ય લતા મંગેશકરના કંઠની વધુ નજીક હતી. પણ દિલ્હીના એક ફ્રૂટ જ્યુસની લારીવાળામાંથી સંગીતની વિરાટ ઈન્ડસ્ટ્રીના માલિક બનેલા ગુલશન કુમાર સાથે અનુ પણ કંઈક વધુ પડતા પાવરમાં આવી ગઈ. લતાની સામે પડી અને લતાની સામે પડેલું કોઈ ટક્યું નથી, એ તો સંત કબીર પણ કહી ગયા છે... સિવાય ઓ પી નૈયર. અનુરાધા પૌડવાલ આજે પણ લતાની સામે પડવાની મોટી કિંમત ચૂકવી રહી છે.

દરેક ફિલ્મ સર્જકની કોઈ ને કોઈ ખાસીયત હોય, એમ ઋષિ દાની તમામ ફિલ્મોમાં એક વાર રસોડું આવે, આવે અને આવે જ. એમાં ય રસોઈયો પુરુષો અને તે પણ વૃદ્ધ જ હોય. કેમેરા તો જયવંત પાઠારે જ ચલાવે. જયવંત તો આ ફિલ્મમાં નાનકડો રોલ પણ કરે છે. અસરાનીને રૂપિયાની બેગ ભરીને આપતા પ્રોડયુસરના રોલમાં પાઠારે છે.

પણ લાઈફ ટાઈમનો રોલ કરી ગયો છે અસરાની. નોર્મલી, કોમેડીયનને કોમેડીયનથી વિશેષ ગણવામાં આવતા નથી. જ્યાં સુધી મને એક્ટિંગની સમજ પડે છે, ત્યાં સુધી મારી સમજ મુજબ, કોમેડીયન હીરો કરતા વધુ સારા 'એક્ટર' હોય છે. મેહમુદને દિલીપ કુમાર કે સંજીવ કુમારથી એક દોરો ય ઉતરતો એક્ટર હું નથી માનતો. આ મારો અંગત અભિપ્રાય છે. અસરાનીએ એક હળવા દોસ્ત તરીકે આ ફિલ્મમાં એક્ટિંગની અનેક ઊંચાઈઓ બતાવી દીધી છે. જ્યા ભાદુરી એના સાહજીક અભિનય માટે મશહૂર હતી. અચાનક હસતા હસતા ફાટી પડવું અને એ જોવું પ્રેક્ષકોને ગમતું. ફિલ્મની વાર્તાના અનુસંધાનમાં તો એ વખતે એવું ય બોલાતું કે, અભિનયમાં બચ્ચન કે ભાદુરી... કોણ વધુ સમર્થ છે, તે નક્કી કરવું મુશ્કેલ છે. કેવી કમનસીબી કે, 'અભિમાન'ની વાર્તા મુજબની ઘટના તો આ સંસ્કારી યુગલમાં બને જ નહિ, પણ તેમના સંતાનો અભિષેક અને ઐશ્વર્યા રાય પણ આજકાલ ફિલ્મોથી દૂર થઈ ગયા છે, નહિ તો ચારમાંથી કોણ ઊણું ઉતરે એવું છે? અવતારકૃષ્ણ હંગલ તો તખ્તાના માણસ એટલે એમનો અભિનય હરકોઈને ગમે. આટઆટલી ફિલ્મોમાં કામ કરવા છતાં આ આદરણીય વડિલ ગૂજરી ગયા ત્યારે દવાના ય પૈસા નહોતા. બાળ કલાકાર માસ્ટર રાજુ શ્રેષ્ઠા એક દ્રષ્ય પૂરતો આવે છે. હિંદી ફિલ્મોના તમામે તમામ બાળકલાકારોનો એક જ અંજામ આવ્યો છે... મોટા થયા પછી ક્યાં ખોવાઈ ગયા, તે કોઈ નથી જાણતું. (બાય ધ વે, દેવ આનંદ, દિલીપ કુમાર, રાજ કુમાર પણ બાલ કલાકારો કહેવાતા... ત્રણે ય ના શરીર ઉપર રીંછ જેવા 'બાલ' હોવાથી!)

બિંદુની કરિયરે પણ આ ફિલ્મથી વળાંક લીધો હતો. અહીં એ વેમ્પ નહિ, પણ સજ્જન સ્ત્રીના સ્વાંગમાં છે. '૭૦ના દાયકામાં બિંદુએ તેના અતિ સેક્સી રૂપ અને 'માનના પડેગા...' બ્રાન્ડના ફિગરને કારણે તમામ ફિલ્મોમાં એ જોવા મળતી. ડેવિડ અબ્રાહમને ભાગે આખી કરિયરમાં રાજ કપૂરની ફિલ્મ 'બુટ પોલિશ'ના જ્હોન ચાચા જેવો બીજો રોલ મળ્યો નહિ. આજીવન કુંવારા રહેલા ડેવિડ અબ્રાહમ ચેઉલકર પાછલા વર્ષોમાં કેનેડા સ્થાયી થઈને ત્યાં જ ગૂજરી ગયા હતા. મધરાતે આસક્તિથી પોતાના પ્રિય ગાયકને ફોન કરીને પરેશાન કરતી રાધા (લલિતા કુમારી)ને તમે આમ તો ઋષિ દાની જ ફિલ્મોમાં જોઈ હશે. આ બંગાળી કલાકારના સેક્સી શરીર સૌષ્ઠવને કારણે ફિલ્મોમાં પણ એને એવા લલચામણા રોલ જ મળતા. દુર્ગાબાઈ ખોટે પણ ઋષિ દાની લગભગ બધી ફિલ્મોમાં હોય.

બિમલ રોય કે ઋષિકેષ મુકર્જી જેવા સર્જકોની ફિલ્મ જોયા પછી આપણી ઉપર એક મનોહર અસર રહી જાય છે. જોયેલી ફિલ્મ ભૂલી શકાતી નથી. કબુલ તો કરવું પડશે ને કે, એ બન્ને ગયા પછી આ સ્તરની એક પણ ફિલ્મ હજી સુધી ઉતરી નથી. એવી પ્રાર્થના બેશક કરવી જોઈએ કે, આપણા સંતાનોને ય કોઈ આવી ફિલ્મો ઉતારીને બતાવે.

25/09/2013

વાઇફ બિમાર તો લાઇફ ધોધમાર

લેખનું ટાઇટલ મુંબઇના કોઇ નાટક જેવું લાગતું હશે, પણ માનવ જીવનની આ બન્ને શહેનશાહીઓ લાખોમાં કોઇ એક નસીબવાનને પ્રાપ્ત થાય છે. આપણી લાઇફોમાં ધોધમાર તો વરસાદો ય નથી થતા ને રામ જાણે કંઇ બનાવટની વાઇફ ઉપાડી લાયા'તા કે, આખા લગ્નજીવનમાં એની છ-સાત ડીલિવરીઓને બાદ કરતા સાલી એકે ય વખતે ખાટલે પડી ન હોય. વાઈફ બિમાર ન હોય ને લાઇફ ધોધમાર ન હોય ! પણ કોકનું નસીબ અચાનક ઝળહળી ઉઠે છે ને વાઈફ બિમાર પડે છે. લાઇફમાં પહેલી વાર વગર ડીલિવરીએ લાંબી થઈને પડી હોય એના ધસમસતા આનંદમાં આપણે 'બદતમીઝ દિલ...બદતમીઝ દિલ...માને ના, માને ના....હોઓઓઓ' ઉછળી ઉછળીને ગાતા હોઇએ, એવી લાઇફો તો ગઇ હવે....! આજે તો એવી વાઇફો ય થતી નથી, કે એ મૂંગી મૂંગી ખાટલે પડી હોય ને આપણે કોઇ રોકટોક કે સલાહ-સૂચનો વિના ઘરમાં ફરતા રહીએ, એવા દિવસો તો મહુડીમાં સવા લાખની સુખડી ધરાવી આવીએ, તો ય પ્રભુ ક્યાં કોઇને આપે છે !

કહે છે કે, 'મન હોય તો માળવે જવાય', પણ વાઇફ બિમાર પડે ત્યારે ઘરમાં 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ની ધૂમધામ ઉજવણીઓ નથી થઇ શકતી. God disposes what man proposes. હવેના જમાનામાં, વાઇફો માંદી તો પડે છે, પણ ઘણાની તો બચી પણ જતી હોય છે, બોલો ! આપણા દેશના મહાન ગ્રંથ 'અશોકશાસ્ત્ર'માં લખ્યા પ્રમાણે, સુખ અને વાઇફોની બિમારી...કદી લાંબું ટકતા નથી. એ તો બે ઘડીનો આનંદ, મારા ભ'ઇ ! બિસ્તર પર બોલ્યા ચાલ્યા વિનાની વાઇફ લાચાર મોંઢે પડી પડી કેવી સૌજન્યશીલ લાગે છે. આપણને જમીનથી ઊંચે ઠેકડો મારીને સીધા પલંગ ઉપર કૂદી એને ભેટી પડવાનું મન થાય કે એના ગાલે બચ્ચી ભરી લેવાનું મન થાય (જેવી જેની સગવડ) કે, આટલા વર્ષે પહેલી વાર કંઇક આશા બંધાણી છે.

પણ આ 'જય કનૈયાલાલ કી'વાળી ધૂમધામ ભલે એના દેખતા ન કરીએ, પણ પતિ હોવા છતાં તમે પ્રામાણિક પણ હો, તો કબુલ કરજો યારો...કે, પિત્તળના તગારાંમાં કાળા રંગનું ભીનું પોતું પડયું હોય એમ, પેલી બિસ્તર પર પડી હોય ત્યારે આપણું મોંઢું કેવું રૂપાળી રાધા જેવું થઇ જાય છે ? કોરી ભીંત સામે જોઇને હસે રાખીએ, કારણ વગરની મુઠ્ઠીઓ દબાવે રાખીએ, પાડોસીના ઘેર જઇને એના ખભે બચકું ભરી આવીએ....! આવેલા આનંદને રોકવો કેવી રીતે ? અતિ ઉત્સાહમાં પાગલ બનેલો પતિ તો ગમે તે કરી બેસે ! આ તો એક વાત થાય છે.

બિમાર પડયા પછી વાઇફે-વાઇફે અભિનયો અલગ અલગ હોય છે. માંદી પડે ત્યારે મોટા ભાગની વાઇફો ગળામાંથી ચિત્રવિચિત્ર અવાજો કાઢી વાતાવરણમાં હૉરર ફેલાવે છે. એવા એવા મોંઢા કરીને બેઠી હોય કે, છેલ્લો ફોટો પાડતી વખતે આપણાથી એને 'સ્માઇલ પ્લીઝ'ની રીક્વૅસ્ટ પણ ન કરાય. સુઉં કિયો છો ? નડિયાદ-આણંદ બાજુની મહિલાઓ મોંઢું ઊંચું અને ખુલ્લું રાખીને પાછલી કમર પર બન્ને હાથ ભરાવીને કણસતી બેસી રહે છે. એવીઓનું તો મોંઢું જોઇને જ ઘરની વહુને હસવું આવે ! બ્રાહ્મણ વાઇફો શરીરના આકારો બદલતી જોવા મળે છે. એ એવી ગૂંચળું વળીને સુતી હોય કે, છેલ્લા છેલ્લા ખબર અંતર પૂછવા ખબર-કાઢુઓ નજીક પહોંચ્યા પછી શરીરના ક્યા ભાગમાં લુચ્ચીએ મોંઢું સંતાડેલું છે, તે ખબર ન પડે. પટેલ મહિલાઓ માંદી પડયા પછી એમની વહુઓને દોડતી રાખે છે, તો જૈનોમાં બહુ વહેલા નવકાર મંત્રો ચાલુ કરી દેવાય છે. વૈષ્ણવ ઘરોમાં બિમાર પડેલી વાઇફો કશું કરતી નથી, પણ એમના ગોરધનો દોડતા થઇ જાય છે, ને જે મળે એને 'જે શી ક્રસ્ણ' કહેવા માંડે છે. લોહાણાઓ આપણા કરતા બહાદુર ખરા. ગમ્મે તેટલા પૈસા ખર્ચવા પડે તો ખર્ચી નાંખવાના પણ ગંગાજળની બાટલી લીધા વગર એ લોકો ઘરે પાછા જતા નથી.

મારે પણ એક વાઇફ છે ને એ પણ આજે લગ્નના ૩૭-વર્ષ પછી પહેલી વાર લાંબી થઇને પડી છે. (કોણ કહે છે, ઈશ્વર આપણી સામું જોતો નથી ?) બિમાર પડયા પછી એ કરૂણામૂર્તિ મીનાકુમારી થઇ જાય છે. એની લાક્ષણિકતા એ છે કે, દર વખતે એને એમ જ લાગે છે કે, હવે મારો કાળ આવી ગીયો છે. હવે હું લાંબુ નહિ ખેંચું.

મારી વાઇફની એક સ્ટાઇલ છે. એ દરેક માંદગીને જીંદગીની છેલ્લી સલામ જ માની લે છે. આંગળી ઉપર નાનકડી ફાંસ વાગી હોય કે, વાયરલ-ઇન્ફૅક્શનનો તાવ આવ્યો હોય, એ એમ માની લે છે કે, 'અસોક, હવે હું બઉ નંઇ ખેંચી સકું...આંયખું બંધ કરૂં છું તો આકાસમાંથી મારા બા-બાપૂજી હાથ હલાવીને મને ઉપર બોલાવતા હોય એવા ચિત્રો દેખાય છે.' (કેટલાક લોકો જીવતે જીવત આપણા કામમાં નથી આવતા....મારા સાસુ-સસરા તો મર્યા પછી ય કામમાં આવતા દેખાયા.) પાછી પડી પડી સલાહો આપે, ''અસોક...મારા ગીયા પછી તબિયતું જાળવજો. બીજા લગ્ન કરશો નહિ...હાંઇઠ તો થીયા...હવે ભૂંડા લાગશો...''

ગયા મહિને વાઇફ મારા માટે સફેદ લેંઘો-ઝભ્ભો અને એના માટે ધોળો હાડલો ખરીદવા મને લઇ ગઇ હતી. રક્ષાબંધનનું સરસ મજાનું સૅલ હતું, તે બેસણાંમાં અમને બન્નેને કામ આવે, એટલે અમે આ 'શૉપિંગ' કર્યું. હવે તો બેસણાંના કપડાં માટે પણ મોટી શૉપવાળા 'ટ્રાયલ' લેવા દે છે. મેં ય ટ્રાયલ લઇ જોયો કે, બેસણામાં દાખલ થતી વખતે હું કેવો લાગીશ, કૉલરવાળા ઝભ્ભાથી શોકગ્રસ્ત વધારે લગાશે કે કવિઓ ને સુગમ સંગીતછાપના ઝભ્ભા પહેરવાથી વધારે સારૂં લાગશે. ઝભ્ભો લિનનનો હોય તો પલાંઠી વાળીને બેસતી વખતે કરચલીઓ પડી ન જાય અને બેસતી વખતે પાછળવાળાના ખોળામાં ભમ્મ થઇ ન જવાય, તે બધાનું પણ ધ્યાન રાખવું પડે છે. લેંઘાની નહિ પણ ઝભ્ભાની બાંયો કેટલી ચઢાવવી, એ અરીસામાં જોઇ લેવું સારૂં. ઘણીવાર તો આવી મોંઘીદાટ ખરીદીઓ માથે પડે છે કે, હોંશે હોંશે ધોળાં કપડાં લઇ આવ્યા પછી સગાવહાલામાં કોઇ અક્ષરવાસી થતું નથી, ત્યારે જીવ ના બળે ? ઘણા મરનારાઓ જીદ્દી બહુ હોય છે. એ લોકો ઉપડે નહિ, એમાં પડયા પડયા ધોળા કપડાં પીળાં પડી જાય ને એક વખત ચમક જતી રહે, પછી બેસણામાં આવા કધોણીયા કપડાં પહેરીને જવાનો કોઇ મતલબ નથી. બેસણું ઍટૅન્ડ કરવામાં ય આર્ટ છે.

પણ વાઇફ પોતે માંદી પડે ત્યારે જીવ બહુ બાળતી હતી.

''અસોક....આપણે તો બઉ હોંસે-હોંસે સફેદ લેંઘા-જભ્ભા ને હાડલા લી આયવા'તા....મને તો તમે પે'રવાનો મોકો ન દીધો.... મારા ગયા પછી હવે તમે પે'રજો...!''

મેં એનું ધ્યાન પણ દોર્યું કે, તારો ધોળો હાડલો મને સારો નહિ લાગે...હું તો મારો લેંઘો-ઝભ્ભો જ પહેરીશ'' ત્યારે એ ચૉક થઇ ગયેલા ગળે પણ રડી. એના જીવો ય બળ્યા હશે કે, નવા કપડાંમાં પહેલું મેદાન હું મારી જઇશ !

સફેદ સાડલાનું તો વાઇફે અલગ વૉર્ડરોબ બનાવ્યું છે. ઘણા લોકો ખૂબ માપસરનું જીવે છે. જે ચીજ જ્યાંથી લીધી, એ ચીજ વર્ષો પછી પણ ત્યાંથી જ મળી આવે. વર્ષો પહેલા પોતાની મૂછો એમણે નાક નીચે ઊગાડી હોય તો આજે ય એ મૂછો મોંઢા ઉપર આડીઅવળી ક્યાંય ન પડી હોય. આજે ય એ મૂછો નાક નીચેથી જ મળી આવે. એમ વાઇફના ધોળા હાડલા ઉપર પણ, હાલમાં જીવિત સગાસંબંધીના નામોના સ્ટીકરો ચોડેલા છે. 'મધુકાકા, સવિતા ફોઇ, નાનકી માસી, મેહતા અન્કલ....વગેરે. આ બધા હજી જીવિત છે, પણ એક દહાડો તો જશે ને ? જાય એ વખતે હાડલા લેવા દોડાદોડ કરવી એના કરતા પ્લાનિંગ અત્યારથી કરી લેવાનું. આમ તો, ઘરની બાતમી મારાથી જાહેર ન થાય પણ સાડલાઓની ક્વૉલિટી અને કિંમત મરવાપાત્ર સગાના મૂલ્ય ઉપર આધારિત છે.'

પત્નીની રડવાની પધ્ધતિ ગુજરાતમાં અન્યત્ર ક્યાંય જોઇ નથી. એ રડવાનું શરૂ કરે, એ સાથે જ એનું ગળું ચૉક થઇ જાય. જૅલ તૂટવાના સમાચાર સાથે હજી અંદર ભરાયેલા કેદીઓ સળીયા ખખડાવીને બહાર નીકળવાના ધમપછાડા કરે, એમ શબ્દો આના ગળાંમાંથી બહાર આઉ-આઉ કરતા રહે, પણ નીકળે નહિ. ચૉક-અપ થઈ જાય. પણ દરેક પુરૂષાર્થનું પરમેશ્વર ફળ આપે જ છે એમ, કંઇક બોલી બતાવવાના પ્રયત્નોના ફળ સ્વરૂપે એના ગળામાંથી ચોખ્ખા શબ્દો તો નહિ, પણ લોખંડના પતરા ઉપર કાચ પૅપર ઘસો ને જેવો ધ્વનિ પેદા થાય, એવો અવાજ પત્નીના ગળામાંથી નીકળે છે. બહુ વાર કાચપૅપરો ઘસાય, એના કરતા વાઇફને અમે બહેરા-મૂંગાની ભાષા અને સાઇનો શીખવાડી દઇએ છીએ.

મરવાની મજાક થાય નહિ, એ બધી વાત સાચી. કોઇના પણ મૃત્યુની વાત હસી કાઢવાનો વિષય નથી. અને કોઇના ઇચ્છવાથી કોઇ મરતું ય નથી. કોઇ બિમાર પડે એની મજાક ન થાય, પણ સ્ત્રીસહજ સ્વભાવને કારણે જે વાઇફો જરાક અમથી માંદી પડે, ત્યારે કૉમિક ઊભું કરતી હોય છે, તેના લીધે ઇચ્છો તો ય હસવું રોકાતું નથી.

નિર્દોષ આનંદ તો આવા સબ્જૅક્ટો ય ક્યાં આપે છે ?

સિક્સર

- ચહેરા ઉપર કાળા કાળા ખાડાવાળો શીતળાનો રોગ આમ તો દેશમાંથી નાબુદ થઇ ગયો છે...

- સૉરી....નથી થયો. અમદાવાદના ટાઉન હૉલવાળા નવા ઑવરબ્રીજની સડકનો ચહેરો જોઇ આવો...જોઇને ય ઊલટી થાય એવો કદરૂપો બન્યો છે કે નહિ !

22/09/2013

ઍનકાઉન્ટર - 22-09-2013

* વિશ્વના ઈતિહાસમાં સમ્રાટ અશોક એક જ એવો રાજવી હતો જેણે યુધ્ધ જીત્યા પછી યુધ્ધનો ત્યાગ કર્યો હતો. આપને કેમનું છે?
- પોલીસ કૅસ થાય એવી એકે ય વાતમાં હું પડતો નથી.
(ક્રિષ્ના મૌલીક જોષી, જૂનાગઢ)

* ઘણીવાર તમે સવાલનો જવાબ એક જ શબ્દમાં આપો છો...!
- એમ?
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આંખ, કાન અને ગળાના ડૉકટરની પત્નીનું ગળું બેસી જાય ત્યારે શું ઈલાજ કરતા હશે?
- એમની પત્ની કહી દે, ''કોક સારા ડૉકટરને બતાવીએ.''
(મધુકર પી. માંકડ, જામનગર)

* તમે આટલા બધા લોકપ્રિય છો, છતાં ફ્લૅટમાં કેમ રહો છો?
- પહેલા તો ઝાડ ઉપર રહેતો હતો...!
(જુમાના જે. ગોરી, પાલીતાણા)

* સ્પૅર-વ્હીલની જેમ, સંકટ સમયે કામમાં આવે, તે માટે પરિણિત પુરૂષ ઉપપત્ની રાખે તો ખોટું શું છે?
- તમારા અનુભવો વિસ્તૃત રીતે મને લખી જણાવશો.
(જયેશ અંતાણી, ભાવનગર)

* મોદી વડાપ્રધાન બને તો ભારતની સવા અબજની વસ્તીનું ધ્યાન રાખી શકશે?
- એ મૂંગા મૂંગા ધ્યાન નહિ રાખે અને જે કાંઇ ધ્યાન રાખશે, એને લોકસભામાં તૂટક તૂટક વાંચવું નહિ પડે!
(કાંતિ ખખ્ખર, રાજકોટ)

* યમરાજાનું વાહન હાથી-ઘોડાને બદલે પાડો કેમ?
- હાથી-ઘોડાના ડ્રાયવિંગ લાયસન્સો લેવા આજે ય RTOમાં બહુ મગજમારી થાય છે, ભ'ઇ!
(ચંદુલાલ રાયઠઠ્ઠા, તરસાઇ-જામજોધપુર)

* સાહિત્યમાં હાસ્યને સ્વતંત્ર રસની માન્યતા નહિ મળવાનું કારણ શું?
- સિંહને તમે રાજા કહો કે ન કહો... એને કોઇ પડી છે?
(ડૉ. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

* લગ્નની કંકોત્રીમાં વર-કન્યાના ફોટા કેમ મૂકવામાં આવે છે?
- ગોરમહારાજ અને મંડપવાળાના ફોટા સારા ન લાગે, માટે!
(દુષ્યંત કારીયા, મોરબી)

* રાજકારણ વિશે ટૂંકમાં સમજાવશો?
- !
(પી.એ. જોષી, હિંમતનગર)

* કીડીને કણ, હાથીને મણ, તો તમને?
- રમણ... આઈ મીન, રમણલાલ મારા પડોસીનું નામ છે!
(શ્રીમતી ઈંદુ ચંદારાણા, વડોદરા)

* રડતી વખતે માણસો મોંઢું કેમ ઢાંકી દે છે?
- સવારના બ્રશ કર્યા વગરના રોવા બેઠા હોય માટે.
(ખુશ્બુ જોબનપુત્રા, જૂનાગઢ)

* પહેલાના રાજવીઓની સંપત્તિને પણ ગૌણ કહેવડાવે, એટલો વૈભવ ભોગવી રહેલા આજના રાજકારણીઓ વિશે તમારે શું કહેવું છે?
- બસ. પરમેશ્વર મને પણ રાજકારણી બનાવે.
(અશ્વિન શાહ, અમદાવાદ)

* ડૉ. મનમોહનની હવે દશા બેઠી હોય, એવું તમને નથી લાગતું?
- બા દસ દિવસ સારવાર માટે અમેરિકા ગયા... એમાં એકલા મનુભ'ઇની નહિ, આખી કોંગ્રેસ ટૅન્શનમાં આવી ગઇ.
(હરસુખ જોષી, રાજકોટ)

* સ્ત્રીઓ માટે મોબાઇલ અને પતિ વચ્ચે શું ફરક?
- હમણાં એક પરિચિત મહીલાને મોબાઇલ કર્યો. ના ઉપાડયો. એટલે લૅન્ડલાઇન કર્યો, તો ઉપાડયો. મેં પૂછ્યું તો કહે, ''અરે, મારો મોબાઇલ તો ક્યાંય ખૂણામાં પડયો હશે, એ ખબર જ નથી!'' મેં કીધું, ''બેન, હું તમારા વરજીનું નથી પૂછતો, મોબાઈલનું પૂછું છું...!''
(શાહાબખાન શમશેરખાન પઠાણ, અમદાવાદ)

* એક સર્વે મુજબ, લંડનમાં પુરૂષો કરતા સ્ત્રીઓનો આઈ-ક્યૂ પાંચ વધુ આવ્યો છે. ઈન્ડિયામાં કેમનું છે?
- તે ચોક્કસ હશે જ. મારી વાઈફ લંડનની બ્રિટીશ સિટિઝન છે.
(ડૉલી કાચા, મોરબી)

* 'ફ્લાઈંગ કિસ'ની વ્યાખ્યા કઇ?
- તમે કોકને માટે આવું ઉડતું ચુંબન ઊડાડયું હશે, તો બીજો કોઇ વચ્ચેથી કૅચ કરી લે, એના કરતા હવે તો બને એટલી ફ્લાઇંગ-કિસો લૂટાવા જ માંડો! 'જો લે ઉસકા ભી ભલા, ના લે ઉસકા ભી ભલા..!' જય અંબે.
(એ.સી. નટુ, વડોદરા)

* દરેક ભગવાનો ક્લીન-શૅવ્ડ જ કેમ હોય છે?
- આપણને જોવા ગમે માટે.
(સંદીપ એચ. દવે, જૂનાગઢ)

* બળાત્કાર માટે કડક કાનૂન બનશે ખરો?
- બળાત્કાર કરવા માટે તો નહિ બને... પણ બળાત્કાર રોકવા માટે કદાચ બને!
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

* એક હાસ્યલેખકના નાતે તમારા ઘરનો માહૌલ કેવો હોય છે?
- શૌર્યકથા જેવો.
(રમેશ 'ટ્રોવા' સુતરીયા, મુંબઇ)

* આપણા ભારતમાં એકતા કેમ નથી?
- એ તો મુંબઇમાં રહે છે.
(તૌફિક કાસમાણી, ગારીયાધાર)

* ચણતરની ઈંટોને ગમે તેટલું પાણી પાવા છતાં સમય જતા કોરી કેમ રહી જાય છે?
- તમારે મકાન બનાવવું છે કે હોડી?
(રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદ)

* હિલેરી ક્લિન્ટન એક પ્રવચન કરવાના બે લાખ 'ડૉલર્સ' માંગે છે. આપને કેમનું છે?
- માંગુ છું તો હું ય એટલા જ... પણ કોઇ આપતું નથી!
(કુશલ ત્રિપાઠી, ન્યુયૉર્ક-અમેરિકા)

* લગ્ન પછી કોક બીજી સાથે આંખ મળી જાય તો આગળવાળી ભૂલ સુધારવાનો કોઇ રસ્તો બતાવશો?
- પહેલા હાલની વાઇફને એની આગળવાળી ભૂલ સુધારવાનો ચાન્સ આપવો.
(ચંદ્રેશ કાચા, મોરબી)

* ભૂખ લાગી હોય ત્યારે 'પેટમાં બિલાડાં બોલવા'ની ઉપમા કેમ અપાય છે?
- ઉંદરો સ્ટોરરૂમમાં બીઝી હોય!
(મનુ બી. સોની, મેહસાણા)

* પેટ્રોલ...?
- બળી ગયું...!
(તેજસ હાલાણી, અમદાવાદ)

 

20/09/2013

કાબુલીવાલા

- અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન ગંગા આયે કહાં સે, ગંગા જાયે કહાં રે... ટાગોરની ભાવવાહી કૃતિ

ગીતો :
૧. ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં રે... - હેંમતકુમાર
૨. અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન... - મન્ના ડે
૩. ઓ સબા કહેના મેરે દિલદાર કો, દિલ તડપતા હૈ... - મુહમ્મદ રફી
૪. નન્હે મુન્ને ક્યું કુમ્હલાયા તેરા મુખડા પ્યારા... - હેમંતકુમાર,ઉષામંગેશકર, સવિતા બેનર્જી, રાનુ મુકર્જી

 
 
 
ફિલ્મ - કાબુલીવાલા ('૬૧)
નિર્માતા - બિમલ રૉય
દિગ્દર્શક - હેમેન ગુપ્તા
સંગીત - સલિલ ચૌધરી
ગીતો - પ્રેમ ધવન-ગુલઝાર
રનિંગ ટાઈમ - ૧૫ રીલ્સ : ૧૩૪-મિનીટ્સ
થીયેટર - નોવેલ્ટી (અમદાવાદ)
કલાકારો - બલરાજ સાહની, સોનુ, ઉષા કિરણ, અસિત સેન, તરૂણ બોઝ, બેબી ફરીદા, પોલ મહેન્દ્ર અને સજ્જન.
 
હજી હમણાં જ... આઈ મીન, બસ દસ-પંદર દિવસ પહેલા છાપાઓમાં તમે વાંચ્યું હશે કે, કાબુલમાં એક ભારતીય લેખિકા સુષ્મિતા બેનર્જીની તાલીબાનોએ હત્યા કરી નાંખી છે. એ પોતે નસીબ અને સિફતના જોર પર તાલીબાનોના હાથમાંથી છુટી અને જીવતી રહી, એટલે 'કાબુલીવાલાની બંગાળી પત્ની' નામની નવલકથા લખી, જેના પરથી હિંદી ફિલ્મ પણ બની હતી. આ પુસ્તકના પુરસ્કાર રૂપે તાલીબાનોએ એના ઘરમાં ઘુસીને, એના પતિને બાંધી, સુષ્મિતાને ઘરની બહાર કાઢીને ઠાર મારી હતી. તાલીબાનો વિશે કંઈ પણ ઘસાતું લખવાનો આ અંજામ હતો. કવિવર ટાગોરને તો સ્વર્ગમાં ય કલ્પના નહિ હોય, એમની અમરકૃતિ આવો કોઈ રંગ લાવશે.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર મૂળ તો કવિ જીવ, પણ એક મહર્ષિ જેવા દાઢી-મૂછ અને આખું શરીર ઢાંકે એવા વિશાળ પહેરવેશની અંદર એક વાર્તાકાર પણ છુપાયેલો હતો. ગુરુદેવે ટૂંકી વાર્તાઓ અનેક લખી છે, એમાંની એક આ, 'કાબુલીવાલા' યાદ હોય તો મારી ઉંમરના નવજવાનોને સ્કૂલમાં ભણવામાં પણ આવતી હતી. લાગણીઓનો આખો દરીયો ખુંદી વળે અને મહીંથી અર્ક સમું સુંદર સાહિત્ય નિપજે, એ સિદ્ધિ આ વાર્તાની. પછી તો પૂછવાનું શું રહે કે, પોતાના બંગાળની ભૂમિને અનહદ પ્રેમ કરતા ફિલ્મસર્જક બિમલ રોયે આ ફિલ્મ બનાવી હોય અને એક સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રાયવેટ સેક્રેટરી રહી ચૂકેલા હેમેન ગુપ્તાએ આ ફિલ્મ નિર્દેષિત કરી હોય. અને છતાં ય, આ બધાથી ય સર્વોપરી સાબિત થાય એવું અફઘાની સ્પર્ષ ધરાવતું દિલડોલ સંગીત આપણા સલિલ ચૌધરીનું હોય! ફિલ્મ '૬૧ની સાલમાં આવી અને જતી ય રહી, કોઈએ નોંધ પણ ન લીધી, છતાં ય આજ સુધી એના ગીતો પાઠયપુસ્તકની કવિતાઓની જેમ લોકહૃદયે કંઠસ્થ છે અને જૂની ફિલ્મોને લગતો ભાગ્યે જ કોઈ સ્ટેજ પ્રોગ્રામ હશે જેમાં 'અય મેરે પ્યારે વતન' કે 'ગંગા આયે કહાં સે...' ન ગવાતું હોય!

હજી ઉમળકો પૂરો થાય એવો નથી. અફઘાની પઠાણના રોલમાં ધી ગ્રેટ બલરાજ સાહની જેવો અદાકાર હોય, તો ફિલ્મ કેવી પ્રેક્ષણીય બની હોવી જોઈએ...?

... નહોતી બની! ટાગોરની અમરકૃતિને શોભાવે, એ સ્તરનું ફિલ્મનું દિગ્દર્શન નહોતું. એવું પ્રોડક્શને ય નહોતું ફિલ્મ બિમલ રોયની હોવા છતાં દિગ્દર્શક હેમેન ગુપ્તાએ બધો દાટ વાળ્યો હતો. આ તો સારું છે કે, મેઈન લીડમાં બલરાજ સાહની હતા એટલે એક્ટિંગ આપોઆપ નીકળી આવે, પણ બાકીનાઓ પાસેથી એક્ટીંગ તો દૂરની વાત છે, કોઇને કેમેરામાં ય રહેવા દીધા નથી. એક સંવાદ સાંભળતી વખતે બીજું પાત્ર કેવી રીતે રીએક્ટ કરે, એ તો કોઈ દ્રષ્યમાં નથી લેવાયું. આઘાતની વાત તો ખરી જ ને કે, બીજા પાત્રનો ચેહરો પણ દેખાય નહિ. કેમેરામાં ક્લોઝ-અપનું શું મૂલ્ય છે, એ તો રાજ કપૂર કે ગુરુદત્ત જેવા નિર્દશકો જાણે... વગર બોલાયે અનેક સંવાદો એક ક્લોઝ-અપ શોટ બોલી આપે! ફિલ્મ ચાલી જ નથી, એનો સરવાળો એ વાતથી થઈ જાય છે કે, ટાગોરની મૂળ કૃતિને ય ન્યાય થયો નથી. સલિલ દા નું બેનમૂન સંગીત ન હોત, તો કોઈને સ્મરણમાં પણ ન રહેત કે, 'કાબુલીવાલા' નામની કોઈ ફિલ્મ પણ બની હતી.

વિધવા માં (અનવરીબાઈ) અને માં વિનાની દીકરી સાથે અબ્દુલ રહેમાન (બલરાજ સાહની) નામનો ગરીબ પઠાણ કાબુલમાં છુટક સૂકો-મેવો વેચીને માંડ પેટીયું રળે છે. ૪-૫ વર્ષની નાની દીકરી અમીના (બેબી ફરીદા)ની માંદગીના ખર્ચામાં દેવું વધી જતા, પૈસા કમાવા એ હિંદુસ્તાન આવે છે, કલકત્તા. એ જ સૂકો મેવો અને અફઘાની બનાવટની શોલ વગેરે વેચવાનો ધંધો કરે છે. પોતે કલકત્તાના એક સામાન્ય બોર્ડિંગ હાઉસમાં રહે છે, જ્યાં એના દેશના અન્ય પઠાણો રહેતા હોય છે. દરમ્યાનમાં એની પુત્રીની સતત યાદ અપાવે, એવી એક નાની ઢીંગલી મીની (સોનુ) સાથે અકસ્માત ભેટો થઈ જાય છે. મીનીની માં (ઉષા કિરણ) અને નોકર (અસીત સેન) ડરતા રહે છે કે, પઠાણો તો નાની છોકરીઓને ઉઠાવી જાય, પણ એટલું સંકુચિત માનસ મીનીના પિતા (સજ્જન)નું ન હોવાથી, પત્નીથી ડરીને પણ એ કાબુલીવાલા સાથે મીનીને ઘરના કમ્પાઉન્ડમાં હળવા-મળવાની છુટ આપે છે. દરમ્યાનમાં છુટક શોલ વેચવા જતા એક ગ્રાહક ઉધારે માલ લીધા પછી વખત આવે ફરી જાય છે અને અબ્દુલને ગાળો આપતા અબ્દુલ એને છરો મારી દે છે ને દસ વર્ષની જેલ થાય છે. એ પાછો આવીને એક જ ધગશ રાખે છે, એની લાડકી દીકરી અમિનાની યાદ અપાવતી મીનીને મળવાની, પણ એના ઘેર જતા ખબર પડે છે કે, મીની હવે મોટી થઈ ગઈ છે ને અત્યારે એના લગ્ન છે. કમનસીબે મીની એને ઓળખતી નથી, પણ એના પિતા સદભાવથી અબ્દુલને કાબુલ પાછા જવાના પૈસા પરાણે આપે છે. મીની પણ કોઈ અગમ્ય નિર્દેષથી ભલે ઓળખી ગઈ ન હોવા છતાં, કાબુલીવાલાની દીકરી માટે પોતાની સોનાની બંગડીઓ ભેટમાં આપે છે. અબ્દુલ એના વતન પાછો જતો રહે છે.

ફિલ્મનો આવો અંત લાવવા વાર્તાલેખક ટાગોર થોડા ક્રૂર થયા છે. જેલમાંથી પાછા આવેલા કાબુલીવાલાને મીની ઓળખી જઈને થોડી નાઈસ અને ડીસન્ટ થઈ હોત, તો વાર્તાના અંતને નુકસાન થયું ન હોત. વાચકો કે પ્રેક્ષકો ખુશ થાત. દિગ્દર્શક પણ બહુ મોટી જગ્યા ચૂક્યા છે. આટલા વર્ષે પાછા આવેલા કાબુલીવાલાને જોઈએ જે સ્વાભાવિક ઉમળકો આવવો જોઈએ એ તો ઠીક, નથી આવ્યો, પણ કોઈ વાતાવરણે ય ઊભું થઈ શક્યું નથી.

વાતાવરણ તો એકદમ સોફટ ચેહરો ધરાવતા ધી ગ્રેટ બલરાજ સાહની ઊભું કરે છે, એમની સાહજીક એક્ટિંગથી. ખાસ કરીને બલરાજના પશ્તુ ભાષાના ઉચ્ચારોમાંથી કોઈ સાચો અફઘાની પણ ભૂલ કાઢી શકે એમ નથી. નોર્મલી, ગુજરાતમાં તમે મુશાયરામાં જતા હો, ત્યાં આપણા ગુજરાતી ભાષી શાયરો જ્યારે ઉર્દુમાં શે'ર કહેવા જાય છે, ત્યાં ફિલમ ઉતરી જાય છે. ઉર્દુ બોલવાનો ય એક લહેજો છે, તેહઝીબ છે, એ બલરાજને શીખવવો પડયો નથી. પાકિસ્તાનના રાવલપિંડીમાં જન્મેલા બલરાજનું મૂળ નામ યુધિષ્ઠિર સાહની હતું કે હિંદીમાં બેચલર અને ઈંગ્લિશમાં બે વખત માસ્ટર્સ ડીગ્રી મેળવનાર બલરાજે ટાગોરના શાંતિનિકેતનમાં પત્ની દમયંતિ સાથે અને એ પહેલા મહાત્મા ગાંધી સાથે પણ અંગત ધોરણે કામ કર્યું છે. બાપુના જ કહેવાથી બલરાજ બીબીસીમાં એનાઉન્સર તરીકે ગયા હતા, એ બધી વાતો અગાઉ જ બલરાજ સાહનીની કોઈ ફિલ્મના રીવ્યૂમાં આપણે વાંચી ચૂક્યા છીએ. અલબત્ત, લોકો તો એને ફિલ્મ 'વક્ત'માં 'અય મેરી જોહરાજબીં...' ગાનાર લાલાજી તરીકે જ વધુ ઓળખવાના. મૂળ કમ્યૂનિસ્ટ પાર્ટીનો આ માણસ છેવટે ઈંન્દિરા કોંગ્રેસમાં જોડાયો અને મને યાદ છે, અમદાવાદના ગાંધી રોડની ખત્રી પોળમાં હું રહેતો ત્યારે પોળના નાકેથી નીકળેલા કોંગી સરઘસમાં એમને ટ્રક પર ઊભેલા જોયા, ત્યારે રાજી થઈ જવાયું હતું કે, 'કેવા લાલ બુંદ છે!'

ઉષા કિરણ સદનસીબ અભિનેત્રી હતી, જેણે દેવ આનંદ, દિલીપ કુમાર, રાજ કપૂર અને રાજેન્દ્ર કુમાર જેવા ટોપ સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. ડો. મનોહર ખેરની આ પત્ની લતા મંગેશકર કરતા ફક્ત પાંચ જ મહિના મોટી હતી. એના પુત્ર અદ્વૈત ખેરના ઘેર ૭૦ વર્ષની ઉંમરે નાશિકમાં એ ૯ માર્ચ, ૨૦૦૦ના રોજ ગૂજરી ગઈ. અદ્વૈત મોડેલિંગ કરી ચૂક્યો છે. એની વાઈફ મીસ ઈન્ડિયા (૮૨)માં ભાગ લઈ ચૂકી છે. ઉષાની એક દીકરી તન્વી આઝમી શબાના આઝમીના ભાઈ બાબા આઝમી સાથે પરણી, જ્યારે બીજી સંસ્કૃતિ ખેર અને સંયમી ખેર વિશે માહિતી નથી, પણ એટલી માહિતી ચોક્કસ છે કે, ખેર હોવા છતાં આખું ફેમિલી અનુપમ ખેરનું કોઈ સગું નથી. આ ફેમિલી મહારાષ્ટ્રીયન છે, જ્યારે અનુપમ કાશ્મિરી પંડિત છે.

સજ્જન તમને યાદ રહી ગયો હોય તો ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'ના વિલન તરીકે. મધુબાલાને પામવા ગળે રૂમાલ વડે પરસેવો લૂછતો આ વિલન બબિતા-જીતેન્દ્રની ફિલ્મ 'ફર્ઝ'માં ય વખણાયો હતો, પણ નિખાલસતાપૂર્વક કબુલ કરે છે, કે આખી ફિલ્મ કરિયરમાં મને કે પ્રેક્ષકોને યાદ રહી જાય એવો એકે ય રોલ મેં કર્યો નથી. સજ્જનની સજ્જનતા એ વાતમાં દેખાય છ કે કોઈ દંભ વગર કબુલ કરી લીધું હતું કે, પોતે બહુ સામાન્ય કક્ષાનો અભિનેતા હતો. રોશનની ફિલ્મ 'હમલોગ'ના મુકેશના ગીત 'અપની નઝર સે, ઉનકી નઝર તક, એક ઝમાના એક ફસાના' ગાઈને ખુશ થઈ જતા અમારા દોસ્ત તુષાર માંકડને એ પણ ખબર છે કે, 'હમલોગ'નો હીરો સજ્જન હતો. આખી મહાબળેશ્વરમાં શૂટ થયેલી મધુબાલાની ફિલ્મ 'સૈંયા'નો હીરો સજ્જન હતો. સજ્જાદ હુસેનના લતા મંગેશકરના ગીતોની જાહોજલાલી કોણ ભૂલવાનું છે?

ફિલ્મના નિર્માતા બિમલ રોય ડેફિનેટલી એક કલાસિક સર્જક હતા. મધુમતિ, સુજાતા કે બંદિની જેવી ફિલ્મોના આ સર્જક દારૂને અડે નહિ પણ સિગારેટ ચાલુ જ હોય. એની દીકરી રિન્કી એમના જ આસિસ્ટન્ટ અને બહુ બદનામ થયેલા બાસુ ભટ્ટાચાર્ય સાથે ભાગીને પરણી ગઈ, ત્યારે કાકા અપસેટ બહુ થઈ ગયેલા. આ બાસુ હવે તો હયાત નથી, પણ 'તનૂજાવાળી ફિલ્મ 'અનુભવ' અને રાજ કપૂરવાળી ફિલ્મ 'તીસરી કસમ' એમણે દિગ્દર્શિત કરી હતી. જીદ્દી રિન્કી માટે બાસુ સિવાય બધા ભાઈ-બાપ હતા નહિ તો નોબેલ પ્રાઈઝ વિજેતા અમર્ત્ય સેનનું માંગુ પણ રિન્કીએ પાછું કાઢ્યું હતું.

'કાબુલીવાલા'નું સર્વોત્તમ પાસું એનું સંગીત છે. સલિલ દા આમે ય આપણા જેવા મધુરા ગીતો (મેલડી)ના ચાહકોના લાડકા તો હોય જ. એમની ધૂનો લતા મંગેશકરના શબ્દોમાં કહીએ તો ખૂબ મીઠડી છતાં 'વીયર્ડ' હતી. વીયર્ડ એટલે... સમજો ને, ગાવા/ સાંભળવામાં જરા અઘરી અઘરી પડે એવી ! પણ 'કાબુલીવાલા'ના તો ચારે ય ગીતોમાં બાબુ મોશાયે અરબી વાજીંત્રોનો મનોહર ઉપયોગ કર્યો છે. 'અય મેરે પ્યારે વતન'માં રબાબ કેવું કર્ણપ્રિય લાગે છે, તો બીજી બાજુ 'ગંગા આયે કહાં સે'માં બગલબચ્ચું વગાડીને ગીતને સાધુ-સ્પર્ષ આપ્યો છે. પણ જે ગીતને કારણે હું લાંબો થઈ થઈને મુહમ્મદ રફી સાહેબના ચરણોમાં માથું નમાવી દઉં છું, એ 'ઓ યા કુરબાન... ઓ સબા કહેના મેરે દિલદાર કો, દિલ તડપતા હૈ તેરે દીદાર કો'માં સાહેબે કેવા પરફેક્શનથી બિલકુલ અરબી ઉચ્ચારો કાઢ્યા છે? જાણે કોઈ પઠાણ જ ગાતો હોય! કમનસીબી ફરી પાછી ડાયરેક્ટરના નામની આવે છે કે, ફિલ્મના આવા સુંદર ગીતોનું પિક્ચરાઈઝેશન તદ્ન રદી ઢબથી કરવામાં આવ્યું છે. ઘણી વાર એવું બને છે કે, ગીત આપણે ફ્ક્ત સાંભળ્યું હોય, ફિલ્મમાં કેવુ લાગે છે, એ જાણવા મળ્યું ન હોય... પણ અનાયાસે ફિલ્મમાં જોવાઈ જાય ત્યારે અનેક વખત આપણો રંગ ઉડી જાય છે કે, ફિલ્મમાં તદ્ન બોગસ લાગે છે અથવા આવું સરસ ગીત ફિલ્મમાં કોમેડીયન જગદીપે ગાયું છે?

યાદ છે ને, રફીનું 'પાસ બૈઠો તબિયત બહેલ જાયેગી, મૌત ભી આ ગઈ હો તો ટલ જાયેગી' એ ફિલ્મ 'પુનર્મિલન'નું ગીત ફિલ્મમાં જગદીપે ગાયું છે... થીયેટરની બહાર આવીને ખારી સિંગવાળાની જે પહેલી લારી દેખાય, તે આખી ઉછાળી આવવાનો ગુસ્સો ચઢે કે નહિ? અહીં તો ફિલ્મના ત્રણે ય મુખ્ય ગીતો બલરાજ સાહની ઉપર ફિલ્માયા જ નથી. ન જોવાય તો કાંઈ લૂંટાઈ જવાનું નથી, એવી સામાન્ય ફિલ્મ 'કાબુલીવાલા' છે.
 

18/09/2013

સુંદર સ્ત્રી જોવામાં પકડાઈ ગયા પછી...

કેવી શરમની વાત છે કે, હજી આપણા પવિત્ર દેશમાં કોઈ સુંદર સ્ત્રીને છુપાછુપી જોતા રહેવું, એ ફફડાટનો વિષય મનાયો છે. એમને જોવાની સગવડ કેવળ મવાલીઓ માટે જ નથી... આપણા જેવા સારા ઘરનાઓ ય સ્ત્રીઓને જોઈને ધન્ય થઈ જઈએ છીએ. જેમ ગરીબ બાળક કેડબરીનું પોસ્ટર જોઈને રાજી થાય... હાથમાં કશું ન આવે! પણ જોતા પકડાઈ ગયા, એટલે હેએએએ... ય ક્યો મોટો ગૂન્હો કરી નાંખ્યો હોય, એમ જાલીમ જમાનો તમને માફ નથી કરતો. સ્ટુપિડો એ નથી સમજતા કે, સુંદર સ્ત્રીને સેકંડો સુધી તાકતા રહેવામાં જાહોજલાલી છે. ગોઠવણ છે, જોખમો છે અને તક છે. જોવાથી મન પ્રસન્ન થાય છે, ચિત્તને શાંતિ મળે છે અને આવનારી હજારો ઘડીઓ નવા સપના જગાવે છે, ભલે ફળે નહિ.

તમે જોયું હશે, ગાર્ડનમાં ડોહા એકલા બેઠા હશે અને હમણાં ઢળી પડશે, એવો ભ્રમ આપણને થયે રાખે, પણ ચાલવા નીકળેલી કોઈ સરસ મજ્જાની સુંદરીને દૂરથી આવતી જુએ, એટલે ગેસ પર પાપડ સેકવા મૂકો અને અગ્નિ અડતા જ પાપડ કેવો આડોઅવળો-વાંકોચૂકો વળીને કડક થઈ જાય છે, એમ કાચી સૅકન્ડમાં ડોહા ટટ્ટાર થઈ જાય છે. તારી ભલી થાય ચમના, પાછળના બાંકડે અમે ય બેઠા છીએ... જરા જુવાનીયાઓનો થોડો લિહાજ રાખો. તમારા માં-બાપ આવા સંસ્કાર આલતા ગયા છે કે, દેશનું યૌવનધન બાંકડે બેઠું હોય છતાં તમે સીધા રહો નહિ! (` कौन कहेता है के बुढ्ढे ईश्क नहि करते, ये तो हम है जो शक नहि करते ' … શાયરી ગમી હોય તો મારા વખાણ કરવા... ભલે મેં નથી લખી!)

સુંદર સ્ત્રીને જોવી, જોતા રહેવું અને પકડાવવું નહિ, એમાં વિજ્ઞાન ભલે ન હોય, પણ કલા નિશ્ચિતપણે છે. આત્મવિશ્વાસ તો ખોબા ભરીભરીને જોઈએ. સ્ત્રીઓના દરેક વર્ગને સમાન પ્રાથમિકતા અને પ્રાધન્ય આપવું, એ ઉમદા પુરુષોના લક્ષણ છે. જોતા રહેવામાં ભાગ્ય ખુલી પણ જાય (ભલે પેલીના ખુલેલા ભાગ્ય બંધ થઈ જાય!) એટલે જ ઘણા તો જ્યાં જાય ત્યાં દરવાજો સાથે લેતા જાય છે... જ્યાં જગ્યા દેખાય ત્યાં જાતે દરવાજો ખોલીને ઘુસી જવાનું... ખટખટાવવાની લમણાંઝીંક પણ નહિ!

ઋષિમુની થઈ ચૂકેલા ગોરધનોને પરમેશ્વરે આ સગવડ આપી નથી. કહે છે કે, ત્રણ પ્રકારના પરિણિત લલવાઓ સુંદર સ્ત્રીઓને જોતા નથી. (૧) કોઈની નહિ ને કેવળ પોતાની જ પત્ની પાછળ ગાન્ડા હોય, સાલાઓ! (૨) જેના દાંતમાંથી સતત બદબૂ આવતી હોય, એવા ગોરધનો અને (૩) જેના શરીરના મોટા ભાગના પાર્ટ્સ નિવૃત્ત થઈ ચૂક્યા હોય! અને (૪) પરસ્ત્રીને જોવાથી જેના બા ખીજાતા હોય.

આવા જાતકો સિવાય બાકીના સહુની જીંદગીઓ હરીભરી હોય છે. સામે સુંદર સ્ત્રી ઊભી હોય ને જુઓ એમાં પાપ નથી... ન જુઓ તો તમારામાં ક્યાંક કશે ખામી છે, એ સિદ્ધ થાય! મારી તો જનસમૂહને સલાહ છે કે, આમાં તો બા ખીજાય તો ય પરવાહ કરવાની ન હોય...! સુઉં કિયો છો? બાકી ચરીત્ર-ફરીત્રના ફાંકા ફક્ત કદરૂપા માણસો મારતા હોય છે, જેઓ જાણે છે કે, તાકી તાકીને તૂટી જઈશું તો ય અમારી સામે કોઈ જોવાની નથી. ખોટું પેટ્રોલ બાળવાને બદલે આધ્યાત્મિકતા અને નિષ્કલંક ચરીત્રની વાતો કરવા માંડો તો ઘરમાં તો આબરુ રહે...! 'હાથ ન આયા ખટ્ટા હૈ'વાળા આ ભાવકોને 'એકલા પડયા પછી' સુંદર સ્ત્રીઓના સપના જોવાની આદત પડી હોય છે ને એમાં જ એ દુઃખીયાઓ સુખી છે... હવે કોઈ પંખો ચાલુ કરો...!!

ભૂજ-માંડવી તરફના કેટલાક કચ્છી યુવાનોએ પૂછાવ્યું છે કે, 'પર સ્ત્રી તો માતા સમાન કહેવાય, એમા ય આપણે પરિણિત હોઈએ, છતાં કોઈ સુંદર સ્ત્રીને જોતા રહેવામાં પાપ ન નડે?'

તમારા બધાની ભલી થાય, ચમનાઓ... કચ્છના રણમાં એક લીલું ઝાડ ઊગ્યું હોય, તો નજર જાય જ કે નહિ? જુઓ સાધકો, કોઈ પુરુષ રક્તપીત્તિયાની સામે રૉમેન્ટિક નજરે તાક તાક કરવાનો નથી. ફૂલો રજનીગંધાના જોવાય... ઈજમૅટના નહિ! બહુ મોટો દંભી પણ કબુલ કરશે કે, સુંદર સ્ત્રીને જોવાથી મન પ્રસન્ન રહે છે. આમાં ચરીત્ર અભડાવાની શક્યતા પાતળી છે. તમે જેને જોતા હો, એને બીજા પચાસ જોતા હોય ને એને એમાં કાંઈ નવું ય ન લાગતું હોય. નૉટ ઑન્લી ધૅટ, પણ એ ગમે તેટલી સુંદર હોય, આપણે એને એકલીને જોઈ લીધા પછી બીજીઓને માં-બહેન થોડી ગણવાની છે? આ તો એક વાત થાય છે. આંખો ચોખ્ખી રાખવા આંખમાં મધ નાંખવાનું ઘઈઢીયાઓ કહે છે, પણ સામે મધપૂડો પડયો હોય ત્યારે આંખોમાં ચમચી-ચમચી મધ રેડવામાં ટાઈમો બગાડવાના ન હોય? બા ખીજાશે નહિ... ધોઈ નાંખશે!

આમાં તો આવડતે ય જોઈએ. જોતી વખતે પકડાઈ ન જવાય અને ખાસ કરીને વાઈફો પાસે તો સહેજ બી પકડાઈ ન જવાય, એવા બાહોશ ગોરધનો તો આમે ય ધરતી પર ઓછા રહ્યા છે. એ જમાના તો ગયા...!

એક્ચ્યૂઅલી... અનેક લોકોની ઉપસ્થિતિ હોવા છતાં આપણને મનપસંદ સ્ત્રીને મન ભરીને તાકતા રહેવું, એ કોઈ રમત નથી. અનેક ગોરધનોએ આમાં તો ગ્રેજ્યુએશન કર્યું હોય છે. શોપિંગ મૉલ હોય, પાર્ટી-શાર્ટી હોય, સામેના ફલૅટની બારી હોય, ટ્રાફિક-સિગ્નલ પર બાજુની ગાડી હોય, ઓફિસમાં વર્ષોથી ઝંખતા હો, એ સાલી સામે ય ન જોતી હોય કે રસ્તે ચાલતા એક નજર જોઈ લેવાની જાહોજલાલી પ્રાપ્ત કરવાની હોય... આ બધામાં આર્ટ, હિંમત, જોખમ અને પરખશક્તિ તો જોઈએ, ભ'ઈ! કોક હાળી રાજી થઈને વળગવા આવે, તો લેવાના દેવા પડી જાય! ભચાઉ, વાંકાનેર અને ઉત્તરસંડા બાજુના મિત્રો, ખાસ યાદ રાખો કે, સુંદર સ્ત્રીને જુઓ, એ તમારી જવાબદારી બનવી ન જોઈએ. ભાઈને કોઈ લેતું ન હોય ને બહેનને કોઈ જોતું ન હોય, એવા મામલાઓમાં શન્ટિંગ જલ્દી થઈ જાય છે, પણ આપણે પડવાનું ન હોય! દોસ્તો, સુંદર સ્ત્રીને જોવી, એ જવાબદારીનું કામ હોવા છતાં જવાબદારી માથે ન પડવી જોઈએ. જુઓ એટલે ખુશ તો બધીઓ થતી હોય, પણ જેને ને તેને ખુશ ન કરાય!

સાચો હૂન્નર સુંદર સ્ત્રીને જોતા પકડાઈ ગયા પછી કાઢવામાં આવતા બહાનાઓમાં આવે છે. માની લો કે, તમે દ્રષ્ટિની શહેનશાહી ભોગવી રહ્યા છો એ જ વખતે, રૂ. ૨૮,૦૦૦ની શેરવાની ઉપર કબુતરું ચરકે એમ વાઈફ જોઈ જાય તો શું જવાબ આપો? ગભરાઈ નહિ જવાનું. જરા હિંમત રાખવાની અને હાથવગુ કાંઈપણ કહી દેવાનું, 'ઓહ... પેલા બહેનની પાછળ ઊભેલા માણસને ક્યાંય જોયો લાગે છે!' અથવા 'પેલી છોકરી દેખાય છે એ હમણાં સુધી તો ગાંડાની હૉસ્પિટલમાં હતી... સાલી પાછી ય આઈ ગઈ?' અથવા 'ઓહ... આ પેલી ઊભી છે, એ આપણા સુધીરભ'ઈની વાઈફ પ્રજ્ઞા તો નહિ...?' (અહીં પ્રજ્ઞાડી ખરેખર ખૂબ કદરૂપી હોવી જોઈએ, એવીનું જ નામ લેવાનું, તો વાઈફ રાજી થાય...!) આવી ઈમરજન્સીના તબક્કે કેટલાક પ્રતિભાશાળી ગોરધનો અચાનક આંખમાં ફોતરું પડયાનું નાટક કરે છે ને પકડાતા નથી!

શું સ્ત્રીઓ હેન્ડસમ પુરુષોને જોતી હશે ખરી?

આહ ... હેન્ડસમને જ જોતી હોય! ફરક એટલો કે, આ વિદ્યામાં આપણે ગ્રેજ્યુએશન તો એ લોકોએ માસ્ટર્સ કર્યું હોય છે. તમને ખબર પડવા ન દે કે, એના લશ્કરો ક્યાં લડી રહ્યા છે! ચરીત્રને મામલે સ્ત્રીઓ પણ પુરુષો જેટલી જ શુદ્ધ છે... એક ઈંચે ય વધારે નહીં... જો સુંદરતા જોવાની વૃત્તિને તમે ચરિત્ર સાથે જોડતા હો તો!

સુંદરતાને જોવાથી કોઈ ચરિત્ર અશુદ્ધ થતું નથી. નહિ જોવાથી દહાડો અને રાત અશુદ્ધ થાય છે.

 સિક્સર

- આસારામના કેસમાં ભાજપ ઉઘાડો પડી ગયો છે. એના ઉપર ચઢી બેસવાની કોંગ્રેસ પાસે ઉજળી તક છે, છતાં ભાજપની માફક એ લોકો ય એક અક્ષર બોલતા નથી... કારણ?

- બન્ને પાર્ટીઓને પ્રજા કરતા આસારામોની વધુ જરૂર છે!

15/09/2013

ઍનકાઉન્ટર 15-09-2013

* શાહજહાંએ એની પત્ની મુમતાઝની યાદમાં તાજમહાલ બનાવ્યો. તમે શું વિચારો છો ?
- હું તો વિચારી શકું છું. આવું કંઈ બનાવવામાં પૈસા વેડફી ન નંખાય !
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* પાકિસ્તાનના હૂમલાને ક્લીન-ચીટ આપવામાં સંરક્ષણ મંત્રી ઍન્ટનીએ પાર્લામેન્ટમાં પાછું ફેરવી નાંખ્યું કે હૂમલો આતંકવાદીઓનો હતો.
- મેં ટીવી પર જોયું હતું. તમે વિચાર તો કરો, આટલા મોટા દેશનો સંરક્ષણ મંત્રી માત્ર ત્રણ જ લાઈન બોલવાની હતી, એ 'વાંચીને' બોલે છે. વડાપ્રધાન ૧૫ ઓગસ્ટનું 'ભાષણ વાંચીને' કરે છે. સોનિયા તો છીંકો ય વાંચી વાંચીને ખાય છે. સાલું, આખા કોંગી સર્ક્સમાં એક તો માનપાત્ર જોકર હોત...!
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* હવે લશ્કર-એ-તોઈબાના આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડા પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચશે....
- કોંગ્રેસ સરકારનું સૂત્ર છે, 'મેહમાં જો હમારા હોતા હૈ, વો ''દેશ સે'' પ્યારા હોતા હૈ..'
(રોહિત આઈ. દવે, હાલોલ)

* ડોલર સામે રૂપિયો સતત ગગડતો કેમ જાય છે ?
- રૂપિયો નહિ... દેશ કહો.
(હિતેશ દેસાઈ, તલીયારા-ગણદેવી)

* ડિમ્પલ કાપડીયા ફરી ફિલ્મોમાં આવી રહી છે. એની સામે તમે હીરો તરીકે આવો કે નહિ ?
- બેન. તું મારા અને ડિમ્પુ કરતા નાની છે. તારાથી ડિમ્પલ નહિ, 'ડિમ્પલબેન' બોલાવું જોઈએ.
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

* આપના જેવા પ્રખર જ્ઞાની પુરૂષે રાજકારણમાં ઝંપલાવવાની જરૂરત છે. સુઉં કિયો છો ?
- મારા વ્યક્તિત્વની આટલી ગુપ્ત બાતમી તમારા સુધી કેવી રીતે પહોંચી ગઈ ?
(અરવિંદ પટેલ, જામનગર)

* મેહનત કરવા છતાં ફળ ન મળે તો શું કરવું ?
- ફ્રુટવાળાની દુકાને જવું.
(ડાહ્યાભાઈ ચૌધરી, બદપુરા-માણસા)

* આ કૉલમમાં તમે ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટને 'બાસ્ટર્ડ' કીધા છે. તે યોગ્ય છે ?
- આવો ઈલ્કાબ મેં એમને નહિ, મહેશ ભટ્ટે પોતાને આપ્યો છે. ફિલ્મ 'અર્થ' વખતે તેમણે ઉઘાડેછોગ ગૌરવપૂર્વક આ જાહેરાત કરી હતી.
(જગદીશ સચદે, મુંબઈ)

* ગલીના કૂતરાં અને રાજકારણીઓ વચ્ચે શું ફરક ?
- જવાબ તમે આપી દીધો છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, આણંદ)

* પાકિસ્તાની વિદેશ મંત્રી હિના રબ્બાનીના રૂપથી અંજાઈને મારો એક દોસ્ત પાકિસ્તાની ટીવી જ જોયે રાખે છે.
- દોસ્તના નામે તમે પણ જલસા કરો છો !
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* તમારા પ્રિય જામનગરમાં દિવાળી કરવા કેમ નથી આવતા ?
- પત્નીનું પણ પ્રિય જામનગર છે, એટલે.
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર)

* જે પરિવારમાં સાસુ માં બનીને રહે તે પુત્રવધૂ દીકરી બનીને રહે, એ ઘર સુખી જ હોય. તમે શું માનો છો ?
- આ ફેરફાર પહેલા વિચારી લેવા જેવો હતો. હવે એકની એક સ્ત્રીને નવેસરથી માં કે દીકરી ન બનાવાય ! બા ખીજાય !
(ઉષા જગદીશ સોતા, મુંબઈ)

* ઘણા લોકો ખાવા માટે જ જીવતા હોય છે, એમનું શું કરવું ?
- રસોઈયો રાખી લેવો.
(મનિષા એન. ઠક્કર, મુંબઈ)

* બધા ગોરધનોને પારકા બૈરાં જ કેમ વધુ ગમે છે ?
- સહકારી બૅન્કોમાં વ્યાજ વધારે મળે !
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* શું વાઈફો બૉયફ્રેન્ડ્સ રાખી શકે ?
- હા, પણ એ પૂછવા નહિ આવે !
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* ગાંધીજીના ત્રણ પૈકીનો ક્યો વાંદરો તમને વધુ ગમે છે ?
- મારી પસંદગી માણસોમાં વધારે છે.
(કેશવ કક્કડ, અમદાવાદ)

* પિતાનું વચન નિભાવવા શ્રીરામ ૧૪ વર્ષના વનવાસમાં ગયા... આજે ઘરડાના ઘરમાં મોકલે છે, એવું કેમ ?
- બધા દીકરા રામ ને બધા પિતા દશરથ નથી હોતા.
(ભક્તિ એમ. કારીયા, મુંબઈ)

* તમારા સિવાય ગુજરાતના શ્રેષ્ઠ પાંચ હાસ્યલેખકો ક્યા ?
- પહેલા તો એ પૂછો કે શ્રેષ્ઠ કે ફાલતુ, આખા ગુજરાતમાં ટોટલ પાંચ હાસ્યલેખકો છે ખરા ?
(કિશોર સોમાણી, રાજકોટ)

* પુરાતનકાળથી સ્ત્રી સાથે લાલ રંગ વણાયેલો છે. લીલો કે પીળો કેમ નહિ ?
- તમને એક રંગવાળી મળી હશે.. બાકીના બધાને તો મેઘધનૂષ છે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

 * 'પ્રેમીપંખીડાઓનો આપઘાત'. આમાં પંખીઓને કેમ બદનામ કરવામાં આવે છે ? કોઈ પંખી આપઘાત કરતું નથી.
- ઓકે. હવેથી 'પ્રેમીજનાવરોનો આપઘાત' એવું લખીશું.
(રમેશ બી. મેહતા, જૂના ડીસા)

* 'બા ખીજાય... બા ખીજાય' વાંચીને હવે અમારા બા ય ખીજાવા માંડયા છે...
- તમારા બાપુજીનું ય અમારા બાપુજી જેવું જ લાગે છે !
(શિવાની/હિમાની વોરા, જોરાવરનગર)

* 'ઍનકાઉન્ટર' પુસ્તકરૂપે પ્રગટ થાય ત્યારે વિમોચન કરવા કોને બોલાવશો ?
- ત્રણ પુસ્તકો તો પ્રગટ થઈ ચૂક્યા છે, પણ ચોથાનું વિમોચન કરવા નાના પાટેકરને બોલાવીશું. અબ તક છપ્પન !
(નીતિન ઉપાધ્યાય, જામનગર)

* અશોકજી, તમે લગ્ન પહેલા સુખી હતા કે પછી ?
- તમે 'કોના' લગ્ન.. નો ઘટસ્ફોટ કર્યો નથી.
 (ફખરી બારીયાવાલા, ગોધરા)

* આજના રાજકીય વાતાવરણમાં નરેન્દ્ર મોદીનો કરિશ્મા હવે ચાલી શકશે ખરો ?
- તમે દેશની હાલત વિશે જે કાંઈ જાણતા હો. મોદીને બાજુ પર રાખીને ફક્ત એક વ્યક્તિનું નામ આપો. જે વડાપ્રધાન બનવા માટે એમનાથી વધુ લાયક તમને લાગતા હોય !
(હસમુખ વૈદ્ય, નવસારી)

* હવે બત્રીસ લક્ષણા પુરૂષો થાય છે ખરા ?
- કેમ, મારામાં તમને ક્યું લક્ષણ ઓછું દેખાયું ?
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

13/09/2013

'પુષ્પક' ('૮૭)

ફિલ્મ : 'પુષ્પક' ('૮૭)
નિર્માતા-દિગ્દર્શક : સંગીતમ શ્રીનિવાસ રાવ
રનિંગ ટાઈમ : ૧૩૧ મિનિટ્સ : ૧૪ રીલ્સ
થીયેટર : નટરાજ (અમદાવાદ)
કલાકારો : કમલ હાસન, અમલા, ટીનુ આનંદ, સમીર ખખ્ખર, ફરિદા જલાલ, લોકનાથ, કે. એસ. રમેશ.


 

હું સાધારણ કક્ષાનો મૂરખ છું, એ હું જાણું છું, પણ બહુ ઊંચા લેવલનો મૂરખ છું, એવું તો મારી પત્ની એકલી જ જાણે છે. આપણે શું કે, ઘરની વાત ઘરમાં જ રહે તો સારું, એ ધોરણે બહાર આ માન્યતાની અમે ખબર પડવા દીધી નથી... પણ ડીવીડી-ની દુકાનવાળાને હમણાં બધી ખબર પડી ગઈ. મેં 'પુષ્પક'ની ડીવીડી માંગી, તો એણે કન્નડા ભાષાની 'પુષ્પક' આપી. મે કીધું, મારે હિંદી 'પુષ્પક' જોઈએ છે, એમાં તો એ હસી પડયો ને એના સ્ટાફને હસાવવા મારી ફિલમ ઉતારતા બોલ્યો, 'સાહેબ, 'પુષ્પક' સાયલન્ટ ફિલ્મ છે... કન્નડામાં જુઓ, તમિળમાં જુઓ કે ચાયનીઝમાં...! શું ફરક પડે છે?' વધારે પ્રદર્શન ન થાય એટલે હું બોલ્યો નહિ, નહિ તો હું કહેવાનો હતો, 'ભ'ઈ, ભાષાની ખબર હોય તો અમારે હિંદીમાં હસવાનું છે કે ગુજરાતીમાં, તેની ખબર પડે ને!'

પણ તમે મારા જેટલા સ્ટુપિડ ન હો તો... (...એટલું બધું તો કોઈ ના હોય ને!) આંખ મીંચીને 'પુષ્પક'ની ડીવીડી લઈ આવો જ. આખા ભારતમાં નહિ, આખા વિશ્વમાં આવી ફિલ્મ બની નથી, જે સાયલન્ટ હોવા છતાં 'સાયલન્ટ ફિલ્મ'ના બેનરમાં ન આવે. '૩૦ પહેલાની હિંદી કે ઈંગ્લિશ સાયલન્ટ ફિલ્મ મૂંગી હતી, પણ સંવાદો કાં તો અભિનયના માધ્યમથી બોલાતા ને કાં તો ઈંગ્લિશમાં સ્ક્રીન પર લખેલી સ્ટ્રીપ વાંચવી પડે. અર્થાત, અવ્યક્તપણે ય સંવાદોની જરૂર તો પડતી.

કમલા હસનની આ ફિલ્મ 'પુષ્પક' કદાચ એક માત્ર એવી ફિલ્મ છે જે, બહુ હળવી રીતે સાબિત કરી આપે છે કે,આ આખી ફિલ્મમાં એક અપવાદરૂપે ય એવું દ્રષ્ય આવતું નથી, જ્યાં મારી મચડીને અદાકારોને મૂંગા રાખવા પડયા હોય. લેખક-દિગ્દર્શક સંગીતમ શ્રીનિવાસ રાવ બહુ સાહજીકતાથી બે કલાકની ફિલ્મમાં સાબિત કરી શક્યા છે કે, મૌન રહીને પણ અનેક વાતો થઈ શકે છે... ઘણું બધું કહી શકાય છે. વર્ષો પહેલા અમદાવાદની 'મધુરમ ટોકીઝમાં મહાન કોમેડિયન મેલ બૂ્રક્સની ફિલ્મ 'સાયલન્ટ મૂવી' જોઈ હતી. બે મિનીટ પણ તમે હસ્યા વિનાના રહી ન શકો, એવી મજ્જાની એ ફિલ્મ હતી, છતાં એમાં ય સંવાદોને બદલે આંગિક અભિનય તો અનેક હતા. આ મેલ બ્રૂક્સની એવી જ જોવી ગમે એવી ધૂંઆધાર કોમેડી 'The blazing Saddles' પણ તમને ગમશે. બાય ધ વે, અમદાવાદના ઘીકાંટા પર સૌથી છેલ્લે આવેલી આ મધુરમ ટોકીઝ 'મીયાં-મહાદેવ'ની ટોકીઝ કહેવાતી. સાહિત્યના બન્ને શોખિન દોસ્તો શંભુ રાવલ અને મઝહર ફારૂકીની ભાગીદારીમાં ચાલતા આ થીયેટર દ્વારા અમદાવાદને એક પછી અનેક ઈંગ્લિશ ફિલ્મો આપી હતી. એક જમાનામાં તો એ પરિમલ ટોકીઝના નામે ઓળખાતી, પછી એનું નામ 'લિબર્ટી' થયું ને બંધ પડયા પછી નવા પરીવેશમાં એને 'મધુરમ' જેવું મધુરું નામ અપાયું. કમનસીબે, જે સિનેમા ઘરોમાં જઈ જઈને આપણે મોટા થયા છીએ, એ બધા આજે બંધ છે. 'ખંડહર બતા રહા હૈ, ઈમારત બુલંદ થી...'ના ધોરણે હવે રીલિફ રોડ પર ફક્ત અશોક અને રૂપમ ટોકીઝ જ ચાલી રહી છે.

એ ટૉકીઝો ની માફક સાયલન્ટ ફિલ્મો ય હવે તો બંધ થઈ ગઈ. 'પુષ્પક' ફિલ્મ હતી તો તમિલનાડુની, પણ ભાષાની ઝંઝટમાંથી મુક્ત હોવાને કારણે કોઈ ઉપગ્રહવાસી (ET) પણ જુએ, તો ય સમજ ના પડી કે મઝા ના આવી, એવું ન થાય! ફિલ્મોના મૂલ્યાંકન બાબતે આપણી આ કોલમમાં એક વાત બહુ રીપિટ થાય છે કે, ફિલ્મના દિગ્દર્શકને વાર્તા કહેતા સરસ આવડે છે કે નથી આવડતી. સાઉથના દિગ્દર્શક સંગીતમ શ્રીનિવાસ રાવે તો મસ્ત રીતે ફિલ્મના માધ્યમ દ્વારા 'પુષ્પક' કીધી છે.

કમલ હસન યુવાન, હેન્ડસમ, ગરીબ અને સ્માર્ટ છે. નોકરીની શોધમાં ઈધર-ઉધર ભટકે રાખે છે. એ દરમ્યાન ફાઈવસ્ટાર હોટેલના એક જાદુગર (કે. એસ. રમેશ)ની દીકરી અમલા સાથે સાંયોગિક પ્રેમ થઈ જાય છે. અલબત્ત, કરોડપતિઓ કેવું જીવન જીવતા હશે, એના કેવળ સપનાં જોવાને બદલે એ બેઈમાનીથી ટેમ્પરરી ધનિક બની જાય છે. સતત દારૂ પીધે રાખતા કરોડપતિ (સમીર ખખ્ખર)ને રસ્તે બેભાન અવસ્થામાં પોતાના ઘેર ઊચકી લાવી, એને ફરી બેભાન કરી દે છે અને હોટેલના રૂમની ચાવી, રોકડા લાખો રૂપિયા અને ઘડિયાળ લઈને કમલ હોટેલમાં ખખ્ખરના રૂમમાં (જે સ્વીટ કહેવાય... ઉચ્ચાર 'સૂટ' કરો તો ય તમે સાચા છો.) પહોંચી જઈને પહેલું કામ અધધધ અંજાઈ જવાનું કરે છે. ખખ્ખરને મુશ્કેટાટ બાંધી ઘરમાં પૂરી રાખીને આ નિશ્ચિત થઈ જાય છે.

પણ કમલને એ વાતની ખબર નથી કે, એનું ખૂન કરવા એક પ્રોફેશનલ કિલર (ટીનુ આનંદ) એ જ હોટેલમાં ઉતર્યો છે. ખખ્ખરની પત્ની સાથે ખખ્ખરનો જ ભાઈ પ્રેમમાં છે અને ખખ્ખરનું ખૂન કરવા ટીનુને મોટી રકમ આપીને રોક્યો છે. ખૂન કરવા ટીનુ કોઈ ટ્રેડિશનલ હથિયારો વાપરવાને બદલે પોતે બનાવેલું હથિયાર વાપરવા માંગે છે. ફ્રોઝન આઈસ (થીજેલા બરફ)ના બનેલાં ખંજર તરત ઓગળી જાય ને કોઈ નિશાની ન રહે. ખૂનો કરવા ઉપર ટીનુનો પાકો હાથ હજી બેઠો ન હોવાને કારણે કમલને ભોંકી દેવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે. આ બાજુ, એક સામાન્ય દૂધવાળામાંથી આટલી મોટી ફાઈવ-સ્ટાર હોટેલના માલિક બનેલા સેઠનો મહેનત કરીને માલદાર બનો-વાળો અભિગમ કમલને મોડે મોડે ય સમજાય છે, એટલે અપહૃત ખખ્ખરને છોડી મૂકે છે, પણ ચિઠ્ઠી લખીને એની વાઈફનો બધો ભાંડો ફોડી નાંખે છે. વાઈફ (રમ્યા)ને પણ છેલ્લે પોતાની ભૂલ સમજાતા... તેમ જ, આટલું મોટું નુકસાન ફક્ત શરાબને લીધે થતું રહ્યું છે, એ સ્વીકારીને ખખ્ખર શરાબને તિલાંજલિ આપી દે છે. દરેક પ્રેમીઓ મિલન પામી શકતા નથી, એ ઉક્તિ મુજબ, કમલ અને અમલાનું મિલન પણ થઈ શકતું નથી ને ફિલ્મ પૂરી થાય છે. ફરી કંગાળ બનેલો કમલ ફરી પાછો બેકારોની લાઈનમાં ઊભો રહી જાય છે.

ફિલ્મ કેવી મનોરમ્ય બની છે, એ તો જુઓ તો જ ખબર પડે. મૂંગી ફિલ્મ બનાવવાનો આવો પ્રયોગ વિશ્વમાં કદાચ પહેલી વાર થયો હોવા છતાં, પ્રયોગાત્મકતા આપણા માથે મારવામાં નથી આવી કે, પ્રયોગો એ લોકો કરે ને ભોગવીએ આપણે! ઓન ધ કોન્ટ્રારી, પહેલેથી કહી દીધું ન હોય કે આ સાયલન્ટ ફિલ્મ છે, તો આખી ફિલ્મ પૂરી થતા સુધીમાં યાદ પણ આવતું નથી કે, ફિલ્મમાં કોઈ બોલતું કેમ નથી? અરે, બોલવાની જરૂરત જ ઊભી થતી નથી.

અને એમાં ય, કમલ હસન જેવો મસ્ત હીરો હોય, એમાં જ વાતાવરણ ખુશનુમા થઈ જાય! તમે તો છેલ્લા દસેક વર્ષ પહેલાનો કમલ જોયો હોય... આ તો એની ધૂમધામ જુવાની વખતની ફિલ્મ છે, એટલે કેવો હેન્ડસમ લાગતો હશે! એક્ટર તરીકે સાઉથના કોઈ પણ હીરોનો ય એ સર્વોપરી છે. ધાર્યું હોય તે મબલખ કમાણી કરી શક્યો હોત, પણ ફિલ્મે ફિલ્મે કંઈક નવું કરી બતાવવાની એની તૈયારીને કારણે દર વખતે એક નવો કમલ હસન જોવા મળ્યો છે. યાદ છે ને, ફિલ્મ 'અપ્પુ રાજા'માં તો એ વ્હેંતીયો પણ બને છે? દર્શક માની ન શકે કે, પોણા છ ફૂટનો કમલ માત્ર અઢી ફૂટનો કેવી રીતે થઈ જાય?

સખત ઈમ્પ્રેસ થઈ જવાશે જો એના એ વ્હેતીયાપણાનો રાઝ તમને જણાવીશ તો! વ્હેંતીયો બનવા માટે શૂટિંગના મિનિમમ કલાક પહેલા કમલ હસનને પોતાના બન્ને પગ પાછળથી ઉપરની તરફ કસોકસ બાંધી દેવા પડતા. અર્થાત, ચાલવાનું ઢીંચણ પર ઢીંચણ ના શેઈપ ના શૂઝ પહેરવાને પાટલૂન એવું સિવડાવવાનું કે વાળેલા પગ ઢંકાઈ જાય. ઓહ... પગના પંજા ય સાવ ટટ્ટાર કરી દેવાના, એ કેટલું પીડાદાયક હશે? કમલે એ કરી બતાવ્યું. અફ કોર્સ, ફિલ્મમાં એ જેટલી વાર વ્હેંતીયો બને છે એ બધી વાર એને આ પગ વાળવા પડયા નથી. ઘણા દ્રષ્યો ફોટોગ્રાફીની કમાલ છે તો કેટલાકમાં એ જમીન પર ઊભો હોય ત્યાં ખાડો હોય. આજુબાજુનો ખાડો પૂરી દેવાય અને દર્શકોને ઢીંચણ સુધીના બૂટવાળો ભાગ જ દેખાય.

પણ કમલ હસને દરેક ફિલ્મમાં આવા પ્રયોગો કર્યા છે. આ 'હસન' નામથી એ મુસલમાન હશે, એવી ભ્રમણા ઊભી થાય. એક્ચ્યુઅલી, કમલ તો તમિલનાડૂના પરમાકુડી ગામનો શુદ્ધ બ્રાહ્મણ છે. એના સંસ્કૃતના વિદ્વાન એડવોકેટ પિતાના બાળપણના જીગરી મુસલમાન સ્વાતંત્ર્ય સેનાની દોસ્ત યાકુબ હસનની યાદ કાયમ રાખવા કમલની પાછળ હસન જોડી દેવાયું. જોકે, બીબીસી ઉપર કરણ થાપરને આપેલા ઈન્ટરવ્યુ મુજબ, કમલે ચોખવટ કરી છે કે, સંસ્કૃત 'હસન' એટલે 'હાસ્ય' અર્થ થાય છે. યાકુબ હસનવાળી સ્ટોરી મીડિયાએ ઉપજાવી કાઢેલી છે. નહિ તો કમલ હસનનું અસલી નામ તો 'પાર્થસારથી' છે.

કમલ હસનનું ફેમિલી ય બહુ ફેમસ છે. એનો મોટો ભાઈ ચારુ હસન એડવોકેટ અને ફિલ્મ સ્ટાર હતો. એની દીકરી સુહાસિની સાઉથની મોટી સ્ટાર ગણાય, જે અભિષેક બચ્ચનની ફિલ્મ 'ગુરુ' બનાવનાર દિગ્દર્શક મણીરત્નમની પત્ની થાય. કમલની દીકરી શ્રુતિ હસન તો અત્યારે ય હિંદી ફિલ્મોમાં સક્રીય છે, જે હિંદી ફિલ્મોની પૂર્વ હીરોઈન સારિકાની દીકરી થાય. કમલ હસનને સ્ત્રીઓ સહેજે માફક આવી નથી (અથવા તો, બહુ માફક આવી ગઈ છે!) એનો નિર્દેશ એ વાતથી મળે છે, કે એક જમાનાની સાઉથની અત્યંત સુંદર અને ભારોભાર સેક્સી દેખાવની હીરોઈન શ્રીવિદ્યા સાથે એને પતિપત્ની જેવા જ સંબંધો હતા. તૂટી ગયા પછી શ્રીવિદ્યા બ્રેસ્ટ કેન્સર થતા હજી હમણાં ૨૦૦૬માં એ ગૂજરી ગઈ, ત્યારે કમલ એની બાજુમાં હતો. એ પછી સ્વર્ગની અપ્સરા જેવું મોહક સૌંદર્ય ધરાવતી હીરોઈન વાણી ગણપતિ સાથે કમલના લગ્ન થયા. વાણી પછી સારિકા સાથે લિવ-ઈન રીલેશનશીપ રાખ્યા પછી ય લગ્ન તો કર્યા, પણ એ દરમ્યાન કમલનાથ બીજી હીરોઈન સિમરન બગ્ગા સાથે પ્રેમમાં જકડાયા. સિમરન કમલથી ૨૨ વર્ષ નાની છે. સિમરન કોઈ કારણ આપ્યા વગર એની ઉંમરના બીજા ધનવાન પ્રેમી સાથે ભાગી ગઈ, એટલે કમલ જાણે રાહ જોઈને બેઠો હોય, એમ બીજી જાજરમાન એક્ટ્રસ ગૌતમી તાડીમલ્લા સાથે ઢગલાબાજી શરૂ કરી, જે અત્યાર સુધી તો ચાલે છે. બન્ને લગ્ન કરવાના નથી. બન્ને હવે સચોટ માને છે કે, પ્રેમ કરવા માટે લગ્ન કરવાની જરૂરત નથી. આજ કાલ જેની ફેશન ચાલી છે, તે 'લિવ-ઈન-રીલેશનશીપ'થી બન્ને પતિ-પત્નીની જેમ રહે છે. કરોડપતિ બનતો સમીર ખખ્ખર આપણો ગુજરાતી છે. ખૂબ સારા આ કલાકારે સારા ય હિંદુસ્તાનમાં 'નૂક્કડ' બ્લેક-એન્ડ-વ્હાઈટ ટીવી સીરિયલના જમાનામાં 'ખોપડી'નો કિરદાર કરીને પ્રચંડ નામના મેળવી હતી. ડીટ્રોઈટ અમેરિકામાં મારા ભાઈ દેવાંશુ દવેને ત્યાં સમીર થોડો વખત રહેતો હતો. હાલમાં તે ઈન્ડિયા છે, પણ શું કરે છે, તેની માહિતી નથી.

ટીનુ આનંદ પ્રખ્યાત ફિલ્મ લેખક ઈન્દર રાજ આનંદનો પુત્ર થાય. રાજ કપૂરની ફિલ્મો આહ, આગ, અનાડી અને સંગમ તેમ જ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'શહેનશાહ' ઈન્દર રાજ આનંદે લખી હતી.

આ ફિલ્મમાં હ્યૂમર હળવી અને સાતત્યપૂર્ણ છે. એકે ય જગ્યા હાસ્ય વગરની નથી, પણ એકે ય જગ્યાએ હસાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો. એ વાત જુદી છે છે કે, આવા સરસ દિગ્દર્શકે પ્રેક્ષકોને હસાવવા માટે વિકૃત હાસ્યનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. પબ્લિક ટોઈલેટ, બગલને સુગંધીદાર બનાવવાનો નુસ્ખો, ભરાવદાર છાતી ધરાવતી સફાઈ કામદાર છોકરીના સ્તનોનો ઉભાર જોવા પેંતરા કરતો ચાલીનો ડોસો, નાકના વાળ કાપવા, ટોઈલેટના સ્ટૂલનું પેકેટ બનાવીને કમલ બહાર નાંખવા જાય છે, એમાંથી ઊભું કરેલું હ્યૂમર બેહુદું લાગે છે. આ બધાને બદલે, અનેક પ્રસંગો ઊભા કરીને હાસ્ય નિપજાવી શકાયું હોત. જેમ કે, એક દ્રષ્યમાં કામવાળી કમલની ડિગ્રીના કોન્વોકેશન ફોટા ઉપર કમલની સ્લીપર મૂકી દે છે અથવા એક લોઅર મિડલ-કલાસનો માણસ કમલ સવારે જોર કરી કરીને ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢે છે. હસાવવા માટે પેલા બધા દ્રષ્યો વાપરવાની આવા કાબિલ દિગ્દર્શકને જરૂર પડવી ન જોઈએ. 'પુષ્પક'માં જે હોટેલમાં શૂટિંગ થયું છે, તે બેંગલોરની ફાઈવસ્ટાર 'હોટેલ વિન્ડસર મનોર' છે. નીટ એન્ડ ક્લીન ફોટોગ્રાફીને કારણે આખી ફિલ્મ ખૂબ ઉજળી લાગે છે. ફરીદા જલાલ અમલાની મમ્મીના રોલમાં છે. એક્ટીંગ બતાવવાનો મોકો તો હીરો-હીરોઈન સિવાય ભાગ્યે જ કોઈને મળ્યો છે. સાઉથની ફિલ્મો આમે ય આપણે જોઈ ન હોય, એટલે હોટેલનો માલીક બનતો આલોકનાથ કે અમલાનો જાદુગર પિતા બનતો કે. એસ. રમેશ ત્યાં કેટલા પોપ્યુલર છે, તેની આપણને ખબર ન હોય. ફક્ત રૂ. ૩૫ લાખમાં બનેલી આ ફિલ્મ આજે ય ભલે ને રીમેઈકમાં બનાવવી કેટલી અઘરી હશે, એનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે, રીમેઈક તો જાવા દિયો, બીજા કોઈએ હજી સુધી બીજી કોઈ સાયલન્ટ ફિલ્મ બનાવવાનો ય વિચાર કર્યો નથી. કહે છે ન કે, Master pieces are never made twice.

11/09/2013

વો સાલા જાડીયા...

ટ્રેનના કૂપેમાં અમે બે જ જણા. Coupe નો ઉચ્ચાર 'કૂપ' અને 'કૂપે' બન્ને થાય છે. (કૂપે એટલે ટ્રેનના ડબ્બામાં દરવાજાવાળું કમ્પાર્ટમૅન્ટ) ટ્રેનમાં મને મોડા પડવાની આદત નથી. મારૂં ચાલે તો, ટ્રેન પ્લૅટફૉર્મ પર મૂકાય એ પહેલા જ નહિ, કારખાનામાં એનો ડબ્બો બનતો હોય ત્યારથી પહોંચી જઉં... ટ્રેન ચૂકી જવાનો એટલો ડર લાગે છે.

૧૪-રાણીઓ ધરાવતો રાજવી રાણીગૃહની બહાર પલાંઠી વાળીને રાહ જોતો બેઠો હોય, એમ હું મારી સીટ અને સુવા-બુવાનું વ્યવસ્થિત ગોઠવીને, ધાર્મિક અંદાજમાં ગોઠવાઈ ગયો. (અશોકકુમાર, સિમિલી જરા ઢંગવાળી આપો. રાજવી પલાંઠા-બલાંઠા વાળીને ન બેસે... બ્રાહ્મણો બેસે અને.... બ્રાહ્મણ કોઇ 'દિ રાજવી હોય નહિ. ઠોકાઠોક બંધ કરો ! સૂચના પૂરી)


પણ તો ય.... ફલાઇટોમાં કે ટ્રેનોના ફર્સ્ટ-કલાસોમાં આપણી બેસવાની સ્ટાઇલ જરા પ્રભાવશાળી ખરી. કોક આવે તો લાગવું જોઇએ કે, ''છે કોઇ મોટો માણસ...!'' આમાં ખાસ કાંઇ કરવાનું હોતું નથી. અપ-ટુ-ડેટ કપડાં પહેરીને, એક ઢીંચણ ઉપર બીજો ઢીંચણ ચઢાવી, હાથમાં કોક ઇંગ્લિશ અને બીઝનૅસને લગતુ મૅગેઝીન રાખીને બેસવાનું. જેટલું આવડતું હોય એટલું ઇંગ્લિશમાં બોલવાનું. (એકલા એકલા નહિ... કોઇ આવે પછી !) કોક આવી પણ જાય તો એની સામે નહિ જોવાનું... મોંઢું જરા ભારમાં રાખવાનું, તો પર્સનાલિટી પડે. ઘણા લોકો આવા મોંઘા કૂપેમાં બેઠા પછી સાદી દીવાસળી વડે કાન ખંજવાળે અથવા મોટેમોટેથી બોલબોલ કરે છે. યૂ સી... ફલાઇટમાં કે ટ્રેનના કૂપેમાં બહુ સૉફ્ટ અવાજે બોલવાનું હોય છે. કાન-બાન તો ખોતરાય જ નહિ... આપણો કે બીજા કોઇનો ! ચાલુ ટ્રેન બીજાનો કાન ખોતરવા બેસો તો અન્ય મુસાફરોના ય ઑર્ડરો આવવા માંડે તો કમાણી ચોક્કસ થાય, પણ એ જરા સારૂં ન લાગે. અહીં 'ઍક્સક્યૂઝ મી' તો જરૂર ન હોય ત્યારે ય બોલતા રહેવાનું. ('સૉરી' અને 'થૅન્ક યૂ'ની જેમ 'ઍક્સક્યૂઝ મી'ની પાછળ ''હોં'' નહિ લગાવવાનું...બા ખીજાય.)

ઓકે. ફલાઇટ હોય કે ટ્રેન, બાજુમાં જે કોઇ આવે, વાતની શરૂઆત આપણે નહિ કરવાની. એક વાર હાળું મારાથી અમદાવાદ-મુંબઇની ફલાઇટમાં બાજુવાળાને પૂછાઇ ગયું'તું, ''મુંબઇ ઉતરવાનું....?'' પેલાએ ખીજાઇને મને કહ્યું, ''ના.. નીચે નડિયાદ દેખાય એટલે ભૂસકો મારવાનો છું...!'' આપણને એમ કે, એ બહાને સંબંધ-બંબંધ બંધાય. ! બંધાય તો કોક દહાડો ધંધામાં કામ આવે.

યાદ રાખો, દોસ્તો. એની સાથે એની વાઈફે ય સુંદર હોય, તો એકાદું લૅડીઝ-મૅગેઝીન સાથે રાખવું સારૂં. માંગ્યા વિના એનાથી, આપ્યા વિના આપણાથી અને જીવો બાળ્યા વિના એના ગોરધનથી રહેવાશે નહિ, એને આપણો સર્વપ્રથમ વિજય જાણવો. કોઇપણ સફળ ધંધા કે સંબંધમાં પ્રારંભિક મૂડીરોકાણ લાભદાયી મનાયું છે.

કપડાની થપ્પી વચ્ચેથી તાણીતુસીને માંડ ઝભ્ભો બહાર કાઢીએ, એમ આ જાડીયો દરવાજામાં શરીર ભરાવી ભરાવીને અંદર આવ્યો. આવું શરીર ઘસાવાને કારણે દરવાજા થોડા વીક પડી ગયા હતા. ખભે એણે બૅગ જેવું કંઇ લટકાવ્યું હતું, એટલે પરમેશ્વરે એને ત્રણ-ત્રણ છાતીઓ આપી હોય, એવું દેખાય. ખભે સસ્પૅન્ડર્સ પહેરેલા. (પહેરેલું પાટલૂન ઉતરી ન જાય, એ માટે '૩૦-'૪૦-ના દાયકાઓમાં, ખભાથી પાટલૂને પકડી રાખે, એવા પટ્ટા તમે ચાર્લી ચૅપલિન કે લૉરેલ-હાર્ડીની ફિલ્મોમાં જોયા હશે, એને 'સસ્પૅન્ડર્સ' કહેવાય ! એનું સ્થાન હવે કમરે બાંધવાના બૅલ્ટે લીધું છે.) ગોળ લીસ્સા ઘૂમ્મટ જેવા એના વિશાળકાય પેટ ઉપર હાથ પંપાળવાની મને લાલચ થઇ, પણ એમાં એ મને માલીશવાળો સમજી લે, તો આખા બૉડીની માલીશ આ ભાવમાં ન પોસાય. તડકામાં બહુ ગરમ થવાથી એના ગાલ પિગળી ગયા હશે, એટલે કાનની નીચે બન્ને ગાલ સૂકવવા મૂક્યા હોય, એવા લબડતા હતા. દાઢી નીચે સેક્યા પહેલાની ભાખરી ચોંટાડી હોય એવી એની ડબલ-ચીન ફૂલી ગઇ હતી. શિવજીના મંદિરની બહાર પોઠીયો મૂક્યો હોય, એમ જાડીયાનું નાક ઊપસી આવ્યું હતું. જાડીયાની ટોટલ સાઇઝ જોયા પછી મને લાગ્યું કે, કોઇ એકાદી ગુજરાતી સ્ત્રી પરણીને આને પહોંચી ન વળે...આના માટે ૮-૧૦ ફૂલ-સાઇઝના પંજાબી બૈરાં પરણે તો જ બધે પહોંચી વળે.

કૂપેમાં એ દાખલ થયો જ ઊંઘતો ઊંઘતો. જેટલું જોવાનું હોય, એટલું અધખુલા નયનોથી જોઇ લેતો હતો, એટલે મારા ખોળામાં ન બેઠો અને પોતાની સીટ ઉપર બેસીને પાછો હાલાં કરી ગયો. ઊંઘમાં એ મૃતદેહ સમો લાગતો હતો, પણ એ અત્યારે અક્ષરવાસી થઇ જાય તો હું નવાણીયો કૂટાઇ જઉં ને !

'આને આમ મરવા કે સુવા ન દેવાય' એ પ્રતિજ્ઞા લઇને મેં એને ઉઠાડયો, ''ઍક્સક્યૂઝ મી....'' મને આવી બધી વાતોમાં ખબર બહુ પડે કે, કોઇને ''એક્સક્યૂઝ મી'' કહી દીધા પછી એના ખભાને હલાવી જોવાનો હોય છે. જો એ ખતમ થઇ ગયો હશે તો ઢળી પડશે અને જીવિત હશે તો, ''હેહોહેહો'' કરતો ઝબકી જશે. બન્ને અવસ્થામાં ફક્ત બીજીવાળીમાં જ આપણે બીજી વાર ''એક્સક્યૂઝ મી'' બોલવાનું હોય છે.

એ ઊંઘમાં હતો એટલે ઝબકીને જાગ્યા પછી હું નહિ દેખાયો હોઉં, એટલે વાંકો વળીને પોતાની સીટ નીચે જોઇને બોલ્યો, ''યસ....!!!'' એટલું બોલીને, કોઇ હતું નહિ, એમ સમજીને બેઠા બેઠા જ પાછો સુઇ ગયો.

હું જાગતો બેઠો હોઉં ને સામેવાળો સુતો હોય, એ અવસ્થા મને માફક નથી આવતી. કહે છે કે, ઝેર પીધેલા માણસને ઊંઘવા ન દેવાય. એને જાગતો રાખવો પડે. આણે ઝેર તો નહિ પીધું હોય, પણ ઠેઠ મુંબઇ સુધી આ ઊંઘતો રહેશે તો હું ઝેર પી લઇશ, એવી શંકા મારા વડે કરાઇ. એકલો એકલો હું શું કામ બોર થઉ ?

ટ્રેન તો ક્યારની ઉપડી ગઇ હતી. તમારામાંથી જે કોઇ ટ્રેનમાં બેઠું હશે, એને ખબર હશે કે, ચાલ્યા પછી ટ્રેન હલહલ બહુ કરતી હોય. ટ્રેનો સ્થિતપ્રજ્ઞા નથી હોતી. એટલે આપણે પણ બેઠા બેઠા ડોલવાનું હોય છે. હું મને હલતો ન દેખાતો હોઉં કે, હલતી વખતે કેવો લાગું છું, પણ જાડીયો ઊંઘમાં ય ડાબે-જમણે હલહલ કરે જતો હતો. મેં એના જેવું હલી જોયું. બહુ સારો નહતો લાગતો, એટલે માંડી વાળ્યુ. પણ એને ઉઠાડવો જરૂરી હતો. આખા કૂપેમાં એકલો એકલો ટાઈમ કેવી રીતે કાઢવો ?

ફરીથી 'ઍક્સક્યૂઝ મી' વેડફી નાંખવાનો અર્થ નહતો. મૂડમાં હોઉં, ત્યારે હું ચ્યૂઇંગ-ગમ ચાવતો હોઉં છું. કંઇ પણ ચાવતી વખતે મને ફળદ્રુપ વિચારો બહુ આવે. મને થયું, એના નાકનું એક ફોયણું બંધ કરી દઉં, તો શ્વાસની તકલીફ ઊભી થવાના કારણોસર એ હડફ કરતો જાગી જશે. ઊંઘ્યા પછી ઉઠવાનો નહતો એટલે એનાથી ડરવાનો સવાલ નહતો. મારી ચ્યૂઇંગ-ગમ એના નાકના એક ફોયણાં પાસે ચોંટાડી દીધી. એક 'સુઉઉઉ...ટ' કરતો અવાજ સંભળાયો, અર્થાત્ કાચી સેકંડમાં એણે ચ્યૂઇંગ-ગમ નાકની મહીં ખેંચી લીધી હતી.

અંતીમ ઉપાય તરીકે,જાડીયાના માથા ઉપર કોઇ સામાન પછાડવો જોઇએ, એવો પ્લોટ કર્યો. સામાન પણ એનો હોવો જોઇએ. આપણો હોય તો ફુટી-બુટી જાય. એની બૅગમાં લૅપટૉપ હતું. એ જો પછડાય, તો થોડું ઘણું વાગે, ઢીમડું થાય અને મુબઇ પહોંચતા સુધી દર્દનો માર્યો જાડીયો કણસતો રહે. જોવાની મને મઝા આવે (મુસાફરીમાં કોઇને પીવાના કામમાં આવે, એ હેતુથી હું હંમેશા ટીંચર આયોડિનની શીશી સાથે રાખવાનો આગ્રહ રાખું છું. ભ'ઇ, આજે માણસ જ માણસના કામમાં નહિ આવે તો બીજું કોણ આવવાનું છે ? આ તો એક વાત થાય છે.)

એ સાલો ઘસઘસાટ ઊંઘતો હતો. ચુપકીથી એનું લૅપટૉપ ખેંચી લીધું. ઊભો થઇને જરા ઊંચાઇથી લૅપટૉપ એના માથે પછાડો, તો સરખું વાગે ય ખરૂં. ઊભા થઇને લૅપટૉપ નીચે એના માથાનું માપ લઇને પછાડવા ગયો, ત્યાં ટ્રેનમાં અચાનક આંચકો આવ્યો. બૅલેન્સ ગયું. હું પડયો. લૅપટૉપ મારા કપાળ ઉપર પછડાયું. ચીરો મોટો પડયો. લોહી દડદડદડ. દુઃખાવો ઠેઠ મુંબઇ સુધી. હું કણસતો પડયો રહ્યો.

જાડીયો હજી ઘોરતો હતો.

સિક્સર

- ચીન ૬૫૦-કી.મી. ભારતની અંદર ઘુસી આવ્યું છે. પાકિસ્તાન નિયમિત આપણા સૈનિકોને મારે છે. શ્રીલંકા અને બાંગલા દેશ મસ્તીથી અડપલાં કરે જાય છે. ભારત સરકારના પૅટનું પાણી ય હાલતું નથી.

- ચિંતા ન કરો. અમારો શામળીયો, મહાવીર સ્વામી, મહાદેવજી, રામચંદ્રજી, જલાબાપા કે ભગવાન સ્વામિનારાયણ બચાવી લેશે...આપણે લહેર કરો !

08/09/2013

ઍનકાઉન્ટર 08-09-2013

* સમ્રાટ અશોક તો મહાન હતો...તમે ?
- હું સમ્રાટનો ય બાપ છું. મારા પુત્રનું નામ 'સમ્રાટ' છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આપણા દરેક ભગવાન પાસે એક પશુ-પક્ષી કેમ હોય છે ?
- અર્થ એવો થયો કે, આપણા તો પશુ-પક્ષીઓ પાસે ય એક એક ભગવાન હોય છે.
(મંજૂલા સદાભાઈ પરમાર, ગાંધીનગર)

* પુરૂષોની ભ્રમરવૃત્તિ કહેવાય તો સ્ત્રીઓની કઇ વૃત્તિ ?
- ફ્લિટવૃત્તિ... ઊડતા ભમરા ઉપર ફ્લિટ પંપ છાંટવાની વૃત્તિ.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* શું તમે એકે ય વખત પર્સનલી ભૂત જોયું છે ?
- અરીસો જોઇ લઉં છું.
(દીપા સોની, અમદાવાદ)

* ગૅસ કે ઍસિડીટી મટાડવાની જાહેરાતો કેટલી સાર્થક ?
- ગૅસ માટે અદાણીને પૂછો. બાકી મારા ઘરમાં મારા માટે જે ચા બને છે, તે 'ઍસિડીટી' કહેવાય છે. ઇંગ્લિશમાં મારૂં ટૂંકું નામ ACD છે... આથી મારી T 'ને' 'ઍસિડીટી' કહે છે.
(જીગ્નેશ પટેલ, કઠલાલ)

* આપણા દેશના ઢોંગી બાવાઓ હવે હદ વટાવવા માંડયા છે... એમને રોકી ન શકાય ?
- દરેક બાવો એક વિરાટ 'વૉટ બૅન્ક' છે. એમના ભક્તસમુદાયની સંખ્યા દરેક રાજકીય પક્ષને નાલાયક બનાવે છે.
(દિલીપ એ. ત્રિવેદી, અમદાવાદ)

* પ્રેમમાં નાસીપાસ થયેલાઓ માટે આપનો કોઇ સંદેશ ?
- આવાઓ મારી નજરમાંથી ઉતરી જાય છે, અરે, પ્રેમ રીક્ષા જેવો છે... એક જતી રહે તો પાછળ બીજી આવતી જ હોય !
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* ગુજરાતના શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે અમારે આપને 'બિરબલ ઍવોર્ડ' આપવો છે...
- એને બદલે રોકડાની વ્યવસ્થા કરો ને, ભ'ઇ !
(નવનીત વી. પરમાર, રાજકોટ)

* દેવ આનંદના પુસ્તકમાં મુહમ્મદ રફીનું નામ જ કેમ નહિ ?
- બંને વચ્ચે મનદુઃખ ચોક્કસ થયું હતું, પણ બંને પરફૅક્ટ જૅન્ટલમૅન હતા. એકબીજાને જલિલ કરવાને બદલે ચૂપ રહીને કેવી સજ્જનતા દાખવી !
(રમેશ મીશ્રીમલ જૈન, અમદાવાદ)

* આપણું મગજ લાખો મૅગાબાઈટ્સ મૅમરી સંગ્રહી શકે છે, પણ ખરે વખતે યાદશક્તિ ગૂમ કેમ થઈ જાય છે ?
- આમાં તમારે મને જે પચ્ચી લાખ આલવાના છે, એ ભૂલી ન જશો !
(વિનોદ એ. મોદી, અમદાવાદ)

* ગત ૨૧ ડીસેમ્બરે પૃથ્વીનો વિનાશ થવાનો હતો, તે ન થયો...હવે ?
- કૉંગ્રેસ સરકાર છે ને સામે માયકાંગલો ભાજપ છે, ત્યાં સુધી પૃથ્વીનું જાવા દિયો... આપણે ભારતના વિનાશની રાહ જોવાની !
(તેજસ હાલાણી, અમદાવાદ)

* ફિલ્મો કે ટીવીમાં વિલનો કે રાક્ષસો અટ્ટહાસ્ય જ કેમ કરતા હોય છે ?
- હીરોલોગ કરતા આ લોકો દાંત વધુ ચોખ્ખા રાખતા હોય છે.
(યોગેશ દવે, આદિપુર-કચ્છ)

* આપના એક 'ઍનકાઉન્ટર'ની બાજુમાં પેટના દુઃખાવાના ચૂરણની જાહેર ખબર પણ છપાઇ હતી. તેનું શું કારણ ?
- ઇન ફૅક્ટ, જાહેર ખબરોની બાજુમાં અમારા લેખો છપાય છે, માટે અમારી કૉલમો ચાલે છે !
(ડૉ. મનોજ વાસન, જૂનાગઢ)

* તમારા પત્ની તમારા માટે કદી ફિલ્મી ગીતો ગાય ખરા ?
- ચોક્કસ ગાય, પણ કાઠીયાવાડી ઉચ્ચારોમાં, દરેક શબ્દ ઉપર મીંડા મૂકીને, દરેક ફિલ્મી ગીત ત્રણ તાળીઓ પાડતા પાડતા માતાજીની આરતીના ઢાળમાં ગાય. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે, દરેક ગીત પૂરૂં થયા પછી 'કેવું ગાયું ?'નો ઘણી શ્રધ્ધાથી મારે જવાબ આપવો પડે છે.
(તપસ્યા ધોળકીયા, અમદાવાદ)

* જયા બચ્ચન અને રેખા રાજ્યસભામાં, યૉર કૉમૅન્ટ, પ્લીઝ.
- પરમેશ્વરે અમિતાભ ઉપર ખાસ્સી દયા કરી કહેવાય....કેટલી શાંતિ એને ?
(ભરત જી. ભૂસડીયા, સુરેન્દ્રનગર)

* સીતા અને રામ, રાધા અને શ્યામ....તમારે કેમનું છે ?
- અમારે હવે બધું, 'જે સી ક્રસ્ણ.'
(મનુ પંડયા, મુંબઈ)

* કોઈ ગુજરી જાય ત્યારે એના, 'રામ રમી ગયા' બોલાય છે. મરવાને રામ સાથે શું સંબંધ ?
- હિંદુઓના કોઇપણ ભગવાન વિશે ગમે તે બોલો, કોઇ ચિંતા નહિ. કૃષ્ણ, મહાદેવ કે મહાવીરવાળો એટલું જ વિચારશે, 'આપણે કેટલા ટકા ?'
(નરેન્દ્રગીરી ગોસ્વામી, અમદાવાદ)

* એક આંખમાં દયા અને બીજી આંખમાં કરૂણા હોય તો શું સમજવું ?
- મોતીયો.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* સ્કૂલ-કૉલેજની પરીક્ષાઓ સાર્થક ખરી ?
- હવે નહિ. હવે તમારા પિતાશ્રી પાસેથી કેટલા ખંખેરી શકાય એમ છે, એના ઉપર સાર્થકતા નિર્ભર છે.
(મનાલી અશોક મેહતા, મોરબી)

* હિંદી ફિલ્મોમાં હવે છુટથી ગાળો બોલાવા માંડી છે. શું મનોરંજન પણ નિર્દોષ નથી રહ્યું ?
- બેશરમ આપણો યુવા વર્ગ કહેવાય... આવી ફિલ્મોનો વિરોધ કેમ નથી કરતો?
(મસઉદ લક્ષ્મીધર, મહુવા)

* ફાંસીની સજાના કેદીઓને ફાંસી માટેના વિલંબનો ખર્ચો સંસદમાં બેઠેલાઓ પાસેથી કેમ વસૂલવો ન જોઈએ ?
- તમે બહુ ગુસ્સામાં લાગો છો. એ લોકોને પણ ફાંસીવાળા કેદીઓ પાસેથી મોડું મરવાના હપ્તા વસૂલવા હોય ને ?
(કુસુમ/અશોક જમોડે, જૂનાગઢ)

* નમે તે સહુને ગમે કે નમો તો ગમે ?
- બંને અવસ્થા બધાને ગમે એ જરૂરી છે.
(ડૉ. મનહર વૈષ્ણવ, અમદાવાદ)

* ભારતીય પ્રજાનો મીજાજ, 'ટૂંકમાં પતાવો'નો રહ્યો છે. આમાં ભ્રષ્ટાચાર દૂર થવાના ચાન્સીઝ કેટલા ?
- આમાં 'ભ્રષ્ટાચાર' પણ ટૂંકમાં પતાવવાની વાત આવી ગઈ !
(સાધના પી. નાણાવટી, જામનગર)

* અશોક દવે, આપ લાખોપતિ છો કે કરોડોપતિ ?
- હકીપતિ.
(સદરૂદ્દીન ચારણીયા, રાજકોટ)

* માણસ, વાંદરા અને ગધેડાને સીંગડા કેમ નથી હોતા ?
- રખાવીને તમારે કામે ય શું છે ?
(ભારતી દેસાઈ, અમદાવાદ)

* પ્રેમિકા સ્વાર્થી અને મતલબી હોય છે. આપનો અનુભવ શું કહે છે ?
- આવી સ્ત્રી મારા સુધી પહોંચી પણ ન શકે !
(સાદીકઅલી માકડા, ગારીયાધાર)

06/09/2013

'ધૂલ કા ફૂલ' ('૫૯)

ફિલ્મ : 'ધૂલ કા ફૂલ' ('૫૯)
નિર્માતા : બી. આર. ચોપરા
દિગ્દર્શક : યશ ચોપરા
સંગીત : એન. દત્તા
ગીતો : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ, ૧૫૩ મિનિટ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : અશોકકુમાર, માલાસિંહા, રાજેન્દ્રકુમાર, નંદા, મનમોહનકૃષ્ણ, રાધાકિશન, લીલા ચીટણીસ, જીવન, અમીરબાનુ, જગદિશરાજ, મેહમુદ, વિજયાલક્ષ્મી, ડેઝી ઈરાની, સુશીલકુમાર, રવિકાંત, ઉમા દત્ત, મોહન ચોટી.


ભારતીય ફિલ્મોના બી. આર. ચોપરા અને કેર ઓફ યશ ચોપરા એક એવા દિગ્દર્શકોના નામો છે, જેમણે સાતત્ય જાળવીને આટલા વર્ષો સુધી પોતાનું કે પોતાની ફિલ્મોનું સ્તર નીચે જવા દીધું નહોતું. પ્રયોગાત્મકથી માંડીને સમાજમાં બદલાવ સુધીની વાર્તાઓ વાપરીને જોખમ ઉઠાવવામાં એમણે કસર બાકી નહોતી રાખી. ફોર્મ્યુલા ફિલ્મોથી એ દૂર રહ્યા. વાર્તામાં તમે ચર્ચા કરી શકો, વિવાદો કરી શકો, એવી વ્યવસ્થા હોય. બસ, ફિલ્મ જોઈ આવ્યા ને ભૂલી ગયા, એવી ફિલ્મો યશની ન હોય. એમના હાથ નીચે બનેલી ફિલ્મોની યાદી જુઓ... અંજાઈ જવાય એવી કેટલી બધી ફિલ્મો આપી છે!

પણ 'ધર્મપુત્ર'ની જેમ ફરી એકવાર યશ ચોપરાએ બધી રીતનો દાટ વાળ્યો છે, તદ્ન ભંગાર ફિલ્મ 'ધૂલ કા ફૂલ' બનાવીને! ફિલ્મની વાર્તા પણ આ લોકોની આગલી ફિલ્મ 'ધર્મપુત્ર' જેવી જ ફાલતુ અને ઢંગધડા વગરની હતી. ફિલ્મના વાર્તાલેખક, પટકથા અને સંવાદો લખનાર પંડિત મુખરામ શર્માને એમના હરિફો 'પંડિત મુર્ખરામ શર્મા' કહેતા, એ બતાવે છે કે, પંડિતજી કરતા એમના હરિફોનું સાહિત્યિક ધોરણ ઘણું ઊંચું હશે! પહેલો જ સવાલ એ ઊભો થાય કે, ફિલ્મની વાર્તામાં હિંદુ-મુસલમાનના અટકચાળા ઉમેરવાની જરૂર જ ક્યાં હતી? વાર્તાને હિંદુ કે મુસલમાન હોવા સાથે કોઈ તાર્કિક સંબંધ દેખાતો નથી. એ વાત જુદી છે, મુસ્લિમ પ્રેક્ષકોને આકર્ષવાની ફેશન શરૂ થઈ હતી. બીજું, માલાસિન્હાને પ્રેગ્નન્ટ બનાવીને રાજેન્દ્રકુમાર પોતાના શહેર જતો રહે છે ને બીજા લગ્ન કરી લે છે, એની પાછળનું કોઈ કારણ પણ નથી. પિતા રાધાકિશનનો પુત્ર રાજેન્દ્રને બીજે પરણાવવાનો આગ્રહ પણ એટલો માઈલ્ડ હોય છે કે, પેલાએ શા માટે માલાને દગો કરીને નંદા સાથે લગ્ન કરવા પડે છે, એનો કોઈ જવાબ નથી. ન્યાયાધીશના સ્તરે પહોંચેલો રાજેન્દ્ર (પોતાના જ) પણ અજાણ્યા બાળકને 'નાજાયઝ ઔલાદ' અને સમાજનું પાપ કહીને ઘરમાંથી કાઢી મૂકે, એવું શિક્ષિત સમાજમાં તો બને નહિ. માલા સિન્હાને છોકરો આટલો મોટો થઈ જાય ત્યાં સુધી બેવફા રાજેન્દ્ર ઉપર બદલો લેવાનું કેમ સૂઝતું નથી અને જ્યારે બદલો લે છે, ત્યારે બદલાનું 'લોજીક' શું હોઈ શકે, એ પ્રેક્ષકો સમજી શકે એમ નથી. આવી અનેક બેવકૂફીઓ ફિલ્મમાં જોવા મળે છે.

બીજી નવાઈ એ પણ લાગે છે કે, ફિલ્મના અનેક જાણીતા પાત્રોને ફિલ્મના ટાઈટલ્સથી માંડીને પ્રચાર-પુસ્તિકામાં પણ સ્થાન નહોતું આપવામાં આવ્યું. મેહમુદ, રાધાકિશન, જીવન, વિજયાલક્ષ્મી, નાઝ કે નાના પળશીકરના ફિલ્મના ટાઈટલ્સમાં નામો નથી. રાધાકિશન તો આજે કોઈને યાદ ન હોય, પણ એ જમાનામાં બહુ મોટું નામ હતું. સંવાદો બોલવાની એની પદ્ધતિ અનોખી, આપણને ચીઢ ચઢાવે એવી છતાં એને સાંભળવો તો ગમે જ, એ પ્રકારની હતી. એક જમાનામાં નરગીસ સાથે પ્રેમ-પ્રકરણ ચાલુ રાખીને ફિલ્મ 'આહ'માં નરગીસની બહેન બનતી વિજ્યાલક્ષ્મી સાથે પણ સમાંતર લફરું કર્યા પછી, એક સિનેમાઘરમાં પકડાઈ ગયેલા પ્રેમીઓમાંથી નરગીસે વિજ્યાલક્ષ્મીને ચાલુ સિનેમાએ જ ફટકારી હતી. યાદ રહ્યું હોય તો વિજ્યાલક્ષ્મી સાથે રાજ કપૂરે ફિલ્મ 'બાવરે નૈન'માં 'ખયાલોં મેં કિસી કે ઈસ તરહે આયા નહિ કરતે...' ગીત ગાયું હતું. છેલ્લે છેલ્લે એ મીનાકુમારીની સખી કે બહેન તરીકે ફિલ્મ 'પાકિઝા'માં જોવા મળી હતી. (આ કિસ્સામાં, પ્રેમી રાજ કપૂરને શોધતી શોધતી નરગીસ આર. કે. સ્ટુડિયો પહોંચી, ત્યાં રાજ ન મળ્યો એટલે મુકેશને પૂછ્યું, મુકેશ બધું જાણતો હતો કે, રાજ-વિજ્યા ક્યા ગયા છે, પણ આવી વાત કોઈને કહેવાય તો નહિ ને? મુકેશ ચૂપ રહ્યો, એટલે નરગીસે મુકેશને ઇમોશનલ બ્લેકમેઈલ કરીને 'પોતાની બહેન' પાસે આવું કાંઈ ન છુપાવાય, એમ કહીને વાત કઢાવી લીધી હતી. બસ, ઘટનાસ્થળ અને આરોપીઓ અંગે જાણકારી મેળવી નરગીસ છાનીમાની બુરખો પહેરીને મુંબઈનો ફોકલેન્ડ રોડ પર આવેલ તાજ થીયેટરમાં ટેક્સી કરીને પહોંચી હતી.)

એ સમયની ફિલ્મોમાં એક વાતે આપણા સહુથી ચીઢાઈ બહુ જવાતું. સાલા એક્ટરો ૩૦-૩૫ વર્ષના થયા હોય તો ય કોલેજીયન બતાવાય. પાછું હસવું ય આવતું કે, આ બન્નેની ઉંમર કોલેજીયન તરીકે વધારે ન લાગે, એ માટે એમના કોલેજીયન દોસ્તો કે સખીઓને પણ એવી જ ઢાંઢી બતાવાતી. ફિલ્મો બ્લેક-એન્ડ-વ્હાઈટ બનતી, એટલે મેઈક-અપના થપેડા તો ભા'આય... ભા'આય... આપણાથી જોયા જોવાય નહિ. રાજેન્દ્ર તો આમે ય તમે ધારતો હો, એના કરતા ય વધુ શ્યામળો હતો, એટલે એના મોંઢે બહુ હેવી લપેડા કરવા પડતા. આ જ કારણથી ડોક્ટરના રોલ કરવા સિવાય ભાગ્યે જ કોઈ ફિલ્મમાં એણે અડધી બાંયના શર્ટ પહેર્યા છે. કારણ કે, એક્લું મોંઢું ધોળું ધોળું હોય એ તો ન ચાલે ને? હાથે ય ધોળા દૂધ જેવા બતાવવા પડે. એટલે હાથ ઉપરના લપેડાં ય દેખાઈ આવે.

અફકોર્સ, રાજેન્દ્ર હેન્ડસમ તો ખૂબ હતો. એને કપડાં ખૂબ શોભે, એવું પરફેક્ટ બોડી ઈશ્વરે આપ્યું હતું. પરફેક્ટ એટલે આજની સ્ટાઈલ પ્રમાણે 'સિક્સ-પેક' કે મસલ્સ ફાટુ-ફાટુ થાય એવું નહિ, કપડાં શોભે એવું. ફિલ્મોમાં ગીતો ગાતી વખતે હીરો માટે કોરિયોગ્રાફી જેવું તો કાંઈ હતું નહિ, એટલે હીરોલોગને પણ જેવો આવડે એવો ડાન્સ કરતા કરતા નાચવા-ગાવાનું, એમાં આ ભાઈ ભારે ભરાઈ પડતા. હોડીમાં બેઠેલું બાળક નદીમાં હાથ બોળીને બહાર કાઢે, એટલો જ ડાન્સ રાજેન્દ્રને આવડતો. ફરક એટલો કે, રાજેન્દ્ર તો ઝાડ ઉપર બેઠો હોય તોય ડાબો હાથ તો એ જ હલેસાં મારવાની ઢબે હલાવવાનો. માલા સિન્હાને ય એવું ક્યાં કશું આવડતું હતું. એની ય એક સ્ટાઈલ આપણને ગુસ્સો ચઢાવે એવી પર્મેનેન્ટ હતી. એક હાથની પહેલી આંગળી દાઢી ઉપર અડાડેલી રાખીને બીજો હાથ પેલા હાથની કોણીથી પકડી રાખીને કમર હલાવવાની, એટલે ભલભલો ડાન્સ પૂરો. પાછું, ફિલ્મોમાં હજી હેર-સ્ટાઈલો આવી નહોતી, એટલે હીરોઈનોના જે કાંઈ ગૂંચળાવાળા વાંકડીયા વાળ હોય, એના બે ચોટલાં લઈને આખી ફિલ્મમાં ફરે રાખવાનું, સાલું, આપણને એ વાળ સામે જોવું ય ન ગમે, ને પાછો, 'તેરી ઝૂલ્ફોં સે જુદાઈ તો નહિ માંગી થી...' જેવાં ગીતો ગાય... તારી ભલી થાય ચમના... તું એકલો બેઠો બેઠો પેલીના માથામાંથી ગૂંચો કાઢે રાખને... અમને શેનો કહી દેખાડી બતાડે છે?

ફિલ્મમાં નૃત્ય કરવા (બેબી) નાઝ આવે છે. જોવાની ખૂબી એ છે કે, જેને આપણે ફક્ત ગીતકાર તરીકે ઓળખીએ છીએ, તે પ્રેમ ધવન સંગીતકાર, ગાયક, દિગ્દર્શક અને આ ફિલ્મમાં તો નૃત્યનિર્દેષક પણ હતા.

યસ. માલા સિન્હા હજી આ ઉંમરે (૭૫ની થઈ) પણ ખૂબસૂરત લાગે છે. હમણાં દાદાસાહેબ ફાળકે એવોર્ડમાં એણે પ્રેસ-કોન્ફરન્સ પણ સંબોધી હતી. દુઃખ એ વાતનું થાય કે, પોતાના જમાનામાં પ્રેક્ષકોથી માંડીને હીરો, પ્રોડયુસર કે દિગ્દર્શકોને મન ફાવે તેમ આંગળીને ટેરવે નચાવતી આ હીરોઈનોને આજે કોઈ ઓળખતું પણ નથી. બહુ અપમાનિત લાગતું હશે ને? માટે જ કહે છે કે, જમાનો તમારો ચાલતો હોય ત્યારે ધરતી પર રહો... ધરતીનો તો ખસવાનો સ્વભાવ છે... તમે બર્દાશ્ત નહિ કરી શકો!

ફિલ્મની વાર્તા એ જમાનામાં નવી લાગી હશે, હવે એનું એવું મૂલ્ય ન રહે, કારણ કે 'ધૂલ કા ફૂલ' સફળ થઈ, એટલે એ પછીના ઘણા નિર્માતાઓ આ જ વાર્તામાં નાનામોટા ફેરફારો કરીને નવેસરથી પેશ કરી, એટલે આપણા મનમાંથી ય મૂળ વાર્તાનો ચાર્મ જતો રહે. અહીં પણ, એ જમાનામાં ટીપિકલ કહી શકાય એવી હીરો-હીરોઈન અચાનક મળી જાય, પ્રેમમાં પડે, બન્ને વચ્ચે શરીર-સંબંધ બંધાય ને હીરોને બહાર જવાનું આવે. આ બાજુ બાળક આવી જાય ને પેલો પાછો આવી બીજે લગ્ન કરી લે. લોકલાજથી ડરવા હીરોઈન બાળકને જંગલમાં મૂકી આવે ને મુસલમાન ચાચા (મનમોહનકૃષ્ણ) એને ઘેર લઈ આવે, ઉછેરે, સ્કૂલમાં મૂકે, જ્યાં અન્ય બાળકો 'તુમ્હારા બાપ કૌન હૈ?'ની થીયરી પર એની મજાકો ઉડાવે રાખે, એમાં એક છોકરો દોસ્ત બની જાય, જે હીરાનો જ પુત્ર હોય... વગેરે  વગેરે...

આટલે સુધી તો ચલો, બધું બરોબર હતું. પછી પંડીત મુખરામ શર્મા ભરાઈ પડયા છે. જુઓ, આખો દાખલો ગણાવી દઉં. રાજેન્દ્ર-માલા પ્રેમમાં, બન્ને વચ્ચે અનૈતિક સંબંધથી છોકરું આવે, રાજેન્દ્ર બીજે (નંદાને) પરણી જાય, પછી માલાના આપઘાત-બાપઘાતના પ્રયાસો, અશોકકુમાર માલાની જીંદગીમાં આવે. માલાનો ત્યજી દીધેલો છોકરો (ફિલ્મ 'દોસ્તી'માં અપંગ બનતો સુશીલ કુમાર) મનમોહનકૃષ્ણની ઝુંપડીમાં ઉછરે, આ બાજુ ડેઝી ઈરાની રાજેન્દ્ર-નંદાનો દીકરો બને. હવે સ્ટોરીનો એન્ડ કેવી રીતે લાવવો. ત્યજાયેલા પુત્રને મા-બાપ સાથ ભેગો તો કરવો પડે. ભેગો કરવા જાય તો નવા ફાધર અશોકકુમારનું શું? રાજેન્દ્ર-નંદા ઓલરેડી પરણીને મા-બાપ બની ચૂક્યા હોય છે, ભલે એક્સીડેન્ટમાં એમનો પુત્ર ગૂજરી જાય છે, પણ પેલા પુત્રનું શું કરવું? છેવટે કોઈ રસ્તો ન મળતા આ લોકો અશોકકુમારને બહુ જેન્ટલમેન બનાવી દે છે અને બાળકના પિતા બનવાની સંમતિ આપે છે.

લો કલ્લો બાત...! આમાં કોઈ ઢંગધડા લાગ્યા? ફિલ્મમાં એક તબક્કે પ્રેમમાં સેક્સનો લાભ ઉઠાવીને છુ થઈ જતા પુરુષો ઉપર વાર્તામાં કોઈ લપડાક-બપડાક હશે, એવી હવા ઊભી થાય છે, પણ ડાયરેક્ટર તો એમાં ય ભરાઈ ગયા છે. પ્રોબ્લેમ, એ લોકોએ જેમ તેમ કરીને વાર્તા પૂરી કરી એનો નથી, પ્રોબ્લેમ જેમ તેમ કરીને આપણે ફિલ્મ પૂરી કરવી પડે છે એનો છે... બોલો જય અંબે.

04/09/2013

....એ દિવસો તો ગયા !

પહેલા સાયકલનું સ્ટીયરીંગ બન્ને હાથે પકડી રાખવાનું. પછી ડાબી બાજુના પૅડલ ઉપર ડાબો પગ મૂકવાનો. (જમણો નહિ !) પછી બીજા પગે રોડ ઉપર બે ઝાટકા મારીને સાયકલને સ્પીડ આપવાની. ૩-૪ ફૂટ ચાલે, એટલે ઠેકડો મારીને સીટ ઉપર બેસી જવાનું. સાયકલ સ્પીડ પકડે માટે બન્ને પગે પૅડલો છેક સુધી મારતા રહેવાનું. બ્રેક અને ઘંટડી હાથમાં રાખવાની.

આટલા સાદા નિયમો મોંઢે જણાવીને વાઇફને સાયકલ ચલાવતા શીખવાડવાનું મેં અભિયાન શરૂ કર્યું. ગોરધન મટીને હું ચાણક્ય બની ગયો.

રીવૉલ્વર ફોડતા શીખનારને ગુરૂએ પહેલા એ સમજાવવું જોઇએ કે, ભડાકો કરતી વખતે રીવૉલ્વરનું નાળચું આપણા મોંઢા તરફ નહિ રાખવાનું, સામેની તરફ રાખવાનું, એમ હું એ કહેતા ભૂલી ગયો હતો કે, સાયકલ ઉપર ચઢતી વખતે બન્ને હાથે બ્રૅકો દબાવી નહિ રાખવાની. ગતિ અને અવરોધ સાથે ન જાય. બાકીનું શિક્ષણ એણે પૂરતું પચાવ્યું હતું, એ મુજબ સાયકલની ડાબી બાજુ ઉભા રહી, પૅડલ પર પગ રાખીને રોડ પર બે-ચાર ઝાટકા ચોક્કસ માર્યા, પણ બન્ને બ્રૅકો દબાવેલી રાખીને એ 'હેએહેએહેએ...' કરતી દોડી ને...ભાઇ, ખોટું શું કામ બોલું ? સીટ પર બેસવા ઠેકડો ય માર્યો કે, તરત જ વાઇફ સાયકલની આગળ ભમ્મ થઇ ગઇ. 'વૉય માં રે....' અને 'હું તો મરી ગઇ રે...' જેવા અવાજો તો દરેક સ્ત્રી વગર ઍક્સીડૅન્ટોએ પણ કાઢતી હોય છે. કોઇ પડે ત્યારે મને હસવું બહુ આવે, એ સારા સંસ્કાર ન કહેવાય, પણ આવેલું હસવું તો રાજા વિક્રમે ય રોકી શક્યા નહોતા. સમગ્ર ભૂખંડમાં કેવળ એક જ વ્યક્તિ છે જે કોઇ પડે કે પોતે પડે તો ય હસવું ન આવે, એ ડૉ. મનમોહનસિંઘ.

ધરતી ગગનને નિરખતી હોય...(ના, આ સિમિલી બરોબર નથી... એવું લખું કે, 'દેડકી મોંઢું ઊંચું કરીને લૂચ્ચા શિયાળભ'ઇ સામે જોતી હોય, એમ જમીનદોસ્ત થયેલી વાઇફે મારી સામે જોઇને મને ખખડાવ્યો , ''આમ દાંત સુઉં કાઢો છો...? (અમારા કાઠીયાવાડમાં 'દાંત કાઢવા' એટલે હસી પડવું) હું હેઠી પઇડી છું, તી મને બેઠી કરો.'' (સુધારેલી સિમિલી વાચકોને ગમી હોય તો મારા  વખાણ કરવા... : સુચના પૂરી)

પાણી ભરેલી કાળા રંગની મોટી ટાંકી કોઇ એક માનવી તો ક્યાંથી ઊચકી શકે ? આ લોકોમાં તો વાલ્વની સીસ્ટમ પણ ન હોય કે, પિન ખેંચી લો, એટલે હવા ખાલી થઇ જાય ને વજન હલકું થઇ જાય ! પણ દુ:ખમાં પડેલા નિરાધારોને મદદ કરવાનો આપણો પહેલેથી સ્વભાવ. એને બેઠી કરી. શરીરના કોઇ ભાગ ઉપર વાગ્યું નહતું.

પણ એમાં આપણાથી સાયકલ શીખવવાનું બંધ ન કરાય. 'કરતા જાળ કરોળીયો...'ની કવિતા જેમ, 'પડે એ ચઢે'. આપણે જ આમ હિમ્મત હારી જઇને શીખવવાનું બંધ કરીએ તો, બીજી વાર એને ભમ્મ થતી જોવાનો મોકો ન મળે અને આપણા બદલે હાળો કોક બીજો એને સાયકલ શીખવી જાય ! એમ કાંઇ કિંમતી ચીજો રેઢી મૂકાય છે, ભાઈ ? દોસ્તલોકો, એ ન ભૂલો કે, લગનના દિવસે જે રીતે એણે આપણને ભમ્મ કરી નાંખ્યા હતા, પછી વારે-તહેવારે આપણે જ ભમ્મ થવાનું આયું હોય...! એ એક વાર પડે, એમાં ઢીલા નહિ થઇ જવાનું.... બા ખીજાય !

એક વાત નહિ ભૂલો, યારો આપણી વાઇફો પોલાદની બનેલી હોય છે. પહાડ- પર્વતમાંથી કાંકરી ખરે, તો ય નુકસાન ખીણને (એટલે  કે આપણને) જ થાય છે. સાયકલ પરથી એ આવી ગુલાંટ ખાય, એમાં ઇમોશનલ બની જવાની સહેજે ય જરૂર નથી. એક વાર પડશે, તો શીખશે... (બીજી વાર પડવાનું !)

'અસોક...ઇ બાજુથી તો હું પઇડી... હવે આની કોરથી ઠેકડો મારીને બેશી જાઉં તો હાલે ?'

'ના ડાર્લિંગ ... દુનિયાભરની સાયકલોનો દસ્તુર છે કે, પહેલો પગ તો ડાબા પૅડલ ઉપર મૂકીને જ કૂદવાનું. અને કૂદ્યા પછી પેલી બાજુ ભૂસકો નહિ મારવાનો ! લૅન્ડીંગ સાયકલની સીટ ઉપર થવું જોઇએ.... આગળના ડંડા કે પાછળના કૅરિયર ઉપર નહી... સાયકલોમાં શોર્ટ-કટ્સ હોતા નથી.' એક સાયકલ-ગુરૂ તરીકે મારી આવડત ઉપર મને માન થતું હતું. ભૂતકાળમાં અનેક મહિલાઓને સાયકલ શીખવવાની પ્રૅક્ટીસ અત્યારે કામમાં આવી રહી હતી. જો કે, આજકાલ આવા ગુરૂઓ થાય છે ય ક્યાં ? આ તો એક વાત થાય છે.

વાચકોને મારી ક્રૂરતા ઉપર ગુસ્સો આવતો હશે કે, ૯૦ કીલોની ૬૦ વર્ષની વાઇફને સાયકલ શીખવવા માટે  આજુબાજુના જનસમુદાયનું કે હવામાનનું મેં કાંઇ ધ્યાન રાખ્યું નહી હોય, મને એવો ન સમજશો, ભાઇઓ. હું જાણતો હતો કે, એક વાર આ બેઠી અને મેં છૂટ્ટી મૂકી, એટલે વટેમાર્ગુઓ ભયના માર્યા રસ્તા પરની દુકાનોના ઓટલા, વીજળીના થાંભલા કે ઝાડ ઉપર ચઢી જઇ શકે, એ માટે કોરા મેદાનમાં સાયકલ શીખવવાનું નક્કી કર્યું હતું. મેદાનમાં ખાડા પડે તો મેદાનના બાપનું કાંઇ જવાનું નથી, પણ અમારા નારણપુરામાં ૨૦-૨૫ માસુમો ઊંધે કાંડ પડયા હોય, એ આપણાથી સહન ન થાય...! (સહન એટલા માટે ન થાય કે, નુકસાનીનું બહુ મોટું વળતર ચૂકવવાનું આવતું હોય છે...! સાયકલમાં થર્ડ-પાર્ટી વીમો હોતો નથી. આ તો એક વાત થાય છે.)

''અસોક, હવે મને ઈ કિયો કે, શાયકલના માથે બેઠા પછી બૅલેન્શ જાળવવા સુઉં કરવાનું ? આઇ મીન.... વચમાં કોક આવી જાય તો ઘંટડીયું મારવાની કે બ્રેકું દબાવવાની કે...કોકની ઉપરથી ઠેકાડી દેવાની ?''

આની તો જો કે, મને ય ખબર નહોતી કે પહેલા ઘંટડી મારવાની કે બ્રેક ! અમારા વખતમાં ઘોડાગાડીવાળાઓ આવા સંજોગોમાં 'ચલે ય સાયકલ....ચલો કાકા બાજુ પર....' એવી રાડું નાંખતા, પણ મેં લાઇફટાઇમમાં ઘોડાગાડી ચલાવી નથી ને એમાં બ્રેક ન હોય, એટલી ખબર, એટલે મેં સલાહ આપી, 'જો ડીયર, કોક સામું દેખાય તો, એના બે પગ યાદ રાખવાના. એને સાયકલ-સ્ટૅન્ડ સમજીને ગાડી એની વચ્ચે  પાર્ક કરી દેવાની... પણ આપણે હેઠા નહિ પડવાનું ! આમે ય, ૯૮-ટકા ઍક્સીડેન્ટોમાં સ્ત્રીઓ સ્માઈલ સાથે 'સૉરી, હોં... સૉરી, હોં...' બોલી જાય, એમાં ૯૮-ટકા પુરૂષો પલળી જાય છે ને લાલચુ સ્માઇલ સાથે ઇંગ્લિશમાં, 'નો પ્રોબ્લેમ...નો પ્રોબ્લેમ' એવું બે વાર બોલે છે, જાણે ગૂન્હો પોતે કર્યો હોય ! તારી ભલી થાય ચમના... આ પગે તઇણ ટાંકા આયા છે, ને તું 'નો પ્રોબ્લેમ કીધે રાખે છે....? ને એ ય બબ્બે વાર...? સીધી પોલીસ ફરિયાદ ન ઠોકી દઇએ કે અથડાવનારી 'અંદર' તો જાય....? તમને છોલાણું, એટલે અમને સજા ?

'અસોક....હવે હું હડેડાટ નીકળું છું...વાંહેથી મને હરખી ઝાલી રાખજો. અને ધીયાન રાખજો મને કાંય થાય નંઇ...!'

સાયકલના કૅરિયરને હળવી ધક્કી મારીને એને છોડી દીધી. એને આમ જતા જોવી ઘણી વસમી હતી. મને દીકરી વિદાયના દ્રષ્યો યાદ આવી ગયા. માં-બાપો દીકરીને આમ જ ધકેલી દેતા હશે ને ?

અફ કૉર્સ, આ તો સગ્ગી વાઇફ હતી, એટલે આપણી આંખોમાં આંસુ-ફાંસુ ન આવે. વાચકોએ અગાઉથી ધારી લીધું હશે કે, મારા છોડી દીધા પછી દસેક ફૂટ આગળ જઇને એ જમીનદોસ્ત થઇ હશે.... નહોતી થઇ. માણસ ધારે છે કંઇક, પણ ઇશ્વર કરે એમ જ થાય છે. God disposes what man proposes.

કાગળનું વિમાન ચક્કર મારીને મૂળ જગ્યાએ પાછું આવતું રહે, એમ એ તો એક નાનકડું ચક્કર મારીને પાછી આવી ગઇ, બોલો ! ''અરે.... તને તો સાયકલ આવડે છે. આઇ ડૉન્ટ બીલિવ, ડીયર !'' નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા પછી મેં કહ્યું.

'તંઇ.....તમે સુઉં માનતા'તા કે, આને કાંય આવડતું જ નંઇ હોય ? મારા નાથ, મેં તમને ઘરમાં હલાવવાની ઍક્શરસાઇઝની શાયકલ સીખવવાનું કીધ્ધુ'તું....ઇ શાયકલ પર ચકરડાં ફેરવીએ તો કેટલી કૅલરીયું વપરાય, ઇ જાણવા તો મરે...! સુઉં હઇમજ્યા ? અસ્સોકકુમાર, તમે ઈ ભૂલી ગીયાં કે, કૉલેજમાં હતી, તી વખતે હું મૉટર-શાયકલું ય હલાવતી...! આ તો કોકે વરી મને કીધું કે, બેન, જરા સરીર ઉતારો, શાયકલ હલાવો... અટલે મેં તમને કશરતું કરવાની શાયકલ સીખવવાનું કીધેલું... આ નંઇ !'

સિક્સર
- 'બા' જરાક અમથા માંદા પડયા, એમાં અડધી રાત્રે આખી કોંગ્રેસ હૉસ્પિટલમાં ખબર કાઢવા પહોંચી ગઇ !

- એ જવાનું ચૂકી જઇએ તો આપણે દાખલ થવાનું આવે !