Search This Blog

28/03/2001

મુઝકો ભી તો લિફ્ટ કરા દે

આમ તો એક સોલ્લિડ હિંદુસ્તાની હોવાના નાતે દુશ્મન પાકિસ્તાનની કોઇ બી ચીજનાં વખાણ શેનાં કરવાનાં હોય? દુશ્મન હર હાલતમાં દુશ્મન છે. બેનઝીર ભુટ્ટો મને ડિમ્પલ કાપડિયા જેટલી જ ગમે છે. પણ ગલીપચીવાળો પ્રેમ શરૂ કરવાનો હોય તો બેની ગઇ હું તો ડિમ્પુની એપ્લિકેશન જ સ્વીકારૂં!

પણ હું એ નથી ભૂલતો કે, મારી નસનસમાં હિંદુનું અને હિંદુસ્તાનનું લોહી વહે છે. મને એ સંસ્કાર આપવામાં આવ્યાં છે કે, દુશ્મનની સારી ચીજની દિલ ફાડીને કદર કરતાં શીખો - મનમાં ખટકો કે વેર રાખીને નહિ! ભારતના કોઇપણ ગઝલ ગાયક કરતા મને ગુલામઅલી શ્રેષ્ઠ લાગે છે. હરભજને ભલે આ ટેસ્ટ સીરિઝમાં તરખાટ મચાવ્યો પણ હજી આજની તારીખમાં ‘સકીભાઇ’ ઉર્ફે સકલીન મુસ્તાક વર્લ્ડ બેસ્ટ છે. મને સ્કૂલથી જ એ શીખવવામાં આવ્યું છે કે, દુશ્મનનો ગાલ ચીકનો હોય તો ત્યાં થપ્પડ રસીદ કરવાને બદલે ચૂમી લેવો જોઇએ. આઇ મીન, એ ‘દુશ્મન’ને બદલે ‘દુશ્મની’ હોય તો.. ફરીથી આઇ મીન.. દુશ્મન સ્ત્રી હોય તો!

રાજકપુરની ફિલ્મ ‘હિના’ની હિરોઇન ઝેબા બખ્તિયાર આપણાં બધાંની ‘દુશ્મની’ જ હતી. પણ તેથી કાંઇ ઓફિસમાં અડધી સી.એલ. લઇને એના ગાલ ચૂમવા ન જવાય.. સીનિયોરિટી અને જીભ/જી્ ના વારા પ્રમાણે! આવી ચુમ્મા-ચુમ્મીની વાત લેખક કક્ષાથી આગળ જ વધવી ન જોઇએ.. સુંઉ કિયો છો?

આજે આપણે વાત એ જ ઝેબા બખ્તિયારના માજી પતિ અદનાન સામીની કરવાની છે. આ અદનાન આજકાલ ભારતીયોનાં દિલો-દિમાગ પર છવાઇ ગયો છે, એના એક વિડિયો - આલ્બમ દ્વારા. ‘તેરી ઉંચી શાન હૈ મૌલા, મેરી અરજી માન લે મૌલા’ એ આજકાલ ટીવી પર રોજ દેખાતું અદ્ભુત નૃત્ય-ગીત છે. આ અગાઉ મને સાવ અશોક કરી ગયેલાં ગીતો ટીવી પર ઘણાં હતાં. સર્વ પ્રથમ આપણાં બચ્ચનનું ‘એક રહિન બીર, એક રહિન ફત્તા’, બીજાં નંબર એકદમ લાડકું ‘સય્યોની’, ત્યાર પછી એ.આર.રહેમાનનું ‘વંદે માતરમ્’, પછી શોભા મુડગલનું ‘અબ કે સાવન ઐસે બરસે..’

- એ બધામાં હવે અદનાનનું આ ‘મૌલા’ વાળું ઉમેરાયું છે. માત્ર ગીત, શબ્દો, નૃત્ય, રીધમ કે મનોરંજનનું તત્વ જ નહિ, અદનાનનો અવાજ બેંગોલી મિષ્ટી (મિઠાઇ) જેવો મીઠડો છે. તમને ય ગમી જશે. અફ કોર્સ એને જોયા પછી જવાબ મળી જશે કે ચેહરામાં મઘુબાલાની ડિજીટલ છાંટ ધરાવતી ઝેબાને એને છુટાછેડા કઇ કમાણી ઉપર આપ્યાં હશે!

ઇનફેક્ટ, અદનાનનું ગોળમટોળ બોડી જોઇને કચ્છમાં ભૂકંપ થવાનું કારણ કાચી સેંકડમાં મળી જાય. જાડીયો છે પણ હેન્ડસમ છે. લાહોર-કરાંચીના ક્રિકેટ સ્ટેડિયમોની સાઇઝનાં બે ગાલ અને જે સ્ફૂર્તિથી એ નાચે છે, એ જોયા પછી ઝેબલીની દયા આવે કે, ‘આવા સ્ફૂર્તિલા હસબંડને છુટા છેડા આપી દેવાતાં હશે!’ આપવા જ હોય તો બીજાં કોઇ સારાં વરને આપીએ.. 

પણ લેખ લખવાનું કારણ આ ગીત ‘તેરી ઉંચી શાન હૈ મૌલા’માં સમાયેલું હાસ્યનું ઉંચું તત્વ-આજના સંદર્ભમાં માણવા જેવું છે.

ઘણાં લાંબા સમયે જેન્યુઇન હયુમરવાળું ગીત સાંભળવા મળ્યું. ફાટફાટ થતી મોંઘવારીમાં ચારે બાજુથી તૂટી ગયા પછી ઉપરવાળાને સીધી રીક્વેસ્ટ દ્વારા કહી દેવાયું છે કે, ‘તેરી ઉંચી શાન હૈ મૌલા, મેરી અરજી માન લે મૌલા, તૂ હૈ સબકુછ જાન લે મૌલા, મૈં હૂં તેરા માન લે મૌલા, મુઝ કો ભી તો લિફ્ટ કરા દે, થોડી સી તો લિફ્ટ કરા દે..’ એમ કહીને ખુદ ભગવાનને ઓપ્શન્સ આપ્યાં છે કે, ‘સાવ તૂટી ગયો છું બોસ. ડોલર આપ, નહિ તો પાઉન્ડ, નહિ તો દિનાર, નહિ તો ચેક-કેશ જે આલવું હોય તે આલ.. હાલ પૂરતી એ બધાની વ્યવસ્થા ન હોય તો મને વર્લ્ડ-ટુર પર મોકલી આપ. (ભૂકંપને કારણે સ્કૂલોમાં અત્યારે ફરજીયાત ૩-૪ મહિનાનું વેકેશન આવી ગયું એ જોઇ વિક્રમ શાહે વાઇફને કહ્યું, ‘ચલો આ વખતે વર્લ્ડ-ટુર કરી આવીએ..’ જવાબમાં નીનાબેન કહે, ‘ના- દર વખતે એકની એક જગ્યાએ મઝા ન આવે!’

જો કે, આ ગીતમાં જાડીયો એકની એક જગ્યાએ નાચ્યો છે.. મરીન લાઇન્સ પર કોઇ છાપરૂં નથી પણ એ મૌલાને વિનવે છે. ‘તૂ હી છપ્પર ફાડ દે, મૌલા’! હું હાડકું ય ન હલાવું. છાપરૂં ફાડવાનું કામે ય તારૂં, ભગવાન! અલબત્ત, સલામ આ ગીતના ડાન્સ-ડાયરેક્ટરને કે જે મર્યાદામાં રહીને એણે જાડીયાને નચાવ્યો છે એમાં ય આંખને જોવો ગમે એવો છે.. મોર ભલેને ઓવર-વેઇટ થઇ જાય, નાચે ત્યારે કમલ હાસન જેવો જ લાગે!

આ ગીત મને-તમને-બધાને ગમે એવું છે એનું કારણ એ જ કે, મનમાં આપણે બધાં જાણીએ છીએ કે, પૈસે-ટકે આજકાલ આપણે બધાં ધોવાઇ ગયાં છીએ. ઘરની બહાર નીકળાય એવી હાલત નથી. જમાનો હતો ત્યારે બગાસાંને બદલે બસ્સો રૂપિયાવાળા પિત્ઝા ખાનારાઓ આજે લાઇનમાં વારો આવે ત્યારે રૂપિયાની ત્રણ પુરી પકોડી ખાતાં થઇ ગયાં છે. પૈસા બાકી. બચ્ચનનો કરોડપતિ શો જોવામાં આપણાં હાથમાં તો વાવટો ય આવવાનો નથી. તો ય માનસિક હાલત એવી થઇ ગઇ છે કે, બીજા કોઇ લાખ-બે લાખ જીતે છે તો ય આપણાંથી રાજી થઇ જવાય છે. ‘પહેલાં સમું તરસનું એ ધોરણ રહ્યૂં નથી, પાણી મળે તો ય હવે પી જવાય છે!’ હાલત એવી છે કે, કોઇની મશ્કરી થાય એવી નથી. આ વખતે ઉપરવાળાએ ભલભલા રૂસ્તમોને ભાંગી નાંખ્યા છે. મંદી તો હતી જ, એમાં પૂર આવ્યું.. ભૂકંપ આવ્યો.. થોડી ઘણી લાજશરમ બાકી હતી ત્યાં માધવપુરા જેવી બેંકોએ કરી નાખ્યું. ડીપોઝીટ પાછી લેનારાઓની લાઇનમાં અમુક તો એવાં ય ઉભાં હતાં જે ત્રાસી જવાને બદલે મંદમંદ મુસ્કરાતા હતા. બેંકમાં એમનાં નામનું તગારૂં ય ડિપોઝીટ તરીકે પડેલું ન હતું. પણ લાઇનમાં ઉભા હોય તો જોનારામાં સ્ટેટ્સ વધી જાય કે, ‘આ લોકોનાં ય લાખ બે લાખ પડ્યાં લાગે છે..!’ એ પાછાં કહેય ખરાં, ‘સુઉં કરીએ.. આંઇ તઇણ લાખ પઇડાં છે ને કાલુપુરમાં અઢ્ઢી લાખ!.. ઉપાડવા તો પડે ને?’ આપણે ય જાણતાં હોઇએ કે, છેલ્લાં ત્રણ મહિનાથી કરિયાણાંવાળાના રૂા.૩૫/- તો દેતા નથી ને વાતો લાખોની કરે છે. બીજા એક લલ્લુ પૈસા ઉપાડવાને બદલે મૂકવા આવ્યો હતો. પૂછ્યું તો કહે, ‘માધવપુરામાંથી ઉપાડીને અહીં મૂકવા આવ્યો છું.. આ બે બેંકોમાંથી માધવપુરા પહેલી ડૂબે એવું લાગે છે!’ લાઇનમાં ઉભા રહેવાથી સ્ટેટસ વધતું હતું. એ વાત તો સાચી કારણ કે, જે ટાયર ટ્યુબોનું આખી ન્યાતમાં ક્યાંય ગોઠવાતું નહતું, એમનાં બાપાઓ બે દહાડાં લાઇનમાં ઉભા એમાં ગોઠવાઇ ગયું. ‘હવે અહીં દીકરી દેવામાં વાંધો નહિ.. બેંકોમાં એફ.ડી.ઓ. પડી લાગે છે!’ 

પણ આખા વિડિયો આલ્બમની શ્રેષ્ઠ પંકિતઓ સાંભળવા જેવી છે. પરમેશ્વર પર સિક્સર મારતા જાડીયો કહે છે, ‘કૈસે કૈસોં કો દિયા હૈ, ઐસે વૈસોં કો દિયા હૈ.’ વાત સાચી છે. સાવ લલ્લુ-પંજુઓને એસ્ટીમ, સેન્ટ્રો કે મેટીઝમાં ફરતાં જોઇને બે-ઘડી આપણને ય થઇ જાય, ‘ગાડીમાં બેઠાં પછી શોભીએ એવા આપણે છીએ ને આપણે અત્યારે ૯૦/૪ની લાઇનમાં ઉભાં છીએ..

પંડિત નહેરૂ એ જમાનાનાં અક્ષયકુમાર હતા. રામ જાણે શ્રીમતી તારકેશ્વરી સિંહા બચી કેવી રીતે ગયા. તારકેશ્વરી દેખાવમાં રાબડી બંધાવવી પડે એવા ન હતા. પણ શેરો-શાયરીનાં શોખિન હતાં. લોકસભાની ચૂંટણી પછી પહેલી બેઠકમાં તારકેશ્વરીએ જે નમૂનાઓને પાર્લામેન્ટમાં બેઠેલાં જોયા અને જેમને ન જોયાં, એમને યાદ કરીને સરસ શાયરી કહેલી,

‘‘કૈસે કૈસે લોગ, ઐસે-વૈસે હો ગયે,
ઐસે-વૈસે લોગ, કૈસે-કૈસે હો ગયે?’’

અદનાનનું આ ગીત જોયા પછી તહેલકાથી માંડીને મેચ ફિક્સીંગ બઘું હોવે હોવે લાગશે!

સિક્સર
એક મનહરિયત શેર:
એક એનું ના હોવું,
બાર તો વગાડે છે.’

No comments: