Search This Blog

29/04/2013

ડેડી.. યૂ આર સ્માર્ટ !

વાતમાં કાંઇ માલ નહોતો. મોબાઇલ ફોનની પાછળ બેટરીના બૉક્સનું જસ્ટ ઢાંકણું ઢીલું પડી ગયું હતું, તે વખાતું નહોતું. વાખીએ ને નીકળી જાય, વાખીએ ને નીકળી જાય. ફોન સમ્રાટનો, તે મેં કુ, લાય... હું નાંખી દઉં.. બે મિનિટનું કામ છે. મારો છોકરો થઇને મને ડરાવતો હોય એમ કહે, ‘‘ડેડ, હું છેલ્લા બે મહિનાથી ટ્રાય કરૂં છું. નથી વખાતું.’’ (‘Dad'નો ઉચ્ચાર ખોટો કરે છે અને ઘરમાં બધાને Dead સંભળાય છે! શરૂઆતમાં તો સાચું માનીને હકી તરત જ મહીં જઇને ધોળો હાડલો પહેરી આવતી ને બહાર આવ્યા પછી ચૅક કરતી કે, એમને થયુંતું શું?) 

આમ ઘરમાં મારી છાપ આખી ચીજવસ્તુઓને તોડવાની. ખાસ તો તુટેલી ચીજો સંધાઇ જવાની અણી ઉપર હોય ને એને ફાઇનલ ટચ આપવા જતા મારાથી એ આખી તૂટી છે. વૉશ બૅસીનનો નળ ટપકતો હતો, તે મેં કુ લાય રીપેર કરૂં, એટલે બેસિનની ધાર પર પગ મૂકીને થોડો ખેંચ્યો, એમાં આખું બેસિન પડયું. અને આજકાલ બાથરૂમના ટાઇટલ્સ તો કેવા આવે છે, એ તમે ક્યાં નથી જાણતા...! પાંચ ટાઇલ્સ તૂટયા ને ખાડો પડયો. હસ્તમેળાપ વખતે હું અણવર (બેસ્ટમેન) હતો ને વારંવાર છેડા છુટી જતા હતા, તે મેં કૂ લાય અતુટ ગાંઠ મારૂં. પછી તો છ આ બાજુ ને છ આ બાજુ, એમ થઇને બારેક માણસોએ બાજઠ ઉપર પગ ભરાઇ ભરાઇને બંને બાજુથી છેડા ખેંચ્યા ત્યારે છૂટાછેડા થયા. 

આમ આપણે કાંઇ ટેકનિકલ-સ્કીલના માણસ નહિ, પણ એટલી ખબર કે, આવું કાંઇ ઢાંકણું- બાંકણું વખાતું ન હોય, ત્યારે બહુ માથાકૂટ નહિ કરવાની- સાઇડમાં પટ્ટી-બટ્ટી ભરાઇ દેવાની. એટલે શું કે, બઘું ફીટમફીટ થઇ જાય. બે-ચાર મહિના સુધી તમારે એ ખૂલે નહિ. આ રીપેરિંગનો સીધો હિસાબ. 

‘‘તમે રહેવા દેજો. તમે તો અડતા જ નહિ. આખો મોબાઇલ તોડી નાંખશો.’’ હકીએ મારી સામે જોયા વિના મારી આવી કદર કરી. 

વિશ્વમાં જ્યારે જ્યારે ક્રાંતિઓ થતી અટકી જાય છે, ત્યારે એનું પહેલું, વચલું અને છેલ્લું કારણ વાઇફોની કચકચ હોય છે. હું જગતમાં નવો મોબાઇલ તો ન શોધી શક્યો- આળસ, પણ શોધાયેલા મોબાઇલને રીપેર કરવાની અદ્યતન આવડત મેં વગર પ્રયત્ને હાંસિલ કરી હતી, જેના અહીં ભૂકાં બોલી રહ્યા હતા. 

‘‘સમ્રાટ, પપ્પા પાસેથી તારો ફોન લઇ લે...’’ ૨૭ વર્ષની થવા આવી છતાં, મારાથી એક પણ વાર ઇમ્પ્રેસ નહિ થયેલી મારી દીકરી ઉત્સવીએ ભાઇની માલમિલ્કત બચાવી લેવાના ઇરાદે કહ્યું. ‘‘મારી સાયકલની સીટ એમણે ઊંધી ફિટ કરી દીધી હતી.. પાછળ જોતા જોતા તો સાયકલ ચલાવવી કેવી રીતે ફાવે?’’ 

સમ્રાટના પુત્ર અભિનયને નવડાવતા નવડાવતા એના ગળામાં મારાથી ભૂલમાં સાબુની નાનકડી ગોટી ધૂસી ગઇ હતી, ત્યારથી એની પત્ની શીતલ પણ મારો વિશ્વાસ નથી કરતી. તે મેં કૂ, ‘‘અરે, બે મિનિટમાં જ મોંઢામાં સાણસી ખોસીને ગોટી કાઢી આપું.’’ પણ એમ કોઇ માને? (જવાબઃ ના માને. જવાબ પૂરો) 

પ્રયત્નો એ લોકોએ પણ કરી જોયા, પણ આ કોઇ અ.મ્યુ.કો.ની ગટરનું ઢાંકણું નહોતું- મોબાઇલનું ઢાંકણું હતું, એ હિસાબે મોબાઇલમાં ઉતરીને તો રીપેર ન થાય! હકીનો આઇડિયા એવો કે, સખત ચોંટી જાય પછી ઉખડે જ નહિ, એવું કોઇ સોલ્યુશન ધારી ઉપર લગાવી દો. જીંદગીભર ના ઉખડે. પણ સમ્રાટ બાકીની જીંદગીમાં બીજી વાર પણ એ ફોનનો ઉપયોગ કરવા માંગતો હતો, એટલે એ ઉપાય કેન્સલ ગણવામાં આવ્યો. મારો સખત વિરોધ કે, એમ કાંઇ સોલ્યુશનો વેડફી ન નંખાય. બાકી વધેલું સોલ્યુશન ક્યાં ચોંટાડવું? ખોટી વાત હતી મારી? ધાર્મિક કારણોસર પણ મારો વિરોધ. સીતાજીનું ધનુષ શ્રીરામે તોડયું હતું, પછી આખા રામાયણમાં ક્યાંય એ ધનુષ સાંધવાનો કોઇ ઉલ્લેખ આવે છે? મહાન ઇતિહાસ રચાવાનો હોય ત્યાં આવી તોડફોડો તો થવાની. સુઉં કિયો છો

તમે મોબાઇલ ફોનોના ઢાંકણા જોયા હોય તો ખબર હશે કે, એ બહુ જીદ્દી હોય છે. ખોલતી વખતે બહુ નખ ભરાય ભરાય કરો તો ય હલતા નથી. આપણને એમ કે કોણ મગજમારી કરે? એનું ઢાંકણું ખોલવા માટે ય તમારામાં વીર અર્જુનનું લક્ષ્ય, મહાત્મા ગાંધી જેવી સત્યપ્રિયતા અને આંગળીઓમાં વાંદરા જેવા નખ હોવા જરૂરી છે. કેટલાક મિત્રોએ પૂછાવ્યું છે કે, આમાં હિંમતની જરૂર પડે ખરી? તો સ્માઇલ સાથે એ મિત્રોને અમારો જવાબ છે કે, આમાં હિંમતની જરૂર ન પડે. આશા છે, અમારા ખુલાસાથી એમને સંતોષ હશે. 

ઇનફેક્ટ, મોબાઇલની બેટરીનું ઢાંકણું ખોલવા માટે ઉત્તમ બનાવટના નખ (હાથના નખ, પગના નહિ) જરૂરી છે, પણ એમાં તમારૂં ટાઇમિંગ જોઇએ, નહિ તો ઘણાને નખ અંદર રહી જાય છે અને ઢાંકણું બહાર આવે છે. લગભગ ત્રણ વીક સુધી દુઃખાવો રહે છે, લોકો પૂછપૂછ બહુ કરે છે, ‘‘કેમ કરતા નખ ઉખડી ગયો?’’ આવું થયા પછી, સમાજને મોંઢું બતાવી શકાય છે, પણ નખ બતાવી શકાતો નથી. એ મોબાઇલમાં પડયો હોય છે. આવું વારંવાર થાય તો દુનિયાભરના ઢાંકણાઓ ઉપર આપણને નફરત થઇ જતી હોય છે. 

મારૂં કેવું છે કે, ઘણી બધી કલાઓ ઉપર મારો હાથ બેઠો નથી. મને જરા મીઠી મીઠી ગલીપચી થાય અને હલ્લુહલ્લુ લાગે, એવી કાનમાં હળી કરતા બરોબર નથી ફાવતું. ઘણા જુવાનીયાઓ એકસાથે બબ્બે પગથીયા સીડી ઉતરી જાય છે, એ મને નથી આવડતું. પગના નળા બે-ત્રણ વખત છોલાઇ ગયા છે. મને સિસોટી વગાડતા વગાડતા દાઢી કરતા નથી આવડતું. આને ડ્રાફ્ટ કહેવાય કે ચેક’, એની મને સમજ પડતી નથી. વિમાનમાં ટોઇલેટ જેવું હોય તો બાજુમાં બેઠેલાને કઇ સાઇન કરવાની, તેની મારામાં ફાવટ ન હોવાથી, મિનિટો સુધી એને વિવિધ ઇશારાઓ દ્વારા સમજાવવાના ટ્રાયો મારૂં છું, પણ એમાં એ એવો મૂંઝાયો હોય કે, મારા બદલે એ ટૉઇલેટ જઇ આવે છે અને પાછા આવ્યા પછી, કેમ જાણે મારા કારણે એને જવું પડયું હોય, એવા ઇશારે મને, ‘‘ખુશ... હવે?’’ એવું મોઢું કરે છે. 

જો કે, મને એ પણ ખબર છે કે, વિશ્વમાં આજ સુધી મોટા ભાગના મોટા માણસોને પણ ઉપરના કામો નથી આવડતા અને એટલે એ મોટા થયા હોય છે. મને તો હમણાં કોઇકે કીઘું ત્યારે ખબર પડી કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાને પણ મારી જેમ બેઠા બેઠા પગ હલાવવાની ટેવ છે. (આ બતાવે છે કે, મહેનત કરશે તો એક દિવસ ઓબામા પણ મોટો હાસ્યલેખક બની શકશે!) 

આમ તો મોબાઇલનું ઢાંકણું ફિટ કરતા મને પણ નથી ફાવતું. પણ આખી વાતનો રાઝ એ છે કે, ઘરના સુપ્રિમો તરીકે બધી બાબતોમાં આપણો વટ રાખવો જરૂરી છે. ‘‘આ તો ડોહાને નહિ ફાવે..’’ એવી એક વખત છાપ પડી ગઇ, તો બીજા દિવસથી ઘરના જ લોકો ભાવ પૂછતા બંધ થઇ જાય છે. મારાથી કંટાળીને ઉત્સવી કહેતી હોય છે, ‘‘ડેડી, તમે બહુ સ્માર્ટ છો..!’’ 

.. અને આ કારણથી મોટા ભાગના ડોહાઓ ઘરમાં કાયમ માટે પોતાનો માનમરતબો ગૂમાવે છે. દરેક વાતમાં ડફાકા મારમાર કરવાથી ડોહા-ડોહી ઘરમાં બધાનું માન ગૂમાવે છે. ધીમે ધીમે સત્તા છોડતાં જવું અઘરૂં કામકાજ છે. બસ. એક વસીયતનામાવાળો સસ્પેન્સ હાથમાં રાખો. બધાએ તમારો મરતબો જાળવવો પડશે, પણ બઘું મને પૂછી પૂછીને જ કરવાનું-વાળા ફાંકા બંધ કરો, ડોહા..! મારા પ્રિય લેખક ફ્રેડરિક ફોર્સાઇથે સરસ કીઘું હતું, "You have to learn a lot of things when you admit you know a little." હું કાંઇ નથી જાણતો, એટલું કહેવા માટે ઘણું બઘું જાણવું પડે છે.’ 

સિક્સર 
- હવે પછી કોઇને ખાટાં ખચરકા નહિ આવે..! 
- લિંબુનો ભાવ એક કિલોના રૂ. ૧૦૦/- થઇ ગયો છે.

(07-10-2009ના રોજ પ્રગટ થયેલું બુધવારની બપોરે’)

26/04/2013

હલચલ ('૫૧)

ફિલ્મ : હલચલ ('૫૧)
નિર્માતા : કે.આસિફ
દિગ્દર્શક : એસ.કે.ઓઝા
સંગીત : સજ્જાદ-મુહમ્મદ શફી
ગીતકાર : ખુમાર બારાબંકવી
રનિંગ ટાઇમ : સર્ટિફિકેટ પર રીલ્સ લખ્યા નથી.
કલાકારો : દિલીપ કુમાર, નરગીસ, બલરાજ સાહની, સિતારાદેવી, જીવન, કે.એન.સિંઘ, નીલમ, કક્કુ, ગીતા નિઝામી, બલરાજ (નાના કે.એન.સિંઘ તરીકે) બેબી અનવરી અને યાકુબ. 
***
ગીતો
૧. લગી હૈ આગ દિલ મૈ, કિસ્મત કે સિતારે ડૂબ ગયે...લતા મંગેશકર-મુહમ્મદ રફી
૨. એક જૂઠી સી તસલ્લી વો મુઝે દે કે ચલે, મેરા દિલ લેકે ચલે.. લતા મંગેશકર
૩. ઓ બિછડે હુએ સાથી, જીયું કૈસે યે બતા દે.... લતા મંગેશકર
૪. આજ મેરે નસીબ ને, મુઝકો રૂલા રૂલા દિયા... લતા મંગેશકર
૫. હાય સદકે તેરે ઓબાંકે મેરે, હર બાત તેરી મતવાલી હૈ...લતા મંગેશકર
૬. કોઇ કીસ તરહ રાઝ-એ-ઉલ્ફત છુપાયે... રાજકુમારી દુબે
૭. પ્રીત જતાકે, મિત બનાકે ભૂલ ન જાના... લતા-રફી
૮. સો રહે હૈ બેકરાર, સોનેવાલે ગાંવ મેં... શમશાદ બેગમ
૯. લૂટા દિલ મેરા હાય આબાદ હોકર... લતા મંગેશકર
ગીત નં.૨,૪ અને ૬ સજ્જાદ હુસેને કમ્પોઝ કર્યા છે, બાકીના મુહમ્મદ શફી 
***

હવે ટેન્શનમાં આવવાનો વારો દિલીપ કુમારનો હતો, કે કે.આસિફ સજ્જાદ હુસેનનો પક્ષ લેશે કે મારો ? ઝગડો કોઇ નાની વાતનો નહોતો. ગીતના રીહર્સલ વખતે સજ્જાદ હાર્મોનિયમ પર ધૂન બેસાડતો હતો ને દિલીપે રાબેતા મુજબની ખણખોદ કરી, ''સજ્જાદ મીયાં, ઇસ મુખડે કો થોડા બદલો... યે નહિ ચલનેવાલા...!''

અને જન્મ્યા પહેલાનો ત્રિતાલી મગજનો સજ્જાદ કોઇ નહિ ને દિલીપ કુમારનું કાંઇ સાંભળે ? કાચી સેકંડમાં પલાંઠી છોડી એમાં ધક્કો હાર્મોનિયમને વાગ્યો ને તરત તાડુક્યો, ''દેખો યુસુફ મીયાં.... અભી સજ્જાદ કે યે દિન નહિ આયે, કિ મશવરા તુમ સે લેના પડે...! મૈ તુમ્હે એક્ટિંગ સીખાને નહિ આતા... તુમ મુઝે મૌસિકી મત સીખાઓ...!''

આટલો જ ઝગડો, પણ બન્ને ઇગોના શહેનશાહો. દિલીપ કુમાર સીધો પ્રોડયુસર કે.આસિફ પાસે પહોચ્યો, 'આસિફ સા'બ..આપ કી ફિલ્મ મેં યા સજ્જાદ રહેગા યા મૈં રહુંગા...''

ચેઇન-સ્મોકર આસિફ હંમેશા પહેલી બે આંગળીની વચ્ચે ભરાવીને સિગારેટ પીતો. રાખ ખંખેરતા પહેલા એણે જવાબ આપી દીધો, 'દેખો યુસુફ... ઇસ ફિલ્મ મેં મૈં તુમ્હારે બિના ચલા સકતા હૂં... સજ્જાદ કે બિના નહિ. તુમ જાના ચાહતે હો... જા સકતે હો...!'

સોય ભરાવેલી દોરી છાતીની આરપાર નિર્દયતાથી ખેંચી લીધી હોય. એવું આ અપમાન હતું. આજ સુધી દિલીપની સામે થવાની કોઇની હિંમત નહોતી ને એકસામટા બે ફૂટી નીકળ્યા. દિલીપ ગમ ખાઇ ગયો. બલરાજ સાહનીએ ત્રણેને સમજાવ્યા, પણ સજ્જાદ માને ? કમાલ કોની કામ કરી ગઇ કે હકાલપટ્ટી સજ્જાદની થઇ ને ફિલ્મ 'હલચલ'ના બાકીના સંગીત માટે મુહમ્મદ શફી આવ્યા. આ શફી નૌશાદના આસિસ્ટન્ટ સંગીતકાર, ઉપરાંત ઉસ્તાદ વિલાયતખાન સાહેબના સગા ભાઇ અને ત્રીજું ગાયક મુહમ્મદ રફીના સૌથી નાના દીકરા શાહિદ રફીના કાકા-સસરા. સજ્જાદ હુસેન જીનિયસ હતો, એમાં તો એનો દાનો દુશ્મન પણ ઇન્કાર કરી શકે એમ નથી. એ જમાનાના આટઆટલા સંગીતકારોમાંથી એક માત્ર સજ્જાદ સાથે લતા મંગેશકરને, એ જીવ્યો ત્યાં સુધી કામ વગર પણ આવવા-જવાના સંબંધો રહ્યા. બાકી લતા સાથે પર્મનેન્ટ તો ખુદ લતાને ય નથી બન્યું. સજ્જાદ સાથે ઘરવટ રહી, એનું એકમાત્ર નહિ... બે-માત્ર કારણોમાંનું એક તો, એ સંગીતનો સાચો તાનસેન હતો અને બીજું, હૃદયનો અણીશુધ્ધ ચોખ્ખો હતો. એક વખત તો રીહર્સલમાં સ્વયં લતા સરખો સુર પકડી શકતી નહોતી. ત્યારે લતાને ય સંભળાવી દીધુ, ''લતાજી, ઠીક તરહ સે ગાઇયે...યે નૌશાદ કી ધૂન નહિ હૈ..!''

નૌશાદ સાથે સજ્જાદને બાપના માર્યા વેર.એ નૌશાદને સંગીતકાર જ માનતો નહતો. બધ્ધી દાઝ ઉતારવા અને નૌશાદનું રોજ અપમાન કરી શકાય, એ માટે સજ્જાદે પોતાના પાળેલા કૂતરાનું નામ 'નૌશાદ'રાખ્યું હતું...''લે નૌશાદ...યહાં આ ઔર મેરે જૂતે ચાટ...!''તલત મેહમુદને એ 'ગલત'મેહમુદ કહેતો અને કિશોર કુમારને 'શોર'કુમાર. તલતે ગાયેલા સજ્જાદના સુપ્રસિધ્ધ ગીત 'યે હવા યે રાત યે ચાંદની, તેરી ઇક અદા પે નિસાર હૈ'ગીતની મદન મોહને બેઠ્ઠા મીટરથી કોપી કરીને 'તુઝે ક્યા સુનાઉ મૈં દિલરૂબા, તેરે સામને મેરા હાલ હૈ', એનાંથી છંછેડાયેલા સજ્જાદ પાસેથી મદન મોહન બેકસ્ટેજમાં એક પ્રોગ્રામ દરમ્યાન પસાર થયો ને સજ્જાદ તરત બોલી ઉઠયો, ''આજકલ તો પર છાંઇયાં ભી ઘુમને-ફિરને લગી હૈ..!''ભાગ્યે જ કશું ભણેલા સજ્જાદની સાહિત્યિક ઊંચાઇ જોઇ...? લતા મંગેશકર માટે તો એ શેક્સપિયર-લેવલનું બોલ્યો છે, Lata sang and others made miserable efforts...!'

મીના કુમારીના પિતા અલી બખ્શે સજ્જાદને પહેલો ચાન્સ મેન્ડોલિન વાદક તરીકે આપ્યો. એ પછી ૩૪-વર્ષની કરિયરમાં 'મગરૂર'અને 'દોસ્ત'જેમાં નિર્માતા-દિગ્દર્શક શૌકત રિઝવીએ સંગીતકાર તરીકે સજ્જાદને બદલે શૌકતની પત્ની નૂરજહાનું નામ ઠોકી બેસાડતા સજ્જાદે જીંદગીભર નૂરજહાં પાસે એક પણ ગીત નહિ ગવડાવવાની પ્રતિજ્ઞા લઇ લીધી. સજ્જાદ હુસેનના સંગીતમાં બીજું ય એક 'ઓબ્સેશન'હતું એના મોટા ભાગના ગીતોમાં એક શબ્દ તો રિપિટ થાય જ. 'દિલ મેં સમા ગયે સજન, ફૂલ ખીલે 'ચમન ચમન'', 'માજંદરાન... માજંદરાન...' ફિર તુમ્હારી યાદ આઇ અય સનમ અય સનમ...'', ''આજ મેરે નસીબ ને,મુઝકો રૂલા રૂલા દિયા...''''યે કૈસી અજબ, દાસ્તાં હો ગઇ હૈ, છુપાતે-છુપાતે બયાં હો ગઇ હૈ...'' 'કાલી-કાલી રાત રે, દિલ બડા સતાયે...'(આ તો અત્યારે લખતા લખતા જેટલા યાદ આવ્યા, એ લખ્યા છે, નહિ તો યાદી લાંબી થાય એમ છે.)

આ લેખના લખનાર પણ રાત્રે સુતા પહેલા વગર વ્હિસ્કીએ નશામાં ડૂબવા માંગે ત્યારે સજ્જાદ હુસેનના (ખાસ તો લતા મંગેશકરના) ગીતોની સીડી સાંભળતા હાલાં કરી જાય છે. લેખ ફિલ્મ 'હલચલ'નો ને અડધો સજ્જાદમાં વપરાઇ ગયો, છતાં ય કોઇ ગમ નથી. એ સર્જક જ એવો પૂરબહાર હતો કે, મૂળ ખેતીવાડીનું પુસ્તક લખવા બેસું તો ય અડધું પુસ્તક સજ્જાદના નામે લખાઇ જાય... ફિકર નહિ ! એવો જ બીજો મનગમતો 'એક્ટર'(હીરો નહિ...એક્ટર) હતો બલરાજ સાહની. મૂળ નામ તો 'યુધિષ્ઠિર સાહની, હતું..(એના સગા નાના ભાઇ અને લેખક 'ભીષ્મ'સાહની').

પાકિસ્તાનમાં જન્મેલા બલરાજે ત્યાં જ બે વખત માસ્ટર્સ ડીગ્રી મેળવી અને ઇન્ડિયા આવીને પત્નિ દમયંતિ સાહની સાથે કવિવર ટાગોરના શાંતિનિકેતનમાં અનુક્રમે ઇંગ્લિશ અને હિંદીના પ્રોફેસરો તરીકે જોડાયા. ફિલ્મ 'મેરા નામ જોકર'માં નાનો રાજ કપૂર (રીશી કપૂર) તેની ક્લાસ ટીચર સિમીના પ્રેમમાં પડી જાય છે, તે જ વાસ્તવિક જીવનમાં આ દમયંતિ સાહની. યસ, રાજ દમયંતિના એકતરફા પ્રેમમાં પડી ગયો હતો. બલરાજ તો મહાત્મા ગાંધીની સલાહથી લંડનમાં બીબીસીના એનાઉન્સર તરીકે ય બે વર્ષ કામ કરી આવ્યો હતો. દમયંતિના અવસાનના બે જ વર્ષ પછી બલરાજ એના સગા મામાની દીકરી સંતોષ ચંડોક સાથે પરણી ગયો.

ગુરૂદત્તે બનાવેલી દેવ આનંદની ફિલ્મ 'બાઝી'ની વાર્તા બલરાજ સાહનીએ લખી હતી. જ્હોની વોકરને ફૂટપાથના ફેરીયામાંથી ફિલ્મોમાં લઇ આવનાર પણ બલરાજ હતો.

પોતાની છેલ્લી ફિલ્મ 'ગર્મ હવા'ના એના છેલ્લા સંવાદનું આખરી રેકોર્ડિંગ પૂરૂં કરીને બલરાજ ઘેર આવ્યો અને હાર્ટ-એટેકમાં અચાનક ગૂજરી ગયો. એણે બોલેલો છેલ્લો સંવાદ હતો, 'ઇન્સાન કબ તક અકેલા જી સકતા હૈ...?'ફિલ્મ એક્ટર પરિક્ષિત સાહનીના આ પિતાથી પોતાની દીકરી શબનમનું મૃત્યુ સહન નહોતું થયું, એ કારણે થયેલા અવસાનને ડોક્ટરોએ માસિવ કાર્ડિયાક એરેસ્ટનું નામ આપ્યું હતું.

આપણી આજની ફિલ્મ 'હલચલ'ના શૂટિંગ દરમ્યાન આ પ્રખર સામ્યવાદી માણસ રીતસર જેલમાં હતો. ફક્ત 'હલચલ'ના શૂટિંગ પૂરતી (અને તે ય પોલીસોના બંદોબસ્ત હેઠળ) છૂટ મળી હતી...

નિર્માતા તરીકે કે.આસિફ ભવ્યતાનો માણસ. 'મુઘલ-એ-આઝમ'ની જેમ આ ફિલ્મના સેટ્સ પાછળ પણ એણે એ સમયમાં તોતિંગ ખર્ચા કર્યા હતા. કરોડપતિના મહેલ જેવા બંગલાના વિશાળ દીવાનખાનાનો દાદર પણ એક બંગલાની કિંમતનો બની શકે છે, એ શહેનશાહી વિચાર મેહબૂબખાન અને રાજ કપૂરને આવ્યો હતો. મેહબૂબની ફિલ્મ 'અંદાઝ'જુઓ કે રાજ કપૂરનું 'આવારા'. પણ કે.આસિફ જેવા નિર્માતાઓ ય બેધ્યાન બની શકે છે. દિગ્દર્શક એસ.કે.ઓઝા તો નવાસવા હતા, પણ નૃત્ય-ગીત, 'સો રહે હૈ બેકરાર, સોનેવાલે ગાંવ મેં...'માં ડાન્સર કક્કુની પાછળ કોરસ ડાન્સરો વચ્ચે કોઇ તાલમેલ જ નથી. આવું તો મેં પહેલી વાર જોયું. ન તો એ લોકો લાઇન જાળવીને ડાન્સ કરે છે, ન એમની અંગમુદ્રાઓ વચ્ચે કોઇ તાલમેલ છે ! દિલીપ કુમારે વળી કોઇ મેજીક શર્ટ પહેર્યું છે. નરગીસ-દિલીપ આખી રાત ગામના બગીચામાં ગાળે, છતાં કોઇ ઘટના ન બને, એ માનવું જરા વધારે પડતું છે, પણ સવારે એ જ બગીચામાં નરગીસનો ભાઇ કે.એન.સિંઘ એવું માનતો નથી કે, આખી રાત બન્નેએ બગીચામાં એકલા ગાળીને ફક્ત અંતકડી કે થૂઇ-થપ્પા જ રમતા હશે ...સિંઘ દિલીપને ફટકારે છે, પણ મુક્કાઓથી જ. નથી કોઇ ખેંચતાણ કે નથી ઝપાઝપી ને એમાં દિલીપને સિંઘ ખાબોચીયામાં ફેંકી દે છે, એ વખતે સીન ફ્રીઝ કરી કરીને જોયો, ક્યાંય દિલીપનું શર્ટ ટાંકા કે ગાજ-બટનમાંથી ય ફાટતુ નથી, પણ ઊભો થઇને પાછો નરગીસના ઘેર મળવા જાય છે, ત્યારે બન્ને ખભેથી ફાટેલું હોય છે. એનો ય વાંધો નહિ. પણ આગળના દ્રષ્યમાં એ ફાટલું શર્ટ આખું થઇ જાય છે. ફરી પાછો, 'નવી ગિલ્લી નવો દાવ'ના ધોરણે ત્રીજા દ્રષ્યમાં ખલનાયક જીવન સાથેની મારામારીમાં શર્ટ માત્ર ખભેથી અને એટલા ચીરામાં જ ફાટે ને કાચી સેકંડમાં એ પછીના તરતના દ્રષ્યમાં ચીરા સરખા થઇ જાય.. તારી ભલી થાય ચમના... આવા શર્ટો બજારમાં હજી મળતા હોય તો આપણે ૫૦-૫૦ કીલોના ભાવે લેવા છે ! તાજ્જુબી એ વાતની છે કે, કે.આસિફ મૂળ તો મુંબઇના ભેન્ડી બજારની ફૂટપાથ પર લાકડાની નાનકડી કેબિનેટમાં છૂટક દરજી કામ કરતો...એટલે આ ખભાવાળો જાદુ ભેન્ડી બજારનો તો નહિ હોય ને ?

ફિલ્મ 'હલચલ'ની જ ૯૦-ટકા સ્ટોરી ઉપરથી કારદારે ફિલ્મ 'દિલ દિયા દર્દ લિયા'બનાવ્યું હતું. એક તો દ્રષ્ય પણ બેઠું જ ! જે દ્રષ્યમાં હીરોઇન વહિદા રહેમાનનો ભાઇ પ્રાણ ઘોડો લઇને ઉભેલા દિલીપ કુમારને કહે છે, 'લગામ છોડ ઓર ફંદા બના, બેવકૂફ..'એ જ બેઠ્ઠું દ્રષ્ય અહી કે.એન.સિંઘ અને દિલીપ ભજવી બતાવે છે... કદાચ, બન્ને ફિલ્મોના ઘોડાઓએ એક્ટિંગ જુદી કરી હતી, એવું ઊંઝા-સિધ્ધપુર બાજુ વાતો થઇ રહી છે...!

દિલીપ કુમાર તો બસ દિલીપ કુમાર જ હતો. કોઇ વ્યક્તિ એનાથી ઇમ્પ્રેસ ન થાય, એવું ઇવન આજે એની ૯૦-પ્લસની ઉંમરના ય બન્યું નથી. ફિલ્મી પરદા ઉપર એની હાજરી માત્ર કાફી હતી, બાજુમાં ઊભેલા અન્ય કોઇપણ કલાકારને ઢાંકી દેવાની. ૪૦-૫૦ પછી આપણા બધાના માથેથી વાળ ઉતરવા માંડે છે, જ્યારે દિલીપના માથે વાળનો જથ્થો હજી બરકરાર છે. વ્યક્તિગત ધોરણે એ અત્યંત પ્રભાવશાળી અને જ્ઞાની પુરૂષ છે. અમદાવાદના એક મિલમાલિક સાથે ગુજરાતના હાઇવે પર આ બન્ને પસાર થઇ રહ્યા હતા, ત્યારે શ્રીમદ ભગવદગીતા ઉપર એ બન્ને વચ્ચે થયેલી વાતોમાં મિલમાલિક કેવળ શ્રોતા હતા. એ એટલા પ્રભાવિત થઇ ગયા કે, માની નહોતા શકતા કે એક પઠાણ ભગવત-ગીતા વિશે આટલું ઊંડું જ્ઞાન ધરાવે છે ! એક્ટિંગનો તો એ શાહજાદો હતો, એમાં તો ઇન્કાર થઇ શકે એમ નથી. ફિલ્મ આખેઆખી બંડલ હોઇ શકે... દિલીપ કદી નહિ. રહી વાત લાઉડ-એક્ટિંગની...તો એ સમયની ત્રિમૂર્તિ, રાજ-દિલીપને દેવ, ત્રણેય ઓવરએક્ટિંગના ય નવાબજાદાઓ હતા. વાત ફક્ત એક્ટિંગની કરવાની હોય તો એ જમાનાના અશોક કુમાર અને આજના સુપર-એક્ટરો નસીરૂદ્દીન શાહ કે ઇવન વિનય પાઠકની સરખામણીમાં તો પેલા ત્રણેય ઓવર-એક્ટરો કહેવાય ! પણ દિલીપની એક છટા હતી. પર્સનાલિટીનો વૈભવ હતો. સંવાદો બોલવાની એની પોતાની આગવી સ્ટાઇલ હતી, તે એટલે સુધી કે પરદા ઉપર આવ્યા પછી મિનીટો સુધી એ એક સંવાદ પણ ન બોલે, તો ય એની હાજરી આખા દ્રષ્ય ઉપર છવાઇ જતી. ફિલ્મ 'હલચલ'એનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

નરગીસ પણ નોન-સ્ટોપ અને છટાદાર ઇંગ્લિશ બોલતી એક્ટ્રેસ હતી. એનો અલગ એક પ્રભાવ હતો કે ઇંગ્લિશમાં જેમ કહે છે કે,ટોમ, ડિક એન્ડ હેરી...એની પાસે જઇ શકે નહિ. ટોમ-ડિક તો બહુ દૂરની વાત છે, દેવ આનંદ કે દિલીપ કુમારની કક્ષાના ટોચના હીરો કે દિગ્દર્શકોએ પણ નરગીસ પાસે અદબથી વાત કરવી પડતી. પ્રોબ્લેમ દિલીપ કુમારને થતો કે, નરગીસ અને સુરૈયા બન્ને હિંદુ રાજ કપૂર-દેવ આનંદના પ્રેમમાં હતા. એ ગમતું નહોતું. એ ચોકડીને છૂટી પાડવા દિલીપ કુમારે મહેબૂબ ખાન, એમ.સાદિક અને કે.આસિફનો સક્રિય ટેકો લીધો હતો, મતલબ આ ફિલ્મ 'હલચલ'માં નરગીસ અને દિલીપ એકબીજા સાથે કમ્ફર્ટેબલ નહોતા.. માત્ર ધંધાદારી સંબંધ પૂરતી ''એક્ટીંગ''કરવાની હતી. કક્કુનું સાચું નામ તો વળી હમણાં જાણવા મળ્યું. ''કક્કુ મોરે''. આ છોકરી એટલી હદે ગુમનામીમાં જીવી ગઇ કે '૫૦-ના દાયકામાં એક વ્હી.શાંતારામને બાદ કરતા એકપણ ફિલ્મ સર્જક એવો નહોતો જેણે કક્કુ પાસે પોતાની ફિલ્મમાં ડાન્સ ન કરાવ્યો હોય. ફિલ્મી પત્રકારત્વ તો એ સમયે પણ બુલંદીઓ પર હતું. પણ આ બુલંદી કેવી કે કક્કુ વિશે અન્ય ડીટેઇલ તો ઠીક, એનું સાચું નામ શું હતું, એ ય કોઇને ખબર પડી નથી. યસ, હિંદી ફિલ્મોમાં અઝુરી પછી એ પહેલી કેબરે ડાન્સર અને ફિલ્મ 'શબિસ્તાન'માં હેલનને પહેલો ચાન્સ કક્કુએ અપાવ્યો હતો. કક્કુ ખૂબ એટલે બહુ ખૂબ પૈસા કમાઇ, પણ નિરક્ષરો પૈસા કમાય એટલે વાપરતા ન આવડે... ઊડાડતા આવડે. કક્કુનો બંગલો મોટો હતો અને જૂતાનો શોખ એવો કે એના ગોળ આકારના બંગલાની બહાર સમગ્ર દિવાલને અડીને પોતાના જૂતા-સેન્ડલના કબાટો બનાવી રાખ્યા હતા. જમાનો હેલનનો આવ્યો એમાં કક્કુ પંખો ચાલુ કરો ને છાપું ઊડી જાય, એટલી ઝડપથી ફેંકાઇ ગઇ. એ મરી ત્યારે તદ્દન ભિખારી અવસ્થામાં મરી. દવાદારૂ તો બહુ દૂરની વાત છે, ફૂટપાથ પર એના છેલ્લા શ્વાસો વખતે પાણીનો ગ્લાસ આપનારે ય કોઇ નહોતું.

''હલચલ''ની વાર્તા કંઇક આવી હતીઃ નાનપણથી એકબીજાના પ્રેમમાં પડેલા નરગીસ-દિલીપનો સંબંધ નરગીસના ભાઇ કે.એન.સિઘને પસંદ ન હોવાથી, ''જ્યાં સુધી હું કંઇક બનીને પાછો નહિ આવું, ત્યાં સુધી અમે મળીશું નહિ.' એવી પ્રતિજ્ઞા લઇને દિલીપ ગાંવ છોડીને શહેરમાં આવે છે. એક સર્કસવાળી (અભિનેત્રી-ડાન્સર સિતારાદેવી)ના સંપર્કમાં આવતા ધીમે ધીમે દિલીપની આર્થિક સ્થિતિ સુધરે છે, પણ સિતારાદેવી દિલીપના ઝનૂની પ્રેમમાં પડી જાય છે, એ જાણવા છતાં કે દિલીપને એનામાં કોઇ રસ નથી ને નરગીસના પ્રેમમાં છે. દિલીપ પોતાનો ન થઇ શકે તો કોઇનો ન થવા દઉં, એ ઝનૂનથી દિલીપનું ખૂન કરવાની સોપારી વિલન જીવનને આપે છે. જીવનથી છૂટેલી ગોળીથી સિતારા મૃત્યુ પામે છે અને દિલીપને જેલ થાય છે. ત્યાં ખબર પડે છે કે, એની પ્રેમિકા નરગીસ તો જેલર (બલરાજ સાહની)ની પત્ની બની ચૂકી છે, એના આઘાતમાં દિલીપ મૃત્યુ પામે છે.

સિતારાદેવીને કવિવર ટાગોરે 'કથ્થક સામ્રાજ્ઞી'નું બિરૂદ આપ્યું હતું. 'ઝનક ઝનક પાયલ બાજે'ના હીરો અને વિશ્વવિખ્યાત નૃત્યકાર ગોપીકૃષ્ણની સિતારાદેવી સગી માસી થાય. કે.આસિફ સાથે લગ્ન કરવા સિતારા મુસ્લિમ બની, પણ આસિફના લફરા ચારેકોર હોવાથી તલ્લાક લઇને સિતારા પ્રતાપ બારોટને પરણી, જેનો દીકરો રણજીત બારોટ ફિલ્મોમાં થોડુંઘણું નામ કમાયો હતો.

ફિલ્મ કે.આસિફ જેવા મજેલા સર્જકની હતી માટે વાર્તાલક્ષી સવાલો ઊભા થાય કે, નરગીસ ઉપર બલરાજ સાહની સાથે લગ્ન કરી લેવાનું ફિલ્મમાં ક્યાંય કોઇ દબાણ નહોતું, છતાં એ કેમ પરણી ગઇ ? બીજુ, 'દિલ દિયા દર્દ લિયા'માં દિલીપ પ્રાણના હાથે અને અહી કે.એન.સિંઘના હાથે માર કઇ કમાણી ઉપર ખાધે જ રાખે છે ? રફી સાહેબના દરિયાપુરના આજીવન ચાહક શ્રી ઇકબાલભાઇ મનસુરી આ વીસીડી બનાવનાર કંપનીને માફ નહિ કરી શકે કે, લતા-રફીનું બેનમૂન ડયૂએટ,''ઓ બિછડે હુએ સાથી જીયું કૈસે બતા દે'' નું ફક્ત મુખડું અપાયું છે ને લતાનું ''એક જુઠી સી તસલ્લી વો મુઝે દે કે ચલે'' આખે આખું નથી આ જ આખું ગીત રોશનનાં સંગીતમાં મૂકેશે ફિલ્મ 'શીશમ'માં ગાયું હતું.

21/04/2013

ઍનકાઉન્ટર 21-04-2012

* દીકરી સારૂં ભણેલી-ગણેલી હોય તો બે ઘરને તારે, તો દીકરાનું શું ?
- જાતે તરે.
(તેજશ્રી મેંદપરા વી., જૂનાગઢ)

* આજકાલ પરિણિત સ્ત્રીઓ એના ગોરધનની અટક સાથે પોતાના પિયરની અટક પણ લખાવે છે. તમે પત્નીની અટક પણ લખતા હો તો !
- ઓકે. અશોક દવે દવે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* વિધવાને 'ગંગા સ્વરૂપ' કહે છે તો વિધૂરને ?
- 'તટસ્વરૂપ, એટલે કે કિનારા સ્વરૂપ... એને બાકીની જીંદગી કિનારે ઊભા ઊભા આવતા-જતા વહાણો જોયે રાખવાના હોય છે!'
(સલમા મણિયાર, વિરમગામ)

* મારે લગ્ન તો કરવા છે, પણ ઘરનું કામ કરતા આળસ આવે છે... કોઈ ટીપ્સ આપશો ?
- તમે ખૂબ સફળ 'વહુ' બની શકશો... તાબડતોબ ઝૂકાવો !
(હિના નાણાવટી, રાજકોટ)

* આપણા ઘેરથી ભગવાનને ઘેર જવામાં શોક શું કામ ?
- ઓકે. ન કરશો.
(કિશોર વ્યાસ, ઘોઘા)

* વૃદ્ધાશ્રમો કલંકરૂપ કે આશિર્વાદરૂપ ?
- શું કરવા મારા સંતાનોને સનો ચાંપો છો ?
(ડી.એક. માંડવીયા, પોરબંદર)

* પોલીસનો ચેહરો હસતો કેમ હોતો નથી ?
- હસવાનો જુદો પગાર કે જુદો હપ્તો મળતો નથી.
(ખુશ્બુ માલવ મારૂ, રાજકોટ)

* મુંબઈમાં ૩૦૦ રૂપિયે જલેબી ને ૨૦૦ રૂપિયે કિલો ગાંઠીયા મળે છે... તમારે ત્યાં ?
- બેન, કોઈપણ ઍન્ગલથી હું તમને ગાંઠીયાવાળો લાગું છું ?
(દીપા ડી. કતીરા, ભૂજ)

* વેપારીઓ પૈસા કે દાગીનાને જોખમ કેમ કહે છે ?
- એવું કહેનારાઓ પરણેલા નથી હોતા... ! અસલી જોખમની એમને શી ખબર ?
(ભરત ડી. સાંખલા, ડીસા)

* રાહુલ બાબાએ ઝૂંપડામાં જઈને રોટલો ખાધો હતો, છતાં મતદારો એમનાથી દૂર ભાગ્યા... હવે ૨૦૧૪માં ?
- હવે એમનું સપનું પુરૂં કરશે... દેશને ઝૂંપડું બનાવવાનું !
(અંકિત જી. ત્રિવેદી, મોડાસા)

* ભસતા કૂતરાં કરડે નહિ... પણ ભસતા ન હોય ત્યારે શું કરે ?
- થાંભલે જાય... !
(બાબુભાઈ પરમાર, અમદાવાદ)

* દેશનું રક્ષણ કરવાની જવાબદારી શું એકલા લશ્કરની છે ?
- સરહદો ઉપર તો ફક્ત લશ્કરની જ... પણ સરહદની અંદરની જવાબદારી પણ લશ્કરને સોંપવી કે નહિ, તે હજી નક્કી થઈ શકતું નથી.
(અજયસિંહ ચંપાવત, હિમતનગર)

* કજીયાખોર પત્નીને કારણે વ્યક્તિ મહાન બને છે કે, મહાન વ્યક્તિની પત્ની જ કજીયાખોર હોય છે ?
- મહાન પત્નીને કારણે વ્યક્તિ માંડ માંડ પતિ બને છે.
(ચિત્તરંજન વરિયા, સુરેન્દ્રનગર)

* બ્રાહ્મણોની આંખમાં ઝેર હોય છે, એ કેટલું સાચું ?
- બીજા બધાની આંખોમાં જીવદયા નેત્રપ્રભા નથી હોતા... !
(દક્ષા પંકજ ભટ્ટ, સુરત)

* આપના સાળાએ આપને ગિફટમાં આપેલી લાખોની કિંમતની રૉલેક્સ ઘડીયાળ પહેરીને અમારે ફોટો પડાવવો છે. પહેરવા આપશો ?
- આખે આખો સાળો જ લઈ જાઓ... હવે એ બીજી રૉલેક્સ આપે એવો નથી.
(જોહર ગુલગુલા, લીમડી)

19/04/2013

'અછૂત કન્યા' ('૩૬)

ફિલ્મ : 'અછૂત કન્યા' ('૩૬)
નિર્માતા : બોમ્બે ટોકીઝ
દિગ્દર્શક : ફ્રાન્ઝ ઑસ્ટીન
સંગીત : સરસ્વતિદેવી
ગીતો : જે.એસ. કશ્યપ 'નાતવાં'
થીયેટ : અમદાવાદ (ખબર હોય તો કહેવડાવજો)
કલાકારો : અશોકકુમાર, દેવિકા રાણી, મનોરમા, પ્રમીલા, પી.એફ. પીઠાવાલા, કામતાપ્રસાદ, કિશોરીલાલ, કુસુમ કુમારી, એમ. એમ. જોશી, ખોસલા, મુમતાઝઅલી, અનવરી અને ઇશરત. 


*** 
ગીતો 
૧.  હરિ બસે સકલ સંસારા, જલ થલ મેં આકાશ પવન મેં...  પુરુષનો કંઠ 
૨.  ધીરે બહો નદીયા, ધીરે બહો....  કુસુમ કુમારી એન્ડ પાર્ટી 
૩.  ખેત કી મૂલી, બાગ કો આમ...  અશોક કુમાર- દેવિકા રાની 
૪.  મૈ બન કી ચીડિયા બન કે બનબન ડોલૂં રે...  અશોક કુમાર- દેવિકા રાની 
૫.  કિત ગયે હો ખેવનહાર, નૈયા ડૂબતી જાયે...  સરસ્વતિદેવી 
૬.  ઊડી હવા મેં જાતી હૈ, ગાતી ચીડીયા યે રાગ...  દેવિકા રાની 
૭.  કિસે કરતા મૂરખ પ્યાર પ્યાર...  અશોકકુમાર 
૮.  પીર પીર ક્યા કરતા હૈ, તેરી પીર ન જાને કોય...  અશોક કુમાર 
૯.  ચૂડી મેં લાયા અનમોલ રે, લે લો ચૂડીયાં...  મુમતાઝઅલી- સુનિતાદેવી 

કેવો મજ્જાનો અશોકકુમાર દેખાતો હતો ? ૧૩મી ઑક્ટેબર, ૧૯૧૧માં જન્મ્યો અને આ ફિલ્મ 'અછૂત કન્યા' આવી ૧૯૩૬માં, એટલે માંડ ૨૪ વર્ષોનો નહિ ? હેન્ડસમ તો ખૂબ હતો પણ મોટી ખૂબી એની સાવ સ્વાભાવિક ઍક્ટિંગ અને કોઈ પણ પ્રકારના આયાસ વિનાનું મુક્ત હાસ્ય, જે આ લખનારના મતે તો આજ સુધી અન્ય કોઈ હીરોમાં જોવા મળ્યું નથી. તમારે મારી સાથે સહમત થવું જરૂરી નથી. મારો મત છે કે, આજ સુધીની ફિલ્મોમાં અશોકકુમાર જેવો સ્વાભાવિક ઍક્ટર અને પાછો હેન્ડસમ બીજો કોઈ નથી આવ્યો.

આ તો સીધ્ધી નવાઈ લાગે એવી વાત છે કે, દાદામોનીએ એમની આ પહેલી ફિલ્મ ૧૯૩૬માં કરી, સુપરહિટ નીવડી ને છતાં ય બીજા ૭ વર્ષ સુધી એમને એકે ય ફિલ્મ ન મળી, બીજું વિશ્વયુદ્ધ તો બહુ પછી આવ્યું, તો વચ્ચે દાદામોની ગયા'તા ક્યાં ? (બંગાલમાં 'મણી'નો ઉચ્ચાર 'મોની' થાય... નામ 'ચિંતામણી' હોય તો બોલાય 'ચિંતામોની'.)

બોમ્બે ટૉકીઝના માલિક હિમાંશુ રૉયની પત્ની અને હીરોઇન દેવિકારાણી આ ફિલ્મ 'અછૂત કન્યા'ના મૂળ હીરો સાથે ભાગી ગઈ, એમાં તાબડતોબ નવા હીરોની શોધ કરવી પડી... હીરો અમથો ય ચળકતો હતો, એટલે ઘરમાંથી જ મળી આવ્યો... એટલે કે બૉમ્બે ટૉકીઝમાંથી. નામ હતું, કુમુદ ગાંગુલી.. જેને દુનિયા અશોક કુમાર કે દાદામોનીના નામે ઓળખે છે. અશોક કુમાર બૉમ્બે ટૉકીઝમાં લૅબોરેટરી આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા ને આ દેવિકારાણી વાળો વિસ્ફોટ થયો, એની ઇમર્જન્સીમાં આને, 'માન ન માન, તું મેરા મેહમાન'ના ધોરણે હીરો બનાવી દેવાયો. દાદામોની પોતે ય માનતા નહોતા કે પોતે કોઈ હીરો મટીરિયલ છે. વિધિની વક્રતા જુઓ કે, જેનો ભાઈ પછીના વર્ષોમાં ભારતનો ખૂબ સફળ ગાયક બન્યો, તે કિશોરકુમારના જ આ મોટાભાઈને ગાતા આવડતું નહોતું અને પોતે જ ફૌજી ભાઈયોં કે લિયે 'વિશેષ જયમાલા' કાર્યક્રમમાં વિવિધ ભારતી પર આવ્યા, ત્યારે થોડી રમૂજી વાતો આ ફિલ્મના સંદર્ભમાં કરી હતી કે ગાવા-બજાવાનો વિષય એમનો ન હોતો પણ એ જમાનામાં તો હીરો- હીરોઇનોએ પોતાના ગીતો પોતે જ ગાવા પડતા, એટલે, ભ'ઇ... હીરો બને, તો ગાના ભી પડતા હૈ...'ના ધોરણે આ ફિલ્મના અને ભારતના સૌ પ્રથમ મહિલા ફિલ્મી સંગીતકાર સરસ્વતિદેવીના સંગીત સંચાલનમાં દાદાને પહેલું જ ગીત ગાવાનું આવ્યું, ''મેં બન કી ચીડીયા બન કે બનબન ડોલું રે...'' સરસ્વતિદેવી બહુ કડક નહિ પણ 'પરફેક્શનિસ્ટ' સંગીતકાર હતા ને આ બાજુ આમને ગાતા આવડતું નહોતું. દાદાએ પોતે કીધેલી વાત મુજબ, એમને ફક્ત 'મૈં બન કી ચીડિયા બન કે...' બસ, આટલું જ ગા- ગા કરે રાખવાનું લૅસન સોપાયું. આગળનું 'બનબન ડોલું રે...' તો નહિ જ ગાવાનું, જ્યાં સુધી પહેલું સૂરમાં ન ગવાય. દાદામોની કહે છે, ''એક આટલો ટુકડો જ મેં નહિ નહિ તો બસ્સોવાર ગાયે રાખ્યો હશે... પણ પ્રણામ સરસ્વતિ દેવીને કે બાકીનું આખું ગીત આપમેળે સુંદર ગવાયું... અને અશોકકુમાર હીરો-કમ- ગાયક બની ગયા.'' (કરેક્શન પ્લીઝ... 'એ ગાયક કમ... ને હીરો વધારે' હતા !)

સરસ્વતિદેવી ય ઉંમરમાં અશોકકુમારથી હાર્ડલી કોઈ બે- ચાર મહિના નાના હશે. મૂળ એ પારસી. નામ ખોરશેદ મીનોચર હોમજી અને એમની બેહન માણેક- બન્ને ઓલ ઇન્ડિયા રેડિયો પર દેશભરમાં જાણીતી ગાયિકાઓ હતી. બૉમ્બે ટૉકીઝના સર્વેસર્વા હિમાંશુ રોયે રેડીયો પર ખોરશેદને સાંભળીને 'બૉમ્બે ટૉકીઝ'માં જોડાવા બોલાવી લીધા. પણ આ નિર્માણ સંસ્થાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પારસીઓ પણ હતા. એમણે, કોઈ પારસી છોકરી ફિલ્મોમાં કામ કરે, એ સામે તોતિંગ વિરોધ નોંધાવ્યો. વચલા રસ્તા તરીકે હિમાંશુ રોયે એ બધાને સમજાવીને, ખોરશેદનું પારસી નામ બદલીને સંગીતવિશ્વની હિંદુ દેવી 'સરસ્વતિદેવી'નું નામ આપ્યું.

અહીં એક સનસનાટીભરી વાત વાંચવામાં ગમે એવી છે. ગામ આખું જાણે છે કે, કિશોરકુમારનું વેદન સભર ગીત 'કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા' દિગ્દર્શક અને સંગીતકાર તરીકે પોતાની પહેલી ફિલ્મ 'ઝૂમરૂ'માં લેવાયું હતું. કિશોરે પણ પોતાના સર્વોત્તમ ૧૦ ગીતોમાં એને સ્થાન આપ્યું. ઇન ફેક્ટ, આ ગીત દેવિકારાણી અને અશોકકુમારના આ જ ગીત- સંગીતકારો સાથે ફિલ્મ 'જીવન નૈયા'માં અશોકકુમારે પોતે ગાયું હતું. (જે મારી પાસે છે.) કિશોર અને મજરૂહ સુલતાનપુરીએ બધું પોતાના નામે ચઢાવી દીધું. આખા ભારતના પૂરા ફિલ્મ જર્નાલિઝમના જે પિતામહ કહેવાય છે તે મુંબઈના શ્રી.રાજુ ભારતનને '૬૯માં સરસ્વતિ દેવીએ પોતાને ત્યાં બોલાવ્યા અને બોમ્બે ટૉકીઝમાં પોતે કમ્પૉઝ કરેલા કે ગાયેલા ગીતો સંભળાવ્યા, એમાં આ ગીત પણ હતું. રાજુ ભારતન ચોંકી ગયા કે, જમુના સ્વરૂપ કશ્યપ 'નાતવા'એ લખેલું ગીત મજરૂહે પોતાના નામે ઠઠાડી દીધું છે અને કિશોરે પણ પોતાના મોટા ભાઈનું ગીત અને સરસ્વતિ દેવીની આખેઆખી ધૂન 'ઝૂમરૂ'માં ઠઠાડી દીધી છે, છતાં ય સંસ્કારો તો પારસીના ને ? ખોરશેદ મિનોચેરે એક શબ્દ પણ કિશોર કે 'ઝૂમરૂ' માટે ઉચ્ચાર્યો નથી. મજરૂહે આવી ચોરીઓ અગાઉ પણ કરી છે. ફિલ્મ 'પાકિઝા'ના 'ઇન્હી લોગો ને લે લીના દુપટ્ટા મેરા...' આખેઆખું ગીત '૪૦ના દાયકામાં બનેલી ફિલ્મ 'હિમ્મત'માં શમશાદ બેગમે આ જ શબ્દો ને આ જ ધૂન સાથે ગાયું હતું. તત્સમયના કોમેડિયન- વિલન યાકુબે આ જ ગીત ફિલ્મ 'આબરૂ'માં સ્ત્રી-વેષ ભજવીને ગાયું હતું. (એની વિડિયો પણ મારી પાસે છે.) 'હિમ્મત' કે 'આબરૂ' બન્નેના સંગીતકાર હુસ્નલાલ- ભગતરામના મોટા બાઈ પંડિત ગોવિંદરામ હતા.. હૈ ના, 'માલ કિસી કા, કમાલ કિસી કા... ?'

કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પ્રપૌત્રી અને આ ફિલ્મની હીરોઇન દેવિકારાણી અત્યંત સ્વરૂપવાન અને તુમાખીભરી સ્ત્રી હતી. હિંદી ફિલ્મોના પરદા પર ચુંબનો તો હવે શરુ થયા, ત્યારે ૩૦' અને ૪૦'ના દાયકામાં ચુંબનો એક આમ વાત હતી, પણ દેવિકા રાણી આજ સુધી હિંદી ફિલ્મોમાં સૌથી લાંબામાં લાંબા ચુંબનનો નેશનલ રેકોર્ડ ધરાવે છે. ફિલ્મ 'કર્મા'માં એના પતિ હિમાંશુ રૉય સાથે દેવિકાએ 'ચાર મિનિટ' લાંબુ ચુંબન કર્યું હતું. હિમાંશુ રૉયના અવસાન પછી દેવિકા રાણીએ રશિયન પેઇન્ટર સ્વેતોસ્લાવ રૉરિક સાથે ૧૯૪૫માં લગ્ન કર્યા. સ્ટુડિયોમાં શશધર મુકર્જી (જોય મુકર્જીના પિતા) સાથેની ભાગીદારી માફક ન આવી અને શશધરની સાથે એમના સગા સાળા અશોકકુમાર, મદનમોહનના પિતા ચુનીલાલ કોહલી, જ્ઞાન મુકર્જી અને અન્ય છૂટા થયા અને 'ફિલ્મીસ્તાન' સ્ટુડિયોની સ્થાપના કરી.

આ 'બૉમ્બે ટૉકીઝ' એટલે શું, એ પહેલા સમજી લઈએ. મુંબઈના મલાડમાં ૧૯૩૪માં સ્થપાયેલો આ એક ફિલ્મી સ્ટુડિયો હતો, જેમાં હિંદી ફિલ્મો નિર્માણ થતી હતી. શૅરબજારની ભાષામાં કહીએ તો, આ એક લિમિટેડ કંપની હતી. આજે પણ બહુ ઓછા શૅરબજારીયાઓને ખબર હશે કે, ભારત દેશમાં સૌથી પહેલી લિમિટેડ કંપની, આ બૉમ્બે ટૉકીઝ હતી. હિમાંશુ રૉય- દેવિકા રાણી એના સર્વેસર્વા હતા. ભારતમાં મૂવિઝ એટલે કે ફિલ્મો તો ૧૯૧૨થી બનવા માંડી, પણ એ બધી મૂંગી ફિલ્મો હતી. બોલતી એટલે કે ટૉકી ૧૯૩૨માં શરુ થઈ. બૉમ્બે ટૉકીઝ ફક્ત ૨૦ વર્ષ જ ચાલી. '૫૪ની સાલમાં બંધ પડી ગઇ. બાય ધ વે, અશોકકુમાર જ નહિ, દિલીપકુમારની શોધ પણ દેવિકારાણીએ કરી હતી. બન્નેના નામો કુમુદ અને યુસુફમાંથી અનુક્રમે અશોકકુમાર અને દિલીપકુમાર નામો દેવિકાએ પાડયા હતા. મેહમુદ અને મધુબાલાને પણ પહેલો બ્રૅક આ સ્ટુડિયોએ આપ્યો હતો. આ લોકોની સીધી હરિફાઈ કલકત્તાના ન્યૂ થિયૅટર્સ સાથે, જેનું નામ બૉમ્બે ટૉકીઝ કરતા બેશક મોટું કહેવાય. નહિ તો બજારમાં મારા જામનગરના સરદાર ચંદુલાલ શાહનો રણજીત સ્ટુડિયો, સોહરાબ મોદીનું મિનર્વા મુવિટોન, વિજય ભટ્ટનું પ્રકાશ પિક્ચર્સ, માદન થીયેટર્સ, સાગર મૂવિટોન, ઇમ્પિરીયલ મૂવીટોન... જેવા અનેક સ્ટુડિયો સોલ્લિડ હરીફાઈ પૂરી પાડતા હતા. બૉમ્બે ટૉકિઝ બે બાબતે ઇવન ન્યુ થિયેટર્સ કરતા વધુ સશક્ત હતી. એક તો ટેકનિકલી બૉમ્બે ટૉકીઝ સૌથી વધુ તગડું હતી. કૅમેરા, લૅબોરેટરી, શૂટિંગના સાધનો, સ્ટુડિયો વગેરે અને બીજું, દેવિકા રાણીની અંગત પસંદગી મુજબ સ્ટુડિયોમાં મોટાભાગે વિવાદાસ્પદ અને સમાજોપયોગી વાર્તાવાળી ફિલ્મોનું નિર્માણ થતું, એના વિષયો જ એવા હતા, જેની ફિલ્મ બનતા પહેલા જ છાતી ધડકવા માંડે કે, ફિલ્મ ચાલવાની તો વાત દૂરની છે, પણ ફિલ્મ ઉતરશે ખરી ? અને ઉતરે તો દેશભરમાં હાહાકાર કેવો મચી જશે ? બસ. એવા જ દિલધડક વિષય પર આ ફિલ્મ 'અછૂત કન્યા' બની. નામ પરથી સમજી ગયા હશો કે, અછૂત અને સવર્ણ વચ્ચેનો ભેદ એ જમાનામાં ચરમસીમાએ હતો. સવર્ણ એટલે કે બ્રાહ્મણ યુવાન અને અછૂત એટલે કે અસ્પૃશ્ય યુવતી વચ્ચે પ્રેમ અને પછી લગ્ન વિચારી પણ શકાતા નહોતા, ત્યારે આ ફિલ્મ આવી. બહિષ્કાર અને હોહા તો રાબેતા મુજબના થયા, પણ એ બધું પતી ગયા પછી ફિલ્મ ચાલી બહુ. પ્રેક્ષકોને અશોકકુમાર ગમી ગયો.

ફિલ્મની શરુઆત રેલ્વે ક્રોસિંગથી થાય છે, જ્યાં એક માણસ પોતાની પત્નીને મારી નાખવા ઊભો છે અને એ જ વખતે આખી ફિલ્મ ભૂતકાળમાં જતી રહે છે. હરિજન યુવતી કસ્તૂરી (દેવિકારાણી) ક્રોસિંગના ગાર્ડ દુખિયા (પ્રસાદ)ની છોકરીને બ્રાહ્મણ યુવાન પ્રતાપ (અશોકકુમાર) સાથે પ્રેમ થાય છે, જે પ્રતાપના પિતા મોહન (પી.એફ. પીઠાવાલા) બર્દાશ્ત કરી શકતા નથી. પછી શું થાય છે, એ આ ફિલ્મમાંથી પ્રેરણાઓ લઈ લઈને પછીની હજારેક હિંદી ફિલ્મોમાં આવી ચૂક્યું છે. સમાજમાં ઉહાપોહ, હરિજન ઉપર અત્યાચાર, વચમાં બે-ચાર કરુણ ગીતો, બ્રાહ્મણ પિતાનો જ્વાલામુખી સમો આક્રોશ અને હરિજન પિતાની લાચારી... વગેરે વગેરે !

બૉમ્બે ટૉકીઝે મેહમુદને પહેલો ચાન્સ આપ્યો હતો, એની પાછળનું કારણે ય દેખિતું છે. એક કારણ નહિ... બીજા બે-ચાર કારણો ઉમેરો. એક તો મેહમુદ સંપૂર્ણપણે પ્રતિભાવંત કલાકાર અને બીજું એના પિતા મુમતાઝઅલી બૉમ્બે ટૉકીઝના ઓલમોસ્ટ તમામ ફિલ્મોના ડાન્સ- ડાયરેક્ટર. જરૂર પડે એક્ટિંગ પણ કરી લે. હા ભારતનું સૌથી પહેલું વ્યંઢળો સાથેનું નૃત્ય ગીત મેહમુદે જ પોતાની ફિલ્મ 'કુંવારા બાપ'માં મૂક્યું હતું. 'બિન માં કા બચ્ચા હાંજી...'વાળું. આ ગીતમાં મેહમુદે એના વૃદ્ધ પિતાને ભિખારી જેવો દીદાર આપીને સાવ ઉઘાડા શરીરે નચાવ્યા છે, જેનું પ્લેબૅક મુહમ્મદ રફીએ આપ્યું હતું... 'સુનેહરી ગોટે મેં, સજ રહી ગલી મેરી મા...!' ઇવન મારી પેઢીમાંથી ય ભાગ્યે જ કોઈને એ જમાનાના કલાકારો યાદ હોય,એટલે બૉમ્બે ટૉકીઝની જ વિક્રમસર્જક ફિલ્મ 'કિસ્મત'ના કોમેડીયન વી. એચ. દેસાઈ બહુ ઓછાને યાદ આવતા હશે. આ ગુજરાતી માણસ દેશભરનો લાડકો બની ગયો હતો. હસાવી ખૂબ શકતો, પણ સંવાદો ભૂલી જવાની નબળાઈને કારણે ફિલ્મનો નિર્માતા ઘણીવાર તો તૂટી જતો. શૉટ લેવાનો હોય ત્યારે કેમેરા તો ચાલુ થઈ જાય, પણ અડધા સંવાદે આ ભ'ઇ બધ્ધુ ભૂલી જાય, એમાં બહુ મોંઘા ભાવની ફિલ્મની પટ્ટી બગડતી રહે, 'ખોલ દો' જેવી ભારે વિવાદાસ્પદ વાર્તાઓ લખનાર સઆદત હસન મન્ટો, અશોકકુમાર અને આ દેસાઈ સાહેબ ત્રણે એકબીજાના તગડા દોસ્તો હતા. મન્ટોએ દેસાઈ માટે ઘણું રમૂજી શબ્દચિત્ર આપ્યું છે. આ ફિલ્મની જેમ 'બૉમ્બે ટૉકીઝ'ની ઘણી ફિલ્મનો દિગ્દર્શક મૂળ જર્મનીનો ધોળીયો ફ્રાન્ઝ ઑસ્ટીન હતો. એ સ્પષ્ટ હિંદી અને ઇંગ્લિશ બોલી શકતો. નવાઈ ઘણાને લાગશે પણ, એ જમાનામાં ફિલ્મો ભલે હિંદીમાં બનતી, સ્ટુડિયોમાં વાતચીતના વ્યવહારો ઇંગ્લિશમાં જ થતા. ન છૂટકે જ હિંદી બોલાતું.

17/04/2013

મોબાઈલ મચડુઓ

જૅમ્સ બૉન્ડની બહુ શરૂઆતની કોઈ ફિલ્મ (બનતા સુધી ફિલ્મ 'From Russia With Loveમાં બૉન્ડ ચાલુ ગાડીમાં ફોન કરે છે. માનવામાં આવતું નહોતું. આપણા તો ઘરોમાં ય ફોન હોય, એ ટેબલ પર જડેલા. લાંબા દોરડાં નંખાવવા પરમિશનો લેવી પડતી ને બોન્ડ ત્યાં ગાડીમાં બેઠા બેઠા ફોનો કરે? ચાલુ ગાડીએ એ ચુંબનો કરે, એનો વાંધો નહતો, પણ ફોનો કરે એ માનવામાં આવતું નહોતું. ને સહન પણ નહોતું થતું. અમે ચાલુ સાયક્લે કરી લેશું, (ફોનો નહિ, ચુંબનો...!) એવી હૈયાધારણ રહેતી, પણ ચાલુ ગાડીએ કાંઇ થઇ શકતું નહોતું ! 'ક્યા કરતે? હમારે દોનોં હાથ બંધે હુએ થે' ! (સમાજમાં જરા સારું દેખાય, એટલા માટે અમે સાયકલ પણ 'ગાડી' જ કહેતા!) અમને તો આખો બોન્ડ જ બોગસ લાગતો.

મૂળ તો '૬૦ના એ દાયકામાં આપણામાથી કોઈના ઘરે ફોન નહિ ને જેના ઘરે હોય, એને ત્યાં ફોનીયાઓની ભીડ ચાલુ રહેતી. કરનારાઓ ય પ્રામાણિક કે ફોન કરવાના ૧૫ પૈસા મૂકી દેવાના. ના મૂકે તો જાય બી ક્યાં? બીજી વાર એને ય કરવાનો હોય! અમદાવાદના ગાંધી રોડ પરની અમારી આખી ખત્રી પોળમાં એક માત્ર ફોન સ્વ. નટવરલાલ પંચને ત્યાં હતો. આજે ૪૫ વર્ષ પછી ય એમનો ફોન નં. યાદ છે, ૫૩૫૧૬.

બાય ધ વે, નામ 'ખત્રી' પોળ, પણ પોળના ઇતિહાસમાં એક પણ 'ખત્રી' અટકધારી રહેવા આવ્યો નથી. જોકે, એમ તો બરોબર સામે 'પાડા પોળ' પણ છે... એમાં ક્યાં એકે ય પાડો રહેતો'તો...?

પંચ ફોનના મામલે ઘણા દયાળુ હતા. ઘણીવાર તો એ લોકોને ફોન કરવો હોય તો એ લોકો લાઈનમાં ઊભા રહેતા... આઈ મીન, બેસી રહેતા. એ જમાનામાં વાત ગમે તેટલી લાંબી કરો, એક ફોનનું બિલ ૧૫ પૈસાનું આવે, એટલે બીજાના ફોનો ઉપર લાંબી વાતો કરનારાઓ ગીલ્ટી ફીલ નહોતા કરતા. હા, ફોન મૂક્યા પછી એમનામાં સ્માઈલોવાળી નમ્રતા ખૂબ આવી જતી. 'શ્યોરી હોં શ્યોરી... મધુ માસીને ફોન કરવાનો હતો, એટલે જરા વાર થઈ...!' ઘણીવાર તો નટવરભાઈના ઘરના લોકો ય ભૂલી જતા કે, ફોન અમારો છે કે, પોળવાળાઓનો? એક ફોનને કારણે અમારી આખી પોળ ભારે વિવેકી અને ખોટા ખોટાં સ્માઈલો આપતી થઈ ગઈ હતી. સ્વમાનના વિચારો અને ઊંચી વાતો અમારે બધાએ પડતી મૂકવી પડતી હતી. પંચ પાછા પંદર પૈસા લે નહિ અને વિના મૂલ્યે વારંવાર ફોન કરવામાં લજ્જાથી શરમના શેરડાં પડી જતા. સહુ ઝૂકીને સ્માઈલ સાથે રીકવેસ્ટ કરે, 'એક... ફોન કરવો છે...' (હજી એ દિવસોમાં 'ઍક્સક્યૂઝ મી' બોલીને ઘુસ મારવાની પ્રથા ચલણી બની નહોતી.)

એ દિવસોમાં એક 'વેસ્પા' સ્કૂટર અને બીજો ફોન... આ બન્ને આવે, એટલે બહુ મોટી વાત કહેવાતી. વેસ્પા સ્કૂટર હોવું એક સ્ટેટ્સ કહેવાતું. કંપનીની પ્રાઈસ રૂ. ૨,૫૦૦ હતી પણ એના 'ઑન' બોલાતા છ-સાત હજાર અને તો ય મળતું નહોતું. ફોન પણ નોંધાવ્યા પછી 'છ વર્ષે' આવતો. મને યાદ છે, એ સમયે કોઈ પત્રકારે મારો ઈન્ટરવ્યૂ લીધો ને મને પૂછ્યું, 'તમારી જિંદગીમાં તમે સૌથી વધુ ખુશ ક્યારે થયા હતા?' ત્યારે કોઈ પણ મજાક વગર મેં કહી દીધું હતું, 'મારા ઘરે બાબો આવ્યો ત્યારે.' પેલો બાબાને બદલે 'ફોન' સમજ્યો. એણે તરત બીજો સવાલ પૂછ્યો, 'કેટલામાં પડયો?' પ્રજાના મનમાં ફોન અને વેસ્પા એટલી હદે ભરાઈ ગયા હતા કે, કોઈ 'લોન' બોલ્યું હોય તો ય ફોન સંભળાય...!

ઓહ, કમ ઑન...! બહારગામના એસટીડી ફોન કરવાની તો વાત જ ભૂલી જવાની. આમે ય, બહારગામોના સગાઓ પાસે ય ક્યા વળી ફોનો હતા તે કરીએ? પણ ધીમે ધીમે ઘણાના ઘેર ફોન આવવા માંડયા, પણ એસટીડી કરવા અમારે ખત્રી પોળથી ભદ્ર-તાર ઓફિસ જવું પડતું. બાકીનાઓ હાલનું નવરંગપુરા બસ સ્ટેશન છે, તેની ઉપર જતા. લાઈનો બહુ લાંબી અને એમાં તો ફોન પર ચીપકેલાને કાંઈ કહેવાય પણ નહિ કે, 'ભ'ઈ, જરા જલ્દી કર.' કહેવા જઈએ તો એનો ફોન આપણને પકડાઈ દે, 'લો... મારા બદલે તમે વાત કરી લો...!' સાત સાગર પાર કરીને જવાના હો, એમ લાઈન પૂરી થતા આપણો નંબર આવે ત્યારે આપણાવાળો ફોન જ એન્ગેજ્ડ આવે. બહુ સારો કર્મચારી બેઠો હોય તો એન્ગેજ્ડ ફોન છતાં બીજી એક વાર ટ્રાય મારવા દે, નહિ તો જે શી ક્રસ્ણ... પાછા ફરી વાર લાઈનમાં ઉભા રહેવા પાછળ જાઓ. હજી જરા હિંમત કરીને બીજી વાર લાઈનમાં ઊભા રહેવા જાઓ ને ફરી એન્ગેજ્ડ આવે, એના અઠવાડીયા પછી સુરેન્દ્રનગરથી કાકા પાછા આવે ત્યારે ખબર પડે કે, એમનો હજી ચાલુ નથી થયો...! તારી ભલી થાય ચમના... પોસ્ટ કાર્ડ લખીને કહેવાડીએ નહિ કે, ફોન બંધ મૂવો છે!

...અને આજની પેઢીના છોકરા-છોકરીઓને તો ખબરે ય નહિ પડે કે, આજે તમે પટપટપટપટ મોબાઈલ જોડે રાખો છો, એ અગાઉ વિચારી પણ શકાતું નહોતું. આજે તમે લોકો ધીમા ધીમા છપછપ અવાજે પેલી, 'ઓહ, જસ્ટ શટ અપ સમીર... કોઈ સાંભળી જશે'વાળી વાતો કલાકો સુધી મોબાઈલ પર કરે જાઓ છો, એવી અમારી તો વાતચીતો ય સલામત નહોતી, બીજા રૂમમાં બીજા ફોનથી બા ય સાંભળે. તમારી તો લાઈફો પણ 'વોટ્સ એપ', વાઈબર, ઈ-મેઈલ્સ, SMS, ટિવટર, સ્કાયપી અને ફેસ-બૂકની મોહતાજ થઈ ગઈ છે. (આજે કોઈ આખું ફેસ-બૂક બોલે તો ગામડીયો ગણાય છે... આપણે તો ખાલી FB જ બોલવાનું!) 

પૈસા પાપાએ ખર્ચવાના છે, એટલે તમે હવે એન્ડ્રોઈડ, ઍપલ કે સ્માર્ટફોન સિવાયનું ડબલું હાથમાં પકડતા નથી. એમાં ય આજકાલ 'ટેમ્પલ-રન' નામની ગેઈમ તમારા ઈગોને સોલ્લિડ હર્ટ કરે છે, એટલે રમે રાખો છો. મોબાઈલમાં તો સેંકડો સગવડો છે, પણ તમે વાપરો છો ભાગ્યે જ બે-પાંચ. અડધીમાં સમજ પડતી નથી ને અડધી સગવડો આપણા ફોનમાં છે કે નહિ, તેની ખબર નથી. દરેકની પાસે લેપટોપ કે ટેબ્લેટ હોવા છતાં (ઘરે તો કમ્પ્યૂટર ખરું જ!) મોબાઈલમાં 'ગૂગલ'ને 'યાહૂ' જોઈએ જ. શહેરની કલબોમાં આજ સુધી દેખાદેખી નવી ગાડી માટે થતી. 'ચાર બંગડીવાળી' પેલી 'આઉડી' કાર એ સ્ટેટસ સિમ્બોલ ગણાતી હતી, એ ય હવે લગભગ બધા ચમન, રમણ ને મહેશ-ફહેશ પાસે આવી ગઈ એટલે એમાં ય કોઈ કમ્પીટિશન રહી નહિ. 'લેમ્બોર્ગિની' હજી સુધી તો અમદાવાદમાં નથી આવી. 'ફેરારી' બધાના બાપાની તાકાત નથી. કોણ પહેલું લઈ આવે છે, એના ઉપર દાવ લાગ્યા છે.

પણ હરિફાઈ મોબાઈલ ફોનોમાં બતાવી શકાય છે. Vertu નામના મોબાઈલ તો શરૂ જ રૂ. એક કરોડથી થાય છે, એટલે કલબોના કાર્ડ-રૂમ્સમાં પહેલો 'વર્ટુ' કોણ લઈ આવે છે, એની રાહો જોવાય છે.

ફોનનો ઉપયોગ કેવળ વાતચીત કરવા માટે થાય, એવા રૂ. પાંચસો/હજારના ફોનની કોઈને જરૂરત લાગતી નથી. એવું તો આ લખનાર માને છે, કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આજ સુધી મોબાઈલ ફોન જેવી માનવ ઉપયોગી બીજી બહુ ઓછી શોધો થઈ છે. ખરી ક્ષણે તમારી જીંદગી એક માત્ર મોબાઈલ ફોન બચાવી શકે છે. હાઈ-વે પર એક્સિડેન્ટ કે કોઈ જંગલમાં બહુ બુરી હાલતમાં ફસાઈ ગયા હો, ત્યારે મોબાઈલ જેવું કામ કોઈ કરી ન શકે. ઘરના વડિલોની છાતીએ ૨૪ કલાક મોબાઈલ લટકાડેલો હોવો જ જોઈએ. સ્પીડ-ડાયલનું એકમાત્ર બટન દબાવવાથી ઈમરજન્સીમાં તમે એમની પાસે પહોંચી તો શકો!

પણ મોબાઈલ ફોનો બદમાશીઓ પણ પકડી પાડે છે. ખુદ મારા સર્કલમાં એવા અનેક દોસ્તો-સંબંધીઓ છે, જે સાલા મીસકોલ મારીને ફોન મૂકી દે. બસ, તમારે સામે કરવો હોય તો કરો. કામ એમનું હોય તો ય પૈસા બચાવવા આ લોકો સામો ફોન આપણી પાસે કરાવે. અંગત રીતે, હું બહુ ચીડીયો છું, ફક્ત ફોન ડીસન્સીના મામલે કે, મારા મીસકોલનો કોઈ જવાબ (આજે નહિ તો કાલે) ન આપે, તો મારી ફોન ડિરેક્ટરીમાંથી એનું નામ કાયમ માટે નીકળી જાય છે. આવા સંબંધીઓ ન હોય, એમાં વધુ ફાયદો છે. વાત કન્ફર્મ છે કે, તમારે ઈમર્જન્સીમાં એમનું કામ પડે, તો એ લોકો પોતાના ફોનના ૫૦ પૈસા બગાડવાના નથી.

... અને મારી ડિરેક્ટરીમાં હવે માંડ કોઈ ૧૫-૨૦ નામો રહ્યા છે...! 

સિક્સર

ઘણા મોંઘા ભાવની ફિલ્મો ગાડીના કાચ પર લગાવનારાઓને પૈસે એ ફિલ્મો પોલીસે કઢાવી. હવે કાયદો-બાયદો બધું ભૂલાઈ ગયું છે. હવે પોલીસવાળા ફિલ્મ ઉતરાવતા નથી... એક વખત આપણી 'ઉતારી લીધી...' આપણા પૈસા ગયા, એ પોલીસ પાછા આપશે?

14/04/2013

ઍનકાઉન્ટર

* શું ભારતમાં ફક્ત બે જ પ્રકારની ફિલ્મો બને છે? એક ખરાબ ને બીજી બહુ ખરાબ?
- આવું આઈ.એસ. જોહર કહેતો હતો. સ્ત્રીઓ માટેના પણ તેના વિચારો આવા જ હતા...!
(રમેશ આર. સુતરીયા 'ટ્રોવા', મુંબઈ)

* તમારી પ્રેમિકા કોઈ બીજાના પ્રેમમાં પડે તો તમારા રીઍક્શન્સ કેવા હોય?
- સારા. જેણે અશોક દવેની જગ્યા લીધી હોય, એ ય કોઈ સાધારણ માણસ તો નહિ જ હોય ને?
(પૂર્વા મહેશ મહેતા, મુંબઈ)

* મોરના ઈંડા ચીતરવા ન પડે, એવી કહેવત પડી છે. ઈંડા ઢેલના હોય કે મોરના?
- મોર સદરહૂ ઈંડાની જવાબદારી સ્વીકારે છે, એ જ મોટી વાત નથી? માટે જે છે, એ બરોબર છે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* હું 'ઍનકાઉન્ટર' ભાગ્યે જ વાંચું છું. આપ નારાજ થશો?
- હવે પછી આપના જવાબો ભાગ્યે જ આપીશ... આપ નારાજ થશો?
(જાકેરાબાનુ પાનારા, ધોળકા)

* સાથી પક્ષોની દાદાગીરીથી ફફડતા ડો. મનમોહનસિંહને 'સિંહ' કહેવા કે 'બકરી'?
- 'બકરી' સ્ત્રીલિંગ છે. ગ્રામર સુધારીને જે કહેવું હોય એ કહો.
(ચેતન કે. વ્યાસ, રાજકોટ)

* સ્કૂટરો ઉપર બુરખા બાંધીને ફરતી હોવા છતાં પુરુષો એમની સામે ટગર ટગર જોયે કેમ રાખે છે?
- 'જોયાથી' આગળ તમારે શું વધારવું છે?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* 'પરસ્ત્રી માતા સમાન' ગણાય, પણ આજની યુવતીઓ જે વસ્ત્રો પહેરે છે તે જોતાં સમજવું શું?
- તમે ખૂબ સંસ્કારી યુવાન છો... કે હજી તમારી દ્રષ્ટિ એમના વસ્ત્રો ઉપર જ પડે છે!
(સુરેશ પ્રજાપતિ, નવસારી)

* ૨૦૧૦માં માયાવતિની આવક રૂ. ૮૭ કરોડની હતી. ૨૦૧૨માં રૂ. ૧૧૧ કરોડની થઈ ગઈ...!
- આ આંકડા તમે એના રસોઈયાની આવકના આપ્યા છે!
(આનંદ વાઢાળા, ગારીયાધાર)

* 'અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા...' આ પ્રાર્થના આજના ભ્રષ્ટ નેતાઓને લાગુ પડે છે?
- ચોક્કસ પડે છે... આ પ્રાર્થના આપણે એમને સંબોધીને ગાવાની છે!
(ચંદ્રવદન પટ્ટણી, ભુજ)

* વકીલ અને ન્યાયાધિશ, બેમાંથી તમે કોને પસંદ કરો?
- સવાલ, જરૂર પડે ત્યારે એ બન્નેમાંથી મને કોણ પસંદ કરે છે, એનો હોય!
(સપન પરીખ, ગોધરા)

* તમે જ લખ્યું હતું કે, દેવી-દેવતાઓના મંદિર ૨૪ કલાક ખુલ્લા રહેતા નથી... તમારું મંદિર?
- મારા ત્રણ રૂમ-રસોડાના મંદિરીયામાં નહાવાના બાથરૂમ સિવાય બધા બારણાં ખુલ્લા જ રહે છે!
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

* ગાંધીનગર ભૂતપ્રેતથી ખદબદતું હોય તો દિલ્હીનું શું થશે?
- એકવાર કેસરીયા બાલમ દિલ્હી જાય તો ત્યાંના ભૂતપલિતોની દશા બહુ બુરી થશે!
(હુસેન હુઝેફા મર્ચન્ટ,નાસિક)

* રાહુલ ગાંધીને પરણવાની સલાહ કેમ કોઈ આપતું નથી?
- ક્યાંથી આપે? સલાહ આપનારા બધા ય પરણેલા મૂવાઓ છે...!
(પ્રબોધ જાની, વસઈ-ડાભલા)

* દુનિયાનું સૌથી મોટું જૂઠ ક્યું છે?
- સત્ય.
(અઝીઝ માડકીયા, જામનગર)

* સ્ત્રીઓ ઉંમર કેમ છુપાવે છે?
- છુપાવવા જેવું ઘણું બધું હવે છુપાવવા જેવું રહ્યું હોતું નથી, માટે!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* તમે હાસ્યલેખક ન હોત તો શું હોત?
- ફૂટપાથો ઉપર અગરબત્તીના પડીકાં વેચતો હોત...! હાસ્યલેખક થયા પહેલા એ કામ કરતો હતો.
(ઈમરાનખાન જે. પઠાણ, વિંછીયા-જસદણ)

* કોઈપણ સ્ત્રીનો સ્વાર્થ શરૂ થાય, ત્યાં તમે પૂરા થઈ જાઓ. આપ શું કહો છો?
- પોતાનું મૂલ્ય ન જાણતો માણસ સ્ત્રીને એટલું મહત્વ આપે તો ભોગવે વળી...!
(ભરત ડી. સાંખલા, ડીસા)

* અમારા પરિવારમાં એકબીજા સાથે મતમતાંતરો બંધબેસતા નથી. શું કરવું?
- રાધે રાધે રાધે...!
(જયેશ કે. સંપટ, મુંબઈ)

* ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦... હવે?
- હવે ક્રિકેટ રમાશે.
(અમિષા નીતિન સોમૈયા, મુંબઈ)

* શું તમે હિંદી ફિલ્મ જગત પર પી.એચ.ડી. કર્યું છે? આટલી બધી જાણકારી ક્યાંથી મેળવો છો?
- નાનપણથી અમારા ખાડીયાના દરેક છોકરાને ત્રણ વિષયમાં માસ્ટરી... ક્રિકેટ, ફિલ્મો અને છોકરીઓ! મને ફક્ત ફિલ્મો ફાવી...!
(ફિઝઝા આરસીવાલા, મુંબઈ)

* તમને ઓચિંતા રૂ. ૧૦-કરોડ મળી જાય તો શું પ્લાન છે?
- કંઈ શુભ શુભ બોલો, બેન! ધારવાનું જ છે તો રકમ જરા તગડી કરો અને ઓચિંવાળું રહેવા દો...!
(ભાવના અનિલ કારીયા, મુંબઈ)

* બાળકોને ડરાવવા માટે મમ્મી પાસેનું હાથવગું હથિયાર ક્યું?
- મમ્મીએ કહેવાનું, 'સુઈ જા... નહિ તો હું ગાઈશ...!'
(ચંદ્રકાંત જાની, જામનગર)

* આજે ગાંધીજી કેટલા પ્રસ્તુત છે?
- બસ. નવા સ્ટેચ્યુ ક્યાંય બનતા નથી.
(રોશન આઈ. ત્રવાડી, લીંબડી)

* બન્ને રાહુલ વચ્ચે ફરક શું? રાહુલ દ્રવિડ અને રાહુલ ગાંધી.
- દ્રવિડને રીટાયર ક્યારે થવું, એની ખબર હતી!
(રમેશ આશર, કાલાવડ)

* લગ્ન કરતી વખતે સ્ત્રીઓની કઈ બાબતોને મહત્વ આપવું જોઈએ? રૂપ કે ગુણ?
- બહુ લાલચુ છો... ચાલુ લગ્ને, જેની સાથે લગ્ન થતા હોય, એના રૂપ-ગુણ જોવાના હોય... ભેગી થઈ હોય, એ બધીઓના નહિ!
(સાહિલ એમ. જોશી, સુરત)