Search This Blog

06/02/2013

લિફ્ટ બંધ પડે ત્યારે...

''હાય રામ... લિફ્ટ તો બંધ છે... આપણે ૧૫-માં માળે જવાનું છે... હાય હાય... હવે શું કરીશું ?''

''રીક્ષા કરી લઈએ...'' હૉરર ફિલ્મમાં કોઈ કૉમેડી સીન જોયો હોય, એવી ગભરાયેલી વાઈફે મને પૂછ્યું, એનો મેં જવાબ આપ્યો.

''શું તમારી કૉલમો જેવી ફાલતુ પીસીઓ મારો છો ! ૧૫-મા માળે રીક્ષા જતી હશે ?''

''હું રીક્ષા કરીને આપણા ઘરે પાછા જવાની વાત કરતો'તો...!''

પણ એ એક સજેશન હતું, સોલ્યૂશન નહિ. લિફ્ટ બંધ હોય તો દાદર, ને નહિ તો પાઈપ પકડીને ૧૫-મા માળે પહોંચવું તો પડે જ એમ હતું. છેલ્લા બે હજાર વર્ષોથી અમારા દવે-ખાનદાનની ટેકનિકલ મુશ્કેલી એ રહી છે, કે પાઈપ પકડીને ૧૫-મા માળે ચઢવાનું, તો બહુ દૂરની વાત છે, અમે લોકો તો ઘેર કોઈ આવ્યું હોય તો એમની સાથે નાની નાની વાતો ઉપરે ય ચઢી જતા નથી.

અમારે ૧૫-મા માળે જવાનું હતું. એ લોકો ફોન ઉપાડતા નહોતા. ગ્રાઉન્ડ ફલૉર પર અમારા જેવા બે-ત્રણ કપલ્સ ઊભા હતા. આવા ક્યાંય પણ બનાવો બને, ત્યારે વિધાઉટ ફૅઈલ લોકો એકબીજાને સિલી સવાલો પૂછતા રહે છે : ''લિફ્ટ બંધ છે...?'' સાલા, ચાલુ હોત તો તું અહીં નીચે ઊભો હોત ? તત્તણ હજારનું આપણે શર્ટ પહેર્યું હોય છતાં કેમ જાણે આપણે લિફ્ટ રીપૅર કરવા આવ્યા હોઈએ એમ પૂછે, ''...પણ બંધ થઈ કેવી રીતે ?''મેં કીધું, ''લિફ્ટનું કોલેસ્ટરોલ વધી ગયેલું, એમાં બંધ પડી ગઈ...!'' શરીરની પાછળ ૨૬-૨૬ કીલોનો એક ઢગરો ઉપાડીને ચાલતી એક મહિલાએ આવતાવ્હેંત પૂછ્યું, ''ઓ મ્મી ગૉઑ...ડ...! ક્યારથી બંધ છે ?'' મેં કહ્યું, ''હું તો અહીં લિફ્ટ પાસે ગયા મંગળવારનો જ ઊભો છું... એ પહેલાની બંધ પડી હોય તો ખબર નથી !''

એ કહેવાની જરૂર પડે એમ નથી કે, લિફ્ટ ગ્રાઉન્ડ ફલૉર પર ઊભી હોવા છતાં જે આવતું જાય એ લિફ્ટનું બટન દબાવે જ...! વળી, લિફ્ટનું બટન છતમાં ચોંટી ગયું હશે, એમ લેવા-દેવા વિનાના લોકો દર બબ્બે મિનીટે ઊંચે જોયે રાખે છે.

પત્ની જરા હિંમતબાજ ખરી. મને કહે, ''આપણે રિસ્ક લઈ જ લઈએ. નીચે ઊભા રહીને શું કરીશું ? ચાલો. દાદરો ચઢવા માંડીએ !''

હિંમતબાજની સાથે થોડી ગણત્રીબાજે ય ખરી કે, મૅરેજ પહેલા મુહબ્બતોના તાનમાં હું એને બે હાથોમાં ઉપાડીને શહેરના ગાર્ડનોમાં ઝાડની ગોળગોળ ફરતો... આટલી મજૂરી કરવા કરતા રીક્ષા કરી લેતો તો હું પછી થયો. અહીં એણે ધારી લીધું હતું કે, બીજા ત્રીજા માળે પહોંચ્યા પછી જો એ થાકી જશે, તો હું એને ઉપાડી લઈશ. એ નાદાનને ખબર ન હોય કે, માણસથી ઉપડી ઉપડીને કાચનો ગ્લાસ ઉપડે... પાણીની આખી ટાંકી ન ઉપડે...! વળી, આ પ્રોજૅક્ટ એવો છે કે, વચમાં આપણે થાકી જઈએ તો બીજાને ન કહેવાય કે, ''હવે તમે આને ઉપાડી લો... હું એકલો તે કાંઈ મરૂં...?'' ઈશ્વરમાં ગમે તેટલી શ્રધ્ધા હોય, છતાં આવા સમયે, ''હે દીનાનાથ... હવે નથી સહન થતું... તું આને ઉપાડી લે, પ્રભો !'' એવી પ્રાર્થના ન કરાય. ભલે બા ના ખીજાય !

હા. આપણે તો બીજા કોઈને આપણી વાઈફો ઉપાડવા ના આલીએ, પણ આપણા જેવો કોઈ બીજો એનું પોટલું આપણને ઉચકવા આપે તો હજી સાઈઝ-બાઈઝ, આકાર-બાકાર, વજન-બજન અને કુદરતની કરામતો જોયા પછી વિચારે ય કરીએ... સુઉં કિયો છો ? ', માનવી માનવીના કામમાં નહિ આવે તો બીજું કોણ આવશે ? આ તો એક વાત થાય છે !

હું અડધો દાદરો ચઢી ગયો ત્યાં સુધી વાઈફે સ્ટાર્ટ લીધો નહતો. છેલ્લી ઘડીએ કોઈ ચમત્કાર થાય, એ આશાએ બાજુમાં ઊભેલી એવી જ કોઈ દુઃખીયારીને પૂછ્યું, ''બેન... ૧૫-મો માળ બહુ દૂર છે અહીંથી...?'' જવાબમાં પેલીએ અફસોસ સાથે જણાવ્યું, ''મને બહુ ખબર નથી, બેન... હું તો ૧૪-મા માળે રહું છું !''

ત્રીજા માળ સુધી તો અમે બન્ને હાંફતા હાંફતા ય ચઢી ગયા. કોરિડોર ખાલીખમ્મ હતો. દરેક ફ્લોર પર ચાર ફલૅટ હતા પણ દરેકના દરવાજા બંધ. ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં શરીરથી ખૂબ થાકેલી અને ભાંગી પડેલી નરસીગનો ખેતરમાં હળ સાથે વીંટળાયેલો ફોટો બધાને યાદ છે. પત્ની એવી જ દુઃખિયારી અબળા થઈને કોક ફલૅટના દરવાજે વળગીને ઊભી રહી ગઈ, એમાં કૉલબૅલ વાગી ગયો. વાઈફ બેસી પડી. હું ય થાકીને જમીન પર બેસી ગયો હતો. એક મહિલાએ અડધો દરવાજો ખોલ્યો. કરૂણ ચહેરાવાળી મારી થાકેલી પત્નીને જોઇને એ બેન પણ દુખી થઇ ગયા, છતાં નમ્રતાથી બોલ્યા, ''બેન, હવે તો કાંઈ પડયું નથી... હમણાં જ બધું કાઢી નાંખ્યું... થોડા દાળ-ભાત પડયા છે... આપું ?''

સાંભળીને પત્નીમાં અચાનક ચેતના આવી ગઈ. સળગતી બીડી ઉપર બેસી ગઈ હોય એવી સ્પીડથી ઊભી થઈ ગઈ. ''ચલો અસોક, આંઈ રોકાવાય એવું નથ્થી... બેન કાંઈ જુદૂં હઈમજ્યા છે...!'' મને ય ખ્યાલ તો આવી ગયો કે, અમારે બન્નેએ અમારા બહારના દેખાવમાં સુધારા કરવાની બહુ જરૂર છે.

નીચેથી નીકળે તો અમને વીસેક મિનીટ થઈ ગઈ હતી ને હજી ચોથો માળ જ આવ્યો હતો. કોરિડોરમાં જમીન પર અમારા જેવું બીજું એક કપલ બેઠું હતું. અમારી જેમ કાઠીયાવાડનું હતું. અમારામાં આગતા-સ્વાગતા બઉ. થાકેલા તો ઈ લોકો ય હતા, છતાં ય માણસુંના જનમજાત સંસ્કારૂં કાંય જાંઈ છે ? એમણે અમને મીઠડાં આવકારૂં દીધ્ધાં.

''કિયાથી આવવું...?'' અમારા સૌરાષ્ટ્રમાં આવું બઉ. જી મલે ઈ પહેલો સવાલ તો આ જ પૂછે, ''કિયે ગામ રે'વું ? કોના ઘરે જાવું ? ગામમાં બધા ઘરના ઘર કે ભાડાંના ? ઘરમાં વઉવારું કેટલી ? કિયાંથી આવવું ?''

''અમે નીચેથી આઈવા... તમે ?'' મેં હામું પૂયછું.

''અરે ભાઆ'ય... હું તમારા ગામનું પૂછું છું... ગ્રાઉન્ડ-ફ્લૉરનું નંઈ...!''

મારા કાઠીયાવાડમાં કોક હામું મળે, પછી એ આપણા વખાણ કરે છે કે વખોડે છે, એની ખબર નો પડે. આપણા ખભે ધબ્બો મારીને કહેશે, ''જુઓ ભાઆ'ય... ગામમાં તમારા માટે જી કાંઈ વાતું થાતી હોય, બાકી આપણને તમારા માટે માન છે, હોં...!''

પછી તો એકબીજાના સુખદુઃખની ઘણી વાતું થઈ. ''કોક 'દિ ગોઈંડલ બાજુ નીકરો, તો ઘરે જરૂર પધારજો'', એની સામે અમે ય વળતો વિવેક કઈરો કે, ''કોક 'દિ ૧૫-મા માળે પહોંચો તો ફલૅટ નં. ૧૫૦૪-માં જરૂર આવજો... અમારા દૂરના સગાનો જ ફલૅટ છે...!'' જેની ભીંતે ટેકા દઈને અમે બેઠા'તા, ઈ ભાઆ'ય પણ કહેવા આઈવા કે, ''જરા ધીરેથી વાતું કરો... માઇલી કોર અમે ડિશ્ટર્બ થાંઇ છીં...!'' આ મારા કાઠિયાવાડ અને ગુજરાત વચ્ચે તફાવત. બહાર ઇ લોકો બેઠા હોત ને માઈલી કોર અમે હોત તો, અમે થાળીયું પિરસીને એમના હાટું જમવાનું મોકલીએ. ચા-પાણીના ભાવું પૂછીએ. પણ હવે કિયાં મો'ર જેવા માણસું થાઈ છે...?''

રામરામ કરીને આંખમાં કરૂણાના ભાવ સાથે અમે વિદાય લીધી, ઉપરના માળે જવા માટે. અમે કાઠીયાવાડીઓ છુટા પડતી વખતે ઢીલા બઉ થઈ જાંઈ... એમની પાંહે આપણું કાંય રઈ ગયું તો નંઈ હોય ને, ઈ ચિંતામાં ?

શરીરમાં જોમ અને મનમાં સાહસની ભાવનાને સહારે-સહારે બીજા બે માળો અમે આસાનીથી ચઢી ગયા. આપણે અંબાજીનો ગબ્બર ચઢતા હોઈએ, ત્યારે માર્ગમાં આવતા-જતા અન્ય યાત્રાળુઓ એકબીજાને પૂછતા રહે કે, ''હવે કેટલું છે ?'' એમ મેં કૅલ્ક્યુલૅટરમાં ગણીને જાણી લીધું કે, સાતમાં માળે પહોંચ્યા છીએ. પંદરમાંથી સાત બાદ કરીએ તો આઠ રહે, એટલે એક મુસાફરની પૂછપરછના જવાબમાં મેં આઠ બાકી રહ્યા, એવું કીધું. મારી ચોકસાઈથી એ પ્રભાવિત થયો.

પણ આઠમાં માળે ભારે કૌતુક થયું. હાઈ-વે પર અકસ્માત થયો હોય ને ઘાયલો આમથી તેમ પડયા હોય, એમ એક આખા ફૅમિલીના માણસો કોરિડોરમાં વેરવિખેર સૂતેલા પડયા હતા. કોઈના બોલવાના હોશ નહોતા. અમે હેબતાઈ ગયા. આપણને મૅડિકલનો શોખ, એટલે જમીન દોસ્ત થયેલા એક વડિલના હાથની નાડી તપાસી જોઈ. મને ફિલ્મોમાં પેલું બહુ ગમે. ઢળી પડેલી કોઈ વ્યક્તિની નાડી તપાસીને, ડૉક્ટર કટાણું મોંઢું કરીને, ફક્ત ઈશારાથી મોંઢું મચકોડે, એટલે આપણે સમજી જવાનું કે, પાર્ટી ઉકલી ગઈ છે.

એટલે જ મને નાડીઓ તપાસવાની સૉલ્લિડ હૉબી. નસીબ સારૂં હોય તો આપણને ય મોંઢું મચકોડવાના ચાન્સ મળે.

પણ માણસ ધારે કે કંઈક, પણ ઈશ્વર કરે એમ જ થાય છે. આજે પણ મારૂં નસીબ નહોતું. મારો હાથ અડતાની સાથે જ વડીલમાં જાગૃતિ આવી. મને કહે, ''મને કાંઈ નથી થયું... ત્યાં જરા તમારી બાનો હાથ જોઈ જુઓ.''

''મારી બા...?'' ક્ષણભર માટે આઘાત લાગી ગયો કે, ''ફાધર... યૂ ટુ...????''

બ્રૅકિંગ-ન્યૂસ પ્રમાણે તો નાડી પત્નીની પણ તપાસી જોવી પડે એમ હતી, પણ મને તો પછી આળસ ચઢી ગઈ !

બે-ત્રણ કલાકનો ત્યાં જ વિરામ કર્યા પછી અમે ઉપરના માળે પ્રયાણ કર્યું. ત્યાં કંઈક નવું જોયું. એક ફૅમિલી પત્તા લઈને તીનપત્તી રમવા બેસી ગયું હતું. મને કહે, ''અમે તો ગઈ કાલે બપોરના નીકળ્યા છીએ... હજી ત્રણ માળ ઉપર જવાનું છે. રસ્તામાં ગરમ ગોટાં કે ચા-પાણી તો મળે નહિ, એટલે ટાઈમપાસ માટે તીનપત્તી રમીએ છીએ. અમારી આગળની બૅચ તમને ઉપરના માળે મળશે... એ લોકોએ 'ગન્ગનમ ડાન્સ'નો પ્રોગ્રામ રાખ્યો છે...!''

એ તો પછી ખબર પડી કે, આ ફ્લૅટમાં લિફ્ટ બંધ થવાનું તો કાયમનું છે, એટલે ફલૅટના ઍસોસિએશન તરફથી દરેક ફલોરે-ફલોરે ફાયરબ્રિગેડના કબાટમાં આ લોકોએ પત્તાની કૅટો કૉઈન્સ સાથે રાખી મૂકી છે. પૈસા પોતાના કાઢવાના !

મને બરોબર યાદ છે, અમે ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૩ની બપોરે ૩.૪૫ વાગે ૧૫-મા માળે પહોંચ્યા હતા. ગ્રાઉન્ડ ફલૉર પરથી નીકળ્યા ત્યારે મારી ક્લીન-શૅવ હતી. અત્યારે દાઢીવાળો બાવો બારણે આવ્યો હોય, એવો લાગતો હતો. વાઈફે પણ સફળતાપૂર્વક પ્રવાસ પૂરો કર્યો, એમાં આઘાત કરતા આનંદ વધુ હતો કે, હું એની કોઈ મદદ વગર ઉપર સુધી આવી ગયો. નહિ તો રસ્તામાં એવા ય મકામ આવ્યા હતા કે, લાલચ થઈ જાય કે પત્ની બે-ત્રણ માળ સુધી મને ઉચકી લે તો એનું જરા સારૂં દેખાય ને આપણને બે ઘડી આરામ મળે !
ફલૅટ નં. ૧૫૦૪-નો કૉલબૅલ દબાવ્યો. એક અજાણી સ્ત્રીએ ગુજરાતીમાં દરવાજો ખોલવા છતાં મને ઈંગ્લિશમાં પૂછ્યું, ''યેસ...???'' મેં ઓળખી નહિ, એટલે પૂછ્યું, ''કેમ, આ મસ્તુભ'ઈનું મકાન નહિ ? મસ્તુભ'ઈ મેહતા...??''

''ઓહ...હાઉ સિલી ઑફ યૂ...! મસ્તુભ'ઈ સી-બ્લૉકમાં રહે છે... સી-બ્લૉકનો ૧૫૦૪ નંબર... આ તો એ-બ્લૉક છે... ત્યાંની લિફ્ટ તો ચાલુ છે...!'' એમ કરીને દરવાજો બંધ કરી દીધો.

તારી ભલી થાય, ચમની...! ભલે તું અમારી મંઝિલ નહોતી, પણ અમને અંદર બોલાવ્યા હોત તો તારૂં કેવું સારૂં લાગત ? ને એવું હોત તો વાઈફને બહાર ઊભી રાખત...!

૧૫-માળના બિલ્ડીંગમાં લિફ્ટ બંધ પડે ત્યારે આખું બિલ્ડીંગ જમીનમાં ૧૫-માળ સુધી સરકાવી શકાય એવી શોધ ભવિષ્યમાં થાય ત્યારે મને યાદ કરજો. જગતભરમાં આ વિચાર પહેલા મને આવ્યો છે, જે સમાજને વાપરવા દેવા માટે હું કોઈ ચાર્જ લેવાનો નથી. 

સિક્સર
''આ શનિ-રવિ તો હું નથી... અમે લોકો સાસણ-ગીર જઈએ છીએ.'' મારૂં પ્રવચન રાખવા માંગતા એક આયોજકને મારે કહેવું પડયું.
''કેમ, સાસણ-ગીર...?''
''મેં 'કુ.. સગાવહાલાઓને જરી મળતા આઈએ...!''

04/02/2013

એનકાઉન્ટર 03-03-2013

૧. 'આપ ગુજરાતના સર્વોત્તમ હાસ્યલેખક છો', આ નિરીક્ષણ સાથે શું આપ સહમત છો?
- સહેજ પણ નહિ... પણ ગુજરાતના સાડા પાંચ કરોડ વાચકો મારી સાથે સહેજ પણ સહમત થતા નથી, બોલો!
(પ્રિયા પી.પટેલ,સુરત)

૨. શુ ઉત્તરાયણ આપનો મનપસંદ તહેવાર ખરો?
- હતો એક જમાનામાં ... પણ જેને જોવા અગાસી ઉપર વહેલી પરોઢથી તંબૂ તાણ્યા હોય, એ બધીઓને સાલા એની બાજુના ધાબાવાળાઓ લપટાઇને લઇ ગયા'તા... અમારે લચ્છા મારવાના અને પિલ્લું વાળવાના દહાડા આવેલા.... આજે ૪૦-વરસ પછી એ જ ડોસીઓને જોઉ છું, ત્યારે 'ઇશ્વર આપણી રક્ષા કરે છે,' એ વિધાન પર વિશ્વાસ બેસે છે. 'હાશ.. આપણે બચી ગયા.'
(પૂર્વી એમ.પ્રધાન, વડોદરા)

૩. મારી ઉપર પૈસા અને પ્રેમનો વરસાદ થાય, એ માટે મારે શું કરવું જોઇએ?
- મંદિરની બહાર ઊભા રહેવું જોઇએ.
( સંદીપ એચ.દવે, જુનાગઢ)

૪. 'ગુરૂ' (અફઝલ) ને ક્યાં સુધી આપણે દક્ષિણા આપે રાખવાની ?
- એને ફાંસી આપવાથી ડરતા કોંગ્રેસના જે કોઇ લાગતા-વળગતા હોય, એ બધાને દક્ષિણા મળે રાખે છે, ત્યાં સુધી તો ચાલુ જ રાખો.
(સલમા મણીયાર, વિરમગામ)

૫. ચાલુ કથાએ કથાકારો સ્ત્રી-પુરૂષોને બધાની વચ્ચે નચાવતા હોય છે, તે કેટલે અંશે યોગ્ય છે ?
- બહેનજી, હજી તો તમે ભક્તોની મર્યાદાઓ જોઇ નથી... એ લોકો જે કૃત્ય બારી-બારણાં બંધ કરીને કેવળ ઘરમાં જ કરી શકે, એ કથાકાર કહે તો બધાની વચ્ચે કરી બતાવે, એવા ધર્માંધ હોય છે.
(રમાગૌરી એમ.ભટ્ટ, ધોળકા)

૬. આખું વિશ્વ પ્રેમથી ચાલે છે, કિંતુ પ્રેમીઓ મળે, એ સહુને કેમ સાલે છે?
- ''બાપાનું રાજ ચાલે છે?'' એવી ફિકર કરીને પ્રેમીઓ મળતા હોય તો, બધું ચાલે ને બધું સાલે છે..!
(મધુકાંત જોષી, રાજકોટ)

૭. નેતાઓ ખુરશી માટે કેમ લડે છે ?
- ખભે ખાખી પટ્ટો પહેરીને મીટિંગની બહાર ઊભું રહેવું ન પડે માટે.
(કમલેશ સ્વદાસ, રાજકોટ)

૮. સ્ત્રીઓ પોતાનું વજન ઘટાડવા કેમ આટલી ઉત્સુક હોય છે?
- 'બીજાનું' વજન ઉતારાવીને એમને શો ફાયદો ?
(આશુતોષ સાંખલા, ડીસા)

૯. ઉત્તમ અભિનેતાઓ કે ગાયક-સંગીતકારો આપણી વચ્ચેથી જતા રહ્યા..નેતાઓ કેમ નથી જતા?
- એમાંનો એકે ય ઉત્તમ હોય તો જાય ને!
(ડો.સુરેન્દ્ર દોશી, રાજપિપળા)

૧૦. જૂની કહેવત 'પારકા બૈરા સૌને ગમે', એ હજી ચાલુ જ છે ?
- હા, એ તો આપણને પારકું બૈરૂ ગમે, પછી જ પૂરી થાય ને!
(પરેશ નાયક, નવસારી)

૧૧. અશોકભાઇ, આપની દ્રષ્ટિએ આજ સુધીનો શ્રેષ્ઠ નેતા અને શ્રેષ્ઠ અભિનેતા કોણ?
- નેતા પૂજ્ય ગાંધી બાપૂ અને અભિનેતા- ડો.મનમોહનસિંઘ
(ડી.કે.માંડવીયા,પોરબંદર)

૧૨. દેશમાં રામરાજ્ય તો નથી, છતાં દેશનો વહિવટ રામભરોસે કેમ ચાલે છે?
- રામ જાણે.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૧૩. ઇન્સાનીયતની કદર ન થાય તો શું માનવું?
- એ જ કે, આપણે અથવા કદર કરનારે, ઇન્સાન બનવાની હજી વાર છે.
(ચંન્દ્રકાંત જાની, જામનગર)

૧૪. દરેક પ્રેમકથાનો અંજામ હંમેશા કરૂણ જ કેમ આવે છે?
- અમારે તો એવું કાંઇ નહોતું થયું..! અમે તો એની સાથે પરણ્યા જ નહોતા!!
(કેશવ કટારીયા, રાજકોટ)

૧૫. ૨૧મી સદીમાં સ્ત્રીઓને વધુ પ્રાધાન્ય મળવું જોઇએ, એ વાત સાથે તમે સહમત છો ?
- ગાંડાઓનું કાંઇ નક્કી નહિ ! એ તો ગમે તેની સાથે સહમત થાય, બોલો!
(નિત્યના જે.દેસાઇ, વડોદરા)

૧૬. ગુજરાતમાં દારૂબંધી કેમ સફળ થતી નથી ?
- સફળ કરાવીને તમારે કામ શું છે ?
(રસિક જે. ધામી, જેતપુર)

૧૭. નરેન્દ્ર મોદીજી સદભાવના ઉપવાસ પછી હવે ક્યા ઉપવાસ કરશે?
- હવે એ બધું ગુજરાત કોંગ્રેસ કરશે.
(સેજલ રમેશ ગાંધી, સુરેન્દ્રનગર)

૧૮. ત્રીજું વિશ્વ યુધ્ધ થાય તો એમાં તમારો રોલ શું હશે?
- ૬૦-ઉપરની ઉંમરનાઓને આ લોકો સેનામાં ભરતી કરતા નથી...એટલે પછી ઘેર જ લડવાનું ચાલુ રાખીશું!
(રોશની પટ્ટણી, પાટણ)

૧૯. નબળા લોકોના શરીરમાં 'માતા'પ્રવેશ કરે છે, તો સશક્તોના શરીરમાં ભારતમાતા કેમ નહિ?
- સો કરોડની વસ્તીમાં બસ્સો કરોડ દેવી-દેવતાઓ હોય, ત્યાં દુશ્મનો જ રાજ કરે.
(હર્ષા ખીરસરીયા, મોટા ગુંદા-જામનગર)

૨૦. વિદેશ પ્રવાસોના દેશના અબજો રૂપિયા ખર્ચી નાંખનાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સામે કોઇ ઇન્કવાયરી થશે ખરી?
- 'સમરથ કો નહિ દોષ ગુસાંઇ..'
(મૂળશંકર રાજ્યગુરૃ, ભાવનગર)

૨૧. સ્ત્રીઓ મેઇક-અપ પાછળ આટલો બધો ખર્ચો કેમ કરતી હશે?
- એમાંની અનેક ... મેઇક-અપ કર્યા પછી તો સ્ત્રી લાગતી હોય છે!
(અજય જાડેજા, ભાવનગર)

૨૨. હાસ્યલેખકના જીવનમાં ટ્રેજેડી કઇ હોય છે ?
- ઇંગ્લિશ મીડિયમમાં ભણતા પૌત્ર-પૌત્રીઓને ગળે ઉતારવું પડે કે, તમારા દાદા લેખક છે!
(ડો.દીપક સી.ભટ્ટ, બોડેલી)

૨૩. આપને કોઇ અભિનેત્રીનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કઇ અભિનેત્રી પસંદ કરો અને ક્યો સવાલ પૂછો?
- હજારવાર કહ્યુ છે, ડિમ્પલ કાપડીયા સિવાય બધી અભિનેત્રીઓ મારે મન સાળી અને સાસુ સમાન છે. ડિમ્પ્સને એક જ સવાલ પૂછું, ''કાકા તો ગયા.. હવે આ ડોહા ફાવશે?''
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

૨૪. મારા ગોરધન મને કાયમ કીધા કરે છે કે, 'હું તો લગ્ને લગ્ને કૂંવારો છું, તો મારે શું સમજવું ?
- એની આ વાત કદાચ સાચી પણ હોય, હો? તમે સુઉં કિયો છો?
(ભારતી કાચા, મોરબી)

૨૫. આજ સુધી તમે કોની હ્યુમરથી સૌથી વધુ પ્રભાવિત થયા છો?
- બે જ વ્યક્તિ એક મારા સ્વ.પિતાશ્રી ચંદુભાઇ અને બીજા સુરતના શ્રી અજીતસિંહજી 'બાપુ'.
(પ્રયાગી મહેતા, ભાવનગર)

01/02/2013

'વો મૈં નહિ'

- 'વો મૈં નહિ'માં વાર્તાની જરૂરત હશે, પણ મોહન સેહગલે આ ફિલ્મમાં બધી સૅક્સી લાગતી અભિનેત્રીઓ જ લીધી છે, એમાં બહુ જાણીતું નામ આશા સચદેવ.

ફિલ્મ : 'વો મૈં નહિ' ('૭૪)
નિર્માતા-દિગ્દર્શક :  મોહન સેહગલ
સંગીત   :  સોનિક-ઓમી
ગીતકાર : વર્મા મલિક
રનિંગ ટાઈમ : ૧૫૭-મિનીટ્સ - ૧૬ રીલ્સ
કલાકારો : નવિન નિશ્ચલ, રેખા, પદ્મિની કપિલા, આશા સચદેવ, સુજાતા, નરેન્દ્રનાથ, મનહર દેસાઈ, નાદિરા, રાકેશ પાન્ડે, મીના રૉય, કુમારી નાઝ, ઈફતેખાર, નાઝનીન, શૌકત આઝમી, કમલદીપ, સાધના ખોટે, સોફિયા, કૃષ્ણ ધવન, ધુમાલ, જાગીરદાર, બિરબલ, વી. ગોપાલ, ચમનપુરી, ચીન્નુ, ચંદ્રા.


ગીતો
૧...તુઝે એક લડકી મિલે જવાન, તુઝ પે વો હો જાયે...આશા-નવિન નિશ્ચલ
૨...મેરા રંગ, મેરા રૃપ, મેરા ચલને કા ઢંગ...આશા-મુહમ્મદ રફી
૩...ચીચો ચીચ ગનેરીયા, દો તેરીયા દો મેરીયા...આશા ભોંસલે
૪...હોઠોં સે કઈ લૂટાયે તરાને હૈં મૈંને, આંખો સે....આશા ભોંસલે - કિશોર
૫...ચાહે પુરૃષ હો યા હો નારી, ગૃહસ્થી હો યા.... કિશોર-નવિન નિશ્ચલ

''વો મૈં નહિ.'' એક સુંદર ફિલ્મ બની ગઈ હતી. રામ જાણે ભારતમાં કેમ બહુ ચાલી નહિ, પણ જેને સાચા અર્થમાં થ્રિલર કહી શકાય, એવી આ ફિલ્મની વાર્તા `तो मी नव्हेच' મૂળ તો મરાઠીમાં આચાર્ય અત્રેએ '૬૨-માં લખી હતી. એના ઉપરથી અનેક નાટકો મરાઠીમાં બનતા ગયા, પણ મરાઠી નાટકના જાણકારો કહે છે, હજી સુધી પ્રભાકર પણશીકર જેવો પ્રોટેગોનિસ્ટ (વાર્તાનું મુખ્ય પાત્ર) આ રોલ અન્ય કોઈ કલાકાર કરી શક્યું નથી. હી વૉઝ ધ બેસ્ટ. ભારતીય રંગમંચ ઉપર પહેલીવાર 'ફરતુ (Revolving) સ્ટેજ' આ નાટક પરથી આવ્યું, જેનો સૅટ 'નાટયસંપદા'ના કસબી રાજારામે બનાવ્યો હતો, એવી માહિતી હવે મુંબઈમાં સૅટલ થયેલા ગુજરાતી નાટકોના મરાઠી કલાકાર અરવિંદ વૈદ્યે આપી છે. આ વાર્તા પરથી તમિલ ફિલ્મ 'નાન અવનિલ્લઈ' પણ બની છે, જેના મુખ્ય કલાકાર હતા, જેમિની ગણેશન, કમલ હાસન, લક્ષ્મી અને જયા સુધા. એવી જ રીતે, ગુજરાતીમાં શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ 'અભિનય સમ્રાટ'માં આ રોલને દીપાવ્યો હતો. ઘણાને આજે ય તલોદના તમાકુના વેપારી પશા પટેલની સાબરકાંઠાની ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘર ઘર વહેતી કરેલી બોલી યાદ છે. એક તબક્કે તો આ વર્લ્ડ રૅકૉર્ડ પણ ગણાયો હતો કારણ કે, પહેલી જ વાર એક જ નાટકમાં એક અદાકારે એકબીજાથી તદ્દન ભિન્ન એવા પાંચ રોલ કર્યા હતા, જેનો અભિનય, લિબાસ, બોલી અને મૅઈક-અપ એકબીજાથી નોખા હતા. મજાની વાત એ છે કે, કમલ હાસનની ફિલ્મ 'એક દૂજે કે લિયે' બનાવનાર સાઉથના નિર્માતા-દિગ્દર્શક કે. બાલાચંદરે 'અભિનય સમ્રાટ' જોઈને તમિલમાં 'નાન અવનિલ્લઈ' ફિલ્મ બનાવીને 'અભિનય સમ્રાટ'ના રાઈટસ લઈ, સામા સૌજન્યરૂપે 'મૅજર ચંદ્રકાંત'ના રાઈટ્સ ઉપેન્દ્ર ત્રિવેદીને આપ્યા, જે નાટક પણ ગુજરાતી તખ્તાનું એક લૅન્ડમાર્ક ગણાય છે.

અને આ ફિલ્મ 'વો મૈં નહિ' બનાવનાર હિંદી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક મોહન સેહગલે મૂળ મરાઠી નાટકમાં કોઈ પણ ફેરફારો કર્યા વિના સીધી ફિલ્મ બનાવી દીધી. મતલબ, વાર્તાના મૂળ પાત્રો દાજી શાસ્ત્રી કે કૅપ્ટન અશોક પ્રાંજપે વગેરેમાં કોઈ ફેરફારો ન કર્યા. ઉપેન્દ્ર ત્રિવેદીના કહેવા મુજબ, આચાર્ય અત્રેએ આ નાટક એક સત્યઘટના પરથી લખ્યું હતું. કોઈ કાજી નામના શિક્ષિત મુલ્લાએ વેશપલટા કરી અનેક છોકરીઓને લગ્નની જાળમાં ફસાવીને મારી નાંખી હતી, એ વાત ઉપરથી આ વાર્તા બની છે. 'અભિનય સમ્રાટ'માં એ જમાનાની મશહૂર અભિનેત્રીઓ દીના પાઠક, તરલા મહેતા અને શોભા પ્રધાનથી માંડીને અમદાવાદના રૂપા દિવેટીયા, હિના ઉપાધ્યાય અને ભાવિની જાનીએ કામ કર્યું હતું. ભારતની લગ્નપ્રથાનો કેવી વિકૃત રીતે દુરૂપયોગ થઈ શકે છે, એ મુદ્દા ઉપર આખી વાત બની છે. ધર્મ, મૅરેજ બ્યૂરો કે રાજકારણમાં બનાવટી ઊંચા હોદ્દાની લાલચ બતાવીને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીઓને લગ્નની જાળમાં ફસાવવાની ચાલાકીના પાંચ રોલ નવિન નિશ્ચલે કર્યા છે. જંગલમાં ફોરેસ્ટ કૉન્ઝર્વેટરની નોકરી કરતો નવિન નિશ્ચલ, ઘેરથી ભાગીને જંગલમાં આવેલી રેખાના પ્રેમમાં પડી જાય છે, પણ તે પહેલા તે જ આ બહુરૂપીયો છે, એવા આક્ષેપ હેઠળ જુદી જુદી સ્ત્રીઓ તેને પોતાનો પતિ સાબિત કરવા કૉર્ટમાં ઘસડી જાય છે. ફિલ્મ થ્રિલર હોવાથી સ્પૉઈલર્સને નામે વાર્તા કહી દેવાનો અર્થ નહિ સરે. પણ બેશક, હજી ડીવીડી મંગાવીને આ ફિલ્મ જોવા જેવી છે.

અહીં નવિને પણ યથાશક્તિ પોતાનો રોલ નિભાવ્યો છે. હૅન્ડસમ તો હતો જ, એટલે હીરો તરીકે પ્રભાવશાળી લાગે. બહુ જૂના જમાનાના દિગ્દર્શક મોહન સેહગલે રેખા અને નવિન નિશ્ચલને પહેલી વખત ફિલ્મ 'સાવન ભાદો'માં ચાન્સ આપ્યો, ત્યારથી બન્નેના સિતારા ચમક્યા. વિલન રણજીતની પણ આ પહેલી ફિલ્મ હતી. નવિનના તો આ એ દિવસો હતા, જ્યારે 'પરવાના' જેવી ફિલ્મનો હીરો એ હતો અને અમિતાભ બચ્ચન સાઈડમાં અને તે પણ વિલનના રોલમાં. દિવસો ફર્યા એમાં નવિન બહુ એટલે કે એટલી બધી ઝડપથી બર્બાદ થવા માંડયો કે, કોઈ પૂછે, ''આજકાલ નવિનમાં શું છે ?'' તો એ પોતે ય જવાબ ન આપી શકતો. નવીનમાં કાંઇ નથી ! એના જ સગા ભાઈ પ્રવિણ નિશ્ચલે એને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. નવિન પાઈપાઈનો મોહતાજ થઈ ગયો. નવિન નિશ્ચલનું પદ્મિની કપીલા સાથે ચક્કર પણ ચાલતું હતું. પદ્મિનીના પિતા સોહન કપિલા પણ ફિલ્મો બનાવતા હતા. અમદાવાદના એક પ્રતિષ્ઠિત મીઠાઈવાળાના નજીકના સગામાં પદ્મિની થાય છે. બહુ વર્ષો પહેલા જુહુના 'દક્ષિણામૂર્તિ ઍપાર્ટમૅન્ટ'માં હું પદ્મિની કપીલાને ઘેર મળ્યો હતો. તેના મમ્મી પણ સાથે હતા. એ સમયે તો લાગતું હતું કે, આ છોકરીમાં અભિનય પ્રતિભા અને સુંદરતા પૂરતા પ્રમાણમાં છે એટલે ખૂબ સફળ થશે. પછી અચાનક શું થયું કે, 'પૅડ કૅપ્સ'ના ઉપનામે મશહૂર થયેલી આ ખૂબ સુંદર અને પ્રતિભાશાળી હીરોઈનનું નામ ફિલ્મ 'શરાબી'વાળા નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ મેહરા સાથે જોડાયું... બસ, પછી ક્ષેત્રસન્યાસ લઈ લીધો. નરેન્દ્રનાથ એટલે પ્રેમનાથ અને રાજેન્દ્રનાથનો સૌથી નાનો આ ભાઈ વધુ પડતું ઢીંચઢીંચ કરવામાં નાની ઉંમરે પતી ગયો. રાજ કપૂરની રણધિર કપૂરને પહેલીવાર ચમકાવતી ફિલ્મ 'કલ, આજ ઔર કલ'માં નરેન્દ્રને પણ રોલ આપવામાં આવ્યો હતો. ફિલ્મમાં પદ્મિની કપિલાની જેમ નવિન નિશ્ચલના ફંદામાં ફસાયેલી બીજી મોહક અભિનેત્રી મીના રૉય હતી, જે ઋષિકેશ મુકર્જીની માનિતી હોવાથી એમની થોડી ઘણી ફિલ્મોમાં આવી હતી, ખાસ કરીને અમદાવાદના રીલિફ સિનેમામાં આવેલી ફિલ્મ 'સબ સે બડા સુખ'ની ઑલમોસ્ટ હીરોઈન જ હતી. ખૂબ ઊંચા સ્તરની આ ફિલ્મ હોવા છતાં થોડી ય ન ચાલી, એમાં આ મીના રૉય પણ ફેંકાઈ ગઈ. જો કે, પંજાબી ફિલ્મોમાં એનું આજે ય નામ છે. તો આ ફિલ્મમાં આપણા એક જમાનાના ગુજરાતી ફિલ્મોના ક્રિશ્ચયન હીરો મનહર દેસાઈ સામાન્ય વિલનનો રોલ કરે છે. એની ગ્લૅમરસ પત્નીના કિરદારમાં સુજાતાએ આખી ફિલ્મમાં સૅક્સી લાગવાનું કામ વગર મેહનતે બહુ નિષ્ફળતાથી કર્યું છે. અલબત્ત, '૮૦-ના દાયકા પછી આવા સાઈડી રોલ પણ મળવાના બંધ થયા, એમાં એ ઍક્ટિંગ છોડીને ડાન્સ-ડાયરેક્ટર બની ગઈ.

રાકેશ પાન્ડે તો ભોજપુરી ફિલ્મોનો દિલીપ કુમાર કહેવાતો... અને સાચું પૂછો તો કોકકોક ઍન્ગલથી એ યુવાન દિલીપ કુમાર જેવો લાગે પણ ખરો. અહીં એને મુખ્ય વિલનનો રોલ મળ્યો છે, પણ અભિનયનો કોઈ સ્કૉપ મળ્યો ન હોવાથી એ પણ થોડી ઘણી ફિલ્મોમાં હીરો બન્યા પછી સાઈડમાં ખસતો ગયો ને છેવટે બધા હિંદી ફિલ્મવાળાઓનું થાય છે એમ, ટીવી-સીરિયલોના નાનકડા રોલમાં આવવા માંડયો.

'વો મૈં નહિ'માં વાર્તાની જરૃરત હશે, પણ મોહન સેહગલે આ ફિલ્મમાં બધી સૅક્સી લાગતી અભિનેત્રીઓ જ લીધી છે, એમાં બહુ જાણીતું નામ આશા સચદેવ. મુહમ્મદ રફીના બહુ બંધબેસતા અવાજમાં ગાતા ગાયક અનવરની આ બહેન થાય. '૭૮-માં નીતુસિંઘ અને જીતેન્દ્રની ફિલ્મ 'પ્રિયતમા' માટે આશાને બેસ્ટ સપૉર્ટિંગ ઍકટ્રેસનો 'ફિલ્મફૅર ઍવૉર્ડ' મળ્યો હતો. ક્યારેક ક્યારેક સુલક્ષણા પંડિત જેવી દેખાતી આશા સચદેવને કમનસીબે બિંદુ અને અરૂણા ઈરાની જેવા રોલ જ મળવા લાગ્યા, જે એને કરવા નહોતા. એનો આદર્શ શશીકલા હતી. એક જમાનામાં સુભાષ ઘાઈ નવાસવા હતા, ત્યારે આશા સચદેવે ઘણો સપૉર્ટ આપ્યો હતો. આશા કહે છે, ''મેં સુભાષને કીધું, 'એક જમાનામાં હું તને જે માન આપતી હતી, તેવું તું કેમ ન આપી શકે ?' સુભાષને આ વાત ગમી નહિ ને રહ્યાસહ્યા સંબંધો ય તૂટી ગયા. નાદિરાને 'વો મૈં નહિ'માં મૅરેજ-બ્યૂરો ચલાવતી 'ગંગુબાઈ ઘોટાલેવાલી'નો રોલ મળ્યો છે, પણ સાચું પૂછો તો એની પહેલી ફિલ્મ 'આન' અને તે પછી રાજ કપૂરની ફિલ્મ 'શ્રી ૪૨૦' જેવી ખૂબીઓ આખી જીંદગીમાં બતાવી ન શકી.

રેખા 'વો મૈં નહિ'ની હીરોઈન છે. આ એના એ દિવસો હતા, જ્યારે આજની રેખાને એક ઍકટ્રેસ તરીકે જે સન્માનપૂર્વક જોવાય છે, તેમાનું એ દિવસોમાં કાંઈ નહોતું. સાચું પૂછો તો એ જમાનાની એ સુધરેલી બિંદુ હતી. બને એટલા ચમકીલા અને ઉઘાડા કપડાં પહેરવા સિવાય ઍક્ટિંગમાં બહુ ઊંડી ઉતરી નહોતી. ફિલ્મ 'દો અન્જાને' પછી અમિતાભ બચ્ચનના પ્રેમમાં પડી, એ પછી એનું વ્યક્તિત્વ આ એક માણસે બદલી નાંખ્યું. એ ઍક્ટ્રેસ તો સારી થઈ જ, પણ બચ્ચનબાબુના આદેશ મુજબ બહેનને સાડી સિવાય અન્ય કોઈ કપડાં પહેરવાની પણ છુટ નહોતી. એ દિવસોમાં ઋષિકેશ મુકર્જીની ફિલ્મ 'નમકહરામ' મળી એમાં આખો તખ્તો બદલાઈ ગયો. પ્રામાણિકતાથી વાત કરવા આવ્યા હો, તો ફિલ્મ 'સિલસિલા'માં જયા ભાદુરી જેવી સર્વોત્તમ અભિનેત્રીને રેખાએ બેશક પાછી પાડી દીધી હતી.

'વો મૈં નહિ' ચાલી નહિ, એ અલગ વાત છે, પણ મોહન સેહગલની ફિલ્મો ચાલે એવી તો હોય જ. બહુ ઊંચા ગજાંની તો ન કહેવાય છતાં, એ જમાનામાં આપણે લાઈનોમાં ઊભા રહી રહીને જોયેલી એમની ફિલ્મો 'કન્યાદાન', 'કર્તવ્ય', 'સાવન ભાદોં', 'એક હી રાસ્તા', 'સાજન', 'ઈન્તેઝાર', 'ઔલાદ', 'રાજા જાની' કે 'વો મૈં નહિ'. મોહન સેહગલ એક જમાનાની હીરોઈન આશા માથુરને પરણ્યા હતા, જે શંકર-જયકિશનવાળી ફિલ્મ 'પૂનમ'.

આ ફિલ્મની ફોટોગ્રાફી તેના મોટા ભાગના આઉટડૉર અને તે પણ જંગલના દ્રષ્યોને કારણે મનોરમ્ય લાગી હતી. સરપ્રાઈઝ પૅકેટ તરીકે જંગલના ઘણા ખૂંખાર પ્રાણીઓને સ્ટૉક-સીનોનો ઉપયોગ કર્યા વિના દર્શાવવામાં આવ્યા છે. અદાલતના દ્રષો અને એની થ્રિલ અસરકારક દેખાઈ છે.

યસ. બાકાયદા જોવાય એવી ફિલ્મ.