Search This Blog

14/03/2001

ભૂકંપનાં ફંડફાળા તમારે શેના આપવાનાં હોય ?

ગુજરાત પૂરતી આ કહેવત બદલવા જેવી છે. આપણે ત્યાં ‘લોભિયા’ નહિ, ‘દયાળુઓ’ હોય ત્યાં ઘૂતારા ભૂખે ન મરે,’ એવી કહેવત હોવી જોઈએ. કારગીલ હોય, પૂર-હોનારત કે ભૂકંપ હોય, સાલા આપણાં સેન્ટીમૅન્ટસને રમાડીને પૈસે પૈસો લઈ જાય છે ને ઘર ભરાય છે નેતાઓ અને સરકારી અધિકારીઓના ! ગુજરાતીઓ માટે એવું ક્યારેય ન હતું કે, પોતાની થાળીમાં એક જ રોટલી હોય એની અડધી રોટલી દાન કરી દે, ઓહ શટ અપ ! ગુજરાતીની થાળી માત્ર રોટલીની થપ્પી જ નહિ, મેવા-મિષ્ટાનથી હંમેશા ભરેલી રહેલી છે.. અમે લોકો અમારી થાળીમાંથી વઘ્યું ઘટયું દાનમાં આપતા નથી, ભરેલી થાળી નવી લાવી આપીએ છીએ. પૈસો ખૂબ છે તો બાકાયદા મેહનતથી કમાયેલો છે - ગરીબો કે ભૂકંપપીડિતોનાં ફાળામાંથી કટકી કરીને કમાયેલો નથી. ગુજરાતીઓ કમાય છે પ્રભુની દયાથી, પણ જરૂર પડે પ્રભુના ખિસ્સા પણ છલોછલ ભરી આપે છે. ભારતના કોઈ પણ ભગવાનો કરતા ગુજરાતના ભગવાનો વઘુ પૈસાવાળા છે - જરૂર પડે ઇન્કમટેક્ષ ભરવો પડે એવા કારણ કે ટહેલ નાંખો તો ગુજરાતીઓ ભગવાનની તિજોરી નહિ, આખેઆખા મંદિરો પૈસાથી છલકાવી દે એમ છે... અને આ વાત કોઈ વેપારી-ઉદ્યોગપતિ ગુજરાતીઓની જ નથી, આર્થિક રીતે સામાન્ય ગુજરાતી પણ બીજાને મદદ કરવા પોતાની છાતી ફાડી નાંખે એટલો દિલાવર છે. ભૂકંપ ગુજરાતને બદલે અસમ, કેરાલા કે મેઘાલયમાં આવ્યો હોત તો ય પૈસા તો અમે જ આપવાના હતા ને ? આપતા આવ્યા છીએ...!


અને આ ------ઓ (ગમે તે શબ્દ આમાં ભરી શકાય - શરત એટલી કે એ શબ્દ શબ્દકોષમાં ન હોવો જોઈએ !) આપણે પૈસે જલસા કરે છે. જે ગુજરાતીઓ મર્યા ન હોય તો મરવાના વાંકે જીવી ગયા છે, પીડાઈ રહ્યાં છે અને મદદની જરૂર ખરેખર તો એમને પોતાને છે છતાં જે શબ્દ તમે ભર્યો, એ શબ્દવાળાઓ પીડિતોને નામે આપણી પાસેથી પૈસા ઉઘરાવી પોતાના ખિસ્સાં ભરે છે. આવામાં ફંડફાળો આપીને ક્યાં સુધી આપણે બનવાનું છે ?


જે ફિલ્મસ્ટારો, ક્રિકેટરો કે નેતાઓ આપણને ભૂકંપ રાહત ફંડમાં દાન આપવાની અપીલો કરે છે, એને ગાળ દઈને જ પૂછવા જેવું છે, ‘તારા બાપાએ કેટલાં આપ્યા ? પહેલાં લાખ રૂપિયા તું આલ પછી અપીલો કરજે !’

આપણો પાછો વ્યક્તિપૂજાનો દેશ છે એટલે કોઈ બી ફિલ્મ સ્ટાર કે સાઘુબાવો વગર મફતની આવી ટહેલ નાંખે, એટલે કંઈ પણ વિચાર્યા વગર રૂપિયા છૂટા કરવા માંડીએ છીએ કારણ કે, આપણે એના ‘ફૅન’ કે ‘ભક્ત’ છીએ. પોતાના ખિસ્સામાંથી રૂપિયો ય કાઢવો નહિ, મફતમાં ટી.વી. પર અંગત પબ્લીસીટી કરાવી લેવાની ને રૂપિયા આપણા કઢાવવાના !... કોને માટે ? મિનિસ્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓ માટે ! એકવાર ભૂજ-અંજાર જઈને જોઈ તો આવો કે ટ્રકોની ટ્રકો ફૂડ-પેકેટો ઠાલવીને જતી રહે છે, એ બઘું ફૂડ પડયું પડયું સડી ગયું ને કોઈ વહેંચનાર નથી. આ મોંઘવારીમાં બાજુવાળી દહીનું મેળવણ માંગવા આવે તો વિચાર કરવો પડે પણ ભૂકંપને નામે આપણે પોતે મિડલ ક્લાસના હોવા છતાં હજાર-પંદરસોનો ફાળો આપી દીધો હોય ને રૂબરૂ ભૂજ જાઓ ત્યારે ખબર પડે કે આ નેતાઓ જેટલી ક્રૂર મશ્કરી તો ખુદ કુદરતે ય નથી કરી આપણી ! આપણો ફાળો જાય છે ક્યાં ?

આ કૉલમની સામે કોઈ એક પણ નેતો જવાબ તો આપે કે, તું શેના માટે ભૂજ આંટો મારી આયો’તો ? તે ત્યાં જઈને કર્યું શું ? ખિસ્સામાંથી તેં એક રૂપિયો ય આલ્યો નથી ને લૂમ લેવા તું ત્યાં પહોંચી ગયો હતો ? એ લોકો ભૂકંપ કરતા તારાથી વઘુ પીડાયા છે. નસીબદાર છે તું કે ભૂખ અને અશક્તિને કારણે એ લોકોમાં હાથ ઉપાડવાની તાકાત નથી નહિ તો મરનારની સંખ્યામાં થોડો વધારો થાત !

વાત એક બીજી ય સમજવા જેવી છે. શક્ય છે, ભૂકંપમાં તમારા મકાનની કાંકરી ય ન ખરી હોય એટલે તમે માની લીઘું કે, બીજા મર્યાં એ ચોક્કસ ખોટું થયું, પણ આપણે બચી ગયા ! યસ, જાનમાલથી આપણે બચી ગયા છીએ પણ આવી રહેલા ટેક્સ અને ભાવવધારાના ભૂકંપોથી આપણે બચવાના નથી ! વિદેશોથી મળેલી લાખો પાઉન્ડ-ડૉલર્સની સહાય ‘લોન સ્વરૂપે’ છે, જે દૂધે ધોઈને પાછી ચૂકવવાની છે, એ માટે નવા ટેક્સ ને ભાવવધારો આપણે ભરપાઈ કરવાનો છે એ હિસાબે એ પણ તમે ધરતીકંપનો રાહતફાળો જ આપ્યો કહેવાશે ને ?

હું તો સ્પષ્ટ કહું છું ગુજરાતના ભૂકંપ માટે હવે પછી એક રૂપિયાનો ય ફાળો આપશો નહિ. ભૂકંપ લાખો મકાનો તોડે છે પણ ૨૦-૨૫ના મહેલો બનાવી આપે છે. કાટમાળમાં દટાયેલી લાશની આંગળીમાંથી સોનાની વીંટી કાઢી આવનારાઓએ મહેલો બનાવી નાંખ્યા ને જે લોકો સ્ટ્રેચર ઉપાડવા કે દવાઓ પીવડાવવા રોકાયા એમને ભૂકંપ રાહત-હૉસ્પિટલોમાં દાખલ કરવા પડયાં... દવા માટે વલખાં એમના જેટલાં તો કાટમાળ નીચેથી બચી ગયેલાઓએ ય માર્યા નથી. હવે ખિસ્સામાંથી રૂપિયો આપણે આલવાનો ન હોય. નાનું મોટું દસ-વીસ હજારનું નુકસાન આપણને ય થયું છે એ આપણા પગારમાંથી ભરવાનું છે. મઘ્યમ વર્ગમાં જન્મવાની સાલી સજા તો જુઓ... દસ-વીસ હજાર માટે ન તો ફાળો લેવાય, ન હાથ લંબાવાય, ન ઇન્કમટેક્સ મજરે મળે કે ન કોઈની સહાનુભૂતિ મળે ! ‘તમારા જેવા મોટા માણસને ૧૦-૨૦ હજારની શી વિસાત?’ આપણું એ નુકસાન આપણે જાતે ભરવાનું ને દાતારનાં દીકરા હોઈએ એમ પાછાં કર્ણ બની જઈએ, ‘લખી લેજો આપણાં એક હજાર એક ભૂકંપ રાહતમાં !’ આવો મર્દ છે ગુજરાતી ભાયડો ! ટાટા-બિરલા ૫૦ કરોડ આપે તો કાનખજૂરાનો એક બૂટ દાનમાં દીધો કહેવાય જ્યારે આપણા જેવા માટે હજાર રૂપિયા એટલે સીંગતેલના દોઢ ડબ્બા થયા ! આપણાં ઘરે ગાડી-બંગલો હોય તો પણ સોલ્લિડ મંદીના આ જમાનામાં હજાર રૂપિયા નાની રકમ નથી, એ જોતાં આપણાં હજાર રૂપિયા ટાટા-બિરલાનાં ૫૦ કરોડ કરતાં ઘણાં વધારે કહેવાય !

કમનસીબે, આપણે જેની સાથે જોડાયેલા હોઈએ, એ જ્ઞાતિ, સંસ્થા, નોકરી કે ક્લબ પણ મડદામાંથી પબ્લિસીટી કમાઈ લેવાની લાલચ રોકી શકતી નથી. આ બધી સંસ્થાઓ આપણે પૈસે પોતાનું નામ રોશન કરવા આગળ છે. વડાપ્રધાને પોતાના પગાર કે મૂડીમાંથી કેટલા રૂપિયા આપ્યા, એ તો એ જાણે પણ એમના નામનું રાહત ફંડ દર વખતે ઊભું જ હોય... વડાપ્રધાન કે મુખ્યપ્રધાનને વહાલા થવા માંગતા આપણાં જ ચેરમેનો-પ્રમુખે એમના બાપનો માલ હોય એમ આપણા પૈસે એમનો ફાળો નોંધાવી આવે...! અને વડાપ્રધાનના રાહત ફંડમાંથી ય ખરેખર કેટલાં પહોંચ્યા એની કોને જાણ થાય છે ?

તો ક્યા કરે ફિર ? આપણા જ ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય તો આપણે ફાળો ય નહિ આપવાનો ? નેતાઓ નાલાયક એમાં પીડિતોનો શું વાંક ?

શ્રેષ્ઠ રસ્તો એ છે કે જે કાંઈ મદદ કરવી હોય તે રૂબરૂ જઈને કરવી જોઈએ. એવો ટાઇમ ન હોય તો તમારા જેવા ૧૦-૧૨નું ગ્રુપ બનાવીને ગમે તે એકને ફાળો આપી ભૂજ મોકલવો જોઈએ... તમે જેને મોકલશો એ વિશ્વાસપાત્ર તો હોય જ ને... ? તમે ક્યાં ગાંધીનગરમાં કોઈ ‘સાહેબ’ છો ?

સિક્સર
- ધરતીએ આકાશને શું કહ્યું ?

- અબ મિલતે હૈ, બ્રેક કે બાદ !

No comments: