Search This Blog

05/06/2015

જોહર ઇન બૉમ્બે ('૬૭)

ભારતમાં બે જ પ્રકારની ફિલ્મો બને છે... એક ફાલતુ, ને બીજી બહુ ફાલતુ. એમાંની આ એક...છતાં ય, પેટ પકડીને હસાવનારી ફિલ્મ

ફિલ્મ : જોહર ઇન બૉમ્બે ('૬૭)
નિર્માતા    :    ઠક્કર ફિલ્મ્સ
દિગ્દર્શક    :    શાંતિલાલ સોની
સંગીત    :    ઉષા ખન્ના
ગીતકારો    :    કમર જલાલાબાદી-અસદ ભોપાલી
રનિંગ ટાઈમ :    ૧૫ રીલ્સ
થીયેટર    :    અશોક ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો    :    આઈ.એસ.જોહર, સોનિયા સાહની, રાજેન્દ્રનાથ,
જીવનકલા  કે.એન.સિંઘ, મદન પુરી, કેસરી, બી.બી.ભલ્લા, નર્મદા શંકર, પરવિન પૉલ, પોલસન, રણવીર, લક્ષ્મી છાયા અને શીલા.


ગીતો
૧. સર લે કે હથેલી પે, ચલે યાર કે પીછે.......મહેન્દ્ર કપૂર
૨. બચપન કી હંસિ મંઝિલ સે, જબ હુસ્ન.......ઉષા મંગેશકર-મહેન્દ્ર
૩. આજ કલ કે સભી નૌજવાન બડે જૂઠે..... ઉષા મંગેશકર-ઉષા તિમોથી
૪.નાચ સસરે નાચ નખરા અબ ના ચલેગા.....ઉષા તિમોથી-કૃષ્ણા કલ્લે, બલબીર-મહેન્દ્ર
૫. રૂઠ કે જાનેવાલી સુન......મુહમ્મદરફી
૬. મેરી પ્યારી પ્યારી સૂરત કો, કિસી કી છુરી ના લગે... મહેન્દ્ર કપૂર

હું આમ તો ક્યારેય મૂડ વગરનો હોતો નથી. કાયમ હસતો રહું છું, છતાં ય... માણસ છું. (આ બાબતે કોઈને જે કોઈ વિરોધ હોય, તેમણે દિન-૭માં કાર્યાલયના સરનામે અરજી કરવી... સૂચના સમાપ્ત હુઈ) દિવસમાં ક્યારેક થોડો ય નર્વસ થઇ જઉં, ત્યારે આઇ.એસ.જોહરની આ ફિલ્મ જોવા બેસી જઉં છું. મને આંકડો યાદ નથી કે, 'જોહર ઈન બૉમ્બે' મેં કેટલી વખત જોઈ હશે... તદ્દન ફાલતુ ફિલ્મ હોવા છતાં આઈ.એસ.જોહરની ફિલ્મ કોઈ પણ હો, ફાલતુ તો ગૅરન્ટી સાથે હોવાની અને છતાં ય હું એ બધી જોવાનો. મને જોહર ખૂબ ગમતો. પૂરા અર્થમાં એની કૉમેડી સ્લૅપસ્ટિક એટલે કે તદ્દન સ્થૂળ હોવા છતાં મને ખૂબ હસવું આવતું, એનું કારણ એક જ... સ્થૂળ તો સ્થૂળ... આજકાલ હસવાનું છે ક્યાં ? હું નૉન-વૅજ જોક્સ ઍન્જોય કરી શક્તો નથી અને માનું છું કે, એના કરતા તો બુધ્ધિ વગરની જોહરીયન-ફિલ્મો જોઇને ને વધારે હસવું આવે છે. દેવ આનંદની ફિલ્મ 'જ્હૉની મેરા નામ'માં એના ત્રણ રોલ યાદ કરો. ડાયરેકટર ભલે વિજય આનંદ હતો, પણ ફિલ્મમાં પોતાના સંવાદોથી માંડીને તમામ હરકતો ગૉલ્ડીએ જોહરને કરવાની પૂરી છૂટ આપી હતી અને ઍન્ડ-રીઝલ્ટ તો યાદ છે ને ? એના સંવાદો તો જાવા દિયો, ઍરપોર્ટ પર યુનિફોર્મ પહેરીને ઊભેલા જોહરને જોઇને ઇફ્તેખાર ગોથું ખાઈને જતો રહે છે, એ પછી જોહર કૅમેરા (એટલે કે, આપણી) સામું જોઇને હસતા મોંઢે માત્ર, 'આનું ચસકી ગયું છે...' એ બતાવવા લમણા ઉપર આંગળી ફેરવે છે, એમાં તો પ્રેક્ષકો સેકન્ડો સુધી હસતા બંધ થતા નહોતા, એ મને હજી યાદ છે. માણસ બ્રિલિયન્ટ હતો અને હ્યૂમ૨નું સૌથી વધુ જ્ઞાન કદાચ એને જ હતું, માટે હિંદુસ્તાનની પબ્લિકને આવો જ માલ ખપે, એમ સમજીને એ પહેલા પ્રકારની ફિલ્મો બનાવતો. એ પોતે કહેતો કે, 'ભારતમાં કેવળ બે જ પ્રકારની ફિલ્મો બને છે, 'ખરાબ અને બહુ ખરાબ'... એમાંથી હું ખરાબ ફિલ્મો બનાવું છું.'

તે આજની ફિલ્મ 'જોહર ઇન બૉમ્બે'ને તમે ક્લાસિક કૉમેડી સમજીને જોવા બેસો, તો જોહરને પછી, પહેલા મને મારવા આવો. ફિલ્મ અત્યંત ફાલતુ અને કૉમેડી તો એનાથી ય વધુ ફાલતુ છે, પણ જોહરની ફિલ્મો જોતી વખતે હું, એ જે ક્લાસ માટે ફિલ્મો બનાવતો, એ ક્લાસનો એક ઑર્ડિનરી પ્રેક્ષક બની જાઉં છું ને પછી મને ધાંય ધાંય મજો પડે છે. મારો એમાં હેતુ એક જ : આજકાલ આવું હસાવનારે ય ક્યાં છે ?

યસ, પ્રારંભમાં આપણા ગુજરાતી કુંદન શાહે બનાવેલી ફિલ્મો કે ટીવી-સીરિયલો સારૂં હ્યૂમર લઇ આવી હતી, પણ એ પછી સારી કૉમેડી આવી સતીશ શાહની સિરિયલોમાં. ઉત્તમ તો હતી, 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'. એ સ્થૂળ નહોતી અને સત્વશીલ હોવા છતાં હસવાની માત્રા બરકરાર હતી. એવું જ લૅવલ જસપાલ ભટ્ટીની 'ઊલ્ટા પુલ્ટા' અને 'ફ્લૉપ શો'માં જોવા મળ્યું. જસપાલ ઇનવૅરીઍબ્લી ગ્રેટ હ્યુમરિસ્ટ હતો. હમણાંના સમયમાં ફરહાન અખ્તરે બનાવેલી 'દિલ ચાહતા હૈ' અને કરણ જોહરની 'કલ હો ના હો'નું હ્યુમર પણ ગજાંવાળું હતું. વિનય પાઠકે તો સૌથી મોટા મોર મારી લીધા. રજત કપૂર સાથેની એની ફિલ્મ 'ભેજા ફ્રાય' અને લારા દત્તા સાથેની 'ચલો દિલ્લી' બેનમૂન કૉમેડીઓ હતી. એની સામે શરમ આવે, એવી કહેવાતી કૉમેડી ફિલ્મો સાજીદ ખાન બનાવતો રહ્યો છે. બહુ પાપ કર્યા હોય તો હમણાંની એની 'હમશકલ્સ' જોવા જજો.

'જોહર ઈન બૉમ્બે' તદ્દન ફાલતુ ફિલ્મ હોવા છતાં મને આટલી બધી ગમી ગઈ હોય, તો એમાં જોહરની ઓનેસ્ટી હતી. એણે ક્યારેય પોતે ધી ગ્રેટ ફિલ્મ મૅકર હોવાનો દાવો કર્યો નથી. પૂરી પ્રામાણિક્તા સાથે કબૂલ કરૂં તો કિશોર કુમારની જૂની ફિલ્મોમાં નકરી બેવકૂફી હોવા છતાં મને ભાગ્યે જ હસવું આવતું. જોહર તો ખૂબ ભણેલો-ગણેલો એકટર હતો. મને તો 'જોહર ઈન બૉમ્બે' કરતાં ય વધુ ખડખડાટ હસવું 'જોહર-મેહમુદ ઈન હોંગકોંગ'માં હજી આવતું જ જાય છે. થોડો નવરો પડું, એટલે આ ફિલ્મો જોવા બેસી જાઉં છું.

ઇન્દ્રસેન જોહર આમ તો સોનિયા સાહનીનો કાયદેસરનો હસબન્ડ હતો. જોહરના મૃત્યુ પછી સોનિયા આપણા ગુજરાતના જ કોક માજી રાજવી (શિવ-પાલિતાણા) સાથે પરણીને સફળ સંસાર માણ્યો, પણ પતિદેવનું થોડા જ વર્ષોમાં અવસાન થયું. સોનિયાને આ પતિથી એક દીકરો કેતન અને પતિની પહેલી પત્નીથી બીજો દિકરો ધીરેન છે. સોનિયા એ રીતે કમનસીબ કે, આવું ધાંય ધાંય કરતું સેક્સી રૂપ હોવા છતાં, છાપ જોહરની પડી ગઈ હોવાથી એને સારી ફિલ્મો મળી જ નહિ, જેમાં એ સૌંદર્ય ઉપરાંત અભિનયનું કૌવતે ય બતાવી શકે. રાજ કપૂરે એને 'બૉબી'માં સાડીનો છેડો ખુલ્લો કરીને પ્રેક્ષકોને એની છાતી બતાવી, એ એક દ્રષ્યને કારણે સોનિયા ખૂબ વખણાઈ ગઈ. શમ્મી-હેમા-રાજેશની ફિલ્મ 'અંદાઝ'માં પણ, 'મુઝે પ્યાસ ઐસી પ્યાસ લગી હૈ, મેરી પ્યાસ મેરી પ્યાસ કો બુઝાઓ...' ગીતમાં અત્યંત સૅક્સી સ્વરૂપ ધારણ કરીને ફિલ્મના ૮-૧૦ સપ્તાહ વધારે ખેંચાવવામાં મોટો ફાળો આપ્યો હતો. લાહૌરમાં જન્મેલા સોનિયાના પિતા આર્મીમાં હતા અને મા પેશાવરના હતા. બધુ મળીને સોનિયા ૭ બહેનો અને બે ભાઈઓ હતા, બોલો... છે ને ભાયડાના ભડાકા...?

મૂળ તો જોહર એકલો વેચાતો ન હતો ને એની એને ય ખબર હતી, એટલે જ્યારે ફિલ્મો બનાવી, ત્યારે કોકને સાથે રાખતો જેમ કે, એની પ્રારંભની ફિલ્મોમાં એ મજનૂને પોતાની સાથે પેરેલલ રોલ આપતો. એ પછી મેહમૂદને લેતો. મેહમુદ મોંઘો પડવા માંડયો, એટલે આજની ફિલ્મ 'જોહર ઇન બૉમ્બે'માં એણે પોપટલાલ ઉર્ફે રાજેન્દ્રનાથને ઑલમોસ્ટ સાઈડ-હીરોનો રોલ આપી દીધો. તમામ કૉમેડિયનોમાં એક રાજેન્દ્રનાથ જ એવો બદનસીબ નીકળ્યો, કે આટલી લાંબી કરિયર છતાં એકેયમાં એ હીરો બની ન શક્યો. નાસિર હુસેનની ફિલ્મ 'દિલ દે કે દેખો'માં એણે પોપટલાલની બેમિસાલ કોમેડી કરી, ત્યારથી એનું સ્ક્રીન બહારનું નામ પણ 'પોપટલાલ' પડી ગયું. પછી તો બધી ફિલ્મોમાં એવા સૉલ્લિડ રોલ મળે નહિ, એટલે ઘર ચલાવવા માટે ય તદ્દન ઢંગધડા વિનાની ફિલ્મો ય સ્વીકારવા માંડયો. વચમાં 'ફિર વો હી દિલ લાયા હૂં' કે 'મેરે સનમ' જેવી સરસ ફિલ્મો એને મળતી, એટલે એ ટકી ગયો.

રાજેન્દ્રનાથની કોમેડી બફુનરી છાપની હતી અને બિલકુલ સ્ટૅનલી લૉરેલને પોતાનો આદર્શ માનીને કોમેડી કરતો. લૉરેલ-હાર્ડીની ફિલ્મો જોશો, તો સ્ટૅન લૉરેલને જોઇને રાજેન્દ્રનાથ યાદ આવશે. આજની ફિલ્મ 'જોહર ઈન બૉમ્બે'માં રાજેન્દ્રનાથને હીરોનો પૅરેલલ રોલ મળ્યો છે અને બે-ચાર ગીતો પણ ગાવા મળ્યા છે. ફિલ્મમાં તો એ ચોક્કસપણે જોહર કરતા વધુ હસાવી શકે છે, પણ અંગત જીવનમાં એ સંપૂર્ણપમે ગંભીર માણસ હતો. કોઇને હસાવવાની વાત તો બહુ દૂરની છે, ફિલ્મના શૂટિંગ ઉપરાંતની તો એ કોઈની સાથે વાત પણ ન કરતો. ખુદ આશા પારેખે કહ્યું છે કે, 'ફિલ્મોમાં આટલું ધોધમાર હસાવતો રાજેન્દ્રનાથ સ્ટુડિયોના સૅટ પર માની ન શકો, એટલો અતડો અને ગંભીર રહેતો. એનો મોટો ભાઈ પ્રેમનાથ અને નાનો ભાઈ નરેન્દ્રનાથ પણ થોડાક અપવાદોને બાદ કરતા ફિલ્મોમાં કદી ઝળક્યા નહિ. રાજ કપૂરના આ સાળાઓમાં વગર દારૂએ એક માત્ર આ રાજેન્દ્રનાથ મર્યો.'

આ ફિલ્મ બનાવી તો છે, આપણા ગુજરાતીઓએ. નિર્માતા ઠક્કર અને નિર્દેષક શાંતિલાલ સોની. એ વાત જુદી છે કે, જોહર હોય એટલે દિગ્દર્શકનું નામ તો નામનું જ હોય... બધી કમાલો જોહરની પોતાની હોય. જો કે, દિગ્દર્શક શાંતિલાલ સોની પણ મજેલો હતો અને આ ફિલ્મની 'સફળતા'માં એનો ય હાથ પૂરો હતો. સંગીતમાં પણ ઘણા વખતે કલ્યાણજી-આણંદજીથી છૂટકારો મેળવીને આ ફિલ્મમાં ઉષા ખન્નાને ચાન્સ આપ્યો, તો એણે તો પેલા બન્ને કરતા ય વધારે ભંગાર ગીતો બનાવી આપ્યા. નહિ તો ઉષા ખન્નાનો આપણે બધાએ આભાર ખાસ તો આ દસ-બાર ગીતો માટે બેશક માનવો પડે. 'હમ ઔર તુમ ઔર યે સમા, ક્યા નશા નશા સા હૈ...' અને 'મેઘા રે બોલે ઝનનન ઝનનન, પવન ચલે સનનન સનનન, પાયલ બાજે રે ઝનનન ઝનનન, આજા પિયા મોરે...' આશા-રફી (બન્ને ફિલ્મ 'દિલ દે કે દેખો), 'મેરી દાસ્તાં મૂઝે હી મેરા દિલ સુના કે રોયે...' લતા-ફિલ્મ 'આઓ પ્યાર કરેં', 'મધુબન ખુશ્બૂ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ...' યેસુદાસ-સાજન બિના સુહાગન અને એ જ યેસુદાસનું 'દિલ કે ટુકડે ટુકડે કર કે, મુસ્કુરાકર ચલ દિયે...' ફિલ્મ 'દાદા'. ખાસ તો, ઉષા ખન્નાએ મુહમ્મદ રફી પાસે થોડું ઘણું મીઠડું કામ લીધું છે. 'તેરી ગલીયોં મેં ના રખ્ખેંગે કદમ...' (હવસ), યે તેરી સાદગી, યે તેરા બાંકપન...' 'હાય તબસ્સુમ તેરા, ધૂપ ખીલ ગઇ રાત મેં...' (નિશાન), 'હમ તુમ સે જુદા હોકર મર જાયેંગે રો રો કે...' (એક સપેરા, એક લૂટેરા), 'મૈંને રખ્ખા હૈ મુહબ્બત, અપને અફસાને કા નામ...' (શબનમ). જોવા જેવી વાત છે કે, ૧૯૪૧માં ગ્લાલિયરમાં જન્મેલી ઉષા ખન્નાએ એની ૧૮ વર્ષની ઉંમરે ૧૯૫૯માં પોતાની પહેલી ફિલ્મ 'દિલ દે કે દેખો'માં સંગીત આપ્યું અને એક પછી એક કેવા હિટ ગીતો ? એ વાત જુદી છે કે, કમ-સે-કમ આ ફિલ્મના ગીતોની તોતિંગ સફળતામાં ઉષા ખન્નાનો કેટલો ફાળો, એ ચર્ચાનો વિષય નથી, કારણ કે ફિલ્મના નિર્માતા શશધર મુકર્જીએ 'દિલ દે કે દેખો'નું સંગીત ઉષાને સોંપતા પહેલા અમેરિકન ગાયક-સંગીતકાર બિંગ ક્રોસબીની રૅકર્ડોનો ઢગલો કરી દઇને સૂચના જ આપી દીધી હતી, 'તારે આ બધી ધૂનો પરથી ગીતો બનાવવાના છે.'

એટલે, એમાં રફીનું 'મેઘા રે બોલે...' આપણા લોકસંગીત પર આધારિત હતું, એનો યશ ઉષાને આપી દેવાય. બાકી 'દિલ દે કે દેખો'ના ગીતોમાં ઉષાની કમાલ કેટલી, એ હૉટ ડીબૅટનો વિષય થઇ જાય ! ફિલ્મ 'હવસ'ના નિર્માતા-દિગ્દર્શક-ગીતકાર સાવનકુમાર સાથે ઉષાએ લગ્ન કર્યા હતા.

આ ફિલ્મ દ્વારા કૉમેડીયન પોલસનના ભાગ્ય ખૂલી ગયા હતા. આમ જોઇએ તો આ ફિલ્મનું બીજું નામ, 'આજ કા અલાદ્દીન' હતું, એ ધોરણે પોલસનને ફિલ્મનો ટાઈટલ રોલ કરવા મળ્યો હતો. પોતાની પહેલી ફિલ્મ 'ઝૂમરૂ'માં આશા-કિશોરના 'હે ય જાને દે જાને દે જાને દે...' ગીતની વચ્ચે જાડા અવાજમાં 'જાને દે' બોલે છે, તે પોલસન હતો. સ્થૂળ કાયાને લીધે એને માફકસરના કૉમેડી રોલ ટુકડામાં મળતા હતા, તો ય એણે લગભગ ૭૦ ફિલ્મોમાં કામ કર્યું હતું. ચંદ્રશેખરની ફિલ્મોમાં એ લગભગ હોય જ !

ફિલ્મની બીજી પૅરેલલ હીરોઈન જીવનકલાનો ય એક જમાનો હતો. સુંદર અને ગ્લૅમરસ તોહતી જ, પણ મોટા ભાગે એને ડાન્સ કરવાના આવતા. 'મૂઝકો તુમ જો મિલે, યે જહાન મિલ ગયા...' એ હેમંત-ગીતાના ગીતવાળી ફિલ્મ 'ડીટેક્ટીવ' ('૫૮)માં જીવનકલા પહેલીવાર આવી. હીરોઇન તો કદી ય બની ન શકી, પણ ઑલમોસ્ટ ૫૦-ફિલ્મોમાં આવા જ સામાન્ય રોલ કરી કરીને એ હોલવાઈ ગઈ. ઝેબ રહેમાન, હિના કૌસર, પરવિણ ચૌધરી, કમ્મો અને મધુબાલાની બહેન ચંચલની જેમ કાયમ સાઈડી રહીને જ ફેંકાઈ ગઈ. કડકડાટ ઇંગ્લિશ બોલી શક્તી મૂળ મરાઠી મુલગી જીવનકલાએ પણ જોહર સાથે આ ફિલ્મમાં એનો મુંબઇ પ્રવાસ ખૂબ સફળ રહ્યો, કેમ કે આ ફિલ્મમાં એને સેકન્ડ હીરોઇનનો રોલ મળ્યો હતો. ફિલ્મ જો કે, 'જોહર-મેહમુદ ઇન હોંગકોંગ' જેવી

જામી નહિ અને થોડાક માટે તદ્દન બેકાર ફિલ્મ બનતા બનતા રહી ગઈ. આ 'થોડુંક' એટલે મજેદાર રાજેન્દ્રનાથની કૉમેડી. બીજું થોડુંક એટલે, મનોરમ્ય ફોટોગ્રાફી અને છેલ્લું થોડુંક એટલે ફિલ્મ ફક્ત ૧૫-જ રીલ્સની છે એ. .. ને તો ય, હું 'ફિલ્મ ઇન્ડિયા'ના વાચકોને ભલામણ કરીશ જ કે, આ કૉલમના લેખક પોતે મગજ ઘેર મૂકીને લખે છે, તો તમે આ ફિલ્મ મગજ ઘેર મુકીને જોશો તો ધોધમાર હસે જ રાખવાનું છે...બાકી ભોગ તમારા...!

No comments: