Search This Blog

08/07/2016

'ચોર મચાયે શોર' ('૭૪)

ફિલ્મ : 'ચોર મચાયે શોર' ('૭૪)
નિર્માતા : એન. એન. સિપ્પી
દિગ્દર્શક : અશોક રોય
સંગીતકાર : રવીન્દ્ર જૈન
ગીતકાર : રવીન્દ્ર જૈન, રાજકવિ, ઇન્દ્રજીત સિઘ 'તુલસી'
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ- ૧૩૯ મિનિટ્સ
થિયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : શશી કપૂર, મુમતાઝ, ડેની ડેન્ઝોન્ગપા, અસરાની, તરૂણ ઘોષ મદનપુરી, કમલ કપુર, ઉમા દત્ત, મીના ટી, સજ્જન, શ્યામકુમાર, અસિત સેન, રામમોહન, ચમનપુરી, ચંદ્રિમા ભાદુરી, ચિન્ટુ અને પ્રકાશગીતો
૧...એક ડાલ પર તોતા બોલેએક ડાલ પર મૈના...... મુહમ્મદ રફી-લતા મંગેશકર
૨...ઘૂંઘરૂ કી તરહબજતા હી રહા હૂં મૈંકભી ઉસ પગ પર...... કિશોરકુમાર
૩...લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે...... કિશોરકુમાર- આશા ભોંસલે
૪...પાંવ મેં ડોરીડોરી મેં ઘૂઘરૂંઘૂંઘરૂ કી રૂનઝૂન...... મુહમ્મદ રફી-આશા ભોંસલે
૫...આગરે સે ઘાઘરો મંગા દે રસિયાકિ મૈં તો મેલા દેખન જાઉંગી...... આશા ભોંસલે
ગીત નં. ૧ અને ૩ 'તુલસી', બાકીના રવીન્દ્ર જૈન

તમે જીંદગીથી કંટાળી ગયા હો અને ચારે બાજુ નિષ્ફળતા જ નિષ્ફળતાઓએ ઘેરી લીધા હોય, તો શશી કપૂરનો દાખલો તમને બહુ કામમાં આવે એવો છે. ફિલ્મો તો જાવા દિયો, રોજના સંસારમાં ય શશી કપૂર જેવું તકદીર બહુ ઓછાના ભાગ્યમાં આવ્યું હોય ! દાખલો સીધો છે. હિંદી ફિલ્મોના 'ફર્સ્ટ ફેમિલી' કપૂર ખાનદાનનો આ સ્માર્ટ સુપુત્ર અને એ ય રાજ કપૂર અને શમ્મી કપૂરનો સગો ભાઈ, છતાં ફિલ્મોમાં પ્રારંભથી જ તદ્ન ફ્લોપ. પહેલી ફિલ્મ 'ચાર દિવારી' એક પણ વાર જોઈ શકાય એવી નહોતી, તો બીજી, ત્રીજી, ચોથી, કે આઠમી... બધી 'ચાર દિવારી'ને ય સારી કહેવડાવે એેવી હતી.

એમાંની ય જે કોઈ સફળ થઈ એનો યશ કાં હીરોઈનને કાં સંગીતકારને ગયો. શશી બાબાને તો ફ્લોપ હીરોનું લેબલ લાગી ગયું હતું અને એની ખાસ દોસ્ત નંદા સિવાય એકે ય હિરોઇન એની સાથે કામ કરવા તૈયાર ન થાય... એટલે સુધી કે ફિલ્મ 'પ્રેમપત્ર'માં હીરો શશી કપૂર હોય તો પોતે કામ નહિ કરે, એવી નાનકડી ધમકી હીરોઇન સાધનાએ પણ બહાર પાડી હતી, પણ ફિલ્મ બિમલરોયની હતી એટલે બહેનથી વધુ કાંઈ બોલાયું નહિ. સઈદા ખાન કે કુમકુમ જેવી દારાસિંઘની હીરોઇનો પણ શશીબાબા સાથે કામ કરવા તૈયાર નહિ. એમાં એક તોતિંગ સફળ ફિલ્મ આવી અને એ ય નંદા સાથે, 'જબ જબ ફૂલ ખીલે...' પણ જહે નસીબ... એની ધૂમધામ સફળતાનો પૂરો યશ નંદા અને સંગીતકાર કલ્યાણજી-આણંદજીને મળ્યો... શશીનો તો કોઈએ ખાસ ભાવ પણ ન પૂછ્યો.

કુદરતનો ખેલ જુઓ. ધીમે ધીમે મુમતાઝ ટોચની હીરોઇન બની ગઈ અને આ ફિલ્મના નિર્માતા એન. એન. સિપ્પીએ પોતાની નવી ફિલ્મ 'ચોર મચાયે શોર' માટે શશી કપૂર સાથે મુમતાઝને હીરોઇન લીધી. હવે મુમતાઝ એની હીરોઇન બને તો શશી બાબા માટે ચાંદ- સૂરજ જમીન પર આવવા જેટલી સફળતા કહેવાય. એને શંકા હતી કે, એક જમાનામાં મુમતાઝને એણે ના પાડી હતી ને હવે બાજી મુમતાઝના હાથમાં છે, એટલે એ ય એના જેવા ફ્લોપ હીરો સાથે શું કામ હા પાડે ?

મુમુએ ના ન પાડી. છોકરીએ પોતાની ખાનદાની બતાવી. પોતે ઉપકાર કર્યો છે, એવો ભાવ લાવ્યા વગર શશી કપૂર સાથે કામ કરવાની તરત હા પાડી દીધી અને...

... અને શશી કપૂરનું તકદીર આ જ ફિલ્મથી ધૂમધામ ઉંચકાયું. ફિલ્મ સુપરહીટ ગઈ (એ વર્ષની બીજા નંબરની બ્લોક બસ્ટર) એ તો ઠીક, પણ ફિલ્મની સફળતાનો યશ એકમાત્ર શશી કપૂરને મળ્યો. સિપ્પીએ જરા ય રાહ જોયા વિના તરત જ બીજી ફિલ્મ આ જ ટીમ સાથે જાહેર કરી દીધી. એક મુમતાઝને બદલે શબાના આઝમીને લઈને, ફિલ્મ 'ફકીરા !' એ ય સુપરહિટ ગઈ. તરત જ મનમોહન દેસાઈનું 'આ ગલે લગ જા' આવ્યું અને એેણે તો સફળતાના તમામ માપદંડો બદલી નાખ્યા. (કંઈક બાકી રહી જતું હશે તેમ, આ ફિલ્મ 'ફકીરા'થી શશી-શબાના કંઈક વધુ પડતા આગળ વધી ગયા અને બન્ને વચ્ચે હાઇ-સ્પીડ રોમાન્સની વાતો ફિલ્મી- મેગેઝિનોમાં છપાવા માંડી.)

બસ. પોતાના નસીબને રોતા રહેતા વાચકો માટે આ દાખલો કાફી છે. શશીનું નસીબ એ હદે બદલાયું કે, એણે રોજની ત્રણ ત્રણ શિફ્ટોમાં કામ કરવું પડે, એટલી ફિલ્મો (અને પૈસા) મળ્યા.

તો શું, 'ચોર મચાયે શોર' એટલી બધી અદ્ભુત ફિલ્મ હતી ?

સૉરી... ના ! જાપાનીઝ ફિલ્મ સર્જક અકિરા કુરોસાવાનો પડછાયો દુનિયાભરના ફિલ્મ નિર્માતાઓ ઉપર પડયો છે. એની 'ધી સેવન સમુરાઈ' ઉપરથી આપણી ફિલ્મ 'શોલે' કે 'ખોટે સિક્કે' તો ઠીક, પણ હોલીવૂડની 'ધી મેગ્નિફિસૅન્ટ સેવન' જેવી અનેક ફિલ્મો બની અને બધી સુપરહિટ બની. 'ચોર મચાયે શોર' પણ એમાંની જ એક. કોઈ ભારતીય દર્શકે પહેલીવાર 'ધ સેવન સમુરાઈ' જોઈ હોય તો એમ જ કહે

આજની ફિલ્મ 'ચોર મચાયે શોર' પણ કોઈ અપવાદ નહોતી. ચોરી-ડકૈતીના આડાધંધામાં ડૂબેલા ચાર ગુન્હેગારો જેલ તોડીને એક નાનકડા ગામમાં જઈ 'ગાંવવાલો'ને રંજાડતા ડાકુઓનો સામનો કરવા ગામના લોકોને તૈયાર કરે છે, એ ચીલાચાલુ વાર્તા અહીં પણ છે. નાના મોટા ફેરફારો હોય, બાકી એનું એ જ !

એન્જિનિયર બનીને કરોડપતિ શેઠ (કમલકપુર)ની દીકરી મુમતાઝના પ્રેમમાં શેઠ વાંધો ઉઠાવે છે, અમીરી- ગરીબીનો. અને ભાવિ જમાઈ રાજ સામનો કરતાં, શેઠ છટકું ગોઠવી બળાત્કારના આરોપમાં હીરો શશી કપૂરને જેલમાં મોકલે છે, જ્યાં ડેની ડેન્ઝોન્ગપા, અસરાની અને તરૂણ ઘોષ (જે બંગાળી એક્ટરે આ ફિલ્મની વાર્તાનો આઇડિયા આપ્યો હતો.) જેવા બદમાશોનો તેને સાથ મળે છે. જેલમાંથી ભાગીને એ લોકો મદનપુરીના મતવિસ્તાર શાંતિનગર નામના ગામમાં આશરો લે છે. અહીં મદનપુરી ડાકુ રૂપા (શ્યામકુમાર)ની મદદથી ગામને રંજાડતો રહે છે, પણ આ ટોળકી ગામને મુક્ત કરે છે.

એ વખતનુ ય એવોર્ડનું ધોરણ કેટલું નીચું હશે કે, આ ફિલ્મના કિરદાર માટે અસરાની બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ માટે નોમિનેટ થયો હતો. લગભગ ૨૦૦- ઉપરાંત ફિલ્મોમાં કેવળ પોતાની શરતે કામ કરતા વિલન ડેની ડેન્ઝોન્ગપા (મૂળ નામ શૅરિંગ ફિન્ટસો ડેન્ઝોન્ગપા) સહુને ગમતો વિલન છે. એ મૂળે સિક્કિમના ગેંગટોકમાં જન્મ્યો હતો અને ત્યાંના અંતિમ ચોગ્યાલની ભત્રીજી અને રાજકુમારી 'ગાવા' સાથે પરણ્યો છે. એના બે બાળકો રિનઝીંગ અને પેમા હવે મોટા થઈ ગયા છે. એક જમાનામાં સામાન્ય હીરોઇન કિમ (યશપાલ) સાથે એનો પ્રેમસંબંધ હતો. જે ફળીભૂત ન થયો. વિવાદાસ્પદ ફિલ્મો ઉતારનારા બી.આર. ઇશારાની ફિલ્મ 'જરૂરત' ('૭૧)માં ડેની પહેલી વખત આવ્યો અને પછી એ ગુલઝારની ફિલ્મ 'મેરે અપને'માં છવાઈ ગય

પાર્ટી-શાર્ટીઓમાં તો મુંબઈ આવે ત્યારે મૂમતાઝ (જન્મ તા. ૩૧ જુલાઈ, ૧૯૪૭) અચૂક જાય છે. મયૂર માધવાણી સાથે પરણીને નાયરોબી ઇસ્ટ આફ્રિકામાં વસેલી મુમતાઝ એના એક જમાનાના પ્રેમી ફિરોઝ ખાનની વેવાણ થાય. ખૂબીની વાત એ છે કે દારા સિંઘની ફિલ્મોમાં એ હીરોઇન તરીકે આવતી (એ જમાનામાં દારા સિંઘને એક ફિલ્મના  ૪,૫૦,૦૦૦/- મળતા મુમતાઝને  અઢી લાખ) ત્યારે કોમેડિયન મેહમૂદના અંધાધૂંધ પ્રેમમાં હતી. નામ તો જીતેન્દ્રનું ય આવ્યું હતું પણ હિંદી ફિલ્મોનો એ પોતે એક અજાયબ કિસ્સો બની. પાછળ કોઈ ગોડફાધર નહિ છતાં તદ્દન ફાલતુ અભિનેત્રીમાંથી મુમતાઝ નંબર વન હીરોઇન બની ગઈ. માત્ર હિરોઇન જ નહિ, રૂપ અને સેક્સી-દેખાવનો હર્યોભર્યો દરિયો એનામાં સમાયેલો હતો. એ મૂળ ભારતીય નહોતી, ઇરાની હતી. એના વાલીદ અબ્દુલ સમીદ અસ્કરી અને મા સરદાર બેગમ હબીબ આગા (જે પણ એક જમાનામાં ફિલ્મ અભિનેત્રી હતા.)

મુમતાઝની બહેન મલ્લિકા ય સાઇડ-એક્ટ્રેસ હતી અને દારા સિંઘના ભાઈ રણધાવાને પરણી હતી. મુમતાઝનો પિતરાઈ ભાઈ રૂપેશકુમાર વિલન હતો. રાજેશ ખન્નાની બેતહાશા ચમચાગીરી ઉપરાંત આડેધડ દારૂ પીવાને કારણે એ ભરયુવાનીમાં ગુજરી ગયો. મુમુની સૌથી પહેલી ફિલ્મ ૧૯૫૨માં આવેલી 'સંસ્કાર' હતી એ પછી એણે શમ્મી કપૂરની ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ', 'યાસ્મિન', 'સ્ત્રી', 'મૈં શાદી કરને ચલા' અને 'ડૉ. વિદ્યા' જેવી ફિલ્મોમાં નગણ્ય રોલ કર્યા હતા.

જે રોલ સ્વીકારવાની હરકોઈ અભિનેત્રીએ ના પાડી, કારણ કે એ વેશ્યાનો રોલ હતો એ ફિલ્મ 'ખીલૌના' માટે મુમુ તૈયાર થઈ હતી અને કાયમ માટે છવાઈ ગઈ હતી. એક્ટિંગની તો એ મહારાણી હતી , પણ સુંદર હોવા ઉપરાંત એનું શરીર સેક્સી- ચઢાવ ઉતારોથી ભરપુર હોવાને કારણે અનેક પ્રેક્ષકો ફિલ્મ નહિ પણ 'મુમતાઝ'ને જોવા ફિલ્મ અનેકવાર જોતા. આશ્ચર્ય ત્યારે થઈ શકે એક વાતનું કે મુમતાઝનું સૌંદર્ય તેના મેકઅપ મેન અને હેરસ્ટાઇલિસ્ટને વધુ આભારી હતું. દેખાવ કોઈ આસમાની પરી જેવો નહોતો પણ મેક-અપની કમાલ અને સૅક્સી ફિગરને કારણે એ છવાઈ ગઈ. વાળ તો એના ટૂંકા અને કર્લી હતા, પણ હેરસ્ટાયલિસ્ટની કમાલ જુઓ. એની દરેક ફિલ્મોમાં એના વાળ દર્શકોને વધુ આકર્ષતા. સંભવ છે, આજના જમાનાની હીરોઇનોની જેમ એને પોતાના અસલી વાળ સાથે પરદા ઉપર આવવાનું હોત, તો આટલી ના ચાલી હોત !

કિશોરનો જમાનો પૂરબહારમાં ચાલુ હતો છતાં મુહમ્મદ રફીના ભક્ત સંગીતકારોએ વફાદારી છોડી નહોતી, તેમાં પ્રજ્ઞાાચક્ષુ સંગીતકાર સ્વ. રવીન્દ્ર જૈને રફી પાસે બે મધુરા યુગલ ગીતો અહીં ગવડાવ્યા છે.,'એક ડાલ પર તોતા બોલે...' અને 'પાંવ મેં ડોરી, ડોરી મેં ઘૂંઘરૂ...' અલબત્ત, જમાનો એનો ચાલતો હતો, એ જોતાં કિશોરકુમારનું દર્દીલું ગીત 'ઘૂંઘરૂ કી તરહ, બજતા હી રહા હૂં મૈં' રેડિયો ઉપર વધુ વાગ્યું. રફીના બન્ને ગીતો શશી બાબાની પર્સનાલિટી ઉપર પરફેક્ટ બેસતા હતા. શશી ખૂબ સ્ટાયલિશ હતો અને એના બન્ને ભાઈઓની જમ ગીતોની અદાયગીમાં મોરલાની જેમ શોભી ઊઠતો એને કપડા ખૂબ શોભતા, ખાસ કરીને હાફ-સ્લિવ્ઝની જર્સી. આટલા સફળ થયા પછી એ અનક્રાઉન્ડ હીરો તો હતો જ, પણ અમિતાભનો જમાનો શરૂ થતા આ ભ'ઇએ પહેલી ભૂલ અમિતાભ સાથે ય પેરેલલ હીરોની ફિલ્મો સ્વીકારવાની કરી, એમાં દેખીતી રીતે જ એ બીજા નંબર પર આવી ગયો. પછી તો એને સિંગલ-હીરોની ફિલ્મો ય ક્યાંથી મળે ?

એ જ શશી કપૂર પાછો હતો ત્યાંનો ત્યાં આવી ગયો. વચમાં જે કાંઈ પૈસા કમાયો, એ બધા પાપા પૃથ્વીરાજની સ્મૃતિમાં બનાવાયેલ પૃથ્વી- થીયેટર્નસા નાટકો અને 'કલયુગ' કે 'ઉત્સવ' જેવી આર્ટ ફિલ્મોમાં વેડફી નાખ્યા... આજે તબિયતના મામલે અસહાય થઈ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. તકદીર !

No comments: