Search This Blog

03/03/2010

રીસેપ્શન એમનું ફોટા આપણા

આ હમણાં મેરેજ-સીઝન પતી, એનો મેં હિસાબ માંડ્યો ત્યારે ખબર પડી કે, બઘું મળીને આ વખતે ટોટલ મેં ૨૮ લગ્નોમાં એ લોકોની શોભામાં અભિવૃઘ્ધીઓ કરી આપી હતી, એનો મને ખર્ચો રૂા. ૧૨,૮૫૦/-નો આવ્યો છે. આ ફક્ત અમે કરેલા ચાંદલાનો ખર્ચો છે, એમાં રીસેપ્શનના સ્થળે પહોંચવા માટે ગાડીમાં ભરાવેલા પેટ્રોલના રૂા. ૧,૧૯૩/- ગણ્યા નથી. રીસેપ્શન વખતે સ્ટેજ પર વર-કન્યા અને પેરેન્ટ્સની સાથે ઊભા રહીને પડાવેલા ફોટાઓમાંથી કેટલાક ફોટાઓમાં તો મેં સ્માઇલો પણ આપ્યા છે. આ સ્માઇલો આપવાનો મેં કોઇ ચાર્જ લીધો નથી. ઉપરના ખર્ચામાં જો કે, અમે એ રીસેપ્શનોમાં જમી આવ્યા હતા, એટલે પર-ડિનરબે જણના સરેરાશ રૂા. ૫૦૦/- ગણીએ, તો અમને જમાડવા પાછળ એ લોકોના રૂા. ૧૪,૦૦૦/- પ્લસ- સમથિંગ ખર્ચાયા છે. (આજકાલ લગ્નોના જમવામાં એવરેજ એક ડિશ રૂા. ૨૫૦/-ની પડતી હોય છે!)

પણ મને નવાઇ એ વાતની લાગે કે, રીસેપ્શનોમાં અમે પડાવેલા ફોટાઓનું શું? સમગ્ર કરિયરમાં તો મેં નહિ નહિ તો ય, કોઇ બે-પાંચ હજાર લગ્નોમાં હાજરી આપી હશે- ભલે મેં એક જ વાર લગ્ન કર્યા છે. એવી જ રીતે સગપણ- ઓળખાણ ભલે ગમે તેવી આત્મીય હોય, અમે એક લગ્નમાં એક જ વાર જવાનું સૌજન્ય દાખવ્યું છે. એકના એક રીસેપ્શનમાં તમે કદી અમને બીજી વાર જતા નહિ જુઓ... (સ્વભાવ એવો પડી ગયેલો...!)

પણ રીસેપ્શનમાં પડેલા ફોટાઓનું શું? જેના ઘેર એ લગ્ન થયા હોય, એ લોકો તો ગાંડા થઇ ગયા હોય તો એ ફોટાઓનું આલ્બમ જુએ. લગ્નના આલ્બમો બીજાઓને ફટકારવા માટે હોય છે, પોતે કોઇ જોતું નથી. આપણી ઉપર જૂની દાઝો કાઢવા માટે, એમના ઘેર જઇએ એટલે ખોળામાં સીઘું આલ્બમ પાથરી દેવાય છે... અને ગયા મંગળવારનું બ્રશ કર્યું ન હોય, એવી એમની વાઇફ બાજુમાં બેસીને, આલ્બમની મહીં માથું નાંખીનાંખીને એકએક ફોટાની ઓળખાણ આપે છે, એટલે એમનું ચીકણું તેલવાળું માથું ય આપણે સૂંઘવાનું? જવાબ : ‘‘શટ અપ...’’ જવાબ પૂરો)

‘‘આ અમારા ભનીફોઇ, એમની બાજુમાં મેહતા અન્કલ ઊભા છે... બોલો... આ કોણ છે...? ઓળખી બતાવો તોઓઓઓ...!’’ સાલો આપણને એ ફોટાવાળો, સાબરમતી જેલના કાચા કામનો કેદી ઈશ્વરલાલ જેવો લાગતો હોય, એટલે બોલીએ નહિ, એ સારૂં થયું કહેવાય કારણ કે, ફોટામાં દેખાતો ઈશ્વરલાલ જેવો ચહેરો એ બહેનનો પોતાનો હોય... બાફી ના માર્યું, એ સારૂં થયું કહેવાય...! (જો કે, ઉત્તરસંડાબાજુના પટેલો માને છે કે, ‘‘ઈમ્હોં તો આવું બાફી મારવાનું હોય... હારી બીજી વાર એના આલ્બમો તો સું... ઍક્સ-રે ફોટાઓ ય ના બતાવે!’’

ઈન ફૅક્ટ, આપણાં જેવા સ્ટેજ પર વર-કન્યા સાથે ફોટો પડાવી આવ્યા હોઇએ, એની પરવાહ આપણને કે એ લગ્નવાળાઓને- કોઇને હોતી નથી. જિંદગીભર, આમ પડાવેલા ફોટા કોઇને કામમાં આવતા નથી. દુકાનમાંથી ચોરી કરતા પકડાયા હોઇએ, તો શહેર પોલીસને શનાખ્ત માટે આ ફોટો કામમાં આવતો નથી. હા, આલ્બમવાળાઓને કોઇને બતાવવા આપણે ફિલમ ઉતારવી હોય તો, આલ્બમમાંથી આપણો ફોટો ગોતીને મેહમાનોને બતાવી શકે છે, ‘‘જો... દર બબ્બે મિનીટે જમણો ખભો ઊંચો-નીચો થયે રાખે છે ને... એ આ અશોક દવે’’.

સ્ટેજ પર વર-કન્યાની હારોહાર ઊભા રહીને હરકોઇ સાવ ખોટું ખોટું હસીને ફોટા પડાવે છે. પ્રસંગ પત્યા પછી, આપણે એવા કયા મીર મારવાના હોય છે કે, લગન એમના ને હસીએ આપણે? આ તો એક વાત થાય છે. પણ ઊભા રહ્યા પછી હસવું તો પડે છે અને વીડિયોવાળો બૂમ ન મારે ત્યાં સુધી, હસવાનું બંધ કરી શકાતું નથી. મારે બે-ત્રણ વખત એવું થયું હતું કે, જે-શી-ક્રસ્ણ કહીને રાબેતા મુજબનું હસીને અમે તો સાઈડમાંથી સ્ટેજ પરથી ઊતરવા જતા હતા, ત્યાં ફોટોગ્રાફરે બૂમ પાડી કે, રોલ બદલવાનો હતો, એટલે ફોટો પડ્યો નથી... પાછા આવો. અહીં આપણે ય શરમાઇ જઇએ કે, આટલા ચાંદલામાં તો આટલું જ હસાય... હવે પાછા બીજી વાર સ્માઈલો આલવા તો મોંઘા પડે. યાદ રાખો : લગ્નપ્રસંગે સ્માઇલ અને પ્રીતિ-ભોજન, એક જ વારના હોય... સુઉં કિયો છો?

પણ અંગત રીતે, હું સ્માઇલો લુટાવવામાં બહુ અભિમાની નહિ. કહે છે કે, હસતી વખતે હું સંજીવકુમાર જેવો લાગું છું. મારા ફોટો ય સારા આવે છે. ઘણીવાર તો, સ્ટેજ પર મારી બાજુમાં ઊભેલા વરના પિતા કરતા ય મારૂં સ્માઇલ અવિસ્મરણીય બની રહ્યું છે.

ઈન ફૅક્ટ, લગ્ન વખતની યાદગીરીઓ ખબર નહિ કે, પણ લોકો ભયના માર્યા ય સંઘરતા નથી. ૭૬માં મારા લગ્ન વખતે મેં પહેરેલો ગુલાબી રંગનો સાફો, એ પછી તો ગાડીના કાચ લૂછવામાં વપરાઇ ગયો. વિશ્વમાં એવી કોઇ વ્યક્તિ પેદા થઇ નથી, જેનો લગ્ન વખતે સિવડાવેલો શૂટ ફરીવાર પહેરવાના કામમાં આવ્યો હોય. લગ્ન પૂરતો જ એ ટાંપાટૈડો ને પતલો-પતલો રહ્યો હોય, લગ્નના બે મહિનામાં તો એવો જામવા માંડ્યો હોય કે ઘરમાં પડેલા લેંઘા કામમાં ન આવે, ઓશીકાના બે ગલેફ પાડીને રાત્રે પહેરીને સૂએ, ત્યારે તો મહીં એના પગ સમાય, લગ્ન વખતના શૂટ જરૂરતમંદોને આપી દેતા નથી. (પહેર્યા પછી એ સાલો આપણા કરતા વધારે રૂપાળો લાગે તો...?)

પણ આ દાવો સાચો છે કે ખોટો, તેની આપણને કદી ય ખબર પડતી નથી. કોઇના રીસેપ્શનમાં પડાવેલો આપણો ફોટો આપણે કદી જોઇ શકતા નથી. એ લોકો આપણો ફોટો જોઇને કદી રાજી થતાં નથી....

એટલે જ સવાલ ઊભો થાય છે કે, આવા ફોટાઓનું મહત્વ શું? ખુદ વર-કન્યાએ પણ તમામ ફોટાઓનું ઝૅરોક્સ જેવું બનાવટી સ્માઇલ આપ્યું હોય. એમના હાવભાવોમાં કોઇ ફેરફાર ન હોય.

પણ એક માણસ એવો નીકળ્યો, જેણે રીસેપ્શનના ફોટાઓનું મહત્વ સાબિત કરી આપ્યું. એક મિત્રે દીકરાની રીસેપ્શનમાં પડાવેલા ફોટાઓ વ્યક્તિગત રીતે હર કોઇ મેહમાનોને મોકલી આપ્યા. મારા ફોટામાં તો હું સારો લાગતો હોવા છતાં મને મોકલી આપ્યો. આઇ મીન, ફોટામાં હું સારો લાગું છું. વાત કેવી મસ્તમજાની છે! સીઝનમાં આપણે ઍટેન્ડ કરેલા અનેક રીસેપ્શનો આજે તો યાદ પણ ન રહ્યા હોય. એના એ જ લોકો ફરીવાર રીસેપ્શન ગોઠવે, તો ફરીવારે ય જઇ આઇએ. આપણે કરેલા યાદ ન રહ્યા હોય, ત્યાં બીજાના તો ક્યાંથી રહે, ઓધવજી?

પણ આ વાત મને ગમી ગઇ. એક પડતી મુકાયેલી વાત વાર્તા બની ગઇ. જે ફોટાનું આલ્બમની બહાર કોઇ મહત્વ નહોતું, તેને આયુષ્ય મળી ગયું. બહુ દેખીતી વાત છે કે, જેને પોતાનો આ રીસેપ્શનનો ફોટો મળે એ આજીવન સાચવી રાખશે. જે લગ્નમાં શોભામાં કહેવાતી અભિવૃદ્ધિ કરનાર માટે નરી ઔપચારિકતા હોય, એના માટે આ એક દસ્તાવેજ બની ગયો. હવે પછી એ ફોટો પ્રસંગોપાત એ પોતાના મેહમાનોને ય બતાવશે અને એમાં એ દીકરીના શુભ-લગ્નની સ્મૃતિઓ ઘરઘરમાં વર્ષો સુધી સચવાયેલી રહેશે. નહિ તો, આપણે જઇ આવેલા કેટલા લગ્નો આપણને યાદ રહ્યા છે? આવું બધા કરે અને સ્ટેજ પર આવેલા મેહમાનોનો ફોટો મોકલાવી દે, તો દરેક મેહમાનના ઘરમાં આવા ફોટાઓનું એક અલગ આલ્બમ બની શકે. એક બાપની તો એ ભાવના હોય કે, એની દીકરીના શુભલગ્નની યાદો ઘરઘરમાં સચવાઇ રહે અને એનાથી વઘુ અસરકારક બીજો રસ્તો કયો?

બહુ ઇમ્પ્રેસ થયો હોવા છતાં, મારા રીસેપ્શનમાં આવેલા મેહમાનોના ફોટા હું હવે એ લોકોને મોકલાવી શકું એમ નથી. ઠેઠ ઉપર સુધી આંગડીયા જતા નથી અને જે લોકો હજી ગયા નથી, એ સાલાઓને તો આલ્બમમાંથી ય બહાર કઢાય એવા નથી. ફોટાના ખર્ચા સાથે મારે તો એ લોકોના ચાંદલા ય પાછા આપવા પડે.

સિક્સર
આજકાલ એક sms સહુને બહુ હસાવી રહ્યો છે :
પિન્ટુ કો હાથ કે નાખુન ખાને કી આદત થી. પૅરેન્ટ્સને ઉસે યોગ શિબિર મેં ભેજા... 

અબ પિન્ટુ પૈરોં કે નાખુન ભી ખા સકતા હૈ’....

No comments: