Search This Blog

30/09/2016

'બોમ્બે ટૉકી' (૭૦)

ફિલ્મ : 'બોમ્બે ટૉકી' (૭૦)
 નિર્માતા : મર્ચન્ટ-આઈવરી પ્રોડકશન્સ
દિગ્દર્શક : જેમ્સ આઈવરી
લેખિકા : રૂથ પ્રાવર ઝાબવાલા
સંગીત : શંકર-જયકિશન
ગીતો : હસરત જયપુરી
રનિંગ ટાઈમ : ૧૧૨-મિનિટ્સ : ૧૫-રીલ્સ
કલાકારો : શશી કપૂર, જેનિફર કૅન્ડલ, અપર્ણા સૅન, હૅલન, ઝીયા મોહિયુદ્દિન (પાકિસ્તાની કલાકાર), નાદિરા, જલાલ આગા, અનવર અલી (મેહમુદનો ભાઈ), પિન્ચુ કપૂર, સુલોચના (રૂબી), મિર્ઝા મુશર્રફ, ઇફ્તેખાર અને ઉત્પલ દત્ત.
ગીતો
૧. ગૂડ ટાઇમ્સ ઍન્ડ બૅડ ટાઈમ્સ... ઉષા ઐયર (ઉત્થુપ)
૨. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત... ઉષા ઐયર
૩. તુમ મેરે પ્યાર કી દુનિયા મેં બસી હો જબ સે... મુહમ્મદ રફી
૪. ટીપ ટીપ ટીપ ટાઈપરાઈટર... આશા ભોંસલે-કિશોરકુમાર

ટ્રાફિકવાળા રોડ ઉપર ચાર મજૂરો કોઈ હોર્ડિંગ્સ ઊંચકીને જતા હોય, એ કૅમેરામાં પ્રેક્ષકોને પ્રથમ નજરે તો ટ્રાફિકનો જ એક ભાગ લાગે, પણ હોર્ડિંગ્સ સીધું થાય ત્યારે ફિલ્મ 'બોમ્બે ટૉકી'નું એ વિરાટ પોસ્ટર નજરે પડે. ફિલ્મના પૂરા ટાઈટલ્સ હાથે ચીતરેલા આવા હોર્ડિંગ્સ ઉપરથી બનેલા છે.

આવો ક્રીયૅટિવ આઈડિયા સૌ પ્રથમ શશીકપૂરની આ ફિલ્મ 'બોમ્બે ટૉકી ફિલ્મના દિગ્દર્શક જૅમ્સ આઈવરીએ વાપર્યો.' તે એ પછી આવેલી અનેક હિંદી ફિલ્મોમાં એટલો બધો ચોરાયો કે, મૂળ ચોરી તો જૅમ્સ આઈવરીએ કરી હશે, એવું આપણું બ્રેઇનવૉશ થાય !

ઓકે. આખો લેખ વાંચવામાં તમને રસ જળવાઈ રહે, એટલા માટે ફિલ્મ સાથે જોડાયેલી -વાંચવી જરા ગમે એવી-વાતો કહી દઉં, પછી ફિલ્મ વિશે (જો જગ્યા બચતી હશે તો) લખીશું.

(૧) હોલીવુડની ઇંગ્લિશ ફિલ્મમાં હીરો તરીકે ચમકનાર શશી કપૂર સૌથી પહેલો એક્ટર હતો, એમ તો આઈ.એસ.જોહરે થોડીઘણી ઇંગ્લિશ ફિલ્મોમાં કામ ચોક્કસ કર્યું હતું. પણ એ તદ્દન સાઈડી તરીકે (જેમ કે, Lawrence of Arabia)માં એ હીરો લૉરેન્સ (પીટર ઓ'ટુલ)ને હાથે મરે છે, એ એની 'સિદ્ધિ'!) અલબત્ત, કબિર બેદી, સિમી ગ્રેવાલ અને ફિરોઝ ખાન જેવા અનેક કલાકારો હૉલીવુડમાં આવવા ખાતર આવી ગયા છે, પણ એ બધામાં નામ એકલો શશી કપૂર કમાયો.

(૨) શશી મુંબઇમાં 'ઇંગ્લિશ કપૂર' તરીકે ઓળખાતો. પરણ્યો પણ ઇંગ્લિશ-લૅડી જેનિફર કૅન્ડલને અને 'ધી હાઉસ હોલ્ડર' (લીલા નાયડૂ સાથે), હીટ ઍન્ડ ડસ્ટ (જૂલી ક્રિસ્ટી અને ગ્રેટા સક્ચી સાથે), 'ધી ગુરૂ', 'સિદ્ધાર્થ' (સિમી ગ્રેવાલ સાથે), 'શૅક્સપિયરવાલા' (શશીની ઇંગ્લિશ સાળી, 'ફૅલિસિટિ કૅન્ડલ' હીરોઇન તરીકે... 'ફેસિલિટી' નહિ, ગુરૂ... 'ફેલિસિટી'!) ૩૬ ચૌરંગી લૅન, 'ઇન કસ્ટડી', 'સેમી એન્ડ રોઝી ગૅટ લૅઇડ' (ફ્રાન્સિસ બાર્બર સાથે) ધી ડીસિવર્સ (જેમ્સ બૉન્ડ તરીકે ચમકેલા પિયર્સ બ્રોસ્નન સાથે), 'ઇન કસ્ટડી' શબાના આઝમી સાથે. જે ફિલ્મ ભારતમાં પ્રતિબંધિત હતી તે પાકિસ્તાનના કાયદે-આઝમ ઉપર આધારિત 'જીન્નાહ' (જેમાં ઝીણાનો કિરદાર ડ્રેક્યુલાથી પ્રસિદ્ધ અથવા અળખામણો થયેલો ક્રિસ્ટોફર લિ કરે છે). 'સાઇડ સ્ટ્રીટ્સ' (વૅલેરિયા ગોલિનો અને શબાના આઝમી), 'ધી ડર્ટી બ્રિટિશ બૉયઝ' (જ્યોર્જ ક્રિસ્ટોફર), 'પ્રીટી પૉલી' (હૅઇલી મિલ્સ સાથે)નો સમાવેશ થાય છે.

(૩) ઇંગ્લિશ ફિલ્મ હોવા છતાં એમાં બે ગીતો ઇંગ્લિશમાં અને બે હિંદીમાં રખાયા હતા. ઉષા ઉત્થુપ પરણી નહતી અને શરીરે સપ્રમાણ હતી. એટલે આજે તો તમે એ વખતની ઉષાને ઓળખી ન શકો, એટલી પાતળી પરમાર લાગે. એ પરણી જાની ચાકો ઉત્થુપને એટલે ઉષા ઐયરમાંથી ઉષા ઉત્થુપ બની ગઈ.

ઓડિયન્સે ભલે એને પહેલી વાર અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા'માં જોઈ-સાંભળી હોય, પણ એને પારખીને પહેલો ચાન્સ આપનાર શશી કપૂર હતો. આજની ફિલ્મ 'બૉમ્બે ટૉકી'માં ઉષાના બે ગીતો છે.

(૪) મુહમ્મદ રફીના ચાહકો ઘરબાર વેચી દે, તો ય ઉપકાર પૂરો ન થાય, એવું રંગરંગીલું સોલો 'તુમ મેરે પ્યાર કી દુનિયા મેં બસી હો જબ સે, ઝરેં ઝરેં મેં મુઝે પ્યાર નઝર આતા હૈ...' આ ફિલ્મ માટે શંકર-જયકિશને બનાવ્યું હતું. આ ગીત તો રફીના ખૂબ નજીક ગયેલા ચાહક હો તો જ તમારા કલેકશનમાંથી મળી આવે ! ન હોય, તો મંગાવી લેવા જેવું શંકર-જયકિશનીયું ગીત છે !

પણ ચમત્કાર ગણો તો ચમત્કાર પણ શંકર-જયકિશનના આસિસ્ટન્ટસ દત્તારામ અને સેબાસ્ટિયન-એ બે ના નામો તમે વાંચ્યા હશે, એમાંના દત્તારામ રૅકોર્ડિંગ સ્ટુડિયોમાં રફીના કંઠે આ ગીત ગાય છે. આ રેકોર્ડિંગમાં ગીતકાર હસરત જયપુરી પણ કાચી સેકન્ડ માટે જોઈ શકાય છે. ખાસ તો, શંકર-જયકિશન કેવી વિરાટ ઓરકેસ્ટ્રા કન્ડક્ટ કરતા હતા, એ આખું દ્રષ્ય આ ગીતમાં જોવા મળે છે. અફ કૉર્સ, ફિલ્મમાં તો આ ગીત પૂરી એક લાઈને ય ગવાતું નથી.

(૫) જૅમ્સ આઈવરી અને ઇસ્માઇલ મર્ચન્ટ ભાગીદારીમાં ઇંગ્લિશ ફિલ્મો બનાવતા, જેમાં હીરો તો શશી કપૂર જ હોય, પણ દર વખતની જેમ આ ફિલ્મ 'બૉમ્બે ટૉકી'માં પણ અધવચ્ચે એમની પાસેની નાણાની કોથળી ખલાસ થઇ ગઈ... વખત બાવા બનવાનો આવ્યો. શશીએ તો એ બન્નેને દર વખતે ફી નહી લઇને કે ઓછી ફી લઇને મદદો કરી જ હતી, પણ આ વખતે... એની ય કોઈ લિમિટ હોય ને ?

ઇસ્માઇલ મર્ચન્ટ જૅનિફરને વધુ જાણતો હતો. એણે જેનીને કન્વિન્સ કરી દીધી અને એના પતિ શશી કપૂરની જાણ બહાર જરૂરી રકમ શશીના જ ખજાનામાથી જૅનીએ ઇસ્માઇલને આપી દીધી. ફિલ્મ તો પૂરી થઇ ગઈ, પણ શશીને આજ સુધી આ વાતની ખબર પડી નથી !

જો કે, ઇસ્માઇલે એ બધી રકમ જેનીફરને સૂચ સમેત પાછી આપી દીધી હતી.

(૬) પાકિસ્તાની ઍક્ટર ઝીયા મોહિયુદ્દીન પણ ઇન્ટરનૅશનલ-સ્ટાર હતો. આ ઉપરાંત ઝીયાએ પીટર ઓ'ટુલવાળી 'લોરેન્સ ઓફ અરેબિયા' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

(૭) જૅનિફર તો શશીની જ વાઇફ હતી, પરંતુ જૅનીના ફાધર જ્યોફરી કૅન્ડલને આ સંબંધ સહેજ પણ મંજૂર નહતો. એ તો જૅની અડગ રહી, એટલે ડોહાનું કાંઈ ન ચાલ્યું.

(૮) ફિલ્મમાં શશી કપૂરની પત્ની બનતી બંગાળી એક્ટ્રેસ અપર્ણા સેનના કહેવા મુજબ, ફિલ્મના એક દ્રષ્યમાં અચાનક જ તેને કહેવામાં આવ્યું કે, તેને શશી કપૂરને હોઠ પર ચુંબન કરવાનું છે. એ ડઘાઈ ગઈ. પણ એ જ શોટ ખૂબ આસાનીથી આપી ય દીધો.

હિંદી ફિલ્મોમં પ્રથમ ચુંબન વખતે હીરોઇનોમાં આવું ડઘાઇ જવાનું બહુ હોય !... પછી હીરાઓ ડઘાઇ જતા હોય !

મોટા ભાઈ શમ્મી કપૂરે કારકિર્દીના પ્રારંભની સળંગ ૧૮ ફ્લોપ ફિલ્મો આપી. એટલી બધી શશીએ નહોતી આપી, પણ એના નામનું લેબલ 'ફ્લોપ-હીરો'નું બેશક લાગી ગયું હતું. પણ 'આ ગલે લગ જા' અને 'ચોર મચાયે શોર'ની દોમદોમ સફળતા પછી કરોડો કમાયેલા શશી પાસે પૈસો જ પૈસો હતો, જે એને સ્ટેજ અને અર્થપૂર્ણ ફિલ્મોમાં નાંખવો હતો. એ વાત જુદી છે કે, આવી અર્થપૂર્ણ ફિલ્મો શશીબાબાએ જેટલી બનાવી, એમાં દરેક ફિલ્મે એ વધુ ને વધુ કંગાળ થતો ગયો.

એની કોઈ ફિલ્મ ચાલી નહિ. એ ઍક્ટર સારો હતો- પ્રોડયુસર નહિ ! પરિણામે, મોટી મોટી ફાઈવ-સ્ટાર હોટલોમાં માત્ર કલાકારો જ નહિ, લાઇટવાળા કે સાઉન્ડવાળાઓને પણ શશી ફાઈવ સ્ટારમાં જ ઉતારતો. દિગ્દર્શક જેટલા માંગે, એટલા પૈસા ખર્ચતો, લોકો લૂંટી ગયા શશીને. ઇવન આ ફિલ્મ તો અમથી ય ઢંગઢડા વગરની બની હતી. નવાઈ શશી માટે લાગે કે પોતે સ્વયં આટલા વિરાટ ફિલ્મી ફેમિલીમાંથી આવતો હોવા છતાં એકે ય ફિલ્મમાં કમર્શિયલ ઢંગધડો કેમ નહિ ? અહીં એ મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર હીરો વિક્રમ હોય છે. અમેરિકાથી લુસિયા લૅન (જૅનિફર કેન્ડલ) હિંદી ફિલ્મો વિશે પુસ્તક લખવા મુંબઇ આવે છે અને વિક્રમના પ્રેમમાં પડી જાય છે.

વિક્રમની પત્ની (અપર્ણા સેન)થી એને કોઈ ખૌફ નથી, પણ એ આને છોડીને જતી રહે છે. આ બન્નેનો કોમન-ફ્રન્ડ હરિ (ઝીયા મોહિયુદ્દીન) પણ લુસિયાને ઉઘાડે છોગ પ્રેમ કરે છે, પણ લુસિયા એને પ્રેમ નથી કરતી.બીજી બાજુ, પ્રેમમાં પડેલી આ ધોયળી વિક્રમને છોડવા તૈયાર નથી. પણ શશીને પસ્તાવો થતા એ પાછો આવે છે. હરિ શશીનું અપમાન કરવાનો કોઈ મોકો છોડતો નથી અને છેવટે વેરની આગમાં એ શશીના પેટમાં ખંજર હૂલાવી દે છે. ફિલ્મ પૂરી તો થાય છે પણ આ ફિલ્મ બનાવીને ઇસ્માઇલ મર્ચન્ટ કે જૅમસ આઈવરી સાબિત શું કરવા માંગે છે, સંદેશ કયો આપવા માંગે છે કે પૂરી ફિલ્મમાં જોવા જેવું શું છે, એ કોઈ પૂછે તો આ ફિલ્મ સાથે સંકળાયેલું કોઈ કદાચ જવાબ નહિ આપી શકે.

શંકર-જયકિશનના વળતા પાણી તો સમજો ને, '૬૬-'૬૭ પછી શરૂ થઇ ગયા હતા, તો ય ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂચના ન્યાયે આ ફિલ્મમાં આજ સુધી અમર રહ્યું હોય તો રફીનું 'તુમ મેરે પ્યાર કી દુનિયા મેં બસી હો જબ સે...' ઉષા ઉત્થુપના બેમાંથી એકે ય ગીત ફિલ્મમાં પૂરા દર્શાવાયા નથી. હૅલનના ડાન્સવાળું આશા-કિશોરનું 'ટીપ ટીપ ટીપ ટાઈપરાઇટર...' ગીત એ વખતે સિનેમામાં જોયું ત્યારે ફિલ્મમાં હોવાનું યાદ છે, પણ આમાં એ ઉડાડી દેવામાં આવ્યું છે.

આમે ય, આપણને ઇન્ડિયનોને- આપણા માણસોને ઇંગ્લેન્ડ-અમેરિકામાં જોવા કે ઇંગ્લિશ બોલતા સાંભળીને ખુશ થવાની હૉબી તો છે જ. હવે તો કંઇકે ય ઓછું થયું, જેમ કે પરદેશ જવું હવે તો ખાડિયા-રાયપુર આંટો મારીને આવું છું, જેટલું સરળ થઇ ગયું છે, છતાં માનસિક ગુલામી હજી પૂરી ગઈ ન હોવાથી ઇંગ્લિશ ફિલ્મોમાં ક્યારેક વળી કોઈ ઇન્ડિયન જોવા મળી જાય તો લેવાદેવા વગરના ગૌરવો અનુભવવા માંડીએ છીએ. હા. અહીં શશીને જોયા પછી એ ગૌરવ અનુભવવાનો બેશક સહુ ભારતીયને હક્ક છે કે, ઈવન આજે પણ એ કોઈ પણ ઇંગ્લિશ હીરોની સરખામણીમાં વધુ હેન્ડસમ લાગતો હતો. કમર્શિયલ ફિલ્મોમાં કામ કરવું પડયું, એ જુદી વાત છે નહિ તો, એ અભિનયમાં પૂરતો કલ્ચર્ડ કલાકાર હતો. સાથમાં, એ પછી શશીએ જેને પોતાની ઇંગ્લિશ ફિલ્મ '૩૬ ચૌરંગી લૅન દિગ્દર્શિત કરવા આપી, તે અપર્ણા સેનનો અર્થ વગરનો ટૂંકો રોલ અહીં છે. ઉત્પલ દત્ત ખલનાયક તરીકે ટુંકો પણ અસરકારક ઝટકો મારે છે. મેહમુદનો ભાઈ અનવર અલી, આગાનો પુત્ર જલાલ આગા કે શશીનો નાનપણનો દોસ્ત પ્રયાગરાજ પણ દેખાવ પૂરતા આ ફિલ્મમાં છે.

તમે 'બોમ્બે ટૉકી' નથી જોયું... ? તો અભિનંદન.

28/09/2016

સ્ત્રીઓ અને ડ્રાઇવિંગ

- અસોક... હવે મને કે'દિ ગાડી સીખવવી છે ? અમારી કિટ્ટી-પાર્ટીની બધ્ધી મૅમ્બરૂંને ગાડી આવડે છે.. એક મને જ નથ્થી આવડતી.
- એ રહેવા દે. અમદાવાદના ટ્રાફિકમાં ગાડી નહિ, ચાલતા શીખવાની જરૂર પડે છે.
- ખોટા ઢીંગા મારો મા...! તમે હવારથી હાંજ સુધી ગાડીમાં જ ચોંયટા ને ચોંયટા રિયો છો, ને મારે બસુંની લાઇનુંમાં ઊભા રે'વું ?
- હા, પણ બસ ચલાવતા તો તને ન આવડે ને ! બૅટર છે કે, તારે બસમાં પૅસેન્જર તરીકે બેસવું.
- ખોટી લમણાઝીંકુ કરો મા... મને ગાડી શીખવવી છે કે નંઇ... શીધી વાત કરો !

એની ડીમાન્ડ ખોટી નહોતી. અમદાવાદમાં રહેવું ને ઘરમાં ગાડી હોવા છતાં રીક્ષામાં ફરવું, એ વ્યાજબી તો નહોતું. આમ તો, આટલી મોટી બસ કરતા રીક્ષા ચલાવતા શીખવી સહેલી પડે, પરંતુ વાઇફો થઈને રીક્ષા ચલાવે, એ ગુજરાતી હસબન્ડોઝ માટે સારૂં ય ન કહેવાય ! એના પિયરીયામાંથી તો કોઇકે વળી એવું સૂચન કર્યું કે, 'અમદાવાદમાં ટ્રાફિકું એટલા ભયાનક હોય છે કે, તમે હૉર્ન મારીને ગાડીયું હલાવો, ઇ કોઇ નો હાંભરે... માટે અમારી ડીકુને (વાઈફનું ઘરનું નામ) લ્હાયબંબો (ફાયરબ્રિગેડ) ચલાવતા શીખવી દિયો... ટનટનટનટન કરતી ડીકુ નીકળે, તો ટ્રાફિક આઘોપાછો તો થઈ જાય ! બધા ય આઘા રિયે ને જીયાં જાવું હોય, તીયાં જલદી પોંચાય !

આવા ફૅમિલીમાં હું પરણ્યો છું, બોલો !

અમારા સુપુત્રમાં તો બુધ્ધિ પહેલેથી, એટલે એ તો એની માંને કે ઈવન એની વાઇફને ગાડી ચલાવતા શીખવવાની બેવકૂફી કરે નહિ. મેં વર્ષોના અનુભવો પછી વાઇફને અમારા ફ્લૅટની લિફ્ટ ચલાવતા શીખવી છે. લિફ્ટમાં લૅફ્ટ-હૅન્ડ-ડ્રાઇવ હોય અને શૉર્ટ-કટથી લિફ્ટ કદી ન લેવાય, એ બધું શીખવતા સમય તો લાગ્યો હતો. (એ મને પૂછતી કે, 'શૉર્ટ-કટમાં લિફ્ટ બીજા માળેથી સીધી છઠ્ઠા માળે નો લઇ લેવાય ?') છતાં આજે વાઇફ એક હાથે પણ બહુ ઈઝીલી લિફ્ટ ચલાવી શકે છે. કહે છે કે, જે બાળકો નાનપણમાં એક હાથે સાયકલ ચલાવતા શીખ્યા હોય, એમને મોટા થઇને એક હાથે લિફ્ટ ચલાવતા બહુ ઈઝીલી આવડી જાય !

'અસોક, ગાડી શીખતી વખતે શ્રી હનુમાનચાલીસા બોલાય કે નહિ ? અને હું ગાડીમાં બેસીને ગાડી હલાવું કે---' એની લાઇફમાં એ પહેલી વાર સ્ટીયરિંગ પર બેઠી હતી અને સહેજ ડર સાથે મને પૂછી લીધું.

'યસ ડાર્લિંગ... ગાડી તો એના સ્ટિયરિંગ ઉપર બેસીને જ ચલાવવાની હોય... પાછલી સીટ પર બેસીને ન ચલાવાય !... અને સાંભળ, ગાડી તું ચલાવીશ પછી હનુમાનચાલીસા વટેમાર્ગૂઓ બોલશે... આપણે એ બધી મેહનત નહિ કરવાની !'

'તમે સુઉં મને અસોક દવે હમજો છો, તી એટલી બુધ્ધિ ય નો હોય ? હું એમ પૂછતી'તી કે, આંઇ તો બેશી ગઇ... હવે આગર સુઉં કરવાનું છે ?'

મારે એને સમજાવવું પડયું કે, આગળમાં તો ગાડીની આગળ કોઇ ઊભું ન હોય, એ જોઇ લેવાનું ને પછી ગાડી સ્ટાર્ટ કરવાની.

'એક કામ કરો ને ! તમે બહાર નીકરી જાઓ અને આગરથી બધાને આઘા ખસવાનું કહેતા જાઓ... કોઇને આવડીઅમથી ય ટક્કરૂં વાગે, ઈ મને નો ગમે !'

પ્રારંભિક શિક્ષણ પતાવ્યું, એમાં બંને પગ ક્યાં ક્યાં રાખવાના અને સ્ટિયરિંગ એક હાથે નહિ પકડવાનું, તેમ જ ગુરૂજી (એટલે કે, હું) કહું, એ બધું માનવાનું, જેવી પ્રાથમિક માહિતી આપવામાં આવી. ફક્ત એટલું ભૂલી ગયો હતો કે, ગાડી સ્ટાર્ટ થયા પછી સ્ટિયરિંગ ફેરવ-ફેરવ નહિ કરવાનું-જ્યારે વળવું હોય ત્યારે જ ફેરવવાનું ! ને તો ય, એણે અમે જે ગ્રાઉન્ડમાં ગાડી શીખતા હતા, ત્યાં કાઠીયાવાડની ભાષામાં મેળામાં ફજન-ફાળકો ગોળગોળ ઘુમે રાખે, એવા અમે, નહિ નહિ તો ય, બેંતાળીસ-ત્રેંતાળીસ ચક્કરો મારે રાખ્યા હશે.

'અસોક, આમ મજો નહિ આવે. યાદ કરો, આપણે મેળામાં જાંઇ છીં...તીયાં મૌતના કૂવામાં યાદ છે, શામશામી બે ગાડીયું લાકડાના પાટીયાંને ચીટકેલી રઇને ફૂલ-સ્પીડે ગોળગોળ ઘૂમે રાખે છતાં ય, એ એકબીજાને અથડાતી નથ્થી...આપણે આપણી જેમ ગાડી શીખતા બીજા કોઇને બોલાવી રાખવો છે ? ઈ એની ગાડીમાં ને આપણે આપણી ગાડીમાં... શામશામા ગોરગોર ચક્કરૂં મારે રાખવાના...!'

'નો ડાર્લિંગ... ગાડી તારે અમદાવાદના રસ્તાઓ ઉપર ચલાવવાની છે... કોઈ બાળમેળામાં નહિ. એ વાત જુદી છે કે, મૌતના કૂવામાં એક સાથે ફૂલ-સ્પીડે સામસામી ગાડીઓ ચલાવવા કરતા અમદાવાદની સડકો ઉપર કલાકના પાંચ કી.મી.ની સ્પીડે પણ ગાડી ચલાવવી વધુ ભયજનક છે.

વસ્તીવધારો કોઇપણ દેશ માટે ભયજનક છે અને એ ઓછો થવો જ જોઈએ, એ બધી વાતો સાચી પણ, માણસો ગાડી નીચે આવી જઈને વસ્તી ઓછી કરે, એ સૂચન સલાહભર્યું નથી. ઘણા દેશોમાં તો કહે છે કે, વસ્તી ઓછી કરવા સ્ત્રી-ડ્રાયવિંગને ઘણું પ્રોત્સાહન અપાય છે અને ખાસ તો જ્યાં ભીડ વધુ હોય, ત્યાં સ્ત્રીઓને ગાડી 'રીવર્સ'માં લેવાનું આર.ટી.ઓ.વાળા કહે છે. ગાડી રીવર્સમાં લેવાથી એક ફાયદો મોટો થાય છે કે, મહીં બેેઠેલી સ્ત્રીને કાંઇ થતું નથી, પણ પાછળ ઊભેલાઓ સિવાઇ-સંધાઈ જાય છે. ગાડી ચલાવનારને કાંઈ ન થાય, માટે ઍરબૅગ બધી કારોમાં હોય છે, પણ માતાઓ-બહેનો ગાડી રીવર્સમાં લેતી હોય ત્યારે ગાડીની પાછલા ભાગમાંથી કોઇ વિરાટ તંબૂ ઊઘડી જાય ને આજુબાજુવાળાને સમાવી લે, એવી શોધ તો મારા સિવાય કોઇએ હજી વિચારી પણ નથી.

વાઇફનો ઉત્સાહ એટલે સુધી હતો કે, એને ટ્રેન ચલાવવાની હોય તો ય તૈયાર હતી, પણ ટ્રેનોનો પ્રોબ્લેમ એ હોય છે કે, એ પાટા ઉપર ચલાવવી પડે છે અને કાર નીચે પાટા આપ્યા હોતા નથી એટલે સાઇડમાં ઘુસી જવાની શકયતા ખરી. હું એની બાજુમાં બેઠો અને સૂચના મુજબ એણે કાર સ્ટાર્ટ કરી. પહેલી વખત તો બધીઓને ભૂલ થાય (એવું અનેકને ગાડી શીખવતી વખતે મને અનુભવ છે !), એટલે ઍક્સિલરૅટર અને ક્લચ ઉપર પગ રાખવાને બદલે એણે બ્રૅક દબાવી રાખી ને ભ્રુમ...ભ્રુમ... ભ્રુમથી આખું નારણપુરા કાળું ધબ્બ કરી નાંખ્યું. પણ છેવટે તો ગાડી ચાલી. અમે બંને શશી કપૂર અને નંદા સિમલા ફરવા નીકળ્યા હોઇએ, એવા સુંદર લાગતા હતા. (આ નિવેદનમાં ઉત્સાહ અને ભૂલચૂક લેવી દેવી.) હું કાર ચલાવતો હોઉં ત્યારે વાઇફ મારા ખભે એનું માથું ઢાળી દે, એ મને ગમે પણ એ ચલાવતી હોય ત્યારે મારે શું કરવું, એ સમજ ન પડતા, મેં મારૂં માથું બારીની ધારી ઉપર ઢાળી દીધું.

આપણા દેશમાં સ્ત્રીઓ ઍક્સિડૅન્ટ્સ કરે તો પુરૂષો, 'ઈટ્સ ઑર્રાઈટ...' કહીને મોટું મન રાખે છે પણ આવડુંઅમથું ટુણટુણીયું (ઍક્ટિવા) લઇને નીકળેલી છોકરી શું ય જાણે ડામર પાથરવાનું રોડ-રોલર લઇને નીકળી હોય, એવા ફાંકા મારતી હોય. બહુ ઓછાના ધ્યાનમાં આવ્યું હશે કે, સારા ઘરની લાગતી કૉલેજીયન છોકરીઓને નાનકડી ય ટક્કર મારે, એટલે મિલ-વિસ્તારોમાં ય ન બોલાય એવી માં-બેનની ગાળો સાહજીકતાથી બોલી નાંખે છે. આપણા દેશમાં 'આપણો' કદી વાંક જ હોતો નથી, બધો જ સામેવાળાનો હોય છે. ભારતદેશમાં બધા વાંકો ગાડીવાળાના હોય છે, સ્કૂટર કે રસ્તે ચાલનારાઓના કોઇ વાંક જ હોતા નથી. દેશના ટ્રાફિક-પોલીસો જેવી ડૅન્જરસ નોકરી કદાચ બીજા કોઈ ફીલ્ડમાં નથી. ગાડીઓના ધૂમાડાનું ખતરનાક પ્રદૂષણ ચાર રસ્તે આઠ કલાક ઊભા રહીને એમને સહેવાનું. સિગ્નલ તોડીને બેવકૂફીથી ભાગતો બાઇક કે ગાડીવાળો એ ટ્રાફિક-પોલીસને અથડાવીને ભગાવી દે, એમાં ખાટલો તો આ લોકોને ! અને એ જ પોલીસોના સાહેબો જેવી એશો-આરામની નોકરી પણ બીજા કોઈની નથી. આપણા દેશના ટ્રાફિક-પોલીસ કમિશ્નરોની તો પાર્લામૅન્ટના સંસદ સભ્યો ય ઈર્ષા કરે છે... કાંઇ કામ જ નહિ કરવાનો અમારા કરતા વધુ પગાર આ લોકો લઇ જાય છે...! અમદાવાદ જેવા શહેરોના ટ્રાફિક-પોલીસોને એકાદી ડયૂટી જ અપાઇ છે, બૅલ્ટ વગર ગાડી ચલાવતા કે ડ્રાયવિંગ કરતી વખતે મોબાઇલ પર વાત કરનારાઓને પકડવા ! આડેધડ પાર્કિંગ કરીને જતા રહેનારાઓથી માંડીને ટ્રાફિકના નિયમોનું પાલન કર્યા વિના ગમે ત્યાં વાહન વાળી દેતા બેવકૂફો માટે કોઇ સજા નથી. રસ્તા ઉપર ગમે ત્યાં મન નહિ પણ મોંઢું ભરીને થૂંકી લો... કોઇ નામ નહિ લે તમારૂં !

'અસોક... મારે ગાડી નથ્થી સીખવી...!'

'કેમ ?'

'અમદાવાદમાં ગાડી હલાવવી અને માં-બેનની ગાયળું ય નો બોલવી, ઇ પૉશિબલ જ નથ્થી. તમારા ગુસ્સાને ઓકવા માટે કોક વ્યવસ્થા તો જોઇએ ને ? ગાયળું બોલો તો મનનો ગુસ્સો બહાર નીકરી જાય અને રસ્તા માથે કોકની હારે મારામારી નો કરવી પડે. અસોક, હું બ્રાહ્મણની દીકરી છું. મારાથી ગાયળું બોલવાનું નંઇ ફાવે... આ લિયો તમારી કારની ચાવી અને હું તો હવેથી પેલી ટૅક્સીયું નીકરી છે ને... ઇ રીક્સા કરતા ય શશ્તી પડે છે... એમાં આરામથી નો જાઉં...? મારે ગાડી સીખવી જ નથી.'

એ મારી પત્ની હોવા છતાં બુધ્ધિની આટલી ઊંચી વાત...? માની ગયા અશોક દવે તમને...!

સિક્સર

પાકિસ્તાને ઉરીમાં આપણા ૧૮-જવાનોને મારી નાંખ્યા, એ પહેલા કે એ પછી નવાઝ શરીફે ત્યાંના લશ્કરના વડાઓની બેઠક બોલાવી હશે ?

25/09/2016

ઍનકાઉન્ટર : 25-09-2016

* મનોજ કુમારને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ મળ્યો. તમારૂં શું માનવું છે
- ફિલ્મી પરદા ઉપર કલાને નામે છીછરૂં સૅક્સ તો એણે ય રાજ કપૂર અને વ્હી. શાંતારામની માફક પૂરધોધ વહાવ્યું છે... દરેક કલાનો રીવૉર્ડ તો હોય ને
(રાકેશ પટેલ, વડોદરા)

* 'આંખોમાં આવે તો સપનું કહું, કોઈ હૈયે આવે તો શું કહું ?' 
- વિક્સનો છાતીએ ચોળવાનો બામ. 
(રવિ એસ. ગોર, જુનાગઢ)

* લગ્નના પ્રારંભમાં સ્ત્રીને એની સાસુ 'મા' લાગે છે, પણ સમય જતા 'કાળી મા' લાગે છે...કેમ
- તે સારૂં ને...? મનુષ્યમાંથી સીધો દેવી અવતાર મળી ગયો...! 
(ધ્રુવી પ્રજાપતિ, અમદાવાદ)

* કૉંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંહ ૭૪ વર્ષની ઉંમરે પણ બીજવર બની શકતા હોય તો કૂંવારા ઉપપ્રમુખ રાહુલ ગાંધીને કયો ગ્રહ નડતો હશે
- રાહુલજી હજી એમના સગા કાકા સંજય ગાંધીજીની બાયોગ્રાફી વાંચે, તો ધોધબંધ પ્રેરણાઓ મળે એમ છે.
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

* ટૅટુમાં પ્રેમીનું નામ ચીતરાવી લીધા પછી પ્રેમી બદલાય તો શું કરવું
- જો ભ'ઇ...પ્રેમીઓ તો પચાસ આવશે... હાથ પર એક વાર કોતરાવેલો શીલાલેખ તો હાથ સાથે જ જાય...આપણા માટે હાથ અગત્યનો છે કે, પ્રેમી
(ધીમંત ભાવસાર, બડોલી-ઈડર)

* રિશી કપૂરે દરેક જગ્યાએ ગાંધી-પરિવારના નામ મૂકાવવા અંગે બિનધાસ્ત ગુસ્સો વ્યક્ત કર્યો છે.... 
- એ લોકોનું ચાલે તો 'નરેન્દ્ર મોદી' નામ બદલાવીને 'નરેન્દ્ર નહેરૂ' કે 'નરેન્દ્ર ગાંધી' કરાવી દે. 
(મધુકર મેહતા, વિસનગર)

* પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓના માથે ટાલ કેમ ઓછી પડે છે
- સ્ત્રીઓ જીભથી વિચારે છે, માટે ! 
(જયેશ અંતાણી, ભાવનગર)

* ઈતિહાસમાંથી તમારે કોઈ એક પાત્ર પસંદ કરીને એક સવાલ પૂછવાનો હોય તો પાત્ર કયું અને સવાલ કયો પસંદ કરશો
- હું મહાન સમ્રાટ અશોકને પૂછીશ, 'આપણા ઘરની ચાવી ક્યાં મૂકી છે ?' 
(કુણાલ ગૌરવ, ઉદવાડા-વલસાડ)

* 'ઍનકાઉન્ટર'માં ક્યારેક જવાબ આપવામાં મુશ્કેલી પડે તો કોને યાદ કરો છો
- તરત પત્નીનો ફોટો કાઢીને જોઈ લઉં છું... 'હું આને ઉલ્લુ બનાવી શકું છું, તો બાકીના બધા તો... હંહ!
(ધવલ સોની, ગોધરા)

* તમારા પત્ની તમને બીજું લગ્ન કરવા કહે તો શું કહો
- 'તારા ફાધરને કહે, બીજા લગ્નનો ખર્ચો પૂરો આપે... પહેલામાં તો મામુ બનાવી ગયેલા !
(સૌરભ એમ. કાકા, જાંબુઘોડા)

* સલમાનના લગ્ન થશે ખરા
- હવે તો મને તમારા ય થશે કે નહિ, એની ચિંતા થવા માંડી છે...! 
(ફૈયાઝ ખત્રી, રાજપારડી-ભરૂચ)

* 'ઍનકાઉન્ટર' અને 'બુધવારની બપોર' સિવાય તમારા અન્ય લખાણો ખરા ? તમારા લેખોનો ભક્ત...! 
- અન્યમાં તો રામાયણ અને મહાભારત મેં લખ્યા હતા, એટલું યાદ છે...! 
(આકાશ રાચ્છ, મોરબી)

* દરેક મા-બાપે પોતાના એક સંતાનને આર્મીમાં ફરજીયાત મોકલવો જોઈએ... સુઉં કિયો છો
- અને એવા મા-બાપને સરકારે ખાસ મોટી રકમ દર મહિને આપવી જોઈએ, જેથી દીકરાની
ખોટ ન લાગે ! હવે તમે સુઉં કિયો છો
(હેમાંગી કાકુ, જામનગર)

* અશોકભાઈ, તમારો જન્મદિવસ ચાર વર્ષે (૨૯ ફેબ્રુઆરીએ) આવે છે... કેવું ફીલ કરો છો
- એમાં કમાવાનું કાંઈ નથી. લગ્નવિધિ ચાર વર્ષે આવતી હોત, તો તોતિંગ બચત થાત ! 
(બ્રિજ જતિન પટેલ, પાટણ)

* માણસ બીજાનું જોઈને દુઃખી થાય છે અને બીજાનું અનુકરણ કેમ કરે છે
- આપણા ટીવી કરતા બાજુવાળાના ટીવીની સીરિયલોમાં હીરોઈનો વધુ સુંદર લાગતી હશે, એવું બધાને લાગે છે... સાલું, આપણે એ જ ટીવી લઇ આવીએ, તો ય હીરોઇનો તો એવી ને એવી જ રહે છે ! કાગડીઓ બધે કાળી...!! 
(ધનેશ શેઠ, ધ્રાંગધ્રા)

* તમારો અન્નકૂટ-ધનકૂટવાળો લેખ ગમ્યો. ભગવાન સર્વશક્તિમાન હોય તો આવું બધું ચઢાવવાની કોઈ જરૂર ખરી
- 'હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈં, અંજામ-એ-ગુલિસ્તા ક્યા હોગા...?' 
(કાંતિલાલ વી. ખંડોર, મુંબઈ)

* આતંકવાદીઓને સહાય કરતા પાકિસ્તાનને અમેરિકા શું કામ મદદ કરે છે
- કોઈ ભિખારી દાનદક્ષિણા વિના પાછો નહિ જવો જોઈએ, એવો એ લોકોનો મત ! 
(જયેશ વી. જરીવાલા, સુરત)

* ફિલ્મો વિશેની તમારી અગાધ જાણકારીને લક્ષ્યમાં રાખીને, તમને પી.એચ.ડી.ની ડીગ્રી મળવી જોઈએ. 
- એમ તો, બૉસ... હું કુસ્તી ય મસ્ત કરૂં છું.
(મેહૂલ વ્યાસ, રાજપિપળા)

* સરકારી કામ એક જ ધક્કે પૂરૂં થયું હોય, એવું તમારી લાઈફમાં બન્યું છે ખરૂ
- હા. ટ્રાફિક-પોલીસને સ્થળ પર જ ૧૦૦/- આપી દેવા પડયા હતા. 
(ઈલ્યાસ તરવાડી, ચલાલા-ધારી)

* તમારા લેખોમાં, 'સુઉં કિયો છો ?' લખીને તમે સુઉં કિયો છો
- મારી ૯૮ ટકા વાતો મનેય સમજાતી નથી અને બે ટકા વાચકોને...! 
(જીજ્ઞાસા માંકડ, મુંબઈ)

* કાશ્મીરનો પ્રશ્ન તમે ઉકેલી શકો ખરા
- હું ઉકલી જઉં, ત્યાં સુધી તો નહિ જ ! 
(અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા)

* તમે ભાજપ, બજરંગ દળ કે વિશ્વ હિંદુ પરિષદ... કોના પ્રશંસક છો
- આમાંથી એકે ય કોઈ કામ કરતું નજરે પડે, તો પ્રશંસક થઉં ને...! 
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* કેમ છો
- હજી જવાની વાર છે, માટે છું. 
(સુરેશ દર્જી, આણંદ)

* અશોકજી, રાહુલ ગાંધીના લગ્ન ક્યારે થશે
- બસ... એમને ખબર પડશે કે તરત જ તમને જણાવી દઇશું. 
(રાજેન્દ્ર ધનવાણી, જામનગર)