Search This Blog

01/07/2016

'ચક્ર' ('૮૧)

ફિલ્મઃ'ચક્ર' ('૮૧)
નિર્માતા : પ્રદીપ ઉપ્પુર - નીઓ ફિલ્મ્સ
દિગ્દર્શક : રવિન્દ્ર ધર્મરાજ
સંગીતકાર : હૃદયનાથ મંગેશકર
ગીતકાર : મદહોશ બિલગ્રામી
રનિંગ ટાઇમ : ૧૪૦ મિનિટ્સ: ૧૫ રીલ્સ
કલાકારો : સ્મિતા પાટીલ નસીરૂદ્દીન શાહ, કુલભુષણ ખરબંદા, રણજીત ચૌધરી, રોહિણી હટંગડી, જયદેવ હટંગડી, કુંદન શાહ, અંજલિ પૈંગાવકર, સવિતા બજાજ, દિલીપ ધવન, સુધીર પાન્ડે, ઉત્તમ સિરીર, અલકા કુબલ, સલિમ ઘાઉસ, મદન જૈન, સતિષ કૌશિક, અરૂણ બક્ષી, રતન ગૌરાંગ અને યૂનુસ પરવેઝ.



ગીતો
૧...કારે કારે, ગહેરે સાયે, તારારૂરૂરૂ... લતા મંગેશકર
આ ઉપરાંત ભૂપિન્દરસિંઘનું એક ગીત ટૂકડે ટૂકડે ગવાતું રહે છે.

'
૮૦-ની આસપાસનો આ જમાનો 'આર્ટ ફિલ્મો'નો હતો. રાજ કપૂરો કે મીના કુમારીઓ જે કાંઇ અભિનય કરી ગયા, એ જન્મજાત હતો, જ્યારે પૂનાની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડિયામાં એક્ટિંગ (અને ફિલ્મ નિર્માણને લગતી સઘળી બાબતો) સ્કૂલ-કૉલેજની માફક શીખવવામાં આવતી. જયા ભાદુરી, શત્રુઘ્ન સિન્હા, અનિલ ધવન અને અસરાની અહીંથી બધું શીખીને આવ્યા હતા અને શિક્ષણની ચોખ્ખી અસર એમના અભિનયમાં દેખાઇ. એકલી જયા ભાદુરી કાફી હતી, એ પુરવાર કરવા માટે કે વ્યવસ્થિત અભિનય શીખીને આવનારાઓ અગાઉના જમાનાના એકે ય એકટરની સરખામણીમાં ઉતરતા નહોતા. એ પછી તો સ્મિતા પાટીલ અને શબાના આઝમીએ પોતાની નેચરલ એક્ટિંગ દ્વારા વધુ સાબિતીઓ આપી.

...
અને સ્મિતા પાટીલે ખૂબ નાની ઉંમરે ગૂજરી જતા પહેલા એ બધું સાબિત કરી આપ્યું, જેની વ્યાખ્યામાં અભિનય આવતા હોય ! આ જ ફિલ્મ 'ચક્ર' માટે તેને નેશનલ એવૉર્ડ અને ફિલ્મફેર એવૉર્ડ શ્રેષ્ઠ અભિનેત્રીના મળ્યા, પણ પછી તો જે ફિલ્મોમાં સ્મિતા, શબાના કે નસીરૂદ્દીન હોય, તો એવૉર્ડસ તો હોય જ ! યસ. આર્ટ ફિલ્મો એટલે એવી ફિલ્મો જે ઉતારવામાં પૂરી ગંભીરતા અને જવાબદારી હોય, જે સમાજ સાથે વાસ્તવિક રીતે જોડાયેલી હોય, એક ગીત ગાવા પહાડોના ઢાળ પર ગબડતા ગબડતા કપડાંની ઈસ્ત્રી ય ન ભાંગે, એવા હીરો-હીરોઇન આમાં ન હોય. ફિલ્મની વાર્તા અને રજુઆત આપણા સમાજને સીધી સ્પર્શતી હોય. સત્યજીત રે કે મૃણાલ સેન પ્રકારના સર્જકો જેવી ફિલ્મો બનાવતા, તેમાં પ્રેક્ષકોને સમજવામાં ગૂંચવણો રહેતી, ખાસ કરીને, ફિલ્મનો અંત પ્રેક્ષકોને અર્થઘટીત કરવાનો હોય, એ તમારા ઉપર છોડાયો હોય.

'૭૫ પછી આર્ટ ફિલ્મોનો દસકો ચાલ્યો, તે બાસુ ચેટર્જી, બાસુ ભટ્ટાચાર્ય અને ઋષિકેશ મુકર્જી બ્રાન્ડની ફિલ્મો હતી, જેમાં રેગ્યુલર હિંદી ફિલ્મોનો મસાલો ન હોય. એ ફિલ્મો ટિકીટબારી ઉપર સદા ય ફલોપ રહેવા સર્જાઇ હતી અને તેમને બનાવનારાઓ પણ ટંકશાળ પાડવા ફિલ્મો નહોતા બનાવતા. કહેવાય આર્ટ ફિલ્મ છતાં ય સામાન્ય દર્શકને માત્ર ગમે નહિ, સમજાય પણ ખરી, એમાંની એક આ 'ચક્ર'.

અમ્મા (સ્મિતા પાટીલ) ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેતી યુવાનપુત્ર બેનીયા (રણજીત ચૌધરી)વાળી વિધવા હતી. અલબત્ત, જે સંસ્કાર અને સભ્યતામાં એને રહેવાનું હતું, એમાં ગરીબીને કારણે નીચલા સ્તરની આ સ્ત્રીઓ દેશી દારૂ પીએ, અનેક પુરૂષો સાથે શરીર-સંબંધ બાંધે અને તે પણ પોતાના યુવાનપુત્રની હાજરીમાં. અહીં વાસ્તવિકતા માત્ર ગરીબી છે, બાકી બધું જાઇઝ છે, જેમ કે એક દ્રશ્ય મુંબઇનો મવાલી ગુંડો લુક્કા (નસીરરૂદ્દીન શાહ) બેનીયાને કહે છે, ''બધા દુઃખોનું મૂળ પેટ અને તેની નીચે આવેલું અંગ છે.'' અને અવારનવાર ફૉકલેન્ડ રોડના વેશ્યા બજારમાં પડયા રહેતા એ જ લુક્કાને સિફીલીસ નામનો મહાભયાનક રોગ થાય છે. અમ્મા મૂળ તો એના ગામમાંથી પતિ (દિલીપ ધવન) અને પુત્ર બેનીયાને લઇને ભાગીને મુંબઇ આવી હતી, પરંતુ ચોરી કરીને ભાગવા જતા એનો વર પોલીસ-ગોળીબારમાં માર્યો જાય છે. અહીં બસ્તીના મવાલી લુક્કા સાથે એ નિયમત શરીર-સંબંધ બાંધે છે, પણ મહિને એકાદ-બે વાર આવતા ટ્રક-ડ્રાયવર અન્ના (કુલભુષણ ખરબંદા)ને ય શરીર સોંપવામાં ઝીઝક અનુભવતી નથી-એના યુવાન પુત્રના દેખતા. પુત્ર પણ આ જ સંસ્કારમાં ઉછર્યો હોવાથી એને ય આમાં કાંઇ ભ્રમરો ઊંચી કરવા જેવું લાગતું નથી. એ તો લુક્કાનો ખાસ દોસ્ત પણ છે. બેનીયાના લગ્ન બાજુની ઝૂંપડીમાં રહેતી છોકરી સાથે કરવામાં આવે છે. એના ચાલુ હનીમૂને પોલીસની રેડ પડતા ભારે ગુસ્સામાં એ પોલીસ-પાર્ટી ઉપર હૂમલો કરે છે. પોલીસ લુક્કાને પકડવા આવી હોય છે, જેનાથી સિફીલિસનું દર્દ સહન ન થતા કેમિસ્ટ ઉપર ચાકુ હૂલાવીને દવા ચોરી કરીને ભાગે છે. બધું ગૂમાવી ચૂકેલી અમ્માના ચેહરા ઉપર દર્દ એ છે કે, જીવન એક ચક્ર જેવું છે, જેમાંથી બહાર નીકળીને પાછું અંદર આવવાનું હોય છે, એ બન્ને પ્રક્રિયામાં યાતના સિવાય કાંઇ નથી.

આ ફિલ્મના દિગ્દર્શક રવિન્દ્ર ધર્મરાજ હતા. હજી તો થીયેટરમાં ફિલ્મ રીલિઝ થાય છે. એના મહિનામાં જ માત્ર ૩૪ વર્ષની કુમળી વયે 'રોબિન'ના હૂલામણા નામે ઓળખાતા આ આશાસ્પદ સર્જકનું અવસાન થયું હતું. ફિલ્મના અનેક કલાકારો પછીથી તો પોતપોતાની રીતે નામ કમાયા, કૉમેડિયન અને દિગ્દર્શક સતિષ કૌશિક આ ફિલ્મમાં હજી તો કૉલેજમાં ભણતા છોકરા જેવો છે. ફિલ્મ 'જાને ભી દો યારોં'ના કાબેલ ગુજરાતી દિગ્દર્શક કુંદન શાહ કેમિસ્ટના નાનકડા રૉલમાં છે. અરૂણ બક્ષી, યુનુસ પરવેઝ, સવિતા બજાજ, રોહિણી હટંગડી, મદન જૈન, સુધીર પાન્ડે અને સ્વ. દિલીપ ધવનને તમે ઘણી ફિલ્મોમાં જોયા છે, પણ વિશેષ પરિચય આપવાની જરૂર રણજીત ચૌધરી માટે છે.

ખૂબ વહાલો લાગે એવો આ કિશોર ફિલ્મ 'ખટ્ટા-મીઠા', 'બાતોં બાતોં મેં' અને 'ખૂબસુરત'માં જોયો છે. અત્યારે એના ફોટા જુઓ તો ઘરડો થઇ ગયો છે, પણ આ ઝીણકો કૉમેડિયન ઍલેક પદમશીની પત્ની પર્લ પદમશીનો દીકરો હતો. ઍલેક ભારતની બહુ મોટી ઍડવર્ટાઇઝિંગ ઍજન્સીનો માલિક ઉપરાંત સ્ટેજ અને ફિલ્મોનો જાણિતો કલાકાર હતો. ફિલ્મ 'ગાંધી'માં એ મુહમ્મદઅલી ઝીણાનો કિરદાર નિભાવે છે. એ કચ્છનો પારસી છે, પણ પોતાને ધર્મની બહાર રાખ્યો છે. પર્લ પદમશી એની બીજી પત્ની હતી. પર્લ પણ બાતોં બાતોં મે, જૂનુન કે ખટ્ટા-મીઠા જેવી ફિલ્મોમાં હતી. અમિત કુમાર-લતા મંગેશકરનું 'ઉઠે સબ કે કદમ, દેખો રમપમ પમ.. આ ભારતની યહૂદી માતા અને ક્રિશ્ચિયન પિતાની પુત્રી પર્લ ઉપર ફિલ્માયું હતું. રણજીત ચૌધરી (ગૂજ્જર) પર્લના પહેલા પતિનો પુત્ર હતો. રણજીતે ચાળીસેક ફિલ્મોમાં કામ કર્યું છે, પણ મોટા ભાગની હૉલીવૂડની ફિલ્મો હતી, ઍલેક પદમશીએ પર્લને છોડીને ખૂબસુરત ગાયિકા-એક્ટ્રેસ શૅરોન પ્રભાકર સાથે લગ્ન કર્યા હતા.

કુલભૂષણ ખરબંદાને એની હૈસીયત પ્રમાણે કામ નહિ મળ્યું, નહિ તો ફિલ્મ 'શોલે'ના ગબ્બરસિંઘની સફળતા પછી રમેશ સિપ્પીએ ફિલ્મ 'શાન'માં ખાસ કુલભૂષણ માટે 'શાકાલ'નો રોલ બનાવ્યો. જે જેમ્સ બૉન્ડના વિલન કેરેકટર બ્લૉફેલ્ડ પર આધારિત હતો. એનો અસરકારક રોલ મહેશ ભટ્ટની ફિલ્મ 'અર્થ'માં હતો, જે પ્રેમિકા સ્મિતા પાટીલ અને પત્ની શબાના આઝમી વચ્ચે અટવાતા પતિનું કૅરેકટર છે. શ્યામ બેનેગલ જેવા મજેલા દિગ્દર્શકોની ફિલ્મો 'નિશાંત', મંથન, ગોધૂલી, જૂનુન, કલયુગ અને ભૂમિકામાં તેની નોંધ લેવી પડે, એવા દમદાર કિરદારો સોંપાયા હતા.

ફિલ્મ 'ચક્ર'માં નાનકડો છતાં નોંધ લેવો પડે એવો રોલ નવીસવી આવેલી અભિનેત્રી અલકા કુબલનો છે.

અલકા હિંદી ફિલ્મમાં ભલે નવીસવી હોય, પણ મરાઠી ફિલ્મો ખાસ કરીને 'મહેરચી સાડી'માં લક્ષ્મીનો એનો અભિનય મરાઠી દર્શકોને યાદ છે.

એક પ્રશ્ન ચોક્કસ ઊભો થવો જોઇએ કે, હિંદી ફિલ્મોમાં અર્થપૂર્ણ ફિલ્મોને પ્રેક્ષકોએ કેમ જાકારો દઇ દીધો? શ્યામ બેનેગલ, ગોવિંદ નિહાલાણી કે બાસુ ચેટર્જી જેવા સર્જકોએ શિક્ષિત પ્રેક્ષકોને ગમે એવી ફિલ્મો આપી. ફિલ્મો મનોરંજન માટે વિશેષ હોય, એ દલિલનો ઇન્કાર નથી, છતાં સિનેમા જોઇને આવ્યા પછી આખો પરિવાર જોયેલી ફિલ્મની ચર્ચા કરવા બેસી જાય. એવી એ ફિલ્મો હતી. કારણ એ હોઇ શકે કે, ત્રીજા વિશ્વના આપણા આ દેશમાં બહુમતિ પ્રેક્ષકો સામાન્ય શિક્ષિત હોવાથી, એમને 'અમર, અકબર, એન્થની' જેવી ફિલ્મો વધુ ગમે. હવે આર્ટફિલ્મો જવલ્લેજ બને છે અને બને ત્યારે ભાગ્યેજ જોવાય છે, કારણકે ૧૦૦-કરોડનો ધંધો લાવી આપતી કમર્શિયલ ફિલ્મોની હરિફાઇમાં આવી ફિલ્મોના નિર્માતા શહેરની દિવાલો ઉપર પોસ્ટરો ચોંટાડવાનો ખર્ચો ય ઉપાડી ન શકે, ત્યાં 'કપિલ શર્મા' જેવા શો માં ફિલ્મની પબ્લિસિટી માટે અઢળક નાણાં ખર્ચવા તો ક્યાંથી પોસાય ?

હવે અલબત્ત, ઇરફાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા મજેલા અભિનેતાઓને લઇને ફરી પાછી એ કક્ષાની ફિલ્મો બનવા માંડી છે, એ જ સંતોષ.

No comments: