Search This Blog

10/03/2010

...એમ કંઈ વગર બેસણે કોઈને ત્યાં પહોંચી ના જવાય !

પ્રશ્ન : દવે સાહેબ. આપે આપના જીવિત જીવન દરમ્યાન લાખો- કરોડો બેસણામાં ઉપસ્થિત રહીને મરનારની શોભાઓમાં અભિવૃદ્ધિઓ કરી છે. અને એક લોકવાયકા મુજબ, આપની ઉપસ્થિતિ માત્રથી અનેક બેસણાં ઝળહળી ઊઠ્યા છે. સામે, આપને પણ આવો મોકો આપવા માંગતા લાખો ભાવકોને કૃપા કરીને પ્રવર્તમાન બેસણા પદ્ધતિ ઉપર કોઈ પ્રકાશ પાડશો ?
જવાબ : એક સ્પષ્ટતા, હું કોઈના બેસણામાં મરનારની કે હજી સુધી નહિ મરનારની શોભામાં અભિવૃદ્ધિઓ કરવા નથી જતો. બીજી સ્પષ્ટતા (કેટલી થઈ ? જવાબ : બે થઈ. - જવાબ પૂરો.), કે બેસણાંમાં જવું મારો ધંધો કે હૉબી નથી, એટલે લાખો- કરોડો બેસણામાં મારા ઉપસ્થિત રહેવાની વાત સમજાતી નથી. ત્રીજી સ્પષ્ટતા : સંબંધ ગમે તેવો નજીકનો હોય, કોઈના બેસણાં આપણે ઝળહળાવી આપવાના ન હોય. જૂના કાઠીયાવાડી લગ્નોમાં માથે પૅટ્રોમેક્સ મૂકીને વરઘોડાને ઝળહળતો બનાવાતો, એવી પૅટ્રોમેક્સો માથે મૂકીને હું બેસણામાં જતો નથી. હા, જસ્ટ હવાફેર માટે હું કોઈ પણ બેસણામાં ગયો હોઉ, ત્યાં મારા જવાથી કોઈને આનંદ થયો હોવાનું મેં નોંઘ્યું નથી. જેના નામનું એ બેસણું ગોઠવાયું હોય, એનો ફૂલ ચઢાવેલો ફોટો ય કદી મને જોઈને ગેલમાં આવી ગયો નથી. હું પણ મારા ભાવકોની લાગણી સમજી શકું છું, એટલે કવચિત એમને પણ આવો મોકો આપીશ.

પ્રશ્ન : સર. આપને પેલો પ્રકાશ પાડવાનો બાકી છે...
જવાબ : જી. પ્રકાશને પાડવો મને ખૂબ ગમે. અમે સ્કૂલમાં હતા, ત્યારે ય એ બહુ લેંચુ મારતો હતો. ખુરશી ખેંચી લઈને મેં એને ઘણીવાર પાડ્યો છે. એ પછી આઇ- થિન્ક... સને ૧૯૬૯-ની વસંત કે શિશિર ઋતુ પછી ગુજરાતી સાહિત્યમાં, ‘પ્રકાશ પાડવોએ શબ્દપ્રયોગ મશહૂર થયો.

પ્રશ્ન : અત્યારે પાડશો ?
જવાબ : જરૂર. બેસણું આપણે ત્યાં એક ઉત્સવ મનાયું છે. ખોળિયું બદલવાની પ્રક્રિયાને આપણે બેસણાંજેવા રસઝરતા ઉત્સવનું નામ આપી શકીએ. યૂ સી... અમે મહાપુરુષો કદી મરતા નથી. કાં તો પંચમહાભૂતોમાં વિલીન થઈ જઈએ છીએ, કાં તો પરમધામમાં જઈએ છીએ ને કાં તો ખોળીયું બદલીયે છીએ. ઍક્ચ્યુઅલી, અમે મરતા નથી.

પ્રશ્ન : તો શું મૃત્યુને ઉત્સવ કહી શકાય.
જવાબ : બાપાનું રાજ ચાલે છે...પણ અમારા સાહિત્યકારો એને ખોળીયું બદલવાના ઉત્સવ તરીકે ઓળખાવીને ઉત્સવશબ્દને સોગીયો બનાવી દીધો છે. શું કોઈ લેખક-કવિ ઉકલી જાય, એને ઉત્સવ ગણીને ડાધુઓ હાથમાં દોણીને બદલે સ્કાઉટવાળા વાપરે છે એવા લૅઝીમ, બૅન્ડવાજા, લાંબા પિપુડાં અને ઢોલ-નગારાં વગાડતા સ્મશાનયાત્રા કાઢે છે ? અમારા જેવી મૃત્યુની મશ્કરી કોઈ નથી કરતું !

પ્રશ્ન : ઓહ... આપે કેવો ઝળહળતો પ્રકાશ પાડી આપ્યો ! હવે અમારા ઉત્સુક ભાવકોને પ્રવર્તમાન બેસણાં- પદ્ધતિ વિશે કાંઈ કહેશો ?
જવાબ : સંસ્થા જાણવા શું માંગે છે ?

પ્રશ્ન : તગારૂ....! આઇ મીન, આજકાલ બેસણાંની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. માણસો મરે છે, એના કરતાં બેસણાં વધારે થાય છે. આમ થવાથી કેટલાક વ્યસ્ત ભાવકો કાં તો એકને બદલે બીજા બેસણામાં જઈ આવે છે ને કાં તો પાર્ટી હજી મરી જ ન હોય, છતાં એને ઘેર ધોળા હાડલા પહેરીને પહોંચી જવાના દાખલા બને છે. આ સંદર્ભે આપની સલાહની જરૂર છે.
જવાબ : મૃત વ્યક્તિઓને તો હું શી સલાહ આપી શકું... ? આ---

પ્રશ્ન : અરે બાપા, સલાહ મૃત વ્યક્તિઓએ નથી માંગી... બેસણામાં જતા ભાવકોને આપવાની છે...
જવાબ : શરીરમાં ઉમંગ, મનમાં તરંગ અને સમાજમાં સગપણ ગમે તેટલા હોય, પાર્ટી હજી ઉકલી જ ન હોય, તો એના બેસણામાં જવું અપરાધ છે. આમ કરવાથી ઘણીવાર જીવિત વ્યક્તિઓના મનમાં મૃત્યુનો અને ઉપર ઑલરેડી પહોંચી ગયેલી વ્યક્તિઓના હૈયામાં અહીં પાછા આવવાના વિચારોનો સંચાર થાય છે.

પ્રશ્ન : અપરાધ...? આને આપ અપરાધ કઈ રીતે કહી શકો ? કોઈએ ભૂલમાં ખોટા સમાચાર આપ્યા અથવા સમજો ને... ભૂલમાં ભળતા નામના બેસણે પહોંચી ગયા, તો ઇરાદો કાંઈ ખરાબ ન હોય... આને ભૂલ ચોક્કસ કહેવાય.
જવાબ : મિત્ર, અયોગ્ય સ્થળે, જીવિત વ્યક્તિના બેસણામાં પહોંચી ગયા પછી, સૌજન્ય ખાતર પણ કહેવું કે, ‘‘, સૉરી, અમને ખોટી માહિતી મળી હતી. જીજુભાઈ જીવતા છે, એ જ હજી અમારા તો માનવામાં આવતું નથી. પણ હવે... થોડું તમે જતું કરો ને થોડું અમે જતું કરીએ. આટલે સુધી આયા છીએ તો બેસણું ગોઠવી નાંખો ને...! અમે ક્યાં ફરીફરી અહીં મણિનગર સુધી લાંબા થવાના છીએ...!’’ એવું તો ના જ કહેવાય ને ?

કહો તો પણ શું એ લોકો તમને ઑબ્લાઇજ કરે ખરા ? ખોટી અપેક્ષાઓ જ જીવનને રૂંધે છે. આપણું જીવન જ નહિ, ઉપર ઑલરેડી પહોંચી ગયેલાઓના જીવન પણ રૂંધે છે.

પ્રશ્ન : ઉપર પહોંચી ગયેલાઓના...??? સર. એ લોકોને તો જીવન જેવું ક્યાં કાંઈ હોય છે ?
જવાબ : અરે બાપા, એમના કૅસોમાં જીવન નહિ તો મૃત્યુઓ રૂંધાય... મારો મૂળ સંદેશો પકડો ને... ? શબ્દોની ક્યાં ---

પ્રશ્ન : આપે ગયા બુધવારના લેખમાં ખોટા બેસણામાં પહોંચી ગયા પછીશું કરવું, તેનું ભાવિ ડાધુઓને સુપેરે માર્ગદર્શન આપ્યું હતું. આપને તો આવું ઘણી વખત થતું હશે, નહિ ?
જવાબ : હા, ક્યારેક બેસણાંની જાહેરાતોમાં નામ વાંચવાની ગરબડને કારણે આવું થવું સંભવિત છે. ઘણીવાર આવી જાહેરખબરોમાં ફોટો અને બેસણું પુરુષનું છપાયું હોવા છતાં, મારાથી બાજુમાં બેસનારને કહેવાઈ જાય છે કે, ‘‘માજી બહુ ધરમ-પરાયણ હતા, નહિ ?’’ સાંભળીને પેલાને હેડકી નહિ, પણ મોટો હેડકો ઉપડી આવે છે. આ મારી અક્ષમ્ય ભૂલ કહેવાય. ભાવકે કદાપિ મૃત વ્યક્તિનું જાતીય- પરિવર્તન કરી નાંખવું ન જોઈએ. મરતા પહેલા સંપૂર્ણ પુરુષ લાગતા હૃષ્ટપૃષ્ટ જીજુભાઈ મર્યા પછી સીધા માજીકેવી રીતે થઈ ગયા ?’’ એનો એ હેડકો ઉપડ્યો હતો, એ અંગે ગયા બુધવારે વાત લખી હતી. (શું બૉસ... ? ‘બુધવારની બપોરેકેવી આવે છે ?) પણ એવી ભૂલ કર્યા પછી મારી જેમ વાળી લેતા પણ આવડવું જોઈએ.

પ્રશ્ન : શું ગુજરી જનાર વ્યક્તિ પાસે આપણે હજાર- દસ હજાર લેવાના બાકી હોય, તો બેસણાંને બહાને તેના ઘરવાળાઓ પાસે ઉઘરાણી કરી શકાય ?
જવાબ : ઘરમાં આવો ઉધારીયો ડોહો પેદા કરવા બદલ, અગરબત્તીવાળા ફોટાની આજુબાજુમાં બેઠેલા એના તમામ ફેમિલી- મેમ્બરોને ગોળીએ ને ગોળીએ ફૂંકી મારવા જોઈએ. પણ આપણી બાના સંસ્કાર સારા હોવાથી આપણે એવું કરતા નથી. (જો કે, ઘણાની તો બાઓ પણ કરૂબાજ હોય છે !) પણ... સમયસૂચકતા વાપરીને ખરખરા ભેગી આપણી વાત એ લોકોના કાને નાખી દેવી. મરતા પહેલા ડોહો એની કીડની ય આપણા નામે કરતો ગયો હોતો નથી. પણ, ડોહા પાસેથી આપણે જેટલા કઢાવવાના બાકી હોય, તેના કરતા ચારગણી રકમ કહેવી, ‘‘જીજુભાઈ માયાળુ બહુ, અમારે ત્યાં તો કાયમ ચોળાફળી ખાવા આવતા. પીળી ચટણી એમને બહુ ભાવે... (જરા હસી પડતાં બોલવું) હંહહહ... હજી ગયા મહિને જ મારી પાસેથી બાવી હજાર લઈ ગયાતા.. કહે કે, સોમવારે મોકલાવી દઈશ....’’... પણ (આ વખતે જરા દર્દભર્યું હસવું) હંહહહ... એમ કાંઈ કોઈ જનાર પાછું આવ્યું છે, ભાઈ ?’’

પ્રશ્ન : મતલબ.. આવો ઠૂઠવો મૂકવાથી... આપણી અઢી હજાર પાછા આવી જાય ?
જવાબ : એ તો મારા ય નથી આયા... પણ ડોહો ઘરવાળાઓને સારા સંસ્કાર આલતો ગયો હોય તો કમ-સે-કમ... પાંચ હજાર તો પાછા આવે ને ? આપણે તો વકરો એટલો નફો જ છે ને ?

પ્રશ્ન : સર... આપના સ્વ. પિતાશ્રી પહેલા એસ.ટી.માં નોકરી કરતા હતા... ?
જવાબ : હા. કેમ ?

પ્રશ્ન : ના. ખાસ કાંઈ નહિ, પણ ઓકે ઓકે જવા દો ને... સાડા પાંચ હજાર ક્યાં કંઈ મોટી રકમ છે.. એ તો---
જવાબ : (અહીં લખી ન શકાય પણ તમને આવડે છે, તે બધી ગાળો મનમાં વાંચીને લેખ પૂરો થયેલ ગણવો.)

સિક્સર
- હેમામાલિનીના ઘરમાં રૂા. ૮૦ લાખની ધાડ પડી....!
- હા, એના ઘરમાં ધાડ પાડવા જેવું બીજું છે ય શું ?

No comments: