Search This Blog

06/07/2016

નાસ્તાપાણી ય નહિ...?

રાત પણ પરોઢને સવાર સુધી મૂકવા જાય છે. એ પરોઢ ખરેખર ગઈ કે નહિ એ જોવા પૂરતી રાત દાઝીલી પણ ખરી! સાંજ પછી દિવસડો રોકાઈ જાય નહિ, એ જોવાનું કામ રાત પૂરી ચોકસાઈથી કરે છે. આવું આપણી સાથે ય થાય છે; પરોઢ જેવું...! નહિ રાતના, નહિ દિવસના! કોઈના ઘેર મળવા ગયા હો અને પાછા જતા એ લોકો તમને ક્યાં સુધી મુકવા આવે છે, એના ઉપર તમારું માન કેટલું છે, એની ખબર પડે. આપણે એમ નથી કહેતા (કે ઈચ્છતા) કે એ લોકો ફેમિલી સાથે આપણા ઘર સુધી મૂકવા આવે, પણ કેટલાક તો આપણા ઊભા થવાની રાહ જોઈને બેઠા હોય છે અને મૂકવા આવવું જ પડે એમ હોય તો, સ્મશાને મૂકવા આવતા હોય એવી ઉતાવળથી આપણને ઝાંપા સુધી છોડી જાય! એટલો એમનો વિવેક કે, આપણને મૂકવા ઝાંપે આવતા પહેલા, 'ઍક્સક્યૂઝ મી' કહીને એ લોકો ધોળા હાડલા અને લેંઘા-ઝભ્ભા પહેરવા જતા નથી!
આમ તો જવા માટે તમે ઊભા થાઓ, ત્યારે એ સોફામાં બેઠેલા ઊભા ય ન થાય અને બેઠા બેઠા 'આવજો' કહી દે, ત્યાં સમજવું કે, કાં તો ભ'ઈને લકવો થયો છે, ને કાં તમારું કોઈ વજન પડયું નથી એટલે ઊભા થતાં નથી. તમે 'આવો' કે 'જાઓ', એનાથી એમને કોઈ ફેર પડતો નથી. યસ. આપણે જવા માટે ઊભા થઈએ અને એ લોકો કેવળ એમના દરવાજા સુધી નહિ, બહાર ઠેઠ ગેટ સુધી કે નીચે લિફ્ટમાં મૂકવા આવે અને તમારી ગાડી વિદાય ન થાય ત્યાં સુધી હસતા મોંઢે ઊભા રહે, તો અર્થ એવો કાઢી શકાય કે, જ્યાં ગયા છો, ત્યાં બરોબર ગયા છો. તમારું આવવું, એમને ગમ્યું છે. છેક સુધી તમે દેખાઓ એટલા દેખી શકાય, એવી એમની લાગણી કહેવાય.
બીજું કૌભાંડ! ત્યાં નાસ્તાપાણીમાં તમારા માટે શું મંગાવાય છે, એના ઉપર તમારું ત્યાં મૂલ્ય અંકાયું હોય છે. મોટા ભાગે તો ચા થી પતાવાય અને એક હાથી ખરીદો તો સાથે બે સસલાં ફ્રી મળે, એમ બેન બહુ માયાળુ હોય તો ચાની સાથે બિસ્કીટના બે-ત્રણ કટકા મૂકયા. મોટા ભાગની મહિલાઓ અભેરાઈ ઉપરથી મદારી સૂંડલામાંથી સાપ કાઢતો હોય એમ એલ્યુમિનિયમનો ડબ્બો કાઢી આપણા માટે સેવ-મમરા કે ઝીણકા ગાંઠીયા પધરાવી દે છે. કેટલા દિવસના પડયા હોય, એ તમારું નસીબ!

ગરમ નાસ્તો બનાવીને મૂકાય તો બેશક ત્યાં તમારું માન વધારે સમજવું. આજકાલ તો ગુજરાતણોને ઠંડા પાણીમાં મેંગોની પડીકી નાંખીને મેહમાનોને પધરાવી દેવાનું ફાવી ગયું છે, એટલે બીજી કોઈ માથાકૂટ નહિ. ફ્રીજમાંથી બૉટલ કાઢીને એક ચમચી 'કહેવાતા' શરબતની નાંખીને આમથી તેમ હલાવીને તમને પધરાવી દેવાનું.

આમ તો સલાહ આપવાની કાંઈ જરૂર નથી કે, આવા ઘેર બીજી વાર ન જવાય, પણ મારા જેવાને આવા જ ઘેર બીજી વાર જવું પડયું હોય તો કેવી મજબુરી હશે ?

મારે તો બાકી નીકળતા પૈસા લેવાના હતા એટલે શરબત-બરબત ન પીવડાવે કે ઝાંપા સુધી મૂકવા ન આવે, તો ય જવું પડે એમ હતું. પહેલા એમ હતું કે, ત્યાં કરવાનો નાસ્તો હું જ બહારથી લેતો જઉં અને બહાર ઝાંપે ઊભા ઊભા નાસ્તો પતાવીને અંદર જવું, પણ એમ તો એમણે મને 'આવો' ય કીધું. 'સુલેમાન સુધર ગયા'! હું સજાગ હતો કે, અહીં માનપાન મળવાના નથી અને મારું આવવું એમને માટે કેવળ એક આંચકો છે. વરસાદ આવશે જ, એમ માનીને દર વર્ષે અમદાવાદીઓ ખોટી આશાઓ લઈને બેઠા હોય છે, એમ ભૂખ મને લાગી હતી, એટલે ઔપચારિકતા પૂરતો ય કોઈ નાસ્તો તો આવશે જ, એવી આશામાં હું બેઠો. એ તબક્કો એવો હતો કે, હાથમાં  ૧૦૦/-ની નોટ પકડાવીને એ લોકો મને બજારમાં નાસ્તો લેવા મોકલે તો ય હું જઉં એવો હતો. નાસ્તાના મામલે મને ખોટું અભિમાન નહિ. આમ તો ભૂખ લાગી હોય ત્યારે એકે ય વિષયનું અભિમાન નહિ! આ તો એક વાત થાય છે.

કૃષ્ણને બદલે રાધાએ સુદર્શન ચક્ર પકડયું હોય ને વિફરી હોય એમ એ બહેને મારા માટે નાસ્તાની ડિશ લઈને કિચનમાંથી બહાર આવ્યા. નાસ્તામાં જે મૂકાયું હતું, એ એમના બંગલાની બહાર કચરામાં ય પડયું હતું, એટલે મને ખ્યાલ આવી ગયો કે, આટલું બધું ફેંકી દેવા કરતા કોઈ ભૂખ્યા ગરીબના કામમાં આવશે, એવા શુભ આશયથી એ ડિશ લાવ્યા હતા. ''લો ને... લો ને...''વાળો એ વિવેક હજી શરૂ કરે તે પહેલા જ મેં વળતો વિનય કર્યો કે, ''હું જમીને આવ્યો છું. થૅન્ક યૂ...'' એ સાથે જ એમણે બાફી માર્યું, ''આ સેકેલા વટાણા મહિનાથી બનાવી રાખ્યા છે, પણ ખબર નહિ કેમ, કોઈ ખાતું જ નથી... એક કામ કરો, હું બાંધી આપું છું... ભાભી માટે લઈ જાઓ.''

મારે તો ફક્ત વિકૃત આનંદ લેવો હતો એટલે વળતા હૂમલા તરીકે એ જ ડિશ મેં એમના ગોરધન સુબોધભ'ઈને ધરી, ''લો ને સુબુભ'ઈ... તમે...'' એ સાથે તો ડિશમાં છિપકલી પડી હોય એવી ઘૃણાથી ડિશ સામે ય જોયા વિના સુબુભ'ઈએ તિરસ્કાર કર્યો, ''અરે, મને તો વટાણા જોઈને ય સુગ ચઢે છે, હું ખાતો હોઇશ... તમે અશોકભ', થોડા તો ચાખો..! અને ગીતુ... એમની વાઈફ માટે એક પડીકામાં થોડા ભરી આપ.'' વાઈફનું નામ ગીતા હોવું જોઈએ, પણ એમણે નાન્યતર જાતિનું 'ગીતુ' કરી નાંખ્યું, એનો ખુલાસો એમની વાઇફને સરખી રીતે એક વાર જોયા પછી મને ય મળી ગયો કે, ''સુબલો આમાં બરોબરનો ભરાયો છે...!''

હવે નવો તાયફો શરૂ થયો છે. જેને ઘેર ડિનરનું આમંત્રણ હોય, ત્યાં 'ખાલીહાથ' નહિ જવાનું. સમજોને, રૃા.૪૦૦/૫૦૦ની રીટર્ન-ગિફટ કે આઇસક્રીમ જેવું લેતા જવાનું ! આ ખાલી હાથની 'ખાલી વાત' મને હાસ્યાસ્પદ લાગે છે. તમારે જાતને પુરવાર કરવાની જરૂર કેમ પડે છે કે, 'તમે બહુ સારા માણસ છો ?' ખાલી હાથે નહિ જવાનું કાયમી જ હોય તો, હવે પછી કોઇને ત્યાં 'ખાલીપેટ' પણ ન જવાય ! કોઇને ઘેર બાબો આવ્યો, તેનો હરખ કરવા જવા તમારે પોતાને 'આઠમો-નવમો' મહિનો જતો હોય, ત્યારે જ જવાય... ખાલી પેટે નહિ !

બીજાના ઘેર નાસ્તાપાણી કરવા ખૂબ વહાલા લાગે છે, પણ પોતાને ત્યાં એ બધું યાદ રહેતું નથી. મોટા ભાગની વાઈફો કોયલ જેવી હોય છે, ગાવામાં નહિ... ઘરનું કામ કરવામાં! બધાને એ ખબર છે કે, કોયલ પોતાના ઇંડાં પોતે માળો બનાવીને નથી મૂકતી... એ કાગડાના માળામાં મૂકી આવે છે. 'ભોળા' કાગડાભ'ઈ... સૉરી, કાગડીબેન એને પોતાના ઈંડા સમજીને સેવે છેૅ. બચ્ચું મોટું થઈ જાય એટલે કોયલ બનીને ઊડી જાય છે, કાગડી બનીને નહિ! (કાગડાભ'ઈ બીજે ક્યાંય કસરત કરી આવતા હોય, તો ખબર નથી!) કાગડાને પાછી શરમે ય ન આવે કે, આ બાળકને મેં નથી ઉછેર્યું. વડોદરાના મૂળ મરાઠી છતાં ગુજરાતીઓના ગ્રામરમાંથી ભૂલ કાઢી શકે એવા સમર્થ યુવાકવિ મકરંદ મૂસળેની ગઝલપંક્તિઓ જરા જોઇ જુઓ, અહીં બંધબેસતી થાય એવી છે?

લાખ ભલે ને હોય કુટેવો, માણસ તો ય મળવા જેવો,
બાળક ખાલી આંખ મિલાવે, ત્યાં જ મને છુટે પરસેવો

નૉર્મલી, નમાલાં ગોરધનોની વાઈફો આવી બદમાશીઓ કરતી હોય છે, જ્યાં ઘરમાં ભ'ઈનું કાંઈ ચાલતું ન હોય. એના કોઈ દોસ્તારો આવ્યા હોય તો એમને માટે વાઈફને ચા-પાણી મૂકવાનું કહેતા ફફડતા હોય છે. પહેલા બે-ત્રણ ટ્રાયલમાં અનુભવો એવા થઈ ગયા હોય કે, ઘરમાં તો કદી ય નહિ, પણ ડ્રિન્ક્સની બેઠકો માટે પણ યારદોસ્તોની સખાવતો જોઈએ. કંઈક બાકી રહી જતું હોય એમાં ગાવલી મારીને છુ રહેતા નોકરો-મહારાજોનો પ્રોબ્લેમ. એમાં આવી વાઇફોને ફાવતું મળી જાય છે.

એક ડાયલોગ તો જમવાનું આમંત્રણ સ્વીકારતા પહેલા ભૂલ્યા વિના બોલાય છે, 'જો જો... બહુ કાંઇ બનાવતા નહિ ! ગમે તે એક જ ચીજ બનાવજો.' એનો મતલબ, એકાદ ચીજમાં 'પતાવતા નહિં.'

એક વાર જેને ત્યાં જમી આવ્યા, તેમને બોલાવીને ગુજરાતીઓ વ્યવહારપરસ્ત થઈ ગયા છે, ને તો ય મનમાં ગણત્રીઓ તો ખરી જ કે, એ લોકો આવ્યા ત્યારે આપણે વૅલકમ ડ્રિન્ક, સૂપ, સ્ટાર્ટર, સલાડ્સ, ત્રણ સબ્જી, દાલ-તડકા, જીરા રાઇસ, કેરીનો રસ અને કેવું મસ્ત ડેઝર્ટ રાખ્યું હતું... અને એ લોકો જુઓ, બસ... પુરી-શાકમાં પતાઈ દીધું. સાલું, પહેલા ખબર હોત તો મુખવાસ પણ આપણે ઘરેથી લઈ ગયા હોત ને?

વાતમાં સચ્ચાઈ છે અને અનેક લોકો આવું કરતા પણ હોય છે. જાહિર હૈ... બધી હાઉસ-વાઇફોને પોતાની રસોઇ પર ભરોસો હોતો નથી અને એ પછી એમની રસોઈમાં ય વખાણ કરવા જેવું કાંઇ નીકળતું નથી. તો ચોંકાવનારી હકીકત એ છે કે, આજકાલ હવે કોઈ કોઇના ઘેર જમવા જતું ય નથી. તમે ઇચ્છો એને તમારે ઘરે જમવા બોલાવી જુઓ... કેટલા આવે છે? તમે ય કેટલાને ઘેર જઇને જમી આવ્યા? હવે તો બીજાને ઘેર ડિનર લેવા જવાનું આમે ય પોસાતું નથી. શહેરનો ચીરી નાંખે એવો ટ્રાફિક, વધી ગયેલા અંતરો (distances) પહેલી વખત એમને ત્યાં જમવાનો બહુ કડવો અનુભવ, ટીવી-સીરિયલો અને ખાસ તો, તમારી વાઇફને એની વાઇફ વધુ સ્માર્ટ લાગતી હોય તો એ બળતરા...! આ બધા કારણોસર હવે એકબીજાને ઘેર જમવા જવાનું લગભગ ઓછું થઈ ગયું છે. બહુ બહુ તો એકબીજાને ક્લબમાં કે પંજાબી-ફૂડવાળી હોટલમાં લઈ જવાનો ટ્રેન્ડ ચાલ્યો છે.

હજી ગુજરાતમાં એક શિરસ્તો ભાંગતો નથી. તમે કોઈને ત્યાં જમી આવ્યા હો, એટલે વળતા હૂમલા તરીકે એ લોકોને ય જમવા બોલાવવાના જ, એ વ્યવહાર થયો. આમ તો એમાં કશું ખોટું નથી, પણ સંબંધ વ્યવહાર પૂરતો જ અટકી જાય છે. આમાં પ્રેમ ક્યાં આવ્યો? લોકો પોતાના માથે કોઈ કરજ બાકી રાખવા માંગતા નથી અને એજ વૃત્તિ સંબંધને સ્વાભાવિક બનાવવામાં આવે આવે છે. (મને તમે ફેમિલી સાથે સાતવાર જમવા બોલાવો અને સામે હું એકેય વાર તમને ન બોલાવું, તો ય તમને એમાં કાંઇ ખોટું ન લાગે, એ મને ગમે! મારા પૂરતી આ વાત ધ્યાનમાં રાખવા સૌને અપીલ છે. હું વીકના સાતેસાત દિવસ તમારું ડિનર લેવા તૈયાર છું.... તમારે કેવળ મારો પ્રેમ જોવાનો!)

સિક્સર
રાહુલજી ખાદીના સફેદ ઝભ્ભાને બદલે ક્યારેક વળી કલરફૂલ જર્સીઓ પણ પહેરે છે, ત્યારે વધુ સોહામણા લાગે છે. ઝભ્ભે ન ચઢ્યા હોત તો દેશના વડાપ્રધાન તો ઠીક, કમ-સે-કમ કોઈના ગોરધન તો થઈ ગયા હોત! આ મામલે મારા લાડકા કવિ ચંદ્રેશ મકવાણાનો શે'ર મસ્તમઝાનો છે :

ફૂંકી ટચરક વાત કબીરા, લાંબી પડશે રાત કબીરા,
જીવ હજી તો ઝભ્ભામાં છે, ફાટી ગઈ છે જાત કબીરા.

No comments: