Search This Blog

11/04/2001

ભગવાન ઉપર હોય કે નીચે ?

શ્રીકૃષ્ણનું એક નામ ‘માધવ’ પણ હતું. ટેક્સની બબાલોથી બચવા માટે ભલભલા ભગવાનો પણ જુદાં જુદાં નામે બેન્કોમાં ખાતાં ખોલાવતા, પણ આઇ એમ શ્યોર, આપણાં માધવની એકેય ફિક્સ (ડિપોઝિટ) (એફ.ડી.)માધવપુરા બેન્કમાં પડી નહિ હોય. નહિ હોય તો એ માધવ હોવા છતાં પૂરો થઇ ગયો હોત.

આપણાં બધાની કોમેડી એ છે કે, વાણીયા પાસેથી વાણીયા બુદ્ધિ રાખીને હાલ પૂરતાં રૂપિયા છુટાં કરાવવા માટે ભગવાન શ્રી.કૃષ્ણને પડતા મૂકીને ભગવાન શ્રી. રમેશ પરીખના ફોટાને ઘૂપ- નૈવેદ્ય ધરવા માંડો. આપણી એફ.ડી.ઓ ભગવાન શ્રી.કૃષ્ણ મહાવીર કે શંકર ઘેર નથી પડી. રમેશના ઘેર પડી છે... ગરજે રમેશનેય ભગવાન કહેવો પડે! 

આમ તો ગુજરાતને પહેલેથી માધવ નડતો જ આવ્યો છે, પણ આ વખતે તો યદા યદા હિ ધર્મસ્ય વાળો ય દેખાતો નથી. એની પોતાની એફ.ડી. માધવપુરામાં હલવાઇ હોત તો ખબર પડત! 

ઇન શોર્ટ, માધવપુરા બેન્કે ઇશ્વર, અલ્લાહ, જીસસ, ઝૂલેલાલ, શ્રી. મહાવીર કે વાહે ગુરૂ- આ બધાં ‘ધર્મોને એક કરી આપવામાં માધવપુરા બેન્કનો ફાળો મોટો છે. આ બધા લપટાઇ ગયા છે ને બધાં ઉપરવાળાને ઉપર પ્રાર્થના કરી રહ્યાં છે... ‘હે ભગવાન, માધવપુરામાં તઇણ લાખનું નાહી નાંખ્યું છે... એટલીસ્ટ, ૪૦-૫૦ હજાર તો પાછા કઢાઇ આલ!’’ 

ધરમ કોઇ બી હો. સહુ હાથ જોડીને પ્રાર્થના ઉપર જોઇને જ કરે છે. બધા કહેતા ભલે હોય કે, પરમેશ્વર કણકણમાં વ્યાપેલો છે. આવું બોલવામાં સારૂં લાગે. પણ નીચે જમીન સામે જોઇને પ્રાર્થના કોઇ કરતું નથી. ભગવાન પોતેય ભૂજના ભૂકંપ પછી ફફડી ગયો છે તે આંટો મારવા પૂરતોય આકાશમાંથી હેઠે નથી ઉતરતો, એમાં માધવપુરાના ખાતેદારોને નંબર કયાંથી લાગે ? લોકો તો શું ભગવાનની પોતેય ગભરાય એવા બનાવો બનતા જ રહે છે. હમણાં એક સર્વધર્મ સદ્ભાવ સમારંભમાં જવાનું થયું. એમાં પીવા માટે પાણીના પાઉચ અપાય ! આખા હૉલમાં તહેલકાવાળાએ કયાંય વિડીયો કેમેરા ગોઠવ્યા ન હતા, છતાં દૂધનાં દાઝેલા લોકો પાણીની કોથળીય સ્વીકારતા ન હતા!...

વાંચકોએ એપ્રીશિએટ એ કરવું જોઇએ કે, દુનિયાભરના કોઇ સાઘુ-મહાત્માને જે પ્રશ્ન થયો નથી તે મહાત્મા અશોકાનંદજીનો થયો છે, કે ભગવાનને હરકોઇ ઉપર જોઇને જ કેમ યાદ કરે છે.? નીચે જવા દો- મેં તો કોઇ ભક્તને સાઇડમાં જોઇને પ્રભુને પ્રાર્થના કરતાં ય જોયો નથી. જગતના માત્ર એકજ સ્થળે પુરૂષ થોડી થોડીવાર માટે ડાબે -જમણે જોઇ લે છે પણ એ પરમેશ્વરની ખોજમાં નહિ ! ઇવન, ઉપર-આકાશ તરફી જોવામાં ય માથું વઘુમાં વઘુ ૪૫°ના ખૂણે રાખવામાં આવે છે. કોઇ સાવ સીઘું ઉપર (નાક ઉપર સીઘું આકાશમાં તાક્યું હોય એમ) જોઇને પ્રાર્થના કરતું નથી. એમ કરવામાં ડોકીનો મણકો ખસી જાય. કહેવાનો મતલબ જ એ થયો કે, ભક્તોને પણ જે એન્ગલથી ફાવે, એટલા એન્ગલે પ્રભુએ આકાશમાં રહેવું જોઇએ. સચીન તેન્ડુલકર સેન્ચુરી માર્યા પછી સીઘું ઉપર આકાશમાં જુએ છે એમાં રન આઉટ થઇ જાય છે. વ્યવહારિક રીતે, એણે સામા છેડાના બેટસમેન સામે જોવું જોઇએ કારણ કે, રન આઉટ કરાવશે તો એ કરાવશે, ભગવાન નહિ કરાવે ! નવાઇની વાત એ છે કે, સચીનીયા -ફચીનીયાઓની સેન્ચૂરીઓમાં મોટો ફાળો ગ્રાઉન્ડસમેનનો હોય છે. લમણું ભાંગી જાય એવી વિકેટ બનાવીને આપે તો હમણાં ખબર પડે કે વીહ-પચ્ચી રન બી કઇ કમાણી ઉપર થાય છે. ધાર્મિક રીતે તો, સદી પુરી કર્યા પછી સચીને અગરબત્તી હળગાઇને સ્ટમ્પની પાસે રોપી, જમીનમાં જોઇને પ્રાર્થના કરવી જોઇએ. ઉપર જોઇને શું બબડ-બબડ કરે છે. ભાઇ? ઉપર તો તું ગોળીઓ ચઢાઇને દુશ્મન-ફીલ્ડરનાં હાથમાં ઝલઇ જાય છે, જયારે ભૂમિ-દેવતા તો પકડાયેલો કેચ પણ છોડાવશે. ક્રિકેટના કાનૂનની મુજબ , જમીનને અડેલા કેચથી આઉટ ના અલાય, ભ’ઇ ! 

હા. જમીન પણ જાણે સુંદર વિધવા હોય એમ ગરજ પડે, ભક્તો નારીયેળ પછાડવાના કામમાં લે છે, કારણ કે, હવામાં ગમે તેટલું પછાડવાથી નારીયેળ તૂટતું નથી. ઇશ્વરમાં શ્રદ્ધા ગમે તેટલી હોય, કોઇ બી ભક્ત પોતાનાં બરડામાં નારીયેળ ફોડવાની છુટ આલતો નથી. ભલે ભગવાન કણકણમાં વ્યાપેલો હોય- કોઇનાં બરડામાં વ્યાપેલો હોય, એવું સાંભળ્યું

ધરમ કોઇપણ હો, પ્રેયર, પ્રાર્થના કે ઇબાદત સહુ ‘ઉપરવાળા’ને જ કરે છે. આ કંઇ ન સમજાય એવી બાબત છે. જો કે, આવું બઘું બાજુવાળાને નહિં કરાતું હોય... બાજુવાળા તો ઘણીવાર વ્હિસ્કી- બીયરનું મેળવણ લઇ જાય તો જામ્યાં પછી ચખાડવા ના બોલાવે ! ભગવાન આજુાબાજુા ઉપર-નીચે આગળ-પાછળ બદ્ધે હોય, એ વાત સાચી પણ ઉપર સાવ શૂન્યાવકાશ છે...ખાલી જગ્યા. ઉપર જો કાંઇ ન હોય તો ભગવાને ય કયાંથી હોવાનો છે? ઇવન વાદળાંય દ્રષ્ટિભ્રમ છે...વાદળાંને અડી શકાતું નથી. અડવા જાઓ તો હાથમાં વાવટો ય ના આવે.! 

...આપણે તો સાચું કહેવા જોઇએ, બૉસ, બધી બાબતોમાં ‘‘ઉપરવાળાની મહેરબાની છે’ એવું કહે કહે ના કરવું જોઇએ... ખાસ કરીને ફલેટોમાં રહેવા વાળાઓએ ! 

હા. મંદિર કે ઘરમંદિર એવી જગ્યા છે જયાં આપણે માત્ર સામે (ઇશ્વરની પ્રતિમા,જ નહિ આજુબાજુ (પ્રભુના અન્ય ફોટોગ્રાફ્સ મૂર્તિઓ) કે ઉપર-ધુમ્મટ તરફ જોઇને દર્શન કરી લઇએ છીએ. બધીજ વખતે ઘ્યાન ઇશ્વર તરફ નથી હોતું. કયારેક મોટું મન રાખીને ઇશ્વરે બનાવેલાં સુંદજર સર્જનો તરફ પણ પૂર્ણ ભક્તિભાવથી જોઇએ છીએ, પણ મંદિરોમાં ય નીચે લાદી તરફ જોઇને હરિસ્મરણ કરવાની વ્યવસ્થા વિચારાઇ નથી. નીચે તો પરમકૃપાલુ પરમાત્મા કરતાં બુટ ચપ્પલનું ઘ્યાન વઘું રાખવું પડે છે. ઘણીવાર તો ઉતાર્યા હોય ગેટ નં. ૩ ઉપર ને આઇને આપણે શોધાશોધી કરતા હોઇએ ગેટ નં. ૪ ઉપર, આવી શોધમશોધ બુટ-ચપ્પલ માટે હોય તો બરોબર છે...કેટલાકં લોકો તો પ્રભુને ય આવા ખોટાં ગેટ ઉપર શોધતાં હોય છે...દર્દ એ વાતનું છે કે બુટ-ચપ્પલ સાચવવાનો રૂપિયો જ આલવો પડે છે. જયારે ખોવાયેલી.... ફિક્સ ડિપોઝીટરો ગોતી આલવા ખુદ ઇશ્વર પણ વોચમેન... આઇ મીન વોચ ગાડ બનતો નથી. 

આમ તો, માધવપુરાવાળાઓએ મારા મિનિમમ ૫-૭ લાખ રૂપિયા બચાવ્યાં છે મેં ત્યાં કે બીજે કયાંય એફ.ડીનો રૂપિયો ય મ્હેંલ્યો નથી...મૂક્ત તો ૫-૭ લાખમાં હલવાઇ જાત પણ સાંભળ્યું છે કે, કોઇ તમારૂં ‘‘કરી જાય,’’ એ માટે તમારી પાસે કાંઇક હોવું જોઇએ. આ પગારમાં તો માધવપુરાવાળો ય મારૂં શું તોડી લેવાનો છે ? બાપૂ ફળીયામાં ટિકડી હાથમાં રાખીને આંટા મારતાં હતાં. કોકે પૂછ્યું તો બાપૂકિયે, ‘જયમાં પછી લેવાની ટિકડી છે.’’ તો પૂછ્યું. ‘‘તો લેતા કેમ નથી.?’’ 

‘‘ઓહ... ઇ માટે ય ઘરમાં જમવાનું તો કાંઇ હોવું જોંઇ કે નંઇ ?’’ 

આ સાંભળ્યા પછી ઇશ્વર પ્રત્યે મારી શ્રદ્ધા વધી ગઇ છે, વટ પાડતા એવું કહેવાનું મન તો ઘણું થાતું કે, ‘‘માધવપુરામાં મારાંય ૫-૭ લાખ હલવાઇ ગયાં છે.!’’ થેન્ક ગોડ....મારૂં તો કાંઇ ગયું નથી અને માટે જ ઉપર જ નહિ. જમીન ફાડીને ઠેઠ અંદરના એપીસેન્ટર સુધી પ્રાર્થના કરૂ છું કે, માધવપુરા કે માધવ અડધાવાળા મારૂં ૧૦૦-૨૦૦ કરોડનું કરી નાંખી શકે, એવું મને કંઇ આલ તો ખરો ! નાકમાંથી નીકળતાં શેડાં સાથે આજે તો શરમથી મારૂં માથું ઝૂકી જાય છે કે, લોકો પોતાની ડિપોઝીટરો પાછી લેવા, ભડકે બળતી માધવપુરા બેન્કની લાઇનમાં ઊભા હતાં, ત્યારે હું ફીડલ વગાડતો હતો. આઇ મીન, લૂછી લૂછીને દાલવડાં ખાતો હતો ! નાતજાતમાં સગાંસંબંધીઓ હરખઘેલાં થઇને પૂછવા આવે છે કે, ‘‘તમારૂં કેટલું ગયું?...ચલો પાર્ટી આપો એઓ...!’’ ત્યારે શરમથી અમે વિથ ફેમિલી પાણી-પાણી થઇ જઇએ છીએ.’’ અમારૂં તો કાંઇ નથી ગયું !’ એવું સાંભળ્યા પછી કયો ડીપોઝીટર પોતાની બેન-દીકરી મારા પ્રતાપી પુત્રો ધાંધલ અને ધમાલ સાથે પરણાવશે. ? દીકરી મસ્તાનીના દેહજમાં હું ભલે શકોરૂં ય ના આલું, પણ વેવાઇ-વેલાંની જબાનને લગામ દેવા માટે ડૂબેલી માધવપુરાની ડૂબેલી ફિક્સ ડીપોઝિટોની રસીદો આપી શકું તો મારી લાડકવાયીને સાલાઓ દુઃખ તો ન દે ! 

સુંઉ કિયો છો

સિકસર 
- હમણાં હમણાં- ભૂકંપ પછી તમારા બધાં લેખો બહુ જામ્યાં છે, હોં
- એટલે ?.... નબળાં પડશે ત્યારે પ્રભુને મારે શી પ્રાર્થના કરવી ?

No comments: