Search This Blog

13/01/2010

કૉન્ટેક્ટ લૅન્સ ખોવાય છે ત્યારે

શનિવારની અમારી સૅટર ડે નાઇટબેઠકમાં જૂની ફિલ્મોનાં ગીતો સાંભળીએ છીએ. સમજો ને, લગભગ ૨૦-૨૫ કપલ્સ ભેગા થાય. ગાવાની કોઇને છુટ નહિ. કોઇ ગાવા જાય તો બધાએ હળીમળીને એનું ગળું દાબી દેવાનું. પેલો તો નવરો છે. એને તો બઘું ય ગાવું હોય, પણ આપણાથી જાણી જોઈને આપણાં જ કાનમાં ચ્યૂઇંગ-ગમ થોડી નંખાય છે ? લોકો વાતો કરે. અમે લોકો સીડી પર બસ.. જૂનાં ગીતો સાંભળીએ અને જીવો બાળીએ કે, ગીતો આપણે ગાયા હોત, તો લતા-રફી કરતા વધારે સારૂં રીઝલ્ટ આપી શક્યા હોત !

સૅટર ડે નાઇટની મોટામાં મોટી સિઘ્ધિ એ છે કે, સ્ત્રીઓને સંગીત સાથે કોઇ લેવાદેવા નહિ, છતાં એ વાતનું કોઇ અભિમાન નહિ. સંગીતને ક્યારેક સમજે ખરી, અને ગીત પત્યા પછી કોકવાર કહે, ‘લતા સારૂં ગાય છે, હોં !’ 

પુરૂષોને પણ આમ તો સંગીત સાથે કાંઇ લેવા દેવા નહિ. આપણે એમ કહીએ કે, આ ગીત મુહમ્મદ રફીએ મૂકેશના અવાજમાં ગાયું છે, તો પાછા વખાણ પણ કરે કે, ‘રફીને પણ મૂકેશ જેવું ગાતા ફાવે છે, નહિ ?’ સંગીત સાથે તો અમને ય ખાસ કોઇ લેવાદેવા નહિ, પણ અમે કલારસિકો ખરા. સુંદર ગીત જેટલી જ સુંદર દ્રષ્યમાં સમજ પડે. અમારામાંના કોઇ પોતાને પ્રભુ શ્રીરામનો અવતાર માનતા નથી. પોતપોતાને ભાગે આવેલી વાઇફ જોતી ન હોય, ત્યારે અમારે ક્યાં જોવું તેની ખબર ખરી. સામે પારકી સીતા બેઠી હોય તો, અમારામાં એક છુપો રાવણ પ્રવેશી જાય છે. પણ ગ્રૂપમાં બીજા સાલાઓ જટાયૂ જેવા છે. એટલે રાવણને થવાને બદલે હતા તેવા રમેશના રમેશ જ રહીએ, ઓધવજી, રામ રાખે તેમ રહીએ.. ! સંગીત તો ખૂણામાં પડ્યું પડ્યં વાગે રાખે, પણ ગીતના બે અંતરની વચ્ચે વચ્ચે અમને આજુબાજુ જોવું ગમે. વાઇફવાળો ખૂણો આવે, ત્યાં બહુ નહિ પડવાનું. વાઇફની બા ખીજાય ! પણ જોવાનો-જોયે રાખવાનો અને જોઇ લીધા પછી, અમે કાંઇ જોયું જ નથી, એમ છટકી જવાની ટ્રીકો અમને આવડે. ભ, શનિવારની બેઠક એટલે બે ઘડી પંખીનો માળો છે. આ જગતમાં શું લઇને આવ્યા છીએ ને શું લઇને જતા રહેવાના છીએ ? શાસ્ત્રોમાં પણ કહ્યું છે, ‘આનંદ એ જ આઘ્યાત્મિકતા છે.જો કે, આ સંસારમાં ભલે કાંઇ લઇને આવ્યા ન હોઇએ, પણ એની વાઇફે લઇને જતા ન રહીએ, એ માટે સુંદર સ્ત્રીનો ગોરધન લશ્કરના કોઇ કર્નલ-મૅજર જેવી ચાંપતી નજર અમારા બધાની ઉપર રાખતો હોય. આવા લોકો સહેજ બી મોટા મનના હોતા નથી. વહેંચીને ખાવાના કોઇ સંસ્કાર જ એની માં એ આપ્યા ન હોય, એની પાસે સમાજ બીજી અપેક્ષા ય શું રાખી શકે ? યાદ હોય તો, અર્જુન એના ચારે ય ભાઈઓની સાથે દ્રૌપદીને લઇને ઘેર ગયો ત્યારે, નહાવા બેઠેલા માતા કુંતાએ અંદરથી બારણું ખોલ્યા વગર જ કહી દીઘું હતું, ‘જે કાંઇ લાવ્યા હોય, એ ચારે ભાઇઓ વહેંચીને ખાજો...’ 

અને આ સાલો લૅફટનેન્ટ ઘસની ગંજી ઉપર બેઠેલા કૂતરા જેવો. હું તો ઘાસ ન ખાઉં, પણ આ આખલાઓને ય ખાવા ન દઉં. આવી સ્વાર્થી વૃત્તિવાળા ગોરધનો ય આ ધરતી પર આજે ય હયાત છે, બોલો ! 

પણ ગયા શનિવારે સ્ત્રીઓ ટૅન્શનમાં અને પુરૂષો ટૅસમાં આવી ગયા. 

ગ્રૂપમાંના કોકની સાથે પિસ્તી આવી હતી. 

પિસ્તી. ઉંમર હશે કોઇ ચાલીસમાં એકાદ-બે મિનીટ કૂટે એટલી. સ્કીન પારસીઓને હોય એવી ગુલાબી. બૅડરૂમની બારીના કાચ ઉપર ચંદ્રની ચાંદની પડતી હોય, એ રોજ પોતાની હથેળીમાં લઇને મોંઢે ચોપડીને સુઇ જતી હોય, એવો ઠંડો ચેહરો. સૅન્ડવચ પર ચીઝ અને મૅયોનીઝનું લૅયર ચોપડ્યું હોય, એવા તો એના હોઠ. ચેહરા સિવાયના સ્થળોના પ્રવાસે ઉપડવું આપણને ગમે તો ખરૂં, પણ વચમાં આપણી આગળ બેઠેલા કોકનો વળી ખભો આવી જાય કે આખેઆખી વાઇફ વચ્ચે આવી જાય. (વાંચવાની મઝા આવે છે ને ...? ચાલુ રાખો.) પહેલીવાર એની ઉપર નજર પડે તો, એને પહેલીવારની તમારી ભાભીબનાવાની તમને ઇચ્છા થાય. ખોટું નહિ બોલું. પિસ્તી જોવી બહુ ગમે એવી હતી. કાળા વાળ કમરથી નીચે સુધીના. (આપણી નહિ, એની કમર.) એમાં ય, તમે તો જાણો છો, ૪૦-ની આસપાસની સુંદર સ્ત્રીઓ ભઇ સાબ... કેવા કેવા કપડાં પહેરે છે.... ? (જવાબ : આપણાથી તો જોવાય બી નહિ, એવા ! - જવાબ પૂરો) પિસ્તીના સ્માઇલ ઉપર એક-બે જણે તો આવતા મહિને સૉલ્જરીમાં બધાને માટે દાળવડાં ખવડાવવાનો અતિ ખર્ચાળ મનસૂબો જાહેર કર્યો. બીજાએ હમણાં બે દિવસ નહાવા-ધોવાનું બંધ રાખ્યું... સ્વાઇન-ફ્લ્યૂને કારણે નહિ-પિસ્તી સાથે શૅક-હૅન્ડ થયું હતું, પછી હાથ ધોવા જઇએ તો જીંદગીભર ગમે ત્યાં નહાવાનું આવે ! પિસ્તીનો અડેલો હાથ... ઉફ, ઓહ, આહ.. ! બે-ચાર જણાએ તો પેટ્રોલની પરવાહ કર્યા વિના, દર શનિવારે પ્રોગ્રામ પત્યા પછી પિસ્તીને ઠેઠ એના ઘર સુધી ગાડીમાં મૂકી આવવાની જવાબદારી સ્વીકારી લીધી, એમાં ઘણાના મોંઢા ચઢી ગયા. એમ કાંઇ કોઇના મોંઢે તાળા થોડા મરાય છે ? હમણાં પૈસાની જરી તંગી છે, છતાં મેં ય પિસ્તી પાછળ આખું નારણપુરા ઉડાડી માર્યું. કરિયર બનતી હોય, ત્યાં આપણે પૈસાની સામે નથી જોતા.... ! 

સ્ત્રીઓની વાત જુદી હતી. આજ સુધી જેવી હોય તેવી, બધીઓનું એકચક્રી શાસન ચાલતું હતું. અમે લોકો ય જોઇ જોઇને બૉર થતા હતા. ઉજ્જડ ગામમાં એરંડીપ્રધાન. 

પણ અત્યારે એ લોકો ટૅન્શનમાં આવી ગઇયો હતી. કિચનમાં કારણ વગર કોકને લઇ જઇને એક તો બોલી ય ખરી

સાવ કેવી લાગે છે, નહિ ?’ સામેવાળીએ પણ ગ્રાહકનો સંતોષ, એ જ એનો મુદ્રાલેખ હોય, એવો લાગણીશીલ જવાબ આપ્યો, ‘હા ભાભી.... સાવ એવી જ લાગે છે.’ 

ઘેર આવેલા મેહમાનનું આપણા દેશમાં અપમાન થતું નથી, એટલે સંગીતમાં એ પછી તો કોઇનું ઘ્યાન ગયું જ નહિ-બઘું પિસ્તીમાં. બીજે જો-જો કરીએ, તો મહેમાનને કેવું લાગે

પ્રેમશાસ્ત્રના સંતો કહી ગયા છે કે, જે લઝ્ઝત ત્રાંસી આંખે જોવામાં આવે છે, તે સીધી આંખે જોવા જઇએ, તો બાંડા લાગીએ. બધાને આ નિયમની ખબર. સ્ત્રીઓને પણ. એ લોકોને ખાત્રી કરવી હતી કે, છેલ્લી દસ મિનિટમાં આપણામાંથી કોઇનો ગોરધન તો હણાયો નથી ને ! ૫૦-ઉપર પહોંચેલા કોઇપણ પતિની બહાર નજર હખણી રહેતી નથી, એવું તો ખેતી અને પશુપાલનશાસ્ત્રમાં પણ લખ્યું છે. 

અચાનક એક લોચો પડી ગયો. ચા-પાણીના ઇન્ટરવલ વખતે પિસ્તી એના કોઇ વાંક વગર અમારાવાળી કોક સ્ત્રીને અથડાઇ, એમાંતો હતા એ તમામ પુરૂષો સૉરી... સૉરી.. હોં... સૉરી... !બોલ્યા. આ દુર્ઘટનામાં પિસ્તીની એક આંખનો કૉન્ટેક્ટ-લૅન્સ પડી ગયો. એણે... આપણને સદીઓ સુધી સાંભળવી ગમે એવી તીણી મઘુરી ચીસ પડી. આવી ચીસો અમારી વાઇફો ઘરમાં રોજ પાડતી હોય છે, પણ બઘું આપણું જ સારૂં હોય, એવું અમે કદી ન માનીએ. પિસ્તી વાંકી વળીને ચાર પગે ભાંખોડીયા ભરતી ભરતી જમીન પર લૅન્સ શોધવા માંડી. કાચી સૅકન્ડમાં તો પ્રજા ભેગી થઇ ગઇ. શું થયું ? શું થયું ?’ એવી ચિંતાઓ રજુ કીરને, અમે સહુ પુરૂષો, શું શોધવાનું છે, એ જાણ્યા વગર, બસ.. પિસ્તીની માફક ચાર પગે જમીન પર ફરવા માંડ્યા. મને જમીન પર આળોટતો જોઈને વાઇફે પૂછયુ ય ખરૂં, ‘શું થયું ?’ મેં નિર્દોષભાવે જવાબ આપ્યો, ‘શું થયું, એ તો ખબર નથી, પણ પિસ્તીબેનનું કંઇ પડી ગયું છે, તો શોઘું છું.મેં પિસ્તીની પાછળ સ્પૅલિંગની કોઇ ભૂલ વિના બેનલગાવ્યું હતું, છતાં હકીએ એવું ખરાબ સ્માઇલ આપ્યું કે, આપણાથી સહન ન થાય. બધા કહે છે કે, મોંઢું હંમેશા રાખવું જોઈએ, પણ આવું હસાય....

પિસ્તી બહુ ડરી ગઇ હતી. એમાં ય કોકે પૂછયું, ‘પિસ્તીબેન... લૅન્સ એક આંખનો પડી ગયો છે કે, બંને આંખોના ?’ 

ઓહ. આવા બેહૂદા સવાલ શું કામ લોકો પૂછતા હશે ? આ બધામાં બુઘ્ધિશાળી હું વધારે, એટલે મેં ઇન્ટૅલિજન્ટ સવાલ પૂછ્યો, ‘લૅન્સ તમે અહીં આવ્યા પછી પડી ગયો કે આવ્યા પહેલાનો પડી ગયો છે ?’ 

મારા સવાલથી પિસ્તી ઇમ્પ્રેસ ન થઇ. કદાચ થવા જતી હતી ત્યાં પરી કોઇએ કઢંગો સવાલ પૂછયો, ‘પિસ્તી-જી.. લૅન્સ ડાબી આંખનો છે કે જમણી... ?’ 

પિસ્તી કોઇને કશો જવાબ નહોતી આપતી. એ ભલી ને એ બિચારીનું કામ ભલું. પ્રોબ્લેમ એ હતો કે, અમારામાંથી ૫-૭ જણાએ તો કૉન્ટૅક્ટ-લૅન્સ કેવો હોય, એ પણ નહોતો જોયો, છતાં શોધે જતા હતા. આ ભારતભૂમિમાં સ્ત્રીઓ ઉપર દુઃખ પડે, યાતના આવે કે લૅન્સ ખોવાય, અમારાથી તો સહન ન થાય. આખા રૂમમાં અમે બધા ઘોડો-ઘોડો રમતા હોઇએ, એમ પિસ્તુનો લૅન્સ શોધતા હતા. (જોયો ? ફેરફાર જોયો.... ? સંબંધ વધે એમાં પોતાપણું આવે, એટલે નામ લાડનું કરી શકાય ! પિસ્તુ’...) 

કૉન્ટૅક્ટ-લૅન્સ ઍકચ્યૂઅલી સિગારેટની ટીપ જેટલી સાઇઝનો હોય છે. હવા કરતાય કદાચ ઓછા વજનનો હોવાને કારણે એકવાર પડી જાય બરોબર નીચે જ પડે. એવું કાંઇ નક્કી નહિ. એ તો ઊડીને કયાંક આઘો ય પડ્યો હોય. સમજો ને, લગભગ અમારા બધા જેવો કે, ઑફિસથી નીકળ્યા પછી સીધા ઘેર જ પડીએ એવું કાંઇ નક્કી નહિ.. કોક સારા ઠેકાણે ફંટાઇ પણ ગયા હોઇએ. 

પિસ્તી બધાને વિનયપૂર્વક આઘા ખસેડતી હતી. એનો લૅન્સ અમારા ઢીંચણ નીચે કચડાઇ ન જાય, એનો એને ડર હશે. 

પણ, તબક્કો એવો આવી ગયો કે જરૂર પડશે તો પિસ્તી અમારી આંખોથી દનિયા જોશે, એવો દાવો કરનારાઓ અચાનક ઊભા થઈ ગયા. કોક કંઇ વધારે નજીક જઇને પૂછવા ગયું ત્યારે મોટો બૉમ્બબ્લાસ્ટ થયો... 

પિસ્તી બહેરી-મૂંગી હતી. એકાએક તમામ પાંડવોના રાજીનામા આવી ગયા.

No comments: