Search This Blog

19/08/2012

ઍનકાઉન્ટર : 19-08-2012

૧. ડૉક્ટરો આપણા શ્વાસ ઘડીકમાં ઊંડા અને ઘડીમાં છોડવાનું કહે છે... મતલબ ?
- કાયમ માટે છોડાઈ દેવાનું એમના જ હાથમાં હોય છે!
(ડૉ. સતીશ એમ. નાયક, વલસાડ)

૨. કન્યાના સંસ્કાર જોવા સારા કે એના ફાધરનું બેન્ક-બેલેન્સ?
- એનો આધાર તમે કઈ જ્ઞાતિમાં જન્મ લીધો છે, એની ઉપર છે.
(કવિતા કપિલ સોતા, મુંબઈ)

૩. પોલીસ ગૂન્હેગારોના મોંઢે પડદો રાખીને શેને માટે ટીવી સમક્ષ બતાવે છે?
- મોટા ભાગના કેસોમાં, દેખાવમાં પોલીસ કરતા ગૂન્હેગારો વઘુ સજ્જન લાગતા હોય છે, માટે!
(ડૉ. પ્રદ્યુમ્ન ડી. વ્યાસ, અમદાવાદ)

૪. હાસ્યલેખકનું જીવન આનંદમય હોય છે કે કરૂણાભર્યું ?
- બીજો હાસ્યલેખક વઘુ સફળ થતો હોય તો કરૂણાભર્યું !
(ડી.એ. માંડવીયા, પોરબંદર)

૫. આપણા દેશમાં દેશને બદલે ધર્મને કેમ વઘુ મોટો ગણવામાં આવે છે?
- કારણ કે, આપણે કૂતરાં નથી. કૂતરો જેનું ખાતો હોય, એને તો ન જ કરડે.
(અજય બારૈયા, વાદીપરા-કોટડા સાંગાણી)

૬. એકતા કપૂરો તો સમજ્યા... દૂરદર્શનવાળા ય સાસુ-વહુની સીરિયલો પર કેમ ચઢી ગયા છે?
- હજી એવી જ બેવકૂફ સીરિયલો નિયમિત જોનારી બેવકૂફ સાસુ-વહુઓ ઘરેઘરે મોજુદ છે, માટે.
(ડૉ. દિનેશ પાઠક, રાજકોટ)

૭. અન્ના હજારેની હવા નીકળી ગઈ... સુઉં કિયો છો ?
- આ માણસ ફ્રોડ છે, એવું આખા દેશમાંથી સૌથી પહેલું આ કોલમમાં કહેવાયું હતું.
(નટવર પી. પ્રજાપતિ, શાપુર)

૮. મૂંગી પત્ની ને બહેરો ગોરધન’, એ આજના યુગનું સર્વોત્તમ કપલ કહેવાય કે નહિ ?
- તમે બન્ને કોઈ સારા ડૉક્ટરને બતાવો જ!
(વિભૂત આર. જોશી, સુરત)

૯. માનો તો ગંગા માતા, નહિ તો બહેતા પાની...તમે શું માનો છો?
- દેશની તમામ નદીઓને પ્રજાએ ગંદીગોબરી કરી મૂકી છે... આ સાયન્સના જમાનામાં શેની માતા-બાતા ? નદીઓમાં નાહીં-ધોઇને સાલાઓ માંદા પડીને દેશને વધારે નુકસાન પહોંચાડે છે.. !
(નસીમા એફ. બારીયાવાલા, ગોધરા)

૧૦. આ ડીસેમ્બરમાં સહુએ ઉપર જવાનું ની જ છે, તો અશોકજી... આપે આપની બેગ તૈયાર કરી લીધી ?
- હું પહેલા જોઈ લઈશ કે, બધા ગયા કે નહિ... ! કોઈનું કાંઈ રહી જતું હો તો મેં કુ... લેતો આવું !
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

૧૧. મુન્ની ઝંડુ બામ થઈ ગઈ હોય, તો દવાના દરેક સ્ટોરમાંથી મળશે ખરી ?
- બધાના શરીરે વપરાયેલો બામ ચોપડીને તમારે શું કામ છે?
(કનુ જે. પટેલ, સંધાણા)

૧૨. શું સલમાનખાને હવે પરણી જવું જોઈએ? એની બા નહિ ખીજાતા હોય?
- ખીજાવાનું તો જેની સાથે એ પરણવાનો હશે, એની બાએ હોય... !
(સીમા એચ. ચૌહાણ, અમદાવાદ)

૧૩. પડોસીને પ્રેમ કરવાનો મતલબ એવો થોડો થાય કે, એની વિધવાને પ્રેમ કરવો ?
- સાચી વાત છે બેન તમારી. પ્રેમ કરવા માટે કોઈના વિધવા થવાની રાહો થોડી જોવાય ? આ તો એક વાત થાય છે.
(મંજુલા પરમાર, ગાંધીનગર)

૧૪. પહેલાના રાજા-મહારાજાઓને અનેક પત્નીઓ હતી... આજે એવી સગવડો કેમ નથી?
- ઘરની બહાર નીકળ્યા પછી, આજના રાજાઓ અનેક ચક્ષુ-વિવાહો કરીને ખુશ થાય છે.
(દિગ્વિજયસિંહ ગોહિલ, જામનગર)

૧૫. નરદમ જુઠ્ઠું બોલવામાં પુરૂષો કરતા સ્ત્રીઓ વઘુ પાવરધી હોય છે... સુઉં કિયો છો?
- જુઠ્ઠી સ્ત્રીઓ અકલ વગરની પણ હોય છે... પોતાના અનુભવો, સમજ અને બુદ્ધિને બદલે બીજાની બુદ્ધિ પર એમને વઘુ ભરોસો હોય છે.
(ગૌરી વી. કાચા, અમદાવાદ)

૧૬. બેસણું, સાદડી, બારમું-તેરમું, ઉઠમણું, પઘડી... આ બધાની સમજ આપશો ?
- બહુ નાની ઉંમરે તમને આવા સવાલો થવા માંડ્યા, નહિ ?
(નિમિષ કે. મહેતા, જૂનાગઢ)

૧૭. તમારા વાઈફ અને ડિમ્પલ કાપડીયા વચ્ચે કોઈ દોસ્તી-ફોસ્તી બંધાય એવું નથી ?
- ડિમ્પુને ક્યાં ખબર છે કે, હું પરણેલો છું... !
(હિરલ સવજાણી, જૂનાગઢ)

૧૮. સની દેઓલની આગામી ફિલ્મમાં એ તમને હીરોનો રોલ ઓફર કરે તો?
- સોરી... હાલમાં સ્ટીવન સ્પીલબર્ગ મારા ઘરના ધક્કા ખાઈ રહ્યા છે!
(આરતી સવજાણી, જૂનાગઢ)

૧૯. મહાપુરૂષોહોય, તો મહાસ્ત્રીઓકેમ નહિ ?
- સોરી... આ પ્રશ્ન તમે મહાબાળકને પૂછ્‌યો છે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

૨૦. મલ્લિકા શેરાવત સ્વયંવર યોજે, તો નંબર લાગે?
- એને તમારી પાસે જ બોલાવી લો ને... ! સ્વયંપત્ની સ્વયંવરગોઠવો.
(મુકેશ/ઝવેરભાઈ/દેવાભાઈ, ભાવનગર જીલ્લા જેલ)

૨૧. ખેતઉત્પાદન વધારવા ખેડૂતોએ શું કરવું જોઈએ?
- બળદને હળીવધારે કરવી જોઈએ... !
(ભરત એચ. કપાડા, ખીચા-ધારી)

૨૨. ડૉ. મનમોહનસિંઘ સવારને બદલે સાંજે ચાલવા કેમ જાય છે?
- જેવો માઈનો આદેશ!
(બમન પી. તાડીવાલા, વડોદરા)

૨૩. આજના યુવાનો મળે ત્યારે જયશ્રી કૃષ્ણકે જયશ્રીરામને બદલે હાય-હેલ્લોકેમ કરે છે?
- ‘હાય-હેલ્લો’ ‘જયશ્રી કૃષ્ણનો અનુવાદ જ છે.
(ઉદય ખત્રી, ભાવનગર)

૨૪. ગોલ કર્યા બાદ ફૂટબોલના ખેલાડીઓ કૂદકા કેમ મારે છે ?
- ત્યાં પાણીના હોજમાં ના તરાય, માટે.
(આરતી દોશી, જૂનાગઢ)

૨૫. ખુદ રાજેશ ખન્ના કહેતો ગયો છે કે, ‘દિલ કો દેખો, ચેહરા ન દેખો’... છતાં આપે આપની વાઇફનું દિલ જોવાને બદલે, ડિમ્પલનો ચેહરો જ કેમ જોયો ?
- જેનામાં જે જોવા જેવું લાગ્યું, એ મેં જોયું... હવે પંખો ચાલુ કરૂં ?
(નાનાસાહેબ ઈંગળે, સુરત)

૨૬. આજકાલ યુવાનો પણ વૃદ્ધ કેમ દેખાઈ રહ્યા છે ?
- આપનો ફોટો મોકલશો.
(ચેતન રાજાણી, રાજકોટ)

૨૭. જીંદગી પણ એક શિક્ષક છે, પણ શિક્ષકથી વઘુ સખ્ત કેમ છે?
- રોજ રાત્રે સૂતી વખતે ત્રિફળા લેવાથી બઘું ઠીક થઈ જશે.
(સુરેશ પી. મહેતા, વડોદરા)

No comments: