Search This Blog

22/01/2017

ઍનકાઉન્ટર : 22-01-2017

* આપણા દેશનો ઉત્તમ નાગરિક કોણ બની શકે ?
–   
ભારતીય તિરંગાને જોતા જ જે પ્રણામ કરે છે, એ !
(
દીપક એમ.પંડયા, બિલિમોરા)

* હવે કેટલા વર્ષો પછી મોદીજી અનામત બંધ કરાવશે ?
–   
વૉટબૅન્ક યાદ આવશે પછી.
(
ડૉ. દીપા પંડયા, અમદાવાદ)

* જે રીતે કેજરીવાલ ગુજરાતમાં પણ જાતિવાદ ઉશ્કેરે છે, એ જોયા પછી મારે એને જોરદાર લાફો મારવો છે. શું કરૂં ?
–   
એવા લાફા ય શું મારવાના, જે માર્યા પછી હાથ બગડે ? એવો હાથ પછી કોઇ મિલાવે ય નહિ !
(
અંકુર મિસ્ત્રી, અજરાઇ-ગણદેવી)

* તમે મજાકીયા છો. કપિલ શર્માના શો માં આવો તો ચાર ચાંદ લાગી જાય !
–   
કપિલ બેસ્ટ છે. પણ પુરૂષો સ્ત્રીનો વેશ પહેરીને આવે, એની મને સૂગ ચઢે છે.
(
રિયા પટેલ, હિમ્મતનગર)

* તમારે જીયો કાર્ડનું કાંઇ સૅટિંગ થયું ?
–   
મૂકેશભાઈ સાથે વાત ચાલે છે... મેં કહ્યું, ''પહેલે આપ...!''
(
હાર્દ શાહ, ભરૂચ)

* 'અબ કી બાર મોદી સરકાર' એ સૂત્ર ક્યાં ગાયબ થઈ ગયું ?
–   
હજી બે જ વર્ષ થયા છે. બીજા બે-અઢી જવા દો.
(
હેમલ માંકડ, જામનગર)

* મારા પાકિસ્તાની મિત્રની પુત્રી તમારાથી ખૂબ પ્રભાવિત છે. તમારી વાત ચલાવું ? મને જાનમાં લઇ જશો ?
–   
બાય ઑલ મીન્સ... બશર્તે, દહેજમાં એ લોકોએ કાશ્મિર ભૂલી જવું પડે !
(
કિશોર વૈષ્ણવ, મુંબઈ)

* અશોક દવે, જામનગર ક્યારે આવશો હવે...?
–   
સીધી ફલાઇટ અથવા જળમાર્ગ શરૂ થાય ત્યારે.
(
રોહિત ભણસાલી, જામનગર)

* તમને સવાલ પૂછવા માટે ઇ-મૅઇલ જ શા માટે ?
–   
ઘેર આવીને પૂછી જાઓ.
(
ડૉ. મનિષ પંડયા, ઉપલેટા)

* 'ઍનકાઉન્ટર'માં કેટલાને ઢાળી દીધા.... અબ તક છપ્પન (હજાર) ?
–   
હજારો-લાખોની વાત આવે ત્યારે, તમારૂં નામ વાંચીને બીક લાગે છે.
(
મહેશ શાહ, વડોદરા) અને (ધર્મિલ દેસાઈ, જૂનાગઢ)

* હાસ્યમાં કઇ સુગંધ ભેળવવાથી એ નિર્દોષ બને ?
–   
હાસ્યનું નિર્દોષ હોવું ખાસ જરૂરી નથી.
(
મુકુંદ શાહ, વડોદરા)

* શું તમારા ખાતામાં રૂ. ૧૫-લાખ જમા થઇ ગયા ?
–   
એટલા તો હું કમાઈ લઉં છું.
(
કિશોર યાજ્ઞિક, અમદાવાદ)

* 'ભાભીજી ઘર પે હૈ ?' સીરિયલ તમે જુઓ છો ? શું લાગે છે ?
–   
મેં જોઇ નથી. વખાણ સાંભળ્યા છે.
(
વિનાયક ચિંતામણ દાંડેકર, વડોદરા)

* ઘરસંસાર સુખેથી ચાલે, એ માટે દરેક દંપતિએ શું ન કરવું જોઈએ ?
–   
બહુ સવાલો ન પૂછવા જોઇએ.
(
ધ્રૂવી કાચા, અમદાવાદ)

* નરસિંહ મહેતા કે તુલસીદાસ... સ્ત્રીના મહેણાં સાંભળીને ભગત બની ગયા. આજ સુધી કોઇ સ્ત્રી પુરૂષના મહેણાં સાંભળીને ભક્તાણી બની હોવાનું સાંભળ્યું નથી.
–   
સ્ત્રીઓનું કામ ભકતો ઊભા કરવાનું છે... કોઇની ભકત બનવાનું નહિં !
(
અર્થવ ભાવસાર, બડોલી-ઈડર)

* નરેન્દ્ર મોદી બીજા ૨૦-વર્ષ ભારતના વડાપ્રધાનપદે રહે, એ માટે એમણે શું કરવું જોઈએ ?
–  
રાજયોગ.
(
ઉમેશ એન. દોશી, થાણા)

* ભમરા સરીખા પુરૂષના મનને અંકુશમાં રાખવા સ્ત્રી જીવનભર પ્રયાસ કરતી હોય છે?
–   
સ્ત્રી પુરૂષને ક્યારેય સુખે જીવવા પણ નહિ દે....?
(
મધુકર માંકડ, જામનગર)

* તમે કર્મને પ્રાધાન્ય આપો છો કે ધર્મને ?
–   
હું કામચોર છું. ધર્મને શ્રદ્ધા પૂરતો સ્વીકારૂં છું.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* જૉક્સ બનાવવાની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ ?
-
સદીઓ પહેલા કોક વળી ગોધરાનું નામ દેતું હતું !
(
અ.રહેમાન આઇ.બોગલ, ગોધરા)

* આજના સમયમાં 'સત્યમેવ જયતે' પ્રસ્તુત છે ?
–   
હા. ન્યાયની દેવીના આઇ-કાર્ડ તરીકે હજી ય કામમાં આવે છે.
(
વિમલેશ એમ. જાની, ડાભલા-વિજાપુર)

* ભારતના રાજકારણ અંગે તમારો શું મત છે ?
–   
આપવા જેવો નહિ....!
(
કંજ પટેલ, પાટણ)

* આપણા દેશમાં એકતા ક્યારે જોવા મળશે ?
–   
જરૂરત એકતાની નહિ, શાંતિની છે.
(
દધિચી ગોહિલ, ઉમરેઠ)

* તમને મુમતાઝ મળે તો તાજમહલ બનાવો ખરા ?
-
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એક બાંકડો બનાવું.... પ્રેમીઓને બેસવા માટે !
(
જગજીવન મેતલીયા, ભાવનગર)

* તમે ટીવી શો કેમ શરૂ નથી કરતા ?
–   
જે લોકો કરે છે, તેનાથી સંતોષ છે !
(
મિતલ વિ. પરમાર, વડોદ-આણંદ)

* હવામાનના આગાહીકારો વિશે તમારૂં શું માનવું છે ?
- એમને ય પાપી પેટને ખાતર આગાહીઓ કરે રાખવી પડે છે.
(
ગોપાલ આશર, ધ્રોલ)

No comments: