Search This Blog

30/01/2015

'કોહરા' ('૬૪)

ફિલ્મ : 'કોહરા' ('૬૪)
નિર્માતા-સંગીતકાર : હેમંતકુમાર
દિગ્દર્શક : બિરેન નાગ
રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ : ૧૫૩ મિનિટ
થીયેટર : લક્ષ્મી(અમદાવાદ)
કલાકારો : વહિદા રહેમાન, વિશ્વજીત, લલિતા પવાર, મનમોહન કષ્ણ, અભિ ભટ્ટાચાર્ય, મદનપુરી, બદ્રીપ્રસાદ, તરૂણ બોઝ, ચાંદ ઉસ્માની, અસિત સેન, સમર રોય, દેવકિશન, બેગમ શૌક્ત કૈફી, મનોહર ગીર, લક્ષ્મી છાયા, સચિન શંકર, શમશેરસિંઘ, પ્રકાશ અને થેલ્મા


ગીતો
૧. ઓ બેકરાર દિલ, હો ચૂકા હૈ મુઝ કો આંસુઓ સે પ્યાર - લતા મંગેશકર
૨. યે નયન ડરે ડરે, યે જામ ભરે ભરે, જરા પીને દો... - હેમંતકુમાર
૩. રાહ બની ખુદ મંઝિલ, પીછે રહ ગઈ મુશ્કીલ, સાથ જો - હેમંતકુમાર
૪. ઝૂમઝૂમ ઢલતી રાત, લેકે ચલી મુઝે અપને સાથ - લતા મંગેશકર
૫. કાહે બજાઈ તુને પાપી, બાંસુરીયા, તન મે લગે ચિંગારી - આશા-મહેન્દ્ર કપૂર.(છેલ્લું ગીત ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.)

એક નવાઈ લાગે કે, એ જમાનાના હીરો- હીરોઇનોએ અનેક પ્રેમકથાઓવાળી ફિલ્મોમાં પ્રેમીઓ તરીકે સાથે એવું સુંદર કામ કર્યું હોય કે, એ સમયની ઉંમર પ્રમાણે આપણે માની ગયા હોઈએ કે, વાસ્તવિક જીવનમાં ય આ બન્ને પ્રેમીઓ હશે. એમાં ય રાજ- નરગીસ, દિલીપ- મધુબાલા કે દેવઆનંદ, સુરૈયાની સચ્ચી સ્ટોરીઓ આપણી સામે હતી. શક્ય છે કે, એમાંના અમુક પ્રેમ (કે પ્રેમોમાં) હોય બી ખરા ને આપણે જાણતા ન હોઈએ અથવા તો જે જાણતા હોઈએ, એ સાચું ન હોય, પણ પ્રેમ-ફ્રેમ બાજુ પર જાવા દિયો, એ ફિલ્મ પત્યા પછી એ બન્ને વચ્ચે નામના ય સંબંધો ન હોય (કોઈ ઝઘડા કે અણબનાવ વગર...!) તો આઘાત લાગે. જેમ કે સ્વ. મહિપાલે મને એમના બોમ્બે ક્રિકેટ એસો.ની સામે આવેલા વિજય મહલના ફ્લેટમાં દોઢેક કલાક સુધી આપેલી મુલાકાતમાં ચોંકાવી દીધો હતો કે, ફિલ્મ 'નવરંગ'માં સંધ્યા સાથેની એમની અમર પ્રેમકથા જોયા અને અનહદ માણ્યા પછી તો મનમાં ચોક્કસ બેસી ગયું હતું કે, ફિલ્મ ભલે '૫૯માં પૂરી થઈ, પણ એ બન્ને વચ્ચે કેવા પવિત્ર અને મધુર સંબંધો છેક સુધી રહ્યા હશે ?

મધુરા સંબંધો... ? માય ફૂટ ! મહિપાલે કરેલા ઘટસ્ફોટ પછી ખબર પડી કે, ''એ તો ફિલ્મ પતી... એટલે વક્ત ગયા, બાત ગઈ...! મૈં ઔર સંધ્યા ફિર કભી મિલે તક નહીં !''

એવું જ વિશ્વજીત અને વહિદા રહેમાનને જોઈને થાય કે, બન્નેએ એકબીજા સાથે કેવી સુંદર ફિલ્મો શેર કરી છે... બન્ને વચ્ચે દોસ્તી તો આજીવન હશે ને ?

સહેજ પણ નહિ. વક્ત ગયા, બાત ગઈ ! એ તો પછી લોજીક સમજાણું કે, ફિલ્મો ય એક બિઝનેસ છે. એમાં કામ કરનારાઓ વચ્ચે પ્રોફેશનલ સંબંધો જ હોય, પર્સનલ નહિ ! આપણે નોકરી- ધંધો કરીએ છીએ. સ્ટાફના અનેક સાથે ઘર જેવા (કે ઓફિસ જેવા) સંબંધો બંધાયા હોય, પણ આજે શું ?... આજે માય ફૂટ !

પણ દર્શક તરીકે ફિલ્મો સાથેનો આપણો સંબંધ 'માય ફૂટ' નથી હોતો. ક્યારેક કોઈ ફિલ્મના ગીતો સાથે કે આખેઆખી ફિલ્મ સાથે આપણે ય ઘર જેવા સંબંધો બંધાઈ જાય છે, એમાંની મારા માટે એક એટલે આ 'કોહરા'.

'કોહરા' કોઈ ગ્રેટ ફિલ્મ નહોતી, પણ હું એના ચારેય ગીતો ઉપર આજે ય 'રાહુલ રાહુલ' થઈ જાઉ છું. વહિદા જેટલી સુંદર અન ગ્રેસફૂલ આ ફિલ્મમાં લાગે છે, એટલી મને 'ગાઇડ' કે 'દિલ દિયા દર્દ લિયા'માં ય નથી લાગી. એનો અર્થ તમારે એ પણ કાઢવાનો કે, સમગ્ર કરિયરમાં વહિદા આ બન્ને ફિલ્મોમાં કેવી ચાર્મિંગ લાગતી હતીને તો ય, 'કોહરા' જેટલી અને જેવી અપીલ મને અન્ય કોઈ ફિલ્મમાં નથી લાગી. માર્શલ બ્રગાન્ઝાની અદ્ભુત બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી જોયા પછી બે હાથ જોડીને આભાર માનવો પડે કે, 'થૅન્ક ગોડ, આ ફિલ્મ રંગીન નહોતી બની...!' એક દ્રષ્ય તો મને હજી ય યાદ છે કે, ફિલ્મના હેમંત દાના ગીત, 'રાહ બની ખુદ મંઝિલ, પીછે રહ ગઈ મુશ્કીલ...'ના ત્રીજા અંતરાના ઇન્ટરલ્યૂડ મ્યુઝિક વખતે મહાબળેશ્વરની સડકો ઉપર ખુલ્લી કારમાં જતા વહિદા- વિશ્વજીતને માર્શલના કેમેરાએ ઊલટાવી નાખ્યા હતા (જે એ વખતની ટેકનોલોજીમાં સરસ કામ થયું કહેવાય.) મતલબ કેમેરા આખો ઊલટો થઈ જાય છે, એમાં અમદાવાદની લક્ષ્મી ટોકીઝના પ્રેક્ષકો ગુસ્સે થઈને સિસોટી મારવા માંડયા હતા...''અબે ફિલીમ કી પટ્ટી સીધી કર... ઊલટી હો ગઈ હૈ...!'' પછી એ જ રનિંગ કેમેરામાં માર્શલે કેમેરા સીધો કરી બતાવ્યો, ત્યારે હસતા મોંઢે પ્રેક્ષકો ઉલ્લુ બન્યાનો આનંદ લેતા હતા અને હજી ય માનવામાં નથી આવતું કે, આવા ભવ્ય સેટ્સ મેં બીજી કોઈ ફિલ્મમાં જોયા છે ? ભવ્યતાની વાત આવે એટલે 'મુગલ-એ-આઝમ' કે 'પાકીઝા'ના સેટ્સની યાદ આવે પણ પરેલના રાજકમલ સ્ટુડિયોમાં આર્ટ- ડાયરેક્ટરે (મને નામની ખબર નથી) વિશાળ હવેલીના જે સેટ્સ બનાવ્યા છે, તે જોતાં પહેલી બીક એ લાગે કે, એક બાજુ આખી ફિલ્મનો ખર્ચો હશે ને બીજી બાજુ ફક્ત આ સેટ્સનો ખર્ચો ! ગાયક- સંગીતકાર હેમંતકુમારે પોતે ઉતારેલી આ ફિલ્મ હતી, એટલે ખાલી સેટ્સમાં જ ભરપુર નિચોવાઈ ગયા હશે. અહીં ખૂબ મોટી હવેલીના આલીશાન રૂમો અને કોરીડોર એકબીજા સાથે સળંગ ખાસ્સી લંબાઈથી જોડાયેલા છે ને તમામનું ઇન્ટરીયર- ડેકોરેશન પણ ખર્ચાળ અને મનોરમ્ય છે. કમ-સે-કમ, મેં તો આટલા વિશાળ સેટ્સ અન્ય કોઈ ફિલ્મમાં નથી જોયા. વિશ્વજીતે હજી હમણાં કોક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, એ વખતે 'કોહરા' બની રહી હતી, ત્યારે એના સેટ્સ જોવા ફિલ્મ ઉદ્યોગના મોટા ભાગના ઊંચે લોગ પરેલ- રાજકમલ સ્ટુડિયો ખાસ આવતા. વિશ્વજીતની પહેલી પત્નીનો આખો બેડરૂમ સફેદ બનાવાયો હતો.

મેં કીધું ને, ફિલ્મ કોઈ ગ્રેટ નહોતી, ભલે હિચકૉકની ફિલ્મ 'રૅબેકા' ઉપરથી બનાવાઈ છે. વાર્તામાં લોજીક શોધ્યું મળે એમ નથી. 'આવું કેમ ?' અથવા 'આવું તે કાંઈ હોતું હશે ?' એવા સવાલો હર ઘડી ઉઠતા રહે, તો વાંક તમારો નહિ, ડાયરેક્ટરનો છે.

ડાયરેક્ટર બિરેન નાગે આ જ હેમંત દા માટે અત્યંત સફળ સસ્પેન્સ ફિલ્મ 'બીસ સાલ બાદ' બનાવી, એના ઇનામરૂપે આ બીજી ફિલ્મ પણ દિગ્દર્શિત કરવા મળી. અલબત્ત, બિરેન દાને અગાઉ 'ચૌદહવી કા ચાંદ', 'સી.આઇ.ડી.' અને 'સાહિબ, બીવી ઔર ગુલામ'માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકેનો અનુભવ અહીં કામમાં આવ્યો. (કાંઈ ધ્યાનમાં આવ્યું... ? બિરેન દાની બધી ફિલ્મોની હીરોઇન એક જ હતી...!) આ ફિલ્મ 'કોહરા' Daphane Du Maurier  (ઉચ્ચાર : ડૅફને ડુ મૉરિયે... જેવું વંચાય છે, એવું 'મોરિયર' નહિ !) નામના સાહિત્યકારે ઠેઠ ૧૯૩૮માં લખેલી નૉવેલ 'રૅબેકા' ઉપરથી ધી ગ્રેટ થ્રીલર- માસ્ટર આલ્ફ્રેડ હિચકૉકે એ જ નામથી પેલું શું કહે છે... યસ, 'સોલ્લિડ' ફિલ્મ (૧૯૪૦) બનાવી હતી, (જેના હીરો હતા સર લૉરેન્સ ઓલિવીયર અને હીરોઇન જોઆન ફૉન્ટેઇન) એના ઉપરથી આ લોકોએ 'કોહરા' ઉતાર્યું. નકલમાં અક્કલ નહિ, એ ધોરણે ફિલ્મમાં વિશ્વજીતે સર લોરેન્સ ઓલિવિયર જેવી પેન્સિલ-કટ મૂછો રાખી છે, પણ આખી ફિલ્મમાં એણે કપાળ ઉપર ભાભી જેવી લટ શેના માટે રાખી છે, એ તો એ જાણે !

હેમંત દા ગાયક- સંગીતકાર ઉપરાંત ફિલ્મો બનાવતા હતા. બીસ સાલ બાદ, કોહરા, ફરાર, રાહગીર, બીબી ઔર મકાન અને ખામોશી, એમાં ચારના હીરો તો વિશ્વજીત હતા. મહારાષ્ટ્રીયનોની જેમ બંગાળીઓ પણ પોતાના રાજ્યને પ્રેમ કરનારી પ્રજા...સાવ ગુજરાતીઓ જેવું નહિ કે, ગુજરાતી હોવાનું કોઈ ગૌરવ કે ગર્વ જ નહિ. આટલા બધા લોકો હિંદી ફિલ્મોમાં નામ કમાયા... કોઈએ ગુજરાતી હોવાનું ગર્વ અનુભવ્યું હોય, એ તો જાવા દિયો, પોતે ગુજરાતી છે, એવું કહેતાં ય કોઈ ફિલ્મ કલાકારને સાંભળ્યો નથી. ફિલ્મ લોકો તો દૂરની વાત છે... આપણા એરપોર્ટ્સ કે ફાઇવ સ્ટાર લેવલની હોટલોમાં ગુજરાતીઓને જોજો... સાલા ઇંગ્લિશ સિવાય તો ઉધરસો ય નહિ ખાય... ને એ ય સાચું ઇંગ્લિશ બોલતા હોય તો ચલાવી લો જી... પણ... પણ બંગાળી કે મરાઠી નિર્માતા- દિગ્દર્શકોની ફિલ્મો જોઈ જુઓ... બને ત્યાં સુધી એમના જ લોકોને લેવાની હઠ. અત્યારે કટાક્ષ પૂરતું એમ કહી દેવાય કે, ગુજરાતીઓ ભારતીય છે... પ્રાંતવાદી નહિ !

વિશ્વજીત હિંદી ફિલ્મોમાં આવ્યો, તે પહેલાં બંગાળમાં બહુ પૂજાતો હતો. ત્યાં તેનું મોટું નામ હતું. ગુરૂદત્તે એની ફિલ્મ 'સાહિબ, બીવી ઔર ગુલામ'ના હીરો માટે વિશ્વજીતને પસંદ કર્યો હતો, પણ બંગાળીઓએ એને ચઢાવ્યો કે, પછી અહીંથી તારું નામ ભૂંસાઈ જશે... ભ'ઇ આવ્યા જ નહિ, એટલે ગુરૂદત્તે શશી કપૂરને હિરો બનાવ્યો, પણ એક સેકંડ માટે ય ક્યારે પણ મોડા નહિ પડતા શશી કપૂરને કમનસીબે એ જ દિવસે મુંબઈનો ટ્રાફિક મારી ગયો, ને શુટિંગ માટે મોડો પડયો, એમાં છંછેડાયેલા ગુરૂદત્તે એને કાઢી મૂક્યો. વિશ્વજીત સોહામણો ખૂબ હતો. એક્ટિંગ- ફેક્ટિંગ છોડો, પણ ભારત ભૂષણ, પ્રદીપ કુમાર કે એવી એ જમાનાની બીજી બે- ચાર નોટો હતી ખૂબ સોહામણી અને એક્ટિંગ સાથે કોઈ લેવાદેવા પણ નહિ... અને છતાં ય એ બધી નોટો ચાલી. એક કારણ એ પણ હોઈ શકે કે, એ લોકોને એવી ફિલ્મ માટે પસંદ કરવામાં આવતા, જેમાં વાર્તા હીરોઇન આધારિત હોય !

'કોહરા' આજે ય એના મધુરા ગીતો માટે યાદ કરાય છે. કોઈકે રાનુ મુખર્જીને પૂછ્યું હતું કે, 'તારા પપ્પા તારી દ્રષ્ટિએ ગાયક તરીકે ઉત્તમ કે સંગીતકાર તરીકે ?' તો એણે બેમાંથી કયો એક જવાબ આપ્યો હતો, તે મારી સ્મૃતિમાં તો નથી, પણ એનો જવાબ કે કોઈનો જવાબ જાણવાની યે જરૂરતે નથી. આપણને તો હેમંત દા બન્ને એકાઉન્ટ્સમાં ગમે જ ! નાભિમાંથી નીકળતો બેઇઝ-વોઇસ યાદ કરો, 'યે નયન ડરે ડરે...' છતાં કંઠની મૃદુતા પંકજ મલિકની જેમ બરકરાર. લતા મંગેશકરે સુંદર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, હેમંત દાનો અવાજ એટલે કોઈ ટેકરી ઉપરના મંદિરમાંથી પૂજારી ગાતો હોય, એવું આપણને સંભળાય.' તો બીજી બાજુ, સંગીતકાર તરીકે ય હેમંતકુમારને દોઢે ઇંચે ય આઘા મૂકી શકાય એમ નથી. આ જ ફિલ્મમાં લતાનું, 'ઓ બેકરાર દિલ, હો ચૂકા હૈ મુઝકો આંસુઓ સે પ્યાર...'માં હેમંતની વૉયલિન યાદ કરો. દરિયાની નાનકડી લહેરો તોફાન મસ્તીમાં ઝૂમતી હોય એવી વૉયલીન આ ગીતમાં વાગી છે, તો લતાના જ બીજા ગીત, 'ઝુમઝુમ ઢલતી રાત...'માં સંગીત થ્રીલર-બ્રાન્ડનું ય ઊભું કર્યું જ છે ને ! ટૂંકમાં, કોઈ ઝઘડા નહિ ચાહિયે... હેમંત દા ગાયક અને સંગીતકાર... બન્નેમાં આપણા માટે પૂજનીય જ !

ફિલ્મમાં તો ત્રણ પાત્રો જ મુખ્ય છે, વહિદા, લલિતા પવાર અને વિશ્વજીત. લલિતાએ ઋષિકેશ મુકર્જીની ફિલ્મોની જેમ અહીં કોઈ ગ્રેટ એક્ટિંગ નથી કરી (એવો રોલ નથી મળ્યો), છતાં ફિલ્મના કેન્દ્રસ્થાને એ છે. બાકી તો હું એક રોતડા મનમોહનકૃષ્ણથી અકળાઈ જઉં છું, ત્યાં અહીં અદાલતમાં એની સાથે એનો ય બાપ થાય એવો બીજો રોતડો અભિ ભટ્ટાચાર્ય છે, એટલે મારી તો મા અંબાજીની વધુ એક યાત્રા પાકી... ? એમાં ય કદી જોવી ય ન ગમે, છતાં એક જમાનામાં કિશોરકુમારની હીરોઈન બની ચૂકેલી ચાંદ ઉસ્માની ('પિયા પિયા પિયા મો રા જીયા પુકારે...' ફિલ્મ 'બાપ રે બાપ'.....કિશોરે જાહેરમાં એમ કીધું હતું કે, ''ચાંદ ઉસ્માનીનું માથું જુઓથી ભરચક છે!'') અહીં ઇશ્વરનો આભાર કે નાનકડા રોલમાં જ છે, પણ જેને કદાચ જોવી ગમત, એ વિશ્વજીતની પ્રથમ પત્ની બનતી છોકરીનો આખી ફિલ્મમાં ચેહરો જ બતાવાયો નથી, એ કોઇ એંગ્લો- ઇન્ડિયન છોકરી 'થેલમા' હતી. ઋષિદાની મોટા ભાગની ફિલ્મોમાં રસોઈવાળા મહારાજના રોલમાં આવતો વૃદ્ધ દેવકિશન અહીં થોડા ઓછા બુઢ્ઢાના રોલમાં મહારાજ જ બને છે એનો અવાજ મીઠો હતો. ફિલ્મ 'આનંદ'માં આ દેવકિશન અમિતાભ બચ્ચનનો રસોઈયો બને છે. મદન પુરી અને બંગાળીઓની લગભગ બધી ફિલ્મોમાં ખાસ દેખાતો ચરિત્ર અભિનેતા તરૂણ બોઝ (ફિલ્મ 'ગુમનામ'નો 'દાઢીવાલા ખૂની') અહીં ગાન્ડાના રોલમાં છે.

શબાના આઝમીની મમ્મી શૌકત કૈફી અહીં એક દ્રશ્યમાં (ગાંડાની માં) આવે છે.

બાય ધ વે, કોહરા એટલે ધૂમ્મસ અને એ જ અર્થની બીજી ફિલ્મ આપણે જોઈ ચૂક્યા છીએ, બી. આર. ચોપરાની ફિલ્મ 'ધૂન્દ'. એ વાત જુદી છે કે, બેમાંથી એકે ય ફિલ્મમાં અસલી ધુમ્મસ કયા દ્રષ્યમાં હતું, એ તો ઉપર પ્રભુ શ્રી રામ અને નીચે જે તે ફિલ્મના દિગ્દર્શક જાણે.

ફિલ્મ 'કોહરા' અમદાવાદના ઘીકાંટા પરના ટ્વિન-થીયેટર પૈકી લક્ષ્મી (બીજું એલ.એન.)માં આવ્યું હતું. અહીં વિશ્વજીતનું સાયરા બાનુ સાથેનું 'એપ્રિલ ફૂલ' ઉતર્યા પછી 'કોહરા'નો નંબર લાગ્યો. 'એલ.એન.'માં એ જ વિશ્વજીત સાથે નંદાનું 'કૈસે કહું' ચાલે. પ્રકાશમાં સુપ્રિયા ચૌધરી- ધર્મેન્દ્રનું 'આપ કી પરછાંઈયા' ત્યાં માલા સિન્હા- ભારત ભૂષણનું 'જહાન આરા' ઉતર્યા પછી આવ્યું હતું. કૃષ્ણમાં સાયરા- રાજેન્દ્રનું 'આઇ મિલન કી બેલા', અશોકમાં પ્રદીપકુમાર અન લીલા નાયડુ (જેની તસ્વીર જર્મનીના વિખ્યાત મેગેઝિન 'ધ વૉગ'ના મુખપૃષ્ઠ પર, વિશ્વના સર્વોત્તમ ચહેરા તરીકે છપાઈ હતી.)ની ફિલ્મ 'બાગી', નોવેલ્ટીમાં બી. સરોજાદેવી- સુનિલ દત્તનું 'બેટી બેટે', રૂપમમાં અશોકકુમાર- મીના- પ્રદીપકુમારનું 'ચિત્રલેખા', લાઇટ હાઉસમાં 'દૂર ગગન કી છાંવ મેં', અલંકારમાં મીના- સુનિલનું 'ગઝલ' આવ્યું હતું.

28/01/2015

આજે સગાઇઓ તૂટે છે કેમ આટલી....?

સુધીરની વાઇફ તો શૉપિંગ-મૉલના કોક બીજા કોઇ ખૂણે ભરાઇ ગઇ હતી ને આ બાજુ સુધુ એકલો અદબ વાળીને ઊભો ઊભો મોલની ચહલ-પહલ જોયા કરતો હતો. એ ૫૦-વર્ષ પહેલાં જન્મ્યો હતો, એટલે આજે ૫૦-ની ઉંમરનો થયો હતો. આજે કયો ગુજરાતી એવો છે, જેની થોડી તો થોડી ફાંદ નીકળી ન હોય ને કયો ગુજરાતી એવો છે, જે દૂરથી કોઇ 'જોવાલાયક' આવતી હોય, તો કાચી સેકંડમાં ફાંદ અંદર ખેંચી ન લે... ભલે પછી એટલો ભાગ પાછળ ફૂલાતો હોય! કપડાં તો એ બ્રાન્ડેડ પહેરતો ને ગૉગલ્સ પણ 'વર્સાચી'ના. બહાર ગાડીમાં બેઠા પછી એ ગૉગલ્સ કોઇ જોવાનું નથી, એટલે મૉલમાં ય એણે પહેરી રાખ્યા હતા. બ્રાન્ડેડ ચીજો વાપર્યા પછી કોઇ જોનારૂં ન હોય તો પૈસા પડી જાય છે.

અચાનક દૂર ઊભેલી એક સ્ત્રીને સુધીરે જોઇ. જોવા જેવું કાંઇ લાગ્યું નહિ, એટલે આંખોએ ઘટનાસ્થળે જ રાજીનામું આપી દીધું. પણ તો ય, પુરૂષ છે ને..? આજુબાજુમાં વધારે સારા વિકલ્પો ન હોય તો ઘડી-બેઘડી માણસ પોતાની સગ્ગી વાઇફને ય જોઇ લેતો હોય... ને એમાં કાંઇ ખોટું ય નથી. એના સિવાય, આપણા બધા માટે પાછી એની વાઇફ ધરાઇ ધરાઇને જોવા જેવી લાગતી હોય. આ તો એક વાત થાય છે.

૫૦ની આસપાસની તો એ ય હતી. પણ જોઇને એટલો સંતોષ ચોક્કસ થાય કે, આપણા ઘેર જે જમા કરાવી છે, એ એટલીસ્ટ... ''આના કરતા'' તો સારી છે.. બહાર ખોટા ફાંફાં મારીએ છીએ. કહે છે કે, આવુ જ્ઞાન ૨૦૦ કરોડ પુરુષોમાંથી ભાગ્યે કોઇ એકાદાને થતું હોય છે... આવો એ એકાદો એટલે સુધીર.

પણ અચાનક એની આંખ ઝબકી. ''આ સ્ત્રીને પહેલા ક્યાંય જોઇ છે, યાર.. હિંદી ફિલ્મોના વિલંબની જેમ એક ડાયલોગ એના મનમાં ઝબક્યો, ''મેરી આંખે કભી ધોખા નહિ ખા સકતી.'' એ નજીક ગયો. પેલીનું ધ્યાન સુધુ ઉપર નહોતું, પણ એનો ચહેરો જોવામાં કોઇ મુશ્કેલી પડી નહિ. ''ઓહ યસ.. યસ... હવે યાદ આવ્યું.. આ તો હું પહેલી વાર કન્યાને જોવા ગયો હતો, એ રેખા આ જ! રેખલી રેખલી... ઓળખી હવે... ! ઓહ માય ગૉડ... આજે એ આવી થઇ ગઇ છે...? મરી ગયો.... ચોક્કસ મરી ગયો... એને પૈણનારો બાકાયદા મરી ગયો હશે ને હજી સુધી નહિ મર્યો હોય તો રોજ રિબાતો હશે... રેખલી સાવ આવી થઇ ગઇ? સાલું, ભગવાન જેવું ચોક્કસ કંઇ છે જ, ને એટલે જ હું આનામાં બચી ગયો.''

સુધીયો સાવ ખોટો ય નહોતો. આપણે તો ૨૮ વર્ષ પહેલાં રેખાને જોઇ નહોતી, પણ અત્યારે જોઇએ તો માની જવું પડે કે, ઇશ્વરી ન્યાય જેવું ચોક્કસ કંઇક છે, નહિ તો આપણામાંથી કોક આનામાં ભરાઇ ગયું હોત તો ઝભ્ભો ફાડીને લેંઘાના લટકતે નાડે નેહરૂ બ્રીજના થાંભલા ઉપર રોજ ચઢી જતા હોત! કોક દિવસ તો પ્રભુ હાથ છોડાવી દેશે... એ આશાએ! સુધીરને યાદ આવ્યું કે, આજથી ૨૮ વર્ષ પહેલાં એ લગ્નવિષયક કારણે આ રેખાને જોવા ગયો હતો, ત્યારે તો એ બહુ લેંચુ મારતી'તી...! કપાળ ઉપરથી લટીયાં ને આંખોમાંથી મેંશના કાળા ખૂણીયા કાઢતી. એ વખતની હીરોઇનોની ફેશન પ્રમાણે આ રેખા ય માથામાં વચ્ચોવચ ઢીમડું થયું હોય, એમ વાળનો ટેકરો બનાવતી ને કપાળની વચ્ચે સેંથી પાડીને બંને લટો કાન તરફ જવા દેતી. અર્થની ખબર હોય કે ન હોય, છોકરીઓમાં 'ઓહ શીટ..' બોલવાનું એ જમાનામાં શરૂ થયું હતું. (આજે ય, કોઇને અર્થની ખબર હોય, એવું લાગતું તો નથી.. લાગે તો ઊલટીઓ કરવા ન માંડે? આ તો એક વાત થાય છે.) સુધીરને યાદ આવ્યું હશે કોઇ '૮૫ કે '૮૭ની સાલ. ખાડીયાની કોઇ પોળમાં સુધીર છોકરી જોવા એના માં-બાપની સાથે ગયો હતો. એ દિવસોમાં તો કેવું હતું કે, સાવ એવું ય નહોતું. જોવા ગયા હોઇએ, એટલે ઘર આખું ચોખ્ખું કરીને રાખ્યું હોય ને ઘરમાં બધા લેવાદેવા વગરના સ્માઇલો આપે રાખતા હોય ને આ બાજુ, આપણે ટેન્શનમાં હોઇએ. બેસીએ એટલે તરત કાંઇ પેલી બહાર ન આવે. એ તો હાથમાં ચા-નાસ્તાની ટ્રે સાથે નીચું જોઇને કિચનના પરદા પાછળથી પ્રગટ થાય. એને આટલું ચલાવવા પાછળનું કારણ એ હતું કે, છોકરાવાળાને ખાત્રી થાય કે, છોકરી લૂલી-લંગડી નથી. પણ એના આવ્યા પછી છોકરાના હાલ જોવા જેવા હોય. આજના છોકરાઓની માફક, એકબીજાને, ''ઓ હાય.... સીમ ટુ હેવ મેટ ઇચ અધર બીફોર, ના..?'' જવાબમાં પેલી ફટ દઇને કહી પણ દે, ''...મૅટ બીફ્ફો...? માય ફૂટ.. આઇ નૅવર લૉઇટર અરાઉન્ડ ધ કૅફેઝ ઍન્ડ કૉફી શૉપ્સ...!''

એક જમાનામાં આપણે પોતાના માટે પહેલીવાર કન્યા જોવા ગયા, એ દિવસ યાદ કરો. તમારે 'મારો' એ દિવસ નહિ, 'તમારો' પોતાનો એ દિવસ યાદ કરવાનો છે. આજે ભલે ઉંમર તમારી કોઇ ૪૦-૫૦ કે ૬૦-૭૦ની પહોંચી, પણ આપણા જમાનામાં લગ્નના હેતુથી કન્યા જોવા માં-બાપ સાથે જવું, એમાં થ્રિલ હતી. યાદ છે, કેવા નવા નવા કપડાં સિવડાવી રાખ્યા હતા.... જોવા જવાનું જેટલી વખત થાય, એ વખતે જ એ જોડી કાઢવાની. દાઢી તો છોલાય ત્યાં સુધી ઘસઘસ કરવાની. સવારથી મોઢું મલકમલક થાતું હોય ને જે મળે, એને સ્માઇલથી જવાબ આપવાનો. પણ ત્યાં ગયા પછી, એ લોકો જ નહિ, આપણે ય 'ટેન્સ' હતા. એ લોકોનો બંગલો નજીકમાં હોય, ત્યારથી પગ ધ્રૂજતા અને કાનની બૂટ લાલલાલ થઇ જતી. પણ કિચનના પરદા સામે છાનુંમાનું જોઇ લેવાની તો એટલી બધી અધિરાઇ આવી ગઇ હોય કે, 'હમણાં ખુલશે.. હમણાં ખુલશે'ની લ્હાયમાં ને લ્હાયમાં સુધબુધ વિસરાઇ જાય ને... પછીના અડધા કલાક પછી ખબર પડે કે, કિચનમાં જેને જોવા માટે તરસતા હતા, એ તો ઘરની કામવાળી બાઇ છે... લેવા-દેવા વગરનું મૂડીરોકાણ કરી નાંખ્યું. તારી ભલી થાય ચમના... એ તો વિચાર કે, કામવાળી કેવી બચી ગઇ કહેવાય? સુઉં કિયો છો?

એ વાત જુદી છે કે, જેને જોવા ગયેલા એ માલતી કરતા પેલી કામવાળીના જન્માક્ષર મંગાવ્યા હોત તો વધુ સારૂં થાત!

પાછું આમાં કેવું હોય છ કે, આમાં તો આવું જ હોય! એક વાર જોઇને ખુશ થઇને કે મોંઢા બગાડીને પાછા આવ્યા બાદ, એ કહેવડાવવું અઘરૂં પડતું હોય છે કે, 'અમને નથી ફાવે એવું.' આપણામાં તો, મમ્મી- પપ્પા સાથે નિશાનીઓ રાખેલી હોય... છોકરી ગમી હોય તો મમ્મી સામે જોઇને આંગળી વડે બે-ચાર વખત નાક ઘસવાનું ને ''છુટા નથી.. આગળ જાઓ'' કહી દેવું હોય તો નાસ્તાની ના પાડી દેવાની કે, ''મનોજને પેટમાં ઠીક નથી...''

યાદ હોય તો, બધું ગમી-બમી ગયા પછી લોચા વાગી ગયા હોય તો સીધેસીધી ના પાડવાને બદલે ''જન્માક્ષર નથી મળતા...'' વાળું બહાનું તો આજે ય પૂરજોશમાં ચાલે છે. એકને જોઇ લીધા પછી કોક બીજું સારૂં મળી જાય તો જન્માક્ષરો બહુ કામમાં આવે...! વધારે જાણકાર છો, એમ બતાવવા 'ગુણાંક' નથી મળતા પણ કહેવાય છે.

આજે પરિસ્થિતિ બદલાઇ છે. આપણા જમાનામાં એક વાર નક્કી થઇ ગયા પછી નામક્કર નહોતું જવાતું. ગમે કે ન ગમે, હા પાડીને આવ્યા પછી. ''જેવું આપણું નસીબ...'' માનીને મૅરેજ-બૅરેજ બધું પતાવી દેતા... ને તો ય સક્સેસફુલ જતા. આજે તમારા સર્કલમાં નજર ફેરવી જુઓ. જેટલી સગાઇઓ થવાના સમાચાર સાંભળીએ છીએ, એના કરતા સગાઇ તૂટવાના સમાચારો વધુ આવે છે. આપણી વખતે, સગાઇ ભલે એક-બે વર્ષ ચાલી હોય.. છોકરો- છોકરી ખાસ 'આગળ વધ્યા' ન હોય.. આઇ મીન, એવી ચિંતા કરવા જેટલું આગળ ન વધ્યા હોય. આગળ વધવાનું (...કે પાછા પડવાનું..!) બધું લગ્ન પછી જ! હવે પંખો ચાલુ કરી શકો છો.

આટલા અરસા પછી રેખાને શૉપિંગ- મૉલમાં જોયા પછી સુધીર ભારે તાનમાં આવી ગયો. રેખાએ એને નાપસંદ કર્યો હતો ને બીજા દિવસથી આવડો આ દાઢી વધારીને મેલાંઘેલા કપડામાં ફરવા માંડયો હતો ને એક જ ગીત ગાતો ફરતો હતો, 'યે દુનિયા, એ મહેફીલ, મેરે કામ કી નહિ, મેરે કામ કી નહિ.. હોઓઓ!''

પણ બધું અહીનું અહીં ચૂકવવાનું હોય છે, ઉપર સ્વર્ગ-બર્ગ જેવું કાંઇ નથી -ના ધોરણે ઇ.સ. ૨૦૧૫ની રેખા ચારે બાજુએથી પતી ગઇ હતી. કમરની નીચેથી પગના તળીયા સુધીનો ભાગ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો માલસામાન બનાવવાના કામમાં આવે એવો થઇ ગયો હતો ને કમરની ઉપરથી માથા સુધીનો ભાગ પડુ-પડુ કરતા મકાન જેવો જર્જરિત થઇ ગયો હતો.

આમ સુધીર કદી આઇસ્ક્રીમો ન ખાય... ડૉકટરે ના પાડી હતી, પણ આજે, ''હું બચી ગયો..''ના વિજય- ટંકારમાં ખુશીના આલમમાં છ-સાત પ્લેટ ઠોકી ગયો.

માટે જ, કહ્યું છે ને, 'જેવી છે, ને તમારી પત્ની (કે પતિ) ચલાવી લો.. રામ જાણે, બીજા કેટલા બધા ઉગરી ગયા હશે?'

સિક્સર

ઉપલેટાવાળા બૂમો પાડતા'તા... ઓબામા ઉપલેટા ન આવ્યા.. આવ્યા હોત તો, રસ્તા-બસ્તા તો સાફ થઇ ગયા હોત!

25/01/2015

'ઍનકાઉન્ટર' : 25-01-2015

* કૅટરિના કૈફ રાજકારણમાં આવે તો શું ફેરફારો થાય ?
- કૂવામાંથી હવાડામાં આવી કહેવાય.
(સફવાન પટેલ, ટંકારી-જંબુસર)

* એક સપ્તાહમાં તમારા ત્રણ નાના લેખોથી ધરાવાતું નથી. બીજી બે-ત્રણ કૉલમો શરૂ કરો તો ?
- નહાવા-ધોવાનો તો ટાઇમ આપો.
(પ્રકાશ પંચમતીયા, જામનગર)

* શ્રી નરેન્દ્ર મોદીએ ઝાડુ પક્ડયું...આપે ?
- એમણે ઝાડુ પકડયું નથી....ગામ આખાને પકડાવ્યું છે.
(નિર્મલ રાઠોડ, જામનગર)

* બ્રૅકફાસ્ટમાં આપણે શું ન ખાઇ શકીએ ?
- હરડે.
(ચંદ્રકાંત પટેલ, વલસાડ)

*...તમને નાનપણથી લોકોની ખીલ્લી ઉડાડવાનો શોખ છે ?
ધંધો છે, શોખ નહિ !
(સની લંગાલીયા, ભાવનગર)

* આમિર ખાનનું 'સત્યમેવ જયતે'..અને ફિલ્મ 'પીકે' વિશે શું માનો છો ?
- આવી થર્ડ કલાસ સીરિયલ કે ફિલ્મ જોવી ન જોઇએ.
(દીપક આશરા, ગાંધીનગર/ભાર્ગવ માણેક, રાજકોટ)

* તમને અનેકવાર જોઇ હોય એવી ફિલ્મ કઇ ?
- દેવ આનંદની 'જ્વૅલ થીફ.'
(મેહૂલ શ્રીમાળી, મોરબી)

* તમારી સૅન્સ ઑફ હ્યૂમર આટલી સારી છે, તો રાજકારણમાં કેમ ન ગયા ?
- સારી છે એટલે.
(ભાવિક રાઠોડ, પાલડી-વિસનગર)

* નોબેલ વિજેતા કૈલાશ સત્યાર્થીને મીડિયાએ પૂરતું કવરેજ ન આપ્યું...
- આ અહીં જુઓ ને...આપણો ય ક્યાં કંઇ મેળ પડે છે !
(ભીખુ રબારી, ખંભાત)

* તમારી આ ઉંમરે ફિલ્મ 'નિઃશબ્દ' જેવું થાય તો એને તમારૂં નસીબ સમજો ?
- જોઇએ, તમારી શુભેચ્છા કેટલી ફળે છે !
(હનિફ ઠાકોર, ભાલેજ-આણંદ)

* મારી વાઇફ ડૅઇલી મારી સાથે ઝગડો કરે છે..શું કરવું ?
- બીજાની સાથે ઝગડતી હોય તો વધુ નુકસાન થાત !
(સુચિત પારેખ, ભરૂચ)

* જો અકબરને બિરબલ ન મળ્યો હોત તો ?
- તો બિરબલને અકબર ન મળત.
(સંજય દેસાણી, તલાલા-ગીર)

* માં-બાપ અમને સદ્ગુરૂ...આ બેમાંથી તમે વધુ કોને માનો ?
- હું ગુરૂપ્રથામાં માનતો નથી. મારા માટે માં-બાપ પરમેશ્વરથી ય વિશેષ છે.
(દિનેશ પરમાર, સંખેડા)

* હવે તમે ખૂબ નામ કમાયા છો..પૈસા કમાવા હવે 'અશોક બાબા' બની જાઓ તો ?
- નામ કમાયાનું તમે કહો છો...કમાયો હોત તો બાબાઓ મારી આગળ-પાછળ ન ફરતા હોત ?
(કાંતિલાલ વી. ખંડોર, મુંબઈ)

* રસ્તે પડેલાને કોઇ મદદ કરતું નથી, એવો લેખ તમે લખ્યો હતો, પણ શું તમે નથી જાણતા કે, મોદીસાહેબ કાયદો લાવ્યા છે કે, પહેલા સારવાર મળશે ને પછી જ પોલીસ ઇન્કવાયરી વગેરે થશે ?
- હું તો જાણું છું, પણ પોલીસ અને પબ્લિક હજી નથી જાણતી એનું શું ?
(નિધિ શાહ, કૅનબેરા-ઑસ્ટ્રેલિયા)

* નરેન્દ્ર મોદીએ પ્રજાની હથેળીમાં ચાંદ તો બતાવી દીધો, પણ એમાં પૂનમ આવશે કે અમાસ જ રહેશે ?
- આવનારા છ મહિનામાં બધી ખબર પડી જશે.
(શ્રીમતી બિંદુ દોશી, વડોદરા)

* કાગડો અને કોયલ...બેમાંથી મૂરખ કોણ ?
- મને તો એ બન્ને વચ્ચે કોઇ લફરૂં હોવાનો ડાઉટ છે.
(જીયા સંજય અંધારીયા, ભાવનગર)

* 'પીંછી પીળી ને રંગ રાતો.' આ તો ચિત્રકારોની ટૅગલાઇન થઇ...તમારે લેખકોની ?
- આ બધા ધંધા અમારા કવિઓને સોંપ્યા...અમારા લેખકો પાસે તો કામધંધા હોય કે નહિ ?
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી)

* લોન-ટૅનીસમાં તમારો મુકાબલો મારીયા શારાપોવા સાથે થાય તો ?
- પછી લોન-ટૅનીસ જાય ભાડમાં...!
(ફિરોઝ શબ્બીર મોરાવાલા, સંતરામપુર)

* તમારા ઉપર શિવજી પ્રસન્ન થાય તો શું માંગો ?
- એક દિવસ માટે એમના ગળે લટકતો કાળી નાગ માંગી લઉં...મારે ઘણા બધાને કરડાવવાનો છે.
(અંજના કુબાવત, જામ દુધઇ-જામનગર)

* જમ્મુ-કાશ્મિરમાં કમળ ન ખીલ્યું...સુઉં કિયો છો ?
- મહિનાઓ પછી આપણા લોકપ્રિય હાસ્યકાર અર્જુન મોઢવાડીયાને બોલવા મળ્યું, ''કાશ્મિરમાં 'મોદી-લહેર' નથી.''
(અર્પિત કે. શાહ, વડોદરા)

* કહે છે કે, મેષ રાશિવાળાઓની હવે પનોતિ બેઠી છે...સુઉં કિયો છો ?
- એ તો જે જ્યોતિષના સહારે જીવતું હોય, એને ચિંતા.
(અનિરૂદ્ધસિંહ રહેવર, રણાસણ-તલોદ)

* 'ઍનકાઉન્ટર'ના જવાબો ક્યારેય તકલીફ ઊભી કરે છે ?
- અહીં સવાલ પૂછનારનું માન અને ગૌરવ પહેલા જળવાય છે.
(શૈલેષ એ. પટેલ, માણસા)

* હૃદય પર હાથ રાખીને જવાબ આપજો, તમે શાહરૂખ ખાનને અભિનેતા માનો છો ખરા ?
- મારી સમજ મુજબ, આજ સુધી અમિતાભ બચ્ચનથી વધુ સારો અભિનેતા પેદા થયો નથી.
(જયેશ અંતાણી, ભાવનગર)

* મેં તમારૂં શુક્રવારનું 'ફિલ્મ ઇન્ડિયા' ક્યારેય વાંચ્યું નથી ને 'બુધવારની બપોરે' અને 'ઍનકાઉન્ટર' ક્યારેય છોડયા નથી. તમે વધારે કમ્ફર્ટેબલ શેમાં હો છો ?
- હું સહમત છું કે નહિ, એ જાવા દિયો, પણ લોકો કહે છે, 'પેલી બન્ને કૉલમો અન્ય પણ લખી શકે...' 'ઍનકાઉન્ટર' ગમે તેનું કામ નથી !
(હરેશ વીરપરા, ભરૂચ)

* ટૂંક સમયમાં લગ્ન કરૂં છું. કોઇ અંગત સલાહ ?
- તમે ધમકી આપો છો કે આમંત્રણ ?
(સોહમ ચૌહાણ, જૂનાગઢ)

* સ્વ. ઇંદુલાલ યાજ્ઞિક જેવા નેતા હવે શક્ય છે ?
- આ બતાવે છે કે, આપણા બન્નેના સંબંધો સારા નથી.
(રોહિત યુ. બુચ, વડોદરા)

23/01/2015

'પ્યાર કિયે જા'' (૬૪)

ફિલ્મ : 'પ્યાર કિયે જા'' (૬૪)
નિર્માતા-દિગ્દર્શક : શ્રીધર
સંગીત : લક્ષ્મીકાંત- પ્યારેલાલ
ગીતો-સંવાદ : રાજેન્દ્ર કૃષ્ણ
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ - ૨ કલાક ૪૬ મિનિટસ
થીયેટર : લાઇટ હાઉસ (અમદાવાદ)
કલાકારો : શશી કપૂર, કિશોર કુમાર, મેહમુદ, રાજશ્રી (સાઉથ), કલ્પના મુમતાઝ, ઓમપ્રકાશ, શ્યામલાલ, ચમનપુરી, શિવરાજ, વીણાકુમારી, પુરાણિક અને બેદી.ગીતો
૧. યે દિલ, હમને દિયા, ક્યું ? તુમને લે લિયા... - લતા-કિશોર
૨. કહેને કી નહિ બાત મગર અબ જોર સે કહેના હૈ... - મુહમ્મદ રફી
૩. ગોરે હાથોં પર ના ઝુલ્મ કરો, હાઝીર હૈ યે બંદા... - મુહમ્મદ રફી
૪. કિસને પુકારા મુઝે મૈં ગઇ, ખ્વાબોં મેં ખોઇ સી.... - લતા મંગેશકર
૫. ઓ મેરી મૈના, તુ માન લે મેરા કહેના..... - ઉષા મંગેશકર-મન્ના ડે
૬. દિન જવાની કે ચાર યાર પ્યાર કિયે જા.... - કિશોર કુમાર
૭. ફૂલ બન જાઉંગા, શર્ત યે હૈં મગર, અપની.... - લતા-મહેન્દ્ર કપૂર
૮. સુન લે પ્યાર કી દુશ્મન દુનિયા દિલવાલોં.... - આશા-લતા-કિશોર-મન્નાડે

બિલકુલ આઉટરાઇટ કૉમેડી ફિલ્મ હતી આ, 'પ્યાર કિયે જા.' અસલી કૉમેડી આને કહેવાય. ક્યાંય વલ્ગેરિટી નહિ, દ્રષ્ય જોતા કે સંવાદ સાંભળતા... માત્ર સ્માઇલો જ નહિ, ખડખડાટ હસવું આવે રાખે, સ્થૂળ (Slapstick) કૉમેડી ય એટલી જ અને સૂક્ષ્મ (Subtle) પણ ભારોભાર. એમાં ય કૉમેડીની દુનિયાના બે દિગ્ગજો મેહમુદ અને કિશોર કુમાર સાથે હોય ને શશી કપૂર પણ લાઇફટાઇમમાં કદાચ પહેલી વાર કૉમેડીમાં આટલો ખીલ્યો હોય, એ ફિલ્મ 'પ્યાર કિયે જા' મેં નહિ નહિ તો ય આઠ-દસવાર જોઇ લીધી છે. હજી ય મારો ભરોસો નહિ...અગીયારમી વારે ય જોઉં !

જોવાની ખૂબી એ છે કે, આંખોમાંથી આંસુઓની ધારા વહેવડાવે, એવી અર્થસભર કરૂણ ફિલ્મ 'દિલ એક મંદિર' (રાજકુમાર-મીનાકુમારી અને રાજેન્દ્ર કુમાર) જેણે બનાવી હતી, તે દિગ્દર્શક સી.વી.શ્રીધરે જ આવી આઉટરાઇટ કૉમેડી ફિલ્મ પણ બનાવી અને બન્ને ફિલ્મોમાં વિષયની વફાદારી પરફૅક્ટ ! પેલામાં કોઇ કૉમેડી નહિ ને આમાં નામનું ય રોવા-ધોવાનું નહિ...બસ, હસે જાઓ !

જોવાની ખૂબી નંબર બે એ કે મૂળ 'કાધાલિકા નેરામિલ્લઇ' નામે આ ફિલ્મ અગાઉ તમિલમાં બની ચૂકી હતી, એ પછી તેલગુમાં 'પ્રેમિન્ચી ચુદુ' નામથી આ જ ફિલ્મ બની હતી. આ ત્રણે ફિલ્મોની હીરોઇન સાઉથનો સૅક્સબૉમ્બ રાજશ્રી જ રહી. આપણી 'ગીત ગાયા પથ્થરોંને'વાળી રાજશ્રી જુદી. આ રાજશ્રી બિલકુલ વૈજ્યંતિમાલા જેવી લાગે છે. સાઉથમાં ય બહુ ફિલ્મોમાં એ આવી નહોતી. મેહમુદે તો અનગીનત ફિલ્મોમાં કામ કર્યું છે, પણ એની આઉટ રાઇટ કૉમેડી ફિલ્મોમાં મારી સમજ મુજબ તો ફિલ્મ 'પડોસન' કરતા ય અહીં એણે વધુ સૅન્સિબલ અને ખડખડાટ હસાવનારી કૉમેડી કરી છે. મિમિક્રીનો એ બેતાજ બાદશાહ હતો. કિશોર કુમાર હિંદી ફિલ્મોની જૂની સ્કૂલનો વિદ્યાર્થી એટલે '૪૦ અને ૫૦'ના દાયકાની ફિલ્મોમાં વણલખ્યો રિવાજ હતા કે, શિક્ષિત કે કરોડપતિ દેખાવા માટે શૂટ તો પહેરવો જ પડે, એટલે યાદ કરો, જ્યાં કિશોરને આવા રૉલ કરવાના આવ્યા છે, એ બધી ફિલ્મોમાં દરેક જૂના શૂટ એણે ધોઇ ધોઇને પહેરવા બહાર કાઢ્યા છે. અમેરિકા હોય કે ઇન્ડિયા, લોકો ઘરમાં ય શૂટ પહેરીને ફરતા હોય, એવું તો ક્યાંય ભાળ્યું નથી.

એની સામે સાલો ફ્લૅમબૉયન્ટ શશી કપૂર. એના જેટલો હૅન્ડસમ અને પરફૅક્ટ કપડાં પહેરનારો હજી સુધી તો આખી ફિલ્મનગરીમાં બીજો કોઇ આવ્યો નથી. હીરો હોવા છતાં અડધી બાંય (હાફ સ્લિવ્ઝ)ની જરસી પહેરવાની શરૂઆત શશીબાબાએ કરી. મનમોહક રંગોના સ્વૅટરો એના જેટલા તો દેવ આનંદો કે સુનિલ દત્તોને ય શોભ્યા નથી. (યાદ કરો, ફિલ્મ 'વક્ત'માં 'દિન હૈ બહાર કે તેરે મેરે ઇકરાર કે' ગીતમાં એનું મૅંગો કલરનું સ્વેટર ને નીચે ઑફ-વ્હાઇટ પૅન્ટ) મેહમુદે હજી પોતાની ફિલ્મ 'પડોસન'નું શૂટિંગ શરૂ કર્યું નહોતું, એટલે આખી ફિલ્મમાં ભલે આછા પણ પોતાના વાળ સાથે કામ કર્યું છે, એટલે વિગને કારણે 'પ્યાર કિયે જા' પછી આવેલી તમામ ફિલ્મોમાં લાગતો એટલો બેહૂદો અને કદરૂપો અહીં નથી લાગતો !

મેહમુદની ખેલદિલી આ ફિલ્મ પછી જોવા મળી. સહુને ખબર છે કે, રાત્રે એ પોતાના પિતા ઓમપ્રકાશને ભૂતની સ્ટોરી કહેવા બેસે છે, એ ટુકડો હિંદી ફિલ્મોની સર્વોત્તમ કૉમેડીનો નમૂનો છે અને ગામ આખાએ મેહમુદને અભિનંદનો આપ્યા, ઍવૉર્ડ્સ મળ્યા ત્યારે આ ખેલદિલ માણસે બહુ યથાર્થ કહી દીધું, ''મારી એ કૉમેડી સીક્વન્સનો અસલી રાજા તો ઓમપ્રકાશ છે. આ સીક્વન્સ અગાઉથી લખાયેલી કે રીહર્સ થયેલી નહોતી. મને જેમ જેમ સુઝતું ગયું, એમ એમ હું સ્ટોરી (ઑન-ધ-સ્પૉટ) બનાવતો ગયો ને એની સામે ઓમજીએ ડરવાના જે પરફૅક્ટ હાવભાવો આપ્યા છે, તે હું નથી માનતો કે ઓમજી સિવાય અન્ય કોઇ કલાકાર આપી શક્યો હોત !'' ધી ગ્રેટ દિગ્દર્શક બી.આર. ચોપરાએ એવા જ જૂની ફિલ્મોના ધી ગ્રેટ કૉમેડિયન રાધાકિશનની યાદમાં ખાસ કૉમેડિયનો માટે શરૂ કરેલો 'રાધાકિશન ઍવૉર્ડ' મેહમુદને આ ફિલ્મ તેમજ ફિલ્મફૅરના બેસ્ટ કૉમેડિયનનો મળ્યો હતો. ઓમપ્રકાશને કમનસીબે, આ ફિલ્મ માટે બેસ્ટ સપૉર્ટિંગ ઍક્ટરનું નોમિનેશન જ મળ્યું હતું.

એવી જ કારીગરી રાજીન્દર કિશને સંવાદોમાં બતાવી છે. એક વાત બોલાય, પછી સટ્ટ કરતો તમાચો પડે, એવા સામસામે બોલાયેલા કૉમેડી સંવાદો મેહમુદની કૉમેડી જેટલા જ રસમધૂર છે. ગુસ્સે થયેલા માલિક ઓમપ્રકાશને એનો ક્લાર્ક શશી કપૂર ધમકી આપે છે કે, ''મૈં તુમ્હેં ચૈન સે બૈઠને નહિ દૂંગા...'' જવાબમાં ઓમપ્રકાશ કહે છે, ''ના બૈઠને દેના...હમ ખડે રહેંગે!'' પાણીના નાળા પાસે ઊભેલી હીરોઇન રાજશ્રીના હાથમાંથી ટ્રાન્ઝિસ્ટર રેડિયો પાણીમાં પડી જતા, એ બૂમ પાડી ઉઠે છે, કે તરત પાછળથી આવેલો શશી કપૂર પૂછે છે, ''ક્યા હુઆ ?'' પેલી કહે છે, ''ટ્રાન્ઝિસ્ટર પાની મેં ગીર ગયા ?'' જવાબમાં શશી સામો સવાલ પૂછે છે, ''કિસ કી સિસ્ટર....???'' એવી જ રીતે, પિતા ઓમપ્રકાશ અને બન્ને બહેનો (કલ્પના અને રાજશ્રી)ને ફિલ્મની સ્ટોરી સંભળાવતા કાયમ વિરોધી ઓમપ્રકાશ મેહમુદને કહે છે, ''...ફિર તો તુમ્હારી ફિલ્મ ભી કૂત્તે હી દેખેંગે...!'' જવાબમાં અકળાયેલો મેહમુદ કહે છે, ''ડૅડી, આપકો તો મૈં ફ્રી-પાસ દેનેવાલા હૂં... આપ ક્યું નારાઝ હો રહે હૈં...!''

મનભાવન લોકેશન્સ માટે આમે ય સાઉથ પ્રખ્યાત છે. ત્યાંના બાહરી દ્રષ્યો કાશ્મિરથી કોઇ કમ નથી. એમાં ય, ફિલ્મની નિર્માત્રી સંસ્થા 'ચિત્રાલયે' સુંદર નદીકિનારે ખાસ આ ફિલ્મ માટે જે બંગલો બનાવ્યો છે, તે જોતા આંખ ઠરે છે. મોટા ભાગે બધું શૂટિંગ આઉટડૉર થયું હોવાથી કેમેરાએ રંગોનો ઉપાડ પેલું હિંદીમાં કહે છે ને, ''દિલ કો છુ લેને વાલા...'' કર્યો છે.

રાજ, શમ્મી કે શશી, કોઇપણ કપૂરીયાને ડાન્સ કરતા જોવા, એ લહાવો છે. ઇશ્વરે એ લોકોને શરીર રચના જ એવી અદ્ભૂત આપી હતી કે, ઊભા રહે તો ય ડાન્સ કરતા લાગે. જરા માનવામાં ન આવે એવી વાત તો છે, પણ અમદાવાદની સ્પૉર્ટ્સ ક્લબમાં ખુદ ઋષિ કપૂર સાથે મારે થયેલી વાતચીત મુજબ, ''અમારા એકે ય કપૂરને ડાન્સનો 'ડ' ય આવડતો નથી...બસ, કૅમેરા ક્લિક થાય ને મ્યુઝિક વાગે, એટલે કુદરતી જે અનુભૂતિ થાય, એ મુજબ ડોલવા માંડીએ...લોકો એને ડાન્સ કહેતા હોય તો ખબર નથી !''

વાત એકદમ પરફૅક્ટ સાચી છે. ફિલ્મ 'સંગમ'માં 'ઓ મેહબૂબા...' ગીત વખતે લાલ જૅકેટ પહેરેલો રાજ કપૂર ઇન્ટરલ્યૂડ મ્યુઝિક વખતે ઊભા ઊભા અમથો ચટપી વગાડતા ડોલે છે, એ એકલું દ્રશ્ય હું રીવાઇન્ડ કરી કરીને જોતો હોઉં છું. શમ્મી કપૂર તો ડાન્સની આખી ઇન્સ્ટિટયૂટ છે કે નહિ ? ફિલ્મ 'જંગલી'નું 'આઇઆઇ આ, કરૂં મૈં ક્યા સુકુસુકુ' હોય કે, 'ફિલ્મ કશ્મિર કી કલી'ના 'ઇશારોં ઇશારોં મેં દિલ લેનેવાલે...' ગીતમાં સિતારના ઇન્ટરલ્યૂડ મ્યુઝિક વખતે માથે ફેંટો બાંધેલો શમ્મી કેવા મનોહર સ્ટૅપ્સ લે છે ! બધા કપૂરીયાઓ મોરલાઓ છે, સાલા !

કિશોર કુમારના પિતાના રોલમાં મદન પુરી અને અમરીશ પુરીનો સૌથી મોટો ભાઇ ચમન પુરી છે. ત્રણે ભાઈઓનો બૅઝ વૉઇસ જ એમને ફિલ્મોમાં સફળતા અપાવી ગયો. કિશોરની માં બનતી ચરીત્ર અભિનેત્રી સાઉથની વીણાકુમારી છે. '૬૦ના દશકમાં હજી કલર ફિલ્મો પૂરી માત્રામાં આવતી નહોતી. નિર્માતાઓને મોંઘી પડતી હતી, પણ જે લોકોએ બનાવી, એ હજી બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોની છાયામાંથી બહાર આવી શકતા નહોતા, એમાં સૌથી વધુ બેવકૂફી કલાકારોના મૅઇક-અપમાં દેખાઈ આવતી સ્વાભાવિક છે, કાળી-ધોળી ફિલ્મોમાં કલાકારોની ચામડી જરા વધુ શ્યામ લાગે, એ અસરમાંથી બહાર આવ્યા વગર રંગીન ફિલ્મોના દિગ્દર્શકો ય કલાકારોને રંગોના પિપડાંમાં બોળીને બહાર કાઢતા હોય, એવા લપેડાં કરાવતા એ એવું જુગુપ્સાપ્રેરક લાગે કે, રંગોના થપેડાં આંખોને વાગે, સંગીતમાં તો ભ'ઇ...લક્ષ્મીકાંત-પ્યારેલાલનો જમાનો શરૂ થઇ ચૂક્યો હતો. કેવી એક એક રચના ? શંકર-જયકિશનની જ પૅટર્ન અપનાવી હોવાનો એ બન્નેએ ખુલાસો કર્યો જ છે, પણ આ ફિલ્મના લતા મંગેશકરના એક સૅક્સી ગીત, ''કિસને પુકારા મુઝે મૈં, આ ગઇ...'' ટિપીકલ 'રાત અકેલી હૈ, બુઝ ગયે દિયે' (જ્વૅલ થીફ-આશા-એસ.ડી. બર્મન) બ્રાન્ડનું ગીત છે. લતા તો કદી સૅક્સી ગીતો ગાતી નહોતી, પણ એને ખબર નહિ હોય કે, ફિલ્મમાં આ ગીત કાળઝાળ ગરમી પેદા કરાવશે ! ફિલ્મના તમામે તમામ ગીતો કર્ણપ્રિય અને નવી છાંટના છે. શશી કપૂર ઉપર કે સાથે ફિલ્માયેલા ગીતોમાં મુહમ્મદ રફી શમ્મી માટે ગાતા હોય, એવા જામ્યા છે.

ઓમપ્રકાશે અંગત જીવનમાં બધું જુગારમાં ગૂમાવ્યું. છેલ્લે છેલ્લે તો કોક સ્ટુડિયોમાં પોતાની ઑફિસ ફક્ત જુગારી દોસ્તો સાથે લહેર કરવા માટે રાખી હતી, એમાં બર્બાદ થઇ ગયો. ઓમ છોકરીઓનો કદી શોખિન નહતો. (બીજા એક પણ કલાકાર માટે આવું નિવેદન ભારપૂર્વક આપી શકાય એમ નથી!) પોતાની સદીઓ જૂની પ્રેમિકા અનિતા ગૂહા (ખાસ કરીને ધાર્મિક ફિલ્મોમાં એ સીતા બનતી)ને છેલ્લે છેલ્લે તો શરીરે કોઢ નીકળ્યો હોવા છતાં ઓમે વફાદારી છોડી નહોતી તે ઉપરથી ચર્ચગૅટ ઉપર અનિતાને મોંઘોદાટ ફલૅટ લઇ આપ્યો હતો. મુમતાઝ '૬૦ના દાયકામાં સાઇડી તરીકે ખૂબ જામતી હતી, પણ સંજીવ કુમાર સાથેની ફિલ્મ 'ખીલૌના' પછી એ પૂરજોશ છવાઇ ગઇ અને એ ય હીરોઇન તરીકે. ફિલ્મની બીજી હીરોઇન કલ્પના નાની ઉંમરે ગૂજરી ગઇ, નહિ તો દેવ આનંદ અને શમ્મી કપૂરની એ હીરોઇન હતી.

શશી કપૂર પણ એના ભાઇ શમ્મી કપૂરની જેમ એક 'અન્ડરેટેડ' ઍક્ટર કહેવાયો...છેવટે એની પોતાની ફિલ્મ 'કલયૂગ'માં દર્શકો જ નહિ, વિવેચકોએ પણ એને એક ઉમદા ઍક્ટર તરીકે બિરદાવ્યો. આ પણ જરા વધારે પડતું હતું. શશી પહેલેથી જ ખૂબ સારો ઍક્ટર, પણ 'જબ જબ ફૂલ ખીલે' સુધી એની કોઇ ફિલ્મ ચાલી નહિ, એમાં નબળા ઍક્ટરમાં ખપાઇ ગયો. પણ ઍક્ટિંગના હર પ્રકારમાં કૉમેડી કરવી જબરો અઘરો ખેલ છે, એ એણે પોતાની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં પુરવાર કરી આપ્યું. સીરિયસ કિરદારમાં તો એનો જોટો નહતો. અન્ય કલાકારોની માફક એની એક ખાસીયત હતી, પોતાની હરએક ફિલ્મમાં કમ-સે-કમ એક વાર સફેદ કપડાં પહેરવાની. મને યાદ નથી એકે ય ફિલ્મ જેમાં શશીબાબાએ ક્યાંક ને ક્યાંક સફેદ કપડાં ન પહેર્યા હોય ! એમાં એ વધુ સોહામણો લાગતો.

ફિલ્મનો પ્લોટ કંઇક આવો હતો :

ઓમપ્રકાશ વિધૂર છે અને શહેરમાં ભણતી બે દીકરીઓ કલ્પના અને રાજશ્રી તેમ જ ફિલ્મ બનાવવાની ધૂન પર સવાર થઇ ગયેલા પુત્ર મેહમુદ સાથે પૂના હાઇ-વે પર વિશાળ બંગલામાં રહે છે. કંજૂસ ઓમપ્રકાશને ત્યાં આસિસ્ટન્ટ મૅનેજર તરીકે કામ કરતા શશી કપૂરને રાજશ્રી સાથે પ્રેમ થઇ જાય છે અને કલ્પના પહેલેથી શશીના દોસ્ત કિશોર કુમાર સાથે પ્રેમમાં હોય છે. સાધારણ સ્થિતિવાળા શશી કપૂરને જમાઇ તરીકે ઓમ પસંદ નહિ કરે, એમ ધારીને શશી બનાવટી કરોડપતિ બને છે ને એના ધનિક બાપ તરીકે કિશોર કુમાર આ ઝૂંડની સાથે રહેવા આવી જાય છે. થોડીઘણી નાટકબાજીઓ પછી બધા ભેદ ખુલે છે અને ચારે (મેહમુદને ગણીએ તો) છએ પ્રેમીઓ એક થાય છે.

(સીડી સૌજન્ય : શ્રી ભરત દવે, સુરત)

21/01/2015

લાજો રાણી....આમ શરમાઓ નહિ !

'વૉલ્વો'માં એ એના અઢી વર્ષના દીકરા 'પિશુ' સાથે જામનગર જતી હતી. બીજા મુસાફરો ય જામનગર કે રાજકોટ જઇ રહ્યા હતા. પણ લજ્જાની પર્સનાલિટી જોયા પછી, રાજકોટ ઉતરનારા કેટલાક ભાવુક મુસાફરોએ જામનગર સુધી જઇને પાછા આવવાના મનસુબા ઘડયા હતા. પિશુ હખણો રહેતો નહોતો ને એની માં હેરાન થયે જતી હતી, એ કોઇથી જોયું જતું નહોતું. દરેકને એમ કે, હું કંઇક હૅલ્પ કરૂં. પિશુને નહિ, એની માં ને ! હવે અહીં એવું લખવાની જરૂર જ ક્યાં છે કે, લાજો બેહદ સુંદર સ્ત્રી હતી ! કવિ-લેખકોની વાતમાં કોઇ સ્ત્રીની વાત હોય તો એ અનહદ અને આપણે માની ન શકીએ એટલી સુંદર જ હોય... નહિ તો એ લોકો ગાન્ડા થઇ ગયા છે કે, એમની પત્ની જેવી દેખાતી પરાઇ સ્ત્રી માટે નાનકડું એક હાઇકુ કે આવડું અમથું વાર્તાડું ય લખે ? કહે છે કે, સાહિત્યકારોના હાથમાં જે ન આવતું હોય, એ બધું એમના શબ્દોમાં ઉતારીને મનોકામના પુરી કરે છે.

લાજોએ સમજીને જ એકને બદલે બે ટિકીટ લીધી હતી. પિશુ ખાલી સીટ પર બેસતો નહતો, એટલે લાજો એના ખભે હળવા ધબ્બા મારીને છાનો રાખવાની કોશિષ કરતી રહી. આ કોઇનાથી જોયું જતું ન હોતું. નસીબ થોડું જામ્યું હોત તો લાજોરાણી એના છોકરાને બદલે આપણા ખભે ધબ્બા ના મારતી હોત ? કોઇ પંખો ચાલુ કરો....

આવું થાય એટલે, ચારેબાજુએથી મામાઓ ફૂટી નીકળે. બાળકને છાનું રાખવા 'હેલુલુલુ....' જેવા ચોવીસેક પ્રકારના વાંદરાવેડાં થાય. 'આવતું'લે મારૂં લાલુ... આવતું'લે...!' ના વાત્સલ્યભાવથી પાછળની સીટ પર બેઠેલા ચશ્મીસે ટ્રાય માર્યો. એની સાથે એની વાઇફ પોતાના ગોરધનના ધંધા જાણતી હશે, એટલે છણકો કરીને કહી દીધું, 'છાના રિયો... ઘરના છોકરાને તો કોઇ 'દિ 'આવતું'લે...કે જતું 'લે' કીધું નથી ને આંઇ શેના મંડયા છો ?' એટલે એક કૅસ તો ઠેઠ જામનગર સુધી ફાઇલ થઇ ગયો. ચશ્મિસ આખી મુસાફરી દરમ્યાન પિશુની સામે જોઇ ન શક્યો... પણ ચશ્માની કોરી ધાર પરથી એ લાજોના સિલ્કી લાંબા વાળને જોઇ લેતો. 'ઓહ... કેવા નીચે સીટને અડે એટલા લાંબા વાળ છે..! અને આપણાવાળી દેસીને તો મારા ઉપરાંતે ય કોઇ જોતું નથી.' જે વેદના ચશ્મિસ પોતાની આત્મકથામાં લખી શકવાનો નહતો, એ મનોમન બોલી ગયો.

આ બાજુ ગટ્ટી બેઠી હતી. આમ તો એ ભ'ઇ હતો, પણ શરીરની સાઇઝ ઉપરથી જ ખોટી આવી હતી. આપણી બાજુમાં આ ગટ્ટી ઊભી હોય તો ઘડીભર ચોંકી જવાય કે, કોઇ પોતાની લૅપટૉપ બૅગ ભૂલી ગયું લાગે છે ! રોટલી બનાવવાના કણેક ઉપર સોપારી દબાવી દીધી હોય, એમ બે ખભા વચ્ચે ગટ્ટીનું માથું ઘુસી ગયું હતું, ને તો ય લાજોના છોકરાને રમાડવા બહાર આવું-આવું કરતું હતું. એને એક ફાયદો હતો કે, એની સાથે એની કે કોઇની વાઇફ નહોતી. જો કે, એની ય માંડ હોય ત્યાં કોઇકની તો ક્યાંથી હોય ? પિશુને રમાડવા આ ગટ્ટી ય ઊંચી-નીચી થતી'તી. એક વખત તો એ બોલ્યો ય ખરો, 'ડીકુડીઇઇઇ... મારી ડીક્કુડી... કૅડબરી આપું...?' લાજો તો ઠીક, બધાએ જોઇ જોયું કે, સદરહુ અવાજ આવ્યો કઇ બાજુથી ? સાલું, પચ્ચી મિનિટની મુસાફરીમાં ડીકુડીનો બાપ તું ક્યાંથી થઇ ગયો... અને એ ય આ સાઇઝનો ? સીધા ઍન્ગલથી તો ગટ્ટી સીટમાં બેઠેલી દેખાય એમ નહોતી. અમારા બધાનો જીવ ઊંચો એ કારણે થઇ ગયેલો કે, બસનો ડ્રાયવર પણ સીધું જોઇને ચલાવવાને બદલે પૅસેન્જર-મિરર (અરીસા)માં લાજોને ફોકસ કરીને બેઠો હતો.

કહે છે કે, 'કૌન કહેતા હૈ, બુઢ્ઢે ઇશ્ક નહિ કરતે, યે તો હમ હૈં જો શક નહિ કરતે.' એ ધોરણે એક શઇૈં જેવો લાગતો ડોહો ય બરોબરનો ઉપડયો હતો. એણે પિશુને ખોળામાં લઇ લીધો ને લજ્જુને પાછો કહે, 'બેટા, જરા ય ચિંતા ન કરીશ... હું છું ને ?' ડોહા-લોકોને 'બેટી... બેટી..' કહીને આગળ વધવાની તકો ખૂબ મળે. આપણા જેવા ઉપર તો શક પણ થાય, પણ ડોહાઓ કોરાધાકોડ નીકળી જાય. કાકો પાછો ન્યાયમાં બહુ માને. પિશુને છાનો રાખવા એક હાથ એના માથે ફેરવે, તો બીજો લાજોના માથે ય ફેરવી લે. આપણે મેહનત કરી નહિ ને હજી સુધી ડોહા નથી થયા, એની ચિંતા થાય, એમ એકાદ-બે ઇર્ષાળુઓએ પિશુને જ સમજાવ્યો, 'અહીં આવો બેટા... કાકાના હાથમાંથી તો ભમ્મ થઇ જવાય..!' ચશ્મિસ બધું જોતો હતો એટલે સ્વગત બગડયો, 'આપણા માટે તો ભલે લાજોડી બેન-બરોબર કહેવાય... પણ ડોહાઓના ઘરમાં દીકરી-ફીકરી નહિ હોય ?....ડોહાઓ આવું કરે, એમાં આપણા ઉપર કેવા સંસ્કાર પડે ?'

લાજો હવે ત્રાસી ગઇ હતી. એક છોકરૂં સંભાળવાનું આવે, ત્યાં સુધી ઠીક છે... અહીં તો !

વચમાં ચા-નાસ્તા માટે એક હોટલ પર બસ ઊભી રહી, એમાં બધું મળીને ૭૯-પૅકેટો ચૉકલેટ-બિસ્કીટ્સના ખરીદાયા.

લાજુ તો સમજી ય ન શકી કે, હું વૉલ્વોમાં બેઠી છું કે અનાથાશ્રમમાં !

અચાનક હવામાન પલટાયું. વૉલ્વો હજી તો ઉપડી જ હતી, ત્યાં આગળ ઊભેલી પોલીસ-પાર્ટીએ બસને રોકી. પોલીસ એક એવા પ્રાણીનું નામ છે કે, તમે નજીક ન જાઓ, તો ય કરડવાની બીક લાગે. એને જોતા જ ગૂન્હો કબુલી લેવાનો ફફડાટ થાય... ભલે ગૂનો સપનામાં ગાજર ચોરવાનો કર્યો હોય ! અમે બધા ચોંકી ગયા. મને બીક એ કે, '૬૮ની સાલમાં મેં એસ.એસ.સી.ની પરીક્ષા આપી હતી, એમાં ચોરી કરી હતી અને પકડાયો નહતો... એ રાઝ સાલો અત્યારે તો નહિ ખુલ્યો હોય ? બધા એકબીજાની સામે જોવા માંડયા, કેમ જાણે 'શું થયું ?' એની બધાને ખબર હોય.

કોઇ સબ-ઈન્સ્પૅકટર જેવા લાગતા પોલીસની સાથે એના બીજા એક-બે સાગરિતો બસમાં ચઢ્યા. હવે, આ પોલીસ હિંદી ફિલ્મો બહુ જોતા હશે, કારણ કે, હિંદી ફિલ્મોનો કોઇપણ પોલીસ પોતાના હાથનો ડંડો બીજા હાથમાં હળવે-હળવે પછાડે રાખે તો જ ગૂન્હો પકડાય. હવેના પોલીસ તો ડંડા-બંડા રાખતા નથી, એટલે અમને રાહત હતી કે, આનાથી કોઇ ગૂન્હો ઉકેલાવાનો નથી. પણ એ જોતો હતો બધા ઉપર શક કી નિગાહ સે...! મને પેલી ગટ્ટી ઉપર ડાઉટ હતો. કહે છે કે, ટીંગુજીઓ ઉપર બહુ વિશ્વાસ ન મૂકવો. દેખાવમાં જ એ નાની સાઈઝના 'ભાઈ' જેવો લાગે છે.

પોલીસવાળો ક્યાંય નહિ ને લાજો પાસે જઇને ઊભો રહી ગયો. 'ગીરફતાર કર લો ઇસે...!' એવો આદેશ એણે જમાદારોને આપ્યો, લાજો ગભરાઇ પણ નહિ અને પિશુને પોલીસવાળાના હાથમાં સોંપીને ઉતરી ગઇ.

હિંદી ફિલ્મોના ૯૮-ટકા ઈન્સ્પૅકટરો રાણા, સિંઘ કે રાઠોડો હોય છે, જ્યારે ગુજરાતમાં ૯૦ ટકા ઈન્સ્પૅકટરો ઝાલા સાહેબ, પરમાર સાહેબ કે સોલંકી સાહેબ હોય છે. કોઇ જમાદાર કે આઇ.જી.પી.નું નામ 'દવે સાહેબ' સાંભળ્યું ?

પણ આવડો આ આમાંનો એકે ય નહતો. એ કોણ હતો, એનું આપણે શું કામ, એટલે અમે કોઇએ પૂછપરછ ન કરી, પણ હેબતાઇ બધા ગયા હતા કે, લાજોરાણીની ધરપકડ શા માટે ? શું થયું હશે ? કેમ એ કાંઇ બોલી નહિ ? વો કૌન થી ?

'તમારા બધામાંથી આ બાઇને કોઇ ઓળખે છે ?... બાઈ કોકનું છોકરૂં ઉઠાવીને ભાગી રહી હતી...'

પેલી પ્રૅગ્નન્ટ હોય ને ઈલ્ઝામ અમારા બધાની ઉપર આવ્યો હોય, એવા અમે બધા તો ડઘાઈ ગયા. કોઇ બોલી તો શું, પોલીસવાળાની સામે જોઇ પણ ન શકે ને ? તો ય, ગૂન્હો જાણે અમે કર્યો હોય ને છોકરૂં લજ્જુ નહિ, અમે લઇને ભાગ્યા હોઇએ, એવા ડરી ગયા. ચશ્મિસની સામે હજી તો પેલાએ જોયું જ હતું, તો ય એ બોલી ઉઠયો, 'સાહેબ.. હું નહિ.. હું નહિ.. આ મારી વાઈફ છે.. પૂછો.. છોકરૂં મારૂં નથી... આઇ મીન... હું તો બહેનને ઓળખતો ય નથી.'

પોલીસે ટીંગુને ખભે હજી તો હાથ જ મૂક્યો હતો એમાં, એના ગળામાં ખખરી બાઝી ગઇ હોય, એવા અવાજે એટલું જ બોલ્યો, 'સાહેબ... હું નો'તો.. હું નો'તો ! હું તો પહોંચું ય નહિ...'

ઉપર સુધી 'લડકી કા બાપ કૌન હૈ ?' જેવો સવાલ પૂછાયો હોય, એમ શઇૈં કાકો, 'હું નહિ.. હું નહિ...' જેવા ફફડાટ સાથે કાઠીયાવાડીમાં બોલવા માંડયો, 'સર' મને પેલ્લેથી ડાઉટું હતા કે, આ કોક છિનાળ જ છે.. મારે એને કે'વું પઇડું કે, 'બેટા.. હું તો તારા બાપની ઉંમરનો છું...'

હું તો પહેલેથી દેખાવમાં ઘણો સજ્જન લાગું છું, એટલે પોલીસે મને કાંઇ પૂછ્યું જ નહિ... આ તો એક વાત થાય છે !

જામનગર સુધી આખી બસમાં એક જ વાત ચાલી, 'આજ કાલ બાઇયુંનો કોઇ ભરોસો છે ? રામ જાણે, કોણ બિચારી માંનું બાળક ઉઠાવીને આ છિનાળ ભાગતી હશે ! આવીઓને તો ફાંસીએ જ લટકાવવી જોઈએ...!

...ને તો ય, જામનગર ઊતરતી વખતે ડોહો ચશ્મિસને કહેતો હતો, 'ગમે ઇ કિયો... દીકરી દેખાવમાં પરી જેવી લાગતી'તી, હોં ?'

સિક્સર
'વૉટ્સઍપ'માં ગુજરાતીઓની ખાસ ખૂબી.... ભગવાનના ફોટાવાળા મૅસેજની નીચે પ્યૉર નૉન-વૅજ જોક લખ્યો હોય !

18/01/2015

એનકાઉન્ટર : 18-01-2015

૧. અંગ્રેજો ભારતનો કોહિનૂર હીરો લઈ ગયા, છતાં ભારતીયોને એ હીરો જોવાના પૈસા આપવા પડે છે, એ કેવું ?
- અંગ્રેજો ના લઈ ગયા હોત તો કોહિનૂર નેહરૂ-ફેમિલીની ખાનગી મિલ્કતમાં પડયો હોત !
(યશ પટેલ, ગાંધીનગર)

૨. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને અશુભ માનવામાં આવે છે, તો 'શપથ ગ્રહણ'નો આટલો મહિમા કેમ ?
- દેશને 'શપથ ગ્રહણ' જેટલા સૂર્ય કે ચંદ્રગ્રહણો નડતા નથી.
(રોહિત પ્રજાપતિ, ઉદલપુર-વિસનગર)

૩. નીતિશ કુમારને નરેન્દ્ર મોદીથી આટલી જલન કેમ થાય છે ?
- 'હાથ ન આયા ખટ્ટા હૈ... !'
(નિશાંત ટેલર, સુરત)

૪. આપ ડૉક્ટર હોત તો ?
- આ 'હોત તો... ?' વાળી ધારણાઓમાં હજી ઘણા મને પૂછે છે, 'આને બદલે તમે હાસ્યલેખક થયા હોત તો ?'
(રાજેશ બી. દરજી, અમદાવાદ)

૫. પ્રાઈમ મિનિસ્ટરના સ્વચ્છતા અભિયાનમાં તમારૂં યોગદાન શું ?
- હું ભવાઈ કલાકાર નથી.
(ગજેન્દ્ર એ. રાવલ, મહેસાણા)

૬. ડૉક્ટરોના અક્ષરો ખરાબ જ કેમ હોય છે ?
- એ લોકોનું 'એબ્સ્ટ્રેક્ટ-ડ્રોઈંગ' વધુ સારૂં હોય છે.
(માધવ ધૂ્રવ, જામનગર)

૭. તમારા જીવનમાં આજ સુધીની ખુશીની સૌથી મોટી પળ કઈ ?
- ભારતે પાકિસ્તાનને કારગીલમાં રગદોળી નાંખ્યું હતું એ.
(દક્ષેશ ચૌધરી, બારડોલી)

૮. જો અશોક દવે ડૉ. મનમોહનસિંઘ હોત તો જીવનમાં કઈ ભૂલ થવા દીધી ન હોત ?
- રાહુલ જેવા ૮-૧૦ પુત્રો કે વાડ્રા જેવા ૧૦૦-૨૦૦ જમાઇઓ ઘરમાં ચોક્કસ ફિટ કરાવ્યા હોત.
(વિવેક શુકલ, અમદાવાદ)

૯. લોકોને તમને સવાલ પૂછવામાં રસ છે કે, પોતાનું નામ 'ગુજરાત સમાચાર'માં છપાવવામાં ?
- 'ગુજરાત સમાચાર'માં નામ છપાવામાં તો ખુદ મને ય રસ છે... એક જ વાર આ ગ્રેટ અખબારમાં તમારું નામ છપાઈ જાય, એમાં તો આખા ગામમાં હીરો બનીને ફરી શકો છો.
(જનક આર. શિયાણી, પોરબંદર)

૧૦. એસ.ટી. બસોમાં ઘણા ડ્રાયવર-કન્ડક્ટરો યુનિફોર્મ નથી પહેરતા એનું કારણ ?
- એમના સાહેબો લહેર કરતા હશે.
(પ્રહલાદ રાવળ, રાજપિપળા)

૧૧. શેરબજારમાં તમારે કેમનું છે ?
- નસીબ ઉપર જીવવામાં નથી માનતો.
(શફિનરઝા રૂપાણી, સાંગલી-મહારાષ્ટ્ર)

૧૨. સત્ય અને હાસ્ય સાથે ન રહી શકે. તમે સત્ય માટે હાસ્યનો સાથ છોડો કે એથી ઊલટું?
- હું ને મારી પત્ની ૪૦ વર્ષથી સાથે રહીએ છીએ.
(અનિલ ગઢવી, એસકેવી નગર-લખપત, કચ્છ)

૧૩. આજે ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' બનાવાય તો ચાલે કે નહિ ?
- આઈટમ સૌંગ્સ ઉમેરવા પડે.
(ભાવિક રાઠોડ, પાલડી-વિસનગર)

૧૪. આજના ગાયકોમાં રફી, મુકેશ કે કિશોર જેવો કલાસ કેમ નથી ?
- માં-બાપે માં-બાપે ફેર તો પડે ને !
(કેતન ઠોસાણી, સાવરકુંડલા)

૧૫. મોદી અને ઓબામા વચ્ચે શું તફાવત ?
- ઓબામાની વાઈફનું નામ જશોદાબેન નથી.
(શ્રુતિ અલ્પેશ ગજ્જર, નડિયાદ)

૧૬. પેટને 'પાપી પેટ' કેમ કહેવામાં આવે છે ?
- જમેલું-પીધેલું બધું ખભા કે ઢીંચણમાં જમા નથી થતું, માટે.
(રજનીકાંત ત્રિવેદી, ભાવનગર)

૧૭. દિલીપ, રાજ અને દેવ... અભિનય ક્ષમતાની દ્રષ્ટિએ તમે એમને ક્યા ક્રમમાં ગોઠવો?
- આપણે ત્યાં સરખામણીની પ્રથા દુઃખદાયક છે. ફિલ્મ 'ગંગા જમુના' જેવું કામ રાજ-દેવ કરી ન શકે. 'જ્વેલ થીફ'માં તમે દિલીપ-રાજનો વિચારે ય કરી ન શકો ને 'જાગતે રહો' જેવો અભિનય કરવા માટે દેવ-દિલીપ-બન્ને બસ્સો જનમ ઓછા પડે.
(જયેશ અંતાણી, ભાવનગર)

૧૮. ગૌહત્યા રોકવા સરકાર કાયદો ક્યારે બનાવશે ?
- પૃથ્વી પરનો કોઈ પણ માણસ ગાયના દૂધ વિના ઉછર્યા નથી. માત્ર પૈસા કમાવવા એની હત્યા કરો, તો ઉપર બધો હિસાબ આપવાનો છે, એ ન ભૂલશો.
(જીજ્ઞોશ કાકડીયા, મુંબઈ)

૧૯. તમે કેવા વાચકોથી અકળાઈ જાઓ છો ?
- ઘણા... ! ડોબાઓને હજાર વાર કહ્યું કે, અગાઉ તમે ભલે અનેકવાર સવાલો પૂછ્યા હોય, નામ, સરનામા કે મોબાઇલ નંબર દરેક વખતે ફરજીયાત લખવો જ પડે. છતાં, 'આપણને તો અશોક દવે ઓળખે જ છે ને ?'ના ભ્રમમાં વાચકો પોતાની વિગતો લખતા નથી, એમાં સારા સારા સવાલો મારે ગૂમાવવા પડે છે, ત્યારે અકળાઈ જઉં છું.
(સૌજન્યા વિપુલ શાસ્ત્રી, વડોદરા)

૨૦. અમારા ભાવનગરમાં 'અશોક દવે માર્ગ' છે... તમારે ત્યાં છે કે નહિ ?
- મને નાનકડા માર્ગોમાં રસ નથી... કહે છે કે, પુરાણકાળમાં મારા નામની એક 'વાટિકા' લંકામાં હતી, જ્યાં સીતામાતાને રાખવામાં આવ્યા હતા.
(રૂપેશ પી. વાજા, ભાવનગર)

૨૧. તમને ખબર પડે કે, આવતી કાલે દુનિયાનો નાશ થવાનો છે, તો પહેલું કામ ક્યું કરો?
- કેલેન્ડરમાં વર્ષ બદલી નાંખું.
(અર્પિત કે. શાહ, વડોદરા)

૨૨. આજના યુવાનો હરદમ' ફેસબૂક' અને 'વોટ્સએપ' પર જ કેમ ચોંટી રહે છે ?
- ચોંટવા માટે બીજું કંઈ સારૂં મળી જશે, પછી નહિ ચોંટે.
(રશ્મિરા યાદવ, વડોદરા)

૨૩. જગતનું મોટું આશ્ચર્ય કર્યું ?
- સ્મશાનમાં ડોહાને લાકડાઓની વચ્ચોવચ ફિટોફિટ ગોઠવવામાં આવ્યા હોય, છતાં અચાનક એકાદું લાકડું હાલે તે !
(કાલીદાસ ઠાકર, અમદાવાદ)

૨૪. વિરાટ કોહલીના લગ્ન અનુષ્કા સાથે થશે ખરા ?
- સીધો ડાઉટ મારા ઉપર આવે છે ને... ?
(સંગીતા રબારી, વડોદરા)

૨૫. આ પાકિસ્તાન રોજ આપણા સરહદના ગામો ઉપર ફાયરિંગ કરી જાય છે, છતાં આપણે ચૂપ કેમ ?
- આપણા કરતા એ લોકોના સરહદના ગામો જંગી સંખ્યામાં ખાલી કરવા પડયા છે... આપણા જવાનોને કમ ન આંકશો.
(પૂજા રાઘવ પટેલ, નડિયાદ)

૨૬. આ આનંદીબેન કદી હસતા કેમ નથી ?
- કામ કરવાને હસતા મોંઢા સાથે શો સંબંધ ? હું હાસ્ય લેખક છું, છતાં ભાગ્યો જ મને કોઇએ હસતો જોયો છે !
(નિયતી સી. શાહ, અમદાવાદ)

'સાવન ભાદોં' (૭૦)

ફિલ્મ : 'સાવન ભાદોં' (૭૦)
નિર્માતા-નિર્દેશક : મોહન સેહગલ
સંગીત : સોનિક-ઓમી
ગીતકાર : વર્મા મલિક
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : નવિન નિશ્ચલ, રેખા, રણજીત, શ્યામા, નરેન્દ્રનાથ, આગા, જયશ્રી તલપડે, ઇફ્તિખાર, કૃષ્ણધવન, ચંદ્રિમા ભાદુરી, સુષ્મા, મધુકર, દેવીચંદ, પરદેસી.


ગીતો
૧. સુન સુન સુન ઓ ગુલાબી કલી, તેરી મેરી બાત... - મુહમ્મદ રફી
૨. કાન મેં ઝૂમખા, ચાલમેં ઠુમકા, કમર પે ચોટી... - મુહમ્મદ રફી
૩. આંખે મેરી મયખાના મયખાના, પી કે હો જા... - આશા-રફી
૪. હે નજરબાજ સૈંયા, નજરીયા ન મારો... - આશા ભોંસલે
૫. મેરા મન ધબરાયે, તેરી આંખો મેં નીંદ ન આયે... - આશા ભોંસલે
૬. એક દર્દ ઉઠા, હાય ની એક દર્દ ઉઠા, એક બેદર્દી કે... - ઉષા-આશા
૭. અભી બચપના અભી લડકપન ઔર નાદાન ઉમરીયા... - આશા ભોંસલે

મને યાદ છે, તદ્દન નવા હીરો-હીરોઇન હોવા છતાં અમદાવાદમાં ફિલ્મ 'સાવન-ભાદોં' આવી એવી જ ખૂબ ચાલી. ખાસ આકર્ષણ તો એની 'ફાઈટ્સ'નું હતું. રેખા કે નવિનને તો અગાઉ કોઈએ જોયેલા નહિ, પણ આવી મસ્તમજાની ફાઈટિંગ પ્રેક્ષકોએ સુનિલ દત્તે પોતાના ભાઈ સોમ દત્ત, વિનોદ ખન્ના અને લીના ચંદાવરકરને લઇને બનાવેલી ફિલ્મ 'મન કા મીત' સિવાય બીજી કોઈ ફિલ્મમાં જોવા મળેલી નહિ. સમજો ને, '૬૦નો આખો દાયકો પેમલા-પેમલીની એ જ ઘીસીપીટી ફોર્મ્યુલા ઉપર ચાલતો, એમાં લોકો ય કંટાળ્યા હતા... (એક તો, મોટા ભાગનાઓની પોતાની લવસ્ટોરીઓ કૂવે પડવા ગઈ હોય ને ફિલ્મ જોવા જઇએ એમાં ય હીરો છેલ્લા રીલ સુધી તડપતો હોય...!)

એને બદલે, 'સાવન ભાદોં'માં પૈસાવસૂલ મારામારી અને એ ય પહેલા રીલથી જ શરૂ... વળી એનો હીરો નવિન નિશ્ચલ ભલે નામ જરા અટપટું હતું તો ય-જોવો ગમે એવો હતો. લોકો ખોબા ભરી ભરીને મારામારીઓ માણતા ગયા. આજે સાવ ક્ષુલ્લક લાગે કે, આ તે કોઈ ફિલ્મ જોવાની રીત છે, કે મારામારીમાં બધા ખુશ ?

પણ જગતભરની ફિલ્મોનો શાસ્વત નિયમ છે કે, મારામારીઓ બીજા કરતા હોય, એમાં આપણને વાગવાનું ન હોય તેમ જ 'આઇ વિટનેસ' તરીકે પોલીસ-સ્ટેશનના ધક્કા આપણે ન ખાવાના હોય તો ભલે ને દિલીપકુમાર ને પ્રાણ બથ્થંબથ્થા કરતા ! આ મનુષ્ય સ્વભાવ છે કે, ઘેર આપણે ય એ બધું મન મૂકીને કરતા હોઈએ, પણ આગળ જતી રીક્ષામાં કોઈ કપલ 'હખણું' બેઠું ન હોય, તો આપણી ગાડી ધીમી પાડી પાડીને પેલા લોકોને જોયે રાખીએ છીએ, એમ મારામારી બીજા કરતા હોય તો જોવાનો પડી જાય ટેસડો ! સુઉં કિયો છો ?

રેખાની (જન્મ તા. ૧૦ ઓક્ટોબર, ૧૯૫૪) પણ આ પહેલી ફિલ્મ હતી. કોઈ માની ન શકે, એટલી હદે દેખાવમાં એ ફાળતુ લાગતી હતી ને એમાં ય, એ વખતની ઑલમોસ્ટ દરેક ફિલ્મોમાં માથામાં ગૂંચળા વળેલી વિગો ને હાથ અડે તો ડાઘા પડી જાય, એવા એ બધીઓના ચેહરાના મેઇક-અપ. અમિતાભ સાથેના સંબંધ દરમ્યાન એ જેટલી ખૂબસુરત લાગતી હતી, એ રેખા એ જમાનામાં કાંઈ બારે મૌસમ મનમોહક નહોતી લાગતી. પણ બકસમ બ્યુટીવાળી સાઉથ ઇન્ડિયન બ્યુટી તો એ ય ખરી, એટલે આ ફિલ્મ 'સાવન ભાદોં' હિટ જવાને કારણે એની એક પછી એક અનેક ફિલ્મો આવતી રહી.

સાઉથમાં જો કે એનું નામ મોટું હતું, ફિલ્મ એકટ્રેસ તરીકે જ નહિ, તત્સમયના ખૂબ લોકપ્રિય હીરો-હીરોઇન જેમિની ગણેશન અને પુષ્પાવલ્લીની એ દીકરી હોવાને કારણે ! આમ, બાપ-દીકરી વચ્ચે પહેલેથી જ બોલવાના સંબંધો રહ્યા નથી, પણ સીમી ગ્રેવાલની એક જમાનામાં આવતી ટીવી-સીરિયલ Rendezvous ઉચ્ચાર 'રોન્દેવૂ'માં સીમીએ પૂછેલા સવાલોના જવાબો પરથી એવું લાગતું હતું કે, રેખા પિતાને આજે પણ ખૂબ ચાહે છે, પણ બન્ને વચ્ચે મળવાનું કોઈ અકસ્માત સિવાય ભાગ્યે જ થયું છે. ઇન ફેક્ટ, રેખાનો જન્મ થયો ત્યારે જેમિની (હવે નવી ફેશનમાં ઉચ્ચાર 'જેમિનાઈ' થાય છે.) ગણેશન અને પુષ્પાવલ્લી પરણ્યા નહોતા... (ફિલ્મોની ભાષામાં, રેખા... નાજાયઝ ઔલાદ...!) રેખા બાળકમાંથી કિશોરી થઇ ત્યાં સુધી જેમિનીએ રેખાને 'પોતાની' પુત્રી નહોતી માની અને રેખા કોઈને પિતાનું નામ પણ આપતી નહોતી, પણ '૭૦ની સાલમાં આ ફિલ્મ 'સાવનભાદોં' રીલિઝ થતા જ એ સ્ટાર બની ગઇ અને પત્રકારોની ધોધમાર પૂછપરછ પછી પોતે 'જેમિની ગણેશનની પુત્રી છે, એવું સ્વીકાર્યું. એ વાત જુદી છે કે, સ્ટાર બની ગયા પછી જેમિનીએ સામે ચાલીને રેખા સાથે સમાધાનની ઓફર મોકલી, પણ બેબી ક્યારેય તૈયાર ન થઈ.

દરમ્યાનમાં એક મજાની વાત બની ગઈ. 'સાવનભાદોં'ને રેખાની પહેલી ફિલ્મ ગણવી હોય તો ગણો, બાકી એની પહેલી ફિલ્મ વિશ્વજીત સાથેની 'અંજાના સફર' હતી, જેમાં વિશ્વજીત સાથે હોઠ-ટુ-હોઠના ચુંબનનું દ્રષ્ય ખળભળાટ મચાવી ગયું. બન્નેના ચુંબનનો ફોટો વિશ્વપ્રસિધ્ધ 'લાઈફ' મેગેઝીનના કવર-પેજ પર છપાયો, એમાં ભારતીય સેન્સર બોર્ડે આ ફિલ્મ જ રદબાતલ કરી નાંખી. બદનામીથી બચવા રેખુ ખોટું ય બોલી હતી કે, એની સાથે બનાવટ કરીને ચુંબનનું દ્રષ્ય ઝડપી લેવાયું હતું... (લુચ્ચીઇઇઇઇ... !!!)

નવિન વિશે તો અગાઉની ફિલ્મ 'વિક્ટોરિયા નં. ૨૦૩'માં આપણે લખી ચૂક્યા છીએ, પણ એની પણ આ પહેલી જ ફિલ્મ હતી, તે વિલન રણજીત અદ્ભૂત વિલન હોવા છતાં કાયમ 'અન્ટરરેટેડ' જ રહ્યો. મહાન ખલનાયકોની યાદીમાં પ્રાણથી માંડીને પ્રેમ ચોપરાઓ સુધી ઘણા બધા આવે, પણ રણજીતને માર્કેટિંગ કરતા આવડયું નહિ હોય ! જોવાની ખૂબી છે કે, ફિલ્મોમાં શરાબ, સિગારેટ અને સુંદરીઓથી ઘેરાયેલો રહેતો અને ટાઈમ બચતો હોય તો હીરોઇન ઉપર બળાત્કારે ય કરી આવતો રણજીત અંગત જીવનમાં દારૂ કે સિગારેટ કદી પીતો નથી. (... સુંદરીઓ બાબતે એણે કોઈ ઘટસ્ફોટ કર્યો નથી !) મૂળ અમૃતસરના ગોપાલ બેદીને 'રણજીત' નામ સુનિલ દત્તે આપ્યું હતું. આં ય, આપણા દેશમાં હીરો સિવાય બીજા કોઇને હીરો ગણવામાં આવતા નથી, નહિ તો... ફિલ્મ 'નમકહલાલ'માં અમિતાભ બચ્ચન ક્રિકેટની ઇંગ્લિશ કોમેન્ટ્રી બોલે છે, ત્યારે રણજીતે આપેલા ચેહરાના હાવભાવમાં પણ બચ્ચનની સફળતા છુપાઈ હતી. વિલનો આપણા દેખતા હીરોના હાથે પિટાય છે, એટલે હીરો હીરો લાગે છે... સુઉં કિયો છો ?

અહીં જો કે એની પહેલી ફિલ્મ હોવાથી એને વિલન હોવા છતાં બહુ નાનો અને ફાલતુ રોલ એટલે સુધી અપાયો છે કે, શરૂઆતમાં કોઈ ૪-૫ દ્રષ્યો પૂરતો એ રેખાના ભાઈ તરીકે આવી ગયા પછી ફિલ્મના વાર્તાલેખક અને દિગ્દર્શક બન્ને મુંઝાઈ ગયા હશે કે, આને પાછો કઇ રીતે બોલાવવો, એમાં કોઈ લેવાદેવા વિનાનો એને ગૂમ કરી દેવાયો છે. ફિલ્મનો મુખ્ય વિલન તો પ્રેમનાથ-રાજેન્દ્રનાથના નાના ભાઈ નરેન્દ્રનાથને બનાવાયો છે.

નરેન્દ્રનાથ ખૂબ નાની વયે દારૂ ઢીંચી ઢીંચીને રામદરબારમાં પહોંચી ગયો. આમે ય, એકટર તરીકે એનામાં કોઈ શહૂર નહોતા. પ્રેમનાથનો ભાઈ ન હોત તો ભોજપુરી ફિલ્મોમાં ય ન ચાલત. શશી કપૂરનો એને માની લીધેલો જબરદસ્ત વહેમ હતો. હેરસ્ટાઈલથી માંડીને કપડાં, હરકતો, સંવાદો બોલવા... બધું શશી કપૂર ઉપર ગયેલું.

યસ. ફિલ્મનું સૌથી મોટું જમાપાસું જયશ્રી.ટી.ના મનમોહક નૃત્યોનું છે. જીંદગીભર આપણે હેલન-હેલન કરવામાં બીજી એવી જ વર્સેટાઇલ હેલનોને ભૂલી ગયા, એમાંની એક જયશ્રી ટી.અફ કોર્સ, હેલનનો દેખાવ, ફિગર, આવડત, નૃત્યોની જાણકારી કે 'ગ્રેસ'ની સરખામણીમાં તો આજે ય કોઈ ડાન્સર-એકટ્રેસ ન આવે, પણ જયશ્રી ટી.નો ફિલ્મ 'શર્મિલી'ના 'રેશમી ઉજાલા હૈ, મખમલી અંધેરા...' જેવા સેંકડો ડાન્સ યાદ કરો તો ખ્યાલ આવશે કે, ભલે સુંદરતા આ છોકરીથી કોસો દૂર હતી, પણ એક ડાન્સર તરીકે એનું મૂલ્યાંકન કોઈ પણ ડાન્સરથી એક દોરો ય ઓછું કરાય એમ નથી. બસ. હાઈટમાં જરા નહિ, ઘણો માર ખાઈ ગઈ...બાકી બોડી તો કેબરે ડાન્સરનું હોવું જોઇએ એટલા પૂરતું તો સેક્સી હતું જ ! એ તો જો કે, બધાને ખબર છે કે હીરોઇન નંદાની આ જયશ્રી સગી ભાભી થાય. બન્ને વચ્ચે સંબંધો ખૂબ સારા હતા... (નંદા જો સગપણમાં થતી હોય, તો કોને સંબંધો સારા ન હોય ?) એની એવી જ બટકી બહેન મીના ટી.એ પણ ફિલ્મોમાં ઘણા હવાતીયાં માર્યા, પણ બહુ બહુ તો એ કોમેડિયનની બુધ્ધિની લઠ્ઠ પ્રેમિકા સિવાય કોઈ રોલ સારો મેળવી ન શકી.

દુઃખ પહોંચાડી ગયા સંગીતકારો સોનિક અને ઓમી. એક 'દિલ ને ફિર યાદ કિયા'ને બાદ કરતા કઇ ફિલ્મમાં એમનું સંગીત સાંગોપાંગ પાર ઉતર્યું ? એક એકને સુરમા કહેવડાવે એવા સ્ટાર સંગીતકારોની વચ્ચે તમને એક તક મળે, એમાં છવાઈ જવાનું હોય, પણ પ્રજ્ઞાાચક્ષુ સંગીતકાર સોનિક અને તેમના ભત્રીજા ઓમી એક જમાનામાં સંગીતકાર રોશનના આસિસ્ટન્ટસ હોવા છતાં પોતાની ફિલ્મોમાં કાંઈ ઉકાળી ન શક્યા. એમને બેનીફિટ ઓફ ડાઉટ એ ધોરણે આપી શકાય કે, આ કાકા-ભત્રીજા ફિલ્મોમાં સ્વતંત્ર સંગીતકારો તરીકે આવ્યા, ત્યારે માર્કેટમાંથી એકેક સંગીતકાર ફ્લોપ થઇ ચૂક્યો હતો. નૌશાદ, શંકર-જયકિશન,મદન મોહન, રોશન, કલ્યાણજી-આણંદજી કે... તમે જે નામ બોલો ને... બધા ધંધાની દ્રષ્ટિએ ખલાસ થઇ ચૂક્યા હતા, ત્યારે સોનિક-ઓમી માટે ટકવું જ મુશ્કેલ થયું. હજી પ્રાણ-બિંદુવાળી ફિલ્મ 'ધર્મા'ની કવ્વાલી, 'ઇશારોં કો અગર સમઝો, રાઝ કો રાઝ રહેને દો...'ને કારણે દીવો ઝળહળતો દેખાય છે. (આ કવ્વાલી આ બન્નેના અંગત જીવનમાં બનેલા એક પ્રસંગ પરથી પ્રેરણા લઈને બનાવાઈ હતી. સોનિક-ઓમી કવ્વાલીના કોક પ્રોગ્રામમાં નિર્ણાયક તરીકે ગયા હતા, ત્યાં સામસામા કવ્વાલો વચ્ચે અચાનક ઝગડો થયો ને બન્ને પક્ષો મારામારી ઉપર આવી ગયા. પ્રોગ્રામ તો બંધ રહ્યો પણ આ ઘટનામાંથી 'રાઝ કી બાત કહે દૂં તો, જાને મેહફીલ મેં ફિર ક્યા હો ?' કવ્વાલી બની. યસ. આ બન્ને શક્ય હોય ત્યાં સુધી લતા મંગેશકરને લેતા જ નહોતા, છતાં એક ફિલ્મ 'ટ્રક-ડ્રાયવર'ના એક ગીતમાં લતા પાસે રાગ શુધ્ધ મારવા ગવડાવીને આ બન્ને માની ન શકાય એવી કમાલ કરી દેખાડી. એ વાત જૂદી છે કે, ગીત કાંઈ રેડિયે-રેડિયે બહુ વાગતું નહોતું, પણ સંગીતના જાણકારો માટે આ ગીતે તો લતાને પણ ઊંચા આસને બેસાડી. 'દેની થી જુદાઈ તો પ્રિત ક્યું બનાઈ...' ક્યા બ્બાત હૈ...? ગીતના બન્ને અંતરા કેવા મધુરા છે ! આ બન્નેએ રફી સાહેબ પાસે ગવડાવેલું ફિલ્મ 'મહુવા'નું મૈંને તેરે લિયે રે જગ છોડા, તુ મુઝકો છોડ ચલી... સ્ટેજ-પ્રોગ્રામોમાં લેવું જ પડે. એટલું પોપ્યુલર છે. એવી જ રીતે, મુકેશને ઉત્તમ ગીતો આપવા માટે ય આ બન્ને થેન્કસ કહેવા પડે - ખાસ તો, 'સંસાર હૈ એક નદીયા, દુઃખસુખ દો કિનારે હૈ...' માટે...

મોહન સેહગલ આજના ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીના સસુરજી થાય. સંજયની બહેન બેલા મોહન સેહગલના દીકરા દીપક સાથે પરણી છે. મહાન ગાયક કે.એલ.સેહગલ પણ પંજાબના જલંધરના અને મોહન પણ ત્યાંના જ, પણ બન્ને વચ્ચે ગામ અને અટક શૅર કરવા સિવાય કોઈ સંબંધ નથી.

શરૂઆતમાં તો મોહન કિશોર કુમારના ભારોભાર પ્રેમમાં હતા અને બધી ફિલ્મો કિશોરને હીરો લઇને જ બનાવી, અધિકાર, ન્યુ દિલ્હી, અપના હાથ જગન્નાથ અને કરોડપતિ. પણ ન્યુ દિલ્હી સિવાયની બધી ફિલ્મો પિટાઈ ગઈ. પછી દેવર, કન્યાદાન, સાજન, રાજા જાની, વો મૈં નહિ અને એક હી રાસ્તા જેવી ફિલ્મો બનાવી.

ટુંકમાં, રેખા તમારા સગામાં ન થતી હોય, તો આ ફિલ્મ જોવા જેવી ખરી.

15/01/2015

૩૧ ડિસેમ્બરની 'પાર્ટી'

૩૧મી ડીસેમ્બરની રાત્રે દારૂ પીવો જ પડે. જન્માષ્ટમીએ આખી રાત તીનપત્તી રમવી જ પડે. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવા જ પડે...?

સાલા, આપણા એકેય લક્ષણ સારા છે? ૩૧મીની રાત્રે દારૂને બદલે સૂંઠનો રસ પીવાનો કે જન્માષ્ટમીએ તીનપત્તીને બદલે ઊભી-ખો કેમ ન રમાય?

પણ એ બધા દેસીઓના કામ. ભારત દેશમાં રહીને અમારે 'દેસી' નહોતું ગણાવવું... ભલે બા ખીજાય. અમે ૭-૮ યારદોસ્તોએ ૩૧મીની રાત્રે 'મેહફીલ' બનાવવાનો નિર્ણય વગર પીધે લીધો. કહે છે કે, જે કામ કરવામાં ડર લાગતો હોય, એ કામો છુપાછુપી કરવામાં જે મજો પડે છે, એ 'એરેન્જ્ડ' મૅરેજમાં ન પડે. અડધી અને અંધારી રાત્રે ઘરમાં દરવાજાને બદલે બાલ્કનીમાંથી દાખલ થવા જેટલો ખુશ્બુદાર જલસો વિધાનસભામાં તાળીઓના ગડગડાટ વચ્ચે આપણું સ્વાગત થાય, એમાં ય ન આવે... સુઉં કિયો છો?

એવું ડીસિઝન અમે બધાએ મનમાં બોલીને લીધું, કારણ કે 'દીવારોં કો ભી કાન હોતે હૈં..!' એવું અમે ઘણી ફિલ્મોમાં સાંભળ્યું હતું. કોઈને ખબર ન પડે ને કોઈ સાંભળી ન જાય, એ માટે અમે સાતે ય જણાએ ખૂફિયા મીટિંગ અંધારી રાત્રે, અમારા ફ્લૅટના ટેેેરેસ ઉપરની પાણીની ટાંકી ઉપર ચઢીને રાખી. ટૅરેસના દરવાજે લૉક માર્યું અને જે કાંઈ બોલવું હોય તે બધું, ''છીછ... છીછ'' અવાજે બોલવાનું.

કબુલ કે, અમારામાંથી કોઈએ અત્યાર સુધી દારૂને હાથ કે હોઠ લગાડયો નહોતા. કેવી રીતે પીવાનો હોય, એ કાંઈ સ્કૂલમાં શીખવ્યું નહોતું. સૉલ્જરી કરીને સાતે ય જણાએ વ્હિસ્કીની એક એક બૉટલ લેતા આવવાનું સ્વીકાર્યું. અમારામાંનો કોક તો થોડો જાણકાર હોય ને? એ બોલ્યો કે, ''સાત જણા વચ્ચે સાત બૉટલો...? વધારે નહિ પડે??''

''એ ચીંગુસીયા... પીતી વખતે પૈસા સામે નહિ જોવાનું... આમાં તો મંડી જ પડવાનું હોય, કોડા!'' પટેલે પોતાની ભાષામાં જવાબ આપ્યો... સૉરી, આલ્યો!

કૅબરે જોવા ગયા હોઈએ ને ખોળામાં કોક ભાગવત મૂકી દે, એમ નીચેથી વાઈફે બૂમ પાડી, ''બધાની ચા જ મુકૂં ને? તારી ભલી થાય ચમની... આખા મૂડની મમ્મીના મૅરેજ થઈ ગયા. જો કે, એ ગરીબ બિચારીનો શો વાંક? એ થોડી, ''તમારામાંથી વૉડકા કોણ લેશે ને બિયરવાળું કોણ છે?'' નામની બૂમ પાડવાની હતી?

પાર્ટી યશોધરના ઘરે રાખી હતી. બધાએ પોતપોતાની બૉટલ છાપાના કાગળમાં ચુસ્ત રીતે સંતાડીને લાવવાની હતી. ગાડીમાંથી ઉતરતી વખતે પાછળ ખાસ જોઈ લેવાનું કે, 'પુલીસ હમારા પીછા તો નહિ કરતી...!' ડર લાગે ત્યારે હિંદીમાં બોલવું સારૂં પડે.

યશોધરે દરવાજો ખોલતા સાથે બન્ને હોઠ વચ્ચે 'ચૂપ'ની નિશાની રાખી મૂકી હતી. અમે તો કેમ જાણે શામળાજીના મેળે રાસ રમવા આવ્યા હોઈએ, એમ એ બધાને 'જેશી ક્રસ્ણ' કહીને આવકારતો હતો. ઢીલા તો અમે ય હતા. કોઈ જોતું તો નથી ને, એ જોવા અમે લોકો ઘરમાં દાખલ થતા, ઈવન ભીંતમાં ય શંકાસ્પદ નજરે જોઈ લેતા હતા. આવા કામોમાં તો અમે એકબીજાનો ય વિશ્વાસ ન કરીએ, એટલે અમારામાંનો કોક વળી શર્ટના ખિસ્સામાં કેમેરાવાળી પેન ભરાઈને આવ્યો નથી ને, એ ચેક કરી લીધું, પણ બધા સંસ્કારી હતા. કોઈની માંએ ખરાબ સંસ્કારો આપ્યા નહોતા. નહિ તો ભ'ઈ, આ જમાનામાં કોઈનો ય ભરોસો થાય એવો છે? આ તો એક વાત થાય છે.

ગુપ્તતા પૂરેપૂરી જાળવવામાં આવી. 'કિસી કો કાનોંકાન ખબર તક હોની નહિ ચાહિયે...' અમે ચોકન્ના તો એટલે સુધી કે, કાનોકાન તો બહુ દૂરની વાત છે... અમારામાં તો હાથોહાથ કે પગોપગ પણ ખબર પડે નહિ!

નદી કિનારે બ્રાહ્મણો એમના બાપાઓનું સામૂહિક શ્રાધ્ધ કરાવવા બેઠા હોય, એમ અમે સહુ ગોળ કૂંડાળે પલાંઠા વાળીને બેસી ગયા. સુરીયો પીવામાં જરા અનુભવી હતો, એટલે એ સોફા ઉપર એક પગ લટકાવીને જમીન પર સૂતો. એક હાથ વડે એણે માથું ઝાલી રાખ્યું હતું. કહેતો હતો કે, ''...પીવાની અશલી શ્ટાઈલ આ છે!'' મેહતાએ એને સુધાર્યો, ''તને ખબર નથી. પીવાનું તો ચાલતા ચાલતા લથડીયા ખાતા જ રખાય! યાદ છે, ફિલ્મ 'જાગતે રહો'નો મોતીલાલ?'' અલબત્ત, બધાએ એને પ્રૅક્ટિકલી સમજાવ્યો કે, તારી વાત સાચી પણ હોય તો ય રૂમ નાનો છે અને બધા ઊભા થઈને ચાલવા માંડે તો એકબીજાને અથડાઈ જઈએ. બેઠા બેઠા ઝૂમવામાં હાળું અથડાવાય તો નહિ? તે એ વળી માન્યો ય ખરો. કહે છે કે, દારૂ નમ્રતા શીખવે છે.

'કાઢ અલ્યા... હવે બહુ રાહ નહિ જોવાય.' જીતુ બધામાં ઉતાવળીયો ખરો. અમારા જવાબની રાહ જોયા વિના એણે લસ્સીના ગ્લાસ ભરતો હોય, એમ બધાના ગ્લાસ વ્હિસ્કીથી છલોછલ ભરી દીધા... 'જીયો મેરે રાજ્જા' બોલીને! અમે તો દારૂ પીવા આવ્યા હતા કે, વૈદ્યના ચિકિત્સાલયમાં દવા પીવા, એની ય કોઈને ખબર નહિ. એકલો મધુ જાણકાર નીકળ્યો. ''અલ્યા, આ છાશ નથી પીવાની તે ગ્લાસેગ્લાસ છલોછલ ભરી દીધા છે... આમાં તો એક એક પૅગ... આઈ મીન, ચા પીવાનું કપનું તળીયું ભરાય એટલો જ લેવાનો હોય.''

''અલ્યા ભ'ઈ, એને એટલો આપજે... તું તારે ભરી દે અમારા બધાના જામ છલ્લક છલ્લક..! અલ્યા પહેલી વાર પીવા આયો છે?'' પટેલો તો આમે ય બોલવામાં આખા હોય! સમયસર બધામાં અક્કલ તો આવી ગઈ અને વ્યવસ્થિત રીતે કાચના ગ્લાસમાં એક પૅગ બનાવી ઉપર સોડા અને બરફ નાંખ્યો.

''ભ'ઈ... સ્ટ્રો-બો વગર પીવાનું છે?'' મધીયો ફાટયો. કેમ જાણે ઘેર ચા ય રકાબીમાં સ્ટ્રૉ બોળીને પીતો હોય! બધાને એટલી ખબર કે, વચમાં ચાવવા-બાવવાનું કંઈ રાખવું પડે, એટલે નીચે જઈને કોઈ ચણા લઈ આવ્યું. ગાદી ભાળી એટલે એમાં બે- જણા ચણા વડે સામસામે એક્કા-દૂક્કા રમવા માંડયા. ત્રીજો વળી, બે આંગળીઓ વચ્ચે ચણો મૂકીને, ગાદી ઉપર વ્હેંત ભરીને પેલાને શીખવાડે... ''ચણો સીધો ગબામાં જવો જોઈએ.'' સાલું, અમે તો દારૂ પીવા બેઠા છીએ કે, નગરપ્રાથમિક રમતોત્સવમાં ભાગ લેવા આવ્યા છીએ, એ ખબર પડતી નહોતી.

સરવાળે કબુલાત એટલી કે, પીતા આવડતું કોઈને નહોતું, છતાં લાજ ૩૧ ડિસેમ્બરની રાખવાની હતી. ગુજરાતીઓની આને ખાસીયત ગણવી હોય તો અત્યારે સમય છે, ગણી લો કે, પોતાને કાંઈ આવડતું નથી, એ લગ્નના ૨૦-વર્ષે ય છોકરા વિનાનો રહે, તોય કબુલશે નહિ!

મધુ લવારી ઉપર ચઢી ગયો ને, ૨૧-વર્ષ પહેલા ગુજરી ગયેલા એના સ્વર્ગસ્થ સસુરને ભાંડવા માંડયો, ''હાળા નટીયા... આવું બૈરૂં મને વરગાડીને પોતે અલોપ થઈ ગયો... નીચે આય.... નીચે આય હાળા બીક્કણ...!''

મને આપઘાતના વિચારો આવવા માંડયા, એટલે ખોટો ટાઈમ ન બગડે માટે મેં સુરીયાના ખભે હાથ મૂકીને લાગણીભર્યા સ્વરે કીધું, ''જો સુરીયા... ખભે બહુ વલૂર-વલૂર ના કર... આ પંખે લટકી જા... મધીયાને ય ટીક-ટ્વેન્ટી પીવા સમજાઉં છું... પણ તું ઉપડ...''! જેના ઘેર અમે બેઠા હતા, એ યશોધર, પરણ્યો એ દહાડાનો ડરપોક બની ગયો હતો. મધુ ગ્લાસની વ્હિસ્કી શર્ટના ખિસ્સામાં રેડવા માંડયો ને બધાના ચરણસ્પર્શ કરીને રીક્વૅસ્ટો કરતો જાય, ''દાદુ... આજની પીવાની વાત મારી વાઇફને ખબર નહિ પડવી જોઈએ... પ્રોમિસ?''

''કેમ... તને ટીચી નાંખશે?''

''ના... હાળી કાલથી પોતે પીવા માંડશે..! સદીઓથી એનું આખું ખાનદાન પીધેલું છે.''

નવું વર્ષનું નવલું પ્રભાત ઊગ્યું. વહેલી પરોઢે સહુ પોતપોતાના ઘેર ગયા. છેલ્લા રીપોર્ટ મુજબ ઃ ચંપક મોદી જસુભ'ઈની બાજુના ફ્લેટમાં રહે છે, એને બૂમ પાડીને ઉઠાડયા, '' લે પકડ મારો ઝભ્ભો ને... તાકાત હોય તો ખલાસ કરી આય પાકિસ્તાનને...!'' ઘટનાસ્થળે મંગળપ્રભાતે એક નાનકડી ફાઈટિંગ.

મધુની વાઈફે દરવાજો ન ખોલ્યો, એમાં એ બાજુવાળાના ઘરના સોફામાં જઈને સૂઈ ગયો. ત્યાં એક નાનકડી ઝગડી. જીતુએ ગાડીમાં બેઠા બેઠા એના બંગલાની આસપાસ છસ્સો આંટા માર્યા હશે. સુરેશ પોતાનાથી મોટું પાપ થઈ ગયું છે, એમ માનીને આખી સોસાયટીમાં ઘેર ઘેર જઈને અમારા બધાના નામો સાથે માફી માંગી આવ્યો. મેહતાને બહુ ચઢી નહોતી, એનો એને આઘાત મોટો લાગ્યો હતો. જીપમાં બેસાડીને પોલીસ ઘેર મૂકી ગઈ, ત્યારે પણ ફાધરને પૂછી જોયું, ''પપ્પા... સાલા પીધો બધાએ... મને એકલાને કેમ ન ચઢી?''

11/01/2015

એનકાઉન્ટર : 11-01-2015

૧. તમે બીજાને હસાવવામાં તો ખૂબ જામો છો, પણ કોઈના ઉપર કદી હસ્યા છો ?
- મને મારી ફિલમ ઉતારવાની મજા પડે છે.
(સોહૈલ વોહોરા, અલારસા-બોરસદ)

૨. રૂ. ૧૨૦૦ કરોડના ગોટાળો કરનારને રૂ. ૨૫,૦૦૦/-નો દંડ...?
- ચલો... પચ્ચીસના પંદર હજાર કરાવી આપીશું...પણ હવે એનાથી ઓછું નહિ થાય... પોસાવું જોઇએ ને ?
(મધુકર મેહતા, વિસનગર)

૩. તમારો જેન્તી જોખમ તો ગયો... હવે ?
- હવે જે કાંઈ જોખમ છે, એ ઉપરવાળાને છે.
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

૪. તમારા જવાબો વાંચીને મને સહેજ પણ હસવું નથી આવતું... ! કારણ ...?
- ભ'ઇ, આ તો ફક્ત બુધ્ધિમાનોની મેહફીલ છે... તમે ક્યાં ભરાઈ ગયા !
(તેજસ દિગેશ દરજી, વડોદરા/નિશા પટેલ, રાજકોટ)

૫. 'અચ્છે દિન કબ આયેંગે ?'
- આમાં તો કોઈ લેડી ડોક્ટરને બતાવી જોવું વધુ સારૂં.
(સુફિયાન ભગત, ઝાનોર-ભરૂચ)

૬. કુંવારાપણું અને પરણ્યાપણું વચ્ચે શું તફાવત ?
- પહેલી અવસ્થામાં તમે ઇચ્છો ત્યાં નજર સૅટ કરો... કોઈની બા ખીજાશે નહિ... બીજી વાળીમાં, એની ઉપર નજર સેટ કરી શકાતી નથી ને બહાર બધાની બાઓ ખીજાય છે.
(ઉર્વિશ પંડયા, અમદાવાદ)

૭. આયુર્વેદ અને આયુર્વેદિક ડોક્ટરો વિશે તમારૂં શું માનવું છે ?
- દુઃખની વાત છે કે, આયુર્વેદ આટલું સન્માન્નીય વિજ્ઞાાન છે, છતાં પાપી પેટને ખાતર ૯૦ ટકા આયુર્વેદિક તબીબો એલોપથીની પ્રેક્ટીસ કરે છે... એટલે સુધી કે વ્યવસાયે પોતાને 'વૈદ્ય' કહેવડાવવામાં ધંધો ચાલતો નહિ હોય, એટલે એમાં ય પોતાને 'વૈદ્ય'ને બદલે 'ડોક્ટર' કહેવડાવવું પસંદ કરે છે.
(ડો. રાજદીપ રાવ, જામનગર/ડૉ. હેમંત રાઠવા, વલ્લભ વિદ્યાનગર)

૮. તમે ડિમ્પલ કાપડીયા સાથે ઊભા ઊભા દાળવડાં ખાતા હો ને બા જોઈ જાય તો ખીજાય ?
- દાળવડાનું બિલ ડિમ્પલ ચૂકવવાની હોય, પછી મારા બા શું કામ ખીજાય ?
(પ્રકાશ પી. મહેતા, સુરેન્દ્રનગર)

૯. મારે પણ તમારી જેમ પોપ્યુલર થવું છે. કોઈ ઉપાય ?
- મારે જેટલું માન જોઇતું હોય, એટલું બીજાને આપું છું.
(વિકાસ ઠક્કર, વડોદરા)

૧૦. તમે વારંવાર પંખો ચાલુ કરવાનું કહો છો, પણ વારંવાર પંખો બંધ કોણ કરી જાય છે ?
- 'કહાં તક નામ ગીનવાયેં, સભીને હમકો લૂંટા હૈ... હોઓઓઓ'
(જે.ડી.નાગર, પોરબંદર)

૧૧. સંબંધોનો ભાર ક્યારે લાગે ?
- સંબંધો લોડિંગ-ટ્રકને બદલે ખભે ઉચકવા માંડો ત્યારે.
(ચંદ્રકાંત ભાયાણી, ભાવનગર)

૧૨. અમેરિકામાં તમે બરાક ઓબામાના ઘેર ગયા હતા ?
- હું જેને જેને ઘેર ઉતર્યો, એ બધાએ મને બરાક ઓબામા નહિ, નરેન્દ્ર મોદીની જેમ રાખ્યો છે... એટલે ઓબુને ચાન્સ આપી ન શકાયો !
(રિયાઝ વહોરા, જંત્રાલ-બોરસદ)

૧૩. 'મૂળ મુદ્દામાં પાયાની ગેરસમજ' વર્તમાન સમયમાં આ વાક્યનું કોઈ ઉદાહરણ ?
- આમિર ખાનનું 'સત્યમેવ જયતે.'
(સુમિત સોની, વડોદરા)

૧૪. દેશભરમાં એક દિવસ માટે ઇન્ટરનૅટ બંધ થઇ જાય તો ?
- તો બધાને 'લોપામાઇડ' લેવી પડે !
(રમેશ રાજપુત, થરાદ)

૧૫. ઇન્ડિયા-અમેરિકાના મોદી-ઓબામા એક વર્ષ માટે એકબીજાનું શાસન હાથમાં લે તો બન્ને દેશોમાં શું બદલાવ આવે ?
- અમેરિકાની તો ખબર નથી, પણ અહીં મિશેલી ઓબામા એસ.ટી.ની બસોમાં ફરતી થઇ જાય !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

૧૬. 'નીલોફર' વાવાઝોડાંથી મોટું નુકસાન કોઈ કરી શકે ખરૂં ?
- આઝાદી પછી આપણી કોંગ્રેસે આવા હજાર વાવાઝોડાંને સારા કહેવડાવ્યા છે.
(જીયા સંજય અંધારીયા, ભાવનગર)

૧૭. તમારો 'વોટ્સઍપ' નંબર મળશે ?
- 'વોટ્સ ધૅટ...?'
(પ્રતિક શર્મા, અમદાવાદ)

૧૮. વાવાઝોડાંના નામો સ્ત્રીઓના નામ પરથી જ કેમ હોય છે ?
- લોકો ટેવાયેલાં હોય...દુઃખ ઓછું લાગે !
(જયેશ અંતાણી, ભાવનગર)

૧૯. તમે હમણાં સાસણ-ગીર આવી ગયા... અમારૂં ગીર કેવું લાગ્યું ?
- ડિમ્પલ કાપડીયા જેવું.
(ધર્મેશ રૂપારેલીયા, ગીર ગઢડા)

૨૦. આપને 'નીલોફર'નો અનુભવ કેવો રહ્યો ?
- ટીવીમાંથી ય ધૂળ ફેંકાતી હતી.
(પરેશ અંતાણી, રાજકોટ)

૨૧. ભારતના શિક્ષકોએ અમેરિકાના શિક્ષકો પાસેથી શું શીખવું જોઇએ ?
- અમેરિકાના શિક્ષકો ઓછો પગાર લઇને વધારે પગાર ઉપર સહિ નથી કરતા.
(રોહન ભાવસાર, સુરત)

૨૨. નારી તું નારાયણી, તો પુરૂષ ?
- આવી બુધ્ધિ વગરની અનેક કહેવતો ચાલી આવે છે... શું કરવું ?
(ડો. રોહિત વેકરીયા, વલ્લભ વિદ્યાનગર)

૨૩. 'એન્કાઉન્ટર'માં કેવા સવાલોના જવાબ તમે નથી આપતા ?
- આ કોલમમાં અનેકવાર સવાલો છપાયા હોય છતાં, મોબાઈલ નંબર સાથે નામ, સરનામું પુરૂં લખે, તેમના જ સવાલો લેવામાં આવે છે.
(કુંજ પંડયા, જુનાગઢ)

૨૪. તમને નથી લાગતું, કોમેડી નાઇટ્સવાળા કપિલે તમારો અસલી કન્સૅપ્ટ ઉઠાવ્યો છે ?
- આવું વિચારવું પણ ન જોઇએ. કપિલ અત્યંત પ્રતિભાશાળી હાસ્યકાર છે.
(સંકેત બોરાડ, કરનાલ-હરિયાણા)

૨૫. સત્તા તમારા હાથમાં હોય, તો ભારતની મહિલાઓ ખૌફ વગર ફરી શકે, એ માટે શું કરો ?
- એવી ફોર્મ્યુલા તો પુરૂષ માટે ય બને એમ નથી... જ્યાં સુધી પોલીસ ખાતું સક્રીય ન થાય !
(નંદા કનૈયા, જામનગર)

૨૬. 'શાદીશૂદા' અને 'ગુમશુદા' માણસ વચ્ચે શું ફરક હોય છે ?
- 'ગુમશુદો' તો શહેનશાહ સિકંદરની લાઈફ જીવી જાય છે...
(વિદુર પંડયા, ગાંધીનગર)