Search This Blog

20/01/2010

બાથરૂમ ચિંતન

એક મહાન તપસ્વીની માફક (મારા પોતાના) બાથરૂમમાં સેંકડો કલાકો ગાળ્યા પછી મને બાથરૂમ વિશેની કેટલીક ચોંકાવનારી ચિંતનકણિકાઓ મળી આવી છેતે અત્રે પ્રસ્તુત કરૂં છું... જયહિંદ.

(૧) યુઘ્ધના મેદાનમાં અને બાથરૂમમાં કોઇ પોતાની મરજીથી નથી જતું. ગયા પછી ભલે મહીં ફના થઇ જાયપણ એક વીર સિપાહી જેવો જોસ્સો અને મારી નાખું... ફાડી નાંખુંવાળું ઝનૂન આ બન્ને સ્થળે આવતું નથી. ટૉઇલેટને શાંતિઘાટ’ જેવું નરમ નામ આપવામાં આવ્યું છેતો બાથરૂમ જન્નત-એ-ફિરદૌસ’ કહેવાય છે. અમારા દૂરના કોક ડોહા બાથરૂમમાં જઇને ભમ્મ થઈ ગયા અને ત્યાં જ પૂરા થઇ ગયાત્યારે તેઓ જન્નતનશીન’ થયા છેએવું કહેવામાં આવતું.

(૨) બાથરૂમમાં નહાવા જવુંએ રોજની ફરજના એક ભાગ તરીકે જ સ્વીકારાયું છે. સવારે ઉઠ્યા પછીબ્રશ કરવું કે નહાવા જવુંએ સઘળી પ્રક્રીયાઓને કલાત્મક સ્વરૂપે જોવામાં આવતી નથી. સવારની તમામ ક્રિયાઓમાં તમે ધારો તો A Touch of Art આપી શકો છોપણ કોઇ નથી આપતું. જખ મારીને નહાવા જવું પડે છેએટલે લોકો જાય છે. ભગવત-ગીતામાં ભલે કહ્યું હોય, कर्मण्ये वाधिकारस्ते , माँ फलेषु   कदाचन,  એમ બાથરૂમમાં ધૂસતી કોઇપણ વ્યક્તિ, ‘તું તારે અંદર જઇને તારૂં કર્મ કરે જા... ફળની આશા ન રાખીશ,’ એવું વિચારતી નથી. ફળ નહિ તો છેવટે સાબુની આશા તો એને રાખવી પડે છે. ફળ વગર નહવાતું નથી.

(૩) બાથરૂમમાં જતા પહેલાની અને નાહીને બહાર નીકળ્યા પછીની આપણી બૉડી-લૅન્ગ્વેજ અલગ હોય છે. જેને ગુજરાતીમાં તરવરાટ કહેવામાં આવે છે તેનો અહીંઅંદર જતા પહેલા સંપૂર્ણ લોપ થયેલો જણાય છે. જગતની કોઈપણ વ્યક્તિ બાથરૂમમાં સિસોટી વગાડતી વગાડતી જતી નથી. અડધી ઊંઘમાં મોંમાંથી ફૂંકે ય કેટલી નીકળેનહાવા જવાનો જે ઉશ્કેરાટ અને થનગનાટ થવો જોઇએતે થતો નથી. ડૉક્ટર અંદર બેઠા હોય ને બતાવવા જવાનું હોયએમ ભારે પગે’ લોકો નહાવા જાય છે. સ્ત્રીઓ તો નૅવર... સિસોટી વગાડતી બાથરૂમમાં જતી નથી. એ લોકોને તો નહાતા નહાતા ય સિસોટા વગાડવાનું ફાવતું નથી. આવાઓની પાસેથી સમાજ વધારે તો શું અપેક્ષા રાખી શકે? ...આ તો એક વાત થાય છે.

(૪) અડધા લોકોઅડધી ઊંઘમાંઅધખૂલી આંખેઅડધા બાથરૂમમાં દાખલ થતા હોય છે ને આખું માથું દરવાજે ભટકાડી દે છે. અડધી ઊંઘમાંનીચે પહેરવાનો ટુવાલ ખભે લટકાવ્યો હોય છે ને ઊંઘમાં યાદ આવતું નથી કેનીચે કંઇક પહેરીને જવું જોઈએ. સ્ફૂર્તિલા માનવોએ બાથરૂમમાં થનગનાટ સાથેઆવડે એવો ડાન્સ કરતા કરતા જવું જોઈએ. અહીં ભારતીય પઘ્ધતિનું નૃત્ય નહિ, (ભાંગડા હજી ચાલે!) વૅસ્ટર્ન-ડાન્સ કરતા કરતા જવું સલાહભર્યું મનાયું છે. વારાફરતી એકએક ઢીંચણ ઊંચો કરીકમરેથી સહેજ સહેજ વળી ગળામાંથી ‘શોલેના મેહબૂબા મેહબૂબા...’ જેવા અવાજો કાઢતા કાઢતા અંદર જવાથી શરીરમાં એક પ્રકારનો ભીનો રોમાંચ આવે છે. નહાવાને તમે નીગ્લૅક્ટ ન કરો. ઘરની બહાર નીકળ્યા પછીસમાજ તમે કેવું નહાયા છોએ જોઇને તમારી પર્સનાલિટી નક્કી કરવાનો છે. બાથરૂમોનું તો કેવું છે? ‘માંહી પડ્યા તે મહાસુખ પામેદેખનહારા દાઝે જોને...!’ બાથરૂમો ફક્ત નહાવા માટે જ બન્યા છે. કોઇ મહત્વાકાંક્ષી મનુષ્ય બાલ્કનીમાં ઊભો ઊભો નહાઇ શકતો નથી. ગુજરાતમાં બાલ્કનીનો ઉપયોગ ફક્ત કપડાં સૂકવવા થાય છે.

(૫) વડિલોની બાથરૂમમાં જવાની પઘ્ધતિ ન સમજાય તેવી છે. એ લોકો બાથરૂમને બદલે વિશ્વપ્રવાસે નીકળવાનું હોયએટલી તૈયારીઓ કરીને મહીં જાય છે. અંદર લઇ જવાની ચીજવસ્તુઓ અને સામાન ગોતવામાંતેમ જ ટુવાલની વ્યવસ્થિત ગડી વાળવામાં તેઓ આખો એક કલાક વાપરી નાંખે છેપણ જેટલો સમય અંદર જવામાં લગાડે છેએટલો નહાવામાં નથી લેતા... કેમ જાણે કોઇપણ પ્રકારના નહાવામાંથી એમનો રસ ઊડી ગયો ન હોયવડિલોને નહાતી વખતે સતત સતાવતો પ્રોબ્લેમ હાથમાં સાબુ પકડી રાખવાનો હોય છેજે દર બીજા ઝાટકે હાથમાંથી પટ્ટ કરતો’ સરકી જાય છે. ચશ્મા પહેરીને નાહી શકાતું ન હોવાથીબાથરૂમની ફર્શ પર હાથ ફેરવી ફેરવીને જ્યાં ને ત્યાં સાબુ શોધવો અઘરો પડે છે. આપણે દરવાજાના કાણામાંથી જોઇએતો ડોહાને સાબુ ગોતતા જોઇનેકલાપિની કવિતા યાદ આવી જાય, ‘‘ફૂલ વીણ સખેફૂલ વીણ સખે... હજુ તો ઊગતું પ્રભાત જ સખે...!’’

(૬) ભલે આ વાત હું હજારો વાર લખી ચૂક્યો હોઉં. પણ એ તો રામબાણ વાગ્યા હોય એ જાણે. આ સકળ વિશ્વમાં તમે ૭૦-૮૦નું આયુષ્ય લઈને આવ્યા હો છો. અનેક લોકોએ તમને માનસિક અને શારીરિક ઝટકા આપ્યા હોય છેપણ જગતનો સૌથી કારમો ઝાટકોસખ્ત શિયાળાની વહેલી પરોઢની કડકડતી ઠંડીમાંભૂલમાં પાણી ગરમ થયેલું સમજીને ઠંડા પાણીનું ડબલું તનબદન પર રેડી દો છોત્યારે વાગે છે. એક તો સાલો ધાબળો-બાબળો પહેરીનો તો કાંઇ નહાવા બેઠા ન હોઇએ-ઉઘાડા હોઈએ ને એમાં કોરીધાકોડ સ્કીન પર ઠંડા પાણીનું ડબલું પડેપછી ધ્રૂજી ન જવાય? (જવાબ : જરૂર  ધ્રૂજી  જવાય. : જવાબ પૂરો) કોરા બરડા ઉપર કોઇ એક નાની ટાંકણીનું ટોચકું અડાડેતો ય ભફ્ફ દઇને ટટ્ટાર થઈ જવાય છેત્યારે ઠંડા પાણીનું ડબલું હજારો ટાંકણીઓ એકસામટી ભોંકાતી હોયએવું લખલખું શરીરમાં દોડાવી દે છે. આ સહન ન થાય.

(૭) બાથરૂમો પર્યટન-સ્થળ જેવા હોય છે. ત્યાં રોકાઈ જવાનું હોય નહિ... મોડું-વહેલું પાછા આવવાનું હોય છે. કેટલાક મુમુક્ષુઓ અંદર ગયા પછી બહાર જ નીકળતા નથીએવું આપણને ફીલ કરાવે. રામ જાણે અંદર જઇને શું કરતા હશેપણ એ લોકોએ બાથરૂમ ને બૅડરૂમ વચ્ચેનો ફરક સમજવો જોઈએ. બાથરૂમમાં ગમે તેટલા ખાડા-ટેકરા હોયતે કદી માઉન્ટ આબુનું સ્થાન લઇ શકવાના નથી. ત્યાં જઇને સમયસર પાછું જ આવવાનું હોય.

(૮) બાથરૂમો અને ગરોળીઓ વચ્ચે આદ્ય સંબંધ છે. કમનસીબેભીંત પર સ્થિતપ્રજ્ઞ થઈને ચીટકેલી ગરોળી ઉપર આપણું ઘ્યાન અંદર જઇને સ્ટોપર માર્યા પછી પડતું હોય છે. એક મ્યાનમાં બે તલવારો કદી સાથે ન સચવાયએ ધોરણે એની પરવાહ કર્યા વિના તમે ઊંઘું ઘાલીને નહાવા માંડોતો ય હમણાં પડશે... હમણાં પડશેવાળી ભીતિ આપણને સરખી રીતે નહાવા પણ નથી દેતી. અહીં તો મરદ માણસ પણ એને કાઢવા મોંઢેથી ‘‘છીછ... છીછ...’’ કરી શકતો નથી. એમ કરવામાં હાળી ક્યાંક પડે તોદોડાદોડ કરે તો ય આપણા માટે ભાગવાની ભૂમિ મર્યાદિત હોય. ક્યાં જાઓ તમેહું પોતે મરદ માણસ એક હજાર એકસો ને આઠવાર... પણ ગરોળી સામે સહેજ બી બહાદુરી બતાવી શકતો નથી. અમે મહાન માણસો મહાયુઘ્ધોકાળઝાળ ગરમી કે મરવા પાડેલી સાસુથી કદાપિ ન ડરીએ... ગરોળીથી ડરવું પડે!

(૯) શેરબજારમાં નહાવા કરતા બાથરૂમમાં નહાવું સારૂં.

સિક્સર
આજકાલ ભણેલાગણેલાઓ ખોટું ઇંગ્લિશ બોલવા માંડ્યા છે. Anyways નામનો કોઇ શબ્દ જ નથી. Anyway જ બોલાય. કઝીન’ શબ્દમાં જ બ્રધર’ આવી ગયોતો ય લોકો કઝીન-બ્રધર’ બોલે છે.

No comments: