Search This Blog

13/07/2016

કવિઓ અને લેખકો... સારૂં કોણ ?

સ્ટેજ પર બેઠેલા અમારા સાહિત્યકારોને જોયેલા યાદ છે ? સ્ટેજની ખુરશીઓ ઉપર એવા દયામણા અને ચિંતાતુર ચેહરે બેઠા હોય, જાણે પ્રસૂતિગૃહની બહાર વેઇટિંગરૂમમાં, આવનારા બાળકોના ફાધરો દાઢી ઉપર (પોતપોતાની) હાથ રાખીને બેઠા હોય ! (અહીં હાથ મૂકવા માટે શરીરના એક અવયવ 'દાઢી'ને ગણવામાં આવી છે... બાકી એકબીજાના 'ગળાં' સમજવા !) 'હમણાં આપણો વારો આવશે... હમણાં આવશે... !' એવી ચિંતામાં, આપણા કરતા બીજા ફાધરને પહેલો બાબો આવી ગયો હોય તો ય પડેલા મોંઢે 'હલુલ્લુલ્લુ' કરતા પરાણે રમાડવા જવું પડે, એમ બીજા વક્તા બોલતા હોય ત્યારે સાવ ખોટેખોટા સ્માઇલો આપીને-સાવ ખોટેખોટી દાદ આપીને મોંઢું મુલાયમ રાખવું પડે. એ પાછા જાણતા હોય છે કે, 'આવડો આ ગમે તેટલો તૂટી જાય... શ્રોતાઓ ફક્ત મને જ સાંભળવા આવ્યા છે...' સ્ટેજ પર બેઠેલો એકે ય વક્તો એ સ્વીકારવા તૈયાર હોતો નથી કે, 'અત્યારે જે બોલી રહ્યો છે, એ પણ સારૂં બોલે છે... એને ય પોતાનો ચાહકવર્ગ છે... એની સરખામણીમાં આ સ્ટેજ પર મારે ટકી રહેવું મુશ્કેલ બનવાનું છે !' આ નિરીક્ષણ કવિ-લેખકોને સરખે હિસ્સે લાગુ પડે છે.

અનેકવાર ઓડિયન્સમાં હોય એના કરતા સ્ટેજ પર વધુ ભીડ જોવામાં આવે છે- સાંભળનારા કરતા બોલનારા વધુ ! સ્ટેજ પર અનેક એવા હોય છે, જેમને વર્ષ-બે વર્ષમાં માંડ એકાદ આવો ચાન્સ મળ્યો હોય છે, પછી એ શ્રોતાઓને છોડે ? મારા સૌરાષ્ટ્રની ભાષામાં એ ઓડિયન્સના 'ભૂકાં બોલાવી દિયે... !' આમાં સરવાળે મરવાના થાય છે શ્રોતાઓ. પહેલાવાળો જ એટલો મૂઢમાર મારીને ગયો હોય કે, મનમાં ધૂંઆફૂવા થઈ જઈને શ્રોતાઓ રીતસરના ગણવા માંડે છે, ''બે પત્યા... હજી સાત બાકી રહ્યા... ! આ લોકો ઈન્ટરવલ જેવું ય કાંઈ પાડતા નથી !''

સ્ટેજ પર બેસવાની એક ગરિમા હોય છે. ઘરમાં ભલે તમે ટુવાલ પહેરીને ફરતા હો, સ્ટેજ પર 'ડીસન્ટ' કપડાં હોવા જોઇએ. સારી ક્વોલિટીના કપડાં, જે એમને બને ત્યાં સુધી સામાન્ય શ્રોતાથી શારીરિક રીતે પણ જુદા પાડે. પેલો બોલવા ઊભો થાય ત્યારે માઇક સરખું કરી આપવા આવેલો સાઉન્ડવાળો આ ભ'ઈથી વધારે સારો લાગવો તો ન જોઈએ ને ? પણ આને જોઈને શ્રોતાઓને જોવામાં કોઈ ફરક જ ન પડે કે, માઇકવાળો બોલે છે કે આપણો મુખ્ય મેહમાન !

હવે એમના કપડાં યાદ કરો. દયા આવી જાય કે, આ બિચારાઓને ઢંગના કપડાં ખરીદવા જેટલો ય પુરસ્કાર નહિ મળતો હોય ? કવિઓ અને શાયરો તો હજી એ ભ્રમમાંથી બહાર નથી આવ્યા કે, કપડાં જેટલા મુફલીસ પહેરીએ, એટલી પર્સનાલિટી વધારે પડે ! ''અમારી રચનાઓ બોલતી હોય છે, અમારૂં સાહિત્ય બોલતું હોય છે... અમારા કપડાં નહિ ! શ્રોતાઓ ધોબીઓ નથી કે, અમારા પ્રવચનને બદલે અમારા કપડાંને જોયે રાખે.''

હજી તો કાંઈ બાકી રહી જતું હોય એમ, અમારા સાહિત્યકારો ખભે બગલથેલા લટકાઈને આવે છે. કઈ કમાણી ઉપર આ લોકો બગલથેલા લઇને ફરતા હશે, તે ઇન્કમટેક્સવાળાઓ ય સમજી શક્યા નથી, ક્યારેય કોઈ સાહિત્યકારને ત્યાં દરોડો પડયો હોય એવું સાંભળ્યું ?

વાસ્તવિકતા તો એ છે કે, તમને સાંભળવા આવેલ શ્રોતાઓ કરતા આ વિષયમાં તમે વધુ જ્ઞાની છો અને સહુ તમારી કદર કરે છે. માત્ર સાંભળીને નહિ, તો તમને જોઈને પણ એ લોકો ભલે ઈમ્પ્રેસ ન થાય... ડીપ્રેસ તો ન થવા જોઈએ ને ? વ્યવસ્થિત કપડાં પહેરવાથી તમારી રચનાઓ સુધરી જવાની નથી, પણ પર્સનાલિટી બેશક સુધરેલી લાગશે ! અહીંથી બધું પતાવીને ઘરે પાછા પહોંચો ત્યારે ફરી એકવાર તમારા અડધા ચડ્ડા કે ટુવાલમાં આવી જાઓ... કોઈની બા નહિ ખીજાય !'

કપડાંની આવી વાત સાંભળીને ખાસ કરીને કાઠીયાવાડ બાજુના અમારા સર્જકો તો કોપાયમાન થઈ જશે અને સામી ચોપડાવશે, ''લૂગડાં હારા પે'રવાથી જ જ્ઞાાનપીઠું મળતા હોત તો અમારા ગામમાં ક્રિકેટના સટ્ટાવાળા જવાનીયાવને ભારતરત્નનું પહેલા નો મળે ??''
સવાલ કેવળ ઢંગના કપડાં પહેરીને પબ્લિકમાં દર્શન આપવાનો છે. શર્ટ કે ઝભ્ભા તો પાંચસો-હજારમાં ય મળે છે, પણ બ્રાન્ડેડ કપડાં અને તે ય તમને શોભે એવા પહેરવાથી સ્વયં તમે ય તમારી જાતને નોખા પામી શકશો... સારા કપડાંનો અર્થ એવો ય નહિ કે, તરણેતરના મેળામાં રંગબીરંગી છત્રીઓ લઈને ગ્રામ્યજનો આવતા હોય, એ છત્રી ફાડીને આમણે ઝભ્ભો બનાવ્યો હોય ! જસ્ટ બીકોઝ... તમે કવિ છો, એટલે રેશમી ઝભ્ભા અને બંડા પહેરવાના જ ? અને વાતવાતમાં ખભે શોલ ઓઢીને શેના હાલ્યા આવો છો ? મૂર્ધન્ય સાહિત્યકાર ગણાવવા માટે કદાચ શોલ કે ખાદી-ભંડારવાળી ગરમ ટોપી જરૂરી હશે, તો એનો મતલબ એ પણ થયો કે, શ્રોતાઓના લાભમાં આ ભ'ઈ શોલ અને બગલથેલો ઘેર ભૂલીને આવ્યા હોય તો સ્ટેજ ઉપર એમનાથી કોઈ સાહિત્ય નીકળી જ ન શકે. આવા લોકોના ઘેર તો ખીજાવા માટે સ્પેરમાં બાઓ ય ન પડી હોય !

ઈશ્વરે જે ચેહરો આપ્યો હોય, એમાં તો નામનો ય ફેરફાર કરી શકવાના નથી, પણ બાકીના શરીરને શોભાવવું તો આપણા હાથમાં છે ને ? આ તો કાંઈ બાકી રહી જતું હોય એવા દાઢાં રાખશે. મૂળ કાળી હોય તો ય ''સફેદ'' હેરડાઈ લગાવીને અદબ વાળીને સ્ટેજ પર બેઠા હશે. દાઢી રાખવાથી મેક્સિમમ તમે નરેન્દ્ર મોદી જેવા લાગી શકો...

અને એમનું જોઈને હવે તો કેટલાક સાહિત્યકારો અડધી બાંયના 'મોદી-ઝભ્ભા' ય પહેરતા થઈ ગયા છે. એમ કરવામાં ય તમે હૂબહૂ મોદી જેવા લાગવાના હો, તો ય તમે 'તમે' તો નથી જ લાગવાના ! શ્રોતાઓને મોદીને જ સાંભળવા હોય તો ટીવી ક્યાં નથી ? ચાહકો મોદીની જેમ તમારા ય ઓટોગ્રાફ લેવા આવે છે ને તમારી સાથે ય સેલ્ફી પડાવે છે. એ સેલ્ફી જોઈને કોઈને એમ તો લાગવું ન જોઈએ ને કે, આજકાલ સ્કૂટર-મીકેનિકો અને પાનવાળાઓ ય ઓટોગ્રાફ આપતા થઈ ગયા... ?

પાણી-પુરીવાળા સાથે 'સેલ્ફી' પડાવવા જેવી વાત થઇ!

બ્રાન્ડેડ કપડાંની વાત નીકળી છે તો કવિ-લેખકોના બચાવમાં એ ય કહેવું પડે કે, એમને મળતા પુરસ્કારોમાંથી જે પહેરીને આવ્યા છે, એ કપડાં જ પોસાય... જસ્ટ બીકોઝ, એમને સ્ટેજ પર બોલવા જવાનું છે એટલે કોઈ તાજા પરણેલા પડોસીનો શૂટ માંગવા ન જવાય... આ તો એક વાત થાય છે ! લગભગ દરેક સાહિત્યકાર પૈસેટકે મામૂલી હોય છે અને દરેકને મોંઘા બ્રાન્ડેડ કપડાં પોસાય પણ નહિ, એ સ્વીકારીએ તો પણ એ હું નથી સ્વીકારવાનો કે, મિનિમમ બે જોડી એમને ન પોસાય. સ્ટેજ પર પહેરવા માટે મોંઘી તો મોંઘી, તમને શોભે એવી વસાવો.

પાછી એ વાતે ય સાચી કે, પ્રકાશકો કે તંત્રીઓ એમના કવિ-લેખકોને એવા કોઈ પુરસ્કારો ય આપી દેતા નથી, જેથી સ્ટેજ સુધી આ લોકો ગાડી લઈને આવી શકે. હકીકતમાં કોઈ કવિ-લેખક 'પોતાની' ગાડીમાં આવતો-જતો હજી હમણાં-બસ, કોઈ આઠ-દસ વર્ષ પહેલા થયો. બાકી તો જ્યાં એણે બોલવા જવાનું હોય ત્યાં પુરસ્કાર તો પછીની વાત છે, આયોજકો પૂરતું રીક્ષાભાડું આપશે કે નહિ, એ ચિંતામાં થાકેલી અને કરૂણ રચનાઓ સ્ટેજ પરથી ઝીંકાઈ જતી. હવે થોડા કવિ-લેખકો પોતાની ગાડી (ઘોડાગાડી નહિ... ગુજરાતમાં કારને ગાડી કહેવાય છે !) લઈને આવતા થયા છે. અર્થ એનો એ નથી કે, પ્રકાશકો-તંત્રીઓ આ લોકોનું મૂલ્ય સમજ્યા છે... અર્થ એનો એ થાય છે કે, આજકાલ તો કવિ-લેખક જેવા ય ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. સેકન્ડ-હેન્ડ ગાડીઓ હવે હપ્તે-હપ્તે મળે છે, એટલે બધું સહેલું થઈ ગયું છે. કેટલાકને પોતાની કિંમત સમજાઈ છે, એ સાહિત્યકારો પ્રવચન કરવાના કે સ્ટેજ પર શે'ર-શાયરી કરવાની હેન્ડસમ મજૂરી માંગતા થયા છે, નહિ તો આજ સુધી લેખકને લેકચર માટે બોલાવે, ત્યારે બધું પત્યા પછી લેખક પોતે ગભરાઈ જતો કે, આ લોકોએ આટલું મોટું ઓડિયન્સ આપ્યું છે, એનો સાલો ચાર્જ તો નહિ લે ને ? હજારના ઓડિયન્સમાં એકેએકના દસ-દસ રૂપિયા ગણો તો ય ટોટલ મારવા સુધીમાં લેખકને એટેક આવી ગયો હોય ! આયોજકોને ય આઘાત લાગતો કે, પ્રવચન કરવાના તે કાંઈ પૈસા હોય ? અને એ ય અમારે આપવાના ? કેમ જાણે, પ્રોગ્રામ પત્યા પછી ડિનર કે હોલનું ભાડું વિના મૂલ્યે મળ્યા હોય ! બધેબધ્ધું મોંઘુ પડતું હોય છે... માત્ર કવિને પુરસ્કાર આપવામાં ભાવની રકઝક કરવાની અને ઓળખાણો લાવીને પેલા કવિ પાસેથી એણે માંગેલો પુરસ્કાર અડધો કરાવવાનો ! કવિ-લેખકને પુરસ્કાર આપવામાં. હોલમાં એક વખત શ્રોતાઓ પાસે તાળીઓ પડાવવી કે સહુને ભરચક હસાવવા એ સોનિયાજીને હસાવવા અને રાહુલજીને ચૂપ રાખવા જેવું કઠિન કામ છે, એ કોઈ આયોજકો ક્યાં સમજે ?

હમણાં થોડા યુવા કવિ-શાયરોને હું મળ્યો ત્યારે હેરત પામી ગયો કે, એ લોકોમાં તો લેખકો જેવું કાંઈ છે જ નહિ ! એ લોકો તો સ્ટેજ પરથી એકબીજાની રચનાઓ કંઠસ્થ અને પૂરા આદરથી સંભળાવે છે. એમને કેવળ પોતાની જ કવિતાઓ કે શાયરીઓ મોંઢે હોતી નથી... પોતાના જેટલી જ સીનિયર શાયરો જ નહિ, પોતાના સાથી કવિઓની રચનાઓ પણ એટલી જ વહાલી હોય છે.

તો આ બાજુ, હે વાચકો... આજ સુધી તમે એકે ય લેખક પાસે બીજા લેખકનો સ્ટેજ પરથી જ નહિ, ચા ની કિટલી ઉપરે ય ઉલ્લેખમાત્ર થતો સાંભળ્યો છે ? ટ્રાયલ લેવા પૂરતો ય-તમે ઓળખતા હો, એવા કોઈ લેખક પાસે એના જ દાયરામાં આવતા બીજા લેખકનો ઉલ્લેખ કરી જોજો... ! મારવા તો નહિ આવે, પણ તમને માર ખાધા જેવો આંચકો લાગશે. આ 'બુધવારની બપોરે' ૩૯-વર્ષની થઈ-નોનસ્ટોપ, (મને લખાણપટ્ટી કરતા ૪૪-વર્ષ થયા !) પણ આ ૩૯-વર્ષમાં આજ સુધી 'એક પણ લેખકને' મારો ઉલ્લેખ માત્ર કરતા સાંભળ્યો નથી. ખોદશે જરૂર...કવિઓ બેશક એવા નથી. (માટે જ તો તેઓ લેખક નહિ બન્યા હોય !)

આવી કોઈ ધારદાર વાતનો જવાબ યુવાકવિ ભાવેશ ભટ્ટ પાસે છે :
થઈ ગયો કેવો બધાનો લાડકો હું,
જ્યારથી માની લીધા ઉસ્તાદ સૌને !

સિક્સર
''
તમે બહારથી આવ્યા, એટલે ગરમી જરા વધારે લાગે છે...'' મેં ચીનુ મોદીનું વળી ધ્યાન દોર્યું.
''
બીજા બહારથી આવ્યા હશે... હું તો અંદરથી આવ્યો છું... !''

10/07/2016

ઍનકાઉન્ટર : 10-07-2016

* આજે સમય એવો છે કે, મનુષ્ય ઇચ્છે તો પણ ભલાઈ કરી શકે એમ નથી, તો પછી શું કરવું જોઇએ ?
- ઇચ્છવાનું બંધ કરી દો.

(દીપક એ. સોલંકી, અમદાવાદ)

   
* તમારી દ્રષ્ટિએ વિજય માલ્યા અને આસારામ બાપુ વચ્ચે શું ફેર છે ?

- બેમાંથી એકેય... પારકી સ્ત્રીને મા-બહેન ગણે છે ?

(નિધિ ગણાત્રા, પોરબંદર)

   
* શું મુહમ્મદ રફી જેવા મહાન ગાયક હવે આપણને ક્યારેય નહિ મળે ?

- બીજા મહાન ગાયકની હવે જરૂર ક્યાં છે ?

(શ્રેયસ જોશી, રાજકોટ)

   
* ભારત-પાકિસ્તાનના નેતાઓ મળે છે, ત્યારે તો દુશ્મની જેવું કાંઈ લાગતું નથી...!

- 'નથી મળતા', ત્યારે ય નથી લાગતું.

(એ.રહેમાન બોગલ, ગોધરા)

   
* લગ્ન પહેલા 'પીવા' બાબતે પૂછાય, તો શું કરવું ?

- પીવાથી નુકસાન થાય છે અને આવા સવાલો પૂછવા પડે છે !

(દીપમાલા મોરે, વડોદરા)

   
* શું આપ કોઈના પ્રેમમાં પડયા છો ?

- હજી પંદરેક વર્ષ ચાલુ એવો છું.

(વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)

   
* મને ઘણીવાર પ્રેમ થયો છે, પણ સામેવાળીને ક્યારે નહિ... શું કરવું ?

- સામેવાળીઓ બધી બોદી લાગે છે... આવો 'રસિક' માણસ આ ભાવમાં મળે છે તો ય કદર નથી ?

(રસિક વરસાન્કીયા, ગીંગાણી-જામજોધપુર)

   
* છોકરીઓ બધી દગાબાજ હોય છે. તમે શું માનો છો ?

- તમને દગો કરી ગઈ, એ બધીઓને વારાફરતી મળું, પછી ખબર પડે !

(આકાશ પી. પટેલ, વિસનગર)

   
* વ્યાજનો દર ઘટવાથી નિવૃત્ત કર્મચારીઓનું શું થશે ?

- બસ. લોકો નિવૃત્ત થવાની ખો ભૂલી જશે.

(ધવલ સોની, ગોધરા)

   
* સવાલો શક્ય હોય ત્યાં સુધી ગુજરાતીમાં જ પૂછવાનું કેમ કહો છો ?

- મારૂં ગુજરાતી પાકું થાય માટે.

(પ્રિયંકા ચૌધરી, મહેસાણા)

   
* મારા પતિ કહે છે, 'મૌકા મિલને પર હમ તુમ્હેં બતાયેંગે, હમ તુમ્હેં કિતના પ્યાર કરતે હૈ...' તો  આ મોકો ક્યારે આવશે ?

- બહુ ભલા માણસ લાગે છે. તપાસ કરી જુઓ, કેટલીને આવા મૌકા ઉદાર દિલે વહેંચવા માંગે છે !

(શ્રીમતી ઈશ્વરી એમ. માંકડ, જામનગર)

   
* વાણીસ્વાતંત્ર્યનો દુરૂપયોગ કરીને સસ્તી લોકપ્રિયતા મેળવનારાઓને તમે શું કહેશો ?

- અરવિંદ કેજરીવાલ

(ડેનિશ પટેલ જૂનાગઢ)

   
* કીડીને કણ, હાથીને મણ તો અશોક દવેને... ?

- બસ. એ હાથી મને આપી દો.

(મયૂરી અર્જુનભાઈ રાઠોડ, પોરબંદર)

   
* તમને ફિલ્મ 'નાયક'ની જેમ એક દિવસના મુખ્ય મંત્રી બનાવવામાં આવે તો ?

- તો મારો એક દિવસ ૧૮૨૫-દિવસનો થાય !

(મિતુલ એસ. ખેની, સુરત)

   
* લગ્ન પછી 'નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે બુઝાય ના...' આવું કેમ થતું હશે ?

- લગ્ન પછી ઝીરોનો બલ્બ વાપરવાનો ન હોય... મોટા ભડકાવાળો ગોળો વાપરવો.

(રૂચિ ભદે, મેરીએટા, જ્યોર્જીયા-અમેરિકા)

   
* મેડમ તુસાડઝના મ્યુઝીયમમાં મોદીનું પૂતળું મૂકાય, એમાં ઘણાના પેટમાં કેમ દુ:ખે છે ?

- પૂતળાંને બદલે મોદી પોતે ઊભા રહે એવી લાગણી હશે !

(નટવરલાલ જગાણીયા, સુરત)


* શું લાગે છે, આપણા ભારત દેશને કોણ બરબાદ કરી રહ્યું છે ?

- કોની મજાલ છે, આપણા દેશને આંગળી ય અડાડી શકે ?

(મધુકર મેહતા, વિસનગર)

   
* નારણપુરા ચાર રસ્તા પાસેથી રાત્રે ૧૨ પછી સ્કુટર પર નીકળવાનો કોઈ ઉપાય ખરો ? બહુ કૂતરાં હોય છે... !

- મારે એમાંના એકે ય સાથે ઘર કે થાંભલા જેવો સંબંધ નથી.

(ભરત પટેલ, અમદાવાદ)

   
* રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે શું માનો છો ?

- એ બંને ભાજપના સારા કાર્યકરો છે.

(નિસર્ગ એચ. પટેલ પાટણ)

   
* નામ તો આવી ગયું છાપામાં... હવે ફોટો છપાવવા શું કરવું ?

- બને એટલું પોલીસથી દૂર રહેવું.

(કૌશલ પંડયા, અમદાવાદ)

   
* ₹
૧૦૦/- આપો, તો જ સવાલ પૂછીએ...
- તમે વિધાનસભામાં વધારે શોભશો.

(વિક્રમ, જયમીન, વિનોદ પટેલ, ગોરડ)

   
* અમારે બે સાળીઓ છે. એકને અમે 'બચી ગયેલી' અને બીજીને 'રહી ગયેલી' સાળી કહીએ છીએ. તમારે કેમનું છે ?

- તમારી સાળીઓને જોયા પછી કહું.

(વિપીન એમ. ત્રિવેદી, મુંબઇ)

   
* અમારા સુરત વિશે શું માનવુ છે ?

- આપણા ભારત જેવું છે.

(આબિદ ગગન, સુરત)

   
* 'એનકાઉન્ટર'માં મહિને કેટલી કમાણી થાય ?

- ઇન્કમટેક્સ ભરવો પડતો નથી.

(મયૂરી એ. રાઠોડ પોરબંદર)

   
* ઉનાળામાં કેજરીવાલના મફલરનું શું થયું ?

- અમારે મન એની કિંમત એક મફલરથી વિશેષ કાંઈ નથી.

(કાજલ અને પૂજા ભાટીયા, રાજકોટ)

08/07/2016

'ચોર મચાયે શોર' ('૭૪)

ફિલ્મ : 'ચોર મચાયે શોર' ('૭૪)
નિર્માતા : એન. એન. સિપ્પી
દિગ્દર્શક : અશોક રોય
સંગીતકાર : રવીન્દ્ર જૈન
ગીતકાર : રવીન્દ્ર જૈન, રાજકવિ, ઇન્દ્રજીત સિઘ 'તુલસી'
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ- ૧૩૯ મિનિટ્સ
થિયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : શશી કપૂર, મુમતાઝ, ડેની ડેન્ઝોન્ગપા, અસરાની, તરૂણ ઘોષ મદનપુરી, કમલ કપુર, ઉમા દત્ત, મીના ટી, સજ્જન, શ્યામકુમાર, અસિત સેન, રામમોહન, ચમનપુરી, ચંદ્રિમા ભાદુરી, ચિન્ટુ અને પ્રકાશ



ગીતો
૧...એક ડાલ પર તોતા બોલેએક ડાલ પર મૈના...... મુહમ્મદ રફી-લતા મંગેશકર
૨...ઘૂંઘરૂ કી તરહબજતા હી રહા હૂં મૈંકભી ઉસ પગ પર...... કિશોરકુમાર
૩...લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે...... કિશોરકુમાર- આશા ભોંસલે
૪...પાંવ મેં ડોરીડોરી મેં ઘૂઘરૂંઘૂંઘરૂ કી રૂનઝૂન...... મુહમ્મદ રફી-આશા ભોંસલે
૫...આગરે સે ઘાઘરો મંગા દે રસિયાકિ મૈં તો મેલા દેખન જાઉંગી...... આશા ભોંસલે
ગીત નં. ૧ અને ૩ 'તુલસી', બાકીના રવીન્દ્ર જૈન

તમે જીંદગીથી કંટાળી ગયા હો અને ચારે બાજુ નિષ્ફળતા જ નિષ્ફળતાઓએ ઘેરી લીધા હોય, તો શશી કપૂરનો દાખલો તમને બહુ કામમાં આવે એવો છે. ફિલ્મો તો જાવા દિયો, રોજના સંસારમાં ય શશી કપૂર જેવું તકદીર બહુ ઓછાના ભાગ્યમાં આવ્યું હોય ! દાખલો સીધો છે. હિંદી ફિલ્મોના 'ફર્સ્ટ ફેમિલી' કપૂર ખાનદાનનો આ સ્માર્ટ સુપુત્ર અને એ ય રાજ કપૂર અને શમ્મી કપૂરનો સગો ભાઈ, છતાં ફિલ્મોમાં પ્રારંભથી જ તદ્ન ફ્લોપ. પહેલી ફિલ્મ 'ચાર દિવારી' એક પણ વાર જોઈ શકાય એવી નહોતી, તો બીજી, ત્રીજી, ચોથી, કે આઠમી... બધી 'ચાર દિવારી'ને ય સારી કહેવડાવે એેવી હતી.

એમાંની ય જે કોઈ સફળ થઈ એનો યશ કાં હીરોઈનને કાં સંગીતકારને ગયો. શશી બાબાને તો ફ્લોપ હીરોનું લેબલ લાગી ગયું હતું અને એની ખાસ દોસ્ત નંદા સિવાય એકે ય હિરોઇન એની સાથે કામ કરવા તૈયાર ન થાય... એટલે સુધી કે ફિલ્મ 'પ્રેમપત્ર'માં હીરો શશી કપૂર હોય તો પોતે કામ નહિ કરે, એવી નાનકડી ધમકી હીરોઇન સાધનાએ પણ બહાર પાડી હતી, પણ ફિલ્મ બિમલરોયની હતી એટલે બહેનથી વધુ કાંઈ બોલાયું નહિ. સઈદા ખાન કે કુમકુમ જેવી દારાસિંઘની હીરોઇનો પણ શશીબાબા સાથે કામ કરવા તૈયાર નહિ. એમાં એક તોતિંગ સફળ ફિલ્મ આવી અને એ ય નંદા સાથે, 'જબ જબ ફૂલ ખીલે...' પણ જહે નસીબ... એની ધૂમધામ સફળતાનો પૂરો યશ નંદા અને સંગીતકાર કલ્યાણજી-આણંદજીને મળ્યો... શશીનો તો કોઈએ ખાસ ભાવ પણ ન પૂછ્યો.

કુદરતનો ખેલ જુઓ. ધીમે ધીમે મુમતાઝ ટોચની હીરોઇન બની ગઈ અને આ ફિલ્મના નિર્માતા એન. એન. સિપ્પીએ પોતાની નવી ફિલ્મ 'ચોર મચાયે શોર' માટે શશી કપૂર સાથે મુમતાઝને હીરોઇન લીધી. હવે મુમતાઝ એની હીરોઇન બને તો શશી બાબા માટે ચાંદ- સૂરજ જમીન પર આવવા જેટલી સફળતા કહેવાય. એને શંકા હતી કે, એક જમાનામાં મુમતાઝને એણે ના પાડી હતી ને હવે બાજી મુમતાઝના હાથમાં છે, એટલે એ ય એના જેવા ફ્લોપ હીરો સાથે શું કામ હા પાડે ?

મુમુએ ના ન પાડી. છોકરીએ પોતાની ખાનદાની બતાવી. પોતે ઉપકાર કર્યો છે, એવો ભાવ લાવ્યા વગર શશી કપૂર સાથે કામ કરવાની તરત હા પાડી દીધી અને...

... અને શશી કપૂરનું તકદીર આ જ ફિલ્મથી ધૂમધામ ઉંચકાયું. ફિલ્મ સુપરહીટ ગઈ (એ વર્ષની બીજા નંબરની બ્લોક બસ્ટર) એ તો ઠીક, પણ ફિલ્મની સફળતાનો યશ એકમાત્ર શશી કપૂરને મળ્યો. સિપ્પીએ જરા ય રાહ જોયા વિના તરત જ બીજી ફિલ્મ આ જ ટીમ સાથે જાહેર કરી દીધી. એક મુમતાઝને બદલે શબાના આઝમીને લઈને, ફિલ્મ 'ફકીરા !' એ ય સુપરહિટ ગઈ. તરત જ મનમોહન દેસાઈનું 'આ ગલે લગ જા' આવ્યું અને એેણે તો સફળતાના તમામ માપદંડો બદલી નાખ્યા. (કંઈક બાકી રહી જતું હશે તેમ, આ ફિલ્મ 'ફકીરા'થી શશી-શબાના કંઈક વધુ પડતા આગળ વધી ગયા અને બન્ને વચ્ચે હાઇ-સ્પીડ રોમાન્સની વાતો ફિલ્મી- મેગેઝિનોમાં છપાવા માંડી.)

બસ. પોતાના નસીબને રોતા રહેતા વાચકો માટે આ દાખલો કાફી છે. શશીનું નસીબ એ હદે બદલાયું કે, એણે રોજની ત્રણ ત્રણ શિફ્ટોમાં કામ કરવું પડે, એટલી ફિલ્મો (અને પૈસા) મળ્યા.

તો શું, 'ચોર મચાયે શોર' એટલી બધી અદ્ભુત ફિલ્મ હતી ?

સૉરી... ના ! જાપાનીઝ ફિલ્મ સર્જક અકિરા કુરોસાવાનો પડછાયો દુનિયાભરના ફિલ્મ નિર્માતાઓ ઉપર પડયો છે. એની 'ધી સેવન સમુરાઈ' ઉપરથી આપણી ફિલ્મ 'શોલે' કે 'ખોટે સિક્કે' તો ઠીક, પણ હોલીવૂડની 'ધી મેગ્નિફિસૅન્ટ સેવન' જેવી અનેક ફિલ્મો બની અને બધી સુપરહિટ બની. 'ચોર મચાયે શોર' પણ એમાંની જ એક. કોઈ ભારતીય દર્શકે પહેલીવાર 'ધ સેવન સમુરાઈ' જોઈ હોય તો એમ જ કહે

આજની ફિલ્મ 'ચોર મચાયે શોર' પણ કોઈ અપવાદ નહોતી. ચોરી-ડકૈતીના આડાધંધામાં ડૂબેલા ચાર ગુન્હેગારો જેલ તોડીને એક નાનકડા ગામમાં જઈ 'ગાંવવાલો'ને રંજાડતા ડાકુઓનો સામનો કરવા ગામના લોકોને તૈયાર કરે છે, એ ચીલાચાલુ વાર્તા અહીં પણ છે. નાના મોટા ફેરફારો હોય, બાકી એનું એ જ !

એન્જિનિયર બનીને કરોડપતિ શેઠ (કમલકપુર)ની દીકરી મુમતાઝના પ્રેમમાં શેઠ વાંધો ઉઠાવે છે, અમીરી- ગરીબીનો. અને ભાવિ જમાઈ રાજ સામનો કરતાં, શેઠ છટકું ગોઠવી બળાત્કારના આરોપમાં હીરો શશી કપૂરને જેલમાં મોકલે છે, જ્યાં ડેની ડેન્ઝોન્ગપા, અસરાની અને તરૂણ ઘોષ (જે બંગાળી એક્ટરે આ ફિલ્મની વાર્તાનો આઇડિયા આપ્યો હતો.) જેવા બદમાશોનો તેને સાથ મળે છે. જેલમાંથી ભાગીને એ લોકો મદનપુરીના મતવિસ્તાર શાંતિનગર નામના ગામમાં આશરો લે છે. અહીં મદનપુરી ડાકુ રૂપા (શ્યામકુમાર)ની મદદથી ગામને રંજાડતો રહે છે, પણ આ ટોળકી ગામને મુક્ત કરે છે.

એ વખતનુ ય એવોર્ડનું ધોરણ કેટલું નીચું હશે કે, આ ફિલ્મના કિરદાર માટે અસરાની બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ માટે નોમિનેટ થયો હતો. લગભગ ૨૦૦- ઉપરાંત ફિલ્મોમાં કેવળ પોતાની શરતે કામ કરતા વિલન ડેની ડેન્ઝોન્ગપા (મૂળ નામ શૅરિંગ ફિન્ટસો ડેન્ઝોન્ગપા) સહુને ગમતો વિલન છે. એ મૂળે સિક્કિમના ગેંગટોકમાં જન્મ્યો હતો અને ત્યાંના અંતિમ ચોગ્યાલની ભત્રીજી અને રાજકુમારી 'ગાવા' સાથે પરણ્યો છે. એના બે બાળકો રિનઝીંગ અને પેમા હવે મોટા થઈ ગયા છે. એક જમાનામાં સામાન્ય હીરોઇન કિમ (યશપાલ) સાથે એનો પ્રેમસંબંધ હતો. જે ફળીભૂત ન થયો. વિવાદાસ્પદ ફિલ્મો ઉતારનારા બી.આર. ઇશારાની ફિલ્મ 'જરૂરત' ('૭૧)માં ડેની પહેલી વખત આવ્યો અને પછી એ ગુલઝારની ફિલ્મ 'મેરે અપને'માં છવાઈ ગય

પાર્ટી-શાર્ટીઓમાં તો મુંબઈ આવે ત્યારે મૂમતાઝ (જન્મ તા. ૩૧ જુલાઈ, ૧૯૪૭) અચૂક જાય છે. મયૂર માધવાણી સાથે પરણીને નાયરોબી ઇસ્ટ આફ્રિકામાં વસેલી મુમતાઝ એના એક જમાનાના પ્રેમી ફિરોઝ ખાનની વેવાણ થાય. ખૂબીની વાત એ છે કે દારા સિંઘની ફિલ્મોમાં એ હીરોઇન તરીકે આવતી (એ જમાનામાં દારા સિંઘને એક ફિલ્મના  ૪,૫૦,૦૦૦/- મળતા મુમતાઝને  અઢી લાખ) ત્યારે કોમેડિયન મેહમૂદના અંધાધૂંધ પ્રેમમાં હતી. નામ તો જીતેન્દ્રનું ય આવ્યું હતું પણ હિંદી ફિલ્મોનો એ પોતે એક અજાયબ કિસ્સો બની. પાછળ કોઈ ગોડફાધર નહિ છતાં તદ્દન ફાલતુ અભિનેત્રીમાંથી મુમતાઝ નંબર વન હીરોઇન બની ગઈ. માત્ર હિરોઇન જ નહિ, રૂપ અને સેક્સી-દેખાવનો હર્યોભર્યો દરિયો એનામાં સમાયેલો હતો. એ મૂળ ભારતીય નહોતી, ઇરાની હતી. એના વાલીદ અબ્દુલ સમીદ અસ્કરી અને મા સરદાર બેગમ હબીબ આગા (જે પણ એક જમાનામાં ફિલ્મ અભિનેત્રી હતા.)

મુમતાઝની બહેન મલ્લિકા ય સાઇડ-એક્ટ્રેસ હતી અને દારા સિંઘના ભાઈ રણધાવાને પરણી હતી. મુમતાઝનો પિતરાઈ ભાઈ રૂપેશકુમાર વિલન હતો. રાજેશ ખન્નાની બેતહાશા ચમચાગીરી ઉપરાંત આડેધડ દારૂ પીવાને કારણે એ ભરયુવાનીમાં ગુજરી ગયો. મુમુની સૌથી પહેલી ફિલ્મ ૧૯૫૨માં આવેલી 'સંસ્કાર' હતી એ પછી એણે શમ્મી કપૂરની ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ', 'યાસ્મિન', 'સ્ત્રી', 'મૈં શાદી કરને ચલા' અને 'ડૉ. વિદ્યા' જેવી ફિલ્મોમાં નગણ્ય રોલ કર્યા હતા.

જે રોલ સ્વીકારવાની હરકોઈ અભિનેત્રીએ ના પાડી, કારણ કે એ વેશ્યાનો રોલ હતો એ ફિલ્મ 'ખીલૌના' માટે મુમુ તૈયાર થઈ હતી અને કાયમ માટે છવાઈ ગઈ હતી. એક્ટિંગની તો એ મહારાણી હતી , પણ સુંદર હોવા ઉપરાંત એનું શરીર સેક્સી- ચઢાવ ઉતારોથી ભરપુર હોવાને કારણે અનેક પ્રેક્ષકો ફિલ્મ નહિ પણ 'મુમતાઝ'ને જોવા ફિલ્મ અનેકવાર જોતા. આશ્ચર્ય ત્યારે થઈ શકે એક વાતનું કે મુમતાઝનું સૌંદર્ય તેના મેકઅપ મેન અને હેરસ્ટાઇલિસ્ટને વધુ આભારી હતું. દેખાવ કોઈ આસમાની પરી જેવો નહોતો પણ મેક-અપની કમાલ અને સૅક્સી ફિગરને કારણે એ છવાઈ ગઈ. વાળ તો એના ટૂંકા અને કર્લી હતા, પણ હેરસ્ટાયલિસ્ટની કમાલ જુઓ. એની દરેક ફિલ્મોમાં એના વાળ દર્શકોને વધુ આકર્ષતા. સંભવ છે, આજના જમાનાની હીરોઇનોની જેમ એને પોતાના અસલી વાળ સાથે પરદા ઉપર આવવાનું હોત, તો આટલી ના ચાલી હોત !

કિશોરનો જમાનો પૂરબહારમાં ચાલુ હતો છતાં મુહમ્મદ રફીના ભક્ત સંગીતકારોએ વફાદારી છોડી નહોતી, તેમાં પ્રજ્ઞાાચક્ષુ સંગીતકાર સ્વ. રવીન્દ્ર જૈને રફી પાસે બે મધુરા યુગલ ગીતો અહીં ગવડાવ્યા છે.,'એક ડાલ પર તોતા બોલે...' અને 'પાંવ મેં ડોરી, ડોરી મેં ઘૂંઘરૂ...' અલબત્ત, જમાનો એનો ચાલતો હતો, એ જોતાં કિશોરકુમારનું દર્દીલું ગીત 'ઘૂંઘરૂ કી તરહ, બજતા હી રહા હૂં મૈં' રેડિયો ઉપર વધુ વાગ્યું. રફીના બન્ને ગીતો શશી બાબાની પર્સનાલિટી ઉપર પરફેક્ટ બેસતા હતા. શશી ખૂબ સ્ટાયલિશ હતો અને એના બન્ને ભાઈઓની જમ ગીતોની અદાયગીમાં મોરલાની જેમ શોભી ઊઠતો એને કપડા ખૂબ શોભતા, ખાસ કરીને હાફ-સ્લિવ્ઝની જર્સી. આટલા સફળ થયા પછી એ અનક્રાઉન્ડ હીરો તો હતો જ, પણ અમિતાભનો જમાનો શરૂ થતા આ ભ'ઇએ પહેલી ભૂલ અમિતાભ સાથે ય પેરેલલ હીરોની ફિલ્મો સ્વીકારવાની કરી, એમાં દેખીતી રીતે જ એ બીજા નંબર પર આવી ગયો. પછી તો એને સિંગલ-હીરોની ફિલ્મો ય ક્યાંથી મળે ?

એ જ શશી કપૂર પાછો હતો ત્યાંનો ત્યાં આવી ગયો. વચમાં જે કાંઈ પૈસા કમાયો, એ બધા પાપા પૃથ્વીરાજની સ્મૃતિમાં બનાવાયેલ પૃથ્વી- થીયેટર્નસા નાટકો અને 'કલયુગ' કે 'ઉત્સવ' જેવી આર્ટ ફિલ્મોમાં વેડફી નાખ્યા... આજે તબિયતના મામલે અસહાય થઈ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. તકદીર !