Search This Blog

31/07/2013

મેહમાં જો હમારા હોતા હૈ...

આવું કંઇ થાય. એટલે અમારી ગુપચુપ મીટિંગ કિચનમાં ભરાય. મેહમાનને ખબર ન પડે એમ કોઇ ને કોઇ બહાનું કાઢીને બધા કિચનમાં આવવા માંડે. આમાં 'આવું કંઇ' એટલે બીજું કંઇ નહિ, પણ મેહમાનો ઊભા થવાનું નામ લેતા ન હોય ને અમે રાહો જોઇજોઇને અધમૂવા થઇ ગયા હોઇએ કે, હવે આ ઊભા થાય તો સારૂં. એટલે એમને કેવી રીતે કાઢવા, એના પ્લાનો કરવા અમે કિચનમાં આવી જઇએ. આજના કૅસમાં તો, મેહમાનોનો બીજો લૉટ તરત આવવાનો હતો. બંને પાર્ટીને પાછી ભેગી કરાય એમ નહોતું. આ ઊભા થાય તો ખબર પડે કે શું કરવું !

અમારૂં ફૅમિલી ટૅન્શનમાં. આ લોકોને ઊભા કરવા કેવી રીતે ? એવું નથી કે, આવ્યા હોય એ ગમ્યું ન હોય....બધું ય ગમ્યું હોય, પણ એ લોકોએ પણ સમજીને ઊભા તો થવું જોઇએ ને ? ઘણાં લૉકલ મેહમાનો એવી રીતે બેઠા હોય છે કે, મૂંઝાઇ આપણે જઇએ કે, ઊભા એમને થવાનું છે કે આપણે ?

વાઇફ ગુસ્સાવાળી તો ખરી. હવે તો મારા સિવાય પણ ગુસ્સો કરતી થઇ છે, બોલો ! આ પબ્લિક ઊભી થતી નહોતી અને એમના પાળીયા અમારા ડ્રૉઇંગરૂમમાં બનાવવાના હોય, એવી ખીજાઇ.

'અસોક.....હવે હું અકળાણી છું, બરોબરની અકળાણી છું... આપણે બીજા કોઇ ધંધાધાપા હોય કે નંઇ...? આ લોકું તો ઊભા જ નથી થાતાં, લે !' (અમારા સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વાક્યો 'લે' થી પૂરા થતા હોય, 'ઓલી પૂર્ણિમા તો પરેશીયા હારે ભાગી ગઇ...લે!' ગુજરાત બાજુના લોકો આમાં કાંઇ ન સમજે કે, એ બોલી રહે પછી કંઇક 'લેવાની' ઑફર કરે છે, એ શું લેવાનું હશે ?)

મૉમની અકળામણ સાંભળીને અમારો સુપુત્ર બોલ્યો, 'મૉમ, બીજી વાર આ લોકોને બોલાવવાના જ નહિ...યૂ નો...ધે આર ન્યુસન્સ..'

''બટા, ઈ લોકો કોઇના બી સન્સ હોય... ઈ એમના ફાધરૂંને જોવાનું... ન્યૂ હોય કે ઑલ્ડ સન્સું હોય, ભલે રિયા પણ આ અઢ્ઢી કલાકથી આપણા ઘરમાં ગુડાણા છે, તી ઊભા થાસે કે નંઇ...?'

મારા ડ્રૉઇંગ રૂમમાં બેઠેલી પબ્લિકમાં, ફરસુભ'ઇ બેઠી દડીના ગોળમટોળ શખ્સ હતા. વિકાસ દસે દિશાઓથી થવો જોઇતો હતો ને એમ જ થયું. જેમ કે, સબ્જીની ગ્રેવીમાં આંગળી વડે ઊભેલું ટમેટું દબાવો ને સપાટી એક થઇ જાય એમ ફરસુભ'ઇનો ખભો અને માથું એકબીજામાં સમાઇ ગયા હતા, એટલે આકાર અર્ધગોળ થતો હતો. શરીરના પેલી બાજુના જીલ્લામાં પણ આ જ પ્રમાણભાન જળવાયું હતું. ફરસુભ'ઇના દાંતમાં સિસમનું વૅલ્ડિંગ કરાવ્યું હશે એટલે એ બોલે ત્યારે હવાનો સિસકારો પહેલા નીકળતો અને અવાજ પછી ! કેટલીક પુરાતન ઈમારતો પૂર્ણપણે જમીનદોસ્ત થઇ ગયા પછી, તેના કેટલાક અવશેષો આઇધર બહાર આવું-આવું કરે ઑર...જમીનમાં અંદર જઉં-જઉં કરતા દેખાય, એમ એક જમાનામાં ફરસુભ'ઇએ કદાચ મૂછો રાખી હશે, પણ આજે ત્યાં ૮-૧૦ કીડીઓ ચોંટી હોય, એટલો જ માલ બચ્યો હતો. આનાથી એટલું તો સાબિત થાય કે, આ માણસ અભિમાની નહિ હોય....વાતવાતમાં મૂછ મરડવાનો સવાલ જ ઊભો થતો નથી ને ! બે-ચાર કીડીઓમાં શું મસળે ? આ તો એક વાત થાય છે !

ફરસુભ'ઇની વાઇફ - ચારૂલતા - એમનાથી નહિ નહિ તો ય દસેક ઈંચ ઊંચી હશે. જો કે....ફરસુભ'ઇ જે હાઈટ વાપરતા હતા, એ જોયા પછી તો સાયકલમાં હવા ભરવાનો પંપે ય લાંબો લાગે ! ચારૂલતા લાંબી ચોક્કસ હતી પણ દરેકને પોતાની વાઇફ કરતા એ વધારે સુંદર લાગે એવી હતી. સાલું, આનું નક્કી થયું, ત્યારે આપણે ક્યાં હતા, એવા અફસોસો રોજ રાત્રે સુતા પહેલા, સુતા પછી અને ગમ્મે તે પ્રવૃત્તિ વખતે થાય ! આવો પ્રોજૅક્ટ હસ્તગત કરી લેવા બદલ, અઢી ફૂટીયા ફરસુને હજી દસે દિશાઓથી દસ-બાર ઈંચ દબાવી દબાવીને ગચ્ચું બનાવી દેવાના ઝનૂનો ઉપડે. (અત્યાર સુધીના લેખમાં જ્યાં જ્યાં 'ફરસુભ'ઇ' લખાયું છે, ત્યાં ફકત 'ફરસુડો' વાંચવું : સૂચના પૂરી)

આ લોકો ઊભા થાય તો નિરાંત, એ બધી અસંસ્કારી વાતો ઘરમાં મારા સિવાય બધા કરતા હતા, હું નહિ. મારે તો, બોલવા પૂરતું જ હૈસો-હૈસો કરવાનું....બધાની ભેળા ભેળા ધક્કો મારવામાં જોર આપણે નહિ વાપરવું ! આ તો વળી માં-બાપના સંસ્કારો સારા એટલે લત્તી (....અમારામાં આવું કોઇ નજીક આવે એટલે એનું નામ અડધું કે પછી આવું થઇ જાય.. 'લત્તુ' અથવા 'લત્તી'...આખું 'ચારૂલતા' તો એની બા બોલે, આપણાથી ના બોલાય... બોલીએ તો પાછળ 'બહેન' લગાડવું પડે !) ઊર્ફે ચારૂલતા કાયમ માટે જાય જ નહિ...ભલે ફરસુડો ભંગારમાં કાઢવો પડે, એવી નાનીનાની સપનીઓ જોવાનું શરૂ કરી દીધેલું, જેથી રાત્રે એટલો ટાઇમ બચે.

પણ એમ કાંઇ ચંદ્ર દરેક તારાને મળે ખરો ? વાઇફ જાણતી'તી કે, આ લોકોને જેટલા વહેલા ઊભા કરો, એટલું એનું મંગળસુત્ર સુરક્ષિત છે. હવે તો એ લત્તુ સામે ય કંઇક ને કંઇક છણકા કરે રાખતી હતી. લત્તુ સામે વાઈફે જોવાનું બંધ કરી દીધું હતું. આ બાજુ, લત્તીમાં ય વિવેક-વિનય નહોતો કે, મારી વાઈફ એની સામે ન જુએ તો લત્તુ, આપણી સામે જુએ. આપણે તક મળે કે તરત જ છાનુંમાનું એની સામે જોઇ લઇએ, એમ એ ન જુએ. એકલા આપણે જોયે રાખતા હોઇએ, એ કોઇ જુએ તો આપણું કેટલું ખરાબ લાગે ?... કોઇ પંખો ચાલુ કરો !!

પ્રામાણિકતાથી કહું તો લત્તી-લોકો જાય, એ મને નહોતું ગમતું. ફરસુડો ભલે આપણું ઘર કે આ દુનિયા છોડીને જતો રહે, એમાં આપણો કોઇ વિરોધ નહિ. એવું હોય તો એક આંટો એના બેસણામાં મારી આવવાનો. પણ એ લઠ્ઠો લત્તુથી થોડો ય આઘો થતો નહતો. ચોંટેલો ને ચોંટેલો જ રહે. આવા ગોરધનો એસ.ટી. બસના મુસાફરો જેવા હોય છે....પોતાને બેસવાની જગ્યા મળી ગઈ, એટલે થોડા ખસીને બીજાને ય બેસવા દઇએ, એવી ડીસન્સી જ નહિ ! બીજા માટે થોડી જગ્યા તો કરી આલવી જોઇએ કે નહિ ? સુઉં કિયો છો ?

લત્તુ સાથે એકલો ફરસુડો જ નહતો.... ઘરમાં વધેલી-ઘટેલી જેટલી પબ્લિક હતી, એ બધાને લઇને આયો' તો...... કોઇ ૩-૪ છોકરાઓ અને ડ્રાયવર જેવો લાગતો ચારૂલતાનો ભાઇ અને એની હાવ ગૉન્ડા જેવી વાઇફ ! અમે તો મકાન લીધું છે કે નિશાળ બંધાવી છે, એની ય ખબર પડતી નહોતી.

આમ તો કહે છે કે, ૫-૬ રસ્તાઓ હોય છે, મેહમાનોને તગેડી મૂકવાના પણ એ તો આપણાથી થાય એવા ન હોય કાંઇ. લીમડાનો ધૂપ એ લોકો બેઠા હોય ત્યાં કરવાનો પણ એ લોકો ધૂપ મચ્છર ભગાડવાનો સમજે તો ઉપરથી સલાહ આપે, 'આટલા ધૂપોમાં કાંય નો થાય...બીજો કરો તમતમારે...!'

બીજો સરળ ઉપાય છે, એ લોકોના દેખતા અવારનવાર આપણા દરવાજા સામે જો જો કરવાનું, એટલે પૂછે તો કહેવાય,

'અમારે એક બીજા ગૅસ્ટ પણ આવવાના છે...!' પણ,

'વાહ...ચાલો, અમારે ય નવી ઓળખાણ થશે !' એવું ફરસુ બોલ્યો.

ઘરમાં અચાનક કોઇએ માંદા પડી જવાનો ઉપાય પણ ગોંડલ-ધોરાજી બાજુ વપરાય છે. મારી ૬૦-વર્ષની વાઈફે આઈડીયો દોડાવીને સુપરહિટ નાટક કર્યું-પેટમાં દુઃખાવાનું. 'વૉય માં રે....મરી ગઇ રે.... એવા જુદાજુદા અવાજોમાં એ રાડું નાંખવા માંડી.

'ભારે થઇ...' ચારૂલતા બોલી, 'ડૉક્ટરને બોલાવવાની કાંઇ જરૂર નથી. દુઃખાવો અચાનક ઉપડયો છે, એટલે ભાભીને ખાટું ખાવાનું મન થયું લાગે છે. કોઇ કાચી કેરીના કટકા ખવડાવો....હમણાં સારૂં થઇ જશે !'

તારી ભલી થાય ચમની...૬૦-વરસના બા ને પ્રેગ્નન્ટ બનાવતા તને શરમ નથી આવતી ? હવે તો મને ય આવે.... આ તો એક વાત થાય છે.

રાત્રીના સાડા દસ થયા છે. હું મારા આખા ફૅમિલી સાથે નીચે ધોબીની એક ઓરડીની બહાર ઢીંચણો ઉપર હાથ ભરાવીને બેઠો છું. ઉપરથી ફરસુભાઇ અને ચારૂલતા કોઇ રસોઇ બનાવતા હોય, એવી સુગંધો આવે છે.

મારે ઉપર પાછા જવું કે, આખા ફૅમિલી સાથે ધોબીની દુકાનમાં નોકરીએ જોડાઇ જવું, એ નક્કી કરવાનું છે.

સિક્સર

ઈશ્વરની કૃપા. આ કૉલમમાં ડાયાબીટીસનો નુસખો છપાયા પછી પોતાને ડાયાબીટીસ સંપૂર્ણ મટી ગયાના ફોન આવવા માંડયા છે. નથી મટયો, એમણે ભૂલો કરી હતી.

પણ એક ફોન વિચિત્ર આવ્યો. 'સાહેબ ડાયાબીટીસ તો મટી ગયો...આ દાઢના દુઃખાવાનું કાંઇ કરી આલો ને !'

28/07/2013

ઍનકાઉન્ટર 28-07-2013

* સરદાર પટેલનો સ્વર્ગવાસ થયો ત્યારે બચેલી મિલકતમાં રૂ. ૭૦૦/-, એક પૅન અને પહેરવાનું જાકીટ હતા.આજના નેતા માટે આવું કહી શકાય ?
- સરદારની આ બધી ચીજો આ નેતાઓના ઘરમાંથી નીકળે !
(વિજય રમણભાઈ પટેલ, અમદાવાદ)

* ટીવીમાં જાહેરાત હતી, 'ફિર સુબહ હોગી', આજ રાત નૌ બજે.'
- વચમાં જાહેરખબરોને કારણે રાત્રે ૯ વાગે શરૂ થયેલી ફિલ્મ સવારે ૯ સુધીમાં પૂરી થતી હોય છે.
(ભૈરવી અંજારીયા, રાજકોટ)

* વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ. આ પ્રથા લગ્નમાં કેમ નહિ ?
- કન્યાના પિતાના ઘેર મોટા ગોડાઉનની સગવડ ન હોય માટે !
(ભારતી કાચા, મોરબી)

* હું જેને ચાહતો હતો, એને મેળવીને જ જંપ્યો. આપનું કેવું છે ?
- હું તમારા જેટલો બદનસીબ નથી.
(મહેશ નારણભાઈ, અમદાવાદ)

* ઘણી હીરોઈનો પરિણિત હીરોને જ કેમ પરણે છે ?
- ઍપ્રેન્ટીસ કરતા અનુભવી મૂરતીયો સારો.
(શમીમ ઉસ્માની, મુંબઈ)

* તમારો મનપસંદ પોશાક ક્યો ? જીન્સ પહેરો છો ?
- હા. જીન્સની ઉપરે ય કાંઈક પહેરવું પડે !
(જયેશ અંતાણી, ભાવનગર)

* શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનની તોલે આવી શકે ?
- સવાલ પૂછવામાં તમારે અમિતાભનું નામ પહેલા મૂકવું જોઈએ.
(રશ્મિ સુખિયાણી, અમદાવાદ)

* ગાંધીજી જીવિત હોત તો શું બોલતા હોત ?
- 'હે રામ'.
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* ધર્મના ઠેકેદારો અને રાજકારણીઓ પ્રજાને લૂંટે છે. કોઈ ઉપાય ?
- થોડા વખતમાં હું સાધુ બની જવાનો છું, આખિર... મુઝે ભી સબ કુછ ચાહિયે, જે મને નેતાઓ આપશે.
(યુસુફ માકડા, દામનગર)

* પંખા ચાલુ હોવા છતાં વધારે ગરમી 'બુધવારનું બપોરે' જ લાગવાનું કોઈ કારણ ?
- હા, હમણાં મને ય બહુ ગરમી ચઢી ગઈ છે...!
(મયંક સુથાર, નાની નરોલી. જી. સુરત)

* જર, જમીન ને જોરૂ-ની કહેવતમાં જમાઈને પણ જોડી દેવા ન જોઈએ ?
- તમે જોડો. અમે તો અમારા જમાઈથી ખુશ છીએ.
(પ્રફુલ્લ હરિયાણી, તાલાલા-ગીર)

* સાસરામાં બે દહાડા સ્વર્ગ જેવું લાગે... પછી ?
- સ્વર્ગવાસી જેવું.
(રમેશ વી. મોદી, ઈટાદરા- ગાંધીનગર)

* નિઃસ્વાર્થ સેવામાં જ સ્વાર્થ સમાયેલો છે... સાચું ?
- હોઓ..વે !
(હેમાંગ પ્રફુલ્લચંદ્ર વ્યાસ, પેટલાદ)

* મારા ગોરધન ધૂમ્રપાન બહુ કરે છે. કેમ સમજાવું ?
- એને દારૂ ઉપર ચડાવી દો. કાચી સેકંડમાં સીધા થઈ જશે... હઓ!
(સુમન વડુકૂળ, રાજકોટ)

* રાજેશ ખન્નાના ગયા પછી તમને શાંતિ હશે ને ?
- ના. અમારી કામવાળીનું નામ તો 'ગોદાવરી' છે !
(નૂતન એમ. ભટ્ટ, સુરત)

* માં-બાપની ભાવનાઓ ન સમજતા સંતાનો સાથે કેવો વ્યવહાર કરવો ?
- રાહુલ-સોનિયા જેવો.
(મણીસિંહ દરબાર, સુરત)

* ગુજરાતમાં હજી સુધી મહિલા મુખ્યમંત્રી કેમ નહિ ?
- અગાઉના ઘણાં મુખ્યમંત્રીઓ મહિલા જેવા હતા !
(ઝુબૈદા પૂનાવાલા, કડી)

* ભારતની વર્તમાન સ્થિતિ જોતા કલામનું 'વિઝન-૨૦૨૦' સફળ થશે ખરૂં ?
- કલામ કોણ હતું. એની ખબર પડે તો કદાચ થાય !
(સરોજ બી. સલાડ, કુકરાસ-વેરાવળ)

* કોની ભક્તિ કરવી વધુ ઈચ્છનીય ? માં-બાપ, ગુરૂ કે પરમેશ્વર ?
- પોતાને ઓળખી શકાય તો બીજાની ભક્તિ કરવાની જરૂર નહિ પડે !
(શીતલ શાહ, પાલનપુર)

* હાર્ટ-ઍટેક પુરૂષો કરતા સ્ત્રીઓને કેમ ઓછા આવે છે ?
- સ્ત્રીઓને બ્રેઈન-ઍટેક વધુ આવે !
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* સુખી દાંપત્ય જીવન કોને કહેવાય ?
- આવું પૂછવાની જરૂર ન પડે, એને !
(ઈશ્વર બી. પરમાર, અમદાવાદ)

* ધર્મ ધંધો કરે એ સારૂં કે ધંધામાં ધર્મ હોય એ સારૂં ?
- કોઈકે પાકે પાયે કરી નાંખ્યું લાગે છે તમારૂં...! હેં ને...??
(દિનેશ જોશી, દહીંસર)

* 'ઍનકાઉન્ટર' માટે તમને સરકાર તરફથી કોઈ ઍવોર્ડ કેમ નથી મળ્યો ?
- એ લોકો 'ઍનકાઉન્ટર'ને ધાર્મિક કૉલમ ગણે છે.
(રજાહુસેન બચુભાઈ, મહુવા)

* મારા હમણાં જ લગ્ન થયા છે. આપની સલાહ લેવી છે. મારે વહુઘેલો ગોરધન થવું કે માવડીયો ?
- તમને શું ફરક પડે છે હવે ? બન્ને અવસ્થામાં તમારે તો કોઈ બુદ્ધિ વાપરવાની નથી !
(યોગેન્દ્ર જોશી, અમદાવાદ)

* ગુજરાતના 'નંબર વન' હાસ્યલેખક હોવાનું કેવું ગૌરવ અનુભવો છો ?
- ગૂડ જૉક.
(નિશી જે. પટેલ, મુંબઈ)

26/07/2013

દિલ્લગી (૪૯)

ફિલ્મ : 'દિલ્લગી' ('૪૯)
નિર્માતા-દિગ્દર્શક : એ.આર.કારદાર
સંગીત : નૌશાદઅલી
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૩-રીલ્સ
થીયેટર : ? (અમદાવાદ)
કલાકારો : સુરૈયા, શ્યામ, શામકુમાર, અમીરબાનો, આગા મેહરાજ,ગુલામ હસન, બેબી શ્યામા, ગુલઝાર, ચંદાબાઇ અને અમર.

ગીતો
૧. મુરલીવાલે મુરલી બજા, સુન સુન મુરલી કો નાચે જીયા.....સુરૈયા
૨. લે કે દિલ, ચુપકે સે ક્યા મજબૂર હૈ.... સુરૈયા
૩. મેરી પ્યારી પતંગ, ચલી બાદલ કે સંગ..... ઉમા દેવી-શમશાદ
૪. દુનિયા ક્યા જાને મેરા અફસાના, ક્યું ગાયે દિલ ઉલ્ફત કા તરાના....સુરૈયા
૫. તુ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, નહિ દિલ કા લગાના કોઇ.....સુરૈયા-શ્યામ
૬. તેરા ખયાલ દિલ સે ભૂલાયા ન જાયેગા......સુરૈયા
૭. ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત હૈ.....સુરૈયા
૮. નિરાલા મુહબ્બત કા દસ્તુર દેખા, વફા કરનેવાલો કો મજબૂર દેખા....સુરૈયા
૯. જાલીમ જમાના મુઝ કો તુમ સે છુડા રહા હૈ.....સુરૈયા-શ્યામ
૧૦. તેરે કૂચે મેં અરમાનો કી દુનિયા લે કે આયા હૂં.... મુહમ્મદ રફી
૧૧. ઇસ દુનિયા મેં અય દિલવાલો, દિલ કા લગાના ખેલ નહિ....મુહમ્મદ રફી

ઇંગ્લિશમાં વાંચતા એટલું જ આવડે કે, ફિલ્મ શરૂ થતા પહેલા સેન્સર સર્ટિફિકેટ બતાવે, એના જમણા ખૂણામાં નીચે ૧૬, ૧૭ કે જેટલી લંબાઇની ફિલ્મ હોય, એટલા રીલ્સ લખ્યા હોય. એ સર્ટિફિકેટ દર્શાવાતા જ સિનેમામાં બેઠેલા ઇંગ્લિશ જાણનારાઓ એક સાથે મોટેથી વાંચે, ''સતરાઆઆઆ....હ.''આમ બોલવાથી બાજુવાળા ઉપર છાપ સારી પડતી કે, આને ઇંગ્લિશ આવડે છે, હો. ! એમાં ય, સમજ એવી કે, જેટલા રીલ્સ વધારે હોય, એટલા પૈસા વસૂલ ! 'સંગમ'કે 'મુગલ-એ-આઝમ'જેવી ફિલ્મો ૨૦-૨૨ રીલ્સની બની હતી, એમાં પબ્લિક ખુશ ! 'બો'ત પૈસા ખર્ચેલા હે, ભાઇ...ઉન્નીસ ભાગ કી હૈ...!''

એ હિસાબે '૪૯-ની સાલમાં આ ફિલ્મ 'દિલ્લગી'ના માત્ર ૧૩- જ રીલ્સ વાંચીને પ્રજાના પૈસા પડી ગયા હશે ! ઘણાને આજે ૬૪-વર્ષ પહેલાની આ ફિલ્મ જોયા પછી એના ૧૩ રીલ્સ ૧૩૦૦ જેટલા લાગ્યા. ફિલ્મ અબ્દુર રશિદ કારદારે બનાવી હોય, એટલે જાણતા તો સહુ હોય કે, ફિલ્મમાં કોઇ ઢંગધડા ના હોય ! તદ્દન ફાલતુ ફિલ્મો બનાવવા ઉપર એમનો જંગી હાથ બેસી ગયો હતો. તમે માની ન શકો, એવી વાહિયાત ફિલ્મો કારદાર બનાવી શકતા, એ આંચકો નથી, પણ એવી ફિલ્મો ય ટિકીટબારી ઉપર છલકાઇ ઉઠતી, એનો આંચકો છે...

....અને એ છલકાવાનું કારણ કારદાર કે એમની ફિલ્મો...? માય ફૂટ...! અમારા ખાડીયાની લિંગોમાં કહીએ તો કારદારના નામના કોઇ ચણા ય ના આલે...!' બસ, એક કામ કારદારે ઘણું ઊંચા ગજાંનું કર્યું હતું...એકાદ-બે અપવાદોને બાદ કરતા પોતે બનાવેલી તમામ ફિલ્મોનું સંગીત ધી ગ્રેટ નૌશાદ સા'બને સોંપવાનું કામ ! અને નૌશાદ અને શંકર-જયકિશનને બાદ કરતા બીજું કોઇ ગ્રેટ હતું પણ કોણ ? અફ કોર્સ, કોઇ નહિ ! આ બન્નેને બાદ કરતાં બાકીના મારા-તમારા તમામ ફેવરિટ સંગીતકારો આ બન્નેની તોલે નહિ આવે. (આ બન્નેનો વધારાનો એક આભાર તો એટલે ય માનવાનો કે, બન્ને માટે લતા-રફી પહેલા ખોળાના હતા. લતા-રફીના સર્વોત્તમ ગીતો આ બન્ને જોડીએ આપ્યા છે. નૌશાદે આ ફિલ્મ 'દિલ્લગી'માં કમાલો કરી છે સુરૈયા પાસે નયનછલક ગીતો ગવડાવીને. સુરૈયા છવાઇ ગઇ હતી. 'દિલ્લગી'ની હીરોઇન કે ગાયિકા-બન્ને મેદાનોમાં. અને રફી સાહેબના ચાહકોને બે મસ્તધુરા કેવા ગીતો નૌશાદે બનાવી નાંખ્યા હતા ! કોઇ તો ગાઇ જુઓ જરા...મને ફાવે એવા નથી !!!

''દિલ્લગી''નામની આ પહેલી ફિલ્મ 'દિલ્લગી'૧૯૪૯માં આવી. એ પહેલા ૧૯૪૨માં ય આપણા એક ગુજરાતી બળવંત ભટ્ટે 'દિલ્લગી'બનાવી હતી. જેની હીરોઇન હતી હંસા વાડકર. આ હંસા એટલે વ્હી.શાંતારામની એક સમયની પ્રેમિકા. શાંતારામને ખુલ્લા પાડવા હંસા વાડકરે આત્મકથા લખી અને અમોલ પાલેકર-સ્મિતા પાટીલ અભિનીત ફિલ્મ 'ભૂમિકા'બની. '૪૨-વાળી 'દિલ્લગી'નો હીરો કુમાર હતો, જે 'મુગલ-એ-આઝમ'માં ફાંસીએ ચઢતા સલીમ માટે રફીના સ્વરમાં 'અય મુહબ્બત ઝીંદાબાદ' ગાય છે. આ ફિલ્મમાં આગા પણ હતો. ત્રીજી ફિલ્મ 'દિલ્લગી' માલા સિન્હા અને સંજય ખાનની આવી. લક્ષ્મી-પ્યારેના મધુર સંગીતમાં આ 'દિલ્લગી' જ્હોની વોકરે પોતે પ્રોડયુસ કરી હતી. લતા-મૂકેશનું એક ગીત મૂકેશના ચાહકોને યાદ હશે, 'હમ જી લેંગે બીન તુમ્હારે, તુમ ફિર યે કભી ન કહેના, તુમ મેરી જીંદગી હો..'

ચોથી 'દિલ્લગી'ધર્મેન્દ્ર-હેમા માલિનીની હતી, જેમાં લતાનું ખૂબ્બ મીઠું ગીત હતું, 'મૈં કૌન સા ગીત સુનાઉ ક્યા ગાઉ...'છવાઇ-ઉવાઉ કરતી અને છવાઇ જશે એવી મીઠી લાગતી બંગાળની એક હીરોઇન ' મીઠુ મુકર્જી' આ ફિલ્મમાં આવ્યા પછી ખોવાઇ ગઇ. પાંચમી 'દિલ્લગી' ધર્મેન્દ્રએ પોતાના છોકરાઓને ઊંચે લાવવા બનાવી હતી- ઉર્મિલા માતોંડકરને લઇને... ધરમો તો કારદાર કરતા ય વધુ ફાલતુ ફિલ્મો બનાવી શકે છે, એ આપણે ક્યાં નથી જાણતા ? સુરત-વડોદરાના ફિલ્મી ચાહક શ્રી ભરત દવે માર્કેટમાં કોઇ પણ જૂની ફિલ્મ આવે, એટલે ગમે એટલા પૈસા ખર્ચીને એ ડીવીડી લઇ આવે જ. બહુ મોટું કલેકશન છે એમની પાસે. મને એમણે આ ચારે ય 'દિલ્લગી'ની ભેગી બહાર પડેલી ડીવીડી મોકલી. હવે આપણી આજની 'દિલ્લગી'ની વાત કરવી જ હોય તો હું તૈયાર છું. નાનકડા ગામમાં સુરૈયા એના વિધૂર પિતા અને મામુ સાથે રહે છે. કામકાજ કાંઇ નહિ કરતા રખડુ દિયર (શ્યામ)ને એની નાલાયક ભાભી (અમીરબાનુ) કાઢી મૂકે છે. રસ્તામાં સૂરૈયા મળી જતા, બન્ને પ્રેમમાં પડે છે. સુરૈયાનો મામુ (અમર) વિલન હોવાથી સંબંધ તોડવા આમાદા બને છે, ને હીરો શ્યામને બદલે વિલન શામ (કુમાર) સાથે જબરદસ્તી પરણાવી દે છે, જેથી રોજ રાત્રે એકલી પડે ત્યારે સુરૈયા કરૂણ ગીતો ગાઇ શકે. પતિનું ઘર છોડીને ભાગી ગયેલી સુરૈયા પ્રેમી શ્યામને મળવા જાય છે, એ ત્યાં મરેલો પડેલો હોય છે, એ જોઇને લેવા-દેવા વગરની એ ય ગૂજરી જાય છે. સુરૈયા જમાલ શેખ (૧૫ જૂન, ૧૯૨૯- ૩૧ જાન્યુ. ૨૦૦૪)મતલબ, સુરૈયા લતા મંગેશકર કરતા એક્ઝેક્ટ ૧૦૫ દિવસ મોટી. લતા ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯. હાલમાં મુંબઇનાં ફોર્ટ વિસ્તારમાં ન્યૂ ગર્લ્સ સ્કૂલ તરીકે ઓળખાતી ને એ જમાનાની ન્યૂ પેટીટ હાઇસ્કૂલમાં સૂરૈયા ભણી હતી. ઉર્દુ ઉપરાંત એ ફાંફડું ગુજરાતી અને ઇંગ્લિશ બોલતી હતી. એણે તો પર્શીયન ભાષાનું ઇસ્લામનું ધાર્મિક શિક્ષણ પણ લીધું હતું.

ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયેલા બાળકાર્યક્રમમાં નૌશાદે સુરૈયાને પહેલી વાર સાંભળી અને બોલાવી લીધી. (બહુ ઓછાને ખબર હશે કે, દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કુમાર પણ ''બાલ-કલાકારો'' જ હતા...એ ત્રણે ય ના શરીર ઉપર રીંછ જેટલા 'બાલ' હતા, માટે !) ફિલ્મ 'શારદા'માં એને પહેલું ગીત આપ્યું. નૌશાદ અલીએ સુરૈયા પાસે ૫૧- ગીતો ગવડાવ્યા હતા. પહેલા નંબરે સંગીતકારો હુસ્નલાલ-ભગતરામ હતા.

દેવ આનંદ સાથે સુરૈયાની સાત ફિલ્મો આવી- વિદ્યા ('૪૮), જીત ('૪૯), શાયર ('૪૯) અફસર ('૫૦), નીલી ('૫૦), દો સિતારે ('૫૧) અને સનમ ('૫૧).

દેવ આનંદે પોતે કબુલ્યા મુજબ, એ બન્ને પ્રેમમાં પડયા ત્યારે સુરૈયા અનેકગણી મોટી સ્ટાર હતી. દેવ આનંદને માંડ કોઇ ઓળખતું હતું. બસ. દેવ આનંદના સંસ્કાર, શિક્ષણ અને મેનર્સને કારણે એ પ્રેમમાં પડી. રેડીયો સીલોનના પૂર્વ ઉદ્ઘોષક ગોપાલ શર્માને આપેલા અંગત ઇન્ટરવ્યૂમાં સુરૈયાએ દેવ સાથે લગ્ન નહિ થવાના કારણમાં દિલીપ કુમારનાં કાવતરાં હતા, એવું બિનધાસ્ત જણાવ્યું હતું. મુસલમાન યુવતી (અને એ ય સુરૈયા જેવી નામવર હસ્તિ !) એક હિંદુને પરણે એ તો કેમ ચલાવી લેવાય ? દિલીપે કે.આસીફ, મેહબૂબખાન, કારદાર અને નૌશાદને ઉશ્કેર્યા... ખૂબ ઉશ્કેર્યા. પણ એક માત્ર નૌશાદને બાદ કરતા આ ટુકડીને હર કોઇ દેવ આનંદની વિરૂધ્ધ થઇ ગયું. સુરૈયાએ અક્ષરસઃ દિલીપ માટે આટલું કહ્યું હતું. Dev was a decent man... Dilip wasn't! જો કે, દેવ અને સુરૈયાની ગુપ્ત મુલાકાતોને છાની રાખવામાં કામિની કૌશલ અને દુર્ગા ખોટે, પોતાના માટે બહુ મોટા જોખમો લઇને પણ પેલા બન્નેને મળવાના સ્થળોની ગોઠવણો કરી આપતા હતા. અલબત્ત, સંઘ કાશીએ ન પહોચ્યો. પેલી ટોળકીએ છેવટે ઇસ્લામના નામ પર સુરૈયાની નાનીને ખૂબ ઉશ્કેરી, એમાં બન્નેના લગ્ન કરાવી આપવાની વાત તો દૂર રહી, નાનીએ તો, દેવ આનંદે સુરૈયાને એ જમાનામાં રૂ. ૩,૦૦૦/-માં ખરીદેલી ડાયમન્ડ વીંટી દરિયામાં ફેંકી દીધી.... દેવ આનંદ ઉચકાયો નહિ હોય...! ફિલ્મનો હીરો શ્યામ પણ સુરૈયાની જેમ પાકિસ્તાનમાં જન્મ્યો હતો. એનું અસલ નામ, 'સુંદર શ્યામ ચઢ્ઢા'. દેખાવડો તો ખૂબ હતો પણ દેખાવમાં એ આપણા વિલન સજ્જન જેવો દેખાતો. હિંદી ફિલ્મોની આદર પાત્ર ડાન્સર-એક્ટ્રેસ હેલનની જે પહેલી ફિલ્મ હતી, એ આ શ્યામની છેલ્લી ફિલ્મ બની, 'શબિસ્તાન', (જે અમદાવાદની અશોક ટોકીઝમાં આવ્યું હતું) આ જ ફિલ્મના શૂટિંગ દરમ્યાન શ્યામ ઘોડા ઉપરથી પડી ગયા પછી ઘોડાએ પાછલા પગે નિઃસહાય શ્યામને લાતો મારીમારીને મારી નાંખ્યો. (કહે છે કે એ સમયે હિંદી ફિલ્મોની પરણેલી ઘણી હીરોઇનો એ ઘોડાને બ્લેકમાં ય ખરીદવા તૈયાર હતી !) જો કે, હવા એવી પણ ચાલી હતી કે, શ્યામના મૃત્યુને આ રીતે એક્સીડેન્ટમાં ખપાવીને મોટી રમત રમાઇ હતી. એના જ કોઇ હરિફે 'મોતી'નામના સફેદ ઘોડાને પુષ્કળ પ્રમાણમાં દારૂ પીવડાવ્યો હતો. એમાં શ્યામ બેસતા જ ઘોડો કાબુ બહારનો થઇ ગયો હતો.

શ્યામ એક મુસલમાન યુવતી મુમતાઝ કુરેશીને પરણ્યો હતો. હાલના પાકિસ્તાનની ટીવી-ચેનલો ઉપર ધૂમ મચાવતી એન્કર સાયરા કાઝમી આ શ્યામની સુપુત્રી થાય. જે રાહત કાઝમીને પરણી છે. શ્યામે હિંદુ ધર્મ છોડયો ન હતો, પણ એના અવસાન પછી એની પત્ની મુમતાઝ કુરેશી અન્સારી નામના એક પાકિસ્તાનીને પરણી, એટલે સંતાનો મુસલમાન થયા. અલબત્ત, મુમતાઝ કુરેશી એ પછી લંડનમાં સેટલ તો થઇ, પણ ત્યાં કોકની સાથે લફરૂં કર્યું, એમાં કોઇએ લંડનના ભરબજારમાં એની ગોળી મારીને હત્યા કરી નાંખી. શ્યામ પોતે સ્ત્રીઓનો ભારે શોખિન હતો. એના આડસંબંધો ભારતથી માંડીને પાકિસ્તાન સુધી વિસ્તર્યા હતા. શ્યામ સ્ત્રીઓનો શોખિન હોવાનું ગળે ઉતરે એવું બીજું કારણ બે વિશ્વવિખ્યાત લેખકો સઆદત હસન મન્ટો અને કૃષ્ણચંદર શ્યામના ખૂબ નજીકના દોસ્તો હતા, એ નહિ હોય ?? મન્ટો અને શ્યામ તો એક જ રૂમમાં ભાડે રહેતા હતા. મન્ટોની ઘણી વાર્તા કેવળ શ્યામને ધ્યાનમાં રાખીને લખાઇ હતી. આ બન્ને લેખકો ય પૂરા લફરેબાજ હતા! શ્યામ ખૂબ હેન્ડસમ હીરો હતો, પણ ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં પૈસા ભી જાયેગા, ઔર સોના ભી જાયેગા'ની દાદાગીરી પછી ફાયર પ્લેસ પાસે દેવ આનંદના હાથે માર ખાતો વિલન 'શ્યામકુમાર' પાછો જુદો. આ શ્યામકુમારે જ આ ફિલ્મનું 'તુ મેરા ચાંદ મૈં તેરી ચાંદની'સુરૈયા સાથે ગાયું હતું.બિયરના પીપડાં જેવી પહોળી છાતી ધરાવતા શામકુમારનું સાચું નામ 'સઇદ ગુલ હમીદ'હતું. ફિરોઝખાને મુમતાઝવાળી ફિલ્મ 'અપરાધ'માં આ શ્યામકુમારને કંઇક કરી બતાવવાનો ચાન્સ આપ્યો હતો અને શામકુમારે ફિરોઝનો વિશ્વાસ તોડયો નહતો. ફિલ્મ 'દિલ્લગી'નો આપણા માટેનો ઉત્તમ હિસ્સો ફક્ત નૌશાદના મધુર ગીતોનો કહેવાય, એમાં ય સુરૈયા તો હતી જ એમની લાડકી, એટલે અથવા તો એમની હરએક ફિલ્મમાં ઉત્તમ સંગીત આપવાની જ દાનતને કારણે 'દિલ્લગી'ના તમામ ગીતો મુલ્ક મશહૂર થયા હતા. અલબત્ત, એક જમાનામાં મુહમ્મદ રફી એમના મોટા ભાઇ હમીદ રફી સાથે નૌશાદને મળવા, નૌશાદના પિતાની ચિઠ્ઠી લઇને આવ્યા, એ પછી નૌશાદે રફીને ચાન્સ આપ્યો, એવું નૌશાદ ફૌજી ભાઇયો કા જયમાલા કાર્યક્રમમાં કહીને, રફીના આ ફિલ્મના બહુ ઓછા જાણિતા છતાં રફીના ચાહકોને પાગલ-પાગલ કરી મૂકે એવા બે ગીતો, 'ઇસ દુનિયા મેં અય દિલવાલો, દિલ કા લગાના ખેલ નહિ...'અને 'તેરે કૂચે મેં અરમાનો કી દુનિયા લે કે આયા હૂં...'સંભળાવ્યા હતા. આમ તો સગપણમાં મજરૂહ સુલતાનપુરી નૌશાદના વેવાઇ થાય, પણ નૌશાદને શબ્દની સમજ ખરી, એટલે ગીતકાર તરીકે કોને લેવાય, એના કરતા કોને ન લેવાય, એની પાક્કી સમજ. પરિણામે શરૂઆતમાં ફિલ્મ 'અંદાઝ'માં એકવાર ભૂલ કર્યા પછી એની એ જ ભૂલ દાયકાઓ પછી વૈજ્યંતિમાલા-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'સાથી'માં દોહરાવીને મજરૂહ પાસે ગીતો લખાવ્યા. પણ શબ્દના અસલી મોરને પારખવાની નૌશાદમાં અક્કલ હતી, એટલે જીવનભર-શક્ય હોય ત્યાં સુધી એમણે પોતાની ઓલમોસ્ટ બધી ફિલ્મોના ગીતો શકીલ બદાયૂની પાસે લખાવ્યા. અલબત્ત, આખી ફિલ્મોના શુટિંગ માંડ કોઇ દસ-બાર દિવસમાં...સોરી, રાતમાં પતી ગયું હશે. એ સમયે દિવસની શિફ્ટમાં કામ કરનારો કોઇ કલાકાર નહિ મળ્યો હોય, એટલે ફિલ્મમાં જરૂરત હોય કે ન હોય કારદારે આખી ફિલ્મ રાતના દ્રષ્યોવાળી જ બનાવી છે ને એમાં ય, એક વાર કેમેરા શરૂ થયો, એટલે હીરો-હીરોઇન થાકે ત્યારે જ શોટ પૂરો થયેલો સમજવાનો. 'તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, હોઓઓઓ...'બસ કોઇ ૩-૪ સળંગ શોટમાં પૂરૂં થયું છે.

એ ખબર ન પડી કે, આ દિલોજાન ગીત બે ભાગમાં છે, તો શ્યામની સાથે બીજા ભાગમાં કઇ ગાયિકાએ ગાયું છે, તેની કદાચ કોઇને ખબર નથી !

24/07/2013

શું... ફાધર ખરેખર ગયા... ?

''શું... ફાધર ખરેખર ગયા... ? મારા તો માનવામાં જ નથી આવતું...!''

આ આપણો કૉમન સવાલ અને કૉમન આઘાત છે. જેના ફાધર- મધર ગયા હોય, એને ઘેર જઈને હુતુતુતુની ખો આલવાની હોય, એમ પાટે અડીને આ જ સવાલ એવા જ ચઢેલા શ્વાસે પૂછીએ છીએ, 'ફાધર... ખરેખર ગયા ?'

એક ખારી હિચકી આવી જાય આ સવાલનો જવાબ આપણે આપવાનો હોય તો ! દુનિયામાં આજ સુધી બધા ખરેખર જ જતા હોય છે, કોઈ હપ્તે- હપ્તે, રોકાઈ રોકાઈને કે જસ્ટ, બે ઘડી ગમ્મત ખાતર જતું નથી. આમાં તો ઇચ્છા ન હોય તો ય 'ખરેખર' જ જવું પડે છે. રીહર્સલો કરીને ઉપર જવાનું હોતું નથી અથવા તો ગયા ન હોઈએ તો ય બે આંખની શરમ રાખવા શોકાકુલ ખબરકાઢુઓને કહી દેવાતું નથી, ''આમ તો ફાધર ડીસેમ્બરમાં જવાના હતા, પણ પછી તમને ખરખરો કરવા આવવાનો ટાઇમ ન હોય, એટલે મેં'કુ... આયા છો તો ફાધરને પતાઈને જ જાઓ. બીજો ધક્કો નહિ.''

એમનો બીજો આઘાત, મરનારને ચિતા ઉપરથી બેઠો કરી નાંખે એવો આંચકાજનક છે કે, એમના તો હજી માનવામાં જ નથી આવતું ! કેમ જાણે આપણે એમને ફૅમિલી સાથે ઉલ્લુ બનાવવા ફાધરના ખોટા સમાચાર મોકલાવ્યા હોય ! હજી હમણાં જ ફાધર હરિશરણ થયા હોય, એટલે એમનું 'ડેથ-સર્ટિફિકેટ' આપણી પાસે ન હોય... બાજુવાળા કોકનું મંગાવીને બતાઈએ, તો એમના માનવામાં આવે !

તારી ભલી થાય ચમના... ફાધર તો બેઘડી આડા પડયા'તા ને અમે એમના બંધ નાકમાં બબ્બે ચમચા ઘી એમને એમ નથી રેડયું. ભૂલમાં ય ઊભા ન થઈ જાય, એટલે સફેદ ધોતિયામાં સૂથળી વડે એમને એમ આવા ટાઇટ નથી બાંધ્યા... ને છતાં ય તું પૂછશ, ''અમારા તો હજી માનવામાં આવતું નથી...?'' અમારે તો હજી બા ય જવાના બાકી છે... તારા માનવામાં આવે, એ માટે અમારે અને બાએ પણ જતા જતા શું કરવું એ કહેતો જજે, જેથી બીજા રાઉન્ડમાં તું આવે, ત્યારે આવું બોલે નહિ, ''અમારા તો હજી માનવામાં આવતું નથી...!'' હવે બહુ થયું ભ'ઇ... કોઈ પંખો ચાલુ કરો !

પણ પૂછનારમાં અક્કલ હોતી નથી. અક્કલ તો હશે, પણ આવડત અને અનુભવ હોતા નથી. બેસણામાં તો સમજ્યા કે, આપણે કાંઈ બોલવા કરવાનું હોતું નથી. સફેદ લેંઘો- ઝભ્ભો પહેરીને દુઃખે નહિ, ત્યાં સુધી પલાંઠો વાળીને બધાની વચ્ચે મોંઢું ઢીલું કરી મૅક્સિમમ ત્રણેક મિનિટ બેસવાનું હોય છે. એ વખતે મોબાઇલ નહિ ફેંદવાનો, મસાલો નહિ ખાવાનો કે, પેલા વિભાગમાં બેઠેલી મહિલાઓ તરફ છાનુમાનું જો જો નહિ કરવાનું ! ઊભા થતી વખતે એવું જ ઢીલું મોઢું રાખીને ચુપચાપ જતું રહેવાનું. જતા જતા, સ્વર્ગસ્થના ફોટા નીચે બેઠેલાને કહેવાનું નહિ કે, ''ચાલો ત્યારે ફરી મળીએ છીએ પાછા... બાય !''

વાંદરા, ફરી મળવાની લુખ્ખી બેસણામાં ન અલાય... ફોટા નીચે બેઠેલાને હૃદય રોગનો હુમલો આવી જાય !

નોર્મલી, કોકના બેસણામાં કે ૧૩મા સુધીમાં ઘેર ખરખરો કરવાનો જેને રોજનો અનુભવ હોય, એ લોકોને આવું બધું ફાવે. અનુભવને આધારે 'ફાધર ખરેખર ગયા ?' વાળો મામલો તો આ લોકો ચપટીમાં પતાઈ નાંખે છે, કે બીજો કોઈ કેસ હોય તો બોલો ! આપણે ત્યાં બેસણે બેસણે ઉપસ્થિત રહેતા બારમાસી શોકાકૂલોનો એક વર્ગ છે. એમને આવું બધું આવડે. ત્યાં ગયા પછી પલાંઠી કેવી રીતે વાળવી, ધોળા કપડાંઓમાંથી કોના ખભે હાથ મૂકવો, કોને, 'બહુ ખોટું થયું...' કહેવું ને કોને જરા ધીરજ રાખવાનું કહેવું, એ બધું એમને આવડે.

સાલી, આમાં ધીરજો શેની અને કોના માટે રાખવાની હોય ? ડોહા તો પત્યા.. જરા ધીરજ રાખો... ડોસી હાથવ્હેંતમાં જ છે ! એવી ધીરજો રાખવાની ?

બેસણું પતી ગયા પછી ૧૩ દિવસ સુધી તો શોક વ્યક્ત કરવા ઑફિશીયલી જઈ શકાય છે. પણ ત્યાં ગયા પછી હવા આપણી ટાઇટ થઈ જાય છે કે, બોલવું શું ? બેસવું કઈ પલાંઠીથી ! શું આવા કરુણ સંજોગોમાં એક પગ બીજા પગની ઉપર ચઢાવીને બેસી શકાય ? આજે તો માનવામાં નહિ આવે, પણ ૫૦'ની પહેલાના જમાનામાં આવી રીતે બેસવા ગયા હોઈએ ત્યારે બન્ને પગના પંજા ઉપર બેસીને બંને હાથ લમણે ટેકવીને બેસો, તો જ જેનો ડોહો ગયો છે, એને રાહત રહે કે, આને ય મારા ફાધરના જવાનો ઝટકો લાગ્યો છે. ભલે, હવે એ પદ્ધતિથી બેસવાનો જમાનો નથી, પણ શોક વ્યક્ત કરવા ઘરે જાઓ ત્યારે તીનપત્તી રમવા બેઠા હો, એવા ટેસથી બેસાતું નથી... 'લાઓ ત્યારે...કોઈ ડ્રિન્ક્સ- બ્રિન્ક્સ બનાઓ, યાર... આપણામાં સોડા નહિ !'

પણ આપણા જેવાને આવો શોક વ્યક્ત કરવા જવામાં સોલ્લિડ તકલીફ પડે છે. ઘણીવાર તો બફાઈ પણ જાય છે ને પૂછી બેસીએ છીએ, 'ગયા એ તમારા મધર હતા કે ફાધર ?'

મેં તો અનુભવના આધારે એ પણ નોંધ્યું છે કે, કરૂણ સમાચાર સાંભળીને આપણે તરત મરનારના ઘરે પહોંચીએ. આઘાત આપણને ય ખૂબ લાગ્યો હોય, પણ ત્યાં ગયા પછી આપણી નોટ છપાઈ જાય છે. ઘરમાં કોઈ ઉકલી ગયું છે, એનો એ લોકોને તો એવો કોઈ ઝાટકો લાગ્યો હોતો નથી. એમને માટે આ તો જાણે રોજનું થયું ! એ લોકો કરતા આપણા મોંઢા વધારે ઢીલા હોય ને સાચા ઢીલા હોય ! મરનાર સાથે આપણી લાગણી, સંબંધ અને અનુભવો યાદ કરીને 'આવો સરસ માણસ મરવો નહતો જોઈતો...!' એવી વેદના આપણને ત્યાં ગયા પછી કે પહેલા થતી હોય, એ પાછા આવીને આઘાતમાં ફેરવાઈ જાય. ઘરમાં બધા તદ્દન સ્વાભાવિકતાથી હરતા-ફરતા હોય... હજી ૧૨ કલાકે ય ના થયા હોય છતાં ! એક વાસ્તવિક હકીકત કહું કે, આવા એક ઘરે હું ને પત્ની ગયા ને ઘરના બધા ''રાજી થઈ ગયા''. હિંદુઓમાં આવા દુઃખદ પ્રસંગે કોઈને 'આવો' કે જતી વખતે 'આવજો' કહેવાતું નથી. ઇવન પાણી પણ ન મંગાય કે ન પીવડાવાય. આની પાછળ લૉજીક કે સાયન્સ- ફાયન્સ કાંઈ ન હોય, પણ મૃત્યુની એક અદબ હોય છે. સદ્ગતના જવાથી અમને બન્નેને ભારે સદમો પહોંચ્યો હતો, પણ એ લોકો બહુ સાહજિક હતા... એટલું જ નહિ, મરનારના દીકરાની વહુએ તો ફર્માઇશ પણ કરી કે, 'આહ.. દાદુ આવ્યા છે તો થોડું હસાવશે... તમારા લેખો તો કાયમ વાંચીએ છીએ...!'

એ સમજી શકાય કે, ઘરના લોકો રડે તો જ શોક થયો એવું નથી. વળી ખૂબ લાંબી બીમારી પછી ડોસી માંડ ઉકલી હોય, તો એમાં શોક કરવા જેવું ન હોય... આપણામાં ઘેર ઘેર બોલાતું વાક્ય છે, 'આમ તો છૂટી ગયા બિચારા... !'

પણ મારી પત્નીએ તો સાચ્ચે જ જેને ગહેરો આઘાત લાગ્યો હતો ને જે ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી, એ મરનારની દીકરીને અજાણતામાં હસાવી દીધી હતી. પત્ની પેલીને સાંત્વન આપતા આપતા બરડા ઉપર હાથ ફેરવતી હતી, એમાં પેલીને મજા પડવા માંડી. આને એમ કે હું દિલાસો દઈ રહી છું પણ પેલીને ગલીપચી થતી હતી... સાલો આખો માહૌલ ફરી ગયો. પેલીએ હસવાનું શરુ કર્યું ને... બસ !

સિક્સર
ભારતવાસીઓને સલાહ : લાંચ લેવાનું બંધ કરો. આપણી કોંગ્રેસને ધંધામાં હરિફાઇ નથી ગમતી !

21/07/2013

ઍનકાઉન્ટર - 21-07-2013

* તમે પરદેશ તો ગયા છો. તમને પરદેશનું શું ગમે છે?
- મને તો પાકિસ્તાને ય ગમે છે. એકબીજાને જાનથી ખતમ કરી નાંખવા ત્યાંના રાજકારણીઓ બેતાબ છે, પણ વાત ભારતને ખતમ કરી નાંખવાની આવે, ત્યારે મુશર્રફ, ઝરદારી કે નવાઝ શરીફ... આ બધા એક! એમાં એક બીજાનો કોઈ વિરોધ નહિં. અહીં બૌધ્ધગયામાં આતંકી વિસ્ફોટ થયો, એમાં ય નાલાયક દિગ્વિજયસિંહ રાજકારણ ખેલે છે. આખી કોંગ્રેસમાંથી કોઈ પાકિસ્તાન વિરૂધ્ધ બોલી શકે છે?
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

* સવાલ પરથી તમને પૂછનારની ઉંમરનો અંદાજ આવી જાય છે ખરો? કે ક્યારેક કાચું પણ કપાય?
- આ કૉલમ વાચકોની ઉંમર જાણવા માટે નથી, હ્યૂમર જાણવા માટે છે.
(અખિલ મહેતા, અમદાવાદ)

* આજકાલ મકાનો વેચાતા-ખરીદાતા તો નથી, છતાં બિલ્ડરો નવા મકાનો બાંધે જ જાય છે!
- બિલ્ડરો જ નહિ, મકાન માલિકો ય ફાંફા મારે છે, ''અમારા ફ્લેટના ૮૦-લાખ આવે છે...'' આવતા હોય તો લેતો કેમ નથી., ભ'ઈ? બધા તોતિંગ તેજીની રાહ જોઈને બેઠા છે...!
(ઈસુબ મનસુરી, મેહસાણા)

* ...સ્વર્ગ અને નર્ક... કલ્પના છે કે હકીકત?
- ત્યાં બેઠું હોય, એને ખબર પડે!
(વિજય રાઠોડ, રાવળાપુરા-આણંદ)

* ભારતીય સંસ્કારસંહિતા મુજબ, પત્નીને કામવાળી ન સમજાય, તો કામવાળીને પત્ની સમજાય ખરી?
- એનો આધાર તમે કયા સ્ટાન્ડર્ડનું જીવન જીવી રહ્યા છો, એના ઉપર છે.
(ભૂપેન્દ્ર ટી. શાહ, વડોદરા)

* અગાઉ, ઘરમાં આવેલી નવી વહુ એના ઝાંઝરના ઝમકારથી ઓળખાતી... હવે જીભથી ઓળખાય છે. હવે આગળ?
- આદર્શ સસુરજીએ સસરીને એટલે કે, પોતાની વાઈફને ઓળખવાની ચિંતા કરવાની હોય, વહુની નહિ!
(મધુકર પી. માંકડ, જામનગર)

* લગ્ન માટે વર-કન્યાને બદલે સાસુ-વહુના જન્માક્ષર મેળવાતા હોય તો?
- પેલી બાજુ, જમાઈ ને એની સાસુના ય મેળવવા પડે!...આપણે લગન કરાવવાના છે કે ધીંગાણા રમવાના છે?
(ધવલ એ. શાહ, વડોદરા)

* ભેંસ આગળ ભાગવત એટલે?
- ડૉ. મનમોહનસિંઘ આગળ દેશના પ્રશ્નો.
(જેનિલ એમ. મલકાણ, ગોધરા)

* બહાર બધા વખાણ કરે ને ઘરમાં કાંઈ ઉપજે નહિ, એવા ગોરધને શું કરવું?
- તે... બહારના લોકો મજાકે ય ના કરે?
(રમેશ દેસાઈ, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સાચા-ખોટા જવાબો આપવાનું તમને શું વળતર મળે છે?
- બસ... અદાણી અને અંબાણીની લાઈનમાં આવી ગયો છું... 'અશોક દવાણી...!'
(શિવરાજ સિંહ વાઘેલા)

* દેશના વડાપ્રધાન સરદાર હોય, રાષ્ટ્રપતિ બ્રાહ્મણ હોય, ઉપરાષ્ટ્રપતિ મુસ્લિમ હોય ને સુપરવડાપ્રધાન પરદેશી મહિલા હોય, એ દેશનું શું થશે?
- બચાયે નૌજવાનોં સે...!
(ફખરી બારીયાવાલા, ગોધરા)

* ફાયરબ્રિગેડમાં મહિલાઓને કેમ આગ બૂઝાવવા મોકલાતી નથી?
- આગના સ્થળે એમની મદદમાં બ્યુટીશિયનોને પણ મોકલવી પડે!
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* પુરૂષોનું ધ્યાન સ્ત્રીઓ તરફ રહેવાનું કારણ શું?
- એ પુરૂષો છે.
(ભરત અંજારીયા, રાજકોટ)

* 'અશોક'ના જીવનમાં 'શોક' ન હોય, એ સાચું છે?
- એકલા 'અ'થી તો કેટલું ચલાવું?
(નિશા પરમાર, ગારીયાધાર)

* ૧૫. એક હાથ બંડીના ખિસ્સામાં રાખી ટૂંકા પગલાં ભરતા મનમોહન લાંબા પગલાં ક્યારે ભરશે?
- એક પગ પણ બંડીના ખિસ્સામાં રાખતા થશે ત્યારે!
(હરસુખ જોશી, રાજકોટ)

* તમે હમણાં અમારા થાનગઢ આવી ગયા... કેવું લાગ્યું?
- હું વર્ષોથી આવું છું. ૪૦-વર્ષો પહેલાના મારા મિત્રો મળ્યા નહિ... લાલદાસ દુધરેજીયા, જયકર શાહ, નરેન્દ્ર, કાકુ, વી.કે. ચાવડા અને મારો ભાઈ નિરંજન દવે.
(શાહ મહેન્દ્ર હરખચંદ, થાનગઢ)

* સરકારી કર્મચારીઓને લાંચ આપનારાઓ વિશે શું કહેવું છે?
- કાશ... કે હું સરકારી કર્મચારી હોત...!!!
(અજયસિંહ ઈન્દ્રસિંહ ચંપાવત, હિંમતનગર)

* ભારતમાં આમ આદમીની વૅલ્યુ કેટલી?
- આપણા બન્ને જેટલી!
(ડૉ. કમલેશ મોઢા, મુંબઈ)

* બધાએ ખાલી હાથ જવાનું છે, છતાં પૈસાની પાછળ આટલી દોડધામ?
- તમે માંડી વાળો... અમને દોડધામનો વાંધો નથી!
(આલોક રમેશ તન્ના, મુંબઈ)

* અન્ના હજારેને ફાલતુ અને અમિતાભ બચ્ચનને મહાન ગણીને તમે કેટલા ભેજાંગૅપ છો, એનો પરિચય આપ્યો છે.
- તમારા પૂરતા એ બન્નેના આ ટાઈટલ્સ ઉલટાવી નાંખો. ભૂજવાળા તમારા ઉપર બહુ રાજી થશે.
(નરેન્દ્રસિંહ જાડેજા, ભૂજ)

* એક તરફ કરોડો રૂપિયા મળે ને બીજી તરફ સ્વર્ગમાં જવાની ઑફર મળે, તો તમે કયું પસંદ કરશો?
- હાથમાં કરોડો હોય તો એક આંટો મારી આવવામાં વાંધો નહિ!
(હારૂન ખત્રી, જામખંભાળીયા)

* તમે ભર ચોમાસે પંખો ચાલુ કરવાનું કીધે રાખો છો, તો તમારા બા ખીજાતાં નથી?
- એ તો એસી ચાલુ કરીને બેસે છે.
(મણીલાલ રૂધાણી, રાણાવાવ)

* હાલની દેશની દયાજનક પરિસ્થિતિ માટે વિશેષ જવાબદાર ભ્રષ્ટ રાજકારણીઓ અને એવા જ કહેવાતા સાધુસંતો ઉપર પ્રજા હજી કેમ આંધળો વિશ્વાસ મૂકે છે?
- ચિંતા રાજકારણીઓની ન હોય... એ તો એવા જ હોય. દુઃખ સાધુ-સંતોનું છે, જે પોતાનું મૂલ્ય અને માન ગૂમાવી રહ્યાં છે. આખા દેશમાં એક પણ સંત નથી, જેને માટે પ્રજાને વિશ્વાસ હોય.
(ગિરા પટવારી, અમદાવાદ)

* કોંગ્રેસ અને ભાજપ એકબીજા ઉપર દરેક વાતે દોષારોપણ કરે છે... એમને દેશના પ્રશ્નો દેખાતા નથી?
- બન્ને નાગાં છે. બન્ને એકબીજાને એક ઈંચ પણ વધારે નાગાં કરી શકે એમ નથી. પ્રજાએ આ બિભત્સ દ્રશ્યો જોવા જ પડે એમ છે.
(ડૉ. મીનાક્ષી અ. નાણાવટી, જૂનાગઢ)

19/07/2013

બૈજુ બાવરા ભાગ- ૨(ગયા અંકથી ચાલુ)
ખરેખર તો 'બાવરા' ટાઇટલ નૌશાદ કે મુહમ્મદ રફીને આપવા જેવું હતું. 'નૌશાદ બાવરા' કે 'રફી બાવરા'. આ બન્નેએ અલ્લાહ મીંયાની ઇબાદતની જેમ સાનભાન ભૂલીને આ ફિલ્મમાં પોતાનું સંગીત સમર્પિત કર્યુ હતું. અલ્લાહ મિયાંને એટલા માટે યાદ કર્યા કે, આખી ફિલ્મ હિંદુઓના ભગવાન શંકર ઉપર આધારિત હતી. ગીતકાર શકીલ બદાયૂનીની જેમ, આ બન્ને પણ ઇશ્વરની પ્રશસ્તિના ગીતો સર્જવામાં પોતાનો મઝહબ વચમાં ન લાવ્યા. રાગ માલકૌંસ પર આધારિત કરૂણામૂર્તિ ભજન, 'મનતડપત હરિદર્શન કો આજ...' જેવું સુંદર સર્જન કરનાર નૌશાદઅલીએ એમના ટીવી ઇન્ટરવ્યુમાં એટલે સુધી કીધું હતું કે, ''રાગ માલકૌંસ ભગવાન શંકરને સમર્પિત કરવામાં આવ્યો છે.'' 'માલકૌંસ' શબ્દની વ્યૂત્પત્તિ મુજબ, 'માલ' એટલે 'માલા' અને કૌંસ એટલે 'કૌશિક', અર્થાત જે ગળામાં સર્પોની માળા પહેરે છે. તે ભગવાન મહાદેવ. આ રાગ માલકૌંસનો સમકક્ષ કર્ણાટક સંગીતનો રાગ હિન્ડોલમ કહેવાય છે. હિન્દુસ્તાની સંગીતનો રાગ હિંડોલ જુદો પાછો. શિવતાંડવ કરી રહેલા કોપાયમાન મહાદેવજીના ક્રોંધને શાંત કરવા માતા પાર્વતીજીએ આ રાગનું સર્જન કર્યું હતું. માલકૌંસ ભૈરવી થાટનો રાગ ગણાય છે.

વાચકોએ આ રાગમાં અનેક ગીતો સાંભળ્યા છે. ખ્યાલ ન હોય કે, આ માલકૌંસ પર આધારિત ગીત છે : મન તડપત હરિદર્શન કો આજ, આધા હૈ ચન્દ્રમાં રાત આધી, અખીયન સંગ અખીયા લાગી. બલમા માને ના, બૈરી ચૂપ ના રહે, ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મૈં તો ગયા હારા અને આ લખનારનું આજીવન માનીતું, 'જાને બહાર હુસ્ન તેરા બેમિસાલ હૈ, વલ્લાહ કમાલ હૈ, અરે વલ્લાહ કમાલ હૈ...'

હર એક રચના સંગીતની મિસાલ બને, એવી ફિલ્મો ઓછી તો છે, પણ શાસ્ત્રીય સંગીતને સમર્પિત રહીને જ તમામ ગીતો બન્યા હોય અને દેશના કોમન મેનને પણ આવું સંગીત સાંગોપાંગ ગમે, એવું જવલ્લે બને છે. 'બૈજુ બાવરા' એવી જ એક મિસાલ છે. એ જ આધાર પર હવે કસોટી અમદાવાદના રાજા મહેતાની પોળમાં રહી ચૂકેલા કૃષ્ણા શાહની થવાની છે. હોલીવૂડમાં ય સફળ ઇંગ્લિશ ફિલ્મો બનાવીને આ ગુજરાતી વાણીયાએ બ્રૂસ લિ ની ''એન્ટર ધ ડ્રેગન''માં સેકન્ડ હીરો બનતા જ્હોન સેક્સન અને ''ધી સાઉન્ડ ઓફ મ્યુઝિક''ના હીરો રેક્સ હેરિસનને લઇને ધર્મેન્દ્ર-ઝીનત અમાનવાળી ફિલ્મ ''શાલિમાર'' બનાવી હતી. બૈજુનો રોલ કરવા હવે આમિરખાનને તો કોઇ મેહનત નહિ કરવી પડે, પણ જે સંગીત આપશે, એને સીધી હરિફાઇ નૌશાદના અપ્રતિમ ગીતો સાથે કરવી પડશે...પેપર બહુ અઘરું નીકળવાનું છે ભાઇ! મોટી ચિંતા એ થાય છે કે, આ 'બૈજુ બાવરા' ભાગ-૨માં આઇટમ સોંગ કોને અપાશે ?

ફિલ્મની વાર્તા કંઇક આવી હતીઃ
સંગીત સમ્રાટ તાનસેન શહેનશાહ અકબરના દરબારના નવ રત્નો પૈકીના હોવાની રૂઇએ, આખા રાજ્યમાં એના સિવાય કોઇ ગાઇ જ ન શકે, સિવાય કે સ્પર્ધામાં એને હરાવે, એવો કાયદો બનાવડાવ્યો હતો. સ્પર્ધામાં સામેવાળો હારી જાય તો સજા-એ-મૌત ! ગામનો એક ગરીબ ભજનિક ઇશ્વરના ભજનો ગાતો જાય છે, એમાં સિપાહીઓ એની હત્યા એના ૮-૧૦ વર્ષના પુત્રની સામે કરી નાંખે છે. બૈજુ નામનો આ પુત્ર બદલો લેવાની નેમ સાથે મોટો થાય છે. એ સંગીતમાં તો નિપુણ છે. જ, પણ તલવારથી પણ તાનસેનને મારી નાંખવાના સપનાં જુએ છે. નાનપણથી એની સાથે ઉછરેલી મીનાકુમારી સતત એની સાથે છે. દરમ્યાનમાં ડાકુરાણી કુલદીપ કૌર ગામમાં ધાડ પાડે છે, જેને બૈજુ 'ઇન્સાન બનો, કર લો ભલાઇ કા કોઇ કામ' સંભળાવી સંભળાવીને એવી અધમૂઇ કરી નાંખે છે કે, આનું ગીત સાંભળવા કરતા આની સાથે પરણી જવું વધારે કિફાયત પડશે. એમ ધારીને એ બૈજુને પોતાની સાથે લઇ જાય છે. ગામ નહિ લૂટવાની શરતે બૈજુ પોતે આની પાસે લૂટાવા તૈયાર થઇ જાય છે, એમાં ભગ્ન હૃદયે મીના કુમારીને ટેકરીઓ ઉપર ચઢી ચઢીને ''મોહે ભૂલ ગયે સાંવરીયા...'' અને 'બચપન કી મુહબ્બત કો, દિલ સે ન જુદા કરના'નામના બે ગીતો ગાવા પડે છે. પાછો જઇશ તો પેલી ત્રીજું ગીતે ય સંભળાવશે, એવા ડરથી બૈજુ પાછો જવાને બદલે સામે ચાલીને મૌતના મ્હોંમાં-એટલે કે, તાનસેનને મારવા જવા તૈયાર થાય છે. વચમાં એના ગુરૂ સ્વામી હરિદાસ વગર ટયુશને શીખામણ આપે છે કે, બદલા આમ ન લેવાય ! બદલાને બદલે પ્રેમ રાખ. હત્યા બૈજુના ફાધરની થઇ હતી, હરિદાસના નહિ, એટલે આવી શીખામણો આલવામાં એમનું શું જાય છે, એમ વાતને રડી કાઢીને બૈજુ તાનસેનને મારવા જાય છે. પકડાય છે, એ પછી તાનસેન સાથે એની સ્પર્ધા ગોઠવાય છે, એમાં જીતી જાય છે નિર્ણાયક તરીકે મા-બદૌલત શહેનશાહ અકબર હોવાથી ચુકાદો સાવ ફિલ્મફેર એવોડર્સ જેવો નથી આપતો ને તાનસેનને મૌતની સજા આપવા બૈજુને છુટ આપે છે. ત્રણ કલાક સુધી આખી ફિલ્મના ગીતો ગાઇગાઇને બૈજુય ઢીલો થઇ ગયો હતો, એટલે 'હવે આને મારીને શું કરવું ?' એ ન્યાયે માફ કરી દે છે, પણ ફિલ્મ પૂરી થવાની બે મિનીટ પહેલા જ એ મીનાકુમારીને લઇને જમુના નદીમાં ડૂબી મરે છે.

એ જમાનાની મોટા ભાગની ફિલ્મો ટેકનિકલી તો ઘણી નબળી હતી. દિગ્દર્શકોને દ્રષ્યો કે ગીતોના ફિલ્માંકનની ઝાઝી સૂઝ નહોતી, પણ વિજયભાઇએ તો આ બન્ને ક્ષેત્રોમાં મહારત હાંસિલ કરી હતી. દરેક દ્રષ્યે કેમેરા ક્યાં ગોઠવતા, લાઇટીંગ કેટલું રાખવું કે બેકગ્રાઉન્ડમાં શું હોવું કે શું ન હોવું જોઇએ, એની કમાલો સિફતપૂર્વક દર્શાવી છે. વિજય ભટ્ટે આ ફિલ્મ ''બૈજુ બાવરા'' ઉતારી ત્યારે હિંદી ફિલ્મોનું સંગીત મહદ અંશે લોકગીતો, પંજાબી અસરવાળું મહારાષ્ટ્રના ભાવગીતો અને વિશેશતઃ ભજનભક્તિ ઉપર આધારિત હતું. શાસ્ત્રોક્તતા તો અલબત્ત મોટા ભાગના ગીતોમાં હોય પણ રાગો ઉપર જ આધારિત તમામ ગીતો બનાવવા અને સફળ બનાવવા એ નૌશાદઅલીએ સાબિત કરી આપ્યું. નૌશાદને સીધી મદદ ઇન્દૌર ઘરાણાના ઉસ્તાદ આમિરખાન સાહેબની મળી હતી. ગાયન અને સંગીત બન્નેમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના સુપુત્ર ડી.વી.પલુસ્કરે પણ 'આજ ગાવત મન મેરો ઝૂમકે...'ની જે તાનો મારી છે, એમાં આ બન્ને મહાન ગાયકોના ચરણોમાં હિંદુસ્તાનનો સામાન્ય સંગીતપ્રેમી પર સર ઝૂકાવે.

ફિલ્મને સર્વોત્તમ સંગીતથી એટલી હદે સજાવેલું રાખ્યું છે કે, મશહૂર કોમેડીયન સ્વ.રાધાકિશન પાસે ઉસ્તાદ ઘસીટખાનનો જે રોલ કરાવવામાં આવ્યો છે અને ઘસીટખાને પણ જે આલાપ અને તાનો મારી છે, તે ફિલ્મના પરદા પર કોમેડી ચોક્કસ ઊભી કરે, પણ એ ય સંગીતના ગણિત મુજબ સંપૂર્ણ વૈજ્ઞાનિક ગાયકી છે. હિંદી ફિલ્મોમાં શાસ્ત્રીય ગાયકોની હાંસિ ઉડાવવા માટે વધુ પડતી છુટ લેવામાં આવી છે, એનો એક દાખલો ''મધુબન મેં રાધિકા નાચે રે...''માં વચ્ચે હાસ્યનટ મુકરી લોકોને હસાવવા માટે બેતૂકી તાન મારે છે, તે ઉસ્તાદ નિયાઝહુસેનખાં સાહેબે ગાયેલી છે અને પરફેક્ટ તાન છે. ગાયકીમાં મશ્કરી ઉમેરવામાં આવી નથી. પણ હિંદી ફિલ્મવાળાઓએ શાસ્ત્રીય સંગીતકાર-ગાયકોને મજાકનું સાધન બનાવી બુદ્ધિના પ્રદર્શનો જ કર્યા છે અને વિજયભાઇની ઉચ્ચતા જુઓ. સંગીતસમ્રાટ તાનસેનના આદેશથી શહેનશાહ અકબરે આખા શહેરમાં તાનસેન સિવાય અન્ય કોઇને પણ ગાવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.. ગાઇ એ જ શકે, જે તાનસેનને હરાવે. દરમ્યાનમાં નાના બૈજુની નજર સામે એના પિતા (ભગવાનજી)ની હત્યા તાનસેનનો સુબો હાથીસિંઘ (નાદિર) કરે છે, કારણ કે એ ભજનો ગાય છે. વિજયભાઇએ પિતાની લાશ ઉપર ઢળીને રડતા નાના બૈજુ પછી તરત જ એક અદ્ભુત શોટ મૂક્યો છે, સંગીતના એકતારા ઉપર તલવાર મૂકેલી દર્શાવાઇ છે. આ ભગવાનજીને તમે અનેક ફિલ્મોમાં બહુ સામાન્ય રોલમાં જોયો જ હોય. હિંદી ફિલ્મોના એવા અનેક જુનિયર કલાકારો છે, જેને આપણે જોયે તો બહુ ઓળખતા હોઇએ, પણ આ ભગવાનજી છે, આ કેસરી છે, આ નાદિર કે બદ્રીપ્રસાદ છે, એની ખબર ન હોય... આ કોલમ શક્ય હોય ત્યા સુધી એવા ગુમનામ કલાકારોના નામો ય આપવાનો પ્રયત્ન કરે છે. નાનો બૈજુ બનતો રતનકુમાર રાજ કપૂરની ફિલ્મ ''બુટ પોલીશ''માં બેબી નાઝ સાથ બાળકલાકાર હતો ને અન્ય મુસલમાનો પાકિસ્તાન જતા રહેતા હતા. એમ એ પણ જતો રહ્યો. એકાદ અપવાદને બાદ કરતા, અહીંથી ત્યાં ગયેલા તમામ મુસ્લિમ કલાકારોને મુહાઝીરના લેબલ હેઠળ ''મુસલમાન'' હોવા છતાં બહુ અપમાનીત કરવામાં આવતા. ભારત સાથે ગદ્દારી તો કરી, પણ ત્યાંનો આલમ જોઇને ખબર પડી કે, ''સારે જહાં સે અચ્છા, હિંદોસ્તા હમારા...''ના ધોરણે ધોયેલે મૂળે પાછા આવ્યા, છતાં તેહઝીબ આ દેશની છે કે, ''મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ..'' એ મુજબ, હજી સુધી ત્યાથીં પાછા આવેલાઓમાંથી કોઇને ભારતે અપમાનીત નથી કર્યા, દિલીપકુમારનો ભાઇ નાસિરખાન, શેખ મુખ્તાર, સંગીતકાર ગુલામ હૈદર, મીના શોરી અને આ રતનકુમાર પ્રમુખ નામો છે.

વાસંતિનો ઝીણકો રોલ કરતી ક્રિષ્ના કુમારી ૬૦ના દાયકાની સેકન્ડ ગ્રેડ છતાં ભારે સેક્સી લાગતી અભિનેત્રી હતી. મોટી ફિલ્મોમાં ભાગ્યે જ ચમકવાને કારણે એની નોંધ લેવાઇ નથી. પાકિસ્તાનના રાવલપિંડી ખાતે ૩ ઓક્ટોબર, ૧૯૩૪ના રોજ જન્મેલી ક્રિષ્ના કુમારી પંજાબી સીખ્ખ હતી, નામ હતું ''રાજિન્દર કૌર''. 'બૈજુ બાવરા' એની પહેલી ફિલ્મ હતી. એ પછી બહુધા એ ધાર્મિક ફિલ્મોમાં આવવા લાગી. ''નયા રાસ્તા, નૂરે યમન, શંકરાચાર્ય, સૌ કા નોટ, હસિના, ભગવત મહિમા, ચાંદની ચૌક, લાડલા, ધૂપ-છાંવ, હાતિમભાઇ, સજની, હાતિમતાઇ કી બેટી, લાલે યમન, છબિલા, નાગ, પદ્મિની, ઝીમ્બો, દામાદ, જાદુ મહલ અને શાહી રક્કાસા' જેવી ફિલ્મોમાંએ નાનાનાના રોલ કરતી રહી.

તાનસેનના રોલમાં સુરેન્દ્ર ફરી વાર ''મુગલ-એ-આઝમ''માં એ જ રોલમાં ચમક્યો હતો. એ પોતે ય મીઠડો ગાયક હતો. ''રાજા ભરથરી''માં અમીરબાઇ કર્ણાટકી સાથે સુરેન્દ્રએ ગાયેલું 'ભિક્ષા દે દે મૈયા પિંગળા'એ જમાનાના આજે હયાત સંગીત ચાહકોને ખૂબ યાદ છે. તો નૂરજહાં સાથે ફિલ્મ ''અણમોલ ઘડી''નું 'આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ' સ્ટેજ પ્રોગ્રામોમાં લાડપ્યારથી ગવાય છે. અકબર બને છે, બિપીન ગુપ્તા જેના ઘેરા અને ભાવવાહી અવાજને કારણેએ જમાનાની મોટાભાગની ફિલ્મોમાં એ ચમકતા. સરપ્રાઇઝીંગલી, મદ્રાસની કોમેડી ફિલ્મ 'તીન બહુરાનીયા'માં બિપીન ગુપ્તાએ પૃથ્વીરાજ કપૂરને 'આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા..' ગીતમાં માત્ર પ્લેબેક જ નથી આપ્યું. આખી ફિલ્મમાં પૃથ્વીરાજનો અવાજ બિપીનના અવાજમાં 'ડબ' થયેલો છે. ડાકુરાણી રૂપમતિ બનતી કુલદીપ કૌર એ જમાનાની મશહૂર વેમ્પ હતી. આ સરદારણી એના કાતિલ રૂપ માટે મશહૂર હતી. પાકિસ્તાનના લાહોરમાં એનો કરોડપતિ અને પ્લેબોય પતિ સરદાર મોહિંદરસિંઘ સિધ્ધુ કુલદીપને અમનચમનમાં રાખતો. કુલદીપ આપણા ખલનાયક પ્રાણના પાગલ પ્રેમમાં હતી, એ સાબિત કરવા દેશનાભાગલા પછી પ્રાણ અને કુલદીપને ભારત (મુંબઇ) આવવું પડયું, ત્યારે પ્રાણને ફકત ઇમ્પ્રેસ કરવા કુલદીપ પ્રાણની કારને લાહોરથી ઠેઠ મુંબઇ એકલી ચલાવીને લાવી હતી. ૧૯૬૦માં કુલદીપ કૌરના પગલમાં કાંટો વાગ્યો. કાંટો ઝેરી હતો ને આ હિંમતબાજ સરદારણીએ જાતે જ કાંટો ખેંચી કાઢ્યો, અને પછી દિવસો સુધી ધ્યાન ન આપ્યું એમાં એને ધનૂર થઇ ગયું અને મૃત્યુ પામી. એનો પતિ છેવટ સુધી એને ખૂબ ચાહતો રહ્યો. કોકના રીસેપ્શનમાં સિધ્ધુએ યુગલને કદી જુદા નહિ થવાની સલાહ આપી હતી.

રાધાકિશને કોમેડીને ખલનાયકી સાથે જોડીને અમરપાત્રો સર્જ્યા હતા. ઓલમોસ્ટ દરેક ફિલ્મમાં 'રામરામરામ' નામનો એનો તકીયા કલામ ફેમસ થયો હતો. રાધાકિશન ખૂબ ઊંચા દરજ્જાનો એક્ટર રાજ કપૂરની ફિલ્મ 'પરવરીશ'માં એ રાજ કપૂર અને મેહમૂદના મામાનો રોલ કરે છે. કારણ તો કોઇને ખબર નથી, પણ રાધાકિશને એના બિલ્ડીંગના કોઇ સાતમા-આઠમા માળેથી છલાંગ મારીને આત્મહત્યા કરી હતી. કંજૂસના કિરદાર રાધાકિશન જેટલી અધિકૃતતાથી ભાગ્યે જ અન્ય કોઇએ નિભાવ્યા છે.

''બૈજુ બાવરા''ના અન્ય બે ચરીત્ર અભિનેતાઓ વિશેષ ઉલ્લેખનીય છે. એક, બી.એમ. વ્યાસ. હું તો નાનપણમાં ટારઝન અને ઝીમ્બોની સ્ટન્ટ ફિલ્મો ય અમદાવાદની ઇંગ્લિશ ટોકિઝમાં ખુબ જોતો એટલે ઘાતકી જાદુગર કે બદમાશ મંત્રીના રોલમાં બી.એમ.વ્યાસ જ હોય.ભારતીય ધોરણ પ્રમાણે હાઇટ ઘણી સારી, ચહેરો ક્રૂર અને અવાજની બાદશાહતને કારણે વ્યાસજી થોડી નહિ, અનેક ફિલ્મોમાં આવ્યા. ફિલ્મ ''નવરંગ''ના સુપ્રસિદ્ધ ગીતકાર ભરત વ્યાસના એ નાના ભાઇ થાય. મુંબઇમાં ૯૩ વર્ષની ઉંમરે બી.એમ.વ્યાસ ગુજરી ગયા. હજી હમણાં જ, એટલે કે ૧૦મી માર્ચ, ૨૦૧૩ના રોજ. ચેતન આનંદની ફિલ્મ ''નીચા નગર''થી એમણે શરૂઆત કરી પણ નોંધ લેવાઇ રાજ કપૂરની '૪૯માં ઉતરેલી ફિલ્મ 'બરસાત'થી. એ પછી લોકોનું ધ્યાન ખેંચાયું વ્હી.શાંતારામની ફિલ્મ ''દો આંખે બારહ હાથ,'' જેમાં બે હાથ બી. એમ. વ્યાસના હતા...! ગોવિંદ સરૈયાની ફિલ્મ ''સરસ્વતિચંદ્ર''માં એ હતા અને છેલ્લી ફિલ્મ શાહરૂખ. ખાનની ''ઓહ ડાર્લિંગ... યે હૈ ઇન્ડિયા'' હતી. અને બીજા હતા મનમોહન કૃષ્ણ. ૨૬ ફેબ્રૂઆરી, ૧૯૨૨-માં ગુજરાતના વલસાડમાં જન્મેલા આ પંજાબીએ ૩ નવેમ્બર, ૧૯૯૦માં પ્રાણ છોડયા પહેલા ૨૫૦ હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. સર્ટેન્લી નોટ એ ગ્રેટ એક્ટર પણ ભલા મુસલમાનનો રોલ એમને એટલો બધો કોઠે પડી ગયો હતો કે નહિ નહિ તો ય ૧૫-૨૦ ફિલ્મોમાં એમણે એ જ રોલ કરે રાખ્યા. ફિલ્મ ''ધૂલ કા ફૂલ''નું મુહમ્મદ રફીએ ગાયેલું. ''તું હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા'' આ મનમોહન કૃષ્ણ ઉપર ફિલ્માયું હતું. જો કે કહ્યું ને...એક્ટર તરીકે બહુ બકવાસ હતો આ માણસ. ચેહરા ઉપર કરૂણ હાવભાવો લાવવા એ ૩૪-૩૫ ખૂણેથી મોઢું મચડે રાખે. ડોકી મોટા ભાગે સીધી રહે જ નહિ. યશ ચોપરાની ફિલ્મ 'નૂરી' મનમોહન કૃષ્ણે દિગ્દર્શિત કરી હતી. પરાણે કરૂણતા ઊભી કરવામાં એ પકડાઇ જતા. મનમોહનની પહેલી ફિલ્મ હતી 'અંધો કી દુનિયા' ('૪૫)...અને જરા ઝીણવટથી વાંચો તો આજના મનમોહનની ફિલ્મનું નામ પણ એ જ છે 'અંધો કી દુનિયા...'! ''બૈજુ બાવરા''નું એક ખાસ હુકમનું પાનું શકીલ બદાયૂની હતા. સાહિર લુધિયાનવીની જેમ શકીલ પણ મારા મનગમતા શાયર. ''બૈજુ''માં તો શકીલે સાદ્યંત કમાલો કરી છે. ફિલ્મનગરીના જાસૂસોની વાત માનીએ તો, નૌશાદે શકીલને બાંધી ન રાખ્યા હોત, તો મજરૂહ સુલતાનપુરી કરતા શકીલનું નામ ઘણું ઊંચું હોત ! જો કે, ''ચાંદ છુપે નહિ બાદલ છાયો''ની ઉક્તિ પ્રમાણે શકીલ બદાયૂનીએ ગુલામ મુહમ્મદ, રવિ, હેમંત કુમાર અને સચિન દેવ બર્મન સાથે પણ કામ કર્યું છે. ''ચૌદહવી કા ચાંદ''નું રફીનું ટાઇટલ સોન્ગ તો ફિલ્મફેર એવોર્ડ જીતી લાવ્યું હતું. આ ફિલ્મ સાથે સંકળાયેલું આજે તો કોઇ હયાત નથી. મીના કુમારી અને ભારત ભૂષણ જેવા કલાકારો, નૌશાદ-શકીલ જેવા સૂર અને શબ્દ સ્વામીઓ કે ફિલ્મ બનાવનારા ભટ્ટ સાહેબો ફિલ્મ બન્યાના આજે ૬૦- વર્ષ પછી તો કોણ હયાત હોય ?

17/07/2013

વાંદરૂં કઈડયું

હવે તો... હું તો માણસ છું કે મદારી, એ જ ખબર પડતી નથી. હજી ગયા અઠવાડિયે ઉંદરોથી જાન છોડાવી, ત્યાં અમારા ફ્લેટમાં વાંદરાઓ ય આવવા માંડયા. આ લોકોને લિફ્ટમાં તો આવાનું ન હોય, ફોન કરીને ય ન આવે- કોઈ મનર્સ જ નહિ... સીધા ઝાડ ઉપરથી ઠેકડા મારીને ઘરમાં ઘૂસી આવે. કહે છે કે, આપણા પૂર્વજો કોકને કોક બહાનું કાઢીને આપણા ઘરનું એકાદ ચક્કર મારી જાય છે. મારી વાઇફને તો મારા 'પિયરીયાઓ' સાથે કદી બન્યું નથી અને એ કિચનમાં કે ગુસ્સામાં હોય અને હું એક જરાક અમથી પાછળથી ટપલી મારું ત્યારે ઘણીવાર મને કહી દે, 'સાવ વાંદરા જેવા જ છો !' એ હિસાબે આ લોકો આટલા વર્ષો પછી ઘેર આવતા હોય, તો એને તો ન જ ગમે ને ? હું એને સમજાવું પણ ખરો કે, ત્યાં ઝાડ ઉપર જો... આપણા બન્નેના પૂર્વજો આપણને સાથે મળવા આવ્યા લાગે છે... યાદ છે, તારા ફાધરને તો ઝાડ ઉપર ચઢી જવાનો બહુ શોખ હતો... ? યાદ છે, ડાર્લિંગ... ??

આ ય જો કે મારી ભૂલ કહેવાય. હું એના પિયરીયાઓની યાદ અપાવું તો રાજી થઈને સામે ચાલીને પેલા વાંદરાઓને ઘરમાં બોલાવી લાવવાનું મને કહે. આપણને તો, એ લોકો જીવતા'તા અને અત્યારે ઝાડ ઉપર બેઠેલી પબ્લિક જોઈને, બન્ને વચ્ચે કોઈ ફરક ન લાગે. એકવાર માંડ છૂટયા હોઈએ ને ફરી વાર ભરાવાનું આ પગારમાં ના પોસાય ! મને તો ભૂલ્યા વગરનું યાદ છે કે, સ્મશાનમાં મારી સાસુ પૂરેપૂરી પતી ગઈ, ત્યારે ય હું ને મારા સસરા- બન્ને ફફડતા હતા કે, હાળી આટલામાં ચક્કર મારીને પાછી તો નહિ આવતી રહે ને ? આપણે હાથ ખંખેરીને ઊભા થયા હોઈએ ને સફેદ કપડાંમાં ઘરે પાછા પહોંચીએ ત્યારે સામે જ બેઠી હોય, તો કેવી તોતિંગ હેડકી આવી જાય ? બાકીની આખી જીંદગી સ્મશાન બાજુ ચા-પાણી પીવાય ન જઈએ...! સુઉં કિયો છો ? કોઈ જાય ? મારી સાસુ- લોકોએ જીવનભર મને આમ જ બીવડાવે રાખ્યો છે.

મને ડાઉટ તો પડયો કે, દેખાવ ઉપરથી તો પેલા વાંદરાઓ મારા સાસરીયા જેવા નથી લાગતા, પણ એક વાંદરીને મેં મોનાલીસા જેવું મનોહર સ્માઇલ આપ્યું તો જવાબમાં મારી સામે દાંતીયા કર્યા, ત્યારે પાકી ખાત્રી થઈ ગઈ કે, આ દાંતીયા કરતી વાંદરી મારી સાસુ જ છે. બન્નેના જડબાં સરખા લાગે છે. ગમે તેમ તો ય આપણે નાના... આવા દાંતીયા કરે તો આપણી ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે ? છોકરું બી ના જાય... ? કોઈ પંખો ચાલુ કરો.

કહે છે કે, અમદાવાદમાં આજકાલ ચારે બાજુ વાંદરા ફરી વળ્યા છે. બધી સોસાયટીઓમાં ત્રાસ છે. ધાબે ચઢીને ઉપરથી ફૂલના કૂંડા-બૂન્ડા ફેંકે, એ તો સમજ્યા પણ આંબાવાડીની પંચવટી લૅનમાં વાંદરા આવ્યા હતા. એમાંથી એક વાંદરૂ બાલ્કનીમાં બેઠું બેઠું ફ્લેટના કમ્પાઉન્ડમાંથી પસાર થતા ફ્લૅટના જ કોઈ મેમ્બર ઉપર ચરકીને ભાગી ગયું. એ જ વખતે સદરહુ ફ્લેટના મહિલાનું બહાર ડોકું કાઢવું... હસી હસીને વાંકા વળી જઈએ, એવો ઝગડો કઈ લાઈન ઉપર થયો હશે, કંઈ ધારણાઓ બંધાય છે, બોલો ?

નો, ડાઉટ આપણને વાંદરૂં જોવું ગમે, પણ ગમવાની સાથે એના હાથમાં કંઈ બિસ્કીટ- ફિસ્કીટ જેવું આપવા જઈએ તો સાલું લાફો પહેલો મારે ને બિસ્કીટ પછી લે. આ લોકોમાં સંસ્કાર જેવું કાંઈ ન હોય. એટલે સામેના ઝાડ ઉપર એ લોકોનું આખું ગ્રૂપ આવીને બેઠું હતું, તો ય મને બીકો લાગી કે ઘરમાં આવી જશે તો કાઢી નહિ શકું. 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ...' પણ આપણા ઘરમાં એવી તોડફોડ કરે અને જે વચમાં આવ્યું, એના ગાલ ઉપર બચકું તોડી લે, એ ના પોસાય !... સાલું વાંદરાથી બચવા વાઇફની પાછળ તો ક્યાં સુધી ભરાઈને ઊભા રહીએ ? યસ, વાંદરાઓ એક એક કરીને આવે તો બતાઈ દઈએ... એક વાર આપણી છટકે તો પછી કોઈના નહિ...!

પ્રારંભ એક નાના બચ્ચાંથી થયો. એ સીધું બાલ્કનીમાં આવીને બેઠું. કેવું સુંદર લાગતું હતું... જાણે આપણું જ સંતાન હોય ! તે વાઇફ વળી એને રમાડવા જરી નજીક ગઈ, એમાં તો શું જાણે એનો મોબાઇલ મારી લીધો હોય એવી ચીસાચીસ ને કૂદાકૂદ કરી મૂકી. હું ન ગયો. આપણને એમ કે, જ્યાં સુધી નાના માણસોથી કામ પતતું હોય ત્યાં સુધી બાસ લોકોએ ન જવું... સુઉં કિયો છો?

પણ આમ પાછો હું વહેમીલો ખરો... રૂમમાં વાઇફ એકલી ગઇ છે, ને સામે વાંદરીને બદલે વાંદરો હોય તો ? આપણે નજર રાખવી સારી, એટલે હું ઘટનાસ્થળે ચીસાચીસ કરતો પહોંચ્યો.

એ સાંભળીને એ બચ્ચાના ફાધર હોય કે મધર (... આપણે એને આખું જોયું ન હોય ને ?) આવ્યા ને હું તો કેમ જાણે એની લાજ લૂંટવા ગયો હોઉં, એમ મારી વાઇફને બદલે નાલાયક મારા ઉપર કૂદ્યો... સાલો ! એને સામો ડાઉટ પડયો હશે. પણ હું તો કદી પરસ્ત્રી સામે જોતો પણ નથી... (બહુ સારી હોય તો જુદી વાત છે !) જેવા સામે તેવા ન થવાય, એવું બાએ મને શીખવ્યું હતું એટલે મેં ન તો સામું ઘુરકીયું કર્યું, ન મારો લેખ વંચાવ્યો કે ન લાફો માર્યો, પણ એણે મને મારી દીધો. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે, જ્યારે જ્યારે ભારત દેશમાં સાધુ અને સંસ્કારી પુરુષો ઉપર અત્યાચાર થશે ત્યારે હું અવતાર લઈશ. પણ ગીતા આપણે વાંચી હોય વાંદરાઓએ કે ગીતાડીના ફાધરે ન પણ વાંચી હોય !

કેમ જાણે એટલો જ સંદેશો આપવા આવ્યા હોય, એમ મને બચકુ ભરીને માં-દીકરો પાછા ઝાડ ઉપર કદી ગયા. ઘરમાં દોડાદોડ થઈ ગઈ, ''બચકું ભર્યું... બચકું ભર્યું.. પપ્પાને વાંદરાએ બચકું ભર્યું''ના નામની રાડારાડ થઈ ગઈ. એ તો વાઇફને પછી ખબર પડી કે, ગાલ ઉપર બચકું 'અસોકે' વાંદરાને નથી ભર્યું... વાંદરાએ અસોકને ભર્યું છે, ત્યારે એને નિરાંત થઈ કે હવે ચિંતા કરવા જેવું નથી... આવું તો થાય ! એ તરત ટીંચર આયોડિન લઈ આવી. એના ઉત્સાહ પરથી એ ખબર ન પડી કે ટીંચર આયોડીન મારે દૂધ સાથે લેવાનું છે કે ગાલ ઉપર લગાવવાનું છે.

પાટો વાઇફે બાંધી આપ્યો હતો. તમને યાદ હોય તો નનામી બાંધતી વખતે એ ક્યાંયથી છૂટી ન જાય એવી ટાઇટમટાઇટ બાંધવામાં આવે છે. એણે એ જ ઉત્સાહથી મારા ગાલ પર પાટો બાંધ્યો હતો એ વાત જુદી છે કે કમબખ્ત દુ:ખાવાને કારણે હું પથારીમાં ઉંધે કાંધ પડયો હતો, ત્યારે એ બોલી, ''અસોક... આ સુઉં શારૂં લાગે છે ? વાંદરીયું ભાળી નથી ને તમે સ્માર્ટ બનવા ગીયા નથ્થી.. ! કોક 'દિ તો હખણા રિયો...!''

અઠવાડિયું આરામ કર્યા પછી ય પાટો તો હતો. પહેલી વાર ઘરની બહાર નીકળ્યો, ત્યાં નીચે ધોબી મારા ગાલના પાટા સામે ટગરટગર જોતો હતો. એને એમ કે, હું પહેરેલે પાટે ઇસ્ત્રી કરાવવા આવ્યો હોઈશ, પણ એણે તો મમતાથી પૂછ્યું, ''શું સાહેબ... તમને વાંદરૂં કઇડયું... ?'' કીડી કયડી હોય ને આટલો મોટો પાટો બાંધીને હાલી નીકળ્યો હોઉં, એવા સવાલે મને આઘાત તો આપ્યો. પણ વાત વધારવી નહોતી એટલે ફક્ત 'હા' કહીને નીકળી ગયો. ઑફિસમાં બધા રાહો જ જોતાં હતા, 'શું દાદુ... તમને વાંદરૂં કઇડયું... ?' સહુએ આ ત્રણે શબ્દો ઉપર જુદો જુદો ભાર મૂકીને પૂછ્યું હતું. એમાં ય એક પાછું જરા વધારે દોઢ ડાહ્યું થતું'તું, એણે પૂછ્યું, ''દાદુ, વાંદરૂં હતું કે વાંદરી ?'' મેં એને સમજાવવાની કોશિષ પણ કરી કે, આપણા દેશમાં જાતીય પરીક્ષણ ગુન્હો છે... ને આપણે શું કામ કોઈની પર્સનલ લાઇફમાં માથું મારવું જોઈએ ? પણ તો ય કોઈ માને ?

''...વાંદરાએ... ગાલ ઉપર જ બચકું કેમ ભર્યું હશે ?'' એવું કટાક્ષમાં ઑફિસરનો કેશિયર બીજા ઑફિસરને પૂછતો હતો. તો એણે ભૂલ સુધારીને કહ્યું, ''વાંદરો સારા ઘરનો હશે... નોર્મલી વાંદરાઓની હાઇટ આપણા કરતા ઓછી, એટલે પાછળના ભાગમાં જ બચકું તોડી લેતા હોય છે. દાદુ નસીબદાર કે ગાલેથી પત્યું.''

મને બચકું ભરવામાં વાંદરૂં લાભ ખાટી ગયું હોય ને પોતે રહી ગયા હોય, એવા અંદાજથી સહુ પૂછતા હતા. પ્રોબ્લેમ એ હતો કે, લોકોને ખબર પડે, એમ એમ આવતા જાય. એ લોકો ખબર કાઢવા આવ્યા છે કે મને કાઢી જવા, એવો ભાવ ચેહરાઓ ઉપરથી તો ન પકડાય. ''બીજીવાર ધ્યાન રાખજો હવે...!'' એવી સલાહો આપનારા ય મળ્યા. પણ વાંદરૂં કેવી રીતે કરડયું, એની પૂછપરછ તો દરેક ખબરકાઢુઓએ રસપૂર્વક કરી. કંટાળો સહુને પહેલેથી છેલ્લે સુધીની આખી સ્ટોરી કહેવામાં આવતો હતો.

એક ખબરકાઢુ માથાનો મળ્યો. ''દાદુ, આ વાંદરૂં-બાંદરૂં તો ઠીક છે.. આપણી પાસે એ વાંદરાનું કોઈ એડ્રેસ-બેડ્રેસ છે ?'' કેમ જાણે હું એ વાંદરાનું વિઝિટિંગ કાર્ડ સાથે લઈને ફરતો હોઉં ! મને એમ કે ઢોર ત્રાસ અંકુશ વિભાગમાંથી આવ્યા હશે, પણ એમણે જુદી ઓફર કરી,

''દાદુ, એ વાંદરો મળે તો લઈ જવો છે. મારી સાસુ ઘેર આઇ છે...!''

સિક્સર

- પ્રાણ
----- !

14/07/2013

ઍનકાઉન્ટર 14-07-2013

* ઈશ્વરને રૂ. ૧/- ચઢાવીને રૂ. ૧૦૦/- પામવાની આશા રાખતા ભક્તોને શું કહેવું?
- આજકાલ સ્વયં ભગવાનો ય ખાખી થઇ ગયા છે... છેલ્લા ત્રણ-ચાર દિવસથી હું ય એમની પાસે દસેક લાખ રૂપીયા માંગુ છું... ડિક્કો ડમ્મ...!

* મહાન માણસો ધનવાન કેમ નથી હોતા?
- આમાં તમે મને બેમાંથી એકે યમાં રહેવા ન દીધો!
(વિમલ ચંદારાણા, વડોદરા)

* કોઇ તમને પાગલ માને, તો શું કરો?
- એની સત્યપ્રિયતા માટે માન થાય!
(કરણ જોબનપુત્રા, જૂનાગઢ)

* ઝગડા પછી એક મહિના સુધી અબોલા રાખતા પતિ-પત્નીમાંથી ફાયદો કોને થયો કહેવાય?
- અફ કૉર્સ પત્નીને! વગર ઝગડે ય ગોરધનને વળી બોલવાની તક ક્યારે મળે છે?
(સંદીપ એચ. દવે, જૂનાગઢ)

* ગુસ્સો કરવાનો ઇજારો માત્ર ગોરધનોને જ કેમ? પત્નીઓને કેમ નહિ?
- પત્નીઓને તો બુધ્ધિવાળા ય કામો નિપટાવવાના હોય છે, બહેન!
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* મારો એક મિત્ર રૂ. ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ રાખવાના સપનાં જુએ છે. એને જમીન પર કેમ લાવવો?
- સપનામાં એને ૨૫ કરોડ પકડાઇ દઇને ભાગીદારી કરી નાંખો!
(જગદિશ રાવલ, રાજુલા સિટી)

* જેની મનાઇ કરવામાં આવી હોય, એ જ કામો કરવાનો અભરખો કેમ થતો હશે?
- કાંઇ ખોટું નથી. નાના નાના વિજયો એમ જ પ્રાપ્ત થાય!
(અખિલ બી. મેહતા, અમદાવાદ)

* વ્યસન નુકસાનકારક છે, એ જાણવા છતાં માણસ વ્યસન છોડી કેમ શકતો નથી?
- એમ આખી જીંદગીમાં કેટલી વાર છુટાછેડાઓ લેવા?

* કિસાનો માટે માટી સોના સમાન છે અને ઋષિમુનીઓ માટે સોનું માટી સમાન છે. આવું કેમ?
- હું બ્રાહ્મણ છું. મારા માટે સોનું સોના સમાન જ છે. આપના ઘેર માટી પડી હોય તો મોકલાવશો.

* સીબીઆઇ સરકારના સકંજામાંથી ક્યારે પણ છટકી નહિ શકે?
- એની તપાસ સરકારે સીબીઆઇને સોંપેલી છે.
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* તમને વડાપ્રધાન બનાવવામાં આવે તો દેશ માટે શું કરો?
- બોલું. (આ જવાબ આ પહેલા પણ આપી ચૂક્યો છું, પણ તો ય... ઉપરવાળો હજી કાંઇ બોલતો નથી!)
(દેવાંશી મણિયાર, વડોદરા)

* જાહેરસભાઓમાં નેતાઓ ઢંગધડા વગરની પાઘડી ને ફેંટા પહેરે છે ને કેવા જોકરો લાગે છે, એની શરમ પણ નહિ આવતી હોય?
- વાંક પ્રેસ ફોટોગ્રાફરોનો છે... ફોટા પાઘડી પહેરતા નહિ, એકબીજાની પાઘડીઓ ઉછાળતા હોય, એવા પાડવાના હોય!

* મોટા ભાગના દેશોમાં 'મૅઇડ ઈન ચાયના'ની ચીજો કેમ વપરાય છે?
- ચાયનાની ચીજો યુવાનોના તાજા તાજા પ્રેમો જેવી હોય છે, 'ચાલે તો ચાંદ તક, નહિ તો શામ તક...!'
(જયદીપ વાજા, ભાવનગર)

* ગામમાં વસાહત વધતા સ્મશાન ગામની વચ્ચે આવી ગયું... તો શું હવે ભૂતપ્રેતની વચ્ચે રહેવાનું?
- અમે ગાંધીનગરની બાજુમાં રહીએ છીએ, તો ય કાંઇ બોલીએ છીએ???

* મનમોહન અને મોદી વચ્ચે તફાવત કેટલો?
- આજ અને આવતી કાલ જેટલો!
(બંસી રાવત, ભૂતીયા-ઈડર)

* જબ આપ કા દિલ ઉદાસ હોતા હૈ, તો આસપાસ કૌન હોતા હૈ?
- મારી બા.
(વી.કુમાર નાયી, હિંમતનગર)

* આજના જમાનામાં ગરીબો પાસે પહેરવાના કપડાં નથી ને અમીરોને પહેરવા નથી. એવું કેમ?
- બસ. તમારા ગામથી શરૂઆત કરો.
(કમલકુમારી રાવત, ભુતીયા-સાબરકાંઠા)

* તમામ દાનોમાં સર્વોત્તમ દાન કયું?
- ભીખુદાન.
(કવિતા કપિલ સોતા, મુંબઇ)

* અવાર નવાર પૅટ્રોલ-ડીઝલના ભાવ...!
- આપણા દેશમાં પૅટ્રોલને બદલે છીંક-ઉધરસથી ચાલતી ગાડીઓ બનશે, તો આ સરકાર છીંક-ઉધરસના ભાવો ય વધારી દેશે... એ ય મફતમાં ખાવા નહિ દે!
(યશ્વી હેમાંગ માંકડ, જામનગર)

* કૂતરૂં હિંદુ છે કે મુસલમાન, તેની ખબર કેવી રીતે પડે?
- એક વાર એના મોંઢામાં હાથ નાંખી જોવાનો... કરડીને ઊભું રહે તો હિંદુ અને જતું રહે તો મુસલમાન!
(કનુ ભટ્ટ ધર્મજીયા, નડિયાદ)

* વિદેશીઓને ભારતમાં વેપાર કરવાની છુટ બાદશાહ જહાંગિરે આપી અને આપણે ગુલામ બની ગયા... હવે ડૉ. મનમોહન એ જ (FDI) ભૂલ કરી રહ્યા છે...!
- જહાંગિર તો ન્યાયી હતો.

* 'ઍનકાઉન્ટર' બંધ થઇ જાય તો તમારી આજીવિકાનું શું?
- બ્રાહ્મણ છું... ઘેર વાડકો રાખી મૂક્યો છે!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* 'ઍનકાઉન્ટર'માં કોઇના સવાલો ઉપર પ્રતિબંધ મૂકાય છે ખરો?
- પોતાના ફેમિલીના અંગત કાવાદાવાઓને આડકતરી રીતે સવાલ રૂપે આ કૉલમમાં પૂછનાર બે-ત્રણ પાર્ટીઓ આ કૉલમમાંથી ઉઠી ગઇ, એ જોયું હશે!
(કલ્યાણી મૌલિક શાહ, અમદાવાદ)

* અશોકજી, સવાલ વિવાહમાં પૂછીએ છીએ ને જવાબ વરસીમાં મળે છે... એવું કેમ?
- અત્યારે કઇ અવસ્થામાં પૂછયો છે?

* ટીવીની બધી સીરિયલોમાં આવતા છળકપટોને લીધે ઘરસંસાર ઉપર અસર પડે ખરી?
- બુધ્ધિમાનોએ ક્યાં આ સીરિયલો જોવાની હોય છે?
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

12/07/2013

બૈજુ બાવરા ('૫૨)

ફિલ્મ : 'બૈજુ બાવરા' ('૫૨)
નિર્માતા : પ્રકાશ પિક્ચર્સ
દિગ્દર્શક : વિજય ભટ્ટ
સંગીત : નૌશાદ
ગીતો : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૬૫ મિનીટ્સ- ૧૬ રીલ્સ
થીયેટર : ? (અમદાવાદ)
કલાકારો : ભારત ભૂષણ, મીના કુમારી, સુરેન્દ્ર, કુલદીપ કૌર, રતન કુમાર, બિપીન ગુપ્તા, રાધાકિશન, કૃષ્ણાકુમારી, મનમોહન કૃષ્ણ, બી. એમ. વ્યાસ, કેસરી, રાજન હક્સર અને બેબી તબસ્સુમ

ગીતો
૧. મોહે ભૂલ ગયે સાંવરીયા, આવન કહ ગયે… લતા મંગેશકર
૨. બચપન કી મુહબ્બત કો દિલ સે ન જુદા કરના… લતા મંગેશકર
૩. દૂર કોઈ ગાએ, ધૂન યે સૂનાયે, તેરે બિન છલીયા રે… રફી, શમશાદ, લતા
૪. ઝુલે મેં પવન કે આઇ, બહાર, નૈનો મેં નયા રંગ લાઇ… લતા- રફી
૫. તુ ગંગા કી મૌજ મૈં જમુના કા ધારા હો રહેગા મિલન… લતા- રફી
૬. ઇન્સાન બનો, કર લો ભરાઈ કા કોઈ કામ, ઇન્સાન બનો… મુહમ્મદ રફી
૭. ઓ દુનિયા કે રખવાલે, સુન દર્દભરે મેરે નાલે, સુન દર્દભરે… મુહમ્મદ રફી
૮. તોરી જયજય કરતાર, સાંચો તેરો નામ રામ… ઉસ્તાદ અમીરખાન
૯. તુમ્હરે ગુન ગાઉં... આજ ગાવત મન મેરો… ડી.વી.પલુસ્કર- અમીરખાન
૧૦. મન તડપત હરિદર્શન કો આજ, મોરે તુમ બિન બિગેરે… મુહમ્મદ રફી
૧૧. ધનન ધન ધન... ઉસ્તાદ અમીરખાનતમારામાંથી હર કોઈ નસીબદાર ન હોય કે, ઠેઠ મારા જન્મ વખતે આવેલી ફિલ્મ 'બૈજુ બાવરા' જોઈ પણ હોય ને આજ સુધી યાદ પણ હોય ! મેં પણ જ્યારે હું આઠેક વર્ષનો હતો, ત્યારે અમદાવાદના ગાંધીરોડ પર આવેલી ને એ જમાનામાં 'સિનેમા-દ-ફ્રાન્સ'નામે ઓળખાતા થીયેટરમાં આ ફિલ્મ જોયેલી (આગલી બેન્ચ પર કેવળ રૂ. ૦.૪૦ પૈસાની ટિકીટમાં) એમાંથી માંડ કોઈ બે-ચાર દ્રષ્યો યાદ હતા અને એ ય ધૂંધળા- ધૂંધળા ! 'બૈજુ બાવરા'ના ગીતો તો આજે ૬૨ વર્ષે ય પૂરા યાદ છે... તમારા બધાની જેમ, પણ આવી સર્વાંગ સુંદર ફિલ્મ બીજી વખત જોવાની હિંમત એટલા માટે નહોતો કરતો કે, ભારતભૂષણને જોવો પડે ! હું કાંઈ એટલો બધો બહાદૂર નથી કે, ભા.ભૂ.ને બીજીવાર જોવા માટે હિંમતો કેળવું...

પણ ડીવીડી મંગાવીને બીજી વાર જોઈ ત્યારે કબૂલ કરવું પડયું કે, આ ફિલ્મમાં તો ભારત ભૂષણ ખૂબ નિરાળો અને આંખને જોવો ગમે એવો લાગે છે. હા, ઍક્ટિંગ- ફૅક્ટિંગને ભા.ભૂ. સાથે સાળી- બનેવી જેટલો ય સંબંધ નહિ, એટલે એમાં આપણે ય આશા નહિ રાખવાની ! પણ તો ય, ઍટ લીસ્ટ આ ફિલ્મ પૂરતા ભા.ભૂ.એ એકદમ પોતાના જ ચેહરા ઉપર હાવભાવ ઊભા કર્યા છે, મોટા ભાગે એણે મોઢું હસતું રાખ્યું છે. (એમાં એને વેદનાઓ તો ઘણી થઈ હશે !) અને ક્યારેક સારી ઍક્ટિંગ પણ બતાવી છે.

મીના કુમારીની સફળતાની દ્રષ્ટિએ આ પહેલી ફિલ્મ હતી. વિજય ભટ્ટ જ મીનાને પહેલી વાર ફિલ્મોમાં લઈ આવ્યા હતા એમની કોઈ '૪૦ના દશકમાં બનેલી ફિલ્મ 'ધી લૅધર ફેઇસ !'માં પણ 'બૈજુ બાવરા' રીલિઝ તો થઈ '૫૨માં,'ફિલ્મફેર એવોર્ડ્સ'ની શરુઆત '૫૪માં થઈ, એમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મીનાને આ ફિલ્મ માટે મળ્યો. આ પછી મીનાને બીજી ત્રણ ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ્સ મળ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, ધી ગ્રેટ નૌશાદને આખી કરિયરમાં ફક્ત આ જ ફિલ્મના એક ગીત 'તુ ગંગા કી મૌજ, મૈ જમુના કી ધારા...' માટે ફિલ્મફૅર એવોર્ડ મળ્યો હતો. એ જમાનામાં આ ઍવોર્ડ્સની નિષ્ઠા માટે શંકા કરાય એવું નહોતું અને નૌશાદ મોટા ભાગે વર્ષમાં એક જ ફિલ્મ કરતા હોવાના કારણે આમે ય બીજી ફિલ્મો સામે હરિફાઈ તગડી થાય. 'બૈજુ બાવરા'ના ફક્ત એક ગીત માટે આ એવોર્ડ મળ્યો, એનો મતલબ એ કે, એ સમયે આખી ફિલ્મના સંગીત માટે એવોર્ડ નહોતા મળતા... એના કોઈ એક ગીતને મળતો ! 'બૈજુ બાવરા' જેવું દિલડોલ સંગીત વારંવાર નથી બનતું, પણ નૌશાદમીયાંએ તો સમજો ને તમામ ફિલ્મોમાં આવા જ ઊંચા ગજાનુ સંગીત આપ્યું છે. આ ફિલ્મમાં એમણે તત્સમયના શાસ્ત્રીય સુપ્રિમો જેવા બે મહાન ગાયકો પંડિત ડી. વી. પલુસ્કર અને ઉસ્તાદ આમિરખાન પાસે ગવડાવ્યું છે, એમાંના ખાનસાહેબ તો આ ફિલ્મ સંગીત માટે નૌશાદના સલાહકાર પણ હતા.

'બૈજુ બાવરા'એ નૌશાદની કુંડળી પણ તગડા ગ્રહોવાળી બનાવી દીધી. ફિલ્મની સફળતાનો જાયગૅન્ટિંગ જશ અફ કોર્સ નૌશાદને આપવો પડે અને નૌશાદે આ ફિલ્મની બ્રોડવેમાં રજત જયંતિ ઉજવાઈ, ત્યારે ફિલ્મના નિર્માતા- દિગ્દર્શક વિજય ભટ્ટને કહ્યું, ''વિજય ભાઈ, આ જ બ્રોડવે સિનેમાની સામેની ફૂટપાથ જુઓ... ત્યાં હું રોજ સૂતો હતો. મને એ ફૂટપાથ ક્રોસ કરીને અહીં આવતા ૧૬ વર્ષ લાગ્યા છે... !''

નૌશાદે કેવા બેનમૂન ગીતો શાસ્ત્રીય રાગોનો આધાર લઈને બનાવ્યા... ! ઓકે. કબૂલ કે આપણામાંથી ભાગ્યે જ કોઈને શાસ્ત્રીય રાગોની ખબર પડે, એટલે એ વાંચવાનો રસ પણ ઓછો હોય, પણ તમારો રસ બરકરાર રહે, એટલા માટે અહીં 'બૈજુ બાવરા'ના શાસ્ત્રીય ગીતો પર આધારિત જે ગીતો છે, એ જ રાગ પર તમારા માનીતા અન્ય કયા ગીતો છે, એની માહિતી આપીશ તો એક રાગ પરના ગીત જેવું બીજું ગીત વારાફરતી હમિંગ કરવાથી બન્ને વચ્ચેનો નાનકડો સંબંધ મળી આવશે. મૂળ ગીત અને તેના રાગની નીચે એ જ રાગ પરના અન્ય ગીતો લખું છું. વધુ પડતી જગ્યા વપરાઈ ન જાય એ માટે એ ગીતોની ફિલ્મો કે ગાયક- સંગીતકારો તમારે શોધી લેવાના.

(૧) 'તુ ગંગા કી મૌજ મૈં...' - રાગ : ભૈરવી
મીઠે બોલ બોલે પાયલીયા, મુઝ કો ઇસ રાત કી તન્હાઈ મેં આવાઝ ન દો, સબ કુછ સીખા હમને, ન સીખી હોંશિયારી અને નાચે મન મોરા મગન તિક દા ધીગી ધીગી

(૨) 'મન તડપત હરિદર્શન કો આજ...' - રાગ : માલકૌંસ
જાને બહાર તેરા હુસ્ન બેમિસાલ હૈ, વલ્લાહ કમાલ હૈ, અરે વલ્લાહ કમાલ હૈ... અખીયન સંગ અખિયાં લાગી, ઝૂમે બારબાર... આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ન જાયે તેરી મેરી બાત આધી... જિંદગીભર ગમ જુદાઈ કા મુઝે તડપાયેગા, હર નયા મૌસમ પુરાની યાદ લેકર આયેગા.

(૩) આજ ગાવત મન મેરો ઝૂમ કે - રાગ : દેશી
આ રાગ ઉપર અન્ય કોઈ ગીત જાણમાં નથી.

(૪) ઝૂલે મેં પવન કે આઇ બહાર - રાગ : પિલુ, જે નૌશાદનો માનીતો રાગ હતો.
ચંદન કા પલના રેશમ કી ડોરી, ઝૂલા ઝૂલાયે નીંદિયા કો તોરી, મોરૈ સૈયાંજી ઉતરેંગે પાર હો નદીયા ધીરે બહો.. ઢૂંઢો ઢૂંઢો રે સાજના ઢૂંઢો કાન કા બાલા... ના માનુ ના માનુ ના માનું રે દગાબાજ તૌરી બતીયા ના માનુ રે... (આમાંના છેલ્લા બે ફિલ્મ 'ગંગા જમુના'ના ગીતોની ધૂન નૌશાદના આસિસ્ટન્ટ મુહમ્મદ શફીએ બનાવી હતી... ક્રેડિટ નૌશાદને મળી !)

(૫) તોરી જયજય કરતાર... - રાગ : પુરિયા ધનાશ્રી
મેરી સાંસો કો જો મેંહકા રહી હૈ, વો તેરે પ્યાર કી ખુશ્બુ

(૬) ઇન્સાન બનો કર લો ભલાઈ કા કોઈ કામ... - રાગ : તોડી
એક થા બચપન, છોટા સા નન્હા સા બચપન... હર નઇ કિરન કે સાથ ગાઓ મંગલ

(૭) દૂર કોઈ ગાયે ધૂન યે સુનાયે... - રાગ : દેસ
હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે હૈ.. ગૌરી તેરે નૈન, નૈનવા કજર બિન કારે કારે,... આપ કો પ્યાર છુપાને કી બુરી આદત હૈ.

(૮) બચપન કી મુહબ્બત કો દિલ સે ન જુદા કરના... - રાગ : માંડ
ઠાડે રહિયો ઓ બાંકે યાર રે... જો મૈં જાનતી બિસરત હૈ સૈંયા, ઘુંઘટા મેં આગ લગા દેતી... કલ રાત જિંદગી સે મુલાકાત હો ગઈ... સુની રે સજરીયા, ભયે પરદેસી મોરે સાંવરિયા

(૯) મોહે ભૂલ ગયે સાંવરીયા... - (રાગ : ભૈરવ, ભૈરવી નહિ ! વળી આ ગીતમાં રાગ ભૈરવ ઉપરાંત કલિંગડાનો ય પડછાયો છે.)
જાગો મોહન પ્યારે જાગો નવયુગ ચુમે નૈન તિહારે

* * *મુહમ્મદ રફી સાહેબના પાગલ ચાહકો આનંદથી ઉછળશે અને પસ્તાવો ય કરશે કે, રફી સાહેબની આવી ઉત્તમ ચીજ અમારી પાસે કેમ નથી ? ઇન ફૅક્ટ, એમની પાસે ન હોય, એમાં એમનો વાંકે ય નથી કારણ કે રફીએ આ અમૂલ્ય રાગમાલાની ફક્ત એક જ કડી ગાઈ છે. છે બધા નાના નાના ટુકડાઓ, પણ કલેક્ટરની આઇટમ છે. બૈજુના ગુરૂ સ્વામી હરિદાસ એને રાગમાલાના પ્રકાર શીખવે છે, જે તે રાગની સમજ સાથે... એ સાંભળો ત્યારે ખબર પડે કે, જાણકારો એમનેએમ રફી સાહેબને આજ સુધીના હિંદી ફિલ્મોના સર્વોત્તમ પ્લૅબેક સિંગર કેમ કહે છે !

આ રાગમાલામાં રફી આ મુજબ રાગો છેડે છે :

(૧) રાગ લલિત : પિયુ પિયુ રે કરત હૈ પપીહા, અબ કહો કૈસે રાખું જીયા...
(૨) રાગ ગૌડ મલ્હાર : રૂમઝૂમ બદરીયા બરસે, ઉન બિન મોરા જીયા તરસે
(૩) રાગ પૂરીયા ધનાશ્રી : અજબ તોરી પ્રભુ આનબાન દેખી, બાગ મેં બન મેં નીલગગન મેં, દેખત હું તોરી શાન
(૪) રાગ બાગેશ્રી : હેરી એ મૈં કૈસે ઘર આઉ મિતવા, તુમરે જીયરા બાટ ચલત મોસે રોકે ડારો ઠગવા.

* * *
મૂળ ફિલ્મમાં જે વાત નથી એ બધી અહીં પહેલા પતાવી દઈએ. ફિલ્મમાં બૈજુ- ગૌરી (ભા.ભૂ. અને મીનાકુમારી)ને જમુના નદીમાં ડૂબી જતા દર્શાવાયા છે. વાસ્તવિકતા જુદી હતી. બૈજુ બાવરાનું સાચું નામ 'બૈજનાથ મિશ્ર' અથવા 'બૈજનાથ પ્રસાદ' હતું. એનો કાર્યકાળ ઇ.સ. ૧૫૪૨થી ઇ.સ. ૧૬૧૩ સુધીનો હતો. મતલબ બૈજુ ૭૧ વર્ષ જીવ્યો હતો. ટાઇફોઇડ થઈ જવાથી એ મૃત્યુ પામ્યો હતો. મૂળ એ ગ્વાલિયરના ચંદેરી ગામનો હતો. એ 'બાવરો' એટલે કે પાગલ એટલા માટે કહેવાયો કે, એ ચંદેરી ગામની જ નૃત્યાંગના 'કલાવતી'ના પ્રેમમાં પાગલ હતો. વૃંદાવનના ગુરૂ હરિદાસ ગોસ્વામી પાસે બૈજુ ધ્રૂપદ ગાયકી શીખ્યો હતો.

મૂળ વાર્તામાં તથ્ય એ હતું કે, નાનપણમાં બૈજુએ આંખ સામે એના પિતાની તાનસેનના સૈનિકોએ હત્યા કરી હતી ને એનો બદલો લેવા એ બાવરો બન્યો હતો. શક્તિથી તાનસેનની વિરાટ સેના સામે એનું કાંઈ ન ઉપજે, એટલે સંગીતમાં તાનસેનને હરાવવાની એણે નેમ રાખી હતી.

આ નેમ રાખવા ઉપરથી એક અનોખો કિસ્સો યાદ આવ્યો.

તાનસેન હોય કે બૈજુ, એ સહુની સંગીત- સાધના આપણને કેવળ કિવદંતી લાગે. વાસ્તવમાં એવું હોઈ શકે ખરું, એ સવાલ આપણા જેવા કોમન મેનને થાય. અકબરના શાસનમાં સંગીત સમ્રાટ તાનસેન દરબારના નવ રત્નો પૈકીનો એક હતો, એની બધાને ખબર છે જેની ખબર નથી એ વાત એ છે કે, તાનસેનના મોટાભાઈ ઉસ્તાદ બિલાસખાન તાનસેન કરતાં સંગીતના વધુ મોટા નિપુણ ગાયક હતા, એની અકબર-એ-આઝમને ય ખબર હતી. આવા મહાન ગાયક કે સંગીતકારો, રાજ્યસત્તા પાસે સર ઝુકાવે નહિ છતાં અકબરે નકરા આદર સાથે બિલાસખાનને જીવે ત્યાં સુધી અનાજ-પાણી અને અન્ય સગવડો બાંધી આપી હતી. દેખીતી રીતે, કુંભાર કરતા ગધેડા વધારે ટાઉ ટાઉ કરતા હોય, એમ અકબરના એક સુબાએ બિલાસખાનને પોતાના દરબારમાં ગાવા માટે બોલાવ્યા. એના સૈનિકો પહોંચ્યા, એના દસેક દિવસ પહેલાં બિલાસખાન 'ચીલ્લા'માં બેસી ચૂક્યા હતા. 'ચીલ્લો' એટલે સાધક સંગીતકાર- ગાયકો બે દિવસ, સપ્તાહ કે બબ્બે- ત્રણ ત્રણ મહિનાનો ચીલ્લો રાખતા હોય છે, જેમાં પોતે એક રૂમ કે ગુફા જેવી જગ્યામાં પૂરાઈ રહે. કેવળ સંગીતની સાધના કરે. અન્યનું મોઢું પણ નહીં જોવાનું. રોજનું એક ટાઇમનું જમવાનું અધખુલ્લા બારણામાંથી લઈ લે.

ચીલ્લો હોવાથી બિલાસખાનની પત્નીએ સૈનિકોને ના પાડી કે, એમના ખાવિંદ ચીલ્લામાં બેઠા છે... હવે બહાર નહિ આવે ! ઇન્કાર સાંભળીને ધૂંધવાયેલા સુબાએ તાબડતોબ અનાજ પાણી બંધ કરાવી નાખ્યા, બે દિવસ તો પત્નીએ ભૂખ્યા બાળકો સાથે માંડ ખેંચ્યા, પણ પતિની સાધનાભંગ ન થાય એ માટે સ્ત્રીએ પતિને જાણ સુધ્ધા ન થવા દીધી. વગર અનાજપાણીએ બાળકોને જીવાડવા માટે એણે ઘરના વાસણ-કૂસણ, કપડાં અને ઘરવખરી વેચવા માંડી, પણ એ ય કેટલા દિવસ ચાલે ? એક દીકરાને ઝેરી ચેપ લાગ્યો ને મરી ગયો. સાંજ સુધીમાં બીજો દીકરો મરી ગયો અને રાત્રે પત્ની પણ ઢળી પડી. ગામલોકો ભારે ગુસ્સે થયા કે આવી કેવી સંગીતસાધના કે પરિવારની સામે ય નહિ જોવાનું ને પોતાના ચીલ્લામાંથી આ માણસ બહાર જ આવતો નથી ? બૂમાબૂમ કરીને લોકોએ બિલાસખાનને બહાર કાઢ્યા. ચીલ્લો તૂટવાથી એ ગુસ્સામાં આવે એ પહેલાં ઘરઆંગણામાં પડેલી ત્રણ- ત્રણ લાશો જોઈ. હેબતાઈ ગયા. ગળામાંથી કોઈ અવાજ ન નીકળ્યો. રડી પણ ન શક્યા. જીલ્લે-ઇલાહી શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબરને સમાચાર મળતા એ પણ તાનસેન અને સ્વામી હરિદાસજીને લઈને આવી પહોંચ્યા. આમાં તો કોઈ સાંત્વને ય શું આપી શકે ? બોલતું કોઈ કશું નથી. સન્નાટો છે. અચાનક બિલાસખાન આલાપ શરુ કરે છે. રાગ તોડીનો પ્રારંભ થાય છે. આવો મહાન ગાયક અમથો ય ગાતો હોય ત્યાં વાતાવરણ પવિત્ર- પવિત્ર થઈ જાય, ત્યાં આ તો ઉસ્તાદની પોતાની કરુણાંતિકા હતી, એટલે કેવા ભાવથી ગાયું હશે ? હરિદાસજીએ અકબરને પણ રોક્યા કે, કોઈ કશું બોલશો નહિ, અત્યારે જે ગાયકી સાંભળવા મળવાની છે, એ આવનારા સેંકડો વર્ષો સુધી સાભળવા નહિ મળે. કહે છે કે, બિલાસખાને જે રાગ ગાયો, એની અસરમાં ઉપસ્થિતો તો ઠીક વૃક્ષો અને પશુ-પક્ષીઓ પણ રડતા હતા. બસ. એ રાગ પૂરો થતાં જ બિલાસખાનનું ય પ્રાણપંખેરૂ ઉડી જાય છે.

ઉસ્તાદ બિલાસખાન તાનસેનના સગા મોટા ભાઈ હતા. સ્વામી હરિદાસના ત્રણ શિષ્યોમાં તાનસૈન, બૈજુ અને આ બિલાસખાન. મૃત્યુ સમયે આવી કરુણાંતિકામાં એમણે જે રાગ ગાયો એને આજદિન સુધી 'બિલાસખાની તોડી' કહેવામાં આવે છે.

(ભાગ બીજો : આવતા અંકે)