Search This Blog

26/02/2017

ઍનકાઉન્ટર : 26-02-2017

* સર, તમને ભારત દેશ વિશે ફક્ત એક જ વાક્ય બોલવાનું કહે તો શું બોલો ?
એ તો હું જ નહિ... સવા સો કરોડની વસ્તી એક જ વાક્ય બોલવાની છે, 'ભારત માતા કી જય.' પણ કોઇને પણ 'સર' કહીને બોલાવવાનું છોડી દો... ઇવન સ્કૂલ-કૉલેજના શિક્ષક-પ્રોફેસરોને પણ નહિ ! 'સર' એ બ્રિટનનો ખિતાબ છે, અને પોતાને 'સર' કહેવડાવનારા ટયુશનિયા માસ્તરો ય એનો અર્થ સમજતા નથી. યસ. તમે એમને 'સાહેબ' ચોક્કસ કહી શકો. 'સાહેબ' પણ 'સર' કરતા ઓછું સન્માન નથી.
(
રાજ દોશી, ભાવનગર)

* તમે 'કપિલ શર્મા' જેવો શો કેમ શરૂ ન કરી શકો ?
-
એનો શો અદ્ભુત છે. નવા સુધારા-વધારાની જરૂર નથી.
(
પિનાક બામણીયા, વેરાવળ)

* સ્કૂલમાં તમારા ગુજરાતીના શિક્ષક કોણ હતા ? એમનું સન્માન થવું જોઇએ.
-
અમદાવાદની ગુજરાતની સર્વોત્તમ સ્કૂલ સાધના હાઈસ્કૂલમાં અમને સ્વ. સુધાબેન મિસ્ત્રી ગુજરાતી ભણાવતાં, એમનો આ બધો પ્રતાપ છે.
(
ધવલ જે. સોની, ગોધરા)

* હમણાં તો કોઇના સમાચાર પુછાય એવા નથી, પણ તમે કેમ છો ?
-
તબિયત સારી છે, એટલે 'છું'!
(
અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા)

* પ્રજા માટે કહેવાતી સેવા કરવા નીકળી પડયા છે... પ્રસિદ્ધિ માટે !
-
હું રોજ મારા ફલૅટ નીચે ઝાડુ લઈને ઊભો રહું છું... કચરો ફેંકવાવાળા તો બહુ આવે છે...ટીવી-કૅમેરા લઇને કોઇ આવતું નથી.
(
જીજ્ઞાસા માંકડ, મુંબઇ)

* સામાજિક અર્થવ્યવસ્થા ડોલમડોલ થઇ ગઇ છે. તમને શું લાગે છે ?
-
હા, હમણાંથી કોઇની સગાઇ તૂટવાના સમાચારો તો નથી !
(
મધુલતા માંકડ, મુંબઈ)

* મોદીજી બ્લૅકમની બહાર લાવી શકશે ?
-
આખરે તો, 'ખાધું, પીધું ને રાજ કર્યું' વાળો ખેલ થયો !
(
ભારતી ગજ્જર, સિમી વૅલી-કૅલિફૉર્નિયા)

* 'ઑનલાઇન' સીસ્ટમ સારી હશે, પણ એમાં મથામણો બહુ છે. એને સરળ ન કરી શકાય ?
-
સર્વોત્તમ ઉદાહરણ શાકભાજીવાળાનું છે. એક હાથ લે, એક હાથ દે...! ને એમાં તો પૈસા બાકી રાખવાની ય સગવડ મળે છે.
(
કોમુ ભટ્ટ, ગાંધીનગર)

* સત્તાપ્રાપ્તિ માટે રાજકારણ કૉપી-પૅસ્ટ કરતાં  ય આગળ છે, એની કેજરીવાલને સમજ નહિ પડતી હોય ?
-
એ મીડિયાએ ઊભું કરેલું બાળક છે. મીડિયા ય એવું જ કરે છે ને ?
(
રાજેશ શેલત, વડોદરા)

* અગાઉ સ્મશાનમાં ડાઘુઓ ટુવાલ લઇને જતા.... હવે મોબાઇલ લઇને જાય છે. સારો ચૅઇન્જ કહેવાય ?
-
કમનસીબે, હજી સુધી સ્મશાનમાં 'ઓનલાઇન' જવાતું નથી.
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* આજકાલ લોકોને એકબીજાને ઉતારી પાડવાની ટેવ કેમ પડી છે ?
-
ટીવી-ન્યૂસ રોજ જોવાના ને ?
(
સંકેત કે. વ્યાસ, રાલીસણા-મેહસાણા)

* ટ્રાફિક-પોલીસની કામગીરી વિશે તમારું શું માનવું છે ?
-
જે મોટી શોપવાળાઓ પૈસા વધારે આપે, એના આંગણે ગેરકાયદેસર પાર્કિંગ કરવા દે ! અમારો સ્ટેડિયમ વિસ્તાર કોકવાર જોવા આવો.
(
વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)

* આપની પાસે કાળું નાણું કેટલું છે ?
-
ધોળું થાય નહિ એટલું ?
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રેસિડૅન્ટ ક્યારે થશે ?
-
ગામનો ચોરો છે...જે આવીને બેસે,
એ મુખી.
(
પ્રણવ કારીઆ, મુંબઈ)

* જુગારમાં પોલીસની રેડ પડે, એમાં બધી ૫૦૦ અને ૧૦૦૦-ની જ નોટો હોય તો ?
-
ધાર્મિક બની જવાનું. બધી નોટો પોલીસ-વૅલ્ફૅર ફંડમાં દાન કરી દેવાની.
(
પંકજ લાખાણી, વાંસદા-નવસારી)

* નશાબંધી અને નોટબંધીમાં સારું  શું ?
-
શરદીથી મારું નાક ભરાઇ ગયું છે... અત્યારે તો 'નાકબંધી' ચાલે છે.. એ પેલા બે ય થી ભૂંડી છે.
(
ઠાકોરભાઈ બારીયા, વડોદરા)

* આજના ઝડપી યુગમાં 'કર્મનો સિદ્ધાંત' ધીમો નથી લાગતો ?
-
કર્મ પણ નસીબનું પેટ્રોલ પુરાવો તો ચાલે !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* જૅનેરિક દવાઓ અને બ્રાન્ડેડ દવાઓના વિવાદમાં સાચું શું ?
-
જૅનેરિક દવાઓ કૅમિસ્ટે કમ્પ્યૂટરમાં ટૅલી કરીને આપવી પડે છે. ભૂલ થાય તો ગુન્હો બને. હું જૅનેરિક દવાઓ જ વાપરું છું. ભાવમાં કેવો આસમાન-જમીનનો ફર્ક હોય છે!!
(
જુહિત મેહતા, ભરૂચ)

* નામ, સરનામું, મોબાઈલ નંબર...આ બધું શા માટે ?
-
કોઇ તમારા નામે આડોઅવળો સવાલ પૂછે નહિ એટલા માટે. પોસ્ટકાર્ડ્સ વખતે તો કેટલાક સવાલ પૂછીને ય ફરી જતા હતા કે, 'મેં પૂછ્યો જ નથી.'
(
મહેશ ધાબલીયા, મુંબઈ)

* 'ઍનકાઉન્ટર'માં આપો છો એવા સારા જવાબો ઘરે આપી શકો છો ?
-
ત્યાં સાચા જવાબો આપવા પડે છે.
(
નિસર્ગ લખતરીયા, કોઠારીયા)

* ભારતમાં આટલી શિક્ષિત બેકારી કેમ ?
-
ઓછું ભણેલાઓને ય પાપી પેટ પૂરવા મળે છે, માટે.
(
મોના ઠાકર, ધોળકા)

* તમે બધાને જડબાતોડ જવાબો કઇ રીતે આપી શકો છો ?
-
લોકસભા-રાજ્યસભાનું લાઇવ-ટૅલીકાસ્ટ રોજ જોવાનું ને ?      
(
જયેશ બારડ, સુરત)

24/02/2017

ફિલ્મ    :    'પૃથ્વીવલ્લભ' ('૪૩)
નિર્માતા    :    મિનર્વા મૂવીટોન
દિગ્દર્શક    :    સોહરાબ મોદી
સંગીત    :    રફીક ગઝનવી
ગીતકાર    :    પંડિત સુદર્શન (સંવાદો પણ)
રનિંગ ટાઈમ    :    ૧૨૧-મિનિટ્સ : ૧૫ રીલ્સ
કલાકારો    -    સોહરાબ મોદી, દુર્ગા ખોટે, સંકટાપ્રસાદ જહાનઆરા કજ્જન, મીના શોરી, સાદિકઅલી, કે.એન.સિંઘ, અલ નાસિર, નવીન યાજ્ઞિક, અમીરબાઈ, શાન્તાકુમારી, અલકનંદાદેવી, ચૌબે મહારાજ, ચંદ્રકલા, રંજીત કુમારી, બૅબી રોશન... (..અને કદાચ, લીલા મીશ્રા)

ગીતો
૧.    આંખો મેં મુસ્કુરાયે જાઆશા કો ગુદગુદાયે જા... મીનામેનકાશીલા
૨.    હવા ને બાંધા હૈ ક્યા રંગદેખો ઇસકી ચાલ નિરાલી... અમીરબાઈ
૩.    રામનામ ધન પાયા મૈંનેરામનામ ધન પાયા... મેનકા
૪.    તૈલપ કી નગરી મેં ગાના નહિ હૈ... આ અપના... મેનકા-રફીક ગઝનવી
૫.    ખુલે સ્વર્ગ કે દ્વાર જગ મેંખુલે સ્વર્ગ કે દ્વાર જગ મેં... મેનકા
૬.    પંછી ઊડ ચલે અપને દેશપંછી ઊડ ચલે... મેનકા-રફીક ગઝનવી
૭.    જીવન કા જુગ આયાદેખ દેખ કર મન લલચાયા... અમીરબાઈ
(
ફિલ્મમાં મ્યુઝિકલ ઇફેક્ટસ  મીર સાહેબે આપી છે)

આપણે તો કોઈ હોઈશું નહિ... આપણા માતા-પિતાએ આ બધી ફિલ્મો જોઈ હોય અને અદાથી, ટેસથી અને ગૌરવભેર જોઈ હોય ! થૅન્ક ગૉડ, આપણને આવી અપ્રાપ્ય ફિલ્મો હવે ડીવીડી-પર તો જોવા મળે છે. આ તો ઠીક છે, આપણામાંથી ભાગ્યે જ કોઈને 'પપ્પાને' પૂછવાની જરૂરત લાગતી હશે કે, અમને સાયગલ, પંકજ મલિક, સોહરાબ મોદી, કાનન દેવી કે સરસ્વતીદેવીના સંગીતની કંઇક વાતો કરો ! પૂછીએ તો કાકા ખરેખર ભારે તાનમાં આવી જાય અને એ બધી વાતો રસપૂર્વક કરે છે, 'અમારા જમાનામાં મોતીલાલ, સ્વર્ણલતા, પી.જયરાજ અને શોભના સમર્થનો દબદબો હતો. કમલ દાસગુપ્તા કે શંકરરાવ વ્યાસ અમારા માટે કોઈ શંકર-જયકિશનથી કમ નહોતા. હાજી અલીની દરગાહ પર જે ભીખ માંગતો બિનવારસી લાશ ઇને ગુજરી ગયો, તે ગાયક સંગીતકાર ખાન મસ્તાના મુખ્ય ગાયક હતો અને મુહમ્મદ રફી એની પાછળ કોરસમાં ગાતા.

ખેમચંદ પ્રકાશ તો અમારા હીરો સંગીતકાર હતા પણ ઈવન આજની ફિલ્મ 'પૃથ્વીવલ્લભ'ના સંગીતકાર 'એ જમાના'ના બી.એ. (એટલે કે, બૅચરલ ઑફ આર્ટ્સ) હતા અને નામની પાછળ ડીગ્રી લગાવવાની આવી ફૅશન હતી. પંડીત ઇંદ્ર, પંડીત દીનાનાથ મધોક અને પંડીત નરેન્દ્ર શર્મા (જેમણે 'જ્યોતિ કળશ છલકે' લખ્યું હતું.) અને આપણા અમદાવાદમાં રહેતા ગીતકાર રમેશ ગુપ્તાનો ગીતકાર તરીકે જમાનો પૂરજોશ ચાલતો હતો. શાંતા આપ્ટે અને આપણી ગુજરાતણ લીલા દેસાઈ એ સમયની સુપરસ્ટાર હીરોઇનો હતી... અને ખાસ તો કદી ય નહિ સુધરેલો ખલનાયક કે.એન.સિંઘ એ જમાનાથી જ બગડેલો હતો. મારા સૌરાષ્ટ્રની ભાષામાં એ ક્યાંય 'હખણો' રહેતો નહતો અને મર્યો ત્યાં સુધી હીરો-હીરોઇન વચ્ચે, એ ફિલ્મોમાં આવ્યો ત્યારનો 'હલાડા' કરતો હતો !

ફિલ્મો હીરો-હિરોઇન કે સંગીતકારોના નામ પર નહિ, ફિલ્મો બનાવતી કંપનીઓ (સ્ટુડિયો)ના નામ ઉપર વેચાતી અને પ્રેક્ષકો એ પહેલા જોઇ લેતા કે, ફિલ્મ ન્યુ થીયેટર્સની છે, બૉમ્બે ટૉકીઝની છે કે પ્રભાત સ્ટુડિયોની છે. મારા જામનગરના સરદાર ચંદુલાલ શાહનું નામ તો એમના રણજીત સ્ટુડિયોને કારણે જગતભરમાં ગાજતું... કમનસીબે, સટ્ટામાં બેફામ કંગાળ થઇ ગયા, પણ આપણા ગુજરાતી પારસી સોહરાબ મોદીનું 'મિનર્વા મૂવીટોન' એના સીમ્બૉલ ગર્જતા સિંહને કારણે વધુ ઓળખાતું. મોદી સાહેબ એમની લૅન્ડમાર્ક ફિલ્મો પુકાર, સિકંદર, પૃથ્વીવલ્લભ, ઝાંસી કી રાની, મિર્ઝા ગાલિબ, જૅલર, કુંદન, નૌશેરવાને આદિલ ઉપરાંત ઘણી હિંદી ફિલ્મો આંખ આંજી દે, એવા હાઈટ-બૉડી અને ઘેઘૂર અવાજને કારણે દર્શકોને આજે પણ યાદ છે.

સાયલન્ટ ફિલ્મોનો યુગ પૂરો થયા પછી, મૂળ શેક્સપિયરીયન-સ્ટેજને વરેલા મોદી સાહેબે શૅક્સપિયરના જ હૅમલેટ અને કિંગ જ્હૉન પરથી અનુક્રમે 'ખૂન કા ખૂન' અને 'સઇદ-એ-હવસ' ફિલ્મો બનાવી, જેમાંની પહેલીમાં સાયરાબાનુની સૌંદર્યવતી મમ્મી નસીમ બાનુને પહેલીવાર હીરોઇન બનાવી. મોદી એ જમાનાના અત્યંત શિક્ષિત અને ઍરિસ્ટ્રોકેટ મુસ્લિમ ફૅમિલીની દીકરી મેહતાબને પરણ્યા (એ દિવસ મેહતાબનો જન્મદિવસ હતો, તા. ૨૮ એપ્રિલ, ૧૯૪૬. સોહરાબ પોતે ૨ નવેમ્બર, ૯૭ના રોજ જન્મ્યા અને લગ્ન પારસી આદતો મુજબ, ખૂબ મોટી ઉંમરે કર્યા (ગણી જુઓ... પહેલા અને છેલ્લા લગ્ન પણ ૪૯ની ઉંમરે...!) સોહરાબને જમાનો યાદ રાખશે એમના મિનર્વા મૂવીટોન ઉપરાંત એ જમાનાના બે મહાન કલાકારોને પ્રજા સમક્ષ મોટા નામો અપાવવા બદલ ! ઇવન, તમે આજે ય ભૂલી જાઓ કે, એમની ફિલ્મ 'સિકંદર'માં પૃથ્વીરાજ છે કે શશીકપૂર (એ બન્નેનો ચેહરો બિલકુલ એકસરખો આવે છે... આવવો પણ જોઇએ ને ?) અને બીજો અગનઝરતી આંખોવાળો ચંદ્રમોહન, જે મૂળ તો કે. આસિફની ફિલ્મ 'મુગલ-એ-આઝમ'નો હીરો હોત !

સોહરાબ મોદીને ફિલ્મોએ છોડી દીધા પણ એમણે ફિલ્મોને ઓલમોસ્ટ અંત સુધી ન છોડી. ઠેઠ ૮૫ની ઉંમરે એમણે પોતાની નવી ફિલ્મ 'ગુરૂદક્ષિણા'ની જાહેરાત કરી અને કલાકારો બૂક કર્યા, એમાં બધા એમને છેતરીને પૈસા ચાઉ કરી ગયા અને મોદી ક્યારેય બેઠા થઇ ન શકે, એટલો ઘાટો આપ્યો. કોઈ માને નહિ, પણ મુંબઇના કફ-પરેડ ખાતેના એમના નિવાસસ્થાને એમના વિધવા પત્નીને મોદીને મળેલો દેશનો સર્વોત્તમ ફિલ્મી એવોર્ડ 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' મુંબઇના કુખ્યાત ચોરબજારમાં વેચી દેવો પડયો હતો, જેની સાથે સીરેમિકની અનેક અપ્રાપ્ય ચીજો પણ શામેલ હતી.

સોહરાબ મોદીનું હિંદી ફિલ્મી ઇતિહાસમાં નામ એ રીતે પણ કોતરાઈ ગયું છે કે, ભારતની સૌ પ્રથમ ટૅકનિકલર ફિલ્મ 'ઝાંસી કી રાણી' એમણે બનાવી હતી. હૉલવૂડના ટેકનિશિયનોને ઇન્ડિયા બોલાવીને ! યાદ રહે, ભારતની પહેલી રંગીન ફિલ્મ ઇ.સ. ૧૯૩૭માં 'કિસાન કન્યા' બની હતી, જેની હીરોઇન એટલે કે કિસાન કન્યા જીલ્લોબાઈ હતી. જે 'મુગલ-એ-આઝમ'માં અનારકલીની મા બને છે અને દીકરીની ફાંસી રોકાવવા અકબર-એ-આઝમ પાસે બતૌર-નિશાની વીંટી બતાવવા જાય છે. એ જીલ્લોબાઈ ફિલ્મ 'મધર ઇન્ડિયા'માં રાજકુમારની પણ મા બને છે.)

આજની ફિલ્મ 'પૃથ્વીવલ્લભ' મેં કંટાળાના ભારોભાર ખૌફ સાથે જોઈ, પણ મારા આનંદઆશ્ચર્ય વચ્ચે ફિલ્મ અદ્ભુત નીકળી... નીકળે તો ખરી જ ને... વાર્તા લેખક ગુજરાતના ધુરંધર નવલકથાકાર કન્હૈયાલાલ માણેકલાલ મુન્શી હતા. (સ્વ. ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતીમાં 'માલવપતિ મૂંજ' ના નામે આ ફિલ્મમાં કામ કર્યું હતું.)

ફિલ્મ 'પૃથ્વીવલ્લભ'ની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે :

અડોસપડોસના રાજાઓ માલવપતિ મૂંજ (સોહરાબ મોદી) અને તૈલપ (સંકટાપ્રસાદ) વચ્ચે પર્મેનૅન્ટ યુધ્ધો ચાલે રાખે છે, જેમાં ૧૫ વખત મુંજ તૈલપને હરાવે છે. તત્સમયના રિવાજ મુજબ, હારેલ રાજવીએ વિજેતા રાજવીને ભર્યાદરબારમાં પગ ધોવાના હોય છે, જે તૈલપ ધૂએ છે, પણ દરેક વખતે મૂંજ એને માફ કરીને પોતાની સમકક્ષ રાજવીના સ્થાને બેસાડે છે. તૈલપની બહેન મૃણાલવતિ (દુર્ગા ખોટે) દર વખતે ભાઈનો પરાજય સહન કરી શક્તી નથી અને નવા યુધ્ધ માટે ઉશ્કેરતી રહે છે. આ વખતે એ પડોસી રાજા ભીલ્લમ (કે.એન.સિંઘ)નો સહારો લઇ મુંજને હરાવીને કૈદ કરી લે છે, પણ પોતાના રૂપ અને સત્તાના મદમાં મૃણાલવતી મુંજને ધિક્કારતી રહે છે, જ્યારે મુંજ એને પોતાના પ્રેમમાં પાડીને રહે છે.

મુંજ સાથે ભાગી જવા તૈયાર થયેલી મૃણાલને પણ સબક શીખવવા તૈલપ મુંજને નગરજનોની ઉપસ્થિતિમાં હાથીના પગ નીચે ચગદાવીને મારી નંખાવે છે, પરંતુ મુંજના સાથી અને સગા રાજા ભોજ (અલ નાસિર) અને કવિ (સાદિકઅલી) તૈલપને હરાવીને રાજ પાછું મેળવે છે. ભોજ ભીલ્લમની સ્વરૂપવાન દીકરી વિલાસ (મીના શોરી)ના પ્રેમમાં છે. તૈલપના દીકરાને આ સંબંધ મંજૂર નથી અને વિલાસ પર ખૂની હૂમલો કરે છે, પણ વિલાસ બચી જાય છે. તૈલપપુત્રને મારી નાંખવા પતિ ભીલ્લમને એની પત્ની ઉશ્કેરે છે. (મારી એકલાની સમજ મુજબ, આ પત્ની ભરજુવાનીની 'લીલા મીશ્રા' (ફિલ્મ શોલેની મૌસી) છે. ફિલ્મમાં કપાળ ઉપરના અંબોડાવાળી સાધ્વી બનીને મૃણાલને શીખામણો આપતી અમરબાઈ કર્ણાટકી છે.

બાય ધ વે, અહીં રાજા ભોજ બનીને મીના શોરીના પ્રેમમાં પડેલો ઍકટર અલ નાસિર છે, જે આપણા સ્વર્ગવાસી અને બારમાસી પોલીસ-ઇન્સ્પેકટર ઇફ્તેખારનો બનેવી અને રાજકપૂર-સુરૈયાની ફિલ્મ 'દાસ્તાન'ની સાઇડ-હીરોઇન વીણાનો વર થાય, જે પણ 'દાસ્તાન'માં છે.

ફિલ્મના સંગીતકાર રફીક ગઝનવી અટકના સામ્યને કારણે, ભારત પર હૂમલો કરનાર મુહમ્મદ ગઝની સાથે જોડાય છે, પણ બી.આર.ચોપરાની ફિલ્મ 'નિકાહ'માં 'ફઝા ભી હૈ રવાં રવાં' અને 'દીલ કે અરમાં આંસુઓં મેં બહે ગયે' ગાનાર સલમા આગાના એ નાનાજી થાય (મધરના ફાધર). એ જ રીતે, મોસાળ પક્ષે સલમા જુગલકિશોર શર્માની દોહિત્રી પણ થાય. આ જુગલકિશોર રાજ, શમ્મી અને શશી કપુરનો ફર્સ્ટ કઝિન થાય, પણ ઇસ્લામ અંગીકાર કરી લીધા પછી નામ એહમદ સલમાન રાખ્યું હતું. (હવે રાજ-શમ્મીની જેમ સલમા આગાની માંજરી આંખોનો રાઝ ખૂલ્યો...? આ વીણા ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં અશોક કુમારની પ્રેમિકા બને છે.

ફિલ્મના ગીતો મધુરા છે, ખાસ કરીને રફીક ગઝનવીનો બૅઝ-વૉઇસવાળો કંઠ મીઠો લાગે છે. અમીરબાઈ કર્ણાટકીના ગીતો ઓળખાય એવા છે, પણ અન્ય ગાયિકાઓ મીના, મેનકા અને શીલા કોણ છે, તેની માહિતી નથી. મીના એટલે મીના શોરી હોવાની શક્યતા ઓછી છે, કારણ કે, એને ગાતા આવડતું નહોતું. પોતાના અધધધ રૂપને સહારે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રૂપ કે. શોરી સાથે પરણીને ચારે બાજુથી નવડાવીને મીના પાકિસ્તાન ભાગી ગઈ. એના જન્મનું નામ 'ખુરશિદ જહાન' હતું. (જન્મ તા. ૭ નવેમ્બર, ૧૯૨૧-મૃત્યુ તા. ૭ ફેબ્રૂઆરી, ૧૯૮૯ પાકિસ્તાન) રાવલપિંડી-પાકિસ્તાનમાં જન્મેલી આ ખૂબસૂરત અભિનેત્રીને ખાસ તો તમે ફિલ્મ 'એક થી લડકી'ના મુલ્કમશહૂર ગીત 'લારાલપ્પા લારાલપ્પા લાઇ રખ્ખ દા...'ને કારણે ઓળખો છો, પણ બીજા ચાર-પાંચ જણા ય એને બહુ સારી રીતે ઓળખી ગયા હતા, જેમાંનો એક તો આ રૂપ કે.શોરી, પણ બીજો આ જ ફિલ્મમાં એનો પ્રેમી અને રાજાભોજ બનતો અલ નાસિર એનો હસબન્ડ થાય. ઝહૂર રાજા પણ હિંદી/પાકિસ્તાની ફિલ્મોનો અભિનેતા હતો, એને ય મીનાએ પરણવાનો એક ચાન્સ આપ્યો. રઝા મિર બાકી રહી ન જાય, માટે એની સાથે ય મીનાએ પરણી બતાવ્યું. પાછલી ઉંમરે ફરી પરણવાનો ચાન્સ મળે ન મળે, માટે મીનાએ અસદ બુખારી સાથે ય નિકાહ પઢ્યા.

મીના પાકિસ્તાનમાં ભીખ માંગતી મરી ગઈ, ત્યારે એના પાંચમાંથી એકે ય પતિ કાંધો દેવા આવ્યા નહોતા... કહે છે કે, એ લોકો એ વખતે પોતાના બીજા લગ્નમાં બિઝી હતા...!

યસ. બાય ઑલ મીન્સ, 'પૃથ્વીવલ્લભ' જોવાની હું ભલામણ કરૂં છું. બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મ હોવા છતાં સહેજે અંધારી નથી. સોહરાબ મોદીનો (એમની જોકર જેવી મૂછોને બાદ કરતા) અભિનય તગડો છે. ગાલમાં ડિમ્પલ પાડતી હીરોઇન દુર્ગા ખોટેને તમે ફિલ્મ 'આનંદ'માં અમિતાભ બચ્ચનની પ્રેમિકા સુમિતા સાન્યાલની (સાચું નામ, 'મંજૂલા સાન્યાલ'... એની પહેલી બાંગ્લા ફિલ્મમાં એનું નામ દિગ્દર્શકે 'સુચોરિતા'નું ટુંકાવીને 'સુમિતા' કરી દીધું હતું.) વિધવા મા તરીકે જોઈ છે.