Search This Blog

29/04/2012

ઍનકાઉન્ટર : 29-04-2012

* તમામ સાહિત્યકારોમાંથી સૌથી શ્રેષ્ઠ વક્તા કોણ છે ?
- તમારે ફક્ત મને લગતા સવાલો નહિ પૂછવા જોઈએ.
(મઘુકર જે. સ્વામી, અમદાવાદ)

* તમે અન્ય હાસ્યલેખકોના લેખો વાંચો છો ?
- શું કામ વાંચું ? મને એ લોકો માટે કોઈ ફરિયાદ નથી.
(ગીરિશ જે. પટેલ, સુરત)

* અમારું આખું ગ્રૂપ તમને આજ સુધીના સર્વોત્તમ હાસ્યલેખક ગણે છે.... તમે ગણો છો ?
- આ કોલમ હાસ્યાસ્પદ જવાબો માટે છે.. હાસ્યાસ્પદ સવાલો માટે નહિ !
(વિશાખા ભટ્ટ અને અન્ય ૧૬, અમદાવાદ)

* શિલ્પા શેટ્ટીના વાળ, ઐશ્વર્યાની આંખો અને કેટરિના કૈફના હોઠ... એ ત્રણેમાંથી તમને વઘુ શું ગમે ?
- મને કોઈ કોકટેઈલ કરી આપશો ?
(સુધાકર મકારીયા, વડોદરા)

* હિંદી ફિલ્મોની સૌથી લાંબી એક્ટ્રેસ કઈ ?
- એની તપાસ માટે આપણે કેટલાકને ઉપરમોકલ્યા છે.
(શિવમ ગો. પટેલ, અમદાવાદ)

* પરિણીત હોવા છતાં નર-નારીઓ બહાર પ્રેમ-સંબંધો શું કામ બાંધતા હશે ?
- ઘરે શ્રેષ્ઠ પર્ફોમન્સ બતાવવા માટે બહાર રીહર્સલો જરૂરી છે.
(સુનંદા જી. પટેલ, સુરત)

* મારી ઇચ્છા છે કે, તમે ફૂટપાથ ઉપર ખૂમચો લઈને કેળા-ચીકુ વેચવા ઊભા રહો.
- ૩૫ વર્ષ પહેલા બુધવારની બપોરેશરૂ કરી, ત્યારથી ઘણા દોસ્તો તમારા જેવી મહત્વકાંક્ષા રાખીને બેઠા છે.
(પ્રકાશ શાહ, અમદાવાદ)

* તમે કોઈ પૂરા કદની જાડી ભમભોલ સ્ત્રી નીચે કચડાઈ ગયા હો તો શું કરો ?
- મારા ભાગના શ્વાસ લેવાની એને રીકવેસ્ટ કરું.
(લીલાવતી સુમતિનાથ, સુરત)

* જય વસાવડા તમારા હંમેશા વખાણ કરતા હોય છે...
- એ માણસે વિશ્વ સાહિત્ય બહુ વાંચ્યું છે.
(પરેશ લાલભાઈ શાહ, રાજકોટ)

* બધા જ હાસ્યલેખકો બહુ બોરિંગ લખે છે... અમારે એમના લેખો બામની શીશી લઈને વાંચવા પડે છે.
- તમે કદાચ મારા સિવાયના હાસ્યલેખકોની વાત કરતા લાગો છો... મારા કેસમાં તો એ શીશી ય કામમાં આવે એમ નથી.
(શ્રીમતી કેતના કશ્યપ ત્રિવેદી, અમદાવાદ)

* પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક તમને ચુંબન કરે તો ?
- તો ભારત-પાકિસ્તાન વચ્ચે સુમેળભર્યા સંબંધોની એ શરૂઆત કહેવાશે.
(દિનેશ વખોલીયા, નડિયાદ)

* અશોકજી, શોપિંગ-મોલમાં આવતી કેટલી સ્ત્રીઓ મેઈક-અપ વગર પણ સુંદર લાગતી હશે ?
- એકવાર જોવા દે, તો ખબર પડે !
(મિનોલી કસબવાલા સુરત)

* આપણા એકે ય નેતાનું સ્ટેચ્યુ મેડમ તુસાડઝના મ્યુઝીયમમાં કેમ મૂકાતું નથી ?
- લોકો એને પાછળથી બગાડી જાય !
(જે. એન. ઠક્કર, મુંબઈ)

* આતંકવાદીઓ તમારી પત્નીનું અપહરણ કરીને, એને છોડાવવાના ૫૦-લાખ માંગે તો ?
- અઠવાડિયું રાહ જોવી પડે....! એને પાછી લઈ આવવાના પાંચ કરોડ મોકલાવશે !
(જનાર્દન કેશવ મોંગળે, વડોદરા)

* તમારા જેવા સફળ હાસ્યલેખક બનવા માટે કઈ ઉંમર અને કેટલો અનુભવ જોઈએ ?
- ઉંમર... ૧૮-થી ૨૫-સુધીની... સાથે ૪૨-વર્ષનો અનુભવ.
(લોકેશ હરખચંદ શાહ, સુરત)

* સાંભળ્યું છે, તમે તમારા શો એક્ઝેટ ટાઈમે જ શરૂ કરો છો ?
- હા, પણ હજી તો શ્રોતાઓ આવતા હોય છે ત્યાં, પહેલા આવી ગયેલાઓ જવા ય માંડે છે !
(ચૈતાલી રાજ પટેલ, અમદાવાદ)

* ગુજરાતી સાહિત્યને સુધારી કેવી રીતે શકાય ?
- સોરી... આપણે ત્યાં હથિયારબંધી છે.
(મમતા અને સુરેશ કોન્ટ્રાક્ટર, જામનગર)

* કેટરિના કૈફ આટલી સુંદર છે તો, એની મમ્મીની ઉંમર શું હશે ?
- હું છ વર્ષનો થયો, ત્યારથી મમ્મીઓમાં રસ લેતો નથી.
(સિદ્ધાર્થ લીલાચંદ, સુરત)

* તમે બીજી વાર લગ્ન કરો ખરા ?
- ના. પરફેક્શનને સુધારી શકાય નહિ.
(દિશા મોહનલાલ પટેલ, અમદાવાદ)

* ભારતના બે મશહુર કુંવારાઓ કોણ ?
- સની લિયોન અને રાહુલ ગાંધી.
(પોખરાજ મ. પંડિત, અમદાવાદ)

* જૂના જમાનાની હીરોઈન નંદા હજી સુધી કેમ પરણી નથી ?
- એને મંગળ નડતો હતો ને મને શનિ.
(વિનયકાંત મહેશચંદ્ર શાહ, અમદાવાદ)

* શું શક્તિસિંહ ગોહિલને કોઈ એક્સિડેન્ટ થયો છે ?
- ના. એમણે લગ્ન નથી કર્યા.
(પ્રભાત મંગળદાસ, ગાંધીનગર)

* ૫૦-ની ઉંમર પછી પુરૂષો પતી કેમ જાય છે ?
- ઘરમાં જ.
(જયેશ પટ્ટાવાલા, સુરત)

* શું તમે એવા જ સવાલોના જવાબો આપો છો, જે તમને સમજાય છે ?
- આનો જવાબ તમને નહિ સમજાય !
(કવિતા જે. શાહ, વલસાડ)

* શું તમે હકીભાભી માટે તાજમહલબંધાવશો ?
- અમારામાં ૧૪-૧૪ ડીલિવરીઓ સુધી રાહો ના જોવાય ! બા ખીજાય !!
(ક્રિષ્ના મઘુસુદન જાની, રાજકોટ)

* આજકાલ તમે જોયેલી કઈ શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નાટક અને શ્રેષ્ઠ પુસ્તક જોઈને ખૂબ ખુશી થઈ ?
- ફિલ્મ કહાની’, નાટક સૌમ્ય જોશીનું વેલકમ જીંદગીઅને મારી પાસબુક.
(જયોતિ પટેલ, મહેસાણા)

* જીવન જીવવાનો સૌથી સલામત રસ્તો કયો ?
- ગાંધી રોડ.
(અશોક કે. પરીખ, અમદાવાદ)

* મેરેલિન મનરો અને એલિઝાબેથ ટેલરની સુંદરતાના આટલા બધા વખાણ થાય છે, તો શું એમના પછી બીજી કોઈ સુંદર સ્ત્રી આવી જ નથી ?
- હાલમાં તો અમારી પાસે સ્ટોકમાં એક માત્ર માયાવતિ પડ્યા છે... એમનાથી કામ ચલાવી લો.
(ખુશ્બુ માલવ મારૂ, સુરત)


27/04/2012

‘ભૂમિકા’ (’૭૭)

ફિલ્મ :  ‘ભૂમિકા’ (’૭૭)
નિર્માતા :  ફેની વરિયાવા
દિગ્દર્શક :  શ્યામ બેનેગલ
સંગીત :  વનરાજ ભાટિયા
થિયેટર :  સંભવતઃ - એડવાન્સ (અમદાવાદ)
રનિંગ ટાઇમઃ ૧૪ રીલ્સ :  ૧૪૫ મિનિટ
કલાકારો :  સ્મિતા પાટિલ, અમોલ પાલેકર, અનંત નાગ, નસીરૂદ્દીન શાહ, અમરીશ પુરી, સુલભા દેશપાંડે, ઓમ પુરી, કુલભુષણ ખરબંદા, જી. એમ. દુરાની

ગીતો
૧. તુમ્હારે બિના જી ના લગે ઘરમેં... પ્રીતિ સાગર
૨. સાવન કે દિન આયે સજનવા આન મિલો પ્રીતિ સાગર- ભૂપેન્દ્ર
૩. મેરા જીસ્કીલા બાલમ ના આયા... પ્રીતિ સાગર
૪. મેરે જીંદગી કી કશ્તિ, તેરે પ્યારકા સહારા... ચંદ્રુ આત્મા
૫. ઘટ ઘટ મેં રામ રમૈયા (રાગ : લલિત) ફિરોઝ દસ્તૂર
૬. મોંદર બાજુ રે (રાગ : શુદ્ધ કલ્યાણ) સરસ્વતિ રાણે
૭. મોંદર બાજુ રે (રાગ :  શુદ્ધ કલ્યાણ) મીના ફાતરપેકર, ઉત્તરા કેલકર
(ગીતકારો  : વસંત દેવ (૩), મજરૂહ (૧, ૨), રાજા મેંહદીઅલી ખાન
(૪) બાકીના પારમ્પરિક)

સ્ત્રીના ચરિત્ર ઉપર પુરુષની પ્રતિષ્ઠા અવલંબિત હોઈ શકે છે. સીધો દાખલો : દાખલો આપવા પૂરતું માની લઈએ કે, તમે સીધા માણસ છો. (હસવાનું નહિ !) તમારી નજર ખરાબ નથી અને... કશું જ ખરાબ નથી. ચરિત્રના મામલે આજ સુધી તમારા નામે કોઈ કલંક નોંધાયું નથી, પણ રસ્તે જતા અચાનક કોઈ સ્ત્રી તમારી જાણ બહાર અથડાય અને તમે કાંઈ રીએક્ટ કરી શકો, તે પહેલાં તો ચીસ પાડીને બધાની વચ્ચે તમને ગાળ દે, ‘‘સાલા નાલાયક... તારા ઘરમાં માં-બહેન નથી ?... ચાઇ- જોઇને મને અથડાય છે તે...?’’

કબૂલ કરો કે, રસ્તે ઊભેલાઓમાંથી એક પણ જણ તમારી ફૅવર કરવાનું છે ખરું ? એમાં ય પેલી સ્ત્રી જરાક અમથી સુંદર હશે તો એના કેટલા ભાઈઓ (અને ફાધરો...!!!) ફૂટી નીકળશે. તમારા કોઈ ખુલાસાની જરૂર જ નહિ. લોકો સીધા તમને ધમકાવવા કે ફટકારવા માંડશે... આખી જિંદગી જે ચરિત્ર અને પ્રતિષ્ઠાને તમે દીકરીની જેમ સાચવી રાખી હતી. તે એક દુષ્ટ સ્ત્રીના આક્ષેપથી કલંકિત થઈ ગઈ ને તમે કશું કરી શકતા નથી.

સ્ત્રીઓ અંગે દરેકનો અનુભવ નોખો નોખો હોય પણ એક બાબતે સર્વસંમતિ કે, તમારા ટચમાં આવેલી સ્ત્રીની તમે પ્રશંસા કરતા રહો, એનું સારું બોલો, એ કહે તેમ ચલાવતા રહો અને એને જ્યાં સુધી તમારી જરૂરત છે, ત્યાં સુધી જ તમે કામના માણસ, એક વખત તમારા માટેની એની ગરજ પૂરી થઈ ગઈ અને બીજો મળી ગયો, પછી આવી સ્ત્રીઓ કાચી સેકંડમાં તમને ફેંકી દે... કોઈ પણ આક્ષેપ મૂકીને, કોઈ પણ નીચલી કક્ષાએ ઉતરી જઈને !

એની લાઇફમાં નવા આવેલા બીજા પુરુષને તમે સમજાવી પણ શકતા નથી કે, ‘‘બેટા, આજે હું હતો... કાલે તારો ય વારો આવશે. આ સ્ત્રીને હજી તેં મારા જેટલી ઓળખી નથી. એને પુરુષો બદલવાની આદત પડી ગઈ છે. તારી એને જરૂરત છે ત્યાં સુધી જ તું વિશ્વોત્તમ પુરુષ... જરૂરત પતી ગઈ ને એને નવો મળી ગયો પછી તને એવા રસ્તે ફેંકી દેશે, જ્યાંથી પાછા આવવા તને રીક્ષા ય નહિ મળે !’’

બસ.. એક્ઝેટ, આ જ વિષયવસ્તુ ઉપર શ્યામ બેનેગલે અદ્‌ભુત ફિલ્મ બનાવી હતી, ‘ભૂમિકા’. ઉપરની વાત જેવો અનુભવ તમને સાડા આઠ ટકા પણ થયો હોય તો આ ફિલ્મ જોઈ લેવા જેવી છે... (અને તમે એવી સ્ત્રી હો તો તો ખાસ જો જો... નવા પુરુષને મિત્ર બનાવવાની તરકીબો ફિલ્મની હિરોઇન ઉષા (સ્મિતા પાટિલ) તમને ૧૪૫ મિનિટમાં શીખવી દેશે. વિષયવસ્તુ ૭૦- ૮૦ વર્ષ પહેલાના ભારતની છે, પણ સ્ત્રીઓની આ ઇતર પ્રવૃત્તિ તો રામાયણ- મહાભારતના વખતથી ચાલી આવે છે અને જો ઇ.સ. ૨૦૧૨ના આ ડીસેમ્બરની ૧૨મી તારીખે સમગ્ર પૃથ્વીનો વિનાશ નક્કી જ હોય અને નવી પૃથ્વી બનાવવાના ઓર્ડરો અપાઈ ગયા હોય તો ત્યારે પણ સ્ત્રીઓ આવી જ રહેવાની. કોઈ પંખો ચાલુ કરો !

ઇન ફૅક્ટ શ્યામ બેનેગલે આ ફિલ્મ ૪૦ના દાયકાની મરાઠી સ્ટેજ અને ફિલ્મ અભિનેત્રી હંસા વાડકરની મરાઠી આત્મકથા ઉપરથી બનાવી છે. આમ તો દરેક ફિલ્મની શરુઆતમાં બધા નિર્માતાઓ પાટિયું મારી દેતા હોય છે કે, મતલબ આ ફિલ્મના કોઈ પણ પાત્રો કે ઘટના સાથે હાલમાં જીવિત કે મૃત્યુ પામેલ કોઈ વ્યક્તિ ઉપરથી આ ફિલ્મ બનાવવામાં આવી નથી. જો કોઈને એમ લાગતું હોય તો તે એક સંયોગમાત્ર છે.એવું આ ફિલ્મના ટાઇટલ્સમાં ય લખવામાં આવ્યું છે. પણ મરાઠી સાહિત્ય અને ફિલ્મો સાથે સંકળાયેલા જાણકારોના મતે, હંસા વાડકરે એના ફિલ્મી જીવન દરમ્યાન ફિલ્મ નવરંગવાળા વ્હી. શાંતરામે એને પ્રેમજાળમાં ફસાવીને એને લૂંટી લીધી હોવાની આડકતરી સાબિતીઓ આત્મકથામાં આપી છે.

મતલબ, કદાચ સાચું પણ હોય તો ય, વ્હી. તો કારણ વગરના ભરાઈ ગયા ને ? હંસા પરિણીત હોવા છતાં કોઈ એક પુરુષની થઈને રહી નહોતી. (ને નિખાલસતાપૂર્વક આત્મકથામાં એનો એકરાર પણ કર્યો છે.) ફિલ્મ બનાવવામાં શ્યામ બેનેગલે ઘ્યાન એ રાખ્યું છે કે, હંસાના લફરાબાજ જીવનમાં આવેલા અનેક પુરુષો (અમોલ પાલેકર, અનંત નાગ, અમરીશ પુરી કે નસીરૂદ્દીન શાહ)ને કે ખુદ હંસાને શ્યામે દોષિત ઠરાવ્યા નથી. દોષિત કોણ છે અથવા દોષિત કહેવાય કે નહિ, એ તર્કબુદ્ધિ શ્યામે પ્રેક્ષકો ઉપર છોડી છે. એમણે પોતાનો ઓપિનિયન ક્યાંય નથી આપ્યો કે, ‘‘જુઓ, ભોલીભાલી સ્મિતા પાટિલનો સેક્સ માટે ઉપયોગ કરીને અમરીશે કેવી છોડી દીધી ? કે પછી આટઆટલા પુરુષો બદલતી સ્મિતા આમ જુઓ તો હીરોઇન નહિ, વેશ્યા જ કહેવાય ને ? એવો કોઈ ઇશારો શ્યામે નથી કર્યો. એમણે દર્શકોની બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખ્યો છે કે, નક્કી તમે જ કરો કે, સેક્સના મામલે અસલી ગુન્હેગાર કોણ, પુરુષ કે સ્ત્રી... ? કે પછી, બેમાંથી કોઈ નહિ !!!’’

અલબત્ત, સ્ત્રી હીરોઇનના સ્થાને હોય કે, શાકવાળી- દૂધવાળીને સ્થાને હોય, એની મરજી વિના જગતનો સહુથી નઠારો પુરુષ પણ એક ઇંચ આગળ વધી શકતો નથી, એવી સમજ અવ્યક્તપણે આ ફિલ્મમાં શ્યામે આપી જ છે. આત્મકથામાં મોટા ભાગે તો પોતાનું ઢાંકીને બીજા ઉપર દોષારોપણ કરવાનું હોય છે અથવા સો કોલ્ડ નિખાલસતા બતાવવા લેખકો પોતાના દુર્ગુણો એ રીતે બતાવશે જે અવ્યક્તપણે એમનો ગુણ સાબિત થાય જેમ કે... ‘‘... ‘‘કબૂલ કરું છું કે મારી લોકપ્રિયતાથી પ્રેરાઈને અનેક સ્ત્રીઓએ મારી નજીક આવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું સુખી દાંપત્યજીવનનો પુરસ્કર્તા હોવાથી દરેકને હું વિનયપૂર્વક ના પાડી દેતો, તો કેટલીકે મને નપુંસક અને કાયર કીધો.. તો હા ભ, મર્દાનગી પરસ્ત્રી સાથે સંબંધો બાંધવાથી જ મપાતી હોય તો હું ચોક્કસ નપુંસક છું... મારી પત્નીનો આવો મત નથી, તેથી સુખી છું.’’ વાચકોનું ઘ્યાન ખેંચવા અને પોતાના પ્રત્યે સહાનુભૂતિ મેળવવા ઉપરાંત એક આદર્શ પુરુષની છાપ પ્રસ્થાપિત કરવા લેખકો આવી કહેવાતી નિખાલસતા બતાવતા હોય છે, એવી નિખાલસતા હંસા વાડેકરે ક્યાંય બતાવી નથી. એના ફિલ્મી અને અંગત જીવનમાં આવેલા તમામ પુરુષોમાંથી કોઈએ એનેફસાવી છે, એવું હંસીએ ક્યાંય વ્યક્ત કે અવ્યક્તપણે કીઘું નથી. પોતે સંજોગોનો શિકાર બનીને પરપુરૂષો સાથે દેહસંબંધ બાંધતી હતી, એવું ય એણે કીઘું નથી. અવારનવાર પુરૂષો બદલતા રહેવામાં એનો ચોખ્ખો હેતુ એ ચોક્કસ દેખાઈ આવે છે કે, અલ્ટિમેટલી એને લાઇફમાં શાંતિ જોઈતી હતી, ઠરીઠામ થવું હતું, એ પુરુષના દેહની ભૂખી નહોતી, પુરુષ આપી શકે એ સ્ટેટસ, હૂંફ અને શાંતિની ભૂખી હતી.

નાઉ જસ્ટ થિન્ક ઓફ ઇટ... આટલો બધો વિયર્ડ લાગે એવો રોલ તો સ્મિતા પાટિલ સિવાય બીજી કોણ કરી શકવાની હતી ? કોઈ નહિ ને ?

સ્મિતા પાટિલ શ્યામ બેનેગલની શોધ છે, પૂનાની ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટમાં એક્ટિંગ શીખીને આવેલી સ્મિતાને શ્યામે પહેલી વાર ચરણદાસ ચોરમાં ચમકાવી, આપણે તો, ‘હેંએએએએ...બોલી નાખીએ કે, ’૫૫માં જન્મીને ૮૬માં ગુજરી ગયેલી સ્મિતા પાટિલે આટલા ટૂંકા ગાળામાં ૭૫ હિંદી ફિલ્મોમાં કામ કરી લીઘું હતું. ૭૦નો એ દાયકો શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાણી, બાસુ ચેટર્જી, બાસુ ભટ્ટાચાર્ય, ગિરીશ કર્નાડ જેવા સર્જકોને કારણે પૅરેલલ સિનેમાતરીકે ઓળખાયો. બાકી આપણે કાયમ જોતા હોઈએ, એને એ લોકો મેઇનસ્ટ્રીમ સિનેમાતરીકે ઓળખે, સાવ સાદી ભાષામાં આર્ટ ફિલ્મ અને કમર્શિયલ ફિલ્મ કહેવાય, તો શશી કપૂરે જુદી અને વાસ્તવિક વ્યાખ્યા આપી હતી કે, હિંદી ફિલ્મોમાં આર્ટ કે કમર્શિયલ ફિલ્મ જેવું કાંઈ હોતું જ નથી.. કાં તો સારી ફિલ્મ કહેવાય ને કાં તો નબળી ફિલ્મ... બસ ! તો અવળચંડા આઇ.એસ. જોહરે એની મજાક પ્રમાણે જરા ગમ્મત પડે એવી વ્યાખ્યા આપી હતી કે, ‘ભારતમાં બે પ્રકારની ફિલ્મો બને છે... એક ખરાબ ફિલ્મ અને બીજી... બહુ ખરાબ ફિલ્મ.

આ જે શ્યામ, ગોવિંદ કે ગીરિશ બનાવતા, એ ફિલ્મોમાં શિક્ષિત વર્ગના દર્શકો માટે એક ચીજ સારી બનતી કે, એમાં ફિલ્મ કે એની વાર્તાને મહત્ત્વ અપાય. એ લોકો માટે અમિતાભ બચ્ચન કે ઓમ પુરી વચ્ચે કોઈ ભેદ નહતો, પાત્ર અગત્યનું હતું. સૌથી મોટી વાત એ હતી કે, આ પેરેલલ સિનેમાના દિગ્દર્શકો સત્યજીત રે કે મૃણાલ સેનો બનાવતા એવી દંભી ફિલ્મો ય બનાવતા નહોતા, જેમાં રજૂઆત પ્રેક્ષકોને મુંઝવવા માટે મોટું કામ કરતી. શિક્ષિત ઘરોનો એક પાછો દંભી વર્ગ આપણે ત્યાં અત્યારે ય ખરો કે, જેમાં સમજ ન પડે, એવી સો-કોલ્ડ કલાત્મક ફિલ્મના ઉછળી ઉછળીને વખાણ કરવાના. સરકારોમાં તો અમથી ય લાંબી બુદ્ધિ હોય નહિ, એટલે આવી ફિલ્મો કે એના બનાવનારાઓને નેશનલ એવોર્ડ આપી દેવાના. આપણા ડ્રોઇંગરૂમવાળાઓ ખુશ ! આખી દુનિયામાં અનેક એવોર્ડ જીતી લાવનારી ઇંગ્લિશ ફિલ્મ જોતી વખતે આપણા ભાઈઓ અડધી ફિલ્મે તો તૌબા પોકારી ગયેલા... એકી કરીને પાછા આવવાની ય હિંમત નહોતી ચાલતી,પણ બહાનુ બહુ કામમાં આવતું માટે ફિલ્મમાં બેસી રહેનાર કરતા એકી કરવા જતો વર્ગ બહુ મોટો હતો.. સવાલ એટલો જ હતો કે, આવો મૂઢ માર ખાઈને આવનારા આપણા ગુજ્જુભાઈઓ બહાર પાછા આ ફિલ્મ વિશે બહુ મોટી મોટી વાતો કરે, જાણે ખૂબ અંજાયા હોય !

સદ્‌નસીબે, ગોવિંદ નિહલાણી (અર્ધ સત્ય) કે શ્યામ બેનેગલોએ એવી ફિલ્મો બનાવી જે ભલે મનોરંજક નહોતી, પણ દંભ વગરની અર્થપૂર્ણ ફિલ્મો હોવાના કારણે સામાન્ય પ્રેક્ષકોને ય થિયેટરો સુધી ખેંચી લાવતી. આ લોકોના એક્ટરોની પાછી ટીમ નક્કી જ હોય. સ્મિતા પાટિલ ન હોય તો શબાના આઝમી, બાકી બધી ફિલ્મોમાં નસીરૂદ્દીન શાહ, ઓમ પુરી, ડો. મોહન અગાશે, સાઘુ મેહર, અમરીશપુરી, કુલભુષણ ખરબંદા, અનંત નાગ કે સવિતા બજાજ હોય જ. ૭૦ના દાયકાની આ ફિલ્મો મંથન’, ‘ભૂમિકા’, ‘આક્રોશ’, ‘ચક્ર’, ‘ચિદમ્બરમ’, ‘મિર્ચ મસાલા’, ‘નિશાંત’, ‘ગમનગુજરાતી ફિલ્મ ભવની ભવાઈ’, ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ’’, ‘બાઝાર’, ‘અર્થઅને મંડીજેવી ફિલ્મોમાં કામ કર્યા પછી સ્મિતાએ અમિતાભ બચ્ચન સાથે નમકહલાલજેવી અનેક કમર્શિયલ ફિલ્મોમાં ય પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી દીધી. આવી ફિલ્મોમાં શબાના આઝમી ય નૅક-એન્ડ-નૅક જતી હતી, તો સ્વાભાવિક છે, સ્મિતા એને બધે નડતી હોય... ફિર ક્યા ? પોલિટિક્સ અને છીછરી ગેઇમ્સ રમીને શબાનાએ સ્મિતાનો કાંટો ફિલ્મોમાંથી કઢાવી નાંખ્યો. શબાના પાસે બૅકિંગ કેટલું મોટું, એ તમે ક્યાં નથી જાણતા ?

મુંબઈમાં પહેલી વાર ટી.વી. આવ્યું ત્યારે મુંબઈ દૂરદર્શન પર બે નામો બહુ ગાજેલા. એક લુકુ સાન્યાલ અને બીજી સ્મિતા પાટીલ. આ લુકુ એટલે ન્યુ થિયેટર્સની ફિલ્મોના જાણીતા હીરો અને છેલ્લે છેલ્લે રાજેશ ખન્નાની ફિલ્મ આરાધનામાં શર્મિલા ટાગોરના પિતા બનતા પહાડી સાન્યાલની દીકરી. કમનસીબે આજના ફિલ્મ સ્ટાર પ્રતીક બબ્બરને જન્મ આપ્યાના બે જ સપ્તાહમાં સ્મિતા ગુજરી ગઈ.

અમોલ પાલેકર તો બધે બેસ્ટ જ હોય, એમાં મેં નવું શું કીઘું ? કેટલો સાહજીક એક્ટર હતો એ ! એને કોઈ પણ રોલ આપો એ અમોલ પાલેકર સહેજ પણ નહિ લાગે.. જે તે રોલ કર્યો હશે એ પાત્ર લાગશે. કમનસીબે આટલી સુંદર ફિલ્મો આપ્યા પછી એને નિર્માતા- દિગ્દર્શક બનવાની ઘૂન ચઢી ગઈ કે ઍક્ટર અમોલને એણે ભૂંસી નાખ્યો. શશી કપૂરની ફિલ્મ ‘‘કલયુગ’’માં એનો દુશ્મન બનતો અનંત નાગ પણ અહીં ટૂંકા રોલમાં છે. પણ કહી દીઘું ને કે આ બધા બેનેગલો કે નિહલાણીઓની ફિલ્મોમાં સ્ટાર્સનું કોઈ મહત્ત્વ ન હોય, પાત્રનું મહત્ત્વ હોય, એટલે ભૂમિકામાં નસીરૂદ્દીન જેવો વર્લ્ડ-ક્લાસ હીરો એક એક્સ્ટ્રાની જેમ થોડી વાર માટે જ આવે છે. ઓમ પુરી તો ક્યારે આવીને જતો રહે છે તે ફક્ત એક દ્રષ્યને કારણે ખબર ન પડે. ફિલ્મના શુટિંગમાં જુલ્મી રાજા બને છે. જૂના જમાનાનો અપ્રસિદ્ધ અને બદનામ ગાયક જી.એમ. દુરાની પણ બાળપણની સ્મિતાને શાસ્ત્રીય ગાયકી શીખવાડતા ગુરૂ તરીકે એક દ્રષ્ય માટે આવી જાય છે. ફિલ્મના સંગીતમાં વનરાજ ભાટિયાને ફિલ્મ પ્રમાણે સંગીત આપવું પડે એમ હોવાથી ખાસ કોઈ નોંધપાત્ર કામ થયું નથી.

હવે તો આ બધી ફિલ્મો આપણને જોયે પણ ૩૫- ૪૦ વર્ષો થઈ ગયા અને એ વખતે પણ ભૂમિકાગમી હતી... હવે તો વધારે ગમશે.. મેચ્યોરપણ વધારે થયા છીએ ને ?

25/04/2012

મારા કરતા મમ્મી વધારે સ્વીટ છે...

સ્ત્રી ૫૦-ની થવા આવે છતાં પોતાનું ફિગર અને ચેહરાની સુંદરતા પરફેક્ટ જાળવી રાખ્યા હોય, એ સિઘ્ધિ છે. પણ દીકરી ૧૮-૧૯ની થઈ હોય ને હવે લોકોમાં કહેવડાવવા એવું મડાયું હોય કે, ‘‘આરીયા, તારા કરતા તારી ડૉટર બહુ સ્વીટ લાગે છે’’, તો એ કમનસીબી છે. અને ઓફોફોફોફ... ફો! દીકરીને બદલે જુવાનજોધ વહુના વખાણ થાય, તો મરી ગઇઇઇઇઇઇ બિચ્ચારી... ! દુનિયાભરના પંખા ચાલુ કરવાથી ઠંડક થતી નથી, બહેન... ઠંડકું નથ્થી થાતી!

કોઈ સ્ત્રીને વગર ઝગડે સીધી કરી નાંખવી હોય તો, એની વહુના વખાણ કરો, વહુના કામકાજના નહિ, એની સુંદરતાના... ને જુઓ પછી ખેલ... ! કાચી સેકંડમાં કેસ ખલાસ થઇ જશે! કિટ્ટી પાર્ટીઓમાં એકબીજીઓ સાથે આ જ રીતે હિસાબો વસૂલ થતા હોય છે.

ફાધર અને સન એક સરખા દેખાતા હોય ને બન્નેને બીજાઓ પાસે એકબીજાના સતત વખાણો સાંભળવા પડતા હોય, તો એ બન્ને વચ્ચે જેલસીના કોઈ પ્રોબ્લેમો હોય... એ તો પુરૂષો છે... ! પણ માં-દીકરીના વખાણો એકસરખા થવા માંડ્યા હોય તો એ શરૂઆત ઠંડા યુઘ્ધની છે. જોઈ જોઈને જલી મરવાનું, પણ બોલી કાંઈ ન શકાય એવી હાલત દરેક મોમની થાય છે. આજ સુધી જાહોજલાલી હતી, પણ દીકરીની સાથે રસ્તે ચાલતા કે શોપિંગ-મોલમાં હરકોઈની નજર ફક્ત દીકરી ઉપર જાય છે ને કોઈ ઉઠાવતું ય નથી. આપણી ઉપર પડે તો દાનદક્ષિણા માંગવાવાળી આઈ હોય ને બેદર્દીઓ નજર ફેરવી લે, એવી બેરૂખી બતાવાય છે. મૉમ મનમાં કચવાતી રહે છે. એ ઘૂંધવાતી દીકરી ઉપર નથી, પણ જમાનો હવે પોતાના હાથમાંથી સરકી રહ્યો છે, એ સહન થતું નથી. દીકરીને સમજ નથી પડતી કે, આમાં મારો વાંક શું ? મમ્મીને એની દીકરી સુંદર દેખાય એનો વાંધો નથી હોતો-એનું તો ગૌરવ હોય છે, પણ ‘‘પોતાના કરતા’’ દીકરી કે વહુ વધારે સારી લાગે છે, એ પચાવવા માટેનું જીગર તો જામનગરનું જોઈએ... !

આપણે જેની વાત કરી રહ્યા છે, એને સાહિત્યિક ભાષામાં પ્રૌઢા કહેવાય. પ્રૌઢાઓને હજી પુરૂષો નીગ્લેક્ટ કરે, એ પોસાય પણ એમના જ સર્કલની સખીઓ એમની સરખામણીમાં દીકરી કે વહુના વખાણો કરે, તો બળતરા બહુ થાય છે, બહેન... બહુ થાય છે.

દરેક મૉમ એટલે દરેક મૉમ નહિ, પણ એવી મમ્મી જેણે પોતાનો સિક્કો ચાલતો હતો, એ જમાનામાં પોતાની સુંદરતાની વિરાટ જાહોજલાલી જોઈ છે. એ રસ્તે જતી હોય તો ટ્રાફિક થંભી જાય (એ વાત જુદી છે કે, એ ભોળીને ખબર ન હોય કે ટ્રાફિક તો ટ્રાફિક-સિગ્નલને કારણે અટક્યો છે!) પણ મજાક છોડો. વાત તો સાચી કે, સ્કૂલ-કોલેજથી માંડીને જૉબ કરે છે, ત્યાં બેનજીનો ઠઠારો નવાબી હોય. ગ્રાહકો તો ગ્રાહકો, સ્ટાફ પણ બેનજીને જોઈ જોઈને આખા શરીરેથી વળી જતો હોય. મેરેજ પછી ય એના ગોરધનની સરખામણીમાં એ લોકદ્રષ્ટિ ચાલુ જ રહી હતી કે, ‘‘માય ગૉડ... એનો ગોરધન તો એની પાસે સાવ ગોગા જેવો લાગે છે...’’ ગોરધન ગમે તેટલો હેન્ડસમ કે મોટો માણસ હોય, વાત સરખામણીની નીકળે તો, ફૂલ માકર્સ આ લઇ જતી હોય... મોટા ભાગના પુરૂષોને એનો કોઈ વાંધો ય હોતો નથી... કાં તો એ બહાર બઘું પતાવી લેતો હોય ને કાં તો એને બીજા ઉત્પાદક કામોમાં વધારે ઘ્યાન આપવાનું હોય છે.

કોઈ સ્ત્રીને મસ્ત જગ્યાએ ચીંટીયો ભરવો હોય ને તમારે સાંભળતા સાંભળતા મનમાં હસે રાખવું હોય તો એટલું જ કહો, ‘‘ભાભી, તમે પહેલેથી આટલા સુંદર હતા ?’’ બસ. આટલું પૂરતું છે...

‘‘મારા તો આટલા લાંબા વાળ હતા... આઆઆઆ...ટલા!’’ એમ કહીને પાછળ ફરીને પગની પાની બતાવનારી સ્ત્રીઓ એક ઢુંઢો, હજાર મિલતી હૈ. ‘‘કોલેજમાં તો બધા મને વૈજ્યંતિમાલા જ કહેતા-વૈજુ! હું ચાલતી નીકળું, તો પાછળ સાયકલવાળાઓના ચક્કરો ચાલુ જ હોય. ભ, કોઈને મારી આંખો નૂતન જેવી લાગતી તો... આયહાય, આપણને તો કહેતા ય શરમ આવે... પણ મોટા ભાગના તો એમ જ કહેતા કે, જોતલીનું તો કોકા કોલા ફિગરછે... ચલ હટ્ટ!’’ પણ એ બઘું હતું ત્યારે હતું. આજે ખેલ ખલાસ છે બધો. રામ નામ જપના, પરાયા માલ અપનાના ધોરણે પેટ અને ઢગરા વધારે જ રાખ્યા છે. ઉનાળાની બપ્પોરે રૂમમાં એકલી સુતી હોય ત્યારે રણમાં ઊંટ આળોટતું હોય એવું દ્રશ્ય લાગે. ઈયળો ચોંટી હોય એવી ગળા ઉપરની કરચલીઓ નહિ ગણવાની? આંખ નીચેના કાળા કૂંડાળા નહિ ગણવાના? અમને નથી ખબર પડતી કે, મેહંદીની શોધ થઈ ન હોત તો માથે ધોળું ધબાક ધાબું હોત? માડી, તું ફાંકાફોજદારીઓ ગમે તેટલી કર... એટલું સ્વીકારી લે કે, તારો જમાનો વયો ગયો છે... ઉંમર અને પરિપક્વતા સ્વીકારી લે, બહેન સ્વીકારી લે... ! તો જેમનામાં એ જમાનામાં કે આ જમાનામાં કોઈ વેતો ભર્યો ન હોય, એ બધીઓ એવું કહેતી હોય છે કે, ‘‘આ તો અત્યારે હું આવી થઈ ગઈ... બાકી પહેલા તો તમે મને જુઓ તો અત્યારે એમ જ પૂછો કે, ભાભી, તમે મીસ ઈન્ડિયામાં કેમ નહોતા ગયા... ?’’

પહેલા જે કાંઈ હતું, એમાંનું આજે કાંઈ નથી, એનો અફસોસ કોરી ખાય છે. લાઇફમાં પહેલી વાર બન્ને હોઠના ખૂણેથી નીચે તરફ જતી કરચલીઓ દેખાવા માંડી, ત્યારથી જુવાની ગઈ. વાળ કાળા કરી શકાય, પણ એ કરચલીઓ ક્યાંથી કાળી કરવી?... આઈ મીન, છુપાવવી? બઘ્ધી દાઝો છેવટે દીકરી કે વહુ ઉપર નીકળે. આમ મોંઢામોંઢ કશું ના થાય, પણ ઘરમાં ને ઘરમાં શીતયુદ્ધ ચાલતું રહે. વડચકાં ભરાય, વાતવાતમાં ખોટાં લાગે ને કટાક્ષો થવા માંડે. એમાં ય, એવું તો બનવાનું જ ને કે, પોતાની ઉંમરની અન્ય સ્ત્રીઓમાં હજી સુંદરતાની વધઘટ હોવાની. પેલી વધારે સારી લાગતી હોય, તે સાલું અહીં સહન થતું નથી. ‘‘હા... એ ભલે ને ૪૦-હજારની સાડી પહેરીને ફરફર કરે, પણ એનું મેચિંગ તો જુઓ! જરા ય શોભે છે? અને આયહાય આયહાય આયહાય... કેવો મેઇક-અપ કરીને આઈતી... કોઈએ જોઈ કે નહિ? હું તો તમે જોજો... મેઈક-અપ જ નહિ કરવાનો. આ જરાક અમથો પાવડર-ચાંદલો કર્યો, એમાં ય લોકો પૂછે છે, ‘‘ભાભી, તમે આ બઘું ક્યાં કરાવો છો? બટ યૂ સી... મારી તો સ્કીન જ એવી છે કે, મારે આવું બઘૂં કરાવવાની જરૂર જ ન પડે!’’

મને ૬૦-થયા એ તો જગ જાણે છે, પણ મને કોઈ કાકાકહે કે ડોહાકહે તો મારે એ સ્વીકારવું પડે, એટલી ય સાહજીકતા બતાવવી નથી પડતી. હું ગમે તેટલો તૂટી જઉં, તો ય ૨૫-નો લાગી શકવાનો છું? અને લાગું, તો ય મારે ઉપયોગ શું કરવાનો હોય? મારી ફરજ એટલી જ છે કે, ઉંમર ૬૦-ની હોય કે ૭૦-ની, મારી ઉંમરે જેટલા વ્યવસ્થિત લાગી શકાતું હોય, એટલા લાગવું જ જોઈએ. એમાં આળસો ન ચાલે. ઉત્તમ કપડાં પહેરવાના, દાઢી-બાઢી નિયમિત કરવાની, વાતચીત-વ્યવહારમાં ડીસન્સી રાખવાની અને ખાસ તો આ લેખો વાંચતી તમામ સ્ત્રીઓને એક મેસેજ પણ આપવાનો કે, ઈર્ષા/જેલસી તો બહુ દૂરની વાત છે... આખી લાઈફમાં મેં કોઈને નામની ય નફરત નથી કરી. મેં ગુસ્સો કર્યો હોય, એવો એક પણ બનાવ હજી સુધી બન્યો નથી, ઝગડો-મારામારી તો બહુ દૂરની વાત છે. કોઈએ હજી સુધી તો મને ગુસ્સે થતા જોયો પણ નથી. આજ સુધી જગતની કોઈ વ્યક્તિ કહી શકે એમ નથી કે, મેં કદી કોઈને ઉતારી પણ પાડ્યો હોય. માની ન શકાય, એવા વિશ્વાસઘાતો નજીકની વ્યક્તિઓએ બેફામ કર્યા છે... તમે એમાંની એકપણ વ્યક્તિને ઓળખતા હો તો પૂછી જોજો, મેં કદી સામો બદલો લીધો છે? મારો કોઈપણ દુશ્મન એવો નથી, જેને હું આજે પણ એટલા પ્રેમથી બોલાવી ન શકું. નજર છુપાવવાની મારે નથી આવી, માટે તો આજે શહેનશાહની જાહોજલાલીથી જીવી રહ્યો છું. હિસાબ સીધો છે. મારૂં ખરાબ બોલનારાઓ જેવું હું કરવા જઉં, એના બદલે એટલો કિંમતી સમય અને વિચારો બુધવારની બપોરેમાં ન વાપરૂં?

સ્ત્રીઓ હેરાન થઈ છે ઈર્ષા અને નફરતને કારણે. દીકરી હોય, વહુ હોય કે સખી હોય... મનમાંથી એ નાનકડો ઈગો કાઢી નાંખવાથી બહુ હળવા થઈ જવાય છે. સુંદરતા અપનેઆપ ખીલી ઉઠે છે. ઉપર જવાનો કોઈનો સમય નક્કી નથી. અત્યારે ભલે કોઈ સારૂં બોલતું ન હોય, કમ-સે-કમ મર્યા પછી લોકો ખરાબ ન બોલે, એ માટે પણ વિચારો શુદ્ધ હોવા જરૂરી છે ને? સુઉં કિયો છો?

સિક્સર
મુંબઈ આઈપીએલની ટીમ જીતે ત્યારે હરભજનસિંઘ નીતા અંબાણીને ઊંચકી લે છે, એ જોઈને કોઈકે સુંદર મજાક કરી છે કે, ‘નીતા અંબાણીએ હરભજનને હુકમ કર્યો છે કે, આપણી ટીમ જીતે તો તારે મને ઊંચકી લેવી... ને હારે તો મારા દીકરાને ઊંચકી લેવો.નીતા મુકેશ અંબાણીનો દીકરો મિનિમમ સવા સો કિલોનો હશે.