Search This Blog

17/06/2015

મેરે દુશ્મન, તુ મેરી દોસ્તી કો તરસે

અમદાવાદના એસ.જી. હાઇવે પરના વૈષ્ણોદેવી મંદિર પાછળ ચાંદખેડા તરફ જતો એક અન્ડરપાસ આવે છે. હું 'કલહાર' બંગલોઝથી ઍરપૉર્ટ જતો હતો. બહુ લાંબુ અંતર અને રાતનો લગભગ ૧૧-નો સમય. હું તો વડોદરાવાળા ઍક્સપ્રેસ-હાઇવે ઉપરે ય ૬૦-થી વધુ સ્પીડમાં જતો નથી. પણ એ ગરનાળુ વટાવતા જ અંધારામાં મારી પાછળ કોઇ મારૂતિ વાન બેફામ સ્પીડથી આવતી દેખાઈ. મેં સાઇડમાં લઇને ગાડી વધુ ધીમી પાડી. ત્યાં અચાનક મારી બાજુમાં ગાડી ધીમી પાડીને એકલા બેઠેલા છોકરાએ મને અત્યંત હલકી કક્ષાની ગાળો દેવા માંડી. રોડના ડીવાઇડર પાસે મારી ગાડી બ્લૉક કરી માં-બેનની ગાળોથી ય હલકી કહી શકાય એવી ગાળો બોલતો એ ઢીંચકો છોકરો બિભત્સતા પર ઉતરી આવવા માંડયો. એની હાઇટ-બૉડી તો વાળીને મારા ખિસ્સામાં મૂકી દેવાય એવી હતી ને તમારામાંથી જેમણે મને રૂબરૂ જોયો છે, તે જાણતા હશે કે, પૂરા પોણા છ-ફૂટની હાઇટવાળો હટ્ટોકટ્ટો માણસ છું. મારે એને મારવાની જરૂર પણ પડે એમ નહોતું. માત્ર કૉલરથી પકડીને હવામાં અધ્ધર કરી શકું, એટલી સાઇઝનો એ હતો.

મને હજી ખબર પણ નહોતી કે, એ મને કઇ કમાણી ઉપર આટલી બધી સતત ગાળો દીધે રાખે છે. મારો જન્મજાત સ્વભાવ છે કે, કોઇ ગુસ્સે થતું હોય, ત્યાં હું ઠંડા કલેજાનો બની જવા માંડુ છું. અમદાવાદમાં ગાડી ચલાવવી અને રોજ મારામારી કરવી, મને નહિ.... કોઇને ન પોસાય, છતાં એવી નાનીમોટી ઘટનાઓ તો દરેક વાહનવાળાને બનવાની જ.

'અરે બેટા, તું સારા ઘરનો છે... આટલી બધી ગાળો.'

'બેટો...? તું મારી માં ને...' આગળનું બિભત્સ તો એ પોતાની માં માટે ય બોલ્યો, એ હું યાદ પણ કરી શકતો નથી. ત્યાં અહીં લખવાનો તો સવાલ જ ક્યાં ઊભો થાય છે. એ બીજું કશું કરતો નહતો... બસ, નૉન-સ્ટૉપ ગાળો જ બોલે રાખતો હતો. એક ક્ષણ માટે તો એવો ય વિચાર આવી ગયો કે, ગાડીમાંથી ઉતરીને આને ઊંચો કરીને રોડ ઉપર પછાડું, પણ ટેન્શન વધતું જાય, એમ હું આગળનું વધુ વિચારી શકું છું. મને હવે પછી બની શકે એવા દ્રષ્યો યાદ આવવા માંડયા કે, હું એને ઉંચકીને રોડ કે ડીવાઇડર ઉપર પછાડું, એ તો ક્ષણનું કામ છે, પણ પછી બનવાપાત્ર ઘટનાઓના દિવા-સપનાઓ મને ત્યાં જ ફાસ્ટફોરવર્ડમાં આવવા માંડયા કે, એને ખૂબ વાગે, અંધારામાં પાછળથી આવતી કોક ટ્રક એને કચડી નાંખે... એ હૉસ્પિટલમાં કે સ્મશાને ને હું પોલીસ-સ્ટેશનો અને અદાલતના ચક્કરો મારતો થઇ જાઉં. મોટો પ્રોબ્લેમ એ ધારી લીધો કે, હું મારવા બેસું તો પછી મારવાનો થાક મને ન લાગવો જોઈએ.. માર ખાવાનો એને લાગવો જોઈએ. અદાલત કે પોલીસવાળા તો ઠીક, ખૂદ મારા ઘરવાળા વાંક મારો કાઢશે કે, 'છોકરો હતો... દસ-બાર ગાળો દઇ ગયો ને ખઇ લીધી હોત તો ગુજરાતની સાડા પાંચ કરોડની જનતા કયાં તમને બાયલો કહેવા આવવાની હતી... પણ આટલો બધો કોઇને મરાય...?'

અને કાંઇ બાકી રહી જતું હોય એમ પેલા છોકરાના ઘરવાળાઓ ય મને કાંઈ 'થૅન્કસ' કહેવા થોડા આવવાના હોય ? બાત નીકલી હૈ તો બહોત દૂર તલક જાયેગી..!'

ગયા મહિને જ બનેલી આ સત્યઘટનાથી, જે પાઠ હું જન્મજાત શીખ્યો હતો કે, અંતે તો પરાજય ગુસ્સો કરનારનો જ થાય છે, એ મને આજીવન કામમાં આવ્યો છે. આપણા જેવાની જીંદગીઓમાં વિજય-પરાજય જેવું ઓછું હોય, છતાં એક નાનકડો ઝગડો આવનારા આઠ કલાકથી માંડીને બાકીની જીંદગીમાં ઝેર ઘોળી દે છે. લાચારી બધાની એકસરખી કે, પેલા જેવા હલકટ તમે થઇ શકવાના નથી અને થાઓ તો હિંદુસ્તાનનો ઈન્ડિયન પીનલ કોડ બહુ ખતરનાક છે.

તો શું... આપણો વાંક હોય કે ના હોય, આપણો પરાજય સ્વીકારીને દુશ્મનોને જવા દેવાના ?

ઓકે. મારા કૅસમાં તો આજ સુધી કોઇ દુશ્મનને મેં સામે વાર (કોઇપણ સ્વરૂપે) નથી કર્યો, છતાં અંતે વિજય મારો થયો છે. પરમેશ્વરે એ લોકોને જરૂરત કરતા વધુ સજાઓ આપીને મારા વતી બદલો લીધો છે ને એ દુશ્મનોને રિબાતા જોઇને હું કદી ખૂશ થયો નથી. આજે પણ તમામને કોઇ ફંકશનમાં હું સામેથી બોલાવી શકું છું. તમારૂ ફીલ્ડ કોઇ બી હો, એક વાર તમે સફળ થવા માંડયા, પછી હરિફો તમને માફ કરતા નથી. ગુજરાતમાં જ અનેક ક્રિકેટરો આગળ વધી ન શક્યા, સુગમ સંગીતમાં તો રોજ બીજે દહાડે કોઇ કહેનારો કે કહેનારી મળે છે. 'સુગમ સંગીત જેવું પૉલિટિક્સ અન્ય કોઇ ક્ષેત્રમાં નથી.' સાહિત્યના ક્ષેત્રમાં તો અમથા ય તમામ કવિ-લેખકો ઘણા લોઅર-મિડલ ક્લાસમાંથી આવ્યા છે. જેમણે જાહોજલાલી જોઇ જ નથી. થોડું નામ થયું, એમાં મહારાજા બની જાય ને આસપાસના તમામ રાજા-મહારાજાઓને ખતમ કરવા બહુ ઝીણકું છતાં બિભત્સ રાજકારણ રમે. સીધો સિધ્ધાંત... 'ગુણવત્તાથી નહિ તો ગાળોથી મારો સાલાને !'

પણ દુશ્મનોને સીધા કરવાની મારી 'ચાલ' બેહદ કામયાબ નિવડી છે કે, કદીય એમની ઉપર વળતો હૂમલો કરવાનો જ નહિ. એમનું ખરાબ તો એટલા માટે નહિ બોલવાનું કે, માતા સરસ્વતિની કૃપાથી લોકો મને સારૂં બોલવાના અઢળક પૈસા આપે છે. અહીં થોડું મારૂં અભિમાન પણ આવી જાય છે કે, ગમે તેવો આલીયો-માલીયો મારા દુશ્મન હોવાની જાહોજલાલી કેવી રીતે ભોગવી શકે ? દુશ્મન પણ બધી રીતે મારા લૅવલનો હોવો જોઇએ. કાલ ઉઠીને આપણા રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ કહે, 'બૉસ, આપણે હમણાંથી બચ્ચન-ફચ્ચનને ઘેર સવારના ચા-પાણી બંધ કરી દીધા છે. બચ્ચુને તો હું બોલાવતો જ નથી !' લો કલ્લો બાત... આમાં તમને બચ્ચનનું ધોરણ કેટલું નીચું ગયેલું લાગે, જે રણછોડભ'ઇને ઓળખતો ય ન હોય !

તમે આ થિયરીથી કન્વિન્સ ન થતા હો, પણ કોઇ પણ દુશ્મનને સામે ચાલીને પ્રેમથી બોલાવવામાં લેવલ તમારૂં ઊંચુ દેખાવાનું છે. શક્ય છે, દુશ્મની ખતમ પણ થઇ જાય. જીવનભરની દુશ્મની આજ સુધી કોઇને ફાયદો કરાવતી ગઇ નથી. ઉપર જવાનો સમય નજીક આવતો જાય, ત્યારે માથાં ઉપર દુશ્મનીના ભારનું પોટલું ઊચકીને જવાનું ન હોય....'ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પૈડલ હી જાના હૈ'!

રસ્તે જતા હો અને અચાનક દૂરથી તમારો કોક દુશ્મન દેખાઇ ગયો, ત્યારે કેવા વિચારો આવે છે? ત્યાં જઇને એને મારી આવવા-બાવવાનું તો આપણા ગુજરાતીઓનું કામ નહિ. પણ મનમાં એની માં-બેનને કેટલી ચોપડાવો છો ? પેલાને તો ખબરે ય નથી કે, તમે આસપાસમાં છો, પણ અચાનક આપણાથી સાલો જોવાઇ ગયો, તો તમારી બૉડી-લૅન્ગ્વેજ કેવી થઇ જાય છે ? મનમાં ને મનમાં ધુંધવાઇ જઇએ છીએ અને કાંઇ કરી શક્તા ન હોવાની લાચારી આપણી ઉપર હસતી રહે છે. છેલ્લે જાણીએ છીએ કે, આપણાથી કાંઇ થવાનું નથી, એટલે, 'મરવા દે ને સાલાને... એના જેવું કોણ થાય ?' કહીને મોટા માણસ બની જઇએ છીએ. એકાદ-બે વીક પહેલા મેં એક વિવાદાસ્પદ લેખો લખ્યો હતો, 'હા, હું ગાળો બોલું છું'.... ગાળો બોલી નાંખવાનો મોટો ફાયદો એ કે, મારામારી કરવા જવું ન પડે, એને તો જાવા દિયો, સામું આપણને વાગે-બાગે નહિ અને મનમાં બોલાયેલી ગાળોને કારણે એક મોટી મારામારી અને ભયાનક ભાવિ પરિણામોથી બચી જવાય છે. ગાળો વેશ્યા જેવી છે. પોતે બદનામ થઇને, વિકૃત માણસોની હવસ સંતોષીને રસ્તે જતી સારા ઘરની સ્ત્રીઓને શક્ય હોય ત્યાં સુધી બચાવી લે છે. મનમાં બોલાયેલી ગાળો ય વેશ્યાનું કામ કરે છે. તમને સંભવિત મુશ્કેલીમાંથી ઉગારી તો લે છે જ, પણ બદલો લીધાનો નાનકડો સંતોષે ય આપે છે.

ઓહ યસ...હું તો હવે આ શાસ્ત્રમાં ય પી.એચ.ડી. કરવા જઇ રહ્યો છું...ગાળો બોલી નાંખવાને બદલે, સરસ મજાનું હસી પડું છું (ઘણા કહે છે, 'તમે હસતી વખતે બહુ હૅન્ડસમ લાગો છો.' એના જવાબમાં હું કહું છું, 'હસતી વખતે તો વાંદરૂં ય હૅન્ડસમ લાગે'!)

કમ્માલની વાત તો એ છે કે, પેલાને તો ખબરે ય નથી કે તમે ય ત્યાં હતા. એ તો એની મસ્તીમાં નીકળી ગયો ને તમારા આવનારા બે કલાક બગાડતો ગયો. ફ્રેન્કલી કહું, તો આ તબક્કે દુશ્મનીમાં તો એ તમને મારતો ગયો. વગર હથિયારે, વગર ગાળાગાળીએ કે ઈવન વગર જોયે આ નાનકડો જંગ એ જીતતો ગયો. બે કલાક તમારા બગડયા...એને તો તમે યાદે ય નથી રહ્યાં!

મોટા ભાગે આ આઇન્સ્ટાઇનનું અથવા અશોક દવેએ આપેલું ક્વૉટ છે કે, 'ત્રીજું વિશ્વયુદ્ધ કેવું લડાશે એની તો ખબર નથી, પણ ચોથું તો બેશક પથ્થરોથી લડાશે. (એણે 'પથ્થરો' શબ્દ વાપર્યો હતો અને મેં, 'ઢેખાળા' ! નૉલેજ-નૉલેજમાં થોડો ફેર તો પડવાનો ને ? એ બિચારો ક્યાં મારા ખાડીયાનો હતો !) યસ, આ લેખનો વાચક આઇન્સ્ટાઇન અને અશોક દવે કરતા ય વધુ સ્માર્ટ હશે તો ક્વૉટમાં થોડો ફેરફાર કરશે, '...ચોથું વિશ્વયુદ્ધ બેશક ગાળોથી લડાશે.'

સિક્સર
'મૅગી' બંધ થાય કે પિત્ઝા-પાસ્તા... ગુજરાતણોને કોઇ ફરક પડતો નથી... પણ ભૂલેચુકે ય 'પાણી-પુરી' ઉપર પ્રતિબંધ આવશે તો, મોદી-સરકાર તો શું, આવનારીએકે ય સરકાર નહિ ટકે! (ઍન્ડ માઇન્ડ યુ.. બબ્બે કીલો પાણી-પુરી ખાઇ લીધા પછી મફતમાં મળતી 'મસાલા-પુરી' તો સરકારે ફરજીયાત બનાવવી પડશે.... તો જ હજી બીજી બે લોકસભા જીતી શકશે.)

No comments: