Search This Blog

13/07/2016

કવિઓ અને લેખકો... સારૂં કોણ ?

સ્ટેજ પર બેઠેલા અમારા સાહિત્યકારોને જોયેલા યાદ છે ? સ્ટેજની ખુરશીઓ ઉપર એવા દયામણા અને ચિંતાતુર ચેહરે બેઠા હોય, જાણે પ્રસૂતિગૃહની બહાર વેઇટિંગરૂમમાં, આવનારા બાળકોના ફાધરો દાઢી ઉપર (પોતપોતાની) હાથ રાખીને બેઠા હોય ! (અહીં હાથ મૂકવા માટે શરીરના એક અવયવ 'દાઢી'ને ગણવામાં આવી છે... બાકી એકબીજાના 'ગળાં' સમજવા !) 'હમણાં આપણો વારો આવશે... હમણાં આવશે... !' એવી ચિંતામાં, આપણા કરતા બીજા ફાધરને પહેલો બાબો આવી ગયો હોય તો ય પડેલા મોંઢે 'હલુલ્લુલ્લુ' કરતા પરાણે રમાડવા જવું પડે, એમ બીજા વક્તા બોલતા હોય ત્યારે સાવ ખોટેખોટા સ્માઇલો આપીને-સાવ ખોટેખોટી દાદ આપીને મોંઢું મુલાયમ રાખવું પડે. એ પાછા જાણતા હોય છે કે, 'આવડો આ ગમે તેટલો તૂટી જાય... શ્રોતાઓ ફક્ત મને જ સાંભળવા આવ્યા છે...' સ્ટેજ પર બેઠેલો એકે ય વક્તો એ સ્વીકારવા તૈયાર હોતો નથી કે, 'અત્યારે જે બોલી રહ્યો છે, એ પણ સારૂં બોલે છે... એને ય પોતાનો ચાહકવર્ગ છે... એની સરખામણીમાં આ સ્ટેજ પર મારે ટકી રહેવું મુશ્કેલ બનવાનું છે !' આ નિરીક્ષણ કવિ-લેખકોને સરખે હિસ્સે લાગુ પડે છે.

અનેકવાર ઓડિયન્સમાં હોય એના કરતા સ્ટેજ પર વધુ ભીડ જોવામાં આવે છે- સાંભળનારા કરતા બોલનારા વધુ ! સ્ટેજ પર અનેક એવા હોય છે, જેમને વર્ષ-બે વર્ષમાં માંડ એકાદ આવો ચાન્સ મળ્યો હોય છે, પછી એ શ્રોતાઓને છોડે ? મારા સૌરાષ્ટ્રની ભાષામાં એ ઓડિયન્સના 'ભૂકાં બોલાવી દિયે... !' આમાં સરવાળે મરવાના થાય છે શ્રોતાઓ. પહેલાવાળો જ એટલો મૂઢમાર મારીને ગયો હોય કે, મનમાં ધૂંઆફૂવા થઈ જઈને શ્રોતાઓ રીતસરના ગણવા માંડે છે, ''બે પત્યા... હજી સાત બાકી રહ્યા... ! આ લોકો ઈન્ટરવલ જેવું ય કાંઈ પાડતા નથી !''

સ્ટેજ પર બેસવાની એક ગરિમા હોય છે. ઘરમાં ભલે તમે ટુવાલ પહેરીને ફરતા હો, સ્ટેજ પર 'ડીસન્ટ' કપડાં હોવા જોઇએ. સારી ક્વોલિટીના કપડાં, જે એમને બને ત્યાં સુધી સામાન્ય શ્રોતાથી શારીરિક રીતે પણ જુદા પાડે. પેલો બોલવા ઊભો થાય ત્યારે માઇક સરખું કરી આપવા આવેલો સાઉન્ડવાળો આ ભ'ઈથી વધારે સારો લાગવો તો ન જોઈએ ને ? પણ આને જોઈને શ્રોતાઓને જોવામાં કોઈ ફરક જ ન પડે કે, માઇકવાળો બોલે છે કે આપણો મુખ્ય મેહમાન !

હવે એમના કપડાં યાદ કરો. દયા આવી જાય કે, આ બિચારાઓને ઢંગના કપડાં ખરીદવા જેટલો ય પુરસ્કાર નહિ મળતો હોય ? કવિઓ અને શાયરો તો હજી એ ભ્રમમાંથી બહાર નથી આવ્યા કે, કપડાં જેટલા મુફલીસ પહેરીએ, એટલી પર્સનાલિટી વધારે પડે ! ''અમારી રચનાઓ બોલતી હોય છે, અમારૂં સાહિત્ય બોલતું હોય છે... અમારા કપડાં નહિ ! શ્રોતાઓ ધોબીઓ નથી કે, અમારા પ્રવચનને બદલે અમારા કપડાંને જોયે રાખે.''

હજી તો કાંઈ બાકી રહી જતું હોય એમ, અમારા સાહિત્યકારો ખભે બગલથેલા લટકાઈને આવે છે. કઈ કમાણી ઉપર આ લોકો બગલથેલા લઇને ફરતા હશે, તે ઇન્કમટેક્સવાળાઓ ય સમજી શક્યા નથી, ક્યારેય કોઈ સાહિત્યકારને ત્યાં દરોડો પડયો હોય એવું સાંભળ્યું ?

વાસ્તવિકતા તો એ છે કે, તમને સાંભળવા આવેલ શ્રોતાઓ કરતા આ વિષયમાં તમે વધુ જ્ઞાની છો અને સહુ તમારી કદર કરે છે. માત્ર સાંભળીને નહિ, તો તમને જોઈને પણ એ લોકો ભલે ઈમ્પ્રેસ ન થાય... ડીપ્રેસ તો ન થવા જોઈએ ને ? વ્યવસ્થિત કપડાં પહેરવાથી તમારી રચનાઓ સુધરી જવાની નથી, પણ પર્સનાલિટી બેશક સુધરેલી લાગશે ! અહીંથી બધું પતાવીને ઘરે પાછા પહોંચો ત્યારે ફરી એકવાર તમારા અડધા ચડ્ડા કે ટુવાલમાં આવી જાઓ... કોઈની બા નહિ ખીજાય !'

કપડાંની આવી વાત સાંભળીને ખાસ કરીને કાઠીયાવાડ બાજુના અમારા સર્જકો તો કોપાયમાન થઈ જશે અને સામી ચોપડાવશે, ''લૂગડાં હારા પે'રવાથી જ જ્ઞાાનપીઠું મળતા હોત તો અમારા ગામમાં ક્રિકેટના સટ્ટાવાળા જવાનીયાવને ભારતરત્નનું પહેલા નો મળે ??''
સવાલ કેવળ ઢંગના કપડાં પહેરીને પબ્લિકમાં દર્શન આપવાનો છે. શર્ટ કે ઝભ્ભા તો પાંચસો-હજારમાં ય મળે છે, પણ બ્રાન્ડેડ કપડાં અને તે ય તમને શોભે એવા પહેરવાથી સ્વયં તમે ય તમારી જાતને નોખા પામી શકશો... સારા કપડાંનો અર્થ એવો ય નહિ કે, તરણેતરના મેળામાં રંગબીરંગી છત્રીઓ લઈને ગ્રામ્યજનો આવતા હોય, એ છત્રી ફાડીને આમણે ઝભ્ભો બનાવ્યો હોય ! જસ્ટ બીકોઝ... તમે કવિ છો, એટલે રેશમી ઝભ્ભા અને બંડા પહેરવાના જ ? અને વાતવાતમાં ખભે શોલ ઓઢીને શેના હાલ્યા આવો છો ? મૂર્ધન્ય સાહિત્યકાર ગણાવવા માટે કદાચ શોલ કે ખાદી-ભંડારવાળી ગરમ ટોપી જરૂરી હશે, તો એનો મતલબ એ પણ થયો કે, શ્રોતાઓના લાભમાં આ ભ'ઈ શોલ અને બગલથેલો ઘેર ભૂલીને આવ્યા હોય તો સ્ટેજ ઉપર એમનાથી કોઈ સાહિત્ય નીકળી જ ન શકે. આવા લોકોના ઘેર તો ખીજાવા માટે સ્પેરમાં બાઓ ય ન પડી હોય !

ઈશ્વરે જે ચેહરો આપ્યો હોય, એમાં તો નામનો ય ફેરફાર કરી શકવાના નથી, પણ બાકીના શરીરને શોભાવવું તો આપણા હાથમાં છે ને ? આ તો કાંઈ બાકી રહી જતું હોય એવા દાઢાં રાખશે. મૂળ કાળી હોય તો ય ''સફેદ'' હેરડાઈ લગાવીને અદબ વાળીને સ્ટેજ પર બેઠા હશે. દાઢી રાખવાથી મેક્સિમમ તમે નરેન્દ્ર મોદી જેવા લાગી શકો...

અને એમનું જોઈને હવે તો કેટલાક સાહિત્યકારો અડધી બાંયના 'મોદી-ઝભ્ભા' ય પહેરતા થઈ ગયા છે. એમ કરવામાં ય તમે હૂબહૂ મોદી જેવા લાગવાના હો, તો ય તમે 'તમે' તો નથી જ લાગવાના ! શ્રોતાઓને મોદીને જ સાંભળવા હોય તો ટીવી ક્યાં નથી ? ચાહકો મોદીની જેમ તમારા ય ઓટોગ્રાફ લેવા આવે છે ને તમારી સાથે ય સેલ્ફી પડાવે છે. એ સેલ્ફી જોઈને કોઈને એમ તો લાગવું ન જોઈએ ને કે, આજકાલ સ્કૂટર-મીકેનિકો અને પાનવાળાઓ ય ઓટોગ્રાફ આપતા થઈ ગયા... ?

પાણી-પુરીવાળા સાથે 'સેલ્ફી' પડાવવા જેવી વાત થઇ!

બ્રાન્ડેડ કપડાંની વાત નીકળી છે તો કવિ-લેખકોના બચાવમાં એ ય કહેવું પડે કે, એમને મળતા પુરસ્કારોમાંથી જે પહેરીને આવ્યા છે, એ કપડાં જ પોસાય... જસ્ટ બીકોઝ, એમને સ્ટેજ પર બોલવા જવાનું છે એટલે કોઈ તાજા પરણેલા પડોસીનો શૂટ માંગવા ન જવાય... આ તો એક વાત થાય છે ! લગભગ દરેક સાહિત્યકાર પૈસેટકે મામૂલી હોય છે અને દરેકને મોંઘા બ્રાન્ડેડ કપડાં પોસાય પણ નહિ, એ સ્વીકારીએ તો પણ એ હું નથી સ્વીકારવાનો કે, મિનિમમ બે જોડી એમને ન પોસાય. સ્ટેજ પર પહેરવા માટે મોંઘી તો મોંઘી, તમને શોભે એવી વસાવો.

પાછી એ વાતે ય સાચી કે, પ્રકાશકો કે તંત્રીઓ એમના કવિ-લેખકોને એવા કોઈ પુરસ્કારો ય આપી દેતા નથી, જેથી સ્ટેજ સુધી આ લોકો ગાડી લઈને આવી શકે. હકીકતમાં કોઈ કવિ-લેખક 'પોતાની' ગાડીમાં આવતો-જતો હજી હમણાં-બસ, કોઈ આઠ-દસ વર્ષ પહેલા થયો. બાકી તો જ્યાં એણે બોલવા જવાનું હોય ત્યાં પુરસ્કાર તો પછીની વાત છે, આયોજકો પૂરતું રીક્ષાભાડું આપશે કે નહિ, એ ચિંતામાં થાકેલી અને કરૂણ રચનાઓ સ્ટેજ પરથી ઝીંકાઈ જતી. હવે થોડા કવિ-લેખકો પોતાની ગાડી (ઘોડાગાડી નહિ... ગુજરાતમાં કારને ગાડી કહેવાય છે !) લઈને આવતા થયા છે. અર્થ એનો એ નથી કે, પ્રકાશકો-તંત્રીઓ આ લોકોનું મૂલ્ય સમજ્યા છે... અર્થ એનો એ થાય છે કે, આજકાલ તો કવિ-લેખક જેવા ય ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. સેકન્ડ-હેન્ડ ગાડીઓ હવે હપ્તે-હપ્તે મળે છે, એટલે બધું સહેલું થઈ ગયું છે. કેટલાકને પોતાની કિંમત સમજાઈ છે, એ સાહિત્યકારો પ્રવચન કરવાના કે સ્ટેજ પર શે'ર-શાયરી કરવાની હેન્ડસમ મજૂરી માંગતા થયા છે, નહિ તો આજ સુધી લેખકને લેકચર માટે બોલાવે, ત્યારે બધું પત્યા પછી લેખક પોતે ગભરાઈ જતો કે, આ લોકોએ આટલું મોટું ઓડિયન્સ આપ્યું છે, એનો સાલો ચાર્જ તો નહિ લે ને ? હજારના ઓડિયન્સમાં એકેએકના દસ-દસ રૂપિયા ગણો તો ય ટોટલ મારવા સુધીમાં લેખકને એટેક આવી ગયો હોય ! આયોજકોને ય આઘાત લાગતો કે, પ્રવચન કરવાના તે કાંઈ પૈસા હોય ? અને એ ય અમારે આપવાના ? કેમ જાણે, પ્રોગ્રામ પત્યા પછી ડિનર કે હોલનું ભાડું વિના મૂલ્યે મળ્યા હોય ! બધેબધ્ધું મોંઘુ પડતું હોય છે... માત્ર કવિને પુરસ્કાર આપવામાં ભાવની રકઝક કરવાની અને ઓળખાણો લાવીને પેલા કવિ પાસેથી એણે માંગેલો પુરસ્કાર અડધો કરાવવાનો ! કવિ-લેખકને પુરસ્કાર આપવામાં. હોલમાં એક વખત શ્રોતાઓ પાસે તાળીઓ પડાવવી કે સહુને ભરચક હસાવવા એ સોનિયાજીને હસાવવા અને રાહુલજીને ચૂપ રાખવા જેવું કઠિન કામ છે, એ કોઈ આયોજકો ક્યાં સમજે ?

હમણાં થોડા યુવા કવિ-શાયરોને હું મળ્યો ત્યારે હેરત પામી ગયો કે, એ લોકોમાં તો લેખકો જેવું કાંઈ છે જ નહિ ! એ લોકો તો સ્ટેજ પરથી એકબીજાની રચનાઓ કંઠસ્થ અને પૂરા આદરથી સંભળાવે છે. એમને કેવળ પોતાની જ કવિતાઓ કે શાયરીઓ મોંઢે હોતી નથી... પોતાના જેટલી જ સીનિયર શાયરો જ નહિ, પોતાના સાથી કવિઓની રચનાઓ પણ એટલી જ વહાલી હોય છે.

તો આ બાજુ, હે વાચકો... આજ સુધી તમે એકે ય લેખક પાસે બીજા લેખકનો સ્ટેજ પરથી જ નહિ, ચા ની કિટલી ઉપરે ય ઉલ્લેખમાત્ર થતો સાંભળ્યો છે ? ટ્રાયલ લેવા પૂરતો ય-તમે ઓળખતા હો, એવા કોઈ લેખક પાસે એના જ દાયરામાં આવતા બીજા લેખકનો ઉલ્લેખ કરી જોજો... ! મારવા તો નહિ આવે, પણ તમને માર ખાધા જેવો આંચકો લાગશે. આ 'બુધવારની બપોરે' ૩૯-વર્ષની થઈ-નોનસ્ટોપ, (મને લખાણપટ્ટી કરતા ૪૪-વર્ષ થયા !) પણ આ ૩૯-વર્ષમાં આજ સુધી 'એક પણ લેખકને' મારો ઉલ્લેખ માત્ર કરતા સાંભળ્યો નથી. ખોદશે જરૂર...કવિઓ બેશક એવા નથી. (માટે જ તો તેઓ લેખક નહિ બન્યા હોય !)

આવી કોઈ ધારદાર વાતનો જવાબ યુવાકવિ ભાવેશ ભટ્ટ પાસે છે :
થઈ ગયો કેવો બધાનો લાડકો હું,
જ્યારથી માની લીધા ઉસ્તાદ સૌને !

સિક્સર
''
તમે બહારથી આવ્યા, એટલે ગરમી જરા વધારે લાગે છે...'' મેં ચીનુ મોદીનું વળી ધ્યાન દોર્યું.
''
બીજા બહારથી આવ્યા હશે... હું તો અંદરથી આવ્યો છું... !''

3 comments:

Mitul said...

Aahok Bhai koi saro hashya lekhak suggest karo ne?? Jivto hoy evo ho..

Anonymous said...

Ashokbhai dave thi vadhare saro lekhak koi malyo nathi. Lakho: 1 to 10 number ashokbhai dave

Anonymous said...

નમસ્તે સાહેબ,
હું ડાયરી લખું છું અને લેખક થવાના સ્વપ્ના જોઉં છું। ક્યારેક વળી કવિતાઓ પણ લખતો।
પણ આ વાંચીને નક્કી કરી લીધું કે હવે લેખક તે નથી જ થવું। કવિ બની જઇશ।
આભાર ... ��