Search This Blog

30/03/2014

એનકાઉન્ટર : 30-03-2014

* અન્ના હજારે કોઈ નહિ ને મમતા બેનર્જીના ચમચા ક્યાંથી થઈ ગયા?
- એની તો મમતાને ય ખબર પડી ગઈ, કે આ માણસ કેવળ પબ્લિસિટીનો ભૂખ્યો છે.

* મૃત્યુ પછી વખાણ થાય, એ માણસની હયાતીમાં કેમ કદર થતી નથી?
- હાથી જીવતો લાખનો, મૂએલો સવા લાખનો!
(શ્રીમતી ખુશ્બુ જોબનપુત્રા, જૂનાગઢ)

* આ જમાનામાં સૌથી વધુ વિશ્વાસ કોનો કરવો જોઈએ?
- પિંજરાની પાછળ બેઠેલા સિંહભ'ઈનો!
(શ્રીમતી ઈંદુ ચંદારાણા, વડોદરા)

* ગુરુ પછી શિષ્ય, રાજા પછી કુંવર ને પિતા પછી પુત્ર... એ પરંપરા પ્રમાણે આપના પછી 'ઍનકાઉન્ટર'નું કોણ?
- મને તમારા ઉપર વિશ્વાસ વધુ બેસે છે!
(ચેતના એ. પંડયા, મુંબઈ)

* મારી આજે ૬૦ની ઉંમરે ય પત્ની મારી સાથે ઝગડયા કરે છે. શું કરવું?
- આખરી વિજય તમારો થાય છે કે સત્યનો, એ જરા જોઇ લેવાનું !
(ભરત મોદી, અમદાવાદ)

* મિસ્ટર બીન અને રાહુલ ગાંધી વચ્ચે શું તફાવત?
- હસાવવામાં રાહુલજી પાસે મિસ્ટર બીનના કોઈ ચણા ય ના આલે.
(અભિષેક ત્રિવેદી, ભાવનગર)

* શાહજહાંને એની વાઈફ મુમતાઝની યાદમાં તાજમહલ બનાવ્યો. આપ આપની પત્ની માટે શું બનાવશો?
- અમારામાં એકબીજાને બનાવવાના હોય!
(પ્રતાપ ઠાકોર, ખરેટી-ખેડા)

* ૨૯ ફેબ્રૂઆરીનો જન્મદિવસ આપની જેમ સ્વ. મોરારજી દેસાઈનો પણ હતો... કોઈ સામ્યતા?
- એની તો ખબર નથી, પણ જેને આ વાતની ખબર પડે છે, એ મારી નજીક આવીને મારું મોંઢું સુંઘી જાય છે... એ જોવા કે, આ ય શિવામ્બૂના ઉપાસક છે કે નહીં?
(ડો. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

* લગ્નના ફેરા વખતે સ્ત્રી આગળ ને પુરુષ પાછળ કેમ?
- નકરી આળસ.
(ફેસલ છીપા રેશમવાલા, અમદાવાદ)

* પંખો ચાલુ કરવાનું તમે અમને કહો છો... જાતે કેમ નથી કરતા?
- જાતે કરવામાં વીજળીનું બિલ મારું આવે!
(પ્રસન્નબેન જેઠવા, દ્વારકા)

* કહેવાતા સાધુઓ પ્રપંચ કરી બહેનોનું ચારીત્ર્ય ખરાબ કરે છે, એમને ખુલ્લા કેમ પડાતા નથી?
- એમ કરવાથી બા નહિ, બહેનો ખીજાય!
(દિલીપ કાકાબળીયા, મુંબઈ)

* કેવા સવાલોને તમે 'ઍનકાઉન્ટર'માં સ્થાન નથી આપતા?
- ઘણાને બસ... પોતાનું નામ છપાવવાની શૂળ હોય છે. દરેક છાપા, દરેક મૅગેઝીનમાં સવાલો પૂછે રાખે, એવાઓને અહીં સ્થાન નથી.
(શ્રેયા જુ. પરીખ, અમદાવાદ)

* દેશમાં શાળાઓ, શૌચાલયો કે પુસ્તકાલયો કરતા દેવાલયોની સંખ્યા ઘણી વધુ છે. શું આ યોગ્ય છે?
- એક પુસ્તકાલય બનાવે, તો એમાં આ બધા આલયો આવી જાય.
(રૂપાભાઈ ચૌહાણ, ઉંદરેલ, અમદાવાદ)

* રાજા અને વાજાંને વાંદરા સાથે કેમ સરખાવવામાં આવે છે?
- આ સવાલ અમને રાજાઓને ન પૂછવાનો હોય!
(કરીમ સોઢા, સુરેન્દ્રનગર)

* 'ઍનકાઉન્ટર'માં તમારો ફોટો કેમ મૂકતા નથી?
- મારા એક્સ-રે સારા નથી આવતા.
(અસલમ ગામેતી, વંથલી, જૂનાગઢ)

* આ યંત્રવાદમાં શું આત્માને શાંતિ મળી શકે?
- નહિ મળે. હવે તો સ્મશાનમાં ય યંત્રવાદ આવી ગયો છે. તમે કોઈ સારી જગ્યા શોધો.
(દામોદર નાગર, ઉમરેઠ)

* સિંહ તો ઘાસ પણ નથી ખાતો, ત્યાં કોલસા ખાતો કેવી રીતે થઈ ગયો?
- બાજુમાં બેઠેલી વાઘણ જે ચારો નાંખે, એ ખઈ જવો પડે.
(જયંત હાથી, મુંબઈ)

* ફિલ્મોમાં તો આખરે ખલનાયકો ય સુધરી જાય છે. વાસ્તવમાં આવું કદી બને છે ખરું?
- દુશ્મન હંમેશા દુશ્મન જ રહે છે. બસ, એને 'દુશ્મન' જેવો મહામૂલો દરજ્જો ન અપાય!
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* ગુજરાતી હાસ્યસાહિત્યમાં જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતા કે અશોક દવે... બધા બ્રાહ્મણોનો જ રૂઆબ છે... કારણ?
- તમારું વાંચન ઊંચું છે.
(ઈલ્યાસ તરવાડી, ચલાલા)

* દીકરી વહાલનો દરીયો, તો દીકરાની વહુ?
- એ હજી અમારા પ્રકાશકોના દિમાગમાં આવ્યું નથી. આવે એટલે ખબર? લેખકો તો બધા તૈયાર જ બેઠા હોય છે... ગમે તે પાર્ટી લાવો!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* ગુજરાતમાં પ્રાદેશિક પક્ષોને થઈ જતી કસુવાવડનો કોઈ ઈલાજ?
- નાતરાં બંધ કરાવો.
(વજુભાઈ શુકલ, અમદાવાદ)

* કેજરીવાલે મીડિયાને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી...!
- આવાને નીગ્લૅક્ટ કરવાના હોય... પેલાને હજી ઍન્ટી-પબ્લિસિટી જોઈએ છે ને મીડિયા આપે રાખે છે... મીડિયાને એ સિફ્તપૂર્વક બેવકૂફ બનાવી રહ્યો છે!
(પ્રયાગી સુમતિનાથ શાહ, અમદાવાદ)

* નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી... બન્ને કૂંવારા છે...
- ઈરાદો તો નેક છે ને?
(ખ્યાતિ મહાદેવીયા, સુરત)

* લલિતા પવારની જેમ બાબા રામદેવની પણ એક આંખ તકલીફવાળી છે... કારણ?
- કોઈની શારીરિક મુશ્કેલી ઉપર આપણે નહિ હસીએ.
(હર્ષદ ભટ્ટ, શહેરા, પંચમહાલ)

* જાહેર સમારંભોમાં શૉલ ઓઢાડીને આપનું સ્વાગત થતું હોય છે... ઘરમાં બહુ શૉલ ભેગી થઈ હશે ને?
- મેં સંસ્થાઓને સૂચનો કર્યા જ છે કે, હવે પછી મને શૉલને બદલે ફ્રીજ, લેપટોપ કે ચાર બેડરૂમનો ફલેટ ઓઢાડો.
(ઓ. વી. સાગર, રાજકોટ)

* સ્ત્રીને ચૌદહવીં કા ચાંદ કહેવાય, તો પુરુષને ?
- ડીમ લાઈટનો ગોળો.
(સુમિત સિરવાણી, જૂનાગઢ)

('ઍનકાઉન્ટર' માટે તમારા સવાલો ઈ-મેઈલ પર જ પૂછી શકાશે. વાચકે સવાલની સાથે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે. સવાલો શક્ય હોય ત્યાં સુધી ગુજરાતીમાં લખીને મોકલવા. સવાલ પૂછવાનું ઈ-મેઈલ આઈડી છેઃ
ashokdave@gujaratsamachar.com)

28/03/2014

'સી.આઈ.ડી. ૯૦૯' ('૬૭)

ફિલ્મ : 'સી.આઈ.ડી. ૯૦૯' ('૬૭)
નિર્માતા : બિંદુ કલા મંદિર
દિગ્દર્શક : મુહમ્મદ હૂસેન
સંગીતકાર : ઓપી નૈયર
ગીતકારો : સાથેના બૉક્સ મુજબ
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સ : ૧૨૩ મિનટ્સ
થીયેટર : અશોક (અમદાવાદ)
કલાકારો : ફિરોઝ ખાન, મુમતાઝ, હૅલન, બેલા બૉઝ, બ્રહ્મ ભારદ્વાજ, શેટ્ટી, મોહન શેરી, રાજન કપૂર, રાજન હકસર, ટુનટુન, રામ મોહન, ઉમા દત્ત અને પહેલી વાર સ્વ. રૂપેશ કુમાર.ગીતો
૧.... યાર બાદશા, યાર દિલરૂબા, કાતિલ આંખોવાલે..... આશા ભોંસલે
૨.... તેરા નિખરા નિખરા ચેહરા, ઉસ પર ચમકે...... આશા-કમલ- બારોટ-મહેન્દ્ર
૩.... ચાહો તો જાન લે લો, માલિક હો જીંદગી કે......... આશા ભોંસલે
૪.... જાને-તમન્ના કયા કર ડાલા આંચલ મેં મુસ્કાકે...... આશા-મહેન્દ્ર કપૂર
૫.... ધડકા તો હોગા દિલ જરૂર, કિયા તો હોગા તુમને પ્યાર.... આશા-કમલ-મહેન્દ્ર
૬.... નદી કા કનારા હો, પાની આવારા હો, સાથ કોઇ પ્યારા હો.... આશા ભોંસલે
ગીત નં. ૧ અને ૨ -શેવન રિઝવી, ૩-૪, શમ્સ-ઉલ-હુદા બિહારી, ૫-અઝીઝ કશ્મિરી અને ગીત નં. ૬ વર્મા મલિક

આ જરા મઝા કરાવી લે એવી હકીકત હિંદી ફિલ્મોના શોખિનો માટેની છે કે, લગભગ ૧૯૬૬-ની સાલ સુધીમાં આપણા જમાનાના તમામ સંગીતકારોની કરિયર ખતમ થઇ ચૂકી હતી. હયાત હતા, એ પણ કોઇ મોર મારી શકતા નહોતા...ઓન ધ કૉન્ટ્રારી, એમની આબરૂ જાય એવું સંગીત આ સમયગાળા પછીની તેમની ફિલ્મોમાં આપવા માંડયું હતું. પણ ઓપી નૈયરનો રથ સંગીતની રણભૂમિ પર તોખારની જેમ હણહણતો દોડતો રહ્યો. એમની કરિયરમાં કદી સૂર્યાસ્ત આવ્યો જ નહિ. આશા ભોંસલેએ સાથ છોડી દીધા પછી એ સમાપ્ત ચોક્કસ થઇ ગયા, પણ '૬૬ના સમયગાળા પછી આશા સાથેનું તોતિંગ ગઠબંધન હજી તગડું ચાલે જતું હતું. ઓપી પ્રયોગ ય કરતા. આ જ ફિલ્મના બે ગીતો 'ચાહો તો જાન લેલો...' અને 'જાને તમન્ના ક્યા કર ડાલા...' ઓપીએ ગાયકોને કોઇ સૂર આપ્યા વિના સીધા જ શરૂ કરાવ્યા છે. અને '૬૭ની સાલમાં બનેલી આ ફિલ્મ 'સી.આઈ.ડી. ૯૦૯'માં કેવા તોફાની સ્ત્રી-યુગલો બનાવી દીધા ઓમકાર પ્રસાદ નૈયરે ! એમને એમ એ રિધમ-કિંગ નહોતા કહેવાતા. 'નદી કા કિનારા હો, પાની આવારા હો, સાથ કોઇ પ્યારા હો તો ફિર બેડાપાર હૈ' અને 'ધડકા તો હોગા દિલ જરૂર, કિયા તો હોગા તુમને પ્યાર...' જેવા ગીતોમાં ઢોલક-તબલાંના ઠેકા સાંભળો એટલે તરત આપણા હાથ-પગ હાલવા માંડે ને કબુલ કરવું પડે કે, રિધમ-કિંગ એમને એમ... એટલે કે, કેવળ જુદા જુદા ઠેકા વગાડીને બનાતું નથી...એ ઠેકા સાંભળીને શ્રોતાના હાથ-પગ થિરકવા જોઈએ.

આ ઓપી બી કમ્માલની ચીજ હતી ! એક તો જીવનભર લતા મંગેશકર વગર ચલાવ્યું. '૫૦-ના દશક અને તે પછી પણ શંકર-જયકિશન અને કલ્યાણજી-આણંદજીના 'પૉલિટિક્સ'નો ભોગ બનતા રહેવું પડયું, મોટા ભાગની ફિલ્મોમાં મોટું બૅનર કોઇ નહિ ને સાવ ફાલતુ નિર્માતાઓની અત્યંત ફાલતુ ફિલ્મોમાં ય સંગીત તો 'એક મુસાફિર એક હસિના' કે 'ફિર વો હી દિલ લાયા હૂં' લૅવલનું જ.....અને આશાએ છુટા પડયા પછી ઓપીને બેફામ બદનામ કરે રાખ્યા-સામે એકે ય જવાબ ઓપી તરફથી નહિ, ગીતકાર રાજીન્દર કિશન સાથે ઊભા-બોલવાના ય સંબંધો નહિ, છતાં ય એક ગીતકાર તરીકે દિલ ફાડીને બિરદાવવા, શંકર-જયકિશનના આસિસ્ટન્ટ સેબેસ્ટિયન ઓપીના ય આસિસ્ટન્ટ હતા, તે ખુશ થઇને 'રૉલૅક્સ' જેવી અંબાણીઓને જ પોસાય, એવા મોંઘા ભાવની ઘડિયાળ કાચી સેકંડમાં ગિફ્ટ આપી દેવી.... ને દુશ્મનો ગમે તેટલો અપપ્રચાર કરે, તો ય સામો કોઇ જવાબ નહિ આપવાનો... આ સઘળી ફિતરત ઓપીની હતી. કોક પત્રકારે પૂછેલું પણ ખરૂં કે, આશાજી તમારા માટે પ્રેસમાં આટઆટલી ગાળો ઓકે રાખે છે...તમે સામો જવાબ કેમ નથી આપતા, ત્યારે ઓપીએ એક શહેનશાહની 'ગ્રેસ'ને છાજે એવો જવાબ આપી દીધેલો, 'મારા પિતાશ્રી મને એક સલાહ આપતા ગયા છે, 'Never explain. Your friends don't need it. Your enemies won't believe it.'

એક હવા એવી ય ચાલી હતી કે, ઓપી નૈયરે પાછળથી એવું કબુલ કર્યું હતું કે, પાછલી ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરને લઇને મોટી ભૂલ કરી હતી. આ વાત ખોટી છે. અફ કૉર્સ, ઓપીએ કીધા તો હતા આ જ શબ્દો, પણ સંદર્ભ નોખો હતો. 'યે રાત ફિર ન આયેગી'નું મહેન્દ્ર કપૂરે ગાયેલું ગીત સ્વાભાવિક રીતે જ મુહમ્મદ રફી ગાવાના હોય, પણ રફી મક્કા હજ પઢવા ગયા ને આ બાજુ રૅકૉર્ડિંગ સ્ટુડિયોના ભાડાં ચઢતા હતા, એટલે ઓપીએ રફીની રાહ જોવાને બદલે મહેન્દ્ર કપૂર પાસે ગવડાવી લીધું, ('મેરા પ્યાર વો હૈ કિ, મરકરભી તુમકો...') એમાં પાછા આવીને રફી ખૂબ નારાજ થયા ને ઓપી માટે નહિ ગાવાની જાહેરાત કરી બેઠા. કોઇ જીદ પર અડયા વગર ઓપીએ કબુલી લીધું કે, 'મહેન્દ્ર કપૂરને લેવાની એમણે મોટી ભૂલ કરી હતી.' ધૅટ્સ ઑલ....એ આ જ એક ગીત પૂરતી વાત હતી.ઓપી નૈયર એક માત્ર સંગીતકાર એવા હતા, જે હઠપૂર્વક પોતાના ગીતોના અંતરાઓમાં એકની એક ધૂન વગાડતા. બર્મન દાદા બધા અંતરાઓ વચ્ચે અલગ ધૂનો વગાડે. ઓપી કહેતા, 'હું તે કાંઇ ગાન્ડો થઇ ગયો છું કે, એક ગીતમાં ત્રણ-ત્રણ ગીતોની ધૂનો વેડફી નાંખું ?' અલબત્ત, આ ફિલ્મમાં તેમના આસિસ્ટન્ટ જી.એસ. કોહલીએ ફિલ્મના બૅકગ્રાઉન્ડ અને ટાઇટલ-મ્યુઝિકમાં ઉતારાય એટલી વેઠ ઉતારી છે.

જો કે, આ ફિલ્મ વિશે લખવાનું બીજું ય કારણ ખરૂં કે, ફિરોઝ ખાન મારો ગમતો હીરો. મુમતાઝ પણ ખૂબ ગમે. એ બંને એકબીજાના પ્રેમમાં તો હતા, પણ એમના સંતાનો એકબીજાને પરણ્યા, એ ય સારૂં થયું. ફરદીન ખાન અને મુમુની દીકરી નતાશા માધવાણીનો સંસાર સારો ચાલે છે. બહુ ઓછાને ખબર હશે કે, એક સમયનો સામાન્ય વિલન સ્વ. રૂપેશ કુમાર મુમતાઝનો પિતરાઇ ભાઇ થાય. દેખાવડો અને ફૂલગુલાબી ચેહરો ધરાવતો રૂપેશ કુમાર ખાસ તો રાજેશ ખન્નાના 'ચમચા' તરીકે ફિલ્મનગરીમાં વધુ ઓળખાતો. એની ફિલ્મો હતી, 'કલ આજ ઔર કલ', 'અંદાઝ', 'સીતા ઔર ગીતા', 'રામપુર કા લક્ષ્મણ' 'નાગિન', 'દૂસરા આદમી', 'ચાચા ભતીજા' અને 'ધી ગ્રેટ ગૅમ્બલર'. રૂપેશ (થૅન્કસ ટુ મુમતાઝ) આ ફિલ્મના એક ગીત, 'તેરા નિખરા નિખરા ચેહરા..'માં ફૂટપાથીયા હાર્મોનિયમવાદક તરીકે આવે છે.

એની બધાને ખબર છે કે, 'શોલે'વાળો 'કાલીયો' વિજુ ખોટેનો સગો ભાઇ થાય, પણ એ બહુ ઓછાને ખબર હોય કે, બંને ટિવન્સ હતા.

ઇન ફૅક્ટ, એ જમાનામાં ફિરોઝ, સંજય, સમિર અને અકબર, 'ખાન બ્રધર્સ ઑફ જૂહુ'ના નામે પ્રખ્યાત હતા. એમને એક ચોથો ભાઇ શાહરૂખશાહ ખાન અને એક બહેન દિલશાદ બીબી પણ હતા. ખુદાએ આંખ મીંચીને ખૂબ પૈસો આપ્યો હતો. એક સમિરખાનને બાદ કરતા ત્રણે ભાઈઓ ડૅશિંગલી હૅન્ડસમ હતા. સમિર ખાન મીના કુમારીવાળી ફિલ્મ 'ગોમતી કે કિનારે'નો હીરો હતો, પણ પ્રેક્ષકોમાં અક્કલ ખરી કે, એને ચાલવા ન દીધો. ફિરોઝ બહુ વહેલો ફિલ્મોમાં આવી ગયો હતો. અશોક કુમારની જેમ એ પણ ઍન્ટી-હીરોના રોલ વધુ કરતો...અથવા કરવા પડતા. હૅન્ડસમ ખરો, પણ ચેહરામાં જરીક જરીક ખલનાયકપણું દેખાય ખરૂં, એટલે ગુરૂદત્ત-માલા સિન્હાની ફિલ્મ 'બહુરાની' કે રાજેશ ખન્ના-શર્મીલા ટાગોરની ફિલ્મ 'સફર'માં એ ઍન્ટી-સાઇડ હીરો તરીકે વધુ ચાલ્યો. એણે પોતે બનાવેલી ફિલ્મો 'અપરાધ', 'ધર્માત્મા' અને 'કુરબાની'માં નિર્માતા તરીકે પણ ખૂબ કમાયો. બાકીની ફિલ્મોમાં વાળ ઉતરી જવાથી દરેક ફિલ્મોમાં ઇંગ્લિશ હૅટ કે ફેડોરા-કૅપ પહેરીને જ આવવું પડતું, એમાં પ્રેક્ષકોએ માફ ન કર્યો. યસ. એક વાત ફિરોઝ ખાનની (જન્મ : ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ મૃત્યુ : ૨૭ ઍપ્રિલ, ૨૦૦૯) પ્રણામ સાથે સ્વીકારવી પડશે. એને પાકિસ્તાન બોલાવવામાં આવ્યો અને તમે તો જાણો જ છો કે, ત્યાં ભારત વિરોધી ઝેર ઓકવાનું સદીઓથી ચાલુ રહ્યું છે એ મુજબ, એને ય પૂછવામાં આવ્યું કે, ભારતમાં મુસલમાનોની દશા કેમ આટલી બધી ખરાબ છે ? ત્યારે એક સાચ્ચા ભારતીય મુસલમાનને છાજે એમ એ ત્યાં ઝગડી પડયો હતો કે, કમ-સે-કમ, પાકિસ્તાન કરતા ભારતના મુસ્લિમો વધુ સુખી છે. ત્યાં એને મોટો ફિટકાર પણ મળ્યો, ભારતની તરફેણ કરવા બદલ, પણ એ પોતાની સમજ ઉપર કાયમ રહ્યો. (પાકિસ્તાન તરફથી આવો ફિટકાર પ્રણામયોગ્ય ગાયક મુહમ્મદ રફીને પણ મળ્યો હતો, હિંદુઓના ભજનો તેમજ ભારતના દેશભક્તિના ગીતો ગાવા બદલ. પાકિસ્તાને તો રફી ઉપર ત્યાં પ્રવેશવાનો આજીવન પ્રતિબંધ પણ મૂકી દીધો હતો.) અહીં આપણે પાકિસ્તાનથી આવતા કલાકારોનું કેવું ભાવભીનું સન્માન કરીએ છીએ, એ વાત જુદી છે. આ જ બાબતે શિવસેના પ્રચંડ વિરોધ કરતી રહી છે. ફિરોઝની દીકરી લયલા ભારતના ટૅનિસ-સ્ટાર રોહિત રાજપાલને પરણી ને છુટાછેડા લીધા પછી એ ફરહાન ફર્નિચરવાલાને પરણી, જે લયલાના ભાઈ ફરદીનને પસંદ નહોતું, એમાં એક ફાઇવ-સ્ટાર હૉટેલમાં સાળા-બનેવી રીતસર હાથોહાથની મુક્કાબાજીમાં આવી ગયેલા... 'વૈસે ભી ખાનોં કા ખૂન ગર્મ હી હોતા હૈ...!' ફિરોઝ પરણ્યો તો હતો સુંદરી ખાનને, પણ પોતાની દીકરીની ઉંમરની પાકિસ્તાની ગાયિકા નાઝીયા હસનના એકતરફા પ્રેમમાં પડી જઈને બહુ બદનામ પણ થયો. નાઝીયા કૅન્સરમાં ગૂજરી ગઈ. 'કુરબાની'નું એણે ગાયેલું, 'આપ જૈસા કોઇ મેરી ઝીંદગી મેં આયે, તો બાત બન જાયે..' હિંદી ફિલ્મોનું એ જમાનાનું કલ્ટ-સૉન્ગ બન્યું હતું. હૉલીવૂડની કાઉબૉય ફિલ્મો એ તેના હીરોની નકલ કરી કરીને ફિરોઝે પોતાને બૉલીવૂડના ક્લિન્ટ ઇસ્ટવૂડ તરીકે જાતે ને જાતે ઓળખાવાનું નક્કી કર્યું. એ વાત જુદી છે કે, ક્લિન્ટ ઇસ્ટવૂડે પોતાને હૉલીવૂડના ફિરોઝ ખાન તરીકે માન્યતા મળે, એ માટે મુંબઇ નગરપાલિકામાં કોઇ અરજી કરી નહોતી. મુમતાઝને કૅન્સર છે. નાયરોબીમાં રહે છે, પણ મુંબઇ આવવા-જવાનું નિયમિત છે. ફિલ્મ 'સીઆઇડી ૯૦૯'માં ફિરોઝે આંખ મીંચીને જૅમ્સ બૉન્ડની સ્ટાઇલો કે મૅનરિઝમ્સ પકડવાનો બેહૂદો પ્રયાસ કર્યો હતો. જેણે બૉન્ડની ફિલ્મો જોઇ હશે, એમને યાદ હશે કે બૉન્ડ એના બૉસ 'એમ'ની ઑફિસમાં દાખલ થાય ત્યારે બૉસની બહાર બેઠેલી સેક્રેટરી મીસ મનીપૅની સાથે ફલર્ટ કરતો આવે. ફિરોઝભાઈ પણ આવું કરે છે. પિસ્તોલ પકડવાની સ્ટાઇલથી માંડીને અનેક અદાઓ સીધી શૉન કૉનેરીની ઉઠાવવાની. (આપણે ત્યાં દાયકાઓ સુધી 'સીન' કૉનેરી બોલાતું રહ્યું, જેનો ખરો ઉચ્ચાર 'શૉન' છે....શૉન કૉનેરી') અહીં તો ફિરોઝ ખાન ગુંડાઓને પકડવા એમની પાછળ દોડે છે ત્યારે મેહસાણાના બસ સ્ટેશન ઉપર સિધ્ધપુરની બસ પકડવા દોડતો હોય, એવો બેહૂદો લાગે છે.

આઘાતની વાત એ છે કે, ફિલ્મમાં હૅલનને એકે ય ડાન્સ જ આપવામાં આવ્યો નથી. ફિલ્મ 'સીઆઇડી ૯૦૯'ની વાર્તા-ફાર્તા માટે તો મોંઘા ભાવના પૅરેગ્રાફ્સ બગાડાય એવા નથી. ફિલ્મને ફાલતુ કહેવાનો ય કોઇ અર્થ નથી, કારણ કે '૬૦ના એ જમાનામાં આવી ફિલ્મો મસ્તીથી જોનારો એક વર્ગ હતો, જે હીરો વિલનને 'ઢીશુમ' બોલીને એક ફેંટ મારે તો ઘેર ગયા પછી ય ખુશ રહેતો પ્રેક્ષકોનો વર્ગ આવી ફિલ્મો જ વધુ માણતો. એ લોકોને ફિરોઝ ખાનની આખી કરિયરની સર્વોત્તમ ફિલ્મ 'ઊંચે લોગ' (દાદામોની અને 'જાની' રાજકુમાર સાથેની ફિલ્મ) સહેજ પણ ન ખપે. કબુલ તો એ ય કરવું પડે કે, ફિરોઝ કોઇ ગ્રેટ ઍક્ટર પણ નહોતો કે, એને સામાજીક અને હેતુલક્ષી ફિલ્મો મળે.

'સીઆઇડી-૯૦૯'ની બીજી કૉમેડી એ હતી કે, આમ બીજી ફિલ્મોમાં જેમના કોઇ ચણા ય ન આવતા હોય, એવા ફાલતુ ઍક્ટરોને અહીં મૅઇન-વિલનોના રોલ મળ્યા છે. મોહન શેરીને (આપણા જમાનાના ચાહકોએ) જોયો હોય, પણ એટલો નહિ કે મોહન શેરી નામ યાદ રહી જાય....એ સાલો અહીં મૅઇન વિલન. ઘણો સ્થૂળકાય છતાં ગુંડાની પર્સનાલિટીમાં ફિટ બેસી જાય એવો રાજન કપૂર અહીં સીઆઇડી ચીફના રોલમાં છે, બોલો ! બ્રહ્મ ભારદ્વાજને તો એના પર્મેનૅન્ટ પૂણી જેવા સફેદ વાળને કારણે આવી ફિલ્મોમાં સાયન્ટિસ્ટનો રોલ જ મળે. આજના મશહૂર ફિલ્મ નિર્માતા મનમોહન શેટ્ટીના ટાલીયા અને કાળીયા પિતા 'શેટ્ટી'ને પણ અહીં કામ મળ્યું છે. ફિરોઝ ખાનનો બૉસ બનતો ઊંચો તાડ જેવો પણ ખરબચડા ચેહરાવાળો વિલન ઉમા દત્ત અહીં સી.આઇ.ડી.નો બૉસ બની ગયો છે, એ ફિલ્મ કેવી હોય ?

બેલા બૉઝ '૬૦ના દાયકાની ફિલ્મોમાં બહુ ચાલી હતી. ક્યાંક તો એ આશા પારેખની ડૂપ્લિકૅટ પણ લાગે, એવી સુંદર તો હતી, પણ ડાન્સર તરીકે વધુ સારી, એટલે ફિલ્મો બહુ મળી. હૅલનની હરિફાઇમાં એ જમાનામાં બેલા બૉઝ ઉપરાંત મધુમતિ પણ ખરી, પણ જરા હૅલનની ગ્રેસ તો જુઓ....બેલા હોય કે મધુમતિ હોય, કોઇ હૅલનને પોતાની સમકક્ષ નહોતી ગણતી. ભરપૂર આદર સાથે એ બધીઓ હૅલનનો લિહાજ રાખતી. પ્રોફેસર, આમ્રપાલી, શિકાર, ઉમંગ, યે ગુલિસ્તાં હમારા, દિલ ઔર મુહબ્બત કે વહાં કે લોગ અને 'જય સંતોષી મા' જેવી ફિલ્મોમાં કામ કરનાર બેલા એ જમાનાના ધાર્મિક ફિલ્મોના હીરો ('જય સંતોષી માં'ના જ હીરો) આશિશ કુમારને પરણી ગયા પછી ફિલ્મો છોડી દીધી. આ બંગાળી અભિનેત્રી એક વ્યક્તિ તરીકે ઉમદા હતી. આટલી ધકધક કરતી સુંદરતા છતાં કોઇ હીરો-બીરો સાથે એનું લફરૂં થયું નથી. જીતેન્દ્રની ફિલ્મ 'જીને કી રાહ'માં જીતુની બહેન તરીકે રોલ સારો હતો. છેલ્લે તો એ 'મોરે મન મિતવા'માં દેખાણી હતી. આ ફિલ્મનું મુબારક બેગમે ગાયેલું એક ગીત જૂના ગીતોના ચાહકો માટે તો ક્લૅકશનનું ગીત છે, 'મેરે આંસુઓં પે ન મુસ્કુરા, કઇ ખ્વાબ થે જો બદલ ગયે...'

હજી એક વાર કહી શકું. 'સીઆઇડી ૯૦૯' તદ્દન ફાલતુ ફિલ્મ હોવા છતાં જોઇ નાંખવામાં ખોટ એટલે નહિ જાય કે, ઓપીના રસઝરતા ગીતો હરમાન માસ્તર અને કિરણકુમારે કોરિયોગ્રાફીમાં બેલા બૉઝ અને ખુદ મુમતાઝના ડાન્સ સાથે પરફૅક્ટ મૅચ થાય છે.

26/03/2014

બુઢ્ઢા સઠીયા ગયા...

આ સાલી ૬૦-પછીની ઉંમર ખૂબ મજ્જાની છે. કહે છે કે જુવાનીના વર્ષો, સ્કૂલમાંથી છુટેલા બાળકોની જેમ ધીંગામસ્તી કરતા રૂમઝુમ દોડતા આવે ને એટલી જ સ્પીડે જતા ય રહે છે, જ્યારે ૬૦-પછીની ઉંમરના વર્ષો વૃદ્ધાશ્રમના વડિલો રાત્રે સુવા જતા હોય એવા સ્ફૂર્તિ વિનાના આવે છે ને પાછા જતા નથી. સ્ફૂર્તિ તો જાવા દિયો, ગામઠી શાળાની લોખંડની ઝાંપલીની જેમ, ખોલો ત્યારે ચું-ચું કરતી હાલકડોલક ખુલે, એમ આપણે ચાલીએ છીએ કે ઊભા, એ આપણે ય નક્કી કરી ન શકીએ. ચાલમાં ઠેકાણાં રહેતા નથી ને ચલગત ઈચ્છો તો ય બગાડી શકવાના નથી.

આ ઉંમરે, સમાજ પણ આપણા શરીરની જેમ ઓરમાયું વર્તન કરતો થાય છે, કેમ જાણે એને યાદ ન હોય કે, એક જમાનામાં આ જ શરીર ઉપર આપણું સાર્વભૌમત્વ હતું ! નજર નહિ, આંખો પુરાણી પ્રેમિકાની જેમ ખરે વખતે દગાબાજ નીકળે. એને માટે દૂર કે નજીકનો કોઈ તફાવત રહ્યો નથી. બે ય સંપી ગઈ છે, એકબીજાને મળી ગઈ છે... દુશ્મનો તો પાછળથી વાર કરે... આંખો તો નજરની સામે વાર કરે છે.

ગાર્ડનનો બાંકડો આપણું 'ઈ-મેઈલ-આઈડી' બની જાય છે. ઘર કરતા ત્યાં વધારે મળીએ. ત્યાં આપણને જોવા કોઈ નવરૂં હોતું નથી... આપણે લોકોને જોયે રાખવા પડે છે. જુવાનીયાઓ આપણી બાજુમાં બેસતા નથી ને આપણી ઉંમરના ડોહાઓ આવીને બેસે, એ સાલા ગંધાયે રાખે છે.

ને તેમ છતાં ય, બહુ તોતિંગ તોફાનોએ ચઢી જવાની ઉંમર હવે ૬૦ પછી શરૂ થાય છે. બાકીનું જીવન આપણી મસ્તીથી જીવવાનો સંકલ્પ કર્યો હોય તો... નહિ તો, બાકીનું જીવન કેમ જીવવું, એના ધોરણો આપણા ફેમિલીવાળા, સગા સંબંધીઓ, યાર દોસ્તો કે રીતિરિવાજો નક્કી કરી આપે છે. જર્સી અને જીન્સ આ ઉંમરે પહેરીએ, તો સારા ન લાગીએ. ૪૦-વર્ષની સુંદર સ્ત્રી સામે એક ટસે તો જાવા દિયો, અડધી ટસે ય ન જોવાય... જોઈએ તો ઘેર બેઠેલી બા ખીજાય ! ''ડોહા... હવે જરા માનમાં રહો... ૭૦ થયા !'' દીકરા અને વહુઓ આપણી સાથે જરૂર પૂરતી વાત કરે. હૂલ્લડ થવાની દહેશત હોય ત્યારે અસામાજીક તત્ત્વોને સરકાર 'અંદર' કરી દે છે એમ, એમના 'ગેસ્ટ્સ' આવ્યા હોય, ત્યારે આપણે ડોસીને લઈને અંદરના રૂમમાં ગરી જવાનું. કોક વાર વળી એક અડધો પેગ 'ડ્રિન્કસ' લેવું હોય તો વહુ બૂમો મારતી આવે, ''પપ્પા, તમે જ બધું ગટગટાવી જાઓ છો, પછી એમને માટે કાંઈ રહેતું નથી.''

કાંઈ બાકી રહી જતું હોય, એમ ડોસી ય પાછી સલાહો આલ આલ કરે, ''કઉં છું... રોજ ગાયત્રીની પંદર માળા કરો આ ઉંમરે... ! ધરમ-ધિયાન કાં'ક તો જોઈએ કે નઈં... ?''

''તારી ભલી થાય ચમની... તારો કૅસ પતી ગયો હશે, બા... ! અમારે તો હજી જૂવાનીમાં બાકી રહી ગયેલી ઘણી ઈચ્છાઓ પૂરી કરવાની છે... તું સુઉં કામ આડી આવશ... ?''

૬૦-માં દાખલ થતા જ, મેં પહેલો નિર્ણય એ લીધો કે, ઉપર જવાનો સમય નજીક આવતો જાય છે, એટલે માથા ઉપરથી જેટલો ભાર ઓછો થાય, એ કરવો. અને ખુશીઓ ને તોફાનમસ્તી પોસાય એટલા છોડવા નહિ. ઉપરનો રસ્તો સીધા ચઢાણવાળો અને ખૂઉઉઉઉ...બ્બ લાંબો છે... 'વહાં પૈદલ હી જાના હૈ' એટલે માથા પરના પોટલાંમાંથી જેટલો ભાર ઓછો કરતા જવાય, એટલો કરવો. ઉપર તો સાલી પાન-સિગારેટની દુકાને ય ન હોય, સોડા ય મળવાની નથી, ત્યાં 'બ્લૅક-લૅબલ' તો બઇની ઝાલરમાંથી મળે ? એટલે, જતા પહેલા આ બધું ટેસથી પૂરૂં કરતા જવું. ૬૦-ઉપર પહોંચ્યા છીએ, એટલે હવે ગમે ત્યારે ઉપરવાળો બોલાવી લેશે... ! ફટ્ટ દઈને તો બહુ ઓછાને બોલાવે છે, બાકીનાઓને તો બિમારીના પલંગ ઉપર વરસોના વરસ લબડાવી રાખીને રિબાવે છે. અર્થાત, હજી હાથ-પગ ચાલે છે ત્યાં સુધી થાય એટલા જલસા કરી લો, મસ્તુભ'ઈ... હોસ્પિટલની છતનો કલર બહુ બૉરિંગ હોય છે ! ઘરના તો ઠીક છે, નર્સો-ડૉક્ટરો ય આપણને વહાલ નથી કરતા. ખબર કાઢવા આવનારાઓ, આપણને હવે ક્યારે કાઢી જવાના છે, એવી પ્રેમાળ ઉત્સુકતાથી મળવા આવે છે. એમના સવાલો, આપણે ગળામાંથી જ નહિ, ખભામાંથી ય હેડકીઓ ખાઈને એવા જલદ હોય છે, ''મસ્તુભ'ઈ... કિમો-થેરાપી પતી ગઈ...''

''તારી ભલી થાય ચમના... હું અહીં કૅન્સરના દર્દી તરીકે દાખલ થયો નથી... ની-રીપ્લૅસમૅન્ટ માટે આયો છું, વાંદરા !'' સાલું હરકોઈ આપણાથી છુટવા માંગતું હોય. હડધૂતીની જાહોજલાલી જુવાનીમાં સહન થાય, આ ઉંમરે નહિ !

યસ. ઉપર જવાની ઉંમર હજી શરૂ પણ નહોતી થઈ, ત્યારનો એક પદ્ધતિ પર જીવું છું. દુશ્મનોને પ્રેમપૂર્વક ભેટતા જાઓ. આપણી પહેલા એ ઉકલી જાય, તો મર્યા પછીના ખોટેખોટા વખાણો કરવા પડે છે, ''સદગતનો સ્વભાવ બહુ સારો હતો... ધાર્મિકવૃત્તિના ય બહુ. અડધી રાત્રે ય આપણા કામમાં આવે. એમના જવાથી સમાજને મોટી ખોટ પડશે.''

આવા હાવ ખોટેખોટા વખાણો કરવા પડે, એના બદલે (એના મરતા પહેલા) પ્રેમપૂર્વક એને પાછો દોસ્ત બનાવીને એના સાચા વખાણ કરવાની સીસ્ટમ ઊભી ન કરીએ ? જેટલું લૂટી ગયો છે ને જેટલો દગો કરી ગયો છે, એટલો હવે તો કરી શકવાનો નથી ને કરે તો ય આપણી પાસે હવે લૂટાવવા જેટલો માલ ક્યાં પડયો છે ? (બે બોટલ તો સ્ટૉકમાં રાખવાની જ, બોસ !)

અમારા જેવી જાહેર-વ્યક્તિઓને દુશ્મન બનાવવા માટે કોઈ પ્રયત્ન જ કરવો ન પડે. સફળતા એ જ દુશ્મનીનું કારણ. આજ સુધી હું કોઈની સાથે ઝગડયો નથી કે કદી ઊંચા અવાજે કોઈની સામે કે કોઈના માટે બોલ્યો નથી ને મારૂં ખરાબ કરનારને પણ કોઈ મહત્વ આપ્યું નથી. મેં પર્સનલી કોઈનું બગાડયું હોય, એવી તો જગતમાં એક પણ વ્યક્તિ નથી, છતાં ય, માત્ર બીજાને ખુશ કરવા મારી સાથે દુશ્મની બાંધી લેનારાઓને તો 'દુશ્મન'નો પ્રતિષ્ઠિત ઈલ્કાબ પણ ન અપાય ને ? દુશ્મન પણ આપણા લેવલનો હોવો જોઈએ ને... ગ્રસફૂલ ! ફખ્ર આપણને થાય કે, 'મારો દુશ્મન પણ કોઈ ઓર્ડિનરી નથી.' આપણા બધાની એ સદનસીબી હોય છે કે, દુશ્મનો ય બહુ ઓર્ડિનરી-લેવલના મળ્યા હોય છે, જેમને 'દુશ્મન' ગણવામાં ગ્રેસ આપણી ઓછી દેખાય !

ઈરાદો એ છે કે, ટૅન્શન, ઈર્ષા, ગુસ્સો, દુશ્મની અને એકલતા છોડીને દુનિયાની ભીડમાં ભળી જવાનું. એકલદોકલમાં દુશ્મનો નીકળી આવે, ભીડમાં તો યારદોસ્તો ય મોટી સંખ્યામાં મળી જાય. હવે જેટલા જલસા થાય એટલા કરી લેવાના, સાધો ! આ ઉંમરે કોઈ આપણા પ્રેમમાં પડી જાય, એ પોસિબલ નથી. પડી પણ જાય તો કેટલે સુધી પહોંચી વળો, એની તમને ય ખબર છે, પણ સુંદર હોય તો જોવામાં કોઈ ખર્ચો આવતો નથી. મન પ્રફૂલ્લિત રહે છે. વિચારો સારા આવે છે. ડોસી સાથે ય સારૂં બનવા માંડે છે. સુંદર સ્ત્રીઓ જોવી ગમે, ત્યાં સુધી જ આનંદથી જીવવા મળવાનું છે. કેસ ખલાસ થઈ ગયા પછી સની લિયોન રાખડી બાંધવા આવે ને હાથ અડી જાય તો ય શરીરમાં લખલખું આવી જશે. આ ઉંમરે સની લિયોન જ નહિ, એની બા ય ગમવી જોઈએ. સુઉં કિયો છો ?

દુનિયા બહુ ખરાબ નથી. બહુ સારી છે. કમનસીબી ક્યારેક વેશ્યાની માફક આપણી પાસે આવીને ભાવ માંગતી હોય, એટલે આખી દુનિયા ખરાબ લાગે... પણ બાકીની દુનિયા બહુ સારી છે. બાલ્કની બહાર જુઓ, તો જગત સામેના બે-ચાર બંગલા પૂરતું ટુંકુ નથી... ક્ષિતિજ સુધી લાખો બંગલા સુધી વિસ્તરેલું છે... એમાંથી હજારો તમને ચા-પાણી પીવા ય બોલાવી શકે છે.

જય હો.

સિક્સર

કેજરીવાલે મીંડાથી શરૂઆત કરી હતી... અને આજે એની પાસે મીંડા જ મીંડા છે !

23/03/2014

ઍનકાઉન્ટર : 23-03-2014

* દેવદર્શને જતા ભાવિકોને પણ જીવલેણ અકસ્માત નડે, તેનું કારણ શું?
- દેવોને ય કોકવાર ઝોકાં આવી જાય ને?
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* રાજેશ ખન્ના સુપરસ્ટાર, અમિતાભ 'ઍન્ગ્રી યંગમન', ધર્મેન્દ્ર 'હીમૅન' અને શાહરૂખખાન 'કિંગખાન'... તો 'અશોક દવે?'
- સુપર સ્ટાર કે હીમૅનો બદલાતા રહે છે... અશોક દવે... 'વન અન્ડ ઑન્લી.'
(સલમા મણીયાર, વિરમગામ)

* પાર્લામેન્ટમાં મરચાંની ભૂકી...?
- દારૂગોળો નહિ મળ્યો હોય!
(ફિઝ્ઝા આરસીવાલા, મુંબઈ)

* લઘુમતિનો લાભ બ્રાહ્મણોને કેમ નહિ?
- શું કામ આપણને અંદરોઅંદર ઝગડાવી મારવાની રાજનીતિનો ભોગ બનવું છે? આપણે ભારતીય પહેલાછીએ- બ્રાહ્મણ પછી.
(પૂર્વી પી. દવે, વડોદરા)

* સ્ત્રીઓ સાધુસંતોને પગે લાગતી હોય છે, ત્યારે સાધુ ગર્વ અનુભવતા કેમ હોય છે?
- સ્ત્રીએ પગે લાગવાનું કેવળ એના પતિ, માતા-પિતા કે સાસુ-સસરાને હોય, પરપુરુષને નહિ... પણ એનો વર પોણીયો હોય, ને આ બધું ચલાવી લેતો હોય, એમાં સાધુઓનો શું વાંક? સાચો સંત સ્ત્રીઓને પગે લગાવડાવતો નથી.
(રૂદ્રેશ અધ્વર્યૂ, અમદાવાદ)

* આપની દ્રષ્ટિએ ભારતના આજ સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ?
- અફ કોર્સ ડૉ. મનમોહનસિંઘ, જેમના લીધે દુનિયાભરમાં ખબર પડી કે, વડાપ્રધાન 'કેવા ન હોવા જોઈએ?'
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* તમે શિવરાત્રીનો જૂનાગઢનો મેળો કદી માણ્યો છે?
- એક વાર જ...! ભક્તો મને 'બાવો' માની બેઠા હતા...!
(અસલમ ગામેતી, વંથલી-જૂનાગઢ)

* મારે 'મૌન' ઉપર પીએચડી કરવું છે. આપશ્રી કોઈ સારા ગુરુની ઓળખાણ કરાવી શકો?
- !
(ક્રિષ્ના મૌલિક જોશી, જૂનાગઢ)

* બુધ, શુક્ર અને રવિવારોએ રાજ કરો છો, તો સ્વ. બકુલ ત્રિપાઠી બનીને સાતે ય દિવસ રાજ કરો ને?
- અત્યારે એકલો બેઠો બેઠો રાજ કરૂં છું, તે કમ છે?
(વિદુર પંડયા, ગાંધીનગર)

* જીવવા માટે શેની જરૂરત વધારે પડે છે? પૈસાની કે બુદ્ધિની?
- હું તો બન્ને વગર જીવી ગયો છું.
(શાંતિલાલ ચંદારાણા, વડોદરા)

* તમારી બા સાચ્ચે જ ખીજાય છે કે વાચકોને હસાવવા ગપ્પું મારો છો?
- આ સવાલ તમારી બાએ પૂછ્યો હોત તો મારી બા જવાબ આપત!
(ભૂમિકા આર. લાડ, વલસાડ)

* લગ્ન પછી કોની અક્કલ ઘટી જાય છે? પતિની કે પત્નીની?
- તમારા ગોરધનજીને મળું પછી ખબર પડે!
(શ્રીમતિ ઇંદુ ચંદારાણા, વડોદરા)

* સ્ત્રી વિનાના વિશ્વની કલ્પના થઈ શકે?
- કલ્પના વિનાની સ્ત્રીઓથી આ વિશ્વ ઉજળું છે.
(ભરત ડી. સાંખલા, ડિસા)

* પરિણિત સ્ત્રીના માથામાં સિંદૂર હોય છે તો પરિણિત પુરુષના માથામાં?
- ધૂળ.
(ધ્રૂવિકા નાકરાણી, કુંકાવાવ-અમરેલી)

* લગ્ન પછી પુરુષ દુઃખી થઈ જવાનું કારણ?
- સાલો જુઠ્ઠું બોલતો હોય છે!
(બિપીન રાચ્છ, જામનગર)

* ભિખારીઓ મંદિરોની બહાર બેસે છે, બન્કની બહાર કેમ નહિ?
- બન્કમાંથી બહાર નીકળતા અડધા આ લોકોની લાઈનમાં આવી ગયા હોય છે.
(કનુ ભાવસાર, વડનગર)

* 'તારી ભલી થાય, ચમના' લખ લખ કરો છો. અમારા ગામમાં ચમનાની વાઈફ ભાગી ગઈ! શું ભલી થઈ??
- એ જ.
(મણીલાલ રૂધાણી, રાણાવાવ-પોરબંદર)

* ઘસાયેલો સાવરણો બદલવાની કેજરીવાલને જરૂરત લાગતી નહિ હોય?
- ન બદલે તો સારું. ચૂંટણી પછી સફાઈ-કામદારોની મોટા પાયે જરૂરત પડશે.
(અજય મુંજપરા, લીંબડી)

* 'ઍનકાઉન્ટર'ના સવાલો ઈ-મઈલમાં કેમ પૂછવા દેતા નથી?
- જ્યાં વ્હિસ્કી જોઈએ, ત્યાં દૂધની કોથળી ન ચાલે.
(હાર્દ એમ. કબીર, ગાંધીનગર)

* ઘણા લોકો વાત કરતી વખતે, 'આમ જુઓ તો...' બોલતા હોય છે. આપણને ક્યાં જોવાનું કહે છે?
- એ લોકો 'આમ' જોવાનું કહે ત્યારે આપણે 'તેમ' જોઈ લેવાનું. જવાબ એ જ આપશે.
(રજનીકાંત ભૂંડીયા, દ્વારકા)

* અનામતની છુટથી લહાણી...?
- આપણને તો આપણા કર્મો અને મેહનત પર વિશ્વાસ છે ને?
(શ્રીમતી કોકીલા પંડયા, ભાવનગર)

* સત્ય તો સત્ય છે... પછી એને 'નગ્ન સત્ય' કહેવાનો કોઈ મતલબ?
- એનો નગ્ન મતલબ તો મને ય ખબર નથી.
(ઓ. વી. સાગર, રાજકોટ)

* મંદિરો અને દરગાહો પર સોનું ચઢાવવાનો મતલબ?
- દરગાહોની મને ખબર નથી, પણ મંદિરોમાં સોનું ચઢાવવાથી ટ્રસ્ટીઓ પાયમાલ થતા અટકી જાય છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આ સંસાર શું છે?
- એના બાપનું તગારું.
(હિતેશ દેસાઈ, ગણદેવી)

* એક પછી એક ધનાઢ્યો જેલ ભેગા થવા માંડયા છે... આપનું કેમનું છે?
- હું ધનાઢ્ય થઈ જઉં, તો જેલ ભેગા થવાનો વાંધો નથી!
(પરેશ અંતાણી, રાજકોટ)

* સ્ત્રીને ઘરની લક્ષ્મી કહે છે, તો પુરુષ?
- પોઠીયો.
(ઓમકાર જોશી, ગોધરા)

* ઉપેન્દ્ર ત્રિવેદી હવે કેમ નથી દેખાતા?
- એ માણસ સ્ટેજનો સર્વોત્તમ સમ્રાટ છે. એક વાર મેઘાણીભાઈની વાર્તાનું એમની પાસે એકપાત્રીય મંચન સાંભળો. આવા કલાકાર વારંવાર નથી થતા.
(શ્રેયા જ. પટેલ, અમદાવાદ)

* તમારી વાત સાચી પડી. અન્ના હજારે માત્ર પબ્લિસિટીનો ભૂખ્યો માણસ નીકળ્યો !
- આખા દેશનું મીડિયા એ ડોહાથી છેતરાઇ ગયું હતું. ત્યારે સૌ પ્રથમ આ જ કોલમમાં કહેવાયું હતું કે, ''આ માણસ ભરોસો કરવા જેવો નથી.''
(રાજશ્રી પટેલ, અમદાવાદ)

21/03/2014

'ભાઇ ભાઇ' ('૫૬)

ફિલ્મ : 'ભાઇ ભાઇ' ('૫૬)
નિર્માતા : એવીએમ (મદ્રાસ)
દિગ્દર્શક : એમ.વી.રમણ
સંગીતકાર : મદન મોહન
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૯- રીલ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, કિશોર કુમાર, નિમ્મી, શ્યામા, નિરૂપા રૉય, ઓમપ્રકાશ, ડૅઇઝી ઇરાની, ડૅવિડ, શિવરાજ અને કેસરી.ગીતો
૧. મેરા છોટા સા દેખો યે સંસાર હૈ ....................... લતા મંગેશકર
૨. ઇસ દુનિયા મેં સબ ચોર ચોર ....................... લતા મંગેશકર
૩. કદર જાને ના હો કદર જાને ના, મોરા બાલમ............ લતા મંગેશકર
૪. ઘર મેરા ઘર કી આગ સે.. ભગવાન જો તુ હૈ............ લતા મંગેશકર
૫. અય દિલ મુઝે બતા દે, તુ કિસ પે આ ગયા હૈ............ ગીતા દત્ત
૬. ઠંડી ઠંડી હવા ખાને રાજા ગયા ગાંવ મેં.................. લતા-કોરસ
૭. મેરા નામ અબ્દુલ રહેમાન............................ લતા-કિશોર
૮. અપના હૈ ફિર ભી અપના, બઢકર ગલે લગા લે.......... મુહમ્મદ રફી
૯. દિલ તેરી નજર મે અટકા રે............................આશા ભોંસલે
૧૦. શરાબી જા જા જા, ઓ દીવાને તુ ક્યા જાને..............લતા મંગેશકર

ફિલ્મ 'ચલતી કા નામ ગાડી' માં ત્રણે ય ગાંગુલી બ્રધર્સ સાથે આવ્યા હતા ને ફિલ્મ 'ભાઇ ભાઇ'માં અનુપ નહોતો. દાદામોની એટલે કે, અશોક કુમાર અને આભાસ કુમાર એટલે કે કિશોર કુમાર આ ફિલ્મમાં સગા ભાઇ બને છે.

એક ઍક્ટર તરીકે આજે ય અશોક કુમારનો કોઇ સાની નથી- સૉરી, નૉટ ઇવન મિસ્ટર બચ્ચન ઓર દિલીપ કુમાર. દાદામોનીની ખાસીયત આ બન્ને ગ્રેટ એક્ટરો કરતા એ વાતમાં મોટી હતી કે, અશોક કુમારે હીરો હોવા છતાં થોડા અપવાદોને બાદ કરતા 'ઍન્ટી-હીરો'ના રોલ જ કર્યા. આવા રોલ કોઇ સફળ ઍક્ટર કે હીરો સ્વીકારવાની હિંમત ન કરે. આવું કરતા રહેવાથી પ્રેક્ષકોમાં દેવ આનંદ-રાજ કપૂર જેવી લોકપ્રિયતા ન મળે પણ, એમને ઍક્ટરના બન્ને શૅડ મળે, હીરો અને વિલન-બન્નેના. ઉંમર અને તોફાનો જોતા સામાન્ય પ્રેક્ષકો માટે દેખિતી રીતે જ 'ભાઇભાઇ'નો હીરો કિશોર જ હોય ને એમાં ય એ વખતની ધૂમધામ અભિનેત્રી નિમ્મી હીરોઇન હોય, તો કોઇ કાળે ય હીરો અશોક કુમાર લાગવાનો નથી. આમે ય, આપણા દેશમાં હીરોની વ્યાખ્યા મુજબ, જે હીરોઇનને પ્રેમ કરે, એ હીરો. જ્યારે ફિલ્મનું મૂલ્યાંકન કરનારાઓ માટે ફિલ્મ 'મુગલ-એ-આઝમ'નો હીરો દિલીપ કુમાર નહિ, પૃથ્વીરાજ કપૂર હતો. 'ગંગા-જમુના'નો પૅરેલલ હીરો (વાસ્તવિક જીવનમાં પણ દિલીપ કુમારનો ભાઇ) નાસીરખાન હતો. 'શોલે'નો હીરો કોઇ કાળે ય અમિતાભ બચ્ચન કે ધર્મેન્દ્ર ન કહેવાય... સંજીવ કુમાર જ કહેવાય.

આ ફિલ્મની અભિનેત્રી નિમ્મી રાજ કપૂરની શોધ છે. દિલીપ-નરગીસ-રાજની ફિલ્મ 'અંદાઝ'નું એ તો શૂટિંગ જોવા આવી હતી ને એમાં એની ભૂરી આંખોએ રાજને મોહિત કરી લીધો. ફિર ક્યા ? 'બરસાત'માં નિમ્મીને ચાન્સ મળી ગયો અને ખૂબ સફળ હીરોઇન બની ગઇ જામનગરમાં હું એને મળ્યો, ત્યારે પણ 'રાજ સા'બ'નો ઉલ્લેખ બાઅદબ કરતી હતી. એની કે ખુદ રાજની ભૂરી આંખો ભારતના પ્રેક્ષકો માટે મોટી અજાયબી હતી. આજે પણ અજાયબી છે. કોઇની ભૂરી કે માંજરી આંખો જોઇ નથી કે લોકો ઇમ્પ્રેસ થયા નથી...!

ફિલ્મની સૅકન્ડ હીરોઇન અથવા વૅમ્પ શ્યામા અત્યંત ખુબસુરત ચેહરો અને ફિગરની માલકીન હતી. મૂળ નામ એનું 'ખુર્શિદ અખ્તર'. આમ તો એ આગ્રાના એક ગરીબ ફ્રૂટવાળાની દીકરી હતી. ચેહરો કામ કરી ગયો અને ફિલ્મોમાં હીરોઇન બનવા સુધી પહોંચી. અભણ એટલે માર્કેટીંગ-બાર્કેટીંગ ના આવડે. એમાં મોટા હીરોની સામે હીરોઇન બનવા મળે, એની સામે જ્હૉની વૉકર કે તલત મેહમુદને ય પોતાના હીરો બનવા દે.

તમને થાય ખરૂં કે, એમાં શું હીરો નાનો હોય કે મોટો... ફરક શું પડે છે ? પણ દાખલો શશી કપૂરનો વાંચી જુઓ. ફિલ્મ 'ચાર દિવારી'થી હીરો બનનાર શશી બાબાની પ્રારંભની તમામ ફિલ્મો ફ્લૉપ ગઇ અને (નંદા સિવાય) એક પણ હીરોઇન એની સાથે કામ કરવા તૈયાર ન થાય. એટલે સુધી કે એ જમાનાની અમિતાઓ કે સઇદાખાનો ય ના પાડી દે, ''શશીને બદલે હીરો કોઇ બીજો લો.''

તે એમાં ને એમાં શ્યામા પોતાનું માર્કેટ ગૂમાવી બેઠી અને પછી તો સાઇડ હીરોઇન નહિ, સાઇડ આર્ટિસ્ટ સુધીના રોલ લેવા પડયા. દેવ આનંદની ફિલ્મોના કાયમી સિનેમેટોગ્રાફર પારસી ફલી મિસ્ત્રી સાથે એ પરણી, પણ કહે છે કે, ચરીત્ર જાળવી ન શકી અને આજ સુધી બદનામ રહી. ખુદ એના દીકરા એને બોલાવતા નહોતા.

એ વખતની ફિલ્મોમાં બાળકલાકારોની બોલબાલા હતી ને એમાં ય ઇરાની-સિસ્ટર્સ ડૅઝી અને હની તો સારી ઍકટ્રેસો હતી. આ લોકોને ત્રીજી પણ એક બહેન હતી મેનકા ઇરાની, જે સ્ટન્ટ ફિલ્મોના ફાલતું હીરો કામરાનને પરણી (કામરાન ચાલુ માણસ હતો. એ મેનકાને છોડીને ફિલ્મ 'તુમ સા નહિ દેખા'વાળી અમિતાને પરણ્યો ને એને ય છોડીને કોઇ ત્રીજીને પરણ્યો. એ બન્ને (મેનકા-કામરાન)ના બે સંતાનો કૉમેડિયન અને ફિલ્મ 'હાઉસફૂલ'નો નિર્માતા-દિગ્દર્શક સાજીદ ખાન અને ડાન્સ- ડાયરેક્ટર ફરહા ખાન પણ ફિલ્મોમાં જોર બતાવી ચૂક્યા છે. હની ઇરાનીના બે સંતાનો 'ભાગ મિલ્ખા ભાગ'નો હીરો ફરહાન અખ્તર અને એની બહેન ઝોયા અખ્તર. ડૅઝીએ પોતાના ત્રણ સંતાનો કબિર, વર્ષા અને રિતુને ફિલ્મોમાં જવા દીધા નથી. ડૅઝી મોટી થઇને સિનેમેટોગ્રાફર કે.કે.શુક્લાને પરણી. હની ઇરાની ગીતકાર અને ફિલ્મ 'શોલે'ના સહલેખક જાવેદ અખ્તરને પરણી. જાવેદે એને તલાક આપીને શબાના આઝમીને પરણ્યો. આ જાવેદ એ જૂની ફિલ્મોના ગીતકાર જાં-નિસાર અખ્તરનો દીકરો.

ત્રીજી હીરોઇન નિરૂપા રૉય...અમિતાભની બારમાસી 'માં'. એક જમાનામાં તો એ ય હીરોઇન હતી. ગુજરાતની મોચી જ્ઞાાતિને ગૌરવ આ સ્ત્રીએ બખ્શ્યું. અલબત્ત, છેવટના વર્ષોમાં તો એ દીકરાની વહુને દહેજ માટે ત્રાસ આપનારી ગૂન્હેગાર તરીકે છાપાઓમાં ય ચમકી હતી. કપાળ અને આંખોની ભ્રમર ઉપરથી વાળ તો બહુ પહેલાના ઉતરી ગયા હતા. એટલે છેલ્લે છેલ્લે તો તમામ ફિલ્મોમાં માથે વિગ પહેરીને જ આવવું પડતું. અશોક કુમાર સાથે અનેક ફિલ્મોમાં પત્ની બનીને આવી, એમાં કહેવાય છે કે, અશોક કુમાર જ નિરૂપાની જીદપૂર્વક ભલામણ કરતા.

અલબત્ત, ભલામણ તમને આ ફિલ્મ જોવાની કરવી પડે, એવી ભૂલ કરાય એમ નથી. ફિલ્મ 'એવીએમ'ની હોવા છતાં તદ્દન ફાલતું ફિલ્મ હતી. વાર્તાની શરૂઆત જરા અંજાઇ જવાય એવી હતી કે, ધનાઢ્ય અશોક કુમાર તેની પત્ની નિરૂપા રૉય અને બાબો ડૅઝી ઇરાની (ફિલ્મના ટાઇટલ્સ મુજબ, 'ધી વન્ડર બૉય, 'રૂપ કુમાર') સુખશાંતિથી મદ્રાસમાં રહેતા હોય છે. ધંધાના કામે એ પોતાની મુંબઇ ઑફિસે આવે છે. જ્યાં એનો જૂનો દોસ્ત અને મુંબઇ ઑફિસનો ઇન-ચાર્જ ઓમપ્રકાશ પોતાની પ્રેમિકા શ્યામા સાથે મળીને અશોકને ફસાવે છે. શ્યામા ગરજપૂર્વક અશોકના પ્રેમમાં પડવાનું નાટક કરે છે ને અશોક પોતાનો પરિવાર ભૂલી જાય છે અને પત્નીને રૂ. ૫૦ હજાર પકડાવી છુટો થઇ જાય છે. ૧૫ વર્ષ પહેલા ખોવાયેલો અશોકનો ભાઇ કિશોર મોટો થઇને ખિસ્સાકાતરૂ બને છે અને ફૂટપાથો ઉપર નાચગાના કરીને પેટીયું રળતી નિમ્મી અને તેના પિતા ડૅવિડના સંપર્કમાં આવે છે. અચાનક એને મોટા ભાઇ અશોક કુમાર મળી જાય છે. પણ મોટા ભાઇના લક્ષણો જોઇને પોતાની આઇડૅન્ટિટી છુપાવેલી રાખે છે. અલબત્ત, અશોકને પણ ખ્યાલ આવી જાય છે કે, આ જ મારો નાનો ભાઇ છે, પણ શ્યામાના ચક્કરમાં એ ભાઇને ઓળખતો નથી. અહી સુધીની વાર્તા મગજમાં ઉતરે એવી છે કે, બરોબર છે. આવું તો થાય.. પણ પછી ફિલ્મના અંત સુધી (એક તો ૧૯ રીલ્સની લાંબી ફિલ્મ... કોઇ પંખો ચાલુ કરો !) જેને ખાડીયાની ભાષામાં, 'મગજનું દહી' કહે છે, એ થયે રાખે છે. કિશોર આ ફિલ્મનો અસલી હીરો છે અને કૉમેડીની સાથે ગંભીર કિરદારોમાં ય એ ઍક્ટર તરીકે કેટલો સારો હતો, એ સાહજીકતાથી સાબિત કરી આપે છે. અશોક કુમારને હું આટલો મહાન ઍક્ટર માનું છું, પણ કબુલ કરવું જ પડશે કે, આ ફિલ્મમાં એ અશોક કુમારનો ભાઇ નહિ... બાપ લાગે છે બાપ ! નવાઇની વાત એ છે કે, ફિલ્મ કોઇપણ હોય, કિશોર અડધી બાંયના ચોકડા કે આડા-ઊભા લીટાવાળા શર્ટો જ પહેરતો. અહી યાદ કરવા પડશે, ગઝલ-સામ્રાજ્ઞી મરહૂમા બેગમ અખ્તરને. મદન મોહને તો બહુ પહેલા એમની પાસે ફિલ્મોમાં ગવડાવ્યું હતું. પણ હીરોઇનને ચાલે એવો અવાજ ન હોવાથી ફિલ્મો છોડીને એમણે કેવળ ગઝલો ઉપર ધ્યાન ધર્યું. એ અમેરિકા હતા ત્યારે લતા મંગેશકરે આ ફિલ્મમાં ગાયેલું, 'કદર જાને ના હો કદર જાને ના...' ગીત એટલું બધુ પસંદ પડી ગયું કે, ત્યાંથી લતાને ફોન કરીને રીક્વેસ્ટ કરી કે, મને ફોન પર આ ગીત સંભળાવ. અને લતાએ સંભળાવ્યું.. બેગમની ફર્માઇશો ચાલુ રહી અને લતાએ એનું એ ગીત ફોન પર ૩-૪ વખત સંભળાવ્યું.

એવું જ બીજું ગીત મદન મોહનની કમાલ સાથે ગીતા દત્તે ગાયું. જે ગીતાની કરિયરના પહેલા પાંચ સર્વોત્તમ ગીતોમાં સ્થાન પામ્યું, 'અય દિલ મુઝે બતા દે, તુ કિસ પે આ ગયા હૈ...!' મદનના ગીતો નૉર્મલી અઘરા કમ્પૉઝીશનમાં બન્યા હોય છે, જ્યારે ગીતાના આ ગીતામાં ધૂનની સરળતા અને ગીતાનો કેવો મધુરો કંઠ...આહ, આ ગીતને ચિરંજીવ કરતો ગયો. પણ મદન મોહનનો આ જ એક પ્રોબ્લેમ હતો. એ કોઇનાથી પણ ઉતરતો સંગીતકાર નહતો, પણ એની મોટા ભાગની ફિલ્મોના રીઝલ્ટ્સ એ આવ્યા છે કે, ફિલ્મના એક બે ગીતો સર્વોપરી હોય ને બાકીના ઢંગધડા વગરના. આ જ ફિલ્મ 'ભાઇ ભાઇ' જુઓ. આ બે ગીતોને બાદ કરતા એકે ય માં ઠેકાણાં છે ? લગભગ તમામ સંગીતકારોએ આ જ બેવકૂફીઓ કે આળસો નોંધાવી હતી કે, ફિલ્મના એક બે ગીતો ખૂબ સારા હોય ને બાકીનામાં કોઈ ભલીવાર નહિ ! આ નોંધણીમાં ત્રણ સંગીતકારો જુદા નિખરી આવ્યા. શંકર-જયકિશન, નૌશાદ અને ઓપી નૈયર. ફિલ્મના સમજો ને... તમામ ગીતો સુપરહિટ હોય ! આને પરિણામે, હિસાબ આખી કરિયરનો ગણો તો આ ત્રણે સંગીતકારોની તમામ ફિલ્મોના તમામ ગીતો હિટ હતા, એટલે કે એમનો સ્ટ્રાઇક-રેટ કેટલો ઊંચો કહેવાય !

બધા સંગીતકારોની માફક મદન મોહને પણ ગીતા દત્તનો ઉપયોગ ગરજ પૂરતો જ કર્યો છે. નૌશાદે પૂરી કરીયરમાં ગીતા દત્ત પાસે એક જ ગીત ગવડાવ્યું હતું, 'મુઝે હુઝુર તુમ સે પ્યાર હૈ..'(ફિલ્મ 'સન ઓફ ઇન્ડિયા'). એક જ હીરોએ મૅક્સિમમ 'પ્લૅબૅક-સિંગરો પાસે ગવડાવ્યું હોય તો એ દેવ આનંદ છે. રફી, દેવ આનંદ, તલત કે હેમંત કુમાર તો બધા જાણે જ છે. પણ સુબિર સેન, દ્વિજેન મુખર્જી,ભૂપેન્દ્ર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર (ફિલ્મ 'રૂપ કી રાની, ચોરો કા રાજા') અને કોઇ માનશે ? જેમણે આજ સુધી કોઇને ય પ્લૅબૅક નથી આપ્યું, એ દાદા સચિનદેવ બર્મનનો કંઠ પણ દેવ આનંદને મળ્યો છે. ફિલ્મ 'કાલા પાની'ના 'દિલ લગા કે, કદર ગઇ પ્યારે'ગીતમાં દાદા બોલ બોલે છે. 'દિમ તાના, તા તા તાના..' જે સ્ક્રીન પર દેવ આનંદ ગાય છે. મતલબ, એને સાચું પ્લૅબેક તો ન કહેવાય, પણ રૅકોર્ડ કે લિયે બાત બુરી નહિ હૈ...!

એમ તો સુનિલ દત્ત માટે ય મન્ના ડેએ એક જ ગીત ગાયું છે. મધુબાલાની ફિલ્મ 'જ્વાલા'નું 'આજા રે આજા...' દિલીપ કુમાર માટે કિશોરે, 'સાલા મેં તો સાહબ બન ગયા.' ફિલ્મ 'સગીના', રાજેન્દ્ર કુમાર માટે કિશોર કુમારે પણ એક જ 'તુમ કો ભી તો ઐસા હી કુછ હોતા હોગા ઓ સજની... (લતા સાથે) અને કિશોર કુમારે તો રાજ કપૂરને ય પ્લેબૅક આપ્યું હતું. ફિલ્મ 'પ્યાર'માં 'એક હમ ઔર દૂસરે તુમ.' દાદા બર્મનના સ્વરાંકનમાં ગીતા રૉય સાથે ગીત ગાયું હતું. (લગ્ન પહેલાં એ ગીતા રૉય કહેવાતી !)

એવીએમ મદ્રાસની ફિલ્મ કંપની હતી અને મદ્રાસની તમામ હિંદી ફિલ્મોની જેમ આનું પ્રોડકશન પણ મુંબઇની હિંદી ફિલ્મો કરતા ઘણું ઊંચુ... અરે, કોઇ શાંતારામ નામના આર્ટ-ડાયરેક્ટરે કેવા ભવ્ય સૅટ્સ બનાવ્યા છે આ ફિલ્મના ! આખી ફિલ્મ ઇનડોર શૂટ થઇ હોવાથી પૂરી ફિલ્મમાં મનને હરી લે તેવા સૅટ્સ જોવા ગમે છે. આર્ટ-ડાયરેક્ટરની કમાલ જ અહી છે કે, એક આખો બંગલો થાય, એટલો મોટો ડ્રૉઇંગ-રૂમ બનાવવો હોય તો એની દિવાલો, ફર્નિચર, બારી-બારણા કે પિયાનો-બિયાનો જેવું ભરી ભરીને કેટલું ભરો ? ને છતાં કોઇ ચીજ અપ્રસ્તુત ન લાગે. આ સૅટ્સ મદ્રાસના એવીએમ સ્ટુડિયોઝમાં જ બન્યા હતા. આમે ય, મુંબઇની ફિલ્મો કરતા મદ્રાસની ફિલ્મોમાં બધું લૅવિશ વધારે હોય.. ભવ્યતા ! એક વખત જો કે હું લખી ગયો છું કે, આજે બહુ ભડાકા કરીને કહી દઇએ છીએ કે, ફલાણી ફિલ્મ બહુ ભંગાર હતી (જેમ કે, આજની ફિલ્મ 'ભાઇ ભાઇ'), પણ એ જમાનામાં તો આવી જ ફિલ્મો ચાલતી અને બહુ ઓછાને ભંગાર લાગતી. કદાચ લોકો પાસે ચૉઇસ નહોતી. ખોટું નહિ બોલાય... પ્રમાણમાં આજે તો ઘણી સારી ફિલ્મો બને છે.

19/03/2014

સુંદર નારી પ્રીતમ પ્યારી

એ... એવું કેમ હશે કે, માની ન શકાય એવી ખુબસૂરતી ધરાવતી સ્ત્રી સાલી સાવ ડોબા પણ અબજોપતિને જ પરણી હોય ? તપાસ કરી લો, તમારા સર્કલમાં કે, આવું કેટલા બધા કિસ્સાઓમાં બન્યું છે ? વાઈફ સુંદર હોય ને ગોરધન ઘાસલેટ હોય, એવું તમે ય તમારા સર્કલમાં કેટલા બધા કેસોમાં જોયું છે ? પૈસો જોઈને પરણનારી સુંદર સ્ત્રીઓ શું ખરેખર બેવકૂફ હોય કે ગણત્રીબાજ ? વેલ. ખાસ કરીને મારા પોતાના કિસ્સામાં તો આમાંથી કાંઈ લાગતું-વળગતું નથી, એટલે પર્સનલ ચર્ચા આપણે છોડી દઈએ... ને આમે ય, અમારા બા'મણભ'ઈઓમાં અબજોપતિ હોવાની તો વાતે ય ન હોય ને ? અજાયબપતિ ઠેરઠેર મળી આવે... જેમાંના એકને તમે હાલમાં વાંચી રહ્યા છો !

દયા પછી આવે, જીવ પહેલા બળે કે, જસ્ટ બીકૉઝ... પેલો કરોડપતિ છે, પણ દેખાવ અને સ્માર્ટનેસમાં પૈસા પડી જાય, એ જાણવા છતાં સુંદર સ્ત્રીઓ આવા લલ્લુઓને કેમ પરણતી હશે ? આપણે બધા ભગવાન થઈ ગયા'તા, તે નજરમાં ન આયા ? જમાનો જ્યારે અમારો ચાલતો હતો, ત્યારે ખાડીયાની એક એક બ્યૂટી-ક્વીનો સાલી કરોડપતિ લલ્લુઓને પરણી ગઈ, એટલે પછી અમારા જેવાઓનો હૅન્ડસમ લૉટ કંટાળીને કુકરવાડા, જોરાજીના મુવાડા, ધરાસણા કે ધ્રાંગધ્રા-ફાંગધ્રા પૈણી આયો ! શું કરીએ બીજું ? ભવિષ્યમાં કમ-સે-કમ એક ડોસીને કૂંવારી મરતી બચાવવી તો પડે ! એક ફાયદો ગામડાની ગોરીઓને પરણવાનો અમને બધાને થયો કે, એ લોકો કરતા તો અમે વધારે સમાર્ટ દેખાતા હતા. બીજો ફાયદો ખરો ને વળી... કે, આંગડીયું ગામડેથી છોડાવ્યું હોય એટલે અમદાવાદમાં બીજા કોઈ નજર તો ન બગાડે. નહિ તો, અમદાવાદમાં ''ભાભી... ભાભી...'' કહીને આપણને જેઠ-દિયર બનાવી દેનારાઓ ઓછા નથી, ભ'ઈ !

પણ તો ય... માણસ છીએ ને સારા માણસ છીએ. કાગડા દહીંથરાં લઈ જાય ને આપણે જોતા રહેવાનું, એટલે જીવો તો ભડભડભડ બળે ને ?... કોઈ પંખો ચાલુ કરો... બફાઈ મરાય છે !

યસ. કોઈની બળી જાય તો ભલે બળી જાય, પણ બધાએ કબુલ તો કરવું પડશે કે, ગુજરાતીઓમાં સૌથી સુંદર સ્ત્રીઓ બ્રાહ્મણ હોય છે. સુંદરતા પણ ગુજરાતીઓમાં જ્ઞાતિ-જ્ઞાતિએ જુદી પડે છે. બ્રાહ્મણ-સ્ત્રીઓ સૌથી સુંદર હોય, એ દસ્તાવેજ ઉપર હે વાચકો... તમે દસ્તખત કરી આપો, એટલે બીજી કઈ જ્ઞાતિઓની સ્ત્રીઓ ઓછી વત્તી સુંદર કે ડબલાંછાપ હોય છે, એ ચર્ચા મોટું મન રાખીને તમે પતાવી દેજો. મને આમાંથી બહાર રાખજો.

હવે જૂના ઘા ફરી તાજાં કરીએ. ચલો, સ્વીકારી લઈએ કે, કરોડપતિ લલવો શહેરની શ્રેષ્ઠ સુંદરીને પરણી ગયો... ઈશ્વરને ગમ્યું, તે ખરૂં, પણ એ બન્ને ઘરની બહાર કેવી રીતે નીકળતા હશે ? એ બન્ને બહાર નીકળે ત્યારે સમાજ ઉપર કેવા પ્રત્યાઘાતો પડતા હશે ? વટેમાર્ગુઓ પુરૂષ હોય કે સ્ત્રી, કોઈ પેલા રાભાની સામે જોતું હશે ખરૂં ? અરે, જે એને બોલાવતું પણ હોય, એ એની વાઈફ પાસે બે ઘડી ઊભા રહેવા મળે, માટે બોલાવે ને ? કેમ કોઈ બોલતું નથી ? મારો કૅસ ઢીલો પડી રહ્યો છે ! આ વખતે પેલીનો મૂડ તો છલ્લમછલ્લા હોય, પણ એના ગણપતને કાંઈ નહિ થતું હોય ? અરે, તમારા જેવો કોઈ હિંમતવાળો નીકળી આવે, તો એના જ વરને કહી દે, ''ગણપત... બે અડધી કહી આય... !''

પત્ની સુંદર હોય ને આપણે ડોબા હોઈએ, એ કાંઈ બહુ ખુશ થવા જેવી વાત નથી. સાલા વગર કારણે મિત્રો વધતા જાય છે. 'ભાભી... ભાભી...' કરતા હજારો ઘરમાં ઘુસી આવે છે અને 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ'ના ધોરણે આપણે ય મોંઢા હસતા રાખીને આવકારો તો આપવા પડે.

અહીં તો અમે સાલી કોઈ બ્યુટીક્વીનને પરણ્યા નથી, છતાં...

''ઓહ દાદુ તમે... ? કેમ છો ભાભી, કેમ છો... આજકાલ તો દેખાતા જ નથી !''

તારી ભલી થાય ચમના, મારી વાઇફને હું રોજ એક વાર જોઈ લઉં, એ પૂરતું છે... તારે એને દેખીને શું કામ છે ? આમાં પાછી આપણી વાઇફો ય હખણી રહેતી ન હોય ને સામો જવાબ આપે, ''ઓહ, કેમ છો પિલ્લુભા'આય... ? વાસંતિભાભીને હારે નો લી આઇવા... ?''

સાલો આપણો જ રૂપીયો ખોટો હોય, એમાં દોષ કોને દેવો ? પિલીયાએ જીંદગીમાં પહેલી વાર આજે સારૂં કામ કર્યું છે ને એની વાસ મારતી વાસંતિને સાથે લઈ આવ્યો નથી... ને આવડી આ પાછી યાદ દેવડાવે કે, સાથે કેમ નથી લાવ્યા ? આઈ ટૅલ યૂ... એની વાઇફ વાસંતિને એક વાર જોઈ લો પછી આગામી છ મહિના સુધી પરસ્ત્રીઓને જોવાના તમારા કાર્યક્રમો પડતા મૂકવા પડે ! ઘણા તો બૈરાં ય એવા ઉઘરાવી લાવે છે કે, એવીઓને જોયા પછી આપણી સગ્ગી વાઈફો ય આપણને સગી બહેન જેવી લાગવા માંડે ! મૂડ ના ઉતરી જાય ? એક જાણિતી જોકમાં નહોતું આવતું કે, જંગલની પહાડીઓ ખૂંદી ખૂંદીને એક માણસ એક બાવા પાસે ગયો ને પ્રાર્થના કરી, ''સ્વામીજી, મને મારી વાઈફ ગમતી નથી... કોઈ ઉપાય બતાવો !''

''ગધેડા... ઉપાય મળ્યો હોત તો હું બાવો બન્યો હોત ?''

જો કે, સદરહૂ બાવો ય ડોબો હશે, નહિ તો શોખ સ્ત્રીઓનો હોય તો આપણા દેશમાં સાધુ બનવા જેટલી જાહોજલાલી ફિલ્મોમાં ય નથી. ફિલ્મોમાં તો કાસ્ટિંગ-કાઉચ પકડાય તો હલવઈ જવાય... સંત-સાધુઓનો તો સરકાર પણ વાળ વાંકો કરતી નથી. સુઉં કિયો છો ?

પાછું ગતાંકથી ચાલુ કરીએ તો, પિલ્લુ મારા દેખતા જ મારી વાઇફને હસતા હસતા કેમ જાણે કોઈ મોટી જોક મારી હોય એમ ફરિયાદ કરે, ''ભાભી, તમે આ રાક્ષસના પનારે ક્યાં પડયા ? આ માણસ તો ઘરમાં એક મિનિટે ય રહે છે ? આખો દહાડો બહારનો બહાર... !''

સાલાને ક્યાંથી ખબર પડી ગઈ હશે કે, હું આખો દહાડો એના ઘેર હોઉં છું... ? એની અપરણિત સાળી... દિખને મેં બુરી નહિ હૈ !

પાછૂં જે કરોડપતિ આટલી મનોહર, સુંદર અને પ્રાતઃસ્મરણીય પત્નીને ઉપાડી લાવ્યો હોય, એ હોય બહુ વહેમીલો ! વાઇફ સુંદર ને પોતે ઘાસલેટ એટલે પળેપળે એને ફફડાટ રહેતો હોય કે, આવી આ કોક દહાડો મને પડતો મૂકી દેશે... ને એમાં ય, સામે આપણા જેવો હૅન્ડસમ માણસ મળ્યો હોય... ! આ તો એક વાત થાય છે. આપણે ત્રણે મળીએ ત્યારે નોંધવા જેવું છે કે, એની વાઈફ તો આપણી સામે હસી હસીને કેવી નિર્દોષતાથી વાતોએ ઉપડી હોય... મામલો ઘરનો કહેવાય, એટલે બીજીઓ કરતા આપણે એને હસાવીએ પણ વધારે, પણ એ વખતે હસીને રીસ્પૉન્સ આપવાને બદલે એનો ગોરધન સાલો આપણી સામે કતરાતી નજરે જોતો હોય ! સાલા, ગામમાં અમે બીજાની વાઇફો જોઈ નહિ હોય ? એકલી તું જ લઈને બહાર નીકળ્યો છે ? ભગવત ગીતામાં ય કીધું છે, જ્યારે સૃષ્ટી ઉપર પાપનો ભાર વધી જાય છે ને અત્યાચાર થાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ધરતી પર ઉતરી આવે છે ને ઍકઝૅક્ટ એ તબક્કે, આપણે પણ સાક્ષાત શ્રીકૃષ્ણસ્વરૂપે ઉતરી આવ્યા હોઈએ છીએ ! સુઉં કિયો છો ?

અલબત્ત, આપણા દેશના મહાન ચિંતક અને વિચારપુરૂષ શ્રી. અશોક દવેજીએ ક્યાંક લખ્યું છે કે, માણસનું ચરીત્ર બીજાની વાઇફોને જોવાથી બગડતું નથી, પણ બીજો કોઈ આપણી વાઇફને જોયે રાખે, તો ચરીત્રના ભડાકા થવા માંડે છે... તારી બીજી વાર ભલી થાય ચમના... જે ઘરમાં ફિટ કરાવેલી છે, તેને જ અપ્સરા માની લે... બહાર તારા કોઈ ચણા ય નહિ આલે ! મોટા ખર્ચા કરીને જેને તું પરણી લાયો છું, એ જ તારી કૅટરીના, જોલી.... એ જ સની લિયોન ને એ જ તારી ઍન્જેલિના.

આઈ મીન... ડિમ્પલની આખી વાત અલગ છે !

સિક્સર

ભાષણોમાં ઘાંટાઘાંટ કરીને બોલવા ઉપરાંત, હવે તો રાહુલ બાબા દરેક વાક્યનો છેલ્લો અક્ષર કોની પાસેથી શીખીને લંબાવે છે ?

16/03/2014

ઍનકાઉન્ટર : 16-03-2014

* એવો કયો સવાલ છે, જેનો તમે જવાબ આપી શકવાના નથી ?
- આ.
(નીલકંઠ વજીફદાર, વલસાડ)

* મનમોહન છેલ્લે ૧૫ ઓગસ્ટે બોલ્યા હતા... હવે ક્યારે ?
- ચૂંટણીના રીઝલ્ટ્સ આવી જવા દો... આખી કોંગ્રેસ 'મનમોહન' બની જશે.
(મયૂરી કિશોર પટેલ, રાજકોટ)

* પત્ની રડતી ક્યારે સારી લાગે ?
- જૂઠે ખ્વાબ મત દિખાઓ... !
(વિમલ ચંદારાણા, વડોદરા)

* સપના આવે તો શું કરવું જોઈએ ?
- તરત એના ફાધરને જાણ કરી દેવી જોઈએ.
(શ્રીમતી ઈંદુ ચંદારાણા, વડોદરા)

* યાદશક્તિ સતેજ કરવાનો ઉપાય ?
- કોકને દસેક લાખ ઉધારીએ આપી દો.
(જીગ્નેશ જોબનપુત્રા, જૂનાગઢ)

* 'આમ આદમી' પાર્ટી ઉદ્યોગપતિઓની પાછળ કેમ પડી ગઈ છે ?
- એને ય જોઈતો લાડવો નહિ મળ્યો હોય !
(ઈસુફ મનસુરી, મહેસાણા)

* આપ અમેરિકા જઈ રહ્યા છો... ડર એ છે કે, ત્યાં કોઈ ગોરી મેડમના ચક્કરમાં પડી ન જાઓ !
- હું કાળા-ગોરાના ભેદમાં માનતો નથી.
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* આસારામ કે બાબા રામદેવ જેવાઓએ અબજોની મિલ્કત બનાવી... તમે શું કર્યું ?
- 'બાબા અશોકદેવ' બનવાની તૈયારી... !
(એમ.બી. પંડયા, અમરેલી)

* આપણા દેશનું બંધારણ કોઈ ખરીદતું હશે ખરૂં ?
- લોકો દસ રૂપીયાની જોક બૂક વધારે ખરીદે છે.
(ગાંગજી ચાંચીયા, અમદાવાદ)

* ગયા સપ્તાહે મુંબઈના એક પુસ્તક-વિમોચનમાં તમને રૂબરૂ જોયા... હેન્ડસમ છો, બૉસ !
- હા, તે આ છેલ્લે આશ્ચર્યચિહ્ન શેનું લગાડયું છે ?
(બિનોતી શેઠ, મુંબઈ)

* પરણેલા પુરૂષો બાબતે આપનો શું અભિપ્રાય છે ?
- હું તો બહુ સીધો માણસ છું. મારો તો પરણેલી સ્ત્રીઓ બાબતે ય કોઈ અભિપ્રાય નથી.
(અનિલ દેસાઈ, નિયોલ-સુરત)

* શું એ વાત સાચી છે કે, હવે તમે 'તારક મહેતા કા ઊલટા ચશ્મા'માં આવવાના છો ?
- ના. એ લોકો તો સારા એક્ટરોને લે છે.
(અલ્તાફ બંગાલી, માંગરોળ)

* પુનઃલગ્ન માટે સ્ત્રીઓ ખાસ કંઈ રાજી કેમ હોતી નથી ?
- પહેલાવાળો મરવો તો જોઈએ ને ?
(અવિનાશ ત્રવાડી, ભૂજ-કચ્છ)

* ન્યાયની દેવીની આંખે પાટા બાંધવા પાછળનો તર્ક શું ?
- સ્ત્રીઓને અંધારામાં રાખવી સારી.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* ભાઈ હો તો ઐસા... તો પત્ની હો તો કૈસી... ?
- બાજુવાલે કે ઘર મેં હૈ ઐસી... !
(શિવનારાયણ એસ., વડોદરા)

* 'એનકાઉન્ટર'માં સવાલ પૂછવા મોબાઈલ અને સરનામું લખવું કેમ જરૂરી ? આપ કોઈના ઘેર જતા તો નથી ?
- કોઈ મારા ઘેર આવી ન જાય માટે.
(રૂચિ પંડયા, ગાંધીનગર)

* શિક્ષિત જ્ઞાતિઓમાં પણ લગ્નવિચ્છેદના કિસ્સાઓ વધી રહ્યા હોવાનું કારણ શું?
- માણસ શિક્ષિત હોય તો જ બુદ્ધિ આવે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* મનમોહન તેમનો જમણો હાથ ખિસ્સામાંથી બહાર જ કેમ નથી કાઢતા ?
- એક જ ખિસ્સામાં બે હાથ રાખવા ન ફાવે માટે.
(રજનીકાંત ભૂંડીયા, દ્વારકા)

* 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' વિશે શું માનો છો ?
- કપિલની સ્પોન્ટેનીયસ કમેન્ટ્સ અને શોના સ્ક્રીપ્ટ-રાઇટરો ખૂબ સારા છે.
(ગોકુલ આર. પરીખ, મુંબઈ)

* ઈશ્વરે મનુષ્યનું સર્જન કર્યું, એ જ મનુષ્ય ઈશ્વરને ચેલેન્જ કેમ કરે છે ?
- મનુષ્ય પણ ઈશ્વર જ છે... ઈશ્વરને મનુષ્ય બનવાનું પરવડે એમ નથી.
(પુલીન શાહ, સુરેન્દ્રનગર)

* સાચા ધર્મપ્રેમીઓ દેશનો ઉદ્ધાર કરી શકે ?
- આ દેશને ધર્મપ્રેમીઓ જ ખાડામાં નાંખી રહ્યા છે.
(ડૉ. આર.પી. પટેલ, ઉત્તરસંડા)

* નમો ટી સ્ટૉલ સામે રાહુલ કૉફી સ્ટૉલ ચાલે ?
- તમારા સવાલમાંથી 'કૉફી સ્ટૉલ' શબ્દો કાઢી નાંખો.
(રસિક ધામી, જેતપુર)

* મોબાઈલ ફોનને ઘણા પ્રેમિકાની જેમ વળગેલા કેમ રહે છે ?
- તે કાન ઉપર દૂધી લટકાડીને ફરે તે સારૂં લાગે ?
(પ્રણવ કારીયા, મુંબઈ)

* તમને રાજ્યના ગૃહમંત્રી બનાવવામાં આવે તો દારૂની પરમિટને કેવું પ્રાધાન્ય આપો ?
- 'પરમિટ લઈને કે લીધા વગર, 
ક્યાં ચાલે છે કોઇને પીધા વગર?’
(શિવરાજસિંહ વાઘેલા, દરબારગઢ-થરા)

* 'એનકાઉન્ટર' સિવાય પોસ્ટકાર્ડનો ઉપયોગ બીજે થતો જોવા મળતો નથી...
- એટલે જ, પ્રાર્થના કરો કે, પોસ્ટકાર્ડ પ્રથા ચાલુ રહે !
(શશીકાંત મશરૂ, જામનગર)

* બાળક ડાબોડી થાય કે જમોડી... શું ફેર પડે છે ?
- કહે છે કે, જગતના સર્વોત્તમ પુરૂષો ડાબોડી હોય છે... (થેન્ક યૂ)
(જે.બી. દેસાઈ, વડોદરા)

* મહિલાઓના રક્ષણ માટે છેડતી, પીછો કે છુપાઈને તાકવાના અડપલાંને બિનજામીનપાત્ર ગૂન્હો ગણાયો છે... !
- હું પોલીસ-કમિશ્નર હોઉં તો આવા મવાલીઓને ઠોકવાની પબ્લિકને છુટ આપું.
(ઝરિના સદીકોટ, રાજકોટ)

14/03/2014

'હૂમાયૂન' ('૪૫)

ફિલ્મ : 'હૂમાયૂન' ('૪૫)
નિર્માતા-દિગ્દર્શક : મેહબૂબ ખાન
સંગીત : માસ્ટર ગુલામ હૈદર
ગીતકારો : અંજુમ પિલીભીતી, શમ્સ લખનવી, પંડિત મધુર, આરઝુ લખનવી, વિકાર અંબાલવી
રનિંગ ટાઈમ : ૧૧ રીલ્સ થીયેટર : સૅન્ટ્રલ ટૉકિઝ (અમદાવાદ)
કલાકારો : અશોકકુમાર, નરગીસ, ચંદ્રમોહન, વીણા, શાહ નવાઝ, કે. એન. સિંઘ, હિમાલયવાલા.
ગીતો
૧. નયના ભર આયે નીર, મેરે હઠીલે રાજા - શમશાદ બેગમ
૨. દાતા તેરી દયા સે દેશ હમારા
૩. અય ચાંદ તુ બતા દે, મેરે દિલ કો ક્યા હુઆ હૈ
૪. મેરી દુઆઓં કા યારબ અસર દિખા દેના
૫. મૈં તો ઓઢું ગુલાબી ચુનરીયા આજ રે - શમશાદ બેગમ
૬. રસ્મ-એ-ઉલ્ફત કિસી સૂરત નિભાયે ન બને - શમશાદ બેગમ
૭. હુસ્ન કહેતા જા રહા હૈ, બાદશાહી કુછ નહિ - શમશાદ બેગમ
૮. દોનોં હી કો બિગડી કિસ્મત ને દીવાના બનાકર - શમશાદ બેગમ
૯. ચાંદ ચમકા અંધેરે મેં આજ હૈ - શમશાદ બેગમ
(બાકીના ગીતોના પુરુષ ગાયકો વિશે માહિતી મળી નથી.)

'આમેહબૂબખાનની 'આન' અને 'મધર ઈન્ડિયા' આપણે જોઈ હોય ને ધાંય ધાંય કુરબાન થઈ ગયા હોઈએ, એટલે ભલે જૂની, પણ ફિલ્મ તો મેહબૂબ ખાનની છે ને, એ લાલચે 'હૂમાયૂન' જોઈએ ત્યારે ખબર પડે કે, મેહબૂબ ખાન પહેલેથી જ ગ્રેટ નહોતો... રાજ, દિલીપ, નરગીસની ફિલ્મ 'અંદાજ' પછી ગ્રેટ થયો, 'આન', 'મધર ઈન્ડિયા' અને 'સન ઓફ ઈન્ડિયા' પછી ફૂલટાઈમ ગ્રેટ થયો!

તેમ છતાં....તેમ છતાં....તેમ છતાં....

'લંગડા તો ભી શેર કા બચ્ચા હૈ...'ના ધૉરણે અશોકકુમાર નરગીસની આ ફિલ્મ 'હૂમાયૂન' એવી કોઈ બકવાસ ફિલ્મ નહોતી... ઓછી બકવાસ હતી! સાલ, ૪૫ની હતી, એટલે એ અને એ પછીના જમાનામાં આવેલી સમજો ને... ઑલમોસ્ટ તમામ ફિલ્મો ભારે બકવાસ હતી. આપણે આજ સુધી એ ફિલ્મોને પ્રેમો કરવા ટકી રહ્યા છીએ, એનું મોટામાં મોટું કારણ એ વખતનું ફિલ્મી સંગીત હતું. 'મેલડી' ઉપર આધારિત ગીતો હતા, એટલે '૪૬થી '૬૬ના બન્ને દશકોની ફિલ્મોના મોટા ભાગના ગીતો આપણને કંઠસ્થ નહિ તો હોઠસ્થ તો ખરા...! સુઉં કિયો છો?

'... અને આ ફિલ્મ 'હૂમાયૂન' ઉતરી ૪૫માં! જુઓ, કેવા ખેલ રચાયા છે! લતા, રફી, મુકેશ, મન્ના ડે, આશા, હેમંત કે તલત અને કિશોરવાળો આખો લૉટ ૪૬ની આસપાસ ઉતર્યો. આપણને ગમતા ગીતોની લ્હાણી આ લોકોએ આ તબક્કા પછી કરાવી, પણ ત્યાં સુધી જાહોજલાલી જેમને નામે હતી, તે શમશાદ બેગમ, જોહરાજાન, અમીરબાઈ કે નૂરજહાં અને સુરૈયાઓ પાસે હતી. પુરુષોમાં સાયગલ-પંકજ મલિક પણ એવા કોઈ ચલણમાં નહોતા. એમના પૂરતા ગીતો પૂરતી જ ફિલ્મો. સંગીતકારો તો ઘણા હતા પણ મુખ્ય બે નૌશાદઅલી અને માસ્ટર ગુલામ હૈદર. અને આ બન્નેએ પણ એવા કોઈ મોટા મોર આ સમયગાળા દરમ્યાન નહોતા માર્યા, પણ અનિલ બિશ્વાસની જેમ એમની ગણત્રી પણ 'એ મ્યુઝિશિયન વિથ અ બ્રેઈન'માં થતી, મતલબ સંગીતની સમજ ઊંચી. પણ એ સમજનો અનુવાદ સફળતામાં ભાગ્યે જ થતો. ગુલામ હૈદરે 'ખજાનચી'માં ધડબડાટી બોલાવી દીધી હતી અને ખાસ તો શમશાદ બેગમના કંઠે 'સાવન કે નઝારે હૈ...' જેવા સુરીલા ગીતોએ માસ્ટરને ઊંચા તખ્ત પર બેસાડી દીધા હતા.રેહાના ખભાની આગળ બે ચોટલા રાખી, એની સખીઓ સાથે સાયકલ પર આ ગીત ગાય છે, તે યાદ હશે જ !

લતા મંગેશકર હજી આવી નહોતી, ત્યારે શમશાદબાઈ ગુલામ હૈદરની પેટ હતી. 'હૂમાયૂન'ના તો કેવા રસઝરતા ગીતો ગવડાવ્યા છે! હું ય જાણું છું કે 'હુમાયૂન'નું એકે ય ગીત તમે સાંભળ્યું ન હોય, પણ આદાબ સાથે તમને વિનંતી તો કરી શકાય કે, મારી ઉપર વિશ્વાસ રાખજો અને મળે તો આ ફિલ્મના ગીતો ખૂબ વાર સાંભળજો. માસ્ટર ગુલામ હૈદર અને શમશાદ બેગમ બન્ને માટેનો અહોભાવ વધી જશે. તવાયફી બ્રાન્ડના ગીતોના એ જમાનામાં માસ્ટર ગુલામ હૈદરે 'મૅલડી'ની શરૂઆત કદાચ આ ફિલ્મથી જ કરી દીધી હતી.

લતા લગભગ આજ ગાળામાં ગુલામ હૈદરના પરિચયમાં આવી. મૂળ દાંતના ડૉક્ટર એવા આ સંગીતકાર તાબડતોબ લતાના દોસ્ત બની ગયા. સ્ટુડિયોમાં ય પરાંની ટ્રેનમાં બન્ને સાથે જાય, એમાં એક દિવસ ટ્રેનની રાહ જોવામાં લતા અને માસ્ટર પ્લેટફોર્મ પર ઊભા હતા. કોઈ ચમકારો થયો હશે ને, માસ્ટરે એમના સિગારેટના ગોળ ડબ્બાના ઢાંકણા ઉપર આંગળીઓથી તાલ દેવા માંડયા અને કોઈ તરજ ગણગણવા માંડી ને લતાથી અહોભાવથી 'વાહ...' બોલાઈ જવાયું, ને એ જ ક્ષણે ફિલ્મ 'મજબૂર'માં લતાના ખૂબ પ્રસિદ્ધ ગીત, 'દિલ મેરા તોડા હાય મુઝે કહીં કા ન છોડા...' ગીતની બંદિશ બની ગઈ.

આજની ફિલ્મ 'હુમાયૂન'ના ગીતો અત્યંત મીઠડાં છે, એવું મેં તમને કીધું ને તમે માનજો ય ખરા. નવાઈઓ લાગી શકે, પણ ફિલ્મમાં શમશાદના તમામ ગીતોનો લય એક જ છે ને છતાં ય એકબીજાથી વિભિન્ન છે.

યસ. સાયગલ સાહેબના જમાનાના ચાહકોને ખબર હોય જ કે, એ વખતના ફિલ્મી ગીતોમાં પર્કશન્સ એટલે કે, ઢોલક-તબલાં ગીતના કેવળ સપોર્ટ પૂરતા વાગતા. ઢોલક તો હજી આવ્યું જ નહોતું (જેને પાછળથી માસ્ટર ગુલામ મુહમ્મદે શરૂ કર્યું.) પણ સાયગલના કે એ સમયના તમામ ગીતોમાં તબલાં સાંભળો, તો મટકી વધારે લાગે. હજી ટીપના તબલાં આવ્યા નહોતા. મોટા મોંઢાના તબલાં એકલા જ વાગતા. એ સમયના તમામ સંગીતકારો ભારતીય પરંપરાની રિધમમાં કૈદ હતા. વર્ષો પછી ગૌવાનીઝ સંગીતકારો ઍન્થની ગોન્સાલવીસ અને સેેેબેસ્ટીયન જેવાઓએ રિધમમાં ઢોલકી અને નાલના વૅરિએશન્સ શરૂ કર્યા. રાજ કપૂરની ફિલ્મ 'આવારા'માં 'ઘર આયા મેરા પરદેસી...' ગીતમાં રિધમ-સેક્શનમાં આવી ઢોલકી-નાલનો ઉપયોગ તરત દેખાઈ આવશે. મહારાષ્ટ્રના લોકસંગીતનો અતિપ્રસિદ્ધ લાવણી-ઠેકો ય હવે શરૂ થઈ ચૂક્યો હતો ને હિંદી ફિલ્મોના સંગીતના રિધમ-ઍક્શનનો મિજાજ બદલાઈ રહ્યો હતો.

હજી સાયગલ-પંકજના ગીતો સાંભળો તો વધુ ખ્યાલ આવશે કે, રિધમ તો જાવા દિયો, ગાયકીના અંતરામાં પણ મોટા ભાગે વૉયલિન ગાયકને ફોલો કરે જતી હતી એટલે કે, 'એક બંગલા બને ન્યારા...' ગીત ગવાતું હોય ત્યારે ૨૦-૨૫ વૉયલીનો ગીતના અંતરાઓમાં સાયગલ જે ગાતા હોય, એ જ સુર કાઢીને વાગે જાય. એ તો વર્ષો પછી આ ગોવાનીઝ સંગીતકારો... ને એમાં ય ખાસ કરીને ઍન્થની ગોન્સાલવીસ 'ઓબ્લિગેટો' લઈ આવ્યા. 'ફર્માઈશ કલબ'ના એક કાર્યક્રમમાં ગુજરાતના મશહૂર સંગીતનવાઝ શરદ ખાંડેકરે શ્રોતાઓને આ 'ઑબ્લિગેટો' શું છે, તેનું રસદર્શન કરાવ્યું હતું, અર્થાત, ગીતમાં 'યાદેં ન જાય, બીતે દિનોં કી, જેવા ગીતોમાં અત્યાર સુધી એ જ ઢાળમાં વૉયલીનો વાગતી હતી. ઑબ્લિગેટોમાં ફેરફાર એ થયો કે, મૂળ ઢાળને સપૉર્ટ કરે, એવી પણ જુદી તરજ બૅક-ગ્રાઉન્ડમાં વાગતી રહે. જેમ કે, 'યાદેં ન જાયે....' એટલા જ શબ્દો ગવાઇ જાય, એની સાથે સાથે જે ધૂન વાગે, તે ઑબ્લિગેટો !

લાવણી-ઠેંકાનો મહત્તમ ઉપયોગ સી. રામચંદ્રે કર્યો છે. સાથે મૅન્ડોલીન હોય !

આપણા ઍન્થનીભાઈ કે સેબેસ્ટીયન જેવા મ્યુઝિક ઍરેન્જરોએ ઓબ્લિગેટો દ્વારા એ બતાવ્યું કે, ગીતને ફોલો કરવાને બદલે સપોર્ટ કરો. મતલબ હવે એ ગીત આ વાંચતા વાંચતા બાજુમાં વગાડતા જાઓ. 'યાદેં ન જાયે...' પછી તરત જ બેકગ્રાઉન્ડમાં વોયલિનના જે પીસ વાગે છે, તે ગીતના ઢાળેઢાળમાં વહે જતા નથી... કંઈક જુદું વાગે છે, તે ઓબ્લિગેટો.

કંઈક જુદું કરી બતાવવામાં તો આ મહાન નિર્દેશક મેહબૂબ ખાનનો ય હાથ સારો બેસી ગયો હતો. ભલે ને ફિલ્મ 'હૂમાયૂન' કોઈ ગ્રેટ ફિલ્મ નહોતી. છતાં એ જમાનામાં આવી પોષાક ફિલ્મ ઉતારવી, કોઈ નાની માંના ખેલ નહોતા. ફિલ્મના બહારી દ્રશ્યો માટે તો જયપુરનો રાજમહલ વાપરવા લીધો છે, પણ મહેલના અંદરની દ્રશ્યોને પકડવા માટે મેહબૂબે બનાવેલા સેટ્સ લાજવાબ છે. ઐતિહાસિક ફિલ્મ બનાવવી અન્ય ફિલ્મો કરતા અનેકગણી મોંઘી પડે. ખાનસાહેબે મોંઘા-સસ્તાની ચિંતા એમની કોઈ ફિલ્મમાં નથી કરી. 'હૂમાયૂન'માં વાતાવરણ ચોક્કસ ઊભું કર્યું છે, ફિલ્મને શાહી બનાવવાનું!

આમ જોવા જઈએ તો, ૪૫ની સાલના સમયગાળાના હિસાબે 'હૂમાયૂન' પણ મલ્ટિસ્ટાર ફિલ્મ હતી. અશોકકુમાર, વીણા, નરગીસ, શાહ નવાઝ અને કે. એન. સિંઘ જેવા કલાકારો એ જમાનામાં ય મોંઘા પડતા. મેહબૂબે એની ચિંતા નહોતી કરી. નરગીસ તો આ ફિલ્મથી જ મેહબૂબ ખાનની લાડકી બની ગઈ અને પોતાની આવનારી ફિલ્મો 'અંદાઝ' અને 'મધર ઈન્ડિયા'માં ય એને જ લીધી. 'આન'માં પણ નરગીસ જ હોત, પણ રાજ કપૂર સાથે નરગીસના પ્રણયફાગથી ધૂંધવાયેલા દિલીપ કુમારે મેહબૂબ પાસે જીદ કરીને નરગીસને ખદેડી મૂકાવી, ૪૫ની સાલમાં બનેલી 'હૂમાયૂન' વખતે અફ કોર્સ, રાજ-નરગીસની પ્રેમકથા શરૂ નહોતી થઈને અશોકકુમાર સૌથી ટોચનો હીરો હતો, માટે નરગીસની સામે એને લેવાયો. આમે ય, પ્રણયના ફાગ ખેલતા હીરો તરીકે અશોક કુમાર કેટલો સ્વીકાર્ય બને, એ ચાની કીટલી પર ચર્ચા કરવાનો સબ્જૅક્ટ છે. આ ફિલ્મમાં તો એ ૩૪ વર્ષની જ ઉંમરનો છે. નરગીસ, ૨૯માં અને દાદામોની, ૧૧ની સાલમાં જન્મેલા, એટલે જુઓ ને, કેટલા થયા... યસ, બન્ને વચ્ચે ૧૮ વર્ષનો ડીફરન્સ એ જમાનાના પ્રેક્ષકોએ ચલાવી લીધો... આજે તો બધાના ઘરની બાઓ ખીજાય! નરગીસનું મૂળ નામ 'ફાતિમા રશિદ' અને એ જદ્દનબાઈની દીકરી હતી. જદ્દનબાઈનું નામ જવાહરલાલ નેહરુથી માંડીને હાલના કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા સુધી અંગત હતું. જદ્દનબાઈ અભિનેત્રી, ગાયિકા અને એક જમાનામાં અલ્લાહાબાદના તવાયફ પણ હતા. પણ દીકરીને કન્વૅન્ટમાં ભણાવીને મોટું કામ કર્યું. નરગીસ બહુ ડીસન્ટ લેડી હતી. યોગાનુયોગ એવો બન્યો કે, ઈ.સ. ૧૯૩૫ની ફિલ્મ 'તલાશ-એ-હક્ક'માં પહેલીવાર કેમેરાનો સામનો બાળ કલાકાર તરીકે કરનાર નરગીસની પહેલી ફિલ્મ 'તમન્ના' (૧૯૪૨) હતી, જે ગાયક મન્ના ડેની પણ પહેલી ફિલ્મ હતી. દેવ આનંદની ફિલ્મ 'ગાઈડ'માં દેવના ખાસ દોસ્ત બનતા મુસલમાન ડ્રાયવરનો રોલ કરનાર અનવર હુસેન નરગીસનો ભાઈ ખરો. બન્ને જદ્દનબાઈની કૂખે જન્મેલા (બીજો ભાઈ અખ્તર હુસેન, જે ફિલ્મ 'પ્રેમ પૂજારી'માં દેવ આનંદની સેકન્ડ હીરોઈન ઝાહિદાના પિતા થાય!) પણ અનવર હુસેનના પિતા અલગ. 'નરગીસ' નામ પડયું હોય, એટલે 'નાર્સિસસ'નો અપભ્રંશ 'નરગીસ' થયો હોઈ શકે!

૧૯૦૫માં જન્મીને ૧૯૪૯માં ગૂજરી ગયેલો અદાકાર ચંદ્રમોહન ખાસ તો એની મોટી માંજરી આંખો માટે પ્રખ્યાત હતો. મધ્યપ્રદેશના નરસિંગપુરમાં જન્મેલા આ ઍક્ટરની ખૂબી તેના અવાજ અને સંવાદ બોલવાની સખ્ત અદાયગીમાં હતી. વ્હી. શાંતારામે ઠેઠ ૧૯૪૩માં ચંદ્રમોહનને ફિલ્મ 'અમૃત મંથન'માં પેશ કર્યો, ત્યારથી એની આંખો દેશભરમાં છવાઈ ગઈ હતી. એ જમાનામાં ફિલ્મ ચાહકો આજે ય ચંદ્રમોહનને ખાસ તો એની આંખો માટે વધુ યાદ કરે છે. વિધિ ખેલ પણ કેવા રચાવે છે? આ માણસ મૂળ તો કે. આસીફના 'મુગલ-એ-આઝમ'માં જીલ્લે-ઈલાહી શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબરનો રોલ કરવાનો હતો અને ૩-૪ રીલ જેટલું શૂટિંગ પણ થઈ ગયું હતું, પણ મૌત કેવું આવ્યું? જે માણસ હિંદુસ્તાનના શહેનશાહનો રોલ કરવાનો હતો, એ ભિખારીની દશામાં ગૂજરી ગયો ને શૂટિંગ કૅન્સલ કરીને પાપા પૃથ્વીરાજ કપૂરને અકબર બનાવાયા. હતી પર્સનાલિટી શાહી, એટલે સોહરાબ મોદીની ફિલ્મ 'પુકાર'માં ચંદ્રમોહને શહેનશાહ જહાંગીરનો અને મેહબૂબખાનની જ ફિલ્મ 'રોટી'માં સેઠ ધરમદાસનો કિરદાર નિભાવ્યો હતો.

એવી જ આ ફિલ્મની સાઈડ હીરોઈન વીણા વિશે આપણે હમણાં જ લખી ચૂક્યા છીએ, પણ મુખ્ય હીરોઈન નરગીસ અને અશોકકુમારની કેમેસ્ટ્રી 'હુમાયૂન'માં કેવી રીતે બની, તે નાનકડા આશ્ચર્યની ઘટના છે. નરગીસ-અશોકકુમાર એ પછી તો નીતિન બોઝની ફિલ્મ 'દીદાર'માં દિલીપ કુમારની સાથે આવ્યા હતા, પણ હતું એવું કે, નરગીસ રાજ કપૂર સાથે જોડાયેલી હોવાથી દિલીપ કુમારની ગૂડ-બૂકમાં હરગીઝ નહિ. દિલીપ કુમારને પાછું રાજ કપૂર અને અશોક કુમાર સાથે ય કંઈ એકબીજાના ઘેરથી દહીંનું મેળવવા મંગાવી લેવાના સંબંધો સહેજ પણ નહિ...નહિ તો રાજ કપૂર અને અશોક કુમાર તો ચેમ્બૂરમાં આસપાસ જ રહેતા હતા. આ બાજુ દેવ આનંદનો આનંદ સ્ટુડિયો અને દિલીપ કુમારનો બંગલો એકબીજાને અડીને, પણ હરામ બરોબર બન્ને ક્યારેય એકબીજાને ત્યાં દસના છુટા માંગવા ય જતા હોય! અશોક કુમાર અને દેવ આનંદ વચ્ચે અફ કોર્સ, સગા ભાઈઓ જેવા સંબંધો છેક સુધી જળવાયા, પણ આ ફિલ્મ 'હૂમાયૂન'માં અશોક અને નરગીસ સાથે હોય, એ વાત એ સમયના ચાહકો માટે પણ ઈન્ટરેસ્ટિંગ હતી.

દિગ્દર્શક મેહબૂબ ખાન હોવા છતાં ફિલ્મના ઍડટિંગ ઉપર અનેક જગ્યાએ ધ્યાન અપાયું ન હોવાથી, બે-ચાર દ્રષ્યોમાં એવું પણ બન્યું છે કે, બે પાત્રો વાત કરતા હોય, ત્યારે શૂટીંગ વખતે કૅમેરા ચાલુ થાય, એ પહેલા પાત્રો સ્થિર ઊભા હોય ને દિગ્દર્શક સ્ટાર્ટ આપે એ જ ઘડીએ પેલા લોકોએ ઍક્ટિંગ ચાલુ કરી દેવાની હોય, પણ એની થોડી ક્ષણો પહેલા તો બન્ને પાત્રો પોતાના સ્થાને સ્થિર ઊભા હોય. અહીં ખાન સાહેબે ધ્યાન નથી આપ્યું, એમાં સંવાદ કે દ્રષ્ય શરૂ કે પૂરું થયા પછી ય પાત્રો સ્થિર ઊભા હોય ને દિગ્દર્શક 'સ્ટાર્ટ' કહે કે, આ લોકો તરત જ હલવા માંડે! ઑવરઑલ... ફિલ્મ ન જુઓ તો સારું, નહિ તો ભોગ તમારા...!

(સીડી સૌજન્ય : શ્રી નારણભાઈ મૂલાણી, મુંબઈ)

12/03/2014

બાબો બીજાને આવે ને હરખ આપણે કરવાનો ?

''અસોક, હાંજે ટાઇમશર ઘેર વે'લા આવી જાજો... ગૌતમભા'યની વાઇફ નીરાને બાબો આઇવો છે. આપણે-''

''ગૌતમની વાઇફને....? બાબો આયો ?? અઅઅઅ... આઇ મીન...ગૌતમને 'ડાઉટ' કોની ઉપર છે ?''

અચાનક આવા સમાચાર સાંભળીએ એટલે આપણે સારા ઘરના માણસો હચમચી તો જઇએ ને ? ડર લાગવા માંડે કે, પેલીએ કાંઇ બાફી તો નહિ માર્યું હોય ને ? ને આમે ય, હમણાં હમણાંથી આવા સમાચારોમાં હચમચવા ઉપર મારૂં બૉડી સારૂં બેસી ગયું છે. ઘણી વાર તો મેં કાંઇ કર્યું હોતું નથી, તો ય હચમચી જઉં છું, બોલો !

''નીરી બોલી ગઇ કાંઇ...?''

''સુઉં ઘેલાં કાઢો છો આવી વાતુંમાં ! કાંઇક તો સુભ-સુભ બોલો ! હાંજે વે'લા આવજો... આપણે એમના ઘરે હરખ કરવા જાવું પડશે.''

આપણે ત્યાં પ્રથા છે. બાબો બીજાને ત્યાં આવ્યો હોય એમાં હરખ આપણને થયો છે, એ બતાવવા 'હરખ કરવા' જવું પડે. હું પોતે જન્મ્યો ત્યારથી આજ સુધી સમજ પડી નથી કે, પ્રેગ્નન્ટ કોઇ બીજું થાય, એમાં હરખ આપણને શેનો થાય ? મૂળ ઘટનાએ આકાર લીધો હોય, ત્યારે આપણે તો ગામમાં હોઇએ બી નહિ, તો પછી કઇ કમાણી ઉપર હરખ કરવા આપણે જવાનું ? પણ હરખ કરવા માત્ર જવું જ નથી પડતું, ત્યાં જઇને હરખ થયેલો બતાવવો ય પડે છે. ચાર દિવસના બાળકની દાઢી ઉપર આંગળી દબાવીને સાલું લેવાદેવા વગરનું હસતું મોઢું રાખીને ''હુલુલુલુ'' બોલવું પડે. કરૂણા એ હોય કે, આપણે હજી હરખ કરવા પહોંચ્યા જ હોઇએ ને પાછળ પાછળ માં બહુચરના ભક્તો આ મોટ્ટા તાબોટા પાડતા પાડતા આવે. એ ય હરખ કરવા જ આવ્યા હોય... સાલું, કોઇ ત્રીજી પાર્ટી ત્યાં અચાનક આવી ચઢે તો ઓળખી ન શકે કે, આ બેમાંથી બહુચારજીવાળું કોણ ? આપણને સાથે જોવાથી કેવી આબરૂ જાય... બહુચરમાંના ભક્તોની ! એમની બાઓ ય ખીજાય !

મારી વાત ઢીલી પડે એમ હોવાથી તમે બધા વાચકો મને ટેકો આપજો કે, તાજું જન્મેલું બાળક સની લિયોનનું કેમ ન હોય, હાળું વાંદરા જેવું જ લાગતું હોય છે. એકે ય ઍન્ગલથી આપણને એના ઉપર વહાલ ન ઊભરાય. વ્યવહારિક વાત એ છે કે, બાળકને બદલે એની માં ને વહાલ કરી બતાવવાનું હોય તો મન મોટું રાખીને બતાવી આવીએ...એની માંની દાઢી દબાવીને ૮-૧૦ વખત પેલું 'હુલુલુલુ' ય કરતા આઇએ.... હઓ ! આપણા સંસ્કારી ઘરોમાં કદી માં-બાળક વચ્ચે ભેદભાવ ન હોય...! સુઉં કિયો છો ? પણ હવે પહેલા જેવા બાળકો ય ક્યાં જન્મે છે ? પહેલા જેવી માં તો હજી ય થાય છે.. આ તો એક વાત થાય છે !

હું તો બ્રાન્ડેડ કપડાં પહેરીને વાઇફ સાથે હરખ કરવા ગયો. આપણે રજનીગંધાના ફૂલો લેવા ગયા હોઇએ ને સામેથી કોઇ સિંગતેલનો ડબ્બો લઇને આવતું હોય એમ હોસ્પિટલમાં પહેલો જ સામે એનો ઢગા જેવો હસબન્ડ મળ્યો. મૂડનો કેવો કચરો થઇ જાય ? પાછો, એની પ્રસૂતિનું બિલ આપણે ચૂકવવાનું હોય એમ પ્રેમથી કહે, ''થેન્ક યૂ તમે આવ્યા... હવે કોઇ ચિંતા નહિ...!''

''ચિંતા... ? શેની ચિંતા ?'' મેં હેડકી ખાઇને પૂછ્યું.

''ખાસ કાંઇ નહિ... આ તો તમે જાઓ ત્યારે મારી સાળીને ઉતારતા જવાનું છે, એની ચિંતા હતી ને તમે આઇ ગયા.''

''એ ય પ્રૅગ્નન્ટ છે ?.. આઇ મીન, ત્યાં ય બાબો રમાડતા જવાનું છે ?''

''શું તમે ય તે, દાદુ ! અરે, મારા સાળી તો ૭૮- વર્ષના છે... (''તો ય, પ્રેગ્નન્ટ છે ?'' એનું પૂછવા જતો હતો, પણ આપણા જેવા સંસ્કારી ઘરોમાં હવે એવું કાંઇ થોડુ પૂછાય છે ? આ તો એક વાત થાય છે !)

વાઇફને ગામના બાબાઓ રમાડતા સારા આવડે. એ તો હરખ બતાવવામાં મેહફીલ જમાવી દે છે. આપણને તો હાળું એવું બધું આવડે ય નહિ. હું તો નીરાની ચિંતામાં સાઇડમાં અદબ વાળીને ઊભો હતો, પણ વાઇફે જમાવટ કરવા માંડી.

''ઓહો ઓહો... રાધારાણી તો લાગે છે ને કાંઇ...! અશ્શલ એની મમ્મી ઉપર ગઇ છે, કાં ? મોટી થાશે તીયારે એની મમ્મી જેવા લાંબા વાળ રાખશે ને... અલુલુલુલુ''

''ભાભી.. આ બાબો છે..બેબી નથી.'' ગૌતમીયાએ અકળાઇને ભૂલ સુધારી. ''તમને તો ખબર છે. ત્રીજી બેબી પછી અમારે બાબો આયો છે ! હવે ખમૈયા કરજો ભાભી...!''

વાઇફ ચોંકી ગઇ. અટકી ય ગઇ. ખમૈયા એની વાઇફે કરવાના હોય, મારી વાઇફે નહિ ! ''ઓહ, શ્યૉરી શ્યૉરી, હોં ! અમારા અસોકને કાંઇ યાદ નો રિયે ને મારી પાસે આવું બફાવે ! હવાર-હવારમાં એમણે જ મને 'બેબી' કીધું તું. હશે ભા' આય... બાબો તો બાબો. હવે ક્યાં પે'લા જેવું રિયું છે કે, બેબી જ જોઇએ ! બાબા ય સાત ખોટના હોઇ છે..''

પછી મને કોર્નરમાં લઇ જઇને પૂછવા માંડી, ''આ લ્લે લે..અસોક, આઇ ગૌતમભા'આયને બાબો આઇવો, તો આપણે ગઇ કાલે જલેબી કોની ખાઇ આઇવા...?''

''ડાર્લિંગ... બાબો ગૌતમને નહિ, એની વાઇફ નીરાને આવ્યો છે. ગૌતમ એવો માણસ જ નથી...!''

''હવે આંઇ મજાકું બંધ કરશો ? બચ્ચાડાને તઇણ બેબી પછી બાબો આઇવો.. ઇશ્વરને ગયમું, ઇ ખરૂં.''

''ડાર્લિંગ... આ સેશનમાં આપણે બેસણાંમાં નહિ, પ્રસૂતિગૃહમાં આવ્યા છીએ... ઇશ્વરને ગમવાવાળું અહી ન બોલાય... થોડું ધ્યાન રાખતી જા, વાઇફ ! ગયા શુક્રવારે ભીનુંમાસાને હાર્ટ-એટેક આવ્યો, તેની ખબર કાઢવા ગયા'તા, ત્યાં ય તે પૂછી નાંખ્યું, ''આ કેટલામો...?'' આપણે સંસ્કારી માણસો છીએ, વસ્તી-ગણત્રીવાળા નથી તે ગામના હાર્ટ-ઍટેકો ગણતા રહીએ.''

ફ્રૅન્કલી કહું તો સરખો હરખ કરતા મને ય નથી આવડતા. આપણા મનમાં પાપ નહિ, પણ પૂછાઇ એવું જાય કે, ''આ અત્યારથી બાબાનું મોઢું ચીમળાઇ ગયેલું કેમ આયું છે ?'' એ તો વાઇફ ગુસ્સે થઇને મને ખૂણામાં લઇ જઇને સમજાવે કે, ''સુઉં બાફાબાફ કરો છો, તી ? તાજા જન્મેલા બાળકુંના મોંઢ્ઢા આવા ચીમળાઇ ગયેલા જ લાગે.''મને એ એ ય સમજાવે કે, તમને બાળકને તેડતા જ નથી આવડતું. એટલે ત્યાં હખણા રહેવું. વાઇફને એ યાદ હતું કે, ગઇ વખતે મધુના બાબાનો હરખ કરવા ગયા, ત્યારે હોંશમાં ને હોંશમાં મેં... કિચનની સિન્કમાંથી મહારાજ ભીનું પોતું બહાર કાઢે, એમ ઘોડીયામાંથી બાળકને ઉચક્યું હતું. કહે છે કે, બાળકને બે હાથે આડું તેડવું જોઇએ ને પછી ડાબે-જમણે 'હુલુલુલુ' કરતા કરતા હલાવે રાખવાનું હોય. આપણને પર્સનલી કાંઇ ૨૦-૨૫ બાળકો અવતર્યા ન હોય તે બધું યાદ હોય ને આમાં તો પ્રેક્ટિસ જોઇએ. કહે છે કે, 'પ્રૅક્ટીસ મૅઇક્સ ધ મૅન પરફૅક્ટ' હવે એ પ્રૅક્ટીસ પાડવા આપણે મૅટર્નિટી હોમે-હોમે ગામના છોકરાઓ રમાડવા ન જવાનું હોય. હા, એટલું કબુલ કરૂં છું કે, મમ્મીઓ આપણને લેવા-દેવા વગરના 'અન્કલ' બનાવીને છોકરા આપણા હાથમાં પકડાવી દેતી હોય છે, એટલે કંટાળુ એટલે બાળકની પાછળ વગર વહાલનો એક ચીટીયો ભરી દઉં, એમાં કાંઇ છોકરૂં ખોડખાંપણવાળું થઇ જવાનું નથી, પણ આપણે તો છુટીએ ને ? ગમે તેમ તો ય, આપણે સંસ્કારી ફૅમિલીઓમાંથી આવીએ છીએ...સાલું લિનનના મોંઘા શર્ટ ઉપર મૂતરે તો નૉટ આપણી છપાઇ જાય. લોકો વાતો કરે કે, ઘેરથી જ આવા શર્ટો પહેરીને બહાર નીકળતા હશે ? ડાઉટ આપણા ઉપર જાય. કેમ કોઇ બોલતું નથી ? કોઇ પંખો ચાલુ કરો.

હરખ કરવા જવાનો રિવાજ આમ તો સારો છે. ગમે તેમ તો ય, બાળકનો ફાધર કોઇ ભીષણ યુધ્ધ જીતી લાવ્યો હોય, એવો હરખાતો હોય છે. ઘણાને પોતાની શક્તિઓ ઉપર નાઝ થાય છે. તો ઘણાની આબરૂ બચી જાય છે ને ઘણાની બાંધી મુઠ્ઠી લાખની રહી જાય છે.

સિક્સર

''કોંગ્રેસને વૉટ આપશો તો રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે.''

આ સૂત્ર કોંગ્રેસ અને ભાજપ બન્ને વાપરે છે.