Search This Blog

06/07/2016

નાસ્તાપાણી ય નહિ...?

રાત પણ પરોઢને સવાર સુધી મૂકવા જાય છે. એ પરોઢ ખરેખર ગઈ કે નહિ એ જોવા પૂરતી રાત દાઝીલી પણ ખરી! સાંજ પછી દિવસડો રોકાઈ જાય નહિ, એ જોવાનું કામ રાત પૂરી ચોકસાઈથી કરે છે. આવું આપણી સાથે ય થાય છે; પરોઢ જેવું...! નહિ રાતના, નહિ દિવસના! કોઈના ઘેર મળવા ગયા હો અને પાછા જતા એ લોકો તમને ક્યાં સુધી મુકવા આવે છે, એના ઉપર તમારું માન કેટલું છે, એની ખબર પડે. આપણે એમ નથી કહેતા (કે ઈચ્છતા) કે એ લોકો ફેમિલી સાથે આપણા ઘર સુધી મૂકવા આવે, પણ કેટલાક તો આપણા ઊભા થવાની રાહ જોઈને બેઠા હોય છે અને મૂકવા આવવું જ પડે એમ હોય તો, સ્મશાને મૂકવા આવતા હોય એવી ઉતાવળથી આપણને ઝાંપા સુધી છોડી જાય! એટલો એમનો વિવેક કે, આપણને મૂકવા ઝાંપે આવતા પહેલા, 'ઍક્સક્યૂઝ મી' કહીને એ લોકો ધોળા હાડલા અને લેંઘા-ઝભ્ભા પહેરવા જતા નથી!
આમ તો જવા માટે તમે ઊભા થાઓ, ત્યારે એ સોફામાં બેઠેલા ઊભા ય ન થાય અને બેઠા બેઠા 'આવજો' કહી દે, ત્યાં સમજવું કે, કાં તો ભ'ઈને લકવો થયો છે, ને કાં તમારું કોઈ વજન પડયું નથી એટલે ઊભા થતાં નથી. તમે 'આવો' કે 'જાઓ', એનાથી એમને કોઈ ફેર પડતો નથી. યસ. આપણે જવા માટે ઊભા થઈએ અને એ લોકો કેવળ એમના દરવાજા સુધી નહિ, બહાર ઠેઠ ગેટ સુધી કે નીચે લિફ્ટમાં મૂકવા આવે અને તમારી ગાડી વિદાય ન થાય ત્યાં સુધી હસતા મોંઢે ઊભા રહે, તો અર્થ એવો કાઢી શકાય કે, જ્યાં ગયા છો, ત્યાં બરોબર ગયા છો. તમારું આવવું, એમને ગમ્યું છે. છેક સુધી તમે દેખાઓ એટલા દેખી શકાય, એવી એમની લાગણી કહેવાય.
બીજું કૌભાંડ! ત્યાં નાસ્તાપાણીમાં તમારા માટે શું મંગાવાય છે, એના ઉપર તમારું ત્યાં મૂલ્ય અંકાયું હોય છે. મોટા ભાગે તો ચા થી પતાવાય અને એક હાથી ખરીદો તો સાથે બે સસલાં ફ્રી મળે, એમ બેન બહુ માયાળુ હોય તો ચાની સાથે બિસ્કીટના બે-ત્રણ કટકા મૂકયા. મોટા ભાગની મહિલાઓ અભેરાઈ ઉપરથી મદારી સૂંડલામાંથી સાપ કાઢતો હોય એમ એલ્યુમિનિયમનો ડબ્બો કાઢી આપણા માટે સેવ-મમરા કે ઝીણકા ગાંઠીયા પધરાવી દે છે. કેટલા દિવસના પડયા હોય, એ તમારું નસીબ!

ગરમ નાસ્તો બનાવીને મૂકાય તો બેશક ત્યાં તમારું માન વધારે સમજવું. આજકાલ તો ગુજરાતણોને ઠંડા પાણીમાં મેંગોની પડીકી નાંખીને મેહમાનોને પધરાવી દેવાનું ફાવી ગયું છે, એટલે બીજી કોઈ માથાકૂટ નહિ. ફ્રીજમાંથી બૉટલ કાઢીને એક ચમચી 'કહેવાતા' શરબતની નાંખીને આમથી તેમ હલાવીને તમને પધરાવી દેવાનું.

આમ તો સલાહ આપવાની કાંઈ જરૂર નથી કે, આવા ઘેર બીજી વાર ન જવાય, પણ મારા જેવાને આવા જ ઘેર બીજી વાર જવું પડયું હોય તો કેવી મજબુરી હશે ?

મારે તો બાકી નીકળતા પૈસા લેવાના હતા એટલે શરબત-બરબત ન પીવડાવે કે ઝાંપા સુધી મૂકવા ન આવે, તો ય જવું પડે એમ હતું. પહેલા એમ હતું કે, ત્યાં કરવાનો નાસ્તો હું જ બહારથી લેતો જઉં અને બહાર ઝાંપે ઊભા ઊભા નાસ્તો પતાવીને અંદર જવું, પણ એમ તો એમણે મને 'આવો' ય કીધું. 'સુલેમાન સુધર ગયા'! હું સજાગ હતો કે, અહીં માનપાન મળવાના નથી અને મારું આવવું એમને માટે કેવળ એક આંચકો છે. વરસાદ આવશે જ, એમ માનીને દર વર્ષે અમદાવાદીઓ ખોટી આશાઓ લઈને બેઠા હોય છે, એમ ભૂખ મને લાગી હતી, એટલે ઔપચારિકતા પૂરતો ય કોઈ નાસ્તો તો આવશે જ, એવી આશામાં હું બેઠો. એ તબક્કો એવો હતો કે, હાથમાં  ૧૦૦/-ની નોટ પકડાવીને એ લોકો મને બજારમાં નાસ્તો લેવા મોકલે તો ય હું જઉં એવો હતો. નાસ્તાના મામલે મને ખોટું અભિમાન નહિ. આમ તો ભૂખ લાગી હોય ત્યારે એકે ય વિષયનું અભિમાન નહિ! આ તો એક વાત થાય છે.

કૃષ્ણને બદલે રાધાએ સુદર્શન ચક્ર પકડયું હોય ને વિફરી હોય એમ એ બહેને મારા માટે નાસ્તાની ડિશ લઈને કિચનમાંથી બહાર આવ્યા. નાસ્તામાં જે મૂકાયું હતું, એ એમના બંગલાની બહાર કચરામાં ય પડયું હતું, એટલે મને ખ્યાલ આવી ગયો કે, આટલું બધું ફેંકી દેવા કરતા કોઈ ભૂખ્યા ગરીબના કામમાં આવશે, એવા શુભ આશયથી એ ડિશ લાવ્યા હતા. ''લો ને... લો ને...''વાળો એ વિવેક હજી શરૂ કરે તે પહેલા જ મેં વળતો વિનય કર્યો કે, ''હું જમીને આવ્યો છું. થૅન્ક યૂ...'' એ સાથે જ એમણે બાફી માર્યું, ''આ સેકેલા વટાણા મહિનાથી બનાવી રાખ્યા છે, પણ ખબર નહિ કેમ, કોઈ ખાતું જ નથી... એક કામ કરો, હું બાંધી આપું છું... ભાભી માટે લઈ જાઓ.''

મારે તો ફક્ત વિકૃત આનંદ લેવો હતો એટલે વળતા હૂમલા તરીકે એ જ ડિશ મેં એમના ગોરધન સુબોધભ'ઈને ધરી, ''લો ને સુબુભ'ઈ... તમે...'' એ સાથે તો ડિશમાં છિપકલી પડી હોય એવી ઘૃણાથી ડિશ સામે ય જોયા વિના સુબુભ'ઈએ તિરસ્કાર કર્યો, ''અરે, મને તો વટાણા જોઈને ય સુગ ચઢે છે, હું ખાતો હોઇશ... તમે અશોકભ', થોડા તો ચાખો..! અને ગીતુ... એમની વાઈફ માટે એક પડીકામાં થોડા ભરી આપ.'' વાઈફનું નામ ગીતા હોવું જોઈએ, પણ એમણે નાન્યતર જાતિનું 'ગીતુ' કરી નાંખ્યું, એનો ખુલાસો એમની વાઇફને સરખી રીતે એક વાર જોયા પછી મને ય મળી ગયો કે, ''સુબલો આમાં બરોબરનો ભરાયો છે...!''

હવે નવો તાયફો શરૂ થયો છે. જેને ઘેર ડિનરનું આમંત્રણ હોય, ત્યાં 'ખાલીહાથ' નહિ જવાનું. સમજોને, રૃા.૪૦૦/૫૦૦ની રીટર્ન-ગિફટ કે આઇસક્રીમ જેવું લેતા જવાનું ! આ ખાલી હાથની 'ખાલી વાત' મને હાસ્યાસ્પદ લાગે છે. તમારે જાતને પુરવાર કરવાની જરૂર કેમ પડે છે કે, 'તમે બહુ સારા માણસ છો ?' ખાલી હાથે નહિ જવાનું કાયમી જ હોય તો, હવે પછી કોઇને ત્યાં 'ખાલીપેટ' પણ ન જવાય ! કોઇને ઘેર બાબો આવ્યો, તેનો હરખ કરવા જવા તમારે પોતાને 'આઠમો-નવમો' મહિનો જતો હોય, ત્યારે જ જવાય... ખાલી પેટે નહિ !

બીજાના ઘેર નાસ્તાપાણી કરવા ખૂબ વહાલા લાગે છે, પણ પોતાને ત્યાં એ બધું યાદ રહેતું નથી. મોટા ભાગની વાઈફો કોયલ જેવી હોય છે, ગાવામાં નહિ... ઘરનું કામ કરવામાં! બધાને એ ખબર છે કે, કોયલ પોતાના ઇંડાં પોતે માળો બનાવીને નથી મૂકતી... એ કાગડાના માળામાં મૂકી આવે છે. 'ભોળા' કાગડાભ'ઈ... સૉરી, કાગડીબેન એને પોતાના ઈંડા સમજીને સેવે છેૅ. બચ્ચું મોટું થઈ જાય એટલે કોયલ બનીને ઊડી જાય છે, કાગડી બનીને નહિ! (કાગડાભ'ઈ બીજે ક્યાંય કસરત કરી આવતા હોય, તો ખબર નથી!) કાગડાને પાછી શરમે ય ન આવે કે, આ બાળકને મેં નથી ઉછેર્યું. વડોદરાના મૂળ મરાઠી છતાં ગુજરાતીઓના ગ્રામરમાંથી ભૂલ કાઢી શકે એવા સમર્થ યુવાકવિ મકરંદ મૂસળેની ગઝલપંક્તિઓ જરા જોઇ જુઓ, અહીં બંધબેસતી થાય એવી છે?

લાખ ભલે ને હોય કુટેવો, માણસ તો ય મળવા જેવો,
બાળક ખાલી આંખ મિલાવે, ત્યાં જ મને છુટે પરસેવો

નૉર્મલી, નમાલાં ગોરધનોની વાઈફો આવી બદમાશીઓ કરતી હોય છે, જ્યાં ઘરમાં ભ'ઈનું કાંઈ ચાલતું ન હોય. એના કોઈ દોસ્તારો આવ્યા હોય તો એમને માટે વાઈફને ચા-પાણી મૂકવાનું કહેતા ફફડતા હોય છે. પહેલા બે-ત્રણ ટ્રાયલમાં અનુભવો એવા થઈ ગયા હોય કે, ઘરમાં તો કદી ય નહિ, પણ ડ્રિન્ક્સની બેઠકો માટે પણ યારદોસ્તોની સખાવતો જોઈએ. કંઈક બાકી રહી જતું હોય એમાં ગાવલી મારીને છુ રહેતા નોકરો-મહારાજોનો પ્રોબ્લેમ. એમાં આવી વાઇફોને ફાવતું મળી જાય છે.

એક ડાયલોગ તો જમવાનું આમંત્રણ સ્વીકારતા પહેલા ભૂલ્યા વિના બોલાય છે, 'જો જો... બહુ કાંઇ બનાવતા નહિ ! ગમે તે એક જ ચીજ બનાવજો.' એનો મતલબ, એકાદ ચીજમાં 'પતાવતા નહિં.'

એક વાર જેને ત્યાં જમી આવ્યા, તેમને બોલાવીને ગુજરાતીઓ વ્યવહારપરસ્ત થઈ ગયા છે, ને તો ય મનમાં ગણત્રીઓ તો ખરી જ કે, એ લોકો આવ્યા ત્યારે આપણે વૅલકમ ડ્રિન્ક, સૂપ, સ્ટાર્ટર, સલાડ્સ, ત્રણ સબ્જી, દાલ-તડકા, જીરા રાઇસ, કેરીનો રસ અને કેવું મસ્ત ડેઝર્ટ રાખ્યું હતું... અને એ લોકો જુઓ, બસ... પુરી-શાકમાં પતાઈ દીધું. સાલું, પહેલા ખબર હોત તો મુખવાસ પણ આપણે ઘરેથી લઈ ગયા હોત ને?

વાતમાં સચ્ચાઈ છે અને અનેક લોકો આવું કરતા પણ હોય છે. જાહિર હૈ... બધી હાઉસ-વાઇફોને પોતાની રસોઇ પર ભરોસો હોતો નથી અને એ પછી એમની રસોઈમાં ય વખાણ કરવા જેવું કાંઇ નીકળતું નથી. તો ચોંકાવનારી હકીકત એ છે કે, આજકાલ હવે કોઈ કોઇના ઘેર જમવા જતું ય નથી. તમે ઇચ્છો એને તમારે ઘરે જમવા બોલાવી જુઓ... કેટલા આવે છે? તમે ય કેટલાને ઘેર જઇને જમી આવ્યા? હવે તો બીજાને ઘેર ડિનર લેવા જવાનું આમે ય પોસાતું નથી. શહેરનો ચીરી નાંખે એવો ટ્રાફિક, વધી ગયેલા અંતરો (distances) પહેલી વખત એમને ત્યાં જમવાનો બહુ કડવો અનુભવ, ટીવી-સીરિયલો અને ખાસ તો, તમારી વાઇફને એની વાઇફ વધુ સ્માર્ટ લાગતી હોય તો એ બળતરા...! આ બધા કારણોસર હવે એકબીજાને ઘેર જમવા જવાનું લગભગ ઓછું થઈ ગયું છે. બહુ બહુ તો એકબીજાને ક્લબમાં કે પંજાબી-ફૂડવાળી હોટલમાં લઈ જવાનો ટ્રેન્ડ ચાલ્યો છે.

હજી ગુજરાતમાં એક શિરસ્તો ભાંગતો નથી. તમે કોઈને ત્યાં જમી આવ્યા હો, એટલે વળતા હૂમલા તરીકે એ લોકોને ય જમવા બોલાવવાના જ, એ વ્યવહાર થયો. આમ તો એમાં કશું ખોટું નથી, પણ સંબંધ વ્યવહાર પૂરતો જ અટકી જાય છે. આમાં પ્રેમ ક્યાં આવ્યો? લોકો પોતાના માથે કોઈ કરજ બાકી રાખવા માંગતા નથી અને એજ વૃત્તિ સંબંધને સ્વાભાવિક બનાવવામાં આવે આવે છે. (મને તમે ફેમિલી સાથે સાતવાર જમવા બોલાવો અને સામે હું એકેય વાર તમને ન બોલાવું, તો ય તમને એમાં કાંઇ ખોટું ન લાગે, એ મને ગમે! મારા પૂરતી આ વાત ધ્યાનમાં રાખવા સૌને અપીલ છે. હું વીકના સાતેસાત દિવસ તમારું ડિનર લેવા તૈયાર છું.... તમારે કેવળ મારો પ્રેમ જોવાનો!)

સિક્સર
રાહુલજી ખાદીના સફેદ ઝભ્ભાને બદલે ક્યારેક વળી કલરફૂલ જર્સીઓ પણ પહેરે છે, ત્યારે વધુ સોહામણા લાગે છે. ઝભ્ભે ન ચઢ્યા હોત તો દેશના વડાપ્રધાન તો ઠીક, કમ-સે-કમ કોઈના ગોરધન તો થઈ ગયા હોત! આ મામલે મારા લાડકા કવિ ચંદ્રેશ મકવાણાનો શે'ર મસ્તમઝાનો છે :

ફૂંકી ટચરક વાત કબીરા, લાંબી પડશે રાત કબીરા,
જીવ હજી તો ઝભ્ભામાં છે, ફાટી ગઈ છે જાત કબીરા.

03/07/2016

ઍનકાઉન્ટર : 03-07-2016

* જો તમને એક દિવસ માટે ભારતના વડાપ્રધાન બનાવે તો ?
-તો ય, હું અમેરિકાની પાર્લામેન્ટમાં આવું અસ્ખલિત ભાષણ ઈંગ્લિશમાં ન આપી શકું.
(ગૌતમ વેકરીયા
પિપળવા-લાઠી)

આપ દેશ વિશે સુંદર જવાબો આપો છો... ને બાકીના ઉડાવી મારો છો... એમ કેમ?
-એમ?
(સચિન જે. દેવમુરારી, અમદાવાદ)


એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તો શું નિષ્ફળ પુરૂષની પાછળ બે-ત્રણ સ્ત્રીઓના હાથ હોય?
-હાથનો વાંધો નથી... પગ હોય ત્યારે ચિંતા.

(યોગેશ મિસ્ત્રી
નાના આંકડીયા-અમરેલી)

'એનકાઉન્ટર' શરૂ થયું, ત્યારે પહેલો સવાલ કયો પૂછવામાં આવ્યો હતો?
-પછી આવતા હપ્તે તમે એ પૂછશો કે, મેં એનો જવાબ શું આપ્યો હતો?
(રાજુ દેસાઈ, ખડસલીયા-ભાવનગર)


અનુપમ ખેર વિશે શું કહેવું છે?
-કાશ્મિરી પંડિતોના પુનર્વસન માટે આટલી હિમ્મતથી બીજો કોઈ બોલ્યો નથી.

(ગૌરાંગ કાંકોટીયા, સુરત)


મારે મારી દીકરીને ગુજરાતી માધ્યમમાં ભણાવવી છે, પણ ઘણા વિરોધ કરે છે. મારે શું કરવું?
-દીકરીને પરણાવવા પૂરતી ભણાવવી હોય તો તમે સાચા છો, પણ એ કાંઈ બને, એવું ઈચ્છતા હો તો ગ્લોબલ-વર્લ્ડમાં ઈંગ્લિશ સિવાય નહિ ચાલે!

(મમતા દિલીપ કામદાર, મુંબઈ)


શું મીડિયાની દેશ પ્રત્યે કોઈ જવાબદારી ખરી કે નહિ?
-મીડિયા માણસોથી બનેલું હોય.

(એસ.એન. રાણાવત, કોસમ્બા)


ભારતના આગામી વડાપ્રધાન કોણ હશે?
-જોઉં... મને ઑફિસમાંથી રજાઓ મળે છે કે નહિ!

(નાઝનીન કૌકાવાલા, સુરત)


ભગવાન તમારું એનકાઉન્ટર કર્યા પહેલા પહેલી ઈચ્છા પૂછે તો શું જવાબ આપો?
-દુનિયાભરમાં આપણો તિરંગો સદાય લહેરાતો રહે.

(માધવ જે. ધ્રૂવ, જામનગર)


'એનકાઉન્ટર'ના સવાલોમાં 'ડિમ્પલ' શબ્દ આવતા જ તમે રાજીરાજી થઈ જાઓ છો... કારણ?
-ક્યાં વાગ્યું?
(ચંદ્રકાંત બગરીયા, પૂણેં-મહારાષ્ટ્ર)


દ્રાક્ષ અને રૂદ્રાક્ષ વચ્ચે શું તફાવત છે?
-રૂદ્રાક્ષ ચાવી જુઓ.

(પારસ ગોંડલીયા, કુંકાવાવ)


છુટાછેડાના સમારંભમાં મુખ્ય મેહમાન બનાવી શકાય, એવી કોઈ સેલિબ્રિટી ધ્યાનમાં છે?
-છુટાછેડા મળી ગયેલો સેલિબ્રિટી જ કહેવાય!

(શિલ્પેશ રાવલ, સુરત)


ભારત એક રાષ્ટ્ર છે, તો પછી રાષ્ટ્રમાં 'મહારાષ્ટ્ર' ક્યાંથી આવ્યું?
-ધ્રુતરાષ્ટ્ર કરતા મહારાષ્ટ્ર વધારે સારું.

(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)


તમને કોઈ હિંદી ફિલ્મની ઑફર આવે તો કઇ હીરોઈન પાસ કરો?
- જે મળે એ.

(ચેતન ત્રિવેદી, અમદાવાદ)


ટીવી પર કઈ ચેનલના સમાચાર તમને જોવા ગમે છે?
-મને ઓર્નોબ (અર્ણવ) ગોસ્વામી ખૂબ ગમે છે, એના બૂમબરાડાવાળા પ્રોગ્રામો સહેજ પણ નહિ!

(મધુકર મેહતા, વિસનગર)


આટલી મોંઘવારીમાં ફક્ત હાસ્યલેખો લખીને ઘર ચાલી જાય છે કે સાઈડમાં કંઈ કરો છો?
-દારૂની બાટલીઓ વેચવાના ધંધામાં પડવાનો વિચાર છે... પછી સાઇડમાં હાસ્યલેખો લખીશ.

(દીપક એસ. માછી, વડોદરા)


'એનકાઉન્ટર' કૉલમનો ઉદ્દેશ્ય શું છે? હાસ્ય, કરૂણા કે ટાઈમપાસ?
-મારા માટે હાસ્ય, વાંચનારા માટે કરૂણા અને સવાલ પૂછનારાઓ માટે ટાઈમપાસ.

(હાર્દિક ભટ્ટ, બોટાદ)


જે રીતે ચારે તરફ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, તે જોતા 'વૃક્ષ બચાવો' સ્લોગનનો કોઈ અર્થ રહેતો નથી. તમે શું માનો છો?
-હમણાંની વિદ્યા બાલન મંડી છે, 'જહાં શોચ, વહાં શૌચાલય' એક નેતાએ ''બચાવવાની'' આ ઝૂંબેશમાં બાફી માર્યું, ''શૌચ બચાવો.''
(રોહિત યૂ. બૂચ, વડોદરા)


જેએનયૂ-ના કન્હૈયાકુમાર વિશે તમે શું માનો છો?
-દેશ વિરૂધ્ધ એક શબ્દ પણ બોલાતો હોય તો લોહી તપી જવું જોઈએ... આ માણસમાં તો લોહી પણ દેશનું લાગતું નથી.

(દિશા શાહ, મુંબઈ)

01/07/2016

'ચક્ર' ('૮૧)

ફિલ્મઃ'ચક્ર' ('૮૧)
નિર્માતા : પ્રદીપ ઉપ્પુર - નીઓ ફિલ્મ્સ
દિગ્દર્શક : રવિન્દ્ર ધર્મરાજ
સંગીતકાર : હૃદયનાથ મંગેશકર
ગીતકાર : મદહોશ બિલગ્રામી
રનિંગ ટાઇમ : ૧૪૦ મિનિટ્સ: ૧૫ રીલ્સ
કલાકારો : સ્મિતા પાટીલ નસીરૂદ્દીન શાહ, કુલભુષણ ખરબંદા, રણજીત ચૌધરી, રોહિણી હટંગડી, જયદેવ હટંગડી, કુંદન શાહ, અંજલિ પૈંગાવકર, સવિતા બજાજ, દિલીપ ધવન, સુધીર પાન્ડે, ઉત્તમ સિરીર, અલકા કુબલ, સલિમ ઘાઉસ, મદન જૈન, સતિષ કૌશિક, અરૂણ બક્ષી, રતન ગૌરાંગ અને યૂનુસ પરવેઝ.



ગીતો
૧...કારે કારે, ગહેરે સાયે, તારારૂરૂરૂ... લતા મંગેશકર
આ ઉપરાંત ભૂપિન્દરસિંઘનું એક ગીત ટૂકડે ટૂકડે ગવાતું રહે છે.

'
૮૦-ની આસપાસનો આ જમાનો 'આર્ટ ફિલ્મો'નો હતો. રાજ કપૂરો કે મીના કુમારીઓ જે કાંઇ અભિનય કરી ગયા, એ જન્મજાત હતો, જ્યારે પૂનાની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડિયામાં એક્ટિંગ (અને ફિલ્મ નિર્માણને લગતી સઘળી બાબતો) સ્કૂલ-કૉલેજની માફક શીખવવામાં આવતી. જયા ભાદુરી, શત્રુઘ્ન સિન્હા, અનિલ ધવન અને અસરાની અહીંથી બધું શીખીને આવ્યા હતા અને શિક્ષણની ચોખ્ખી અસર એમના અભિનયમાં દેખાઇ. એકલી જયા ભાદુરી કાફી હતી, એ પુરવાર કરવા માટે કે વ્યવસ્થિત અભિનય શીખીને આવનારાઓ અગાઉના જમાનાના એકે ય એકટરની સરખામણીમાં ઉતરતા નહોતા. એ પછી તો સ્મિતા પાટીલ અને શબાના આઝમીએ પોતાની નેચરલ એક્ટિંગ દ્વારા વધુ સાબિતીઓ આપી.

...
અને સ્મિતા પાટીલે ખૂબ નાની ઉંમરે ગૂજરી જતા પહેલા એ બધું સાબિત કરી આપ્યું, જેની વ્યાખ્યામાં અભિનય આવતા હોય ! આ જ ફિલ્મ 'ચક્ર' માટે તેને નેશનલ એવૉર્ડ અને ફિલ્મફેર એવૉર્ડ શ્રેષ્ઠ અભિનેત્રીના મળ્યા, પણ પછી તો જે ફિલ્મોમાં સ્મિતા, શબાના કે નસીરૂદ્દીન હોય, તો એવૉર્ડસ તો હોય જ ! યસ. આર્ટ ફિલ્મો એટલે એવી ફિલ્મો જે ઉતારવામાં પૂરી ગંભીરતા અને જવાબદારી હોય, જે સમાજ સાથે વાસ્તવિક રીતે જોડાયેલી હોય, એક ગીત ગાવા પહાડોના ઢાળ પર ગબડતા ગબડતા કપડાંની ઈસ્ત્રી ય ન ભાંગે, એવા હીરો-હીરોઇન આમાં ન હોય. ફિલ્મની વાર્તા અને રજુઆત આપણા સમાજને સીધી સ્પર્શતી હોય. સત્યજીત રે કે મૃણાલ સેન પ્રકારના સર્જકો જેવી ફિલ્મો બનાવતા, તેમાં પ્રેક્ષકોને સમજવામાં ગૂંચવણો રહેતી, ખાસ કરીને, ફિલ્મનો અંત પ્રેક્ષકોને અર્થઘટીત કરવાનો હોય, એ તમારા ઉપર છોડાયો હોય.

'૭૫ પછી આર્ટ ફિલ્મોનો દસકો ચાલ્યો, તે બાસુ ચેટર્જી, બાસુ ભટ્ટાચાર્ય અને ઋષિકેશ મુકર્જી બ્રાન્ડની ફિલ્મો હતી, જેમાં રેગ્યુલર હિંદી ફિલ્મોનો મસાલો ન હોય. એ ફિલ્મો ટિકીટબારી ઉપર સદા ય ફલોપ રહેવા સર્જાઇ હતી અને તેમને બનાવનારાઓ પણ ટંકશાળ પાડવા ફિલ્મો નહોતા બનાવતા. કહેવાય આર્ટ ફિલ્મ છતાં ય સામાન્ય દર્શકને માત્ર ગમે નહિ, સમજાય પણ ખરી, એમાંની એક આ 'ચક્ર'.

અમ્મા (સ્મિતા પાટીલ) ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેતી યુવાનપુત્ર બેનીયા (રણજીત ચૌધરી)વાળી વિધવા હતી. અલબત્ત, જે સંસ્કાર અને સભ્યતામાં એને રહેવાનું હતું, એમાં ગરીબીને કારણે નીચલા સ્તરની આ સ્ત્રીઓ દેશી દારૂ પીએ, અનેક પુરૂષો સાથે શરીર-સંબંધ બાંધે અને તે પણ પોતાના યુવાનપુત્રની હાજરીમાં. અહીં વાસ્તવિકતા માત્ર ગરીબી છે, બાકી બધું જાઇઝ છે, જેમ કે એક દ્રશ્ય મુંબઇનો મવાલી ગુંડો લુક્કા (નસીરરૂદ્દીન શાહ) બેનીયાને કહે છે, ''બધા દુઃખોનું મૂળ પેટ અને તેની નીચે આવેલું અંગ છે.'' અને અવારનવાર ફૉકલેન્ડ રોડના વેશ્યા બજારમાં પડયા રહેતા એ જ લુક્કાને સિફીલીસ નામનો મહાભયાનક રોગ થાય છે. અમ્મા મૂળ તો એના ગામમાંથી પતિ (દિલીપ ધવન) અને પુત્ર બેનીયાને લઇને ભાગીને મુંબઇ આવી હતી, પરંતુ ચોરી કરીને ભાગવા જતા એનો વર પોલીસ-ગોળીબારમાં માર્યો જાય છે. અહીં બસ્તીના મવાલી લુક્કા સાથે એ નિયમત શરીર-સંબંધ બાંધે છે, પણ મહિને એકાદ-બે વાર આવતા ટ્રક-ડ્રાયવર અન્ના (કુલભુષણ ખરબંદા)ને ય શરીર સોંપવામાં ઝીઝક અનુભવતી નથી-એના યુવાન પુત્રના દેખતા. પુત્ર પણ આ જ સંસ્કારમાં ઉછર્યો હોવાથી એને ય આમાં કાંઇ ભ્રમરો ઊંચી કરવા જેવું લાગતું નથી. એ તો લુક્કાનો ખાસ દોસ્ત પણ છે. બેનીયાના લગ્ન બાજુની ઝૂંપડીમાં રહેતી છોકરી સાથે કરવામાં આવે છે. એના ચાલુ હનીમૂને પોલીસની રેડ પડતા ભારે ગુસ્સામાં એ પોલીસ-પાર્ટી ઉપર હૂમલો કરે છે. પોલીસ લુક્કાને પકડવા આવી હોય છે, જેનાથી સિફીલિસનું દર્દ સહન ન થતા કેમિસ્ટ ઉપર ચાકુ હૂલાવીને દવા ચોરી કરીને ભાગે છે. બધું ગૂમાવી ચૂકેલી અમ્માના ચેહરા ઉપર દર્દ એ છે કે, જીવન એક ચક્ર જેવું છે, જેમાંથી બહાર નીકળીને પાછું અંદર આવવાનું હોય છે, એ બન્ને પ્રક્રિયામાં યાતના સિવાય કાંઇ નથી.

આ ફિલ્મના દિગ્દર્શક રવિન્દ્ર ધર્મરાજ હતા. હજી તો થીયેટરમાં ફિલ્મ રીલિઝ થાય છે. એના મહિનામાં જ માત્ર ૩૪ વર્ષની કુમળી વયે 'રોબિન'ના હૂલામણા નામે ઓળખાતા આ આશાસ્પદ સર્જકનું અવસાન થયું હતું. ફિલ્મના અનેક કલાકારો પછીથી તો પોતપોતાની રીતે નામ કમાયા, કૉમેડિયન અને દિગ્દર્શક સતિષ કૌશિક આ ફિલ્મમાં હજી તો કૉલેજમાં ભણતા છોકરા જેવો છે. ફિલ્મ 'જાને ભી દો યારોં'ના કાબેલ ગુજરાતી દિગ્દર્શક કુંદન શાહ કેમિસ્ટના નાનકડા રૉલમાં છે. અરૂણ બક્ષી, યુનુસ પરવેઝ, સવિતા બજાજ, રોહિણી હટંગડી, મદન જૈન, સુધીર પાન્ડે અને સ્વ. દિલીપ ધવનને તમે ઘણી ફિલ્મોમાં જોયા છે, પણ વિશેષ પરિચય આપવાની જરૂર રણજીત ચૌધરી માટે છે.

ખૂબ વહાલો લાગે એવો આ કિશોર ફિલ્મ 'ખટ્ટા-મીઠા', 'બાતોં બાતોં મેં' અને 'ખૂબસુરત'માં જોયો છે. અત્યારે એના ફોટા જુઓ તો ઘરડો થઇ ગયો છે, પણ આ ઝીણકો કૉમેડિયન ઍલેક પદમશીની પત્ની પર્લ પદમશીનો દીકરો હતો. ઍલેક ભારતની બહુ મોટી ઍડવર્ટાઇઝિંગ ઍજન્સીનો માલિક ઉપરાંત સ્ટેજ અને ફિલ્મોનો જાણિતો કલાકાર હતો. ફિલ્મ 'ગાંધી'માં એ મુહમ્મદઅલી ઝીણાનો કિરદાર નિભાવે છે. એ કચ્છનો પારસી છે, પણ પોતાને ધર્મની બહાર રાખ્યો છે. પર્લ પદમશી એની બીજી પત્ની હતી. પર્લ પણ બાતોં બાતોં મે, જૂનુન કે ખટ્ટા-મીઠા જેવી ફિલ્મોમાં હતી. અમિત કુમાર-લતા મંગેશકરનું 'ઉઠે સબ કે કદમ, દેખો રમપમ પમ.. આ ભારતની યહૂદી માતા અને ક્રિશ્ચિયન પિતાની પુત્રી પર્લ ઉપર ફિલ્માયું હતું. રણજીત ચૌધરી (ગૂજ્જર) પર્લના પહેલા પતિનો પુત્ર હતો. રણજીતે ચાળીસેક ફિલ્મોમાં કામ કર્યું છે, પણ મોટા ભાગની હૉલીવૂડની ફિલ્મો હતી, ઍલેક પદમશીએ પર્લને છોડીને ખૂબસુરત ગાયિકા-એક્ટ્રેસ શૅરોન પ્રભાકર સાથે લગ્ન કર્યા હતા.

કુલભૂષણ ખરબંદાને એની હૈસીયત પ્રમાણે કામ નહિ મળ્યું, નહિ તો ફિલ્મ 'શોલે'ના ગબ્બરસિંઘની સફળતા પછી રમેશ સિપ્પીએ ફિલ્મ 'શાન'માં ખાસ કુલભૂષણ માટે 'શાકાલ'નો રોલ બનાવ્યો. જે જેમ્સ બૉન્ડના વિલન કેરેકટર બ્લૉફેલ્ડ પર આધારિત હતો. એનો અસરકારક રોલ મહેશ ભટ્ટની ફિલ્મ 'અર્થ'માં હતો, જે પ્રેમિકા સ્મિતા પાટીલ અને પત્ની શબાના આઝમી વચ્ચે અટવાતા પતિનું કૅરેકટર છે. શ્યામ બેનેગલ જેવા મજેલા દિગ્દર્શકોની ફિલ્મો 'નિશાંત', મંથન, ગોધૂલી, જૂનુન, કલયુગ અને ભૂમિકામાં તેની નોંધ લેવી પડે, એવા દમદાર કિરદારો સોંપાયા હતા.

ફિલ્મ 'ચક્ર'માં નાનકડો છતાં નોંધ લેવો પડે એવો રોલ નવીસવી આવેલી અભિનેત્રી અલકા કુબલનો છે.

અલકા હિંદી ફિલ્મમાં ભલે નવીસવી હોય, પણ મરાઠી ફિલ્મો ખાસ કરીને 'મહેરચી સાડી'માં લક્ષ્મીનો એનો અભિનય મરાઠી દર્શકોને યાદ છે.

એક પ્રશ્ન ચોક્કસ ઊભો થવો જોઇએ કે, હિંદી ફિલ્મોમાં અર્થપૂર્ણ ફિલ્મોને પ્રેક્ષકોએ કેમ જાકારો દઇ દીધો? શ્યામ બેનેગલ, ગોવિંદ નિહાલાણી કે બાસુ ચેટર્જી જેવા સર્જકોએ શિક્ષિત પ્રેક્ષકોને ગમે એવી ફિલ્મો આપી. ફિલ્મો મનોરંજન માટે વિશેષ હોય, એ દલિલનો ઇન્કાર નથી, છતાં સિનેમા જોઇને આવ્યા પછી આખો પરિવાર જોયેલી ફિલ્મની ચર્ચા કરવા બેસી જાય. એવી એ ફિલ્મો હતી. કારણ એ હોઇ શકે કે, ત્રીજા વિશ્વના આપણા આ દેશમાં બહુમતિ પ્રેક્ષકો સામાન્ય શિક્ષિત હોવાથી, એમને 'અમર, અકબર, એન્થની' જેવી ફિલ્મો વધુ ગમે. હવે આર્ટફિલ્મો જવલ્લેજ બને છે અને બને ત્યારે ભાગ્યેજ જોવાય છે, કારણકે ૧૦૦-કરોડનો ધંધો લાવી આપતી કમર્શિયલ ફિલ્મોની હરિફાઇમાં આવી ફિલ્મોના નિર્માતા શહેરની દિવાલો ઉપર પોસ્ટરો ચોંટાડવાનો ખર્ચો ય ઉપાડી ન શકે, ત્યાં 'કપિલ શર્મા' જેવા શો માં ફિલ્મની પબ્લિસિટી માટે અઢળક નાણાં ખર્ચવા તો ક્યાંથી પોસાય ?

હવે અલબત્ત, ઇરફાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા મજેલા અભિનેતાઓને લઇને ફરી પાછી એ કક્ષાની ફિલ્મો બનવા માંડી છે, એ જ સંતોષ.

30/06/2016

એકી કરવામાં શરમ શેની?

ગત ભરના એકીઓ કરનારાઓ, કોઈ માફ ન કરી શકાય એવો અપરાધ કર્યો હોય, એવા ગુન્હાઇત ભાવે એકી કરવા જાય છે. એકી શબ્દ બોલવામાં જ નહિ, એકી કરવા જવામાં પણ પોતે કોઈ જધન્ય અપરાધ કરવાનો હોય, એવા ડરે છે. કોકના ઘેર બેઠા હોય ને લાગી હોય, તો બધાની વચ્ચે પૂછતા તેમના મોઢાં તરડાઈ જાય છે. જાણે કંઈ ખોટુ કરવા માંગતા હોય, એવા આજીજીભર્યા સ્વરે પરમિશનો માંગે છે. બોલી ન શકે, ઉભા થતા ઈશારાથી મોઢું વાકું કરે, એટલે પેલા સમજી જાય, ‘‘ઓહ.... વૉશરૂમ જવું છે ને....? આ સામેના રૂમમાંથી બહાર નીકળશો એટલે ડાબી બાજુ જ છે.’’ મારે એકી કરવા જવું છે, અથવા મને લાગી છે, એવું બોલવું તો કેમ જાણે અસભ્યતાની નિશાની હોય, એમ ગુજરાતીમાં કોઈ બોલી શકતું નથી. આ સાયન્સ જ એવું છે કે, આમાં તો તાબડતોબ આવેલો પડકાર ઝીલી જ લેવો પડે. આ ગીતનો સહી મતલબ આજ સુધી લોકો ખોટો સમજતા રહ્યા છે, ‘લાગી છૂટે ના, અબ તો સનમ.... હોઓઓ....!’

મનુષ્ય એકી કરતા કરતા ડરે છે અને એકીનું કોઈને પૂછતાં ય ડરે છે. જેને બી ઘેર એ ટોઈલેટ જવાની પરમીશન માંગે, ત્યારે કોઈ પૂછતું નથી કે, ‘જાતા કહાં હૈં દીવાને, સબ કુછ યહાં હૈ સનમ....’ હકીકતમાં તો આ પ્રવાસ એણે એકલાએ ખેડી નાંખવાનો હોય. ‘ચલ એકલા, ચલ અકેલા, ચલ અકેલા, તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા....હોઓઓઓ.’ જીવનભર એકબીજાને સુખ-દુઃખનો કોલ આપનારાઓને પણ આ યાત્રામાં સાથ-સંગાથનું સપનું જોઈ શકતા નથી. આતો એક વાત થાય છે.

આ જગતમાં તમે વિવેક-વિનય અને સભ્યતાંથી જીવન જીવવા માંગતા હો તો, પણ ગુજરાતના શહેરોમાં જાહેર સ્થળોએ એક પબ્લિક યુરિનલ શોધવું ઈમ્પોસિબલ છે.... ખાસ કરીને સ્ત્રીઓ માટે. અમદાવાદના સી.જી. રોડ જેવા ભરચક વિસ્તારોમાં જવું હોય તો ક્યાં જાઓ...? આમાં તો ફૂટપાથો ય તમારી મદદે ન આવે, પણ ભોળો માનવી કોક છુપીછુપાઈ જગ્યાએ ફૂટપાથ શોધીને ઉભો રહેવા જાય તો કેવો ફફડતો હોય, એ તમે કદી જોયો છે ? (જવાબઃ આવું તો અમે ના જોયું હોય ને ? જવાબ પૂરો) હમણા કોક બૂમ પાડશે.... હમણા કોક જોઈ જશે...નો ભય એના આંતરડા સાફ કરી નાંખે છે. એનું ઘ્યાન ચાલુ યજ્ઞમાં રહેતું નથી. ચહેરા પર શાંતિના ભાવ છલકાતા નથી. પૂર્ણાહુતિ પ્રસંગે કંઈક કરી બતાવ્યાનો ને કંઈક પામ્યાનો સંતોષ તેના મોઢાં પર દેખાતો નથી. સંસ્થા ફક્ત એટલું જ જાણવા માંગે છે કે, એકી કરવા જવું શું પાપ છે ? (આકાશમાંથી ૩૬ કરોડ દેવી-દેવતાઓના મોઓઓ.... ટા મોટ્ટા પોકારો, ‘‘પાપ નથી..... પાપ નથી...પાપ નથી... !’’)

ફુટપાથ તો શું ચીજ છે.... કોકના ઘરે મહેમાન બનીને આવ્યા પછી જાતક કહી પણ શકતો નથી કે એને જવું ક્યા છે, એની મંઝિલ ક્યાં છે, આવનારી પાંચ મિનિટ માટે એનો ઘ્યેય શું છે ? એ સહન બઘુ કરશે પણ આવી લાગે તો પોતાનું કેટલું ખરાબ દેખાશે, એ ભયથી બી જાય છે. આટલે દૂર બેઠા-બેઠા નવાઈઓ આપણને લાગે કે, આમાં ડરવાનું શું ? ભાઈ જીવનમાં તે કદી ખોટું કામ કર્યુ નથી. તું હમેશા બીજાના કામમાં આવ્યો છું,એટલે અહીં પણ કોક તારા કામમાં આવશે, એ અપેક્ષા શું વધારે પડતી નથી ? (જવાબઃ ઘણી વધારે પડતી છેઃ જવાબ પૂરો) આખરે એને કચ્ચી કચ્ચીને લાગે, ત્યારે ભીખ માંગવા જવું હોય, એવા ગરીબ હાવભાવ સાથે એ પૂછે, ‘‘ઈફ યુ ડોન્ટ માઈન્ડ....બાથરૂમ કઈ બાજુ..... ?’’ ઓહ નો....! પેલો માઈન્ડ કરે અને કહી દે, ‘‘છુટા નથી..... આગળ જાઓ’’ તો શું પ્રવાસ પડતો મૂકવાનો છે ? અરે મૂરખ મનવા....! આવા યજ્ઞો માટે ભૂમિદાન કરવાની કોઇ ના પાડતું હશે ? આમાં તો પેલો માઇન્ડ કરે કે ન કરે, કવિ નર્મદ કહી જ ગયો છે કે ‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું....હોઓઓ !’ નર્મદે ના કીઘું હોત તોય જીવનમાં અમુક ડગલાં તો ભરવા જ પડે.... ! સુઊં કિયો છો ?

મારી લાઈફમાં ઘોડા ઉપર બેસી, તીરો-તલવાર કે ભાલા બરછી પકડીને હું એક પણ યુઘ્ધ લડ્યો નથી. એવા ફોટા ય પડાવ્યા નથી. શહેનશાહો યુઘ્ધમાં પહેરે એવા બખ્તર પહેર્યા નથી. એમાં મારી રાષ્ટ્રભક્તિ કાંઈ ઓછી ન હોય. હું ડરપોક નથી પણ ચાલુ યુઘ્ધે સમરાંગણમાં જો મને એકી લાગે તો, મારૂં શું થાય એ ચિંતાથી હું હલબલી જાઊં છું. દુશ્મન એક ઝાટકે ધડથી મારૂં માથું ઉડાડવા જતો હોય ને ત્યાં જ એકી લાગે તો શું હું ‘એકસક્યૂઝમી......થૂપ્પિસ.... !’ કહીને મેદાન છોડી શકવાનો છું ? રણભૂમિમાં પાકા બાંધેલા કંતાનના કામચલાઉ ટોઈલેટો હોતા નથી. અને માની લો કે દરિયાવદિલ દુશ્મન મારી હાલત સમજીને મને મેદાન-એ-જંગ છોડવાની બે ઘડી આપે તોય હું શું કરી લેવાનો હતો ? રણમેદાનમાં દુશ્મન અને આપણા જીવનમાં લાગેલી એકીઓ, કોઈના રોકયા રોકાતા નથી. યુઘ્ધશાસ્ત્રમાં તો કહ્યું છે દુશ્મનને કદાપિ પીઠ ન બતાવવી, પણ શું.... આવા તાકીદના કામો માટેય ન બતાવવી ?..... આ તો જરા અમથું પુછું છું.

ઓકે. રણ છોડ્યા પછી પહેરેલ બખ્તરે ભૂદાન કરવું, તમે માનો છો એટલું સહેલું નથી હોતું. ફૌલાદની જંઝીરો સાથે એકી કરવામાં એક સિપાહીનું ઝનુન, વીરતા, મર્દાનગી કે ભાયડાના ધડાકા....... કાંઈ કામમાં આવતા નથી. અહીં તો સૌમ્ય ચહેરે તનબદનમાં શાંતિ પ્રાપ્ત કરવાની ટ્રીકો વાપરવાની હોય છે. આપણા જેવા ને તો તાલીમને અભાવે બખ્તર ખોલતાય ૨૦ મિનિટ લાગે.

મને સમજ નથી પડતી કે રોજના રેગ્યુલર કામો જેવું આ એક કામ છે, જેમાં તમે કંઈ ખોટું કરતા નથી, કોઈનું જીવન બર્બાદ કરતા નથી કે, એમના બાથરૂમમાં ગયા પછી મહીંથી સ્ટોપર બંધ કરીને ધીમા અવાજે ગીતો ગાતા નથી. તો ફિર ડર કાહે કા.....? એકી એ રોજ ૧૫-૨૦ વખત કરવું પડતું વૈજ્ઞાનિક કામ છે, સામાજીક જરૂરિયાત છે. શરીરમાંથી ઉઠેલો એક કરૂણ પોકાર છે. આમાં ઘરના સારા સંસ્કાર, ઉચ્ચ વિચારો, અભૂતપૂર્વ વિવેક-વિનય કે તમારી દિલ્હી સુધીની ઓળખાણો કામમાં ન આવે. આ એક એવો યજ્ઞ છે જેમાં બા ખીજાતા હોય તો જવું જ પડે. એકી લાગવી એ ગુજરાતી ભાષાનો માન્ય શબ્દ પ્રયોગ છે. ‘મૂ’ થી શરૂ થતો શબ્દ પણ અફકોર્સ જોડણીકોષ માન્ય શબ્દ છે. પણ જાણે કોઈ ગાળ બોલ્યું હોય એવા મોઢાં ચઢાવવામાં આવે છે. પણ પોતે બહુ ભણેલા અને સંસ્કારી છે. એટલું દેખાડી આપવાની લ્હાયમાં ને લ્હાયમાં હાલમાં લાગેલી તાકીદની લ્હાયને લોકો ગૂન્હા જેવી ગંભીર ગણે છે. ધોળીયાઓનું શીખી શીખીને આપણેય હવે એકી કરવા જવું છે, ને બદલે Can I use your toilet? (હું તમારો બાથરૂમ વાપરી શકું ?) રામ જાણે કઈ કમાણી પર બોલવામાં આવે છે ? તારી ભલી થાય ચમના.....! પેલો એનો બાથરૂમ વાપરવાની ના પાડે તો શું તું એના બંગલાની ટેરેસ પર જઈને પ્રાણ-પ્રતિષ્ઠા કરવાનો છું ? ખોટી ફીશીયારીઓ ના માર.... વાંદરા.....! સીઘું પૂછ કે, મને એકી લાગી છે, કહાં જાઊં, કિધર જાઊં.. ?’ બાથરૂમ ન બોલાય, મેહતા સાહબ બાથરૂમ ન બોલાય. પેલો નહાવાનું સમજે. વોશરૂમ પણ ધોળીયાઓને બીજો કોઈ શબ્દ મળતો નહી હોય એટલે કૉઈન કર્યો છે. શું વોશરૂમનો અનુવાદ ‘એકી-ઓરડી’ કે ‘ધોલાઈ-ઘાટ’ કરી શકવાના છો ?

હાઈવે પર ગાડી લઈને જતા હો અને ગાડીમાં પુરૂષો-પુરૂષો હોય તો વાંધો નહિ. પણ કોઈ સ્ત્રી બેઠી હોય તો શરમથી માથું ઝૂકી જાય છે. એકી એક અરમાન નથી. એકી એક સપનું નથી. એકી કોઈ પાપે ય નથી. રોજ નિયમિત પુરૂં કરવાનું કામ છે.

આપણેય, સમજીએ કે ડીસન્સી ખાતર હાઈવે પર ગાડી ઉભી રાખ્યા પછી, લહેરાતા ખેતરોમાં તમે મનોરમ્ય છતા કોઈ ગીચ ઝાંડી-ઝાંખરા ગોતવા જાણે મફત સાબુની ભેટ-કુપન લેવા નીકળ્યા હો એમ, બહુ દૂર નીકળી જાઓ છો ! આવો જાતક ઝાડીઓમાં ગૂમ થવા જતો હોય ત્યારે જતી વખતે તમે ગાડીમાં બેઠા-બેઠા, પાછળથી એનો આકાર અને શરીરમાં થતી હલચલનો અભ્યાસ કરો, તો કરફ્યૂ વખતે સૂનસાન સડક પર છાપાનું પડીકું આમથી-તેમ હરફર-હરફર કરતું હોય, એવો આ ભટકતો લાગે. છેલ્લી ક્ષણો દરમ્યાન કાળી ભેંકાર રાતમાં શીતળ ચંદ્ર કાળા ડીબાંગ વાદળોની પાછળ આહિસ્તા...આહિસ્તા ખોવાઈ જાય, એમ આ પાર્ટી હળવે હળવે ગીચ ઝાડીઓની પાછળ ઓઝલ થતી દેખાય છે.

અફ કોર્સ, એની અઢી મિનિટ પછીનો સૂર્યોદય અલૌકિક હોય છે. શિકાર પતાવીને કોઈ જંગલી વરૂ ઝાડી-ઝાંખરામાંથી બહાર નીકળ્યું હોય, એવી બેફિકરાઈથી પ્રગટ થાય છે. એના ચહેરા પર કોઈ અનોખું તેજ અને શાંતિ મહેસૂસ થતી જણાય છે. આમ, બહુ ખુશ થવા જેવું એણે કાંઈ કર્યું નથી. પણ એના ચહેરા પર કોઈ અનુપમ શાંતિના ઘને બાદલ છલકાય છે. એને આવતો જોવો એક મંગલમય ઘટના છે. આવીને તરત, આ જ ઘટના સ્થળે નેનો જેવી કારનું કારખાનું નાંખશે, એવી આશા ઉભી થાય છે. હજી હમણા પતાવેલું કામ જ એવું છે કે, એની પૂર્ણાહૂતિ પછી મનુષ્યને કશું કરી બતાવવાનો વિચાર આવે.

નાનપણમાં હું વેકેશનમાં થાનગઢ (ચોટીલા પાસે) જતો ત્યાં ટોઈલેટ-ફોઈલેટની વ્યવસ્થા આખા ગામમાં કોઈને ત્યા નહિ. રોજ વહેલી સવારે ગામના પાદરે હાથમાં ડબલું લઈને જવું પડતું. વહેલી પરોઢે ત્યાં કોઈ સેલ ખૂલ્યું હોય, એમ આખું થાનગઢ પાદર પર છલકાય. પુરાણકાળમાં ઋષિમુનિઓ હાથમાં કમંડળ લઈને આમ જ નીકળી પડતા. ગામમાં બધાને ખબર એટલે આવે સમયે જતાં વટેમાર્ગુઓને કોઈ ન બોલાવે..... પાછા ફરતા બોલાવાય..... એમાં કોઈની બા ના ખીજાય. જતી વખતે સ્પીડ પકડવાનું અને કોઈની સાથે નહિ બોલવાનું કારણ એ રહેતું કે, શહેરના બિલ્ડરોની માફક થાનગઢવાસીઓને પણ રોજ નવી નવી ભૂમિ શોધવા નીકળવું પડતું. કેટલાક ભૂમિપૂજકો તો એવા દુર દુર નીકળી જતા કે, ઘરે ચિંતા થતી કે, ‘સુઊં એમણે સમાધિ ય તીયાં જ લય લીધી......?’ આજની જનરેશન આને ટ્રેકિંગ સમજે.

આ લેખ લખવા પાછળ ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને મારો સંદેશ એટલો જ છે કે, જે કામ કરવામાં તમારો કોઈ વાંક ન હોય એ કરતી વખતે, કર્યા પછી કે એ વિશે બે માણસને વાત કરતા ગભરાવું નહિ.

‘‘એકી ‘કરણ’માં શરમ શેની !’’

સિક્સર
- અમિતાભ બચ્ચને મલ્લિકા શેરાવત સાથે કામ કરવાની ના પાડી !
- હવે........ઊંમર થઈ કહેવાય !
(Published on 05-01-2011)