Search This Blog

30/09/2018

ઍનકાઉન્ટર : 30-09-2018


* આ મોદી સરકાર કૉંગ્રેસ અને પાકિસ્તાન માટે ખાલી બોલ્યા કરશે કે, કંઇક કરી ય બતાવશે ?
કાંઇ કરી બતાવવું ન પડે, એની તો આ બધી ધમાલ છે !
(અમૃતલાલ મહેશ્વરી, અમદાવાદ)

* આપણી ચલણી નૉટો ઉપર શહીદ ભગતસિંહ જેવા દેશભકતોના ફોટા ક્યારે મૂકાશે?
તમારી દેશભક્તિ સર આંખો પર, પણ વિશ્વમાં મહાત્મા ગાંધી જેવો અન્ય કોઇ શહીદ થયો નથી. એમની તસ્વીર બરોબર છે.
(યોગીરાજ બ્રહ્મભટ્ટ, અમદાવાદ)

* રક્ષાબંધને ડિમ્પલે તમને રાખડી મોકલી કે નહિ ?
એણે તો નથી મોકલી... તમે મોકલી દો.
(નીરા સરાડવા, હિમ્મતનગર)

* પ્રેમમાં લોકો પાગલ કેમ થઇ જાય છે ? હું તો થયો નથી !
અમારી પાસે કેટલાક આવા ડાહ્યા માણસોના ય સવાલો આવે છે.
(ચેતન ત્રિવેદી, અમદાવાદ)

* તમે ભગવાનમાં માનો છો ?
મા-બાપમાં માનો એમાં બધા ભગવાનો આવી ગયા.
(સાધના યાદવ, વડોદરા)

* તમારા ગુરૂ કોણ ?
ઘણા બધા ઘંટાલો છે...
(ઉમંગ કંસારા, માધવપુર-ઘેડ)

* આપણા હિંદુસ્તાનમાં બધા હિંદુસ્તાની છે ?
અફ કૉર્સ બધા જ છે. જે નથી એમનો ભાવ પૂછવાની ય ક્યાં જરૂર છે ?
(ચિરાગ કટારીયા, ટંકારા-મોરબી)

* તમારા પરિવારમાં કેટલા સભ્યો છે ?
- બસ. હવે એક તમારો વધારો થયો, બેન.
(કોમલ આહિર, જૂનાગઢ)

* તમને નથી લાગતું, હાસ્યલેખકને બદલે તમે ક્રિકેટર થયા હોત તો કરોડપતિ હોત ?
કરોડપતિ તો આજે ય છું.... ક્રિકેટર બન્યો હોત તો ૪૪-વર્ષ ચાલ્યો ન હોત !
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* પૅટ્રોલ-ડીઝલના વધતા ભાવો વિશે શું કહો છો ?
એકે ય સ્કૂટર કે ગાડી બંધ રહ્યા ?
(વિરાજ કાવાણી, વિસાવદર)

* મોબાઇલ ફોનથી સુખ વધ્યું કે દુઃખ ?
એનો આધાર બિલમાં કેટલાની ચોંટે છે, એની ઉપર છે.
(જગદિશ પી. પટેલ, મેસણ-ઈડર)

* ૬૦-ની ઉંમરના પરિણિત ડોસાને ૩૦-વર્ષની છોકરી સાથે પ્રેમ થાય, તો એને પ્રેમ કહેવાય ?
એ અક્કલ પેલીમાં હોવી જોઇએ.
(ડૉ. શૈલજા, ઠક્કર, અમદાવાદ)

* કેજરીવાલ અને રાહુલ ગાંધી દેશભક્ત છે ખરા ?
હા.... ઇ.સ. ૨૦૧૯ સુધી તો દાવો થવાનો !
(અંકુર મિસ્ત્રી, અજરાઇ-ગણદેવી)

* પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી આતંકવાદ ડામવા કાંઇ કરશે ખરા ?
નૉ બૉલ...
(અશ્વિન મોરે, વડોદરા)

* રોકાણ ન કરવું પડે અને જંગી નફો મળતો રહે, એવો કોઇ ધંધો ખરો ?
શરૂઆત મ્યુનિ. કૉર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવવાથી કરો.
(જગદિશ કપૂરીયા, જૂનાગઢ)

* આપણા લશ્કર માટે બુલેટ-પ્રૂફ જૅકેટ્સ પૂરતા છે ?
સિયાચીન પરના આપણા જવાનોને બુલેટ-પ્રૂફ જૅકેટો કાતિલ ઠંડીથી બચવાના કામમાં લેવા પડે છે.
(નિસર્ગ રાવલ, અમદાવાદ)

* એમના દાવા મુજબ, દરેક રોગનું નિવારણ યોગ છે, તો પછી સ્વામી રામદેવજી દવાઓ કેમ વેચે છે ?
ઘણી ફાર્માસ્યૂટિકલ કંપનીઓ રોગ વેચે છે, એના કરતા બાબા દવાઓ વેચે, એ વધુ સારૂં નહિ ?
(ધિમંત ભાવસાર, ઈડર)

* રૂ. ૫૦૦/-ની ઈસ્ત્રીમાં રૂ. ૧૮૦/- જીઍસટી...! કોણ રળ્યું કહેવાય ?
બિલ વગર લીધી હોત તો બધા રળ્યા હોત !
(પ્રફૂલ્લ દવે, ભાવનગર)

* સાયકલ ચલાવવાથી પર્યાવરણ વધુ જાળવી શકાય કે નહિ ?
- બોલવામાં મીઠું લાગે છે... વ્યવહારમાં નહિ.
(મૂકેશ પડસાલા, અમદાવાદ)

* તમારી સફળતા જોઇને મને ય હાસ્યલેખક બનવાનું મન છે....શું કરવું જોઈએ ?
મારે હવે બીજું કાંઇ કરવું ન જોઇએ.
(પિયૂષ પરમાર-પૂણેં-મહારાષ્ટ્ર)

* વરસાદમાં કાગળની હોડીઓ તરાવતા બાળકો ક્યાં ગયા ?
જુઓ ને આજુબાજુવાળાને ત્યાં વરસાદ-બરસાદ છે ?
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* આજકાલ પંખો બગડયો છે કે શું ?
અમે તો છત્રી હલાવી હલાવીને હવા ખાતા'તા...!
(વિપુલ ચૌહાણ, પાલનપુર)

* દિલ અને દિમાગમાં શ્રેષ્ઠ કોણ ?
વાહ..... સવાલ તમે દિલથી પૂછ્યો છે !
(ચિરાગ પંડયા, માડવી-કચ્છ)

* પાસબૂક ભરી આપવા છતાં ગ્રાહકો એમનું બૅલેન્સ પૂછવા કેમ આવતા હોય છે ?
- આજકાલ બૅન્કોવાળાનો કાંઇ ભરોસો છે, ભાઇ ? ગમે તેને લોન આપી દે છે ને પાછી ય નથી લેતા !
(રાકેશ પરમાર, કલોલ)

* ભાજપ અને કૉંગ્રેસના શાસન વિશે તમારો મત ?
- હવેતો લોકો ગઠબંધનના સપના જુએ છે ને?
(જીજ્ઞાસા માંકડ, મુંબઇ)

28/09/2018

'દો બીઘા ઝમીન' ('૫૩)


ફિલ્મ  :  'દો બીઘા ઝમીન' ('૫૩)
નિર્માતા-દિગ્દર્શક  :  બિમલ રૉય
વાર્તા-સંગીત :  સલિલ ચૌધરી
ગીતકાર   :   શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ :  ૧૫-રીલ્સ-૧૪૨-મિનીટ્સ
કલાકારો : બલરાજ સાહની, નિરૂપા રૉય, રતનકુમાર, નાના પળશીકર, રાજલક્ષ્મી, રેખા મલિક, જગદીપ, મેહમુદ (એક દ્રષ્ય માટે), દિલીપકુમાર (જુ.), નૂરજહાં, કૃષ્ણકાંત, નર્મદા શંકર, રામાયણ તિવારી, પૉલ મહેન્દ્ર, નબેન્દુ ઘોષ, આસિત સેન, હીરાલાલ, ચિત્રા, સરિતા દેવી, નઝીર હૂસેન, મુરાદ અને મીના કુમારી (મેહમાન કલાકાર)

ગીતો
૧.        ધરતી કહે પુકાર કે, બીજ બિછા લે પ્યાર કે... લતા-મન્ના ડે, કોરસ
૨.        હરિયાલા સાવન ઢોલ બજાતા આયા, ધિન...લતા-મન્ના ડે, કોરસ
૩.        આજા રી આ, નીંદિયા તૂ આજા, ઝીલમીલ...   લતા મંગેશકર
૪.        અજબ તોરી દુનિયા, હો મોરે રામ...મુહમ્મદ રફી-કોરસ

આપણે તો એવું ચાલ્યા જ નથી, પણ ટ્રાયલ ખાતર બિલકુલ ઉઘાડા પગે ગામડાની ધૂળવાળી કાકરીયાળી કે શહેરની ગરમ સડકો ઉપર પચાસ ફૂટ ચાલી જુઓ... અને એવા આલમમાં કલકત્તાની ભીડભાડવાળી કાળી સડકો ઉપર છ-મહિના સુધી ટાંગો ચલાવવાની તાલીમ લેવી-ફક્ત વાસ્તવિક્તા લાવવા ખાતર... એ બલરાજ સાહની જેવા પરફેક્ટ અભિનેતાને જ પોસાય ! અમથું ય પંજાબી કસાયેલું બૉડી હતું, પણ આ ફિલ્મ માટે લૅજન્ડરી ડાયરેક્ટર બિમલ રૉયના સૂચનથી ઉતારી ઉતારીને શરીર માયકાંગલું કરી નાંખનાર બલરાજ સાહની હીરો હતો, પણ રાજ-દિલીપ-દેવ કે ઈવન, અશોક કુમારની કક્ષાએ પણ નામ ન ગાજ્યું... અભિનયમાં એ ચારેયમાંથી થોડો ય કમ નહિ. 

પૉસિબલ છે, હૅન્ડસમ હોવા છતાં એ હીરો મટીરિયલ નહતો. કપાળ વધારે પડતું મોટું હતું. ખંભાતના અખાતની જેમ કપાળ ઉપર એક મોટો ખૂણો ચેહરાને લાલબુંદ ભલે દેખાડતો હતો, પણ વ્યક્તિત્વના પંદર ટકા કાપી લીધા પછી !એવું તે શું હતું આ ફિલ્મમાં કે વાસ્તવિક્તાના આગ્રહ ખાતર બલરાજ નામના આ સાહનીએ ખુદની ઉપર જોરજબરદસ્તી કરીને ફિલ્મમાં પોતાના પાત્રને યથાર્થ દેખાડવું પડે ?

એવું ઘણું બધું હતું. આઝાદી પછી કેપહેલા કે આજે ખેતમજૂરોની હાલત ખૌફનાક રીતે દયાજનક રહી છે. એક તો દસમાંથી દસે દસ ખેડૂત અંગૂઠા છાપહોય ને ભણ્યો જ ન હોય માટે આ અંગૂઠાએ જ એની આવનારી સાત પુશ્તોને બર્બાદ કરી નાંખી... કર્જ આપનાર ગામનો જમીનદાર ઇચ્છે ત્યાં આ નિરક્ષર પાસે અંગૂઠો (સહિ) મરાવી લે, જે બિચારાને ખબર પણ ન પડે કે, લાચારીનો આ અંગૂઠો એના ખાનદાનને તબાહ કરી નાંખશે !

શંભુ મેહતો (બલરાજ) ગામડાનો ગરીબ કિસાન એની પત્ની (નિરૂપા રૉય), દીકરો કન્હૈયા (રતન કુમાર) અને અશક્ત પિતા ઢંગુ મેહતો (નાના પળશીકર) સાથે પોતાની માલિકીની બે વીઘા જમીન પર ગૂજરાન ચલાવતો હતો. પણ ગામના દુષ્ટ જમીનદાર ઠાકૂર હરનામસિંઘ (મુરાદ) ગામના ખેતરો હટાવીને મોટી મિલ બાંધવા માંગે છે, જેમાં શંભુ મેહતોની જમીનનો આ ટુકડો વચમાં આવે છે. 

જમીનદાર જબરદસ્તી શંભુ પાસેથી આ જમીન આંચકી લે છે, પણ અદાલતના ચુકાદા મુજબ, શંભુ ત્રણ મહિનામાં રૂ. ૨૬૫/-નું દેવું ભરપાઈ કરી દે, તો જ આ જમીન પાછી મળે. બીજી કોઈ આવક તો હતી નહિ, એટલે પૈસા કમાવવા શંભુ કલકત્તા જાય છે, એમાં એનો કિશોરાવસ્થાનો પુત્ર કન્હૈયા પરાણે જોડાય છે. 

અજાણ્યા શહેરમાં પેટ ભરવા બાપ-દીકરો કાળી મજૂરી કરે છે. બાપ ટાંગો ચલાવે ને દીકરો-બુટ-પૉલિશ કરે. પ્રમાણિકતાથી માંડ માંડ બસ્સો રૂપિયા ભેગા કરે છે ને શંભુને પોતાની રીક્ષાનો અકસ્માત થાય છે. કોઈ ખબર આપ્યા વિના એની પત્ની પાર્વતી (નિરૂપા રૉય) કલકત્તા આવે છે ને એને ય ઍક્સિડૅન્ટ થાય છે. માંડ ભેગા કરેલા પૈસા આમને આમ ખર્ચાઈ જાય છે ને આ બાજુ ગામમાં જમીનદાર શંભુનું સર્વસ્વ લૂંટી લઇને આખા પરિવારને ખાંગો કરી નાંખે છે ને વાર્તા પૂરી થાય છે.

(કલકત્તામાં ઘોડાને બદલે માણસ ખેંચે, એવા ટાઁગા (રીક્ષાઓ) થતી.) આમે ય, બાંગ્લા સાહિત્ય સ્વચ્છ પારિવારિક વિષયોને વધુ સ્પર્ષ્યું છે, પછી એ ટાગોર હોય, શરદબાબુ હોય કે આજની ફિલ્મની જેમલાઈફ-ટાઈમમાં માંડ દસ-બાર વાર્તાઓ લખનાર સંગીતકાર સલિલ ચૌધરી હોય ! મરાઠીમાં એથી ઊલટો કૅસ. ત્યાં આચાર્ય અત્રે કે દાદા કોન્ડકે-છાપ નિમ્ન સ્તરનું સાહિત્ય પણ ત્યાંની પ્રજાને શિરોમાન્ય. 

ગુજરાતી સાહિત્યકારોએ ઘરની બહાર નીકળ્યા વગર જ વાર્તાઓ લખે રાખી, પરિણામે એનું સાહિત્ય વિશ્વકક્ષાએ કદી ન પહોંચ્યું. સલિલ ચૌધરી (બાંગ્લા ઉચ્ચાર, 'શોલિલ' ચૌધુરી) બે વખત પરણ્યા હતા. પહેલી પત્ની જ્યોતિથી ત્રણ પુત્રીઓ અને બીજી પત્ની સવિતાથી બે દીકરી અને બે દીકરા... બન્નેનું ટોટલ કરો તો.. સાતેક થયા ને ?... તો ય, સંગીત માટે ટાઈમ મળી રહેતો હતો, એ જ બાંગાલી આશ્ચર્યમ્ !

'દો બીઘા ઝમીન' સલિલ દાની પહેલી હિંદી ફિલ્મ હતી, વાર્તા ય એમણે લખેલી... ભલે ટાગોરે આ જ શીર્ષક ઉપર મધુરૂં કાવ્ય લખ્યું હતું, પણ સલિલની સ્ટોરી અલગ હતી. ખૂબસુરત હીરોઇન સાધના સાથે બિમલ રૉયની સંગીતમય ફિલમ 'પરખ'ની કૉમિક વાર્તા પણ સલિલે લખી હતી.

બિમલ રૉય ઇટાલિયન ફિલ્મ નિર્માતા વિટોરિયો 'ડી સિકાની બહુ જાણિતી ફિલ્મ' 'ધી બાઈસિકલ થીફ' પરથી ઘણા પ્રભાવિત થયા હતા. આ ફિલ્મ તો ઇટાલિયન ભાષામાં હતી, પણ જગતના ધી ગ્રેટ મહાનુભાવો પણ આ ફિલ્મ જોઇને વખાણ કરતા થાકતા નથી. તમને હજારો નહિ તો સેંકડો ચાહકો મળી રહેશે. મેં પણ જોઈ છે અને જોયા પછી અનુભવસિધ્ધ દાવો એ થાય કે, ફિલમ 'બાયસિકલ થીફ' એવી બેમિસાલ છે કે, એમાં ભાષા સમજવાની જરૂરે ય પડતી નથી.

'દો બીઘા ઝમીન'ને ૧૯૫૪-ની 'શ્રેષ્ઠ ફિલ્મ' અને શ્રેષ્ઠ દિગ્દર્શક'ના બે ફિલ્મફૅર એવોર્ડસ મળ્યા હતા.એક બીઘા (વીઘા) એટલે એક્ઝેક્ટ એક એકર જમીન ન થાય, પણ સરળતા માટે બે બીઘા એટલે એક એકરમાં બે તૃતીયાંશ વીઘા જમીન સમાઈ જાય. વીઘાનું માપ રાજ્યે રાજ્યે અલગ હતું. કલકત્તામાં એક એકરના ત્રણ વીઘા થાય.

ફિલ્મનું નામ રવિન્દ્રનાથ ટાગોરની પ્રસિધ્ધ બંગાળી કવિતા 'દૂઈ બિઘા જોમી' પરથી લેવાયું છે.બિમલ રૉય મૂળ તો કલકત્તાના ન્યુ થીયેટર્સની પ્રોડક્ટ. ત્યાંના હીરો-દિગ્દર્શક પ્રોમોથેશ બોરૂઆની કે.એલ.સાયગલવાળી ફિલ્મ 'દેવદાસ'માં પબ્લિસિસ્ટ-ફોટોગ્રાફર તરીકે પ્રારંભ કરનાર બિમલ રૉયે કલકત્તા છોડયું. 

ત્યારે તેમની ટીમમાં તેમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઋષિકેષ મુકર્જી, વાર્તા લેખક નબેન્દુ ઘોષ, કોમેડિયન આસિત સૅન (જે આ ફિલ્મના ફક્ત અડધા દ્રષ્ય માટે આવે છે), બારમાસી રોતડ ક્લબના સ્થાપક પ્રમુખ નઝિર હુસેન, કેમેરામેન કમલ બોઝ (જેમણે આ ફિલ્મની ઉત્કૃષ્ટ ફોટોગ્રાફી કરી છે) અને છેલ્લે જોડાયેલા સલિલ ચૌધરીએ મુંબઇની ફિલ્મનગરીને ઉત્તમોત્તમ ફિલ્મો આપી, જેમાં દો બીઘા ઝમીન, પરિણિતા, બિરાજ બહુ, મધુમતિ, નોકરી, બાપબેટી, દો દૂની ચાર, યહૂદી, પ્રેમપત્ર, સુજાતા, પરખ અને બંદિનીનો સમાવેશ થાય છે.

વાત થોડી આડે રસ્તે ભલે ફંટાતી, પણ આ ફિલ્મ જેવી અનેક ફિલ્મોમાં સાઉન્ડ-રૅકોર્ડિસ્ટનું કામ કરતા હૅન્ડસમ બાંગાલી યુવાન ઈશાન ઘોષ એટલે દેવ આનંદને છોડયા પછી સુરૈયા જેના ઉઘાડેછોગ પ્રેમમાં હતી એ ઇશાન માટે સુરૈય્યા તો ફક્ત ટાઈમપાસ હતી... પોતાની પર્સનાલિટીનો પૂરો ફાયદો આ છોકરાએ ઉઠાવ્યો હતો. એવી જ રીતે, હિંદી ફિલ્મોના જાણિતા સંગીતકાર પ્રેમ ધવન ગીતકાર, લેખક, ઍક્ટર, દિગ્દર્શક જ નહિ, નૃત્ય-નિર્દેષક પણ હતા. આ ફિલ્મમાં એ માટે એમને નોકરી અપાઈ હતી. નૃત્યો એમણે કમ્પૉઝ કર્યા હતા.

રાજકપૂરની ફિલ્મ 'બૂટ પૉલિશ'માં બૅબી નાઝ સાથે લીડ રૉલ કરનાર આ ફિલ્મના પાકિસ્તાની બાળકલાકાર રતનકુમારનું સાચું નામ સઇદ નઝીરઅલી રિઝવી હતું. એણે 'જાગૃતિ'માં પણ કામ કર્યું હતું. હજી બે વર્ષ પહેલા ૧૨ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ કૅલિફોર્નિયામાં એનું મૃત્યુ થયું.

રતનકુમારે (જન્મ તા. ૧૯ માર્ચ, ૧૯૪૧-અજમેર-રાજસ્થાન) બદમાશી એ કરી કે, ૧૯૫૬માં પાકિસ્તાન જતા રહી ત્યાં પણી સફળ ફિલ્મ 'જાગૃતિ'ની બેઠી નકલ કરી 'બેદારી' નામની ફિલ્મ બનાવી (જે એના ભાઈ વઝિરઅલી રિઝવીએ નિર્માણ કરી હતી.) ને ખુલ્લી ચોરી કરવામાં તો આજે ય પાકિસ્તાનને કોઈ પહોંચે એમ નથી, એટલે 'જાગૃતિ'ના તમામ ગીતો ઍક્ઝૅક્ટ ધૂનો જ નહિ, શબ્દો સાથે ઉઠાવી લીધી હતી. 

ભારત જેવી જ દેશભક્તિ પાકિસ્તાની બાળકો માટે ઊભી કરવા દેશનું નામ બદલીને એણે ગીત લખાવ્યું, 'આઓ બચ્ચોં સૈર કરાયેં તુમકો પાકિસ્તાન કી...' મુહમ્મદ રફીના ગીત 'હમ લાયેંહૈ તુફાન સે કશ્તિ નીકાલ કે, ઇસ મૂલ્ક કો રખના મેરે બચ્ચોં સમ્ભાલ કે...' અને 'યૂં દી હમેં આઝાદી કે દુનિયા હુઈ હૈરાન, અય કાયદા-એ-આઝમ તેરા એહસાન હૈ એહસાન'. 

આ ગીતમાં મહાત્મા ગાંધીને પેટ ભરીને ગાળો દેવાઈ છે. મને યાદ નથી, આજ સુધીના ભારતના એકે ય દેશભક્તિના ગીતમાં પાકિસ્તાન કે એના કોઈ નેતાને ભાંડવામાં આવી હોય ! સંસ્કાર જેવું ય કાંઈ કામ તો કરે ને ? ચોરી કરવામાં બુધ્ધિ તો કોઈ દોડાવવાની હોય નહિ, એટલે સુધી કે, 'જાગૃતિ' ફિલ્મના બેઠા દ્રષ્યો ફ્રેમ-ટુ-ફ્રેમ આ પાકિસ્તાની ફિલ્મ 'બેદારી'માં લીધા છે.

જોવાની ખૂબી એ છે કે, આ ફિલ્મ 'બેદારી'નું સંગીત ઉસ્તાદ નુસરત ફત્તેહઅલીખાનના પિતા ફત્તેહ અલીખાંએ આપ્યું હતું. માનવામાં તો હજી નથી આવતુંકે, આવા સમૃધ્ધ અને આદરણીય ગાયક-સંગીતકાર ફત્તેઅલી આવી બેઠી ચોરી કવા તૈયાર કેવી રીતે થયા હશે ?

રોતડ-ક્લબની મહિલા પાંખની આમરણસભ્ય નિરૂપા રૉયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'આ એક જ ફિલ્મ એવી છે, જેમાં રોવા માટે મારે આંખોમાં ગ્લીસરીન લગાવવું નહોતું પડયું.'

મીના કુમારીએ તેની ૩૩ વર્ષની ફિલ્મ કરિયરમાં 'મેહમાન કલાકાર'નો એક જ રોલ કર્યો છે. લતાનું દર્દીલું હાલરડું 'આજા રી આ, નીંદિયા તૂ આજા...' ગીત એની ઉપર ફિલ્માયું હતું. પૂરા ગીતમાં માંડ બે-ત્રણ વાજીંત્રોનો ઉપયોગ થયો છે. 

આજકાલ તો હિંદી ફિલ્મોના ઍકટરોને ચોપાટી ઉપર પાણી-પુરીની લારીના ઉદ્ધાટન માટે બોલાવો તો ય આવી જાય એવા છે, પૈસા મળવા જોઇએ. જ્યારે બિમલ રૉયની ફિલમ 'પરિણિતા'માં દાદામોની સાથે કામ કરનાર મીનાકુમારીએ ફક્ત આ એક જ ફિલ્મમાં મેહમાન કલાકારનો રોલ કર્યો છે અને એ પણ ફિલ્મના શૂટિંગ દરમ્યાન બિમલ રૉયે લીધેલા ફોટોગ્રાફ્સ મીનાએ જોયા પછી હા પાડી હતી.

કોમેડિયન મેહમુદ પણ મુહમ્મદ રફીએ ગાયેલા 'અજબ તોરી દુનિયા, હો મોરે રામા...' દરમ્યાન ભજનિકોના ટોળામાં બેઠેલો દેખાય છે. ફિલ્મના ટાઈટલમાં એનું નામ નથી, પણ ટાઈટલ્સ વાંચીને ભ્રમમાં પડી જવાય એવું છે. કલાકારોમાં નૂરજહાં, રેખા અને દિલીપકુમાર પણ છે... અલબત્ત, ફક્ત નામનું જ સામ્ય. નૂરજહાં હિંદી ફિલ્મોમાં આવેલી ત્રીજી નૂરજહાં હતી, પ્રખ્યાત ગાયિકા અને બીજી એક નૂરજહાં જુદી. રેખા મલિક સાઉથની જાણિતી એક્ટ્રેસ હતી.

આજ સુધી જેનો જવાબ મળ્યો નથી એ સવાલનો કે ગાયક જ નહિ, ઈન્સાન તરીકે હિંદી ફિલ્મોમાં આજ સુધીના સર્વોત્તમ જૅન્ટલમેન સાબિત થયેલા મુહમ્મદ રફી સાથે સંગીતકારો અનિલ બિશ્વાસ, સી.રામચંદ્ર અને સલિલ ચૌધરીને શું વાંકુ પડયું હતું કે, એ ત્રણેય શક્ય હોય ત્યાં સુધી રફીને નીગ્લૅક્ટ જ કરે રાખ્યા ! આ ત્રણે એમની ફિલ્મોમાં મૂકેશ, તલત મેહમુદ કે બીજા છુટક ગાયકોને પ્લેબેક માટે બોલાવે... રફીને તો 'બાપનો ય છુટકો ન હોય ત્યારે' યાદ કરવામાં આવતા. 

આમ તો નાનકડો તો ય મોટો લાગે એવો અપવાદ સલિલ ચૌધરીનો હતો, જેમણે બાકીના બન્ને સંગીતકારો કરતા રફીને વધુ અસરકારક ઢબે યાદ કર્યા છે. મારા અભિપ્રાયને વાચકો કોઈ મહત્ત્વ આપવાના હોય તો, મારી પસંદગીના રફીના ટૉપ ૨૫-ગીતોમાં 'પૂનમ કી રાત'નું દિલ તડપે તડપાયે...' પૂરા ગીત ઉપર રફીના આધિપત્ય અને સલિલ દાનો ઓરકેસ્ટ્રેશનનો અન્ય ભાગ્યે જ જોવા... આઈ મીન, સાંભળવા મળ્યો હોય તેવો ઉપયોગ. 

લતા મંગેશકરને તો આમેય રફી સાથે સીધી હરિફાઈ હતી એટલે સીધેસીધું વાંકુ ય પડતું, જેમાં સલિલના સંગીતમાં ફિલ્મ 'માયા'ના યુગલ ગીત 'તસ્વીર તેરી દિલ મેં, જીસ દિલ મેં બસાઈ હૈ...'નો કિસ્સો જાણિતો છે. ગીતના અંતરામાં 'ઝૂકે જહાં પલકેં તેરી, ખુલે જહાં ઝૂલ્ફેં તેરી...' શબ્દો રફી ઠીક ગાઈ શક્તા નહોતા અને એવું તો બને. અનેકવાર રીટૅક થયા.

સ્વયં રફી નિરાશ થવા માંડયા, ત્યારે દુશ્મન પડતો હોય ત્યારે પોતાને ગ્રેટ સાબિત કરવા લતાને ચાન્સ મળી ગયો ને ઓફર કરી, 'રફી સા'બ... આપ કહેતા હો તો હું ગાઈ બતાવું...?' બસ. કોઈ પણ કલાકારના સ્વમાનને ઝાટકો આપવા માટે આટલા શબ્દો કાફી હતા. એમાં ય, સલિલ ચૌધરી તો આમે ય લતાના ખાસ એટલે લતાનો પક્ષ લીધો એમાં વાત વધી પડી. 

ત્રણે વચ્ચે બોલવાના સંબંધો ન રહે, ત્યાં સુધી વાત પહોંચી ગઈ... ઇશ્વર કૃપાથી (અથવા ધંધાદારી ગરજથી) ત્રણેય વાત વાળી લીધી અને મોટો અનર્થ થતો રહી ગયો. અલબત્ત, આ ઘટના પછી લતા-રફી વચ્ચે કડવાશ તાઉમ્ર ઘટી નહિ, માત્ર ધંધાદારી સંબંધો જ રહ્યા. આજની ફિલમ 'દો બીઘા ઝમીન'માં ય બીજો કોઈ ગાયક ગાઈ ન શકે, એવા તીવ્ર સૂરોમાં રફીએ 'અજબ તોરી દુનિયા, હો મોરે રામા...' ગાયું છે.

'દો બીઘા ઝમીન' સમાજવાદી વિચારધારાને બળવત્તર બનાવવા માંગતી ફિલ્મ હતી. ખાસ કરીને ગ્રામ્ય ભારતમાં ચીંથરે હાલ જીંદગી બશર કરતા ખેતમજૂરોને લક્ષ્યમાં રાખીને બિમલ રૉયે આ ફિલ્મ બનાવી હતી. પોતાની જમીન છોડાવવા માત્ર રૂ. ૨૬૫/- ભેગા કરવા પોતાના ૮-૯ વર્ષના માસુમ પુત્ર સાથે શહેરમાં કાળી મજૂરી કરવા ગયેલા બાપને ચોરીના આક્ષેપ હેઠળ પબ્લિક જાહેરમાં એના દીકરાની હાજરીમાં ફટકારે છે, એ દ્દશ્યો આંખમાંથી પાણી લાવી દે તેવા છે. 

અલબત્ત, આ ઘટનાક્રમ સીધેસીધો હોલીવૂડ કે બોલીવૂડની ઘણી ફિલ્મોમાં સીધેસીધો ઉઠાવાયો છે. મહેશ ભટ્ટની ડિમ્પલ કાપડીયા-જૅકી શ્રોફની ફિલ્મ 'કાશ' માં આ જ પ્રસંગ બેઠો ઉઠાવાયો હતો. પણ આટલા નાના પુત્રના દેખાતા મજબુર પિતાને બેરહેમ માર પડતો હોય, તે કલ્પનામાત્ર ધ્રૂજાવી દેનારી છે. બિમલ રૉયે આ ફિલ્મમાં આ દ્રષ્ય ઉપરાંત પણ અનેક જગ્યાઓ ઉપર પ્રેક્ષકોને રડાવ્યા છે...

... અને, કોઇને હસાવવા કરતા રડાવવા વધુ કઠિન છે, એ આ લખનાર કરતા બીજું કોણ વધુ જાણે ?