Search This Blog

17/06/2015

મેરે દુશ્મન, તુ મેરી દોસ્તી કો તરસે

અમદાવાદના એસ.જી. હાઇવે પરના વૈષ્ણોદેવી મંદિર પાછળ ચાંદખેડા તરફ જતો એક અન્ડરપાસ આવે છે. હું 'કલહાર' બંગલોઝથી ઍરપૉર્ટ જતો હતો. બહુ લાંબુ અંતર અને રાતનો લગભગ ૧૧-નો સમય. હું તો વડોદરાવાળા ઍક્સપ્રેસ-હાઇવે ઉપરે ય ૬૦-થી વધુ સ્પીડમાં જતો નથી. પણ એ ગરનાળુ વટાવતા જ અંધારામાં મારી પાછળ કોઇ મારૂતિ વાન બેફામ સ્પીડથી આવતી દેખાઈ. મેં સાઇડમાં લઇને ગાડી વધુ ધીમી પાડી. ત્યાં અચાનક મારી બાજુમાં ગાડી ધીમી પાડીને એકલા બેઠેલા છોકરાએ મને અત્યંત હલકી કક્ષાની ગાળો દેવા માંડી. રોડના ડીવાઇડર પાસે મારી ગાડી બ્લૉક કરી માં-બેનની ગાળોથી ય હલકી કહી શકાય એવી ગાળો બોલતો એ ઢીંચકો છોકરો બિભત્સતા પર ઉતરી આવવા માંડયો. એની હાઇટ-બૉડી તો વાળીને મારા ખિસ્સામાં મૂકી દેવાય એવી હતી ને તમારામાંથી જેમણે મને રૂબરૂ જોયો છે, તે જાણતા હશે કે, પૂરા પોણા છ-ફૂટની હાઇટવાળો હટ્ટોકટ્ટો માણસ છું. મારે એને મારવાની જરૂર પણ પડે એમ નહોતું. માત્ર કૉલરથી પકડીને હવામાં અધ્ધર કરી શકું, એટલી સાઇઝનો એ હતો.

મને હજી ખબર પણ નહોતી કે, એ મને કઇ કમાણી ઉપર આટલી બધી સતત ગાળો દીધે રાખે છે. મારો જન્મજાત સ્વભાવ છે કે, કોઇ ગુસ્સે થતું હોય, ત્યાં હું ઠંડા કલેજાનો બની જવા માંડુ છું. અમદાવાદમાં ગાડી ચલાવવી અને રોજ મારામારી કરવી, મને નહિ.... કોઇને ન પોસાય, છતાં એવી નાનીમોટી ઘટનાઓ તો દરેક વાહનવાળાને બનવાની જ.

'અરે બેટા, તું સારા ઘરનો છે... આટલી બધી ગાળો.'

'બેટો...? તું મારી માં ને...' આગળનું બિભત્સ તો એ પોતાની માં માટે ય બોલ્યો, એ હું યાદ પણ કરી શકતો નથી. ત્યાં અહીં લખવાનો તો સવાલ જ ક્યાં ઊભો થાય છે. એ બીજું કશું કરતો નહતો... બસ, નૉન-સ્ટૉપ ગાળો જ બોલે રાખતો હતો. એક ક્ષણ માટે તો એવો ય વિચાર આવી ગયો કે, ગાડીમાંથી ઉતરીને આને ઊંચો કરીને રોડ ઉપર પછાડું, પણ ટેન્શન વધતું જાય, એમ હું આગળનું વધુ વિચારી શકું છું. મને હવે પછી બની શકે એવા દ્રષ્યો યાદ આવવા માંડયા કે, હું એને ઉંચકીને રોડ કે ડીવાઇડર ઉપર પછાડું, એ તો ક્ષણનું કામ છે, પણ પછી બનવાપાત્ર ઘટનાઓના દિવા-સપનાઓ મને ત્યાં જ ફાસ્ટફોરવર્ડમાં આવવા માંડયા કે, એને ખૂબ વાગે, અંધારામાં પાછળથી આવતી કોક ટ્રક એને કચડી નાંખે... એ હૉસ્પિટલમાં કે સ્મશાને ને હું પોલીસ-સ્ટેશનો અને અદાલતના ચક્કરો મારતો થઇ જાઉં. મોટો પ્રોબ્લેમ એ ધારી લીધો કે, હું મારવા બેસું તો પછી મારવાનો થાક મને ન લાગવો જોઈએ.. માર ખાવાનો એને લાગવો જોઈએ. અદાલત કે પોલીસવાળા તો ઠીક, ખૂદ મારા ઘરવાળા વાંક મારો કાઢશે કે, 'છોકરો હતો... દસ-બાર ગાળો દઇ ગયો ને ખઇ લીધી હોત તો ગુજરાતની સાડા પાંચ કરોડની જનતા કયાં તમને બાયલો કહેવા આવવાની હતી... પણ આટલો બધો કોઇને મરાય...?'

અને કાંઇ બાકી રહી જતું હોય એમ પેલા છોકરાના ઘરવાળાઓ ય મને કાંઈ 'થૅન્કસ' કહેવા થોડા આવવાના હોય ? બાત નીકલી હૈ તો બહોત દૂર તલક જાયેગી..!'

ગયા મહિને જ બનેલી આ સત્યઘટનાથી, જે પાઠ હું જન્મજાત શીખ્યો હતો કે, અંતે તો પરાજય ગુસ્સો કરનારનો જ થાય છે, એ મને આજીવન કામમાં આવ્યો છે. આપણા જેવાની જીંદગીઓમાં વિજય-પરાજય જેવું ઓછું હોય, છતાં એક નાનકડો ઝગડો આવનારા આઠ કલાકથી માંડીને બાકીની જીંદગીમાં ઝેર ઘોળી દે છે. લાચારી બધાની એકસરખી કે, પેલા જેવા હલકટ તમે થઇ શકવાના નથી અને થાઓ તો હિંદુસ્તાનનો ઈન્ડિયન પીનલ કોડ બહુ ખતરનાક છે.

તો શું... આપણો વાંક હોય કે ના હોય, આપણો પરાજય સ્વીકારીને દુશ્મનોને જવા દેવાના ?

ઓકે. મારા કૅસમાં તો આજ સુધી કોઇ દુશ્મનને મેં સામે વાર (કોઇપણ સ્વરૂપે) નથી કર્યો, છતાં અંતે વિજય મારો થયો છે. પરમેશ્વરે એ લોકોને જરૂરત કરતા વધુ સજાઓ આપીને મારા વતી બદલો લીધો છે ને એ દુશ્મનોને રિબાતા જોઇને હું કદી ખૂશ થયો નથી. આજે પણ તમામને કોઇ ફંકશનમાં હું સામેથી બોલાવી શકું છું. તમારૂ ફીલ્ડ કોઇ બી હો, એક વાર તમે સફળ થવા માંડયા, પછી હરિફો તમને માફ કરતા નથી. ગુજરાતમાં જ અનેક ક્રિકેટરો આગળ વધી ન શક્યા, સુગમ સંગીતમાં તો રોજ બીજે દહાડે કોઇ કહેનારો કે કહેનારી મળે છે. 'સુગમ સંગીત જેવું પૉલિટિક્સ અન્ય કોઇ ક્ષેત્રમાં નથી.' સાહિત્યના ક્ષેત્રમાં તો અમથા ય તમામ કવિ-લેખકો ઘણા લોઅર-મિડલ ક્લાસમાંથી આવ્યા છે. જેમણે જાહોજલાલી જોઇ જ નથી. થોડું નામ થયું, એમાં મહારાજા બની જાય ને આસપાસના તમામ રાજા-મહારાજાઓને ખતમ કરવા બહુ ઝીણકું છતાં બિભત્સ રાજકારણ રમે. સીધો સિધ્ધાંત... 'ગુણવત્તાથી નહિ તો ગાળોથી મારો સાલાને !'

પણ દુશ્મનોને સીધા કરવાની મારી 'ચાલ' બેહદ કામયાબ નિવડી છે કે, કદીય એમની ઉપર વળતો હૂમલો કરવાનો જ નહિ. એમનું ખરાબ તો એટલા માટે નહિ બોલવાનું કે, માતા સરસ્વતિની કૃપાથી લોકો મને સારૂં બોલવાના અઢળક પૈસા આપે છે. અહીં થોડું મારૂં અભિમાન પણ આવી જાય છે કે, ગમે તેવો આલીયો-માલીયો મારા દુશ્મન હોવાની જાહોજલાલી કેવી રીતે ભોગવી શકે ? દુશ્મન પણ બધી રીતે મારા લૅવલનો હોવો જોઇએ. કાલ ઉઠીને આપણા રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ કહે, 'બૉસ, આપણે હમણાંથી બચ્ચન-ફચ્ચનને ઘેર સવારના ચા-પાણી બંધ કરી દીધા છે. બચ્ચુને તો હું બોલાવતો જ નથી !' લો કલ્લો બાત... આમાં તમને બચ્ચનનું ધોરણ કેટલું નીચું ગયેલું લાગે, જે રણછોડભ'ઇને ઓળખતો ય ન હોય !

તમે આ થિયરીથી કન્વિન્સ ન થતા હો, પણ કોઇ પણ દુશ્મનને સામે ચાલીને પ્રેમથી બોલાવવામાં લેવલ તમારૂં ઊંચુ દેખાવાનું છે. શક્ય છે, દુશ્મની ખતમ પણ થઇ જાય. જીવનભરની દુશ્મની આજ સુધી કોઇને ફાયદો કરાવતી ગઇ નથી. ઉપર જવાનો સમય નજીક આવતો જાય, ત્યારે માથાં ઉપર દુશ્મનીના ભારનું પોટલું ઊચકીને જવાનું ન હોય....'ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પૈડલ હી જાના હૈ'!

રસ્તે જતા હો અને અચાનક દૂરથી તમારો કોક દુશ્મન દેખાઇ ગયો, ત્યારે કેવા વિચારો આવે છે? ત્યાં જઇને એને મારી આવવા-બાવવાનું તો આપણા ગુજરાતીઓનું કામ નહિ. પણ મનમાં એની માં-બેનને કેટલી ચોપડાવો છો ? પેલાને તો ખબરે ય નથી કે, તમે આસપાસમાં છો, પણ અચાનક આપણાથી સાલો જોવાઇ ગયો, તો તમારી બૉડી-લૅન્ગ્વેજ કેવી થઇ જાય છે ? મનમાં ને મનમાં ધુંધવાઇ જઇએ છીએ અને કાંઇ કરી શક્તા ન હોવાની લાચારી આપણી ઉપર હસતી રહે છે. છેલ્લે જાણીએ છીએ કે, આપણાથી કાંઇ થવાનું નથી, એટલે, 'મરવા દે ને સાલાને... એના જેવું કોણ થાય ?' કહીને મોટા માણસ બની જઇએ છીએ. એકાદ-બે વીક પહેલા મેં એક વિવાદાસ્પદ લેખો લખ્યો હતો, 'હા, હું ગાળો બોલું છું'.... ગાળો બોલી નાંખવાનો મોટો ફાયદો એ કે, મારામારી કરવા જવું ન પડે, એને તો જાવા દિયો, સામું આપણને વાગે-બાગે નહિ અને મનમાં બોલાયેલી ગાળોને કારણે એક મોટી મારામારી અને ભયાનક ભાવિ પરિણામોથી બચી જવાય છે. ગાળો વેશ્યા જેવી છે. પોતે બદનામ થઇને, વિકૃત માણસોની હવસ સંતોષીને રસ્તે જતી સારા ઘરની સ્ત્રીઓને શક્ય હોય ત્યાં સુધી બચાવી લે છે. મનમાં બોલાયેલી ગાળો ય વેશ્યાનું કામ કરે છે. તમને સંભવિત મુશ્કેલીમાંથી ઉગારી તો લે છે જ, પણ બદલો લીધાનો નાનકડો સંતોષે ય આપે છે.

ઓહ યસ...હું તો હવે આ શાસ્ત્રમાં ય પી.એચ.ડી. કરવા જઇ રહ્યો છું...ગાળો બોલી નાંખવાને બદલે, સરસ મજાનું હસી પડું છું (ઘણા કહે છે, 'તમે હસતી વખતે બહુ હૅન્ડસમ લાગો છો.' એના જવાબમાં હું કહું છું, 'હસતી વખતે તો વાંદરૂં ય હૅન્ડસમ લાગે'!)

કમ્માલની વાત તો એ છે કે, પેલાને તો ખબરે ય નથી કે તમે ય ત્યાં હતા. એ તો એની મસ્તીમાં નીકળી ગયો ને તમારા આવનારા બે કલાક બગાડતો ગયો. ફ્રેન્કલી કહું, તો આ તબક્કે દુશ્મનીમાં તો એ તમને મારતો ગયો. વગર હથિયારે, વગર ગાળાગાળીએ કે ઈવન વગર જોયે આ નાનકડો જંગ એ જીતતો ગયો. બે કલાક તમારા બગડયા...એને તો તમે યાદે ય નથી રહ્યાં!

મોટા ભાગે આ આઇન્સ્ટાઇનનું અથવા અશોક દવેએ આપેલું ક્વૉટ છે કે, 'ત્રીજું વિશ્વયુદ્ધ કેવું લડાશે એની તો ખબર નથી, પણ ચોથું તો બેશક પથ્થરોથી લડાશે. (એણે 'પથ્થરો' શબ્દ વાપર્યો હતો અને મેં, 'ઢેખાળા' ! નૉલેજ-નૉલેજમાં થોડો ફેર તો પડવાનો ને ? એ બિચારો ક્યાં મારા ખાડીયાનો હતો !) યસ, આ લેખનો વાચક આઇન્સ્ટાઇન અને અશોક દવે કરતા ય વધુ સ્માર્ટ હશે તો ક્વૉટમાં થોડો ફેરફાર કરશે, '...ચોથું વિશ્વયુદ્ધ બેશક ગાળોથી લડાશે.'

સિક્સર
'મૅગી' બંધ થાય કે પિત્ઝા-પાસ્તા... ગુજરાતણોને કોઇ ફરક પડતો નથી... પણ ભૂલેચુકે ય 'પાણી-પુરી' ઉપર પ્રતિબંધ આવશે તો, મોદી-સરકાર તો શું, આવનારીએકે ય સરકાર નહિ ટકે! (ઍન્ડ માઇન્ડ યુ.. બબ્બે કીલો પાણી-પુરી ખાઇ લીધા પછી મફતમાં મળતી 'મસાલા-પુરી' તો સરકારે ફરજીયાત બનાવવી પડશે.... તો જ હજી બીજી બે લોકસભા જીતી શકશે.)

14/06/2015

એનકાઉન્ટર : 14-06-2015

૧. જો તમને સોનિયા ગાંધી કોંગ્રેસ-અધ્યક્ષ બનાવે તો ?
- એટલા બધા એ બેવકૂફ નથી.
(દિવ્યા સાણંદીયા, સુરત)

૨. તમે પત્નીને દિવસમાં કેટલી વાર 'આઈ લવ યૂ' કહો છો ?
- આવું હોય ત્યારે અમે બન્ને એકબીજાને 'જે શી ક્રસ્ણ' કહીએ છીએ.
(જયેશ અંતાણી, ભાવનગર)

૩. લેખક સફળતાની ટોચ પર ક્યારે પહોંચ્યા કહેવાય ?
- જ્યારે ત્યાંથી એને ધક્કો મારનારાઓની લાઈન લાગી હોય !
(પારૂલ સુનિલ ગઢીયા, રાજકોટ)

૪. 'વેલેન્ટાઈન-ડે' ઉપર લોકો પોતાની ગર્લ-ફ્રેન્ડ પાછળ ખર્ચા કેમ કરે છે ?
- હાસ્તો વળી, એમ કાંઈ મફતમાં ઘર-ઘર થોડું રમાય છે, કાંઈ ?
(ડેની ગોટેચા, કેશોદ)

૫. મેહનત છતાં એકઝામ્સમાં માકર્સ ઓછા કેમ આવે છે ?
- મોટા માણસોના જીવનચરિત્રો વાંચો.
(ચંદ્રેશ ડોબરીયા, નિંગાલા-બોટાદ)

૬. દિલ્હીમાં ભાજપથી કંટાળીને જ પ્રજાએ 'આપ'ને પસંદ કરી... હવે મોદી માટે ખતરો ખરો કે નહિ ?
- હજી સુધીતો નથી !
(ધીમંત ભાવસાર, બડોલી)

૭. તમને પાકિસ્તાનના વડાપ્રધાન બનાવવામાં આવે તો ?
- ભારતથી મહાન દેશ બીજો કોઈ છે ખરો ? હવેથી જરા ઊચું વિચારો.
(કેયૂર પ્રજાપતિ, મહેસાણા)

૮. તમને 'એનકાઉન્ટર' લખવાની પ્રેરણા કેવી રીતે મળી ?
- મગજમાંથી.
(ડૉ. પ્રવિણ કલસરીયા, તલગાજરડા)

૯. દિલ્હીમાં તો 'ઝાડુ' ફેરવાઈ ગયું... હવે ?
- હવેના ઝાડુઓ વિદેશોથી આવશે...
(નિહાર ગોર, પાલનપુર)

૧૦. પહેલા ઝાડુ... પછી સ્વચ્છતા... હવે ?
- શૌચાલય.
(જતિન દેસાઈ, મુંબઈ)

૧૧. 'ભદ્રંભદ્ર' જેવી હાસ્યનવલકથા ગુજરાતને ક્યારે મળશે ?
- કોઈ હાસ્યલેખક આખી નવલકથા લખવાની ભૂલ કરે ત્યારે.
(ઉષા ઢોલરીયા, વાપી)

૧૨. કેજરીવાલના મતે મોદીજીનો સૂટ રૂ. દસ લાખનો, તો એમના મફલરની કિંમત કેટલી ?
- એ તો સૂટના વધેલા કાપડમાંથી બની જાય !
(રાજેન્દ્ર સેન્તા, અંકલેશ્વર)

૧૩. વર્લ્ડ-કપમાં પાકિસ્તાન સામે ઈન્ડિયા જીત્યું, એમાં મીડિયા દ્વારા આટલું બધું કવરેજ... ?
- આમાં તમને વાંધો ક્યાં આવ્યો... ?
(રોહિત બૂચ, વડોદરા)

૧૪. તમારી દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી સમસ્યા કઈ છે ?
- બેફિકર બનીને બેસી રહેલા નેતાઓ.
(જયમીન જોશી, આણંદ)

૧૫. 'ઈસરો' તમને મંગળના ગ્રહ ઉપર મોકલે તો જવા રાજી ખરા ?
- 'ઈસરો'માં વૈજ્ઞાાનિકો બેઠા છે... મારા સાસરાવાળાઓ નહિ !
(અનંત ત્રિવેદી, ગોરડકા-બોટાદ)

૧૬. પાકિસ્તાન જઈને એને મારી અવાય નહિ ?
- ભારતના વડાપ્રધાનનું નામ 'બરાક હુસેન ઓબામા' નથી.
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

૧૭. લગ્નપ્રસંગે ચાંદલો... એ પ્રથા વિશે શું માનો છો ?
- ખાસ કાંઈ નહિ... જે કંકોત્રીમાં 'ભેટ-ચાંદલો લેવાનો નથી' એવું આશ્વાસન લખવામાં આવે છે, ત્યાં જમવાનું બહુ મીઠું લાગે છે.
(પુનિતા વ્યાસ, પૂણે-મહારાષ્ટ્ર)

૧૮. કહેવાય છે કે, સુંદર સ્ત્રીને જોયા પછી પુરૂષનું મગજ બંધ થઈ જાય છે... તમે પણ એમાંના જ નીકળ્યા !
- તમે અભિનંદન આપી રહ્યા છો કે ફરિયાદ કરી રહ્યા છો ?
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

૧૯. તમને એક સવાલનો જવાબ લખતાં કેટલો સમય લાગે છે ?
- ગમ્મત ગુણવત્તાથી આવે... સમયથી નહિ !
(અકીલ મનસુરી, અમદાવાદ)

૨૦. છોકરો પસંદ કરતા પહેલાં શું જોવું જોઈએ ?
- એના બાપનું કપાળ... આઈ મીન, બેન્ક-બેલેન્સ ! લગ્નના બીજા જ મહિને કન્યાને નોકરી શોધવાની લાઈનમાં ઊભા રહેવું પડે, એવા ઘરમાં ન પરણાય !
(અંજલિ રાયઠઠા, રાજકોટ)

૨૧. ડૉક્ટરો અને વકીલો આખી જીંદગી 'પ્રેક્ટીસ' જ કરે છે, તો 'પરફેક્ટ' ક્યારે બનશે ?
- એ લોકો 'પરફેક્ટ' છે, માટે આપણે 'પ્રેક્ટીસ' કરવી પડતી નથી.
(રજનીકાંત ત્રિવેદી, ભાવનગર)

૨૨. મેરેજ પછી લાઈફમાં ચેઈન્જીસ આવે, એ વાત સાચી છે ? અને આવે તો કેવા ચેઈન્જીસ આવે ?
- ખાસ કંઈ નહિ... અત્યાર સુધી કપડાં-બપડાં તમે ધોતા હો... નવા ચેઈન્જ મુજબ ગોરધનને ધોવાના (અને ''ધોવાનો'') આવે !
(ચેતના દવે, સુરત)

૨૩. સોનું અને કથિર, એમ તમારા પત્ની અને ડિમ્પલ કાપડીયા... બરોબર ને ?
- શું ધૂળ બરોબર... ? ડિમ્પલ સોનું તો પત્ની પ્લેટિનમ !
(સિલિકા દેડકીયા, રાજકોટ)

૨૪. તમે મારા આગળના સવાલનો જવાબ આપવામાં ત્રણ મહિના લીધા... એટલો બધો અઘરો લાગ્યો ?
- હું ડૉક્ટર હોત તો હજી છ મહિના વધુ લાગત !
(ડૉ. વ્યોમિકા દેવધરા, વાપી)

૨૫. આપને ક્યારેય કોઈની ઉપર અહોભાવ થયો છે ?
- હા. એક વ્યક્તિ ઉપર. રાકેશ શર્મા, જે પહેલા ભારતીય હતા, જે અંતરીક્ષમાં ગયા. મેડમ ઈંદિરા ગાંધીએ લાઈવ ટેલીકાસ્ટમાં પૂછ્યું, ''ઉપર સે હમારા ભારત કૈસા દિખતા હૈ ?'' તો રાકેશે જવાબ આપ્યો, ''સવાલ હી નહિ ઉઠતા... સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા.'' બસ, મને આજ સુધી આ એક જ વ્યક્તિ ઉપર સંપૂર્ણ અહોભાવ થયો છે.
(જગદિશ આર. શાહ, રાજકોટ)

૨૬. ટ્રક-ડ્રાયવરની સાથે મેલાઘેલા સાથીને 'ક્લીનર' કેમ કહેવાય છે ?
- જ્યાં કોઈ સર્વિસ થતી નથી, એને ય 'સર્વિસ રોડ' જ કહેવાય છે ને ?
(સુનિલ એન. આનંદ, સુરત)

13/06/2015

'દુશ્મન' (1971)

આ '૭૦ના આજુબાજુના દાયકાઓમાં બનેલી ફિલ્મો ભારે નિરાશાજનક હતી. અપવાદોને બાદ કરતા એકે ય ફિલ્મમાં એકે ય કિસ્મના ઢંગધડા જોવા ન મળે, ત્યારે આ 'દુશ્મન' એની વાર્તા, દિગ્દર્શન અને રાજેશ ખન્નાના અર્થપૂર્ણ અભિનયને કારણે જોવી-માણવી ગમે એવી ફિલ્મ બની હતી.

ફિલ્મ – દુશ્મન
નિર્માતા - પ્રેમજી
દિગ્દર્શક -દુલાલ ગુહા
સંગીત - લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર -આનંદ બક્ષી
રનિંગ ટાઈમ - ૧૭-રીલ્સ – ૧૭૭મિનિટ્સ
થીયેટર -અલંકાર (અમદાવાદ)
કલાકારો - રાજેશ ખન્ના, મુમતાઝ, મીના કુમારી, રહેમાન, નાના પળશીકર, અનવર હુસેન, ગુરનામ, કન્હૈયાલાલ, સજ્જન, કે.એન. સિંઘ, અભિ ભટ્ટાચાર્ય, તિવારી, અસિત સેન, કુલજીત, લીલા મીશ્રા, નાઝ, માસ્ટર ટીટો અને માસ્ટર દીપક, નર્મદા શંકર, શેખર પુરોહિત, હબીબ, બિહારી, મૂલચંદ, મારૂતિ, મુરાદ અને ખાસ ભૂમિકામાં 'બિંદુ' અને જ્હૉની વૉકર.



તમારા છોકરાને કોઈ પણ ફીલ્ડનો સુપરસ્ટાર બનાવવો હોય, તો એને અમિતાભ બચ્ચનના નક્શ-એ-કદમ પર ચાલવાનું કહેજો, રાજેશ ખન્નાના નહિ! ફિલ્મોના સુપરસ્ટાર તો બન્ને હતા, પણ ખન્નો 'હતો' કહેવાય છે અને બચ્ચન 'છે' કહેવાય છે. એક માત્ર ડીફરન્સ નમ્રતા. (છોકરાને કોમેડીયન કહેવડાવવો હોય તો શત્રુઘ્ન સિન્હા બનાવજો.... આજે ભ'ઈને કોઈ ઓળખતું ય નથી, છતાં પોતાના પ્રિન્ટિંગ-પ્રેસમાં છપાવેલા સર્ટિફિકેટ મુજબ, હજી આજેય એ પોતાને હિંદી ફિલ્મોનો સુપરસ્ટાર કહેવડાવે છે. એની દીકરી સોનાક્ષી સિન્હાએ ઉઘાડેછોગ બફાટ કર્યો હતો કે, 'મારા ડેડી એ જમાનામાં ય સુપરસ્ટાર હતા અને આજે ય એ જ છે...' તારી ભલી થાય ચમની... કાલ ઉઠીને તો તું ય તારી જાતને 'મધર ટૅરેઝા' કહેવડાવવા માંડીશ, એટલે અમે બધા શું અલીબાગથી આવ્યા છીએ... જા, ઘેર જઈને પંખો ચાલુ કર, બહેન!

રાજેશ ખન્ના તો બાકાયદા સુપરસ્ટાર હતો ને એમાં ય છોકરીઓને એણે પાગલ બનાવી દીધી હતી. 'આરાધના' પછી તો એણે દેશભરમાં ફિલ્મોની આખી તાસિર બદલી નાંખી હતી. સળંગ ૧૫-ફિલ્મો સિલ્વર જ્યુબિલી આપવાનો નવો રેકોર્ડ છે. પણ આજે એનો કોઈ ભાવ પૂછાતો નથી એનું એક જ... ના, એક જ નહિ, ઘણા કારણો નીકળી આવ્યા. એક તો, દેવ આનંદની જેમ ખન્નાએ પણ ઍક્ટિંગને બાજુ પર રાખીને 'મેનરિઝમ્સ' પર વધારે ધ્યાન આપ્યું. ચેહરાના આપણા ગળે ન ઉતરે એવા લાઉડ હાવભાવ, જમણો ખભો ઢળતો રાખીને ચાલવું, બોલવામાં મર્દાનગીને બદલે ક્યારેક સ્ત્રૈણ્યવેડાં, મુમતાઝના ભાઈ રૂપેશ કુમારથી માંડીને સુજીત કુમાર જેવા ચમચાઓથી ઘેરાયેલા રહેવું અને એમના રીપોર્ટર્સ (ખાસ કરીને, ખન્નાના ધરખમ હરિફ અમિતાભ બચ્ચનને હવે કોઈ પૂછતું નથી, એવા મ્હોં-માથાં વગરના રીપોર્ટ્સથી ખુશ થઈ જવાનું) સ્ટુડિયોમાં નાના સ્ટાર્સ કે સેટ પરના માણસો સાથે બદતમીઝી અને ખાસ તો, અમિતાભ બચ્ચન માટે જન્મજાત દુશ્મનાવટ એને બહુ મોંઘી પડી. ખન્નો સ્વીકારવા ય તૈયાર નહતો કે, બચ્ચન હોય કે દાદામોની હોય કે દિલીપ કુમાર... એનાથી વધુ સારા ઍક્ટરો હોઈ શકે. એક્ટિંગમાં ધ્યાન આપવાને બદલે ફિલ્મી કાવાદાવાઓ શરૂ કર્યા ને એકવાર પતન શરૂ થયું અને 'ઝંજીર' પછી અમિતાભ બચ્ચન નામનું ત્સુનામી આવ્યું, એમાં બહુ શરમજનક રીતે ખન્નો ઘસડાઈ ગયો... ને મર્યો ત્યાં સુધી સ્વીકાર્યું ન હિ કે, પોતાનાથી બચ્ચન હવે વધુ ચલણમાં છે કે વધુ સારો ઍક્ટર છે. નહિ તો, આ જ રાજેશ ખન્ના સાચા અર્થમાં અદ્ભુત 'ઍક્ટર' હતો. એને કન્ટ્રોલમાં રાખી શકે, એવા દિગ્દર્શકો પાસે એણે ઉત્તમોત્તમ કામ કર્યું છે, ખાસ કરીને બી.આર. ચોપરાની ઈત્તેફાક, આપ કી કસમ, આનંદ, માલિક... ઓહ, અનેક ફિલ્મોમાં એ હીરો નહિ, 'ઍક્ટર' તરીકે ઝળક્યો કારણ કે, દિગ્દર્શક મજબુત હોય તો અઢી સેકન્ડના દ્રશ્ય માટે ખન્નો ચેહરાના આઠસો અવયવો હલાવી શકતો... લેવાદેવા વગરના! (દવે સાહેબ, જરા મોળા પડો... ચેહરાના આઠસો અવયવો ક્યાંથી ગણી લાવ્યા? જવાબ : આપણા બધાના હાવભાવો ખન્નો એકલો ચેહરા ઉપર લાવી શકતો... જવાબ પુરો) ખન્નાએ ૧૬૩-ફિલ્મોમાં કામ કર્યું, જેમાંની ૧૦૬-ફિલ્મોમાં તે એ એકલો હીરો હતો. '૭૪માં બી.બી.સી.એ 'ધ બૉમ્બે સુપરસ્ટાર' નામથી એના ઉપર ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.

પ્રેમજી નિર્મિત અને દુલાલ ગુહા દિગ્દર્શિત આજની ફિલ્મ 'દુશ્મન' એવા જ રાજેશ ખન્નાની સુંદર ફિલ્મ છે, જેમાં એને ગુહાએ 'હખણો' રાખ્યો છે, માટે ફિલ્મનો બધો ભાર એણે ઑલમોસ્ટ એકલે હાથે ઉપાડયો છે. ધર્મેન્દ્રને ફિલ્મ 'બંદિની' કે 'અનુપમા' બ્રાન્ડના ઠંડા હીરોમાંથી ગરમ ધરમ બનાવનાર આ દુલાલ ગુહા. ફિલ્મ 'દોસ્ત' પણ એમની જ. બચ્ચનની 'દો અન્જાને' પણ ગુહા સાહેબની કમાલ. થોડી પણ સફળ ફિલ્મો એમણે બનાવી, એમાંની આ એકમાં એમણે એક અસરકારક પ્રયોગ કર્યો છે. રોડ-ઍક્સિડેન્ટમાં ગુન્હેગાર ડ્રાયવરને અદાલત ફાંસીએ લટકાવે કે જનમટીપ આપે, એનાથી જાન ગુમાવનારના પરિવારને કયો ફાયદો? આ પ્રશ્નનું લોજીક સાચું પણ હોય તો ય, દુનિયાભરની અદાલતો જે તે અકસ્માતનું પરિણામ ભોગવનાર પરિવારને કશું આપી/અપાવી શકતી નથી.

ફિલ્મ 'દુશ્મન'માં અખતરો કાયદાના નામ ઉપર કરી જોવાયો છે. શરાબી અને ઐયાશ ટ્રક-ડ્રાયવર (રાજેશ ખન્ના) ગરીબ ખેડૂત ઉપર અજાણતામાં ટ્રક ફેરવી દે છે, જે મીના કુમારીનો પતિ એટલે કે પરિવારનો એક માત્ર રોટલો રળનાર માણસ, જેના ઘરમાં એની બહેન (નાઝ), એક પગે અપાહિજ બાપ (નાના પળશીકર), પ્રજ્ઞાચક્ષુ માતા (લીલા મીશ્રા) અને વિધવા માં મીનાકુમારીના બે બાળકો (માસ્ટર ટીટો અને દીપક) ન્યાયાધીશ (રહેમાન)ની એ દલિલ સાથે સરકારી વકીલ (કે.એન. સિંઘ) નારાજ છે કે, ગુન્હેગારને જેલના સળીયા પાછળ બંધ કરવાને બદલે નુકસાન પામનાર ગરીબ કિસાનના પરિવારનું બે વર્ષ સુધી ભરણપોષણ એ લોકોના ઘરમાં રહીને પૂરું પાડવું. પણ એમ જ થાય છે, એમાં મીના કુમારી ઉપરાંત એનો પૂરો પરિવાર આ ચુકાદો સ્વીકારતો તો નથી, પણ પરાણે એક ખૂનીને પોતાના ઘરમાં રાખવો, સહુની નફરત સાથે સજાના ધોરણે ન છૂટકે રહેતો ખન્નો ધીમે ધીમે એ પરિવારને રોટલો પૂરો પાડવા ઉપરાંત, હિંદી ફિલ્મોના હીરો કરે છે એ બધું - જેમાં 'ઘર કી બહુબેટીયોં કી લાજ બચાના' ય આવી જાય ને જુલ્મી જમીનદાર (અનવર હુસેન) અને તેના સાગરિત (સજ્જન)ને સીધા કરવા માટે ગામના સાધનસંપન્ન ખેડૂત (કન્હૈયાલાલ) અને ફિલ્મની હીરોઈન ફૂલમતી (મુમતાઝ)ની મદદથી ફિલ્મનો સંતોષજનક એન્ડ લાવવો.

આ '૭૦ના આજુબાજુના દાયકાઓમાં બનેલી ફિલ્મો ભારે નિરાશાજનક હતી. અપવાદોને બાદ કરતા એકે ય ફિલ્મમાં એકે ય કિસ્મના ઢંગધડા જોવા ન મળે, ત્યારે આ 'દુશ્મન' એની વાર્તા, દિગ્દર્શન અને રાજેશ ખન્નાના અર્થપૂર્ણ અભિનયને કારણે જોવી-માણવી ગમે એવી ફિલ્મ બની હતી. યાદ ન હોય કે હજી નહિ જુઓ તો કાંઈ લૂંટાઈ જવાય એવી ગ્રેટ ફિલ્મ પણ નહોતી, દુલાલ ગુહાને વાર્તા કહેતા સરસ આવડતી હોવાથી ફિલ્મ જોતી વખતે ઘટનાઓ બદલાયે રાખે છે. દ્રષ્યો લાંબા અને જરૂર વગરના ઉમેર્યા નથી. ફિલ્મના તમામ પાત્રો મારા-તમારા ઓળખીતા છે, એટલે 'આ જમીનદાર બને છે, તે કયો ઍક્ટર?' કે એ સમય પહેલાથી લગભગ દરેક ફિલ્મમાં દેખાતો મોટી ફાંદવાળો મૂલચંદ કયો? 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ રાજ મેહરા જેને મકાનના છાપરે ગોળીએથી વીંધી નાંખે છે, એ વખતે તો એ ફક્ત 'તિવારી' તરીકે ઓળખાતો તો છેલ્લે છેલ્લે એનું નામ 'રામાયણ તિવારી' કેમ થઈ ગયું? વગેરે સવાલો બહુ પૂછવા પડે, એટલા અજાણ્યા કલાકારો નથી. નાના પળશીકરને જેટલી ફિલ્મોમાં જોઈએ, આપણે એની અભિનય પ્રતિભાથી ઈમ્પ્રેસ થયા વિના રહી ન શકીએ. ચોપરાની ફિલ્મ 'કાનૂન'માં કોર્ટના એક દ્રશ્યમાં એ મેદાન મારી જાય છે. એ રોતડો બારે માસ... કબુલ, પણ નઝીર હુસેન કે મનમોહનકૃષ્ણ જેવો બોરિંગ ન લાગે.

ખાસ ઉલ્લેખ, વેમ્પ બિંદુનો કરવો પડે, એની નૃત્ય પરફૉર્મ કરવાની ખૂબીઓને કારણે. એક ખૂબી તો તમે જાણો અને ટગરટગર જુઓ જ છો, એના માદક શરીર અને સુંદર ચહેરાની, પણ ખલનાયિકાઓમાં એ વખતે પણ આટઆટલી હરિફાઈ હોવા છતાં બિંદુએ માર્કેટ આખું સર કરી લીધું, એની ડાન્સ માટેની અનન્ય મેહનતને કારણે. શરીરના આકાર સાથે એનો ડાન્સ પરફેક્ટ જતો હતો, પછી એ 'કટિ પતંગ'નો 'મેરા નામ હૈ શબનમ... પ્યાર સે લોગ મુઝે શબ્બો કહેતે હૈં...' કે પછી દિલીપ કુમાર જેવા ગ્રેટની સામે ફિલ્મ 'દાસ્તાન'માં 'ઓ હાય મૈં કિ કરાં' કે પછી વર્ષો પહેલા શત્રુઘ્નની ફિલ્મ (નામ યાદ નથી આવતું...!)નું 'દર્દે દિલ બઢતા જાયે, સારી સારી રાત નીંદ ન આયે...' હોય... બિંદુ જોવા ગમતી. બહુ ઓછાને ખબર હશે કે, સંગીતકાર લક્ષ્મીકાંત (પ્યારેલાલ)ની એ સગી સાળી થાય. બિંદુ ગુજરાતી છે અને વલસાડ પાસેના હનુમાન ભગડા ગામમાં નાનુભાઈ દેસાઈને ત્યાં જન્મી. દેસાઈ અને વલસાડની એટલે મોટે ભાગે તો એ અનાવિલ હોવી જોઈએ. એની ઑફિશિયલ જન્મ તારીખ લખાવી તો છે, ૧૭ એપ્રિલ, ૧૯૫૧ની, પણ ઈ.સ. ૧૯૬૨માં આવેલી ફિલ્મ 'અનપઢ'માં એ કૉલેજ ગ્રેજ્યુએટ (માલા સિન્હાની દીકરી) બની છે, એ હિસાબે તો એ ફક્ત ૧૧-વર્ષની ઉંમરે 'અનપઢ'માં મદન મોહનની અત્યંત જટિલ છતાં મધુરી રચના 'જીયા લે ગયો જી મોરા સાંવરીયા...' ગાતી હશે? ૪૦-વર્ષની કરિયરમાં ૧૬૦-ફિલ્મોમાં કામ કરનાર બિંદુ સંતાનવિહોણી છે. બહુ મોટી ઉંમરે એને કસુવાવડ (મીસકૅરેજ) થઈ જતાં વર્ષોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. ફિલ્મોમાંથી લગભગ નિવૃત્તિ પછી હાલમાં એ એના પતિ ચંપકલાલ ઝવેરી સાથે પૂનાના કોરેગાંવ પાર્કમાં રહે છે. રેસની બહુ શોખિન હોવાથી પૂનાની ડર્બીમાં (ઘોડાની રેસ)માં એ હરદમ જોવા મળે છે... (ઘોડાની ઉપર નહિ... પ્રેક્ષકોની ગેલેરીમાં!)

બીજી રીતે ય બિંદુ કેવી બદનસીબ કે એને સાત-સાત ફિલ્મો (ઈત્તેફાક, દો રાસ્તે, દાસ્તાન, અભિમાન, હવસ, ઈમ્તેહાન અને અર્જુન પંડિત) માટે 'ફિલ્મફેર'ના 'બેસ્ટ સપોર્ટિંગ રોલ્સ'ના નોમિનેશન્સ મળ્યા, પણ એવોર્ડ એકેયમાં નહિ, તમને નવાઈ અથવા ઝટકો લાગી શકે, પણ ફિલ્મ 'દુશ્મન'ની હીરોઈન મુમતાઝ (જન્મ તા.૩૧ જુલાઈ, ૧૯૪૭) મૂળ ભારતીય નહિ, ઈરાની છે. નામ 'મુમતાઝ અસ્કરી'. (રાજેશ ખન્નાના ચમચાના નામે વગોવાયેલા ખૂબ હૅન્ડસમ વિલન રૂપેશ કુમાર એનો નજીકનો કઝિન થાય.) મુમતાઝ જન્મી હતી તો મુંબઈમાં અને એના પિતા અબ્દુલ સલીમ અસ્કરી ફ્રૂટની લારી ફેરવતા હતા. '૬૦-ના દાયકામાં દારા સિંઘની ફિલ્મોની હીરોઈન બનનાર મુમતાઝની મોટી બહેન મલ્લિકા દારા સિંઘના જ સ્વર્ગસ્થ ભાઈ રણધાવા સાથે પરણી હતી. (ફિલ્મી મેગેઝિનોવાળા 'રંધાવા'નો ખોટો ઉચ્ચાર કરે છે. પંજાબીઓમાં યુધ્ધપ્રેમી દેશભક્ત યુવાનો રણભૂમિમાં દોડી જવા બેતાબ રહેતા, એ હિસાબે 'રણ-ધાવા' નામ પડયું.) બલરાજ સાહની-નૂતનની ફિલ્મ 'સોને કી ચીડીયા' ('રાતભર કા હૈ મેહમાં અંધેરા, કિસકે રોકે રૂકા હૈ સવેરા...')માં પહેલી વાર બાળ કલાકાર તરીકે આવનાર મુમતાઝને કેન્સર થયું હતું, પણ એના કહેવા મુજબ હવે તે કેન્સરથી સંપૂર્ણપણે ભયમુક્ત છે.

ફિલ્મ 'દુશ્મન'ને આ જ વર્ષે તમિલમાં ફિલ્મ 'નિધિ' નામે બનાવવામાં આવી હતી, જેમાં રાજેશ ખન્નાનો રોલ શિવાજી ગણેશને અને મુમતાઝનો તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ કર્યો હતો. તેલગુમાં પણ 'ખૈદી બાબાય' (કૈદી બાબા)ના નામે બની હતી, જેમાં શોભન બાબુએ ખન્નાનો કિરદાર કર્યો હતો. 'દુશ્મન' ૧૯૭૧-ની સાલમાં અમદાવાદના અલંકાર સિનેમામાં આવ્યું, ત્યારે અશોક ટૉકિઝમાં વિનોદ મેહરાની પહેલી ફિલ્મ 'પરદે કે પીછે' રીલિઝ થઈ હતી અને સિલ્વર જ્યુબિલી મનાવી હતી. નવાનવા આવેલા રાકેશ રોશન (આપણા ઋત્વિક રોશનના 'ડૅડ'...)ની હેમા માલિની સાથેની ફિલ્મ 'પરાયા ધન' આશ્રમરોડના નટરાજમાં. જેનો હીરો નવિન નિશ્ચલ હતો ને અમિતાભ બચ્ચન વિલન, એ ફિલ્મ 'પરવાના' ફેઇલ ગઈ હતી. સાધના-રાજેન્દ્ર કુમારની 'આપ આયે બહાર આઈ' રૂપાલીમાં, રાજેશ ખન્ના-શર્મીલાનું 'અમર પ્રેમ' લક્ષ્મીમાં, શમ્મી કપૂર-ખન્ના-હેમાનું 'અંદાઝ' રીગલમાં, જીતેન્દ્ર-આશા પારેખનું 'કારવાં' લાઈટ હાઉસમાં, સૅક્સના નામે ખૂબ વગોવાયેલું 'દો રાહા' (રાધા સલૂજા-અનિલ ધવન) એલ.એન.માં, મોડૅલ ટૉકિઝમાં તનૂજા-રાજેશ ખન્નાનું 'હાથી મેરે સાથી', ઓપી રાલ્હનનું 'હલચલ' રૂપમમાં, રીલિફમાં રાજ કપૂરના પુત્ર રણધીર કપૂરનું 'કલ આજ ઔર કલ', પ્રકાશમાં સંજીવ કુમાર-વહિદા રહેમાનનું 'મનમંદિર', નોવેલ્ટીમાં ફિરોઝ ખાન-મુમતાઝ-સંજય ખાનનું 'મેલા' અને કૃષ્ણમાં દેવ આનંદ-મુમતાઝ-હેમા માલિનીનું 'તેરે મેરે સપને' આવ્યું હતું.

10/06/2015

સ્ત્રીની રસોઇની એક વાર તો ટીકા કરી જુઓ

શહેર અમદાવાદ હોય કે રાજકોટ-સુરત, કઇ હોટેલ કે ડાઇનિંગ-હૉલ ખાલી જાય છે ? આમાં ભણેલી-ગણેલી કે સારા ઘરની સ્માર્ટ સ્ત્રીઓની જ વાત નથી. જગતભરની કોઇ પણ સ્ત્રીને તમે એની રસોઇના વખાણ કરો ત્યાં સુધી જ સારા લાગવાના છો. જીવનમાં જસ્ટ... એક વખત એનાથી ફાલતુ રસોઇ થઇ ગઇ હોય ને એ તમે પ્રામાણિકતાપૂર્વક કહી દીધું, પછી જોઇ લેજો ભાયડાના ભડાકા... (સૉરી, આમાં ભડાકા ભાયડાના ન આવે... વાઇફોના ભડાકા આવે ! - પ્રામાણિકતા પૂરી !) પોતાની રસોઇ માટે વાઇફોનો દાવો સાચો હોત, તો દરેક હોટલ આટલી ભરચક રહેત ખરી ?

એમાં તો કોઇ શક નથી કે, આપણી વાઇફો ખૂબ મહેનત કરીને/ઈન્વોલ્વ થઈને/ટીવી પર રસોઇ-શો જોઇજોઇને સુંદર રસોઇ બનાવે છે અને કોકવાર રસોઇ ફિક્કી બની જાય તો એનો વાંક નથી. રોજે રોજ એની રસોઇના કે બહાર જતી વખતે. 'જરા જુઓ તો...હું બરોબર લાગું છું ?' પૂછે, તો આપણે બાકાયદા સાચો અને સારો જવાબ આપીએ છીએ (મોંઢે તો જેટલું કહેવાતું હોય, એટલું જ કહેવાય, ભ'ઈ !)'

પણ એ ય માણસ છે. એનાથીય ભૂલ થઇ જાય ને રસોઇ બરોબર ન બની અથવા તો તૈયાર થયા પછી રોજની સરખામણીમાં દેખાવમાં એ જરા (અથવા પૂરી... જેવા જેના નસીબ...!) ઑર્ડિનરી લાગતી હોય ને સાચું કહી દીધું તો હાલ કેવા થાય છે, એ કોઇએ અમને લખીને જણાવવાની જરૂર નથી... અમે ૩૯-વર્ષથી પરણેલા છીએ....અમને નહિ ખબર હોય ? ઘરે તો જાવા દિયો, કોકના ઘેર જમવા ગયા હોઇએ, ત્યાં ય ઓટલા નીચે ગાય બેઠી હોય, એમ બોલ્યા વગર જે કાંઇ હોય, એ ચાવતા રહેવાનું...એટલું જ નહિ, ચાવતા ચાવતા મોંઢું હસતું રાખીને કહેવાનું ય ખરૂં, 'ભાભી, મૅક્સિકન તો તમારૂં જ હોં... એકદમ ડૅલીશિયસ.'

સાલું, મનમાં અને મોંઢામાં બધું સમજતા હોઇએ કે, સાયકલની ટયુબ ચાવતા હોઇએ. એવું એણે મૅક્સિકન બનાવ્યું છે. પણ પહેલા ઘામાંથી હજી કળ વળી ન હોય ત્યાં, આવતી કાલે સવાર સુધી રાત્રે પથારીમાં પેટ ઊંચું કરી કરીને થાકી જઇએ, એવી જાહેરાત તો મારી નંખાવે એવી હોય, 'બધ્ધું જ ઘેર બનાવ્યું છે...બધ્ધું જ ! બહારનું કાંઇ નથી. હજી બીજું લાવું છું.'

ઓ માં....બહારથી અમારા માટે વીસ રૂપીયાની પાણી-પુરી મંગાવી લીધી હોત તો ય તારી મૅક્સિકન-બાને ય પગે લાગી આવત. પણ તારા આ મૅક્સિકનના બદલામાં ભૈયો એના ખભે લટકાવેલો લાલ ઘમચો ય ના આલે, ત્યાં પાણી-પુરી તો બહુ દૂરની વાત છે. આપણી સામે બેઠેલા એના ગોરધનનું ચાવતું મોઢું જોઇએ ને હોઠના ખૂણા ઉપર નાનકડું પાસ્તું ચોંટયું હોય, તો આપણને જલન થાય કે, કમ-સે-કમ એટલું તો એને ઓછું ખાવું પડશે ! રોડ બનાવવાના ડામરનો વઘાર કર્યો હોય, એવી એમની દાલ-મખની સાહેબ... પી/ચાવી/ઓગાળી/રેડી કે ખાઇ તો જુઓ, આખી નગરપાલિકા બચી જાય, જો શહેરના રસ્તા આની દાલ-મખનીથી બનાવ્યા હોય તો !

મરવાનું તો ત્યારે થાય જ્યારે શ્રીકૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઇને કંસનો વધ કરવા આવ્યા હોય, એટલી ત્વરાથી પૂછ્યાગાછ્યા વગર પાલક-પનીરનો રગડો પેલી આપણા બાઉલમાં ઢોળી નાંખે, 'લેજો...લેજો.. લેવાનું જ છે... તમે તો હજી કાંઇ લીધું જ નથી !'

... કાંઇ લીધું જ નથી ?? ઓ બેન ચંપા, તારૂં પાલક-પનીર ખાતી વખતે ત્રણ વખત હાથમાંનો કોળીયો સીધો કપાળને અડી ગયો ને હજી તું કહે છે, 'કાંઇ લીધું જ નથી ?' ખૂન્નસ તો એ જોઇને ચઢે કે, આપણા તો ચારે બાજુથી પેટો ય વધ્યા હોય ને એના ગોરધનના પેટમાં ખાડો દેખાતો હોય ! એ તો પછી બહુ વિચારોએ ચઢી જઇએ ત્યારે રાઝ ખુલે કે, 'આ મરવાનો થયો છે... એને તો રોજ આણે બનાવેલું ચાયનીઝ, મૅક્સિકન, હંગેરીયન કે ઉત્તરસંડા સ્પેશિયલ જ ખાવાનું ને ? ...નહિ તો આજકાલ પેટમાં ખાડા કેટલાને હોય છે ?

આપણા બધાનો સરખો પ્રોબ્લેમ આવું જમ્યા પછી એમના વખાણો કરવામાં થાય છે. પહેલા એનો ગોરધન મચડી નાંખે.

'દાદુ, જમ્યા ને બરોબર...? બધું બરોબર હતું ?' તારી ભલી થાય ચમના... આને તું 'જમવાનું' કહેતો હોય, તો તું મારઝૂડ કોને કહેતો હોઇશ ? અમે તો એટલું સમજ્યા હતા કે, જમતી વખતે બાઇટ મ્હોમાં લઇને દાંત વડે ચાવી જવાનો હશે... એક હાથ વડે દાઢી નીચેથી ધક્કો નહિ મારવાનો હોય !

'તમે તો કાંઇ લીધું જ નહિ... અશોકભાઇ, તમારા ઘર જેવું તો નહિ બન્યું હોય...!'

અડધી ઊંઘમાં વહેલી સવારે બ્રશ ઉપર ટુથપૅસ્ટને બદલે બર્નોલ ચોપડાઇ ગયું હોય, એવું આપણું મોંઢુ થઇ જાય એનો આ સવાલ સાંભળીને ! અરે ગોદાવરી, મારી વાઇફે એક વખત આવી રસોઇ કરી હોત તો કસમ ખુદા કી... (સૉરી, ખુદાની કસમો તો ફિલ્મોવાળા ખાતા હોય...). કસમ તારા ગોરધનની કે, એક જ વાર એણે મારા ઘરમાં આવી રસોઇ બનાવી હોત, તો (કંઇક કરી નાંખવા માટે, ગુસ્સા કે ઝનૂન માટે અહીં કઇ સીમિલી આપું...? જલ્દી યાદ નથી આવતું...!) ઓકે, મારી વાઇફે જીવનમાં એક જ વાર આવી રસોઇ બનાવી હોત તો... મૂંગે મોંઢે ચુપચાપ ખાઇ લેત.. ('ઔર તુમ કર ભી ક્યા સકતે હો સલિમ...?') પણ તારા ગોરધનને એવું કહેવા ન આવીએ કે, 'તમારા ઘર જેવી રસોઇ તો નહિ બની હોય, નહિ ?' જેવી હોય એવી, વાઇફે બનાવી છે ને.. જમી... આઇ મીન, ગળચી જવાની ! હમ મર્દો કે લિયે ઓર કોઇ ચારા ભી હૈ, ક્યા ? (ચારા એટલે ઘાસચારામાં આવે છે એ !)

સ્ત્રીઓ તૈયાર થવામાં ય અપેક્ષા તો રાખે જ છે કે, આપણે એને જોઇએ, ધારી ધારીને જોઇએ, ટગરટગર જોઇએ. જગતની એક પણ વાઇફ એના ગોરધન સાથે પણ બહાર જતી વખતે એના ગોરૂને કેવી લાગતી હશે, એવું તો સપનામાં ય વિચારતી કે ઇચ્છતી નથી... બીજીઓને કેવી લાગીશ અને બીજીઓ કરતા કેવી લાગીશ, એના ઉમંગ અને જુસ્સામાં હોય છે. એને ગૅરન્ટી પણ હોય છે કે, ગોરૂને પૂછીશ એટલે જવાબ ધાર્યો જ આવવાનો છે, 'બહુ સ્માર્ટ અને રૉમૅન્ટિક લાગે છે, ડાર્લિંગ...!' (એક સ્પષ્ટતાઃ લગ્નના પહેલા અઠવાડીયે જે ગોરધનોમાં સાચું કહેવાની હિમ્મતો આવી ગઇ, એ બધા આજે બહાર પણ લહેર કરે છે....કોઇ પંખો ચાલુ કરો !)

યસ, આપણે તો એક લેખ પણ લખ્યો હતો કે, એક તો કલર કાળો ને કપડાં બધા કાળા જ પહેરવાના. તમારા સર્કલમાં યાદ કરી જુઓ. જેનો રંગ મુળથી જ બુટ-ચપ્પલના રંગ જેવો હોય, એ બધા કે બધીઓને કપડાં તો કાળા જ પહેરવા ગમે. બહેન મારી... ઘરમાં બારી-બારણાં, છત, ફલૉર અને ગાદલાં-પથારી-ઓશિકાં ય કાળા રાખવા...? તો અમે તારે ઘેર આવીએ તો કમ-સે-કમ તું અમને જડે તો નહિ ! કહે છે કે, કોઇ ફિલ્મમાં બેન રેખાએ કાળો ડ્રેસ પહેર્યો હતો, ત્યારથી આ બધીઓ ઊપડી છે !

પણ હે પુરૂષો, આ લેખ કેવળ તમારા માટે લખ્યો છે કે, પેલી મુદ્દાની વાત ભૂલતા નહિ. ગૅરેજમાં બેસીને ય ખવાય એવી રસોઇ તમારી વાઇફે બનાવી હોય કે ઘરની બહાર નીકળતી વખતે, એને જોનારાઓ બધા મરવાના થયા છે, એવી બીક લાગે એવી તૈયાર થઇ હોય તો પણ... તો પણ... તો પણ, અત્યંત સૌજન્યપૂર્વક એના વખાણ કરજો... એક નાનકડી ય ભુલ કાઢવા ગયા, તો એ ન ભૂલશો કે હિંદુ શાસ્ત્રો પ્રમાણે એકની એક વાઇફ સાત સાત જન્મો સુધી જમા કરાવે રાખવી પડે છે. 

સિક્સર
- રોજેરોજના ટ્રાફિક-જામો ઉકેલવા કેમ એકે ય પોલીસ દેખાતી નથી ?
- સૉરી, એમનું કામ રોડના કૉર્નર પર છુપાઇને ઊભા રહી, બૅલ્ટ પહેર્યા વગરના ગાડીવાળાઓને પકડવાનું છે.

07/06/2015

એનકાઉન્ટર : 07-06-2015

૧. દિલ્હી હવે ભ્રષ્ટાચારમુક્ત રાજ્ય બનશે, એટલે શું ત્યાં બધા સજ્જનો બની જશે ?
- ના. પણ નવેસરથી સજ્જન બનવાની જરૂર નહિ પડે.
(મિનેષ દેડકીયા, રાજકોટ)

૨. એક સંશોધનમાં વાંચ્યું કે, ૨૪-ટકા યુવતીઓને પરિણિત પુરૂષો પસંદ હોય છે. પણ આ ૨૪-ટકાને શોધવી કઈ રીતે ?
- તમે પરિણિત હશો ને પુરૂષ હશો તો એ લોકો તમને શોધતી આવશે.
(જયેશ અંતાણી, ભાવનગર)

૩. સ્માર્ટ-ફોનની સગવડ થયા પછી છાપું છુટતું જાય છે... આપકા ક્યા હોગા, સર જી?
- મને ય તમારી એ જ ચિંતા થાય છે.
(શ્રીમતી રેણુ દેવનાણી, અમદાવાદ)

૪. 'ગજાનન'ને બદલે લોકો 'ગજાનંદ' કેમ બોલે છે ?
- એમાં એમનું ગજું નહિ.
(રોહિત કે. દરજી, હિમ્મતનગર)

૫. પતિ-પત્ની બન્ને સરખા લેવલની જોબ કરતા હોય, છતાં ઘરનું કામકાજ અને બાળકોની સંભાળ ફક્ત પત્નીએ જ કેમ રાખવાની ?
- જવાબ આપવા જઉં તો તમારો ગોરધન મને મારે એવો છે... ?
(ડૉ. હેમાંગી પટેલ, અમદાવાદ)

૬. ઇ.સ. ૨૦૧૯માં મોદી વિ. કેજરીવાલ... સુઉં કિયો છો ?
- સિંહની સામે કોઈને મૂકો તો કોઈ ટાયગર-બાયગરને મૂકો... અળશીયાને નહિ!
(અવિનાશ શુકલ, રાજકોટ)

૭. અમદાવાદમાં રોડ ઉપર ખાડા કે ખાડા ઉપર રોડ ?
- ના. હવે દોરડા-પદ્ધતિ આવી રહી છે... એક ખાડાથી બીજે ખાડે જવા માટે...
(વિજય દેસાઈ, અમદાવાદ)

૮. તમે બહુ સરસ માણસ લાગો છો... બધાનું માન જાળવીને જવાબો આપો છો.
- મારૂં પોતાનું એક ક્વોટ છે. 'જેટલું માન જોઈતું હોય, એટલું બીજાને આપો.'
(કૃણાલ સદરાણી, ગોંડલ)

૯. લગ્નમાં વરઘોડા કાઢવાનું ક્યારે બંધ થશે ?
- એકલો ઘોડો કાઢીએ તો ના સારૂં લાગે ને !
(શૈલેષ પટેલ, સુરત)

૧૦. ગુજરાતમાં એસ.ટી. બસો બંધ થઈ જાય તો શું થાય ?
- મહુવા છકડામાં બેસીને આવવું પડે.
(લવજીત શિયાલ, મહુવા)

૧૧. અશોક દવેની ઓળખાણ એક લાઈનમાં આપશો ?
- એ અત્યારે આઉટલાઈનમાં છે.
(જય પટેલ, સુરત)

૧૨. અનુષ્કા શર્માને ફિલ્મમાં 'પીકે' અને લાઈફમાં 'વિકે' (વિરાટ કોહલી)... એનું ભવિષ્ય... ?
- ઓકે.
(જયપ્રકાશ અશ્વની, ઊના-ગીર સોમનાથ)

૧૩. ગંદી ગાળો અને બિભત્સ જોક્સવાળા એઆઈબી-રોસ્ટ પ્રોગ્રામ વિશે શું કહેશો ?
- એ લોકો કરતાં એ શો જોઈને આનંદ લેનારાઓ વધુ નાલાયકો છે.
(ધ્રુવ પંચાસરા, વીરમગામ)

૧૪. મોદી સરકારે મારા ખાતામાં રૃા. ૧૫-લાખ જમા કરાવ્યા છે, તે કેવી રીતે વાપરવા?
- વાપરો તમે ત્યારે... મારા બ્લેક-મનીમાંથી એટલા ઓછા થશે.
(કૌશિક શાંતિલાલ શાહ, ભાવનગર)

૧૫. સુરતીઓ વિશે શું માનો છો ?
- મને પ્રવચન કરવા બોલાવે, એમાં આખા ગુજરાતમાં ફક્ત સુરતવાળાઓ ભાવતાલ નથી કરતા.
(રમેશ ચુડાસમા, સુરત)

૧૬. જો ઈન્ડિયાની ક્રિકેટ ટીમમાં તમારી સેવાઓ આપવા બોલાવે તો ક્યો હોદ્દો સ્વીકારો?
- ૧૨-મા ખેલાડીનો ! હાડકું હલાવવાનું નહિ ને ૧૫-૨૦ લાખ કમાઈ લેવાના.
(રાહુલ પંચાલ, નરોડા-મહિસાગર)

૧૭. મને લાગે છે, તમારા કરતાં વધુ સારા જવાબો હું આપી શકું...
- આવું કેટલા વખતથી રહે છે ?
(હર્ષ સુથાર, હિમ્મતનગર)

૧૮. મારી પત્નીને ગરોળીની બહુ બીક લાગે છે... શું કરવું ?
- તમારે ગરોળીઓ પ્રત્યેનો પ્રેમ છોડી દેવો જોઈએ.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

૧૯. તમારી સેન્સ ઓફ હ્યૂમર ગજબની છે. તમારું શું માનવું છે ?
- હજી તો તમે મારી નોન-સેન્સ ઓફ હ્યૂમર જોઈ નથી...
(જ્હાનવી પારેખ, વડોદરા)

૨૦. લાઇફમાંથી નિર્ણય-શક્તિ જ ખતમ થઈ જાય તો શું કરવું ?
- મને એનો નિર્ણય લેતાં નહિ ફાવે.
(બિજલ રાયકા, અભેપુરા-થરાદ)

૨૧. સાઉથ આફ્રિકા સામે જીતવાનો કોઈ ચાન્સ ખરો ?
- એબી ડી'વિલિયર્સને આપણામાં લઈ લો.
(શુભમ્ ચાવડા, ભાવનગર)

૨૨. તમે તમને ગમતા સવાલોના જ જવાબો આપો છો, એ વાત સાચી છે ?
- ચલો... આ વખતે તમને ય આપ્યો !
(પુરંજય જોષીપુરા, અમદાવાદ)

૨૩. પ્રાર્થના ઈશ્વરનો મોબાઈલ નંબર છે... કરશો તો કોક દિવસ ઉપાડશે ?
- મને ?
(હર્ષદ કુવડીયા, મુંબઈ)

૨૪. તમે લોહાણા સમાજમાં પ્રવચન માટે એવા હોલમાં આવ્યા હતા, જ્યાં એક પણ પંખો ન હતો. છતાં તમે 'કોઈ પંખો ચાલુ કરો' બોલી શક્યા ન હતા... !
- એ લોકો હિટર ચાલુ કરવાનું સમજ્યા હતા.
(મિત ઠકરાર, વલસાડ)

૨૫. મને પાણી-પુરીવાળા ભૈયાની અદેખાઈ આવે છે... કાયમ કન્યાઓથી ઘેરાયેલો હોય છે !
- થેન્ક ગોડ... ભૈયાને ડૉક્ટર બનવાના સપના નથી આવતા.
(ડૉ. ભગીરથ જોગીયા, નવસારી)

૨૬. સ્ત્રીઓને પોતાના રૂપના વખાણ સાંભળવા જ કેમ ગમે છે ?
- આવી સ્ત્રીને પામવી હોય તો એની પાસે બીજીના રૂપના વખાણ કરો...
(શશીકાંત દેસાલે, સુરત)

૨૭. 'ઝાડુ' વિશે બે શબ્દો કહેશો ?
- રોજ બે શબ્દો કહેનારાઓ દિલ્હીમાં રાજ કરે છે ને રોજ ઝાડુ મારનારાઓ પગાર માટે લાઇનોમાં ઊભા રહે છે.
(રૂપેશ પટેલ, કોલક-ઉદવાડા)

05/06/2015

જોહર ઇન બૉમ્બે ('૬૭)

ભારતમાં બે જ પ્રકારની ફિલ્મો બને છે... એક ફાલતુ, ને બીજી બહુ ફાલતુ. એમાંની આ એક...છતાં ય, પેટ પકડીને હસાવનારી ફિલ્મ

ફિલ્મ : જોહર ઇન બૉમ્બે ('૬૭)
નિર્માતા    :    ઠક્કર ફિલ્મ્સ
દિગ્દર્શક    :    શાંતિલાલ સોની
સંગીત    :    ઉષા ખન્ના
ગીતકારો    :    કમર જલાલાબાદી-અસદ ભોપાલી
રનિંગ ટાઈમ :    ૧૫ રીલ્સ
થીયેટર    :    અશોક ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો    :    આઈ.એસ.જોહર, સોનિયા સાહની, રાજેન્દ્રનાથ,
જીવનકલા  કે.એન.સિંઘ, મદન પુરી, કેસરી, બી.બી.ભલ્લા, નર્મદા શંકર, પરવિન પૉલ, પોલસન, રણવીર, લક્ષ્મી છાયા અને શીલા.


ગીતો
૧. સર લે કે હથેલી પે, ચલે યાર કે પીછે.......મહેન્દ્ર કપૂર
૨. બચપન કી હંસિ મંઝિલ સે, જબ હુસ્ન.......ઉષા મંગેશકર-મહેન્દ્ર
૩. આજ કલ કે સભી નૌજવાન બડે જૂઠે..... ઉષા મંગેશકર-ઉષા તિમોથી
૪.નાચ સસરે નાચ નખરા અબ ના ચલેગા.....ઉષા તિમોથી-કૃષ્ણા કલ્લે, બલબીર-મહેન્દ્ર
૫. રૂઠ કે જાનેવાલી સુન......મુહમ્મદરફી
૬. મેરી પ્યારી પ્યારી સૂરત કો, કિસી કી છુરી ના લગે... મહેન્દ્ર કપૂર

હું આમ તો ક્યારેય મૂડ વગરનો હોતો નથી. કાયમ હસતો રહું છું, છતાં ય... માણસ છું. (આ બાબતે કોઈને જે કોઈ વિરોધ હોય, તેમણે દિન-૭માં કાર્યાલયના સરનામે અરજી કરવી... સૂચના સમાપ્ત હુઈ) દિવસમાં ક્યારેક થોડો ય નર્વસ થઇ જઉં, ત્યારે આઇ.એસ.જોહરની આ ફિલ્મ જોવા બેસી જઉં છું. મને આંકડો યાદ નથી કે, 'જોહર ઈન બૉમ્બે' મેં કેટલી વખત જોઈ હશે... તદ્દન ફાલતુ ફિલ્મ હોવા છતાં આઈ.એસ.જોહરની ફિલ્મ કોઈ પણ હો, ફાલતુ તો ગૅરન્ટી સાથે હોવાની અને છતાં ય હું એ બધી જોવાનો. મને જોહર ખૂબ ગમતો. પૂરા અર્થમાં એની કૉમેડી સ્લૅપસ્ટિક એટલે કે તદ્દન સ્થૂળ હોવા છતાં મને ખૂબ હસવું આવતું, એનું કારણ એક જ... સ્થૂળ તો સ્થૂળ... આજકાલ હસવાનું છે ક્યાં ? હું નૉન-વૅજ જોક્સ ઍન્જોય કરી શક્તો નથી અને માનું છું કે, એના કરતા તો બુધ્ધિ વગરની જોહરીયન-ફિલ્મો જોઇને ને વધારે હસવું આવે છે. દેવ આનંદની ફિલ્મ 'જ્હૉની મેરા નામ'માં એના ત્રણ રોલ યાદ કરો. ડાયરેકટર ભલે વિજય આનંદ હતો, પણ ફિલ્મમાં પોતાના સંવાદોથી માંડીને તમામ હરકતો ગૉલ્ડીએ જોહરને કરવાની પૂરી છૂટ આપી હતી અને ઍન્ડ-રીઝલ્ટ તો યાદ છે ને ? એના સંવાદો તો જાવા દિયો, ઍરપોર્ટ પર યુનિફોર્મ પહેરીને ઊભેલા જોહરને જોઇને ઇફ્તેખાર ગોથું ખાઈને જતો રહે છે, એ પછી જોહર કૅમેરા (એટલે કે, આપણી) સામું જોઇને હસતા મોંઢે માત્ર, 'આનું ચસકી ગયું છે...' એ બતાવવા લમણા ઉપર આંગળી ફેરવે છે, એમાં તો પ્રેક્ષકો સેકન્ડો સુધી હસતા બંધ થતા નહોતા, એ મને હજી યાદ છે. માણસ બ્રિલિયન્ટ હતો અને હ્યૂમ૨નું સૌથી વધુ જ્ઞાન કદાચ એને જ હતું, માટે હિંદુસ્તાનની પબ્લિકને આવો જ માલ ખપે, એમ સમજીને એ પહેલા પ્રકારની ફિલ્મો બનાવતો. એ પોતે કહેતો કે, 'ભારતમાં કેવળ બે જ પ્રકારની ફિલ્મો બને છે, 'ખરાબ અને બહુ ખરાબ'... એમાંથી હું ખરાબ ફિલ્મો બનાવું છું.'

તે આજની ફિલ્મ 'જોહર ઇન બૉમ્બે'ને તમે ક્લાસિક કૉમેડી સમજીને જોવા બેસો, તો જોહરને પછી, પહેલા મને મારવા આવો. ફિલ્મ અત્યંત ફાલતુ અને કૉમેડી તો એનાથી ય વધુ ફાલતુ છે, પણ જોહરની ફિલ્મો જોતી વખતે હું, એ જે ક્લાસ માટે ફિલ્મો બનાવતો, એ ક્લાસનો એક ઑર્ડિનરી પ્રેક્ષક બની જાઉં છું ને પછી મને ધાંય ધાંય મજો પડે છે. મારો એમાં હેતુ એક જ : આજકાલ આવું હસાવનારે ય ક્યાં છે ?

યસ, પ્રારંભમાં આપણા ગુજરાતી કુંદન શાહે બનાવેલી ફિલ્મો કે ટીવી-સીરિયલો સારૂં હ્યૂમર લઇ આવી હતી, પણ એ પછી સારી કૉમેડી આવી સતીશ શાહની સિરિયલોમાં. ઉત્તમ તો હતી, 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'. એ સ્થૂળ નહોતી અને સત્વશીલ હોવા છતાં હસવાની માત્રા બરકરાર હતી. એવું જ લૅવલ જસપાલ ભટ્ટીની 'ઊલ્ટા પુલ્ટા' અને 'ફ્લૉપ શો'માં જોવા મળ્યું. જસપાલ ઇનવૅરીઍબ્લી ગ્રેટ હ્યુમરિસ્ટ હતો. હમણાંના સમયમાં ફરહાન અખ્તરે બનાવેલી 'દિલ ચાહતા હૈ' અને કરણ જોહરની 'કલ હો ના હો'નું હ્યુમર પણ ગજાંવાળું હતું. વિનય પાઠકે તો સૌથી મોટા મોર મારી લીધા. રજત કપૂર સાથેની એની ફિલ્મ 'ભેજા ફ્રાય' અને લારા દત્તા સાથેની 'ચલો દિલ્લી' બેનમૂન કૉમેડીઓ હતી. એની સામે શરમ આવે, એવી કહેવાતી કૉમેડી ફિલ્મો સાજીદ ખાન બનાવતો રહ્યો છે. બહુ પાપ કર્યા હોય તો હમણાંની એની 'હમશકલ્સ' જોવા જજો.

'જોહર ઈન બૉમ્બે' તદ્દન ફાલતુ ફિલ્મ હોવા છતાં મને આટલી બધી ગમી ગઈ હોય, તો એમાં જોહરની ઓનેસ્ટી હતી. એણે ક્યારેય પોતે ધી ગ્રેટ ફિલ્મ મૅકર હોવાનો દાવો કર્યો નથી. પૂરી પ્રામાણિક્તા સાથે કબૂલ કરૂં તો કિશોર કુમારની જૂની ફિલ્મોમાં નકરી બેવકૂફી હોવા છતાં મને ભાગ્યે જ હસવું આવતું. જોહર તો ખૂબ ભણેલો-ગણેલો એકટર હતો. મને તો 'જોહર ઈન બૉમ્બે' કરતાં ય વધુ ખડખડાટ હસવું 'જોહર-મેહમુદ ઈન હોંગકોંગ'માં હજી આવતું જ જાય છે. થોડો નવરો પડું, એટલે આ ફિલ્મો જોવા બેસી જાઉં છું.

ઇન્દ્રસેન જોહર આમ તો સોનિયા સાહનીનો કાયદેસરનો હસબન્ડ હતો. જોહરના મૃત્યુ પછી સોનિયા આપણા ગુજરાતના જ કોક માજી રાજવી (શિવ-પાલિતાણા) સાથે પરણીને સફળ સંસાર માણ્યો, પણ પતિદેવનું થોડા જ વર્ષોમાં અવસાન થયું. સોનિયાને આ પતિથી એક દીકરો કેતન અને પતિની પહેલી પત્નીથી બીજો દિકરો ધીરેન છે. સોનિયા એ રીતે કમનસીબ કે, આવું ધાંય ધાંય કરતું સેક્સી રૂપ હોવા છતાં, છાપ જોહરની પડી ગઈ હોવાથી એને સારી ફિલ્મો મળી જ નહિ, જેમાં એ સૌંદર્ય ઉપરાંત અભિનયનું કૌવતે ય બતાવી શકે. રાજ કપૂરે એને 'બૉબી'માં સાડીનો છેડો ખુલ્લો કરીને પ્રેક્ષકોને એની છાતી બતાવી, એ એક દ્રષ્યને કારણે સોનિયા ખૂબ વખણાઈ ગઈ. શમ્મી-હેમા-રાજેશની ફિલ્મ 'અંદાઝ'માં પણ, 'મુઝે પ્યાસ ઐસી પ્યાસ લગી હૈ, મેરી પ્યાસ મેરી પ્યાસ કો બુઝાઓ...' ગીતમાં અત્યંત સૅક્સી સ્વરૂપ ધારણ કરીને ફિલ્મના ૮-૧૦ સપ્તાહ વધારે ખેંચાવવામાં મોટો ફાળો આપ્યો હતો. લાહૌરમાં જન્મેલા સોનિયાના પિતા આર્મીમાં હતા અને મા પેશાવરના હતા. બધુ મળીને સોનિયા ૭ બહેનો અને બે ભાઈઓ હતા, બોલો... છે ને ભાયડાના ભડાકા...?

મૂળ તો જોહર એકલો વેચાતો ન હતો ને એની એને ય ખબર હતી, એટલે જ્યારે ફિલ્મો બનાવી, ત્યારે કોકને સાથે રાખતો જેમ કે, એની પ્રારંભની ફિલ્મોમાં એ મજનૂને પોતાની સાથે પેરેલલ રોલ આપતો. એ પછી મેહમૂદને લેતો. મેહમુદ મોંઘો પડવા માંડયો, એટલે આજની ફિલ્મ 'જોહર ઇન બૉમ્બે'માં એણે પોપટલાલ ઉર્ફે રાજેન્દ્રનાથને ઑલમોસ્ટ સાઈડ-હીરોનો રોલ આપી દીધો. તમામ કૉમેડિયનોમાં એક રાજેન્દ્રનાથ જ એવો બદનસીબ નીકળ્યો, કે આટલી લાંબી કરિયર છતાં એકેયમાં એ હીરો બની ન શક્યો. નાસિર હુસેનની ફિલ્મ 'દિલ દે કે દેખો'માં એણે પોપટલાલની બેમિસાલ કોમેડી કરી, ત્યારથી એનું સ્ક્રીન બહારનું નામ પણ 'પોપટલાલ' પડી ગયું. પછી તો બધી ફિલ્મોમાં એવા સૉલ્લિડ રોલ મળે નહિ, એટલે ઘર ચલાવવા માટે ય તદ્દન ઢંગધડા વિનાની ફિલ્મો ય સ્વીકારવા માંડયો. વચમાં 'ફિર વો હી દિલ લાયા હૂં' કે 'મેરે સનમ' જેવી સરસ ફિલ્મો એને મળતી, એટલે એ ટકી ગયો.

રાજેન્દ્રનાથની કોમેડી બફુનરી છાપની હતી અને બિલકુલ સ્ટૅનલી લૉરેલને પોતાનો આદર્શ માનીને કોમેડી કરતો. લૉરેલ-હાર્ડીની ફિલ્મો જોશો, તો સ્ટૅન લૉરેલને જોઇને રાજેન્દ્રનાથ યાદ આવશે. આજની ફિલ્મ 'જોહર ઈન બૉમ્બે'માં રાજેન્દ્રનાથને હીરોનો પૅરેલલ રોલ મળ્યો છે અને બે-ચાર ગીતો પણ ગાવા મળ્યા છે. ફિલ્મમાં તો એ ચોક્કસપણે જોહર કરતા વધુ હસાવી શકે છે, પણ અંગત જીવનમાં એ સંપૂર્ણપમે ગંભીર માણસ હતો. કોઇને હસાવવાની વાત તો બહુ દૂરની છે, ફિલ્મના શૂટિંગ ઉપરાંતની તો એ કોઈની સાથે વાત પણ ન કરતો. ખુદ આશા પારેખે કહ્યું છે કે, 'ફિલ્મોમાં આટલું ધોધમાર હસાવતો રાજેન્દ્રનાથ સ્ટુડિયોના સૅટ પર માની ન શકો, એટલો અતડો અને ગંભીર રહેતો. એનો મોટો ભાઈ પ્રેમનાથ અને નાનો ભાઈ નરેન્દ્રનાથ પણ થોડાક અપવાદોને બાદ કરતા ફિલ્મોમાં કદી ઝળક્યા નહિ. રાજ કપૂરના આ સાળાઓમાં વગર દારૂએ એક માત્ર આ રાજેન્દ્રનાથ મર્યો.'

આ ફિલ્મ બનાવી તો છે, આપણા ગુજરાતીઓએ. નિર્માતા ઠક્કર અને નિર્દેષક શાંતિલાલ સોની. એ વાત જુદી છે કે, જોહર હોય એટલે દિગ્દર્શકનું નામ તો નામનું જ હોય... બધી કમાલો જોહરની પોતાની હોય. જો કે, દિગ્દર્શક શાંતિલાલ સોની પણ મજેલો હતો અને આ ફિલ્મની 'સફળતા'માં એનો ય હાથ પૂરો હતો. સંગીતમાં પણ ઘણા વખતે કલ્યાણજી-આણંદજીથી છૂટકારો મેળવીને આ ફિલ્મમાં ઉષા ખન્નાને ચાન્સ આપ્યો, તો એણે તો પેલા બન્ને કરતા ય વધારે ભંગાર ગીતો બનાવી આપ્યા. નહિ તો ઉષા ખન્નાનો આપણે બધાએ આભાર ખાસ તો આ દસ-બાર ગીતો માટે બેશક માનવો પડે. 'હમ ઔર તુમ ઔર યે સમા, ક્યા નશા નશા સા હૈ...' અને 'મેઘા રે બોલે ઝનનન ઝનનન, પવન ચલે સનનન સનનન, પાયલ બાજે રે ઝનનન ઝનનન, આજા પિયા મોરે...' આશા-રફી (બન્ને ફિલ્મ 'દિલ દે કે દેખો), 'મેરી દાસ્તાં મૂઝે હી મેરા દિલ સુના કે રોયે...' લતા-ફિલ્મ 'આઓ પ્યાર કરેં', 'મધુબન ખુશ્બૂ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ...' યેસુદાસ-સાજન બિના સુહાગન અને એ જ યેસુદાસનું 'દિલ કે ટુકડે ટુકડે કર કે, મુસ્કુરાકર ચલ દિયે...' ફિલ્મ 'દાદા'. ખાસ તો, ઉષા ખન્નાએ મુહમ્મદ રફી પાસે થોડું ઘણું મીઠડું કામ લીધું છે. 'તેરી ગલીયોં મેં ના રખ્ખેંગે કદમ...' (હવસ), યે તેરી સાદગી, યે તેરા બાંકપન...' 'હાય તબસ્સુમ તેરા, ધૂપ ખીલ ગઇ રાત મેં...' (નિશાન), 'હમ તુમ સે જુદા હોકર મર જાયેંગે રો રો કે...' (એક સપેરા, એક લૂટેરા), 'મૈંને રખ્ખા હૈ મુહબ્બત, અપને અફસાને કા નામ...' (શબનમ). જોવા જેવી વાત છે કે, ૧૯૪૧માં ગ્લાલિયરમાં જન્મેલી ઉષા ખન્નાએ એની ૧૮ વર્ષની ઉંમરે ૧૯૫૯માં પોતાની પહેલી ફિલ્મ 'દિલ દે કે દેખો'માં સંગીત આપ્યું અને એક પછી એક કેવા હિટ ગીતો ? એ વાત જુદી છે કે, કમ-સે-કમ આ ફિલ્મના ગીતોની તોતિંગ સફળતામાં ઉષા ખન્નાનો કેટલો ફાળો, એ ચર્ચાનો વિષય નથી, કારણ કે ફિલ્મના નિર્માતા શશધર મુકર્જીએ 'દિલ દે કે દેખો'નું સંગીત ઉષાને સોંપતા પહેલા અમેરિકન ગાયક-સંગીતકાર બિંગ ક્રોસબીની રૅકર્ડોનો ઢગલો કરી દઇને સૂચના જ આપી દીધી હતી, 'તારે આ બધી ધૂનો પરથી ગીતો બનાવવાના છે.'

એટલે, એમાં રફીનું 'મેઘા રે બોલે...' આપણા લોકસંગીત પર આધારિત હતું, એનો યશ ઉષાને આપી દેવાય. બાકી 'દિલ દે કે દેખો'ના ગીતોમાં ઉષાની કમાલ કેટલી, એ હૉટ ડીબૅટનો વિષય થઇ જાય ! ફિલ્મ 'હવસ'ના નિર્માતા-દિગ્દર્શક-ગીતકાર સાવનકુમાર સાથે ઉષાએ લગ્ન કર્યા હતા.

આ ફિલ્મ દ્વારા કૉમેડીયન પોલસનના ભાગ્ય ખૂલી ગયા હતા. આમ જોઇએ તો આ ફિલ્મનું બીજું નામ, 'આજ કા અલાદ્દીન' હતું, એ ધોરણે પોલસનને ફિલ્મનો ટાઈટલ રોલ કરવા મળ્યો હતો. પોતાની પહેલી ફિલ્મ 'ઝૂમરૂ'માં આશા-કિશોરના 'હે ય જાને દે જાને દે જાને દે...' ગીતની વચ્ચે જાડા અવાજમાં 'જાને દે' બોલે છે, તે પોલસન હતો. સ્થૂળ કાયાને લીધે એને માફકસરના કૉમેડી રોલ ટુકડામાં મળતા હતા, તો ય એણે લગભગ ૭૦ ફિલ્મોમાં કામ કર્યું હતું. ચંદ્રશેખરની ફિલ્મોમાં એ લગભગ હોય જ !

ફિલ્મની બીજી પૅરેલલ હીરોઈન જીવનકલાનો ય એક જમાનો હતો. સુંદર અને ગ્લૅમરસ તોહતી જ, પણ મોટા ભાગે એને ડાન્સ કરવાના આવતા. 'મૂઝકો તુમ જો મિલે, યે જહાન મિલ ગયા...' એ હેમંત-ગીતાના ગીતવાળી ફિલ્મ 'ડીટેક્ટીવ' ('૫૮)માં જીવનકલા પહેલીવાર આવી. હીરોઇન તો કદી ય બની ન શકી, પણ ઑલમોસ્ટ ૫૦-ફિલ્મોમાં આવા જ સામાન્ય રોલ કરી કરીને એ હોલવાઈ ગઈ. ઝેબ રહેમાન, હિના કૌસર, પરવિણ ચૌધરી, કમ્મો અને મધુબાલાની બહેન ચંચલની જેમ કાયમ સાઈડી રહીને જ ફેંકાઈ ગઈ. કડકડાટ ઇંગ્લિશ બોલી શક્તી મૂળ મરાઠી મુલગી જીવનકલાએ પણ જોહર સાથે આ ફિલ્મમાં એનો મુંબઇ પ્રવાસ ખૂબ સફળ રહ્યો, કેમ કે આ ફિલ્મમાં એને સેકન્ડ હીરોઇનનો રોલ મળ્યો હતો. ફિલ્મ જો કે, 'જોહર-મેહમુદ ઇન હોંગકોંગ' જેવી

જામી નહિ અને થોડાક માટે તદ્દન બેકાર ફિલ્મ બનતા બનતા રહી ગઈ. આ 'થોડુંક' એટલે મજેદાર રાજેન્દ્રનાથની કૉમેડી. બીજું થોડુંક એટલે, મનોરમ્ય ફોટોગ્રાફી અને છેલ્લું થોડુંક એટલે ફિલ્મ ફક્ત ૧૫-જ રીલ્સની છે એ. .. ને તો ય, હું 'ફિલ્મ ઇન્ડિયા'ના વાચકોને ભલામણ કરીશ જ કે, આ કૉલમના લેખક પોતે મગજ ઘેર મૂકીને લખે છે, તો તમે આ ફિલ્મ મગજ ઘેર મુકીને જોશો તો ધોધમાર હસે જ રાખવાનું છે...બાકી ભોગ તમારા...!

03/06/2015

ખડખડાટ હસવું કોને કહેવાય ?

ડિસામાં કોકના ઘેર અજીતસિંહ 'બાપુ'એ પાણી ઠંડુ માંગ્યું. ધાર્યા કરતા પાણી વધારે ઠંડુ નીકળ્યું. બાપુએ રહસ્ય પૂછ્યું તો જવાબ મળ્યો, ''અમે તો માટલાનું જ પાણી પીએ છીએ... નવું માટલું લાવીને સીધું ફ્રીજમાં જ મૂકી દેવાનું.''

તો મારો એક પ્રોગ્રામ શરૂ થવાની થોડી ક્ષણો બાકી હતી. બેકસ્ટેજમાં, આજે આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચેલી મશહૂર ગાયિકાના મમ્મીએ અજીતસિંહ પાસે ગીતોનું લિસ્ટ જોવા માંગ્યું. આપ્યું, પણ વાંચવાના ચશ્મા હોવાથી પેલા બહેને અજીતસિંહને રીકવેસ્ટ કરી, ''જરા તમે વાંચી આપશો ?''

''સોરી બેન... મારે ય તમારા જેવું જ છે... મને ય ઈંગ્લિશ વાંચતા નથી આવડતું... !''

હ્યૂમર તમે કોને ગણો છો, એ હજી સુધી નહિ પૂછાયેલો પ્રશ્ન છે, એટલે એનો જવાબ આજે તમે પહેલી વાર વાંચી રહ્યા છો ! ઈન ફેક્ટ, હસવાનું એટલે હસવાનું... એના પ્રકારો પાડવા જનારા હસી શકતા નથી. મને નોન-વેજ જોક્સ ગમતા નથી, પણ વંચાઈ કે સંભળાઈ જાય, ત્યારે હસવું ખડખડાટ આવી જાય છે. સાવ નાના બાળકોને રમાડવા આપણે જે વાંદરાવેડાં કરીએ છીએ, ત્યારે જોનારાઓને તરત ખબર પડતી નથી કે, આમાં અસલી વાંદરૂં કોણ ? એમને હસવું તાબડતોબ અને ખડખડાટ આવે છે. અમારા સાક્ષરો જેને સૂક્ષ્મ (subtle) હાસ્ય કહે છે, એમાં ય સ્થૂળ (slapstick) હાસ્ય ભળે છે, ત્યારે હસવું આવે છે, એનો મોટો દાખલો ચાર્લી ચેપ્લિનની ફિલ્મો. ચાર્લી પણ જાડું હ્યૂમર ઉમેરતો ત્યારે હસવું આવતું! જે તોફાન લોરેલ-હાર્ડી મચાવતા હતા, એ તદ્દન બેવકૂફી સાથેનું હ્યૂમર હતું અને તમે આઈન્સ્ટાઇનના લેવલના વિદ્વાન હો, તો પણ ધોધમાર હસી તો પડો જ!

... અને હવે કબુલ કરો કે, દિવસના પૂરા ૨૪-કલાકમાં ખડખડાટ કે રેગ્યૂલર હસવાનું તો જાવા દિયો... તમે આખા દિવસમાં મરક્યા છો ય કેટલી વાર? એક તો આપણું પોતાનું મોંઢું મુડદાલ ને એમાં ય કોઈ હસાવનારૂં ન મળે, એની ફિકરમાં કેટલાક તો ઘસઘસાટ ઊંઘોમાં ય હસી શકતા નથી. પાછી એની અધર સાઇડ એ પણ છે કે, એવા ડાચાં જોઈને કે યાદ કરીને આપણને હસવું આવી જાય, પણ અત્યારે ઉનાળામાં ઘેર બે દિવસ હાફૂસ કેરી ખવાઈ ન હોય ને પડી પડી ચીમળાઈ જાય, એવા ચીમળાઈ ગયેલા મોંઢાવાળા વગર કોમેડી કરે, તમને હસાવી પાડે ! તમારા જ સર્કલમાં એવી ઘણી પબ્લિક હશે, જેના મોંઢા યાદ આવે, એમાં ય હસી પડાય અને આ હસવું, એમની કોઈ શારીરિક મજબુરીને કારણે નહિ, એમના મડદાલ ડાચાં જોઇને આવે !

હાસ્યલેખકો પોતાને ગમે તેટલા વિદ્વાન માનતા હોય, વાચક પહેલું તો એ જોઈ લેવા માંગે છે કે, આખા લેખમાં એકે ય વાર હસવું આવ્યું ખરૂં ? કટાક્ષ લખનારાઓ સેંકડો પડયા છે, જેમાં મેક્સિમમ મરક-મરક હસવું આવે. પણ વાંચતા વાંચતા હસાવી નાંખે, એવા હાસ્યલેખકો તો આખા વર્લ્ડમાં ય માંડ કોઈ ૨૦-૨૫ છે. હું જાહેરમાં પ્રવચનો કરૂં છું, ત્યારે નજરની સામે બેઠેલા હજારના ઓડિયન્સમાંથી પહેલી ચાર-પાંચ લાઇનોવાળાના મોંઢા તો પરફેક્ટ જોઈ શકું, એમાં ખબર પડે કે, ઘેરથી કોણ ઝગડીને આવ્યું છે, કોને જીવનભર કબજીયાત રહે છે, કોને હસવામાં પ્રસૂતિ જેવી વેદના ઉપડે છે, કોણ પોતાને કંઈક વધુ પડતો સ્માર્ટ સમજે છે કે, આખો હોલ હસતો હોય ત્યારે સલૂનમાં દાઢી કરાવવા બેઠો હોય, એવો કડક-કડક થઈને આખા પ્રોગ્રામમાં બેઠો રહે. આ બધા વિદ્વાનોને એટલી ખબર નથી હોતી કે, આજના આખા દિવસમાં તો ઠીક, પૂરા અઠવાડીયામાં હસવું પડે, એવી કોઈ ઘટના બની નથી ને અત્યારે મળી છે, ત્યારે 'ઈગો' નડે છે. આ જ કારણે ગુજરાતભરમાં ચાલતી લાફટર-ક્લબો માટે મને માન ઉપજે છે કે, ભલે એમાં 'હાસ્ય' જેવું કાંઈ ન મળે, છતાં ય બનાવટી હસવાનું ઊભું કરીને એ લોકો પોતાના ઉપર મોટો ઉપકાર કરી રહ્યા છે. આવા મેમ્બરોને રોજેરોજની જીંદગીમાં મોંઢા મચકોડીને ફરવાની જરૂર પડતી નથી. પેલા બનાવટી હાહા-હીહી-હૂહૂને કારણે જીવનને આનંદથી જોવાની એમને પ્રેક્ટીસ પડી ગઈ હોય છે... (હસવાની વાત હવે આવે છે કે, આવી લાફટર-ક્લબોમાં હસવાનો કોઈ ચાર્જ આપવો પડતો નથી, ને એમાં ય આપણે રહ્યાં ગુજરાતીઓ... જય અંબે !)

બહુ ઓછાના ચેહરા મૂળથી જ હસમુખા હોય છે, જેમની એકવાર સામું જોવાથી આપણા ચેહરો ય ખીલખીલાટ થઈ જાય. ૪૧-વર્ષોથી માત્ર હાસ્યનું જ લખવા છતાં, મને બીજી તો કોઈ સમજ નથી, પણ હસતો ચહેરો રાખનારાઓ હલકા માણસ હોતા નથી, એટલી મને ખબર છે.

પણ આપણા ફ્રેન્ડ-સર્કલમાં એવા તો અનેક હીરો હોય છે, જે બધાને બબ્બે મિનિટે કોઈ ને કોઈ વાતે છલ્લમછલ્લા હસાવી નાંખે. ગુજરાતીઓ જેને, 'કટ' કહે છે, એવી બેશુમાર કટો મારી મારીને આવા હીરો વાતાવરણને હલકુંફૂલ બનાવે છે. પોસિબલ છે, આટલું હસવાનું તો હાસ્યલેખકો ય ઊભું કરી શકતા ન હોય. અજીતસિંહ 'બાપુ' આવા હીરો છે. વાત ગમે એવી ચાલતી હોય, એમની પાસે આવી 'એક્સટેમ્પરી' (વર્ષોથી આપણે extemporeનો ઉચ્ચાર 'એક્સટેમ્પોર' જ કરતા હતા, જે ખોટો છે... આ મેં લખ્યો તે 'એક્સટેમ્પરી' સાચો છે, જેનો અર્થ થાય છે, 'કોઈ આયોજન કે અગાઉથી વિચારી રાખ્યા વગરનું કામ કે વાત જ') હ્યુમર અનેક નીકળી આવે.

વડોદરાના એક પેટ્રોલ પમ્પ પર અમે કિશનની ગાડીમાં પેટ્રોલ પૂરાવવા ઊભા હતા. ગાડીમાં કિશનના બે ડોબરમેન કૂતરાઓ હતા. આગળની કારવાળા એક ભાઈ આ જોઈને અમારી પાસે આવ્યા.

''સર-જી, ઈફ યુ ડોન્ટ માઈન્ડ... હું કાંઈક પૂછી શકું ?'' અમારી પાસે 'માઈન્ડ' સિવાય બધું હતું, એટલે હા પાડવામાં કોઈ વાંધો નહતો.

''એકચ્યુઅલી... મારી પાસે પણ આવા જ 'ડોબરમેન' છે. કમનસીબે એમને બ્રીડિંગ કરાવવા બીજા કૂતરા મળતા નથી... તમારા ધ્યાનમાં...''

''એક નંબર આપું એ લખી લો.'' અજીતસિંહે વાત તરત પકડી લીધી. એણે વડોદરામાં જ રહેતા પોતાના દોસ્ત પ્રકાશ ડોબરીયાનો ફોન નંબર આપ્યો. ''ઓહ થેન્ક યૂ... પણ ફોન કરૂં તો આ ડોબરીયા સાહેબને કોઈ વાંધો તો નહિ આવે ને ?'' ''આમાં તો જે વાંધો આવવાનો હોય, એ કૂતરાઓને આવે... ડોબરીયાને શું વાંધો હોય ? આખરે, એમના કૂતરાઓનું ય કામ થાય છે ને ? જીંદગીભર એમણે આવા ડોબરમેનોના બ્રીડિંગો કરાવવાને કારણે જ એમની અટક 'ડોબરીયા' પડી ગઈ છે...'' હવે આ બાજુ ડોબરીયાની હાલતનું વિચારો. 'બાપુ'એ એનો ફોન નંબર આવા અનેક ''બ્રીડ-વાંચ્છુઓને'' આપ્યો હોય. એક અઠવાડીયામાં તો ડોબરીયો પાગલ થઈ ગયો. એની પાસે કૂતરા-ફૂતરા તો ઠીક, પાળવા માટે એક વાઈફ સિવાય બીજું કાંઈ નહોતું. રોજ સવારે ઊઠે, ત્યાં કોઈનો ફોન આવે, ''સાહેબ, અમારા હિટલર(ડૉગી)નું બ્રીડિંગ કરાવવું છે... અમે આવીએ કે તમે આવશો ?'' પહેલે દિવસે તો, એ પોતે ડોબરમેન હોય એટલો ચમક્યો ને વિવેકપૂર્વક ના પાડી કે, ''આપની કોઈ ભૂલ થાય છે... હું કોઈ બ્રીડિંગ-ફીડિંગ કરાવતો નથી... આઈ મીન, મારા કૂતરાઓ કરાવતા નથી... આઈ મીન, મારી પાસે કોઈ કૂતરો-બૂતરો છે જ નહિ !''

પણ કલાકમાં બીજા ત્રણ ફોન આવી ગયા, એમાં એની શું હાલત થઈ ગઈ હશે ? પછી તો એના પોતાના ધંધાના ફોન ઓછા થઈ ગયા ને ડોબરમેનવાળા વધી ગયા. પછી તો ડોબરીયો ફોન કરનારને મા-બેનની ગાળો ઉપર ચઢી ગયો. એને અજીત ઉપર ડાઉટ તો પડયો, એટલે ફોન કરીને પૂછી જોયું કે, ''મારો આવો નંબર તેં આપ્યો છ ?'' આ તો કબુલે ? ઉપરથી સારી સલાહ આપી કે, ''મને તો કશી ખબર નથી, પણ તારી આ હાલત જોઈને એક સજેશન કરૂં છું કે, તું જ ચાર-પાંચ નવા ડોબરમેનો ખરીદી લે અને બ્રીડિંગ કરાવવાનો આ જ ધંધો ચાલુ કર... લોકો બહુ કમાય છે... !''

એ જ ડોબરીયો બીજી વાર પણ 'બાપુ'ની ઝપટમાં આવી ગયો. અમે ચાર દોસ્તો માઉન્ટ આબુ જતા હતા. હાઈ-વે પર મને સિગારેટની જરૂર પડી. મેં 'બાપુ'ને કીધું, ''કોક ગલ્લો આવે તો ગાડી ઊભી રાખજો.'' ગલ્લો આવ્યો ને ડોબરીયો કહે, ''ઊભા રિયો... હું જ સિગારેટ લિ આવું છું.'' અજીત કહે, ''તને નહિ આપે... આમાં તો ઓળખાણ જોઈશે.''

''અરે પણ સિગારેટ લેવામાં ઓળખાણ શેની જોઈએ ?''

''જોઈશે... આમાં તો હવે રેશન-કાર્ડ ઉપર જ એક પાકીટ આપે છે... તું પીતો નથી, એટલે તને ખબર ન હોય... !''

ગુસ્સામાં ડોબરીયો સિગારેટનું આખું પાકીટ મુઠ્ઠીમાં કચકચાવીને ડૂચો કરીને લાવ્યો, તે બીજું લેવા જવું પડયું.

સુરતમાં બાપુની ગાડી બગડી એટલે અમે રીક્ષા કરી. અચાનક શું સૂઝ્યું, તે રીક્ષાવાળાને સંભળાય એમ મારી સાથે વાતો કરવા માંડયા, ''મોદી-સરકારનું એક તો કહેવું પડશે... રીક્ષાવાળાઓની લાઈફ બનાવી દીધી.'' પહેલા તો હું ય સમજ્યો નહિ, એટલે મેં પૂછું, ''કઈ લાઈફ બનાવી દીધી ?''

''એ જ કે, આજથી દરેક રીક્ષાવાળાને રેશન-કાર્ડ ઉપર રોજનું ૨૫-લિટર પેટ્રોલ ફક્ત રૃા. ૧૦-રૂપિયે લિટર મળશે...''

'ચીંચીંચીંચીંઈઈઈઈઈ...' કરતી રીક્ષાની બ્રેક વાગી, ''સાહેબ... સાહેબ... તમે શું કે'તા'તા...''

''બસ, તમે સાંભળ્યું એ જ ! હજી આજે જ જાહેરાત થઈ છે, એટલે બધા રીક્ષાવાળાઓને ખબર ન હોય, પણ કામરેજના પેટ્રોલ પમ્પથી શરૂઆત કરી છે. બધા રીક્ષાવાળાઓ ત્યાં જ પહોંચ્યા છે...''

''સાહેબ, મારે ભાડું નથી જોઈતું... તમે ઉતરી જશો ? મારે ઘેર રેશન-કાર્ડ લેવા જવું પડશે...''

બસ... એટલું ધારી લો કે, કામરેજ સુરતનો છેલ્લો એરીયા કહેવાય... પેલો રેશન-કાર્ડ લઈને પમ્પ પર પહોંચ્યો હશે ને કાર્ડ ધર્યા પછી કીધું હશે, ''લો... આમાં પચ્ચી લિટર નાંખી આલો.''

સિક્સર

- એમ કહેવાય છે કે, જેના દાંત ગંદા હોય, તે જાહેરમાં હસી શકતો નથી !

31/05/2015

ઍનકાઉન્ટર : 31-05-2015

૧. જેમ્સ બૉન્ડની જેમ તમને, 'લાયસન્સ ટુ કિલ'ની છુટ મળે, તો પહેલા કોને મારો ?
- ભારતનું રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે બેસી રહેનારને.
(પારૂલ સુનિલ ગઢીયા, રાજકોટ)

૨. અમદાવાદમાં રસ્તાઓ ખોદવાનું બંધ ક્યારે થશે ?
- પૂરવાનું ચાલુ થશે ત્યારે.
(નિમિષ પટેલ, અમદાવાદ)

૩. કેજરીવાલનું શું થશે ?
- એ મીડિયાનું બાળક છે...મીડિયા જ એને મારશે.
(સુનિલ દવે, કલોલ : હાર્દિક ભટ્ટી, રાજકોટ)

૪. શું ગયા જન્મમાં તમે બિરબલ હતા ?
- બિરબલે આ જન્મ અશોક દવેનો લીધો છે.
(વર્ષા જે. સુથાર, ભૂજ-કચ્છ)

૫. ભાજપના પ્રમુખ બન્યા પછી અમિત શાહ 'ફૂગ્ગો' બની ગયા છે, એમ નથી લાગતું?
- એ મારે/તમારે નહિ....એમના પત્નીએ જોવાનો વિષય છે.
(મનન પટેલ, આણંદ)

૬. મારે 'ગુજરાત સમાચાર'માં દર સપ્તાહે એક લેખ છપાવવો છે. શું કરવું ?
- જે બધા કરી રહ્યા છે એ....'ગુજરાત સમાચાર' વાંચો.
(કેતન પોલારા, નવસારી)

૭. વડીલો કહેતા કે, બોલતા પહેલા સો વખત વિચારો. તમે લખતા પહેલા કેટલું વિચારો છો ?
- લેખ લખતા પહેલા એકે ય વાર નહિ....ચૅક લખતા પહેલા સો વાર !
(હર્ષદ પ્રજાપતિ, સુરત)

૮. મારે તમારા જીવન પર એક પુસ્તક લખવું છે. આપ મને શું હૅલ્પ કરશો ?
- છપાઇ ગયા પછી વાંચી જોઇશ.
(ઉમેશ નાવડીયા, જલિલા-બોટાદ)

૯. ગુલાબ 'વૅલેન્ટાઈન-દિને' જ કેમ અપાય છે ?
- બસ...વર્ષમાં એક વાર એટલો ખર્ચો કરવો સારો !
(જયેશ ચૌહાણ, હાલોલ)

૧૦. તમે ગલ્ફ દેશોમાં ગયા છો ?
- બધા ગલ્ફ દેશો ઉપરથી ઊડયો છું...નીચે ગયો નથી.
(અનંત વ્યાસ, ગાંધીધામ)

૧૧ તમે સહમત છો કે શાહરૂખ ખાન ઓબામાં કરતા વધુ પોપ્યુલર છે ?
-કોણ શાહરૂખ ખાન....?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

૧૨. પાકિસ્તાનનું હવે તમારે જ કંઇ કરવું પડશે...! મોદી તો ઠરી ગયા...!!
- આપણે 'અચ્છે દિન આને વાલે હૈં...' પાકિસ્તાનમાં અચ્છે દિન ચાલી રહ્યાં છે.
(કિરીટ ગોસાઇ, ખેરવા-મહેસાણા)

૧૩ કેજરીવાલને ફિલ્મ 'નાયક'ના અનિલ કપૂર બતાવતા 'વૉટ્સઍપ' ફરે છે. સુઉં કિયો છો ?
- તમારી ભૂલ થાય છે. જીતેન્દ્રની ફિલ્મ 'નાલાયક' પણ આવી હતી.
(નીરજ પુરોહિત, ઊના-ગીર સોમનાથ)

૧૪ મોટા ભાગના હાસ્યકલાકારો બ્રાહ્મણ જ કેમ હોય છે ?
- મોટા ભાગના વડાપ્રધાનો પણ બ્રાહ્મણો હોય છે.
(અંજના ભગદેવ, વેરાવળ)

૧૫. તમારા જીવન પર ફિલ્મ બનવાની હોય તો ક્યા કલાકારો પસંદ કરો ? ફિલ્મનું નામ શું રાખો ?
- ડિમ્પલ માને પછી કંઇક આગળ વિચારૂં.
(કોશાલ છાપીયા, જામનગર)

૧૬. અશોકજી, તમારૂં પૅટ-નેઇમ શું છે ?
- સંસારનું સર્વશ્રેષ્ઠ નામ મને મળ્યું છે...પૅટ-નૅઇમની કાંઇ જરૂર....?
(વિશાલ કુમાવત, નવસારી)

૧૭. ચમચો વધારે ઉપયોગી ક્યો ? કિચનનો કે કચેરીનો ?
- એ તો ઘર કે ઑફિસમાં જેનું ઉપજતું હોય, એને ખબર !
(રોહિત દરજી, હિમ્મતનગર)

૧૮. તમારા ફોઇ જાણતા હશે કે, તમે હાસ્યલેખક જ બનશો...માટે તમારૂં નામ 'અશોક' રાખ્યું ?
- એ થોડું ઓછું જાણતા હશે...નહિ તો મારૂં નામ 'મૂકેશ, અનિલ કે ગૌતમ' ન રાખ્યું હોત ?
(હનીફ છાયા, પોરબંદર)

૧૯ આખા વિશ્વમાં ભાઈચારો ક્યારે આવશે ?
- આપણા આપણા ઘરોમાં આવે પછી !
(બ્રિજેશ ભદ્રા, જામનગર)

૨૦. ૨૬ જાન્યુઆરીએ અતિથી વિશેષમાં તમને આમંત્રણ કેમ નહિ ?
- બસ...પછી તો એમને સારો માણસ મળી ગયો !
(નિકેતન સુથાર, ગોધરા)

૨૧. કોઇ મહાન વ્યક્તિ બિમાર પડે, એટલે મૃત્યુ પામી હોય, એમ એની જીવન-ઝરમર કેમ પ્રકાશિત થઇ જાય છે ?
- બીજું કાંઇ ખોટું લખી/બોલી શકાય એવું હોતું નથી !
(મધુકર માંકડ, જામનગર)

૨૨ ઍરપૉર્ટ પર કૂલી કેમ હોતા નથી ?
- ના રે ના...બધે હસબન્ડોઝ જ હોય છે !
(સાધના નાણાવટી, જામનગર)

૨૩ હવે તો 'સમ્રાટ અશોક'ની ટીવી-સીરિયલ પણ આવી ગઇ....તમારી ક્યારે ?
- એ ક્યાં કમ છે કે, હું સમ્રાટનો ય બાપ છું !
(સાગર ગૌરાંગી, વસો-નડિયાદ)

૨૪ જૂનાગઢમાં તમારા 'શિલાલેખો' કોઈ વાંચી શકતું નથી. કોઇ ઉપાય ?
- મારા ગયા જન્મનું મને કાંઇ યાદ ન દેવડાવો, ભાઇ !
(સ્મિત આચાર્ય, અમદાવાદ)

૨૫ સ્ત્રીઓ પોતાની હાર ક્યારે સ્વીકારતી થશે ?
- મને 'સ્ત્રીઓ'નો અનુભવ નથી...એકમાં જ હારી ગયો છું.
(દીપક આશરા, ગાંધીનગર)

૨૬ 'ઍનકાઉન્ટર'માં ભાવનગરવાળાઓના જવાબ વધુ આપો છો, એનું કારણ ?
- તમે 'ભરૂચ'નો સ્પૅલિંગ ખોટો લખ્યો છે ....?
(મિત દવે, ભરૂચ)

૨૭ ઍવૉર્ડ ફંકશનોમાં લતા મંગેશકર જેવી લૅજન્ડરી પ્રતિભાની મિમિક્રી કરનારા હાસ્યાસ્પદ લોકો વિશે આપનો શું અભિપ્રાય છે ?
- કોઇને ઉતારી પાડવાના ઇરાદાથી થયેલા વખાણ પણ ન ચાલે. મિમિક્રી પણ શુધ્ધ હેતુથી થતી હોય, તો ખોટું કશું નથી.
(દીપ્તિ કે. રાવલ, આણંદ)

29/05/2015

'રેલ્વે પ્લૅટફૉર્મ' ('૫૫)

ફિલ્મ : 'રેલ્વે પ્લૅટફૉર્મ' ('૫૫)
નિર્માતા-નિર્દેષક : રમેશ સેહગલ
સંગીત : મદન મોહન
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૪ રીલ્સ
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : સુનિલ દત્ત, નલિની જયવંત, શીલા રામાણી, જ્હૉની વૉકર, ટુનટુન, મનમોહનકૃષ્ણ, જગદીપ, લીલા મીશ્રા, રાજ મેહરા, રેણુ માંકડ, નાના પળશીકર અને નિશી.



ગીતો
૧. બસ્તી બસ્તી પર્બત પર્બત ગાતા જાયે બન્જારા... મુહમ્મદ રફી
૨. જીયા ખો ગયા, ઓ તેરા હો ગયા....લતા મંગેશકર
૩. અંધેરનગરી ચૌપટ રાજા... આશા-રફી-બાતિશ
૪. સખી રી તેરી ડોલીયા ઉઠાયેંગે કહાર... લતા મંગેશકર
૫. ભજો રામ-૪, મોરી બાંહ પકડ ઓ રામ... આશા ભોંસલે
૬. ચાંદ મધ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ, નીંદ કી ગોદ મેં... લતા મંગેશકર
૭. દેખ તેરે ભગવાન કી હાલત ક્યાં હો ગઇ ઇન્સાન... મુહમ્મદ રફી
(ગીત નં.૬ ફિલ્મની ડીવીડીમાં મળતું નથી.)

સુનિલ દત્તની પહેલી ફિલ્મ, બસ્તી બસ્તી પર્બત પર્બત ગાતા જાયે બન્જારા... ચાંદ મધ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ...

આ કૉલમના વાચકો જાણે છે કે, અંગત રીતે મને, સાહિર લુધિયાનવીથી બેહતર ગીતકાર બીજો કોઇ લાગ્યો જ નથી, તો એ મારો પ્રોબ્લેમ છે. તમને સાહિરને બદલે રણછોડભાઇ મફાભાઇ પટેલ નામના ગીતકાર વધુ ગમતા હોય, તો એ તમારી સિધ્ધિ છે. જેવી વિનય વિવેકના ઊંચા આસમાનની વાત સાહિર જ લખી શકે. આપણી લાઇફની કેટકેટલી ઘટનાઓને અડે, એવી સીધી વાત છે. છોકરો ભણીગણીને અબજોપતિ થયો, એ સહુને દેખાય છે, પણ એને આ સ્તરે પહોંચાડવા માટે એના માં-બાપે ઘેરઘેર જઇને કેવી કાળી મજૂરીઓ કરી હશે, એ કોઇને ક્યાં દેખાય છે?

પણ એ જ સાહિર લુધિયાનવીની આત્મકથા, હમણાં વાંચી, એમાં એ માણસ ઉપરથી ૭૦-ટકા માન ઉતરી ગયું. મુફલિસીમાંથી પૈસો કમાનાર માણસો પૈસો જીરવી શકતા નથી, એનું જીવંત નહિ, મરેલું ઉદાહરણ જોવું હોય તો સાહિર લુધિયાનવી છે. એને ફિલ્મોમાં લાવનાર સચિનદેવ બર્મનથી શરૂ કરીને જયદેવ, રવિ, ચિત્રગુપ્ત, રોશન, મદન મોહન કે ખય્યામ જેવા દિગ્ગજો માટે એણે ઉઘાડેછોગ નફ્ફટાઇ બતાવી છે કે, 'એ બધાનું સંગીત ફક્ત મારા ગીતોને કારણે ઉપડતું હતું.' વાતમાં તો કોઇ દમ નથી, છતાં આ લેખ લખનાર અને વાચનાર એટલા વિનમ્ર તો હોય કે, આપણે કોઇ સિધ્ધિ મેળવી હોય તો, જેમને કારણે સિધ્ધિ મળી, એને કદી ઉતારી પાડતા નથી, ઉપરથી ક્રેડિટ આપીએ છીએ. એક નાનો દાખલો કાફી છે. એણે પોતે જ લખ્યા મુજબ, ફિલ્મ 'કભી કભી'ના બેમિસાલ ગીતો માટે સ્ટેજ પર સંગીતકાર ખય્યામનું ફૂલહારથી સ્વાગત થતું હતું. એ આ ભ'ઇથી ન ખમાયું ને ખય્યામને સંભળાવી દીધું ય ખરૂં કે, ''બહુ ઊંચે ઊડવાની જરૂર નથી.. ગીતો સાહિરે લખ્યાં છે.''

તદઉપરાંત, એના બાપની માફક આ ભ'ઇ પણ છોકરીઓના શોખિન હતા અને કેટકેટલી છોકરીની પાછળ પડયા હતા, તે બધું પ્રામાણિકતાપૂર્વક લખ્યું છે, પણ એ વાતમાં કોઇ પ્રામાણિકતા નહિ કે, એકે ય છોકરીઓને સાહિર પ્રેમ કરતો નહતો... એ બધીઓ એના ઉપર મરતી હતી. ને તો ય, એક ગીતકાર, શાયર કે નઝમનિગાર તરીકે સાહિર મારા માટે આજે પણ સર્વોત્તમ છે. ગઝલો ય એણે લખી છે, પણ એનો મૂળ શોખ નજમો લખવાનો.

અને આ જ ફિલ્મ 'રેલ્વે પ્લેટફોર્મ'ના એક ગીતે તો મારી વર્ષોની ઊંઘ હરામ કરી દીધી હતી. મદન મોહને બનાવેલી અપ્રતિમ ધૂન ઉપર લતા મંગેશકરે ગાયેલા 'ચાંદ મધ્ધમ હૈ, આસમા ચૂપ હૈ, નીંદ કી ગોદ મેં જહાં ચૂપ હૈ...' કૅસેટો શોધાઇ એ પહેલાનો આ ગીત માટે હું મરણીયો થતો હતો કે, આવું સુંદર ગીત કોઇ લખી/ ગાઇ/ બનાવી શકે ? એમાં ય, લતા-મદન મોહનનું મિશ્રણ હોય પછી બરફના એ ગોળામાં શરબત નંખાવવાની જરૂરે ય નહિ ! એક તો 'ફ્રૅન્ડ્ઝ' કંપનીવાળાઓની તદ્દન ફાલતું પ્રીન્ટવાળી આ ફિલ્મ જોવા બેઠો, ત્યારથી પૂરી થઇ ત્યા સુધી રાહ જોતો બેઠો રહ્યો. ડીવીડીમાં આ ગીત લીધું જ નથી. આપણને તો મકાનની ભીંતો ચાવી જવાનો ગુસ્સો આવે ને ? ધૅટ્સ ફાઇન, આમાં ન મળ્યું તો 'યૂ ટયૂબ' પર તો મળશે... મળ્યું, પણ હૃદયરોગનો પહેલો હૂમલો આવવા જેટલો આંચકો...! આ ગીત તો આખું મધુબાલા ઉપર ફિલ્માયું છે !! નહોતી આવતી તોય ૩-૪ હેડકીઓ સામટી ખાઇ લીધી કે, 'રેલ્વે પ્લૅટફોર્મ'માં મધુબાલા ક્યાંથી આવી ? ગીત એ જ છે, મધુ ઉપર પ્લૅબૅક પણ પરફૅક્ટ છે તો આવું બન્યું ક્યાંથી ? વધારે જદ્દોઝહેદ કર્યા પછી ફિલ્મમાં નલિની જયવંતે જ ગાયેલું ગીત 'યૂ ટયુબ' પરથી જ મળી આવ્યું... પણ મધુબાલાવાળો કિસ્સો હજી સુધી ઉકલ્યો નથી !

મદન મોહનનું તો કોણ ફૅન ન હોય ? પણ મારા માટે શંકર-જયકિશન જ બેસ્ટ એટલા માટે કે, એ લોકો જેટલો ઊંચો સ્ટ્રાઇક-રેટ અન્ય એકે ય સંગીતકારનો ઇવન આજ સુધી નહિ ! સ્ટ્રાઇક-રેટ એટલે એક ફિલ્મના ૭-૮ ગીતોમાંથી કેટલા સુપરહિટ થયા ને છેવટે જે તે સંગીતકારની કારકિર્દીની ટોટલ ફિલ્મોમાંથી કેટલીનું સંગીત દેશના ખૂણેખૂણે પહોંચ્યું ! નૌશાદનું નામ લેવું પડે પણ તો ય શંકર-જયકિશનની સરખામણીમાં તો એ ય નહિ. નૌશાદ વર્ષમાં એક જ ફિલ્મ લેતા હતા, એટલે સ્ટ્રાઇક-રેટ ઊંચો રાખવાનું બહુ અઘરૂં ન પડે. આ જ દ્રષ્ટિએ હિંદી ફિલ્મોના સ્ત્રી-પુરૂષ તમામ ગાયકોમાંથી સૌથી ઊંચો સ્ટ્રાઇક-રેટ મૂકેશનો હતો. લતા-રફી કે કિશોર પણ નહિ ! મૂકેશે માંડ કોઇ ૭૦૦ ફિલ્મી ગીતો ગાયા છે, પણ એમાંથી મને ને તમને કેટલા બધા કંઠસ્થ છે ?

કમનસીબે મદનમોહને પ્રારંભની તમામ ફિલ્મોમાં આવું જ કર્યું. સંગીતકાર તરીકે તો પહેલી ફિલ્મ 'આંખે' અને 'અદા'બન્નેના ગીતો આજ સુધી મશહૂર છે, પણ એ પછીની ફિલ્મોમાં બસ... આખી ફિલ્મમાંથી કોઇ એક કે બે સુપ્પર ડૂપ્પર હિટ ગીતો હોય ને બાકી બધામાં વેઠ ઉતારી હોય, એવું આજની ફિલ્મ 'રેલ્વે પ્લૅટફોર્મ'નું ય ખરૂં. મુહમ્મદ રફીનું, 'બસ્તી બસ્તી પર્બત પર્બત ગાતા જાય બન્જારા...' ને બાદ કરતા કેમ એકે ય ગીતમાં ઠેકાણાં નહિ ? આ 'ચાંદ મધ્ધમ હૈ...' તો મારા જેવા લતા પાછળ પાગલ લોકોને આવડે ! યસ. સુનિલ દત્તની આ પહેલી ફિલ્મ હતી અને કેવી કચરાછાપ ફિલ્મ ! ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રમેશ સેહગલે ઉતારેલી બાકીની તો બધી ફિલ્મો ઓકે હતી ને આ જ કેમ ફાલતું ? ફિલ્મ પૂરી કરતા કરતા મારા શરીર કરતા વધુ તાણો મારા ટીવીને આવવા માંડી. સુનિલ દત્તને સીધો રેડિયો સીલૉન પરથી ઉઠાવીને ફિલ્મનો હીરો બનાવી દેવાયો હતો એ ત્યાં ગોપાલ શર્માની ય બહુ પહેલા ઍનાઉન્સર હતો. પણ સોહામણો છતાં કડક ચેહરો, હાઇટ-બૉડી અને મધુરા અવાજને કારણે સુનિલ આ ફિલ્મ પછી ય જીવ્યો ત્યાં સુધી ખૂબ ચાલ્યો. આટલી હીરોઇનો સાથે કામ કરવા છતાં કોઇની સાથે લફરૂં કે દુર્વ્યવહાર નહિ, એવા હીરો આપણી ફિલ્મોમાં બહુ ઓછા છે, તેમાંનો એક સુનિલ દત્ત.

ફિલ્મની હીરોઇન નલિની જયવંત વિશે આ કૉલમમાં એક વખત બહુ સનસનાટીભરી માહિતી આપી હતી, એ જ અહી રીપિટ કરું છું કે, '૫૦ના દાયકાની મધ્યમાં 'ફિલ્મફૅરે' હિંદી ફિલ્મોની એ સમયની સૌથી વધુ સ્વરૂપવાન હીરોઇન માટે વાચકો પાસે મોટા પાયે વૉટિંગ કરાવ્યું હતું ને એમાં મધુબાલા, વહિદા, ગીતા બાલી, વૈજ્યંતિમાલા, નરગીસ કે મીના કુમારીને પાછળ રાખીને આ ઢીચકી નલિની જયવંત પહેલો નંબર ઘણા મોટા માર્જીનથી મેળવી ગઇ હતી. યસ, હાઇટ-બાઇટ કુછ નહિ. સિર્ફ ચેહરા હી કાફી થા ! ને એ જ ચેહરા ઉપર દાદામોની અશોક કુમાર એટલા આફ્રીન હતા કે, બન્ને ઉઘાડેછોગ પ્રેમ કરતા પણ તકદીર જુઓ. નૂતન-તનૂજાની આ સગી માસીએ ૧૯૪૧માં મહેબૂબ ખાનની બહુ ઘૃણાસ્પદ ફિલ્મ 'બહેન'થી શરૂઆત કરી હતી. ધૂ્રણાસ્પદ એટલા માટે કે સગા ભાઇ-બહેન વચ્ચે શરીર-સંબંધ (જેને ઇંગ્લિશમાં Incest કહે છે) ઉપર આધારિત આ ફિલ્મ હતી. આપણા ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઇ સાથે એ બહુ નાની ઉંમરે પરણી. પેલો એને મારઝૂડ બહુ કરતો હતો, એમાં છુટાછેડા લઇને નલિની પ્રભુ દયાલ નામના એક્ટર સાથે પરણી ગઇ. આ પ્રભુને તમે દેવ આનંદની ફિલ્મ 'એક કે બાદ એક'માં જોયો હશે. કિશોર કુમારની એક ફિલ્મમાં એ જબિન જલિલ સાથે સાઇડ-હીરો હોય છે. કમનસીબે, નૂતનની આ માસી ૮૪ વર્ષની ઉંમરે ૨૦ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ ગુજરી ગઇ, ત્યારે ઑલમોસ્ટ ભિખારણની હાલતમાં ગૂજરી. એના મૃતદેહને સ્મશાને લઇ જનાર કોઇ ન હતું.

ફિલ્મની વાર્તામાં શકોરૂં ય નહોતું, છતાં મેં કેટલો ત્રાસ વેઠયો હશે, એ બતાવવા ફિલ્મના અંશો જોઇ લઇએ : કોઇ એક નાનકડા ગામની નજીકના રેલ્વે પ્લૅટફોર્મ પર એક ગાડીને રોકાઇ જવું પડે છે, કારણ કે આગળના કોઇ સ્ટેશને ભયાનક પૂરને કારણે તબાહી મચી ગઇ છે. ટ્રેનના મુસાફરોને ફરજીયાત એ નાના પ્લૅટફૉર્મ પાસેની બંજર જમીન પર આશરો લેવો પડે છે. એમાં ફિલ્મની સેકન્ડ હીરોઇન શીલા રામાણી જે અંધેરનગરી રાજ્યની રાજકૂંવરી છે ને ઘેરથી ભાગીને આ ટ્રેનમાં બેઠી છે. જન્મજાત ગરીબ અને બેકાર સુનિલ દત્ત તેની માતા લીલા મીશ્રા અને બહેન સાથે તેમ જ મારવાડી કંજૂસ જ્હૉની વૉકર તેની દીકરીની ઉંમરની પત્ની સાથે હોય છે. જ્હૉની ગામના એક માત્ર ઝૂંપડામાં બાપ સાથે રહેતી નલિની જયવંત પાસે જઇને એનું આખું મકાન રૂ.૧૪૦/-માં ખરીદી લે છે ને પછી આ રઝળેલા મુસાફરો પાસેથી રોકડી કરવા માંડે છે. નલિની ભૂલમાં કૂવામાં પડી જતા સુનિલ દત્ત તેને બચાવે, એટલે બન્ને વચ્ચે પ્રેમ તો કરાવવો પડે ? (આ બતાવે છે કે, ફિલ્મોમાં મરતી હીરોઇનને બચાવવા ઉપર સુનિલનો હાથ પહેલેથી બેસી ગયો હતો, માટે ફિલ્મ 'મધર ઇન્ડિયા'માં એ નરગીસને આગમાંથી બચાવે છે.) પણ ટ્રેનમાં સાથે મુસાફરી કરતી રાજકુમારી શીલા રામાણીને પણ સુનિલ સાથે પ્રેમ થઇ જાય છે. કારણ કે, બેકાર અને ગરીબ સુનિલ એવું વિચારે છે કે, કરોડપતિ બાપની દીકરી સાથે પરણવાથી પોતે અમીર થઇ જશે. શીલાના પિતા રાજ મેહરા આ ભાઇને સીધો કરે છે, એટલે સુનિલ નલિની પાસે પાછો આવે છે.

અહી લેવા-દેવા વગરના મનમોહનકૃષ્ણને ઘુસાડવામાં આવ્યો છે. એક તો એ કોઇને ગમતો નહતો કારણ કે, ૧૮ સેકન્ડમાં ચેહરા ઉપર એ છત્રીસ હજાર હાવભાવો લાવી શકતો, જેમાંનો ફિલ્મ માટે એકે ય કામનો ન હોય. ફિલ્મ 'શોલે'ના ઠાકૂર સાહેબ સંજીવ કુમારના કપાયેલા બન્ને હાથોને શૉલથી ઢાંકીને ફરવાની પ્રેરણા આ ફિલ્મના મનમોહનકૃષ્ણ પાસેથી મળી હોવી જોઇએ. બહુ જૂની ફિલ્મોના શોખિનોએ એક રેણુ માંકડનું નામ અનેકવાર વાંચ્યું હશે, પણ ઓળખી નહિ શક્યા હો ! તદ્દન સામાન્ય રોલમાં આવતી આ ગુજરાતી નાગરની છોકરી આ ફિલ્મમાં વિમલા (નલિનીની સખી)નો રોલ કરે છે. માંકડ અટક ફિલ્મોવાળાઓને રાસ નહિ આવી હોય, એટલે કાળક્રમે રેણુની અટક એ લોકો ફિલ્મના ટાઇટલ્સમાં 'રેનુ મંકડ' અને છેલ્લે છેલ્લે 'રેનુ મૅકર' લખવા માંડયા. આ ફિલ્મના ટાઇટલ્સમાં પણ 'રેણુ મેકર' લખાયું છે. ફિલ્મના દિગ્દર્શક રમેશ સેહગલ પણ કોઇ સામાન્ય હસ્તિ નહોતા. જે માણસે રશિયન ક્રાંતિકારી લેખક ફ્યોદોર દોસ્તોયેવ્સ્કીની 'ક્રાઇમ ઍન્ડ પનિશમૅન્ટ'ઉપરથી હિંદીમાં રાજ કપૂર પાસે સુંદર ફિલ્મ બનાવી, તે 'ફિર સુબહ હોગી'ના એ દિગ્દર્શક હતા. છેલ્લે છેલ્લે તો સુલક્ષણા પંડિતનું, 'તૂ હી સાગર હૈ તૂ હી કિનારા....' જેવું ગીત પોતાની આખરી ફિલ્મ 'સંકલ્પ'માં ગવડાવનાર સેહગલે પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ 'ઘરની શોભા' ઉપરથી હિંદીમાં બનેલી 'ઘર કી શોભા', દિલીપ કુમાર-કામિની કૌશલને પ્રેમમાં પાડનાર ફિલ્મ 'શહીદ' (વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો...') અશોક કુમાર અને તેમની એ વખતની અંગત પ્રેમિકા નલિની જયવંત તેમ જ ખલનાયક પ્રાણની પ્રેમિકા કુલદીપ કૌર સાથેની ફિલ્મ 'સમાધિ' (ગોરે ગોરે, ઓ બાંકે છોરે, કભી મેરી ગલી આયા કરો..) તલત મેહમુદની પૂરી કારકિર્દીમાં શંકર-જયકિશને પહેલી અને છેલ્લી વાર ગીતની શરૂઆત આલાપથી કરાવી છે તે, 'સપનોં કી સુહાની દુનિયા કો...' ગીતવાળી ફિલ્મ 'શિકસ્ત', લતા મંગેશકરના મધુરા ગીતોવાળી ફિલ્મ 'છબ્બીસ જનવરી', 'જીત હી લેંગે બાઝી હમતુમ..' અને જાને ક્યાં ઢુંઢતી રહેતી હૈ યે આંખે મુઝ મેં..' જેવા ખય્યામ પાસે ગીતો બનાવનારી ફિલ્મ 'શોલા ઔર શબનમ' અને એ જ બેઠ્ઠી વાર્તા ઉપરથી ધરમની સાથે વિશ્વજીત અને સાધનાને લઇને બનાવેલી ફિલ્મ 'ઇશ્ક પર જોર નહિ' જેવી ફિલ્મો આ રમેશ સેહગલે બનાવી હતી.

'ચાંદ મધ્ધમ હૈ, આસમાં ચૂપ હૈ, નીંદ કી ગોદ મેં જહાં ચૂપ હૈ...'