Search This Blog

28/11/2012

મને કૂતરૂં કઈડ્યું

‘‘ક્યાં કઇડ્યું ?’’ જેને જેને ખબર પડી કે મને કૂતરૂં કરડ્યું છે, એ બધાને પહેલો સવાલ.

આવું એ વેદનાથી નહિ, રાજી રાજી થઈને પૂછે. સ્વાભાવિક છે કે, હું કોઈ કૂતરાને બચ્ચીઓ ભરવા તો ન ગયો હોઉં, એટલે ગાલે તો નહિ કરડ્યું હોય ! બીજું, માનવ શરીરનો જે ભાગ એમને નજીક પડે, ત્યાં જ કરડે ત્યારે જે ભાગ એના મ્હોમાં પહેલો આવે, એ કરડી લે છે. આ જ કારણે સાડા ચાર ફૂટીયા લોકોની આપણને ચિંતાઓ થતી હોય છે. હું લાંબો છું, એટલે બહુ હસવું આવે, એવી કોઈ જગ્યા ઉપર કરડ્યું નહોતું. ઢીચણની નીચે ક્યાંક કરડ્યું હતું.

‘‘દાદુ...શું વાત છે... હવે તો ૧૪ ઇન્જેક્શનો લેવા પડશે...!’’ આ ૧૪ ઇન્જેક્શનો કૂતરાંને લેવાના હોય, એવી મજાકથી બહુ મોટી સિક્સર મારી હોય એમ પાછા મારી પાસે જ તાળી માંગીને પૂછે, ‘‘દાદુ...કૂતરું હજી જીવે છે... ?’’ આપણો જીવ જતો હોય ને એમને મજાકો સૂઝે એટલે ફરી પાછો ગોઝારો સવાલ પૂછે, ‘‘...તે તમે... કૂતરા પાસે શું કરવા ગયા’તા... ?’’

છેલ્લો સવાલ વઘુ પડતો નફ્‌ફટ હોય, ‘‘દાદુ.. એ કૂતરો હતો કે કૂતરી ?’’ કેમ જાણે ગામ આખાના કૂતરાઓ સાથે મારે ઘર જેવા કે થાંભલા જેવા સંબંધો હોય ને હું અવારનવાર એ લોકોની મુલાકાતો લેતો ન હોઉં ?

વિશ્વમાં બહુ ઓછા પ્રાણીઓની ત્રણ- ત્રણ જાતિઓ મળી છે. કૂતરો એમાંનો એક. કૂતરો, કૂતરી અને કૂતરું. સામે ઊભું ઊભું ધુરકીયા કરે છે એ કૂતરો છે કે કૂતરી, એ નક્કી કરી શકતા ન હોવાથી ‘કૂતરૂં’ કહી દઈએ છીએ. આપણે વાંકા વળીને કૂતરાની જાતિ જોઈ લેવાની હિંમતો કરી શકતા નથી. કોઈનામાં બહુ ઊંડા ઉતરવાની પાછી આપણને ટેવો નહિ, એટલે વિવાદોમાં પડવા કરતા, ‘કૂતરો’ ય નહિ ને ‘કૂતરી’ ય નહિ... બેની વચ્ચેનું ‘કૂતરૂં’ ગણી લઈને આત્મસંતોષ માનીએ છીએ. આપણે એ બઘું જાણવાની જરૂરે ય શી છે, એ પાછો બીજો મુદ્દો.

હાથીઓ માટે હાથો, હાથી અને હાથું અથવા ગેંડો, ગેંડી અને ગેંડુ નથી બોલાતું.... જો કે, માણસોમાં ત્રણ પ્રકારો પડયા છે ખરા !

કૂતરૂં મને કરડ્યું એ મને જરા ય ગમ્યું નથી. મારી સાથે કોઈ ખોટી મસ્તી કરી જાય, એ મને સહેજ પણ ગમતું નથી. આ તે કોઈ માણસ હતું કે, ‘કાંઈ ન બગાડ્યું હોય તો ય સામે આવીને ભસે કે કરડે ? એનામાંથી જરા પણ માણસાઈ... આઇ મીન ‘કૂતરાઈ’ નહોતી. મારી નવી નક્કોર ગાડી ઉપર રોજ રાત્રે એ ઉંઘે છે અને આ મોટો ગોબો પાડે છે. રોજ સવારે મારે ગાડીની અંદર જઈને ઉંધા મુક્કા મારીને ગોબો ઉપાડવાનો. પણ બીજે દિવસે ય બાપાનો માલ હોય એમ ગાડી ઉપર ચઢી બેસે છે... ને તો ય, આપણને એમ કે કોણ બોલે ! અમારા નારણપુરા ચારરસ્તા પરની તમામ ગાડીઓ તમને ગોબાવાળી જોવા મળશે. અમે નથી વાપરતા એટલી ગાડીઓ કૂતરાઓ વાપરે છે... સાલું, વાપરવાના થાંભલા ને શોખ રાજા મહારાજાઓના... રાખવાના? કોઈ પંખો ચાલુ કરો...!’

અમારૂં નારણપુરૂં ચાર રસ્તું ૨૪ કલાક કૂતરાઓથી ધમધમે છે. રોજ એકાદાનો ભોગ લેવાય. કૂતરાં પકડવાની ગાડીવાળા કોક કોક વખત આવે ખરા, પણ પણ પકડતી વખતે એ લોકો કૂતરા કરતા મોટા અવાજો કાઢે છે, એમાં કૂતરા બી જાય છે ને ભાગી જાય છે. વળી, ઘણાના ધર્મમાં કૂતરાને રોટલી ખવડાવવાનો આદેશ હોય છે. રોજ સાંજે એ ગૃહિણીઓ કૂતરા શોધવા નીકળે.. ન મળે તો અનાજનો બગાડ ન થાય એ માટે રોટલી ઘેર પાછી લાવીને એમના ગોરધનને ખવડાઈ દે છે. આ ગૃહિણીઓ સ્માર્ટ છે. ઘરઆંગણે કૂતરા નહિ જમાડવાના... ચાર પાંચ સોસાયટી દૂર જઈને પાર્ટી આપવાની, જેથી કાલે ઉઠીને કૂતરી વિયાય- બિયાય, તો આપણે માથાકૂટ નહિ ! આપણું આંગણું ચોખ્ખું રહે !

પહેલા ઇન્જેક્શન વખતે ડોક્ટરે મને એ સૂચના આપી હતી કે, કૂતરું કેટલા દિવસ જીવે છે, એ જોતાં રહેજો. તમને કરડ્યા પછી મિનિમમ એ ત્રણ દિવસ જીવતું રહેવું જોઈએ. મરી જાય તો એ હડકાયું કૂતરું હોય... એ કેસમાં તમારો જાન પણ જોખમમાં કહેવાય ! જીવી જશે તો ફક્ત ત્રણ ઇન્જેક્શનો લેવાના અને મરી જાય તો સાત તો ખરા ! મારી સમજ મુજબ મુંગા પશુઓ ઉપર આ અત્યાચાર છે. કાલ ઉઠીને હું ત્રણ દિવસમાં અરિહંતશરણ થઈ જઉં, તો આજે કૂતરાનું કોણ ?...આ તો એક વાત થાય છે !

આમ તો મારાથી ફેમિલી- સિક્રેટ બહાર ન પડાય, પણ મારા ફેમિલીવાળા મારા બદલે કૂતરાના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરતા હતા. વાઇફે કેટલીય તો બાધા-આખડીઓ માની. મારી નજર ઉતારી, એ મને ન ગમ્યું. સાલા કૂતરાઓ પણ મારી ઉપર નજર બગાડે, એટલો હેન્ડસમ તો હું નથી !

‘‘કયો ગધેડો મારા ફાધરને કરડ્યો છે ?... આજે જ ઝેર નાખેલી ફૂલવડી ખવડાવી દઉં... !’’ એવા ગુસ્સાથી પુત્ર લાલપીળો થતો હતો. એની વાઇફે ઘ્યાન દોર્યું કે, ‘‘પપ્પાને ગધેડો નહિ, કૂતરો કરડ્યો છે... બીજું, કૂતરાઓ ફૂલવડી ન ખાય !... અને હા, કૂતરાને મારી નાંખવાનો નથી... જીવાડવાનો છે...’’

‘‘અરે હું પપ્પાની વાત કરું છું...!’’

એ તો પછી બધા ચોંક્યા કે, આપણે કયા કૂતરાને જીવાડવાનો છે, એ તો ખબર જ નથી ! મારો સંપર્ક કરવામાં આવ્યો. હું ઉંધો પડીને પથારીમાં દર્દનો માર્યો ‘ઊંહા- ઊંહા’ કરતો હોઉં, એમાં કેવી રીતે ફ્‌લેટે- ફ્‌લેટે કે ગલીએ- ગલીએ કૂતરો બતાવવા નીકળી શકું ? વળી, આપણને કરડેલા કૂતરાના મોઢા કંઈ થોડા યાદ હોય ?

તમને તો ખબર છે, કૂતરાઓમાં સંસ્કાર- બંસ્કાર જેવું હોતું નથી. એટલે કોને કરડવું અને કોને નહિ, એનું એમને ભાન પડતું નથી... માટે મને કરડ્યું. નહિ તો, અનેક લોકો મારી નજરમાં છે કે, આવતા જન્મે જો મને કૂતરાનો અવતાર મળે, તો વીણીવીણીને એ લોકોને બચકાં ભરી લેવા છે. એ વાત જુદી છે કે, કેટલાક વિદ્વાનો એવું માને છે કે, મારા કેસમાં નવો અવતાર લેવાની જરૂર જ નથી... ! (સવાલ : .....? જવાબ પૂરો !)

‘‘પપ્પા, તમે એક આંટો મારી જાઓ અને પેલા હરામી કૂતરાને શોધવમાં મદદ કરો.’’ પુત્રએ ઘણી લાગણીથી એનું અભિયાન ચલાવ્યું હતું. એમાં એ નિષ્ફળ જઈ રહ્યો હતો. જોઈતો કૂતરો મળતો નહતો અને મળે તો એ કૂતરો જોઈએ છે કે નહિ, એનો નિર્ણય લઈ શકાતો નહતો. આજે દોઢમો દિવસ તો થઈ ગયો હતો. બાકીના દોઢમાં કોઈ કૂતરો ઢબી જાય તો હડકવાની રસીઓ મારી ચાલુ થઈ જાય ! ઘરમાં ટેન્શન કેવું થઈ જાય ? વાઇફે તો કીઘું ય ખરું કે, ‘ઘરમાં કોઈ હડકવાને કારણે મરે, તો કેવા અપશુકન થાય ?’

ગુસ્સાથી ઘુંઆફૂંઆ થયેલો મારો દીકરો કચ્ચીકચ્ચીને પોતાની મુઠ્ઠીઓ મસળતો હતો. ‘‘ચંદા કો ઢુંઢને સભી, તારે નીકલ પડે, ગલીયો મેં વો નસીબ કે મારે નીકલ પડે... હોઓઓ...’’ એમ મારા પુત્ર, એની પત્ની અને એમના બાળકો આખો દિવસ કૂતરો શોધવા નીકળી પડતા. પત્ની ‘ઘરનો’ સંભાળતી હતી...! મારા પલંગ પાસે એ એ જ રીતે દૂધનો વાટકો અને ખાખરો મૂકતી હતી. એ ભોળીને ય ચિંતા તો થાય ને કે, ત્રણ દિવસમાં કૂતરો મરી ગયો તો ડોહાનું શું કરવું ?

‘‘બેટા, તમે લોકોએ કોઈ કૂતરો મરેલો જોયો ખરો ?’’ પ્રભુ શ્રી રામ લક્ષ્મણ પાસે હરણ વિશે બાતમી પૂછી રહ્યા હોય, એવા નિર્મળ ભાવથી મેં પુત્રને પૂછ્‌યું.

‘‘એમ તો રોજના બે મરે છે...પણ આપણાવાળો કયો છે, એની કેમ ખબર પડે ?’’

વાઇફનો એવો ભાવ નહિ હોય પણ રોજના બે જ મરવાનો આંકડો સાંભળ્યા પછી મૃતકોની સંખ્યાથી એ નારાજ હોય, એવું જણાતું હતું.

‘‘એમ કાંઈ કૂતરા ન મળે...! અસ્સોકભા’ય, તમારા ઘરની નીચે નારણપુરાના કૂતરા ભેગા કરો... ખાવાપીવાનું રાખશો, એટલે બઘ્ધા ય ધોડ્યા આવશે... બસ, એમાંથી તમારો કૂતરો ગોતી લેવાનો !’’ એક વડીલે સલાહ આપી. વાત સાચી હતી આમ ગલીએ ગલીએ કૂતરા શોધવા નીકળીએ, એ સારૂં ય ન લાગે ને જ્ઞાતિમાં છાપ ખરાબ પડે. આમાં તો કૂતરાં જ આપણા આંગણે સામેથી આવે, એમાંથી આપણાવાળો શોધી લેવાનું ખાસ કાંઈ અઘરૂં ન પડે.

બધા આવ્યા. કહે છે કે, આમંત્રણ આપનારનો ભાવ શુદ્ધ હોય તો કોઈ ના નથી પાડતું. એમના માટે વાઇફે ખાસ વડાં, દૂધપાક ને એવું કાંઈ બનાવ્યું (ઘરના અમે સહુ મૂછમાં હસતા હતા કે, આજે કૂતરા મરવાના થયા છે...!)

....ને અચાનક મેં તોતિંગ રાડ પાડી...! આપણે તો મેહમાનોની સરભરામાં હોઈએ એટલે ઘ્યાન રહ્યું નહિ ને એ જ કૂતરૂં મને કરડી ગયું... આ વખતે, હસવું આવે એવી જગ્યા ઉપર... પાછળ !

એ મને શોધતું હતું...!

સિક્સર

- હવે કોઈ ફૅમિલી સાથે તમારે બહુ બનતું ન હોય ને દાઝો કાઢવાની હોય તો, લોકો પોતાના ખર્ચે શાહરૂખખાનની ફિલ્મ ‘જબ તક હૈ જાન’ની ટિકિટો મોકલાવે છે... કહે છે કે, એમાં રહ્યા સહ્યા સંબંધો ય તૂટી જાય છે !

25/11/2012

ઍનકાઉન્ટર - 25-11-2012

1 સ્ત્રીને ગૃહલક્ષ્મી કહે છે, તો પુરૂષને ?
- એને અંબાણી કહો કે ઘૂળજી, હાલત એની એ જ રહે છે.
(ઓમકાર જોષી, ગોધરા)

2 યુપીએ સરકારનું જહાજ કોણ ડૂબાડશે ? રાહુલ, વાડ્રા, સલમાન, દિગ્વિજય
- સ્ટોપ ઈટ. કેટલા નામ લખશો ?
‘બર્બાદ ગુલિસ્તાં કરને કો, બસ એક હી ઉલ્લુ કાફી હૈ,
હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈં, અંજામે ગુલિસ્તા ક્યા હોગા ?’
(ડૉ. વી. પી. કાચા, અમદાવાદ)

3 તમને ઊંઘમાં બોલવાની બીમારી ખરી ?
- છે તો નહિ, પણ થઈ જાય તો સારૂં. માણસને ઘરમાં ક્યારેક બોલવાની છૂટ તો મળવી જોઈએ કે નહિ ?
(રક્ષા ઉપાઘ્યાય, અમદાવાદ)

4 તમારૂં ફેવરિટ મૂવી અને ગીત ક્યું ?
- નાગેશ કુકુનૂરનું ‘ડોર’ અને ગીત તો બદલાતું રહે. હમણાંની ફિલ્મ ‘વીકી ડૉનર’નું સુકન્યા પુરકાયસ્થે ગાયેલું ‘પાણી દા, રંગ વેખ કે...’ ખૂબ્બ ગમ્યું છે.
(સ્નેહ ભાવસાર, અમદાવાદ)

5 ‘લાખ રૂપિયાની ‘નેનો’ કે સવા કરોડની BMW, બન્નેમાં પેટ્રોલ રૂ. ૮૦/-એ લિટર જ...?’
- આમાં વાઈફો જેવું હોય છે. ઘરમાં ફિટ કરાવેલી વાઈફ કૅટરિના કૈફ જેવી લાગતી હોય કે કચ્ચરઘાણ લાગતી હોય... લોહી સરખું જ પીએ !
(ડૉ. કમલેશ મોઢા, મુંબઈ)

6 આપણી પાર્લામેન્ટમાં જ્ઞાતિ-જાતિ કે સ્ત્રી-પુરૂષ જેવી અનામતો રાખવાને બદલે બુદ્ધિ, શિક્ષણ, કલ્ચર કે પોલીસખાતામાં સ્વચ્છ રૅકોર્ડ જોઈને સીટો રખાતી હોય તો ?
- આ બધી કચરાપટ્ટી અનાથાલય ચલાવવાના ય કામમાં ન આવે.. દેશ તો બહુ દૂરની વાત છે ! (બીજા કોઈ ‘મોઢવાડિયા’ને ઓળખતા હો તો પૂછી જુઓ !)
(કરસન મોઢવાડિયા, પોરબંદર)

7 મુસલમાનોને સૌથી વઘુ નુકસાન કોંગ્રેસે અને હિંદુઓને ભાજપે પહોંચાડ્યું છે. તમે સુઉં કિયો છો ?
- હિંદુઓને ભાજપ જેટલું નુકસાન કોંગ્રેસે નથી પહોંચાડ્યું. કમ-સે-કમ, કોંગ્રેસ ઉઘાડેછોગ મુસ્લિમ તરફી તો છે...!
(ભાલચંદ્ર એમ. દવે, અમદાવાદ.)

8 સંસદસભ્યો કે ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં ૫૦- ટકા ય કાપ મૂકાય, તો દેશને કેટલી રાહત રહે ?
- એ લોકો તો કેમ જાણે દેશને રાહતો આપવા ત્યાં ગયા હશે, નહિ ?
(જયંત છિછિયા, રાજકોટ)

9 આપણી પાર્લામેન્ટે હમણાં ૬૦ વર્ષ પૂરા કર્યા.... શું એનામાં ઉંમર પ્રમાણે મૅચ્યોરિટી આવી છે ?
- અમારા બાળ-સાપ્તાહિક ‘ઝગમગ’ને લગતા સવાલો ત્યાં જ પૂછવા.
(ઝરા અનુરાગ દવે, અમદાવાદ)

10 ‘યુનો’ ભારત-પાકિસ્તાન વિવાદનો ઉકેલ કેમ લાવી શકી નથી ?
- વિવાદ હોય તો ઉકેલ લાવે ને ? કાશ્મિર ભારતનું જ છે, એમાં વિવાદ શેનો વળી ?
(સૌરભ પરમાર, કરજણ)

11 તમે અશોક ‘દવે’ તરીકે આટલા વિખ્યાત છો તો ‘દેવ’ થયા પછી કેટલા થશો ?
- તારી ભલી થાય ચમના.. ! તમે તો ઘણા બધાના દિલની વાત કરી દીધી !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

12 તમને જીન મળે તો દેશના ઉદ્ધાર માટે શું માંગો ?
- બસ... કાળા ચોરને દેશનો વડો પ્રધાન બનાવી નાંખ, પણ આને કાઢ...!
(ઓવી સાગર, રાજકોટ)

13 લાઈફમાં સુખી થવા માટે શું દુઃખી થવું અનિવાર્ય છે ?
- એ તો જે દુઃખી થયું હોય, એને ખબર પડે !
(રમેશ સુતરીયા, મુંબઈ)

14 તાળી બે હાથે પડે પણ તમાચો એક જ હાથે કેમ ?
- બે હાથના તમાચા જાતે ખાવાના કામમાં આવે !
(દિનેશ જોષી, દહીંસર)

15 માં દીકરાને સો વર્ષનો થવાના આશિષ કઈ ગણત્રીથી આપે છે ?
- ઘરના સહુ પોતાનું મૃત્યુ ભલે જુએ, પણ પોતાને કોઈનું જોવું ન પડે, એ ગણત્રીથી !
(નિકુલ શાહ, પૂના-મહારાષ્ટ્ર)

16 આપના નારણપુરામાં કૂતરાઓનો ત્રાસ કમ કરવા શું કરો છો ?
- હવે એ લોકો આપણી પાછળ નથી પડતા... નવીનક્કોર ગાડીના રૂફ પર બેસી જાય છે, એ બઘું સાફ કરવામાં સાલો ટાઈમ ક્યાં જતો રહે છે, એની જ ખબર પડતી નથી. બોલો !
(પારસ એલ. મારૂ, અમદાવાદ)

17 આપણા દેશનું રાષ્ટ્રીય પીણું ક્યું ?
- ગુજરાતમાં બીતા બીતા પીવું પડે એ.
(રાજેન્દ્ર ડી. શાહ, અમદાવાદ)

18 આજ સુધી તમે પત્નીથી ક્યો રાઝ છુપાવી રાખ્યો છે ?
- એ જ કે, એને હું પત્ની ગણુ છું.
(અજય વ્યાસ, બિલખા)

19 બેસણાંની જાઠખમાં ‘ફર્મ’ લખવાનો મતલબ શું ?
- તમારી વાંચવામાં ભૂલ થાય છે. એ ‘કન્ફર્મ’ લખ્યું હોય છે, જેથી વાંચનારાને ધક્કો પડવાની બીક ના રહે !
(સલમા જી. મણીયાર, વિરમગામ)

20 મારા પતિ છે તો સાવ સીધા, પણ એણને મોતીયો ઊંધો આવે છે, એનું કારણ શું ?
- મોતીયો સીધો આવે કે વાંકા વળી જાય, એ પાછું તમને નહિ ગમે !
(જાગૃતિ ગોસ્વામી, પોરબંદર)

21 ચાદરથી વઘુ લાંબા પગ કરવા માટે શું કરવું જોઈએ ?
- ટુવાલ ઓઢીને સુવું.
(પ્રબોધ જાની, વસઈ-ડાભલા)

22 અંગ્રેજીના પ્રભાવમાં આપણે હિંદી કેમ ભૂલતા જઈએ છીએ !
- કેમ જાણે ગુજરાતીના તો આપણે બાદશાહો હોઈએ...!
(વિમલ સવજીયાણી, જામજોધપુર)

23 મેનકા ગાંધી વર્ષોથી સંસદમાં ચૂંટાય છે, પણ માણસોની ચિંતા કરવાને બદલે જીવજંતુ કે પશુપક્ષીઓની ચિંતા કરે છે. આપનો અભિપ્રાય ?
- આમે ય, પશુપક્ષીઓ સિવાય એમનું સાંભળે એવું કોઈ છે ય નહિ !
(સાધના નાણાવટી, જામનગર)

24 દેશ માટે અણછાજતી વાતો કરનારા ફિલ્મી હીરો ઉપર કડક પગલાં કેમ ભરાતા નથી ?
- એકલી સરકાર જ શું કામ ? આપણી પ્રજા ય આવી હીરો પાછળ ગાંડી થઈ જાય છે ને ?
(મહેશ વી. વ્યાસ, પાલનપુર)

25 ‘બોલે તેના બોર વેચાય’ ને ‘ન બોલવામાં નવ ગુણ’નો મતલબ ?
- અરવિંદ કેજરીવાલ અને મનમોહન.
(હુસેન હૂઝેફા મર્ચન્ટ, નાસિક)

26 અશોકજી, તમારા પછી ‘ઍનકાઉન્ટર’ની ખુરશી પર કોણ બેસે એવું લાગે છે ?
- આ બધી ખુરશીઓ હૅરકટિંગ સલૂન જેવી હોય છે... એક ખાલી થઈ પછી ભરાતી જ હોય છે !
(તસનીમ હકીમુદ્દીન વ્હોરા, ગોધરા)

****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ 
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા. 
સરનામું : ‘એનકાઉન્ટર’, 
ગુજરાત સમાચાર, ખાનપુર, 
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

23/11/2012

ઝનક ઝનક પાયલ બાજે

જો તુમ તોડો પિયા, મૈં નાહી તોડું રે

ગીતો 

૧...ઝનક ઝનક પાયલ બાજે, પાયલીયા કી રૂનક... આમિરખાન સાહેબ
૨...કૈસી યે મુહબ્બત કી સઝા..... લતા મંગેશકર
૩...રૂત બસંત આઈ વન ઉપવન....?
૪...હમેં ગોપગોવાલા કહેતે હૈ, કોઈ નટવર ગીરધર...મન્ના ડે
૫...સૈંયા જાઓ, તોસે ન બોલું....લતા મંગેશકર
૬...નૈન સો નૈન નાહિ મિલાઓ, દેખત સૂરત, આવત...લતા-હેમંત કુમાર
૭...સુનો સુનો જી, મેરે રસિયા, મનબસિયા...લતા મંગેશકર
૮...ઉઘડત નવરસ રંગ, ઢંગ, લય, ગત.....લતા મંગેશકર
૯...મેરે અય દિલ બતા (૨) પ્યાર તૂને કિયા, પાઈ મૈંને...લતા મંગેશકર
૧૦...સીતા બનકો ચલી.....લતા-મન્ના ડે
૧૧...છિયોરામ છિયોરામ, રંગ રંગ કી ચુનરી પ્યારી...મુહમ્મદ રફી-સાથી
૧૨...બના ધરતી ગગન તેરા ગૂંજેગા ઘર.....
૧૩...જો તુમ તોડો પિયા, મૈં નાહિ તોડું રે, તોરી પ્રીત...લતા મંગેશકર
ગીત નં. ૨ અને ૪ ના ગીતકાર દીવાન શરર : ગીત નં. ૧૦ : દીપક : ફિલ્મના ટાઈટલ્સમાં ઉલ્લેખ નથી, પણ વિશ્વામિત્ર-મેનકા નૃત્ય, વિરહિણી નૃત્ય તેમ જ સન્તુર નૃત્યમાં કંઠ આશા ભોંસલેનો છે. 


ફિલ્મ : ઝનક ઝનક પાયલ બાજે (’૫૫)
નિર્માતા : રાજકમલ કલામંદિર
નિર્દેશક : વ્હી. શાંતારામ
સંગીત : વસંત દેસાઈ
ગીતો : હસરત જયપુરી, દીવાન શરર, દીપક
રનિંગ ટાઈમ : ૯-રીલ્સ (ડબલ)
થીયેટર : મોડેલ (અમદાવાદ) 

કલાકારો : સંઘ્યા, ગોપીકૃષ્ણ, કેશવરાવ દાતે, મદનપુરી, મનોરમા, ચંદ્રકાંતા, ચૌબે મહારાજ, નિમ્બાલકર, નાના પળશીકર, મુમતાઝ બેગમ અને મા. ભગવાન. 

વ્હી. શાંતારામની (મારા ય જન્મના દસેક વર્ષ પહેલાની) ફિલ્મ ‘દુનિયા ન માને’ બનાવીને મને એમનો કાયમી ભક્ત બનાવી દીધો હતો. હજી હાથ જોડીને સજેસ્ટ કરૂં છું કે, કાળા ચોરના ઘરેથી પણ મળતી હોય તો ફિલ્મની સીડી મંગાવીને જોઈ લેજો, આવી ઉત્તમોત્તમ ફિલ્મો આખી લાઈફમાં તમે માંડ બે-ચાર કે ચાર-પાંચ જોઈ હોય. એ ફિલ્મથી ય એના એન્ટી-હીરો કેશવરાવ દાતે (કે.દાતે) નો હું પર્મેનૅન્ટ ચાહક થઈ ગયો હતો અને ફિલ્મ ‘નવરંગ’માં (હીરો મહિપાલના પિતાનો રોલ) એ જ દાતેએ મારા પૂરતું સાબિત કરી દીઘું હતું કે, હું જેનો ચાહક હોઉં, એ બેશક ચાહવા જેવી હસ્તી હોય ! 

શાંતારામની જ આ ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં કે.દાતેએ મને ફરીવાર ખુશ કરી દીધો. રીતસર અશોક કુમારના લેવલનો આ કલાકાર અભિનયનો સર્વાંગ સુંદર હીરો હતો. એ કમનસીબી આપણી કે, આપણી બાકીની હિંદી ફિલ્મોમાં એ આવ્યા નહિ અને આવવું હશે તો કોઈએ આવવા દીધા નહિ હોય... લૉસ તો આપણને થયો ને ? 

એવો બીજો લૉસ શાંતારામે નહિ, એમની વાઈફ સંઘ્યાએ કરાવ્યો. આટલી પરફેક્ટ ડાન્સર હીરોઈન પણ વ્હી. સિવાય બહારની ફિલ્મોમાં કામ જ ન કર્યું, નહિ તો એ સમયની નૂતનો કે મીના કુમારીઓથી સંઘ્યા સવા ઈંચ પણ કમ નહોતી. વ્હી.ની જ ફિલ્મ ‘તીન બત્તી ચાર રસ્તા’માં કાળી ભઠ્ઠ હીરોઈન બનવા છતાં મેદાન મારી ગઈ હતી. 

‘ઝનક ઝનક...’માં હીરો અનકન્વેન્શનલ છે, ગોપીકૃષ્ણ. ફિલ્મની વાર્તા નૃત્યગીતો ઉપર આધારિત હોવાથી અહીં દેવ આનંદ કે રાજ કપૂરો ન ચાલે, ગોપીકૃષ્ણ જ જોઈએ. અહીં ગોપીનું બહુવચન ‘કૃષ્ણો’ એટલા માટે નથી કર્યું કે, ગોપીકૃષ્ણ કેવળ એક જ હોય અને એક જ હતો... ધી વન એન્ડ ઓન્લી. નૃત્ય નિર્દેશક તરીકે તમે એમનું નામ અનેક ફિલ્મોના ટાઈટલ્સમાં વાંચ્યું હોય, પણ હીરો તરીકે એમની આ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી... જો કે, છેલ્લી હતી, એ સારૂં પણ થયું કારણ કે, હીરો તરીકે ગોપીકૃષ્ણ ફક્ત આ એક જ ફિલ્મમાં ચાલી શકે એમ હતું. પેલી દેવ આનંદ કે રાજ કપૂરોવાળી ફિલ્મોમાં પાછા ગોપીભ’ઈ ય ના ચાલે. કારણ એ છે કે, અત્યંત ખૂબસુરત ચેહરો અને શરીરનું ફિગર પરફેક્ટ હોવા છતાં ભારતીય શાસ્ત્રોક્ત નૃત્યમાં પડેલા પુરૂષ કલાકારો મહીંથી ગમે તેટલા મર્દ હશે, પણ બહારથી સાવ સ્ત્રૈણ્ય લાગે. એમની ચાલ, બોલવાના લહેકા કે તમારી સામે જોવાની રીતભાત ઓલમોસ્ટ સ્ત્રીઓ જેવી હોય. ચાલમાં તો મોટે ભાગે એ અસર આવી જ જાય છે. વ્હી.ની કોઈપણ ફિલ્મ યાદ કરી જુઓ... હીરો સાલા પોણીયા જેવા-સ્ત્રૈણ્ય પ્રકૃતિના જ લીધા હોય ! વ્હી. શાંતારામ પોતે ય કોઈ મહાન હીરો નહોતા-સર્જક મહાન ખરા, પણ હીરો બનવા જાય ત્યારે એમનો અભિનય અને અંગભંગીઓ સ્ત્રૈણ્ય રહેતી. (વ્હી. એટલે ‘વાનકુદ્રે’. શાંતારામ રાજારામ વાનકુદ્રે.) વ્હી પાછા દેવ આનંદ સ્ટાઈલના ડાયરેક્ટર હતા. દેવ આનંદ ઍક્ટર તરીકે સારો પણ દિગ્દર્શક તરીકે ગાંવની બહાર મૂકી આવવો પડે. કારણ કે, પોતે જે અંદાજ (આપણી ભાષામાં, સ્ટાઈલો)થી સંવાદો બોલાવે, તે ફિલ્મના તમામ કલાકારો પાસે ય એમ જ બોલાવે. વ્હી.નું ય એવું જ હતું, પરિણામે દરેક કલાકારના હાવભાવ બહુ નહિ, ઘણાં લાઉડ દેખાય. જેમ કે, હીરોઈન દુઃખમાં હોય તો ચેહરાનું એકેએક અંગ રડતું લાગવું જોઈએ. છલકાવવાનો પ્રેમરસ હોય તો નૈણો ઊંચી નીચી કરવાની, હોઠ દબાય દબાય કરવાના, આંખોના ભાવો શ્રુંગારથી છલકાવતા રહેવાના... વગેરે વગેરે.

ફિલ્મના હીરો ગોપીકૃષ્ણ છે. ગોપીકૃષ્ણ બનારસ ઘરાણાના કથ્થક નૃત્યોના પંડિત છે. જન્મ તા. ૨૨ ઓગસ્ટ, ૧૯૩૫ કલકત્તામાં. મતલબ, આ ફિલ્મના હીરો તરીકે એમની ઉંમર ફક્ત ૨૦ વર્ષની હતી. ગોપીજી બહુ નાની એટલે કે, ૫૯ ની ઉંમરે તા. ૧૮ ફેબુ્રઆરી, ૧૯૯૪ના રોજ ગૂજરી ગયા. માત્ર ૧૭ વર્ષની ઉંમરે, ૧૯૫૨માં મઘુબાલાને ફિલ્મ ‘સાકી’ના નૃત્ય ગીતોનું નિર્દેશન આપી ગોપીકૃષ્ણ સૌથી નાની ઉંમરે નૃત્ય નિર્દેશક બની ગયા. યસ. હવે, આજની પેઢીનું જો કોઈ આ લેખ વાંચતું હશે તો ખુશ થશે કે, રેખાની ફિલ્મ ‘ઉમરાવજાન’ના નૃત્યો રેખાને ગોપીજીએ કરાવ્યા હતા. ગોપીકૃષ્ણનો એક વર્લ્ડ રેકોર્ડ આજેય કાયમ છે. સળંગ ૯ કલાક અને ૨૦ મિનીટ કથ્થક નૃત્ય કરતા રહેવાનો ! ગોપીકૃષ્ણે ’૫૪માં સાવિત્રી સાથે લગ્ન કર્યા અને ૧૯૮૧માં એમને ઘેર ઘોડીયું બંધાયું. ‘શમ્પા સોન્થાલીયા’ નામની દીકરી હમણાં ટીવી પર ‘ઝલક દિખલા જા’ શોમાં ફર્સ્ટ રનર અપ તરીકે વિજેતા બની હતી. 

ફિલ્મની હિરોઈન સંઘ્યા (મૂળ નામ, વિજયા એસ. દેશમુખ) એની ફિલ્મો : અમર ભૂપાલી, પરછાંઈ, તીન બત્તી ચાર રસ્તા, ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારહ હાથ, નવરંગ, સ્ત્રી, સેહરા, લડકી સહ્યાદ્રી કી, જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી, અને પિંજરા. ૧૯૯૮માં બોબી દેઓલ અને નેહાની ફિલ્મ ‘કરીબ’માં કહે છે કે, સંઘ્યા હતી. મેં એ ફિલ્મ જોઈ છે, પણ મને યાદ નથી આવતું એમાં સંઘ્યા કઈ હતી ? 

પ્રેમ-પ્રેમ-પ્રેમના ફાંકા મારતા આજના કે ગઈ કાલના યુવક-યુવતીઓને તો ‘પ્રેમ કેવો મહાસાગર છે ?’ એ ફક્ત સંઘ્યાના અસલી જીવનના પ્રેમને જોઈને સમજવા જેવો છે... સમજવો હોય તો ! સંઘ્યા વ્હી. શાંતારામની ત્રીજી પત્ની હતી. પહેલી પત્નીનું મોટે ભાગે તો વિમલાબાઈ નામ હતું. બીજી જયશ્રી (જેની દિકરી હીરોઈન રાજશ્રી છે) અને ત્રીજી આ સંઘ્યા. જયશ્રીથી રાજશ્રી ઉપરાંત તેજશ્રી પણ દીકરી. એવી જ રીતે, પંડિત જસરાજના પત્ની ‘મઘુરા’ શાંતારામના દીકરી. હજી આગળ બાકી છે. ચારૂશીલા, પ્રભાતકુમાર અને સરોજની. કેટલા થયા ? છ સંતાનો થયા ? તો, ‘દો આંખે બારહ હાથ’નો મેળ પાકો બેસી જાય છે. રહી બે આંખો, જે એમણે આ જ ફિલ્મમાં આખલા સાથે જીવસટોસટની ફાઈટિંગના શૂટિંગમાં ગુમાવી હતી, જે ફિલ્મ ‘નવરંગ’ સુધીમાં પાછી આવી ગઈ હતી. 

કલાકારો કે સર્જકો એમની કલા અને સર્જનશક્તિ લગ્ન બહારની લાઈફમાં પણ બતાવતા હોય છે. શાંતારામે ય રાજ કપૂરો, દિલીપ કુમારો કે દેવ આનંદોથી કમ નહોતા. સ્ત્રીઓના મામલે આમના ય મામલા ચારેકોર ફિટ રહેતા. યાદ હોય તો સ્મિતા પાટીલની ફિલ્મ ‘ભૂમિકા’ મરાઠી હીરોઈન હંસા વાડકરની આત્મકથા પરથી ઉતરી છે. એમાં અમોલ પાલેકરવાળો અસલી જીવનનો રોલ શાંતારામનો કહેવાય છે. ‘કૂવે કૂવે નહાવા બેસતા શાંતારામને ઓળખવા છતાં સંઘ્યાએ પોતાનું સમગ્ર આયખું શાંતારામના ચરણોમાં સમર્પિત કર્યું છે. (સંઘ્યા હજી હયાત છે.) એક તો, નખશીખ કલાકાર હોવા છતાં, પતિ સિવાય બહારની કોઈ ફિલ્મ સંઘ્યાએ કરી નથી- દેવ આનંદની પત્ની કલ્પના કાર્તિકની માફક. બીજું, એ હયાત હતા ત્યારે પણ શ્રૂંગારની આટલી શોખિન આ સ્ત્રીએ આજ દિન સુધી તમામ ઘરેણાં કે મોંઘાદાટ વસ્ત્રો ત્યાગીને કેવળ સફેદ સાડીમાં જીવન ગાળ્યું છે... (તાકી, જમાને કી બુરી નઝર ન લગ જાયે...?) અને વ્હી. જીવતા હતા કે ગૂજરી ગયા પછી પણ સંઘ્યા કદી ય જાહેરજીવનમાં આવી નહિ... એ તો હજી હમણાં શાંતારામના જ સુપુત્ર (પણ સંઘ્યાના નહિ!) કિરણ શાંતારામે ફિલ્મ ‘નવરંગ’ ૫૦ વર્ષ પૂરા થયા, તે નિમિત્તે સંઘ્યાને એક મોટો એવોર્ડ આપીને બહુમાન કર્યું, ત્યારે આપણા જેવા ચાહકોને આટલા વર્ષે સંઘ્યાનો ફોટો જોવા મળ્યો. એક કલાકાર તરીકે તો શાંતારામથી અંજાઈને એ એની ‘એ વખતે નાજાઈઝ) પ્રેમિકા અને પછી જાઈઝ પત્ની બની હતી. આ જ ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં શાસ્ત્રીય નૃત્યો શીખવા પોતાનાથી ઘણી નાની ઉંમરના ગોપીકૃષ્ણ પાસે તાલીમ લીધી અને તાલીમ પણ કેવી આકરી ? આ વાંચતા તમે વિચારી ન હોય એવી રોજની ! 

યસ. બાય ઓલ મીન્સ.. કલાના શોખિનોએ આજે પણ સંઘ્યા-ગોપીકૃષ્ણના બેનમૂન નૃત્યો માટે આ ફિલ્મ જોવી જ જોઈએ નહિ, જોવી જ પડે. આજની ફિલ્મોની વાત જાવા દિયો, પણ આપણા જમાનાની ફિલ્મોમાંય આવા કલાસિકલ-ડાન્સ કઈ ફિલ્મમાં જોવા મળ્યા ? એમાંય, ગોપીનું શિવતાંડવ અને બન્નેનું વિશ્વામિત્ર- મેનકા નૃત્ય તો શુક્ર કરો ભગવાનનો કે હજી ડીવીડીઓમાં સચવાયા છે. 

શાંતારામની ઓલમોસ્ટ બધી ફિલ્મોમાં કલા આપણા ગુજરાતી કનુ દેસાઈની હોય. વ્હી. મોટે ભાગે આઉટડોર શૂટીંગ નહોતા કરતા, એટલે ફિલ્મની તમામ ઘટનાઓ માટે સેટ્‌સ બનાવવા પડે. કનુભાઈના સેટ્‌સ મનમોહક રંગોવાળા જ નહિ, પ્રસંગને અનુરૂપ હોય. ફિલ્મ ‘નવરંગ’ યાદ કરી જુઓ. 

અને આ ફિલ્મ ‘ઝનક ઝનક પાય બાજે’ તો નૃત્ય પ્રધાન હતી અને એ ય કલાસિકલ નૃત્યોથી બનેલી. સ્વાભાવિક છે, સંગીત પણ એ જ કક્ષાનું હોય ! વસંત દેસાઈ કનુ દેસાઈની જેમ ગુજરાતી નહોતા, મહારાષ્ટ્રીયન હતા. સ્વ. ઈંદિરા ગાંધીના ૨૦ મુદ્દાના કાર્યક્રમની ખુશામત કરતા ગીતોનું રેકોર્ડીંગ કરાવીને પોતાના ફલેટમાં પાછા ફરતા હતા એમાં ઉપર પહોંચી ગયા પછી લિફ્‌ટ અચાનક ધડાકા સાથે નીચે પછડાઈ. એમાં એક જમાનાના બોડી-બીલ્ડર વસંત દેસાઈ ઘટનાસ્થળે ગૂજરી ગયા. 

પણ એમની તમામ ફિલ્મોની જેમ એમનું સંગીત આસમાનની ઊંચાઈઓને અડે એવું આહલાદક હતું. ‘ઝનક ઝનક...’ના તમામ ગીતો વસંત દેસાઈની પ્રતિષ્ઠાને છાજે એવા મઘુરાં હતા. જીવ ત્યાં બળી જાય છે કે, મુહમ્મદ રફી સાહેબનું એક અત્યંત દુર્લભ ‘ધોબી-ગીત’ ‘‘છિયોરામ... છિયોરામ, રંગ રંગ કી ચુનરી પ્યારી યે ફૂલવારી મસ્ત હવા મેં ઉડાના ઉડાના...’’ પ્રયત્નો કરવા છતાં મળતું નથી. ફિલ્મમાંથી કાઢી નાંખવામાં આવ્યું છે. અફકોર્સ, મેદાન મારી જાય છે, લતા મંગેશકર જેનું ‘જો તુમ તોડો પિયા, મૈં નાહી તોડું રે...’ (જે પાછળથી અમિતાભ-રેખાની ફિલ્મ ‘સિલસિલા’માં ય લતાએ ગાયું હતું.) એના અંત ભાગમાં લતાએ આપણને તેની કેપેસિટી બહાર લાગે, એવા ઊંચા તારસપ્તકમાં ગાયું છે. લતા-હેમંતના, ‘‘નૈન સો નૈન નાહી મિલાઓ...’’ ને તો કોઈ વખાણની જરૂર જ ન પડે, એવું ગળચટ્ટું ગીત છે. 

તો એવું શું હતું આ ફિલ્મમાં કે, પિટ-કલાસના પ્રેક્ષકો પિટાઈ ગયા પણ કલાને સમજનારો ને માણનારો આપણે ત્યાં આખો કલાસ જુદો છે, એવા પ્રેક્ષકોએ મન ભરીને આ ફિલ્મ માણી. નૃત્યગુરૂ આદરણીય સ્વ. ગોપીકૃષ્ણ સ્વયં એના હીરો હોય, એટલે ફિલ્મમાં નૃત્યો જોવામાં તો કેવા રંગો છલકાયા હશે ? એમાંય, આ ફિલ્મ ટેકનિકલર હતી, જેનો ખર્ચો ઈસ્ટમેન કલરની ફિલ્મો કરતા ઘણો વધારે આવે. આ ફિલ્મની ડીવીડી પણ વ્હી. શાંતારામના ડાયહાર્ડ ચાહક સુરતના શ્રી ભરત દવેએ મોકલાવી છે. સમગ્ર ભારતમાં સૌથી મહાન ગણાતા નૃત્યવિદ (કે.દાતે) તેમના સુપુત્ર ગોપીકૃષ્ણ ઉપર મોટો આધાર રાખીને બેઠા છે, નૃત્યની આ કલાને ઊંચા શિખરે લઈ જવા માટે. પોતે ગુરૂ છે, એટલે શિસ્ત તો પ્રથમ પ્રાયોરિટી હોય અને દ્રઢપણે માને છે કે, શિષ્ય સાધના પૂરી થતા પહેલા પ્રેમમાં પડવો ન જોઈએ. ગોપી સંઘ્યાને શીખવવાની ઘૂનમાં એના પ્રેમમાં પડી જાય છે ને કાકાનો ગુસ્સો સાતમાં આસમાને ! પોતાના પ્રેમી અને એક પિતાના પુત્રની સાધના ભંગ ન થાય અને દેશનોં આખરી કિર્તીમાન ‘ભારત નટરાજ’નો ખિતાબ ગોપી જીતી જાય, એ ખાતર પ્રેમનું બલિદાન આપવા સંઘ્યા ગોપીને છોડીને જોગન બની જાય છે. પછી તો ફિલ્મોમાં અંત તો સુખદ લાવવો પડે, એટલે ફિલ્મના અંતે બઘું સારાવાના થાય છે.

21/11/2012

ટોઈલેટમાં મોબાઈલ વાગે ત્યારે...!

ક્લબના સ્વિમિંગ-પૂલના ટોઈલેટમાં એ નિરાંતે બેઠો. ચેહરા ઉપર બડી પ્રસન્નતા અનુભવાઇ. કહે છે કે, આત્મા-ફાત્માનો આનંદ તો લાંબો સમય ચાલે છે, પણ ટોઈલેટવાળો આનંદ ક્ષણભંગુર હોવા છતાં આત્મા પરમાત્માવાળા આનંદ કરતા વઘુ સંતોષ આપે છે. ઉત્તમ વિચારો કદમ્બના વૃક્ષ નીચે બેસીને નથી આવતા, ટોઈલેટમાં બેઠા પછી આવે છે. આ એવી સમાધિ છે, જે જ્યાં બીજી કોઈ ગરબડ કે ટેન્શન હોતા નથી. ઉપરથી ચઢેલું ટેન્શન ઉતરી જાય છે. સુઉં કિયો છો ? 

કોક વિયાએલી કૂકડી જમીન પર ચીપકીને બેસી ગઈ હોય એમ વિભુ કમોડ પર શાંતિથી બેઠો હતો. (ગાઈડઃ કૂકડી એટલે કૂકડાની વાઈફઃ ગાઈડ પૂરી) વિભુ ઉર્ફે વૈભવને મનવાંચ્છિત વિચારો હજી શરૂ જ થયા હતા. એને ટોઈલેટ અંદરથી પણ ગમ્યું. સફેદ ટાઈલ્સ ટોઈલેટને એક ગરિમા બક્ષતા હતા. એણે તપાસી લીઘું કે, ફ્‌લશ સરખો ચાલે છે કે નહિ, કે પાછળના ખિસ્સાનું વૉલેટ મહીં પડી જાય એમ તો નથી કે ભીંત ઉપર કોઈ ગરોળી ચીપકી નથી. આપણને સહુને જંગલમાં દીપડાંની, ટોઈલેટમાં ગરોળીની અને ઘરમાં વાઈફોની જ બીકો લાગતી હોય છે. સાલા, આ ત્રણે કશું ન કરે તો ય ડરી જવાય છે. એણે એકવાર પેટ દબાવી જોયું. હમણાં હાશકારો થશે, એવી ખાત્રી થઈ. વિભુને આવી ખાત્રીઓ થાય ત્યારે મોંઢું હસુ-હસુ થાય. અત્યારનું ટેન્શન ઘડીભરમાં ઉતરી જાય પછી, અહીં બેસવાના જલસે-જલસા જ છે. કેવા મનોહર-મનોહર વિચારો આ સમાધિ ઉપર થઈ શકે છે... આહ ! સહેરાના રણમાં વાંકી ડોકવાળું ઊંટ ખુલ્લી છાતીએ બેઠું હોય, એવો એ મસ્ત થઈ ગયો. 

ત્યાં જ એના મોબાઈલની રિંગ વાગી. અચાનક જ ! (ગ્રામ(૨) સુધારણા : જગતના કોઈ મોબાઈલની રિંગ અચાનક ના વાગે. કોઈએ કર્યો હોય ત્યારે જ વાગે : સુધારણા પૂરી) 

એ સખ્ખત હેબતાઈ ગયો. આપણામાંથી કોઈને ટોઈલેટમાં બેઠા પછી ડઘાઈ જવાની જાહોજલાલીઓ કદી મળી નથી, એટલે એવા તબક્કે-એટલી જગ્યામાં ડઘાતી વખતે શું શું કરવાનું હોય, એની આપણને ના ખબર હોય. રિંગ વાગવાને લીધે વિભુ મૂળ એજન્ડા પરનું કામ ભૂલીને એવો ડરી ગયો કે, આજુબાજુના ટાઈલ્સો ઉપર હાથ મુકવા માંડ્યો. ઉપર જોયું, નીચે જોયું, મોંઢું ખુલ્લું થઈ ગયું... કારણ કે, બહાર ટુવાલ પહેરીને ઊભેલા કે શૉવર લેતા કલબના મેમ્બરોને પણ આ રિંગટોન સંભળાતો હોય, એવી ફડકને કારણે તે હિંમત હારી ગયો. સાલું કોઈ સાંભળે તો ય કેવું લાગે કે, આવડો આ ટોઈલેટોમાં જઈજઈને મોબાઈલો કરે છે ? એની બા ય નહિ ખીજાતી હોય ? 

આ ઘડીઓ અકળાવનારીઓ હોય છે. ઘંટડી ચાલુ રાખીએ તો ય કાંઈ પાપ કરી બેઠા હોઈએ એવું ફીલ થાય ને મહીં બેઠા બેઠા વાત ચાલુ કરી દેવાનો તો સવાલ જ નથી ! વળી ચાલુ ઘંટડી બંધ કરી દીધા પછી, કરનારો તો બીજી વાર કરવાનો જ છે. ના ઉપાડીએ તો ય, બહાર ટૂવાલ પહેરીને ઊભેલાઓમાં કેવી ખરાબ છાપ પડે કે, આણે કાપી નાંખ્યો છે એમાં ચોક્કસ કોઈ રાઝ છુપા હોના ચાહિયે...! 

એથી ઊલટું, ઉપાડી લે ને વાત કરે તો શું કરે ? વિભુએ તો અલબત્ત હજી જોયું જ નહોતું કે, ફોન કોનો હતો. નોર્મલી એની વાઈફ (અથવા, વાઈફોઝ !!) ગમે ત્યારે ફોનો કરતી હોય છે. વાઈફના તો સમજ્યા કે, સ્ટુપિડ ફોન હોય. અત્યારે ટોઈલેટમાં બેઠા બેઠા તને હું એ જવાબ આપવાનો હતો કે, સાંજે રસોઈમાં શું બનાવવું છે ? આ સ્થળે સાલું સૂઝે ય શું ? 

તો વાઈફ ભાગ- ૧, ૩ કે ૬ નો ફોન હોય તો ય સાલી ઈડિયટો હોય છે. ‘‘વિભુઉઉઉ... તારા વિના ગમતું નથી... જલ્દી આવ ને...! તું ક્યાં છું, વિભુ...?’’ આના જવાબમાં શું આપણે ઘટનાસ્થળનો ઉલ્લેખ કરવો ? સાચું સરનામું આપવું ? બહાર ટુવાલ પહેરીને ઊભેલાઓમાં કેવી છાપ પડે ?... આ તો એક વાત થાય છે. 

ઓકે. ફોન ઈમ્પોર્ટન્ટ હોય તો બી... બહાર નીકળીને ફોન એટેન્ડ કરી આવવાનો સવાલ ઊભો થતો નથી કારણ કે, સ્વામી અશોકાનંદજીએ કીઘું છે કે, જે કામે ગયા હોઈએ, એ પહેલું પતાઈ દેવું... ફિર યે સમા, ફિર યે બહાર, ફિર યે ચમન... મિલે ન મિલે ! અરે, સમા-બમા કે બહાર-ફહાર બધા ગયા હમણાં કહું એની... અહીં તો જોર જ એવું પકડાયું હોય કે, અડધી યુઘ્ધભૂમિ છોડીને જવાય પણ નહિ. સ્વામીજીએ વઘુમાં એ પણ કીઘું છે કે, ‘કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ...!’ 

આમાંય, નિયમ પ્રમાણે ચાલવાનું.... આઇ મીન, બેસવાનું હોય છે ! 

રિંગ બંધ થઈ એટલે વિભુ શાંત પડ્યો. હવે મનભરીને જોઈ લીઘું, કોનો ફોન હતો ! કોક અજાણ્યો હતો. ખાલી નંબર હતો, એટલે જાણિતું તો લાગતું નથી. એને ફરી પ્રસન્નતા અનુભવી કે, હવે હું ઘ્યેય પર ઘ્યાન આપી શકીશ. 

ફરી એણે પેટને બન્ને હાથેથી દબાવ્યું. સારૂં લાગ્યું. મુંબઈ સેન્ટ્રલ આવવાને બસ, હવે બે-ત્રણ મિનીટો જ રહી હોય ત્યારે મુસાફરો કેવા ઊંચા થઈ થઈને ખુશમખુશ થતા હોય છે, એમ મંઝિલ બહુ પાસે હતી. કિનારો દૂર નહતો. વિભુએ પોતાની જાતને સ્માઈલ આપ્યું અને પોતે લઈ પણ લીઘું. 

...અને ત્યાં જ બીજી ઘંટડી વાગી. તારી ભલી થાય ચમના... આ ઘંટડા વગાડવાનો ટાઈમ છે... અને એ ય અહીં ? જીગરમાં જોર હતું એ સઘળું ભેગું કરીને આ વખતે એણે ફોન લીધો. એ હેલ્લો બોલ્યો, એમાં બહાર ઊભેલા ટુવાલીયાઓના હસવાનો અવાજ આવ્યો. આ ભોળીયો ફરી નર્વસ થઈ ગયો. એ કોઈ શાશ્વત ગૂન્હો કરી બેઠો હોય, એવું ગીલ્ટી ફીલ કરવા માંડ્યો. એણે ફોન કાપી નાંખ્યો... અવાજ કોક સ્ત્રીનો હતો તો ય ! નોર્મલી તો આવું બને નહિ ! 

એણે ટોઈલેટના લિસ્સા દરવાજા ઉપર કાન દબાવ્યા કે, ટુવાલિયાઓ મશ્કરી તો નથી કરતા ને ? કોઈ નહોતું કરતું. કવિ નર્મદની કવિતા અહીં કામમાં આવે એવી નહોતી કે, ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું... હોઓઓઓ ! કારણ કે, ટોઈલેટમાં તો માણસ શું ડગલાં ભરી શકે, છતાં નર્મદની વાતનો મર્મ પકડીને એણે મક્કમતા સાધી, ‘હવે હું નિર્ભય બનીને ફોનનો જવાબ આપીશ.’ કેવો હિમ્મતભર્યો નિર્ણય ? કેવી આકરી કસોટી ? આવનારા પડકારો ઝીલવાની કેવી ક્ષમતા...? અને તે પણ ક્યા સ્થળે, એનો તો વિચાર કરો ! 

...અને અચાનક, બન્ને ઘ્યેયપ્રાપ્તિઓ એક સાથે જ થવા ગઈ. આ બાજુ ફરી એકવાર રિંગ વાગી ને આ બાજુ બોરિવલી આવી ગયું હતું. સામાન લઈને નીચે ઉતરવાની જ વાર હતી. એણે ફોન ઉપાડ્યો. સ્ત્રીનો કંઠ હતો એટલે અહીં પણ આ તબક્કે મીઠાશ કેટલી મઘુરી લાગે ? એ વહાલ અને વાત્સલ્યથી બોલ્યો, ‘‘હેલ્લો, વિભુ હીયર...’’ 

‘‘સર જી, હું પોપટ છાપ ફિનાઈલની સેલ્સગર્લ બોલું છું. હાલમાં અમારી સ્કીમ ચાલે છે, ફિનાઈલના બે પિપડાં લેનારને એક પિપડું ફ્રીમાં આપી---’’ 

વિભુડો છત સુધી કૂદ્યો હશે... એવી અવસ્થામાં ય ! એ કોઈ ગાળ બોલ્યો. બહાર ઊભેલા ટુવાલીયાઓ પગના પંજા ઉપર ઊભા થઈ જાય એવી મોટ્ટી ગાળ...! પિંજરામાં રીંછ સળીયા ઉપર માથું પછાડતું હોય, એમ વિભુ ટોઈલેટની દિવાલોને અથડાયો, એમાં એનો મોબાઈલ પડી હાથમાંથી છટકીને સીધો ફ્‌લશમાં...! 

આપણી જ માલિકીની ખોવાયેલી કેટલીક ચીજો નજર સામે હોવા છતાં આપણે કાંઈ કરી શકતા નથી, એમ વિભુ મોબાઈલને લાચારીથી જોઈ રહ્યો, ‘‘અનારકલી કૈદ કર લિ ગઈ ઔર મૈં દેખતા રહા...’’ ફ્લશમાંથી જવાબ આવ્યો, ‘‘...ઔર તુમ કર ભી ક્યા સકતે હો, સલિમ ?’’


સિક્સર

- થોડા દહાડા માટે નવરાત્રીનો ચાર્મ જતો રહ્યો !
- કેમ ?
- અરે, થોડી મોડી આઈ હોત તો આ વખતના ગરબા ‘ઓપ્પન ગન્ગનમ સ્ટાઈલ’થી કરાવત ને ?

19/11/2012

બક્ષીસ્વર્ગસ્થ નહિ, બક્ષીસ્થ થયા છે

ચંદ્રકાંત બક્ષીના ‘બક્ષીસ્થ’ થયાના સમાચાર પછીની ૧૫-મી મિનિટે આ લેખ લખવા બેઠો છું. હજી હું રિવાને મળવા પણ ગયો નથી. રિવા-એમની દીકરી. આટલી ઉતાવળથી શોકાંજલિ લખવાનું કારણ એ જ કે, અમારા તમામે તમામ લેખકો-પત્રકારો બક્ષી ગૂજરી જવાના ગમમાં પોતે કેટલા ગીન થઈ ગયા છે, એની તમને આ લેખ ઠેઠ બુધવારે છપાશે, ત્યાં સુધીમાં ખબર પડી જશે. અફ કોર્સ, એમાં તમને જાણકારી બક્ષીબાબુ કરતા એમના વિશે વઘુ મળશે. આજે ૨૫મી માર્ચ છે. શનિવાર અને વાગ્યા છે બપોરના દોઢ અને આ તમે વાંચતા હશો ત્યાં સુધીમાં તમે અનેક ભાવિ દિવંગત પત્રકારો-સાહિત્યકારોની આત્મકથાના ટુકડાઓ વાંચી ચૂક્યા હશો, જેમાં બક્ષીબાબુનું નામ લઈને પોતાના માટે એ કારણે કહી દેશે કે, એમનો વખત આવે ત્યારે ઘણા શોકસભાના વક્તાઓ ભૂલી ન જાય...! એ તો તમે એકાદી શોકસભામાં જશો એટલે ખબર પડશે કે, આ બોલનાર પાસે એના પોતાના વિશે કેટલી વિપુલ જાણકારી છે... આ તો સારૂં થયું કે, બક્ષી વિશે પણ તેઓ થોડું થોડું જાણતા હતા...! 

તમે શું શું વાંચવાના છો, એની ઝલક બિલકુલ ‘બક્ષી-બ્રાંડ’ ‘ફાયર-બ્રાંડ’ અંદાજથી એટલા માટે લખવી પડી છે કે, આ લોકોના શોકસંદેશાઓ વાંચીને ઘડીભર તમે ચક્કરમાં પડી ન જાઓ કે, ‘‘.....ખરેખર બક્ષી ગૂજરી ગયા છે, કે આ લોકો....?’’ ઘણાંના શોકસંદેશા વાંચીને કે શોકસભા વખતે એમને સાંભળીને ગુસ્સો ઠેઠ ગળા સુધી આવી જશે કે, ‘‘...બક્ષી ખોટા ગયા.... જવાની જરૂરત આ લોકોને હતી.’’ 

શોકસભામાં જવાને હજી કલાકની વાર છે, પણ ત્યાં શું થવાનું છે, તેનો તાગ અત્યારે મેળવી શકાય એમ છે. 

ધોળાઝબ્બા-લેંઘાઓ ફાટેલી ચપ્પલો સાથે સ્મશાનમાં ભેગા થશે. બધા બબ્બે-ચાર ચારની ટુકડીઓ પાડીને એક પગ આગળ લંબાવીને અદબ વાળીને ઊભા હશે. એમાંનો પહેલો પહેલું વાક્ય આ બોલશે, ‘‘ખરૂં થયું સાલું...’’ (એને ટણપાને ખબર નથી કે, આ ખરૂં નથી થયું... ખોટું થયું છે...!) બક્ષી જેવો બક્ષી બસ... આમ જ જતો રહે... સાલું માનવામાં નથી આવતું...!’’ 

અહીં બીજાં ઝભ્ભાને તો પહેલેથી માનવામાં આવી ગયું હોય એવી રીતે વાળેલી અદબ છોડીને કહેશે, ‘‘મને તો ખબર જ નહિં.... હું ને તમારા ભાભી હજી તો ડ્રોઈંગ-રૂમના ફર્નિચરને ખીલ્લી મારતા હતા, ત્યાં જ અચાનક રણછોડભઇનો ફોન આયો કે, ‘ખબર પડી...?’ બક્ષીબાબુ ગયા....!’ 

મેં કીઘું, ‘‘હૈં....??’’ હથોડી હાથમાં જ રહી ગઈ ને મેં કીઘું, ‘‘ના હોય...? બક્ષી ગયા....?’’ 

આવા સિલી સવાલો પૂછીને આ લોકો સાબિત શું કરવા માંગતા હશે, એની એમને પોતાને ખબર હોય છે, આપણને નહિ. પાછું એમના તો માનવામાં ય ન આવે. એક આખેઆખો માણસ ચાલ્યો જાય છે, એની ખાત્રી કરાવવા આપણી પાસે બીજું તો શું હાથવગું હોય ? ગાન્ડા તો ઠેઠ સ્મશાનમાં આવીને કાઢતા હોય છે કે, સામે ચિતાની જ્વાળાઓ દેખાતી હોય છતાં ય, બીજું કાંઈ બોલતાં ન આવડે, એટલે આવું બોલી નાંખવાનું, ‘‘...મને તો સાલું હજી માનવામાં નથી આવતું...!’’ 

..તો જા ભ’ઈ..... ભડકામાં એકવાર આંગળી અડાડી આય એટલે કાચી સેકન્ડમાં માનવામાં આવી જશે કે, અહીંયા રીહર્સલો નથી રાખ્યા... જનાર વ્યક્તિ સાચેસાચ ગઈ છે....! 

અહીં આ રણછોડનું પાત્ર બહુ મહત્વનું છે. બક્ષી જેવી કોઈ સેલિબ્રિટીનું અવસાન થાય એટલે આવા રણછોડો ભારે ઝનૂનોમાં આવી જાય છે, પાત્ર જવાને કારણે નહિ... પણ પહેલી ખબર એમણે પોતે આપી છે, એ સિઘ્ધિ વટાવવાનો એમનો ઉત્સાહ જાણીતો હોય છે. અલબત્ત, અમારા સાહિત્યકારો આવા રણછોડોને એમને જોઈતી ક્રેડિટ પણ આપે જ છે. શોકસભા વખતે એમના પ્રવચનની શરૂઆતમાં જ એ રણછોડનો ઉલ્લેખ કરશે, ‘‘હું તો હજી ઓફિસમાં દાખલ જ થયો ને ત્યાં જ રણછોડભાઈનો ફોન આવ્યો કે, ‘‘બક્ષીબાબુ ગયા.....!’’ 

આમાં રણછોડનું કામ પતી ગયું. એ ખુશ. એ ભૂખ્યાને અનાજનો આટલો જ દાણો જોઈતો હોય કે, આપણું નામ બોલાવવું જોઈએ. અહીં ત્રીજો ઝભ્ભો અત્યાર સુધી શાંત ઊભો હતો, એ એન્ટ્રી મારશે, ‘‘મારે અને બક્ષીને ઠેઠ ૫૬ની સાલથી સંબંધ. ઘણીવાર કોઈ નવલકથા લખતા લખતા એ મૂંઝાય, તો ઘેર આવે, ‘‘રણછોડબાબુ... આગલા પ્રકરણ માટે બક્ષી મૂંઝાયા છે...શું કરવું?’’ ...મેં કીઘું, ‘‘સહિતાને ભગુ સાથે છેલ્લા પ્રકરણમાં પરણાવી દો...’’ અને આમ મારી અને બક્ષી વચ્ચેનો સંબંધ શરૂ થયો.’’ 

હાળા રણછોડ.... બક્ષીબાબુનું કામ જાતે મૂંઝાવાનું હતું જ નહિ. એમના લીધે ઘણાં મૂંઝાયા હશે અને પોતાના લીધે મૂંઝાયેલાઓ પણ એમની સલાહ લેવા જતા...ને તું શેનો મેદાન મારી જવા હાલી નીકળ્યો છે....! 

પણ એવા જ બીજાં રણછોડો પહેલા કરતા ય ચઢે એવા હોય છે. એમને ખબર પડી ગઈ હોય અને આપણે ખબર આપવા ફોન કરીએ તો બે વાત નક્કી બને. એક તો, એમને તો કેમ જાણે આ સમાચારની વર્ષોથી ખબર હોય, એવી ઠાવકાઈથી જવાબ આપે. ‘‘હા... મારી ઉપર તરત જ રિવાનો ફોન આવ્યો કે પપ્પાને કાંઈ થઈ ગયું છે...!’’ 

અને બીજું, બક્ષી જેવી હસ્તિના નિધનના સમાચાર એમને પાછા કોઈ ઓર્ડિનરી માણસે ન આપ્યા હોય, કોઈ મોટા માથાએ જ આપ્યા હોય. ‘‘હા. મને ખબર મળ્યા કે બક્ષી ગયા. હું મારી ગાડીમાં હજી સીજી રોડ પહોંચ્યો જ હતો ત્યાં ગાંધીનગરથી નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો કે, ‘‘રણછોડભાઈ... ખબર પડી ને કે, આપણા બક્ષીબાબુ ગયા...!’’ 

ઘડીભર તો આપણા ગળામાં થૂંક અટકી જાય કે, આપણે ખોટી ઉતાવળ કરી નાંખી... આવા અવસાનોના સમાચારો આમને નરેન્દ્ર મોદી જેવી હસ્તિઓ આપતી હોય તો ભવિષ્યમાં ન કરે નારાયણ ને કાલ ઉઠીને ખુદ આપણે ટપકી પડ્યા અને એ વખતે નરેન્દ્રભ’ઈ ગાંધીનગરમાં નહિ હોય તો રણછોડીયાને આપણા સમાચાર કોણ આલશે ? 

બક્ષીબાબુની શોકસભાઓ તો થવાની અને યાદ રાખજો. આપણે ત્યાં એવા એવા નમ્ર સાહિત્યકારો/પત્રકારો છે કે, શોકસભા બક્ષીની હોવા છતાં વચમાં જગ્યા પડે, તો બે લાઈન બક્ષી વિશે પણ બોલશે. બાકી તો, બક્ષીના ઘડતરમાં એમનો કેટલો ફાળો હતો અથવા બક્ષીએ જીવનભર આ વિદ્વાનને કેટલું મહત્વ આપ્યું હતું, એની તારીફ બક્ષીના નામે થશે. સહુ કોઈ જાણે છે કે બક્ષી ‘ફાયર-બ્રાન્ડ’ લેખક/પત્રકાર હતા અને છતાં વખત આવે પોતે પણ બક્ષીને કેવા સીધા કરી નાંખ્યા હતા, એની ફિશિયારીઓ તમને આવનારી શોકસભાઓમાં કે લેખોમાં અચૂક સાંભળવા/વાંચવા મળશે. આ મહાન શ્રઘ્ધાંજલિકારોને એ ખબર નથી કે, બક્ષીને સીધા કરી શકે, એવા તો આ જગતમાં એક જ માણસ હતા.... સ્વયં બક્ષી. 

શ્રઘ્ધાંજલિ એને કહેવાય કે, મૃત્યુ પામનાર એ મહાન વ્યક્તિ વિશે, એમના સર્જનો વિશે કે એમની પ્રકૃતિ વિશે તમે કાંઈક એવું બોલો, જેથી મૃત્યુની અદબ જળવાય, ને સાથે સાથે શ્રઘ્ધાંજલિ આપનારે એ ખ્યાલ પણ રાખવાનો છે કે, હાલ પૂરતું બક્ષીબાબુનું અવસાન થયું છે, તારૂં નહિ. તારૂં થાય ત્યારે જેટલું તારા વિશે બોલવું હોય એટલું બોલજે. કોઈ નહિ રોકે. આમાં તો પોતે ઉકલી ગયો હોય ને બક્ષી ઓડિયન્સમાં બેઠા હોય, એવા અંદાજથી એ શ્રઘ્ધાંજલિ આપતો હોય. બોલનારાઓ ખૂબ જાણતા હોય છે કે માંડ સ્ટેજ મળ્યું છે, એનો ઉપયોગ કરી જ લો. ફિર યે સમા મિલે ન મિલે. કારણ કે, બક્ષી જેવા માણસો જીવનમાં ફક્ત એક જ વાર ગૂજરી જતા હોય છે, એટલે સદગતની વાતો કરવામાં બોલનાર પોતે કેટલો શબ્દ-સમૃઘ્ધ છે અને શોકસભામાં પણ કેવા નૂતન શબ્દો પ્રયોજીને સભાને આંજી દઈ શકે છે, એ સાબિત કરવાનું છે, સાચી શ્રઘ્ધાંજલિ તો સભામાં નહિ બોલનારા અને માત્ર સાંભળવા આવેલાઓ આપતા હોય છે કે, પક્ષીના પરમ ચાહકો હોવાને કારણે, એમના ગયા પછી એમના વિશે જેટલું વઘુ જાણવા મળે, એ જાણી લેવાની પવિત્ર ભાવના હોય છે. નહિ બોલીને અપાયેલી શ્રઘ્ધાંજલિ કેટલી પૂજનીય હોય છે ? તમારી આંખો કહી આપતી હોય છે કે, તમને કેટલું દુઃખ લાગ્યું છે કે, બક્ષી જેવો સાચા અર્થમાં મહાન સર્જક ગયો. ગુજરાતી ભાષાને જ નહિ, ગુજરાતી પ્રજાને પ્રેમ કરનાર અન્યો પણ હશે પણ ગુજરાતની ગરિમા જાળવી રાખવા સતત પ્રયત્નશીલ તો એકમાત્ર બક્ષીબાબુ જ હતા કે નહિ ? કોઈ એકાદ-બે લેખમાં નહિ, બક્ષીબાબુએ સતત અનેક લેખોમાં ગુજરાતીઓને ગર્વ અપાવ્યું છે, ગુજરાતી ભાષાને સારસ્વત બનાવી છે. ઉપર ગયા પછી બક્ષીને બક્ષીયત પ્રમાણે જ લખવાના અને, ૬૬-કરોડ દેવી-દેવતાઓમાંથી કેટલા ગુજરાતીઓ છે, એનો પણ ચોક્કસ ડેટા ગુજરાતી દેવી-દેવતાઓને લખીને આપશે. ગુજરાતીઓને ‘મહાજાતિ’ કહેનાર બક્ષીબાબુ એમને મળનાર કોઈપણ પ્રેમીને ‘યાર બાદશાહો’ કહેતા, એ બતાવે છે કે, એમના અવસાન પછી એમના નામની આગળ ‘સ્વર્ગસ્થ’ શબ્દ કરતા ‘‘બક્ષીસ્થ’’ શબ્દ વઘુ શોભે છે કારણ કે, એમના કોઈપણ ચાહકને પૂછો તો જવાબ મળશે, ‘‘એમના લખાણોએ હંમેશા સ્વર્ગની સફર કરાવી છે.’’ એ સ્વયં જીવતું-જાગતું સ્વર્ગ હતા અને આવો સ્વમાની માણસ દેહ છોડ્યા પછી કોઈ બીજાને ત્યાં-ભલે પછી એ ઈશ્વરનું સ્વર્ગ હોય, ત્યાં રહેવા ન જાય.... એમને તો સ્વયં-પ્રસ્થાપિત પોતાના સ્વર્ગમાં જ રહેવું ફાવે. સ્વર્ગના એ સ્વયં યાર-બાદશાહ હતા. ‘છાતીના વાળ’ અને ‘મરદ’ શબ્દોના આ માલિકે એવોડ્ર્સ કે ચંદ્રકો ઠૂકરાવીને એના તમામ આયોજકોને ચંદ્રક અને બક્ષી વચ્ચેના તોતિંગ તફાવતની સમજ આપી દીધી હતી. 

ૐ શાંતિ ૐ 

સિકસર 

પોતાની પહેલી જ ટેસ્ટમાં વિકેટ સચીન તેન્ડુલકરની લેનાર મોન્ટી પાનેસરને ઈંગ્લેન્ડ ગયા પછી આખું ઈંગ્લેન્ડ ધોઈ નાંખશે, 

‘‘અલ્યા મોન્ટીડા... હાળા અભાગીયા...! પહેલી વિકેટ લેવા માટે તને સચીન જ મળ્યો ? બીજો કોઈ નહિ??... છેવટે તારા જેવા પેલા પિલ્લા ભજ્જીની વિકેટ લેવી હતી....! સચીનને તો આજકાલ કુકરવાડા-વિજાપુરનું નાનું છોકરૂં ય આઉટ કરી શકે એમ છે... એમાં તેં શું ધાડ મારી ? કાંઈ સ્વમાન-બમાન જેવું છે કે નહિ ?’’

(29-03-2006 ના રોજ બુધવારની બપોરેમાં પ્રકાશિત)

18/11/2012

ઍનકાઉન્ટર 18-11-2012

૧. નિવૃત્તિ પછીનું આયુષ્ય પ્રભુએ આપેલું બોનસ છે, એ જાણવા છતાં આ ઉંમરવાળા રઘવાટ કેમ કરે રાખે છે ?
- શાંતિવાળા બધા પૅન્શનની લાઇનોમાં ઊભા હોય છે !
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૨. ‘ગુજરાત સમાચાર’માં આપની કૉલમ ‘બુધવારની બપોરે’ નૉન-સ્ટૉપ ૩૬-વર્ષોથી ચાલે છે. મારી પાસે આપના એકોએક લેખના કટિંગ્સ છે. બહુમાન આપણા બેમાંથી કોનું થવું જોઈએ ? નિખાલસતાથી કહેજો.
- બીજાં ૩૬-વર્ષ નીકળે તો આપણા બેય નું !
(ડૉ. સુલોચના વાય. ત્રિવેદી, સુરત)

૩. છુટાછેડા વખતે ઊલટા ફેરા કેમ ફરાતા નથી ?
- આમાં ય વાઇફોઝ સાથ નથી આપતી... આપણે ઊલટા ફરવા હોય તો એ કહેશે, ‘હું સીધા જ ફરીશ !’ નવા લોહીને કોઇ તક જ નહિ ? વળી, તમારા કૅસમાં આ કામ તો વિડીયોગ્રાફરે ય કરી શકે. લગ્ન વખતની વિડીયો ઊલટી ફેરવીને જોવાની.. (રીવર્સ..!)
(એમ. જી. માવદીયા, વસઇ)

૪. પ્રાચીન અને અર્વાચીન કલાકૃતિ વચ્ચે કેટલો ફરક ?
- સાસુ અને વાઇફ અંગે આડકતરા સવાલો ન પૂછો.
(હેમાંગ પી. ત્રિવેદી, પેટલાદ)

૫. હવે ગુજરાતી સાડીઓનું ચલણ કેમ જતું રહ્યું ?
- એમાં હાળું ‘ગુજરાતી’ લગાઇ જાય છે !
(મીના નાણાવટી, રાજકોટ)

૫. પેટ્રોલ અને ગૅસના ભાવો વધે રાખે છે. આ ડામ ગૃહિણીઓને જ કેમ ?
- કંઇપણ બાળવામાં ગૃહિણીઓને ફાવટ હોય છે... એ જીવની જેમ પેટ્રોલ બાળે છે ને પેટ્રોલની જેમ જીવ બાળે છે... (બીજાના !)
(જાગૃતિ પી. ગોસ્વામી, પોરબંદર)

૬. મોંઘવારીનું ‘ઍનકાઉન્ટર’ કરી શકાય ?
- રાજકારણમાં જોડાઓ.
(ધર્મેન્દ્ર સી. શાહ, અમદાવાદ)

૭. ઝડફીયા કેશુબાપાને કઇ ખાત્રી આપતા હશે ?
- ‘હમ તો ડૂબે હૈં સનમ, તુમકો ભી લે ડૂબેંગે... !’
(સુનિલ રામભાઈ પટેલ, અમદાવાદ)

૮. પુત્રના લક્ષણ પારણામાંથી, વહુના બારણાંમાંથી તો જમાઇના ?
- ધારણાંમાંથી.... (ઘરજમાઇની !)
(મિતેશ આઇ. દોશી, અમદાવાદ)

૯. તમે હાસ્યલેખો જ લખો છો, કટાક્ષ લેખો કેમ નહિ ?
- હું મોતી છું. મારૂં સગપણ છીપ સાથે છે. ખારા દરીયા સાથે નહિ !
(દેવીન્દ્રા જી. શાહ, અંજાર-કચ્છ)

૧૦. તમારા લગ્ન, ‘લવ ઍટ ફર્સ્ટ સાઇટ’નું પરિણામ છે ?
- ‘બેવકૂફી એટ ફર્સ્ટ સાઇટ !’
(મસઉદ એફ. લક્ષ્મીધર, મહુવા)

૧૧. મીડિયાએ મહાત્મા ગાંધી, ઇંદિરા ગાંધી કે રાજીવ ગાંધીની હત્યાઓ કરતા ય વઘુ કવરેજ ‘આરૂષિ મર્ડર કૅસને’ આપ્યું છે... આપણું આ મીડિયા ?
- પૂરા ૨૪-કલાકની ચૅનલો લઇને બેઠા છે. થોડી વઘુ રાહ જુઓ. આ લોકો નવેસરથી મહાત્મા ગાંધી હત્યા કૅસનું કવરેજ શરૂ કરશે.
(પલક નાણાવટી, ઓખા)

૧૨. હવેના સ્વામીઓ મર્સીડીઝ ગાડીઓથી માંડીને વિમાન-પ્રવાસો જેવા ભૌતિક સુખો ભોગવે જ છે... એમાં સુંદર શિષ્યાની સહમતિથી તોફાનમસ્તી કરતા પકડાય, તો આટલો ઉહાપોહ શાને ?
- તમે અડધા ગુજરાતને સ્વામીઓ બનવા આમ લલચાવો નહિ !
(દિનેશ સ્વરૂપચંદ મેહતા, ભૂજ)

૧૩. સંસારમાં પહેલું દહીં બન્યું હશે, એમાં મેળવણ ક્યાંથી લઇ આવ્યા હશે ?
- જ્યાંથી દૂધ લઇ આયા હોય, ત્યાંથી !
(નવનિત વ્યાસ, જેતપુર)

૧૪. તમારા પત્ની રીસાય તો મનાવવા શું કરો છો ?
- છએક મહિના રાહ જોઉં !
(હસમુખ ટી. માંડવીયા, પોરબંદર)

૧૫. યુવાનીમાં તમે કોઇને પ્રેમ કર્યો હતો કે નહિ ?
- ઘણી બધીઓને... ! પણ આજે એ લોકોને જોઉં છું તો લાગે છે, ‘હું તો સાંગોપાંગ બચી ગયો.’
(મહેશ ટી. માંડવીયા, પોરબંદર)

૧૬. પ્રેયસી પત્ની બન્યા બાદ પનોતિ કેમ લાગવા માંડે છે ?
- એ તો આપણને લાગતી હોય, બાજુવાળાને નહિ !
(જયેશ અંતાણી, ભાવનગર)

૧૭. તમને સાઘુપુરૂષો પ્રત્યે નફરત કેમ છે ?
- સાલાઓ દેશને બદલે ધર્મની પૈણ-પૈણ કરે છે માટે ! જો કે, મને પૂજ્ય ભાઇ રમેશ ઓઝા સન્માન્નીય લાગે છે.
(રાધા શાહ, વડોદરા)

૧૮. અમદાવાદના ઍરપોર્ટના ટૉયલેટમાં ચાર્જ કેમ આપવો પડે છે ?
- સરખા ‘‘ચાર્જીંગ’’ માટે !
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

૧૯. આઇટમ સોંગમાં હીરો-હીરોઇન તો સમજ્યા, પણ પાછળ બીજી બધીઓએ શું કામ નાચતી હોય છે ?
- પાપી ‘પેટ’ને માટે !
(અરવિંદ આર. પરીખ, વડોદરા)

૨૦. આપના સૌથી પ્રિય સંગીતકારો શંકર જયકિશન છે, પણ એમની યાદમાં આપે શું કર્યું ?
- આ મહાન સંગીતકારોના સ્મરણમાં અમદાવાદના અદ્‌ભુત ‘શંકર જયકિશન ફાઉન્ડેશન’ જેટલું અન્ય કોઇ ન કરી શકે.
(કવિતા જોશી, અમદાવાદ)

૨૧. ક્રિકેટમાં ‘આઇપીએલ’ એટલે ‘ઇન્ડિયાના પૈસે લીલાલહેર’ વિદેશીઓ માટે તો ભારત માટે ?
- ક્રિકેટ સિવાય બઘું !
(ડૉ. કમલેશ મોઢા, મુંબઈ)

૨૨. ‘એનકાઉન્ટર’ના સવાલોનું સીલેકશન કેવી રીતે થાય છે ?
- વાંચીને.
(રૂત્વા/ ધ્રુવી ધોળકીયા, અમદાવાદ)

૨૩. પહેલાના જમાનામાં બાળકો પિતાથી ડરતા. આજે ઊલટું છે. આપને કેમનું છે ?
- હું રોજ સવારે ઉઠીને પ્રાર્થના કરૂં છું, ‘આજે નહિ ડરૂં.’
(તપસ્યા વી. ધોળકીયા, અમદાવાદ)

૨૪. તમે પહેલેથી જ હાસ્યલેખક બનવા માંગતા હતા કે અન્ય સાહિત્યમાં ?
- સાવ શરૂઆતમાં, ‘હું હાસ્યલેખક બનવા માગું છું’, એવું કહેતો ત્યારે તંત્રીઓ ખૂબ હસી પડતા...
આજે એકે ય હસતો નથી !
(પિયુ દોશી, મુંબઇ)

****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ 
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા. 
સરનામું : ‘એનકાઉન્ટર’, 
ગુજરાત સમાચાર, ખાનપુર, 
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

13/11/2012

મહાન ડાકુ રબ્બરસિંઘ મહાકવિ બન્યો

‘‘કિતને કવિ થે?’’

‘‘દો, સરકાર.’’

‘‘વો દો કવિ થે.... ઔર તુમ તીન... ફિર ભી વાપસ આ ગયે....! ખાલી બગલથેલા?..... શાયર કે બચ્ચોં....! ક્યા સમઝકર આયે થે, કિ સરદાર બહુત ખુસ્સ હોગા, ‘રણજીતરામ’ (સુવર્ણચંદ્રક) દેગા, ક્યા...?’’

એ પછી મહાકવિ રબ્બરસિંઘ એક તૂટી ગયેલા કવિના આખા બગલથેલામાં મોઢું નાંખીને પૂછે છે, ‘‘કિત્તી ગઝલ હૈ ઇસ કે અંદર...?... કિત્તી ગઝલ હૈ...?’’ કવિ પ્રામાણિક હતો. એણે કહી દીધું, ‘‘છ ગઝલો છે સરદાર.’’

‘‘બહુત નાઇન્સાફી હોગી... ગઝલ છેહ... ઔર શાયર તીન... બહુત નાઇન્સાફી હોગી...’’

એમ કહીને રબ્બરસિંઘ ત્રણ ગઝલો જસવંતછાપ બીડી પીવામાં બાળી મૂકે છે, બગલથેલાને હવામાં ગોળગોળ ઘુમાવી દે છે ને આ તો કેમ જાણે, પરિષદ–પ્રમુખ ગત વર્ષના પારિતોષિકો જાહેર કરતા હોય એવા વાત્સલ્યથી બોલ્યો, ‘‘ઇસ બગલથૈલે મેં તીન જીંદગી ઔર તીન મૌત બંદ હૈ.... દેખે કિસે ક્યા મિલતા હૈ....!’’

માથામાં કચરા પડેલા લાંબા વાળ અને લાલપીળા ઝભ્ભા–લેંઘા ફક્ત કવિઓ અને ડાકુઓ રાખે છે. કમનસીબે, હજી કવિવર ટાગોરની કક્ષાએ ગુજરાતનો કોઇ કવિ પહોંચ્યો નથી. ટાગોર ખભાથી જમીન પર ઢસડાય એવો ‘રૉબ’ પહેરતા હતા. એકે ય કવિ માથામાં હજી નરસિં મેહતા જેવી–કપાળથી બોચી સુધીની ટોપી પહેરતો નથી. અરે, મારૂં તો એ કહેતા શરમથી માથું ઝૂકી જાય છે કે, ગુજરાતનો હાલનો એકે ય કવિ, મહાન કવિ મણીલાલ નભુભાઈ દ્વિવેદી જેટલી સંખ્યામાં સ્ત્રીઓ સાથે ‘ઘર–ઘર’ પણ રમી શકતો નથી.....!

રબ્બરનો આદેશ હતો કે, ગામ લૂંટવા જાઓ, ત્યાં કવિઓ જેવા આડાઅવળા ઝૂલ્ફા રાખવાના. જે ચટાપટાવાળા રંગો જોઇને સિપાહી પોતાની તલવાર, ધરતી પોતાનો મારગ અને તંત્રીઓ કવિતાનો પુરસ્કાર આપવાનું ભૂલી જાય છે, એ રંગોના ચોયણી–ઝભ્ભા સિવડાવવાના. આ ત્રણે ડાકૂકવિઓએ વધુ ‘ફેસન મારવા’ કંતાનના ઝભ્ભા સિવડાવ્યા હતા, એ હિસાબે ગુજરાતી સાહિત્યના ઘણા વર્તમાન કવિઓ કરતાં વધુ સારા લાગતા હતા.

પહેલા કવિના કાનમાં રબ્બરે ગઝલનો એક ટુકડો ફૂંક્યો, ‘‘મારા લમણામાં કંકુના દીવા આથમ્યા....’’ પેલો નવોદિત કવિ હતો. એને મુશાયરાના રસ્મ–ઓ–રિવાજ હજી કંઠસ્થ થયા નહોતા કે, કોઇ શાયર આટલો ટુકડો બોલે, ત્યાં જ, ‘‘ક્યા બ્બાત હૈ.... ક્યા બ્બાત હૈ’’ એમ બબ્બે વખત બોલવાનું હોય છે. એ તો એવું કાંઇ બોલ્યો નહિ. રબ્બરને નવાઈ લાગી, ‘‘બચ ગયા સાલા...’’

બીજા કવિના કાનમાં એણે બીજો શે’અર કીધો, ‘‘ચોવીસ ગુણ્યા છન્નુ, કેટલા થયા? તારા બાપનું  કપાળ, એટલા થયા...!’’ બીજા કવિએ પણ કાંઇ રિઍક્ટ કરવાને બદલે પૉકેટ કૅલક્યુલેટર કાઢ્યું ને, જીવ બચાવવા ૨૪ ગુણ્યા ૯૬ કેટલા થાય એ ગણવા માંડ્યો. એ સિવાય એની ઉપર રબ્બરની ગઝલનો કોઇ પ્રભાવ ન પડ્યો. રબ્બરને ફરી નવાઇ લાગી. ‘‘યે ભી બચ ગયા....’’ ડાકુ–કવિઓમાં સોપો પડી ગયો. હાળા રબ્બરીયાનું કાંઇ ઠેકાણું નહિ. આ બે તો બચી ગયા, તો આપણામાંથી કોઇ બે ને બોલાવીને સ્વરચિત હાઇકુ–ફાઇકુ હંભળાઇ મારશે, તો ઘેર પહોંચ્યા પછી કયા મોંઢે વાઇફ વાઈફની પાસે જઇ શકીશું? ઉત્તર ગુજરાત બાજુના વિવેચકો કહે છે કે, રબ્બરસિંઘ હાઇકુ છોડે, ત્યારે તમાકુને કારણે એના મોંઢામાંથી આજુબાજુના પચાસ–પચાસ કોસ દૂરના ગામડાં સુધી ગંધો મારતી, એમાં બાળકો સુઇ જતા.

‘‘તેરા ક્યા હોગા, કાલીયા...?’’ ત્રીજો કવિ કાળીયો એક જમાનામાં પરિષદનો પ્રમુખ પણ બન્યો હતો એટલે કે, ‘મામુ’ બન્યો હતો. એ તો રિવાજ પડી ગયો હતો કે, ચોક્કસ ડાકુ સાહિત્યકારને જ્ઞાનસત્રો  કે પરિષદના અધિવેશનોમાં આવતો બંધ કરવો હોય તો એને પ્રમુખ બનાવી દેવાનો. આમ તો સીધી રીતે કહીએ કે, પણ ‘હવે તમારા સાહિત્યના ભાવકોને હવે જરૂર નથી’, એવું કહી દો તો ઘોડે ચઢી ચઢીને આવે, પણ એક વાર એને પરિષદ–પ્રમુખ બનાવી દો, એટલે ગયો બિચારો! કાળીયાને પરિષદ–પ્રમુખ બનાવવામાં રબ્બરસિંઘનો બહુ મોટો પગ હતો.... (હાથ નહિ કારણ કે, રબ્બરના પગની ચંપીઓ કરી એ જ પગની લાતો ખાઇ ખાઇને કાળીયો આવા મોભાદાર સ્થાને પહોંચ્યો હતો.)

‘‘સરદાર, મૈંને આપકી કવિતા સુની હૈ.... જોડકણે સુને હૈં.... આપકી ગાલીયાં સુની હૈ....’’

‘‘અબ.... મેરી ગઝલ સુન....!’’ એમ કહીને રબ્બરસિંઘે કાલીયાના કાનમાં ‘માં–બેન’ની એક ગઝલ સંભળાવી. શીર્ષક હતું, ‘ગાળોમાં ગઝલ’ ને તો ય કાલીયો હલ્યો–ચલ્યો નહિ. રબ્બરને આંચકો લાગ્યો. દિગ્મુઢ થઇ ગયો. સામાન્ય રીતે તો કવિઓ પોતે દિગ્મૂઢ થતા નથી, એમના શ્રોતાઓ થતા હોય છે, પણ ત્રણે કવિઓ આરપાર નીકળી જતા રબ્બરસિંઘ બહુ હતપ્રભ થઇ ગયો. એના માનવામાં જ કાંઇ આવતું નહોતું. એ ખુંખાર હસી પડ્યો, ‘‘તીનોં બચ ગયે... તીનોં હરામજાદોં કો ગઝલ નહિ લગી... તીનોં બચ ગયે...!’’

રબ્બર હસે ત્યારે બધાએ હસવું પડે એટલે સમજ્યાજાણ્યા વિના સહુ કવિઓ હસવા માંડ્યા. એક–બેએ તો પોતાની જુની પોટશયુક્ત કવિતાઓના હવામાં ભડકા ય કર્યા.

‘‘મુશાયરા કબ હૈ...? ઉસ ઠાકૂર કે બચ્ચે કો વિવેચક કી મૌત મરના હૈ....! ’’ રબ્બર માટે હોળી કે મુશાયરો સરખી ઘટનાઓ હતી, એટલે નૅક્સ્ટ કવિ–સંમેલન ક્યારે છે, એ ડાકુઓને પૂછીને આગામી યોજનાની તૈયારીઓ જાહેર કરી. 

ડાકૂમિત્રો કામે લાગી ગયા.

અહીં અંક પહેલો પૂરો થાય છે. ઉપરોક્ત ઘટનાની પૂર્વભૂમિકા કંઇક આવી હતી:

હરામગઢના ઠાકૂર સાહેબ બન્ને હાથે ઠૂંઠા હતા. કહે છે કે, એક કવિ–સંમેલનમાં ‘ન સહેવાય, ન રહેવાય’ એવી કવિતા કોક કવિડો લલકારી રહ્યો હતો, એ સહન ન થવાની ઠાકૂર સાહેબે ફિલ્મી હીરોઇનની જેમ, બન્ને હથેળીઓ કાનો ઉપર ભારે વજનથી દાબી દઇ, ‘‘નહિં...ઇઇઇઇઇઇઇઇ’’ નામની ફૅમસ બૂમ પાડી હતી, એમાં બન્ને હાથે ઠૂંઠા થઇ ગયા હતા. મુશાયરાઓમાં રબ્બરસિંઘ ચોરી કરેલી ગઝલો અને શેર–ઓ–શાયરી લાચાર શ્રોતાઓ ઉપર બેદિલીથી ફટકારતો હતો. એનો તાપ એટલો ખૌફનાક કે રબ્બરના થેલામાં કવિતા–ગઝલોનો સ્ટૉક ખલાસ થાય, ત્યારે એના ડાકૂઓ મારતે ઘોડે ગામ ઉપર ત્રાટકીને આ ગરીબ હરામગઢવાસીઓના ઘરોમાં જે કાંઇ ઍંઠી–જૂઠી અને વધેલી–ઘટેલી શેર–શાયરીઓ ને કવિતાઓ પડી હોય, એ લૂટીને જતા રહેતા. રબ્બરના આખા વર્ષના મુશાયરાઓ એમાં નીકળી જતા.

રબ્બરના તાપથી બચવા ઠાકૂરસાહેબે જૅલમાંથી જય અને ચીરૂ નામના બે બદમાશોને હરામગઢ બોલાવ્યા હતા. એક જમાનામાં રસ્તા ઉપર કવિઓના બે જૂથો વચ્ચે ઉઘાડેછોગ થતી કવિતાબાજીઓમાં (‘ઢેખાળાબાજી’નો સાહિત્યિક અનુવાદ) જય અને ચીરૂની ગઝલોને બેફામ દાદ મળતી ઠાકૂરસાહેબે જોઇ હતી. કવિ રબ્બરસિંઘની કવિતાઓનો કચ્ચરઘાણ વાળવા આ બે બદમાશો કાફી છે, એવો એમને વિશ્વાસ.

.... અને એમનો વિશ્વાસ સાચો ઠર્યો.

મહાકવિ રબ્બરસિંઘે ગુફાસત્ર ગોઠવ્યું હતું. અન્ય ડાકૂ–સર્જકો સાથે ઊંચા ઊંચા ખડકો ઉપર એનો ખાસ ચમચો સામ્ભા ‘રબ્બરસિંઘ – સાડા પાંચ અક્ષરનું નામ’ નામનો ગ્રંથ હાથમાં લઇને બેઠો હતો. ખભે બંદૂકોને બદલે ડાકૂઓ આજે શૉલ ઓઢીને પધાર્યા હતા. વારો આવે, એમ દરેક કવિ પોતાની રચના સંભળાવતો જાય. રબ્બર હથેળીમાં તમાકુ અને ચૂનો ઘસતો ઘસતો દાદ આપતો જાય. અલબત્ત, એની દાદમાં ‘વાહ વાહ’ કે ‘ઇર્શાદ–ફિર્શાદ’ ન હોય, બંદૂકના ભડાકા હોય. કોક કવિ માઇક છોડતો જ ના હોય તો, રબ્બર એને દુનિયા છોડાવી દેતો. એક પછી એક કવિઓ આવતા ગયા ને છેલ્લે મહાકવિ રબ્બરસિંઘ પોતાનું છસ્સો પાનાનું ‘લઘુકાવ્ય’ વાંચવા ઉભા થયા. ઉપસ્થિત શ્રોતાઓએ તરન્નૂમમાં રજુઆતની માંગણી કરી, પણ બીડીના ઠૂંઠા પી પીને રબ્બરનો અવાજ દેશના વડાપ્રધાન બનવાને લાયક થઇ ગયો હતો... કેમે કરીને નીકળે જ નહી! છતાં હજી તો એ ખોંખારો ખાવાની શરૂઆત જ કરે છે ત્યાં જ, પરિષદ કાર્યાલયના ધાબા ઉપરથી જય અને ચીરૂએ કાગળના ડૂચા સ્વરૂપે, આડેધડ એક પછી એક મોટા ધમાકાઓ કરતી નઝમ, ગઝલ, હાઇકૂ, કવ્વાલી, ભક્તિકાવ્ય, અછાંદસ અને ‘કેટલાક ગણિત કાવ્યો’ સભામંડપમાં ફેંકવા માંડ્યા. રબ્બરનું મોઢું પહોળું થઇ ગયું. શ્રોતાઓમાં નાસભાગ થવા લાગી. અલબત્ત, કવિઓએ પ્રતિકાર કર્યો અને વળતા હૂમલા તરીકે જય અને ચીરૂના મોઢાં ઉપર એ લોકો પણ સ્વરચિત કવિતાઓનો ધધૂડો ઢોળવા લાગ્યા. કમનસીબે, એમાંનુ એક બાળકાવ્ય સીધું જયની છાતીની આરપાર નીકળી ગયું. આમ તો એ રચનાથી જય મરત નહિ, પણ કૉલેજના દિવસોમાં જયે જે છોકરી માટે પ્રેમગીત લખ્યું હતું, તેને એ છોકરીએ બાળકાવ્ય કહી જયનો કચરો કરી નાંખ્યો હતો. જયને ખૂબ માઠું લાગી આવ્યું હતું. ‘‘હવે હું પાકું નામું લખીશ પણ કવિતા કદી નહિ લખું...’’ એવી જંગલી–પ્રતિજ્ઞા લીધી હતી. પણ હોનીને કોણ ટાળી શક્યું છે...? રબ્બરસિંઘના ડાકૂઓ સાથેની મૂઠભેડમાં કોક કવિએ લાગ જોઇને જયની છાતી ઉપર એ જ બાળકાવ્ય... સૉરી, પ્રેમગીત ફેંક્યુ. સહેજ બી ટાઈમ બગાડ્યા વિના જય અરિહંતશરણ થયો.

મૉરલ ઑફ ધ સ્ટોરી

કવિ સંમેલનનો આધાર લઇ, કવિ ડાકૂ બની શકે છે, પણ ડાકૂ કવિ બની શકતો નથી. અલબત્ત, વાચકોએ પોતપોતાના અનુભવ મુજબ, આ નિરીક્ષણ ઉલટપુલટ કરી શકે છે. 

(ચિત્રલેખા દિવાળીઅંક 2012માં પ્રકાશિત)

11/11/2012

ઍનકાઉન્ટર 11-11-2012

1 સ્ત્રીઓ કરતા પુરુષો વધારે ખોટું બોલે છે. સુઉં કિયો છો?
- હા. તમે જુઠ્ઠું બોલ્યા છો.
(ભરત ડી. સાંખલા, ડીસા)

2 આપણા નેતાઓ પાસે એકબીજાને ગાળાગાળી કરવા સિવાય બીજો કોઇ ઍજન્ડા નથી?
- ગુજરાત કોંગ્રેસ પાસે અત્યારે ઉજળી તકો છે, મતદારોને પોતાના કરવાની, પણ મોદી સિવાય બીજું કાંઈ બોલતા જ આવડતું નથી. સત્તા પર આવો તો તમે શું કરી શકો એમ છો, એ તો કહો. અત્યારે તો એમ લાગે છે કે, શબ્દ કોષમાંથી ‘મોદી’ કાઢી નાંખો તો આ લોકો પ્રજાને ‘હેલ્લો’ પણ કહી નહિ શકે.
(બી.જે. પરમાર, તરેડ-મહુવા બંદર)

3 બધા હાસ્યલેખકો બ્રાહ્મણો છે... બીજો વ્યવસાય કેમ નહિ?
- જે ઊંચાઈ અન્યોએ વિચારી પણ ન હોય, ત્યાં શાસન કરવાની બ્રાહ્મણોને ફાવટ છે. હાસ્યલેખન જ નહિ, તમે જોઈ જુઓ, ભારતના મોટા ભાગના વડાપ્રધાનો બ્રાહ્મણો હતા. અમિતાભ બચ્ચન પણ બ્રાહ્મણ છે.
(નીલકંઠ વજીફદાર, વલસાડ)

4 ગુપ્તદાનનો મહિમા કેમ ઘટવા લાગ્યો છે?
- મને કરો... વધી જશે.
(હારૂન ખત્રી, જામ ખંભાળીયા)

5 ‘વહુના લક્ષણ બારણામાંથી’, એ કહેવત આજના સંદર્ભમાં કેટલી યથાર્થ?
- એકલી વહુઓ શું કામ...? કેટલી સાસુઓ જમાઈને પુત્ર અને વહુને દીકરી ગણે છે? ડોબાઓએ પોતાના ભવિષ્ય માટે પણ વહુ કે જમાઈને હાથ પર રાખવા જોઈએ, જેથી વૃઘ્ધાવસ્થામાં તમે ખાટલે પડ્યા હો, ત્યારે આ જ લોકો કામમાં આવશે.
(અરિવંદ આર. પટેલ, જામનગર)

6 શું તમારા સાસરે તમને ‘અશોક કુમાર’ કહે છે?
- ....... હજી બેવકૂફ જમાઈઓ પોતે નામની પાછળ ‘કુમાર’ કહેવડાવવાનો આગ્રહ રાખે છે. સાલાઓમાં શિક્ષણ નામનું રહી ગયું છે. સાસરે અમુક માનપાન તો મળવા જ જોઈએ, એવા બેવકૂફીભર્યા ખયાલોમાં રાચે છે. મારા સાસરે તો મારી સાળીઓ-સાળાઓ આજે પણ મને તુંકારે બોલાવે છે. હું વહાલથી મારા સાસુના ખોળામાં સુઈ જતો અને મારા સસુરજી (કે ઇવન પિતાશ્રી) સામે સિગારેટ પણ પીતો. ક્યાંય મારૂં માન ઓછું થયું નથી.
(કાજલ પટેલ, નડિયાદ)

7 તમે ટીવી પર જોવા મળો છો, ફિલ્મોમાં કેમ નહિ?
- યૂ સી... મારી પાસે ઈ.સ. ૨૦૧૫ સુધી તો શૂટિંગ માટેની કોઈ ડૅટ્‌સ જ નથી. યૂ નો!
(ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ-વિસાવદર)

8 પેલા રણછોડભ’ઈ મફાભ’ઈ પટેલને કેમનું છે?
- જેન્તી જોખમ અને પરવિણ ચડ્ડી જેવું જ.
(જે.કે. ઝાંઝમેરા, ભાવનગર)

9 તમારા જીવનને મહેંકતું રાખે, એ રહસ્ય શું છે?
- હું દરેકને એના વ્યક્તિત્વ મુજબ પૂરતું માન આપું છું... અપમાન હજી સુધી તો કોઈનું કર્યું નથી.
(ચેતન એચ. પટેલ, અમદાવાદ)

10 ‘કોઈ પંખો ચાલુ કરો’, ‘જવાબ પૂરો’, ‘ગોરધન’ અને ‘બા ખીજાય...’ તમારા આ તકીયા-કલામો રજીસ્ટર્ડ કરાવી લો છો કે હું કરાવી લઉં?
- રણછોડભ’ઈ મફાભ’ઈ પટેલને પૂછી જુઓ.
(પરેશ વી. સલોત, ડોમ્બીવલી)

11 ડૉક્ટર, વકીલ કે એન્જીનીયરો બનાવતી અનેક સંસ્થાઓ છે, માનવ બનાવતી એકેય સંસ્થા છે?
- તે આ પ્રશ્ન તમે કોને પૂછ્‌યો છે?
(જયેશ અંતાણી, ભાવનગર)

12 છેલ્લા વરસાદમાં તમારા પત્ની મોરની જેમ નાચ્યા હતા?
- માંડમાંડ પડતો વરસાદ ડરનો માર્યો સાવ પડવાનું ભૂલી જાય, એવા સવાલો ન પૂછો!
(અસલમ ગામેતી, વંથલી-જુનાગઢ)

13 શાંતિના દૂત કહેવાતા કબુતરો ય ચણતી વખતે એકબીજાના સાથે મારામારીઓ કેમ કરે છે?
- કારણ કે કબુતરો છે. કોંગ્રેસીઓ કે ભાજપીઓ હોત, તો બઘું ચણી લીધા પછી બધા સંપીને કહેત, ‘‘અમે તો કાંઇ ખાઘું જ નથી!’’
(ઝૂબૈદા યૂ. પૂનાવાલા, કડી)

14 શું આપણા દેશમાં લોકશાહી છે?
- ગાલી મત દો...!
(મનસુખ જતાપરા, મદાવા-જસદણ)

15 પ્રજા ઝંખે છે, એવો એકે ય નેતા દેશમાં છે કે નહિ?
- આમંત્રણ આપવાની તમારી સ્ટાઈલ ગમી!
(મીરા કે. સોઢા, સુરેન્દ્રનગર)

16 ઑલિમ્પિકમાં છ મૅડલો જીતીને આપણે ‘‘ઈતિહાસ રચ્યો...!!!’’ આ હિસાબે અમેરિકા અને ચીન શું રચતા હશે?
- ઉત્તમ રાજવ્યવસ્થા.
(રજનીકાંત મણીયાર, રાજકોટ)

17 કેશુબાપાની ‘પરિવર્તન પાર્ટી’ના ઉદય થતા પહેલા જ અસ્ત થતો કેમ દેખાય છે ? 
- મોદી સિવાયનો એક મુદ્દો તો હોવો જોઈએ ને? લોકો વૉટ કઈ આશાથી આપે?
(હરસુખ વ્યાસ, રાજકોટ)

18 સાસરે જતા પહેલા યુવતી રડે છે કેમ?
- ગયા પછી સાસરીયાઓ ન રડે માટે.
(વિમલ ચંદારાણા, વડોદરા)

19 લગ્ન પ્રસંગે સ્ત્રીઓના હાથમાં મહેંદી કેમ મૂકાય છે?
- મોંઢા ઉપર સારી ન લાગે માટે.
(શ્રીમતી ઈન્દુ ચંદારાણા, વડોદરા)

20 સતત પોતાનું ભલું ઈચ્છતો માણસ અંતે તો દુઃખી જ કેમ હોય છે?
- એ દુઃખી બુઃખી તમે હશો... અમારે તો આ વખતે દિવાળીમાં ઘૂળજી દેસમાં જવાનો નથી... ઢીંકાચીકા... ઢીંકાચીકા... હુઈ હુઈ..!
(શ્રીમતી ખુશ્બુ જોબનપુત્રા, જૂનાગઢ)

21 કોલસાની દલાલીમાં હાથ કાળા, એ કહેવત તમામ કોંગ્રેસીઓને લાગુ પડી ગઈ... હવે?
- હાથ તો જવા દિયો... મોંઢા કાળા થયા તો ય શરમ કોને છે?
(પ્રશાંતવદન વોરા, ભાવનગર)

22 ‘‘લાખ લાખ અભિનંદન’’ કહેવાય છે, પણ અભિનંદન તો એક આપો કે લાખ, શું ફરક પડે છે?
- સવાલ પૂછવા માટે તમારો ‘‘અડધો’’ આભાર.
(કિશોર વ્યાસ, ઘોઘા)

23 ગમે તેવો અર્થ વગરનો મુદ્દો ઉઠાવીને અવારનવાર સંસદ ખોરવી કેમ નાંખવામાં આવે છે?
- થોડી ગેરસમજ થાય છે. ખોરવી નાંખવામાં ‘સંસદ’ નથી આવતી, એનું સત્ર આવે છે... કાશ એ સંસદ હોત!
(વિશનજી ઠક્કર, થાણા)

****
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ 
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા. 
સરનામું : ‘એનકાઉન્ટર’, 
ગુજરાત સમાચાર, ખાનપુર, 
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

09/11/2012

દાદી મા

ઉસકો નહિ દેખા હમને કભી, પર ઉસકી જરૂરત ક્યા હોગી

ફિલ્મ : 'દાદી મા' (૬૫)

નિર્માતા : પ્રસાદ પ્રોડકશન્સ (મદ્રાસ)
દિગ્દર્શક : એલ.વી. પ્રસાદ
સંગીત : રોશન
ગીતો : મજરૂહ
રનિંગ ટાઇમ : ૧૮-રીલ્સ
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ) 


ગીતો 
૧. ચલે આયે રે હમ તો ચલે આયે હૈં, સબ સે બચા કે અંખીયા... લતા મંગેશકર
૨. જાને ના દુંગા, ના જાને દૂંગા, ટાંગે કે નીચે આ કે, પ્રાણ...મન્ના ડે-આશા
૩. ઉસકો નહિ દેખા હમને કભી, પર ઉસકી જરૂરત ક્યા હોગી...મન્ના ડે-મહેન્દ્ર.
૪. સંત લોક ફરમા ગયે જી ઇસ યુગ મેં કલયુગ આયેગા....મન્ના ડે-પૂરણ
૫. જાતા હૂં મૈં મુઝે અબ ના બુલાના, મેરી યાદ ભી અપને...મોહમ્મદ રફી
૬ મૈંને ઓર ક્યા કિયા બલમ યે હી તો કહે દિયા....આશા-મહેન્દ્ર
૭ સૂરજ સોયા સોયે ઉજાલે...જા જા નીંદિયા તુ જા....લતા મંગેશકર 

કલાકારો : અશોક કુમાર, બીના રૉય, દુર્ગા ખોટે, ડૉ. કાશીનાથ ઘાણેકર, દિલીપ રાજ, મુમતાઝ, તનૂજા, શશીકલા, મેહમુદ, રહેમાન, ચાંદ ઉસ્માની, ડૅવિડ, અબ્રાહમ, પરવિણ પૉલ, પારો, કન્હૈયાલાલ, જાનકીદાસ, મુકરી.


એ વખતે કલર ફિલ્મો નવી નવી આવવા માંડી હતી. એ વખત એટલે, સમજોને, '૬૦-નો દાયકો. સમજણા થયા ત્યારથી આપણે બધાએ બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફિલ્મો જોઈ હતી. એમાં ક્યારેક આવી ફૂલ-લૅન્થ કલર ફિલ્મ આવી જાય, એટલે મન બાગબાગ થઇ જતું. મદ્રાસના પ્રસાદ પ્રોડકશન્સનું તો સ્વચ્છ અને સામાજીક ફિલ્મો આપવામાં નામ હતું. કોઇપણ ફિલ્મ કૃષ્ણમાં આવે એટલે સારી જ હોય, એવી માન્યતા. રીલિફ રોડ પરની આ છેલ્લી ટૉકીઝમાં કમ્પાઉન્ડના ઠંડા ફૂવારા પાસે ઊભા રહેવાની મોજમસ્તી હતી. સામે રૂપમમાં ય કોઈ ઓળખીતું જોવા આવ્યું હોય. ક્યાંક ને ક્યાંક ભેગા થઈ જવાતું. કૃષ્ણ સિનેમાના ગૅટ પાસે રીક્ષામાંથી ઉતરવું જાહોજલાલી ગણાતી. પણ ઉતર્યા પછી સામે મળે એને રીક્વૅસ્ટ કરીને (ઓલમોસ્ટ યાચનાના ભાવે) પૂછવાનું, ''એ પ્લીઝ....બે એકસ્ટ્રા (ટિકીટ) છે...?'' વચમાં ટિકીટ બોલવાની કોઈ જરૂર નહિ. 'ઍકસ્ટ્રા'નો બીજો કોઇ અર્થ કોઇ ન કાઢે. સ્કૂટરવાળા તો પૈસાદાર કહેવાતા. ગાડીઓ પૂરા શહેરમાં બધી મળીને માંડ ૫૦-૧૦૦ હશે. પણ બહુમતિ અમારા લોકોની...''રૂપીયાવાળી...''!!!

એ હા. આજની જનરેશનનું ય કોઇ આ લેખમાળા વાંચતું હોય તો સમજાવી દેવું સારૂં કે, 'રૂપીયાવાળી...' એટલે તમે જે કોઇ અર્થ કાઢ્યો હોય એ નહિ...એક આખી ફિલ્મની ફ્રન્ટ-બૅન્ચની ટિકીટ એક રૂપિયામાં મળતી. અપર-સ્ટૉલ્સ રૂ. ૧.૪૦ અને આજના છોકરાઓને તો ખાટા ઓડકાર આવશે કે, બાલ્કનીના ફક્ત ૨૦ જ પૈસા વધારે...ને તો ય આખા શહેરને એ મોંઘી પડતી. પહેલા અપર ફૂલ થાય પછી જ બાલ્કની લેવાની !

એ વખતની અમારી સમજ મુજબ, ફિલ્મ 'દાદી માં'ની સ્ટારકાસ્ટમાં ખાસ કોઇ ભલીવાર નહતો. એકલા દાદામોની, પણ ખાસ બીજા લોકો માટે 'રૂપિયો' ખર્ચાય, એટલા જાણિતા નહિ પાછા...!

જેમ કે, હીરોઇન (!) બીના રૉય. આ ટાઇમે તો ફિલ્મોમાંથી ફેંકાઇને પાછી આવી હતી અને તે ય 'માં'ના રોલમાં ! ગાન્ડા જેવો એનો વર (પ્રેમનાથ) તો કે'દૂ નો ફેંકાઈ ગયો હતો. ગાન્ડા ''જેવો ?' આગળના વાક્યમાં 'ગાન્ડા જેવો' છપાઇ ગયું હોય તો અમારા પ્રૂફ-રીડરોની ભૂલ સમજીને એમને માફ કરવા. પ્રેમનાથ ગાન્ડો નહતો. દુનિયાના મોટા ભાગના લોકો પીધા પછી પાગલ થાય છે... પીધા પહેલા ગાન્ડા કાઢનારાઓમાં તો બહુ ઓછાઓએ મેદાનો માર્યા છે. આવી સુશીલ પત્નીને એ બેરહમ મારઝૂડ કરતો. ગાન્ડી તો સાચા મૅડિકલ અર્થમાં બીના રૉય થઈ ગઈ. દેવ આનંદ-દિલીપ કુમાર સાથે ફિલ્મ 'ઇન્સાનીયત'માં એ હીરોઇન હતી. 'અનારકલી', 'તાજમહાલ,' 'ઘૂંઘટ,' 'શોલે,' 'ગૌહર,' 'સંગમ,' 'કાલી ઘટા,' 'ચંગેઝખાં,' 'દુર્ગેશનંદિની,' 'વલ્લાહ ક્યા બાત હૈ,' 'મરિન ડ્રાઈવ' કે 'સુરસાગર' જગમોહને સંગીત આપેલી એકમાત્ર ફિલ્મ 'સરદાર'ની એ હીરોઇન હતી. આ ફિલ્મ 'દાદી માં'થી એ એટલું તો સાબિત કરી શકી કે, ઉપરના લિસ્ટમાં લખ્યા કરતા વધુ સારી ફિલ્મો મળી હોત, તો એ હતી એના કરતા વધુ અસરદાર હીરોઇન હતી.

તનૂજા તો ફિલ્મોમાં આવીને હજી ઊભી રહી હતી, છતાં ઍક્ટિંગની નૅચરલ ટૅલેન્ટ હોવાને કારણે હિંદી ફિલ્મોને તનૂના રૂપમાં બીજી ગીતાબાલી મળી હતી.

મુમતાઝ હજી દારાસિંઘો અને ફીરોઝખાનોની હીરોઇન હતી, એટલે અહીં એ સૅકન્ડ હીરો દિલીપરાજની પૅરમાં છે. દિલીપરાજ એટલે ઠેઠ મૂંગી ફિલ્મોના જમાનાથી એકદમ રોબસ્ટ હાઇટ-બૉડીવાળા હીરો પી.જયરાજનો સુપુત્ર. વાસ્તવિક જીવનમાં એના સર્વનામમાંથી 'સુ'નું 'કુ' કરી નાંખવું પડે, એટલે કે, 'કુપુત્ર'. આવા દેશભરમાં જાણિતા અને સન્માન્નીય વયોવૃદ્ધ પિતાને દિલીપરાજે મરતે દમ તક હેરાન કર્યા હતાં.
ફર્સ્ટ હીરો ડૉ. કાશીનાથ ઘાણેકર મરાઠી ફિલ્મો અને સ્ટેજનો સારો કલાકાર ગણાતો. હજી આજે ય મુંબઈમાં એના નામની સ્મૃતિમાં નાટયગૃહો ચાલે છે. માંજરી આંખો અને ક્યારેક એ શત્રુઘ્ન સિન્હાની નબળી કૉપી દેખાવમાં લાગે ખરો. બહુ એટલે બહુ ઓછી હાઇટને કારણે હિંદી ફિલ્મોમાં તો એ સહેજ પણ ન ચાલ્યો, પણ મરાઠી ફિલ્મોમાં કેવી રીતે ચાલી ગયો, એ કોઇપણ મરાઠી બા ને પૂછવું પડે.

આ કાશીનાથ ધાણકર સાથે સંકળાયેલો એક કિસ્સો જરા રમુજી છે. થોડા પૈસા વધુ કમાયા, એટલે બંગલો નવો લીધો અને ઘેર મિસ્ત્રીઓ બેસાડયા. ગરીબ મિસ્ત્રીઓ બિચારા નવી ફિલ્મનો પ્રીમિયર તો ક્યારે જોઈ શકવાના, એટલે કાશીનાથે એ બધાને પ્રીમિયર શોના મોંઘામૂલા ફ્રી-પાસ આપ્યા...ને બીજે દિવસે, એક રોજ પડયો-ના નામથી મિસ્ત્રીઓએ એ ચાર કલાકનું બિલ પણ આપી દીધું.

સરપ્રાઈઝીંગલી નહિ પણ ''શૉકિંગલી''...આ ફિલ્મનો ટાઇટલ રોલ અને તે પણ વૅમ્પનો દુર્ગાબાઈ ખોટેને આપવામાં આવ્યો છે. અહીં કેવું છે કે, દુર્ગા ખોટે ભાજપમાં ચાલે, મોટા અંબાજીની લાંબી લાઇનમાં ચાલે...'લી વાય'ના જીન્સમાં ય ચાલે...ઉફફો...૧૦૦મી. દોડમાં ય ચાલે, પણ ખલનાયિકાના રોલમાં સહેજ પણ ન ચાલે. મમતામયી માં તરીકે રાજેશ ખન્નાની ફિલ્મ 'આનંદ'માં કેવી ભાવનામય લાગતી હતી ? ભારતીય સંસ્કૃતિ મુજબ, આપણા દાદા-દાદી તો કેવળ લાગણીના દરીયામાં આપણને નવડાવે. વાર્તા ફિલ્મની હોય કે, કોઇ રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ નામના નવોદિત લેખકશ્રીએ લખી હોય, એ દુષ્ટ વ્યક્તિઓના રોલમાં કદાપિ ન ચાલે. સુઉં કિયો છો ? અલબત્ત, દિગ્દર્શકે ફિલ્મમાં એને એટલું ફૂટેજ કે મહત્ત્વ નથી આપ્યું, પણ વાર્તા એના કેન્દ્રસ્થાને છે. દાદી માં આવી હોય તો ના ચાલે, એ જ કારણે આ ફિલ્મ ચાલી નહિ હોય !

શશીકલાને (ફિલ્મમાં) ઝગડા કરવા/કરાવવા અને સુંદર દેખાવાનું કામ સોંપાયું છે. રહેમાન ખૂબ સારો કલાકાર પણ અહીં વેડફાઇ ગયો છે. જો કે, '૬૦-ના દાયકા પછી એક જમાનાના ભલભલા હીરાઓનું કામ ઍક્ટિંગ કરતા વેડફાવાનું વધારે આવતું. એના એ લોકોને સારા પૈસા મળતા. નહિ તો, આ ફિલ્મમાં કરણ દિવાન પણ છે, જે માંડ ૪૦-૫૦ સેકંડ માટે સ્ક્રીન પર ટકે છે. રહેમાનની વાઇફ બનતી આંખે બાંડી ચાંદબીબી ઉસ્માની આમ તો એક જમાનામાં શમ્મી કપૂરની સૌથી પહેલી ફિલ્મ 'જીવન જ્યોતિ'ની હીરોઇન હતી. બહુ ઓછાને ખબર હશે કે, રહેમાનનું સાસરું અમદાવાદના દરિયાપુરમાં હતું. જીંદગીભર ઠાઠમાઠના રોલ કરનાર આ કલાકાર ભૂખે મર્યો. મરતી વખતે દવાના પૈસા પણ નહિ ! બેનમૂન ચરીત્ર અભિનેતા કન્હૈયાલાલે કામ તો અનેક ફિલ્મોમાં કર્યું, પણ નડયું એને એનું ચરીત્ર જ ! કહે છે કે, સ્વભાવનો બહુ ફાલતુ હતો. નવાઇ લગ સકતી હૈ કિ...કન્હૈલાલ છેવટ સુધી મુંબઈની બસો અને પરાંની ટ્રેનોમાં જ ફરતો. ગાડી વાપરતો નહતો, પેટ્રોલ મોંઘું પડે ને ? તો બીજા ચરીત્ર અભિનેતા જાનકીદાસ પણ કન્હૈયાલાની જેમ અશોકકુમારના ચમચાના રોલમાં છે. પૂર્ણિમા રફી સાહેબના પેલા મધુર ગીત 'ચલ ચલ રે મુસાફિર ચલ, તુ ઇસ દુનિયા સે ચલ'ની ફિલ્મ 'પૂજા'ની હીરોઇન હતી. આ ફિલ્મ 'પૂજા' ઉપરથી બેઠી નકલ કરીને આશા પારેખ-રાજેશ ખન્નાની ફિલ્મ 'કટી પતંગ' બનાવવામાં આવી હતી.

મેહમુદ ન હોત તો આ ફિલ્મ થીયેટરના પ્રોજૅક્શન-રૂમમાં કામ કરતો સ્ટાફે ય આ ફિલ્મ ન જોત. મેહમુદ બેશક આજ સુધીનો સર્વોત્તમ કૉમેડિયન હતો. એની પાસે તમામ રોલ જુદા લિબાસ, જુદા લહેજા, જુદા અવાજ અને જુદા અંદાઝથી પેશ કરવાની ખૂબી હતી. આ ફિલ્મનું એક માત્ર જમાપાસું એટલે, અશોક કુમાર અને બીના રૉયની જેમ મેહમુદની પણ લાજવાબ ઍક્ટિંગ હતી.

એક વખતની મોટા ભાગની સામાજિક ફિલ્મોને મૅલોડ્રામા બનાવવામાં આવતી. હીરોઇન તો રડે જ, એની બા ય રડે જ, થીયૅટરમાં બેઠેલી મહિલાઓ રડે જ, એને ફિલ્મની સફળતા કહેવામાં આવતી. ફિલ્મની વાર્તા પંડિત મુખરામ શર્મા જેવા સાહિત્યકારે લખ્યા હોવા છતાં વાર્તા કોઇ લલ્લુ-પંજુએ લખી હોય એવી વાહિયાત છે. આ ફિલ્મની વાર્તા જોયા પછી એમને 'પં. મુખરામ' નહિ, ''મુર્ખરામ શર્મા'' કહેવા પડે ! એક શહેરના એક જ પરિવારના બે મહેલોમાં રાજા સાહેબ (અશોક કુમાર) અને તેમની સૌતેલી માં (દુર્ગાતાઇ ખોટે) વચ્ચે વર્ષો જૂનું વેરઝેર ચાલ્યું આવે છે. બદલા, બદલા...ને બસ, બદલા...! પણ આખી ફિલ્મ પૂરી થાય છે ત્યાં સુધી એ બન્ને એકબીજા ઉપર બદલો કઇ વાતનો લેવા માંગે છે, તે આજે ફિલ્મના ૪૭-વર્ષ પછી ય કોઇને ખબર પડી નથી. (કોક કહેતું'તું કે, એ તો ફિલ્મમાં કામ કરનારાઓને પડી હોય તો આપણને પડે ને...? જે શી ક્રસ્ણ. ખૂંખાર ઝેરીલા અને ગુસ્સાવાળા રાજા સા'બની રાણી એટલે આર્યનારી, સુશીલ અને સુંદર બીના રૉય. એ પોતાના ભાઇ રહેમાન સાથે સંબંધ રાખવા જાય છે, એમાં રાજા સાહેબ એને ઘરમાંથી કાઢી મૂકે છે. (પરમેશ્વર કરે...આવા ભાઇઓ સહુ બહેનોને મળે...!) ત્યાં એ ગર્ભવતી બને છે. સાથે સાથે, દાદીમાંવાળા કુટુંબની 'બહુ' પૂર્ણિમા પણ પ્રૅગ્નન્ટ બને છે. પૂર્ણી તો આ કામ પત્યું એટલે ગૂજરી જાય છે, પણ બાળકનો ભાર રહેમાનને માથે નાંખતી જાય છે. રહેમાન ડૉક્ટર છે, અનાથ આશ્રમનો બુકિંગ-ક્લાર્ક નહિ, એટલે એ બાળકને બારોબાર બીના રૉયને પધરાવે છે. રાજા સા'બને ખબર પડે તો લાફાલાફી થઇ જાય, એટલે પૂર્ણીના દીકરાને એ અનાથ જાહેર કરીને દીકરાની જેમ ઉછેરે છે, પણ ભૂલમાં રાજો પોતાના નહિ, પણ પૂર્ણીના દીકરાને પોતાનો સમજીને ઉઠાવી જાય છે. હવે વાર્તાલેખક અને પ્રેક્ષકો બન્ને પૂરા ભરાઇ જાય છે. વાર્તાને ક્યાં લઇ જવી, એની ખબર તો ફિલ્મ ઉતારતા પહેલા ય નહોતી પડી, એટલે અધવચ્ચે તો ક્યાંથી પડે ? મોટા થઇને એ બન્ને છોકરાઓ પહેલું કામ મહત્ત્વનું કરી દે છે...ફિલ્મના દિગ્દર્શકે એમને વહેંચી આપેલી તનૂજા અને મુમતાઝને પ્રેમો કરવાનું ! આપણે બધા પર્સનલ લાઇફોમાં પ્રેમ કે પ્રેમોમાં પડયા પછી રામ કસમ, એક ગીત ગાયું હોત તો ફૂલટાઇમ કુંવારા રહી જાત...પણ ફિલ્મોમાં તો આ લોકો ન ગાય તો કૂંવારા મરે. માટે ચારે ય ને શક્તિ મુજબ ગીતો ગાવા મળે છે. સામાન્ય રીતે, એલ.વી. પ્રસાદની ફિલ્મોમાં મારામારીઓ ન હોય...એ આપણે ઘેર જઇને કરી લેવાની, પણ અહીં તો ફિલ્મ સાથે સંકળાયેલા સહુની બુદ્ધિઝ નાઠી હતી, એટલે અર્થ વગરની મારામારીઓ બતાવાઇ છે. ફાઇટ-માસ્ટરો ય ઠેકાણા વગરના, એટલે ફેંટ તમને મોંઢાથી દોઢેક ફૂટ દૂરથી મારેલી દેખાય, છતાં બે ગુલાંટો ખાવાની જ !

રોશનનું સંગીત ખાસ કાંઇ અપેક્ષાઓ સંતોષી ન શક્યું. યસ. આપણા રફી સાહેબનું ખૂબ મીઠડું અને લાગણીમય ગીત 'જાતા હૂં મૈં મુઝે અબ ના બુલાના...' અહીં કાશીનાથ ઉપર ફિલ્માયું છે. જગતભરની માતાઓને ગમે એવું પુરૂષ-યુગલ ગીત 'ઉસકો નહિ દેખા હમને કભી...' અહીં કાશીનાથ અને દિલીપરાજે ગાયું છે.

દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડના વિજેતા એલ.વી. પ્રસાદ મદ્રાસથી સામાજિક અને હેતુલક્ષી ફિલ્મો હિંદીમાં બનાવવા માટે જાણિતા હતા. એમના નામની વિશાખાપટ્ટનમ અને હૈદ્રાબાદમાં આંખની હોસ્પિટલો ચાલે છે. વર્ષો પહેલાં રાજ કપૂર અને મીના કુમારીને લઇને 'શારદા'નામની અદ્ભૂત ફિલ્મ બનાવી હતી, જેમાં પ્રેમી રાજ કપૂરને પ્રેમિકા મીના કુમારીને જ 'માં' કહેવાનો વખત આવે છે. ફિલ્મ 'દાદી માં' પછી એલ.વી. પ્રસાદે તનૂજા-જીતેન્દ્રને લઈને 'જીને કી રાહ' બનાવી. સંજીવ કુમાર-મુમતાઝ સાથે ફિલ્મ 'ખિલૌના' બનાવી. બહુ પૈસાપાત્ર માણસ હતો. જૂની ફિલ્મોના ટાઇટલ્સમાં પ્રસાદ સ્ટુડિયો. લૅબોરેટરી કે વિતરણમાં તમે નામ વાંચ્યું હશે. એ જે હોય તે...'૬૦-ના દાયકાની મોટા ભાગની ફિલ્મોનું એક સુખ હતું. એમાંની મોટા ભાગની ફિલ્મો આપણે જોઇ ન હોય તો આજે ખરખરો કરવો પડે એમ નથી.

07/11/2012

મોબાઇલીયાઓનો ત્રાસ...!

ભગવાન પરશુરામે સમગ્ર ધરતીને નક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. મતલબ, આ ધરતી પર કોઈ ક્ષત્રીય બચવો ન જોઈએ. એ બ્રાહ્મણ હતા. જાતે મરવાના થયા હતા બધા ક્ષત્રીયોને તો મરાયા નહિ. બ્રાહ્મણોનું કામ મારવાનું નહીં, મરવાનું હોય, એ સમજ ટાઇમસર આવી ગઈ એટલે 'બ્રાહ્મણો' બચી ગયા !

પણ આજે બીજો પરશુરામ જાગી ઉઠયો છે, જેને દુનિયા 'અશોક દવે'ના નામથી ઓળખે છે. હું ક્ષત્રીયોનો નહિ, મોબાઇલીયાઓનો સંહાર કરવા માંગુ છું. આવતીકાલના મંગળ પ્રભાતે નેહરુબ્રિજની પાળી ઉપર ચઢીને અવાજની પૂરી બુલંદીથી એલાન કરવા માંગું છું કે, જે દિવસે મારા શરીરમાં દાઉદ ઇબ્રાહિમનો જીવતો આત્મા પ્રવેશ્યો, એ દિવસે ગુજરાતના તમામ (SMS) એસએમએસીયા અને ઇ-મેઇલીયાઓનો કચ્ચરઘાણ વાળી નાંખીશ. કોઈને છોડીશ નહિ. લોકો રોજ સવારે નવરા પડે છે ને મારા કોઈ વાંકગૂનાહ વગર મને SMS ઠોકે છે. મારું જીવન ખાડે ગયું હશે, મારે હવે સારા વિચારો કરવાની ખૂબ જરૂર છે, મારી લાઇફમાં કોઈ ઉચ્ચ કોટીના જ્ઞાનનો પ્રકાશ પથરાવવો જોઈએ, મારે હસવું જરૂરી છે અથવા ઉર્દૂ શેર-ઓ-શાયરીઓથી મારો હાલનો હાસ્યલેખકનો દેખાવ શાયર જેવો થઈ શકશે, એવી શુભેચ્છાઓ સાથે આ લોકો રોજ મંડી પડે છે. મને ઉત્તમ વિચારોના SMS ઠોકવા અથવા જોક્સ મોકલવા, એમના માટે મફતીયું થઈ ગયું છે. એ બધાનો હવે અંતિમ સમય આવી ગયો છે. હું એ સહુને હણીને જંપીશ. પરમાત્મા મારી રક્ષા કરજો, કારણ કે હું નથી જાણતો કે હું શું કરી રહ્યો છું. (એમને હણવા માટે મારી પાસે કાતિલ ઝેર પડયું છે. એટલે કે, એમના SMS ના બદલામાં હું એમને મારા લેખો વાંચવા મોકલવાનો છું. દુનિયા નહીં તો શહેર છોડીને ભાગી ન જાય તો આપણું નામ જેન્તી જોખમ રાખી દેજો...! આપણો ગુસ્સો બહુ ખરાબ...!)


કાંઈ પણ કામધંધા વિનાના આ નવરાઓ આપણને SMS શું કામ મોકલતા હશે, એના મે કેટલાક સંશોધનો કર્યા છે. કેટલાક એટલે બે. (આમાનું પ્રથમ સંશોધન તદ્દન ફાલતુ છે, પણ બીજું તો મારા ય ગળે ઉતરે એવું નથી છતાં અમારા સાહિત્યની ભાષામાં જે પુસ્તક ચાલે એવું ન હોય, એને 'વિના મૂલ્યે ભેટ' તરીકે ગામ આખાને બઝાડી દેવાય. ઘણીવાર ગેસની સગડીના ચાર પાયામાંથી એક પાયો ઉંચો થઈ ગયો હોય, તો ત્યાં આવું પુસ્તક ભરાવવાના બહુ કામમાં આવે છે.)

સંશોધન પહેલું : સરકાર કોઈનો સંહાર કરવા માટે હથિયાર રાખવા દેતી નથી, પણ એ જ કામ માટે મોબાઇલ ફોન રાખવા દે છે. કોઈને રીવોલ્વર- છરાથી મારવો ઇ.પી.કો. મુજબ ગુન્હો બને છે, પણ SMS ઠોકી ઠોકીને કોઈને લાંબો કરી નાખવામાં કોઈ ગુન્હો બનતો નથી.

સંશોધન બીજું : મૃત્યુના કોઈ ૨૫- ૫૦ કે ૫૦૦ પ્રકારો શોધાયા નથી. એ એક જ ટાઇપનું છે. સીધા ઢબી જાઓ- શ્વાસબાસ લીધા વિનાના, એટલે તમે મરી ગયા કહેવાઓ. આ સિવાય અન્ય કોઈ પ્રકારે મૃત્યુ થતું નથી. પણ મહાન અશોકે નવું મૃત્યુ શોધી કાઢ્યું છે, જે તમને કલાકે- કલાકે કે મિનિટે- મિનિટે મારી શકે છે, જેનું નામ છે, મોબાઇલ- મૌત, જો જીને ભી નહિ દેતા ઓર મરને ભી નહિ દેતા... હાહ... ! મનુષ્ય દેહ માટે સૌથી કાતિલ ઝેર પોટેશિયમ- સાયનાઇડ મનાયુ છે, તેમ મોબાઇલના વિશ્વમાં SMS ને સાયનાઇડથી ય વધુ કાતિલ ઝેર મનાયું છે. પેલામાં શું કે, સીધું ઢફ જ થવાનું હોય છે. મોબાઇલીયા મૌતમાં નથી તમે જીવી શકતા, નથી અરિહંત શરણ થઈ શકતા... કટકે- કટકે જીવો છો ને કટકે કટકે મરો છો.

આમાં એ લોકોના બાપનું શું જાય છે ? (જવાબ : કાંઈ નથી જતું. જવાબ પૂરો) કાચી સેકન્ડમાં ગ્રુપ SMS દ્વારા એક સાથે હજાર હાથીઓ હણી શકાય, એટલે એમને તો ખાલી બટન જ દાબવાનું. આપણે કામમાં બેઠા હોઈએ ને મોબાઇલમાં 'ટુન્ગ...' વાગે, એટલે કોઈ મરી ગયું લાગે છે, એવા ફફડીને SMS કરનારનું સ્ક્રીન પર નામ વાંચીએ. નામ વાંચીને જીવ બળી જાય ને નિરાશ થઈ જવાય કે, એ પોતે તો હજી જીવતો છે. આગળનું બટન દબાવીએ ત્યાં સુધીમાં એના ફેમિલીમાંથી એક પછી એક સહુને ધ્રૂજતા મોબાઇલે યાદ કરીએ, એ નહિ તો ઘરનું બીજું કોણ ઉકલી ગયું હશે ? એની વાઇફ તો જોવી ગમે એવી છે... એને આમ મોબાઇલના મૌતે મરવા ન દેવાય. એના ફાધર ડચૂક- ડચૂક હતા, એ ભલે જતા. એની ડોસી બીજા પચ્ચીને મારીને મરે એવી છે, એટલે એ તો નહીં જ ગઈ હોય, તો પછી આ કોના આખરી ડચકા હશે ? આપણે ગભરાઈ ના જઇએ ! અને SMS ખોલીએ એમાં લખ્યું હોય, 'આ ધનતેરસ આપને ખૂબ ફળે, એવી ઇશ્વરને પ્રાર્થના...' તારી જાતના...! મારી ધનતેરસ સુધરે એના સંદેશા તું મને શેનો મોકલાવે છે ? ગામ આખાનું કરી નાંખ્યું છે ને હિસાબ પેટે હજી તારી પાસે મારે રૂ. ૨૬૪/- લેવાના નીકળે છે. મારી ધનતેરસ સુધારવી હોય તો સાંજના ઘરે જ છું... લાખ બે લાખ મોકલાવી દે.... ને પછી ધનતેરસ સુધારવાની વાત કર... ધનતેરસ જ નહિ, મારી કાળી ચૌદશે ય સુધરી જશે, પણ એક ૫૦ પૈસાના SMS માં તું મને શેનો ખુશ કરવા માંગે છે ?

સવાલ એકાદો SMS ખોલવાનો નથી. એની વિધિ લાંબી અને કંટાળાજનક હોય, તેનો છે. આપણા મેસેજ ફોલ્ડરમાં કોઈ છસ્સો- સાતસો પડયા હોય, એ જોવા પહેલા મોબાઇલના મેનુંમાં જવાનું. ત્યાંથી મેસેજિંગમાં જવાનું, એ પછી ઇનબોક્સ ખોલવાનું, એ પછી પેલાના નામ ઉપર ક્લિક કરવાની, ત્યારે ખુલે. ખુલ્યા પછી એના બાપે રામાયણ લખી હોય, એમ આનો આખો SMS નીચ ઉતારતા જવાનું... આટલું વાંચતા તમને કંટાળો આવે છે, તો ખોલતા અમારી શી દશા થતી હશે ? મોકલે એમની બાઓને... ! ખબર તો પડે કે, આવા SMS વાંચીને એ બધીઓ કેવી ખીજાય છે !

આ તો સ્ટોર થયેલા SMS ની રમઝટ છે. હેરાન તો ત્યારે થવાય કે, આપણે કોઈ મહાન યજ્ઞ કરવા બેઠા હોઈએ અને તન અને મનથી ખૂબ બીઝી હોઈએ (સમજો છો ને ?) એ વખતે અચાનક મોબાઇલનું 'ટુન્ગ' વાગે એટલે મોબાઇલમાં માથું નાખવાનું. એક ખોલ્યો, વાંચ્યો, નિરાશ થયા કે કોઈ ગયું નથી, એને રદબાતલ કર્યો, બીજો ખોલ્યો, 'સન્ટા-બન્ટા'નો ૩૩,૦૦૦ વર્ષ જૂનો કોઈક જોક હોય, એ વાંચવો પડે અને વાંચી લીધા પછી અહીં ન લખાય પણ મનમાં બોલાય એવી ગાળ બોલવાની. તો આવતા જન્મે મોક્ષ મળે. મોકલનારના બાપનું તો કાંઈ જતું નથી, એટલે આપણે ત્રીજો ખોલીએ, અહીં આપણને ગુજરાતીમાં સરખી સમજ પડતી નથી ને પેલાએ ઉર્દૂ-ફારસી જબાનવાળો કોઈ શૅ'ર મોકલ્યો હોય... તારી ભલી થાય ચમના... જે દહાડે મારી હટી ગઈ, એ દહાડે હું તને 'બ્રેઇલ લિપિ'માં SMS મોકલીશ. ઉર્દૂમાં મને મેક્સિમમ... 'મુહબ્બત' શબ્દ આવડે છે કારણ કે એ કામ મને આવડતું નહોતું ત્યાં આ શૅરમાં * * * સર-ઓ-સામાં નીકલા, કૈસી તસ્વીર કે પર્દે મેં પૂરીયા નીકલા...' આમાં શું સમજવું, એ તો પછીની વાત છે, પણ આ શૅ'ર સાથે મારા આખા ખાનદાનને શી લેવાદેવા ?

સામ્મેની ભીંત ઉપર મોબાઇલનો છૂટો ઘા કરવાનું ઝનૂન ન ઉપડે ? (જવાબ : મોબાઇલ આપણો હોય તો ન ઉપડે ! જવાબ પૂરો.) ઓ. કે. મોબાઇલ તો આપણો જ હોયપણ એ SMS મોકલનારને ઉપાડીને સીધ્ધો સામેની ભીંત ઉપર પછાડવો ન જોઈએ ? (જવાબ : મોકલનાર એની વાઇફ હોય તો ઉપાડીએ...પણ એ પોતે હોય તો કમરના મણકા આપણા ખસી જાય ! જવાબ પૂરો)

મારી ઉપર રોજના એવરેજ અઢીસો SMS આવે છે. એટલા તો તમારે ય આવતા હશે, પણ તમે તો નવરા છો, હું નથી. આમ મારે બીજું કોઈ કામ છે નહિ, પણ રોજના ૨૫૦ SMS વાંચવામાં હું લાંબો થઈ જાઉ છું. તમે લોકો એવા બદમાશો છો. આવેલા તમામ SMS કાચી સેકન્ડમાં તમે ઉડાડી મારો છો ને હું ભરાઈ જાઉં છું. એક એક ખોલી ખોલીને વાંચવાનો ! (પેલી લાલચ હોય ને કે, હાળો ઢબી ગયો લાગે છે...! ને આમે ય, સફેદ ઝભ્ભા- લેંઘામાં હું જરા વધારે રૂપાળો લાગું છું !)

હવે તૈયાર રહેજો. શરુઆત ધનતેરસના SMS થી થવાની.

હજી આપણો ફફડાટ તો આવતા વીકથી શરુ થવાનો છે. દિવાળી આવે છે એટલે એ લોકો ઘેર બેઠા સાલા મઠીયા- ફઠીયાનો ય ખર્ચો કર્યા વિના આપણને દીપાવલીની શુભેચ્છા મોકલાવશે. મારે સમજવાનું હજી બાકી છે કે, મારી દિવાળી સુધારીને એમને શું કામ છે ? મેં તો ઓર્ડર આપ્યો નથી.

સિક્સર

- આ તો માની લો કે, ગુજરાતમાં કોંગ્રેસ આવે.. તો આજે એમને ય ખબર નથી કે મુખ્યમંત્રી બનવા કોણ વધુ લાયક છે... શક્તિસિંહ, મોઢવાડીયા, સિદ્ધાર્થ, શંકરસિંહ કે નરહરી... ?

- સર જી, ત્યાં એવો ઝઘડો થાય જ નહિ ! એ લોકો ય એટલા મોટા સપના નથી જોતાં...!