Search This Blog

30/08/2017

વાઇફ વહેમાતી રહે, એ તમારા ફાયદામાં છે

ઘણા લોકો ડિસ્ટર્બ થઈ જાય છે કે, એમની વાઇફો શકી મીજાજની છે. એનું રોજનું કામ જ એ, ''કેમ મોડું થયું ? ક્યાં ટાચકવા ગયા'તાઆઆ...? પેલી કોણ હતી ?'' છોલી નાંખે એવા સ્માઇલ સાથે પૂછવામાં આવતા આ સવાલોમાં ભલભલો ગોરધન ભેરવાઇ જાય છે. પૂરતા હોમવર્ક વગર સાંજે ઘેર આવેલો પતિ ગભરામણમાં લોચો મારી દે છે તતપપ થઈ જાય છે અને છેવટે જે બન્યું જ નથી, એ બાફી મારે છે. માણસ રોજ રોજ તો નવા બહાના અને નવા પ્રૂફો ક્યાંથી લાવે ?

લેકીન રૂકો જરા. આવી સવાલબાજીઓમાં કેવળ નિર્દોષ ગોરધનો જ ભરાય છે અને વાઇફ સિવાય તો ગયા જનમમાં ય કોઇ લફરૂં ન હોવા છતાં તોતડો કબૂલી નાંખે છે, ''...આ તો...આ તો ઑફિસથી બહાર નીકળતા ગૌરીબેન મળ્યા, મને કહે, રસ્તામાં મને ઉતારી દેશો ? તે મેં 'કુ..લાય, ઉતારી દઉં...બસ, એટલે વાર થઇ!...બાય ગૉડ, બસ ?'''

આ ગૌરીબેન ઉ.વ.૬૯-રહેવાસી ઉત્તરસંડા, હાલ અમદાવાદ, હોદ્દો-વિધવા અને પ્રવૃત્તિમાં રોજ મંદિરેથી પાછા ફરતા ચપટી પ્રસાદ આપી કોકની પાસે ગાડીની લિફટ માંગવી. થૅન્ક ગૉડ, બિશુ હજી ૪૫-વર્ષનો અને ગૌરી કાકી ૬૯-ના એટલે શકનો લાભ આપીને વાઇફ બિશુને છોડી મૂકે. મનમાં હરખાય કે, અમારો બિશુ ક્યાંય લપટાય એવો નથી ને મારાથી ફફડે છે અને એને ફફડતો જોવાનો મજો પડી જાય છે-ના હરખ સાથે નિરાંતે સોફા પર બેસીને ટીવી જુએ. એ અત્યારથી કાલની રાહ જોવા માંડે કે, કાલે સાંજે બિશુ ઘરે પાછો આવે, ત્યારે આ નો આ સવાલ બહુ મૌજ કરાવે છે ને પેલો સીધોસટ થઇને સાચો જવાબ આપે છે ય ખરો !

સાચો ??? માય ફૂટ્ટ....! દુનિયાભરના-નહિ પકડાતા ગોરધનો-એમની વાઇફો માને છે એના કરતા વધુ સ્માર્ટ હોય છે. વાઇફો રોજે રોજ એકનું એક પૅપર કાઢે, એટલે પરીક્ષામાં બિશુડાઓ નાપાસ ન થાય. એ પુરૂષ હોવાથી એટલો સ્માર્ટ તો હોય કે, રોજ એક નવું બહાનું અથવા પોતે નિર્દોષ હોવાનું પ્રૂફ આપતો રહે. એ વાત જુદી છે કે, દસમાંથી આઠ જ વખત એ જુઠ્ઠું બોલતો હોય છે.

આમે ય, શકી પત્નીઓના ગોરધનો બધી રીતે પહોંચેલા હોય. એમના મોબાઇલ, વૉટ્સઍપ કે ''ક્યાં ગયા'તાઆઆઆ...?'' વાળી ગમે તેવી પૂછતાછ પેલી કરે, દરેક વખતે એ સડસડાટ ગંગાપાર કરી જાય છે, પકડાતો નથી. આવી વાઇફો આતંકવાદીને પૂછતાછમાં લે, તો ક્યાંક તો પકડાય...પણ આપણા દેશના હોનહાર અને બાહોશ ગોરધનો કદી હાથ ન આવે ! 'ડોન કો પકડના મુશ્કીલ હી નહિ, નામુમકીન ભી હૈ....હહહાહાહા...!'

એક વાત ક્લીયર છે. માત્ર વાઇફને (પોતાની વાઇફને) વફાદાર રહેનારો પતિ આદર્શ-ફાદર્શ નહિ, હાવ ડોબો હોય છે. સ્કૂલના માસ્તર એને પકડતા, ત્યારથી એ સાચું બોલતો થઇ ગયો હોય. અલબત્ત, આવાઓ પાસે કોઇ ગર્લ-ફ્રૅન્ડોઝ હોય પણ નહિ. કોણ મરવા આવે ? બુચીયો પોતે તો મરે, પેલીને ય મારે ! યાદ રાખો. લફરાં ડોબાઓ કરી શકતા નથી અને સ્માર્ટ ગોરધનો કદી પકડાતા નથી. (આ નિવેદનને અમારી આત્મકથાનો ભાગ ન સમજવો....જય અંબે.)

અલબત્ત, આ સબ્જૅક્ટમાં અમારી માસ્ટરી હશે એમ સમજીને વાઇફોથી હેબતાઇ જતા અનેક ગુજરાતી ગોરધનો સલાહ લેવા આવે છે કે, વાઇફ બહુ શકી છે. અમને એનાથી બચવાનો ઉપાય બતાવશો. અમને કહેતા અત્યંત ગ્લાની થાય છે કે, જે વિષયમાં ગોરધનને પોતાના ઉપર અભિમાન થવું જોઇએ, એમાં એ શરમ અને ડરનો માર્યો સલાહ માંગવા આવે છે અને વાઇફથી ખરેખર બીએ છે. જે સિદ્ધિ ઉપર ગૌરવ લેવું જોઈએ, એમાંથી ફફડીને બહાર નીકળી જવાનું હોય ? યાદ રાખો મિત્રો. હરકોઇ ગોરધનના નસીબમાં 'વાઇફ વહેમાય' એવા ગ્રહો હોતા નથી. ''મને તો ચિંતા જ નથી. મારાવાળાની તો કોઇ સામું ય જુએ એમ નથી...!''

તારી ભલી થાય ચમના....અમારી તો ઠીક, તારી વાઇફની નજરમાં ય તું આવો રદ્દી છે ? દુનિયા જવા દે, ભારતની સવાસો કરોડની વસ્તીમાંથી ૮૦-કરોડ સ્ત્રીઓ છે, એમાંથી ૨૦-કરોડ જુવાનજોધ છે (બાકીની ૬૦-કરોડ પોતાને યુવાન માને છે, પણ આપણે હસી કાઢવાનું! કોઇ પંખો ચાલુ કરો.) એ ૨૦-કરોડમાંથી પાંચેક લાખ જ જોવી ગમે એવી હોય છે અને એ પાંચ લાખમાંથી તારી સામે જુએ એવી તો આઠ-દસ માંડ હોય, છતાં તું ગભરાઇ ગયો  છે કેઆ આઠ-દસમાંથી એકે ય માટે તારી વાઇફ વહેમાય નહિ ? આટલી બધીઓમાંથી ઍટ લીસ્ટ, બે-ચાર સાથે તો તારા લફરાં હોવા જોઇએ કે નહિ ? એમાંની એકે ય સાથે તારે 'ઘર-ઘર' રમવાના સંબંધો ન બંધાણા હોય તો ડૂબી મર, સાલા કાયર....! I hate you....I hate you..!

બહુ ભાગ્યવાનોની વાઇફો એમની ઉપર વહેમાતી હોય છે. પતિ પાસે વહેમાવા જેવો માલ પડયો હોવો જોઇએ. સાલું, આખા જગતમાં એની બા સિવાય કોઇ એની સામે જોતું ન હોય, એવા ગોરધનો માટે એવાઓની વાઇફોએ વહેમાવાનું શું ? ખોટું આંગડીયું છોડાવાઇ ગયું હોય  એવા પશ્ચાતાપથી એની વાઇફ બીજી કોઇના ગોરધન ઉપર વહેમાય છે. આવી સ્ત્રીઓ એમના ગોરધનોને બદલે, એમની પડોસણો બીજા કોઈ પડોસી ઉપર વહેમાતી હોય તો સહન થતું નથી. ''અમારા વરો નથી ?'' એવા ક્રોધથી મનમાં ઉકળતી રહે છે. અલ્ટિમૅટલી, એમને ખીજ તો પોતાના વરો ઉપર જ ચઢે છે કે, આનામાં પડવા જેવું ચાવી ચૂડેલોનેય લાગતું નથી.

તો બીજી બાજુ, જે સ્માર્ટ હસબન્ડોઝ ઉપર એમની વાઇફોઝ વહેમાતી હોય, એવા લોકો ત્રાસીને અમારી પાસે ફરિયાદ કરવા આવે છે, ''સાલો રોજનો કકળાટ છે...ક્યાં ગયા'તા ? તમારી ગાડીમાં કોણ બેઠું'તું ? સીટ ઉપર આ લાલ ડાઘો ક્યાંથી આયો ? કેટલા વખતથી આ બધો ખેલ ચાલે છે ?'' આટલા સવાલો પછી રાબેતા મુજબનો પેલાને ધોઇ નાંખવાનો તો ખરો જ !

દોસ્તો, તમારા ભાગે આવેલી વાઇફ વહેમાતી હોય એ તો નસીબવંતા ગોરધનનું કામ છે. ન વહેમાતી હોય તો એ વહેમાય એવું કરો. એને આળસુ બનાવી ન દો. એ શક કરતી રહેશે ત્યાં જ સુધી તમારી કિંમત છે, ત્યાં જ સુધી એનામાં ઍનર્જી છે, તરવરાટ છે...જે સરવાળે તો તમારા ફાયદામાં જ છે. આમાં પહેલો ઘા આપણે મારવાનો હોય છે. એ પૂછે, ''મને ખબર છે, પેલી ચાર નંબરવાળી સાથે તમારે ક્યા ક્યા લટીયાપટીયા ચાલે છે....! બોલો, એનું શું છે ?''

મિત્રો, તરત જવાબ નહિ આપી દેવાનો. ''મારે...મારે તો કંઇ નથી !'' એવું તો ભૂલમાં ય બોલી નહિ જવાનું. એને મૂંઝાવા દેવાની. 'મુગલ-એ-આઝમ'માં શહેનશાહ અકબર મહારાણી જોધાબાઇને કહે છે, ''ઉસે તડપને દો...રોને ન દો.'' વાઇફ રોજેરોજ મૂંઝાતી રહે, નવા સરવાળા-બાદબાકીઓ કરતી રહે, એમાં તમારો ફાયદો અને ગૌરવ છે.

હસતા મોંઢે પણ કાંઇ બોલ્યા વગર વાત ઊડાડી મારતા શીખો, યારો. એને તપડવા દો કે, આને તો પેલી સાથે ખરેખર કંઇ લાગે છે...! એ જો કે પોતે ને પોતે સવાલ પૂછશે ને પોતે જ મનમાં જવાબ આપશે, 'હંહ....પેલીમાં બળ્યું છે ય શું, તે મારે વહેમાવવું પડે ? જો કે, મારો ભૂપી તો બધીઓને ગમી જાય  એવો છે... ઓ હાય રામ... ખરેખર હું ધારૂં છું, એવું તો કશુૅ નહિ હોય ને?'' બસ, એને આમ તડપવા દો. અને એક વાત સમજી લો.

તમારામાં બીજીઓ આકર્ષાય એવું હવે રહ્યું છે ય શું ? એવું વાઇફ વિચારતી થઇ જાય, એ તમારા ગેરલાભમાં છે. તમે એના નહિ, તો બીજી ઘણીઓના કામમાં આવો એવા છો, એ ફફડાટ તો એને રહેવો જોઇએ ! કોઇ વેરાન ટાપુ ઉપર ૪૦-૫૦ હજાર યુવાન સુંદરીઓ જ રહેતી હોય ને પુરૂષોમાં એક માત્ર તમારાવાળો ત્યાં જઇને બે ડઝન હૅરપિનો વેચીને પાછો આવે, એવા હસબન્ડને તો લાત મારીને પાછો કાઢજો.

જો આટલી બધીઓના કામમાં નથી આવ્યો, એ તમારા કામમાં ય ક્યાંથી આવવાનો છે ? આ તો  એક વાત થાય છે.' ગાર્ડનમાં 'બેનજી'ના બાબાને એની આયા છુટો રમવા મૂકી દે છે એમ 'બા' જેવા ગોરધનને એની વાઇફ રીસેપ્શનમાં છુટો મૂકી દઇ, પોતે બીજા ટોળામાં ઊભી રહે છે... આવા છુટા મૂકાયેલા ગોરધન બનવા કરતાં છુટાછેડાં લીધેલા ગોરધન બનવું સારૂં!

અહીં યુવાન અને એકદમ સુંદર માતાઓ અને બહેનોને પણ અમારી સલાહ છે કે, દરેક સ્ત્રીને વહેમાઇ શકાય એવો હસબન્ડ નથી મળતો. એની નજર ઘરની બહાર ચકરવકર થતી રહે, ત્યાં સુધી જ તમે સલામત છો. ઘરમાં તો તમે હો એટલે સમજ્યો કે એને સુંદરતામાં બહુ રસ રહ્યો ન હોય, પણ જ્યાં સુધી એ બહાર ડોળાં ડબકાવતો રહે ત્યાં સુધી તમારા ફાયદામાં છે...ભ'ઇને એવો કશો રસ નહિ રહ્યો હોય તો ઘરમાં તું ય ગઇ કામથી, બહેન ! અને ખરો જવાબ તો હવે તારે આપવાનો છે. એ તારી ઉપર વહેમાશે તો ? આઇ મીન, પ્રભુકૃપાથી ભલે એનો વહેમે ય સાચો હોય ને તું ચાાચબં ૈજ ારી મીજા ર્કસિ ર્ક ગીકીહબી ના ધોરણે તારૂં ખબર પડી ન જાય માટે કાયમ માટે તું એને રમતો રાખે, ને જ્યારે એને ખબર પડશે તો ?
બસ. સર્વોત્તમ જવાબ એ જ છે કે, પતિ હોય કે પત્ની, એકબીજા ઉપર શકી બનવાનો કોઇ ફાયદો નથી.

પૂછપરછ, ઝગડમ-ઝગડી કે રોજના કકળાટથી પાર્ટી પાછી આવી જવાની છે, એ ભ્રમમાં રહેવા જેવું નહિ. જો એવું કશું હોય તો ડોબું બેમાંથી એકે ય નથી કે, સાચું કહી દે...! શ્રેષ્ઠ રસ્તો એ છે કે, જાસૂસી કરવાને બદલે તમે કાંઇ જાણતા જ નથી, એવા ભ્રમમાં એને રહેવા દો...જ્યાં સુધી એને તમારી બીક છે, ત્યાં સુધી જ સારૂં છે.

બધું ખુલ્લું પાડીને એનો જવાબ માંગવા જશો, તો બહુબહુ તો બે દહાડા ધૂમધામ-ધામધૂમ...ને પછી તો એ લોકો બેશરમ થઇને ખુલ્લેઆમ ફરતા થઇ જશે. તમારા અસ્તિત્ત્વનો સ્વીકાર 'તમને કાંઇ જ ખબર નથી' એવા એ બન્નેના ભ્રમમાં રહેલો છે..તમારા ઝગડા પછી તો બેશરમીઓ શરૂ થઇ જશે ને બધું ખુલ્લમખુલ્લા ! જેનાથી અત્યાર સુધી ડરીને પતાવવાનું હતું, એ ખુલ્લું પડી ગયા પછી ડર કોનો ?

અને જો સાચું કહી જ દે, તો તમારામાં એ સ્વીકારવાની તાકાત અને તૈયારી ખરી ?

સિક્સર
સંસારની સૌથી કાતિલ જોક : ''કોંગ્રેસ હવે ડૂબી રહી છે..એને બચાવવા માટે રાહુલજીએ અધ્યક્ષપદ સંભાળી લેવું જોઇએ,' એવું નિવેદન કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું છે.
''ઓ ભ'ઇ...એ ડૂબી કોનાથી ?''

27/08/2017

ઍનકાઉન્ટર : 27-08-2017

* આપણે ત્યાં જમાઇને 'દસમો ગ્રહ' કેમ કહેવામાં આવે છે ?
જરૂરત નવ ગ્રહોની જ પડે છે... દસમાને ફાલતું ગણીને કાઢી નંખાય.
(
સુધીર ઝવેરી, મુંબઇ)

* સ્ત્રીઓને 'બિચારી' કેમ કહેવામાં આવે છે ?
– '
બિચારા' પુરૂષો જ એવું કહે છે.
(
ધવલ જે. સોની, ગોધરા)

* 'દરેક પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.' તમારે કેમનું છે ?
એકાદ સ્ત્રીના ધક્કાથી હું પતું એવો નથી.
(
દેવાંગ જાની, બેંગાલુરૂ)

* કેટલા રવિવારો સુધી રાહ જોયા પછી અમારા સવાલનો જવાબ આવે ?
ઘણા લોકો એકસામટા એક જ દિવસે ૭૮ સવાલો પૂછી નાંખે છે. સ્વાભાવિક છે, લેવાનો હશે તો એમાંથી એક જ લેવાશે ને બાકીના રદ્દ થશે. બાકી તો નિયમ પ્રમાણે સહુના 'સૅન્સિબલ' સવાલો લેવાય જ છે.
(
શ્યામ ગોવિંદ રાવ કોરડે, મુંબઇ)

* ઘણીવાર સવાલનો જવાબ આપવાને બદલે તમે સામો સવાલ જ પૂછો છો. એમ કેમ ?
એ સવાલમાંથી જવાબ શોધવાનું કામ સહેલું છે.
(
ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા)

* અમદાવાદ છોડીને મુંબઇ વસો તો કેવું લાગે ?
તક મળે તો ડૉનાલ્ડ ટ્રમ્પ પણ અમદાવાદ આવીને વસે, એવું સોહામણું મારૂં અમદાવાદ છે.
(
જીજ્ઞાસા માંકડ, મુંબઇ)

* સાઉથ ઈન્ડિયનો ઈંગ્લિશસ્પૅલિંગમાં 'લતા'ને બદલે 'લથા' કેમ કરે છે ?
એ લોકોનું ઈંગ્લિશ સાચું છે. '' માટે 'th' અને '' માટે ફક્ત 't' લખવાથી ઉચ્ચાર સાચો થાય છે.
(
દિપેશ મેહતા, રાજકોટ)

* દારૂબંધી અભિયાનમાં તમે ક્યારે જોડાવાના છો ?
હું દારૂબંધીનો હિમાયતી નથી.
(
મિતેશ કે. ચૌહાણ, વડોદરા)

* શું આજ સુધી કોઇ સવાલ વાંચીને તમને ગુસ્સો આવ્યો છે ?

કોઇ મને પકડી રાખો...!
(
હેતલ વી. ડોડીયા, ગીરસોમનાથ)

* 'કોંગ્રેસ આવે છે...' શું આ ધમકી છે, ચેતવણી છે કે પબ્લિકનું મનોરંજન કરવાનો પ્રયાસ છે ?
પોતે શું કરી શકે છે, એનો પ્રચાર કરવાને બદલે ફક્ત મોદીને જ ભાંડવામાં કોંગ્રેસ ખલાસ થઇ ગઇ !
(
અલ્પેશ ડી. રાવલ, નડિયાદ)

* એમ.પી.મેં દિલ હો બચ્ચે જૈસા, તો ગુજરાત મેં...?
બાપ આખિર બાપ હોતા હૈ...
(
ડૉ. મયંક કે. છાયા, અમદાવાદ)

* જીંદગીમાં સાચા માણસની કિંમત કેમ હોતી નથી ?
સૉરી... મારી તો થઇ છે.
(
સાહિસ્તા કાજી, રાજકોટ)

* 'ઈસરો' સિવાય ઈન્ડિયાના કયા કામ માટે આપણે ગર્વ લઇ શકીએ ?
સર્જીકલ સ્ટ્રાઇક માટે.
(
પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* તમે જવાબ આપ્યો હતો, 'વાહનનું પ્રદુષણ અટકાવવા સાયકલ ચલાવવી જોઇએ...' તો અખિલેશે પણ પપ્પાની સાયકલ છીનવી લીધી હતી ને ?
–  
જોયું ? એમાં ય કેવું મોટું પ્રદુષણ દૂર થઇ ગયું ?
(
જય દેસાઇ, તેજલાવનવસારી)

* એક બ્રાહ્મણ તરીકે મને સાચી સલાહ આપશો ?
ગર્વ બ્રાહ્મણ હોવાનું રાખવાનું અને ગૌરવ ભારતીય હોવાનું.
(
માહિર મેહતા, નિકાવાકાલાવડ)

* પાકિસ્તાનચીનને સીધા કરવાનો કોઇ ઉપાય ?
આપણી સેનાના જવાનો માટે બની શકે એ બધું કરી બતાવો.
(
અનંત ત્રિવેદી, ગોળાકારબોટાદ)

* કરોડપતિ બનવાનો સૌથી સરળ રસ્તો કયો ?
વાઇફનું નામ બદલાવવાનું. એનું નામ 'કરોડ' રાખી દો!
(
કેતન પરમાર, ડીસા)

* સવાલમાં નામસરનામુંમોબાઇલ નંબર... બધું લખવા છતાં જવાબ કેમ ના મળ્યો ?
જવાબ મેળવવાનો તમારો આ રસ્તો ગમ્યો.
(
જતિન દોલતરાય દેસાઇ, મુંબઇ)

* દમણને ગુજરાતમાં સમાવી લેવાથી દારૂબંધી ઉપર શું અસર થશે ?
ઝપોને છાનામાના... દમણ ગુજરાતમાં આવી જશે તો બે ટીપાં મળે છે, એ ય બંધ થશે.
(
મયૂર એલ. સુરતી, અમરોલીસુરત)

* 'પતંજલી'ની હવે પછીની પ્રોડક્ટ 'પૅટ્રોલ' હોય તો ?
રાહ જોવાની, સંપૂર્ણ આયુર્વેદિક અને ભારતીય વનસ્પતિમાંથી બનેલી 'પતંજલી વ્હિસ્કીની...'
(
રિતેશ પટેલ, વડોદરા)

* જે વાઇફને રસોઇ ન આવડે, એનો પતિ શું કરે ?
પડોસમાં સંબંધ સારા રાખે.
(
મેઘના પટેલ, વડોદરા)

* 'પૈસો પૈસો કમાવું કૈસો, મર જાઉં તો સાથ લે જાઉ કૈસો...?'
બસ. પૈસો મૂકતા જવાનું, ઐસો...!
(
હુસેન મર્ચન્ટ, નાસિક)

* પ્રભુ પ્રસન્ન થાય તો શું માંગો ?
બસ. એક દિવસ માટે મને પ્રભુ બનાવે.
(
ધ્રુવિત ચાવડા, જૂનાગઢ)

* આપણા રાજ્યમાં શિક્ષણ બહુ મોંઘું થયું છે, તો જવાબદાર કોણ ?
ડોનેશન પ્રથા !
(
મોહસિનખાન ઘાસુરા, વણસોલ)

* અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે યુધ્ધ થાય તો કોણ જીતે ?
ચીન.
(
પ્રદીપસિંહ ઝાલા, રાજકોટ)