Search This Blog

31/10/2018

કૂત્તા ગદ્દે પે સોયે, માનવ ચાદર કો રોયે...


કૂતરાંઓ પર આ મારો 368મો લેખ છે. કહે છે કે, કૂતરાં ઉપર મારો હાથ સારો બેસી ગયો છે. ઘરનો માણસ લખતો હોય એવું લાગે છે. એવું નથી કે, કૂતરાં મને બહુ ગમે છે કે હું એમને ધિક્કારું છું, મેં કદી કૂતરો પાળ્યો નથી. રખડતાં કૂતરાંઓને મેં કદી કાંકરીચાળો કર્યો નથી. બને ત્યાં સુધી હું બધા સાથે ડિસ્ટન્સ રાખીને ચાલું છું, એમાં કૂતરાંય આવી ગયા. આજ સુધી મારી કરિયરમાં મને ચાર વખત કૂતરાં બચકા ભરી ગયાં છે (એ હિસાબે, ચૌદ ચોકું છપ્પન થયા કે નહીં ?) અને એ ચારેમાંથી એકમાં પણ મારો વાંક કાઢી શકાય એમ નથી. હું નિર્દોષ હતો અને આ 369માં લેખમાં પણ મેં એમનું ખરાબ લખ્યું નથી, એ મારી માણસાઈ બતાવે છે, સામે સાપેક્ષભાવે,હું પણ એ લોકો પાસેથી ‘કૂતરાઇ’ ઈચ્છું, તો હું ગલત નથી.

અત્યાર સુધી હું એમના જુલ્મોસિતમ સહી લેતો હતો કે એ મને જ કરડતા હતા, ઠીક છે, એમનાં પૂર્વજન્મનાં પુણ્યો કામમાં આવ્યાં હશે, પણ હવે વાત સહનશક્તિઓની હદો પાર કરતી જાય છે. મને કરડે તો સમજ્યા કે હવે અમે બંને એકબીજાથી ટેવાઇ ગયા છીએ, પણ કૂતરા લોકો હવે તો મારા નિવાસસ્થાનમાં પણ ભાગ માગવા માંડ્યા છે. મારો એ આક્ષેપ નથી કે, હવે એ લોકો પથારીમાં મારી બાજુમાં આવીને સૂઈ જાય છે, પણ મારી પ્રોપર્ટી ઉપર એ લોકો હક્ક જમાવી બેઠા છે, એનાથી હું ધૂંધવાઇ ગયો છું. આપણે રહ્યાં મિડલક્લાસ માણસ અને માંડ માંડ લોનો લઈને એકાદું ગાડું લાવ્યા હોઇએ ને ઇચ્છીએ કે આપણે એમાં બેઠાં હોઇએ ને લોકો આપણને જુએ. અમારા ખાડિયાવાળા તો મોઢે ય બોલે કે, ‘અત્તાર સુધી સાઇકલનું પંક્ચર કરાવવાના પૈસા નો’તા ને હવે ગાડીઓમાં ફરતા થઇ ગયા. નક્કી કોઈનું કરી નાખ્યું લાગે છે.’

પણ (ગંદી ગાળ)... ઓ એમના ફાધરનું કિંગ્ડમ હોય એમ રોજ સવાર–સાંજ મારી ગાડીના છાપરા ઉપર ચઢી બેઠાં–બેઠાં નહીં, સૂતા હોય છે. આપણને એમ કે, કોણ બોલે ને કોણ રોજરોજ ઝઘડાં કરે, પણ રોજ સાંજે હું ગાડી લઈને આવું, એની એ લોકો રાહો જોતા હોય ને મારી નજર સામે ગાડી ઉપર ચઢી જાય છે. મારી પોતાની ગાડી હોવા છતાં, આજ સુધી હું કદી બે પગ લાંબા કરીને ગાડીમાં બેઠો નથી, આપણને એવી આદત જ નહીં, પણ સોસાયટીનાં કૂતરાં ગાડી ઉપર ચઢી બેસે ને આપણાથી કાંઈ બોલાય નહીં. રોજ રોજ કોણ ઝઘડાં કરે ? આ તો એક વાત થાય છે. આમ પાછો હું ફોસી, એટલે કાર ઉપર બેઠેલા કૂતરા સામે ‘હૂડ... હૂડ...’ પણ ન કરું. કરીએ તો સામું વડચકું ભરે. મેં કાળક્રમે એ પણ જોઇ લીધું કે, જેટલી મને એ લોકોની બીક લાગે છે, એટલે એમને મારી નથી લાગતી. ગયા જન્મના સંસ્કાર એ તો. રોજરોજ કોણ ઝઘડાં કરે, એટલે આપણે બોલીએ નહીં. જો કે, બોલીએ તો ય શું તોડી લેવાના છીએ ?

‘એક કામ કર...’ કૂતરાંઓથી બચવાના ઉપાયો બતાવતા મારા સો–કોલ્ડ દોસ્ત રાજિયાએ મને સલાહ આપી, ‘તારી ગાડી ઉપર બ્લૂ રંગના પાણીની એક બોટલ મૂકી રાખ. કપડા ધોવાની બે ચમચી ગળીય ચાલે. કૂતરા નહીં આવે !’

આ રાજુને કૂતરાંઓનો બહોળો અનુભવ હોય એવા ઠાઠથી મને સમજાવવા બેઠો, ‘કૂતરાં લોકોનું શું હોય છે કે, એ લોકો બ્લૂ પાણીથી બહુ બીએ.’

‘કલર બ્લૂ જ કેમ ? રેડ કે ગ્રીન કેમ નહીં ? યલો કેમ નહીં ?’ હું વૈજ્ઞાનિક ઢબે ઉત્તર ચાહતો હોવાથી વિશેષ ટિપ્પણી માંગી.

‘જો અસ્કા, તારે કૂતરાં ભગાડવાથી મતલબ છે કે એનાં સાયન્ટિફિક રિઝનોથી ? અમારી સોસાયટીની તો બધી ગાડીઓ ઉપર બ્લૂ બોટલ હોય જ. એકેય ગાડી ઉપર તમને કૂતરો જોવા નહીં મળે સાહેબ.’

એની વાત મને સાચી લાગી. મારે કામ ગાડી ઉપરથી કૂતરાં ભગાડવાનું હતું, એનાં લોજિકલ કારણોનું નહીં અને આ તો ખર્ચા વગરનો ઉપાય છે. ટ્રાય કરી જોવામાં વાંધો શું છે ? અલબત્ત, એ બ્લૂ પાણી કૂતરાં ઉપર છાંટવાનું કે પીવડાવવાનું એ પૂછવાનું હું ભૂલી ગયો હતો. જોકે, એણે તો બોટલ ગાડીના રૂફ (છાપરા) ઉપર માત્ર મૂકી રાખવાનું કીધું હતું, એટલે મારો ડર ઓછો થયો.

‘આ શું કરો છો ?’ મારા હાથમાં બ્લૂ રંગના પાણીની બોટલ જોઇને વાઈફે પૂછ્યું, ‘આજે કાંઇ જુદું પાણી ?’

અરે ! આ તો ગાડી ઉપર બેસતાં કૂતરાંઓને ભગાડવાની તરકીબ છે.’

‘ઓહ ! તમારી ગાડીની અંદર બેસતી કૂતરીઓને ભગાડવાની કોઇ તરકીબ છે ? હોય તો હું નવેનવ રંગના પાણીની બોટલો ગાડી ઉપર મૂકી આપું.’

સત્યના માર્ગે ચાલવા જતાં મહાત્મા કન્ફ્યુશિયસથી માંડીને મહાત્મા અશોકજીના માર્ગમાં જનતાએ પથ્થરો માર્યા હતા, એ મને યાદ. મારી ગાડીમાં મારી પૂજનીય સાસુ અને વહાલી સાળીઓ પણ બેસે છે, પણ આપણાથી સામો પ્રહાર તો ન થાય ને ? એમાં તો આપણાં બા ખિજાય.

ઘરમાં તો હવે કપડાં કે મને ધોવામાં વોશિંગ–પાઉડરો વપરાય છે. ગળી નહીં, એટલે બજારમાંથી બસ્સો રૂપિયાની ગળી લઈ આવ્યો. લાખ ભેગા સવા લાખ, યાર. પ્રોબ્લેમ એ હતો કે, ભારત સરકારે પ્લાસ્ટિકની બોટલો વાપરવા ઉપર મનાઇ કરી છે, એ ખોફથી બોટલને બદલે ગાડી ઉપર સ્ટીલની તપેલી મૂકવા તો ન જવાય ને ? કૂતરું એમાં મોઢું બોળે, તો રોજ ઘેર આવતા સગા સાળાનેય એ તપેલીવાળી ચા ન પીવડાવાય ! સુઉં કિયો છો ?

અહીં એક ટેક્નિકલ પ્રોબ્લેમ હતો કે, ગાડી ઉપર બોટલ પહેલી મુકાય છે કે કૂતરું પહેલું બેસે છે ? એ બેઠું હોય ત્યારે બોટલ મૂકવા જઈએ ને ભસે તો સંબંધો બગડે. આઇ મીન, એ બધો વિવેક વિનય ભૂલીને ખરાબ રીતે ભસે ને પાંચમી વખત કરડી જાય તો... એક એક ઇન્જેક્શન સાતસો રૂપિયાનું આવે છે ભઇ !

સમી સાંજનો સમય હતો. પૂર્વ દિશામાં ઠંડા પવનની લહેરો વાતી હતી. સૂરજ આથમવા આવ્યો હતો. પંખીઓ કલશોર–બલશોર બધું કરી લીધું હતું, પણ મને કુદરતની આ ત્રણે કારીગરીઓ ઉપર કોઇ રસ નહોતો. એ મારી ગાડી ઉપર બેઠું હતું, એ જ બીવડાવી મૂકે એવું દ્રશ્ય હતું. એ સાલું જરા આઘુંપાછું થાય તો આપણે કોઈ કસબ બતાવીએ.

આખરે સત્યનો સાથ તો ઈશ્વરેય આપે છે. રાતના અંધકારમાં કૂતરું કોઈ કામે બે–ચાર મિનિટ માટે આઘુંપાછું થયું (થેન્ક ગોડ, ગાડી ઉપર થાંભલા હોતા નથી !) એનો લાભ અથવા ગેરલાભ લઈને ઝડપભેર હું બોટલ મૂકી આવ્યો. આજે પહેલીવાર બીક પડોશીઓની નહીં, કૂતરાંઓની લાગતી હતી કે, મને બોટલ મૂકતો એ લોકોએ જોઈ તો નહીં લીધો હોય ને ? મન મૂકીને ઘરભેગો થઈ ગયો અને બાલ્કનીમાં ઊભા ઊભા નીચે જોવા લાગ્યો કે કૂતરું ગાડી ઉપર બેસે છે કે નહીં. આ લોકોમાં સંપ બહુ. પાર્ક કરેલી દરેક ગાડી ઉપર એક એક કૂતરાનો રાજ્યાભિષેક થયો હતો, એક ગાડી છોડીને. હું ઉપરથી બધું જોતો હતો ને એમાં કલાક ખેંચી નાંખ્યો. સાચ્ચે જ આપણે ગાડી ઉપર કોઇ બેઠું નહોતું. ‘હવે તો ગળીની ફેક્ટરીઓ નાખું. હવે આ લોકોને નહીં છોડું !’ એવાં સપનાં જોતો સૂઈ પણ ગયો. અડધી કે પોણી રાત્રે આંખ ઊઘડી જતી તો પાછો બાલ્કનીમાં જઈને જોઇ આવું કે, હવે તો બેઠું નથી ને ? નહોતું બેઠું.

બસ, વહેલી સવારે જોગિંગ કરવા જતા બાજુના ફ્લેટવાળા મસ્તુભઇ ખુશ થતાં ઘરમાં આવ્યા. આજે પહેલી વાર એ ચા સાથે લેતા આવ્યા હતા, એમની જ નહીં, મારી પણ ! ‘દાદુ, તમારા જેવા તો કોઈ પડોશી નહીં થાય. ઓ યાર, પોતાના માટે તો સહુ કરે. તમે તો બીજા માટે મરી પડો એવા નીકળ્યા, એનો મને સોલ્લિડ આનંદ છે.’

‘શું થયું ? કેમ આજે મારા ઉપર આટલા ખુશ...?’

‘થાય જ ને ? પડોશીઓ માટે પોતાનો સ્વાર્થ છોડીને બીજાનું ભલું કરનાર તમે એકલા નીકળ્યા, દાદુ !’

‘હું સમજ્યો નહીં !’

‘અરે ! પહેલાં તો હુંય તમને નહોતો સમજ્યો, પણ તમારી પોતાની ગાડી છોડીને બ્લૂ રંગના પાણીની બોટલ તમે મારી ગાડી ઉપર મૂકી, એ જોઈને મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયાં. આખી રાત મારી કાર ઉપર એક કૂતરું બેઠું નથી. તમે મૂકેલી બોટલના કારણે. જિયો દાદુ જિયો.

ભય અને ફફડાટને કારણે મારાથી સાલી આવી ભૂલ થઈ ગઈ ?’

26/10/2018

સુંદર સ્ત્રીઓને જોવી પાપ છે ?


‘હ’ હથોડાનો ‘હ’ હોય, પણ ઘરમાં અમે ‘હકી’નો ‘હ’ વાપરીએ છીએ. હકી મારી સગ્ગી વાઇફનું નામ છે. લાગે પાળેલી બિલ્લીનું નામ, પણ લક્ષણના ધોરણે બિલ્લી ફિક્કી પડે. મને ચકરવકર જોવામાં, ગુસ્સે ન હોય ત્યારે પણ ઘુર્રાટી બોલાવીને બિવડાવવામાં તેમ જ, હું ગમે તે રૂમમાં હોઉં, બિલકુલ દબાતે પગલે એવી આવે કે, મારાથી પાપનાં કોઇ કામો જ થઇ શકતાં નથી. મને ઊંઘતો ઝડપવો એનું લાઇફ–ટાઇમનું સપનું રહ્યું છે અને આવા ઝડપાઇ જવામાં હું તદ્દન ગબાભ’ઇ જેવો રહ્યો છું. સ્ત્રીઓ સુંદર હોય ત્યારે મને જોવું ગમે છે, પણ એ જોતાં પહેલાં હકી મને જોઇ લે છે, એમાં લાખો અનારકલીઓને મારે વેડફી નાંખવી પડી છે. એ ઐટલું નથી સમજતી, માણસ જુએ તો ખરો કે નહીં ? જોને મેં ક્યા જાતા હૈ ? જોયા પછી થોડા ય આગળ વધવાની એકે ય ગોરધનમાં હિમ્મત હોય કાંઈ ? એટ લીસ્ટ મારામાં તો નથી. એમાં ય, હમણાં હમણાંથી Me Tooના વાયરા ચાલ્યા છે, દસ–દસ, પંદર–પંદર વર્ષો પહેલાંના લફરા આ ‘મી–ટૂ’વાળી સ્ત્રીઓ બહાર લાવવા માંડી છે. વાઇફને અડપલું કરવામાંય હવે તો ફફડી જવાય છે. (એ વાત જુદી છે કે,  સૃષ્ટિ આટલી વિશાળ છે ને પોતાની વાઇફને અડપલું કરવામાં કોઇ ગોરધન પોતાની એનર્જી, ટાઇમ અને દોસ્તોમાં ‘રેપ્યુટેશન’ બગાડતો નથી. ‘ડોબાને વાઇફ સિવાય બીજું કાંઇ દેખાતું ય નથી !’ એવી ખોટી છાપો પડે. એ વાતે ય એટલી સાચી છે કે, હવે વાઇફોને અડતા ય બીક લાગે છે.) (પ્રિન્ટિંગ મિસ્ટેક : ‘વાઇફો’ને બદલે ‘વાઇફ’ વાંચવું.)

ઇંગ્લિશમાં એક કહેવત છે, Man by nature is a polygamist. એટલે કે, ‘પ્રકૃતિથી જ પુરુષ બહુપત્નીત્વની ભાવનાવાળો હોય છે. અલબત્ત, ભગવાન મનુએ આ વ્યવસ્થામાં પુરુષો માટે ઉંમરનો બાધ રાખ્યો નથી. છોકરું 12 વર્ષનું થાય ત્યારથી ડોહો જીવે ત્યાં સુધી આંખને ઠંડક આપવાની વ્યવસ્થા પરમેશ્વરે કરી આપી છે. અહીં તમે સ્ત્રીઓને ભારોભાર અન્યાય થતો જોઈ શકશો કે, ‘સ્ત્રી મેક્સિમમ 60ની... મેક્સિમમ 60ની થાય ત્યાં સુધી જ જોવી ગમે એવી લાગે છે, પછી એનું ‘બા સ્વરૂપ’ જોવા મળે છે, પણ કાકો 80નો થાય તો ય 25 વાળીને પેટ ભરીને જોઈ શકે છે. હાથ કે હૈયામાં કાંઈ મ્હાંય એવું નથી છતાં એને સંતોષ થાય કે, હવે ક્યાં કોઈને ભગાડી જવાની છે ! બે ઘડી આંખને ઠંડક મળે, એટલું પુણ્ય કમાયા ! હાલમાં જેનાં જેનાં નામો પબ્લિકના મોંઢે ચઢ્યાં છે, એ અનુપ જલોટા, મહેશ ભટ્ટ, આલોકનાથ કે નાના પાટેકર... બધા 60ની ઉપરના છે. આ લોકો વડીલ સ્ત્રીઓને કેટલું માન આપે છે કે, આમાંનો કોઇ 6070 વાળી ડોસીના લફરાંમાં ઝડપાયો નથી. આ બધા આવી ઉંમરલાયાક કાકીઓને ‘બા’ સમજે છે, જેથી બા ક્યારે ય ખિજાય નહીં.’

પાટેકરો કે આલોકનાથોને ‘મી ટૂ’ વાળી યુવતીઓએ લપેટમાં લીધા છે, એ બધીઓ 25 30 વાળી છે. અર્થાત્ એમની સંભવિત દીકરીઓ જેટલી કે એથ ય નાની. ક્યાં સાંભળ્યું કે કોઇ કાકો એક કાકીના પાછળ પડ્યો હતો ? સહુને પોતપોતાનો ટેસ્ટ હોય ! રાજેશ ખન્નાની એક ફિલ્મમાં તદ્દન ઘટીયા છતાં સંપૂર્ણપણે વાસ્તવિક અને સત્ય લાગે ઐવો સંવાદ હતો. વિલનને કોઈ છોકરી ઉપર દુષ્કર્મ કરતો રોકવા રાજેશ ખન્ના એને ફટકારી લીધા પછી આ અર્થપૂર્ણ સંવાદ બોલે છે, ‘લડકી અગર ‘હા’ કહે તો ઉસે છોડના નહીં... ઔર ‘ના’ કહે તો ઉસે છુના નહીં... યે હમારા ઉસુલ હૈ...’ એ વાત જુદી છે કે, લડકી ‘હા’ પાડે તો ય પરિણીત પુરુષે શું કામ પોતાના ફેમિલીની નજરમાં નીચા પડવું જોઈએ. સિવાય કે, ‘કેરેક્ટર’ નામની કોઈ ચીજ પૂરા ફેમિલીમાં હયત રહી ન હોય, પણ છોકરી ‘ના’ પાડે, છતાં રઘવાયો પુરુષ પોતાની જાત બતાડે, ઐને માટે ફાંસીની સજા ય કમ પડે. ખરી શર્ત એ નથી કે, છોકરી હા પાડે છે કે નહીં. પુરુષ કે ઐ યુવતીના ફેમિલીઓ ‘હા’ પાડે તો જાઓ, પહોંચી વળો જેટલીને પહોંચી વળાય એટલીને !

આ તો ‘મી ટૂ’ વાયરામાં હવે છોકરીઓ ખુલ્લે આમ બહાર આવવા લાગી. નહીં તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આવી ઘટનાઓ નવી નથી. મેહમૂદ અને દેવ આનંદ બે જ મોટી હસ્તીઓ હતી કે, પોતાની આત્મકથાઓમાં પણ યુવતીઓ માટેનાં શારીરિક આકર્ષણોનો ખુલ્લેઆમ... અને તે પણ આટલા ઊંચા સ્થાને પહોંચ્યા પછી, સ્વીકાર કર્યો અને ક્યાં ય પોતાની એષણાઓનો બચાવ કર્યો નથી. ગુજરાતી સાહિત્યમાં આજથી સો–સવા સો વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદની કક્ષાના વિચારક અને સાહિત્યકાર ‘સ્વ. મણિલાલ નભુભાઇ દ્વિવેદીએ’ પોતાના લંપટપણાનો લેખિતમાં એકરાર કર્યો છે. આજ સુધીના સર્વોત્તમ ગુજરાતી હાસ્યલેખક સ્વ. તારક મહેતાઓ એમની આત્મકથામાં પોતાના સ્ખલનોના એકરારો પોતાનો બચાવ કે સ્ત્રી ઉપર આક્ષેપો વગર કર્યા છે.

એવું ય નથી કે, કેવળ પુરુષો જ સ્ત્રીઓ તરફ આકર્ષાય છે. સ્ત્રીઓ પાસે એ જ એષણાઓ છે, જે પુરુષ પાસે છે. આક્રમણની રીતરસમ જુદી હોઇ શકે, પણ પુરુષ સ્ત્રી દ્વારા પોતાની ઉપરના ‘બળાત્કાર’ (!)ની જાહેર ખબર કરી શકતો નથી ને કરવા જાય તો લોકો કાં તો એને ‘બાયલો’ કહે ને કાં તો કોઈ માને નહીં.

એવું ય નથી કે, પરિણીત સ્ત્રી–પુરુષ બીજા કે બીજી કોઈ સાથે સંબંધ બાંધે, એ અનૈતિક જ હોય ! અશક્ત, મારઝૂડ કરતાં કે લફરાબાજ પુરુષની પત્ની અન્ય પુરુષના પ્રેમમાં હોય (કે, Vice versa) તો એનું જજમેન્ટ આપનારા આપણે કોણ ? જજમેન્ટની જરૂર ય શું છે ? અને એવી શક્યતા ક્યાં સુધી ટકી રહે કે, પતિ–પત્ની એકબીજાને લગ્નનાં 2535 વર્ષો પછી ય શારીરિક રીતે ગમવા જ જોઈએ ? એમનાથી વધુ આકર્ષક જગતમાં એમનાથી બાકીના બધા લાગવા માંડે, તો એનો ઉપાય શું ? ઉપાય શોધવાની જરૂરત ખરી ? પતિ હોય કે પત્ની બંને ઐકબીજાને પોતાની મિલકત સમજે છે ને ત્યાં જ ડખા ઊભા થાય છે.

આ બધામાં મજ્જા પડી ગઇ છે, મીડિયાને, પછી એ સોશિયલ–મીડિયા હોય કે ઈલેક્ટ્રોનિક્સ એટલે કે ટીવી– ન્યુઝ ચેનલો. પ્રિન્ટ મીડિયા હજી સુધી તો સંયમ જાળવીને બેઠું છે, પણ ટીવીવાળા હખણાં રહેતા નથી. એ લોકોને ય બેઠાં બેઠાં ‘હળીઓ’ કરવાની મજા પડે છે. ટીઆરપી વધારવાને બહાને કરોડોની કમાણી થાય છે. આજે જે કાંઈ બની રહ્યું છે, તે સદીઓ પહેલાં ય બનતું હતું. આવું વિરાટ અને કમાણીજન્ય મીડિયા નહોતું એટલે દેશ–વિદેશમાં કોઇ સારી ઘટનાઓ બને, એની પણ નોંધ લેવાતી. રોજ ભાજપ–કોંગ્રેસની એકબીજા માટેની ગાળાગાળી જોવા–સાંભળવાની, રોજ બળાત્કારો અને કાતિલ હિંસાના સમાચારો જોવાના, પેનલ–ચર્ચાઓમાં ઝઘડાથી વિશેષ કહેવા–કરવાનું તો કોઈની પાસે નથી...

બસ, દોષ ટીવી–દર્શકો ઉપર ઢોળાય છે કે, એમને આવા જ સમાચારો જોવા ગમે છે.

સિક્સર
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ‘રિયલ મેડ્રિડ’ ક્લબ છોડીને ઇટલીની ‘જુવેન્ટ્સ’માં જોડાયો...
કહે છે કે, આવા વર્લ્ડ ક્લાસ ખેલાડીને રિયલ–મેડ્રિડવાળા સાચવી ન શક્યા !

21/10/2018

એન્કાઉન્ટર : 21-10-2018


* હમણાંથી #MeTooનું તૂત ચાલ્યું છે... શું કરવું ?
– પાંચ–સાત વર્ષ પહેલાંય આપણાથી કોઇ લોચો વાગી ગયો નથી ને... એ તપાસી લેવું.
(ગૌરાંગ પટેલ, સુરત)

* મને ગુસ્સો બહુ આવે છે, શું કરવું ?
અરીસામાં જોવું.
(એહજાઝ દીવાન, ભાલેજ)

* પત્ની સાચો પ્રેમ ક્યારે કરે છે ?
– ખોટો ય ક્યારે કરે છે, એની જો ખબર પડતી હોય તો આની ખબર પડે.
(મહાસુખ દરજી, અમદાવાદ)

* ટીવી પરની પેનલ–ચર્ચાઓમાં એકબીજાને ભાંડવા સિવાય બીજું કાંઇ હોતું જ નથી ?
– એટલા માટે ટીવી કરતાં છાપાં સારા.
(માધવી આપ્ટે, વડોદરા)

* મારે બેંકની તગડી લોન લઇને વિદેશ ભાગી જવું છે. કોઇ ઉપાય ?
– આવું જાહેરમાં તમે પૂછી બેઠા છો, હવે ગામમાંય તમને કોઇ રૂપિયો નહીં આલે !
(એ. એમ. ચૌહાણ, ભાવનગર)

* તમને તમારું એન્કાઉન્ટર થવાની બીક નથી લાગતી ?
– હવે લાગી.
(ગુજરાતી બોય, દાહોદ)

* આ ટેસ્ટ ક્રિકેટની મેચો જોવા માંડ પચ્ચા માણસ આવે છે... શું ફાયદો ?
– ટેસ્ટ મેચોમાં મફત પ્રવેશ અપાવવો જોઇએ. સામાન્ય ક્રિકેટ શોખીનો જોઇ તો શકે.
(પ્રભાકર દેસાઇ, મુંબઇ)

* તમને કોંગ્રેસ–પ્રમુખ બનાવવામાં આવે તો ?
– હું તમને પપ્પુ લાગું છું ?
(હીરેન સોની, સાઠંબા)

* ઇ.સ. 2019ની ચૂંટણી કોણ જીતશે ?
– મોદી.
(કનૈયાલાલ પટેલ, કપડવંજ)

* મલ્ટિપ્લેક્સવાળા પોપ–કોર્ન કે સમોસામાં સોલ્લિડ લૂંટે છે. કોઇ કહેનાર નથી ?
– હવે તો બીજું કોઇ ‘પદ્માવત’ રિલીઝ થાય એની રાહ જોવી પડે.
(શ્રેયા મનન ત્રિવેદી, અમદાવાદ)

* તમને જગતની સર્વશ્રેષ્ઠ ચીજ કઇ લાગે છે ?
– ભારતનો રાષ્ટ્રધ્વજ.
(હિતેશ પરમાર, કાતોલ)

* આજના રાજકારણ વિશે શું માનો છો ?
– કોઇને ખરીદી ન શકો, તો એને વેચી નાંખો.
(જીગર પટેલ, જામનગર)

* ચાલુ પરીક્ષાએ સુપરવાઇઝરો છોકરીઓ પાસે ઊભા જ રહેતા નથી, પણ છોકરાઓની કાપલી પકડે છે.
– ‘તો શું થયું મારી તરફ જોયું નથી એણે કદી,
એવા ઘણાં છે ગામ, જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી.’
(ભાવિન ગોપાણી, સૌરભ મહેતા, નડિયાદ)

* મને આખો દિવસ મોબાઇલમાં મસ્ત રહેવાની આદત પડી ગઇ છે. શું કરૂં ?
– એમાં જે કાંઇ ચિંતા કરવાની છે, એ તમારી આજુબાજુવાળાને કરવાની છે... તમે ત્યારે, લગે રહો !
(વિજય દાભી, કાકરખાડ)

* તમારા મતે, ‘અબ કી બાર, કિસ કી સરકાર ?’
– ભાજપ... પણ, અમારો મત અમારા ઘરમાંય કોઇ સાંભળતું નથી.
(અભિષેક ભટ્ટ, સુરત)

* શું કોંગ્રેસ પ્રજાની નજરમાંથી ઊતરી રહી છે ?
– દેશ માટે પોતે શું કરવા માંગે છે, એ કહેવાને બદલે એનો કોઇ પણ નેતા–પ્રવક્તા કેવળ મોદીને ભાંડે રાખે છે. માની લો કે, મોદી હારી પણ ગયા, તો કોંગ્રેસને આપણે કંઈ આશા ઉપર વોટ આપવો ?
(ચિતરંજન વ્યાસ, સુરત)

* તમારું વાંચીને અહીં રાજસ્થાનમાં અમે સંસ્થાના કોઇ પણ પ્રોગ્રામ પહેલાં રાષ્ટ્રગીત ફરજિયાત કરાવ્યું છે...
– જે પ્રસંગે મિનિમમ 25 માણસો ભેગા થાય ત્યાં રાષ્ટ્રગીત ગવડાવવું જોઇએ.
(જયરાજસિંહ રાઠૌર, જયપુર)

* જિંદગી સુંદર ક્યારે લાગે છે ?
– સોમવારથી શનિવાર સિવાય.
(વાણી પટેલ, મેહસાણા)

* તમે સોશિયલ મીડિયાથી આટલા ખફા કેમ છો ?
– એની ઉપર કોઇ સેન્સરશિપ જ નથી. બીભત્સ સેક્સની ક્લિપો, નઠારી ગાળો અને ગમે તેવી અફવાઓ આ મીડિયામાં ચાલી જાય છે. અમદાવાદમાં કોઇકે ઉડાડી હતી કે, ‘આવતી કાલે દૂધ નથી મળવાનું’, તો સાંજ સુધીમાં પૂરા શહેરમાંથી દૂધ ગાયબ ! બધા તૂટી પડ્યા.
(નમણી વિક્રાંત છાયા, મુંબઇ)

* ભારતનું કયું રાજ્ય સૌથી વધુ દેશભક્ત છે ?
– મહારાષ્ટ્ર. સુનિલ ગાવસકરે વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ પહેલાં ભારતનું રાષ્ટ્રગીત ગવડાવવાને બદલે વગાડ્યું, સુનિલે ખૌફ જતાયો. અન્ય મરાઠી માણસો પણ બીજા કરતાં વધુ દેશપ્રેમી દેખાય છે. કમનસીબે, ગુજરાતમાં હજી એ જોશોજુનૂન પેદા નથી થયા.
(મોહના જયદેવ પરીખ, વડોદરા)

* ગુજરાતથી ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લ્યૂ અને ચિકનગુનિયા થયો ?
– એ ત્રણે ભેગા થઇને ડોક્ટરોને વળગે, એવો સવાલ ન પૂછો, ભાઇ !
(શાંતિભાઇ પરીખ, કડી)

* એકતા કેવી રીતે આવે ?
– અમારા ફ્લેટની લિફ્ટ બંધ થઇ જાય ત્યારે બધા ભેગા થઇ જાય છે.
(નિકુંજ શાહ, સુરત)

* આપણું સફાઇ અભિયાન અટકી કેમ ગયું ?
– રસ્તા ઉપર પાનની પિચકારી મારો... કોઇ પકડનાર હોય તો બતાવો.
(ગોવર્ધનદાસ મણી, દુધાલ)

19/10/2018

યાદ છે, ઘોડાગાડી


જલસા પડતા અમદાવાદની ઘોડાગાડીમાં બેસવાના ! અમદાવાદના સી.જી.રોડ જેવા ભરચક બાળપણમાં ઘોડાગાડીની બાજુમાં બેસવાનો જામો કાંઈ ઓર જ પડતો હતો. ઇંગ્લેન્ડના ઘનઘોર જંગલો વચ્ચે આવેલા શાહી બ્રિટિશ મહેલમાંથી જાદુગર જેવી લાંબી કાળી હેટ પહેરીને કાઉન્ટ ડ્રેક્યુલા એની આલિશાન ચાર ઘોડાવાળી બગીમાં ઘોડાઓને ચાબુક ફટકારતો નીકળે, એવો વટ અમારો ચડ્ડીખમીસમાં પડતો અથવા અમે એવું માનતા. ઘોડાગાડાળો એના ઘોડાને ચાબુક ફટકારે. એ જોવાની થ્રિલ ઉપડતી અને ખભો હલાવીને કહેતાં, ‘કાકા, એક ચાબુક મને ફટકારવા દોને !એ નહોતી ખબર કે ગાડીવાળો ચાબુક ફટકારે, ઐ તો નામની અવાજ કરવા પૂરતી હોય. ઘોડાને સાચેસાચ ઝૂડી નાંખવા માટે નહીં. મને તો છેક સુધી વિશ્વાસ હતો કે, ઘોડો કદી સામી ચાબુક નહીં ફટકારે. એ જોર ઉપર જોર ચડતું.

પણ ડ્રેક્યુલા બનવાના ધખારા તો એની ફિલ્મ ‘ધ હોરર ઓફ ડ્રેક્યુલા’ જોઇ, એમાં જ ઊતરી ગયા. નહોતો જોયો ત્યાં સુધી ડ્રેક્યુલો મને કોઇ મંદિરના ગાદીપતિ મહારાજ જેવો લાગતો. મહારાજો કપાળ પર તિલક કરે અને ડ્રેક્યુલા બે હોઠના ખૂણામાંથી લોહીના રેગાડા કાઢે. જોયા પછી ખબર પડી કે, એ કાંઇ સારો માણસ નહોતો. વચલા બે દાંતને બાદ કરીને સાઇડના બે મોટા રાક્ષસી દાંત વડે હાળો બચકાં ભરી લેતો અને ગળા ઉપર બે કાણાં પાડીને મહીંથી લોહીઓ પીતો, પણ ડ્રેક્યુલાના કાણાંમાંથી લોહી નીકળે, ગુજરાતી વાઇફોના ગોરધનોના કપાળમાંથી નીકળે. કોઈના લોહીઓ પીવા નહીં, ડ્રેક્યુલા જેવી શાનદાર ઘોડાવાળી બગી ચલાવવા મળે, એ ડ્રીમ રહેતું, પણ એની અસલિયત જાણ્યા પછી ડ્રેક્યુલા બનવાનાં સપનાં ત્યાં જ પડતાં મૂકીને ઘોડાગાડીવાળા બનવાનાં સપનાં શરૂ કર્યાં. ક તો કોઈ સરસેનાપતિ નગરની લટાર મારવા નીકળ્યા હોય, એવો ગર્વ થાય અને ઘોડાને ચાબુક મારવા મળે. એનો સટાક કરતો અવાજ અમારું સંગીત હતું. સ્કૂલે ઘોડે ચઢીને, આઇ મીન સાઇકલ પર ચઢીને જવાના એ ઉંમરમાંય અમારા વિચારો રજવાડી હતા. ભલે ચલાવતા સાયકલ, પણ મારા વિચારો શાહી હતા. ઘોડાગાડી તો ડ્રેક્યુલાવાળી જ ! આજે ય દુનિયાભરનો એકેય ગુજરાતી એની સાઇકલને ‘સાઇકલ’ નહીં, ‘ગાડી’ કહે છે. સ્કૂલનો પટાવાળોય સાઇકલ પર આવે, માસ્તરો ય સાઇકલ પર આવે ને અમે... તો પછી ફરક શું ? ફાધરને ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધેલું કે, ‘મને અપાવવી હોય તો ઘોડાગાડી અપાવો, સાઇકલ–ફાઇકલ નહીં !

ચાબુક જેવો અવાજ મધરને સંભળાયેલો, ફાધરે અમને એક સટ્ટાક કરતી ચોડી દીધેલી એનો, પણ એમાં વાંક ફાધરનો હતો. એ એવું સમજેલા કે, ભણીગણીને હું ઘોડાગાડીવાળો બનવા માંગું છું. ‘લાલ દરવાજા બે રૂપિયા, મણિનગર ચાર રૂપિયા’ની બૂમો પાડીને સવારી બોલાવતો ગાડીવાન ! હકીકતમાં ફાધર સમજી શકેલા નહીં કે, ‘અમે તો ચાર ઘોડાવાળી શાહી બગી લેવા માંગીએ છીએ, ચાર પંક્ચરવાળી સાઇકલ નહીં !’

ઘોડાગાડીનો આકાર કોરી નદીના કિનારે કોક ગરીબની ઝૂંપડી જેવો લાગે, પણ શહેરના રસ્તાઓ ઉપર આવી ગયા પછી દુબઇની સડકો પર કોઈ માલેતુજાર આરબશાહી ‘બુગાટી’ લઇને નીકળ્યો હોય એવો જામો પડે. એટલિસ્ટ, રસ્તે પસાર થતી જોવામાં !

અલબત્ત, ઘોડાગાડીઓ આખા ગુજરાતમાં હતી, પણ અમદાવાદની ઘોડાગાડીની તોલે એકે ય ન આવે. અમદાવાદવાળીની વિશિષ્ટતા એની મનલુભાવન ડિઝાઇનમાં હતી. ઝવેરી પાસે વીંટી ખરીદો એમાં કેવું રૂપકડું બોક્સ આવે ! એવા બોક્સથી બનેલી ગાડી. (ઘણી વાર તો વીંટી કરતાં બોક્સ વધારે સારું લાગતું, પણ એ આંગળીમાં પહેરાય નહીં, એટલે વીંટીથી ચલાવી લેતા.) ચારે બાજુએ બારીઓ જ બારીઓ ને છેલ્લે થોડી જગ્યા વધતી હોય, ત્યાં ઘોડાગાડીનો દરવાજો, પણ બેઠાં પછી ચારે બાજુથી બંધ, લંડનથી વાઇસરોય બેસવા આવ્યા હોય, એમ ઘોડાગાડીવાળો નીચે ઊતરીને ગાડીની પાછળનો દરવાજો બે–ચાર મુઠ્ઠી પછાડીને બંધ કરી જાય, સ્ટોપર મારી આપે, ગ્રાહકના આદર–સત્કાર માટે નહીં, પેસેન્જરો ગબડી ન પડે એ માટે. કારણ એ બોક્સ જેવી ગાડી આગળથી ઊંચી અને પાછળથી નમેલી રહેતી. દરવાજો ખુલ્લો રહી ગયો હોય તો પાછળવાળા પેસેન્જરો ક્યારે અને ક્યાં ગબડી પડ્યા એની ઘોડાને કે ગાડીવાળાને ખબર ન પડે. એ હિસાબે દરવાજો ટાઇટ બંધ થતો. પાછળ દરવાજા પાસે બેઠેલા બે પેસેન્જરો એમના ફાધરની હોટેલના સોફા પર બેઠા હોય એવા ઠાઠથી બેસતાં, પણ એની સામેવાળા ‘હમણાં એમની ઉપર પડશે,’ એવા ઝૂકેલા અને ભયના માર્યા બેઠાં હતા.

એ વખતે શહેર અમદાવાદમાં ગાડી (કાર)ની સખ્યા નામ પૂરતી હતી. રિક્ષામાં ફક્ત બે જ પેસેન્જર લેવાની છૂટ હતી. ટેક્સીઓ અમદાવાદનું કામ નહીં. બહુ બહુ તો એરપોર્ટ જવા માટે વપરાય. એ ય ભદ્રકાળીના મંદિર સામે માંડ ત્રણ–ચાર ઊભી હોય. વખાના માર્યા આપણે ટેક્સી ભાડે કરવા જઇએ, તો ટેક્સી ખરીદવા આવ્યા હોઇશું, એવો પેલો રાજી થાય ને લેવાદેવા વગરનું હિન્દી બોલે, ‘આઓ સા’બ... જાના કહાં હૈ ?’ એને ય ખબર હોયકે એરપોર્ટના પેસેન્જર છે, એટલે ‘ચીરીને’ ભાડું માંગે. એ વખતની બેન્કોમાં ટેક્સીભાડું ચૂકવવા લોન મળતી નહીં. ઘરઘરની પસંદ કેવળ લાલ બસ હતી. જેને આજે એ.એમ.ટી.એસ. કહે છે. એક આનો (છ પૈસા) ટિકિટ ને તોય નહોતી પોસાતી, બોલો ! આ બાજુ આપણે પેટ્રોલના ભાવવધારાની રાડું નાખીએ છીએ.

ઘોડાગાડી મોંઘી બહુ પડતી, કારણ કે એમાં ચાર પ્લસ વન સવારી આવે. નાના છોકરાને ગાડીવાનની બાજુમાં બેસાડી દેવાનો. મહીં કેટલા પેસેન્જરો લેવાના છે, એનો માપદંડ ઘોડો ઊંચો થઈને લટકી પડે છે કે નહીં, એ હતો. ઘોડો ભડકે નહીં, એટલે એની બંને આંખો ઢંકાય, એવાં ચામડાના ચશ્માં પહેરાવતાં. લોકો એમ માનતા કે, આજુબાજુએ ટ્રાફિક જોઇને એ ભડકે નહીં માટે પહેરાવતા હશે. વાસ્તવમાં, ઘોડોય આખરે પુરુષ છે. ચાલુ સવારીએ એની નજર ‘હખણી’ રહે, એ માટેના ‘ચશ્માં’ હતાં.

મારા જામનગરની જેમ, કાઠિયાવાડની ઘોડાગાડીઓ તદ્દન જુદી. આખી ખુલ્લી અને વચમાં પાર્ટિશન. (ફિલ્મ ‘શોલે’માં બસંતીની ઘોડાગાડી જેવી)  પણ એમાં ઘોડાની તબિયત બરાબર ન રહેતી હોય કે પાછળ બેઠેલા વધારે પડતાં તંદુરસ્ત હોય, એ લોકોના બેસતાની સાથે ઘોડો ચારે પગે હવામાં અધ્ધર જતાં કોમિક દ્રશ્યો રોજના હતાં. ઘોડાને ધરતી પર પાછો લાવવા માટે ગાડીવાળો આગળ જઇને વાંસડા ઉપર કૂદકો મારીને લટકે, ત્યારે વજન બેલેન્સ થાય. જન્નત ધરતી પર ઊતરી આવ્યા પછી ગાડીવાળો ખિજાય, ઘોડા ઉપર નહીં, પેસેન્જરો ઉપર. ‘આવડાં મોટાં પેટો બનાઇવાં છે ? થોડી ઘોડાનીય દયા ખાતા હો તો !’

આજે આવિ શાહી સવારીઓને પચાસ વર્ષ થઇ ગયાં. એટલિસ્ટ, શહેરમાં તો કકોઇ દેખાતી નથી. જે દેખાય છે તે વયોવૃદ્ધ અને નિવૃત્ત ઘોડાઓ ગાર્ડનના બાંકડે બેઠેલા. એમની વાડી ઘેર પડી છે, જે એમનાં શાહી સંતાનો અને શાહી વહુઓ વાપરે છે, પણ અસલી શહેનશાહોને તો લાકડીના ટેકે ટેકે ઠબૂક ઠબૂક ગાર્ડનના બાંકડે આવીને બીજા અશક્ત ઘોડોઓ સાથે આખરી સવારની રાહો જોવાની છે.

સિક્સર
ઇલેક્ટ્રિનિક્સની કોઇ પણ ચીજ ખરીદો – ટીવી, મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ ! લઇ લીધાં પછીની ૧૫ મિનિટમાં જ માર્કેટમાં તદ્દન નવું મોડેલ આવી જાય છે ને ખરીદીનો પસ્તાવો થાય છે.
આવા પસ્તાવા તાજેતાજી કન્ય (કે વર) પસંદ કરી લીધા પછી ય થાય છે !

14/10/2018

એન્કાઉન્ટર


* ગુજરાતીઓ માટે ઇન્ડિયન ક્રિકેટની હાર–જીત એટલે શું?
– ચાર શબ્દો કાયમ વપરાય ‘હું તો પહેલેથી કહેતો’તો!’
(પૂનમ દવે, જામનગર)

* સુપ્રીમ કોર્ટે કેવો ચુકાદો આપ્યો ? વ્યભિચાર ગુનો નથી !
– શાંતિ રાખો. આની પહેલાં હોમોસેક્સ્યુઆલિટી અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો. હવે વ્યભિચાર માટે... એક જમાનો આવશે કે, પુરુષો પોતાની ઉપર બળાત્કાર થાય તો ફરિયાદ નહીં કરી શકે !
(જગતનારાયણ મહેતા, સુરત)

* આમ તો હું 53નો છું, પણ મારે વધુ યુવાન દેખાવું છે, તો શું કરું ?
– હરવા–ફરવાનું 70 પ્લસના કાકો સાથે રાખો.
(વિનયચંદ્ર વોરા, મુંબઇ)

* આ વર્ષે ગુજરાત વરસાદ વિહોણું રહ્યું...!
– શિયાળામાં નિરાંત ! સ્વેટરો કે શોલ કાઢવી નહીં પડે.
(વિભૂતિ શાહ, અમદાવાદ)

* ઘરમાં કાચના ટુકડા વેરાય ને વાગી જાય... એનાથી બચવાનો કોઇ ઉપાય ?
– કાચના ટુકડાઓને બેન્ડ–એઇડથી સાંધવા બેસી જાઓ.
(હિરેન પ્રમુખ પટેલ, અમદાવાદ)

* મારે અમેરિકા જવું છે... શું કરવાનું ?
– જવાનું.
(પ્રયાગી ચંદ્રચુડકર, વડોદરા)

* અમે ત્રણ દોસ્તો એક જ છોકરીના પ્રેમમાં છીએ. શું થશે ?
– બે બચી જવાના.
(સઘુરામ સાવલિયા, અમરેલી)

* ઘણાં લોકો પોતે જ સવાલ પૂછી પોતે જ જવાબ આપે છે... એને શું કહેવાય ?
– ચલો, બીજો સવાલ...!
(નિકુલ મુકુંદ પાઠક, જામનગર)

* અમદાવાદમાં લારીગલ્લા હટાવવાનો અને પાર્કિંગ સીધું કરવાનાં ઝનૂનો ક્યાં ગયાં ?
– બસ. હવે સી. જી. રોડ પર ટ્રેક્ટરો, ટ્રેઇલરો અને ટ્રેનના ડબ્બાઓ પાર્ક કરવા દેવાની માંગ ઊઠી છે.
(કૌશલ પંકજ વ્યાસ, અમદાવાદ)

* ઘણા લોકોને ડુંગળી છોલતા આંખમાંથી પાણી નીકળે છે... કોઇ ઉપાય ?
– કોઇની સાથે લાગણીના આટલા ઊંડા સંબંધો રખાય જ નહીં !
(હેતલ જાની, અમદાવાદ)

*  પાકિસ્તાન સાથે વોર ક્યારે ?
– રાહુલને દુ:ખ થાય એવા સવાલો ન પૂછો.
(વિવક્ષા જરીવાલા, સુરત)

* મચ્છરો ‘ગુનગુનગુનગુન...જ’ કેમ  કરતાં હોય છે ?
– એ લોકો એટલું જ ભણ્યા હોય છે !
(વૈભવ ભુપેન્દ્ર દવે, ભાવનગર)

* તમને કયા પ્રતિષ્ઠિત એવોર્ડની પ્રતીક્ષા છે ?
– એકેય નહીં... એટલા માટે કે, મને ‘ભારત રત્ન’ પણ મળે, તો એ પછીના લેખોમાં મારૂં સાહિત્ય સુધરી જવાનું નથી.
(ક્રિષા પંકજ દવે, સુરેન્દ્રનગર)

* કમ્પ્યુટર–મોબાઇલમાં ‘ઓટો–કરેક્ટ’ની સગવડ હોય છે... આવી સગવડ વાઇફોમાં ન મૂકાવી શકાય ?
– એના માટે હિંમત જોઇએ... પણ મોબાઇલ આપણા માથે ફટકારવાથી બધું ‘ઓટો કરેક્ટ’ થઇ જશે.
(વિનુભાઇ કડોદરા, નડિયાદ)

* કોઇ શોપિંગ મોલમાં જૂની પ્રેમિકા મળી જાય તો શું કરવું ?
– એનું શોપિંગ બિલ આપણા હાથમાં પકડાવી ન દે, એનું ધ્યાન રાખવું.
(અનવરઅલી ફતેહઅલી નાસગર, વડોદરા)

* શું 40– પછી સ્ત્રી પ્રેગનન્ટ થઇ ન શકે ?
– 40– બાળકોની મા થઇ ગયા પછી આ અપેક્ષા વધુ પડતી કહેવાય.
(કીર્તનલાલ મથુરાવાલા, સુરત)

* અમદાવાદના બી.આર.ટી.એસ.ના કોરિડોરમાં હજી લારી–ગલ્લા કેમ મુકાયા નથી ?
– અત્યારે રેલવેના પાટા માટે વાટાઘાટો ચાલે છે.
(આનંદ પટેલ, અમદાવાદ)

* અમારી પાળેલી બિલાડી આખું ડાઇનિંગ–ટેબલ કૂદી જાય છે... ચમત્કાર કહેવાય ને ?
– ચમત્કાર તો તમારું ડાઇનિંગ–ટેબલ બિલાડી ઉપરથી કૂદી જાય, તો કહેવાય.
(લાવણ્યા અનુભાઇ શાહ, વડોદરા)

* સૌજન્ય (ડીસન્સી) એટલે શું ?
– માથાના વાળ ઊભા થઇ જાય એવી હોરર–સ્ટોરી કોઇ ટાલિયાને ન કહો, એ !
(પલક પંકજ સોની, અમદાવાદ)

* હવે તો મોબાઇલમાં ‘કોન્ફરન્સ–કોલ’ની કેવી સુંદર સગવડ છે ! એકી વખતે અનેક સાથે વાત કરી શકો...
– એ ‘અનેક જણા’ દર દસમી સેકન્ડે ‘બાય’ બોલતા હોય છે... કોઇ સાંભળતું હોય તો !
(હિતેશ દવે, ધ્રાંગધ્રા)

* મારી વાઇફ મને છોડીને જતી રહી છે... બહુ દુ:ખ થાય છે. શું કરવું ?
– અમારે જતી નથી.
(પીયૂષ ધાણેધા, નડિયાદ)

* અમારા વિસ્તારમાં કૂતરાંઓ બહુ પાછળ પડે છે... કોઇ ઉપાય ?
– કોઇનામાં આટલા ઊંડા ઊતરીએ જ નહીં... ઊતરો ત્યારે આવું થાય છે ને ?
(જ્વલંત જે. સોની, અમદાવાદ)

* મલ્ટિપ્લેક્સ થિયેટરના પોપકોર્ન ખરીદવા બહુ મોંઘા પડે છે...
– બેન્કો લોન આપે એવી વિચારણા ચાલી રહી છે.
(આદિત્ય એ. ઓઝા, અમદાવાદ)

* શું તમે ઘેર યોગ કે કસરતો કરો છો ? અમારે કરવાં હોય તો શું સલાહ છે ?
– યોગનાં બે સેશનો વચ્ચે થોડો ગેપ જરૂર રાખવો... હું 3–4 મહિનાનો રાખું છું.
(પાર્થિવ પરીખ, અમદાવાદ)

* સાંભળ્યું છે કે, રોજ દસ ગ્લાસ પાણી પીઓ, તો 20 વર્ષ વધુ જીવો...
–મને 112 તો થયા.
(શ્યામજી ડી. પરમાર, કલોલ)