Search This Blog

31/05/2013

'મીર્ચ મસાલા' (૮૭)

ફિલ્મ : 'મીર્ચ મસાલા' (૮૭)
નિર્માતા : રાષ્ટ્રિય ફિલ્મ વિકાસ નિગમ
દિગ્દર્શક : કેતન મહેતા 
સંગીત : રજત ધોળકીયા 
સંગીત માર્ગદર્શન : નારણભાઇ મૂલાણી (મુંબઇ) 
વાર્તા : સ્વ.ચુનીલાલ મડીયા 
રનિંગ ટાઇમ : ૧૪ રીલ્સ-૧૨૮ મિનીટ્સ 
થીયેટર : રૂપાલી (અમદાવાદ) 
કલાકારો : સ્મિતા પાટીલ, નસીરૂદ્દીન શાહ, દિપ્તિ નવલ, ઓમ પુરી, સુરેશ ઓબેરોય, બેન્જામિન ગિલાની, રાજ બબ્બર (મહેમાન કલાકાર), પરેશ રાવલ, દીના પાઠક, રત્ના પાઠક-શાહ, સુપ્રિયા પાઠક, મોહન ગોખ્ખલે, રાજુ બારોટ, અદિતી દેસાઇ, દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુરભિ શાહ, સતીશ પંડયા, સ્નેહલ લાખીયા, હરિશ પટેલ, બાબુભાઇ રાણપુરા, રવિ શર્મા, અર્ચિતા, જીજ્ઞા કે. વ્યાસ અને ઇશાની શાહ. મિર્ચ મસાલા'જેવી કોઇ ફિલ્મ બને, એ બનાવનારા માટે પડકાર અને જોનારાઓ માટે સદભાગ્ય કહેવાય. કેતન મેહતાએ આપણા જ ગુજરાતી સાહિત્યકાર સ્વ.ચુનીલાલ મડીયાની 'ડાઉન ટુ અર્થ' વાર્તા ઉપરથી આ ફિલ્મ બનાવીને આજે એના નિર્માણના ૨૫ વર્ષો પછી ય દર્શકોના મનમાં એ અસર ઊભી રાખી છે, જે પ્રેક્ષકોને વિશ્વાસ અપાવે કે, ફિલ્મો કેવળ મનોરંજનનું જ માધ્યમ નથી. ફિલ્મ જોતી વખતે અને જોયા પછી આવનારા વર્ષો સુધી ફિલ્મની અસર મનમાંથી જાય નહિ, એવી ફિલ્મો બહુ પાતળી સંખ્યામાં બને છે. કલાને નામે એવી ફિલ્મો ય આપણે ત્યાં (વિદેશી ફિલ્મોના પડછાયામાં) બની છે, જે દર્શકને ફિલ્મ જોતી વખતે મૂંઝવે રાખે. સરકારી પુરસ્કારો તો આવી ફિલ્મોને મળવાના જ છે એટલે અને સરકાર મુંઝાશે ને સમજ નહિ પડે તો પુરસ્કાર આપશે, એ સઘળો જુગાર કલાને નામ પેલી weird ફિલ્મો બનાવનારા રમે જાય છે. કંઇક બાકી રહી જતું હોય તેમ ફિલ્મ સત્યજીત રે કે મૃણાલ સેને બનાવી છે અને મોંઢું બગાડીશું, તો કૉફી-ટેબલ પર આબરૂ જશે, એટલે ગમે કે ન ગમે, આવી ફિલ્મોની ખૂબ ધીમા અવાજે, ઇગ્લિશમાં ક્રિટિક્સની લિંગોમાં આવી ઓફબીટ ફિલ્મોના વખાણ કરતા જાઓ...કૉફી-ટેબલનું બિલ બીજો ચુકવશે. 

શશી કપૂર ફિલ્મ 'કલયુગ' જેવી માસ્ટર પીસ બનાવ્યા પછી તાડુક્યો હતો, 'શેની ઓફબીટ ફિલ્મો ને શેની પેરેલલ સિનેમાઓ...? ફિલ્મો બે જ પ્રકારની હોય...સારી ફિલ્મો ને નબળી ફિલ્મો.' 

કેતન મહેતાએ સારી ફિલ્મ બનાવી છે. ઓફબીટ ફિલ્મોની વાર્તા કહેનારા દિગ્દર્શક બહુધા ફિલ્મની વાર્તા કહેવામાં પ્રેક્ષકો ઉપર પ્રયોગો કરતા હોય છે, જેની ફોર્મ્યુલા મુજબ વાર્તાનો અમુક હિસ્સો પ્રેક્ષકોએ ધારી લેવાનો-ધી એન્ડ તો ખાસ..વ્યક્ત કરતા અવ્યક્ત ઘણું બધુ ભરેલું હોય, એને સાદી ભાષામાં ઓફબીટ ફિલ્મ કહેવાય. 'શોલે' કે 'મધર ઇન્ડિયા'ની ટીકા કરનારા તમને હજી ય મળી રહેશે.. ઓફબીટ ફિલ્મોની ટીકા ન થાય. આપણને સમજ નથી પડતી, એટલું લોકો સમજી ન જાય માટે ઘણું બધું સમજી લેવું પડે છે. પણ કેતન મેહતાએ દાદીમાંની વાર્તાની સરળતાથી 'મિર્ચ મસાલા'ની વાર્તા ફિલ્મની પટ્ટી ઉપર કીધી છે, મૂળ લેખકને સહેજ પણ અન્યાય ન થાય, એનું ધ્યાન રાખીને ! આવી સરળતા ફિલ્મ 'ધી ગોડફાધર'માં જોવા મળી હતી. મારિયો પુઝોની આ જ નામની નવલકથા પરથી બનાવેલી ફિલ્મ પણ મૂળ નવલકથા જેટલી જ અસરકારક હતી. અફ કોર્સ, ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ મારિયો પૂઝોએ જ લખ્યો હતો. 

બ્રિટીશરોના રાજમાં અંગ્રેજ-સરકાર ભારતને કોઇપણ ખૂણેથી લૂંટવા માંગતી હતી. બધા તો ધોળીયા અમલદારો ક્યાંથી લાવવા. એટલે એવી જ નાલાયક પ્રકૃતિ ધરાવતા આપણા ''દેસી'' લોકોને મોટી મોટી પોસ્ટ આપી દેવાઇ હતી, એમાં એક નાનકડા ગામની સુબેદારી કરવા મોકલેલા સુબેદાર (નસીરૂદ્દીન શાહ)ને આતંક અને સ્ત્રીભૂખના જોરે ગામ પર બેફામ હુકુમત ચલાવવાનો અબાધિત પરવાનો મળી જાય છે. ફિલ્મની પ્રોટેગોનિસ્ટ ગામની યુવાન અને સુંદર સોનબાઇ (સ્મિતા પાટિલ) છે, જે તાબે થતી નથી. એના બેકાર પતિ (રાજ બબ્બર- મહેમાન કલાકાર) ને શહેરમાં નોકરી મળી જતા સોનબાઇ એકલી પડી જાય છે, છતાં એની સ્ત્રીશક્તિ એકલી પડતી નથી.. એ જાણવા છતાં કે, ગામની અન્ય સ્ત્રીઓની નિરક્ષરતાનો સઘળો લાભ સુબેદાર, તેના ૪-૫ સિપાહીઓ અને ગામના મળતીયાઓ ઉઠાવે છે, એટલે સુધી કે મુખી (સુરેશ ઓબરોય) પણ સ્ત્રીઓનો શોખિન અને સુબેદારથી ડરનારો ઘરમાં સુશીલ પત્નિ (દિપ્તિ નવલ) હોવા છતાં સુબેદારના ભયની છાયામાં રહે છે. પૂરા ગામમાં શિક્ષિત એક માત્ર માસ્તરજી (બેન્જામિન ગીલાણી) છે, જેના સ્ત્રી-શિક્ષણનો મહિમા અનેકવાર ટીચાવી નાંખે છે. ગામની અન્ય સ્ત્રીઓ મસાલાના એક નાનકડા કારખાનામાં પેટીયું કમાય છે, જેમાં સોનબાઇ પણ ખરી. એની સાથે કામ કરતા સ્વ.દીના પાઠક, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક ઉપરાંત આપણા અમદાવાદના જ સ્થાનિક કલાકારો અદિતી દેસાઇ, દિપ્તિ બ્રહ્મભટ્ટ, નાનકડી ઇશાની શાહ (હાસ્યલેખક તારક મેહતાની સુપુત્રી) ઉપરાંત અન્ય સાથીઓ છે. સુબેદાર યેન કેન પ્રકારેણ સોનબાઇને પામવામાટે એની પાછળ ઘોડેસવાર સિપાહીઓ મોકલે છે. સોનબાઇ ગભરાઇને કારખાનામાં આશરો લે છે. અલ્લાહની રહેમતોમાં દ્રઢ વિશ્વાસ રાખતા નમાઝી બુઝુર્ગ અબુ મીયા (ઓમ પુરી) એ ઠાની લીધી છે કે, પોતાના જીવના ભોગે ય એ આવા અત્યાચારનો ભોગ કોઇ અબળાને નહિ બનવા દે. એ હવેલી જેવા વિશાળ કારખાનાનો જીવના ભોગે ય એ આવા અત્યાચારનો ભોગ કોઇ અબળાને નહિ બનવા દે. વિશાળ કારખાનાનો તોતિંગ છતાં તૂટી શકે એવો દરવાજો બંધ કરી દે છે. સિપાહીઓ બહાર ઊભા ઊભા અબુ મીયાંને ધમકીઓ આપતા રહે છે. કમનસીબે સોનબાઇનું રક્ષણ કરવાને બદલે કે સ્ત્રીશક્તિને બુલંદ બનાવવાને બદલે સોનબાઇની સાથેની સ્ત્રીઓ એને સુબેદારને શરણે જવાનો ફોર્સ કરતી રહે છે. અબુ મીયાંને સહારે સોનબાઇ અડગ રહે છે. ધૂધવાયેલો સુબેદાર દરવાજો તોડીને અંદર આવે છે, એ વખતે તાજી તાજી પ્રગટ થઇ ગયેલી સ્ત્રી જાગૃતિ અને શક્તિનો પરચો એને મળી જાય છે. સોનબાઇ સુબેદાર ખત્મ કરી નાંખે છે.

આવી પ્રેરણાત્મક વાર્તા પરથી બનેલી આ ફિલ્મ એ જમાનામાં આવી હતી, જ્યારે 'રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ'આવી સારી ફિલ્મો બનાવવાના મોટા મૂડમાં હતી. એ જોનારો એક અલાયદો વર્ગ હતો. એ વર્ગ તો હજી હશે, પણ આવી ફિલ્મો નથી. અલબત્ત, નસીરૂદ્દીન શાહને મોડે મોડે આવી આર્ટ ફિલ્મો માટે નફરત થઇ ગઇ. પૈસામાં ઊંચા ગજાનું સમાધાન કરવાનું હોય ને છતાં ટિકીટબારી ઉપર તો ફિલ્મ ચાલે નહિ. પોતાની સાથેના સહુ કલાકારો જેટમાં ઊડતા હોય ને આર્ટ ફિલ્મોને વફાદાર કલાકારો ફિયાટને ય રાહદારીઓ પાસે ધક્કા મારી મારીને ચલાવતા હોય. અલબત્ત, અહી તો બાવાના બે ય બગડયા. નસીર કન્વેન્શનલ હીરો તરીકે તો ઇસ્ટ આફ્રિકાની ફિલ્મોમાં ય ચાલે એવો નથી. આર્ટ ફિલ્મોથી કંટાળીને એ અર્ચના પૂરણસિંઘ જેમાં હીરોઇન હતી તે 'જલવા' જેવી ફાલતુ ફિલ્મમાં કામ કરવા ગયો અને ભારે પછડાયો. સની દેવલ અને ચન્કી પાન્ડે સાથે 'ત્રિદેવ' ('ઓયે..ઓયે..ઓયે ઓ.વા..)' જેવી કમર્શિયલ ફિલ્મો કરી પણ એ બધામાં તો એ સહેજ પણ ન ચાલ્યો. હવે આજકાલ એ 'અ વેન્સ ડે', 'ઇશ્કીયા' કે 'ખુદા કે લિયે' જેવી ફિલ્મોમાં કામ કરે છે, એ કમર્શિયલ અને ફિલ્મોના મિશ્રણ જેવી છે. એમાં પાછો એને 'એક્ટર' પુરવાર થવાનો ફરી મોકો મળી રહ્યો છે. નસીરૂદ્દીન શાહે કેટકેટલી ફિલ્મોમાં બેનમૂન અભિનય આપ્યો છે, એની સરખામણીમાં ફાલતું ફિલ્મો એણે જવલ્લે જ લીધી છે. ફિલ્મ ભલે પાકિસ્તાનની રહી ને ભલે નસીરે ત્યાંની ફિલ્મમાં કામ કર્યું...આ ફિલ્મ બાકાયદા જોવા જેવી છે. નસીરનો રોલ એની એક્ટિંગ-એબિલિટીને વધુ પુરવાર કરે એટલો મોટો નથી, પણ નિર્ણાયક છે. ફિલ્મ તમને ગમશે. 

સાદી ભાષામાં એની ઘણી ફિલ્મોની જેમ 'મીર્ચ મસાલા'માં પણ નસીરે વિલનનો અને આર્ટ ફિલ્મોની જબાનમાં કહી એ તો 'એન્ટી હીરો'નો કિરદાર નિભાવ્યો છે. પોલાદી અવાજના માલિક નસીરનો બીજો USP એના હાવભાવ છે, જે અત્યારના હીરોલોગ માટે બજારમાં વેચવા કાઢો તો કોઇ ખરીદાર નહિ મળે. શો-કેસમાંથી ગ્રાહકો-આમાં આપણું કામ નહિ, કહીને પાછા વળી જશે. તો બીજી તરફ સ્મિતા પાટીલ આમ તો મૂળભૂત અભિનેત્રી હતી જ નહિ. એ તો મુંબઇ દૂરદર્શન પર ન્યુસરીડર હતી. પ્રોબ્લેમ રાજ બબ્બર સાથેના એના લગ્નજીવનનો હતો કે બીજો, એની ઝાઝી ખબર કોઇને નથી, પણ ખુબ વહેલી ગૂજરી ગઇ.

ફિલ્મી બેકગ્રાઉન્ડ કે ધનિક પરિવારમાંથી આવતી ન હોવાથી સાવ આપણા જેવી જ હતી. ફિલ્મી નખરા નહિ. આ ફિલ્મમાં એની સાથે કામ કર્યાની સુખદ પળો વાગોળતા અમદાવાદના અદિતી દેસાઇ કહે છે, 'ફિલ્મનો છેલ્લો જ શોટ બાકી હતો ને સ્મિતાને તરત જ ફ્લાઇટ પકડીને મુંબઇ પહોચવાનું હતું. કોઇ મોટા બેનરની ફિલ્મના શૂટિંગ માટે ! ફિલ્મ જોઇ હશે, એમને છેલ્લું દ્રષ્ય સ્મરણમાં હશે કે, બધી બહેનો એકજુટ થઇને સુબેદારની આંખોમાં મરચાની ભૂકી નાંખે છે, એ દેખતો બંધ થઇ જાય છે. અને સ્ત્રીશક્તિનો અડીખમ પરચો બતાવવા સ્મિતા યોગ્ય ક્ષણની રાહ જોઇને હાથમાં દાતરડાં સાથે શૂન્યમનસ્ક ઊભી છે. હવે પછી શું થવાનું છે (કે શું થવું જોઇએ !)'એનો અણસાર સ્મિતાએ કેવળ હાવભાવથી આપવાનો હતો, તે કેમે કરીને બંધબેસતો નહોતો. એક પછી એક રીટેક થવા માંડયા ને એની ઉતાવળને ધ્યાનમાં લઇને એ દ્રષ્ય, 'જેવું હોય એવું'ના ધોરણે ઓકે કરવામાં ન આવ્યું. સ્મિતાએ જ કીધું, 'જ્યાં સુધી શોટ પરફ્કેટ નહિ આવે, ત્યા સુધી મારે જવાનો સવાલ જ ઊભો થતો નથી.' 

અમદાવાદના જે કલાકારોએ આ ફિલ્મમાં કામ કર્યું છે, એ લોકોના રોલની લંબાઇ તો ઠીક છે, મહત્તાનો વિચાર કરવા જઇએ તો ય નારાજ થઇ જવાય એવું છે. ગુજરાતમાં આ સહુ મોટા ગજાના સ્ટેજ કલાકારો છે. ફક્ત હિંદી ફિલ્મોમાં ઓળખાય પણ નહિ, એવા દૂરના દ્રષ્યોમાં ઊભા રહેવાનું મળે, એટલે પોતાની ગરિમાનો ય વિચાર નહિ કરવાનો ? વિખ્યાત હોલીવૂડની ફિલ્મ Mackenna's Gold દિલીપ કુમારે ઠૂકરાવી એટલે ઓમર શરીફને રોલ મળ્યો. ઓફરો તો દેવ આનંદને ય હતી, પણ અહી શહેનશાહના કિરદાર કરતા હો ને ઇંગ્લિશ ફિલ્મમાં પાછળ ભાલો પકડીને ઊભા રાખી દીધા હોય, એવું ન ચલાવી લેવાય.

પણ આમાના કેટલાક કલાકારોને મળ્યો ત્યારે સરસ મજાની સ્પષ્ટતા થઇ. અહી સવાલ રોલની લંબાઇ કે મહત્તાનો નહતો. ગુજરાતની એક મહાન નવલકથાને રાષ્ટ્રીય સ્તરે હિંદી ફિલ્મદેહ મળે છે, એ આ તમામ કલાકારો માટે પોતાના ગૌરવ કરતા ય મોટી વાત હતી. વળી નસીર, સ્મિતા, ઓમ પુરી કે દિપ્તિ નવલ સરીખા કલાકારો સાથે કામ કરવાની તક મળે છે, તો આવી તક જવા ન દેવાય. શક્ય છે, અમદાવાદના આ કલાકારોને ખાસ તો આ લેવલના કલાકારોને બદલે શાહરૂખો કે સલમાનો સાથે આવું અને આટલું કામ કરવા મળ્યું હોત તો ન સ્વીકારત. અને ત્રીજું મહત્વનું કારણ ફિલ્મનો દિગ્દર્શક કેતન મેહતા ફક્ત ગુજરાતી જ નહિ, આમાંના ઘણાની સાથે ફિલ્મ ઇન્સ્ટીટયૂટમાં ભણી ચૂકેલો, એટલે દોસ્તીદાવે પણ સાથે કામ કરવાની લજ્જત અનોખી ઉપડે. નહિ તો આજે એ વાતને ૨૫-૨૫ વર્ષો પછી પણ અમદાવાદના રાજુ બારોટ, અદિતી દેસાઇ, દિપ્તિ બ્રહ્મભટ્ટ, સતિષ પંડયા, સુરભિ પટેલ, સ્નેહલ લાખીયા, જીજ્ઞા કે. વ્યાસ અને અર્ચિતા સ્ટેજ પરના મહત્વના નામો ગણાય છે. ખાસ તો સહદિગ્દર્શક તરીકે આ ફિલ્મમાં સેવા આપનાર કાબિલ સાહિત્ય અને નાટયકાર પરેશ નાયક આજે પણ આ ફિલ્મ માટે ગૌરવ અનુભવે છે. ફિલ્મની વેશભૂષા અમદાવાદના જ મીરાં અને આશિષ લાખીયાએ સંભાળી હતી. ''તારી આંખનો અફીણી..''ને અમર કરનાર સ્વર્ગસ્થ ગાયક-સંગતીકાર દિલીપ ધોળકીયાના પુત્ર રજત ધોળકીયાએ આ ફિલ્મનું સંગીત આપ્યું હતું. ખાસ મેદાન મારી જાય છે, શ્રી બાબુભાઇ રાણપુરા જેમણે ફિલ્મમાં અભિનય અને કંઠ બન્ને દ્વારા ફિલ્મને ઉચકાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. 

એ સમજો ને...'૮૦નો એક અલગ દાયકો આ NFDC વાળાઓનો હતો. એ જ અરસામાં આવી સુંદર ફિલ્મો 'ધારાવી', 'સૂરજ કા આંઠવા ઘોડા', 'પાર્ટી' અને 'જાને ભી દો યારો' જેવી અસરકારક ફિલ્મો બની હતી. જોવાની લહેર એ વાતની છે કે, આ કોલમ નિયમિત વાંચનારાઓ માટે હવે મુંબઇના શ્રી.નારાયણભાઇ મૂલાણીનું નામ નવું નથી. ફિલ્મના ટાઇટલ્સમાં સંગીત સલાહકારમાં એમને સ્પેશિયલ દરજ્જો આપવામાં આવ્યો છે. એક કારણ એ પણ ખરૂં કે, ફિલ્મમાં નસીર પગ લાંબા કરીને '૩૦ની સાલની હિંદી ફિલ્મોની જે રેકોડર્સ આપણા દેશી ગ્રામોફોન પર સાંભળે છે, તે રેકોડર્સ મૂલાણી સાહેબના ખજાનામાંથી અવતરી છે. તેઓ સ્વચ્છ ૭૮ RPM રેકોડર્સના રાષ્ટ્રવ્યાપી સંગ્રાહક હોવાને નાતે ફિલ્મમાં શુધ્ધ રેકોર્ડિંગવાળા કજ્જનબાઇનું 'ફુકત કોયલીયા..' અને રાજકુમારીના બે ગીતો ''કાહે મારી નજરીયા...'' અને ''વો ગયે નહિ હમે મિલકે..'' પણ આજના અદ્યતન રેકોર્ડીંગની બરોબરીમાં ય વધુ મીઠડાં લાગે છે. 

આપણે ગુજરાતીઓ છીએ એટલે સહેજે ય કુતુહલ થાય કે, જે લોકેશનમાં આવી સુંદર ફોટોગ્રાફીવાળી ફિલ્મ ઉતરી છે, એ ગામ ક્યું હશે ? તો રાજકોટ જતા વચમાં બા'મણબોરનું ટોલનાકું આવે છે, ત્યાં જ બાજુમાં આ નાની મોલડી નામના ગામે આખી ફિલ્મ ઉતરી છે. 

ફિલ્મમાં બતાયેલી હવેલી ગામનો દરબારગઢ છે. થોડું ઘણું શુટિંગ બાજુના ડોસલીગૂના ગામે પણ થયું છે.

29/05/2013

મેરો તો જામનગર, દૂસરો ન કોઇ !

''હંભાળીને હરખું નો રાયખું, એમાં જામનગર બગડી બઉ ગીયું. એક જમાનામાં કાઠીયાવાડનું પેરિસ ગણાતું આ શહેર અટાણે હમજો ને...અમદાવાદના ગાંધી રોડ જેવું થઇ ગીયું છે.''

હું તો કેમ જાણે અમદાવાદથી બિમાર જામનગરની ખબર કાઢવા ગયો હોઉ, એમ ત્યાંના એક અદા મને શહેરનો હેલ્થ-રિપોર્ટ આપી રહ્યા હતા. સૌરાષ્ટ્ર બાજુ ડોહા કે કાકા કે વડિલને બદલે 'અદા' કહેવાની પરંપરા છે. એમને એ ખબર ન હોય કે, તમે તો ત્યાં રહો છો, એટલે ઘર કી મૂર્ગી દાળભાત બરોબર હોય, પણ વર્ષોથી જામનગર છોડીને દૂર વસેલા મારા જેવાઓ માટે તો આજે ય આ નગર 'જામ' ભરેલું છે. જેવું છે, એવું અમારૂં છે. કબ્બુલ કે, બાઝકણી પડોસણો જેવી રીલાયન્સ કે એસ્સાર જેવી રાક્ષસી કંપનીઓ ત્યાં ફિટ થઇ હોવાથી બાળક જેવું આ નગર જરા હેબતાઇ ગયું છે, ચીચોચીચ થઇ ગયું છે....પણ પેલું કહે છે ને, 'ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી !'

રાજકોટની જેમ આ બધા ય ૧૨ થી ૪ ઘસઘસાટ ઊંઘવાવાળાઓ ! આળસ આખા સૌરાષ્ટ્રને આણામાં આવેલી છે. છતાં ય ૧૨ થી ૪ સજડબંબ બંધના પ્રતાપે સૌરાષ્ટ્રમાં ૧૨ થી ૪ ની વસ્તી ગાયબ હોય ! એ વાત જુદી છે કે, આ સમયમાં સૌરાષ્ટ્ર ઊંઘતું હોવા છતાં ભારે ઉદ્યમી હોય !

આ ખંડહરવાળી વાત એની મૂળ ઇમારતને લાગુ પડતી હશે કે નહિ, નો આઇડીયા...પણ જામનગરને આખુડી લાગુ પડે છે. એક ચક્કર શહેરનું મારો, એમાં મહુડીના મંદિરની બહાર ભૂખ્યા કૂતરાં સુખડીની રાહો જોઇને બેઠા હોય એમ અહીના હજારો મકાનો ખંડહરથી ય બિસ્માર હાલતમાં અરિહંતશરણ થવાની રાહ જોઇ રહ્યા છે. કુતુહલ એટલું જ કે, ત્યાંથી પસાર થતા આપણી વાઇફ જરા મોટેથી બોલે તો ય મકાન ભમ્મ થઇ જશે, એવી બીકો લાગે, છતાં અંદર આખા ફેમિલીના ફેમિલીઓ રહેતા હોય. કોમિક એ વાતનું કે, જામનગરના દરેક મકાનોનું નામ હોય, એમ આવા ખખડધજ મકાનના ય નામ હોય, 'શક્તિ-સદન', 'રાજ ભવન', 'રાંદલ કૃપા', 'પટેલ હવેલી' કે 'નાયરોબી-વિલા'.

આ 'વિલા'વાળા બધા નાયરોબીથી અહી જમા થયેલા. ''અમારે આફ્રિકા ને ઇંગ્લેન્ડમાં વિલાયું બવ હોય, બ્વાના...! તીયાં મોમ્બાસામાં કાઇળાંઓ અમને ધોઇળાં ગણીને લૂંટે ને અમારા ઇંગ્લેન્ડમાં ધોઇળાંવ અમને 'દેસી' ગણીને લૂંટે, બોલો !..ઇ તો આંઇ દેસમાં આઇવા, તંઇ ખબર પડી કે, દેસમાં હઉ અમને પરદેસી ગણીને માન બઉ દિયે...કે આ તો આફ્રિકાવાળા...એમને ઇંગ્લિશ બઉ આવડે...!''

અમારા સાસરાની જેમ ઇસ્ટ આફ્રિકાથી ઘણો તોતિંગ માલ જામનગરમાં ઠલવાણો હતો. વળી પાછી જરાક અમથી કળ વઇળી, એટલે એ લોકો લંડન વીયાં ગયા. આફ્રિકા જન્મારો કાઢી આવેલાઓ અમેરિકામાં સેટ થયા હોય કે ઇગ્લેન્ડમાં.... એમાંનો એકે ય ગુજરાતી યુગાન્ડા, મોમ્બાસા, નકૃરૂ, થીકા, દારે સલામ કે નાયરોબી ભૂલ્યો નથી. આજે પણ એમને ઇંગ્લેન્ડ-અમેરિકા કરતા આફ્રિકા વધુ વહાલું લાગે છે. ગુજરાતીઓ આ જ કારણે જગતભરમાં નંબર- વન છે કે જે દેશનું ખાય, એનું ખોદે તો નહિ, પણ ગૌરવ લે. કેન્યાની ભાષા સ્વાહિલીના માંડ ૮-૧૦ શબ્દો યાદ હોય, પણ ''દેસમાં'' કોઇ ત્યાંનું જૂનું મળી ગયું, એટલે એકબીજાને એ શબ્દો ફખ્તથી સંભળાવે.

ઇસ્ટ આફ્રિકાથી આવેલા ગુજરાતીઓની જેમ, અહીના કચ્છીઓ, જૈનો, ભાટીયાઓ, પટેલો, બ્રાહ્મણો અને લોહાણાઓ 'કી અયોં ?'(એટલે 'કેમ છો ?)'બોલી પૂરતા જ નહિ, દિલના ય સાંગોપાંગ કાચના શીશા જેવા સાફ માણસો છે. આપણે સામું પૂછવા જઇએ કે, ''તમને ભૂજ-ભચાઉને બદલે જામનગર સેટ થાય છે ?''તો કહે, ''અસાકેં. હતે બઉ ફાવેવ્યો આય.'' તરત યાદ આવે કે, આપણને કચ્છી તો આવડતું નથી, એટલે ઘટનાસ્થળે જ અનુવાદ કરી આપે કે, ''અમને અહીયાં બહુ ફાવી ગયું છે...''

કહે છે કે, કોલમ્બસે અમેરિકા શોધ્યું અને નીલ આર્મસ્ટ્રોન્ગે ચંદ્રની ધરતી ઉપર પહેલો પગ મૂક્યો, ત્યારે એમને જૈનોનો નવકાર મંત્ર અને મુસલમાનોની આઝાન સંભળાઇ હતી, ત્યારે આ તો જામનગર છે, ભા'આય...! અહી જૈનો અને મુસલમાનોની સંખ્યા લોહાણાઓ જેટલી જ તગડી છે. જામનગરનો અડધો વેપાર લોહાણા અને જૈનોના હાથમાં છે.

હતી એક જમાનામાં બ્રાહ્મણોની બોલબાલા...આજે નથી. જ્ઞાતિએ બ્રાહ્મણ હોય પણ બેવકૂફો હજી 'સામવેદી'અને 'યજુર્વેદી'ની સંકુચિતતામાંથી બહાર નથી આવ્યા, એટલે કચ્છીઓ કે લોહાણાઓની જેમ બ્રાહ્મણો વિકાસ ન કરી શક્યા !

ગામ થોડું કોમિક તો ખરૂં. અડધા જામનગરને 'ળ'અને 'શ'બોલતા આવડતા નથી. દેસી દુકાનોના પાટીયે-પાટીયે 'વારાઓ'કાઢ્યા હોય. વારા એટલે 'વાળા'...વજુભાઇ નહિ....આ તો ઘુઘરાવારા, મેસુબવારા, સરબતવારા....વારવારા....(એટલે વાળવાળા...!) માટલાને આ લોકો 'ગોળી' કહે છે, એટલે ''....ગોરીમાં પાણી ભયરું...?'' એમ પૂછે !

દુકાન કોઇ બી હો, ભીંત પર ભૂલ્યા વગર સ્વર્ગસ્થ પિતાનો ફૂલ ચઢાવેલો ફોટો હોય જ. ચોંકી જઇએ કે, દુકાન ખોલી એમાં ડોહો ગાયબ...? એમાંનો એક પિતો હરામ બરોબર ફોટો પડાવતી વખતે એક વારે ય હસ્યો હોય ! ફોટામાંથી બહાર આવીને એક તમાચો ઝીંકી દેશે, એવી ગ્રાહકને બીક લાગે, એવો કડક ચહેરો રાખ્યો હોય. ગલ્લે બેઠેલા એના દીકરાને પૂછીએ ત્યારે કહે, 'બાપુજી પહેલેથી જ આવા ગંભીર હતા...!'ખુલાસો થાય એ સારૂં નહિ તો પહેલી વાર દુકાને આવનારને એમ લાગે કે, આ ફોટો આમની દુકાનેથી માલ ખરીદનાર સ્વર્ગસ્થ ગ્રાહકનો ફોટો છે...!

સૌરાષ્ટ્ર જાઓ એટલે માનપાન વિશે નવું જાણવા મળે. રસ્તે કોક ઓળખિતું મળે, એટલે આપણા ખભે હાથ મૂકીને સ્માઇલો સાથે કહે, ''જોવો ભા'આય...ગામમાં તમારા હાટું જી કાંય વાતુ થાતી હોય...બાકી આપણને તમારા માટે માન છે...!'' આ વખતે આપણે પોતાની વાઇફને લઇને બજારમાં નીકળ્યા હોઇએ એમાં આપણી નજર ન હોય કે ન બોલાવવો હોય તો'ય ફૂટપાથ ક્રોસ કરીને આવે, ''કાં દવે ભા'આય...બીજું સુઉં ચાલે છે ?'' પછી વાઇફની સામે જોઇને પૂછે, ''આ મારા બેન છે ?'' હેબતાઇ જવાય કારણ કે, આપણે તો હજી પહેલાવાળું ય હરખું ન ચાલતું હોય, ત્યાં આ બીજાનું પૂછે છે. રહી વાત આપણી વાઇફ એની બહેન હોવાના ઘટસ્ફોટની, તો એમાં ત્યાં જ ઊભા ઊભા આપણને ખાટો ઘચરકો આવી જાય કે, ભૂતકાળમાં આપણા સસૂરજી ક્યાં ક્યાં ખેલ ખેલી આવ્યા હશે, એનો ખુલાસો આ ભાઇ મળ્યા ત્યારે થયો ને ? આપણી વાઇફ એની બહેન થતી હોય એટલે કુંભમેળામાં છુટા પડી ગયેલા આ બન્ને ભાઇ-બેન વર્ષો પછી મળતા હોય, ત્યારે આપણે કેવા ઢીલા થઇ જ જઇએ ?

મળનારનો મૂળ હેતુ જો કે એવો હોય કે, ભલે તમારી વાઇફ સાથે રસ્તામાં મળ્યા, પણ મારાથી ડરવાની જરૂર નથી...હું તો એને બહેન જ માનું છું.

અહી રાજકોટ-જામનગરમાં પોતાના નામની પાછળ 'ભાઇ' લગાવવાનો દસ્તુર છે. 'હું કિરીટભા'ય બોલું છું....'કે, જો ને...દવે ભા'આય મોઢું બતાવવા આઇવા'તા !''

તારી ભલી થાય ચમના...તું શેનો તારી જાતે માન ભેગું કરી લે છે ? અમારે તને 'કિરીટીયો'કહેવો કે 'દવલો'કહેવો, એનો આધાર તારા લક્ષણો ઉપર છે. બહાર ક્યાંય સાંભળ્યું, ''હું અમિતાભ ભા'આય બચ્ચન બોલું છું ?'' આ લોકો ડરતા હોય છે કે, હું મારી જાતને માન નહિ આપું, તો લોકો તો સાલા મને પર્સનલી ઓળખે જ છે....!

ભાષા કાઠીયાવાડની એટલે પિચ પડતા વાર લાગે. 'મોઢું બતાવવા' આવવાનો મતલબ, સવારે દાઢી કેવી ચકાચક કરી છે, આંયખુંમા કાયળી મેશો કેવી આંયજી છે ને હું રૂપાળો કેવો લાગું છું, એ બધો માલસામાન બતાવવા નહિ ! આ તો એમ કે, વ્યવહાર પૂરતા અમે તમારા ઘરે આવી ગયા, એટલે મોઢું બતાવી ગયા !

ઇશ્વરને આવા મોંઢા બતાવવા રોજના હજારો લોકો જામનગરના મંદિરોમાં જાય છે. ભગવાનને 'હેલ્લો-હાય'કરીને બહાર ગોઠવાઇ જાવાનું. ઘર કરતા આંઇ ઠંડા પવનું વધારે આવે, એટલે ભગવાન સુવા જાય પછી જ લોકો ઘરે જાય. અહીંના શ્રી હનુમાન મંદિરનો એક વર્લ્ડ-રેકોર્ડ છે. ૧ ઓગસ્ટ, ૧૯૬૪ના દિવસથી અહી નોનસ્ટોપ 'રામધૂન' ચાલે છે. વરસાદ હોય કે રાત્રે ૩ વાગ્યાની કાતિલ ઠંડી, ઓછામાં ઓછા ૪-૫ ભક્તો ઢોલક-હાર્મોનિયમ સાથે 'શ્રીરામ જયરામ જયજય રામ'ની ધૂન ગાતા હોય. આજ સુધી એકે ય દિવસ પડયો નથી. હું ગયા સપ્તાહે ગયો, ત્યારે ૧૭,૮૨૧ દિવસ થયા હતા.

ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે એક ફરક લાગણીનો ઝાઝો. અહીં તમને જમાડયા વગર કોઇ જાવા નો દિયે ! એમ તો આપણે અમદાવાદમાં ય કોઇને ભૂખ્યા જવા ન દઇએ.....પણ એ તો સવારનું કાંઇ વધ્યું-ઘટયું હોય તો જ...!

સિક્સર

ક્રિકેટર શ્રીસંત મોઢું ખોલશે તો ઘણા હણાઇ જશે.
'મરવાની અણી ઉપર છું, છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો, આ પડખું ફર્યો, લે !'

26/05/2013

ઍનકાઉન્ટર 26-05-2012

* હાથે મૂકેલી મેંહદીનો કલર સારો આવે તો એવું મનાય છે કે, એ સ્ત્રીને એનો પતિ ખૂબ પ્રેમ કરે છે... તમે માનો છો ?

- એ મેંહદી સ્ત્રીના વાળમાં મૂકાઈ હોય છતાં ગોરધન એનો એ જ ટકી રહ્યો હોય તો માનું કે, પતિ પ્રેમીલો છે.
(રાજેશ વી. શુકલ, ભરૂચ)

* શ્રેષ્ઠ પત્રલેખક મહાત્મા ગાંધી હયાત હોત તો 'ઍનકાઉન્ટર'માં સવાલ પૂછત ખરા ?
- તેઓ હિંસાથી સદા ય દૂર હતા.
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* બ્રશ કરતી વખતે અરીસામાં દાંતને બદલે ચેહરો કેમ જોવાય છે?
- પેલું એકમાં પતે... ને દાંત માટે ૩૨-રાઉન્ડ મારવા પડે !
(સિધ્ધાર્થ એન. શેઠ, જામનગર)

* દર વખતે તમે, 'તારી ભલી થાય ચમના...' કહો છો... તો 'ચમની'એ તમારૂં કાંઈ બગાડયું છે ?
- ચમનીનું સુધરે તો ચમનાનું ભલું ક્યાંથી થવાનું છે?
(પ્રમોદ સિંઘલ, આબુરોડ-રાજસ્થાન)

* રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારોમાં નેહરૂ, ઈંદિરા, મોતીલાલ કે પાપા રાજીવ ગાંધીના બલિદાનોના થાળીવાજાં વગાડે છે... પણ રાહુલનું પોતાનું શું ?
- આપણે ઇચ્છીએ કે, રાહુલ બાબાને ક્યારે ય બલિદાન ન આપવું પડે... એમને તો બલિદાનો માંગવાના હોય!
(જીતેન્દ્ર રામભાઈ પટેલ, ઊંઝા)

* તમે એક મહિના માટે દિલ્હીના પોલીસ-કમિશ્નર બનો તો?
- બીજા મહિનાથી ટીવી-ન્યૂઝમાં ચમકવાનું ચાલુ !
(જયેશ અંતાણી, ભાવનગર)

* હું ૧૭-વર્ષની છું, પણ દુષ્ટ લોકોને જોઈને એમ થાય છે કે, સંસાર છોડીને વૈરાગ્ય લઈ લઉં... સુઉં કિયો છો ?
- એક વખત આવી જાહેરાત મેં પણ કરી હતી... પણ એ સાંભળીને, અગાઉ વૈરાગ્ય લઈ ચૂકેલા દૂષ્ટો ડઘાઈને સંસારમાં પાછા આવી ગયેલા... !
(વૃત્તિ અધ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)

* સમાજમાં માણસાઈ ઓછી થતી જાય છે ને બીજી બાજુ Being Human ના ટી-શર્ટો પહેરવાનો મહિમા કેમ જાગ્યો છે ?
- આવા ટી-શર્ટો પહેરનારાઓ સ્ત્રીને જુએ ત્યારે ''Hu '' ઉપર હાથ મૂકી દે છે... !
(મિલિન્દ એમ. કેળકર, વાસદ)

* લગ્નમંડપમાં કન્યાને પાનેતર પહેરવું ફરજીયાત હોય છે, વર માટે કેમ નહિ ?
- વરથી એવું એવું ના પહેરાય... બા ખીજાય !
(નલિન ત્રિવેદી, જામનગર)

* સાંભળ્યું છે કે, તમે અને શાહરૂખ ખાન લંગોટીયા મિત્રો હતા... !
- હશે, પણ હું તો લંગોટ પહેરતો હતો... !
(ઉત્સવ, રાજકોટ)

* ભારતીય નારીની સાચી ઓળખાણ કઈ ?
- 'ભારતીય' હોવું, એ જ વિશ્વની સર્વોત્તમ ઓળખાણ છે.
(ઝૂબૈદા યુ. પૂનાવાલા, કડી)

* કેટલાક લોકો કહે છે, મોબાઈલથી પકડાઈ જવાય પણ જુઠ્ઠું બોલીને છુટી જવાય છે. શું કરવું ?
- મોબાઈલ પકડીને જુઠ્ઠું બોલવું.
(ઓમ/ફાલ્ગુની/હરિણી/કેદાર/હૅરિક દવે, જૂનાગઢ)

* શ્રી ગણપતિની પૂજા કરીએ તો ભગવાન શંકર પ્રસન્ન થાય, પણ શંકરની પૂજા કરવાથી ગણેશજી પ્રસન્ન થાય ખરા ?
- તમામ દેવોમાં બાપ-દીકરાનો આ એક જ સૅટ આપણી પાસે પડયો છે... ગમે તેની પૂજા કરો, બન્ને પ્રસન્ન !
(દીપા કતીરા, ભૂજ)

* નાનપણથી વૃદ્ધાવસ્થા સુધી સાથ આપે એવી ચીજ કઈ ?
- નગરપાલિકા.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* આજે માનવ પોતે સુખી હોવા છતાં, પોતાના કરતા બીજાને વધારે સુખી કેમ માને છે ?
- આપણા ઘરના પગલૂછણીયા કરતા બાજુવાળાના પગલૂછણીયા ઉપર પગ વધારે સારા લૂછાય છે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રી મહાદેવજી... ત્રણેમાંથી પરમ શ્રેષ્ઠ કોણ ?
- મારે તો હમણાં મહાદેવજી સાથે જરા હટી ગઈ છે... મારાથી હમણાં કાંઈ ન બોલાય !
(મોના જે. સોતા, મુંબઈ)

* ગયા 'વેલેન્ટાઈન-ડે'ના દિવસે તમે તમારી વાઈફને શું ભેટ આપી હતી ?
- દિવસે નહિ...
(હકીમ હુસેન સવઈ, મુંબઈ)

* જંગલી પ્રાણીઓ જંગલ છોડીને હવે શહેર તરફ કેમ આવવા માંડયા છે ?
- તમે ક્યાં રહો છો ?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* તમારે પત્ની સાથે ઝગડો થાય ખરો ?
- એનો આધાર એ કોની પત્ની છે, એની ઉપર છે.
(રૂપા કોઠારી, જસદણ)

* એસ.ટી. બસમાં સીનિયર સિટિઝનો માટે કન્સેશન કેમ નહિ ?
- સીનિયર સિટિઝનો જાણે છે... મરેલીને શું મારવી ?
(ઈન્દ્રવદન આર. પંડયા, હરસોલ)

* તમારા પત્ની અને ડિમ્પલ કાપડીયા વચ્ચે સૌંદર્યનો તાજ પહેરાવવાનો હોય તો તમે કોને પસંદ કરો ?
- અફ કોર્સ, પત્નીને જ! સની દેવલ ડંડો લઈને ફરી વળે, એવી બીક તો નહિ !
(લતા પટેલ, મહેસાણા)

* તમે જીંદગીથી ધરાઈ જાઓ ત્યારે શું કરો છો ?
- તરસ્યાઓના જવાબો આપું છું.
(પંકજ દફતરી, રાજકોટ)

* જે ઘરમાં પુત્રવધૂ દીકરી બનીને રહે ને સાસુ વહુને દીકરીની જેમ રાખે, એ ઘરમાં પ્રભુ પ્રસન્ન રહે. સુઉં કિયો છો ?
- પ્રભુને ફ્રી-ઑફ-ચાર્જ રાખવાના ને... ?
(જગદિશ ઠક્કર, મુંબઈ)

* વાણીયાઓ વિશે આપનો શું અભિપ્રાય છે ?
- જૈન અને વૈષ્ણવ... બન્ને વાણીયાઓ ગુજરાતની પ્રથમ પાંચ જ્ઞાતિઓમાં બીજા અને ત્રીજા નંબરે આવે !
(આસ્થા ભાવિન કોઠારી, રાજકોટ)

* તમે ફૅસબુક પર કેમ નથી ?
- ચૅકબૂક પરે ય નથી.
(દૂરવેશ યુ. કાસિમ, ગોધરા)

* બુદ્ધિમાન શ્રીમંત બની શકે છે, પણ શ્રીમંત પૈસાથી બુદ્ધિમાન બની શકતો નથી. સાચું ?
- પૈસો આવી ગયા પછી બુદ્ધિની જરૂર જ ક્યાં છે ?
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

24/05/2013

ઓરિજીનલ શોલે કેવું હતું?

અસલી શોલેમાં ગબ્બરસિંઘ મરી જાય છે

ફિલ્મ : 'શોલે'('૭૫) ૭૦ MM
નિર્માતા : જી. પી. સિપ્પી
દિગ્દર્શક : રમેશ સિપ્પી
સંગીત : રાહુલદેવ બર્મન
ગીતકાર : આનંદ બક્ષી
રનિંગ ટાઈમ : મૂળ લંબાઈ ૨૦૪
મિનીટ્સ સુધારેલી લંબાઈ ૧૮૮ મિનીટ્સ
થીયેટર : રૂપાલી (અમદાવાદ)

કલાકારો : અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવકુમાર, હેમા માલિની, જયા ભાદુરી, અમજદ ખાન, એ. કે. હંગલ, અસરાની, જગદીપ, સત્યેન કપ્પૂ, અરવિંદ જોશી, શરદ કુમાર, ઈફ્તિખાર, પી. જયરાજ, મેકમોહન, વિજુ ખોટે, ગીતા સિદ્ધાર્થ, માસ્ટર અલંકાર જોશી, લીલા મિશ્રા, વિકાસ આનંદ, બિરબલ, કેશ્ટો મુકર્જી, સચિન, મેજર આનંદ, બિહારી, ભગવાન સિન્હા, જેરી, ભાનુમતિ, મુસ્તાક મર્ચન્ટ, મામાજી, રાજકિશોર, હબીબ, જલાલ આગા, રાજન કપૂર, કેદાર સહગલ, ઓમ શિવપુરી અને હેલન.

***
ગીતો :
૧. કોઈ હસિના જબ રૂઠ જાતી હૈ તો એક, દો, તીન હો જાતી હૈ કિશોર-હેમા માલિની
૨. હોલી કે રંગ જબ ખીલ જાતે હૈ, રંગો મે લતા-કિશોર કુમાર
૩. યે દોસ્તી હમ નહિ છોડેંગે, છોડેંગે દમ અગર તેરા સાથ મન્ના ડે, કિશોર
૪. મેહબૂબા મેહબૂબા, ગુલશન મેં ફૂલ ખીલતે હૈં પંચમ (આર.ડી.)
૫. આ જબ તક હૈ જાન, જાને જહાં મૈં નાચૂંગી લતા મંગેશકર
૬. આ શરૂ હોતા હૈ ફિર બાતોં કા મૌસમ મન્ના ડે, કિશોર, ભૂપેન્દ્ર, આનંદ બક્ષી
૭. તૂને યે ક્યા કિયા, બેવફા બન ગયા, વાદા તોડ કે કિશોર કુમાર
(ગીત નં. ૬ ઓરિજીનલ પ્રિન્ટમાં ય લેવાયું નહોતું. ફક્ત તેની રેકોર્ડ બની હતી.)
***
ફિલ્મ 'શોલે'ની અસલી પ્રિન્ટ જોવા મળી, એ પહેલા યૂ-ટયૂબ પર અસલી 'શોલે'માં હતા, એ દ્રષ્યો જોઈ લીધા હતા, જેમ કે મૂળ ફિલ્મમાં ઠાકૂર (સંજીવકુમાર) ગબ્બરસિંઘ (અમજદ ખાન)ને મારી નાંખે છે. ઈમામ સાહેબના પુત્ર આહમદ (સચિન)ની હત્યા ગબ્બર બહુ ક્રૂર રીતે કરે છે કે ગબ્બરને મારવાના પ્લાનરૂપે ઠાકૂર એના બુઢ્ઢા નોકર (સત્યેન કપ્પૂ) પાસે જૂતાંની નીચે ખીલ્લા નંખાવે છે... વગેરે વગેરે. એટલે એવી અસલી આખી ફિલ્મની ડીવીડી જોવા મળી, એટલે ૩૭ વર્ષો પહેલાનું રૂપાલી થીયેટર યાદ આવ્યું, જ્યારે પહેલા આખા વીકમાં થીયેટર ઉપર કાગડા ઊડતા હતા. ત્યાં સુધી અમદાવાદ જ નહિ, આખા દેશમાં મોટા ભાગના પ્રેક્ષકોને પહેલા સપ્તાહમાં રામ જાણે કેમ, પણ આ ફિલ્મ ખાસ ગમી નહોતી. હવા ધીરે ધીરે જામવા માંડી અને પછી એવી જામી કે ભારતમાં બનેલી કોઈપણ ફિલ્મ કરતા આ ફિલ્મ સર્વોત્તમ સોપાને પહોંચી ગઈ. આજ સુધી આટલી સફળ એકે ય ફિલ્મ ભારતમાં બની નથી.

મુંબઈના એકલા મિનર્વા થીયેટરમાં જ આ ફિલ્મ સળંગ પાંચ વર્ષ ચાલી. ભારતના સેન્સર બોર્ડને વાંધો હતો ગબ્બરસિંઘ મરી જાય એમાં. નીતિમત્તાના ધોરણો જાળવવા ઠાકૂર કાયદો હાથમાં લઈને ગબ્બરને ખતમ કરી નાંખે, એ મંજુર નહોતું. સચિનને મારી ભલે નાંખો, પણ કેવી રીતે માર્યો, એ ન બતાવો. સિપ્પીઓને એ દ્રશ્યો નવેસરથી શૂટ કરીને વાર્તામાં થોડો બદલાવ લાવવો પડયો, જે આપણે '૭૫ની સાલમાં જોયો હતો. આમ તો અસલી ફિલ્મને મરોડવામાં આવી, તેથી પ્રેક્ષકોના રસને ખાસ કોઈ અસર થઈ નહોતી. એક જીવ બળી જાય, મૂળ ફિલ્મની વાર્તા મુજબ, સંજીવ કુમાર, અમજદ ખાનને મારી નાંખે છે (પોતાના પગોથી કૂચલીને) એ પછી સંજીવનો સાયલન્ટ અભિનય કોઈ મોટા કલાસનો હતો. પોતાના પરિવારને ક્રૂરતાથી રહેંસી નાંખનાર ગબ્બરને ફક્ત પોતાના હાથે (હાથ તો ગબ્બરે કાપી નાંખ્યા હતા, એટલે પોતાના પગે) કૂચલી કૂચલીને મારી નાંખવાનો મનસૂબો પોતાના અને રામગઢના જાનના જોખમે રાખનાર સંજીવના હાથમાં એટલે કે પગમાં છેવટે અમજદ આવે છે, ત્યારે એ જ મનસૂબો પાર પાડવાની તો ખુશી થવી જોઈતી હતી ઠાકૂરને... થઈ હશે, પણ એ મકસદ પૂરો થઈ ગયા પછી એમના જીવનમાં કાંઈ બાકી જ ન રહ્યું, એનો વિષાદ કે પૂર્ણ સંતોષ આવી ગયા પછી સંજીવનો વગર સંવાદે કેવળ હાવભાવથી જે અભિનય કર્યો છે, તે થોડી ક્ષણોને કારણે જ કદાચ જાણકારો સંજીવને ભારતના પ્રથમ પાંચ ટોપ એક્ટરોમાં મૂક્તા હશે.

અભિનયને સમજતા વિદ્વાનોના મતે ફિલ્મમાં ટુંકો પણ સર્વોત્તમ અભિનય બુઝુર્ગ સ્વ. અવતાર કિશન હંગલે આપ્યો છે. 'યે ઈતના સન્નાટા ક્યું હૈ, ભાઈ?' આ એક નાનકડા સંવાદે હંગલને દેશભરમાં ખ્યાતિ અપાવી. તો બીજી બાજુ, ફિલ્મમાં જેમના ચેહરા પણ ભાગ્યે જ દેખાય છે, તેવા મેકમોહન (સામ્ભા) અને વિજુ ખોટે (કાલીયા) એમના પાત્રોને કારણે જગમશહૂર થઈ ગયા. માહૌલ મુજબ, હવે જેમને 'થ્રી ઈડિયટ્સ' વાળા શર્મન જોશીના ફાધર તરીકે ઓળખવા પડે, તે અરવિંદ જોશીથી ઊંચું નામ ગુજરાતી તખ્તા ઉપર બસ, કોઈ બે-ચાર કલાકારોનું માંડ હશે, એવા ઊંચા ગજાના આ કલાકારે જસ્ટ બીકોઝ... હિંદી ફિલ્મમાં ચમકવા મળે છે, માટે તો આવો સ્તર વગરનો રોલ નહિ સ્વીકાર્યો હોય. સાલું ભારતીય લશ્કરમાં તમે સરસેનાપતિ હો અને અમેરિકન લશ્કરમાં તમને ખૂણામાં ભાલો પકડાવીને ઊભા કરી દે, એમાં પ્રતિષ્ઠા આપણી જાય... કારણ ગમે તે આપો!

આજે તો ભારતની આજ સુધીની તમામ ફિલ્મોના એક માત્ર સર્વશ્રેષ્ઠ હીરો તરીકે જેની ગણના થાય છે, એ અમિતાભ બચ્ચને પણ આ ફિલ્મમાં 'જય'નો રોલ મેળવવા કાવાદાવા અને રાજકારણ ખેલવું પડયું હતું, કારણ કે, જયનો એ રોલ મૂળ તો શત્રુધ્ન સિન્હાને મળવાનો હતો, પણ અમિતાભે રમેશ સિપ્પીને ખૂબ સમજાવ્યા કે, કઈ કઈ રીતે આ રોલ કરવા માટે હું પરફેક્ટ છું, એ પછી શત્રુભ'ઈ ખામોશ થઈ ગયા.

આવી રમુજ 'કિસ ગાંવ કા હૈ ટાંગા, બસન્તી...'વાળા વીરૂ ઉર્ફે ધર્મેન્દ્રને પણ થઈ હતી. ફિલ્મની વાર્તા સાંભળ્યા પછી ઠાકૂર બલદેવસિંહવાળો રોલ કોઈપણ હિસાબે એને જોઈતો હતો, પણ સિપ્પીએ સમજાવ્યો કે, '... તો પછી વીરૂવાળો રોલ સંજીવ કુમારને આપવો પડશે ને હીરોઈન હેમા માલિની સંજીવ લઈ જશે.' ધરમો તાબડતોબ સમજી ગયો કારણ કે ખતરો હતો. સંજીવ કુમારે ઉઘાડે છોગ હેમા માલિની માં જયા ચક્રવર્તિ પાસે હેમાનો હાથ માંગ્યો હતો અને ભાઈ લટ્ટુ પણ ઘણા હતા. ધરમાએ તાત્કાલિક પ્રવાહ બદલી નાંખ્યો અને ડાહ્યો થઈને ચૂપચાપ વીરૂ બની ગયો. ફિલ્મના અંતે નાળા ઉપરના બ્રીજ પાસેના શૂટિંગ વખતે એક ગમખ્વાર ઘટના બનતા બનતા સહેજમાં રહી ગઈ. ધર્મેન્દ્રની પિસ્તોલમાંથી અચાનક છુટેલી ગોળી અમિતાભને સહેજમાં વાગતી રહી ગઈ.

સંજીવ બદનામ પણ ખૂબ થયો, 'શોલે'ના નિર્માણ દરમ્યાન. ફિલ્મનું શૂટિંગ બેંગાલૂરૂ પાસેના 'રામનગરમ' ખાતે ચાલતું હતું, જ્યાં સિપ્પીએ આખા ગામનો તોતિંગ ખર્ચે સેટ ઊભો કર્યો હતો. સહુ જાણે છે કે, અમિતાભ ઘડિયાળના કાંટે શૂટિંગ પર પહોંચી જાય ને સહુ એ પણ જાણે છે કે, શૂટિંગના સમયને સંજીવ સાથે કોઈ લેવાદેવા નહિ. એ મોડો જ આવે. અને મોડો એટલે ઘણો મોડો. આખું યુનિટ સવારે ૭ વાગે તૈયાર હોય ત્યારે હરિભાઈ ૧૨ વાગે તો હોટેલ પરથી નીકળે. વિવાદ ટાળવા સિપ્પીએ સંજીવનો રોજનો સમય જ ૧૨ પછીનો કરી નાંખ્યો. વિખ્યાત પત્રકાર શોભા ડે દેખાવમાં તો આજે ય સેક્સી લાગે છે. હરિભાઈ ચિક્કાર પીને એની ઉપર વધુ પડતા આસક્ત થઈ ગયા અને હોટેલમાં પોતાની રૂમમાં બોલાવીને જબરદસ્તી શરૂ કરી દીધી. આ વાત શોભાએ પોતે માન્ય મેગેઝિનમાં લખી છે કે, 'હૂ મારં રક્ષણ કરવા પૂરતી સશક્ત અને સંજીવ ચિક્કાર પીધેલો ન હોત તો... પછી શું થયું હોત, તે ધારણાનો વિષય છે.' આખી ફિલ્મમાં હેમા માલિની સાથે સંજીવ કુમારનું એક પણ દ્રશ્ય નથી. હેમા પાછળ આદુ ખાઈને પડેલા સંજીવનું મોઢું પણ જોવા એ માંગતી ન હોવાથી ફિલ્મની વાર્તામાં એ બન્નેને એક દ્રષ્યમાં ભેગા જ કરવામાં આવ્યા નહિ.

ગબ્બરસિંઘનો રોલ પહેલો ડેની ડેન્ઝોંગ્પાને સોંપાયો હતો, પણ ડેની ફીરોઝખાનની ફિલ્મ 'ધર્માત્મા'ના શૂટિંગ માટે અફઘાનિસ્તાનમાં બિઝી હતો, એટલે ફિલ્મ સ્વીકારી ન શકયો ને રોલ અમજદ ખાનને મળ્યો. જોકે, ફિલ્મના જોડીયા વાર્તા લેખકો પૈકીના (સલીમ) જાવેદને અમજદનો અવાજ ગબ્બર માટે ફિટ નહિ પણ પાતળો લાગતો હતો ને એમણે સિપ્પીને, અમજદને બદલી નાંખવાની ભલામણ કરી, જે સ્વીકારાઈ નહિ. ઠાકૂરની હવેલી પાસે ખડક પર ઊભા ઊભા બંદૂક ફોડતો યુવાન શરદકુમાર છે, જે તનૂજાની સામે ફિલ્મ 'પૈસા યા પ્યાર'માં સેકન્ડ હીરો હતો. 'દો લબ્ઝો કી હૈ, દિલ કી કહાની'ના અમિતાભવાળા ગીતમાં ફ્રેન્ચ ભાષામાં ''આ મોરે મીયો...'' પણ શરદે ગાયું છે. આ પાનાં ઉપર 'શોલે'ના ગીતોની યાદીમાં છઠ્ઠું ગીત કવ્વાલી હતી, પણ ફિલ્મની લંબાઈ વધી જતા, કાઢી નાંખવામાં આવ્યું. સુરમા ભોપાલીનો રોલ વાસ્તવિક્તામાં લેખક સલિમે તેના એક ઓળખીતા વેપારી ઉપરથી ઘડયો હતો. કોમેડિયન જગદીપને એ વ્યક્તિની બોલચાલ અને હાવભાવનો છાનોમાનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું, તે કર્યું તો ખરું, પણ ફિલ્મ રીલિઝ થયા પછી પેલો અસલી વેપારી બગડયો હતો, કારણ કે મૂળ તો એ ફોરેસ્ટ ઓફિસર હતો પણ ફિલ્મમાં સુરમા ભોપાલીને લાકડાકાપુ ઠેકેદાર જેવો બનાવાયો હતો, એમાં પેલો ગીન્નાયો હતો. લેખક સલિમ આમ તો સલમાન ખાનના ફાધર તરીકે વધુ ઓળખાય છે, પણ 'શોલે'ના જય અને વીરૂ સલિમના કોલેજકાળના બે દોસ્તોના વાસ્તવિક નામો છે, 'જયસિંઘરાવ કાલેવર' જે ખેતરમાં શાકભાજી ઉગાડતો ખેડૂત હતો અને બીજો ઈન્દોરની ખજરાણા કોઠીના જાગીરદારનો છોકરો વિરેન્દ્રસિંઘ બિયાસ હતો. એ બન્ને આજે તો મૃત્યુ પામ્યા છે. આમ તો બધાને ખબર છે કે, સલમાન ખાનની માતા સલમા મૂળ હિંદુ છે. તેના પિતા ઠાકૂર બલદેવસિંઘના અસલી નામ પરથી સંજીવકુમારનું નામ ઠાકુર બલદેવસિંઘ રાખવામાં આવ્યું છે. આજે પણ સલિમ ખાનના આ સસુરજીનું દાંતનું દવાખાનું મુંબઈના માહિમમાં છે.

હેમા માલિનીની 'મૌસી' બનતી લીલા મિશ્રા સાથે, 'અરે, મૌસી, અબ આપકો કૈસે સમઝાઉં...' વાળી આખી સીચ્યૂએશન વાસ્તવમાં બનેલી છે અને તે પણ સલિમ-જાવેદ સાથે જ. જાવેદ હની ઈરાનીના પ્રેમમાં હતો, જે પારસી છે. તેની મમ્મીને વાત કરવા જાવેદે સલીમને મોકલ્યો હતો ને સલીમે પૂરો ભાંગડો વાટી નાંખ્યો... જેમ અમિતાભ ધરમના વખાણ કરવાને બદલે મજાક-મજાકમાં બદનામ કરી નાંખે છે.

એવી જ રીતે, ફિલ્મમાં ટ્રેનની જે સીકવન્સ છે તે મુંબઈ-પૂણે લાઈન પર પનવેલ જતા શૂટ કરવામાં આવી હતી, જેના શૂટિંગમાં ૨૦ દિવસ ગયા હતા.

ક્યાંક દિગ્દર્શકનું બેધ્યાન પણ તરત નજરે ચઢે એવું છે. સંજીવ કુમાર વેકેશનમાં ઘેર પાછો આવે છે, ત્યારે પરિવારની પાંચ લાશો પડી હોય છે, એમાં સૌથી નાના બાળક (માસ્ટર અલંકાર)ના શબ ઢાંકેલા શબ પરથી કપડું ખસેડે છે, જે પવનમાં દૂર ફંગોળાઈ જાય છે. તરતના દ્રષ્યમાં એ કપડું બાળકના મોંઢે સલામત ગોઠવાઈ જાય છે. એવી જ રીતે, બસંતી ભગવાન શંકરના મંદિરે ચાલતી આવે છે, પણ પાછી પોતાના ટાંગામાં જાય છે. જલ્દી માનવામાં નહિ આવે, પણ આવી ઉત્તમ ફિલ્મ બનવા છતાં 'શોલે'ને ફક્ત એક જ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને તે પણ એડિટીંગ માટેનો. મોટા ભાગના એવોડર્સ યશ ચોપરાની ફિલ્મ 'દીવાર' લઈ ગઈ હતી, જે અમદાવાદના અલંકાર સિનેમામાં આવ્યું હતું. નટરાજમાં સંજીવ-સુચિત્રા સેનનું 'આંધી', શ્રી કે શિવમાં ઉત્તમ કુમારનું 'અમાનુષ', નોવેલ્ટીમા આ જ અમિતાભ ધર્મેન્દ્રનું 'ચુપકે ચુપકે', મોડેલમાં રાજ કપૂરનું 'ધરમ-કરમ', એલ.એન.માં ફિરોઝ ખાનનું 'કાલા સોના', કૃષ્ણમાં અમિતાભ-જયાનુ 'મિલી', અશોકમાં મૌસમી ચેટર્જીનું 'નાટક', પ્રકાશમાં વિનોદ ખન્ના, લીના ચંદાવરકરનું 'કૈદ', રૂપમમાં મનોજકુમારનું 'સન્યાસી', રીગલમાં અમિતાભ-સાયરા બાનુનું 'ઝમીર' અને દેવ આનંદનું 'વોરન્ટ' લાઈટ હાઉલમાં ચાલતું હતું.

આનંદ બક્ષીને આટલી મોટી ફિલ્મ મળી હોવા છતાં આજ સુધી ન લખ્યા હોય એવા એક પછી એક ઘટીયા ગીતો 'શોલે'માં લખ્યા. કમનસીબે આજ ફિલ્મ 'શોલે'થી રાહુલદેવ બર્મનના વળતા પાણી શરૂ થયા. આખી ફિલ્મમાંથી એના ગીતો સિવાય અન્ય ભાગ્યે જ કોઈ ટીકા કરી શકાય એવું હતું. સિપ્પીની એ પછીની 'શાન'માં ય પંચમ નિષ્ફળ ગયો. 'સાગર'નું એકાદું ગીત લોકોને ગમ્યું. આ જ ફિલ્મમાં ધર્મેન્દ્ર હેમા માલિનીને બાહુપાશમાં વારંવાર લેવા મળે, એટલે ઝાડ પરથી ફળ તોડવા બંદૂક ફોડવાના દ્રષ્યો વખતે ધરમે યુનિટના કોઈ માણસને ફોડીને વારંવાર એ શોટ લેવડાવ્યો, જેમાં બન્ને પડી જાય છે, એકબીજાની ઉપર! આ જ ફિલ્મ બનતી હતી તે વખતે બચ્ચનપુત્રી શ્વેતા જયાના પેટમાં હતી, એટલે એવા પેટે જયા શોટ ન આપી શકે એ માટે પણ વાર્તામાં ઝીણકા ઝીણકા ફેરફારો કરવામાં આવ્યા હતા. 

22/05/2013

પુસ્તકોની પ્રસ્તાવનાઓમાં ઊભા થતા કોમેડી મુદ્દા

હમણાં એક પ્રસ્તાવના વાંચતા વાંચતા હું ઊભો થઇ ગયો. ચોંકવાનું આવે ત્યારે ઊભા થઇ જવાની આપણી હૉબી! લગ્નના ફેરા મેં ઊભા ઊભા ફર્યા હતા. લેખકે એમાં લખ્યું હતું, ''આ પુસ્તક પ્રકાશિત કરવામાં મને અનન્ય સહકાર આપનાર વડીલ શ્રી ચીમન ગગનને તો કેમ ભૂલાય?''

સાલો ટેન્શનમાં હું આવી ગયો કે, આ ચીનીયો કોઇ એવી હસ્તિ છે જેને લેખક ભૂલવા માંગે છે પણ ભૂલવાનો રસ્તો મળતો નથી. શક્ય હોય તો એક ભલા વાચક તરીકે મારે એને રસ્તો બતાવવાનો છે. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને, એણે સીધું વાચકો પાસે જ માર્ગદર્શન માંગી લીધું છે કે, ''...ચીમન ગગનને તો કેમ ભૂલાય?''

લેખકે ચીનીયાનો આપણી પાસે બળાપો કાઢયો છે કે માર્ગદર્શન માંગ્યું છે, એની સમજ પડતી નહોતી. એના શબ્દો બહુ કરૂણ હતા કે, ''... શ્રી ચીમન ગગનને તો કેમ ભૂલાય?'' મને પ્રારંભિક આઇડિયો એવો આવ્યો કે, કરૂણ શબ્દોમાં લેખકને પત્ર લખું કે, 'આવા સંજોગોમાં નોર્મલી ફિલ્મની હીરોઇનો મકાનની ટેરેસ પર જઇ ચંદાને, તારાઓને, કાળમીંઢ રાતને કે હવાઓ પાસે માર્ગદર્શન માંગે છે કે, હું નથ્થુને કેમ ભૂલી શકતી નથી. તમે બધા માર્ગદર્શન આલો...'' તારા મકાનમાં ધાબું ન હોય તો ફ્લેટની બારીમાંથી ચંદ્રને જોઇને પૂછી લેવાનું, ''ચીમન ગગનને ભૂલવાનો કોઇ આઇડીયો પડયો હોય તો બતલાવો..''

લેખકની બીજી મજબુરી એ હોઇ શકે કે, એ ચીનીયાથી ઘણો દબાયેલો હોય ને સાચ્ચે જ આ પુસ્તક છપાવી આલવામા ચીનીયાએ પ્રકાશક સાથે ઘણા હાંધા-હલાડા કર્યા હોય. કયો પ્રકાશક કવિ- લેખકને સીધેસીધો ચા-પાણી માટે બોલાવે છે?  ચીનીયો વચમાં આયો હશે, એટલે આ ફફડયો છે કે, ચીમન ગગનને ભૂલવો જરૂરી છે, પણ શક્ય નથી, એટલે લાયને.. મેં 'કુ.. વાચકોને પૂછી જોઇએ!... હું નહિ ભૂલું ને ચીનીયો મને યાદ રાખશે તો મારૂં આગામી પુસ્તક મારી શ્રદ્ધાંજલિનું ય નહિ હોય! માટે પુસ્તક પ્રકાશનના આનંદ કરતા ચીનીયાને ભૂલવાનો રંજોગમ એને વધુ સતાવે છે! પહેલા ઘામાંથી હું બહાર નથી આવ્યો ત્યાં બીજો માર્યો. વાત એકલા ચીનીયાથી પતતી નથી. ઘરના રેશન-કાર્ડના નામો લખાવતો હોય એમ આભારના લિસ્ટમાં એણે બીજા ૧૭-૧૮ નામો લખાવ્યા છે. પહેલા આપણને થોડી રાહત રહે કે, એનું પુસ્તક વાંચીને મરી ગયેલાઓનું આ લિસ્ટ લાગે છે. એવી ય ગોઠવણ હોય કે, સાહિત્યમાંથી જેને જેને ઉડાડવા હોય, એ સહુના નામો લેખકના આગામી પુસ્તક પહેલાં મોકલી દેવા, પ્રસ્તાવનામાં લેખક એમની યાદી પ્રસ્તુત કરે, તો સમાચાર સારા ય આવે... આ તો એક વાત થાય છે!

એ તો ત્રીજી લિટીમાં ખબર પડે કે, પ્રસ્તુત યાદી મુજબના શખ્સોએ જ આવડા આને નિસરણી આલી'તી! પૉસિબલ છે, એમાંનો એક... આ લખવા બેઠો હોય ત્યારે એક બાજુથી કોરા કાગળીયા વીણવા ગયો હોય, જેથી સર્જકશ્રી લખી શકે. બહુ ઓછા વાચકોને ખબર હશે કે, ભલભલા લેખક માટે મોટો ખર્ચો કાગળનો હોય છે. તંત્રીઓ કાંઇ એટલો પુરસ્કાર નથી આપતા, જેમાંથી ફૂલ્સ કેપ કાગળોનું પેકેટ લઇ અવાય. સન્માન વખતે અનેક વાચકો લેખકોને પેન ભેટમાં આપે છે, શૉલ ઓઢાડે છે.. કોઇએ તેમને કાગળો ઓઢાડયા? એક બાજુથી કોરા કાગળો ભેટમાં આપ્યા? સર્જકોને લખ્યા કરતા ભૂસવાનું વધારે હોય, છપાયા કરતા પાછું વધારે આયું હોય ને વંચાયા કરતા ભેટમાં વધારે અપાયું હોય, એટલે કાગળ તો જથ્થામાં જોઇએ.

પેલા ૧૭-૧૮માંનો બીજો એક મિત્ર આખા એરીયામાં ફરીને ગાય શોધવા ગયો હોય. અનેક લેખકોને પ્રેરણા માટે એમની બારીમાંથી ગાય ઊભેલી દેખાવી જોઇએ, તો જ સૂઝે. એક કવિના પગ પાણીમાં બોળેલા હોય તો જ પેન ઉપડે, એટલે પગ નીચે પાણી ભરેલી થાળી મૂકવી પડે. મહાન થઉ-થઉ કરતા સહેજમાં ન થઇ શકેલા એક મહાકવિ લખતી વખતે ખોંખારા ઉપર ખોંખારા ખાવાના શરૂ કરી દે છે. તેઓશ્રીને પ્રેરણા ખોંખારે- ખોંખારે મળતી હોય છે. માણસ છે- બધા ખોંખારા જાતે ન ખાઇ શકે, તો વાઇફની મદદ લે ને લખવાનું આગળ ચાલે, એટલે તમને યાદ હોય તો ઘણા સર્જકોએ પોતાનું પુસ્તક એમની વાઇફને 'અર્પણ' કર્યું હોય છે... સર્વનામો કે વિશેષણો ઊંચા ગજાના લઇ આવવાના, ''અર્પણ.. મ્હારી જીવનસંગિની... ગોદાવરીને, જેણે આ પુસ્તકના શબ્દે- શબ્દે ખોંખારા ખઇ ખઇને મને પ્રોત્સાહિત કર્યો છે.''

મોટાભાગની પ્રસ્તાવનાઓની શરૂઆત લેખક ભારે નમ્રતાથી કરે છે કે, આ તો બે ચાર કવિ-લેખક મિત્રો પાછળ પડી ગયા કે, 'હવે પુસ્તક ક્યારે આપો છો?.. હવે નહિ ચાલે...'' એમણે મને ઉશ્કેરી ઉશ્કેરીને આ પુસ્તક લખવા પ્રેર્યો. આ બીજી આવૃત્તિ એની સાબિતી છે. તારી ભલી થાય ચમના.. એક એકને પકડી પકડીને તેં તારૂં પુસ્તક વળગાડયું છે, ન લે તો મફતમાં આલ્યું છે અને લે તો અનેક લાલચો આપી છે, કે ''આ છેલ્લું જ છે, બસ.... હવે બીજું વાંચવા નહિ આલું.. પ્લીઝ, આટલી વખત મારૂં પુસ્તક સ્વીકારી લો...!'' પછી બીજી શું, ૩૨-મી આવૃત્તિ ય શું કામ ન થાય?

રહી વાત મિત્રો શેના માટે તને પુસ્તક બહાર પડાવા ઉશ્કેરતા હતા, તેની છે, તો ચમન, તું આવા કોઇ ચોપડા-બોપડા બહાર પાડે ને થોડી ઘણી રૉયલ્ટી આવે, તો એમના લેણાં પૂરા થાય, એ લાલચે એ લોકો તારી પાછળ પડયા'તા, પણ ધન્ય છે તને ને ધન્ય છે તારી જનેતાને કે, કેવો રચનાત્મક અર્થ કાઢીને, તે આ સીઝેરિયન 'પ્રસૂતિ' એટલે કે 'પ્રસ્તાવના'નો યશ પેલા લોકોને આપ્યો છે!

દરેક લેખક પ્રસ્તાવનામાં પ્રકાશકોનો ગંજાવર આભાર માનવાનું ચૂકતા નથી. પણ ન માને તો જાયે ય ક્યાં? છુટકો જ નથી ને? જગતભરના પ્રકાશકો એ લેખકોના આભારોથી લથબથ થઇ ગયા હશે, પણ આજ સુધી એકે ય પ્રકાશકે લેખકનો આભાર માન્યો હોય, એવું વાંચવામાં તો નથી આવ્યું. જરૂરત તો બંનેને એકબીજાની હોય છે ને? પ્રકાશકો આવી ચાંપલાશપટ્ટીમાં પડતા નથી, પ્રકાશકો પ્રસ્તાવના લખતા નથી કે, ''મને મિત્રોએ ઉશ્કેર્યો કે, આનો ચોપડો છાપી માર ને, ભ'ઇ.. લોહીઓ પીતો અટકે!''

કેટલાક વાચકોના મતે, પ્રસ્તાવનાઓ લેખકની આત્મશ્લાઘા હોય છે. નમ્રતા અને વિવેક અહીં તમને ફાટફાટ થતા દેખાશે. ૯૮ ટકા કવિ-લેખકોએ તો ભ'ઇ સા'બ.. કેવી ગરીબીમાં દિવસો કાઢ્યા હતા ને પગમાં સ્લીપરની પટ્ટી સંધાવવાના પૈસા નહોતા, '૬૪ની સાલમાં એ મુંબઇ ગયા અને '૭૮માં પાછા આવ્યા ને મકાન ભાડે લીધું, ફાધર બિમાર, મધરને આંખે હરખું દેખાય નહિ, છોકરી ભાગી ગયેલી ને છોકરો કહ્યામાં નહિ... કેવી કેવી મુસિબતોનો સામનો કર્યા પછી તેઓ લેખક બન્યા...! ઓહ.. તારી બીજી વાર ભલી થાય ચમના... તું આ બધું અમને સુઉં કામ કે'સ...? તારા ફાધર અમારા ઘેર બટાકા-પૌંવા ખાઇ ગયા નહોતા ને તારી બા ને ફક્ત ડોહા જ દેખાતા નહોતા.. બાકીનું તો બધું જોઇ લેતા'તા!

પ્રસ્તાવના કેવળ લેખક-કવિઓના ધંધામાં જ હોય છે, બાકીના ધંધાઓ ગ્રાહકોને આટલા નડે એવા હોતા નથી. ડૉકટર, વકીલ, વાળંદ, કુશ્તીબાજ, શેર-બજારીયો કે અન્ડરવર્લ્ડના 'ભાઇલોગ' કેમ કદી પ્રસ્તાવના લખતા નથી? માલ તો એ લોકોને ય વેચવાનો હોય છે!

એક જ કારણ હોય.. જગતના કોઇ ધંધાદારીઓ કે શોખિનો કવિ-લેખકો જેટલા નિઃસહાય નથી હોતા. શૂન્યમાંથી સૃષ્ટિ ઊભી કરવા છતાં સર્જક હંમેશા અન્યો ઉપર આધારિત હોય છે, લાચાર હોય છે. 

19/05/2013

ઍનકાઉન્ટર 19-05-2013

* પાકિસ્તાન આપણા સૈનિકોને બેરહેમીથી મારી નાંખે છે. શું આપણી પ્રજાની ય સંવેદનશીલતા મરી પરવારી છે ?
- ...સહેજ પણ નહિ. સરબજીત શહીદ થયો, એ પહેલા એણે ૩-૪ શરતો પૂરી કરી હોત તો અમે ખૂબ સંવેદનશીલ થઇએ એવા છીએ. (૧) એ અમારી જ્ઞાતિનો હતો ? હોત તો જ્ઞાતિના પ્રમુખશ્રીને પૂછીને એના માટે એકાદી શ્રદ્ધાંજલિ-ફ્રધ્ધાંજલિ ગોઠવાઇ દેત ! (૨) એ અમારા ધર્મનો હતો ? ના. એ સીખ્ખ હતો અને અમે રહ્યા વાણીયા-બા'મણ...! (૩) આવો કોઈ પણ યુવાન દેશ માટે શહીદ થાય, પછી પોલીસ-ફોલીસના લફરાં અમારા ઘર સુધી નહિ આવવા જોઇએ. (૪) શ્રધ્ધાંજલિનો દિવસ રવિવાર કે જાહેર રજાનો રાખવો, તો અમે કંઇક કરીએ.
(સાધના નાણાવટી, જામનગર)

* અશોક દવે, તમારૂં કોઇ ઉપનામ કે હુલામણું નામ ખરૂં ?
- હજી તો નામ બનાવવા સુધી ય પહોંચ્યો નથી !
(નલિન ત્રિવેદી, જામનગર)

* આજકાલ હીરોઇનો બીજવર, ત્રીજવર કે ચોથવરને કેમ પરણે છે ?
- પંચવરને પરણી શકાય માટે.
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઇ)

* આપણાં ધર્મના વડાંઓમાં દેશદાઝ નામની ય નથી. અબજોની સંપત્તિમાં આળોટે છે. ઇશ્વરને નામે પ્રજા ક્યાં સુધી છેતરાતી રહેશે ?
- સાલો કોઇ પણ ધર્મનો એકે ય ભક્ત એના ગુરૂને પૂછતો નથી કે, ત્રણે ય પાડોશીઓથી આપણો દેશ સંકટમાં છે...માત્ર બે વર્ષ માટે ભગવાન-ફગવાન મૂકો બાજુ પર ને અમને દેશદાઝ અપાવો...! ઇન ફૅક્ટ, ઘેર આવીને કોઇ આપણને થપ્પડ મારી જાય, એને માટે આપણે લાયક જ છીએ.
(જગદિશ વાળા, સુરેન્દ્રનગર)

* સાસુ-વહુના ઝગડામાં દીકરાએ કોનો પક્ષ લેવો જોઇએ...પત્નીનો કે માં નો ?
- એ બેમાંથી જેનાથી એ ડરતો હોય એનો !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* ...કોના બાપની દિવાળી ?....તો હોળી ?
- એ હજી અમારા 'નૅટ-વર્ક'માં શોધાયું નથી.
(હેમાંગ પી. ત્રિવેદી, પેટલાદ)

* ..તલગાજરડાના 'અસ્મિતાપર્વ'માં બધા સાહિત્યકારોને આમંત્રણ હોય છે...તમે કેમ નથી આવતા ?
- 'બાપૂ' મને સાહિત્યકાર ગણે પછી બોલાવશે.
(પી.સી. પટેલ, મહુવા)

* ..પત્નીઓ પતિને તુંકારે કેમ બોલાવે છે ?
- બોલાવે છે, એટલું પૂરતું નથી ?
(ઓમકાર જોશી, ગોધરા)

* તમે રાતોરાત કરોડપતિ બની જાઓ તો શું કરો ?
- બસ્સો-પાંચસો તમને આપીને તમારૂં મોંઢું બંધ રખાવું ?
(ભરત પી.ભીલ, દિહોર-ત્રાપજ)

* તમારી 'ડિમ્પલ' બસ્સો કરોડના બંગલામાં રહે છે, ને તમે હજી ત્રણ બેડરૂમના ફલૅટમાં ? કંઈ સમજાયું નહિ !
- મને પણ !
(જયેશ અંતાણી, ભાવનગર)

* .મેહમાનગતિ કાઠીયાવાડની વખણાતી....હવે ?
- હવે કાઠીયાવાડના મહેમાનો ય વખણાય છે.
(જયેશ કે. સંપટ, મુંબઇ)

* .આપણી દ્રષ્ટિએ સૌથી તગડો હાસ્યરસ કોનો ?
- સૌરાષ્ટ્રના ગઢવીઓનો. ચારણી સાહિત્યની રજુઆત હોય કે ગઢવીઓની વાણી, બન્નેમાં સૂક્ષ્મ હાસ્ય નિરંતર નિતરે છે. ડાયરાઓમાં જ નહિ, હું તો કોક ગઢવી રસ્તામાં મળે તો ય ઊભા રાખીને બે-ચાર વાતો અમથી ય સાંભળી લઉં...ભરચક થઇ જવાય !
(લોપામુદ્રા દવે, મુંબઈ)

*..બુદ્ધિને બમણી કરવા શું કરવું ?
- તમારે વાંચવી આવી કૉલમો ને કરવી છે બુધ્ધિ બમણી...! અરે, આ ૪૨-વર્ષમાં મારી બમણી નથી થઇ તો તમારી ક્યાંથી થાય ?
(પ્રબોધ જાની, વસઇ-ડાભલા)

* ...હાથી જીવતો લાખનો ને મરેલો સવા લાખનો....તો મનુષ્ય ?
- મનુષ્ય જીવતો લાખનો ને મરેલો આઠ હજારનો ! (બેસણાંની જા.ખ.નો ખર્ચો)
(રામચંદ્ર કે. શાહ, વડનગર)

* ...તમે સૌથી સફળ હાસ્યલેખક તો છો, પણ ડૉ. મનમોહનસિંઘને હસાવી શકો ખરા ?
- હાથીને સ્ટ્રૉ નાંખેલી કોકાકોલા પીવડાવવી સહેલી પડે !
(ઘનશ્યામ આચાર્ય, આંબરડી-જસદણ)

* ...બળાત્કારની શું સજા હોવી જોઇએ ?
- ખસી.
(કે.સી. ક્ક્કડ, અમદાવાદ)

* ...આપને બીજી વખત કૂતરૂં કરડયું. હવે કેમ છે ?
- કૂતરાંને સારૂં છે.
(વિનોદ ડાભી, લાલાવાડા-પાલનપુર)

* પુરુષને તેનો પગાર ને સ્ત્રીને ઉંમર ન પૂછાય, તો બાળકને શું ન પૂછાય ?
- એના પપ્પાનું નામ.
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* તેંડુલકરની નિવૃત્તિ પછીની મૅચો કેવી હશે ?
- એની તો ખબર નથી, પણ આજકાલ જે મૅચમાં સચિન રમવાનો હોય, એ મૅચ કોઇ જોતું નથી !
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રીના ચશ્માની દાંડીઓ દોરી વડે બંધાયેલી છે..સ્ક્રૂ નથી. શું કારણ ?
- એ દૉરીનું બીજું નામ 'નરેન્દ્ર મોદી' છે.
(તરૂલતા/નિરૂપમા જોશી, રાજકોટ)

* ...એકવાર આપને રૂબરૂ મળવાની ઇચ્છા છે. બોલો ક્યારે આવીએ ?
- થૅન્ક ગૉડ...તમે મારાથી સારા લેખકો નથી વાંચ્યા !
(મુનિરા હાતિમભાઈ કાગળવાલા, મુમ્બ્રા, મહારાષ્ટ્ર)

* દીકરી ને ગાય, દોરે ત્યાં જાય...તમે સુઉં કિયો છો ?
- દીકરી સુધી બરોબર છે...ગાય તો ફાવે ત્યાં જાય !
(યાસ્મિનબાનુ સોલંકી, રાણપુર)

* મલ્લિકા શેરાવત જૂનાગઢનો નાગાબાવાઓનો મેળો જોવા જાય તો આશ્ચર્ય કોને થાય ?
- કોઇને નહિ...કારણ કે, જેમને એવા આશ્ચર્યો થવાના હોય, એ બધા અગાઉથી નાગાંબાવા થઇને બેઠા હોય !
(મધુકર માંકડ, જામનગર)

* નરહરિ અમીન માટે કહી શકાય ખરૂં કે, 'દેર સે આયે....દુરસ્ત આયે'?
- તંદુરસ્તીનો એમને પહેલેથી શોખ....!
(ધીમંત ભાવસાર, બડોલી-ઇડર)

17/05/2013

આઝાદ ('૫૫)

રાધા ના બોલે, ના બોલે ના બોલે રે....

ફિલ્મ : આઝાદ ('૫૫)
નિર્માતા : પક્ષીરાજ સ્ટુડિયો, મદ્રાસ
દિગ્દર્શક : SMS નાયડૂ
સંગીત : સી.રામચંદ્ર
ગીતો : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : ખબર નથી.
કલાકારો : દિલીપ કુમાર, મીના કુમારી, પ્રાણ, ઓમપ્રકાશ, એસ.નઝીર, બદ્રીપ્રસાદ, રાજ મેહરા, રણધીર, અચલા સચદેવ, મુરાદ, સઇ, સુબ્બુલક્ષ્મી અને શમ્મી
***
ગીતો
૧.કિતની જવાં હૈ રાત કોઇ યાદ આ ગયા ...લતા મંગેશકર
૨.જા રી જા રી ઓ કારી બદરીયા... લતા મંગેશકર
૩.કિતના હંસી હૈ મૌસમ, કિતના હંસી સફર હૈ... લતા-ચિતલકર
૪.દેખોજી બહાર આઇ, બાગોં મેં ખીલી કલીયાં.. લતા મંગેશકર
૫.રાધા ના બોલે ના બોલે ના બોલે રે.... લતા મંગેશકર
૬.અપલમ ચપલમ, ચપલાઇ રે... લતા-ઉષા મંગેશકર
૭.મરના ભી મુહબ્બત મેં કિસી કામ ન આયા... રઘુનાથ યાદવ-સાથી
૮.ઓ બલીયે, ઓ બલીયે, ચલ ચલીયે... લતા-ઉષા મંગેશકર
૯.કભી ખામોશ રહેતે હૈં, કભી આહ ભરતે હૈં.... લતા મંગેશકર
***

કંટાળી ગયો હતો દિલીપ કુમાર, એકની એક રોદણાં-રોદણીવાળી ફિલ્મો કરી કરીને ! વાર્તા અને ફિલ્મ બદલાય, પણ એ તો દરેક ફિલ્મમાં નિષ્ફળ પ્રેમી જ ! ફિલ્મના અંતે એનો તો મરી જવા ઉપરે ય સારો હાથ બેસી ગયો હતો. આમ પ્રેક્ષકો તો ઠીક, એના ચાહકો ય બૉર થવા માંડયા હતા, દરેક ફિલ્મમાં એને કરૂણ-અવસ્થામાં જોઇ જોઇને ! એટલે આવી કોઇ ફિલ્મ બનતી હતી, જેમાં કૉમેડી હોય ને રોવા-ધોવાનું કાંઇ ન હોય, એ જાણીને એણે સામે ચાલીને આ ફિલ્મ 'આઝાદ' માંગી લીધી. આખી ફિલ્મ એટલી હદે હળવી બનાવાઇ કે, સી.રામચંદ્રનું સંગીત હોવા છતાં લતા મંગેશકરનું એક પણ ગીત, 'અય અંખ અબ ન રોના, રોના તો ઉમ્રભર હૈ...' (સિપઇયા'), 'અય ચાંદ પ્યાર મેરા, તુઝસે યે કહે રહા હૈ, તુમ બેવફા ન હોના....' (ખઝાના) કે 'ધીરે સે આજા રી અંખીયન મેં નીંદિયા આજા રી આજા...' (અલબેલા)ની જેમ આપણી આંખોમાંથી આંસુઓ લાવનારૂં નહિ. એવું મીના કુમારીનું ! એ ય કેવળ રડારોળની ફિલ્મો કરતી એટલે આ વખતે, ફૉર એ ચૅઇન્જ, એણે આ કૉમેડી ફિલ્મ સ્વીકારી અને ભા'આય....ભા'આય...ધૂમ મચી ગઈ દેશભરના સિનેમાઓમાં તો ! આખા વર્ષમાં સૌથી વધુ વકરો કરાવી આપનારી આ ફિલ્મ હતી. દુઃખબુખ ભૂલાવીને દિલીપકુમાર આઝાદ થઇ ગયો !

નહિ તો આ '૫૫-ની સાલ એવી હતી, જેમાં શહેરોમાં 'આઝાદ' રીલિઝ થઇ, તેની આજુબાજુના થીયેટરોમાં એની બીજી ત્રણ ફિલ્મો 'ઉડન ખટૌલા,' 'દેવદાસ' અને 'ઇન્સાનીયત' ચાલતી હતી....'ઇન્સાનીયત' તો એણે 'અન્ના' (સી.રામચંદ્ર) સાથેની ધરખમ દોસ્તી નિભાવવા લીધું હતું. આ એ ફિલ્મ હતી, જેમાં પહેલી અને છેલ્લીવાર દિલીપ અને દેવ આનંદ સાથે આવ્યા. દેવ આનંદની પણ 'ઘર નં.૪૪' આ જ વર્ષે રીલિઝ થયેલી અને 'મુનિમજી' પણ. સુનિલ દત્તે ય પહેલી વાર ફિલ્મોમાં આવ્યો હતો આ જ વર્ષની ફિલ્મ 'રેલ્વે પ્લૅટફૉર્મ' દ્વારા. બે ગીતો તો હલાવી નાંખે એવા હતા, 'એક તો બહુ જાણિતું, 'બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બનજારા !' અને કેવળ લતાના પાગલ ચાહકોએ જ સાંભળેલું, 'ચાંદ મધ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ, નીંદ કી ગોદ મેં જહાં ચૂપ હૈ...'

અન્ના ઉર્ફે સી.રામચંદ્ર અને યુસુફ ઉર્ફે દિલીપકુમાર દોસ્તો બન્ને એકબીજાનાં ધરખમ હતા. અને બન્ને જરીક નવરા પડે એટલે, ગાડી લઇને સીધા ખંડાલા પહોંચી જતા. બન્નેની તડપ એકસરખી હતી. દિલીપ અને કામિની કૌશલની પ્રેમકથા અહીં ખંડાલામાં આવીને જુવાનજોધ થઇ હતી અને અન્નાની પાછળ લતા મંગેશકર પાગલ. (કહે છે કે, એક વાર તો દિલીપની સાથે ગયેલી કામિનીએ એક ગાડીમાં ચુપચાપ જતા દાદામોની અને નલિની જયવંતને પણ જોયાં હતા. આજે પણ ફિલ્મી કલાકારોને બે વ્યક્તિનો ખાનગી હવન-યજ્ઞા કરવો હોય તો ખંડાલા જરા હાથવગું રહે છે. મુંબઇથી હશે માંડ બે-એક કલાકનો ડ્રાઇવ!.... એ દ્રષ્ટિએ ખંડાલા ગેરકાયદેસરનું પવિત્ર યાત્રાધામ કહેવાય કે નહિ ?

પણ મુંબઇના 'મરાઠા મંદિર' સિનેમામાં ફિલ્મ 'પૈગામ'ના પ્રીમિયર વખતે લતા-અન્ના ગોઠવણ કરીને વહેલા આવી ગયા એ વાતની બાતમી અન્ના-પત્નીને મળી જતાં, એ મારતી ટૅક્સીએ થીયેટર આવી પહોંચી ને લતાને ખૂબ ભાંડી, એ વખતે ડઘાઈ ગયેલા અન્ના ચૂપ રહ્યા, એમાં બન્ને વચ્ચે કાયમી દુશ્મનાવટ થઇ ગઇ ને પછી ક્યારેય ભેગા થયા જ નહિ. (કોક તો કહેતું હતું કે, અન્ના-પત્નીએ થપ્પડ પણ મારી હતી...બેમાંથી કોને, એ કોકને ખબર નથી !)

બસ. એ જ દિવસે અન્નાની કરિયર ખત્મ થઈ ગઇ. વર્ષો પછી અન્નાએ ખાસ આશા ભોંસલે માટે દેશભક્તિનું ગીત કવિ પ્રદીપજી પાસે લખાવ્યું. આશાની તો કરિયર નવેસરથી બની ગઇ. પણ લતાને ખબર પડતા તે સીધી પ્રદીપજી પાસે પહોંચી ગઇ. ભલે અન્ના સાથે મારે સંબંધ ન હોય, પણ આ ગીત તો હું જ ગાઇશ. અન્ના એ રીતે ખેલદિલ માણસ હતો. દુશ્મની ભૂલીને એ રાજી થઇ ગયા અને 'અય મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભર લો પાની...' લતા અને આશા વચ્ચે ડયુએટના સ્વરૂપે બનાવ્યું. લતાને તો આ ગીત સોલો જ જોઇતું હતું ને મેળવીને જંપી. આશા ફરી એકવાર આઉટ...કર્ટસી, સગી બહેન !

આ જ ગીત ચીનના આક્રમણ પછી પંડિત નહેરૂની ઉપસ્થિતિમાં ગવાયું ત્યારે તેઓની આંખમાં પાણી આવી ગયા હતા, અથવા લતાએ કેવું મધુરૂં ગાયું અને કવિએ કેવા લાગણીસભર શબ્દો લખ્યા, એ બધી વાત દિલીપ કુમારે મુંબઇના બ્રેબૉર્ન સ્ટેડિયમ પર સ્વ.ઇંદિરા ગાંધી દશકની ઉજવણીમાં સ્ટેજ પરથી કરી, પણ ક્યાંય અન્નાનો ઉલ્લેખ નહિ. અરે, સ્ટેજ પર ગીત અન્નાનું વાગે, પણ ઑરકેસ્ટ્રા કન્ડક્ટ કોઇ બીજું કરતું હતું...ઍનાઊન્સમૅન્ટ પતાવીને દિલીપ બૅક્સ્ટેજમાં પાછો આવ્યો ત્યારે ત્યાં વગર આમંત્રણે આવેલા અન્નાએ દિલીપની ધમકાવ્યો, ''યુસુફ, તને ખબર નહોતી કે આ ગીત મેં બનાવ્યું છે ?'' દિલીપે કાલો બનીને કહ્યું, ''ના અન્ના...તેં બનાવ્યું છે ? મને તો ખબર જ નહિ !''

''મને બધી ખબર છે, યુસુફ..કોના કહેવાથી તું આ રમત રમ્યો છું...''

''દિલીપકુમારને કોઇ કશું કહી શકતું નથી, અન્ના...No one dictate terms with Dilip...''

''રહેવા દે...રહેવા દે...એક જમાનામાં અન્નાને ય કોઇ કાંઇ કહી શકતું નહોતું...આજે બધામાં હિંમત આવી ગઇ છે..ને તને ય મોંઢે કહેનારા અનેક છે....!''

ફિલ્મ 'આઝાદ'નો એક કિસ્સો જગમશહૂર છે. મદ્રાસમાં બનનારી આ ફિલ્મ માટે મૂળ તો નૌશાદને બૂક કરવાના હતા. સમયના અભાવે નિર્માતા-દિગ્દર્શક એસ.એમ.શ્રીરામૂલુ નાયડુએ પ્રસ્તાવ મૂક્યો, ''નૌશાદ સા'બ...ચાર્જ ડબલ લઇ લો, પણ મને 'આઝાદ'ના ગીતો ૩૦-દિવસમાં જોઇએ.'' નૌશાદ બગડયા અને કહ્યું, ''યે ક્યા કોઇ બનીયે કી દુકાન સમઝ રખ્ખી હૈ....? ૩૦-દિનોં મેં પૂરે તો ક્યા, મૈં એક ગાના ભી નહિ બનાઉંગા...!''

...ને એમ સી.રામચંદ્રનો પ્રવેશ થયો. 'આઝાદ'ના નવેનવ ગીતો ૩૦-દિવસમાં બન્યા. ગીતકાર રાજીન્દર કિશનને વિમાનમાર્ગે મદ્રાસ બોલાવવામાં આવ્યા. ત્યાંની ફાઇવ-સ્ટાર 'હૉટેલ કોનિમારા'માં બન્ને માટે વ્હિસ્કીનું કાર્ટન મોકલી દેવાયું. એક જ રાતમાં 'આઝાદ'ના પાંચ ગીતો લખાઇ ગયા અને ધૂનો ય બની ગઇ. અન્નાના સંગીતને સલામ કર્યા વિના રહેવાય જ નહિ-ખાસ કરીને લતા પાસેથી જે કામ એમણે લીધું છે, એ અનિલ બિશ્વાસના લૅવલનું હતું. ખુદ શંકરે (જયકિશન) એક વાર કોપાયમાન થઇને કીધું હતું કે, હિંદી ફિલ્મના સંગીતમાં ઓરિજીનલ ધૂનો ફક્ત અનિલ દા અને અન્નાએ જ બનાવી છે...નૌશાદની ધૂનો પણ મૌલિક નહોતી. એ ય શાસ્ત્રીય રાગોની બંદિશો સીધેસીધી લઇ લેતા. અન્નાના બે જ પ્રોબ્લેમ. એક તો, રિધમ-સૅક્શનમાં અન્ના ઘણા નબળા. મરાઠી માણુસ હોવાને કારણે એમના પર્કશન્સમાં લાવણી-બ્રાન્ડના ઠેકા વધારે આવે અને મૅન્ડોલિન તો લગભગ તમામ ગીતોમાં હોય. રિધમમાં માર ખાઇ જનારા અન્ય સંગીતકારો કલ્યાણજી-આણંદજી હતા, જેઓ ગુજરાતી ઠેકામાંથી જવલ્લે જ બહાર આવ્યા.

અફ કૉર્સ, કોઇ ગ્રેટ સંગીત 'આઝાદ'નું નહોતું, અન્નાની અન્ય ફિલ્મોની સરખામણીમાં દારૂની બૉટલોએ સંગીતનો બેશક ભોગ લીધો હતો. આ બાજુ, રાજીન્દર કિશનના એકે ય ગીત કે સંવાદમાં ભલીવાર નહિ. ''સાથી હૈ ખૂબસૂરત, યે મૌસમ કો ભી ખબર હૈ...'' આ શું ? આવું ઘટીયા લખાણ ? તું પેલીને ઘોડા ઉપર બેસાડીને નદીકિનારે ચક્કર મારવા નીકળ્યો છે, એમાં મૌસમ વચમાં ક્યાં આવી અને આવી પણ હોય તો ગીતના દ્રષ્યાંકનમાં મૌસમમાં કોઇ ફેરફારો થયેલા તો દેખાતા નથી! આમે ય, રાજીન્દરે જેટલા અદ્ભૂત ગીતો લખ્યા છે, (જે ક્યારેક તો સાહિર લુધિયાનવીની કક્ષાએ પહોંચે...!) એટલા જ ઘટીયા ગીતો ય લખ્યા છે! આ માફ કરી ન શકાય. માત્ર પૈસા મળતા હોય, એટલે સચિન તેંડુલકર કે અમિતાભ બચ્ચનને ઘાઘરી પહેરીને ફૂટપાથ પર નાચવાનું કહો ને એ બન્ને નાચે તો મુંબઇ જઇને બન્નેને થપ્પડો મારવી પડે...રાજીન્દર કિશનનું થપ્પડો ખાવા જેટલું સ્તર નહોતું !

ફિલ્મ જ તદ્દન થર્ડ-ક્લાસ હતી, એટલે એની વાર્તા-ફાર્તામાં પડાય એવું નથી, છતાં ય નટશૅલમાં જરા જોઇ લઇએ તો : ખોવાયેલ પુત્ર 'કુમાર' મોટો થઇને આઝાદ બનીને રોબિનહૂડ બને છે. ચોરડાકૂઓએ લૂંટેલા માલને લૂંટીને ભેગો કરે છે. એના અસલ માતા-પિતા (અચલા સચદેવ અને બદ્રીપ્રસાદ) દત્તક મીનાકુમારીને ઉછેરે છે. ખલનાયક પ્રાણ મીનાને એકતરફો ચાહે છે ને કોઇપણ ભોગે પરણવા માંગે છે. સમય ન બગડે માટે વચમાં એ શમ્મી (પારસી અભિનેત્રી)ને પરણી જાય છે ને સમય બચે એટલે એનું ખૂન પણ કરી નાંખે છે. બેવકૂફોની જેમ પોલીસ બનતા રાજ મેહરા અને ઓમપ્રકાશ આ કૅસની તહેકિકાત કરે રાખે છે, એમાં પ્રેક્ષકો વધારે બેવકૂફ બને છે. અંતે, મીના-દિલીપને ભેગા તો કરવા પડે...કરાય છે. વાર્તા પૂરી.

પણ સ્ટારકાસ્ટ જોવી-માણવી ગમે તેવી હોવાથી ફિલ્મ જોવાનો કંટાળો ન આવે. કૉમેડિયન ઓમપ્રકાશ બક્ષી અહીં હૅડકૉન્સ્ટેબલ 'ફૉર-ફૉર્ટી-વન'ના રોલમાં બહુ બૉર કરે છે. પ્રાણ માટે ગજબના અહોભાવો થાય એવું છે. આજ પર્યંત એમણે શરીર કેવું પરફૅક્ટ જાળવી રાખ્યું છે. શરીર જ નહિ, અભિનય કહો કે એક સજ્જન વ્યક્તિત્વ. આજ સુધી હિંદી ફિલ્મોમાં બીજો તો એકે ય કલાકાર થયો નથી જે રાજ કપૂર, દિલીપકુમાર કે દેવ આનંદ જ નહિ, ઈવન ધર્મેન્દ્ર, જૉય મુકર્જી, મનોજ કુમાર કે ઇવન મેહમુદને ય પ્રાણ વગર ન ચાલે.

કોઇપણ હિંદી ફિલ્મ જોઇને તમને એક સવાલ કેમ થતો નથી કે આજ સુધી જોયેલી એકે ય ફિલ્મમાં તમે ટયુબલાઈટ કે વીજળીના બલ્બ-ફલ્બ કદી જોયા છે ? ના. તો પછી અજવાળાં ક્યાંથી ઉઘરાવી લવાય છે ? એવું જ કદી ન સમજાય એવું એ છે કે, ફિલ્મોના પોલીસો મૂંઝાય ત્યારે હાથમાં પોતાનો ડંડો શેનો પછાડ પછાડ કરે જાય છે ? આ ફિલ્મમાં ડૉક્ટર સાયકલ પર બેસીને આવે અને એ ય અપ-ટુ-ડૅટ શૂટ-બૂટમાં ! તારી ભલી થાય ચમના...કરોડપતિ દર્દીનું ફૅમિલી એવાને પાછું 'સાહેબ-સાહેબ' કરતું રહે ! આપણા જમાનાની સાયકલો અત્યારે તમને યાદ આવતી હોય તો, રાત્રે સાયકલ પર ઘાસલેટનો દીવો હળગાવવો પડતો. રીતસર બારી ખોલીને દીવાસળીથી એની વાટ સળગાવવી પડતી. પોલીસ આવે ત્યારે જ હોલવાઇ ન જાય, માટે ચાલુ સાયકલે ચૅક કરી લેવું પડતું. હું તો એક વખત, મારી સાયકલનો એ દીવો રીપૅર કરાવવા પોળના નાકે વ્હોરાજીની દુકાને જતો હતો, ત્યાં પોલીસે રોક્યો, ''હાથમાં દીવો છે, પણ સાયકલ ક્યાં છે ? સાલા, વગર સાયકલે દીવો લઇને ફરે છે ?''

ફિલ્મની પ્રિન્ટ આલા દરજ્જાની હોવાને કારણે ફિલ્મ જોવી ગમે એવી છે. એમાં ય, હસતો દિલીપકુમાર ને હસતી મીના કુમારી તો ક્યાં જોવા મળતા હતા ? દિલીપ આખી ફિલ્મનું મોંઢું હસતું રાખે છે, એને પરિણામે જોવો ખૂબ ગમે છે. મીનાકુમારી તો આ ફિલ્મ પછી ય હસતી ભાગ્યે જ જોવા મળી છે. છેલ્લા ધર્મેન્દ્ર પછી છેલ્લે છેલ્લે ગીતકાર ગુલઝાર અને છેલ્લે છેલ્લે સંગીતકાર ઉષા ખન્ના ફિલ્મ નિર્માતા ગોરધન સાવનકુમારના ગળાડૂબ પ્રેમમાં પડેલી મીના કુમારીના ડાબા હાથની ટચલી આંગળી કપાયેલી હોવાથી તમામ ફિલ્મોમાં એ સિફતપૂર્વક ટચલી છુપાવેલી રાખતી, દુપટ્ટાના છેડામાં કે હાથ પાછળ સંતાડી સંતાડીને. એક લોકવાયકા મુજબ, પહેલા ગંજાવર રકમનો વીમો ઉતરાવીને મીનાકુમારીએ પોતાની એ આંગળી રેલ્વેના ડબ્બાની બારી નીચે મૂકીને કાપી નાંખી હતી.

રાજ મહેરાને તમે કડક પોલીસ અધિકારી તરીકે રાજ કપૂરના 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં ફૂલ-ટાલ સાથે જોયો છે. એ ફિલ્મને હજી ૩-૪ વર્ષની વાર હતી. એટલે એમાં એ થોડા બચેલા વાળ સાથે દેખાય છે. ભારેખમ અવાજ અને અભિનય ખરો, ભ'ઇ, એટલે આ ફિલ્મમાં એની ઉપસ્થિતિ કઠતી નથી. દિલીપ કુમારની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં એસ.નઝીર અને વસી ખાન હોય જ. આ ફિલ્મમાં નઝીર પ્રાણના મૂછોવાળા ખુંખાર ગુંડાના રોલમાં છે. તો રાજ કપૂરની ફિલ્મ 'શ્રી ૪૨૦'માં નરગીસનો અપંગ બાપ બનતો નાયમપલ્લી પણ આ ફિલ્મમાં દિલીપનો પાલક બાપ બને છે. સાઊથની મશહૂર ગાયિકા નૃત્યાંગના સુબ્બુલક્ષ્મી અહીં સઇ નામની અન્ય ડાન્સર સાથે બે અદ્ભૂત ડાન્સ કરે છે. એક તો તમારૂં જાણીતું છે, 'અપલમ, ચપલમ, ચપલાઇ રે દુનિયા કો છોડ, તેરી ગલી આઇ રે...' નજરે ડાન્સ જુઓ તો છક થઇ જવાય કે, કૅમેરાના કોઇ કટ વિના સળંગ કેવા અઘરા અઘરા સ્ટૅપ્સ આ બન્ને ડાન્સરોએ લીધા છે ! દાખલો એ રીતે અપાય કે, મુખડું 'અપલમ, ચપલમ...' શરૂ થાય અને પૂરૂં થાય, ત્યાં સુધીમાં અનેરી લયમાં બન્નેના સ્ટેપ્સ એટલી ઝડપથી બદલાય અને બન્ને વચ્ચે સીન્ક્રોનાઇઝ પરફૅક્શનથી થાય ! આમે ય, નૃત્ય અને સંગીત તો સાઉથના જ નહિ ?

ફિલ્મના આર્ટ ડાયરેકશનમાં કોઇ ભલીવાર નહોતો. તમામ સૅટ્સ પકડાઇ જાય છે. સામાન્ય પ્રેક્ષકને પણ ખબર પડે કે, જંગલનો સીન સ્ટુડિયોમાં ઊભો કરેલો છે. મોટા ડ્રૉઇંગ-રૂમની દિવાલો કે દરવાજા પૂંઠાના છે. બસ...ફિલ્મ ''આઝાદ''ની ઓળખાણ પણ આ જ ધોરણે અપાય એવી છે.

15/05/2013

હું વસ્ત્રોની બાબતમાં પગભર થયો છું, હવે મેં મને ખુદને પહેરી લીધો છે !

મુંબઈના એરપોર્ટ પર એક વિશ્વવિખ્યાત ગાયકને જોયા. ખભાથી નીચે લટકતા ઘુંઘરાળા અને માથાની આજુબાજુ યુરિયાનું ખાતર નંખાઈ ગયું હોય ને ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા હોય એટલા માતબર જથ્થામાં વાળ. પહેલા શંકા એવી પડે કે, આ ભાઈ ગળાને બદલે વાળમાંથી ગાતા હશે.

મને પસ્તાવો થયો... ખૂબ નહિ તો થોડો કે, હું ય હાસ્યલેખક છું અને એ લાગવા માટે શા માટે હું છત્રપતિ શિવાજી એરપોર્ટ પર એવા ઝભલાં પહેરીને ન આવ્યો ? લોખંડના પિપડાંના ઢાંકણા ઉપર ઊંધો વાડકો મૂક્યો હોય એવી નેતરની ટોપી, ગાલ ઢંકાય એટલા મોટા ગોગલ્સ, જાંબલી પાટલૂન, લાલ મોજાં અને પીળાં રંગનું શર્ટ પહેરેલા અશોક દવે જોવામાં કેવા લાગે ?

પછી તો ધ્યાનમાં આવ્યું કે, કલાકાર હોવા માટે કલાકાર હોવા કરતા દેખાવવું વધારે જરૂરી છે. અમારા સ્ટેજ પરના ફિલ્મી સંગીતના કાર્યક્રમોમાં મૂળ હીરો-હીરોઈનોએ ન વાપર્યા હોય એ બધા રંગો અમારા કલાકારો પોતાના કપડાં ઉપર વાપરી નાંખે છે. એમની કલા ચળકે કે ન ચળકે, કપડાં ચળકવા જોઈએ. સોનેરી કે રૂપેરી રંગની પટ્ટીઓ એમના શૂટ કે સાડી ઉપર ન હોય તો કહે છે કે, ગાયક નિષ્ફળ જાય છે. સુગમ સંગીત માટે તો હવે આ પુરવાર થયેલી હકીકત છે કે રંગબિરંગી ઝભ્ભા ન પહેર્યાં હોય તો ઓડિયન્સ પથ્થરમારો પહેલા કરે છે ને સાંભળે છે પછી! (ઊંઝા બાજુ તો કહે છે કે, પથ્થરો મારનારા પણ ઝભ્ભા-ચોયણી રંગીન પહેરીને આવે છે!) ઘવાયા પછી જનરલ હોસ્પિટલમાં સારવાર આપનારા ડૉક્ટરોએ પણ જાંબલી ઝભ્ભા ને નીચે જીન્સ પહેરવા પડે છે, નહિ તો સ્વમાની કલાકારો સારવાર લેવાની ના પાડી દે છે. હજી સુધી તો સુગમ સંગીત ગાનારો કોઈ કલાકાર મર્યો નથી, એટલે તર્ક સુધી પહોંચી શકાયું નથી કે, આવો કલાકાર મરે તો નનામી ઉપર પણ એને ૨૮-રંગોનો ઝભ્ભો અને ૪૩-રંગોની ચોયણી પહેરાવીને હુવડાવતા હશે? ડાઘુઓનું તો સમજ્યા જાણે કે, એક બીજો કાર્યક્રમ સમજીને જ સ્મશાનમાં આવવાનું હોય. આદત મુજબ, અહીં પણ દાદ આપવાના કાર્યક્રમો આપમેળે ગોઠવાઈ જાય છે. નનામીને સ્મશાનના સ્ટેન્ડ પર ગોઠવતી વખતે સહેજ અમથો ગોદો વાગે ત્યારે ''માશા અલ્લાહ... ક્યા બ્બાત હૈ... ક્યા બ્બાત હૈ... દુબારા, દુબારા, દુબારા...'' વાળી દાદ અપાતી હશે? સ્ટેન્ડ પર લાંબા થઈને હુઈ ગયેલા ગાયક કે સંગીતકારને સાચી શ્રધ્ધાંજલિ, ''રામ હે રામ હો...''થી કદી ન મળે. બા'મણ થોડા મંત્રો બોલી રહે, પછી એને ખસેડી જ લેવાનો હોય ને સાથે ખેંચી લાવેલા હાર્મોનિયમ-તબલાંની સંગતે ઉપસ્થિત ડાઘુ-કલાકારોમાંથી પ્રસંગોચિત સુગમ ગીતડાં ગાવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી અરિહંતશરણ થયેલા એ કલાકારે ગાયેલી રચનાઓ પ્રસ્તુત કરવી જોઈએ, જેથી એ ડઘાઈને હબડક બેઠો થઈ જાય કે, 'મારી રચનાની પથારી કોણ ફેરવી રહ્યું છે?' વાત સ્વીકૃત છે કે, સળગતી ચિતાની બાજુમાં યોજાયેલા સુગમ સંગીત શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં વિના મૂલ્ય કલાકારો હરખી રીતે ગાતા હશે તો, મરનારની આંખોમાં અશ્રુ અને ચેહરા પર સ્માઇલ હશે.

અહીં પ્રોબ્લેમ બીજો થઈ શકે. અમદાવાદમાં મરનારાની સંખ્યાના પ્રમાણમાં ઉપલબ્ધ સ્મશાનોની સંખ્યા ઘણી અલ્પ છે. આપણે ત્યાં ઘેરઘેર મંદિર-દેરાસરો છે, પણ ઘેરઘેર સ્મશાનોની સગવડતા નથી. આ કાંઈ કાળની ક્રૂર મજાક ન કહેવાય, આપણી પોતાની મજાક કહેવાય. પ્રોબ્લેમ ત્યાં ઊભો થાય કે, કે તરફ ચિતા પર સૂતેલો સુગમ સંગીતનો કલાકાર મસ્ત બનીને પોતાની રચનાઓનો રસાસ્વાદ લેતો પડયો હોય ત્યાં ઘોડાઓ ઉપર આવી પહોંચેલી નેકસ્ટ સ્મશાનયાત્રામાં, હવામાં ગોળીબારના ભડાકાઓ કરતા ડાઘુઓ કોઈ ડાકુકથાના લેખકને ઉપાડી લાયા હોય તો, શ્રધ્ધાંજલિ-સમિતી માટે નિર્ણય લેવો અઘરો પડી જાય કે, બાકીનો કાર્યક્રમ કાલે ફરી અહીં આવીને પૂરો કરવો કે પછી બે લાકડાં વધારે નાંખીને બધું સમેટી લેવું છે!

કહેવાનો મતલબ કે, પ્રોફેશન પ્રમાણે જ કપડાં પહેરવા કે કાઢવા જરૂરી હોય તો ગઝલ લખનારા કે ગાનારાઓએ ઘરમાં વીજળીના ગોળાને બદલે મીણબત્તીઓ (શમ્મા) હળગતી રાખવી પડે. રોજ વહેલી સવારે એના ઘરના દરવાજે દૂધને બદલે દારૂવાળો કોથળીઓ મૂકી જાય. બાળસાહિત્યમાં મહામૂલું પ્રદાન કરનાર બુઝુર્ગોના ગળે લાળીયું બાંધવું સારૂં, જેથી ઝભ્ભા ન બગાડે. રીસેપ્શનના સ્ટેજ ઉપર ડૉક્ટરોએ ઈન્જેકશન તૈયાર રાખીને જવું.

સવાલ હજી સુધી તો કોઈને થયો નથી પણ થોડા વખતમાં થઈ જાય તો નવાઈ નથી કે, કલાકાર તરીકે આટલા મોટા હોવા છતાં એવી કઈ વાસના રહી જતી હશે કે, કલાકાર હોવું જ નહિ, દેખાવવું પણ ફરજીયાત બને? આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલા કોઈપણ કલાકારને યાદ કરી જુઓ, એમના દિદાર જુઓ, એમના વાઘાં જુઓ... અન્યથી જુદાં પડવા માટે કેવા વલખાં મારવા પડે છે! બોચીની પાછળ કંતાનનું ભીનું પોતું લટકતું હોય, એવા જથ્થામાં વાળ રાખો તો જ લોકો કલાકાર ગણે? આ લેખ દ્વારા હું તો કોઈ ટીપ આપવા માંગતો નથી, નહિ તો મારી એક ટીપ એ પણ છે કે, એકાદ વખત નજર પડી જશે તો આ લોકો આફ્રિકાના મસાઇમારાના આદિવાસીઓ પહેરે છે એવા પીંછા, ભાલાં અને લાલ કપડાં પહેરીને ય કાર્યક્રમો આપવા જશે! કાર્યક્રમનું શીર્ષક હશે, 'ભાલાની અણીએ કવિતા... !'

સંગીત, કવિતા કે ગઝલ ન સમજી શકતા પોરબંદર બાજુના કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે, આ કલાકારોને 'રેકગ્નિશન' જોઈએ છે, જે એમની રચનાઓમાંથી નથી મળતું. બીજાંનું ધ્યાન દોરવા ચિત્રવિચિત્ર કપડાં અને હરકતો સિવાય અન્ય તો કોઈ શસ્ત્ર નથી. પોતપોતાના ફીલ્ડમાં મેદાન તો સહુએ માર્યા હોય છે. કોઈ ઉદ્યોગપતિ, કંપની-સેક્રેટરી, સી.એ., ડૉક્ટર કે ઈવન હેરકટિંગ સલૂન ચલાવતા કેશકલાકારને પણ એના ધંધા મુજબના લિબાસમાં ફરતો જોયો? ઘરાકનું ધ્યાન ખેંચવા માટે કેશકલાકારે હાથમાં તૈયાર અસ્ત્રો-કાતર લઈને કોઈના રીસેપ્શનમાં કે બેસણાંમાં જવું પડતું નથી. શક્ય છે કોઈ ગજબની લઘુતાગ્રંથિથી આ લેખકો-કલાકારો પીડાતા હશે. અમારા સર્જનથી આપનું ધ્યાન ખેંચાય એવું નથી તો દરજીના સર્જનને અમારૂં ગણીને અમારી સામે જુઓ. શર્ટ-પેન્ટ પહેરીને ગીત ન ગવાય કે ગઝલ ન પિરસાય! ડૉ. એસ.એસ. રાહીનો મસ્ત શે'ર છે :

''હું વસ્ત્રોની બાબતમાં પગભર થયો છું,
હવે મેં મને ખુદને પહેરી લીધો છે''

સવાલ એટલો જ ઊભો થાય કે, બીજાંઓનું ધ્યાન દોરવાની જરૂરત શી છે? મહાત્મા ગાંધી, અમિતાભ બચ્ચન કે સચિન તેન્ડુલકરની કક્ષાએ પહોંચેલાઓનો તબક્કો એ આવી જાય છે કે, અન્યનું ધ્યાન ન પડે, એનું ધ્યાન રાખવું પડે છે. બીજી બાજુ, અબજો રૂપિયાના કૌભાંડોમાં આળોટતા આપણા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પવન બંસલ અને અશ્વિનીએ નાલાયક સાબિત થયા પછી પણ પ્રેસ-કેમેરાનું ધ્યાન સ્માઇલો આપી આપીને સામેથી દોરવું પડે છે.

જેવા હોય એવા દેખાવવાની જાહોજલાલી કેવળ ભિખારીઓને મળે છે. એ લોકો ગ્રાહકોનું ધ્યાન દોરવા ફૂટપાથો ઉપર શૂટ-બૂટ પહેરીને નથી ફરતા.

સુંઉં કિયો છો ? 

સિક્સર

- ભ્રષ્ટ મંત્રીઓ બંસલ અને અશ્વિનીએ રાજીનામાં આપ્યા - મીડિયા
- રાજીનામાં શેના ? તગેડી મૂક્યા, એમ કહેવાય !

12/05/2013

ઍનકાઉન્ટર 12-05-2013

* આપણા દેશમાં એકતા નામની ય નથી, એનું કારણ શું ?
- એકતા એક મોટું નાટક છે. જરૂરત એકતાની નહિ, દેશદાઝની છે.
(મહેન્દ્ર ગાંધી, સુરેન્દ્રનગર)

* ફક્ત એક જ વાર એક સલાહ આપો. તમને કેવા સવાલો ગમે છે ?
- જેના જવાબમાં વાચકોને સમજ પડે એવા.
(અજય વ્યાસ, બિલખા)

* સંપતિ મહત્વની કે સંતતિ ?
- તમારી પાસે એ બન્નેમાંથી વધારાનું શું પડયું છે, એના ઉપર આધાર છે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* 'સોચતા હૂં અગર મૈં દુઆ માંગતા...' ગીત ગાઈને આપ શું દુઆ માંગો ?
- અત્યારે તો એટલી જ કે, મારા સૌથી વધુ ઘાતકી દુશ્મનને ય પ્રભુ... ડાયાબીટીસ ન આપજે.
(દિપક આશરા, ગાંધીનગર)

* છોકરી અને તેનો પરિવાર છોકરો જોવા સામેથી જાય ને ચા-નાસ્તાની ટ્રે લઈને છોકરો આવે, એવું ન બને ?
- ચા ની લારીવાળાના ઘેર માંગું નાખ્યું હોય તો ચોક્કસ બને !
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

* જેનો જવાબ આપવામાં સો વખત વિચારવું પડયું હોય, એવો ક્યો સવાલ તમને પૂછાયો છે ?
- એ તો જે વિચારીને જવાબ આપતું હોય, એને ખબર !
(જીતેન્દ્ર સંઘવી, રાજકોટ)

* હવે શિવસેનાનું ભવિષ્યું શું ?
- 'ખંડહર બતા રહા હૈ, ઈમારત બુલંદ થીં... !'
(રાહુલ બગડા, જૂનાગઢ)

* મેં તમને જોયા છે. તમે સ્માર્ટ ઓછા અને હૅન્ડસમ વધારે લાગો છો... !
- થોડા વધુ સ્માર્ટ બનો... !
(કિશોરી વાય. મેહતા, વડોદરા)

* 'સનેડો' ગવાય, ત્યારે બહેનો પોતાનો દુપટ્ટો હવામાં ફેંકીને શું સાબિત કરવા માંગે છે ?
- એ જ કે, જે એની હડફેટમાં આવ્યો, એના આવા હાલ થશે !
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)

* રસ્તામાં તમને જૂની પ્રેમિકા મળી જાય તો કેવો વર્તાવ કરશો ?
- નવી પ્રેમિકા જેવો.
(વિમલેશ જાની, વસઈ-ડાભલા)

* મૃત્યુ બાદ યમરાજા બ્રહ્માંડનું દર્શન કરાવતા સ્વર્ગમાં લઈ જાય છે. આપની બ્રહ્માંડ-દર્શનની ઈચ્છા ખરી ?
- એક આંટો મારી આવો અને મને રીપૉર્ટ આપો કે, જવા જેવું ખરૂં કે નહિ !
(ડૉ. અરવિંદ ડી. ભટ્ટ, ભાવનગર)

* 'ગધેડાને તાવ આવે એવી વાત ન કર...' એવું કહેવાય છે. શું ગઘેડાને ક્યારેય તાવ નહિ આવતો હોય?
- મને તો ઘણી વાર આવે છે!
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* દિલ્હીમાં જે બાળા ઉપર છ નરાધમોએ બળાત્કાર કર્યો, તે બધાને સરકાર ફાંસી આપશે?
- આપણે નાગરિકોએ આમાંથી બચવું જોઈએ. એક તો વિદેશોમાં આપણા દેશ પર અનેક કલંકો ચોંટાડવામાં આવે છે અને બળતામાં ઘી હોમવા, આપણું મીડિયા બળાત્કાર અને ભ્રષ્ટાચારોના જ સમાચારોને ખૂન્નસ ચઢે, એવું મહત્વ આપે છે. એ લોકોને ગમે ત્યાંથી ટીવીના ૨૪ કલાક પૂરા કરવાના હોય છે. શું દેશમાં અન્ય સારા સમાચારો બનતા જ નથી?
(ચંપા રાજુભાઈ, નવાદ્રા, જી. જામનગર)

* સ્ત્રી અને પુરુષ વચ્ચે તફાવત શું છે?
- શારીરિક તાકાતને બાદ કરતા તમામ મોરચે સ્ત્રીઓ આગળ છે... બુદ્ધિમાં ય અને બદમાશીમાં ય!
(જયદીપ યાદવ, રાજુલા-અમરેલી)

* ગુજરાતમાં 'બાટલી' (દારૂની) જોઈએ એટલી મળે, પણ 'બાટલા' (ગેસના) કેમ નહીં?
- ગેસની માફક હવે દારૂ પણ ઘેર ઘેર પાઈપ-લાઈનથી પહોંચાડવાની કોઈ દરખાસ્ત છે ખરી!
(પરેશ નાયક, નવસારી)

* ડૉક્ટર અને વકીલ વચ્ચે કેટલો ફરક?
- (એમની હડફેટે ચઢેલા માટે) ડૉક્ટર હોય તો મૅક્સિમમ મહિનાનો ને વકીલ હોય તો મિનિમમ પચ્ચી વરસનો !
(હાતિમ અસગરઅલી કાગળવાલા, મુંમ્બ્રા)

* પત્નીના નિધન પછી પતિ સંન્યાસી થયાના દાખલા છે, પણ એથી ઊલટું કેમ જોવા મળતું નથી?
- તમે ત્યારે કામ પડે એટલે કહેવડાવજો ને!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* ટીવી પર આવતી બાળકો માટેની કાર્ટુન ચેનલોથી બાળકોને ફાયદો થાય છે કે નુકસાન?
- બાળકોને સમજદાર બનાવવા હોય તો એમને અત્યારથી પાર્લામન્ટનું લાઈવ-ટેલીકાસ્ટ બતાવો.
(કનુ જે. પટેલ, સંધાણા-માતર)

* યુવતીઓ અડધા કપડાં પહેરે છે ને યુવાનો પૂરા કપડાં કેમ પહેરે છે?
- આ તમે માહિતી આપી રહ્યા છો કે ફરિયાદ કરો છો?
(મોહન વી. જોગી, ગાંધીનગર)

* 'બોડી બામણીનું ખેતર' જેવા અભદ્ર રૂઢીપ્રયોગો વપરાય છે, છતાં બ્રહ્મસમાજ વિરોધ કેમ નથી કરતો?
- આપણે ત્યાં બ્રાહ્મણો છે ક્યાં? કોઈ ઔદિચ્ય છે, કોઈ બાજખેડાવાળ, કોઈ શ્રીમાળી... એવી ૮૪ જાતો છે, એમાંથી બોડી બામણી કોને કીધી, એની ખબર પડે તો વિરોધ કરે ને?
(રમેશ બી. મહેતા, જૂના ડીસા)

* દૂધ શાકાહારી છે કે માંસાહારી?
- એનો આધાર પીનારા ઉપર છે!
(શમીમ ઉસ્માની, મુંબઈ)

* આપે '૬૯માં હાસ્યલેખો લખવાનું શરૂ કર્યું, તે પછી આજ સુધી નવો એકપણ હાસ્યલેખક આવ્યો નથી. કારણ શું?
- બીજો અમિતાભ, બીજો સચિન કે બીજો દાઉદ આવ્યો?
(શ્રીમતી શોભના ગૌતમ પટેલ, મુંબઈ)

10/05/2013

'નર્તકી' (૪૦)

યે કૌન આજ આયા સબેરે સબેરે...

ફિલ્મ : 'નર્તકી' (૪૦)
નિર્માતા : ન્યુ થીયેટર્સ, કલકત્તા
દિગ્દર્શક : દેવકી બોઝ
સંગીત : પંકજકુમાર મલિક
ગીતો : આરઝુ લખનવી
રનિંગ ટાઈમ : ૧૪ રીલ્સ
કલાકારો : પંકજ મલિક, લીલા દેસાઈ, જગદિશ સેઠી, નઝમ, આર.વાસ્તી, આર.પી. કપૂર, નંદકિશોર, ધ્રૂવકુમાર, વિક્રમ કપૂર, રજની રાણી, કાર્તિક રોય, લલિત નટવર, મુહમ્મદ સિદ્દીક. 
***
ગીતો
૧.મદભરી, રૂત જવાન હૈ, ગાલ રંગભરે ...પંકજ મલિક
૨.હે ચંદ્રચૂડ મદનાન્તક શૂલપાણી ...પંકજ મલિક-કોરસ
૩.યે કૌન આજ આયા સબેરે સબેરે ...પંકજ મલિક
૪.આંખ મૂંદ કર ધ્યાન મૂરખ, ઈધર ઉધર કાહે રાધારાની
૫.તેરી દયા સે અય દઈ, આજ મુરાદ મિલ ગઈ ...પંકજ મલિક
૬.કૌન તુઝે સમઝાયે મૂરખ, પ્રેમ જુઆ ઔર લાભ ...રૂપકુમારી
૭. પ્રેમ કા નાતા છુટા, બાત કા પાલન તૂટા ....પંકજ મલિક
૮.રટ શિવનામ કી માલા, ઈસ નામ સે જગ ઉજિયાલા ?
૯.કૌન તુઝે સમઝાયે, કૌન તુઝે સમઝાયે ...પંકજ મલિક
***
***
પંકજ મલિકે ફિલ્મ 'યાત્રિક'માં ગાયેલું, 'હે ચંદ્રચૂડ મદનાન્તક શૂલપાણી...' ભજન મેળવવા હું લિટરલી ચેન્નઈ, કોલકાતા, મુંબઈ અને અફ કોર્સ... અમદાવાદમાં ઘણો ભટક્યો હતો. દેખિતું છે, આવા કોઈ ગીતનું તો કોઈએ નામ પણ ન સાંભળ્યું હોય, ત્યાં એની કેસેટ કે રેકોર્ડ તો કોણ આપે?

પછી તો દુખિયાના બેલીઓ ઠેર ઠેર મળી જતા હોય, એમ મને પૂરી ફિલ્મ 'યાત્રિક' જ મળી ગઈ. આ ભજન માટે મને મારા સ્વ. કાકુમામાએ દોડાવ્યો હતો ને મળી ગયા પછી થાક ઉતરી ગયો કે, સાચો દોડાવ્યો હતો. એમાં ય આજે વળી ન્યુ થિયેટર્સની પંકજ મલિક (બાંગ્લા ઉચ્ચાર : પોંકોજકુમાર મલિક)ની ફિલ્મ 'નર્તકી' જોઈ, ત્યારે ખુશી બેવડાઈ ગઈ કે, આનું આ જ ભજન 'નર્તકી'માં પણ છે... એ જ રાગને એ જ ઢાળમાં!

યોગાનુયોગ, 'નર્તકી'નો ઊંધો શબ્દ 'કિર્તન' થાય છે.

... અને ગીતો 'નર્તકી'ના...? માય માય... પંકજ દા નો બૅઈઝ વોઈસ અને રસઝરતી મીઠાશ! જરા આ વાંચતા વાંચતા ગુનગુનાવી તો જુઓ, 'મદભરી રૂત જવાન હૈ...'માં '...ભરી'નો 'રી' કેવી મીઠાશથી ઉપર લઈ જાય છે? 'પ્રેમ કા નાતા છુટા...' ગીતમાં, 'બાત કા પાલન તૂટા...' વખતે પંકજ દા કેવો નાભિમાંથી ખરજનો સ્વર કાઢે છે! 'યે મુઝકો હુઆ ક્યા સબેરે સબેરે...' ગાતી વખતે જાણવા છતાં ડઘાઈ જવાનો ડોળ કરતો યુવાન આવા જ સ્વરોમાં ગાય ને? મારા ફાધરના આ ગમતા ગીતમાં એ રમુજ કરતા, 'સવેરે સવેરે દૂધવાળો આવે... એને માટે આવું રસસભર ગીત વેડફી નંખાતું હશે?' પંકજ મલિક આ ફિલ્મમાં બ્રહ્મચારી કવિના રોલમાં છે ને લીલા દેસાઈ નર્તકી. બેનને વાંધો એ છે કે, જસ્ટ બીકોઝ... એ નર્તકી છે, માટે હિંદુ સ્થાપિત હિતો એને મંદિરમાં પ્રવેશવાની મનાઈઓ શેના ફરમાવે? ફાધરનું કિંગડમ છે? અંતે તો હેમનું હેમ હોયે, એ મુજબ બધું થાળે પડે છે... બ્રહ્મચારીનું બ્રહ્મચર્ય તૂટે છે કે નહિ, એ જોવાની આપણને પરણેલાઓને શી જરૂર?

પંકજ બાબુએ ન્યુ થીયેટર્સને માત્ર આ 'નર્તકી' જ નહિ, અન્ય ફિલ્મો કે સુંદર સંગીત ને મધુરાં ગીતો જ નહિ... કારમી મજુરી પણ આપી હતી... બદલામાં ઠેંગો...! સાયગલ અને પંકજ બન્નેનું આ સ્ટુડિયો માટેનું પ્રદાન નાનુંસૂનું નથી. બન્ને વચ્ચે ઉંમરનો ય ઝાઝો તફાવત નહતો. પંકજ મલિકનો જન્મ ૧૦મી મે, ૧૯૦૫ અને સાયગલનો ૧૧મી એપ્રિલ, ૧૯૦૪... સમજો ને, ૧૩-૧૪ મહિના સાયગલ મોટા. હજી આજે ય ડરતા ડરતા એવું કહેનારા વડિલો હયાત છે, જેઓ માને છે કે, અમને સાયગલ કરતા પંકજનો અવાજ વધુ કર્ણપ્રિય લાગે છે. સરખામણીમાં તો સાયગલ કરતા પંકજનું પ્રદાન ઘણું મોટું, છતાં ન્યુ થિયેટર્સમાં સાયગલનો દબદબો હતો ને પંકજ રીતસર મજુરી કરે!

આ 'રીતસર'ની મજૂરી એટલે શું? 'નર્તકી આ સ્ટુડિયોમાં બની હતી. કલકત્તામાં ફિલ્મ રીલિઝ થઈ, એ પછી મુંબઈ મોકલવાની હતી. ક્યારેક સિનેમાના પ્રોજેક્ટર રૂમમાં ગયા હશો તો ખબર હશે કે, ફિલ્મ શરૂ થાય એ પહેલાં સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ દર્શાવે, એમાં રીલ્સ ૧૪, ૧૬ કે ૧૯ લખ્યા હોય. એ ૧૪ રીલ્સ (નર્તકી ૧૪ રીલ્સનું હતું.) એલ્યુમિનિયમના ગોળ મોટા ડબ્બા લઈને પંકજ મલિકને એકલા મુંબઈ મોકલવામાં આવ્યા. વિચાર કરો, એકલો માણસ, અન્ય સામાન અને ઉપરાંત જાતે આ ૧૪ ડબ્બા ઉપાડવા-લઈ જવાની મજૂરી! અને છતાંય, પૈસાને મામલે ન્યુ થીયેટર્સવાળા પંકજ બાબુને લૂંટતા જ રહ્યા. વર્ષ દરમ્યાન ફિલ્મો બહુ બહુ તો એકાદ-બે બને, જેમાં પંકજનું પ્રદાન હોય, પણ આ લોકો તો ત્યાં નોકરી કરતા હતા, એટલે ગાવા-બજાવવા ઉપરાંત આવી મજુરીના કામ ય કરવા પડતા. આજે સાલું કેવું શરમથી માથું ઝૂકી જાય છે કે, આપણા માટે જે દેવપુરુષ હતા, તે પંકજ મલિક ત્યાં પાણીના ભાવે વેચાતા હતા...!'

પરમ આદરણીય સ્વ. જગમોહન 'સુરસાગરે' આ લખનારને એક કિસ્સો કીધો હતો. સાયગલ અને પંકજ દા કોલકાતામાં રહેતા હતા. સાયગલે પૈસા બચાવી બચાવીને પોતાની મનગમતી મોટરસાયકલ ખરીદી અને બહુ તાનમાં આવી ગયા. કામ હોય કે ન હોય, ચક્કરો મારવા બહુ ગમે. દરમ્યાન એક દિવસે એ સ્ટુડિયો જતા હતા. વરસાદ હતો ને બસ સ્ટેન્ડ પર ઊભેલા પંકજ મલિકને જોયા એટલે બાઈક ઊભી રાખી. સાયગલની નવી બાઈક જોઈને ખુશ થયેલા પંકજ દા ધોતીયાનો કછોટો સંભાળીને હજી તો કહેવા જાય છે કે, જરા ધ્યાન રાખજે. હું બેસું છું, ત્યાં તો બાપુએ ગાડી ઉપાડી દીધી. ભીના ખાબોચીયાંમાં દાદા ઉલળી પડયા ને 'દે ધનાધન...' બંગાળીમાં જે કોઈ ગાળો બોલાતી હોય, તે બધી નિચોવી નિચોવીને દીધી ને ચાલતા સ્ટુડિયો પહોંચ્યા ને ત્યાં ય ગાળો દીધી. સાયગલને ખબરે ય નહોતી કે, પાછળ પંકજ દા હજી બેઠા નથી. બેઠા હશે, એમ સમજીને એ તો ચાલુ બાઈકે એકલા એકલા વાતો જમાવતા રહ્યા...! અલબત્ત, ગુસ્સો પલભરમાં ઉતરી જતાં, બન્ને દોસ્તો ફરી પાછા હંસી-મજાકની વાતોએ વળગી પડયા!

આપણા જેવા પંકજ દા ના ડાયહાર્ડ ચાહકોના જીવો ભડભડભડભડ એટલા માટે બળે કે, એમણે ગાયેલા બહુ ઓછા ગીતો આપણા સુધી પહોંચ્યા છે! આમ તો ફિલ્મો તો ઘણી આવી, પણ ગીતો ક્યાં? છેલ્લી ફિલ્મો 'યાત્રિક' અને દેવ આનંદવાળી ફિલ્મ 'ઝલઝલા' (એટલે ધરતીકંપ)ના થોડાઘણા ય ગીતો મળી રહે, પણ એમ તો આ બન્ને ફિલ્મો '૫૨માં આવ્યા પછી '૫૪માં 'ચિત્રાંગદા' અને ૫૫માં ફિલ્મ 'રાજકમલ' પણ આવી હતી, એના ગીતો ક્યાં? હિંદી-બંગાળી ભેગી કરીને એમની ૩૩ ફિલ્મો આવી હતી, પણ આપણી પાસે એમાંની કેટલી ફિલ્મોના ગીતો છે? આપણને તો કંઠ પંકજ બાબુનો હોય તો બેંગોલી ગીતો કે રવિન્દ્ર સંગીત સાંભળવાનો ય વાંધો નથી.

યસ, ગીતોમાં એમના ઉચ્ચારોનો પ્રોબ્લેમ તો હતો જ. આજ ગીત, 'મદભરી રૂત જવાન હૈ...'ના અંતરાઓમાંથી કેટલાના શબ્દો ઉકેલાય છે? એમના અતિપ્રસિદ્ધ શ્રૃંગાર-રસસભર ગીત, 'પિયા મિલન કો જાના...'ના અંતરા '...પાયલકો બાંધ કે...' પછી શું ગાય છે, તેની ક્યાં ઝટ ખબર પડે છે! ઉચ્ચારોનો પ્રોબ્લેમ આ કોઈ બે-ચાર ગીતો પૂરતો નહતો. ઘણા ગીતોમાં બાપુએ ગોટે ચઢાવી દીધા છે!

ફિલ્મ 'નર્તકી' જ નહીં, ન્યુ થિયેટર્સની ઓલમોસ્ટ બધી ફિલ્મોમાં જગદિશ સેઠીની જેમ વિક્રમ કપૂર પણ હોય જ. આ વિક્રમ કપૂર એટલે ગાયિકા મીના કપૂરના પિતા અને સંગીતકાર અનિલ બિશ્વાસના સસુરજી.

અનિલ બિશ્વાસના પ્રથમ પત્ની આશા એટલે આજના સંગીતકારો અમર-ઉત્પલની માતા. અલબત્ત, પુત્રો કે પિતા એકબીજાને બોલાવતા નહોતા. અમદાવાદમાં અનિલ બિશ્વાસ અને મીના કપૂર સાથે લંચ વખતે સ્વ. ગુજરાતી ગાયક-સંગીતકાર દિલીપ ધોળકીયાએ મને ભરાવી દીધો હતો. સવાલો હું પૂછતો હતો, એટલે દિલીપભાઈએ મને આંખ મીંચકારીને કહ્યું, 'એમને જરા અમર-ઉત્પલ વિશે પૂછો ને...!' મેં ભોળાએ પૂછ્યું, એમાં કાકા બગડયા. મોંઢું બગાડાય એટલું બગાડીને અનિલ દા એ આખો સવાલ ઉડાડી માર્યો.

આ ફિલ્મના કલાકાર વિક્રમ કપૂરની દીકરી મીના કપૂર સાથે અનિલ દા પ્રેમમાં પડયા અને લગ્ન કર્યા. અગાઉની પત્ની આશા મૂળ તો મુસલમાન હતા, પણ અનિલ દા ને પરણવા માટે એમણે હિંદુ ધર્મ અંગીકાર કર્યો હતો. મીના કપૂર પત્ની બન્યા પછી પણ અનિલ બિશ્વાસ એટલી હદે મોહિત હતા કે, વડોદરાના એક કાર્યક્રમમાં એમણે ખૂબ વિચિત્ર જાહેરાત કરી નાંખી કે, 'મીના કપૂર લતા મંગેશકર કરતા ય વધુ સારી ગાયિકા છે.' (કદાચ એ હાઈટ બોડીમાં કહેતા હોય તો એને મજાક સમજીને વાચકોએ કાકાને માફ કરવા!)

ફિલ્મની હીરોઈન લીલા દેસાઈ વિશે અગાઉ આ કોલમમાં લખ્યા પછી એમના ફેમિલીમાંથી મારા ઉપર ફોન આવ્યો હતો અને ઘણી વિશેષ માહિતી પણ જાણવા મળી હતી. આ ગુજરાતી હીરોઈનના પિતા. ડો. ઉમેદરામ લાલભાઈ દેસાઈના માતૃશ્રી સત્યબાળાદેવી બિહારના હતા અને ૧૯૦૦ની આસપાસના વર્ષોમાં સંગીતકાર તરીકે ખ્યાતનામ હતા. લીલા દેસાઈ હીરોઈન રમોલાના સગા બહેન થાય. 'પિયા મિલન કો જાના...' પંકજ દાએ આ લીલા દેસાઈ માટે ગાયું હતું અને ફિલ્મમાં 'કપાલ કુંડલા'નો ટાઈટલ રોલ એમણે કર્યો હતો.

ડાયરેક્ટર ફણી મજમુદારે લીલાની બહેન મોનિકા દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. લીલા દેસાઈની મધરે દાર્જીલિંગમાં વિશાળ કોટેજ લીધું હતું. ફિલ્મ 'આનંદ'માં અમિતાભ બચ્ચનની પ્રેમિકા બનતી હીરોઈન સુમિતા સાન્યાલ આ લીલા દેસાઈની શોધ છે.

ફિલ્મ 'નર્તકી'ના દિગ્દર્શક દેવકી બોઝ સર્જનાત્મક માણસ હતા. 'ઓ બરશા કે પહેલે બાદલ, મેરા સંદેસા લે જાના...' એ જગમોહનના ખૂબ જાણીતા ગીતની ફિલ્મ 'મેઘદૂત' દેવકી બાબુએ દિગ્દર્શિત કરી હતી. ૧૯૩૨માં સાયગલ સાહેબની ફિલ્મ 'ચંડીદાસ'માં દેવકી બાબુએ પહેલી વાર બેકગ્રાઉન્ડ મ્યુઝિકની શરૂઆત રાયચંદ બોરાલના સંગીતમાં કરી. હવે એ વિવાદ તો હજી ચાલુ જ છે કે, હિંદી ફિલ્મોમાં પ્લેબેકનો પ્રારંભ ફિલ્મ 'ધૂપ-છાંવ'થી બોરાલ બાબુએ કર્યો કે પંકજ મલિકે! ફિલ્મી સંગીતના જાણકારો તો આર.સી. બોરાલથી મોટા સંગીતકાર ઈવન અનિલ બિશ્વાસને ય નથી માનતા. સ્વયં સાયગલ અને પંકજ મલિકે પણ એમના સંગીતમાં અનેક ગીતો ગાયા છે.

આમ તો, ૩૦ કે ૪૦ ના દશકોની ફિલ્મો આજે જોવા મળે, એ જ ઘણું કહેવાય. આવી ફિલ્મો બજારમાં તો મળતી ન હોય, પણ જામનગરના શ્રી ચંદુભાઈ બારદાનવાલાને કારણે આ ફિલ્મ મળી, તેની નોંધ લઈએ છીએ.