Search This Blog

26/08/2012

એનકાઉન્ટર : 26-08-2012

* એક હાસ્યલેખક તરીકે તમારા ઘરનું વાતાવરણ કેવું હોય છે ?
- હું ઘરમાં ન હોઉં ત્યારે... હાહાહિહિહૂહૂ... !
(
રમેશ આર. સુતરીયા, મુંબઈ)

* મેહનતની કમાણી અને ભ્રષ્ટાચારની કમાણી વચ્ચે શું ફરક ?
- 
એ ફરક જોનારાઓને મેહનત કરવી પડતી નથી.
(
વાઘજી ચૌધરી, મંડાલી-ખેરાલુ)

* અમદાવાદનું નામ કર્ણાવતિ ક્યારે રાખવામાં આવશે?
- 
હવે તો વિશ્વ હિંદુ પરિષદે ય માંડી વાળ્યું છે... ! છાપામાં નામ આવે, એ સિવાય કોઈ કામ કર્યું ?
(
રાહુલ બગડા, જૂનાગઢ)

* પીનારા આલીયા ને માલીયા, ને પીવડાવનારા માલ્યા’... બેઉ પાયમાલ!
- 
ઉફ્‌ફો... હવે સુરેન્દ્રનગરમાં નથી મળતો? તો તમારૂં આ શહેરે ય પાયમાલ... !
(
મીરાં કે સોઢા, સુરેન્દ્રનગર)

* કરોડપતિ સસરાનો લાભ કેવી રીતે લેવાય ?
- 
કહે છે ને... ગરજે ગધેડાને ય બાપ બનાવી દેવાય... !
(
સુબોધ નાણાવટી, રાજકોટ)

* બચપણ, જુવાની અને વૃદ્ધત્વ પછી શું ?
- 
બાપનું કપાળ... !
(
સુમન વડુકૂળ, રાજકોટ)

* ફિલ્મી વહુઓને સાસરામાં બહુ દુઃખ છે, એ દર્શાવવા ફક્ત કપડાં ધોતી કે વાસણ ઉટકતી જ કેમ બતાવાય છે ?
- 
સાસુને ધોતી અને ગોરધનને ઊટકી નાંખતી જાહેરમાં ન બતાવાય, માટે !
(
રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* તમારા મતે પૃથ્વી પરની આજ સુધીની સૌથી મહાન વ્યક્તિ કોણ ?
- 
મહાત્મા ગાંધી.
(
જતીન પ્રજાપતિ, મૂળી-સુરેન્દ્રનગર)

* પહેલાની પ્રેમિકા રસ્તે મળી જાય તો શું કરવું ?
- 
આ વખતે હોટલનું બિલ સાલી એની પાસે અપાવડાવવું !
(
ચિરાગ પંચાલ, મધવાસ-લુણાવાડા)

* પતિ કે પત્ની, બેમાંથી તાળું કોના મોંઢે સારૂં લાગે ?
- 
એનો આધાર ચાવી કોણ રાખવાનું છે, એની ઉપર છે.
(
સૈયદ અકબરઅલી, ઈલોલ)

* સુરતની સ્ત્રીઓને ગાળો બોલતી તમે જોઈ છે ?
- 
સાંભળી ના હોય પણ જોઈ તો હોય ને ?
(
મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* શું મૂંગી પત્ની ને બહેરો ગોરધન આદર્શ સમાજ-વ્યવસ્થા ગણાય ખરી ?
- 
આવું પેકેજ નકામું... ! આ બન્નેમાંથી એક હોય તો જ આપણા ગોરધનોને ફાયદો થાય.
(
વિભૂતિ આર. જોષી, કરમલા-સુરત)

* ‘સ્ત્રી હસીને જુએ અને જોઈને હસે, એ બન્ને વચ્ચે સારૂં શું ?’
- 
એ બન્ને વ્યવસ્થામાં આપણે ક્યાંય હસવાનું આવતું નથી !
(
શૈલેષ ઝીંઝુવાડીયા, જામનગર)

* ડિમ્પલથી ય વઘુ સુંદર મેનકા, રંભા અને ૠતંભરા નામની અપ્સરાઓ સ્વર્ગમાં છે... તમે કંપની આપતા હો, આંટો મારી આવીએ... !
- 
તમે પહોંચતા થાઓ... મારે તો અહીંનું ય જોવું પડે ને, ?
(
નલિન હ. ત્રિવેદી, જામનગર)

* સાધુમુનિઓ પણ હવે તો બળાત્કારના કેસોમાં પકડાવા માંડ્યા છે... મુન્ની પછી હવે મુનિ પણ બદનામ... ?
- ‘
મુન્ની તો કોઈ કામમાં ય આવે... !
(
લલિત ઓઝા, જૂનાગઢ)

* હું જૂનાગઢની જેલમાં દસ વર્ષની સજા કાપી રહ્યો છું, પણ મારી પ્રેમિકા બહુ યાદ આવે છે. શું કરૂં ?
- 
બહાર નીકળ્યા પછી આ જેલ વધારે સારી લાગશે !
(
રાજેશ પરમાર, જૂનાગઢ)

* આખા શરીરમાં ફરતો રહેતો વા સંધિવા સ્ત્રીઓની જીભ સુધી કેમ નથી પહોંચતો ?
- ‘
વા પુલ્લિંગ છે. એની તાકાત નથી. એ સ્ત્રીલિંગ થઈને વાઈ હોત, તો આપણા બધાના કામ પતી જાત !
(
અરવિંદ આર. પટેલ, જામનગર)

* ગાંધીજીએ અંગ્રેજોને હટાવ્યા. હવે આપણા સફેદ કપડાંવાળા ધોળા ઢાંઢાઓને હટાવવા શું કરવું ?
- 
આપણે ય સફેદ કપડાં પહેરી લેવા.
(
ગીજુભાઈ પંડ્યા, મુંબઈ)

* ફિલ્મના હીરો પૂરાં કપડાં પહેરીને ડાન્સ કરે છે, તો હીરોઈનો કેમ નહિ ?
- 
પણ તમને વાંધો ક્યાં આવ્યો? એવું ઈચ્છો છો કે, હીરો કપડાં કાઢીને નાચે ને હીરોઈનો ફૂલ-ડ્રેસમાં ?
(
મઘુકર પી. માંકડ, જામનગર)

* સરદાર પટેલની અવગણના કરીને ગાંધીજીએ નેહરૂને વડાપ્રધાન બનાવ્યા, તે શું સત્યની મજાક નહોતી ?
- 
હા, પણ એ વખતે ગુજરાતનો પટેલ-સમાજ ભયભીત નહોતો ને... !
(
અભિષેક દવે, કલોલ)

* આજના દુષિત રાજકારણમાં સારા માણસો નથી. શું આપ નહિ ઝંપલાવો ?
- 
મને મેક્સિમમ... હંિચકેથી ઝંપલાવતા આવડે છે... !
(
શ્રેયા/ભક્તિ દવે, કલોલ)

* બાબા રામદેવ રાજકારણમાં સફળ થશે ?
- 
સો ટકા થશે. આપણા દેશમાં બાવાઓ અને ખાસ કરીને નાગા બાવાઓ જ વઘુ સફળ થાય છે, યૂ નો !
(
ઈશ્વર બી. પરમાર, અમદાવાદ)

* રૂા. ૫૧/-નો ચાંદલો કરીને લગ્નમાં આખું કુટુંબ જમી જાય, એ શું કહેવાય ?
- 
તમે એમ કેમ નથી જોતા કે, એ લોકો ફક્ત પોતાના કુટુંબને જ લઈને જાય છે... પડોસીઓને નહિ !
(
દિનેશ બી. ચદ્દરવાલા, ભરૂચ)

* છેતરપિંડી... પાટાપિંડી... રાવલપિંડી... બીજી કોઈ પિંડી ખરી ?
- 
રાવલપિંડીમાં બઘું આવી ગયું.
(
અમરસિંહ વાઘેલા, અમેરિકા)

* મારી એક સહેલી દવે જ છે, પણ તમારા કરતા વિરૂદ્ધ સ્વભાવની... બહુ ગંભીર છે. શું કરવું ?
- 
એને મનમોહનનો ફોટો બતાવો... હસતી થઈ જશે.
(
શગુફતા શેખ, જંબુસર)

* પ્રેમી તરીકે ઉત્તમ માણસ પતિ તરીકે કેમ ઉત્તમ નથી રહેતો ?
- 
એવા કાંઇ બધા નવરા ન હોય !
(
હેતલ યોગેન્દ્ર સોલંકી, ગાંધીનગર)

* તમારી સાથે બનાવટ કરી ગયેલી સ્ત્રીને તમે ક્યો દરજ્જો આપો છો ?
- 
એ જ કે, બનાવટ કરવા માટે ય એણે સર્વોત્તમ માણસ પકડ્યો. કોઈ આલતું-ફાલતું તો મારી પાસે ફરકે ય નહિ ને ?
(
કવિતા જ. પટેલ, અમદાવાદ)

No comments: