Search This Blog

06/01/2010

મહાવીર વિક્રમ બજરંગી

શ્રી હનુમાનજી ખાડીયા-બાલા હનુમાનના એમના મંદિરીયે નર્વસ થઈને બેઠા છે. એક તો સદીઓથી એમને ગાંધી રોડની વચ્ચોવચ ભોંયરામાં ખોંહી ઘાલ્યા છે ને એમાં ય મહિનાઓ થઇ ગયા, કોઇ તેલ ચઢાવવા આવતું નથી. ટ્રાફિકના સતત ઘોંઘાટમાં એમની ઉપર તેલ કરતા ઘૂમાડો વધારે ચઢે છે. ગળું બેસી ગયું છે. હનુમાનજીને બધા વિના ચાલે, ફકત બે ચીજો વગર ન ચાલે. એક તો મુખમાં પ્રભુ શ્રી રામનું નામ અને બીજું તેલ. ફાફડા-ગોટા ખઇખઇને ગુજરાતીઓ તેલીયા રાજા થઇ ગયા છે અને કોઇ ભક્ત જતે દહાડે વળી બે ટીપાં તેલના ચઢાવવા આવે છે, એ ય ખોરૂં હોય છે. હનુમાનજીનો અવાજ બેસી ગયો છે. પણ ખોરૂં તો ખોરૂં, ટાઇમ એવો આવ્યો છે કે, ભક્તો એ ય ચઢાવવા આવતા નથી. બાલા હનુમાન તો ખેર, બ્રાન્ચ ઑફિસ છે, પણ કૅમ્પના હનુમાનવાળી રજીસ્ટર્ડ ઑફિસે હાલત એ જ છે. અહીં કૅમ્પના હનુમાને પહેલા તો ભક્તો કરતા વાંદરા વધારે આવતા હતા, હવે વાંદરા બંધ થઇ ગયા. સ્ત્રીઓ તેલ ચઢાવવાની પૂરી આસ્થાવાળી હોય, પણ દિવસો એ આવ્યા છે કે, રોજ પોતાના ગોરધનો સામે મોંઢા ચઢાવતી સ્ત્રીઓને અહીં બે વાડકા તેલ ચઢાવતા જોર આવે છે... !

દાદા બગડ્યા. કંટાળીને એક ભક્તને બોચીએથી ઝાલ્યો. ‘ઊભો રહે..! એક વાતનો જવાબ આપ કે, મને કોઇ તેલ ચઢાવવા કેમ નથી આવતું... વગર તેલે હું અહીં ઊભો ઊભો સૂકોભઠ્ઠ થઇ ગયો છું... ?’

ભક્ત બિચારો શું બોલે ? એણે કહી દીઘું, ‘બાપજી.. જરા ખમૈયા કરો... તેલ બહુ મોંધું થઇ ગયું છે ને મળતું ય નથી. એક કામ કરો... નરેન્દ્ર મોદી પાસે જાઓ... એ કાંઇક કરી આલશે !’

મોદી.... ? યૂ મીન, નરેન્દ્ર મોદી ?.. એ કયાં માથામાં તેલ નાંખે છે ?’ હનુમાનજી બગડ્યા.

પ્રભો, એ તેલ નાંખતા નથી... તેલ કઢાવી નાંખે છે... જાઓ એમની પાસે... તમારે માટે તો એ ગમે તેનું કઢાવી આલશે... !’

હનુમાનજી ગાંધીનગર પહોંચ્યા. મોદી એમના બંગલાની લોનમાં બેઠા, ઝીણી કાતર વડે દાઢી ટ્રીમ કરતા હતા. દરજી એમના જીન્સના નવા પાટલૂનનું માપ લેવા આવ્યો હતો. બાજુમાં કાઉબૉય પહેરતા એવી ‘જ્હોન વૅઇન’ - ટાઇપની ટોપીઓનો ઢગલો પડ્યો હતો. રાજ્યમાં જેટલી ગાંધી-ટોપીઓ નવરી પડી રહી છે, એ બધાને ઑલ્ટર કરીને એની કાઉબૉય-ટોપીઓ બનાવવાનો હૂકમ હતો. ગૃહમંત્રી અમિત શાહના જીન્સનું માપ લઇ શકાય એવું નહોતું, એટલે ત્રણ જીન્સ ફાડીને એમાંથી એક બનાવવાનો હૂકમ સરકારી રાહે થયો હતો. સ્પીકર અશોક ભટ્ટ ખાદીની બંડીને બ્લ્યૂ-ડૅનિમ બનાવીને ઘોડાના ભોડાં ઉપર લાઉડ-સ્પીકર ગોઠવીને નવા ફોટા પડાવતા હતા. ઘોડાની ડૉક પાસેના ડબલાંમાં રોજની આદત મુજબ, ‘અંબિકા’ની ફૂલવડી ભરી રાખી હતી, પણ ફૂલવડી તેલમાં તળાય એટલે, એ છાનામાના ફાકડા મારતા હતા.

આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસ ઠેઠ ડાંગ જીલ્લામાં જઇને, સાઉથના ફિલ્મસ્ટાર રજનીકાંતની માફક હરડેની ગોળીઓ હવામાં ઉછાળીને એકએક ગોળીને રીવૉલ્વરથી ભડાકે દેતા હતા, એટલે તેઓશ્રી અત્રે પધારી શક્યા નહોતા. એમના મંત્રીમંડળમાં ઘણાં ‘ળ’ નો ઉચ્ચાર ‘ર’ કરતા હોવાથી તેઓ ખફા હતા. સ્ત્રી ગમે તેટલી સુંદર હોય પણ ઉચ્ચારમાં, ‘હરડેની ગોરી’ બોલો તો ઠાકૂર ના ખીજાય... ? (જવાબ : જરૂર ખીજાય : જવાબ પૂરો)

શિક્ષણમંત્રી રમણ વોરાને ઇંગ્લિશ શીખવવા માટે પ્રાથમિક શાળાના અઢીસો માસ્તરો આવ્યા હતા. એ બધાને ભોંય પર બેસાડ્યા હતા. બીજા મંડપ નીચે શાળાના સંચાલકો માટે ગાદી-તકીયા અને સોફાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આનંદીબેન પટેલ સોફા પર બેસી, બંને હાથ ઢીંચણ પર ટેકવીને ઝીણું ઝીણું સ્માઇલ આપીને ફોટા પડાવતા હતા. સ્માઈલો તેઓ હૉબીની જેમ વાપરે છે.

વજુભાઇ વાળા રાજ્યના વૉશિંગ-પાવડર નિર્માતાઓને ખખડાવતા હતા કે, આટઆટલા પ્રયત્નો કરવા છતાં એમના કપડાં ઉપર દૂધ જેવી સફેદી કેમ નથી આવતી ? કોક બોલ્યું ય ખરૂં કે, મહિને એક વાર કપડાં ધોવડાવવા પડે, સાહેબ.

લોકસાહિત્યના માણસ પુરૂષોત્તમ રૂપાલા ખભે બે જોટાળી ‘બંઘૂક’ લઇને નવા પ્રદેશ પ્રમુખ શોધવા નીકળ્યા હતા, એટલે ઘટના સ્થળે ઉપસ્થિત નહોતા. નવો અને સારો પ્રદેશ-પ્રમુખ ન મળે તો ગમે તે એકને આજે ભડાકે દઉં...! આખો પ્રદેશ મૂંઝાયો એ વાતે હતો કે, રૂપાલા સારા પ્રમુખમાં જરૂર આવે, પણ નવામાં ન ચાલે. પ્રદેશ-પ્રમુખોનું તો એવું જ હોય. નવો હોય ઇ હારો નો હોય... અને હારો હોય, ઇ નવો કિયાંથી હોય ?

સિંગતેલ હવે ડબ્બાને બદલે રૂપિયા-રૂપિયાના પાઉચ-પૅકિંગમાં વેચવું પોસાય એમ છે કે નહિ, તે સવાલ ઉપર મૂંઝાયેલા નરોત્તમ પટેલ કાનમાં તેલવાળી ભૂંગળી નાંખીને ખણતા હતા.

સામેની ફૂટપાથ પર તંબૂ નાંખીને પડેલા કોંગી-આગેવાનો શક્તિસિંહજી, સિઘ્ધાર્થ પટેલ અને મોઢવાડીયા ગાંધીનગરમાં ભાજપના મંત્રીઓના પાળીયા ક્યા ક્યા સ્થળે મૂકાવવા, તેના આયોજનમાં હતા. અલબત્ત, ભાજપના મંત્રીઓ-ધારાસભ્યોના પાળીયા પાઉચ-પૅકિંગની સાઇઝના બનાવડાવવા કે એક પાળીયો બનાવડાવી, બધાની એની ઉપર સહિઓ લઇ લેવી, એ વાતે પક્ષમાં જરી ચડભડ હતી.

આ બધામાં હનુમાનજી હાથમાં અરજી લઇને નરેન્દ્ર મોદી પાસે આવ્યા. મોદી તુર્ત જ પ્રણામની મુદ્રામાં ઊભા થઇ ગયા.

પ્રભો... આપ.. ? પ્રણામ પ્રભો... ગાંધીનગરમાં આપનું સ્વાગત છે. પણ આપ અહીં ક્યાંથી... અત્યારે ?’

નરૂ... ! છેલ્લા મહિનાઓથી તેલ વગર હું તરફડું છું. કોઇ ભક્ત મને તેલ ચઢાવવા આવતું નથી. વૉટ ઇઝ ધ પ્રોબ્લેમ ?’ હનુમાનજીએ પૂંછડાના છેડાને આંગળી વડે રમાડતા પૂછયું.

નરૂ, આઇ મીન-મોદી ટૅન્શનમાં આવી ગયા. એક તો સાક્ષાત હનુમાનજી પહેલીવાર પોતાના આંગણીયે પધાર્યા હતા અને તે ય એવી રાવ લઇને, જેનો પોતાની પાસે કોઇ ઉકેલ નહોતો. નતમસ્તકે નરેન્દ્ર મોદી બોલ્યા, ‘આપ પધાર્યા છો પ્રભો. આપ અમારા મેહમાન છો, પણ તેલની મુશ્કેલીઓ દૂર કરવાનું મારા હાથમાં નથી. ક્ષમા પ્રભુ ક્ષમા... પણ પ્રજાને તેલ આપવાનું અને પ્રજાનું તેલ કાઢવાનું કામ દિલ્હીમાં બેઠેલા મનુબાપા કરે છે.. આપ એમની પાસે જાઓ !’

મનુ બાપા...? એ વળી કયા નવા બાપા આયા... ? એ કાઠીયાવાડના કોઇ બહારવટીયા છે ?’ હનુમાનજીને સમજ ન પડી.

મોદી ખડખડાટ હસીને બોલ્યા.

મનુ બાપા... ! અરે આપણા વડા પ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંઘજી...! કૃપયા, આપ એમની પાસે જાઓ. આમાં હું કાંઇ કરી ન શકું.’

થાકેલા હૈયે હનુમાનજી દિલ્હી જવા રવાના થયા.

મનુબાપા મોટો દરબાર ભરીને બેઠા હતા. બાપા બોલે ત્યારે શું બોલે છે, એ સમજાવવા માટે હિંદીમાં જ હિંદીના દુભાષિયા રાખવા પડ્યા હતા. એમના ગળામાંથી અવાજ નીકળતો નથી, એટલે સ્વયં હનુમાનજી એવું સમજ્યા કે, કાકા ય તેલ બહુ પીતા લાગે છે. અહીં ભીડ મોટી હતી. ભલભલા દેવી-દેવતાઓ હાથમાં ફાઇલો લઇને આંટા મારે રાખતા હતા. સ્વર્ગની દિવાલો પર એક સુંદર છતાં આધેડ વયની મહિલાના હાથ જોડતા સેંકડો ફોટા હતા. આ સ્વર્ગ જ હોવાથી કોઇ પણ ફોટા નીચે કોઇને બી માટે ‘સ્વર્ગસ્થ’ લખવાની જરૂર ન પડે, એટલે એ ફોટાઓની નીચે ‘પૃથ્વીસ્થ’ લખવામાં આવ્યું હતું.

અચાનક હનુમાનજીના ખભે કોઇનો હાથ મૂકાયો. હનુમાનજીએ હિંદી ફિલ્મો ઘણી જોઇ હતી. એમને ખબર કે, આ રીતે કોઇ પાછળથી ખભે હાથ મૂકે, તો હલ્યા વગર આપણે પણ ખભાની પાછળ જોઇ લેવાનું હોય છે. એમણે જોયું, તો સાક્ષાત્ પ્રભુશ્રી રામ ઊભા હતા. ચેહરા પર એ જ જૂનું સ્મિત, પણ વેદના વાળું. હનુમાનજીને આશ્ચર્ય થવું જોઇતું હતું, થયું... !

અરે હનુમાનજી, આપ ઔર ઇસ વક્ત.. ? અહીં નવી દિલ્હીમાં શું કરી રહ્યા છો ?’ પ્રભુ શ્રીરામ બોલ્યા.

પ્રભો... મારા ચરણસ્પર્શ સ્વીકારજો. પણ હું તેલમાં ભરાયો છું. હાળું, વર્ષો થઇ ગયા, કોઇ મને તેલ ચઢાવવા નથી આવતું ગાંધીનગરમાં હું નરૂને મળ્યો. એમણે કીઘું કે, તેલના પ્રશ્નો અહીં દિલ્હીમાં મનુબાપા હંભાળે છે, એટલે ફરિયાદ કરવા આયો છું.. !’

હનુમાનજી.... જ્યાંથી આવ્યા છો, ત્યાં જ ઠેકડો મારીને પાછા તાબડતોબ રવાના થઇ જાઓ... ક્વીક.. ક્વીક.. હરી-અપ....!’ શ્રીરામે કીઘું.

કેમ પ્રભો કેમ ? સ્વયં આપ જ મને અહીંથી જવાનું કહો છો ?’

‘..... ત્યારે શું અહીં તમારે લાટા લેવાના છે ? અરે, હું છેલ્લા દસ વરસથી મારૂં રામ મંદિર બંધાઇ આલવા, આ મનમોહનસિંઘ પાસે ધક્કા ખાધે રાખું છું... મારૂં કાંઇ પતતું નથી ને તમે ---’

એક ‘સુઉઉઉઉ...મ્મ્મ’ કરતા પવનના ઝપાટા જેવો અવાજ આવ્યો. પ્રભુએ જોયું તો કાચી સૅકન્ડમાં હનુમાનજી અલોપ થઇ ગયા હતા.

સિક્સર
- નવા વર્ષનો કોઇ સંકલ્પ ?
- એક જ. તમારા ધર્મ કરતા દેશ વધારે મહાન છે, એટલું કમ-સે-કમ એક ભારતીયને સમજાવી શકું.

No comments: